Prem-4 books and stories free download online pdf in Gujarati

Prem-4

પ્રેમ એટલે – 4

દિનેશ દેસાઈ

(નોંધઃ- આ રીતે ટાઈટલ આપીને આપણે સિરિઝ તરીકે કવરપેજની ડિઝાઈન ડિસપ્લે કરીએ તો સારું.)

---------------------------------------------------------------------------------

હેડિંગઃ-

પ્રેમ એટલે સમગ્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સ્વીકાર

દિનેશ દેસાઈ

પ્રેમની અનુભૂતિ આપણને હળવાશ અને નિતાંત સ્વતંત્રતાનો પણ અહેસાસ કરાવે છે. આપણું જીવન કોઈ તનાવ કે ચિંતાથી મુક્ત બની જતું હોય છે. પ્રેમ જીવનનું ચાલકબળ બને છે. પ્રેમ જીવનની ગાડીને ફ્યુઅલ-ઈંધણ આપવાનું કામ કરે છે.

---------------------------------------------------------------------------------

જાણીતા રામકથાકાર પૂજ્યશ્રી મોરારિ બાપુએ એક વાર કહેલું કે “જીવન ક્ષણભંગુર છે, પરંતુ પ્રેમ અને ભક્તિ તો શાશ્વત મુક્તિનો માર્ગ છે. તમારો પ્રેમ શરીર સાથે નહીં, આત્મા સાથે જોડાણ કરે છે અને પ્રેમ-ભક્તિનો માર્ગ તમને આત્મકલ્યાણ સુધી લઈ જાય છે.”

આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે, એ સાથે આત્મા સ્વયં પરમાત્મામાં વિલીન થઈ જાય છે. આત્માના અતળ ઊંડાણમાંથી પરમાત્માનો પોકાર આવે છે, જેને આપણે આત્માનો અવાજ પણ કહીએ છીએ. જ્યારે તમે તમારા અસ્તિત્વને પ્રિયજન માટે ન્યોછાવર કરી દો છો, પ્રિયજનના અસ્તિત્વમાં તમારા અસ્તિત્વને ઓગાળવા અને એકરુપ કરવા તત્પર થઈ જાઓ છો, એવી તૈયારી જ સમર્પણનું પ્રથમ પગથિયું છે. આ બધું તમારી મરજીથી જ થાય છે. કેમ કે તમારી મરજી વિના તમારી ભીતર કોઈ પ્રવેશી શકે નહીં.

ખરો પ્રેમ તમારા સમગ્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વનો સ્વીકાર કરે છે. ખરો પ્રેમ તમારા અસ્તિત્વ અને વ્યક્તિત્વ ઉપર આક્રમણ કરતો નથી. તમારો સ્વીકાર અથવા એકરાર હોય તો જ ખરો પ્રેમ તમારી ભીતર પ્રવેશ કરે છે. ખરો પ્રેમ એ જ પ્રિયજન અને એ જ પરમાત્મા કે જે વણનોતર્યો મહેમાન પણ નથી કે તમારા આમંત્રણ વિના તમારી સમીપ આવી જાય. તમે ચાહો તો જ કોઈને તમારી નજીક અને તમારી ભીતર પ્રવેશવા દઈ શકો છો. આ છે પ્રેમની સ્વતંત્રતા અને નિર્દોષતા.

પ્રેમની અનુભૂતિ અને ભક્તિની પવિત્રતા માણસને મુક્તિ અને પરાકાષ્ઠાની અનુભૂતિ કરાવતી હોય છે. પ્રેમની અનુભૂતિ આપણને હળવાશ અને નિતાંત સ્વતંત્રતાનો પણ અહેસાસ કરાવે છે. આપણું જીવન કોઈ તનાવ કે ચિંતાથી મુક્ત બની જતું હોય છે. પ્રેમ જીવનનું ચાલકબળ બને છે. પ્રેમ જીવનની ગાડીને ફ્યુઅલ-ઈંધણ આપવાનું કામ કરે છે.

પ્રેમમાં આપણે શરણાગતિ અને સમર્પણભાવની વાત પણ કરી. દુનિયાની નજરમાં તો પ્રેમી વ્યક્તિ એકમેકના ગુલામ બની ગયા એવું જ દેખાયા કરશે. પરંતુ કોઈ આપણી ભીતર ડોકિયું કરીને જુએ તો ખ્યાલ આવે કે પ્રેમમાં બંધન નથી પરંતુ મુક્તિની અનુભૂતિ છે. પ્રેમમાં જે સ્વતંત્રતા અનુભવાય છે, એ પ્રિયજનની હાજરી અને સંગતના કારણે અનુભવાય છે. પ્રેમનું બંધન છતા ભક્તિની શક્તિ થકી મુક્તિનો આનંદ. આ જાદુ પ્રેમનો છે.

ધારી લો કે કોઈ વ્યક્તિ ચાર દીવાલોમાં કેદ છે. આ સ્થિતિ ખરા અર્થમાં સજા છે. પરંતુ હવે ધારી લો કે ચાર દીવાલોમાં રહેનાર વ્યક્તિ પાસે તેની પ્રિયતમા જઈ પહોંચે છે અને તેની સાથે જ રહેવા લાગે છે. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વ્યક્તિને પહેલા તો ચાર દીવાલોની કેદ લાગતી હતી પરંતુ હવે એ જ ચાર દીવાલોમાં પોતાની પ્રિયતમા સાથે સતત રહેવાનું કોઈ સ્વર્ગથી કમ લાગતું નથી.

પહેલા જે ચાર દીવાલોનો ઓરડો વ્યક્તિને જેલ લાગતો હતો એ જ જગ્યા હવે એ જ વ્યક્તિને પ્રેમ પામવાથી મહેલ લાગવા માંડે છે. પહેલા તો તેને કેદમાંથી નીકળવાનો વિચાર પણ આવતો. હવે તેને આ જગ્યા છોડવાનું પણ મન થતું નથી. જગ્યા એક જ છે, વ્યક્તિ પણ એક જ છે, પરંતુ પ્રેમની હાજરી અને ગેરહાજરી તમારા જીવનમાં કેવા ફેરફાર કે ચમત્કાર સર્જી શકે છે, તેનું આ ઉદાહરણ છે.

આ સંજોગથી તદ્દન જુદા સંજોગનું ઉદાહરણ પણ સમજીએ. માની લો કે કોઈ વ્યક્તિ ચાર દીવાલોની કેદના બદલે ખુલ્લા આકાશ નીચે સરસ મજાની હરિયાળી અને પહાડોની તળેટીમાં કુદરતના ખોળે બેઠેલ છે. અહીં કોઈ જ બંધન નથી. ઉડવું હોય તેટલું અનંત આકાશ છે અને જ્યાં પણ જવું હોય ત્યાં જવા વિવિધ રસ્તાઓ છે. આ વ્યક્તિ સ્વતંત્ર હોવા છતા તેની પાસે તેની પ્રિયતમા નથી અને તે એકલો પડી ગયો છે.

વ્યક્તિ બધું જ કરી શકે એમ હોવા છતા કશું જ કરી શકતો નથી. કારણ કે તે દુનિયાની નજરમાં સ્વતંત્ર છે, પરંતુ તે ચાલીને કે ઊડીને ક્યાં જાય? અને કોના માટે જાય? પ્રેમની ગેરહાજરી ખુદ માણસને કેદી યા બંદીવાન બનાવી દેતી હોય છે. પ્રેમમાં ઊડવા માટેનું આકાશ તો સામી વ્યક્તિ જ આપી શકતી હોય છે. પ્રેમમાં સ્પેસનું પણ મહત્વ છે. એકબીજાને એકમેકની હાજરીથી ગુંગળામણ પણ ન થવી જોઈએ.

દુનિયાના લોકો જોઈ શકે કે વ્યક્તિ સ્વતંત્ર અને મુક્ત છે, પરંતુ વ્યક્તિ જાણે છે કે તે પ્રેમ વિના કેદી અને અપંગ છે. તે કશું કરી શકતો નથી. ટૂંકમાં પ્રેમની કેદ માણસને કેદ લાગતી નથી. એમાં તે સ્વતંત્રતા અને સુરક્ષા અનુભવે છે. પોતાના પ્રિયજન પોતાના ઉપર કાળજી અને સંભાળની વર્ષા કરી દે ત્યારે એકાદ ક્ષણ પ્રિયજનને એમાં ગુલામીની માનસિકતા કે માલિકીપણાંની ભાવના પણ અનુભવાય છે. પરંતુ ખરેખર તો એમાં સામી વ્યક્તિનો પ્રેમ, કાળજી, નિસબત અને સંબંધનું ટકાઉપણું જ સમાયેલાં હોય છે.

પ્રેમનું આકાશ અને મોકળાશ-સ્પેસ પ્રિય વ્યક્તિ જ આપી શકે. પ્રેમનો સ્વાદ પોતાને પ્રેમ કરતી વ્યક્તિ જ ચખાડી શકે. પ્રેમનું રસાયણ કે દવા કોઈ ફાર્મા કંપની બનાવી શકે નહીં કે કોઈ મેડિકલ સ્ટોરમાં જઈને ખરીદી શકાય નહીં. જ્યારે બીજી વ્યક્તિ પોતાનો પ્રેમ આપવા માટે પોતાનું સમગ્ર અસ્તિત્વ અર્પણ કરે છે અને પોતાની ભીતરનું દ્વાર ખોલે છે ત્યારે જ પહેલી વ્યક્તિ પ્રેમમાં, પ્રિયજનમાં પ્રવેશ કરી શકે છે.

પ્રેમ સ્વતંત્રતા પણ છે અને જાતે પસંદ કરેલી ગમતીલી કેદ પણ છે. પ્રેમમાં પૂર્ણ સમર્પણ એટલે ભક્તિની પરાકાષ્ઠા. આવી ભક્તિ જ મુક્તિનો અનુભવ કરાવે છે. મહત્વની વાત એટલી જ કે આમ કરવા માટે પ્રેમ અને પ્રેમી પાત્ર અનિવાર્ય છે. પ્રેમ વિના બધું જ નકામું છે. પ્રિય વ્યક્તિનો જીવનમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી પ્રેમ પણ સંભવ નથી.

જીવનભર કોઈને પ્રેમ ન પણ મળે એવું પણ બને. જિંદગીમાં કોઈ પ્રિયજનનું આગમન થાય એ પણ નસીબની વાત હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં આવું નસીબ હોતું નથી. જો ખરેખરો પ્રેમ હોય તો પ્રેમ પણ ઈશ્વરના આશીર્વાદ છે. પ્રેમના નામે માત્ર આકર્ષણ જ કેન્દ્રસ્થાને હોય તો એવું આકર્ષણ લાંબો સમય ટકતું પણ નથી અને એવા સંબંધ તકલાદી અને તકવાદી બની રહે છે.

પ્રેમ ન હોય તો સમર્પણ કોને કરશો? એટલે કે પ્રેમની ગેરહાજરીમાં સમર્પણ પણ વ્યર્થ બની જાય છે. આમ જો પ્રેમ, પ્રિય વ્યક્તિ અને તેના પ્રત્યે સમર્પણ જ નહીં હોય તો ભક્તિ અને મુક્તિ પણ શક્ય બનવાની નથી. ટૂંકમાં એક પ્રેમી પાત્ર જ બીજા પ્રેમી પાત્ર માટે સર્વસ્વ સમાન હોય છે. પ્રેમના કારણે જ માણસને ઊર્જા મળે છે, અનન્ય શક્તિ અને ભક્તિ પણ મળે છે. એ વિના બધું જ નકામું અને અર્થહીન છે.

પ્રેમ કરવો છે પણ કશું આપવું નથી, તો પ્રેમ ક્યાંથી સંભવ બને? આપીને પામવાનું નામ એટલે પ્રેમ. માગીને પામવાનું નામ પ્રેમ ન હોઈ શકે. પ્રેમ કોઈ ભિક્ષા નથી કે માગવામાં આવે. પ્રેમ એટલે જ ઉદારતા. આપતા રહેવાનો આનંદ એટલે પ્રેમ.

પ્રેમ બે હૃદયમાં અનુભવાતી એ અનુભૂતિ છે કે જે સમાન આદર અને સમાન વિશ્વાસમાં સમાયેલી હોય છે. પરમ સમીપનો આનંદ એટલે પ્રેમ. કોઈ ઊંચ-નીચ નહીં, કોઈ મોટો-નાનો નહીં, કોઈ અમીર-ગરીબ નહીં, એટલે પ્રેમ. ફક્ત દિલની મોટપ, દિલની ઊંચાઈ, દિલની મોટાઈ અને દિલની અમીરાઈ એટલે પ્રેમ.

“આઈ લવ યુ...” કહેવાથી પ્રેમ શબ્દોમાં વ્યક્ત થઈને સામેવાળાના કાન સુધી તો પહોંચે, પણ પ્રેમ સામી વ્યક્તિને પુરવાર પણ થવો જોઈએ ને. સામેની વ્યક્તિને તમે પ્રેમનો અહેસાસ કરાવો તો જ પ્રેમ હૃદય સુધી પહોંચે. બાકી તો વાતોનાં વડાં અને ટાઈમપાસ. બીજું શું?

એક સરસ મજાની સંવેદનશીલ વાત છે. એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર ઉડ્યા કરતુ હતું.

ફુલે પંખીને પૂછ્યું કે “તું કેમ મારી આસપાસ જ ઉડ્યા કરે છે?”

ત્યારે પેલા પંખીએ હસતા હસતા કહ્યું કે “ખબર નહિ કેમ, પણ તારાથી દુર જવાની મને ઈચ્છા જ નથી થતી. મને બસ એમ જ થાય છે કે હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.”

ફુલને થયું કે આ પંખી તો સાલું માથે પડ્યું છે અને મારો પીછો મૂકે તેમ લાગતું નથી. મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે.

એણે પંખીને કહ્યું, “ખરેખર, તું કાયમ મારી સાથે જ રહેવા ઈચ્છે છે?”

પંખી આ સંભાળીને એકદમ આનંદમાં આવી ગયું. તેને તો એવું લાગ્યું કે જાણે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું.

એણે તો તુરંત જ કહ્યું કે “હા. હું કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.”

ફુલે કહ્યું કે “જો હું અત્યારે સફેદ છું પરંતુ જયારે હું લાલ રંગનું થઇ જઈશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.”

આ સાંભળીને પેલું પંખી તો નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું. ફુલ વિચારમાં પડી ગયું કે મારો સફેદ રંગ તો પ્રકૃતિદત્ત છે. હું લાલ રંગનું તો થવાનું જ નથી. મેં તો આ પંખીનો પીછો છોડાવવા માટે જ આમ કહ્યું છે, પણ આ પંખી તો એવું માની બેઠું લાગે છે કે હું લાલ થઇ જઈશ અને તેને સમર્પિત થઈ જઈશ. આ પંખીની બુદ્ધિ કામ કરતી બંધ થઇ ગઈ લાગે છે. આ પંખી પાગલ થઈ ગયું લાગે છે.

પેલા ફૂલની આસપાસ તો ખુબ બધા કાંટા હતા. પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે ઘસવાનું અને અથડાવવાનું શરુ કર્યું. પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડી-ઊડીને ફૂલ પર પડવા માંડ્યા અને ફૂલ તો ધીમે ધીમે લાલ થવા માંડ્યું. થોડી વારમાં તો પંખીનું આખું શરીર વીંધાઈ ગયું અને પેલું સફેદ ફૂલ હવે લાલ થઇ ગયું. ફૂલને હવે સમજાઈ ગયું કે પંખી પોતાને કેટલો બધો પ્રેમ કરે છે...!

સફેદમાંથી લાલ થઈ ગયેલું એ ફુલ પેલા ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચું નમ્યું અને કહ્યું કે “તું મને માફ કરજે. મેં તો તારા પ્રેમને ગંભીરતાથી લીધો જ નહોતો કે તારી મારા તરફની લાગણીને પણ ક્યારેય સમજી નહોતી. મેં તો તારા પ્રેમને ગાંડપણ અને માત્ર મજાક જ માન્યો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હું પણ તને પ્રેમ કરું છું.”

ફૂલ સતત બોલતું રહ્યું પણ સામેથી કોઈ જ જવાબ ન મળ્યો, ત્યારે ફૂલને સમજાયું કે મને ચાહનારું પંખી તો મૃત્યુ પામ્યું છે અને હવે ઘણું મોડું થઇ ગયું છે. આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ. સાચા પ્રેમનો સ્વીકાર કરવામાં ક્યાંક મોડું ન થઈ જાય એટલું સમજાય એટલે બેડો પાર.

પ્રેમની પરાકાષ્ઠા પણ સમજીએ. પ્રેમ કરવો યાને પ્રેમની શરુઆત કરવી કદાચ સહેલી છે, પરંતુ આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ નિભાવી રાખવો બહુ અઘરું હોય છે. કોઈના પ્રેમનો અસ્વીકાર કરવો આસાન હોય છે, પણ કોઈનો પ્રેમ ભુલવો બહુ કઠિન છે. મંદિર બનાવવું આસાન છે, પણ એમાં રોજબરોજ પૂજા કરવાનો ખર્ચ ઊઠાવવો કઠિન કાર્ય છે.

દુનિયામાં એવી કોઈ વ્યક્તિ ન હોઈ શકે કે જે પ્રેમ કરવા માગતી ન હોય. દરેક વ્યક્તિ પાસે હૈયું કોમળ જ હોય, પથ્થરનું નહીં. પ્રેમમાં ડૂબવાનું સૌને મન હોય. પ્રેમ નજર સમક્ષ મળી આવે પણ ખરો. પરંતુ કેટલાક કારણો હોય છે કે નજર સામે ગંગા હોય અને તમે ડૂબકી ન લગાવી શકો. એમાં તમારા નસીબનો દોષ હોઈ શકે. તમારા નસીબમાં પ્રેમ ન પણ હોય. પ્રેમ તો આપણી આસપાસ હોય જ છે. પ્રેમ આપણને પોકાર કરે પણ ખરો. પરંતુ આપણો સ્વભાવ, આપણો અહંકાર, આપણું અતડાપણું, આપણો ડર યા ભય, આપણી સામાજિક પ્રતિષ્ઠાની જુઠી માન્યતાઓ વગેરે સંખ્યાબંધ તત્વો પ્રેમના દુશ્મન હોય છે, જે આપણને પ્રેમ કરતા રોકી લે છે.

પ્રેમ કરવો એટલે આપણા પોતાના અસ્તિત્વને સામી વ્યક્તિના અસ્તિત્વમાં સમાવી દેવું. સામી વ્યક્તિમાં એકાકાર થવું, એકરુપ થઈ જવું. જે રીતે જળ પાત્રના આકારમાં ઢળી જાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિના અને બીજી વ્યક્તિ પહેલી વ્યક્તિના આકારમાં અને અસ્તિત્વમાં ઢળી જાય છે. જે પાત્રમાં જળ પડે છે, તે પાત્ર જ જળનો આકાર બની રહે. જળનો પછી પોતાનો મૌલિક કે સ્વતંત્ર આકાર નથી રહેતો.

પ્રેમમાં વ્યક્તિનું સમગ્ર વ્યક્તિત્વ મટી જાય છે. વ્યક્તિ પોતાનો નહીં, પારકો એટલે કે બીજાનો બની જાય છે. પ્રેમ એટલે મૃત્યુની સમીપ જવાની અવસ્થા છે. પ્રેમ એટલે જાનફેસાની. પ્રેમ એટલે સામી વ્યક્તિ માટે મરી મીટવું અને મરી ફિટવું. પ્રેમ એટલે પોતાના અસ્તિત્વનો સામા વ્યક્તિના અસ્તિત્વમાં સમાવેશ કરવો-કરાવવો. પ્રેમ એટલે સામી વ્યક્તિમાં પોતાની જાતને, પોતાના અસ્તિત્વને ઓગાળી દેવું. એકબીજાના અહંકાર પણ ઓગળી જાય છે. એકમેકના રાગ-દ્વેષ પણ સમાપ્ત થઈ જાય છે. બાકી બચી રહે છે તો એ માત્ર પ્રેમ જ રહે છે.

એક હિન્દી ફિલ્મ ગીતની કડી છે કે “હમ રહે ના હમ, તુમ રહો ના તુમ...” પ્રેમ તો બધાને કરવો હોય છે, પરંતુ અડચણ એ વાતની હોય છે કે આપણે આપણી જાતને બચાવીને રાખવા માગીએ છીએ. જે પોતાની જાતને બચાવીને રાખવા માગતા હોય છે તે પ્રેમ કરી શકતા નથી. આપણે કશું જતું કરવા માગતા હોતા નથી. આપણે સમર્પણ કરવા માગતા નથી કે આપણે આપણું કશું જ ખર્ચ કરવા માગતા નથી.

પ્રેમ કરવો છે પણ કશું આપવું નથી, તો પ્રેમ ક્યાંથી સંભવ બને? આપીને પામવાનું નામ એટલે પ્રેમ. માગીને પામવાનું નામ પ્રેમ ન હોઈ શકે. પ્રેમ કોઈ ભિક્ષા નથી કે માગવામાં આવે. પ્રેમ એટલે જ ઉદારતા. આપતા રહેવાનો આનંદ એટલે પ્રેમ. આપ્યા કરવાનો ઉત્સવ એટલે પ્રેમ. જો હિસાબ-કિતાબ રાખવામાં આવશે તો પ્રેમ વરાળ બનીને ઊડી જશે. પ્રેમ કોઈ ધંધો કે વ્યવહાર નથી.

ખરેખર તો પ્રેમની અનુભૂતિ જ જીવનમાં મહત્વની છે. જે આપણને હળવાશ અને નિતાંત સ્વતંત્રતાનો પણ અહેસાસ કરાવે છે. પ્રેમ આપણને હંમેશા જીવનમાં તનાવ કે ચિંતાથી પણ દૂર જ રાખે છે. પ્રેમ એટલે જ જીવનનું ચાલકબળ. પ્રેમ જ આપણા જીવનની ગાડીને ચલાવી આપે છે.

સ્ટોપરઃ-

“પ્રેમરૂપી કંટકથી દિલને ઘાયલ કર્યા વિના કોઈ પંખી ગાઈ શક્યું છે?”

  • ખલિલ જિબ્રાન
  • ---------------------------------------------------------------------------------