Saurashtra ni Rasdhar - Part 1 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | સૌરાષ્ટ્રની રસધાર - ભાગ-1 - સંપૂર્ણ પુસ્તક

સૌરાષ્ટ્રની રસધાર - ભાગ-1 - સંપૂર્ણ પુસ્તક


રસધારની વાર્તાઓ - ૧

ઝવેરચંદ મેઘાણી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧. ચાંપરાજ વાળો

૨. ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

૩. દીકરો !

૪. ઢેઢ કન્યાની દુવા !

૫. કાનિયો ઝાંપડો

૬. ઘોડી અને ઘોડેસવાર

૭. ભીમો ગરાણીયો

૮. દેપાળદે

૯. દુશ્મન

૧૦. મહેમાન

૧૧. ચમારને બોલે

૧૨. અણનમ માથાં

૧૩. સીમાડે સરપ ચિરાણો

૧. ચાંપરાજ વાળો

મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાંં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું.

એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો (વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આ વાત હોવાનો સંભવ છે.)

એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે.

એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આઘેઆઘેથી કોઇ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર સંભળાય છે. કોઇ બાઇ માણસનું ગળું લાગ્યું.

‘નક્કી કોર નિરાધાર બોન-દીકરી!’ એમ મનમાં બોલીને ચાંપરાજે પગ ઉપાડ્યા. તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઇ લીધી.

કાછોટી છોડી નાખી, અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું. વીજળીને સબકારે બે ઓળા વરતાણા.

“માટી થાજે. કુકર્મી!” એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતાં ખૂંદતાં દોટ લીધી. નજીક ગયો.

ત્યાં ઊભો રહી ગયો. કોઇ આદમી ન દીઠો. માત્ર તેજના બે ઓળા જ દેખ્યા. અંગ ચોખ્ખાં ન દેખાણાં, પણ હતી તો સ્ત્રીઓ જ. એક ગાય છે ને બીજી રુએ છે.

“કોણ, ચાંપારાજ વાળો કે?” ગાતા ઓળાએ મીઠે કંઠે પૂછ્યું.

“હા, તમે કોણ બાઇયું ? અટાણે આંહીં શીદ કલ્પાંત કરો છો?”

“ચાંપરાજ વાળા! બીશ નહીં કે?”

“બીઉં શીદ? હું રજપૂત છું.”

“ત્યારે અમે અપસરાઉં છીએ.”

“અપસરાઉં! આંહીં શીદ?”

“આંહી કાલે સાંજે જુદ્ધ થાશે. આ ભાદરમાં રુધિર ખળકશે.”

“તે?”

“એમાં મોખરે બે જણ મરશે. પહેલો તારો ઢોલી જોગડો; ને બીજો તું ચાંપારાજ વાળો. એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બેનને વરવું પડશે, એટલે ઇ કલ્પાંત કરે છે; ને બીજા મરનાર ચાંપારાજને મારા હાથથી વરમાળા રોપવાની છે; તેથી હું ધોળમંગળ ગાઉં છું.”

ભળકડું વેગે વહી જવા લાગ્યું ને બેય ઓળા સંકોડાવા મંડ્યા. રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકાં જેવા બનવા લાગ્યા. થડક છાતીએ ચાંપરાજ પૂછે છે, “હે અપસરા! મારે પાદર જુદ્ધ કેવું ? મેં તો કોઇ હારે વેર નથી કર્યા. વસ્તી ને રાજા વચ્ચે વહાલપ વર્તે છે.”

“ચાંપરાજ! આંહીં દિલ્લીનું કટક ઊતરશે. હાલ્યું આવે છે, માર માર કરતું એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે.”

“કોણ એક જણ? શું પાપ?”

“તારો મોચી, એને કોક જોગીએ રાજી થઇ વરદાન માગવાનું કહ્યું કમતિયા મોચીએ માગ્યું કે “હું ચિંતવું તે હાજર થાય.” બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી, કહ્યું કે ‘જા, ચમારા! પ્રગટશે. ચાર દૂત નીકળશે, કહીશ તે કરશે. કૂડ માગીશ તો તરું નગર રોળાશે.”

“પછી ?”

“પછી તો, ચાંપરાજ! મોચીડે મધરાતે દીવી પ્રગટી ચાર ફિરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો.”

ચાંપરાજના હૈયામાંથી અંધારે નિસાસો પડ્યો.

“પછી તો, ચાંપરાજ! રોજ રાતે શેજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શેજાદી ચામડાંની દુર્ગંધે જાગી જાય, મોચી બીને એનાથી અળગો રહે. ભળકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દિલ્લી પહોંચાડાવે.”

ભળકડું ભાંગવા લાગ્યું, ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો, “એમ કરતાં, ચાંપરાજ! છ મહીને શેજાદીનું શરીર સુકાણું, હરમે ફોસલાવી-પટાવી બેટીને હૈયાની વાત પૂછે. દીકરીએ અંતરની વેદના વર્ણવી. પાદશાહને વિગત પાડી. પાદશાહે શીખવ્યું કે, “બેટી! આજ પૂછતી આવજે; ક્યું ગામ ? ક્યો રાજા ? પોતે કોણ ?

ને નામ શું?” એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીન ઘરમાં આળસ મરડીને શેજાદી બેઠી થઇ, પૂછ્યું, છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઇને મોચીએ નામઠામ દીધાં. એ એંધાણે પાદશાહનું કટક ચડ્યું છે. કાલની રાતે આપણે બેય સુરાપરીમાં સંગાથી હશું. ચાંપારાજ! માટે હું આજ હરખ ભરી ગાઉં છું.”

એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જટિયાં પીંખ્યાં, ચીસો પાડી. અને પરોઢિયાના કૂટતા તેજમાં બેયનાં અંગ ઓગળી ગયાં.

ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણાં ઝીણાં આંસુડાં પડતાં હતાં. ચાંપરાજ આઘે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો હતો, “રોમા, રોમા! હું જોગડાને પહેલો નહિ મરવા દઉં!”

પાઘડીનો આંટો લઇ જાણનાર એકેએક જેતપુરીઓ જુવાન ને ઘરડો રજપૂત ડોઢીમાં હલક્યો છે. શરણાઇઓ સિંધુડાના સેંસાટ ખેંચી રહી છે. અને તરઘાયો ઢોલ ધુસકાવતો જોગડો ઢોલી ધૂમે છે. જુવાનોની ભુજાઓ ફાટે છે. કેસરિયા રંગનાં રંગાડાં ઊકળે છે.

“ઇ મોચકાને બાંધીને ચીરી નાખો! ઇ કુકર્મીને જીવતો સળગાવી દ્યો!” ડાયરાના જુવાનોએ રીડિયા કર્યા. પણ એ બધાને વારતો ચાંપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો, “બાપ! થવાની હતી તે થઇ ગઇ. એમાં મોચીને માર્યે આજ કાંઇ જુદ્ધ અટકશે? અને ઇ તો ગામ બધાનું પાપ. રાજાને રૈયત સહુનું પાપ. નકર રજપૂતને ગામ ટીંબે કોઇને આવી કમત્ય સૂઝે જ કેમ ? પણ હવે આ જોગડા ઢોલીને શું કરવું છે ?”

“બાપ ચાંપરાજ! એનો પિતા એબલવાળી બોલ્યો, ઘા વાળે ઇ અરજણ! વીર હોય ઇ અપસરાને વરે. એમાં નાત્યજાત્ય ન જોવાય. મારો જોગડો પે’લો પોંખાતો. જેતપુરને ઝાઝો જશ ચડશે.”

“પણ બાપુ! ઓલી સોળ વરસની રંભા આજ ભળકડે કાંઇ રોતી’તી! બહુ જ વહરું રોતી’તી, બાપુ! એના મનખ્યો ધૂલ મળશે. માટે કહું છું કે જોગડને કોઠાની માલીકોર આજનો દિવસ પૂરી રાખીએ.”

“ઇ તે કેમ બન, ચાંપરાજભાઇ!” બીજા જુવાનોએ કહ્યું, એનો તરઘાયો વગડ્યા વિના કાંઇ શૂરાતન થોડું ચડવાનું ? બીજા હાથની ડાંડીપડ્યે કાંઇ માથાં પડે ને ધડ થોડાં લડે ?’

“તો ચાંપરાજ, હું જુક્તિ સુઝાડું.” એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું.

“જોગડાને લઇ જાવ કોઠાને માથે. ત્યાં એના ડિલને દોરડે બાંધી વાળો હાથ છોટા રાખો ને હાથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે, ને હેઠે ધીંગાણું ચાલે. પણ મજબૂત બાંધજો. જોજો, તોડાવી ન નાખો!”

“સાચી વાત છે બાપુની,” કહીને જુવાનો અંગ કસવા લાગ્યા. કેસરિયાં લૂગડાંનો ઘટાટોપ બંધાઇ ગયો. પિયાલા જેવી તરવારો સજાઇ ગઇ, ગાઢા કસુંબા ઘોળાવા અને ‘છેલ્લી વારની અંજળિયું, બાપ! પી લ્યો! પાઇ લ્યો!’ એવા હાકોટા થયા. તડકો નમ્યો. સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરી ચડતી દેખાણી.

“જો, ભાઇ જોગડા! સામે ઊભું એ પાદશાહનું દળકટક. આપણા જણ છે પાંખા. જેતાણું આજ બોળાઇ જાશે. તુંને બાંધ્યો છે તે આટલા સારું. ભુજાયું તોડી નાખજે. પણ તરઘાયો થોભાવીશ મા! આ કોઠા સામા જ અમારાં માથાં પડે ને ધડ લડે એવો ઢોલ વગાડ્યે રાખજે!”

શુરાતને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકયુર આંખે યાંપરાજની સામે નીરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઇ ગઇ છે. ધ્રૂસાંગ! ધ્રૂસાંગ! ધ્રૂસાંગ! એની ડાંડી ઢોલ ઉપર પડવા લાગી. અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમં તરવાર લઇ હાથમાં ભાલા સોતું દોટ દેતું નીકળ્યું.

પણ ન રહી શક્યો જોગડો ઢોલી! માથે કસકસાટ બાંધ્યોય ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઊભરાણું. કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીંકાઝીંક મંડાવાને હાં કે ઘડીબઘડી જાય છે. તરવારોનાં તોરણ ગયા છે.

અને રણઘેલૂડો ચાંપરાજ મોખરે ઘૂમી રહ્યો છે, ત્યાં આંહીં જોગડાની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એને ઊંચા કોઠા ઉપરથી ડિલનો ઘા કર્યો, અને સહુથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા સહુથી પ્રથમ એને મરવાનું સરજેલું હતું તે મિથ્યા ન થયું.

‘આગે છેલ્લી ઊઠતો, પેલી ઊઠ્યો પાંત,

ભૂપામાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યું, જોગડાં! (૧)

(હા જોગડા ઢોલી! તું તો નીચા કૂળનો, અગાઉ તો તારે સહુથી છેલ્લી પંગતમાં જમવા ઊઠવાનું હતું, પણ આજ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તરવારના ઘા રૂપી જમણ જમી લીધું. તેં તો ભુપતિઓમાં ભ્રાંતિ પડાવી. ભોજન તેં અભડાવી નાખ્યું)

જોગડો પડ્યો અને ચાંપરાજે સમશેર ચલાવી. કેવી ચલાવી ?

ખાંડા તણો ખડિયે, પોહવા પારીસો કિયો.

કર દીધા કલબે, આડા એભલરાઉત! (૨)

(એ રાજા! તેં તો યુદ્ધક્ષેત્રરૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા. એટલું બધું પિરસણું કર્યું કે હે એભલના પુત્ર! મુસલમાન જોદ્ધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાંઉ! હાંઉ! કરી આડા હાથ દીધા. અર્થાત તેઓ તારા શૂરાતનથી ત્રાસી ગયા.)

સર ગોળી સાબર તણા, માથે મે થિયા,

(તોય) ચાંપો ચાયે ના, ઓળા એભલરાઉત! (૩)

(ચાંપારાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાંઓને વરસદ વરસતો હતો. તે છતાં એ એભલ વાળાનો દીકરો કોઇ ઓથ લઇને એ વરસાદમાંથી ઊગરવા માગતો નથી, અર્થાત નાસતો નથી)

તું તાળાં આવધ તણી, ચકવત ચૂક્યો ના, શિયો ય તળાપ સદા, અથર્યો ચૂકેે એભલરાઉત!(૪)

(હે એભલ વાળાના પુત્ર! સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઇને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છેઃ પણ તું તારાં આયુધોનો એકેય ઘા ન ચૂક્યો.)

એ ઊભા થયેલા ધડને જાને કે છાતીએ નવી આંખો નીકળી. તરવર વીંઝતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું, ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાઠી સુધી હાંકી ગયું. ત્યાં જઇને એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાંપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો.

જોગડા ઢોલીનોે છગો (પાળિયો) જેતપુરના એ કોઢા પાસે છે ને ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો પણ પાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો ?

પતશાહે પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઇને ફૂલો દેવા ગઇ. પદશાહે પૂછ્યું કે ‘શેનાં ફૂલો છે ?’ માલણ કહે કે ‘ચંપો’ ‘અરરર, ચંપો’ કરતો પાદશાહ ચમકે છે; ‘ચંપો’ ફૂલનું નામ સાંભળતાં પણ એને લાગે છે કે ક્યાંક ચાંપો (ચાંપરાજ) છાબડીમાંથી ઊઠશે! માલણ પુષ્પોની છાબડી લઇ પાછી ચાલી જાય છે.

“ના, બાપ એભલ વાળા! એમ હું ઘોડો લેવાનો નથી. ઇ તો ચાંપારાજ વાળો પંડે ભરડાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહિ તો હું આંહી મારો દેહ પાડીશ. હું મૂવાનાં દાન લઉં કાંઇ ?”

એભલ વાળાની આંકોમાં પાણી આવ્યાં, હસીને બોલ્યો, “ગઢવા, ગાંડો થા માં. ચાંપારાજ તે હવે ક્યાંથી આવે ? મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલાં જાણ્યાં છે ? અને ચાંપારાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઇ દેજો.”

ચારણ એકનો બે થયો નહીં. એ તો લાંધણ ઉપાર લાંઘણ ખેંચવા લાગ્યો, ચાંપરાજ વાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઇને બેઠો અને બિરદાવવા લાગ્યો. આખરે ચાંપરાજ વાળાનું પ્રેત દેખાયું. ચારણને વચન દીધું કે “જા ગઢવા, સવારે ડાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ.”

ચારણે જઇને દરબારને વાત કરી. દરબાર હસ્યા; સમજી લીધું કે ચારણ ભાઇથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ જુક્તિ કરી છે. આવી રીતે ડાયરો ભરાશે; આપને જ ચાંપારાજ વાળાને નામે દાન કરી દેશું; ચારણ ફોસલાઇ જાશે; આપણે ચારણ-હત્યામાંથી ઊગરશું. ચારણને વાળું કરાવ્યું.

બીજે દિવસે સવારે ડાયરો જામ્યો, ઘોડાને સજ્જ કરી લાવવામાં આવ્યો, ચારણ વાટ જોઇને ઊભો. આખો ડાયરો હાંસી કરવા લાગ્યો, સહુને થયું કે આ ભા થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઇ લેશે. ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી. સૂરજનાં કિરણો ની અંદરથી તેજપુરુષ ચાલ્યો આવે છે.

આવીને ઘોડાની લગામ ઝાલી અને ચારણના હાથમાં લગામ મૂકી વણબોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સિધાવી ગયો

“ખમાં! ખમા તુંને બાપ!” એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો ડાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો -

કમળ વિણ ભારથ કીયો, દેહ વિણ દિધાં દાન, વાળા! એ વિધાન, ચાંપા! કેને ચડાવીએ ?(૬)

(માથા વિના જુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં : એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ, ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય)

મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો, “રજપૂત, હું માગું તે દેશો ? તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો.”

એભલ વાળો બોલ્યો : “ભલે બારોટ! પણ જોઇ વિચારીને માગજો, હાં!”

બારોટ કહે “બાપા, તમને પોતાને જ માંગું છું.”

એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્યો, “બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો ? મારી ચાકરી તારાથી શી રીતે થશે ? તેં આ કઇ રીતની માગણી કરી ?”

બારોટે તો પોતાની માગણી બદલી નહીં, એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી નાનેરા દીકરાને ભળાવીને બારોટની સાથે ચાલી નીકળ્યા. રસ્તે જતાં દરબારે પૂછ્યું : “હેં બારોટ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી ?”

બારોટે હસીને કહ્યું, “બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.” એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા, “અરે ગાંડા, આ તું શું કહે છે ? આટલી ઉંમરે મને મારવાડામાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ ?”

બારોટ કહે : “કારણ તો એ જ કે મારે મારવાડામાં ચાંપારાજ વાળા જેવો વીર નર જન્માવવો છે, દરબાર!”

એભલ વાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું, “પણ બારોટ, તારા મારવાડમાં ચાંપારાજની મા મીનળદેવી જેવી કોઇ જડશે કે ? ચાંપારાજ કોને પેટે અવતરશે ?”

“સાંભળ ત્યારે. જે વખતે ચાંપારાજ માત્ર છ મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમે છે. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરક અડપલું થઇ ગયું. ચાંપરાજની મા બોલ્યાં, હાં, હાં, ચાંપરાજ દેખે છે, હાં!”

“હું હસીને બોલ્યો, ‘જા રે ગાંડી. ચાંપરાજ છ મહિનાનું બાળક શું સમજે ?’ બારોટ! હું તો આટલું કહું છું, ત્યાં તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો. હું તો રાણીવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો બારોટ! આવી સતી મારવાડમાં મળશે ?”

નિરાશ થઇને બારોટે કહ્યું : “ના.”

“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”

ચાંપો પોઢ્યો પારણે, એભલ અળવ્યા કરે.

મૂઇ મીણલદે, સીલંકણ સામે પગે. (૭)

૨. ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

“તેં દુ’ની વાતું હાલી આવે છે, ભાઇ! અરધી સાચી ને અરધી ખોટી. હજીર વરસની જૂનિયું વાતું! કોણ જાણે શી બાબત હશે ?”

એટલે બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભાં ઊભાં. એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા. મોં મલકાવી એણે કહ્યું :

“ઇ બધું આવું, ભાઇ! આ ધુમાડા જેવું. અમારા સોરઠમાં તો કૈંક ટાઢા પૉ’રના ગપાટા હાલે છે; પણ હું તો ઢાંકને ડુંગરે ડાંગનો ટેકો લઇ ને જ્યારે ચલમ ચેતવું છું, ત્યારે મને ધૂંધળીનાથ-સિદ્ધનાથની જોડી જીવતીજાગતી લાગે છે. હજાર વરસ તો મારી આંખના પલકારા જેટલાં જ બની જાય છે. આ ધૂંવાડાની કૂંક જેવો ધૂંધળીનાથ અને આ આગની ઝાળ જેવો હેમવરણો રૂડો સિદ્ધનાથ હાજરાહજૂર લાગે છે.”

“વાત તો કહો!”

“એર, વાત કેવી ? ઇ તો ટાઢા પો ‘રના! બે ઘડી ગપાટા હાંકીને ડોબાં ચારીએ. થોડીક રાત ખૂટે! આ તો વે’લાંની વાતું. મોઢામોઢ હાલી આવે એના કંઇ આંકડા થોડા માંડેલ છે ?”

એટલું બોલતાં એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો. આંખના ખૂણા રે’તો. હું પીઉં છું એવી બજરના વાડા વાવતો. જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણી દયાદાનમાં. હિંસા નામ ન કરે. વરસોવરસ બજરનાં પડતલ વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબગરબાંને ખવરાવી દો. પાછો આવીને બજર વાવવા માંડે.

ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બેય એકાકાર થાવા માંડ્યા. જેવું ધ્યાનતેવું દિલનું ગજું; જેવું અન્ન તેવો ઓડકાર; ધૂંધાનેતો ગિરનારનું જ ધ્યાનરાત ને દી લાગી ગયું. એનો આતમો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વછૂટીગઇ.

બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઇક ટ્રક ઉપર બેસીને ધૂણી ધખાવી, તપસ્યા આદરી દીધી. એમ બાર વરસે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા કે “ધૂંધળીનાથ ધૂંધળીનાથ! નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો.”

“અહાલેક! શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં તો જોગસિદ્ધ મછેન્દરનાથ, જલંધરનથ, શાંતિનાથ, એવા નવ નાથો ગુરુની સન્મુખ હાજર થઇ ગયા. ગુરુ બોલ્યા “જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે.

તમે નવ નાથ ભેળા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ સાફી એને આપો.” (સાફી=ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટૂકડો રાખવામાં આવે છે તેને ‘સાફી’ કહે છે.)”

જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ. બીજાને ચલમ આપે. પણ માફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું.

નવનાથોએ ખુલાસો કર્યો “ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કામ કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ.”

અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે “ધૂંધળીનાથ! બાર વરસ બીજાં ; આબુમાં જઇ ધૂણી પ્રગટો! જાવ બાપ! ચોરાસી સિદ્ધને પંગતમાં તમારી વાટ જોવાશે.”

આબુની અવધિ પણ પૂરી થઇ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યાં. અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ નવેય નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે “આનાથી તપ જીરવાશે નહીં. એ હલકું દૂધ છે ; કો’ક દી ને કોક દી એ ન કરવાના કામો કરી બેસશે.”

તેજની જીવત જ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘુમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એમનું આવવું થયું.

ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં. ગુરુના ચરણમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઇને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો.

ધૂંધળીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્યા; પણ એક જોગી, ને એક સંસારી. એણે કહ્યું, “રાણાજી! બાર વરસે પાછો આવું છું. બે કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તે દી’ આંસુ પાડવા બેસીશ માં. બાર વરસે પાછો આવું છું.”

બાર વરસને જાતાં શી વાર ? જટાધારી જોગીએ ચિતોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજારાણી બેય રાજકુંવરને આંગળીએ લઇ બહાર નીકળ્યાં. બેમાંથી એક ધરાણે લૂગડે ભાંગી પડતો, અને બીજો મેલેઘેલે પહેરવેશે. રાજારાણી ફૂડ કરીને તેજીલો દીકરો રાખવા માગતાં હતાં પણ તેજની વિભૂતી કાંઇ મેલે ઢાંકી રહે ?

ને એય ધૂંધળીનાથની નજર બહાર રહે ? મેલાઘેલાને જ જોગીએ ઉપાડી લીધો. બાર વરસનો બાળકો દોટ દઇને ગુરુને કાંડે બાઝી પડ્યો. માતાપિતા નજરે દેખે તેમ એ બારવરસના બાળકે માથું મૂંડાવી ભગવા પહેરાવ્યાં. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજા રાણી ખોબો ખોબો આંસુ પાડતાં ચિતોડગઢ પાછા વળ્યાં.

ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ફૂંકક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દી નહોતું.

આંહી તો પ્રેહપાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું “બાપ, હું આ ડુંગરમાં બાર વરસની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર ઝોળી ફેરવીને આંહીં સદાવ્રત રખજો. ભૂખ્યાંદુખ્યાં અને અપંગોને પોતાનાં ગણી પાળજો. મારી તપસ્યામાં પુન્યાઇ પૂરજો.” એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું.

વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઇ ગઇ ? નગરીમાં ઝોળી ફેરવે, પણ કોઇએ ચપટી લોટ ન દીધો. દયા માનનો છાંટોય ન મળે એવાં લોક વસતાં’તાં. પણ સત્તર-અઢાર વરસનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો સમજુ હતો.

એણે એક્કેક ચેલાને એક્કેક ફુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડાં વાઢી નગરમાં જઇ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો! જોગીનો ધરમ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહીં, જાઓ જંગલમાં.

બીજો દી, ત્રીજો દી, અને ચોથો દી થતાં તો ફુહાડા મેલી-મેલીને બધા ચેલાએ મારગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ. રાણા ફુળનું બીજ, એમાં ફેર ન પડે. પ્રભાતને પહોર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલાં તો આશ્રમ વાળી ચોળી, ઝાડવાને પાણી પાઇ, સિદ્ધનાથ વનમાં ઉપડી જાય. સાંજે બળતણની બારી બાંંધી શહેરમાં વેચી આવે.

નાણું નહીં જેવું નીપજે. તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે જે એને રોટલા ટીપી આપે. એ હતી કુંભારની ડોશી. અઢાર વરસના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઇ લળી લળી હેત ઢોળે છે.

આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યાં. માથું છોલાઇને જીવાત પડી. સુંવાળી કાયા ખરીને! કેટલુંક સહેવાય ? દુઃખ તો ચિત્તોડની મોલાતમાં કોઇ દિવસ દીઠું નહોતું. અને આંહી એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો.

સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યે ગયો. બાર વરસે ધૂંધળીનાથનું ધ્યાન પુરું થયું. આંખો ઉઘાડીને ગુરુએ આશ્રમ નીરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછ્યું કે બીજા બધા ક્યાં છે ? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ વાળ્યો; ગુરુ પટાવી લીધા.

ઘણાં વરસનો થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયડે જંપી ગયો છે. શીળા વાતરાની લે ‘રે લે ’રે એની ઉજાગરભરી આંખો મળી ગઇ છે. ગુરુજી ચેલાનાં અઢળક રૂપ નીરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે.

તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું. માથા ઉપરનું ઓઢણ સરી પડ્યું. માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઇને જોયું માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડ્યું છે. ગંધ વછૂટે છે.

“કાંઇ નહિ, બાપુ! ગૂમડું થયું છે.” સમદરપેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું.

“સિદ્ધનાથ!” ગુરુની ભૂકુટિ ચડી : “જોગ પહેર્યો છે એ ભૂલીશ માં. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું. ગુરુદુહાઇ છે.”

સિદ્ધનાથ ધીરો રહીને વાતો કહેતો ગયો. તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઊઠ્યું. અડતાળીસ વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતો હોય તેવું રૂપ બંધાઇ ગયું. હૈયામાંથી “હાય! હાય!” એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા, “અરે હાય હાય! દયા પરવારી રહ્યાં!

મારો બાલ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધીયે ભારિયું ખેંચે! અને મારી તપસ્યા! ભડકે ભડકે પ્રલેકાર મચાવી દઉં! મારે તપસ્યાને શું કરવી છે! સિદ્ધનાથ! બચ્યા! દોડ, ઓલી કુંભારણને ચેતાવ. માંડ ભાગવા. પાછું વાળીને ન જોવો હો, આજ હું પ્રેહપાટણને પલટાવું છું.”

એટલું કહેતાં તો આશ્રમ કાંપ્યો. ઝાડવાં ધૂણ્યાં. અને ત્રાહિ! ત્રાહિ! પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે “ગુરુદેવ! ગુરુદેવ! તપસ્યાનાં પુણ્ય એમ નથી ખોવાં. અરે બાપુ! માનવીઓ તો બધાંય માટીનાં. એના પેટ છીછરાં જ હોય. એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ. ગજબ કરો મા! લાખ્ખોની હત્યા, નિસાસા, કલ્પાંત કેમ જોયાં ને સાંભળ્યાં જાશે, ગુરુદેવ ?”

પણ ગુરુ વાર્યા ન રહ્યાં. તપસ્યાને મંડ્યા હોમવા. હાથમાં ખપ્પર ઉપાડ્યું; ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી. ડુંગર ડોલ્યા. દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું : “સિદ્ધનાથ! હવે કમાનમાંથી તીર છૂટે છે. દોડ; દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહીં તો સૂકાં ભેળાં લીલાંય બળશે, બચ્ચા!”

સિદ્ધનાથે દોડ દીધી, પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી છોકરાંને આંગળીએ લઇ ડોસી ભાગે છે, અને આંહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે, “ઓ ધરતી મૈયા! પટ્ટણ સો દટ્ટણ! અને માયા, સો મિટ્ટિ!”

એમ પોકારીને એણે ખપ્પર ઊંધું વાળ્યું. વાળતાં જ વાયરા વછૂટ્યાં આંધી ચડી. વાદળાં તૂટી પડ્યાં. મોટા પહાડ મૂળમાંથી ઊપડી-ઊપડીને ઊંધા પટકાણા. પ્રેહપાટણ નગરી જીવતજાગત પૃથ્વીના પેટાળમાં દટાઇ ગઇ. એક પ્રેહપાટણ નહિ, પણ એવાં ચોરાસી પાટણ તે દી ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠ ઢાંક્યાં અને એના મહાકંપમાં માયા તમામ મિટ્ટી બનીને ગારદ થઇ ગઇ.

ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતાં એની ધીરજ ખૂટી. પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું. મા ને છોકરાં ત્યાં ને ત્યાં પાણકા બની ગયાં. એ હજી ઊભાં, ઢાંકને સીમાડે!

આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવ નાથ અને ચોરાસી સિદ્ધોએ અવાજ દીધો કે, “આજથી એની ચલમસાફી બંધ કરો!” કંઇક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠો. સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઇ ગયો. “ભાઇ! ગમે તેવો કોળીનું દૂધ ના ?”

આં અહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું ? ડુંગરે ઊભીને એણે પ્રેહપાટણ દટાતું દીઠું. દટ્ટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહિ. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાયશ્ચિત શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહિં. અરેરે! ઘડી પહેલાં જ્યાં હજારો નર નારી ને નાનાં છોકરાં કલ્લેોલ કરતાં હતાં ત્યાં અત્યારે કોઇ હોંકારી દેવા પણ હાજર નહીં ? હું સિદ્ધનાથ : ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી.

કોઇક આ નગરીનો અધિકારી આવશે. હું વાટ જોઇશ, મારાં તપ સંઘરીશને એવું વિચારીને એ કંકુવરણા બાળાજોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એનાં નેત્રોની અમૃતધારાઓ છંટાવા લાગી, બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું.

એ... દિવસ સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રેહપાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં બે જીવતાં માનવી ભટકે છે. ધૂળ ઉખેળી ઉખેળી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલાં પાણિયારાં, ખારણિયા ને મિટ્ટી થઇ ગયેલ ધાતુનાં વાસણો નીરખે છે. માને ધાવતાં બચ્ચાંનાં મડદાં એમ ને એમ જામી ગયેલાં જુએ છે. જોઇ જોઇને બેય માનવી રોવે છે. જોગી સિદ્ધનાથે બેયને જોયાં, બોલાવ્યાં, પૂછ્યું, “કોણ છો ?”

“આ અભાગી નગરીની હું રાજરાણી. આ મારો બેટો નાગજણ જેઠવો.”

“કેમ કરીને બચી નીકળ્યાં ?”

“રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હતો.”

“બચ્ચા નાગજણ! હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો, બાપ ? મારી દુવા છે તને કે :”

જેસો લંકેશ તેસો ઢંકેશ,

દુશ્મન માર વસાવ દેશ.

(જેવો લંકાનો સ્વામે રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ, તારી ઢંક (ઢાંક)લંકા નગરીને તોલે આવશે. માટે, બેટા, ફરી વાર આંહીં આપણે નગર વસાવીએ.)

ઠંકાયેલા પ્રેહપાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજાં નગરોને પોતાની રિદ્ધિ સિદ્ધિમાં ઢાંકી દીધાં. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોળાવી મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. ઓલ્યોય જોગી અને આય જોગી, પણ બેમાં કેટલું અંતર! ગુરુના મહાદોહ્યલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થાતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે; સરજવું દોહ્યલું છે, બાપ! સિદ્ધનાથે સરજી જાણ્યું.

પણ કાળનો આવવો છે ના! એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા.

“કેમ, બચ્ચા ?” “જોગીએ પૂછ્યું.”

“શી”

“આપે કહેલું કે જેસો લંકેશ તેઓ ઢંકેશ!”

“હા.”

“તો બસ, મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો.”

“નાગજણ!” ગુરુએ નિસાસો નાખ્યો, “એવો અરથ લીધો ? આ સમૃદ્ધિ ઓછી લાગી, તે સોને લોભાણા, રાજ ?”

“આપણું વેણ છે.”

“વેણે વેણ સાચું કરવું છે ?”

“હા.”

“તો પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે, રાજા! સોનાની લંકા રોળાણી હતી.”

“ફિકર નહિ.”

“તને ભાગ્ય ભુલાવે છે, રાજા! પણ ખેર, હવે પૂરું કરીશ. નાગાજણ! ઉગમણુંં મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવણ (શાલિવાહન) ગોહિલ એને ઘેર સોનદેવ સતી; એ જોગમાયા આવીને જેટલી ગાર કરે, એટલું સોનું થઇ જાય, બોલાવું ?”

“બોલાવો.”

“અધર્મ નહિ કર્ય ને ?”

“મા-જણી બોન માનીશ.”

“શાલિવાહન સાથે વેર પાલવશે ?”

“રે ગુરુદેવ! હું નાગાજણ, હું જેઠવો, ઝુઝી જાણું છું.”

પછી તો સિદ્ધનાથે તપોબળ છોડ્યાં. મુંગીપુરને મહેલેથી સતી સોનરાણીનો પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી. જોગી આઘેરો ઊભો રહ્યો. નાગાજણે હાથ જોડ્યા : “બોન, મને તારો મા-જણ્યો ભાઇ માનજે. અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ!”

રોજ બોલાવે. રોજ ઓળીયો કરાવે, પાછી પહોંચાડે. છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો, “બોન, કંઇક કાપડાની કોર લાગી લે.”

“ટાણે માગીશ, ભાઇ!”

કહીને રાણી ચાલી ગઇ. આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઢ્યો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંક્યાં. કોઇ કહે કે એ તો શાલિવાહન, એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો. કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.

આંહીં તો ઢાંક લંકા જેવા ઝગરા કરે છે. છત્રીસ-છત્રીસ તો એના કનકકોટ શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ એક્કેક કોઠા ઉપર નાગાજણને લઇને ચડતો ગયો. ચડીચડીને એણે આગમ ભાખ્યાં. જુગજુગની ભવિષ્યવાણી કાઢી ક્યારે શું શું બનશે, જેઠવા ફુળની કેવી ચડતી પડતી થાશે એનો કાળલેખ ઉકેલી-ઉકેલી સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી.

“નાગાજણ! હવે તો મને રજા દે, બચ્ચા! ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઇને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ અઘોર છે, બાપ! તારી સન્મતિ થાજો! તારો કાળ ચાલ્યો આવે છે. પણ તું સતનો પંથ ચૂકીશ માં! બાકી તો તેં જીવી જાણ્યું. તને મોતનો ભો શો રહ્યો છે ?”

જુવાન સિદ્ધનાથ માર્ગે પડ્યા. એક તો ક્ષત્રીય અને વળી ચિતોડગઢનું ફૂળ; તેમાં ભળ્યાં જોગનાં તેજ, વીરભદ્ર જેવો એ મહાજતિ. મોકળી લટે અહાલેક! બોલતો, દુનિયાને જગાડતો, કોઇ અંધારી ગુફામાં ચાલ્યો ગયો.

નાગાજણનો કાળ નજીક ને નજીક આવતો જાય છે. શાલિવાહનની સમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઇને બેસી રહ્યો.

શાલિવાહનની ફોજે ઢાંક ફરતાં દેરાતંબૂ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો. પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નહી; એક શિલા પણ યસ દેતી નથી.

“કોઇ નાગાજણનું મસ્તક લાવી ઓપ ? હું એ એક માથું લઇને પાછો જાઉં.” શાલિવાહન રાજાએ સાદ પાડ્યો.

એક ચારણે કુમત્ય સૂઝી, એણે હોકારો દીધો. ચારન ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઇઓ ચાલતી હોય તોય ચારણ, ફકીર કે સાધુને કોઇ અટકાવતું નહોતું. ચારણ શત્રુપક્ષનો, તોપણ એ તો ચારણ : અનો એવો ભરોસો, ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો.

અને કાળમુખા ચારણે જઇને નાગાજણના દસોંદીને જગાડ્યો. “આવી જા સોગઠે રમીએ. હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ.”

તે દિવસે તો, ભાઇ! રાજાનાં માથાં અને માન પણ ચારણને જ હાથ સચવાતાં ખરાં ને! કમતિયા દસોંદીએ ચોપાટડમાં નાગાજનનું શીશ માંડ્યું.

શાલિવાહનનના કૂડિયા ચારણે કૂડના પાસા ઢાળ્યા, મનમાન્યા દાવ આણ્યા, જીત્યો, માટી થયો. કહે કે “લાવ તારા રાજાનું માથું.”

દસોંદી શું મોં લઇને જાત! પણ નાગાજણને કાને વાત પહોંચી અને લલકારી ઊઠ્યો, “એર, મારો દસોંદી! એનાં વેણ માથી તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચેય એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રીય માથું મેલીને નિર્ભય બની સૂઇ જાય; બોલાવો એ ચારણને.”

દસોંદી કાંપતે પગે નીચી મૂંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજણની આંખમાં એને ન દેખ્યો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્ધેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી,

“આજ મને રૂડો કરી દેખાડ્યો, ચારણ! તું મારું માથું હોડમાં ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું જુદ્ધ જોવા ન પામત. અને હવે ?” દુશ્મન રાજાના દસોંદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો, “હવે તો માથા વગરનું ધડ ઉલ્કાપાત માંડશે. ચારણ! આ માથું લઇને તારા રાજાને આપજે અનેકહેજે કે નાગાજણના ધડ સામે મરદ હો તો ઝૂઝજે અને તારી જોગમાયા રાણીમાને - મારી બોનને કહેજે ભાઇનું જુદ્ધ જોવા બહાર નીકળે.”

એટલું બોલીને નાગાજણે તરવારનો ઘસરકો દીધો. માથું જઇ પડ્યું થાળીમાં, લઇને દસોંદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો.

આંહીં નાગાજણનું કબંધ (ધડ) ઊઠ્યું. બે હાથમાં બે સમશેરો લીધી, અને મસ્તક વિના માર્ગે ચાલું. ઉપર રગતની શેડ્યો ફૂટતી આવે છે, માથે જાણે રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે.

વીર ચાલ્યો, તરવારો વીંઝી, શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓનાં માથાં છેદાવા લાગ્યાં, સૈન્ય ભાગ્યું. રાજા ભાગ્યો, પાછળ કબંધે દોડ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો, ઉગાર નહોતો.

એવી અણીને સમયે સોનરાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલવ પાથર્યો. તરવાર વીંઝતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તરવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઇ આપવા જતો હોય એમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે, “બોન, માગી લે.”

“વીરા મારા! તે દી વેણ દીધું તું કે કાપડની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારાં શૂરતન શમાવી લે, ભાઇ!”

શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. સમશેરો ભોંય પર મેલી ઢળી ગયું.

હજારો લાશો રગદોળાઇ રહી હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા, અને નાગાજણના શબ પાસે બેસીને જોગંદરે આંસુડાં તપકાવ્યાં. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી.

“આવાં અમારાં માલધારિયુંનાં ગપ્પાં, ભાઇ! મોરુકી વાતું હાલી આવે છે. અમે તો રાતને ટાઢે પો’રે ડોબાં ચારીએ અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ.” એટલું બોલીને એ બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો, અને લાલ લાલ આંખે મીત માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઇ જોગીના જટાજૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઊગતો સૂરજ. કોઇ અબધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બિડાતી હોય તેવો વાદળીએ વીંટાતો હતો.

૩. દીકરો !

“આપા દેવાત! આ તમ સારુ થઇને હોકાની બજરનું પડતલું આણ્યું છે. મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.”

એમ કહીને ભરદાયરામાં એક કાઠી અવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઇ ખંડિયાની પાસે નજરાણું લેતો હોય એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.

ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે, આપા દેવાત! આ નવોનકોર હોકોય હું ગંગા-જમની તાર મઢાવીને ખાસ તમારા સાટુ જ લાવેલ છું. સારું રાય તો ઠેકાણે જ શોભે ને, બા!

થોડુંક મોં મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકારે છે.

“...ને આ ઊનની દળી” એમ કહેતા ત્રીજા ભાઇ આગળ આવે છે, “આપા દેવાત, તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી થઇ પડશે. ઘોડીનું ડિલ નહિ છોલાય. ખાસ બનાવીને આણી છે, હોં!”

ચલાળા ગામના ચોરા ઉપર દરબાર ઓધડ વાળાનાં આઇને કારજે કાઠી ડાયરો એકઠો મળેલ છે ત્યાં તમામ કાઠીઓની મીટ ફક્ત ગુંદાલાના ગલઢેરા દેવાત વાંકને માથે જ ઠરી ગઇ છે.

દેવાતને જ રીઝવવા સારુ સહુ મથે છે. દેવાતની આંખ કરડી થાય એ વાતનો તમામને ફફડાટ છે. દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને.

આધેની એક થાંભલીને થડ ડિલ ટેકવીને એક આધેડ અવસ્થાનો મર્દ બેઠેલો છે. પછેડીની પલાંઠ ભીડી છે. એની મૂછો ફરકી રહી છે. એના હોઠ મરક મરક થાય છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે.

“કાઠીઓમાં આ કઢીચટ્ટાપણું ક્યારથી પેઠું ભાઇ ? જેની આટલી બધી ભાટાઇ કરવી પડે છે એવો માંધાતા કોણ છે ઇ દેવાત વાંક ?”

“ચૂપ, ભાઇ ચૂપ! આપા લાખા! તું હજી છોકરું છો. તારું લાખાપાદર હજી દેવાતના ઘોટાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું. નીકર તુંય આપા દેવાતને તારી તળીની કેરિયું દેવા દોડયો જાત.”

“હું ? મારા આંબાની કેરિયું હું દેવાતને ડરથી દેવા જાઉં ? ના, ના અથી તો ભલું કે સૂડા, પોપટ ને કાગડા મારાં ફલને ઠોલે. કાઠીના દીકરા તો સહુ સરખા, કોણ રાંક, ને કોણ રાણા! આવી રજવાડી ભાટાઇ મારાથી તો ખમાતી નથી.”

બોલનાર પુરુષનો અવાજ ઊૅચો થયો. એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંધ એ વાતો કરનાર તરફ કરડું થયું. ધગેલ ત્રાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું, “ઇ કોઇ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ? ઉઘાડું બોલો ને, બાપા!”

“આપા, દેવાત વાંક!” આદમીએ થડક્યા વિના જવાબ દીધો, “ઇ તો હું લાખો વાળો છું ને ભણું છું કે કાઠીના દીકરા સહુ સરખા; છતાં કાઠી ઊઠીને રજવાડી ભાટાઇ કરવા બેસી જાય, ઇથી તો આપા દેવાતને પણ દુઃખ થાવું જોવે, હરખાવું નો જોવે.”

“આપા લાખા વાળા! તયેં તો હવે લાખાપાદર ફરતા ગઢ બંધાવજે, બા!”

“તું તારે ચડી આવજે, આપા દેવાત! હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચણાવું. પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ; આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ.”

“લે ત્યારે, લાખા વાળા!” એમ બોલીને દેવાત વાંકે પોતાની અંજળિમાં કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, “લાખાપાદરને માથે જો હું મીઠાના હળ હાંકું, તો તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે નીકર....”

“હાં, હાં, હાં, ગજબ કરો માં બા!” એમ કરતો ડાયરો આડો પડ્યો. ઘરડીયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું. “આપા, લાખો વાળો તો બાળક છે, એને લોલ્યાનું ભાન નથી. તમારે સમદરપેટ રાખવું જોવે.”

“ના ના, બાપા દેવાત! મારું નોતરું અફર જાણજે, હોં કે!” એમ કહીને લાખો વાળો તરવાર ભાલો લઇને ઊઠી ગયો. ઘોડીએ પળાણીને નીકળ્યો. કહેતો ગયો, “કાઠી તો સંધાય સમવડિયા. કાઠીમાં ઊંચનીચ ન હોય; પણ તમે સહુએ બી બી ને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે. મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણાં દેવાનો મોખ નથી, બાંધે એની તરવાર, અને ઘા વાળે ઇ અરજણ; એમાં ભેદભાવ ન હોય.”

એટલા વેણ સંભળાવીને લાખાપાદરનો ધણી રોઝડી ઘોડી હાંકી ગયો.

ચલાળા ગામથી ચાર ગાઉ ઉપર, બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે. કાળા પથ્થરોની એની ભેંકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરાં ધીરાં ગર્જતાં એનાં પાણી વહ્યાં જાય છે : જાણે કોઇ ભૂતાવળના છોકરાં માને ધાવતાં ધાવતાં હોંકારા કરી રહ્યાં છે.

એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે. લાખાપાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે. ચોમાસામાં તો જાણે પાતાળલોકની નાગકન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણાં ફૂટી નીકળે છે.

સતજુગના ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે. એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી ગંગા સ્થાપ્યાં છે. પડખે જ શંકર બેઠા છે. ત્યાં કુદરતે એકસામટી ગુલાબી કરેણ ઉગાડી છે. આંબાની ઘટા જામી છે. નીચે એ ગૌમુખીને ઝીલનારો કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ ફુંડ આવેલો છે.

નીચાણમાં ઊંડો ધરો છે. વડલા ઉપર મોરલા ટહુકે છે. ગૌમુખીનાં નીર ખળખળે છે. ફુંડમાં નાની માછલીઓ તગતગે છે, ને ધૂનમાં મગરો શેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી જુક્તિથી આંકેલી છે! એવે સ્થળે જન્મનારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતાં, શૂરવીર ને પ્રેમી હતીં, એ ગામનાં તોરણ બાંધનારો જ આ લાખો વાળો. ધાનાણી શાખનો એ કાઠી હતો.

લાખાપાદર આવીને એને ભાઇઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઇઓ પણ થથર્યા.

તે દિવસથી લાખો વાળો પરગામ જઇને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલરટાણે તો ઝાંપામાં આવી જ પહોંચે.

એ વાતને છ - આઠ મહિના થઇ ગયા, લાખા વાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો, ને કાં તો થડકી ગયો... એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો.

એક દિવસ લાખો વાળો ચલાળે ગયેલ છે. ઓધડ વાળાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. સાંજ પડ્યે એણે રજા માગી પણ ઓધડ વાળો રહે, “આપા, આજની રાત તો નહીં જાવા દઇએ; અને હવે ક્યાં દેવાત તમારી વાંસે ભમતો ફરે છે ? લાખો વાળો કચવાતે મને રોકાયો.”

આંહી લાખાપાદરમાં શું થયું ? સાંજ પડી અને વાવડ મળ્યા કે દેવાત કટક લઇને આવે છે. ગામનો ઝાંપો બંધ કરી, આડાં ગાડાં ગોઠવી, લોકો હથિયાર લઇ ઊભા રહ્યા. પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઇ. ઊલટાના લોકો તો આવું વેર હાથે કરીને વહોરી આવનાર લાખા વાળા ઉપર દાઝે બળી ગયા.

દેવાતનું કટક પડ્યું. ઝાંપા ઉપર લાખાપાદરના કંઇક જુવાન કામ આવ્યા. ઝાંપો તૂટ્યો, કટક ગામમાં પેસીને વસ્તીને ધમરોળવા માંડ્યું. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સહુએ પરબારા ગામને સીમાડે કોઇ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સહુ ચાલવા મંડ્યા.

ગામમાં મસાણ જેવી શાંતિ છવાઇ ગઇ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઇ રહ્યો છે. એ લાખા વાળાની ફળીમાં જઇને હાકલા કરવા માંડ્યો,

“કાઠી! બા’રો નીકળ, બા’રો નીકળ. તે દી તું ક્યે મોઢે બકી ગયો’તો!”

ઓરડામાં ઊભી ઊભી લાખા વાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, “આપા દેવાત! કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, સંતાત નહિં.”

ઊંચી ઊૅચી ઓસરીની એક થાંભલીને ટેકો દઇને લાખા વાળાની દીકરી હીરબાઇ ઊભી હતી. પંદર વરસની ઉંમર થઇ હશે. દેવાતના પડકારા લોહીતરબોળ ભાલો કે લાલઘૂમ આંખો એ છોકરીને મન જાણે કાંઇક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ શાંત ઊભી હતી. અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખમુદ્રા હતી. પેલા વડલાની છાંયડીએ રમેલી; કછોટા ભીડીને ઝાડવે ચડેલી; ધરામાં ઢબીઢબીને વજ જેવી એની કાયા બનેલી; શેલ નદીના ધૂનામાં એને મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું : ને હીરબાઇએ તો લાખાપાદરના ચોકમાં, શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો ‘તેજમલ ઠાકોર’ નો રાસડોયે કંઇ કંઇ વાર ગાયો હતો. ગાયું હતું કે,

ઉગમણી ધરતીના, દાદા, કોરા કાગળ આવ્યા રે

એરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે.

કાકો વાંચે ને દાદો રહ રહ રોવે રે

ઉપરવાડેથી તેજમલ ડોકાણાં રે

શીદને રોવો છો, દાદા, શું છે અમને કે’જો રે

દળકટક આવ્યું, દીકરી, વારે કોણ ચડશે રે!

સાત સાત દીકરીએ દાદો વાંઝિયો કે’વાણા રે!

હૈયે હિંમત રાખો, દાદા, અમે વારે ચડશું રે

દેવાતે જોયું તો ફળીમાં એ કન્યા ઊભી હતી તે થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ સગા દીકરાને ચડવા ન આપે એવો એ વછેરો હતો. લાખા વાળાનો આત્મારામ એ વછેરો ! દેવાતે વિચાર્યું કે ‘આ વછેરો લઇ જઇને જગતને બતાવીશ : લાખો વાળો જીવશે ત્યાં લગી નીચું જોઇએ હાલશે !’

પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેથો. માથું નીચું રાખીને પછાડી છોડવા પંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઇની સામો રહ્યો.

ઓરડામાંથી માં કહે, “બેટા હીરબાઇ, આંહીં આવતી રહે.”

પણ હીરબાઇ શું જોઇ રહી છે ? તૈયાર ભાલો, તૈયાર બરડો અને નિર્જન ફળિયું! વિચાર કરવાનો એને વખત નહોતો, એણે ભાલો ઉપાડ્યો; ત્યાં ઊભાં ઊભાં જ બે હાથે ઝાલીને એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો. ભય દેતો ભાલો શરીર સોંસરવો ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો.

નીચી ઊતરી દેવાતની જ તરવાર કાઢી હીરબાઇએ એને ઝાટકા મૂક્યા. શસ્ત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી, “માડી, પછેડી લાવ્ય, ગાંસડી બાંધીએ.” દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી, કોઇને ખબર ન પડવા દીધી.

ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઇ હતી. સહુને મન એમ હતું કે દેવાતતો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે “ગઢવા, ચલાળે જાઓ, ને બાપુને કહો કે પરબારા ક્યાંય ન જાય. આંહીં આવીને એક વાર મોઢે થઇને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબાર જાય તો મને મરતી દેખે.”

ગઢવી ચલાળે પહોંચ્યા. દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખા વાળાને માથે જાણે સાતેય આકાશ તૂટી પડ્યા! “હવે હું શું મોઢું લઇ લાખાપાદર આવું ? પરબારો શત્રુઓને હાથે જ મરીશ. પણ એકની એક દીકરીના સમ! ડાહી દીકરી શા સારુ બોલાવતી હશે ? મારાં સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતિ સૂઝે શું ? કાંઇક કારણ હશે! જાઉં તો ખરો.”

દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહીને દીકરીએ કહ્યું, “બાપુ, તમારે જવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તો મેં આંહીં રાખ્યો છે.” એમ કહીને ઓરડામાં લઇ જઇને ગાંસડી છોડી બતાવી. લાખા વાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે જ.

દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીને માથે હાથ મૂક્યો, “બેટા! દુનિયા કહેતી ‘તી કે લાખા વાળાને દીકરી છે; પણ ના,ના, મારે તો દીકરો છે!’ અને મુરખા દેવાત! અને મૂરખા દેવાત! વછેરાની પછાડી કાઢવા તું શીદ નીચે બેઠો! ઊભાં ઊભાં તરવારથી કાપતાં ન આવડ્યું ? પણ તારાં અભેમાન ક્યાં ઓછાં હતાં!”

૪. ઢેઢ કન્યાની દુવા !

સિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપ-દિકરા વચ્ચે રકઝક થઇ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઇ ભાલે ને તરવારે તૈયાર થઇ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજ્જી એનું બાવડું ઝાલી મનાવી રહ્યા છે : “ભાઇ, એમ ન ચડાય, તારાથી ન ચડાય, તું મારે એકનો એક છો. તું ગોહિલ-ગાદીનો રખેવાળ છો.”

“બાપુ, બાવડું મેલી દ્યો. હું પગે પડું છું, મેલી દ્યો.”

સોળ વરસની એની અવસ્થા હતી. વરસની એની અવસ્થા હતી. પરણ્યા પછી પહેલી રાતે જેમ કન્યા શરમાતી શરમાતી કંથના ઓરડામાંં આવતી હોય તેમ જુવાની પણ આતાભાઇના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી. હજુ ઘૂંઘટ નહોતો ઉઘાડ્યો.

તે દિવસે બપોરે દરબારગઢની ડેલી ઉપરની મેડીમાં આતાભાઇની આંખ મળી ગઇ હતી. અચાનક ઊંઘમાંથી ઝબકી ઊઠ્યો, અને કઠોડામાં આવીને જોયું તો ડેલીએ એક બુઢ્ઢો અને એનાં બાળબચ્ચાં ધ્રુસકે ધુસકે રોતાં હતાં. ફુંવરે પૂછ્યું, “એલા કોણ છે.”

“અન્નદાતા, ઢેઢ છીએ.”

“કેમ રુવો છો ?”

“બાપુ, અમે આ નેસડા ગામમાં રહીએ છીએ. મારી દીકરીને ધેલાશાના બરવાળે પરણાવી છે. બાઇ નાની છે, ને જમાઇ બહુ કપાતર મળ્યો છે. બાઇને મારી મારી અધમૂઇ કરે છે. દુઃખની મારી દીકરી આંહી ભાગી આવેલી. વાંસેથી એને તેડવા આવ્યાં તે અમે ન મોકલી, એટલે ઘેલાશાના કાઠી ઘોડે ચડીને આવ્યા, તે હમણાં જ દીકરીનું શું થાશે ? અમારા ઢેઢુંનો કોઇ ધણી ન મળે!” એ વેણ જુવાન આતાભાઇના કલેજા સોંસરું પેસી ગયું.

“તારા ધણી બાપુ છે, રો મા.” એમ કહીને નોકરોને હુકમ કર્યો. “મારી ઘોડી હાજર કરો.”

પોતે હથિયાર ધરીને નીચે ઊતર્યો, ઘોડીને પલાણ નાખવાની વાટ ન જોઇ.

ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજ્જીએ સાદ કર્યો, “ભાઇ, ઊભો રહે. આવીને બાપુઅએ ઘોડીની લગામ ઝાલી લીધી. દીકરાનું બાવડું ઝાલ્યું. અખેરાજ્જીને એકનો એક દીકરો હતો. દરબારનો બુઢાપો હતો.”

કુંવર બોલ્યા. “બાપુ, અત્યારે મને રોકો મા, આ ઢેઢની છોકરીને અને મારે છેટું પડે છે. એ કહે છે કે અમારો કોઇ ધણી નથી.”

“બાપ. તુંથી જવાય નહિ, ફોજ મોકલું.”

“ના બાપુ, મારે એકલાને જ જાવું છે.”

“બેટા, એકલા ન જવાય; દુશ્મનો ક્યાંય મારી પાડે.”

“બાપુ, છોડી દ્યો. આપણે રાજા, વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે.”

“ના, મારા બાપ! આખું કટક જાય, પણ તું નહીં. તું હજી બાળક છો.”

આતાભાઇને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું. એના હોઠ ફફડવા લાગ્યા, એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું, તોય બાપુ સમજ્યા નહિ; ત્યારે એણે બાપનો હાથ ઝોંટી ઘોડીને એડી મારી કહ્યું, “ખસી જા ભગતડા! એમ રાજ ન થાય!”

બાપ જોતા રહ્યા, ડાયરો ‘હાં હાં’ કરતો રહ્યો. આતાભાઇની ઘોડીને જાણે પાંખો આવી. જોતજોતામાં તો પંથ કાપી નાખ્યો. દૂર દુશ્મનોને દીઠા. બે અસવારો છે. જોતજોતામાં તો પંથ કાપી નાખ્યો. દૂર દુશ્મનોને દીઠા. બે અસવારો છે. એકની બેલાડ્યે બાઇ માણસ બેઠેલું છે. બાઇની ચુંદડી પવનમાં ઊડતી જાય છે. વગડામાં અબળા ઘા નાખી રહી છે.

બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતો પોતાની ઝગમગતી બરછી બતાવીને બાઇને ડરાવતો જાય છે. ‘ઢેઢનું કોઇ ધણી નહી’ એવી ધા સંભળાય છે. વગડામાં કામ કરતાં લોકો ઊભાં થઇ રહે છે અને વીલે મોંએ વાતો કરે છે, ‘બાઇ ભાગેડુ લાગે છે.’

સોળ વરસનો એકલવાયો આતોભાઇ આ ત્રાસ જોતો, ઘોડીને દબાવતો, વંટોળિયા જેવો વેગ કરતો, લાલચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો. ખળખળિયા વોકળાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો. હાક પાડી, “હાં કાઠીડાઓ! હવે માટી થાજો, હું આતોભાઇ!”

ત્યાં તો ઘોડાંનાં ભેટંભેટાં થઇ ગયાં. કાઠીડાઓ બરછીનો ઘા કરે તે પહેલાંતો આતાભાઇનો ભાલો એકની ઘોડીનાં તોરિંગનાં પાટિયાં વીંધીને પાર થઇ ગયો, અને બીજાનું બાવડું તરવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું.

કાઠીઓને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી. પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે ઢેઢ કન્યાને પડતી મૂકી દીધી. બેય જણા ‘ભાગો! ભાગો!’ બોલતા નીકળી ગયા. કન્યા થરથર ધ્રૂજે છે.

“બીશ મા હવે. હું આતોભાઇ, તારી ભેરે ઊભો છું. આવી જા મારી ભેલાડ્યે!” એમ બોલીને આતાભાઇએ બાઇનું કાંડું ઝાલ્યું. પોતાના પગનો પો’ચો ટટાર કરીને કહ્યું. “આના ઉપર પગ માંડીને આવી જા વાંસે.”

કન્યા ઊભી થઇ રહી, “બાપા, હું ઢેઢ છું. તમને આભડછેટ...”

“આભડછેટ કેવાની વળી ? તું તો અમારી બોન-દીકરી છો. આવી જા ઝટ ધોડી માથે, નીકર આપને બેય આંહી ઠામ રહેશું. હમણાં કાઠીડાનું કટક આંબી લેશે.”

આતાભાઇએ કન્યાને બેલાડ્યે લીધી. “હા, હવે મારા ડિલને બરાબર ઝાલી રાખજે, નીકર પડીશ નીચે ને મનેય પાડીશ. ઝાલ્ય, બરાબર ઝાલ્ય!” એવી બથ્થડ વાણી બોલતો આતોભાઇ ઉઘાડી સમશેરે વગડો ગજવતો પાછો વળ્યો. ઘોડાના સફેદ દૂધિયા પૂછનો ઝંડો, કન્યાની ઓઢણી અને જુવાન આતાભાઇની પાઘડીનું છોગું હવામાં ફરકતાં ગયાં.

માર્ગે એને પોતાના પિતાનું મોકલેલ કટક મળ્યું. કટકને મોખરે ઢેઢકન્યાને બેલાડ્યે લઇને ઉઘાડી સમશેરે જ્યારે આતોભાઇ સિહોરની બજારે નીકળ્યો, ત્યારે હજારોની આંખોનાં તોરણ થઇ રહ્યાં હતાંં, આતાભાઇના આપહેલા પરાક્રમ ઉપર એ હજારો નેત્રોની અંજળિઓ છંટાતી હતી. બાઇઓ આ વિરનાં વારણાં લેતી હતી. ઢેઢકન્યા તો નાટારંભ કરતી ઘોડી ઉપર બાપુને જોરથી ઝાલીને જ બેઠી રહી.

ડેલીએ ઊતરીને એણે કન્યાનાં રોતાં માવતરને દીકરી સુપરત કરી. બાપુ અખેરાજજીને બાળોરાજા પગે લાગ્યો. ગદગદ કંઠે ઢેઢકન્યાએ કહ્યું, “બાપુ! હું નીચવરણ નાર ઠરી. હું તુને તો શું આપું ? આંતરડીની આશિષ આપું છું કે તું જ્યાં ચઢીશ ત્યાં તારી આવી જ ફતેહ થાશે.”

૫. કાનિયો ઝાંપડો

મહારાજને આથમવાનું ટાણું થતું હતું. તે વખતે સીમમાંથી રખોલિયાએ હાંફતાં હાંફતાં આવી સુદામડા ગામે વાવડ દીધા કે સીમાડે ખેપટ ઊડતી આવે છે. માળિયાના મિયાણાનું પાળ એકસામટી સો-સો બંદૂકો સાથે સુદામડા ભાંગવા ચાલ્યું આવે છે.

સાંભળીને દરબાર શાદૂળ ખવડના માથામાં ચસકો નીકળી ગયો. આજ એને પોતાની આબરૂ ધૂળ મળવાનું ટાણું આવ્યું લાગ્યું. એના તમામ કાઠીઓ ગામતરે ગયા હતા. ગામમાં ઘરડાં-બુઢ્ઢાં વિના કોઇ લડનારો ન મળે. હથિયાર હતાં નહિ, તેમ હથિયાર બાંધી જાણે તેવી વસ્તીયે નહોતી. ઘડીક વાર તો લમણે હાથ દઇને શાદૂળ ખવડ બેસી રહ્યા.

“પાળ આવે છે! મિયાણાંનું મોટું પાળ આવે છે!” એવો પોકાર આખા સુદામડામાં પડી ગયો. અને એ પોકાર સાંભળ્યા ભેળા તો લોકો ઘરમાંથી ધમાકા દેતાં બહાર આવ્યાં. કાઠિયાણીઓ સાંબેલાં લઇ લઇને ઉંબરે ઊભી રહી. છોકરાં તો પા’ણાની ઢગલી કરી શત્રુઓની સામે ધીંગાણું મચાવવા ટોળે વળ્યાં.

કોઇએ કહ્યું કે, “બાપુ મૂંઝાઇને બેઠા છે, હથિયાર નથી, માણસ નથી, ગામ લૂંટાશે, બાઇયુંને માથે તરકઓના હાથ પડશે. એટલે બાપુ તરવાર ખાઇને મરશે!”

“અરે મર્યાં! મર્યાં! અમે શું ચૂડિયું પે’રી છે ?” નાનાં નાનાં ડાબરિયાં અને ખોખડધજ બુઢ્ઢા બોલી ઊઠ્યાં.

“અને અમે ચૂડલિયુંની પે’રનારિયું શું તાણી કાઢેલ છીએ તે એમ અમારે માથે પારકા હાથ પડવા દેશું ? અમારો ચૂડલો જેને માથે ઝીંકશું એની ખોપરીનાં કાચલાં નહિ ઊડી જાય ? જાવ બાપુ પાસે, અને એને હરમત આપો.”

વસ્તીના જે દસ-વીસ માણસો હતા તે શાદૂળ ખવડની ડેલીએ ગયા; જઇને હોંકારા કરી ઊઠ્યા કે, “એ આપા શાદૂળ! એલા શાદૂળો થઇને આમક્યારનો વિચાર શું કરછ ? અમારાં ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપડા મિયાણા શું સુદામડાનો ઝાંપો વળોટી શકે ? અરે, હથિયાર બાંધ્ય. તારા ગામની બાયડિયું કછોટા વાળીને ઊભી થઇ ગઇ છે!”

ત્યાં એક વાધરણ બોલી, “અરે બાપ શાદૂળ ખવડ! અમે બધાંય તો સુદામડાનાં ધણી છયેં. તે દી લાખા કરપડાએ નીંભણી નદીને કાંઠે ગામ બધાંને શું નહોતું કહ્યું કે ‘સુદામડા તો સમે માથે !’ તે દી’થી આખી વસ્તી ગામની સરખી ભાગીદાર થઇ છે. તારી ડેલી અને અમારા કૂબા વચ્ચે ફરક નથી રહ્યો. સુદામડાને માથે માથા જાય તોય શું ? ધણી છૈંયેં!”

‘હા! હા! અમે બધાં સુદામડાના સરખે ભાગે ધણી છીએ’-એમ આખી વસ્તી ગરજી ઊઠી.

સંવત ૧૮૦૬ની અંદર આખું ગામ એક શત્રુ સામે લડ્યું હતું. તે દિવસથી જ ‘સમે માથે સુદામડા’ના કરાર થયેલા. એટલે કે આખી વસ્તીને સરખે ભાગે ગામની જમીનની વહેંચણ થઇ હતી તે વાત ગામની વાઘરણ પણ નહોતી વીસરી.

એક ઝાંપડો પણ એ વખતે ત્યાં ઊભો હતો. “એલા. છેટો રે’! છેટો રે” એમ સહુ એને હુડકારતાં હતાં. ત્યાં તો એની સામે આંગળી ચીંધીને એની વહુ કહેવા લાગી “અને શાદૂળ બાપુ! આ મારો ધણી કાનિયો તમને શૂરાતન ચડાવવા બૂંગિયો વગાડશે. ઇયે સુદામડાનો ભાગદાર છે. અને રોયા! સુદામડા સારુ જો તું આજ મરીશ નહીં ને, તો હું તને ઘરમાં નહિ ગરવા દઉં!”

ઝાંપડો હસ્યો, કાં બોલ્યો નહીં, પણ ગળામાં કોઠી જેવડો ઢોલ ટાંગીને પોતાના રાઠોડી હાથ વદે તરઘાયો વગાડવા માંડ્યો. એની જોરાવર દાંડી પડી, એટલે જાણે કે આસમાન ગુંજવા લાગ્યું. એનું નામ કાનિયો ઝાંપડો.

“એલા, ગાડાં લાવો, ઝટ ગાડાં ભેળાં કરો.” એવી હાકલ પડી. કાનિયાને તરઘાયે કાયરને છાબડે પણ હરી આવ્યા.

હડેડાટ કરતાં ગાડાં આવી પહોંચ્યાં. ધબોધબ ગામના ઝાંપાબંધ થયા અને ઝાંપા આડાં આખા ગામનાં ગાડાં ઠાંસી દીધાં. એની આડા દસ-દસ માણસો તરવાર લઇને ઊભા રહ્યા. ઝાલરટાણું થઇ ગયું. ગામનો બાવો ધ્યાન ધરીને ઠાકરમા ‘રાજની આરતી ઉતારવા માંડ્યો. પાંચ શેર પિત્તળની એ ઊજળી આરતીમાંથી દસ-દસ જ્યોતના ઝળેળાટ ઠાકર મા’ રાજના મોઢા પર રમવા મંદ્યા. ટપૂડિયાં છોકરાં હાંફતાં હાંફતાં ચોરાના એ તોતિંગ નગારા ઉપર ડાંડીના ઘા દેવા લાગ્યાં. અને બીજી બાજુ ઝાંપા બહાર આછા આછા અંધારામાં નીંભણી નદીને કાંઠે દુશ્મનોની બંદુકની જામગરીઓ ઝબૂકવા માંડી.

ઓલી વાઘરણનો કૂબો બરાબર ઝાંપાને પડખે જ હતો. શિકાર કરવાની બંદૂકમાં દારૂગોળી ધરબીને જામગરી ઝેગવી વાઘરણે પોતાના ધણીના હાથમાં દીધી અને કહ્યું, “એય રોયા! તેતર ને સાંસલાં તો રોજ મારછ તંઇ આજ એકાદ મોવડીને મારીને ગામનું ધણીપણું તો સાચું કરી દેખાડ્ય!”

વાઘરીને ચાનક ચડી. હાથમાં બંદૂક લઇને ગાડાના ગૂડિયા વચ્ચે ગોઠવાઇને એ બેસી ગયો. મિયાણા આવી પહોંચ્યા. મોખરે એનો સરદાર લખો પાડેર ચાલ્યો આવતો હતો. લખા પાડેરના હાથમાં જે જામગરી ઝગતી હતી તેના અજવાળામાં એની રાક્ષસી કાયા બરાબર ચોખ્ખી દેખાતી હતી. એને દેખતાં જ કૂબાને ઓટે ઊભાં ઊભાં વાઘરણે વાઘરીને ચીસ પાડી, “એય પીટ્યા! જોઇ શું રિયો છો? દે, દે, ઇ મોવડીના કપાળની ટીલડીમાં નોંધીને કર ભડાકો! ને કાચલાં કરી નાખ્ય એની ખોપરીના. દે ઝટ! ચાર જુગ તારું નામ રે’શે.”

પણ વાઘરીના હાથ કંપવા માંડ્યા. બંદૂક ફોડવાની એની છાતી ન ચાલી. માથે વીજળી પડી હોય એનો એ ત્યાં ને ત્યાં સજ્જડ થઇ ગયો. તે વખતે એક સુતાર હાથમાં હાથલો લઇને ઊભો હતો. કાનિયાએ તરઘાયા ઢોલ પરડાંડી નાખી, ત્યાં સુતારનું સત જાગી ગયું. એના મનમાં અજવાળું થઇ ગયું કે ‘હાય હાય! હુંય સુદામડાનો સરખો ધણી! અને આવો લાગ જાય!’

એણે દોટ દીધી. વાઘરીના હાથમાંથી ઝૂંટવીને એણે બંદૂક ખભે ચડાવી લખા પાડેરના કપાળ સામે નોંધી. દાગી, અને હડુડુડુ દેતી ગોળી છૂટતાં વાર જ લાખાની ખોપરીમાં ‘ફડાક!’ અવાજ થયો. હરદ્ધારના મેળામાં કોઇ જોરદાર હાથની થપાટ વાગતાં દૂબળા સાધુડાના હાથમાંથી સવાશેર ખીચડી સોતું રામપાતર ઊડી પડે તેમ લખાની ખોપરી ઊડી પડી. જીવતરમાં પહેલી જ વાર હાથમાં બંદૂક ઝાલનારા એ સુતારે રંગ રાખી દીધો.

અને પછી તો ‘દ્યો! દ્યો! એમ દેકારો બોલ્યો. પાડેર પડ્યો અને અંધારામાં મિયાણા આકુળ વ્યાકુળ થયા. મનમાં લાગ્યું કે ઝાંપામાં કોણ જાણે કેટાલ જોદ્ધા બેઠા હશે. ગોકીરો પણ કાળા ગજબનો થઇ પડ્યો.

પથરા છૂટ્યા. મિયાણાની જામગરીઓમાં બંદૂકોના કાનમાં ચંપાવી લાગી. ભડાકા થયા. પણ ગોળીઓ ઠણણણ દેતી ગાડા સાથે ભટકાઇને ભોંયે પડવા માંડી. તોયે એ તો મિયાણાની બંદૂકો! કંઇકને ઘાયલ કરીને લખા પાડેરની લાશ લેતા કે મિયાણા રવાના થયા. ઝાંપા ઉપર તો રંગ દાખી દીધો. પણ કાનિયો ઢોલી ગોતે છે કે ‘આપો શાદૂળ ક્યાં ?’ ઝાંપે ડંકતા ડંકતા જે ઘાયલો પડ્યા હતા તે કહે, “કાનિયા! આપા શાદૂળને ગોત, એને બચાવજે.”

કાનિયો ઢોલી ધણીને ગોતવા લાગ્યો. હાથમાં ઉઘાડી તરવાર લઇને આપો શાદૂળ ગઢની રાંગે રાંગે અંદરથી તપાસતા તપાસતા ચાલ્યા જાય છે. બીજું કોઇ આદમી એની પાસે નથી. એને ફડકો હતો કે ક્યાંક શત્રુઓ ગઢ ઉપરથી ઠેકીને કામમાં પેસી જશે.

મિયાણા પણ બહારને રસ્તે બરાબર ગઢની રાંગે રાંગે ચાલ્યા જતા હતા, એવામાં તેઓએ ગઢની દીવાલમાં એક નાનકડું ગરનાળું દીઠું. લાગ જોઇને મિયાણા અંદર પેસવા લાગ્યા, અને પડખે હાડકાંનો એક મોટો નળો પડ્યો હતો, એ ઉપાડીને મિયાણાએ આપા શાદૂળને માથે ઝીંક્યો. પહેલવાન મિયાણાના પ્રચંડ ઘાએ શાદૂળ બેહોશ બનીને ધરતી ઉપર ઢળી પડ્યા.

પણ ત્યાં તો ‘ધડ! ધડ! ધડ!’ એમ જાણે એકસામટી કેટલી તરવારના ઝાટકા મિયાણાઓને માથે તૂટી પડ્યા. ભૂતનાથના ભેરવ જેવા કદાવર અને ખૂની મિયાણા, મોટા પહાડને માથેથી પથરા પડે તેમ ધરતી ઉપર પડવા લાગ્યા. આ કોની તલવારો ઝીંક બોલાવે છે તે જોવા ઊંચી નજર કરવાનીયે વેળા નહોતી. ‘આ લે! આ લે! લેતો જા!’ એમ ચસકા થતા જાય છે ને તરવારના ઝાટકા પડતા જાય છે. શત્રુઓનો સોથ વળી ગોય. સામસામી તરવારોની તાળી બોલી ગઇ. પણ કોણ કોને મારે છે તેની અંધારે ગમ ન પડી, અને ભાગ્યા તેટલા પણ દ્રારકાના જાત્રાળુની જેમ સુદામડાની જાત્રાનાં એંધાણ તરીકે તરવારના ઝાટકાની દ્ધારકાછાપ લેતા ગયા.

એ છાપો દેનારી ભુજા કોની હતી ? એ અંધારામાં કોણ, કેટલા જણા વારે આવી બાપુને ગોતતો હતો. બરાબર ટાણે એ આવી પહોંચ્યો. બાપુનો બેહોશ દેહ પટકાઇને પડ્યો હતો. તેની જ કંમરમાંથી કાનિયે તરવાર ખેંચી લીધી. અને અંધારામાં એની એકલી ભુજાએ પંદર-પંદર ઝાટકા સામટા પડતા હોય એટલી ઝડપથી તરવાર આંટી. એણે એકલાએ દેકારો બોલાવ્યો. સુદામડાને સહુથી વધુ બચાવનાર એ કાનિયો હતો.

આપા સાદૂળની કળ ઊતરી, એણે આંખો ઉઘાડી, પડખે જુએ ત્યાં પચીસ-પચીસ ઘામાં કટકા થઇ ગયેલો કાનિયો પડ્યો છે.

“બાપુ! સુદામડા” એટલું જ એ બોલી શક્યો. પછી એના પ્રાણનો દીવો ઓલવાઇ ગયો.

સવારે ચોરામાં ડાયરો ભરાણો. મરેલાઓને દેને દેવાની તૈયારી થતી હતી. બધી લાશો સામે પડી હતી. એ ટાણે માણસોનો અફસોસ ઉડાડવા માટે ગઢવીએ પોરસનાં વેણ કાઢ્યાં. “ખમા! ખમા તને, આપા શાદૂળ! આજ તેં કાઠિયાણીની કૂખ ઉજાળી! જોગમાયાએ સુદામડાનું નાક રાખ્યું. વાહ રણના ખેલણહાર!”

છોહડાં રણભડાં કે’ એમ સાદો,

લોહ ઝડાકા બેસલડાં,

ભડ ઝડાકા બેસલડાં,

(તો) ભઠ છે જીવન એહ ભડાં.

(શાદૂલ ખવદ કહે છે : “હે બળવાન જોદ્ધાઓ, હે તરવારોના સાધેલા વીર નરો, તમે હાજર હો છતાં જો ગામના દરવાજામાં દુશ્મનો દાખલ થઇ જાય, તો વીર એવા શૂરવીરોનું જીવતર ધૂળ મળ્યું.”)

એમ મરદ લુણાઓત આખે.

સણજો ગલ્લાં નરાં સરાં,

નર ઊભે ભેળાય નીંગરું,

તો નાનત છે એહ નરાં.

(લૂણા ખવડનો પુત્ર શાદળ કહે છે કે “હે પુરુષો, સાંભળોજો.કે જો મરદ ઊભો હોય છતાં ગામ લૂંટાય, તે તો એવા મરદને લાંછન હજો.”)

વળગ્યા ગઢે માળિયાવાળા,

મારટીપણારા ભરેલ મિંયા,

પોતે ચકચૂર થિયો પવાડે,

એમ કેક ભડ ચકચૂર કિયા.

(માળિયાવાળા મિયાણા લૂંટારા, કે જે મરદાનગીભરેલા હત તે સુદામડાના ગઢ ઉપર તૂટી પડ્ય. તે વખતે બહાદુર શાદૂળ મરણિયો બન્યો અને બીજાં કંઇકને એણે શૂરાતન ચઢાવ્યાં)

સાદે ગઢ રાખ્યો સુદલપર,

દોખી તણો ન લાગે દાવ,

એમ કરી કસળે ઊગરિયો,

રંગ છે થાને, ખવડારાવ.

(સુદામડાનો ગઢ શાદૂળ ખવડે એવી રીતે બચાવી લીધો. દુશ્મનોને લાગ ફાવ્યો નહિ. એ રીતે શાદૂલ ખવડ, તુંયે ક્ષેમકુશળ ઉગરી ગયો. ખવડોના રાજા, રંગ છે તને.)

પોતાના પરાક્રમનું ગીત સાંભળીને શાદૂળ ઉદાસ મુખે ડોકું હલાવ્યું.

ચારણ પૂછે, “કાં, બાપ! કાંઇ મોળું કહ્યું?”

“ગઢવા! કવિની કવિતાયે આભડછેટથી બીતી હશે કે?”

“કાંઇ સમજાણું નહિ, આપા શાદૂળ!”

“ગઢવા! તમારા ગીતમાં મારો કાનિયો ક્યાં? કાનિયાના નામ વિનાની કવિતને હું શું કરું?”

ચારણને ભીંઠામણ આવ્યું. એણે ફરીથી સરસ્વતીને સાદ કર્યો. બે હાથ જોડીને એણે દિશાઓને વંદના દીધી, ત્યાં એની જીભમાંથી વેણ ઝરવા માંડ્યાં,

(ગીત-જાંગડું)

અડડ માળિયો કડડ સુદામડે આફળ્યો,

ભજ નગર વાતનો થિયો ભામો,

કોડ અપસર તણા ચૂડલા કારણે,

સૂંડલાનો વાળતલ ગિયો સામો.

(માળિયાના મિયાણા સુદામડા ઉપર તૂડી પડ્યા, જાણે કે ભુજ અને નગર વચ્ચે યુદ્ધ મંડાયું. એ વખતે રણક્ષેત્રમાં મરીને અપ્સરાઓને પરણવાના કોડથી એક ઝાડુ કાઢનાર ભંગી શત્રુઓ સામે ગયો.)

વરતરિયા તણો નકે રિયો વારિયો.

ધધુંબ્યો પાળ ને ચડ્યો ઘોડે,

ઢોલના વગડાવતલ કેમ નવ ધડકિયા,

ઢોલનો વગાડતલ ગિયો ઘોડે.

(પોતાની બાયડીનો વાર્યો પણ એ ન રહ્યો, લશ્કર તૈયાર થયું. પોતેય ઘોડે ચડ્યો, અને પાસે ઢોલ વગડાવનારઓને શૂરવીરોને તો હજી શૌર્ય ચઢતું રહ્યું. ત્યાં તો ઢોલ વગાડનારો પોતે જ રણઘેલો બનીને દોડ્યો.)

વીભડા તણાં દળ કરમડે વાઢિયાં,

સભાસર આટકે લોહી સૂંકા,

અપસરા કારણે ઝાટકે આટકી,

ઝાંપડો પોળ વચ થિયો ઝૂકા.

(શત્રુઓનાં ટોળાંને એણે તરવારથી કાપી નાખ્યાં. અપ્સરાઓને વરવાનો ઉત્સાહી એ કાનિયો ભંગી લડીને આખરે શેરી વચ્ચે મર્યો.)

ભડ્યા બે રખેહર જેતપર ભોંયરે,

વજાડી ખાગ ને, આગ વધકો,

રંગે ચડ્યો ગામને, સામે કરાળે રિયા,

એટલો કાનિયાનો મરણ અધકો.

(અગાઉ પણ બે અછૂતો લડેલા હતાઃ એક જેતપુરમાં ચાંપરાજ વાળાના યુદ્ધ વખતે ને બીજો ભોંયરગઢની લડાઇમાં. તે બન્ને પણ પોતાના ગામને ખાતર ખડ્‌ગ વાપર્યો. પણ કાનિયાનું મરણ તો એથીયે અધિક છે, કેમ કે એક તો એણે ગામને વિજયનો રંગ ચડાવ્યો, ને વળી પોતાના માલિકને એણે કુશળ રાખ્યા.)

૬. ઘોડી અને ઘોડેસવાર

ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા,

(કાં) મરઘાનેણે માણવા, (કાં) ખગ વાવ ખડિયા.

(એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઉપડતે ડાબલે આ અસવાર ક્યાં જાતા હશે? જવાબ મળે છે કે બીજે ક્યાં જાય? - બેમાંથી એક માર્ગે; કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે)

કોઇ ઘોડો, કોઇ પરખડો, કોઇ સચંગી નાર,

સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર.

(પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે; કોઇ તેજી ઘોડો, કોઇ શૂરવીર પુરુષ ને કોઇ એને શોભાવનારી સુલક્ષણા નારી, ત્રણેય નો મેળ પ્રભુ જ મેળવી શકે છે.)

ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર,

ઝાઝઆ ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર.

(ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોયઃ પછી ભલે મોત આવે - મરવું તો એક જ વાર છે ને !)

મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી, કોઇ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઇ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય... વગેરેની વાતો નીકળી. એક જણે ડૂંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું, “એ બાપ ! જે ઘડીએ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો!”

એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.

“કાં બા, હસો કાં? મોટા અસવાર દેખાઓ છો !” (બા = પુરુષ માટેનું સામાન્ય સન્માણસૂચક સંબોધન.)

“અસવાર હું તો નથી, પણ એવો એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે!”

“ત્યારે, બા, કહોને એ વાત! પણ વાતમાં મોણ ન ઘાલજો! જોયું હોય એવું જ કહી દેખાડજો.”

ખોંખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું પછી એણે ડાયરાને કહ્યું, “બા, જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે. પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઇને લાડ લડાવ્યા વગર તો નહિ રહેવાય.”

હોકાની ઘૂંટ લઇને એણે વાત માંડી, “વધુ નહિ, પચીસેક વરસ વીત્યાં હશે. સોરઠમાં ઇતરિયા ગામે સૂથો ધાંધલ નામનો એક કાઠી રહેતો હતો. પચીસેક વરસની અવસ્થા. ઘરનો સુખી આદમી. એટલે અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે હિલોળા લ્યે છે.

પરણ્યાં એકાદ-બે વરસ થયાં હશે. કાઠિયાણીનો ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઇ ગયાં છે. દીકરો અવતર્યો છે. બે મહિના સુવાવડ પહેલાંના, અને બે મહિના સુવાવડ પછીના એમ ચાર ચાર મહિનાનો વિજોગ થયો.

એની વેદના તો આપા સૂથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે? ેએમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇન્દ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને સાથે સળા વા કરતી વીજળી આભ જમીનનાં વારણાં લેવા માંડી. સાત સાત થર બાંધીને કાળાંધોર વાદળાં આસમાનમાં મંડાઇ ગયાં.”

પછી તો, વાદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજાં ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંથે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભાલીને વિજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા મંડ્યાં. પોતાની સાંકળ (ડોક) ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા ‘કેહૂ...ક! કેહૂ..ક!’ શબ્દે ગેહેકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ ‘ઢેકૂક! ઢેકૂક!’ કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી.

વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી આપા સૂથાએ આભમાં નીરખ્યા જ કર્યું. એનો જીવિ બહુ ઉદાસ થઇ ગયો. એક રાત તો એમે પથારીમાં આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઇને આપો સૂથો સસરાને ગામ મેંકડે રવાના થયા.

મેંકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઇરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય! એ પોપટનો છૂટકારો એકદમ શી રીતે થાય? એમાંય વળી વરસાદ આપાનો વેરી જાગ્યો, દિવસ અને રાત આભ ઇન્દ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢો જેવાં પરનાળાં ખોરડાંના નેવામાંથી મંડાઇ ગયાં.

એ પાણીની ધારો નહોતી વરસતી, પણ આપાને મન તો ઇન્દ્ર મહારાજની બરછીઓ વરસતી હતી! સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ ઓઢણીનો છેડોયે નજરે ન પડે! એમ ત્રણ દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એને જાહેર કરી દીધું કે, “મારે તો આજે જ તેડીને જાવું છે.”

સાસુ કહે, “અરે બાપ! આ અનરાધાર મે’ મંડાણો છે... એમાં ક્યાં જાશો?”

“ગમે ત્યાં - દરિયામાં! મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખોટી થાય છે.”

આપાને શાની વાવણી ખોટી થાતી હતી !-હૈયાની વાવણી!

ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું : “આપા! તમને ખબર છે? આડી શેત્રુંજી પડી છે. આજ ત્રણ-ત્રણ દિવસ થયાં શેત્રુંજીનાં પાણી ઉતરતાં નથી. ચારેકોર જળબંબાકાર થઇ ગયું છે તમે શી રીતે શેત્રુંજી ઊતરશો?”

“ત્યાં વળી થાય તે ખરું. પણ આંહીંથી તો નીકળ્યે જ છૂટકો છે.”

“ઠીક, આજનો દિવસ જાળવો. આંહીનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મેં’ વરસતો હોય તો પણ મારા છ બળદ જોડીને તમને ઇતરિયા ભેળા કરી દઇશ.”

તે દિવસ આપો રોકાણા, બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઇ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઇ રહ્યો હતો. બધાંએ જમાઇના મોં સામે જોયું. પણ જમાઇનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં.

(ધૂપ= અસલી કાઠિયાણીઓ અને ચારણ્યો આ સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી, અને ધોયેલાં વસ્ત્રોને એનો ધુમાડો દઇ સ્નાન કયા પછી પહેરતી. એકેક મહિના સુધી ખુશબો ન જાય તેવો એ ધૂપ હતો. સોંધા નામનો ‘પોમેટમ’ જેવો જ ચીકણો પદાર્થ પણ તે સ્ત્રીઓ જાતે તૈયાર કરતી.

ઓળેલા વાળ ઉપર એનું લેપન થતું તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. નેણમાં પણ એ સોંધો ભરીને સ્ત્રીઓ સુંદર કમાનો કોરતી. ગાલ ઉપર પણ એની ઝીની ટપકી કરીને સૌંદર્ય વધારતી.) માથું ઓળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.

મેંકડા અને ઇતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર શેત્રુંજી નદી ગાંડી તૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી કાંજે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે.

ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટ કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઇને બેઠી હતી. હુંય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું.

ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ કૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઇ રહ્યાં, જાણે આરસની પૂતળી સામે જોઇ રહ્યાં હોય! જોગમાયાના સમ, શું એ રૂપ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઇ દેખીને પૂર ઉતારી નાખત!

આપા સૂથાએ ત્રાપાવાળાએ પૂછ્યુંઃ “સામે કાંઢે લઇ જશો?”

કોળીઓ બોલ્યાઃ “દરબાર, આમાં ઊતરાય એમ નથી. જુઓ ને, બેય કાંઠે આટલાં માણસો બેઠાં છે!”

“પાણી ક્યારે ઊતરશે?”

“કાંઇ કહેવાય નહિ.”

ગાડાવાળા પટેલે આપાને કહ્યું, “આપા! હવે ખાતરી થઇ? હજીય માની જાવ તો ગાડું પાછું વાળું.”

“હવે પાછાં વળીએ તો ફૂઇ (સાસુ) ત્રણ તસુ ભરીને નાક કાપી લ્યે! પાછાં તો વળી રિયાં, પટેલ!”

આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. “જોઇ રીતે સામે પાર ઉતારશો?”

“કેટલા જણ છો?” લાલચુ ત્રાપાવાળાઓએ હિંમત કરી.

“એક બાઇ ને એક બચ્ચું, બોલો, શું લેશો?”

“રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઇએ.”

“સોળના કાકા!” કહી આપાએ કમરેથી વાંસળી છોડીને ‘ખડિંગ...ખડિંગ’ કરતા સોળ રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી, “ઊતરો હેઠાં.”

કાઠિયાણી નીચે ઊતરી. બે મહિનાનું બાળક બે હાથે હૈયાસરસું દાબીને બાઇએ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ! જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થાતી જાય.

કસુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું. કાળાં કાળાં વાદળાંનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બે આંખો, અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી, હેમની શરણાઇઓ જેવી એના હાથની કળાયું. માથે લીલાં લીલાં છૂંદણાં, બંસીધારી કા’ન અને ગોપીનાં એ મોરાંઃ અને હેમની દીવીમાં પાંચ-પાંચ જ્યોત સળગતી હોય તેવી, ડાબ-જમણા હાથની પાંચ-પાંચ આંગળી, મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી.

બધાંય બોલી ઊઠ્યાં, “આપા ગજબ કાં કરો ? આવું માણસ ફરી નહિ મળે, હો! આવું કેસૂડાના જેવું બાળક કરમાઇ જાશે. આપા, પસ્તાશો; પોક મૂકીને રોશો.”

“જે થાય તે ખરી, ભાઇઓ! તમારે કાંઇ ન બોલવું.” આપાએ જરાક કોચવાઇને ઉત્તર દીધો. કાઠિયાણીને કહ્યું, “બેસી જાઓ.”

જરાયે અચકાયા વિના, કાંઇયે પૂછપરછ કર્યા વિના, “જે માતા! કહીને કાઠિયાણિ ત્રાપા ઉપર બેઠી. પલાંઠી વાળી ખોળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. ચાર તૂંબડાં, અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો! મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય.

એ રાંધવું ઝાલીને બે તરિયા એ ત્રાપાને તાણે. આ રીતે ત્રપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઇ રહ્યા છે. ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું, અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં, એવા અડગ વિશ્વાસથી એ ઊભો હતો.

માણકીને તો એણે આવાં કેટલાંયે પૂર ઊતરાવ્યાં હતાં. અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ તરી જાય છે. એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા-નછબ્યા પગે એ ઊભી છે.”

ત્રાપો શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક નદીની લીલા નિહાળીને ઘૂઘવાટા દેતું ઉછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું, ત્યાં તો મધવહેણમાં પહોંચ્યાં.

“ભૂંડી થઇ!” એકાએક આપાના મોંમાંથી ઉદ્‌ગાર નીકળ્યો.

“ગજબ થયો!”બેય કાંઠાના માણસોએ જાણે પદઘો દીધો.

આશરે એક સો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી, વાંભ એક લાંબો કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં ઊડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઇ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઊગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલંગ મારી ત્રાપા ઉપર જઇ ચડ્યો; બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સૂપડા જેવી ફેણ માંડીને ‘ફૂં...’ અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી! એ ન થડકી. એનાં નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણાં છે. એના મુખમાંથી ‘જે મા... જે મા! ના જાપ ઊપડ્યા.’

“આપા, ગજબ કર્યો!” માણસો એકીશ્વાસે બોલી ઊઠ્યા. આપા તો એકધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું. રાંઢવા ઉપર શરીર લાંબું કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી : “એ જુવાનો! સામા કાંઠા સુધી રાંધવું ન છોડજો, હો! સો રૂપિયા આપીશ.”

ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા, આ શી તાજુબી! સો રૂપિયા બીજા! પાછું ફરીને જુએ ત્યાં તો કાળને અને એના હાથને વેંતનું છેટું ! ‘વોય’ બાપ! “ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું; ‘ઢબ-ઢબ-ઢબાક!” ઢબતા ઢબતા બેય જણા કાંઠે નીકળી ગયા.

રાંઢવું છૂટ્યું, અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી... ધરરર! ઘરરર! ત્રાપો તણાયો. ‘એ ગયો... એ ગયો... કેર કર્યો, આપા! -કેર કર્યો.’ એવી રીડિયારમણ બેય કાંઠે થઇ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડુબકી ખાઇને પાછો ત્રાપા ઉપર આવ્યો, બાઇની સામે મંડાણો. બાઇની નજરના તાર તો બીજે ક્યાંય નથી - એના બાળક ઉપર છે; અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. ‘જે જગદમ્બા’નો મૃત્યુજાપ જપાતો જાય છે.

આપો જુએ છે કે કાઠિયાણી ચાલી ! એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાનો સંસાર કલ્પી લીધો. અને -

ડુંગર ઉપર દવ બળે, ખન-ખન ઝરે અંગાર,

જાકી હેડી હલ ગઇ, વાકા બૂરા હવાલ.

અને

કંથા પહેલી કામની, સાંયા શેં માર્યે,

રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.

એવા એ ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળું ક્યાં હતું ?

કાઠીએ માણકીની વાગ ઉતારીને કાઠાની મૂંડકી સાથે ભરાવી. મોરડોય ઉતારી લીધો, ઊગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી. ઉપાર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેટહ્નાસ માણકીને વહેતી મૂકી. મણિકા-મણિકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહોંચી. આ બધું વીજળીને વેગે બન્યું.

“બાપ માણકી! મારી લાજ રાખજે! કહીને ઘોડીના પડખામાં એડી લગાવી શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી. ‘ધુબ્બાંગ’ દેતી દસ હાથ ઉપર માણકી જઇ પડી. ચારેય પગ લાંબા કરીને એ પાણીમાં શેલાલા દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી, એટલો જ ભાગ દેખાતો હતો.

માણકી ગઇ. બરાબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપોસરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉઘાડી તરવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતાં જ આપાએ તરવાર વાઇઃ ‘ડુફ’ દઇને નાગનું ડોકું નદીમાં જઇ પડ્યું. પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઇ લીધું.”

‘રંગ આપા ! વાહ આપા ! નદીને બેય કાંઠેથી લોકોએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડછંડા બોલ્યા.’

ચારેય દિશામાં રાક્ષસ જેવા લોઢ ઊછળી રહ્યા છે. કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે. મા-દિકરાનાં મોંમાં પણ પાણી જઇ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તો આરે અર્ધો ગાઉ અધો તહી ગયેલો; સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહિ. સન્મુખ નજર કરે ત્યાં તો નદીના ભેડા માથોડું-માથોડું ઊંચા! કેવી રીતે બહાર નીકળવું?

“બાપ માણકી ! બેટા માણકી !” કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી.

“કાઠિયાણી, હવે તારું જીવતર રાંઢવામાં છે, માટે બરાબર ઝાલજે.” કાઠીએ કહ્યું.

કાઠીયાણીઅએ બાળકને પલાંઠીમાં દબાવ્યો, બે હાથે રાંઢવું ઝાલ્યું. રાંઢવાનો છેડો આપાએ કાઠીયાણીની મૂંડકીમાં ભરાવ્યો. માણકી કાંઠા પાસે પહોંચી; એના પગ માટી ઉપર ઠેરાણા.

“કાઠિયાણી! ઝાલજે બરાબર!” કહીને આપાએ માણકીના પડખામાં પાટુ નાખી ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું - માથોડું ભેડા ઉપર છલંગ મારી... પણ ભેડા પલળેલા હતા. માટીનું એક ગાડા જેવડું ગાંદળું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઇ પડી. ત્રાપો પણ, એ બાળક અને માતા સોતો, પાછો પછડાણો. મા-દીકરો મૂંઝાઇને પાછાં શુદ્ધિમાં આવ્યાં.

“બાપ માણકી !” કહીને ફરી વાર ભેખડ પાસે લઇને આપાએ માણકીને ફુદાવી. ઉપર જઇને માણકી પાછી પાણીમાં પછાડાણી. ભૂતાવળ જેવાં મોજાં

જાણે ભોગ લેવા દોડ્યાં આવ્યાં.

ત્રીજી વખત જ્યારે માણકી પડી, ત્યારે કાઠિયાણી બોલી, “કાઠી, બસ! હવે ત્રાપો મેલી દ્યો! તમારો જીવ બચાવી લ્યો, કાયા હેમખેમ હશે તો બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે. હવે દાખડો કરો મા.”

“બોલ મા!-એવું વસમું બોલીશ મા! નીકળીએ તો ચારેય જીવ સાથે નીકળશું; નીકર ચારેય જણાં જળસમાધિ લેશું, આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કાં ઇતરિયાને ઓરડે, ને કાં સમદરના પાતાળમાં.”

“માણકી! બાપ ! આંહીં આંતરૈયાળ રાખીશ કે શું ?” કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઇ. ભેડાની ઉપર જઇ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. ‘રંગ આપા! રંગ ઘોડી!’ એમ કિકિયારી કરતાં માણસો ટોળે વળ્યાં. આપા માણકીને પવન નાખવા મંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી; એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા.

માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યો હતો તે ઉતારીને સૂથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો. ‘બાપ માણકી! મા માણકી!’ - એવા સાદ પાડી પાદીને આપોએ આકાશને રોવરાવ્યું. ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઇ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીનાં નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલ્યાં જતાં હતાં.

એંશી વરસનો થઇને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં બાર-બાર જાતવંત ઘોડાં હતાં; પણ પોતે કદી કોઇ ઘોડે નહોતો ચડ્યો.

‘રંગ ઘોડી - ઝાઝા રંગ !’ એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા.

(ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલાં બાળક - માતા ત્રણ-ત્રણ વાર શી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી, એટલે આપણે આપણે સુખેથી સમજી લઇએ કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેલાડ્યે (પાછળ) બેસાડી લઇ પરાક્રમ કર્યું હશે.)

૭. ભીમો ગરાણીયો

મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે-જો એ છાબડું સતનું હોય તો - મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂળીયું વરણ; ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે, પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય. એવો જ રૂડો દેખાણો હતો એક ગરાણિયો; આજથી દોઢસો વરસ ઉપર સાતપડા ગામને ટીંબે, સાતપડાને ચોરે મહેતા-મસુદી અને પગી પસાયતા મૂંઝાઇને બેઠા છે. શું કરવું તેની ગમ પડતી નથી.

પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાં તોરણ બાંધવા આવ્યાં છે. એટલે ના પણ કેમ પડાય ?

“બીજું કાંઇ નહીં,” એક આદમી બોલ્યો : “પણ નોખાં નોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે? નત્યનો કજિયો ઘરમાં ગરશે.”

“પણ બીજો ઉપાય શો! એના બાપની જમીન આપણા ગઢન પાયા સુધી પોગે છે એની કાંઇ ના પડાય છે ?” બીજાએ વાંધો બતાવ્યો.

“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઇએ; ગામ ગામ વચ્ચેના સંપ સાટું શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહિ છોડે?”

“હા જ તો! હજી કાલ સવારની જ વાત; સધરા જેસંગની મા મીણલદી મલાવ સરોવર ખાંડું થાતું’તું તોય વેશ્યાનું નહોતું પાડ્યું.”

“અને આપણે ક્યાં જમીનનાં બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દિયે. એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું. બિચારાં પશુડાં પોરો ખાશે, વટેમાર્ગું વિસામો લેશે અને વળી કજિયો-કંકાસ નહિ થાય.”

“પણ ઇ સાવજને કોણ કે’વા જાય કે તારું મોઢું ગંધાય છે ?”

“મે’તો જાય, બીજું કોણ ?”

લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો. એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ, ભાઇ ! તમે સહુ પસાયતાઓ જઇને મારા નામે દરબારને સમજાવો.”

“તો ભલે, હાલો!” કહેતા પસાયતા ઊભા થયા; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા... પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે, તેનું સાક્ષાત્‌ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઇ હાલીમવાળી તો મીટ માંડી શકે નહીં એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે, “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ. અને પછી પાયો દોરી લ્યો ઝટ.”

“બાપુ, રામ રામ!”કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા.

“કેમ શું છે?” પ્રતાપસંગજીએ તોરમાં પૂછ્યું.

“બાપ, વહીવટદારે કહેવરાવેલું છે કે જમીન તમારી સાચી, પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી...”

પણ તમે આટલા બધા કાંપો છો શીદ ને ? પ્રતાપસંગજી શું સાવઝ-દીપડો છે ? માણસ જેવું માણસ છે. આપણે જઇને ઊભા રહીએ, ફરી સમજાવીએ, ન માને તો પાણીના કળશો ભરીને આડા ઊભા રહીએ. આમ રોયે શું વળશે?’

સહુની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાઇ. આછા-પાંખા કાતરા એકવડિયું ડિલ, ફાટલતૂટલ લૂગડાં, ખભે ચોફાળનું ઓસાડિયું નાખેલું, કાખમાં તરવાર હાથમાં હોકો, ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે.

“ત્યારે, ભીમા ગરણિયા,” માણસોએ કહ્યું; “તમે અમારી હારે આવશો?”

“ભલે, એમાં શું? તમે કહેતા હો તો હું બોલું.”

“જે ઠાકર” કરીને સહુ ઊપડ્યા. મોખરે ભીમો ગરણિયો હાલ્યો. સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો, પ્રતાપ સંગજીને ગોઠણે હાથ નમાવી બોલ્યો, “બાપુ, રામ રામ!”

“રામ રામ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ જોઇ રહ્યા, મોં આડો રૂમાલ રાખીને હસવું ખાળ્યું.

“છઉં તો આયર.”

“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ!” દરબારે મશ્કરી કરી; “બોલો આયરભાઇ, શો હુકમ છે?”

“બાપુ, હુકમ અમારા ગરીબના તે શિયા હોય! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુના પ્રભુ રાજી રે’!”

“આયરભાઇ!” પ્રતાપસંગનું તાળવું તૂટું તૂટું થૈ રહ્યું, “તમે ભાવનગરના કારભારી લાગો છો !”

“ના, બાપ! હું તો પસાયતોય નથી.”

“ત્યારે?”

“હું તો મુસાફર છું. અસૂર થયું છે ને રાત રિયો છું.”

“તો પછી આબરૂ સોતા પાછા ફરી જાવ!”

“અમારે આયરને આબરૂ શી, બાપ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક છોડવાની બે ડાળ્યું ; એક જ ખોરડું કહેવાય, ગંગાજળિયું ગોહિલ ફુળ બેયનું એક જ, અને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમં બાધી પડે એવું ફજિયાનું ઝાડ કાં વાવો?”

“હવે ભાઇ, રસ્તો લે ને! ભલે ભાવનગરનો ઘણી મને ફાંસીએ લટકાવે.”

“અરે બાપા!” જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે, “શેત્રુંજાના બાદશાહ! એમ ન હોય. હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઊપડે.”

“આયરડા!” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા.

“બાપુ, તમારે આવું તોછડું પેટ ન જોવે, અને ભાવનગર-પાલીતાણા બાખડે”

“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું.”

“એ ટાણે તેડાવ્યાનું વેળું નહિ રહે, ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારાં ઓવાળે ચડે. બાપુ ! ઇ ટાણે વષ્ટિનો વખત ન રહે. પછી તો જેના ઘરમાથી ઝાઝાં નળિયાં-”

“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે.”

‘હું તો અસૂર થયું છે તે રાત રિયો છું. પણ, બાપુ, રે’વા દ્યો.’

“નીકર ! તું શું બંધ કરાવીશ ?”

“ઇ યે થાય !”

“એ - મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી, “નાખો ખૂંંટ, ગધેડીઓ ખોદો, આયરડો આવ્યો બંધ કરાવવા !”

ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમામા મ્યાનમાંથી તરવાર ખેંચાણી. ઉઘાડી તરવાર લઇને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું, “જોજો હોં, ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો!”

ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો. જરીફોના પગ જાણે ઝલાઇ ગયા, ઠાકોરથી આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું, “ત્યાં જ બેઠા રે ‘જો દરબાર ! નીકર ઓખાત બગડી જશે. હું તો આયરડો છું. મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે. પણ જો તમારા ગળાને આ કાળકા લબરડો લેશે ને, તો લાખ ત્રાંસળિયું ખડખડી પડશે. શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય.”

પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો. સોળ કળાના હતા, પણ એક કળાના થઇ ગયા. આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી. ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો, “અમારું માથું તો ધરધણી માણસનું, દરબાર! યાળીને બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો. હાલ્યા છો કે હમણાં ઉતારી લઇશ માથું - ચાકડેથી માટીનો પીંડો ઉતારે એમ.”

ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડિલ ધ્રૂજ ઊઠ્યું. માણસોએ ભીમાને ઝાલી લીધો. પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા. બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોંચી ગયા.

આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લક્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે. એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે બાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિની ડંકો વાગ્યો.

“દરબાર કેમ દેખાતા નથી ?”

“મામા, એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે. બા’રા નીકળતા જ નથી.”

“માંદા છે ?”

“ના, મામા, કાયા તો રાતીરાણ્ય જેવી છે.”

“ત્યારે?”

“ઇ તો રામધણી જાણે. પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે. વાતું થાય છે કે કોઇક આયરે બાપુને ભોંઠામણ દીધું.”

“ઠીક, ખબર આપો દરબારને, મારે મળવું છે.”

એનું નામ હતું વાળા શામળો ભા. દાઠા તરફના એ દરબાર હતા. પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતાં. માથા ઉપર મલોખાં મેલીને ફગ બાંધતા હતા. (‘ફગ’ એ જૂના જમાનાની પાઘડી હતી) એના ભૂજબળની ખ્યાતિ આખઈ સરવૈયાવાડમાં પથરાઇ ગઇ હતી. મેડી ઉપર જઇને એણે દરબારને હિંમત દીધી, “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય, દરબાર ! અને, એમાં ભીંઠામણ શું છે ?”

“પણ, વાળા ઠાકોર, માળો એક આયર નરપલાઇ કરી ગયો !”

“અરે, સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું. આયરડું શું---”

“રંગ, વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્કૂર્તિ આવી. પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડ્યો, અને બોલ્યા, “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી, હો! આયર બહો કોબાડ માણસ છે, બહુ વસમો છે.”

“હવે દોઠા જેટલો છે ને ?”

“અરે, રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર, ઇ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હોં ! જાળવો તો ઠીક.”

તાડ જેવડો છે કે કાંઇ નાનોમોટો, એ હું હમણાં માપી આવું છું. દરબાર તમતમારે લહેરથી કસુંબો પીઓ. બાકી એમ રોયે રાજ નહિ થાય.

દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા. ઢોર વાંભવાની વેળા થઇ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા. ગોવાળને હાકલ દીધી, “એલા આયડું ! ક્યા ગામનો માલ છે ?”

“બાપુ, સાતપડાનો.”

“હાંક્ય મોઢા આગળ, નીકર ભાલે પરોવી લઉં છું.”

“એ હાંકું છું, બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે ‘વાઉં.” એમ કહીને ગોવાળે ગાયો ભેંસો ધોળીને પાલીતાણાને માર્ગે ચડાવી. મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના.

ધ્રસાંગ! ધ્રસાંગ! ધ્રસાંગ! સાતપડે ઢોલ થયો. પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે, એમ વાવડ પહોંચ્યા, પણ આયરો બધા જોઇ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા, તરવારો બાંધીને હાલ્યા જાય છે. એને જેતાશે શી રીતે! સહુનાં મોં ઝાંખાંઝપટ થઇ ગયાં.

ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી. ચોરે જઇને છૂટે ચોટલે એણે ચસકો કર્યો. “અરે આયરું ! એ ભાઇ પસાયતાઓ ! કોઇ વાસ નહિ રાખે હો! અને આજ ગરાણિયો ગમતરે ગયેલ છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”

એમ વાત થાય છે ત્યાં ભીમો ગરાણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો. ખોભળે ભાલું, ખભામાં ઢાલોતર, કેડ્યે તરવાર, અને હાથીની કુંભથળને માથે જાતી ડાબા માંડે એવી રાંગમાં ઘોડી. ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું, “શો ગોકીરો છે, ભાઇ ?”

“ભીમભાઇ, દુશ્મનો ફેરી કરી ગયા.”

“કોણ ?”

“પાલીતાણાના દરબારનો સાળો.”

સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઇ ગયાં. હાકલ કરી કે “ આયરો, ઊભા થાઓ, નીકર કોઇ વાસ નહિ રાખે”

“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય.”

પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઇ હતી. પણ ભીમે પાણી ન માગ્યું, સાંગ માગી, ઘોડાનું પલાણ ન છાંડ્યું. આયરાણીએ દોટ દીધી, ધણીની દેલિયા સાંગ પડેલી તે ઉપાડીને લાંબી કરી. સાંગ દઇને બાઇ પાછી વળી; માથે મોતીભરેલી ઇંઢોણી મેલીને હેલ્ય ચડાવી, ખંભે સાંબેલું લીધું અને આયરાણીઓને હાકલ કરી. ઘરેઘરમાંથી આયરની વહુ-દીકરીઓ હેલ્યો નેે સાંબેલા લઇને નીકળી. રણઘેલડી આયરાણીઓનો હેલારો ચડ્યો.

ગામ કલક્યું. ખંપાળી, કોદાળી કે લાકડી ઉપાદી, રીડિયા ચસકા કરતું ટોળું નીસર્યું. મોખરે ભીમો પોતે ઘોડી ઉપર, ને બીજા બધા પાળા, ભીમો એકલો છે, પણ એકે હજારા જેવો દેખાય છે. ઘોડીને આધસોડે લેતો આવે છે. માણસો વાંસે દોડ્યા આવે છે. આયરાણીઓનો હેલારો ગાજતો આવે છે.

સીમાડે મલ દેખાણે. શામળા ભએ તો ત્રીજી પાંસળીએ તરવાર બાંધેલી કમાડ જેવડી ઢાલ ગળામાં લીધેલી, ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી, વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે.

‘એર, એક અસવાર બાપડો શું કરતો ‘તો ?’ એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો. હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગજ્યા, હાથમાં ગણણ...ગણણ...ગણણ સાંગ ફરતી આવે છે. આવતાં જ હાકલ કરી. તાદ જેવડો થયો. “કયાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવારો ઓઝપાણા. ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો, પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો.

લગાફગ... લગાફગ... લગાફગ કરતા ભા ભાગ્યાઃ દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં થઇ રહ્યા. ફરડક -હું, ફરડ ! ફરડક -હું, ફરડ ! ફરડક -હું, ફરડ ! એમ ફડકારા બોલાવતા ભા’ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઇને પછી લગોલગ થઇ ભીમાએ સાંગ તોળી. બોલ્યો, “જો, મારું તો આટલી વાર લાગે. પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસે ; તું પાલીતાણા - ફુંવરનો મામો કે’વા ! પણ જો ! આ તો નહિ મેલું.”

એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી મલોખાંની ફગ ઉતારી દીધી. સાંગની અણીમાં પરોવાયેલી ફગ લઇને આયર પાછો વળ્યો. કાંધરોટો દેતો નીકળ્યો. દોઢસો અસવારોની ગાંઠ પડી ગઇ છે પણ કોઇએ તેને છંછેડ્યો નહિ.

શામળો ભા તોપાટીએ ચડી ગયા, તે ઠેઠ ડુંગરામાં દરશાણા.

એક કહે “અરે, બાપાની ફગ ઉપાડી લીધી.”

બીજો કહે : “ઇ તો માથાનો મેલ ગયો.”

ત્રીજો કહે : ‘ઇ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા. ફગ ગઇ તો ઘોળી. માથાનો મેલ ઊતર્યો, બાપા ! વાંધો નહિ. કેડ્યેથી ફાળિયું છોડીને ફેંટો બાંધી લ્યો.’

દીવે વાટ્યો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા. પ્રતાપસંગજી નજર કરે ત્યાં લમણાં ઉજ્જડ દીસ્યાં. મોં પર વિભૂતિનો છાંટોયે ન મળે. ભાએ સલામ કરી.

“ગરાસિયાના પેટનો છો?” દરબારે કહ્યું, “મેં નો’તો ચેતવ્યો?”

“માળો... આયરદો ત્રણ તાડ જેવડો થાય છે ! કાઠામાં સમાતો નથી! “ભા’ની જીભના લોચા વળવા લાગ્યા.”

“ન થાય? અમથો હું હાલ્યો આવ્યો હોઇશ? જાવ, મને મોઢું દેખાડશો મા”

શામળો ભા પાટીએ ચડી ગયા. તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંગજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું.

પતંગિયા જેવો ભીમો ફગ લઇને સીમાડેથી પછો વળ્યો. વાંસે ધણ ચાલ્યું આવે છે. ગામલોકોએ એને આવતો ભાળ્યો અને લલકાર કર્યો, “રંગ ભીમા ! રંગ ગરાણિયા !” “અરે બા, મને રંગ શેના ?” ભીમે કંઇયે પોરસ વગર જવાબ વાળ્યો, “એ તો ભાવનગરના બાદશાહનું નશીબ જબ્બર છે, અને બાકી તો આયર-કાઠીનું કામ છે કે વારે ચડવું”

ભાવનગરના દરબારગઢની મેડીએ કનૈયાલાલ વેજેસંગ મહારાજ કિચડૂક... કિચડૂક... હીંડોળાખાટે હીંચકે છે. સામે દિવાન પરમાણંદદાસ અને મેરુભાઇ બેઠા છે. સાતપડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે. સાતપડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે, “પરમાણંદદાસ, આયરે માળે અખિયાત કરી, હોં ! એને આંહીં તેડાવીએ. મારે એને જોવો છે.”

“ભલે મહારાજ, અસવાર મોકલીએ.”

“એલા, ક્યાંનો બીડો ?”

“બાપુ સાતપડાનો.”

“ઉઘાડો, ઝટ ઉઘાડો, પરમાણંદદાસ !”

પરમાણંદદાસ વાંચે છે તે મહારાજ સાંભળેે છે, લખ્યું હતું કે ભીમાં ગરણિયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે, દોઢસો અસવારને એકલે તગડી, ધણ પાછું વાળ્યું છે અને શામળા ભાની ફગ સાંગની અણીએ ઉતારી લઇ જીવતા જાવા દીધા છે.

વજા મહારાજની છાતી પહોળી થવા માંડી. પાસાબંધી અંગરખું પહેર્યું છે તેની કસો તૂટી પડી, “રંગ ! ઘણા ઘણા રંગ!” એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ વછૂટ્યા અને હુકમ કર્યો, ‘પરમાણંદ દાસ ! દાદના શેખને પચાસ ઘોડે સાતપડે મોકલો ભીમાને તેડી આવે.”

“ભલે, બાપુ !”

“પણ કેવી રીતે લાવવા, ખબર છે ?”

“ફરમાવો.”

“પ્રથમ તો એને જે ફગ ઉપાડી લીધી છે તે સાથે લેતા આવવી અને બીજું, સાતપડા ને ભાવનગર વચ્ચે આપણાં જેટલાં ગામ આવે છે એ દરેક ગામને ચોરે વસ્તીને ભેળ કરી, કસુંબા કાધી, ભીમા ગરણિયાના પરાક્રમને ચર્ચી દેખાડવું. ગામેગામ એ આયરને છતો કરવો.”

જમાદાર ઊપડ્યા. સાતપડા માથે જઇને ભીમા ગરણિયાને બાથમાં લઇ લીધા.

“અરે રંગ ગરાણિયા ! મહારાજની લાજ વધારી !”

“અરે બાપુ ! ઇ તો મહારાજનાં ભાગ્ય જબરાં ! હું શું કરી શકતો’તો ?”

“લ્યો, થાવ સાબદા, તમારે ભાવનગર આવવાનું છે.”

“અરે બાપા, હું ગરીબ માણસ ! મહારાજ પાસે મેંથી કાંઇ અવાય ?”

“અને ઓલી ફગ સાથે લેવાની છે.”

ભીમો તૈયાર થયો, પણ ફગ લેવાનું ન માન્યો. એટલે દાદન શેખે પટેલને લઇ ભીમાના ઘરમાંથી સાંગમાં પરોવેલી ફગ ગોતી કાઢી, સંચોડી સાંગ જ સાથે લઇ લીધી.

“લ્યો ગરણિયા, નાખો સાંગ પાઘડામાં.”

“અરે બાપ ! મારું મોત કાં કરાવો ?”

“તો અમે લેશું.”

મોખરે ફગ સોતી સાંગ, પછી ગરણિયો અને વાંસે અસવારોઃ એમ અસવારી ચાલી. ગામડે ગામડે સામૈયાં, વધામણાં અને કંકુના ચાંદલાં ગામડે ગામડે ચોરામાં દાયરો ભેળો થાય છે, ગરણિયાના શૂરાતનની વાત મંડાય છે, શરમાળ આયર નીચે નિહાળીને બેઠો રહે છે. ઘાટા કસુંબાની અંજળીઓ ઉપર અંજળીઓ અપાય છે. એમ થતાં થતાં ભાવનગર આવ્યું.

શરમાતે પગલે ગરણિયો મેડી ઉપર ચડવા માંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર તે શૂરવીરનું ડોકું દેખાણું, તે જ ઘડીએ ગાદી ઉપરથી ચારે પલા ઝાટકીને અઠારસેં પાદરના ધણી ઊભા થઇ ગયા.

“અરે બાપ ! રે’વા દ્યો ! મનેે ભોંઠામન દ્યો મા !” એમ ભીમે અવાજ દીધો. પણ મહારાજની તો છાતી ફાટતી હતી. એ શી રીતે અટકે ? આઠ કદમ સામા ચાલ્યા.

“આવો ! ગરણિયા, આવો ! આવો ! એમ આદર દીધો, પણ મોંમાં શબ્દ સમાતો નથી. દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું. લઇ જઇને પોતાને પડખે બેઠક દીધી. મરક મરક ! મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને દૂબળા પાતળા પરોણાની સામે પગથી તે માથા સુધી નજર કરતા જાય છે. ભીમાની પાંપણો તો નીચે ઢળીને ધરતી ખોતરતી રહી છે, અને મોંએ શરમના શેરડા પડે છે.”

આખી વાત માંડીને દાદન શેખે કહી સંભળાવી. સાંભળીને મહારાજ મોં માં આંગળા નાખી ગયા.

“ગરણિયા !” મહારાજે પૂછ્યું, “શું દરબાર તમને પાળે છે?”

“ના બાપુ, હું તો વડિયા તાબે અકાળા ગામનો વાસી છું. અહીં તો સગાવળોટે આવ્યો’તો.”

“ઠીક, મેરુજી ! ત્રાંબાનું પતરું મંગાવો.” મહારાજે વજીરને કહ્યું.

ત્રાંબાનું પતરું આવ્યું.

“લખો ચાર સાંતીની જમીન, બે વાડીના કોસ, રાજની ગાદીએ દીવો રહે ત્યાં સુધી ભીમા ગરણિયાના વંશના ખાય.”

લેખ લખાણો.

“હવે લાવો પહેરામણી.”

પોશાક આવ્યો. લાટપાટા શણગારેલી ઘોડી આવી. હીરની સરક બેય બાજુ હીંડોળતી આવી છે, સાચા કિનખાબના આગેવાળ અને જેરબંધ ઘોડીની ગરદને શોભી રહ્યાં છે; કોઇ કુશળ વેપારીએ લેખણ ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઇ છે; અને જેમ કોઇ આણાત કાઠિયાણી લાજના ઘૂમેટા તાણતી હોય તેમ ઘોડીની કાનસૂરીની અવળ સવળ દોઢ્ય ચડી રહી છે. ગરણિયાને પોશાક પહેરાવ્યો અને પછી ઘોડીની સરક હાથમાં આપી મહારાજે આયરનો વાંસો થાબડ્યો, બોલ્યા “ભીમા ગરણિયા ! તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કંઇ નોકરી નથી કરવાની. ખાવ, પીઓ અને આનંદ કરો.”

બાર મહિના ચાલે તેટલું પળાણિયા વીડમાંથી ખડ અને દસ કળશી બાજરો મહારાજે ભેળાં મોકલાવ્યાં. અસવારો જઇને વાજતે ગાજતે ભીમાને સાતપડે મૂકી આવ્યા.

આજ પણ એના વંશજો ગરાસ ખાય છે.

૮. દેપાળદે

ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે.

ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીર સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં. રાજા દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે, “હે દયાળું! મે ‘ વરસાવો! મારાં પશું, પંખી અને માનવી ભૂખ્યાં - તરસ્યાં મરે છે.”

પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઇ. ડુંગરા ઉપર ઘાસ ઊગ્યાં.

દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં તો ખરો. મારી વસ્તી સુખી છે કે દુઃખી? જોઉં તો ખરો, ખેડૂત ખેતર ખેડે છે કે નહિ ? દાણા વાવે છે કે નહિ ? તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ?’

ઘોડે ચડીને રાજા ચાલ્યા જાય, ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે, પશુંડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાંતીડે બબ્બે બળદો, પણ કેવાં! ધીંગા અને ધફડિયા.

પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઇ જોઇને એનું દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો.

એક માણસ હાંકે છે, પણ હળને બેય બળદ નથી જોતર્યા ; એક બાજુ જોતરેલ એક બળદ, ને બીજી બાજુ જોતરેલ છે એક બાયડી. માણસ હળ હાંકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે. બાયડીનેય લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઇ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે.

રાજા દેપાળદે એની પાસે ગયા. જઇને કહ્યું, “અરે ભાઇ ! હળ તો ઊભું રાખ.”

“ઊભું તો નહિ જ રાખું. મારે વાવણી મોડી થાય તો ? તો ઊગે શું, તારું કપાળ ? વાવણી ને ઘી-તાવણી! મડું ઢાંકીનેય વાવણી કરવી પડે, ઠાકોર!”

એટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઇને મારી.

રાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતને ફરી વીનવ્યો, “અરેરે, ભાઇ! આવો નિર્દય? બાયડીને હળમાં જોડી!”

“તારે તેની શી પંચાત ? બાયડી તો મારી છે ને ? ધરાર જોડીશ. ધરાર મારીશ.”

“અરે ભાઇ, શીદ જોડી છે? કારણ તો કહો!”

“મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસ ન મળે. વાવણી ટાણે કોઇ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું વરસ ખાઉં શું ? બાયડી-છોકરાંને ખવરાવું શું? એટલા માટે આને જોડી છે!”

“સાચી વાત! ભાઇ, સાચે સાચી વાત! લે, હું તને બળદ લાવી આપું પણ બાયડીનું તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.”

“પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ ; પહેલાં નહિ છોડું. હળને ઊભું તો જ નહિ રાખું. આતો વાવણી છે, ખબર છે?”

રાજાએ નોકર દોડાવ્યો, “જા ભાઇ, સામાં ખેતરોમાં મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઇને ઘડીકમાં આવજે.”

તોય ખેડૂત તો હળ હાંકી જ રહ્યો છે. બાઇ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે.

રાજા બોલ્યા, “લે ભાઇ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.”

ખેડુ બોલ્યો, “આજ તો ઊભા કેમ રહેવાય ? વાવણીનો દિવસ ; ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઇ જાય!”

રાજાજી દુભાઇ ગયા, “તું પુરુષ થઇને આટલો બધો નિર્દય? તું તો માનવી કે રાક્ષસ?”

ખેડૂતની જીભ તો ફુહાડા જેવી! તેમાંય પાછો ચારણ ખેડૂત! બોલે ત્યારે તો જાણે લુહારને કોઢનાં ફૂલડાં ઝરે! એવું જ બોલ્યો, “તું બહુ દયાળું હો તો ચાલ, જૂતી જા ને! તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારુ આવ્યો છો?”

“બરાબર! બરાબર!” કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઊતર્યા અને હળ ખેંચવા તૈયાર થઇ ગયા; કહ્યું “લે, છોડ એ બાઇને અને જોડી દે મને.”

બાઇ છૂટી. એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઇ રહ્યાં.

ચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંક્યે જાય છે. ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઊથલ પૂરો થયો. ત્યાં તો બળદ લઇને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એ તો રાજાનાં વારણાં લેવા લાગી.

“ખમ્મા,મારા વીર! ખમ્મા, મારા બાપ! કરોડ દિવાળી તારાં રાજપાટ તપજો!” દેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા.

ચોમાસું પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઇ જાય તેટલા બધા ઊંચા! દરેક છોડની ઉપર અક્કેક ડૂંડું, પણ કેવડું મોટું? વેંત વેંત જેવડું! ડૂંડામાં ભરચક દાણા! ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા! જોઇ જોઇને ચારણ આનંદ પામ્યો.

પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ? ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હાર્યમાં એકેય ડૂંડાં નીંઘલેલાં જ ન મળે! આ શું કૌતુક !

ચારણને સાંભર્યું, “હા હા! તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢ ડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો ‘તો. આ તો એને હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા! એનાં પગલાં પડ્યાં એટલા ભીંમાં મારે કાંઇ ન પાક્યું. વાવેલા દાણાય ફોગટ ગયા !”

ખિજાઇને ચારણ ઘેર ગયો, જઇને બાયડીને વાત કરી, “જા, જઇને જોઇ આવ ખેતરમાં. એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું!”

બાઇ કહે, “અરે ચારણ! હોય નહિ. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.”

“ત્યારે તું જઇને જોઇ આવ. ફરી મળે તો હું એને ટીપી જ નાખું, એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી! મળે તો એને મારી જ નાખું.”

દોડતી દોડતી ચારણી ખેતરે ગઇ. પેટમાં તો થડક થડક થાય છે, સૂરજ સામે હાથ જોડે છે. સ્તુતિ કરે છે, “હે સૂરજ, તમે તપો છો, તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટા થાય છે ? મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ!”

જુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડાં નીંઘલ્યાં જ નહોતા, ને બીજા બધા છોડવા તો ડૂંડે ભાગી પડે છે! આ શું કૌતુક!

પણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુર સુજાણ હતી. ચારણી હળવે હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઇ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડું હાથમાં લીધું. હળવે ડૂંડાં પરથી લીલું પડ ખસેડ્યું.

આહાહાહા! આ શું ? દાણા નહિ, પણ સાચાં મોતીડાં! ડૂંડે ડૂંડે મોતીડાં, ચકચકતાં રૂપાળાં, રાંતાં, પીળાં અને આસમાની મોતીડાં. મોતી! મોતી! મોતી! રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યાં.

ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો, “અરે મૂરખા ચાલ તો મારી સાથે! તને દેખાડું કે રાજા પાપી કે ધર્મી હતો.” પરાણે એને લઇ ગઇ; જઇને દેખાડ્યું; મોતી જોઇને ચારણ પસ્તાયો, “ઓહોહોહો! મેં આવા પનોતા રાજાને - આવા દેવરાજાને - કેવી ગાળો દીધી!” બધાં મોતી ઉતાર્યા. ચારણે ફાંટ બાંધી, પરભાર્યા દરબારને ગામ ગયો.

કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુઃખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઇ તેજ કરે છે! રાજાજીના ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં.

રાજાજી પૂછે છે, “આ શું છે, ભાઇ?”

ચારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો :

જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;

(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળ દે!

(હે દેપાળદે રાજા ! જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે ? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને ! -આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઇ પડત !)

રાજાજી તો કાંઇ સમજ્યા જ નહિ.

“અરે ભાઇ! તું આ શું બોલે છે?”

ચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા, “અરે ભાઇ! મોતી કાંઇ મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે ; એને તે સંતાપી હતી એમાંથી એ છૂટી એનો જીવ રાજી થયો ; એણે તને આશિષ આપી તેથી આ મોતી પાક્યાં.”

ચારણ રડી પડ્યાઃ “હે દેવરાજા ! મારી ચારણીને હું હવે કે ’દીયે નહિ સંતાપું.”

ચારણ ચાલવા માંડ્યો. રાજાજીએ એને ઊભો રાખ્યો, “ભાઇ! આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઇ જા!”

“બાપા! તમારા પુણ્યનાં મોતી! તમે જ રાખો.”

“ના, ભાઇ! તારી સ્ત્રીનાં પુણ્યનાં મોતી એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઇ લઉં છું.”

રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું, લઇને માથા પર ચડાવ્યું, પછી પરોવીને ડોકમાં પહેર્યું.

ચારણ મોતી લઇને ચાલ્યો ગયો; ઘેર જઇને ચારણીના પગમાં પડ્યો. કહ્યું, “ચારણી, મેં તને ઘણી સંતાપી છે. હવે નહિ સંતાપું હો!”

૯. દુશ્મન

મોતી જેવાં નિર્મળ પાણી નદીમાં ખળખળતાં હતાં અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું. એક દિવસ સૂરજ મહારાજ ઊગીને સમા થયા તે ટાણે મંદિરને ઓટલે ગામના પચાસ ફાટેલા જુવાનિયા ભેળા થાય છે. અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ-ત્રણ ડોરણાવાળી ચોરણીઓ ને પાસાબંધી કેડિયાં પહેરેલાં. કમ્મરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી, માથે ગડી પાડીને ભાતીગળ ફેંટા બાંધેલા,જમણા પગની જાંધે પડખાના ભાગ ઉપર, ઢીંચણસુધી ઢળકતી નાડીને છેડે, સાત-સાત રંગની ઊનનાં ગૂંથેલાં ફૂમકાં ઝૂલી રહ્યા છે.

કેડિયાની કસોને બાંધેલા, કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાની રૂપેરી, નાના, ધૂધરીદાર ચીપિયા ટિંગાય છે. પાઘડીને માથે ખડાં છોગાં પવનમાં ઊડઊડ થાય છે. ડોકમાં ભાતભાતના પારાની બનાવેલી માળાઓ ચપોચપ શોભે છે. હાથમાં કડિયાળી, પિત્તળના તારના ચાપડા ભરેલી ને ઘૂઘરીઓ જડેલી, લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે.

કોઇ જુવાનિયા પાઘડી ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે. કોઇ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે. કોઇ પાઘડીમાં ખોસેલ નાનાં નાનાં આભલાં કાઢીને પોતાનાં નાક-નેણ જોતા જોતા ડોકની માળાના મેરનું કૂમકું બરાબર વચ્ચોવચ ગોઠવતા ગોઠવતા, ઝીણી ઝીણી મૂછોને વળ દેતા, માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા વીંટતા સામસામા ઠઢ્ઢા મશ્કરીઓ કરી રહ્યા છે.

કોઇ કૂમકાંવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે, અને નદિના મોતી સમા નિર્મળ વહેણમાંથી અરિસા જેવી હેલ્ય ભરીને મલપતી ચાલ્યે ચાલી આવતી જુવાન બાઇઓનાં મોં ઉપર પેલાં આભલાંનાં ઝળકઝળક પ્રતિબિંબો પાડી, એ પનિયારીઓની કાળી કાળી મોટી આંખોને અંજાવી દઇને કૂડી કૂડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે.

પનિયારીઓ બેડાં લાવી, ઠાલવીને, ઘેર પાણીની જરૂર ન હોય તોયે ધમાકા દેતી દેતી પાછી આવે છે. જાણીજોઇને બેઠી બેઠી બેડાં માંજ્યાં જ કરે છે. એના કસુંબલ કીડિયા ભાતનાં, બાંધણીદાર ઓઢણાં, નદીને કાંઠે પવનમાં, કામદેવની ધજાઓ જેવાં ફરક ફરક થાય છે. કાનમાં પાંદડીઓ અને આકોટા હીંચે છે. નેણની કમાનો જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે. નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો તે આજેય જમ્યો છે.

એ ગામનું નામ બીલખા. એ નાનકડી નિર્મળ નદીનું નામ ભઠી. એ જુવાનો અને જુવાનડીઓ જાતનાં ખાંટ હતાં. સગાળશા શેઠને અને ચેલૈયા દીકરાની જનમભોમકા એ બીલખામાં, બસો વરસ પહેલાં ખાંટ લોકોના રાજ હતાં. દિનોનાથ નવરો હશે તે દિવસ એણે આ ભીનલા વાનની, વાંભવાંભના ચોટલાવાળી, કાળાં ભમ્મર નેણાળી, નમણી, કામણગારી અને જોરાવર ખાંટડીઓને ઘડી હશે.

શિવાલયને ઓટે આ ઘૂઘરીના અને કૂમકાંના ઠાઠમાઠથી ઊભેલા ખાંટોને જુવાની જાણે આંટ લઇ ગઇ હતી. બધા મશ્કરી ઠઢ્ઢામાં મશગૂલ ઊભા હતા ત્યાં પડખે થઇને એક બાવો નીકળ્યો. ભગવાં વસ્ત્ર હતાં, કપાળે ભસ્મ હતી, માથે ભૂરિયાં ઝટિયાં હતાં, હાથમાં ઝોળી હતી. ‘આલેક’ ‘આલેક’ કરતો બાવો ચીપિયો બજાવતો ચાલ્યો ગયો.

કમરમાં ખોસેલી છરીનું કૂમકું બાંધતો બાંધતો એક મદોન્મત્ત જુવાનિયો બોલ્યો, “એલા, આ બાવો તો હવે હદ કરે છે.”

“હા, હા,” બીજો જુવાન ચોટલો ઓળતો ઓળતો બોલ્યો.

“બાવો તો વંઠી ગયો છે; એની ઝોળી ક્યાંય તરતી નથી. ઢેઢવાડેથીય બાવો ભિક્ષા લે છે.”

“અરે, મેં તો મારી નજરોનજર જોયું ને !” ત્રીજો હળવેથી બોલ્યો, “હમણે જ ઢેઢવાડેથી મરેલા ઢોરની ્‌માટી લઇને એ વયો જાય.”

“એલા, ત્યારે તો એ જોગટાને ફજેત કરવો જોવે. હાલો એની હાંડલી તપાસીએ. મારો બેટો ક્યાંક જગ્યાને અભડાવતો હશે.”

“હાલો, હાલો,” એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઇ, માથે ફેંટા મેલી, આભલાં, શીશી અને દાંતિયા ફેંટામાં ખોસી, એ કૂમકાંવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિંડોળતા હિંડોળતા નૂર સતાગરની જગ્યામાં જઇ પહોંચ્યા.

બાવા જેરામભારથીજી બેઠા બેઠા ચલમ પીતા હતા. ‘આલેક! આલેક! બોમ ગરનારી!’ કહીને એવો દમ મારતા હતા, કે ચલમને માથે વેંત વેંતના ઝડફા દેતી ઝાળ ઊઠતી હતી. ઓરડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી; અન્ન પાકતું હતું.

“બાવાજી બાપુ ! અમારે હોકો ભરવો છે. જરા દેવતા (દેતવા?) માંડવા દેજો.”

“હા, બચ્ચા, ચલે જાઓ ચૂલાકે પાસ!”

ખાંટ જુવાનિયા એક પછી એક ચૂલા પાસે ચાલ્યા. હાંડીની ઢાંકણી ઉપાડી જુએ તો અંદર ચોખા ફસફસે છે ! વાઢે તોય લોહી ન નીકળે એવાં ઝાંખા ડાચાં લઇને જુવાનો બહાર નીકળ્યા. બાવો કળી ગયો હતો. કોચવાઇને એ બોલ્યો, “ક્યોં? દેખ લિયા? ખુલાસા હો ગયા? ઇતના અહંકાર? જાવો, ખાંટ સબ ઝાંટ હો જાવોગે.” બાવાએ શાપ દીધો.

ફાટીને ઘુમાડે ગયેલા ખાંટોથી કોચવાઇને એ સંત ગિરનારની છાંયડીએ રામદાસજીની જગ્યામાં જઇને રહેવા લાગ્યા. ત્યાં એક દિવસ એક વૃદ્ધ કાઠિયાણી, ભેળા સો-સો અસવારો લઇને, બાવાજીનાં દર્શને આવ્યાં. બાવાએ ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરીને કાઠિયાણી સામે હાથ લંબાવ્યો, “લે મૈયા, રામજી તેરેકો બીલખાક ધની દેતા હૈ.”

સાઠ વરસની કાઠિયાણીનું કરચલિયું મોઢું ધરતી પર ઢળ્યું, બાવો તો એના બાપ જેવો હતો. પણ કાઠિયાણીને ભોંઠામણ એ આવ્યું કે ‘’અરે, આવાં તે વચન કાંઇ ફળે? હવે સાઠ વરસની અવસ્થાએ કાંઇ દીકરો થાય?’ પણ બાવોજી જાણતો હતો કે એ કાઠિયાણીને માથે ક્યા કાઠીનું ઓઢણું પડ્યું હતું.

કે’ડેરા કે’ ડોઢિયું, કે’ આવાસ કે’વાય

(પણ) વીરો વ્રહમંડળ સારખો, (જેની) સા’માં જગત સમાય.

(કોઇ કોઇ વીર પુરુષો એવા હોય, જેને ડેરા તંબૂની ઉપમાં આપી શકાય. એથીયે મહાન નરવીરો હશે, જેને ઘરની ડેલીઓ સાથે સરખાવાય. એથી પણ ચડિયાતા હોય. તેને આખા આવાસ જેવાં મહાન હોવાનું માન અપાય; પણ વીરો વાળો તો કેવો? આકાશ જેવડો. એની છાયામાં તો આખું જગત સમાય.)

જેતપુરનાં પોણાબસો ગામડાં બલૂચોના હાથમાંથી જીતી લેનાર મિતિયાળાના વીજા ખસિયાને તોડવામાં સામત ખુમાણને સહાય કરનાર, અને ચિત્તળના જંગમાં આતાભાઈ સામે આફળનાર એ બંકા કાઠી વીરાવાળાની વરદાન પામેલી કાઠિયાણીને સાઠ વરસે ઓધાન રહ્યું. નવ મહિને પૂનમના ચાંદ જેવો દીકરો અવતર્યો. બાવાજીનો બક્ષેલો એટલે એનું નામ ઓઘડ પાડ્યું. ભરજોબનમાં વ્હેતી એ ઊંડી ને ગાંડી ભાદર નદીના ઊંચા ઊંચા કાંઠા વીરા વાળાના વાસ હતા.

જૂનાગઢના બાબી રાજાને ઓધડ અવતર્યાના ખબર મળ્યા. વીરા વાળાની સાથે બાબી સરકારને બે સગા ભાઇ જેવી હેતપ્રીત હતી, તેથી ‘કુંવરપછેડો’ તો કરવો જોઇએ. બીલખાનો ત્રીજો ભાગ જૂનાગઢના હાથમાં હતો. પણ મદમસ્ત ખાંતો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા, એક હાથ જીભ કઢાવતા. જૂનાગઢ ફરતાં પણ ખાંટોનાં ગામ વીંટળાઇ વળ્યાં હતાં, બાબીએ વિચાર્યું કે આ વીરો વાળો ખાંતોને પૂરો પડશે બીલખાની પાટી સરકારે વાળાને કુંવરપછેડીમાં બક્ષી. કાઠિયાણીને સાંભર્યું કે બાવાની વાણી સાચી પડી.

ઓધડ વાળો તો અવતરતાંની સાથે જ બીલખાના ત્રીજા ભાગનો ધણી થઇ ચૂક્યો. વીરાવાળાએ કુંપા અને કાંથડ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાટી ભળાવી. અને પોતે ઓઘડની સાથે બીલખે જઇને ખોરડાં બાંધ્યાં.

જેની એક હાકલ થાતાં તો ખાંટોની બાર હજાર ચાખડીઓ બીલખાને ચોરે ઊતરે, હથિયાર બાંધનારો એક પણ ખાંટ જોદ્ધો ઘરમાં સંતાઇ ન રહી શકે, તેવા ખાંટ રાજા ભાયા મેરની આણ કુંડલાના ઝાંપા સુધી વર્તાતી હતી. ચોરે રોજ સવાર સાંજ અડાબીડ ડાયરો ભરાતો હતો. હાથીની સૂંઢ જેવી ભૂજાઓવાળા હજાર-હજાર કાળઝાળ ખાંટ વીરાસન વાળીને બેસતા હતા. મોઢા આગળ માણસસાઇ કે શિરોહીની તરવારો પડતી.

ભૂતના છરા જેવાં ભાલાં ચોરાની થાંભલીએ થાંભળીએ ટેકવાતાં અને અને પલ્લા ઝાટકતાં મોંસરિયાં મોઢાં ઉપરથી છોડી છોડીને જ્યારે દાઢીના પલ્લા ઝાટકતાં ઝાટકતાં સામસામા શૂરવીરોના કસુંબા અંજળિઓ લેવાતી ત્યારે પોતના લાંબા લાંબા કાતરા છૂટા મેલીને આતો ભાયો પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો. આતા ભાયાની મુખાકૃતિમાં ભારી રૂડપ હતી. આતો ભાયો દાઢી, મૂછ અને માથાના વાળને ગળીમાં રંગતો. ઘડપણમાં એણે નવું ઘર કર્યું હતું.

“આતા ભાયા!” ડાયરામાં વાતો ચાલી, “જૂનાગઢે તો જુગતિ કરી. હવે એક મ્યાનમાં બે તરવાર્યું કેમ સમાશે?”

“એનો નિવેડો આણી નાખશું, બા!” ભાયા મેરે મૂછોને વળ દેતાં કહ્યું, “કાં કાઠી નહિ ને કાં ખાંટ નહિ.”

ખાંટ લોકો વિરા વાળાની વસ્તીને સંતપવા મંડ્યા, એના ઊભા મોલ ભેળવી દે છે, કાઠીઓનાં સાંતી જૂતવા દેતા નથી, વાતવાતમાં કાઠીઓની સાથે કજિયા ઊભા કરે છે; પણ હવે તો ઓઘડ વાળાનેય મૂછના દોરા ફૂટતા હતા. એની સુવાસ આખા મલકમાં ફોરવા માંડી. એને ચારણોએ બરડાઇ દીધી,

તોળે ઘર તાંબડિયું તણે, દૂધ દડેડા થાય,

(એમાં) ધરપતિયુંનાં ઢંકાય, વાજાં ઓઘડ વીરાઉત.

(વીરા વાળાનાં કુંવર ઓઘડ વાળા. તારે ઘેર એટલી બધી ભેંશો બાંધી છે કે એને દોહતી વખતે તાંબડીમાં દૂધની ધારોનો જે અવાજ થાય છે તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રોના - શરણાઇ અને ઢોલના નાદને પણ સંભળાવા દ્યે નહિ તેટલો પ્રચંડ બને છે.)

ધીમે ધીમે વીરો વાળો પોતાના માણસો જમાવવા મંડ્યો. ખાંટની જમીન દબાવવાનો આદર કર્યો. એક દિવસ વીરો વાળો ઘેરે નથી; જુવાન કાઠીઓને લઇને ક્યાંક ચડી ગયેલો.

વાંસેથી એની લીલીછમ વાડીમાં ખાંતોએ બે બળદ ચરવા મૂક્યા. ભળદને પકડીને વીરા વાળાનો કાઠી દરબારી વાસમાં દોરી આવ્યો. ઓધડ વાળામાં વહુ જે ઓરડે રહેતાં હતાં તેની ફળીમાં જ બળદ બાંધી દીધા. પાકટ ઉંમરના કાઠીઓ આઇની ચોકી કરતા કરતા ફળીની બહાર આઘેરા બેઠા હતા. કોઇનું ધ્યાન નહોતું.

ત્યાં ભાયા મેરની નવી વહુનો ભાઇ ભેટમાં તરવાર, એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઇને આવ્યો, પરબારો આઇને ઓરડે પહોંચ્યો. પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારુ પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કાઠિયાણી ઉંબરમાં બેઠી બેઠી પોતાના હાથપગ ધોતી હતી. પણ ભાયાનો મદોન્મત સાળો અચકાયો નહિ, સડેડાટ ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા.

બાઇએ ગર્જના કરી મૂકી, “આંહીં કોઇ કાઠીના પેટનો છે કે નહિ? ન હોય તો લાવો બરછી મારા હાથમાં. આમ તમને ખાંટ ગરાસ ખાવા દેશે?”

બુઢાપામાં જેનાં ડોકાં ડગમગી રહ્યાં હતાં, તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઊઠ્યા, અને એક જણાએ દોડીને ભાયાના સાળા ઉપર બરછીનો ઘા કર્યો. પાડા જેવા એ પહેલવાનના પ્રાણ નીકળી ગયા. ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટની પાટીમાં ગોકીરો થયો અને ખાંટ ચડી આવ્યા. એ ધીંગણામાં એંશી ખાંટ જુવાનો મર્યા, અને ચાળીસ બુઢ્ઢા કાઠીઓ કામ આવ્યા.

ભાયા મેરને મનમાં થયું, ‘વીરો વાળો કટકોય નહિ મેલે બન્યા તેટલા ઉચાળા લઇને એ ભાગ્યો; ગોંડળનું ગામ સરસાઇ છે ત્યાં ગયો. ભા’કુંભાનું શરણ માગ્યું. ભા’કુંભા તે વખતે ગોંડળના નવાં ગામ વસાવતા હતા; દગાથી, આજીજીથી ને તરવારથી ગરાસ કમાતા હતા. સં. ૧૮૦૯ની અંદર નવાબની સાથે એને નવાગઢ મુકામે લડાઇ થઇ, ત્યારે વીરાં વાળાને અને ભાયા મેરના ભાઇ જેમલ મેરે આવીને એને મદદ કરી હતી. વીરા વાળાને કુંભાજીએ કાગળ લખ્યો કે ‘આંહીં પધારો, બીલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજિયો પતાવું.’

વીરો વાળો તે વખતે જ જેતપુરથી આ ખબર સાંભળીને બીલખે આવેલો. ખાંટના લબાચા વીંખાવાની તૈયારી હતી, પણ એને ભા’કુંભા ઉપર ભરોસો બેઠો. પચીસ ઘોડે એ સરસાઇમાં ભા’કુંભાનો મહેમાન બન્યો.

સરસાઇ ગામના દરબારગઢમાં બે સામસામી દોઢી, એકમાં ભાયા મેરનો ઉતારો; અને બીજીમાં વીરા વાળાનો ઉતારો; રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજે પડખે કાઠીઓની પંગત પડતી. વચ્ચે ઊભા ઊભા ભા’કુંભો હુકમ કરતા જાય કે “ધૂધનાં બોધરાં લાવો.” “દહીંનાં દોણાં લાવો.” “ઘીની તાંબડીઓ લાવો”,

“ઘીની તાંબડીઓ લાવો”, પોતે હાથમાં તાંબડી લઇને મહેમાનોને પીરસવા માંડે, હાકલા પડકાર કરે, સામસામાં બટકાં લેવરાવે, ઘડીવાર ભાયા મેરની થાળીમાંથી કોળિયો લે, વળી ઘડીવાર વીરા વાળાના ભાણામાં બેસી જાય. મહેમાનોનાં હૈયામાં આવી પરોણાગત દેખીને હેતપ્રીત માતી નહોતી. એમ કરતાં બે દિવસ વીત્યા. ભા’કુંભો શાની વાટ જોતો હશે? ગોંડળથી કાંઇક આવવાનું હતું; પરોણાચાકરી હજી અધૂરી હતી.

ત્રીજે દિવસે સવારે ભયો મેર પોટલીએ (દિશાએ) ગયા હતા. પાછા આવીને નદીમાં એક વીરડો હતો ત્યાં કળશિયો માંજવા બેઠા. ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી. છોકરી થરથરતી હતી.

ભાયો મેર બોલ્યા, “અરે, બેટા મોટી! તું આંહીં ક્યાંથી? બીલખેથી ભાગી કેમ ગઇ, દીકરી?”

મોતીના હૈયામાં જીવ આવ્યો. એ બોલી, “બાપુ, મારી ભૂલ થઇ, મેં તમારા ગઢનું સુખ ખોયું.”

“ના રે ના, કાંઇ ફિકર નહિ, દીકરી! તારી મરજી હોય ત્યાં સુધી આંહીં રહેજે. આંહીથી જીવ ઊઠી જાય ત્યારે બીલખે આવતી રે’જે. આલે, આ ખરચી.”

ભાયા મેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી. ભાયા મેરના ગઢની એ વડારણ ભાગીને બા’કુંભાના ગઢમાં આવી હતી. આજ એ સંતાતી ફરતી હતી. એના મનમાં ફડકો હતો કે ભાયો મેર ભાળશે તો મારશે. પણ આ તો ઊલટી ત્રીસ કોરી મળી!

જમવાની વેળા થઇ. બાજઠ નખાણા. કાંસાની તાંસળીઓમાં લાડવા પીરસાઇ ગયા. પંગતમાં ફકત ભાયા મેરની જ વાટ જોવાતી હતી. ભાયો મેર દરબારગઢની ઘોડારની પછીને પેશાબ કરવા ગયો હતો. પેશાબ કરીને ઊઠે છે ત્યાં સામેથી સિસકારો સાંભળ્યો, ઊંચું જુએ તો મોતી વડારણ ઊભેલી. મોતીએ ઇશારો કર્યો. ભાયો મેરની એની પાસે ગયો. “બાપુ ! ઝેર !” મોતીનો સાદ ફાટી ગયો.

“ઝેર? કોને, મને?”

“ના, બાપુ! વીરા વાળાને.”

“એકલા વીરા વાળા જ ?”

“હા! આજે જ ગોંડળથી અસવાર લઇને આવ્યો. લાડવાનું બટકું મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે.”

“ઠીક, જા, બેટા !”

ભાયો મેર વળ્યો, એક જ ઘડીમાં એના અંતરમાં અજવાળું થયું, “અરરર! હું ભાયો! હું ઊઠીને વીરા વાળા જેવા વીર શત્રુને કૂતરાને મોત મરવા દઇશ ? પણ હવે શું કરું? ઉઘાડો ઊઠીશ તો ભા’ કુંભો કટકા કરી નાખશે. અને વીરો વાળો ભેદ નહિ સમજે. હે ધણી, કાંઇ સમત દે ! આમાંથી દૃશ્ય સુઝાડ્ય !”

પેશાબ કરીને ભાયો મેર પંગતમાં આવ્યો. હાથ-મોં ધોઇને ભાણા ઉપાર બેઠો. એની હિલચાલમાં, અને આંખોના પલકારામાંયે ક્યાંય આકુળતા નથી. ભા’ કુંભાની સાથે એ ખડખડ હસી રહ્યો છે.

ભા’કુંભાએ સાદ કર્યો, “ત્યારે હવે બા, કરો ચાલતું.”

પણ ભાયા મેરના હૈયામાં હરિ જાગી ગયા હતા. જ્યાં વીરો વાળો લાડવો ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાયો મેર કોચવાતે અવાજે, જાણે રિસામણે બેઠો હોય તેમ, બોલી ઊઠ્યો, “એ બાપ, વીરા વાળા! આજ તું જો મારું સમાધાન કર્યા પહેલાં ખા. તો ગા’ ખા હો!”

આખી પંગતના હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા. વીરા વાળાએ બટકું હેઠું મેલ્યું. સહુએ ભા’ કુંભાની ને ભાયા મેરની ચારેય નજાર એક થઇ.

“ખાંટડો કે?” એટલું બોલીને સડસડાટ ભા’ કુંભો ગધન કોઠામાં ચડી ગયો. અંદરથી બારણાં વાસી દીધાં. જમનારાનાં મોં ફાટ્યાં રહ્યાં. પાસે બિલાડી ફરતી હતી. વીરા વાળાએ પોતાના લાડવામાંથી એક બટકું એને નાખ્યું. બટકું સૂંઘતાં જ બિલાડી ઢળી પડી. સમજાણું કે આ સોગંદ નહોતા, સાવધાની હતી.

“ભાયા! મારા જીવનદાતા!”- એમ કહીને વીરા વાળાએ દોટ દીધી. ભાયા મેરને બથમાં ઘાલીને ભીંસ્યો. કોઠાની સામે જોઇને ચીસ નાખી, “વાહ, ભા’કુંભા! કોઠો ઉઘાડીને જો તો ખરો! દુશ્મન કેવા હોય છે - એ જોઇને પાવન થા, પાપિયા!”

તરત ભાયા મેરે એને વાર્યો, “વીરા વાળા!એ બધી પછી વાત. એક વાર ઝટ ઘોડે ચડી જા!”

“ભાયા, તું હાલ્ય. જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલ્યે સીમાડો કાઢી આપું. હાલો, ઝટ ઘોડાં પલાણો.”

અન્નદેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા. બીલખામાં ભાયા મેરે માગ્યું તે મુજબ વીરા વાળાએ સીમાડો કાધ્યો. બેય જણા જીવ્યા ત્યાં સુધી ભાઇબંધ રહ્યા.

(ભાયા મેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન ઓઘડ વાળાને ઘેર મંડાવી દીધી. અત્યારે બીલખાની પાસે ફક્ત વાઘણિયા નામનું એક જ ગામ મેર નામના ખાંટે વસાવેલું મોજૂદ છે. બાકીનો બધો ગરાસ છૂટી ગયો છે.)

૧૦. મહેમાન

ભડળીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે.

ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતુક જોઇ રહ્યો. બધાંનાં મોં કાળાંમશ થઇ ગયાં. સહુને લાગ્યું કે મહેમાન કાંઇ મર્મ કરતો જાય છે. કોઇએ વળી વધું પડતા કૌતકના માર્યા પૂછ્યું, “આપા ચીતરા કરપડા! આ ચાળો વળી શું ઊપડ્યો છે?”

અસવારે ઉત્તર દીધો, “એ બા, આ તો આપા ભાણની મે ‘માનગતિ! ભડલીની સરભરા ભારે વખાણમાં છે ને, બા, એટલે ત્રણેય પરજુંમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઇ જાઉં છું.”

ભડલીનું નાક વાઢતો વાઢતો એ ચીતરો કરપડો ગામડે ગામડાંની ઊભી બજારો વીંધીને કણબાવ્ય ચાલ્યો ગયો. કોણ જાણે કોની ભૂલ થઇ ગઇ કે કોઇ દિવસ નહિ ને આજ જ ભડલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચીતરા કરપડાનું ભાણું ન સચવાણું! ભાણ ખાચર ઘેરે નહિ, અને કોઇકે કરપડાને ડુંગળી-રોટલો પીરસ્યાં.

ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઇએ વાત કરી કે ચીતરો ડુંગળી ને રોટલો ભાણે ચડાવીને આપણા ખોરડાને ફજેત કરતો ગયો. ભાણ ખાચાર ખિજાયા, “બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો!” એટલુંં બોલીને એણે વેર લેવાનો કવિચાર કર્યો. પણ માથાં વાઢ્યે એવાં વેર થોડાં વળે છે ? તરવારનાં વેર તરવારથી લેવાય અને રોટલાનાં વેર રોટલાથી!

ચીતરે કરપડે ઘેર જઇને પોતાની કાઠિયાણીને ચેતાવી દીધી, “ધ્યાન રાખજો, ભાણ ખાચર નાક કાપવા આવશે. લાખ વાતેય આવ્યા વિના નહિ રહે.”

બાઇ કહે, “ફિકર નહિ.”

તે દિવસથી રોજરોજ ગામના કાઠીઓના ઘેરેઘેર ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે. દહીંના પેડાં, દૂધનાં દોણાં, દળેલ સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે. સાજણી ભેંસો પણ હાજર રાખે, અને ચીતરો કરપડો પણ ફેરો કરવા જાય ત્યોર સાકર-ચોખા સિવાય બીજું કાંઇ લૂંટે નહિ.

(સાજણી ભેંસો=સવારે અને સાંજે તો ભેંસો દોહવા આપે, પણ બપોરનાં અને મધરાત જેવે કટાણે દૂધની જરૂર પડે તેટલા માટે જ અમુક ભેંસોને સવાર-સાંજ ન દોહતાં બપોરે અને મધરાતે દોહે તેને ‘સાજણિયું’ કહેવાય.)

એક વાર ચીતરો ફેરે ચાલ્યો, કહેતો ગયો, “ભાણ ખાચર આવે તો મારા આવતાં પહેલાં રજા દેશો નહિ.”

બીજે દિવસે બરાબર મધ્યાહ્ને ભાણ ખાચરે એકસો ઘોડે આવીને પૂછ્યું, “આપો ચીતરો છે ઘરે?”

ઓરડેથી આઇએ કહેવરાવ્યું, “કાઠી તો ઘેરે નથી, પણ કાંઇ ઘર હાર્યે લેતા નથી ગયા. ભાણ ખાચર જો જાય તો એને સૂરજ દેવળની આણ છે!”

ભાણ ખાચરને તો એટલું જ જોતું હતું. કાઠીઓએ આવીને સોયે અસવારોનાં ઘોડાં ગામમાં ઘેર ઘેર બાંધી લીધાં, લીલાછમ બાજરાનાં જોગાણ ચડાવી દીધાં, કસુંબો વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખા ને લીલું શાક ચડી ગયાં. અહીં જ્યાં અમલની અંજલિઓ ‘આપાના સમ, મારું લોહી’ વગેરે સોગંદ આપી આપીને પિવરાવી દીધી, ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો છાશ પીવા.

દરબારગઢની લાંબી, ધોળેલી અને ચાકળા-તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાળની અંદર રેશમી ઉપર પચાસ-પચાસ ભૂખ્યા કાઠીની પંગત સામસામી બેસી ગઇ. તાંસળીમાં ચોખા, સાકર અને દૂધ પીરસાણાં. પડખે ઘઉંની ઘીયાળી રોટલીઓ મુકાણી, તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા. પછી સીસમના ઢોલિયામાં પોઢણ ; રોંઢે આંગળી જેવી જાડી ધાર થાય તેવા કસુંબા, અને રાતે પાછી દૂધ, સાકર ને ચોખા ઉપર ઝાપટ. અને એક દિવસ વીત્યે મહેમાન કહે, “હવે શીખ લેશું.”

આઇ કહે, “બાપ, જો જાવ તો કાઠીનો અમને ઠપકો મળે.”

બીજે દિવસે પણ સવાર, બપોર અને સાંજની ત્રણેય ટંક કાઠિયાણીઓએ પોતાની તમામ કળાકારીગરી ખરચી નાખીને પેપડીનાં, બાવળના પાર્ડિયાનાં, હાથલા થોરાનાં, પરબોળિયાનાં, મીઠાનાં અને દૂધનાં ફીણનાં, એવા ભાતભાતનાં તો શાક બનાવીને ખવરાવ્યા. મહેમાનોને ડુંગળીનો દૂધપાક કરીને જમાડ્યો. માથી ભાત્ય ઊપડે એવા સાકરના રોટલા બનાવ્યા. ચોખાની બરજ, શેવની બરજ અને હરીસો રાંધ્યો. કોણ જાણે એવો તો ઓપ એ હરીસાને આપ્યો કે, એનાં ચોલાંમાં માણસનું મોં દેખાય. કાઠીઓ ખાવા બેસતા ત્યારે આંગળાં કરડતા અને કોઇ શાક પાંડદાંને તો ઓળખી જ શક્યા નહિ.

એમ ત્રણ દિવસ વીત્યા, પણ મહેમાનગતિમાં જરાય મોળપ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું. એણે બે હાથ જોડીને ઓરડે કહેવરાવ્યું, “આઇ, હવે તો હદ થઇ. ચીતરાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરી થઇ ગઇ, હવે રજા આપો.”

આઇએ જવાબ મોકલ્યો, “આપા ભાણ! તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઇનાં બેસમાં છે. અમે તો રાંક કાઠી કહેવાઇએ. ગજા સંપત પ્રમાણે રાબ-છાશ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી. એ તમારી શોભા વદે.”

એકસો ઘોડે ભાણ ખાચર ચડી નીકળ્યા. આવ્યા’તા વેર લેવા, પણ આ તો ઊલટું પોતાને માથે વેર વળ્યું ! ત્યાં સીમાડા ઉપર જ કરપડો મળ્યો. સામસામા રામરામ થયા. ચીતરો કહે, “બા, ઘોડાં પાછાં ફેરવો.”

ભાણ ખાચરે બે હાથ જોડ્યા ; કહ્યું, “આપા, ત્રણ ત્રણ દિવસ થઇ ગયા ; અને આઇએ કાંઇ બાકી નથી રાખ્યું.”

“અરે, વાત છે, કાંઇ? ભાણ ખાચર જેવો કાઠી બાયડિયુંનો મહેમાન બનીને વહ્યો જાય?”

ભાણ ખાચરે બહુ આજીજી કરી ; મર્મમાં જણાવી દીધું, “આપા! ઘરની પરીક્ષા તો ઘરની બાયડી જ આપે.”

પછી ત્યાં એક વાવ હતી. વાવને કાંઠે બેસીને ચીતરે કસુંબો કાઢ્યો, પણ કસુંબો લેવાઇ રહ્યા પછી કાંઇક ગળ્યું જોઇએ. ઉનાળો ધોમ ધખતો હતો. સહુનાં ગળાં શોષાતાં હતાં. શરબા કરવું હતું. પણ ઠામ ન મળે !

“લ્યો બા, સૂઝી ગયું!” એમ કહીને એણે ચારેય છાલકાંની સાકર વાવમાં પધરાવી.

ડાયરો કહે : “અરે, આપા, હાં! હાં!”

એમાં હાં હાં શું ? ભાણ ખાચર જેવો મહેમાન ક્યાંથી?

આખી વાવમાં શરબત થઇ ગયું. સહુએ પીધું. રામરામ કરીને ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં ભાણ ખાચર બોલ્યા, “બા, ચીતરો રોટલા વીંધે એય પરમાણ !”

૧૧. ચમારને બોલે

વાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢનાં માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં શરણાઇઓ પ્રભાવિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારનાં કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.

આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે. આખી રાત એણે પથારીમાં આળોટી ઓળોટીને વિતાવી છે, મટકુંયે નથી માર્યું. જાગીને મનમાં મનમાં ગાયા કર્યું છે કે -

વીરા ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,

વીરા ક્યાંં લગણ જોઉં તમારી વાટ રે,

મામેરા વેળા વહી જાશે રે.

ડેલીએ જરાક કોઇ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશાભરી ઊઠી ઊઠીને એણે ડેલીમાં નજર કર્યા કરી છે. પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનના ક્યાંયે વાવડ નથી.

એ શોકાતુર માનવી બીજું કોઇ નહિ, પણ વરરાજાની ખુદ જનેતા છે. જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા ? એને તો કંઇક કંઇક રિસામણાંનાં મનામણાં કરવાનાં હોય, સંભારી સંભારીને સહુ સગાંવહાલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય.

એ બધું તો હોય, પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી. રાજાજી આવી આવીને એને મે’ણાં મારતા હતાં, “કાં! કહેતાં ‘ તાંને કુંવરના મામા મોટું મોસાળું કરવા આવશે! કાં, ગાંફથી પહેરામણીનું ગાડું આવી પહોંચ્યું ને ? તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા ને શું?”

ઊજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતાં હતાં કે “હા! હા! જોજો તો ખરા, દરબાર! હવે ઘડી-બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું. આવ્યા વિના એ રહે જ નહિ.”

પહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું. ગોખમાં ડોકાઇ ડોકાઇને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઊડે છે! ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે! પણ એમ તો કંઇ કંઇ વાર તણાઇ તણાઇને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી. એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ અવ્યો “બા, જે શ્રી કરશન!”

સાંભળીને રાણીએ નીચે નજર કરી. ગાંફના ચમારને ભાળ્યો-કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઇ આવીને ઊભો હોય, એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો, કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું. એ બોલ્યાં, “ઓહોહો! જે શ્રી કરશન ભાઇ! તુંં આંઇં ક્યાંથી, બાપુ?”

“બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવ ને, બાનું મોઢું જોતો જાઉં. પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય, ભામણ બામણ ઊભા હોય એટલે શી રીતે જવાય ? પછી સૂઝયું કે પછવાડેને ગોખેથી ટૌકો કરતો જાઉં!”

“હેં ભાઇ! ગાંફના કાંઇ વાવડ છે?”

“ના, બા! કેમ પૂછ્યું? વીવાએ કોઇ નથી આવ્યું?”

રાણી જવાબ વાળી ન શક્યાં. હૈયુંં ભરાઇ આવ્યું. ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યાં. ચમારા કહે, “અરે, બા! બાપ! ખમ્મા તમને. કાં કોચવાવ?”

“ભાઇ! અટાણે કુંવરને પે ’રામણીનો વખત છે. પણ ગાંફનું કોઇ નથી આવ્યું. એક કોરીય મામેરાની નથી મોકલી. અને મારે માથે ‘ણાંના મે’ વરસે છે. મારા પિયરિયાં તે શું બધા મરી ખૂટ્યાં?”

“કોઇ નથી આવ્યું? ચમારે અજાયબ બનીને પૂછ્યું.”

“ના, બાપ! તારા વિના કોઇ નહિ.”

ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઇ ગયું. મારા વિના કોઇ નહિં! મારા વિના કોઇ નહિ! હુંય ગાંફનો છું ને! ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું ? આ બે’નડીનાં આંસુડાં મારાથી શેં દીઠાં જાય? એ બોલી ઊઠ્યો, “બા! તું રો તો તને મારા છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ?”

“અરેરેરે, ભાઇ! તું શું કરીશ?”

“શું કરીશ? બા, બાપુને હુંં ઓળખું છું. હવે તું હરમત રાખજે હો, માં! શું કરવું તે મને સૂઝી ગયું છે.”

એમ કહીને ચમાર ચાલ્યો. દરબારગઢની દોઢીએ જઇને દરબારને ખબર મોકલ્યા, “ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો, ઝટ મોઢે થાવું છે.”

દરબાર બહાર આવ્યાં તેમણે ચમારને દેખ્યો, મશ્કરીનાં વેણ કાઢ્યાં, “કાં, ભાઇ! મામેરું લઇને આવ્યા છો કે?”

“હા, અન્નદાતા! આવ્યો છું ોત મામેરું લઇને જ.”

“એમ! ઓહો! કેમ, તમને મોકલવા પડ્યા! ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઇને ગયેલ છે?”

“અરે, દાદા! ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણું થઇ ગયું. કોઇથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે.”

“ત્યારે તો મામેરાનાં ગાડાંની હેડ્ય વાંસે હાલી આવતી હશે, કાં ?”

“એમ હોય, બાપા! ગાંફના ભાણેજનાં મોસાળાં કાંઇ ગાડાંની હેડ્યુમાં સામે?”

“ત્યારે?”

“એ અમારું ખસતા ગામ કુંવરને પે’રામણીમાં દીધુ.”

દરબારે મોંમાં આંગળી નાખી, “એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઇ હશે. એણે પૂછ્યું, “કાંઇ કાગળ દીધો છે?”

“ના, દાદા! કાગળ વળી શું દેવો’તો! ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજગતા માનવીથીયે કાગળની કટકીની આંઇ વધુ ગણતરી હશે!”

ચમારાના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઇક સચ્ચાઇ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઇ કે ગાંફનો એક ઢોર ચીરનારો ઢેઢ આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મે’ણાંના ઘા પડતા હતા તે થંંભી ગયા. અને બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરથી અસવાર છૂટીને ગાંફ જઇ ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે. એટેલ મૂઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો.

ગાંફ પહોંચીને ગઢમાં ગયો, જઇને દરબારને મોઢામોઢ વેણ ચોડ્યાં, “ફટ્ય છે તમને, દરબાર! લાજતા નથી ? ઓલી બોનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડાં પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે. અને તમે આંહી બેઠા રિયા છો ? બાપુ! ગાંફને ગાળ બેસે એનીય ખેવના ન રહી?”

“પણ છે શું, મૂરખા?” દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા.

“હોય શું બીજું ? ભાણેજ પરણે છે ને મામા મોસાળાં લઇને અબઘડી આવશે એવી વાટ જોવાય છે.”

“અરરર! એ તો સાંભર્યું જ નહિ, ગજબ થયો! હવે કેમ કરવું?”

“હવે શું કરવાનું હતું ? ઇ તો પતી ગયું. હવે તો મારે જીવવું, કે જીભ કરડીને મરવું, એ જ વાત બાકી રઇ છે.”

“કાં એલા! તારું તે શું ફટકી ગ્યું છે?”

“હા બાપુ! ફટકી ગ્યું ‘તું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઇને અવ્યો છું.”

“શી વાત કરછ? તું આપણું ખસતા દઇ આવ્યો?”

“હા, હા! હવે તમારે જે કરવું હોય તે કહી નાખો ને એટલે મને મારો મારગ સૂઝે.”

દરબારનું હૈયું ભરાઇ આવ્યું, “વાહ! વાહ, મારી વસ્તી! પરદેશમાંય એને મારી આબરૂ વહાલી થઇ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલુંં જોખમ ખેડ્યું! વાહ! મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ!”

“ભાઇ! ખસતા ગામ તેં તારા બોલ ઉપર દીધું એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે. આજ તારે મરવાનું હોય ? તારા વિના તો મારે મરવું પડત!”

ચમારને દરબારે પાઘડી બંધાવી, અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊઝવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને ઓરતો પોરસમાં આવી જઇ વાતો કરવા લાગ્યાં, વાત શી છે? આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે? ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય?

વાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા. ગાંફના ધણીએ જવાબ મોકલ્યો, “એમાં પૂછવા જેવું શું લાગ્યું? ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહિયું કરી આપી છે.”

વરની માતા હવે દાઝ કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગનગીત ગજવી રહ્યાં છે કે -

તરવાર સરખી ઊજળી રે ઢોલા !

તરવાર ભેટમાં વિરાજે રે વાલીડા વીરને,

એવી રે હોય તો પરણજો રે ઢોલા

નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને.

આજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે. આજુબાજું ગાંફની જ સીમ છે, અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી.

(આ કથા ભાલમાં પ્રચલિત છે. કહેવાય છે કે એને બન્યા આજ (૧૯૨૫માં) ૩૦૦ વર્ષ થયાં હશે. નામઠામ જડતાં નથી. ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દીવાનસાહેબને વિનંતી કરતીં તેમણે જણાવ્યું કે જૂનાં દફતરો તથા અન્ય સ્થળે તપાસ કરતાં આ દંતકથામાં કાંઇ સત્યાંશ હોવાનું લાગતું નથી. તેમ છતાં પ્રચલિત કથા તરીકે અહી આપી છે. લાગે છે કે, ખસતા ગામની ભૌગોલિક સ્થિતિ જોતાં વાંકાનેરના અને તે ગામનાજોડાણની સાથે કંઇક સુંદર ઇતિહાસ જરૂર સંકળાયો હોવો જોઇએ.)

૧૨. અણનમ માથાં

આ સંસારની અંદર ભાઇબંધો તો કંઇક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઇ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચારસો વરસ ઉપર પાક્યા હતા.

બે નહિ, ચાર નહિ, પણ બાર ભાઇબંધોનું જૂથ. બારેય અંતર એકબીજાને આંટી લઇ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઇ લ્યો. બાર ખોળઇયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે.

સૂરજ-ચંદ્રની સાખે બેસીને બારેય ભાઇબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેયનો સરદાર વીસળ રાબો; પરજિયો ચારણ; સાત ગામડાંનો ધણી; હળવદના રાજસાહેબનો જમણો હાથ;

જેનાં વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે; જેણે પોતાની તરવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઇને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે, દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે, એવા અણનમ કહેવાતા વીસળ રાબાએ વાત ઉચ્ચારી “ભાઇ ધાનરવ! ભાઇ સાજણ! ભાઇ નાગાજણ! રવિયા! લખમણ! તેજસ્વ! ખીમરવ! પાલા! વેરસલ! અને કેશવગર! સાંભળો.”

“બોલો, વીહળભા! એમ હોંકારો દઇને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા.”

“સાંભળો, ભાઇ! જીવતાં લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે. પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશેકાઇ મેલી છે. આપણને શાસ્ત્રની ઝાઝી ગતાગમ નથી. આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધીય એકસંગાથે, ને મરવું તોય સંગાથે વાંસા મોર્ય નહિ, છે કબૂલ?”

“વીહળભા! રૂડી વાત ભણી. સરગાપરને ગામતરે વીહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતપોતાની તરવારને શિર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે જીવવું ને મરવું એક જ સંગાથે.”

ડાલાં ડાલાં જેવડાં બારેય માથાં ઉપર ખડગ મંડાયા. અને બારેયનું લોહી ભેળું કરીને લખત લખ્યાં કે ‘જીવવું-મરવું બારેયને એક સંગાથે-ઘડી એકનુંય છેટું ન પાડવું.’

અગિયાર પરજિયા ચારણ અને એક કેશવગર બાવો; મોતને મુકામે સહુ ભેળા થાવાના છીએ, એવા કોલ દઇને આનંદે ચડ્યા છે; વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધાપાણીમાં ગરકાવ છે. કોઇ ગૌધન ચારે છે, કોઇ સાંતીડાં હાંકે છે, કોઇ ઘોડાની સોદાગરી કેળવે છે, અને કેશવગર બાવો આંબરડીના ચોરામાં ઇશ્વરમાં ભજન - આરતી સંભળાવે છે. બીજી બાજુ શો બનાવ બન્યો ?

અમદાવાદ કચેરીમાં જઇને વીસળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે “અરે, હે પાદશાહ સલામત! તેં સારાય સોરઠ દેશને કડે કર્યો, મોટા મોટા હાકેમ તારા તખતને પાયે મુગટ ઝુકાવે, પણ તારી પાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે.”

“કોણ છે એવો બે માથાળો, જેની માએ સવાસેર સૂંઠ ખાધી હોય ?” પાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું.

“આંબરડી સુંદરીનાં સાત સાંજણ ગામનો ધણી વીસળ રાબો. જાતનો ચારણ છે.”

“લા હોલ વલ્લાહ! યા ખુદાતાલા! યા પાક પરવરદિગાર!” - એવી કલબલી ભાષામાં ધૂંવાડા કાઢતા, ઝરખિયાના ઝાંપા જેવી દાઢીને માથે હાથ ફેેરવતા, ઘોમચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા, વસમી ત્રાડ દેવાવાળા, અક્કેક ઘેટો હજમ કરવાવાળા, અક્કેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપ-બખ્તર પહેરવાવાળા મુલતાની, મકરાણી, અફઘાની અને ઇરાની જોદ્ધાઓ ગોઠણભેર થઇ ગયા.

“શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે ? એની પાસે કેટલી ફોજ?”

“ફોજ-બોજ કાંઇ નહિ, અલ્લાના ફિરસ્તા! એક પોતે ને અગિયાર એના ભાઇબંધો. પણ એની મગરૂબી આસમાનનો અડી રહી છે. પાદશાહને બબ્બે કટકા ગાળ્યું કાઢે છે.”

સડડડ! સુલતાનની ફુલગુલાબી કાયાને માથે નવાણું હજાર રૂંવાડાં બેઠાં થઇ ગયાં. ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ પાર આવ્યો. ગામની સીમમાં તંબૂ તાણીને ફરમાસ કરી કે, “બોલાવો વીસળ રાબાને.”

એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળાને માથે ઝૂલતો કાળો ચોટલો - એવા દેવતાઇ રૂપવાળો વીસળ રાબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે. આભામંડળનું દેવળ કર્યું છે; સૂરજના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી દસ દિશાઓ ચાકળા-ચંદરવા કલ્પ્યા છે, માંહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઇ છે! એવા ચૌદ બ્રહ્માંડના વિશ્વને મંદિર સરજી માંહે ઊભો ઊભો ભક્ત વીસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે.

જ્યોતે પ્રળંબા, જુગ્દમ્બા, આદ્ય અંબા ઇસરી,

વદનાં ઝળંબા, ચંદ બંબા, તે જ તમ્બા તું ખરી

હોત અથાકં, બીર હાકં, બજે ડાંક બમ્મણી,

જગમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

જીય રાસ આવડ રમ્મણી, જીય રાસ આવડ રમ્મણી.

ભેરવે હલ્લા, ભલ્લ ભલ્લાં ખાગ ઝલ્લાં ખેલીયં,

હોતે હમલ્લાં, હાક હલ્લાં, ઝુઝ મલ્લાં ઝેલ્લીયં,

ગાજે તબલ્લાં, બીર ગલ્લાં, ખેણ ટલ્લાં ખમ્મણી,

જહમાંય પરચો દીઠ જાહેર રાસ આવડ રમ્મણી.

ગમમમ ગમમમ આભનો ઘુમ્મટ ગુંજે છે, દિશાની ગુફાઓ હોંકારા દિયે છે, અને સાંતની કોશને જાણે શેષનાગની ફેણ માથે પહોંચાડીને પારસમણિના કટકા કરવાનું મન હોય એવો જોર કરીને બેય ઇંડા જેવા ધોળા ત્રિભુવનની ઇસરી શક્તિના આરાધન ઉપાડે છે.

આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંનર પાય નમે,

દિગપાલ દગમ્બર, આઠહી ડુંગર, સાતહીં સાયર તેણ સમે,

નવનાથ અને નર ચોસઠ નારીએ હાથ પસારીએ તેમ હરી,

રવરાય રવેચીએ, જગ્ગ પ્રમેસીએ વક્કળ વેસીએ ઇસવરી.

દેવી વક્કળ વેસીએ ઇસવરી, માડી વક્કળ વેસીએ ઇસવરી.

મેઘમાળ ગાજી હોય એવો ભુલાવો ખાઇને મોરલા મલ્લાર ગાવા લાગે છે. વીસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઊપડી આવી છે.

એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે “વીહળભા! પાતશા તમારે પાદર આજ પરોણા થઇને ઊતરેલ છે.”

“પાતશાની તો પરવા નથી, પણ પરોણો એટલે જ પાતશા.” એમ બોલીને ચારણ સાંતીડે ઘીંસરું નાખી, બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી કડબ નીરી, કોઇ જાતની ઉતાવળ ન હોય એમ પાતશાહને મળવા ચાલ્યો.

“વીસળભા, સંભાળજે! ચાડી પહોંચી છે.” બજારના માણસોએ શિખામણ સંભળાવી.

“હું તે બેમાંથી કોને સંભાળું, ભાઇ ? પાતશાને કે ચૌદલોકની જગત જનનીને?”

એટલો જવાબ વાળીને વીસળ ગઢવી સુલતાનના તંબૂમાં દાખલ થયા. સિત્તેરખાં અને બોતેરખાં ઉમરાવ પણ જ્યાં અદબ ભીડી, શિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે, સોરઠના રાજરાણાઓ જ્યાં અંજલિ જોડી આજ્ઞાની વાટ જોતા ઊભા છે, ત્યાં સાત ગામડીના ધણી એક ચારણે, રજેભર્યે લૂગડે, અણથડકી છાતીએ, ધીરે ધીરે ડગલે પાતશાહના તખ્તા સામા આવીને એક હાથે આડી તરવાર ઝાલીને બીજે હાથે સલામ દીધી. એનું માથું અણનમ રહ્યું.

“વીસળ ગઢવી!” સુલતાને નખોરાં ફુલાવીને પડકારો કર્યો, “સલમ કોની કરી?”

“સલામ તો કરી આ શક્તિની - અમારી તરવારની, ભણેં, પાતશા!” વીસળે ઠંડે કલેજે જવાબ વાળ્યો.

“સોરઠના હાકેમને નથી નમતા?”

“ના, મોળા બાપ! જોગમાયા વન્યા અવરાહીં કમણેંહીં આ હાથની સલામું નોય કે આ માથાની નમણ્યું નોય ; બાકી તોળી આવરદા માતાજી કરોડ વરસની કરે!”

“કેમ નથી નમતા?”

“કાણા સારુ નમાં ? માણહ માણહહીં કેવાનો નમે? હાથ જોડવા લાયક તો એક અલ્લા અને દૂજી આદ્યશક્તિ, એક બાપ અને દૂજી માવડી; આપણા સંધા તો ભાઇયું ભણાયેં. બથું ભરીને ભેટીએ, પાતશા! નમીંએ નહિ. તું કે મું, બેમાં કમણેય ઊંચ કે નીચ નસેં તો પછેં, બોલ્ય પાતશા, કાણા સારું નમાં?”

ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ધણ પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલીવહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડ્યો. “કાં સલામ દે, કાં લડાઇ લે.”

“હા! હા! હા! હા!” હસીને વીસળભા બોલ્યો, “લડાઇ તો લિયા ; અબ ઘડી લિયા. મરણના ભે તો માથે રાખ્યા નસેં, પણ પતાશા! મોળો એક વેણ રાખ્ય.”

“ક્યા હૈ?”

“ભણેં પાતશા, તોળી પાસે દૂઠ દમંગળ ફોજ, અને મોળી પાસેં દસ ને એક દોસદાર, તોળા પાસેં તોપું, બંધૂકું, નાળ્યું - ઝંઝાળ્યું, અને અમણી પાસેં અક્કેક ખડગ; ભણેં લડાઇ લિયાં ; પણ દારૂગોળો નહિ ; આડ હથિયારે. તોળા સૈકડા મોઢે લડવૈયા ; અમું બાર ભાઇબંધઃ આવી જા. અમણાં હાથ જોતો જા, અણનમ માથાં લેને કીમ કવળાસે જવાય ઇ જોતો જા!”

સુલતાને બેફિકર રહીને કેવળ તરવાર - ભાલાં જેવાં અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી.

“રંગ વીસળભા! લડાઇ લેને આદો! રંગ વીસળભા! પાતશાની આગળ અણનમ રૈને આદો!”

એમ હરખના નાદ કરતા દસ ભાઇબંધોએ સામી બજારે દોટ દીધી વીસળને બાથમાં લઇ લીધો દસ ને ્‌એક અગિયાર જણા કેસરિયાં પાણી કરીને લૂગડાં રંગે છે. સામસામા અબીલ ગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે.

મોરલા જેવા બાર ભાઇબંધોનાં મોતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે “ભૂલ થઇ, જબરી ભૂલ થઇ. બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઇ જાશે. યા અલ્લા! મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઇ આ આફતમાંથી ઊગરવાનો ઇલાજ બતાવે?”

“ઇલાજ છે, ખુદાવંદ” વજીર બોલ્યો, “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઇ જઇએ. વીસળ રાબો ઝાંપેથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.”

સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઇ ઊભી. અગિયારેય ભાઇબંધો સગાંવહાલાં ને જીવ્યા - મૂઆના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો,

“વીસળભા! વેરીની ફોહ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનં વીસળે ભારથમાં પારોઠનાં પગલાં ભર્યાં કહેવાશે, હો!”(પારોઠના = પીઠનાં)

“પારોઠનાં પગલાં! વીહળો ભરશે ?” વીસળભાની આંખોમાં તેજ વધ્યાં.

“ધાનરવ ભા! નાગાજણ ભા! રવિયા! લખમણ! ખીમરવ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બા’ર નીકળીએ.”

પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા, બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘૈરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તારોને દેખ્યા.

“અલ્લાહ! અલ્લાહ! અલ્લાહ! ઇમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ?” એવે ટાણે વીસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો :

વીહળ પૂછે બ્રાહ્મણા, સુણ કેશવ કંધાળ,

કણ પગલે સરગ પામીએ, પશતક નૈયાળા?

(અરે, હે કેશવગર મહારાજ, કે બ્રાહ્મણ, સાંભળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય ? એ જ્ઞાન બતાવનારું કોઇ પુસ્તક તેં નિહાળ્યું છે?)

અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઇ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઇ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વીહળભા!

કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં.

કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં.

ત્રિયા, ત્રંબાસ, આપતળ જે મરે હઠાળા,

તે વર દિયાં વીહળા, સગ થિયે ભવાળા.

(વીહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઇ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઇ ભૈરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મોતમાંથી એકીય મોતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપૂરી મળે, હે ભાઇ વીહળ!)

સાંભળીને વીહળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઇને કૂંડાળું કર્યું.

“જુવાનો!” વીહળે વાણીનો ટંકાર કર્યો, “જુવાનો! આજ આપણાં અમરાપુરનાં ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યાં એટલા કેડામાંથી ‘કુંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઇકનાં પગલાં પડ્યાં છે.

પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઇબંધો! આજ ભાઇબંધીના પારખાં થાશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સૂવા આ કૂંડાળે સહુ આવી પહોંચજો. કહો કબૂલ છે?” “રૂડું વેણ ભણ્યું, વીહળભા!” દસેય જણાએ લલકાર દીધો.

“આકળા થાઓ મા, ભાઇ, સાંભળો! કુંડાળે આવવું તો ખરું, પણ પોતપોતાનાં હથિયાર પડિયાર, ફેંટાફાળિયા અને કાયાની પરજેપરજ નોખાં થઇ ગયાં હોય તેયે વીણીને સાથે આણવાં. બોલો, બનશે?”

“વીહળભા!” ભાઇબંધો ગરજ્યા, “ચંદર-સૂરજની સાખ માથે ખડગ મેલીને વ્રત લીધાં છે. આ કેસરિયા વાઘા પહેર્યાં છે. આ કંકુના થાપા લીધા છે અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી ? અમે તો તારા ઓછાયા, બાપ! વાંસોવાંસ ડગલાં દીધ્યે આવશું.”

“જુઓ, ભાઇ! અત્યારે આજ સાંજરે આપણામાંથી આંહીં જે કૂંડાળા બહાર એ ઇશ્વરને આંગણેય કૂંડાળા બહાર, વીસરશો મા.”

દસેય જણાએ માથાં નમાવ્યાં.

“અરે, પણ આપણો તેજરવભા ક્યાં?”

“તેજરવ પરગામ ગયો છે.”

“આ... હા! તેજરવ રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથાં પછાડીને મરશે. પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળાં થાશું.”

અગિયારેય જણાએ એકબીજાને બાથમાં લઇ ભેટી લીધું. જીવ્યા - મૂઆના રામરામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોેંચી.

સામે એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાઇ વીસળ બોલ્યો, “ભાઇ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે, એને માથે ઘા ન હોય, હોં કે! પાતશા તો પચીસનો પીર કહેવાય. લાખુંનો પાળનાર ગણાય. એને તો લોઢાના હોદ્દામાં બેઠાં બેઠાં આપણી રમત જોવા દેજો, હો!”

માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજૂડી રબારણ હાલી આવે છે. આવીને એણે કૂંડાળા ઢૂકડો ગોળો ઉતાર્યો. “વીહળ આપા! આ પાણી!”

“ માંજૂડી, બેટા, રંગ તને, ઠીક કર્યું. પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી હશે. અમે વળીએ ત્યાં સુધી આંહીં બેસજે, બેટા!”

એટલું બોલીને અગિયાર યોદ્ધાએ ‘જે ચંડી, જે જોગણી!’ ‘જે ચંડી જે જોગણી!’ ની હાકલો દીધી, દોટ કાઢી. અગિયાર જણા પગપાળા અને સામે -

હે જલંગા, હંસલા કમંધ મકરાણી,

શોપ કેઆડા મંકડા આરબ ખરસાણી,

ગરવર જંગા ગોહણા પે પંથા પાણી.

જાણ શશંગી ઝોપિયા રાજકિયા પતશાણી.

રેવતવંકા રાવતાં મખમલ પલાણી,

સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી.

ઝલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માંકડા, અરબી, ખોરાસાની - એવા જાતજાતના પાણીપંથા અને પહાડને વીંધે એવી જાંધોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઊતર્યા.

ઝાકાઝીક, ઝાકાઝીક, ઝાકાઝીક, સામસામી તરવારોની તાળીઓ પડવા મંડી. એક એક ભાઇબંધ સો-સો શત્રુના ઝાટકા મંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઇ જોઇને પોકાર કરવા લાગ્યો કે ‘યા અલ્લાહ! યા અલ્લાહ! ઇમાનને ખાતર ઇંસાન કેવી જિગરથી મરી રહ્યો છે!’

“વાહ, કેશવગર! વાહ બાવાજી! વહ બ્રાહ્મણ, તારી વીરતા!” એવા ધન્યવાદ દેતી દેતો વીસળ રાબો કેશવગરનું ધીંગાણું નીરખે છે.

શું નીરખે છે ? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે, માંહીથી આંતરડાં નીકળીને ધરતી પર ઢસરડાય છે. આંતરડાં પગમાં અટવાય છે, અને જંગ ખેલતો બાવો આંતરડાંને ઉપાડીને પોતાને ખભે ચઢાવી લે છે.

“વીહળભા!” વીસળના નાનેરા ભાઇ લખમણે સાદ દીધો, વીહળભા, જીવતાં સુધી મારી સાથે અબોલા રાખ્યા, અને આજ મરતુક આવ્યાં તોય મોઢાનો મીઠો શુકન નહિ! વીહળ, કેશવગરને ભલકારા દઇ રિયા છો, પણ આમ તો નજર માંડો!”

ડોક ફેરવીને જ્યાં વીસળ પોતાના ભાઇની સામે મીટ માંડે ત્યાં તો જમણે પગ જૂદો પડી ગયો છે એને હગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તરવાર ઠણકાવી રહ્યો છે. ભાઇને ભાળતાં જ જીવતરના અબોબા તૂટી પડ્યા. વીસળની છાતી ફાટફાટ થઇ રહી.

“એ બાપ, લખમણ તું તો રામનો ભાઇ, તને ભલકારા ન હોય, તું શૂરવીરાઇ દાખવ એમાં નવાઇ કેવી ? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો, માગણ ઊઠીને આંતરડાંની વરમાળ ડોકે પહેરી લ્યે એની વશેકાઇ કહેવાય. મારા લખમણ જતિ!”

સાંજ પડી, ઝડવઝડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઊઠ્યું, “યા ખુદા! આડ હથિયારે આ બહાદુરો નહિ મરે. અને હમણાં મારી ફોજનું માથેમાથું આ અગિયારેય જણા બાજરાના ડૂંડાની જેમ લણી લેશે.”

“તીરકામઠાં ઉઠાવો! ગલોલીઓ ચલાવો!” હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાંની વાર તો હડુડુડુડુ ! હમમમમ! ધડ! ધડ! ધડ! -

સીંગણ છૂટે ભારસું. હથનાળ વછટ્ટે,

સાબળ છૂટે સોંસરા, સૂરા સભટ્ટે

વ્રણ પ્રગટે ઘટ વચ્ચે, પટા પ્રાછટ્ટે,

ત્રુટે ઝુંસણ ટોપતણ, ખાગે અવઝટ્ટે.

પાતાશાહી ફોજની ગલોલોીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસીં સોંસરવાં ગયાં. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતરના ગરબા બનીને અગિયાર ભાઇબંધો જુદ્ધમાંથી બહાર નીકળ્યાં. કોઇ એક પગે ઠેકતો આવે છે, કોઇ આંતરડાં ઉપાડતો ચાલ્યો આવે છે, કોઇ ધડ હાથમાં માથું લઇને દોડ્યું. એમ અગિયાર જણાં પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કૂંડાળે પહોંચ્યા પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો, “ભાઇબંધો સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો!”

૧૩. સીમાડે સરપ ચિરાણો

કથા એવી ચાલે છે કે જૂનાગઢ તાબે માણેકવાડા અને મધરવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ છે. બન્ને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા પરંતુ ટંટો ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે.

કોઇ એકમત થતો નથી. લાકડીઓ ઊડવા જેટલો ઉશ્કેરાટ થઇ ગયો છે. તે વખતે તેઓએ સામેથી એક જબરદસ્ત સર્પને આવતો દીઠો. કોઇકે મશ્કરીમાં કહ્યું કે ‘ભાઇ, આ નાગદેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો.’ તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એકસામટા બોલી ઊઠ્યા, ‘હે બાપ! સાચી વાત છે. તમે દેવ-પ્રાણી છો. વહેંચી દ્યો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે, એ અમારા સેમાડા તરીકે કબૂલ છે.’

સાંભળીને તરત જ એ ફણધર થંભ્યો, વાંકી ચૂંકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. એનો લીટો પડતો ગયો, તે પ્રમાણે ખૂંટ નખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઇને બેય પક્ષો ‘વાહ બાપા ! વાહ મારા દેવતા!’ ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા. સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઇ ગયેલું અણીદાર ઠુંઠું પોતાના સામે ઊભું છે.

બરછી જેવી ઝીણી એની અણી જોઇને નાગ પળભર થંભી ગયો. અને તરત માણસો બોલી ઊઠ્યા, ‘હવેશું થાશે ? બરાબર આપણા સરખેસરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલો. હવે જોઇએ કે દાદો કોને રેહ દેશે.’

આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઇ પડી કે કઇ બાજુ ચાલું? જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસુ જમીન કપાઇ જશે.

એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો. છતાં સર્પે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ને સીધો ચાલ્યો. કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધેસીધો એ ઠુંઠાની અણી ઉપાર ચડ્યો. અણી એની ફેણમાં સોંસરી પરોવાઇ ગઇ. સર્પ જોર કરીને બીજી બાજુ ઊતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી ચિરાઇ ગયો. લગાર પણ તર્યો હોત તો વહેંચણ અણસરખી કહેવાત.

એનું નામ સીમાડે સર્પ ચિરાણો ! આજ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલબાપા’ નામે ઓળખે છે. ભિન્નભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા મનાય છે. વર-કન્યાની છેડાછેડી ત્યાં જઇને છોડાય છે.

----- ભાગ ૧ સમાપ્ત -----

Rate & Review

PRAFUL

PRAFUL 3 weeks ago

srs

Gaurav

Gaurav 1 month ago

Rashik Dhaduk

Rashik Dhaduk 1 month ago

Joliya Dharamshi

Joliya Dharamshi 2 months ago

Hasmukhbhai

Hasmukhbhai 3 months ago