Adhi Aksharno Vhem - 3 books and stories free download online pdf in Gujarati

અઢી અક્ષરનો વ્હેમ ભાગ ૩

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયાઆ પ્રકરણના લેખક:
નિમિષ વોરા

*પ્રસ્તાવના*

વાંચક-મિત્રો, આ વાર્તાના, અનસુયાબેન દેસાઈ લિખિત, બીજા પ્રકરણમાં તમે વાંચ્યું..કે ડો.અનિલે બબ્બે વાર બ્લડ-ટેસ્ટ કરાવ્યા બાદ અનિકેતનું HIV+ હોવું કન્ફર્મ થઇ ગયું છે, કે જે સાચે જ એક ચિંતાનું કારણ કહેવાય. અને એટલે આ ભલા-ભોળા ચિંતાગ્રસ્ત ડોકટરે તરત જ આ વાત પોતાના મોટાભાઈને જણાવી દીધી.

હા, અમારા પ્રકલ્પ ‘વાર્તા એક, વહેણ બે’માં બંને ટીમ વચ્ચે એવી સમજુતી થઇ છે, કે જરૂરી હોય તો વધુ પાત્રોનો ઉમેરો કરી શકાય, પણ મૂળ વાર્તા ત્રણ મુખ્ય પાત્રો અનિકેત, પ્રણાલી અને અશ્ફાકની આસ-પાસ જ ફરવી જોઈએ.

તો તે સમજુતી અનુસાર અનસુયાબેને તેમના પ્રકરણમાં એક નવા પાત્રનો ઉમેરો કર્યો છે..ડો.મીતુલનો, કે જે ડો.અનીલ સરૈયાનો સગો ભાઈ છે. પણ ઉમેરતાની સાથે જ લેખિકાએ પોતાના શબ્દોની પીંછી દ્વારા આ પાત્રને એક ઘેરો શેડ આપી દીધો. હા, તેમણે ડો. મિતુલને પણ વાંચકોના એવા વ્હેમ અને એવી શંકાના કુંડાળામાં ઉભો રાખી દીધો છે, કે જેમ મોટા ભાગના કિસ્સાઓમાં હોય છે, તેમ અનીલ સરૈયાના પરિવારમાં પણ વિઘ્ન-સંતોષી કદાચ તેમનો પોતાનો અંગત કુટુંબીજન જ હોઈ શકે.

હવેના આ ત્રીજા પ્રકરણમાં અનિકેત અને પ્રણાલી, આ બંને પ્રેમી-પંખીડાની અંગત ક્ષણોનું વર્ણન કરવાનું હોઈ, તેમ જ બંને મિત્રો અનિકેત અને અશ્ફાકની માનસિકતા પર વધુ પ્રકાશ પાડવાનો હોઈ, મેં આ પ્રકરણ લખવા માટે અમારી ટીમના એક તારોતાજા યુવાન નિમિષ વોરાને પસંદ કર્યા છે, કે જેઓનું યુવાન માનસ ખુલ્લા-મને ની:સંકોચ આ પ્રસંગોને સરળતાથી પોતાનાં શબ્દોમાં ઢાળી શકે.

કચ્છના મુન્દ્રાના રહેવાસી, નીમીશભાઈ વોરા, કોઈક વિદ્યુત કમ્પનીમાં સર્વિસ કરે છે, પણ અમે એમને અમારી ટીમAનું પાવર હાઉસ કહીએ છીએ, કેમ કે એમના જેવા નવયુવાન અને ઉત્સાહી યુવાન, ટીમમાં હોવાથી ટીમમાં પણ એક તાજગીભર્યા, ઉર્જાસભર વાતાવરણનો અનુભવ થાય છે. વાર્તા-લેખન ક્ષેત્રે તેમનું કાર્ય ભલે સીમિત-માત્રામાં હશે, પણ આધુનિક, બ્રોડ-માઈન્ડેડ ક્રાંતિકારી સુઝાવો હમેશા તેમના મનમાં ઝબકતા જ રહે છે, કે જે અમને સહુને એક નવા જ તરવરાટથી ભરી દે છે.

ટીમના કોઈપણ કાર્યમાં સદા સાથ આપવા તત્પર, એવા શ્રી નિમિશ વોરાનો આ એપિસોડ આપણી સમક્ષ રજુ કરતા હું ખુબ જ હર્ષ અનુભવું છું.

શબ્દાવકાશ ગ્રુપ વતી,

અશ્વિન મજીઠિયા..

પ્રકરણ ૩

.

ડો. અનિલનો ફોન મુક્યા બાદ ડો. મિતુલનાં મનમાં ખુશી સમાતી નહોતી, એટલે આજે તેમણે આ અણધારી ખુશીને પચાવવા પોતાના ફેવરીટ બારમાં જવાનું નક્કી કર્યું. તેમની ગોવા ટુરની ખુશી પણ બમણી થઇ ગઈ હતી. તેમણે ગોવામાં જઇને હજુય મોટું સેલિબ્રેશન કરવાનું અને ગોવામાં મળનારા ડેલીગેશન તેમજ ખાસ મિત્રોને પાર્ટી આપવાનું પણ વિચારી લીધું.
ગોવાના મિત્રો યાદ આવતા જ તેમણે એક ફોન જોડ્યો. પહેલી જ રિંગે સામેથી ફોન ઉપડ્યો અને ખુબ ઉત્સાહિત સ્વર સંભળાયો, “
ઓહ માય ડોક્ટર ડાર્લિંગ..! યુ રીમેમ્બર યોર ધીસ પેશન્ટ ઓન્લી આફ્ટર ઇવનીંગ, યાહ..? એન્ડ ડોન્ટ ટેલ મી ધેટ યુ હેવ પોસ્ટપોન્ડ યોર ગોવા ટુર ધીસ ટાઇમ ઓલ્સો.” કાલના ગોવાના પ્લાન વિષે સવારે જ બધી વિગતે વાત થઇ હોવા છતાં, ફરી પાછો ફોન આવતા, શરુઆતનો ઉત્સાહિત સ્વર ચિંતામા ફેરવાયો.“
ઓહ, નો વે ડાર્લિંગ..! ઈન ફૅક્ટ, આજે હું એટલો ખુશ છું, કે ઉડતો ઉડતો ગોવા પહોંચી જવાનું વિચારું છું. એન્ડ યસ..! ધીસ ટુ ડેઝ..ધ ટોટલ આલ્કોહોલ વિલ બી ઓન મી, માય ડીઅર!”“
વા…ઉ, મોટી લોટરી લાગી ને તમને તો, ડોક્ટર સાહેબ ?” સામેથી હાશકારા સાથે ઉત્સાહ બમણો થયો.“
યસ ડાર્લિંગ..! એમ જ સમજી લે તું અને કાલથી સેલિબ્રેશન માટે તૈયાર રહેજે. ચલ અત્યારે ફોન મુકું.” એમ કહી ડો મિતુલ ફોન કાપવા ગયા કે,“
અરે, અરે... સાવ આવું લુખ્ખું ‘બાય’ ? થોડો મસાલો તો ભભરાવો..” સામે છેડે ફોન મુકવાની તૈયારી ન હોય તેમ અવાજ નૉટી થયો.“
અરે ખાલી મસાલો જ નહી, પૂરું ભાણું પીરસવામાં આવશે બસ? એક રાતની રાહ જો હવે.” એટલું કહી ડો. મિતુલે ફોન કટ કર્યો.
એમના દિમાગમાં હજુ એક કામ ચકરાવા લેતું હતું, નહી તો આજે તો તેઓ પોતે પણ ફોન કટ કરત નહી અને તેમણે ફટાફટ લેપટોપ પર આંગળીઓ ઘુમાવવા માંડી.**==**==**==**==**

.“
લેટ્સ, સેલીબ્રેટ ધીસ ડે, અનિ” પ્રણાલીએ માદક અદામાં આંખ મિચકારતા કહ્યું.
આજે પ્રોજેક્ટ પૂરો થયો તેથી અને ખાસ તો લાંબા ઇન્તેઝાર પછી અનિએ ફેમીલી સામે જ તેને પ્રપોઝ કર્યું તેથી પ્રણાલીની ખુશી તેના નાજુક હ્રદયમાંથી સડસડાટ તેની આંખો વાટે છલકાવા લાગી હતી અને માટે જ અત્યાર સુધી પોતાની જાતને બહેક્તી રોકવામાં સફળ રહેલી પ્રણાલીને હવે અનિ સાથે બહેકી જવામાં કશુ જ ખોટું લાગતું નહોતું.“
શું વાત છે માય સ્વીટ હાર્ટ, યુ આર ઇન અ ડિફરન્ટ મૂડ ટુડે? ઇઝ એવેરીથીંગ ઓલ રાઈટ?” અનિકેત પ્રણાલીનું ટેમ્પરેચર ચેક કરતો હોય તેમ ગળા પર હાથ રાખતા બોલ્યો.“
ડ્ર્રામાબાજી બંધ કર ને યાર, આઈ એમ સીરીયસ..!” પ્રણાલીએ ખોટો છણકો કરતા કહ્યું.
પ્રણાલીનો ફોન આવ્યો એટલે આજે કોલેજ પછીની સાંજે, તે બંને ડાયરેક્ટ તેઓના કોમન પસંદગીના સ્થળ મરીન ડ્રાઈવ પર આવ્યા હતા. બે પત્થરો વચ્ચેના પોતાના પ્રાઇવેટ 'અડ્ડા'માં તેઓ પોતાને દુનિયાથી ખુબ દુર અને એકબીજાની ખુબ નજીક મહેસુસ કરતા. આજે પણ બન્ને પગ લાંબા કરી પથ્થરનો ટેકો અને આડશ લઇ બેઠા હતા.“
યસ અનિ, આઈ એમ વેરી હેપ્પી ધ વે યુ હેવ પ્રપોઝડ મી. અત્યાર સુધી આપણા આ સંબંધો પ્રત્યે ફક્ત હું જ સીરીયસ હોઉં એવું મને ઘણીવાર લાગતું, પણ મારી ફેમીલી સામે જ તે મને પ્રપોઝ કર્યું એથી વધુ તારા કમીટમેન્ટની મારે શું સાબિતી જોઈએ ?” અત્યાર સુધી નોટી મૂડમાં રહેલી પ્રણાલીની આંખોમાં અચાનક બે અશ્રુબિંદુઓ અનિકેત જોઈ શક્યો.”
હે, હે…ક્મોન પ્રની, આઈ નેવર અન્ડરસ્ટેન્ડ મૂડ સ્વીન્ગ્સ ઓફ યુ ગર્લ્સ. યુ નો યાર, આઈ હેટ યોર ટીયર્સ પ્રની.” પ્રનીના મૂડને ફરી ચેન્જ કરવા અનિકેત રાજેશ ખન્નાની નકલ કરવા ગયો, જેમાં તે ભયાનક રીતે નિષ્ફળ નીવડ્યો. પરંતુ જે પર્પઝથી તેણે મિમિક્રી કરી હતી તે સફળ રહ્યો. પ્રનીના મુખ પર ફરી સ્માઈલ લાવવામાં તેને સફળતા મળી.
હવે સુરજ ડૂબવાની તૈયારી હતી તેથી સાંજ વધુ મનમોહક લાગતી હતી. દરિયાના મોજા પણ આજે મર્યાદા ભૂલ્યા હોય તેમ ખડકો સાથે વધુ જોરથી અથડાઈને આ પ્રેમીઓને પોતાની મર્યાદા ઓળંગી જવાનું જાણે કે આહ્વાન આપી રહ્યા હતા. આવી જ કોઈક પ્રેરણા લઈને અચાનક પ્રણાલી પોતાની જગા પરથી ઉભી થઇ અને અનિકેતના પગ પર બેસી ગઈ અને તેની આંખોમાં આંખ પરોવી તેની નજીક જતી ગઈ. તેના હોઠને તેણે અનિકેતના કાન પાસે વિરામ આપ્યો અને થોડીક એવી શરમ અને બહુ બધા રોમાંચ સાથે બોલી,”
અનિ, ટેક મી એની વ્હેર ટુ ડે. આજે મારે મારી જાતને સંપૂર્ણપણે તારામાં ઓગાળી દેવી છે. આયે'મ સબમીટીંગ માયસેલ્ફ ટુ યુ.”
આટલું કહેતા તો જાણે એની બધી જ તાકાત ખત્મ થઇ હોય તેમ માથું ઢાળી અનિકેતની છાતીમાં તે સમાઈ ગઈ. અનિકેતે તેનું માથું ઊંચું કરી તેની આંખોમાં આંખ પરોવવાની કોશિષ કરી પણ પ્રણાલી આંખ નીચી કરી ફક્ત અનિના જવાબની રાહ જોતી રહી. અનિકેતે તેના ગાલ પર હાથ ફેરવી પોતાનો ચહેરો તેની નજીક લઇ ગયો અને કશું જ બોલ્યા વિના પોતાના રુક્ષ હોઠ પ્રણાલીના ગુલાબી હોઠ સાથે બીડી લીધા. વર્ષોથી પ્રેમીઓના મુક સંગાથી એવા પેલાં પત્થરો પણ આ સુંદર દ્રશ્ય માણી રહ્યા હતા. બન્ને પ્રેમીઓ એકબીજામાં તરબોળ થવા થનગની રહ્યા હતા. આજનું આ દીર્ઘચુંબન તેઓનું અત્યાર સુધીનું સૌથી પ્રગાઢ ચુંબન બની રહ્યું, તેઓના હાથ પણ હવે એકબીજાના વિવિધ અંગો પર ફરી રહ્યા હતા. બન્નેમાંથી કોઈની પણ આ ચુંબનને રોકવાની ઈચ્છા ન હતી. તેઓને તો આ પ્રેમ-સરિતામાં બસ આજે વહી જ જવું હતું. અહી જ સમય થભી જાય તેવી બન્નેની ઈચ્છા હતી.

.
ત્યાં જ અનિકેતના મોબાઈલની રીંગ વાગી. ઈચ્છા ન હોવા છતાં, તેઓને હોઠ અલગ કરવા પડ્યા. “
અશુનો ફોન છે, બે મિનીટ વાત કરી લઉં” અનિકેત આટલું બોલી ઉભો થયો.“
યાર આ અશુ તો મારો સૌતન હોય તેવું મને ક્યારેક લાગે છે!” આટલી સરસ મજાની ક્ષણ અચાનક જ તૂટવાથી નારાજ થયેલી પ્રણાલીએ ફરી છણકો કર્યો.
પણ અનાયાસે જ બોલાયેલું આ વાક્ય અનિકેતના હ્રદયનો એક ધબકારો ચૂકવી ગયું. ફોન ઉપાડવા જતા તેના હાથ ત્યાંજ રોકાઈ ગયા, તેણે પ્રણાલીના રિએક્શન પામવાની કોશિશ કરી.“
ઓય..! આમ સામું શું જુએ રાખે છે? જલ્દી ફોન પતાવીને પાછો આવ યાર, આઈ કાન્ટ વેઇટ નાઉ” પ્રણાલીએ તેની તન્દ્રા તોડી.“
ઓહ યસ ટુ મીનીટ્સ ઓન્લી..!” થોડી રાહત અનુભવતો અનિકેત ફોન લઇને થોડો દુર ગયો.
જયારે પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પરની ચિંતા પ્રણાલીથી છુપી ના રહી.
“શું થયું અનિ? ઈઝ એવરીથિંગ ઓકે..?”“
પ્રની સોરી, આપણે અત્યારે જવું પડશે, અશ્ફાક જીમથી આવ્યો ત્યારથી તેને તાવ ચડ્યો છે. હું તને ઘરે મુકીને તેની પાસે જઉ.” અનિકેતે ચિંતાતુર સ્વરે કહ્યું.
આ રંગીન સાંજનો આવો અણધાર્યો અંત આવશે એવી તો કોઈ જ આશા પ્રણાલીને ન હોવાથી તે થોડી નારાજ જરૂર થઇ પણ સાથે સાથે તેને અશ્ફાકની થોડી ચિંતા પણ થઇ. **==**==**==**==**

.
ઝડપથી સીડી ચડી, પોતાની ચાવીથી ફલેટનો દરવાજો ખોલી અનિકેત સીધો અંદર દાખલ થયો કે જોયુ તો અશ્ફાક બહાર સોફા પર રજાઈ ઓઢી સુતો છે, અને તેનાં મનમાં ધ્રાસકો પડ્યો. ટેમ્પરેચર ચેક કરવા જેવો તે તેના કપાળ પર હાથ મુકવા ગયો કે તરત જ અશ્ફાકે બંને હાથ પ્રસારી તેને પોતાની નજીક ખેંચી લીધો. અશ્ફાકની આવી અચાનક હરકતથી અનિકેત ચોંકી ઉઠ્યો. તેણે જોયું તો અશ્ફાકને અત્યારે તાવ બિલકુલ જ નહોતો. તેથી તેને થોડી રાહત થઇ. “
અરે યાર..! તાવ ઉતરી ગયો લાગે છે તો બી હજુ સુતો છો કેમ?” અનિકેતે અચંબિત સ્વરે પૂછ્યું.“
અરે હુજૂર, બુખાર તો મુજે અભી ભી હૈ, આપ કે ઈશ્ક કા બુખાર.” અશ્ફાક બિન્દાસ રીતે બોલ્યો, "બટ ટેલ મી, તું કોલેજ સે સીધા મેરે પાસ ક્યોં નહીં આયા? ઔર તો ઔર, એક ભી મેસેજ કો રીપ્લાઈ તક નહીં કિયા.”
હવે અનિકેતને ખ્યાલ આવી ગયો કે આ તાવ અશ્ફાકનું એક નાટક માત્ર હતું પોતાને જલ્દી બોલાવવા માટેનું અને હજુ સુધી તેણે તેને પોતાની ભુજાઓમાં જકડી રાખેલ હતો. નોર્મલી તેને આ રીતે અશ્ફાકની બાહોમાં પડી રહી તેની છાતીના વાળ સાથે રમત રમવું ખુબ ગમતું.

પણ આજે તો અનિકેતનો અલગ જ મૂડ હતો. કાયમ ચોકલેટ ફ્લેવરનો આઈસ્ક્રીમ ખાનારને આજે વેનીલાનો લ્હાવો લેવાનો મૂડ આવી ગયેલો.
હા, ચોકલેટ અને વેનીલા.. બંને ફ્લેવર અનિકેતને પસંદ હતા. ચોકલેટની તો જાણે કે આદત પડી ગઈ હતી. છાસવારે તેનો લાભેય લેતો. પણ આજે તો બસ..વેનીલા જ !
અને ત્યાં જ આ, આનું નાટક !
અનિકેતનાં તો મૂડની જાણે કે વાટ જ લાગી ગઈ. મગજનો પારો ઉંચો ચડવા લાગ્યો.
તેણે અશ્ફાકની બાહોમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો, પણ સરસ સપ્રમાણ બોડી, ઉંચી હાઈટ, પહોળી અને મર્દાના છાતી, માંસલ ભુજાઓના માલિક એવા અશ્ફાકની પકડમાંથી છુટવું આસાન ન હતું.
જો કે અશ્ફાક હજુ તેની નારાજગી પામી શક્યો ન હતો. તેણે અનિકેતનું મુખ પોતાના હાથમાં લઇ અને તેની નજીક લેવાનો પ્રયત્ન કર્યો જ હતો કે, “
સ્ટોપ ઇટ યાર, વોટ'સ ધીસ ? જસ્ટ લીવ મી નાઉ” અનિકેતનાં મોઢા પર હવે અણગમો સાફ દેખાઈ રહ્યો હતો.
અનિકેતનું આવું વલણ જોઈ અશ્ફાકનું મોઢું ત્યાં જ સ્થિર થઇ ગયું. તેણે પોતાની પકડ ઢીલી કરી અને ઉભો થઇ બેડ પર બેસી ગયો. “
વોટ'સ રોંગ અનિ? રીલેક્સ.. ઇતના ચિલ્લા કયો રહા હૈ?” કહેતા તે અનિકેતના વાળમાં હાથ ફેરવવા ગયો તો અનિકેતે એક જ ઝાટકે તેનો હાથ દુર કર્યો.“
ટ્રાઈ ટુ અન્ડરસ્ટેન્ડ યાર, બાત કો સમજા કર ના. વોટ ડુ યુ થીંક? મારી દુનિયા સિર્ફ તારામાં જ સમાઈ ગઈ છે? આઈ હેવ માઈ ઓઉન વર્લ્ડ અલ્સો. અત્યારે હું અને પ્રણાલી માંડ બે ઘડી ભેગા થયા હતા, અને ત્યાં જ તારો આ ફેક-કોલ? ઇટ'સ ટૂ મચ. ટૂ મચ યાર..!”
પ્રણાલીનું નામ સાંભળી અશ્ફાક થોડો સહેમી ગયો. તે હવે અનિકેતના ગુસ્સાનું કારણ સમજી ગયો અને તેને અફસોસ થઇ આવ્યો. અફસોસ એ વાતનો કે પોતે જેટલો અનિકેતને સમજવાની કોશિષ કરે છે, કાશ...અનિકેત તેનાંથી અડધીયે જો કોશિષ કરે તેને સમજવાની, તો પોતાનો તો જાણે કે જન્મારો સુધરી જાય. પણ…પણ એવું ક્યારે ય થયું જ નથી.“
યુ આર રાઈટ અનિ..! તેરી દુનિયા કાફી લંબી-ચૌડી હૈ. પર મેરી નહીં. મેરી દુનિયા તો બસ તેરે મેં સીમટ કર રેહ ગઈ હૈ. આખો દિવસ પ્રણાલીનો જાપ કરે છે, તો હું પણ સમજુ છું કિ વો તેરે લિયે ક્યાં માયને રખતી હૈ. તો મૈ ભી તો યાર વોહી કર રહા હું. તને યાદ કરી કરીને તને મેસેજ કરું છું. ફોન કરું છું. ઓર થોડા સા જુઠ ક્યા બોલ લિયા તો યાર. કૌનસા પહાડ ટૂટ પડા?”“
શટ અપ યાર, પ્લીઝ શટ અપ..! લેટ'સ સ્ટે ઇન સમ લીમીટ. યસ..ગીવ મી સમ સ્પેસ. મને સફોકેશન થાય છે, હવે આ તારી બધી નૌટંકીથી.”
માણસ જયારે ગુસ્સામાં હોય ત્યારે તે શું બોલી જાય છે તેની તેને પોતાને જ ખબર નથી રહેતી. બસ અત્યારે એ જ સ્થિતિ અનિકેતની હતી. પ્રણાલી સાથેનાં આટલા મહિનાઓના સંગાથમાં તેઓ ક્યારે ય આટલા નજીક નહોતા આવ્યા, જેટલા કે આજે.
પોતે પ્રણાલીને પ્રોપોઝ કર્યું, તો તે તો જાણે કે આજે તેની પર એકદમ જ ફિદા જ થઇ ગઈ હતી અને પોતાની જાતને જાણે કે પ્લેટમાં મુકીને તેની સામે પેશ કરી દીધી જયાફત ઉડાવવા માટે.
એક નવો જ ફ્લેવર..વેનીલા ફ્લેવર કે જે અત્યાર સુધી તેને દુરથી જ લલચાવતો રહ્યો હતો, તે તેની જીભ સુધી આવી ગયો હતો કે, બસ ! એટલે જ અશ્ફાક તેને અત્યારે વિલન જેવો લાગતો હતો અને માટે જ બેધડકપણે અનિકેત પોતાનો કંટાળો દર્શાવતો રહ્યો.
પણ મર્દાના બદનનો માલિક એવા અશ્ફાકની છાતીમાં તેનું હ્રદય તો એટલું જ ઋજુ હતું. તેનું હૈયું અને આંખો બંને ભરાઈ આવ્યા."
ઠીક છે દોસ્ત..! અપની અપની સોચ. બાકી તને સફોકેટ કરીને મને શું મળવાનું? યસ.. આઈ નીડ ટુ ગીવ યુ સ્પેસ..સફીસીયંટ સ્પેસ..! "આટલું બોલી અશ્ફાક ઉભો થઇ બેડરૂમમાં ચાલ્યો ગયો. અનિકેત તેનાં આ ઉદાસ દોસ્તને અંદર જતો જોઈ રહ્યો. તેણે બેડરૂમનો દરવાજો બંધ કર્યો તો પણ અનિકેત પર આની કોઈ ખાસ અસર ન થઇ.**==**==**==**==**

.

ખુબ ઓછા દિવસો એવા જતા જયારે ડો. અનિલ સાંજે વહેલા ઘરે આવી જતા. અને જયારે તેઓ વહેલા ઘરે આવતા તે દિવસે મીનાબેન ખુબ ખુશ થઈને તેમની પસંદગીનું ડીનર અચૂક બનાવતા. આજે તો તેમને પણ ખુબ ઇંતેજારી હતી. તેમણે એક બે વાર વિચાર્યું પણ ખરું કે, લાવ અનિલને ફોન કરી પૂછી લઉં કે રીપોર્ટ આવ્યો કે નહિ. પરંતુ તેમની હિંમત ચાલતી ન હતી. આજે અનિલ વહેલા ઘરે આવ્યા તો તેમની દિલની ધડકનો વધી ગઈ. જે ક્ષણ માટે તેઓ સવારથી હિંમત એકઠી કરી રહ્યાં હતા તે ક્ષણ તેમની સામે આવીને ઉભી હતી. અનિલ ઘરે આવીને સીધા કિચનમાં જ ગયા જ્યાં મીનાબેન કામ કરી રહ્યા હતા. “
મીના… મીના...!” તેઓ આટલું બોલી અટકી ગયા.
તેમના અવાજમાં ડૂમો ભરાઈ ગયો, મીનાબેનના હાથમાં હાથ નાખી ખોંખારો ખાઈ એ બોલ્યા, “મીના, ડો. દેસાઈના રીપોર્ટથી એ કન્ફર્મ થઇ ચુક્યું છે કે અનિકેત ઇઝ અ પેશન્ટ ઓફ HIV+”
મીનાબેન હવે કઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતા. તેમણે અનિલનો હાથ છોડાવ્યો અને જે ખુરસી પાસે ઉભા હતા ત્યાં જ ફસડાઈ પડી પોતાની હથેળીમાં માથું ઢાળી દીધું. “
મીના, હું જાણું છું કે તારા પર શું વીતી રહી છે, પણ હવે આપણે હિંમતથી કામ લીધા વિના કોઈ જ રસ્તો નથી”
ડો. અનિલને હવે ઢીલા થવું પોસાય તેમ ન હતું તેથી તે હવે મીનાને સમજાવવા લાગ્યા. “જો આપણે બન્નેને અનિકેતની આટલા ટૂંકા સમયમાં આટલી માયા બંધાઈ છે, તો આપણી દીકરીની શું હાલત થશે, જયારે તે આ હકીકત જાણશે? વી હેવ ટુ ફેસ ધીસ સિચ્યુએશન મીના.”
પોતાની દીકરીની પરિસ્થિતિ નો વિચાર આવતા મીનાબેન વધુ રડવા લાગ્યા.“
પ્લીઝ સ્ટોપ ઇટ મીના, જો તું આવી ઢીલી થશે તો મને કોણ સાથ આપશે? આપણે અનિકેત અને પ્રણાલીને પણ આ હકીકત વહેલી મોડી કહેવી તો પડશે જ. તો તારા સાથ વિના એ શક્ય નથી, એ તું જાણે છે”
મીનાબેનને વાત ગળે ઉતરતા એ થોડા શાંત થયા, કે ત્યાંજ બહારથી ‘યામાહા’નું હોર્ન સંભળાયું. પ્રણાલી અને અનિકેતનાં આવ્યાનો અણસાર આવતા જ તેઓએ સ્વસ્થ રહેવાનો ઢોંગ કર્યો, પણ ડોરમાંથી ફક્ત પ્રણાલીને અંદર આવતા જોઈ ડો. અનિલે પૂછ્યું,“
અરે ક્યાં ગયો તારો બોડી ગાર્ડ?” પ્રણાલીનો મૂડ ઓફ હોય તેવું તેનું મુખ જોઇને લાગ્યું.“
ડેડી, અશ્ફાકને જીમથી આવતાની સાથે જ તાવ ચડ્યો છે, તેથી અનિકેત મને મૂકીને તેની પાસે ગયો છે.”
પહેલા અનિકેતને..અને હવે અશ્ફાકને તાવ? -આ જાણી અનિલ અને મીના બન્નેએ એકમેકની સામે સૂચક દ્રષ્ટિએ જોયું અને તેમનાં મુખ પર એક ચમકારો થયો. જો કે તે જોઈ શકવાની મન:સ્થિતિ પ્રણાલીની અત્યારે તો બિલકુલ જ નહોતી.**==**==**==**==**

.
અનિકેત સોફા પર કેટલીય વાર સુધી એમને એમ પડ્યો રહ્યો. તેનાં મનમાં વિચારોના વમળ ઉઠતા રહ્યા. તેનો ગુસ્સો જેમ જેમ શાંત થતો ગયો તેમ તેમ તે પોતાની જાતનું વિશ્લેષણ કરતો રહ્યો. એક વાત તેણે માર્ક કરી કે પોતે પાછલા કેટલાક સમયથી અશ્ફાક તરફ થોડો લાપરવાહ થઇ રહ્યો છે. બે વર્ષની બંને વચ્ચેની ઘનિષ્ઠ દોસ્તી પર ધીમે ધીમે ગ્રહણ લાગી રહ્યું છે. બાકી આ કંઇ પહેલીવાર ન હતું કે અશ્ફાકે ફોન કરીને આવી રીતે ટીખળમાં તેને બોલાવ્યો હોય, તેઓ બન્ને એકબીજાને ગમે ત્યારે કોલ કરી બોલાવી શકતા અને તે માટે કંઈ પણ બહાના યે બનાવતા. પરતું પહેલા ક્યારેય પણ બન્નેમાંથી કોઇપણ એકબીજા પર આવી ટીખળને કારણે ગુસ્સે નહોતા ભરાતા. તો આજે અચાનક શું થઇ ગયું કે પોતે આટલો ગરમ થઇ ગયો? પ્રણાલી પ્રત્યેની પોતાની આસક્તિને કારણે તેવું થયું? જો તેવું હોય તો અશ્ફાક પ્રત્યેની તેની આસક્તિ ઓછી હતી ? પોતાએ શું જોઈએ છે? આ પોતે શું કરવા જઈ રહ્યો હતો? આ બધાય સવાલો તેના મગજમાં ચકરાવા લઇ રહ્યા હતા.

"મિલતા નહીં હૈ જબ તેરી કુરબત મેં ભી સુકૂં
ઘબરા કે સોચતા હૂં, કે ક્યાં ચાહતા હૈ દિલ?"

પોતાનાં આવા રુક્ષ વલણથી ચોક્કસ અશ્ફાક હર્ટ તો થયો જ હતો..! યસ, પોતે ચોક્કસ ખોટું તો કર્યું જ હતું. પોતાનાં આ જીગરીને આટલું હર્ટ કરવાનો મતલબ હતો પોતાની આ દોસ્તી પર જનોઈ-વાઢ કરવો, જે અશ્ફાક ક્યારેય સહન નહિ કરી શકે. તે જાણતો હતો કે અશ્ફાક કેટલો સેન્ટીમેન્ટલ યુવક હતો. તેનો દેહ ભલે પડછંદ હોય પણ અંદર તેનું મન તો એકદમ બાળક જેવું હતું. તેને મનાવવો જ રહ્યો. પોતે આપેલ દર્દો પર મરહમ તો ભરવો જ રહ્યો.

"યે દર્દ જો અબ તુમ્હારે હૈ
વો મેરે હી હૈ, દિયે હુએ
વરના તેરે લિયે તો શામ ભી મૈ
ઓર મૈ હી તેરા સવેરા હૂં"

સાથે સાથે પોતાની મૂંઝવણભરી પરિસ્થિતિનો ખ્યાલ પણ તેને આપવાનું અનિકેતને ખુબ જ મન હતું.

"એક બાત કબુલની હૈ મુજે
ઉલઝનો સે કુછ, મૈ ભરા હૂં
ન પૂરી તરહ સે ગૈર હૂં
ન પૂરી તરહ મૈ તેરા હૂં
પર તેરે દૂર હોને સે, એય દોસ્ત..!
મૈ વાકઈ અધૂરા હૂં..!"

બટ યસ, એક વાત તો ચોક્કસ હતી કે પોતે જો શબ્દો વડે માફી માંગશે તો અશ્ફાક કદાચ વધુ દુ:ખી થશે એટલે મીનીમમ શબ્દો વાપરવાનું નક્કી કરી અનિકેત ઉભો થયો અને બેડરૂમનો દરવાજો હળવે'કથી ઉઘાડ્યો. અંદર પલંગ પર ઉઘાડા ડીલે અશ્ફાક દીવાલ તરફ પડખું ફેરવી ઓશીકામાં મોઢું ઢાંકીને પડ્યો હતો. અનિકેતે માર્ક કર્યું કે પાછલા કેટલાક મહિનામાં અશ્ફાકનો વાંસો સ્નાયુબદ્ધ થઇ વધુ પહોળો થઇ ગયો હતો. આજકાલ જીમમાં વર્ક-આઉટ કંઇક વધુ જ કરતો લાગે છે. આવી લાગણીશીલ પરિસ્થિતિમાં પણ અનિકેતનાં મનમાં તેની પ્રત્યે કામ-ભાવ ઉત્પન્ન થવો શરુ થયો. તે પગ ખોડીને ત્યાં જ ઉભો રહી ગયો. નજર સમક્ષ પ્રસ્તુત એ જિસ્મ-ખજાનાને નીરખતો જ રહ્યો. જો કે બીજી જ ક્ષણે તેણે પોતાનાં મનને ટપાર્યુ.

પણ તોયે..પેલી ખુબસુરત પીઠ પર હાથ ફેરવવાની લાલચ તે રોકી ન શક્યો. પ્રણાલી સાથેની અચાનક જ ફીકી પડી ગયેલી તે રંગીન સાંજ, ફરી પાછી રંગીલી બનીને , તેનાં હોશ પર છવાવા લાગી. બેખુદીનાં આલમમાં અજાણતા જ પોતાનાં દિલકશ યાર તરફ..પેલા પલંગ તરફ, તેનાં કદમ વધવા લાગ્યા.

"યે શામ મસ્તાની
મદહોશ કિયે જાયે,
મુજે ડોર કોઈ ખીંચે
તેરી ઓર લિયે જાયે..!"
બસ.. આવો'જ કોઈક માહોલ તે ઓરડામાં બનવા લાગ્યો.

“એય અશુ..! ચલ યાર, રિલેકસ. આમ છોકરીઓની જેમ શું રડે છે ?” તેની ઉઘાડી પીઠ પર હાથ મૂકી અનિકેત હળવા ટોનમાં બોલ્યો. અશ્ફાક સ્થિર પડ્યો રહ્યો. ન તો આ તરફ તેણે મોઢું ફેરવ્યું કે ન તો કોઈ હોંકારો દીધો એટલે પોતાનો હાથ આગળ કરી અશ્ફાકનાં ચહેરા પર હથેળી ફેરવવા લાગ્યો. અશ્ફાકની આંખો બંધ હતી. અનિકેતે ધીમેથી રાજેશખન્નાનું એ ગીત ગણગણવા માંડ્યો કે જે અશ્ફાકને ખુબ પ્રિય હતું.

"તુમ્હે ક્યા બતાઉં, કે તુમ મેરે ક્યા હો
મેરી ઝીંદગી કા તુમ્હી આસરા હો.
યે આશા કી લડિયાં..ન રહ રહ પીરોતે
અગર તુમ ન હોતે..અગર તુમ ન હોતે
હંમે ઔર જીને કી, ચાહત ન હોતી
અગર તુમ ન હોતે..અગર તુમ ન હોતે.."

પણ તોય અશ્ફાકે કોઈ પ્રતિભાવ ન આપ્યો, તો તેણે પોતાનો દાવ બદલ્યો. “
ઓયે મેરી મુમતાઝ..! ચલ યે રૂઠને કા પ્રોગ્રામ ફિર કભી, અત્યારે મારું માથું ફાટી રહ્યું છે તો તારી હથોડા જેવી આંગળીઓથી મસાજ કરી દે. કમ ઓન..!” તેમ કહી અશ્ફાકના પડખામાં ભરાઈ તેને પાછળથી જકડી લીધો.
અશ્ફાકને આ ગમ્યું, તે સાચે જ થોડો રેલક્ષ થયો.

અમુક ક્ષણો બાદ...
તેઓ બન્ને જાણતા હતા, કે શબ્દોની તો હવે કોઈ જ જરૂર પડવાની નથી. પેલી એક જ પોઝીશનમાં એકસરખા આટલી વાર સુધી પડ્યા રહેવાને કારણે બંને યુવાન દેહોમાં કામાગ્ની પ્રજ્વલિત થઇ ચુક્યો હતો. બંને જાણતા હતા કે ઈચ્છિત મંઝીલ પર પહોંચવાની સફર શરુ થઇ ચુકી છે. એકમેકનાં તનબદનમાં જાગી રહેલ રોમાંચને ધાર્યો અંજામ આપવાનો નિર્ધાર કરી અનિકેત પાછળથી અશ્ફાકની વધુ ને વધુ નજીક સરક્યો. યંત્રવત જ તેનો હાથ પલંગના સાઈડ-ટેબલ તરફ તરફ વળ્યો અને ડ્રોઅર ખોલી તેમાં નિયમિત જગ્યાએ પહોંચ્યો. ચોક્કસ જગ્યા પર ચોક્કસ વસ્તુ ન મળતા તે આજુબાજુ ફંફોસવા લાગ્યો. પોતાની પીઠ પાછળ થતી હિલચાલનો અણસાર આવતાં જ પડખું ફરીને સ્થિર પડેલા અશ્ફાકે ઊંધું ફરીને પાછળ જોયું. બીજી જ પળે કંઈક યાદ આવતાં જ તેનું મોઢું પડી ગયું."
સોરી અનિ, આઈ થીંક સ્ટોક ખલાસ." રંગમાં ભંગ પડ્યાનો અંદેશો આવતાં જ થોડા નિરાશ સ્વરે તે બોલ્યો."
ઓહ શીટ..!" ડ્રોઅરમાંથી હાથ કાઢી અનિકેતે પલંગ પર મુઠ્ઠીપ્રહાર કર્યો."
યાર..માય કેરલેસનેસ," અશ્ફાક ફક્ત એટલું જ બોલી શક્યો."
નોટ ઓન્લી યોર્સ, મારી પણ લાપરવાહી. ગયા સેશન વખતે જ મને ખ્યાલ આવી ગયેલો, કે તે લાસ્ટ પીસ હતો. આઈ શુડ હેવ રીમેમ્બર્ડ" અનિકેત મનોમન પોતાની જાતને ભાંડતા બોલ્યો."
નાઉ?" અશ્ફાકે પ્રશ્ન કર્યો."
નાઉ વોટ..? કાન્ટ હેલ્પ..""
શૂડ વી ટેક એ ચાન્સ? આઈ ટ્રસ્ટ યુ અનિ..!""
નો વે..! આઈ ટૂ ટ્રસ્ટ યુ હની. પણ આ પહેલાં ય આપણે ક્યારે ય ચાન્સ લીધો જ નથી..તો ફિર આજ કયું? વી કાન્ટ ટેક એની રિસ્ક..તું પણ ઓલ્વેઝ આમ જ કહેતો હોય છે ને?""
યસ, ઇન્ડીડ. મગર આજ...""
ડોન્ટ વરી. આયે'મ ફાઈન.""
હેય..તું મેરે સાથ હૈ, તો 'બીજું બધું' ક્યાં ભાગી જવાનું છે?" અશ્ફાકે સૂચક રીતે આંખ મિચકારતા કહ્યું."
ઓલ્વેઝ વિથ યુ એન્ડ એનીથિંગ ફોર યુ, જાનું...!" -અનિકેતે ઉભા થઇ સ્ટડી ટેબલ તરફ જતા કહ્યું- "ઐસા કર, તું સો જા. મૈ થોડા કોલેજ-વર્ક નીપટા લૂં."
અશ્ફાકે આંખો બંધ કરી અને અનિકેતે લેપટોપ ચાલુ કર્યું. આમ ઈતર જગ્યાએ ધ્યાન પરોવી બંને, પોતપોતાની નિરાશા છુપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.**==**==**==**==**


અનિકેત પંડ્યા’ ફેસબુકના સર્ચ-બારમાં ડો. મિતુલની આંગળીઓ ફરી રહી. તેમના ચહેરા પર એક મહત્વનું કામ થતું હોય તેવીં ઉત્કંઠા અને હોઠ પર ખંધુ સ્મિત ફરકી રહ્યું હતું. ૩-જી નેટવર્ક પણ આજે સ્લો ચાલતું હોય તેવું તેમને લાગ્યું. સર્ચ રીઝલ્ટ જોતા એ ગૂંચવાયા. ટોટલ ૭ અનિકેત પંડ્યા તો તેને ડાયરેક્ટ બતાવતા હતા. તેણે ‘સી મોર’ ઓપ્શનમાં સર્ચ કર્યું તો વધુ ક્ન્ફ્યુસ થયા. તેઓ નામ સિવાય કોઈ પણ ડીટેઇલ જાણતા ન હતા. એટલે તેમણે “અનિકેત પંડ્યા, મુંબઈ” સર્ચ કર્યું. તો માત્ર એક જ પ્રોફાઈલ મળ્યું એ પણ પ્રોફાઈલ પિક્ચર વિનાનું. હવે તેઓ અકળાયા.
આને કેમ ગોતવો? -તેમણે વિચાર્યું. ડાયરેક્ટ પ્રણાલીને જ પૂછી લે તેના વિષે? પણ પછી પોતે જ પોતાનો આઈડિયા ડ્રોપ કર્યો. પોતે અનિકેતને શા માટે સર્ચ કરે છે, તેનો શું જવાબ આપવો ડો. સરૈયા કે પ્રણાલીને?
પણ પ્રણાલી યાદ આવતા જ તેમને આઈડિયા પણ આવી ગયો. તેઓ સીધા પ્રણાલીના ફેસબુક પેજ પર ગયા, જેથી તે તેના ફ્રેન્ડ લીસ્ટમાં અનિકેતને સર્ચ કરી શકે. સદનસીબે તેમને બહુ મહેનત ન પડી. પ્રણાલીના પ્રોફાઈલમાં પહેલી જ સેલ્ફી હતી, ‘ફિલિંગ હેપ્પી વિથ જસ્ટ, અનિ.’ અનિકેતે પ્રપોઝ કર્યું તે રાતે જ તેણે બન્નેની સેલ્ફી લીધી હતી. પણ તેમાં પ્રપોઝ વિષે કોઈ ડીટેઇલ મૂકી ન હતી.

ડો. મિતુલે ફોટો ધ્યાનથી જોયો. પ્રણાલી અને અનિકેતની જોડી એકદમ પરફેક્ટ લાગતી હતી. બન્નેને ફોટોમાં પણ ખુશ જોઈને તે રાજી ન થઇ શક્યા. પણ તે એટલે તો જરૂર રાજી થયા કે તેમનું અડધું કામ પતી ગયું હતું. તેમણે બ્લુ બોલ્ડ લેટરમાં પ્રણાલીએ ટેગ કરેલું નામ ‘જસ્ટ અનિ’ પર ક્લિક કર્યું અને તેનું પ્રોફાઈલ તપાસવા લાગ્યા.
સરપ્રાઈઝીંગલી તેના ફ્રેન્ડ લીસ્ટનું લીસ્ટ ખુબજ ટૂંકું હતું. આજના જમાનાના કોલેજમાં ભણતા સ્ટુડન્ટના આટલા ઓછા ફ્રેન્ડસ જોઈને મિતુલને આશ્ચર્ય થયું, પણ સાથે એ વાતનો આનદ થયો કે તેનું કામ થોડું આસાન થયું. તેમણે સીધું ‘અબાઉટ’પર સ્ક્રોલ કરી ક્લિક કર્યું. તેમને અનિકેત વિષે જાણવાની ખુબ ઈચ્છા થઇ રહી હતી. તેના ‘પ્લેસીસ હી લીવ્ડ’ સેક્સનમાં માત્ર કરન્ટ સીટી મુંબઈ બતાવતું હતું. હોમ ટાઉનની કોઈ ડીટેઇલ હતી નહી. ફેમિલી અને રીલેશનશીપ સ્ટેટ્સમાં રીલેશનશીપ ‘ઇટ્સ કોમ્પ્લીકેટેડ’ સિવાય કોઈ પણ ફેમીલી મેમ્બરની ડીટેઈલ ન દેખતાં ડો. મિતુલ ખુબ નવાઈ પામ્યા. પ્રોફાઈલ નેમમાં સરનેમ નહિ, હોમ ટાઉનનો કોઈ ઉલ્લેખ નહિ, ફેમીલી મેમ્બર્સની કોઈપણ ડીટેઇલ નહીં. એ બધું જાણી અનુભવી ડો. મિતુલને એ સમજતા ખાસ વાર ન લાગી કે અનિકેત પોતાના ભૂતકાળ સાથે ખાસ સંબંધ રાખવા માંગતો નથી.

પરંતુ અનિકેત મળી જવાથી તેની સર્ચ હજુ પૂરી થઇ ન હતી. તેમણે હવે પોતાનું અસલી કામ જલ્દી ચાલુ કરવાનું મુનાસીબ માન્યું. પોતાનો સ્વાર્થ હતો તે કામ કરવા પોતે જઈ રહ્યો છે તે ખ્યાલ આવતાજ તેમની આતુરતા વધી ગઈ, તેમણે તરત જ અનિકેતની પ્રોફાઈલ ચેક કરવાનું ચાલુ કર્યું. તેમાં વધુ ફોટા તેના અને પ્રણાલીના જ હતા, જેમાં પ્રણાલીએ તેને ટેગ કર્યો હોય. થોડા ફોટા ફ્રેન્ડસ સાથેની ટૂરના પણ હતા કે જે અનિકેતે જાતે અપલોડ કર્યા હતા. તેઓ એક એક પિક્ચર્સને ધ્યાનથી જોતા ગયા. ઘણીવાર થઇ હોવા છતાં, તેમને જે જોઈતું હતું તે મળતું ન હોવાથી હવે તેઓ ગુસ્સે પણ ભરાયા. પોતાને જે જોઈએ છે તે હવે આ રીતે શક્ય નથી તેવું તેમને લાગ્યું.

જો કે તેઓ હાર માનવા તૈયાર નહોતા તેથી તેમણે હજુ બારીકાઇથી ટાઇમ-લાઈન જોવાનું ચાલુ કર્યું, જેમાં તેમણે જે વસ્તુ અવોઇડ કરી હતી તે હવે જોઈ શક્યા. લગભગ દર શુક્રવારે એક લોકેશન-અપડેટ હતું અનિકેતનું ‘ક્લબ રૈન્બોબાર, અંધેરી'

ડો. મિતુલનો ગુસ્સો પીગળી ગયો અને તેમના દિમાગમાં એક નવો પ્લાન આકાર લઇ રહ્યો હતો. [ક્રમશ:]

.-
--નિમિષ વોરા..