Group Photo books and stories free download online pdf in Gujarati

ગ્રુપ ફોટો

ગ્રુપ ફોટો

* ગિરીશ ભટ્ટ *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧. ગ્રુપ ફોટો

ઉકળાટવાળી બપોર પછીની સાંજ આહ્લાદક હતી. પવન નીકળ્યો હતો, તરુઓ ડોલતાં હતાં.

સુલભાને કહીને જ નીકળ્યો હતો કે વિલંબ થશે. આ મસમોટા નગરમાં કોઈનું ઘર શોધવું સરળ વાત તો નહોતી.

મોહનલાલ શર્માના સરનામાનો કાગળ મારા હાથમાં હતો ને એ બે માળવાળી નાથા વૉચની ચાલના જીર્ણ ઝાંપા પાસે ઊભો હતો, એ સાંજે.

સાંકડો રસ્તો, સામે કૅબિનોની હાર, બે-ચાર વૃક્ષો અને દશ-બાર વ્યક્તિઓ ખડી હતી, એ ઝાંપાની આસપાસ હતો. કોને પૂછવું એ વિમાસણમાં ત્યાં જ તેમણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ‘તું જ ને, ગજાનનો ભત્રીજો ?’

ધૂળખાયો બદામી રંગનો કોટ, કાળું પેન્ટ, કૉટના ઉપરના ખીસામાં પાર્કર પેન, ગૌર મુખ, ઊંચી ટટ્ટાર દેહયષ્ટિ; તરત ઓળખાયા પ્રિયવદન અંકલ.

દશબાર વર્ષ પાછા ફરવું પડ્યું, ને તે ઓળખાયા; ને તરત થયું કે નીરજા ક્યાં હશે ! યાદ આવી ગઈ એ છોકરી.

મેં કહ્યું, ‘પ્રિયવદનકાકા...’

ને એ મુખ પર ચમક આવી. ખભા પરનો હાથ જરા થરથર્યો ને શબ્દો સર્યા, ‘હા... એ જ ! ને તું નીરજ ખરું ને ?’

એ આવ્યા હતા, સાવ અચાનક. એમ કહો ને કે પાછલી જાળીમાંથી પ્રગટ થયા હતા - પેલી નીરજા સાથે. લગભગ પાર્કર પેન તો આ જ હતી પણ પોશાક અલગ. સુઘડ અને અદ્યતન. જોનારા પર છાકો પાડે તેવો. નીરજા પણ સરસ લાગતી હતી, આછા વાદળી ડ્રેસમાં. મોગરાનું સૅન્ટ મઘમઘે. કાળી ભમ્મર કેશલતા બેય પર પથરાયેલી.

ગ્રુપફોટોમાં તે મારી લગોલગ બેઠેલીને એટલે જ આ બધી વિગતોની જાણ.

અમારો પ્રાણજીવન રાજારામનો પરિવાર, ચાર ચાર પેઢીઓ સુધી વિસ્તરેલો. ને પાછો એક છત નીચે જીવે. અજાયબી જ ગણાય. સાંજે એક પંગતે ત્રીસ, બત્રીસ પાટલા મુકાય. રોજ બે-ચાર મહેમાનો પણ હોય.

બે મોટી પરસાળ ને પાંચ વિશાળ ઓરડાઓ, મેડી તો છોગાની. દાદા-દાદી, પાંચ પુત્રો, ચાર વધૂઓ, એનાંય સંતાનો, ને એનાંય...! વળી ગંગાસ્વરૂપ ફોઈ પણ ખરાં.

અજાણ્યાને વિચાર આવે, ‘લગન લીધા છે દીકરીના !’

મને યાદ છે. દાદાને વિચાર આવ્યો હતો - પરિવારના ગ્રૂપ ફોટાનો. કહે, ‘બોલાવો જગમોહનને.’

અને દાવાનળની જેમ વાત ફેલાઈ ગઈ કે રવિવારે પાછલી ફળીમાં ગ્રુપ ફોટો લેવાનો હતો. થાવ તૈયાર.

તરત મજૂસો ઊઘડ્યાં, કબાટો ખૂલ્યાં, પટારાં તપાસાયાં. જૂની મૂલ્યવાન સમૃદ્ધિઓ બહાર નીકળવા લાગી. સાફા, જામા, અચકનો, કફનીઓ, બંધ ગળાના કોટ, સાળુઓ, પટોળાઓ ચમકવા લાગ્યાં, ઇસ્ત્રીઓ ફરવા લાગી. પત્રોય લખાઈ ગયા - જે લોકો બહારગામ હતા એમને.

એ સવારથી અવસર જેવું થઈ ગયું હતું.

જગમોહનકાકાએ ગોઠવ્યા એ મુજબ સહુ ગોઠવાઈ ગયા. વચ્ચે દાદા-દાદીનું સ્થાન હતું. બે સીસમની કોતરણીવાળી ખુરસીઓ. ચાર આડી હારો, વયના ઊતરતા ક્રમમાં. એક તરફ પુરુષ વર્ગ ને બીજી તરફ સ્ત્રીવૃંદ.

પાછળ મકાનની જાળીઓ આવેલી હતી. કાકાએ બધું જ અગાઉથી વિચારી રાખ્યું હતું. સૌની સામે ત્રિપદી ઘોડી પર કાળા કપડાથી ઢંકાયેલ કૅમેરો હતો.

બે-ચાર ક્ષણો જ હતી, ફોટો ક્લિક થવામાં. સહુના શ્વાસ થંભી ગયા હતા.

જગમોહનકાકા છેલ્લી સૂચના આપી રહ્યા હતા. બસ, ત્યારે જ એ લોકો - પ્રિયવદનકાકા અને નીરજા પાછલી જાળીમાંથી પ્રવેશ્યાં હતાં. ખલેલ તો પડે જ ને પડી.

કોણ આ ? - પ્રશ્ન તગતગતો હતો, સહુના ચહેરાઓ પર - થોડા કુતૂહલ ને થોડી ચીડ સાથે.

દાદા બોલ્યા હતા : ‘કોણ પ્રિયવદન ? સમયસર જ આવ્યો છે. તું તો આ પરિવારનો જ ગણાય. ગોઠવાવ આ ટોળામાં !’

ને પેલી છોકરી, સ્ત્રીવૃંદની હારો ચાતરીને સીધી મારી પાસે જ, બેય પગ આડા પાથરીને ગોઠવાઈ. સમય જ ક્યાં હતો, નવી ગોઠવણીનો.

જગમોહનકાકાએ કહ્યું, ‘અલ્યાવ, દબાવ બેય તરફથી’ ને તે સાવ ઢળી ગઈ હતી, મારા તરફ. એ પાંચ-સાત પળોમાં મોગરાની સૅન્ટ જાણે મારી જ થઈ ગઈ હતી.

નામ, વય, સંબંધ જેવી માહિતીઓ તો મને પાછળથી પૂજાભાભીએ આપી હતી; કહ્યું હતું, ‘નીરજ, તું તો ભારે ખેપાની. પેલીને બથાવીને બેસી ગયો ! પેલી નીરજાને !’

પછી આંખો નચાવતા ઊમેર્યું હતું, ‘જોડી જામે છે બેયની. પરણીને ઘરમાં આણવાનો તો વિચાર નથી ને ? એય પંદરની જ હશે લગભગ !’

મને યાદ છે કે અમારા પરિવારમાં આ બાબતને લઈને ખાસ્સી ચર્ચા થઈ હતી.

કોઈએ નીરજાને મૂરખ ગણી હતી, તો કોઈએ તેની પારસણ માને અસંસ્કારી ગણાવી હતી.

દાદીએ તો પ્રિયવદનકાકાને જ દોષી ઠેરવ્યાં હતાં. પરધર્મી સ્ત્રીને પરણવાની જ ભૂલ કરી હતી. પછી કેવા સંસ્કાર આપે દીકરીને !

પિતરાઈ ભાઈ નરેને તો કહ્યું, ‘નીરજ, તું નસીબદાર તો ખરો. નહીં તો અમે પણ તારી હારમાં બેઠાં હતાં !’

એ રાતે મને એ છોકરીના જ વિચારો આવ્યા હતા, મોગરાની મઘમઘતી સુગંધે મને ઘેરી લીધો હતો.

પ્રથમ સ્પર્શ હતો વિજાતીય દેહનો. ને શું કહ્યું હતું પૂજાભાભીએ ? રોજ રોજ નવી નવી અનુભૂતિઓ થતી હતી.

ફોટો તૈયાર થઈને આવે એ પહેલાં તો તેનો પત્ર આવ્યો હતો, ગુલાબી કવરમાં. બધી ટપાલો પ્રથમ ગજાનનકાકાના હાથમાં આવતી. સ્કૂલેથી ઘરે આવ્યો ને પૂજાભાભીએ ખબર આપી હતી, ‘પેલીનો પ્રેમપત્ર પણ આવી ગયો, નીરજ !’

તે હસતા હતા પરંતુ ઘરમાં તોફાન મચ્યું હતું. એ પારસણની છોકરીની આ હિંમત ? પત્ર લખ્યો, નીરજને ?

ગજાનનકાકા તો ભારે ગુસ્સાવાળા કહે - ‘સંબંધ પૂરો, હવે નથી જોઈતો એ અભદ્ર લોકોનો ઘરોબો !’

એ પત્ર તો મારા હાથમાં ક્યારેય નહોતો આવ્યો. એ દિશા જ બંધ થઈ ગઈ - સમૂળગી.

મેં મરણિયા પ્રયાસો કર્યા હતા, પ્રિયવદનકાકાનું સરનામું શોધવા. ડાયરીઓ, નોટબુકો - બધું જ છાનું છાનું ફેંકી વળ્યો હતો. મારે તેને શું લખવું હતું એનો કશો ખ્યાલ જ નહોતો, એ સમયે. ને કાયમના મદદગાર પૂજાભાભી પણ ક્યાં હતાં ?

પાંચ વર્ષ પછી મળ્યાં ત્યારે તેમણે મને સામેથી કહ્યું, ‘નીરજ, કશું એવું ન હતું એ પત્રમાં. માત્ર ઉત્કંઠા હતી, તે ફોટામાં કેવી આવી એની ! હ, સંબોધન હતું - પ્રિય નીરજનું. ફરી ઝણઝણ્યો હતો નીરજાનો સ્પર્શ. થયું - કેવું થયું હતું ? ક્યાં હશે તે ?

એક વર્ષ પછી પૂજાભાભીએ જ કહ્યું હતું - ‘નીરજભાઈ, સારી છે સુલભા, મારા કરતાંય સારી છે. મારી નાની બેન છે એટલે નથી કે’તી તમે જ મળી લેજો. થોડાં દિવસો અહીં જ રહેવાની છે. મેં જ બોલાવી છે.’

ને ત્રીજે વરસે તે મારી પત્ની બની ગઈ હતી. નોકરીના સ્થળે નાનું શું ઘર હતું અમારું. સાચેજ તે સારી હતી. દિવસે સ્થિર, ઠાવકી અને રાતે રમતિયાળ, ચંચળ અને...!

એવું નહોતું કે નીરજા યાદ નહોતી આવતી; પણ તરત જ ભૂંસાઈ જતી. સુલભાનું સાંનિધ્ય હતું ને ? અને સમય જતાં, તે અતીતપટનું એક ટપકું બનીને રહી ગઈ હતી.

આજે એ ટપકામાંથી નીરજા સજીવન થઈ હતી. પ્રિયવદનકાકા મળ્યા ને તે આળસ મરડીને બેઠી થઈ હતી. તે એટલે એ સમયની નીરજા, પંદરની નીરજા. ‘ઘણાં વરસે મળ્યો ?’ તેમણે ભીનાં સ્વરે કહ્યું. પછી જરા કઠોર થયા ‘બધો ગજાનનો જ દોષ. તેણે સંબંધ જ કાપી નાંખ્યો. દાદાના મૃત્યુ વખતે પણ ના જણાવ્યું. નીરજ, અમે બે, એક મગની ફાડ. બે વર્ષ તો તમારે ત્યાં રહીને ભણ્યો. કેટલી લાગણી દાદીની, તારા બાપાની ? બધું જ ખતમ થઈ ગયું.’

હું તેમની આંખોને તાકતો રહ્યો.

પછી કહે, ‘ચાલ, પાછળ જ ઘર છે. સારું થયું - તું મળી ગયો. નીરજાને આવતા કલાક તો થશે જ. મારી દવા, શાકભાજી લાવવાના હોય ને ! બે ટ્યૂશનો કરે છે. હું તો ના પાડું છું, પણ માને તો ને ? થોડી જીદ્દી થઈ ગઈ છે.’

બેચાર વાક્યોને ઘણું ઘણું ખુલ્લું થયું. મને મારા પ્રશ્નોના જવાબો મળી ગયા. શું નહીં પરણી હોય ? કાકાની સ્થિતિ કથળી હશે ? નહીં તો મોટા આલીશાન ઘરમાં રહેતાં હતાં ? તેમની જાહોજલાલીની વાતો અજાણી નહોતી.

ખિન્ન થઈ જવાયું. નવા નકોર ડ્રેસમાં બિલકુલ પરી જેવી લાગતી નીરજા હવે કેવી લાગતી હશે ? કદાચ એ કારણે જ નહીં પરણી હોય. હું દોરાયો, કાકા પાછળ; તેમની વાતોનો જ તંતુ પકડીને આગળ પગલું દબાવતો ચાલ્યો.

તરત પ્રિયવદનકાકાએ વાત આરંભી હતી.

‘નીરજ... કેવું કેવું બની જાય છે, માણસની જિંદગીમાં ?’

જીર્ણ ઝાંપાથી બે દાદરના પંદર દુ ત્રીસ પગથિયાં અને ત્યાંથી લાંબી પરસાળ વીંધીને તેમના ઘરના બારણે પહોંચવું - એટલા સમયમાં કહેવા જોગ વાતો ત્રુટક ત્રુટક થઈ હતી.

‘પત્નીના મૃત્યુ પછી જ બધું બન્યું. કશું જ નહોતું. માત્ર બે દિવસનો તાવ. માંડ છ મહિના થયા એ વાતને. લખ્યું’તું ને ગજાનને પણ...’

ત્યાં અટકી જવાયું.

‘ધ્યાન રાખજે આ પગથિયે. કોણ ધ્યાન રાખે છે મરામતનું ? નીરજ, એ તાવના લવારામાં સાંભળ્યું મેં. પાસે જ બેઠો હતો. નીરજા રસોઈ કરતી હતી ત્યારે. મને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે નીરજાનુંમન તારામાં હતું, તે તને...’

તે અટક્યા હતા ને હું ચોંક્યો હતો.

‘હેં...’ થઈ ગયું મારાથી. શું નીરજા મને...? સુખદ અનુભૂતિ હતી; અને વિસ્મયજનક પણ. મન છેક ગ્રુપ ફોટા વેળાના અવસર લગી પહોંચી ગયું. શું કહ્યું હતું પૂજાભાભીએ ? કેવી ગોઠવાઈ ગઈ હતી બાજુમાં - લગોલગ ? સુલભા પણ યાદ આવી ગઈ સાથોસાથ.

ગમ્યું હતું એ નવીન સામીપ્ય. કાગળ પણ હતો ને ? અને ક્રમશઃ બધું શમી ગયું એ - એક જુવાળ માફક. મન સમથળ થઈ ગયું હતું, આવું તો બને એમ ગણીને.

‘નીરજ... પછી નસરીને ચિર વિદાય લીધી.’ કાકા જરા અટક્યા, શ્વાસ લેવા. ચાલ પણ શિથિલ બની હતી ને મારે ખભે હાથ મૂક્યો હતો. બે-ચાર પળનું મૌન, ને પછી બોલ્યા - ‘ક્યાં આ વાત ચર્ચી શક્યો છું તેની સાથે ? તે તો એવી રીતે જીવી રહી છે કે નથી સુખમાં કે નથી દુઃખમાં. નહીં તો નીરજ, આ કાકો તો હજીયે તેને રંગેચંગે પરણાવી શકે તેમ છે. ખાલી નથી થઈ ગયો સાવ. પણ તે ક્યાં હા ભણે ? તેનું મન તારામાં જ ચોંટ્યું હતું ને ? અરે, વહેલા જાણ કરી હોત તો ખોળો પાથરત ગજાનનને. તારા બાપુ તો ભલા. હું જાણું ને ? નીરજ... બધું પતી ગયું - એક સામટું.’

પરસાળને છેડે પહોંચ્યા ને તે જરા મલક્યા હતા. દુઃખો પછી સુખોની યાદી વંચાઈ હતી.

‘નીરજ, આપણે છેડે છીએ ને, એટલે આટલી જગ્યા મળી વધારાની. એય બે ચીજ પડી રહે. ખુરશી નાખીને સવાર-સાંજ બેસાય, વંચાય.’

આવી સગવડતા તો તેમને જ હતી. સુખ જ ગણાયને ?

તાળું ખૂલ્યું, બારણું અંદર ધકેલાયું. જમણો હાથ બત્તીની ચાંપ પર ગયો ને આગલી રૂમ ઝળાંહળાં થઈગઈ.

સામેની ભીંત પર નસરીનનો ફોટો હતો. રૂપાળી, નમણી હતી. નીરજામાં પણ એ આવે જ ને ! એક નાનો સોફાસેટ, બે ખુરશી, એક ટિપોય ખૂણામાં, ને ઉપર ફૂલદાની.

એ લંબચોરસ રૂમમાં આટલો વૈભવ હતો.

બીજો પાછળનો ખંડ પણ હતો.

કાકાએ કહ્યું, ‘બેસ... તે હમણાં આવશે.’

ને હું બેસી ગયો, સોફા પર. કાકાએ કોટ ઉતારીને ખીંટીએ ટાંગ્યો. પછી અંદરના બારણેથી ભીતર ગયા.

વિચાર આવ્યો, રહી શકતાં હશે આ નવી અભાવવાળી જિંદગીમાં ? નસરીન વિના ? નીરજાએ મને જાણ કરી હોત તો તેની લગાણીની ? એક પત્ર તો લખ્યો હતો ને, એ સમયે ? શું ત્યારે જ લાગણી જન્મી હશે ? હા, તેને પણ આકર્ષણ તો થયું જ હતું ને ? તેને એ પત્ર મળ્યો હોત તો તે જરૂર પત્ર લખી શક્યો હોત; ને પછી તેણે પણ...! પણ ગજાનનકાકા, દાદી, બા-બાપુ માન્યાં હોત ? ને આ સુલભા પણ કેટલી લાગણી દાખવતી હતી ! કેટલું સુખ આપતી હતી ! ભાગ્યમાં સુખદુઃખ લખાયેલા જ હોય, એને કોણ મિથ્યા કરી શકશે ?

શું કહેશે નીરજા ? રડી પડશે, શ્રાપ દેશે ?

‘ઠીક છે ને, ઘર ? પહેલાં મારો માણસ જ રહેતો હતો. વફાદારી પણ હોય છે ને ? સાવ સસ્તામાં આપીને ચાલ્યો ગયો, બૅંગ્લોર - દીકરા સાથે.’

સાવ સહજ બનીને કહેતા હતા. દુઃખો વચ્ચેય થોડાં સુખો શોધી રહ્યા હતા.

ત્યાં જ તે આવી હતી. સહજ રીતે પ્રવેશી હતી. અપેક્ષાય ક્યાંથી હોય મારી હાજરીની ? જરા ચોંકી હતી ને પછી પ્રયત્નપૂર્વક હસી હતી, મલકાટ જેવું. હું પણ મલક્યો હતો, થડકાટ વચ્ચે. ઓહ ! એ જ નીરજા હતીને, સમય પછીની ? રૂપ પર ઝાંખાશ હતી પરંતુ નમણાશ તો એવી જ હતી. થોડી ઊંચી થઈ હતી. આંખોમાં રમતિયાળપણાંની જગ્યાએ સ્થિર ભાવ હતો.

‘કેટલાં વરસે મળ્યા ?’ તે બોલી હતી.

‘એક આખો યુગ વીતી ગયો !’ મેં કહી નાખ્યું. કદાચ બોલાઈ ગયું, અવશ ભાવથી.

ત્યાં પ્રિયવદનકાકા આવીને ગોઠવાઈ ગયા, મારી બાજુમાં. કશું જ બોલ્યા વિના ચૂપચાપ બેસી ગયા, આંખો મીંચી - ધ્યાનમુદ્રામાં.

દરમિયાન, તે ભીતર ગઈ. કાકાએ મને ધીમેથી કહ્યું, ‘સાંત્વના આપજે તેને. તેને જાણ છે કે તું પરણ્યો છે, પૂજાની બેનને.’

ત્યાં જ તેણે બારણામાં આવીને કહ્યું, ‘આવો ને ?’

અંદર એક ફોલ્ડિંગ પલંગ પાથરેલો હતો ને બીજો વાળીને ભીંતે અડકાડ્યો હતો. ભીંતકબાટ હતો, વળગણી હતી, મોરી હતી એક ખૂણામાં. એક બીજું બારણું હતું. ત્યાં કદાચ રસોડું જ હશે. બારી હતી જેમાંથી એક ઊંચું વૃક્ષ ઝોલા ખાતું નજરે પડતું હતું. પવન હતો ને ?

તે, એક ગુલાબી રંગનાં વસ્ત્રમાં કશુંક વીંટાળીને આવી હતી. મને જરા કુતૂહલ તો થયું કે શું હશે; પણ બીજી પળે મને યાદ આવી ગયું કે મારે એક સ્પષ્ટતા કરવાની હતી, નીરજા પાસે. તેણે લખેલાં પત્રની સ્તો !

મેં ધીમેથી કહ્યું, ‘નીરજા, તારો પેલો પત્ર તો મને મળ્યો જ નહોતો !’

ને એ પછી મેં બધી જ વાતો કહી હતી, પત્રની અવદશાથી માંડીને મારી અવદસા સુધીની. સરનામું મેળવવાના ગંભીર પ્રયાસોની પણ વાત માંડી હતી.

તે સાંભળી રહી, કાન માંડીને.

પછી મેં હળવાશથી કહ્યું, ‘નીરજા ! ક્યાં ભાન હતું આપણને કે આ જે લાગણી જન્મી હતી એ વિશિષ્ટ હતી ?’

તેણે સાંભળી લીધું. જરા મલકી પણ ખરી. પછી ગઠરી છોડી હતી, ઋજુતાથી. શું હતું એમાં ? ગુલાબી પરબીડિયાઓ ! સરનામું નીરજનું હતું પણ પોસ્ટ ક્યાં થયા હતાં ? અરે, ખુલ્લા જ હતાં !

હસીને કહે, ‘સરસ કૉફી બનાવી લાવું. ત્યાં સુધી ઇચ્છા થાય તો વાંચી જાઓ.’

તરત સરકી ગઈ રસોઈ કક્ષમાં. સાણસી, તપેલી, અભેરાઈ પરની ચા-કૉફી, ખાંડની બરણીઓ - એ બધાં જ અવાજો ક્રમશઃ સંભળાયા હતા. તેની હલનચલન, કંગનના ખનકાટ પણ અછાના રહ્યાં નહોતાં.

એ વચ્ચે જ પત્રો વંચાયા. પ્રેમપત્રો જ હતા, સરસ મરોડદાર અક્ષરોમાં. પ્રેમના પ્રાગટ્યના ભાવો, રીસ, રીઝ, અપેક્ષા... બધું જ લખાયું હતું. ભાવો ક્રમશઃ સ્પષ્ટ થતાં જતાં હતાં. એમાં ગ્રુપ ફોટાની વાત તો અચૂક આવે, કોઈને કોઈ સ્વરૂપે. સ્વપ્નો કંડારાય, વિફલતા પણ ગવાઈ. પ્રથમ પત્ર જેવા હાલ એ પત્રોના થશે એ દહેશતે પોસ્ટ ના થયા. દરેક વયની નીરજાએ મને પત્રો લખ્યા હતા. મીણબત્તી એક છેડે બળતી હતી ને બીજો છેડો સુપ્ત હતો. કેવી મોટી કરુણિકા ? મારી આંખો ભીની થઈ ગઈ. અપરાધી બની ગયો નીરજાનો.

ત્યાં જ તે આવી. કૉફીના બે મગ મૂક્યાં. હસીને પત્રો ભેગાં કર્યાં, ગઠરીમાં બાંધ્યાં.

પછી કહે - ‘નીરજ, પાડોશ સારો છે. અડધી રાતેય જરૂર પડે તો બારણાં ખખડાવી શકાય. પવન પણ કેવો આહ્લાદક કે બહાર પરસાળમાં ખુરસી નાખીને બેસીએ તો કેટલી મજા પડે ! નીરજ, ક્યારેક કુસુમ અને રજની આવી જાય તો... અંતકડી પણ કેવી જામે !’

મને લાગ્યું કે તે ગ્રુપ ફોટામાંથી બહાર આવી રહી હતી.