Gharbayelo Chitkaar - 1 books and stories free download online pdf in Gujarati

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૧

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

ભાગ – 1

અમાસની અંધારી રાતની છવાયેલી ઘનઘોર શાંતિમાં એક ઘરના ઓરડાના ઝાંખા પ્રકાશમાં ધુમ્રસેરની છોળો ઉડી રહી હતી. આખા ઓરડામાં માત્ર ઇશાન અને અંશુલ બે જ હતા જેઓ દારુની મહેફિલ જમાવીને બેઠા હતા. સાથે સિગરેટના ધુમાડાના ગોટા કાઢી રહ્યા હતા જે સીધા જ ઉપર જઈને હવામાં ઓજલ થઇ રહ્યા હતા. ઇશાન આજે વધારે જ ટેન્શનમાં લાગી રહ્યો હતો જેના કારણે આજે તે દારૂની એ ત્રીજી બોટલ ગટગટાવી ચુક્યો હતો. અંશુલને આ વાત ચોક્કસ અજુગતી લાગી. કારણ કે, ફક્ત અમુક તહેવારોના દિવસે અથવા તો ખુશીના માહોલમાં જ દારુ પીવા ટેવાયેલા ઈશાને આજે કશા પણ તહેવાર કે ચોક્કસ દિવસ વગર અચાનક જ અંશુલને ફોન કરીને કહી દીધું હતું કે આજે વ્યવસ્થા કરી રાખજે, આજે તે પીવાના મુડમાં છે.

પીવાના મુડમાં હતો કે પછી હૃદયમાં ઉછળેલી તરડાયેલી લાગણીઓને મલમ લગાડવો જરૂરી હતો એટલે પીવું હતું તે આસાનીથી ઓળખી શકાતું હતું. અંશુલ પણ આજે ચુપચાપ બેઠો હતો અને ઇશાન જેટલો પણ દારુ પીવે એટલો પીવા દઈ રહ્યો હતો. તે તો માત્ર ગ્લાસમાં બતાવવા માટે જ સીપ લઇ રહ્યો હતો પરંતુ તે સંપૂર્ણ ભાનમાં હતો કારણ કે, ઇશાનનું વર્તન તેને ભાનમાં રહેવા માટે મજબુર કરી રહ્યું હતું. ઇશાન આજે ક્યાંક ખોવાઈ જ ગયો હતો. કારણ શું હતું ? કદાચ ઇશાનને બોલવું તો હતું પરંતુ અંશુલે હજુ કશું પૂછ્યું નહોતું.

આખરે અંશુલે ધીમેથી રહીને ઇશાનને પૂછ્યું, 'શું થયું ભાઈ ? તું ઠીક તો છે ને ? આજે કેમ આટલો સીરીયસ છે ?'

ઇશાન પુરા નશામાં હતો પરંતુ અંશુલના આ પુછાયેલા પ્રશ્નએ તેને અડધો ભાનમાં તો લાવી દીધો હતો અને એટલે જ તે લથડીયા ખાતા અવાજે બોલ્યો, 'સીરીયસ થવા જેવી વાત બની છે દોસ્ત ! હવે રોજ કેટલુક સહન કરવું ? શું કરું કશું જ સમજાતું નથી ? ક્યા જવું ? કોની પાસે જવું ? કોના પર પસંદગી ઉતારું ?'

અંશુલ ઇશાનની પાસે જઈને બેસી ગયો અને ખભે હાથ રાખીને પૂછ્યું, 'ભાઈ ચોખવટથી વાત કરે તો સમજાયને, તું આમને આમ બોલીશ તો હું શું સમજવાનો ?'

ઇશાન મર્માળ હાસ્ય કરતા બોલ્યો, 'એ જ તો જીવનની મોટી તકલીફ છે અંશુ. મને પણ કશું જ સમજાતું નથી જે બની રહ્યું છે. હું પણ તારી જેમ ફક્ત પ્રેક્ષક બનીને જોઈ અને સાંભળી રહ્યો છું. ઘડીક લાગણીઓ આમ દોડે છે ને ઘડીક તેમ દોડે છે.' અને જોરજોરથી હસવા લાગ્યો.

અંશુલ પરિસ્થિતિની ગંભીરતા વિષે હવે થોડોક તો અંદાજો આવી જ ગયો હતો એટલે તેણે સીધું જ પૂછી નાખ્યું, 'ઘટા સાથે ફરીવાર કશી બોલાચાલી થઇ ?'

"ઘટા" નામ સાંભળતા જ જાણે ઇશાનનો બધો જ નશો ફટકે ઉતરી ગયો હોય એમ સીરીયસ થઈને બેસી ગયો. જાણે આંખોના ઇશારાથી જ જવાબ આપતો હોય એ રીતે હકારમાં ઈશારો કર્યો.

અંશુલ કંટાળેલા અવાજે, "ઓહ્હ ગોડ, નોટ અગેઇન."

===***===***===

"ઇશાન" આમ તો ખુબ જ સભ્ય, સંસ્કારી અને શિસ્તવાળો છોકરો હતો. એક કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરના હોદ્દા પર હતો. ૨૭ વર્ષની નાની ઉમરે કંપનીનો આખો કારભાર પોતાના ખભે લઇ લીધો હતો. કંપનીના મુખ્ય માલિક એવા "પ્રબોધ મહેતા" એ જ ઇશાનને ભણાવ્યો ગણાવ્યો અને પોતાના પગ પર ઉભો કર્યો હતો. પ્રબોધ મહેતાના સંઘર્ષકાળમાં તેના ગામના જ એક ખેડૂતનો દીકરો કે જે નાની ઉમરે અનાથ થઇ ગયો હતો તેને પોતાની જોડે જ લઇ આવ્યા હતા અને પોતાના ઘરે નોકર તરીકે રાખીને તેને સાચવી લેશે એવું વિચાર્યું હતું પરંતુ સમય જતા ઇશાનનું બુક પ્રત્યેનું વલણ જોઇને પ્રબોધ મહેતાએ તેને એક સારી સ્કુલમાં એડમીશન કરાવી દીધું હતું અને ભણવા પ્રત્યેની તેની ધગશ જોઇને નોકરની બદલે પોતાના દીકરાની જેમ તેને મોટો કરવાની શરૂઆત કરી દીધી હતી. ભણતર પૂરું કર્યા પછી સીધો જ પ્રબોધ મહેતાની કંપનીમાં કારકુન તરીકે જોડાયો હતો પરંતુ તેની કાર્યદક્ષતા અને ધંધાકીય સુજ્બુજને લીધે તેને ૨ જ વર્ષમાં કંપનીના ડાયરેક્ટરના હોદ્દા પર આવી ગયો હતો.

અંશુલ તેના સ્કુલ સમયનો દોસ્ત હતો જે નાનપણથી જ આ શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણતો અને જોબ શોધીને અહિયાં જ પોતાના માટે એક અલગ રૂમ રાખીને રહેતો હતો. ઇશાન અને અંશુલની આ પાક્કી દોસ્તીના કારણે ઇશાન કે અંશુલ બંનેમાંથી કોઈને પણ ક્યારેય એકલતાપણું મહેસુસ નાં થતું. એકબીજાની માટે પોતાનો જીવ લગાવી દેતા આ દોસ્તો હમેશા મોજમાં જ રહેતા. અંશુલના ઘરે જ ઇશાન રહેતો કારણ કે નાનપણથી પ્રબોધ મહેતાએ સાચવ્યો હતો અને મોટો કર્યો હતો પરંતુ હવે તો તે પોતાના પગ પર ઉભો રહી શકતો હતો એટલે હવે તેણે વધારે એહસાન લેવાને બદલે પોતાની જાતે જ જીવતા શીખી ચુક્યો હતો. ઘણીવાર બંને દારુની પાર્ટી કરતા, સિગરેટ પિતા પરંતુ બધા વ્યસનની એક લીમીટ હતી. તે તેમની આદતો નહોતી પરંતુ માત્ર ક્યારેક મનોરંજન માટેનું સાધન હતું. પરંતુ આજે તો એ શોખ નહી પરંતુ શોકના કારણે પી રહ્યો હતો. તેના કારણે જ અંશુલ પણ આજે થોડો ટેન્શનમાં હતો. કારણ કે, ઇશાનને નાં પાડવા છતાય તે બીજી બે બોટલ પી ચુક્યો હતો.

===***===***===

ઘટા, મેં તને કેટલીવાર સમજાવી છે કે તારે ગમે તે સમયે ફોન નાં કરવો, તને સમજાતું નથી ? આ ચોથી વાર તને કહ્યું મેં. હું અહિયાં મારી ઓફીસમાં ફ્રી નથી બેઠો હોતો. કામના પ્રેશરની વચ્ચે બધું સંભાળવું કે તને વારાઘડીયે જવાબ દેતો બેસું.

સામે છેડેથી કશો અવાજ તો નાં આવ્યો પરંતુ થોડીવાર પછીની શાંતિ ભંગ કરતો એક ઘાંટો પડ્યો કે, 'મને કોઈ શોખ નથી તને હેરાન કરવાનો કે તને વાર ઘડીએ ફોન કરવાનો, પણ તારે જે વસ્તુઓ મંગાવાની હતી એ આવી ગઈ છે. જોઈએ તો લઇ જાજે નહિતર ફેંકી દઈશ કચરામાં.' અને ગુસ્સામાં ફોન મુકાઈ ગયો.

છેલ્લા ૬ મહિનામાં ઇશાન અને ઘટા વચ્ચે એટલું અંતર વધી ગયું હતું કે નાની-નાની વાતમાં પણ બંને ઝઘડાઓ કરવા લાગતા, કોઈ પણ ટોપિક પર વાર ઘડીએ એકબીજાને ટોન્ટ માર્યા કરતા. એકબીજાને નીચું દેખાડવાનું સહેજ પણ નહિ ચુકતા. તેમના સબંધ પર જાણે કોઈની નજર લાગી ગઈ હતી.

બંનેની સગાઇ થયાને ૧ વર્ષ જેવું થવા આવ્યું હતું. પરંતુ બંને વચ્ચેનો મનમેળ હજુ સુધી નહોતો થયો. એનું કારણ પણ એમ હતું કે આ સગાઇ ઈશાને પ્રબોધ મહેતાના કહેવાથી કરી હતી. તેઓના એક મિત્ર કે જેઓ ગામડામાં રહેતા હતા તેમણે ઇશાન માટે વાત કરી હતી અને પ્રબોધભાઈને એમની દીકરી પસંદ આવી હતી એટલે એણે ઇશાન માટે હા પાડી દીધી હતી પરંતુ એકવાર પણ ઇશાનને પૂછ્યું નહોતું કે તેને આ સગાઇ મંજુર છે કે નહિ. જ્યારે બીજી તરફ ગામડાની એ છોકરી ઘટા પણ એકદમ માન મર્યાદા રાખવાવાળી અને સમજુ છોકરી હતી. પોતાના વડીલોએ જ્યાં નક્કી કર્યું છે એ જ તેનું નસીબ છે એમ માનીને હવે તો તે ઇશાન પર લાગણીઓનો ધોધ વહાવતી થઇ ગઈ હતી પરંતુ ઇશાન તો જાણે ફક્ત પોતાની ફરજ સમજીને તેની સાથે વાતો કરતો હોય એવી રીતે વર્તન કરતો. ઘટાના એ પ્રેમરૂપી ધોધમાં ઇશાન પણ ધીમે ધીમે વહી રહ્યો હતો. હવે તેને ઘટાની સાદગી અને સમજણ પર માન થઇ આવ્યું હતું. ધીમે ધીમે તે ઘટા તરફ ઢળી રહ્યો હતો. પરંતુ અચાનક ઘટાના આવા વર્તનથી ઇશાન તેને સમજવાને બદલે તેના પર રોષે ભરાવા લાગ્યો હતો. તો પણ ઘટા એમ સમજીને જવા દેતી કે, કામના ટેન્શનમાં તે કશું બોલતા નહિ હોય. પરંતુ વાત હકીકતે કંઈક બીજી જ હતી.

શરૂઆતમાં તો ઘટા, ઇશાનને માન આપીને "તમે" કહીને જ બોલાવતી હતી પરંતુ છેલ્લા ૧૫ દિવસથી જાણે તેનામાં કોઈ ગજબનું પરિવર્તન આવ્યું હતું. મોઢામાં જાણે જીભની જગ્યાએ કાતર આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. "તમે"ની જગ્યાએ "તું" શબ્દ આવી ગયો હતો. પ્રેમથી વાત કરવાની વાત તો દુર રહી પરંતુ એકબીજા સાથે સામાન્ય વાત કરવા માટે પણ બંને રાજી નહોતા. આવાને આવા ઝઘડામાં તો ઈશાને થોડા દિવસ પહેલા ઘટા પર હાથ પણ ઉપાડી લીધો હતો. પરંતુ પોતાની સહનશક્તિના કારણે ઘટા ચુપચાપ એ સહન કરી ગઈ હતી. પણ તેના હૃદયમાં ઇશાન ઘણો જ નીચો ઉતરી ગયો હતો. ઇશાન પ્રત્યે ધીમું ઝેર જાણે ચડી ગયું હતું.

એકદમ ભોળી અને શાંત છોકરીમાં અચાનક આવેલું આવું પરિવર્તન ઇશાનને પણ અજુગતું લાગી રહ્યું હતું કારણ કે તેણે આજ સુધી ઘટાને આવા રૂપમાં કોઈ દિવસ નિહાળી જ નહોતી. વાત વાતમાં તેની જીભ પર જાણે મરચા જેવી તીખાશ આવતી જતી હતી. તે પોતે કઈ વિચારી રહી હતી કે પછી કોઈની કાન ભંભેરણીથી આવી થઇ ગઈ હતી ? રામ જાણે !

સાંજ પડતા જ ઇશાન સીધો જ ઘટાનાં ઘરે પહોચ્યો હતો. ઘરમાં આજે ઘટા સિવાય કોઈ હતું નહિ. ઘટા બહાર ફળિયામાં આરામખુરશી પર બેઠી બેઠી કોઈ લવસ્ટોરી વાંચી રહી હતી. ઇશાન ઘરમાં આવ્યો હતો પરંતુ તેણે સાવ અનદેખ્યું કરી નાખ્યું હોય એમ ચુપચાપ વાંચતી રહી. થોડીવારે ઇશાન ઘરમાંથી તેની વસ્તુઓ લઈને બહાર આવ્યો. ઘટા પાસે જઈને ઉભો રહ્યો પરંતુ ઘટાએ જાણે કશું જોયું જ નાં હોય એમ બૂકમાં મોઢું રાખીને વાંચતી રહી. વાંચી રહી હતી કે વાંચવાનો ડોળ કરી રહી હતી ? ઇશાન માટે તો આ ડોળ જ હતો. પરંતુ ઘટા માટે તો આ હૃદય પર પથ્થર રાખીને બની રહેલી ઘટના હતી કે જેમાં તે ધરવા છતાય કશું કરી શકતી નહોતી.

ઇશાન થોડા મ્હેણાં મારવાના ટોન્ટથી બોલ્યો, "આટલી બધી પ્રેમની ચોપડીઓ વાંચે છે તો ક્યારેક એ પ્રેમને હકીકતની જિંદગીમાં લાવતા શીખ, કદાચ આ કડવાશ ભરેલા સબંધમાં થોડી મીઠાશ આવી જાય."

ઘટા જાણે અંદરથી સમસમી ગઈ હતી પરંતુ આંખોમાં ક્રોધ લાવીને સીધો જ ઇશાનને જવાબ આપ્યો, "જે સબંધમાં કડવાશ આવી ગઈ હોય ને એ સબંધને હળવેથી કાપી નાખવો જોઈએ ઇશાન, નહિતર એ કડવાશ બંને વ્યક્તિઓના જીવનમાં ભળતા પણ વાર નથી લાગતી."

આવો જવાબ સાંભળીને ઇશાનના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હતી. પરંતુ હવે તો વાત પોતાના પૌરુષી અહમ પર અટકી હતી એટલે નરમ થવાને બદલે તેણે પણ જાણે કોઈ ધારદાર તલવારથી યુદ્ધ કરવા આવ્યો હોય એમ જોરથી શબ્દોરૂપી તલવારનો ઘા કર્યો, "આમ તો રોજેરોજની આટલી માથાકૂટ અને મગજમારીથી હું પણ કંટાળી જ ચુક્યો છું. એક કામ કરને પૂરું કર આ બધું નાટક. તું તારા રસ્તે અને હું મારા રસ્તે."

ઘટા તો હવે જાણે સાંભળીને હવે જાણે પથ્થર થઇ ગઈ હતી. કશો જ જવાબ આપ્યા વિના જ તે બુકમાં માથું ખોસીને બેસી ગઈ. કારણ કે, ઇશાન પણ સામે આવો જવાબ આપી દેશે કે સબંધ તોડવાની વાત કરી બેસશે એવી આશા નહોતી રાખી. રડવું હતું પરંતુ અત્યારે રડી શકે તેમ નહોતી. ઘવાયેલું એ હૃદય જાણે આજે ચિત્કાર કરી રહ્યું હતું પરંતુ આજે એ ચિત્કારને સાંભળવા માટે કોઈ હાજર નહોતું.

'શું કરવું છે ઘટા ? જવાબ આપ મને' ,ઇશાન ચિલ્લાઈને બોલી રહ્યો હતો.

ઘટા કશું પણ બોલ્યા વગર ચુપ થઇ ગઈ હતી.

ઇશાન ત્યાંથી જતો રહ્યો અને ઘટા તેની પીઠ તાકતી અનિમેષ નજરે નિહાળતી રહી અને આવનારા એ ભયંકર પરિણામને જોઈ રહી હતી.

"શું સાચે જ ઇશાન આ સગાઇ તોડી નાખશે ?" ,સવાલ તો ઘટાના મગજમાં દોડવા લાગ્યો હતો.