Pankhidane aa pinjaru sunu sunu lage books and stories free download online pdf in Gujarati

પંખીડાને આ પીંજરું સુનું સુનું લાગે

પંખીડાને આ પીંજરું સુનું સુનું લાગે.....!

ખુલ્લી કિતાબ જેવો રહ્યો, ને સૌને ગમે તે જ તો હું બોલતો પણ આવ્યો

પણ કદરદાની છે જ ક્યાં, હવેલી તો ગઈ હું ઝુંપડી પણ ખોતો આવ્યો

ઉમેદવારની આ હાલત તો રહેવાની જ બકા....! આમાં ફાવેલો જ ડાહ્યો ગણાય. ઉમેદવાર ભલેને કોઈપણ ક્ષેત્રનો હોય...? એ ચૂંટણીનો જ હોય એ જરૂરી નથી. ઉમેદવાર લગનનો હોય કે, નોકરીનો હોય, જો જીતા વોહી સિકંદર....! ઉમેદવારને એક ફાંકો હોય કે, ‘ મુઝસે અચ્છા કૌન હૈ....? મારામાં કમી શું છે....? ‘ પણ જ્યારે ધોબીપછાટ ખાય ત્યારે જ ખબર પડે કે, ‘ સાબુની નાલ્લી.... ગોટી માંથી ક્યારેય બાલ્દી ભરીને સફેદી નથી મળતી. જો કે, ‘ હોંશલા તો બુલંદ હી હોના ચાહિયે. ‘ ને આવા ફાંકા તો રાખવા જ પડે. તો જ ઉમેદવાર એના મુકામ સુધી પોતાની ટાંગને પહોંચાડી શકે. રમકડું જેમ ‘ પ્લે ‘ અને ‘ સ્ટોપ ‘ ના બટન ઉપર જ ચાલે, એમ કોઈપણ ઈચ્છાઓ, હાર કે જીતના મામલા ઉપર જ નભેલી હોય. આપનું શું કહેવું છે....? દે તાલ્લી.....!

ચમનીયાની એક અંતિમ ઈચ્છા હતી કે, ગામના તો ગામના, પણ એકવાર તો ‘ ડીચ ‘ બનવું જ છે. ભારત આઝાદ થયું ત્યારથી, એની આ ઈચ્છા પ્રેતની માફક વળગેલી છે. પણ એની મુરાદમાં આજે પણ ‘ ફ્રીઝ ‘ છે....! પેલા પાકીઝાના ગીતની માફક “ જો ભી ઉસે મિલે વો, સભી બે-વફા મિલે.....! “ બિચારાએ સીટ મેળવવા કરતાં ડીપોઝીટ વધારે ગુમાવી....! જેને જોઇને કુતરાઓ પણ રસ્તા બદલી નાંખતા હોય, એવાં માણસનું ચૂંટણીમાં કામ નહિ એ આપણે સમઝીયે, પણ એ કારેલાના વેલાને સમઝાવે કોણ....? એને કોણ સલાહ આપે કે, પહેલા તું તારા ઘરવાળાને સમઝાવ, કે તને જ મત આપે. નાહક મતપત્રમાં શું કામ ભીડ કરે છે ભાઈ....? પેલું ‘ NOTA ‘ નું બટન દબાવવા પડે એવી તકલીફ બીજાને શું કામ આપે છે...? તારા કપાળમાં કાંદા ફોડું....!

પણ, લોભિયા હોય ત્યાં ધૂતારાના પેટ મોટા જ હોય. કોઈએ સલાહ આપી કે, ‘ જો ચમનીયા, ચૂંટણી જીતવી જ હોય, તો એક ઉપાય છે. તું તાંત્રિકોના હવાલે જા. એની પાસે આજકાલ તાંત્રિકો એમાં પણ ફાવે છે....! એમની પાસે જીતાડવાના તમામ ઈલમ હોય. ને ભૂતને પીપળા મળી રહે, એમ એને તાંત્રિક પણ મળી ગયો. પછી તો ગરજવાનને અક્કલ હોય જ નહિ તાંત્રિકે છાતી ઠોકીને કહી દીધું કે, ‘ ચમનીયા, યાહોમ કરીને પડો. આ તાંત્રિક છે આગે...! ‘ ચૂંટણી જીતવા માટેના આ વરસે તારા પાવરફુલ યોગ છે. તમામ ગ્રહો તારી ચોગઠમાં આવીને ઘૂમરી લઇ રહ્યાં છે. બસ....તું તૂટી પડ....! આટલી પાવરફુલ સ્યોરીટી મળે પછી, ચમનીયો ગાંઠે....? ‘ લાપસી લાપસી ‘ થઇ ગયો. જાણે એના મુડદામાં પ્રાણ ના પુરાયો હોય....? સાધુ સંતોની તો માત્ર ઇન્દ્રિયો જ જાગૃત થાય. પણ ચમનીયાની તો મરવા પડેલી ઈચ્છાઓ સજીવન થઇ ગઈ. ને બંદાએ ચઢાવી દીધી ચૂંટણીની પીઠી. પછી તો જોવાનું જ શું....? રખડાટ-પછડાટ-પ્રચાર-ભાષણ-નાસ્તાપાણી અને ખાટલા બેઠક, અને મોટા મોટા હોર્ડિંગ ને બેનરમાં કરી નાંખ્યો પૈસાનો ધુમાડો....! સપોર્ટમાં તાંત્રિક પાસેથી મોટાં મોટાં માદળિયાં ખરીદ્યા. કોઈ કેડમાં. કોઈ ડોકમાં, તો કોઈ હાથના બાવડામાં બંધાયા. ને તાંત્રિકે કહ્યાં એટલા મંત્રો પણ જપી નાંખ્યા. પઅઅણ ધત્ત્ત તેરીકી....! કોઈપણ પાઘડીનો વળ છેડે નીકળે એમ, જેવું ચૂંટણીનું પરિણામ આવ્યું કે, બધું ફૂઉઉઉઉઉસ....! માદળિયાં પણ આપોઆપ છૂટી ગયાં...! અને જપેલા મંત્રો પણ પાછા ‘ રીટર્ન ‘ થયાં. માત્ર ૧ જ મતે ચમનીયો હારી ગયો....! અને તે પણ એની ઘરવાળીને લીધે....! કારણ એની ઘરવાળી સાથે ચૂંટણીના આગલા જ દિવસે એનો ઝઘડો થયેલો અને તે મત આપ્યા વગર પિયર ચાલી ગયેલી. ચમનીયાની હાલત તો એવી થઇ ગઈ કે, “ સબ કુછ લુંટાકે હોશમે આયા તો ક્યા કિયા.....! “ તારી ભલી થાય તારી ચમનીયા....!

અત્યાર સુધી દુનિયામાં દમ નથી, એવું માનતો હતો. એ યોદ્ધો આજે પોતાનાથી પાયમાલ થઇ ગયો. ચમનીયાને ખરેખર સંસાર અસાર લાગવા માંડ્યો. જ્યાં પોતાનો જ હાથ હાથાપાઈ કરી જાય, ત્યાં એવું તો કહેવાય નહિ કે, આમાં વિરોધ પક્ષનો હાથ છે. અનામત આંદોલનની ખાનાખરાબી પ્રમાણે, ચૂંટણીમાં એની વાઈફને કારણે એની તારાજી થઇ ગઈ. ઊંઘમાં પણ એ એક જ વાક્ય બોલે છે કે, વાઈફનો એક જ મત મળ્યો હોત તો, આ ચમનીયો આજે સિકંદર બની ગયો હોત...! જેને આખી જિંદગી સાચવી, એને હું એક દિવસ માટે કેમ નહિ સાચવી શક્યો...? એનો એને અફસોસ થવા માંડ્યો. મને કહે, ‘ રમેશીયા....! મારી હાલત તો પેલા કૂતરા જેવી થઇ ગઈ. નહિ હું ઘરનો રહ્યો, કે નહિ હું ઘાટનો રહ્યો...! મારી વાઈફ તો ઠીક, મારા તો માદળિયાં પણ ગધ્ધાર નીકળ્યા....! તાંત્રિકે આપેલા માદળિયા અને મંત્રો બધું જ નપુસંક નીકળ્યું....! જાણે વિશ્વની ઊંચામાં ઉંચી દુબઈની બિલ્ડીંગ ‘ બુર્જ ખલીફા ‘ ના છેલ્લા માળ ઉપરથી કોઈએ મને ધક્કો મારીને નીચે ફેંકી દીધો હોય, એવા આઘાત અનુભવું છું. એના ડૂસકા સામે આપણે બીજું તો એને શું આશ્વાસન આપીએ...? છતાં મેં એને કહ્યું કે, જે લોકો પોતાની વાઈફને સમઝી શકતા નથી, એની આજ વલે થાય દોસ્ત....! પાડ માન ભગવાનનો કે, વાઈફ કેટલો કીમતી દાગીનો છે એ સમઝવાની તને તક મળી....!

એને બીજું દુખ એ વાતનું છે કે, ચૂંટણીના માહોલ સુધી તો બધા જ એની પડખામાં હતાં. પણ જેવો ચૂંટણીનો ફુગ્ગો ફૂઉઉઉઉઉસ થયો,એટલે આજુબાજુનું મેદાન પણ સાફ થઇ ગયું ....! જે લોકો ગલોફાં ફુલાવી ફુલાવીને કહેતા હતાં કે, ‘ ચમનીયા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.....! ‘ એમાંનો આજે એકેય શોધેલો ચમનીયાને જડતો નથી....! એને કોણ સમઝાવે કે, લગનમાં આવે તો ઘણાં, અને ઝાપટી પણ ઘણાં જાય, પણ ચાંલ્લો કેટલાં અને કેટલો કરી ગયાં, એ તો પ્રસંગ પત્ય પછી જ ખબર પડે. લગનમાં ભલે કીડીયારાની જેમ માણસ ઉભરાયું હોય, પણ માંગણના વાડકા જેટલો જ ચાંલ્લો આવે, તો માનવું કે, આપણામાં જ કંઈ ખૂટે છે....!

ચમનીયાને હવે ખબર પડી કે, પેલા તાંત્રિક પાસેથી જ એના હરીફે પણ માદળિયું બનાવેલું. એટલે જ તો એને ગંધ શુદ્ધાં નહિ આવવા દીધી કે, ચમનીયો ઉંધા માથે પછડાવાનો છે. જે બંદાઓને એ પોતાના માનતો હતો, એ બધા એની છાવણીમાં આવીને માત્ર નાસ્તા-પાણી કરવા જ ભીડ કરતાં હતાં. બાકી એ બધા ભીડભંજકો તો સામેવાળા ઉમેદવારના ટેકેદારો હતાં.....! પણ ‘ અબ પછતાવે હોત ક્યા, જબ ચીડીયા ચુગ ગઈ ખેત....! સત્યનું પોત તો મોડું જ પ્રગટ થાય ને....?

ઉસીકા નામ ચુનાવ હૈ....! એને કોણ સમઝાવે કે, ચૂંટણીમાં ગ્રહો નહિ, મતદારો જ આપણને ભવપાર કરે. પણ વસવસો એને એ વાતનો છે કે, હસ્તમેળાપ પહેલાં જ એની પરણેતર ભાગી ગઈ....! સાવ પીઠી ચઢાવીને બેઠો હોય, બેન્ડવાજા નક્કી થઇ ગયા હોય, નાચણીયા નાચવા માટે થનગની રહ્યાં હોય, અને કંકોતરી કાળોતરી બની જાય, એમ એની વાઈફ જો પિયર પલાયન નહિ થઇ હોત તો, ચમનીયો ૧૦૦ ટકા ડીચ બની ગયો હોત...!

વાઈફને વોટશેપ પણ કર્યો કે, જો હો ગયા, સો હો ગયા. તુમ વાપસ ચલી આ ડાર્લિંગ...! તું જાગતી હોય તો તારી યાદ મોકલ. સુતી હોય તો સ્વપ્નું મોકલ. તો સામેથી ચંચીનો વળતો મેસેજ આવ્યો કે, “ વાસણ અજવાળું છું, બોલ....એઠવાડ મોકલું......? “ તારા કપાળમાં કાંદા ફોડું.....!

_________________________________________________________________સંપૂર્ણ ૭-૧૨-૧૫