TE books and stories free download online pdf in Gujarati

TE

એક દાસ્તાન જે દરેકના જીવનમાં બને છે. આ નવલિકા થકી આપના જીવનની એ યાદગાર પળોને ફરીથી માણવાનો એક અનેરો લ્હાવો.....!

ʻતેંʼ

(નવલિકા) -મોનિલ પરમાર

જિંદગી પણ કેવી કમાલ છે! તેના ક્યા વળાંક પર કોણ મળી જાય તે નક્કી નથી હોતું. મારી સાથે પણ આવું જ કાંઈક બન્યું....

*

હંમેશની જેમ આજે પણ આવીને હું ત્યાંજ દરવાજા પાસેની દીવાલને અડકીને ખાલી પડેલી ખુરશી પર બેઠો. એ ખુરશી હંમેશા ખાલી પડી રહેતી જાણે કે એ મારા આવવાની જ રાહ જોતી હોય અને મારા સિવાય અન્યને ત્યાં બેસવાની તેને મનાઈ ફરમાવી હોય.

મેં મારું અંગ્રેજીનું પુસ્તક ખોલ્યું અને તેને વાંચવા લાગ્યો. અંગ્રેજી હતો વિદેશી વિષય પણ હતો જરૂરી અને જરૂરી વસ્તુને સ્વીકારવી એ આળસ પરની પહેલી જીત છે અને એ પહેલી જીતને દરરોજ ફરીફરીને જીતવામાં મને ખૂબ જ આનંદ આવતો અને ગર્વ પણ થતો.

હું તેમાં એટલો એકાગ્ર થઇ જતો કે ક્લાસ માં કોણ આવ્યું ને કોણ ગયું એની સુધ્ધાં મને ખબર ન રહેતી.

પણ કહે છે ને એકાગ્ર ઋષિના કઠોર તપને તોડવા મેનકા આવે જ છે અને જો એની કામિનીથી તપ ભંગ થાય ને તો ગુસ્સો નથી આવતો પણ ઉલ્ટાની આભારની લાગણી થાય થાય છે કારણ કે, પોતે જાતે જીવનના પન્નાને પલટાવવું ઘણું કપરું હોય છે. જો કોઈ એ પન્નાને ફેરવી દે અને એ પણ જો કોઈ મેનકા હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે.

મુજનાં સોનામાં પણ તેણે સુગંધ ભરી દીધી. ’તે’નું નામ તો નહી કહું. મને ડર છે કે ક્યાંક મારી કલમની નીચે આવીને તેના ભૂમિ જેવા કોમળ નામ ને ઈજા ન થઇ જાય !....અને ઘણીવાર નામ જ અતાર્કિક વિશ્લેષણ નો આધાર બનતું હોય છે માટે તેને ગુપ્ત જ રહેવા દઈએ અને એમ પણ રહસ્ય જાણવાની મજા તો અંતમાં જ આવે છે ને !

*

તે દિવસ જાણે વિસ્મયની હારમાળાઓથી છલોછલ ભરેલો હતો. હંમેશની જેમ કોઈ ઋષિની માફક મારા અભ્યાસમાં મશગૂલ હું આંતરત્વમાં જ વિચરતો હતો.

અચાનક એક અવિસ્મરણીય અવાજ સંભળાયો અને એ અવાજમાં એટલી કોમળતા હતી કે મારી એકાગ્રતાના કાંટાળા જાળને વીંધીને એક ધારદાર તીરની માફક દિલમાં અંકિત થઇ ગયો.

આંખોથી ન રહેવાયું અને આંખો ઉઠી અને સામે ‘તે’ હતી. અંબાર હતી તે સુંદરતાનો જાણે સ્વર્ગનું કોઈ મોહક તત્વ ધરતી પર ઉતરી આવ્યું હોય ! એના અંગ-અંગમાં મોહકતા છલોછલ ભરેલી હતી. એના ચેરા પર મધુરું સ્મિત લ્હેરતું હતું જાણે રાતરાણીના ફૂલ દિવસે ખીલી ઉઠ્યાં હોય. એની નેણ કામણગારી હતી અને અણી આંખો મદહોશ હતી.બેં જ ક્ષણ માટે ઉઠેલી મારી આંખો તેની આંખો સાથે એક જ ક્ષણ માટે મળી પણ તે એક જ ક્ષણમાં આંખોએ પોતાનું કામ કરી દીધું.

હતાં અમે બંને તદ્દન અજાણ એકબીજાથી પણ જાણે નિયતિ મલકાઈને કહેતી હતી કે દુનિયાના મેળામાં અમે બંને પહેલા પણ ક્યાંક મળી ચુક્યા હતાં. છોત્તેર વર્ષ બાદ હેલીના ધૂમકેતુની જેમ માત્ર બે જ ક્ષણ માટે દેખાયેલી એ આંખો હૃદયના રેડ્બોર્ડ પર અંકિત થઇ ગઈ. કહેવાય છે કે, અમુક વસ્તુ આવી હોય છે કે જે કદી ભુલાતી નથી પછી ભલે તેની સાથે વિતાવેલો સમય બે ક્ષણનો હોય કે બે સદીનો. તે હંમેશને માટે અમર થઇ જાય છે મનની મહેફિલમાં.

કમને પણ હું મારા અભ્યાસમાં પરત ફર્યો.

*

જે મળવાનું હોય છે તે કદી મળ્યા વગર નથી રહેતું અને આજ જીવનનો નિયમ છે. મારા ૧૦ માં ધોરણના પેપર્સ અને મટીરીયલ્સ જે હવે મારા કોઈ કામના ન હતા તે મેં સરને આપતા કહ્યું કે કોઈ હોશિયાર વિદ્યાર્થીને આપવા વધુ હિતાવહ છે કે જેથી તેનો સાર્થક ઉપયોગ થઇ શકે.

અને કિસ્મતની પણ કેવી કરામત કે સરે તે વસ્તુ ‘તે’ ને જ આપ્યાં. મારા મન એ તો તેનો અણસાર પહેલાથી જ આપી દીધો હતો અને મગજ ને પણ તેની પુષ્ટિ મળી ગઈ.મન અને મગજ બંનેની સહમતીથી લેવાયેલો કોઈપણ નિર્ણય કદી ખોટો નથી ઠરતો.

તે દિવસે તેની સાથે માત્ર બે જ મિનિટનો માહિતીસંચાર થયો પણ એ બે મિનિટના માહિતીસંચારે મને બે સદીઓ જેટલો સંતોષ આપ્યો. ખરેખર, સંતોષ એ દુનીયાની સૌથી મીઠી વસ્તુ છે.

તે દિવસે મારી આંખો તેની આંખો સાથે મળી અને મારી આંખો તેની આંખો પર સમર્પિત થઇ ગઈ અને આંખોએ પોતાનું કામ કરી દીધું.

‘તે’ની આંખો સામાન્ય ન હતી, સામાન્યથી વિશેષ કાંઈક તેની આંખોમાં ઝળકતું હતું.

‘તે’ની આંખોને જોઇને ખુદ કુદરત પણ મંત્રમુગ્ધ થઇ ગઈ. તો પછી હું તો માત્ર પામર મનુષ્ય છું.

‘તે’ની આંખોમાંથી બિનશબ્દ એક ગીત રણકતું હતું. મારે એ ગીતોના સૂરોમાં વહેવું હતું. તેની આંખોમાં અદભૂત જાદુગરી હતી અને મને જાદુગરી બહુ જ પસંદ હતી.

સાગર જેવી ઊંડાઈ તેની આંખોમાં હતી. મેં એ ઊંડાઈને માપવાના ઘણા પ્રયત્નો કર્યા પણ હું દરેક વખતે સદંતર નિષ્ફળ રહ્યો. પરંતુ, ઘણીવાર હારવાની પણ મજા આવે છે.

‘તે’ની પાંપણો જયારે જયારે નીચે ઝૂકતી ત્યારે ત્યારે સાહિલમાં ઓટ આવી જતી અને જયારે ‘તે’ ગર્વથી આંખોને પોતાના અનુઠા અંદાજમાં ઉઠાવતી ત્યારે ભરતીનું એક વિશાળ મોજું આવતું અને મને ભીંજવીને તરબોળ કરી જતું. મન થતું કે બસ! હવે આજે આગળ નથી ભણવું. બેવક્ત સમયને પણ કહી દઉં કે થંભી જાય એ ભરતી દરમ્યાન અથવા તો એક કલાકને ખુબ જ લાંબી બનાવી દે. આ બધું ખુબ જ રહસ્યમય રીતે બનતું !

રોજ સાંજ થતી ને મને ટ્યુશન યાદ આવતું. ભરતીની એ સંધ્યાની પુનરાવર્તિત થવાની કલ્પના માત્ર થી હું રોમાંચિત થઇ જતો. એ દિવસોમાં ટ્યુશન જવામાં મને ક્યારેય કંટાળો ન આવતો. ઉલટાનો હું તો સમયની પહેલા પહોચી જતો અને ‘તે’ની રાહમાં એક –એક સેકન્ડ એક-એક સદીની જેમ ગુજારતો. કેટલો પાગલ હતો હું !....

*

આખરે એ દિવસ આવી ગયો જેની હું ચાતક ડોળે રાહ જોતો હતો.

મારો સર્વપ્રથમ ગીતસંગ્રહ ‘મેં અકેલા નહી’ પ્રકાશિત થઇ ગયો હતો અને છપાઈને આવેલું એ પુસ્તક જોતા મને એ દિવસો યાદ આવી ગયા જ્યારે હું તેમના એક-એક ગીતને કેટલો ડુબી-ડૂબીને લખતો.

ખરેખર, છુપાઈ-છુપાઈને લખેલા એ ગીતો આજે સૌને અચરજ પમાડતા હતા. પણ મને તો માત્ર ‘તે’નો ઈન્તજાર હતો. ‘તે’ના મન વડે વંચાવા મારા ગીતો ઉછળકૂદ કરી રહ્યા હતા, મારું મન મોર બની થનગનાટ કરી રહ્યું હતું. મારા આવેશોને શાંત કરીને મેં ‘તે’ને પુસ્તક આપ્યું અને ‘તે’ના ચહેરા પર ફરકતું સ્મિત જાણે કોઈ નાનું બાળક તેની મનગમતી વસ્તુ મળતાં મંદ મંદ મલકાઈ રહ્યું હોય તેમ મારી સફળતાની સાક્ષી પુરતું હતું.

‘તે’ના અભિનંદને મને એક નવી જ ઉર્જાથી ભરી દીધો. તે વખતે પણ ‘તે’ની આંખોમાં એ જ રહસ્ય ચમકતું હતું જેના વિશે મેં તેને ઘણીવાર માત્ર આંખના ઇશારે પૂછેલું અને તેને જવાબ પણ આપેલો જેને હું સમજી ન શકેલો અને આંખે પોતાનું કામ કરી દીધું

| તેની આંખોએ મને શું કીધું હશે? |