Samirkhan fernandes books and stories free download online pdf in Gujarati

સમીરખાન ફર્નાન્ડીસ

☆ॐ✝ સમીરખાન ફર્નાન્ડીસ ☆ॐ✝

================================

નદીનાં વ્હેણની થપાટો ખાઇને અંહીતંહી ફેંકાઇને મજબુત બનેલા છીપલાની જેમ તમારી યાદો પણ એક સ્મ્રૂતિપટનાં કોચલામાં સંગ્રહ થઇ ગઇ હતી .અનિરૂદ્ધ સાથે લગ્ન કરીને તમારી મા એ તમને જણ્યા હતાં . અને તમને સમીરકુમાર નામ મળ્યુ હતું . હિંદુત્વનાં સંસ્કારનાં બીજ રોપાઇ ગયાં હતાં . પણ તમે માંડ બે વર્ષનાં થઇ પગભેર ચાલતા થતા એના પહેલા તમારી મા માજિદખાન જોડે ભાગી ગઇ . અને તમે સમીરખાન બનીને બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો . અને મુસ્લિમ તરીકે પરવરીશ શરૂ થઇ .તમે કક્કાનાં કાના માતર શીખો એનાં પહેલા માજિદખાન જન્નતમાં પહોંચી ગયા . તમારી વિધવા મા એ એક વિધૂર પ્રોફેશર સ્ટિફન જોડે નાતરું કર્યુ અને તમે સેમ ફર્નાન્ડીસ તરીકે પ્રાઇમરી સ્કૂલમાં એડમિશન મેળવ્યું .સેમ હવે તમે બાઇબલનાં ફખરા શીખવા લાગ્યા હતાં .એક વત્તા એક બરાબર બે થાય એ શીખતા પહેલાં એક અકસ્માતે તમને મા-બાપ વિહોણા બનાવી દીધાં . કોઇક સેવાભાવી માણસના લીધે તમને ફરી છત્ર મળ્યું જલારામ અનાથાલયમાં . મીશારામ સ્વામીનો છાયો મળ્યો અને તમે ગળામાં માળા ધારણ કરી પાછા સમીરકુમાર બની ગયા. અને તમને વિધર્મીઓથી અજીબ નફરત થવા લાગી હતી . સ્વામીનાં કરતુતો તમારી ઉછરતી ઉમરથી છુપા ના રહી શક્યા . તમારૂ શારીરિક શોષણ બે ટંક ભોજન પેટેની મજુરી બની ગયુ હતું . તમારી મૂછોનાં દોરા ફુટવા લાગ્યા અને તમને સમયથી પહેલા મર્દ બની ગયેલા દોસ્તોની સંગત મળી . અને તમે એકવાર બંડ પોકારી જ દીધો . અને નીકળી ગયા અંધારી દૂનિયાની સફરે . કોઇની તમને ફીકર નહોતી એટલે તમારી બેફીકરાઇએ આશિફભાઇની નજરમાં તમને નિડર બનાવી દીધાં . જોતજોતામાં તમે આશિફભાઇનાં રાઇટ હેંડ સમીરખાન બની ગયા . અને હિંદૂધર્મી સાથે બાયસ રાખવા લાગ્યા . રોજ અલગ પડખાં અને ઉંચી કવાલિટીની શરાબ . તમને થોડા દિવસ તો દૂનિયામાં જ જાણે જન્નત મળી ગઇ . પણ રોજ નિર્દોષોને રંજાડીને તમારો આત્મા થાકીને લોટપોટ થઇને બેસી ગયો હતો . તમને બિસ્તર ગરમ કરવા રોજ છોકરી મળતી પણ ગરમ ચ્હા પીવડાવે એ છોકરી નહોતી મળતી . અને જાણે તમારો અંતરાત્મા જાગી ગયો હોય એમ તમે હરામ હલાલ સમજવા લાગ્યા . હવે તમે નિર્ધાર કર્યો એક માનભેર ઇજ્જતની મહેનતની સુખી રોટી ખાવાનો . આશિફભાઇનાં વિકરાળ પંજાની ચુંગાલમાંથી છુટવુ અશક્ય હતું . એટલે તમે નિર્ણય કર્યો અમેરિકા ભણી ઉડી જવાનો . તમારી પાસે મબલખ નોટોનાં ઢગલા હતા પણ લાયકાતનું એક કાગળ નહોતું કે જે તમને અમેરિકા પહોંચાડી શકે . તમારી પાસે એજંટના બતાવેલા અનિતિનાં રસ્તા સિવાય કોઇ રસ્તો ન્હોતો જે તમને અમેરિકા પહોંચાડી શકે . તમે હામી ભરી અને પનામાની ટુરિસ્ટ વિઝા પર નીકળી પડ્યા . માછલા ભરે એમ તમને બધાંને એક નાવડીમાં ભરવામાં આવ્યા . અને અડધી રાતે દરિયામાં હાલકડોલક થતી મોજા કરતા અતિ નાની નાવડીમાં નિડર મર્દ એવા તમે થરથર કાંપવા લાગ્યા . અજવાળુ થતા પહેલા તમને કોઇક નિર્જન ટાપુ ઉપર ઉતારવામાં આવ્યા . ત્યાં એક કન્ટેઇનર તૈયાર હતું .જેમાં તમને ધેટાં-બકરાની જેમ ભરવામાં આવ્યા . પલાંઠી પણ ન વાળી શકાય એટલી જગ્યા તમારી હતી . મૂશ્કેટાટ ભરેલા કન્ટેનરમાં માત્ર મગજ સિવાય તમારા કોઇ જ અંગ કામ નહોતા કરી શકતા . ભલભલા નામધારીનાં પેન્ટ ભીના કરી દેતા હતા એવાં તમને ચોવિસ કલાકથી પેશાબ નહોતી આવી.અને ક્યાંથી આવે? જે ઇચ્છા થતી તે લુટી લેનારને અત્યારે અન્ન તો દુર પાણીનાં ઘૂંટનાં પણ અરમાન હતાં .

નાની અમથી જિંદગીમાં કયારેક મુસલમાન બનીને હિંદુ સાથે અને કયારેક હિંદુ બનીને મુસલમાનનાં લોહીનાં રંગો અલગ જોયા હતાં . પશ્ચાતાપની આગ અને એક જિંદગીમાં માનવનાં અનેક અભિનય યાદ કરી તમારા ચહેરા પર ગમનાં મિશ્ર રંગો ઉપસી રહ્યા હતાં . નિર્જન વિસ્તારમાં ખટારાની ઘર્રાટી અચાનક રોકાઇ ગઇ . તમે કંઇ સમજી શકો એના પહેલા તો તમારે માથે ગન ટેકવાઇ ચૂકી હતી અને પડછંદ કાય સૈનિકોએ તમને ઘેરી લીધા હતા . હાથ અને પગમાં બેડીઓ નંખાઇ ચૂકી હતી અને તમને બીજી વાનમાં ચઢાવી દેવાયા . ધાણીની જેમ ગોળીઓ ફોડતો માણસ આજે સૈનિકની ગન જોઇ મનોમન ધ્રુજતો હતો. એમની કરડાકી ભરી ભાષા તમને સમજાતી નહોતી. "ગ્વાટેમાલા" શબ્દ કાને પડતા તમે ચોંકી ઉઠ્યા હતાં . કેમકે આશિફખાન કાયમ બબડતો "જીસને ભી ગદ્દારી કી, ઉસે ગ્વાટેમાલા જૈસી કાલેપાની કી સજા મીલેગી" . હવે તમને એટલુ તો સમજાઇ ચૂકયુ હતુ કે તમને મેકસિકન મિલિટરી પોલિસે આંતકવાદી સમજીને પકડી લીધા હતાં . તમારી જિંદગીનાં અંત ભણી ફૂલ સ્પીડે લઇ જઇ રહેલી વાન અચાનક ખોટકાતા એક ગેસોલિન પંપ પર રોકાઇ . તમને લઇ જવા બીજી વાન મંગાવવામાં આવી હતી . વાનની ઝીણી જાળીમાંથી તમે દાઢીધારી ડ્રાઇવરને ઉતરતા જોયો . અને આમપણ હવે મરવાનુ તો છે જ એમ વિચારીને તમે હિમ્મત એકઠી કરીને બૂમ પાડી . " અસ્સલામ અલયકુમ ચાચા" . અને આશ્ચર્ય સાથે એ દાઢીધારી ડ્રાઇવર તમારી જાળી પાસે આવ્યો . તમારા ચહેરાનું ધ્યાનથી નિરિક્ષણ કરીને બોલ્યો .

" વાલેકૂમ સલામ, ઇન્ડીયન હો?"

"જી, મેં ઇન્ડીયન હું ઔર મેં મુ....."તમને બોલતા અટકાવીને એ બોલ્યો .

"મેને તેરા મજહબ નહિ પૂછા હે . સચ બતાદે, માજરા કયા હે" એક ઇન્ડીયન ફેશ પર જ જાણે સંપૂર્ણ ભરોસો હોય એમ તેમને તરત સવાલ પૂછી લીધો .

તમે અમેરિકામાં અનઓફિસિયલ રસ્તે ઘુસવાની આપવિતિ સંભળાવી .

"હમમમ, કુછ કરતે હે" કહેતો હતો અને વાન પાછળથી એક અવાજે એને રોક્યો .

" ઓયે, કુલજીત બોલજોઇંટ તો ઠીક હે"

તમે ભોંઠા પડી ગયેલા ચહેરે કુલજીત સામે જોતા જ રહી ગયા . ત્યાં જ પાછળથી પેલો વ્યક્તિ કુલજીત પાસે આવ્યો. એ કલિનસેવ ભારતિય ચહેરાને જોતા જ પાછી તમે હિમ્મત એકઠી કરીને "જય શ્રી રામ" કહી સહાનુભુતિ મેળવવા બૂમ પાડવા જ જતા હતા ને કુલજીતે કહ્યુ

" યાર સલીમ, અપના હિંદુસ્તાની ભાઇ ફસ ગયા હે . ઉસે નિકાલના હોગા" ઝંખવાયેલા ચહેરે તમે એ બંન્નેને કમાંડર પાસે જતા જોઇ રહ્યા . તેઓ કંઇક ચર્ચા કરીને તમારા જામીન બનવા તૈયારી બતાવી તમારો પાસપોર્ટ લેવા આવ્યા . પણ પાસપોર્ટ તો એજંટ લઇને છૂ થઇ ગયો હતો . નવેસરથી ટેમ્પરરી લખાણ માટે તમારું નામ પૂછ્યુ. પણ ફસાઇ જવાની બીકે તમે તમારા જીવનની સાચી કથની કહી સંભળાવી .

" ઓ ફીકર ના કર યારા, તું ઇન્ડીયન હૈ ઇતના હી કાફી હે મેરા ભાઇ સાબિત કરને કે લિયે . સલીમ જા ઇસકા નામ લીખવા દે

'સમીર ખાન ફર્નાન્ડીસ' "

જીવનનાં મહત્વનાં વર્ષો હિંદુ-મુસ્લિમ કરવામાં કાઢનારા તમે વિદેશી ધરતી પર ભારતિય ધર્મ જોઇને શરમનાં દરિયામાં ડુબી રહ્યા હતાં..અને સલીમનાં મોબાઇલમાં રિંગ વાગી..ઇશ્વર અલ્લાહ તેરો નામ...સબ કો સનમતિ દે ભગવાન...