Kaunt Monte Kristo in Gujarati Short Stories by Harendra P. Bhatt books and stories PDF | Kaunt Monte Kristo

Featured Books
Categories
Share

Kaunt Monte Kristo

કેાઉન્ટ મોન્ટે ક્રિસ્ટા

સંક્ષેપી અનુવાદ

હરેન્દ્ર પ્ર. ભટ્ટ

અનુક્રમણિકા

૧. વહાણ આવે છે

૨. દાન્તે ઘેર આવે છે

૩. છટકું ગોઠવાય છે

૪. લગ્ન સમારંભ

૫. બીજો લગ્ન સમારંભ

૬. કાવત્રું પુરું થાય છે

૭. સો દિવસ

૮. જેલમાં

૯. બે કેદીઓ

૧૦. ફેરિયા ભેદ ઉકેલે છે

૧૧. વર્ષોની સખત મહેનત

૧૨. ફેરિયાનો ખજાનોક

૧૩. છુટકારો

૧૪. બચાવ

૧૫. દાણચોરો

૧૬. મોન્ટે ક્રિસ્ટો ટાપુ

૧૭. ગુપ્ત ગુફા

૧૮. લોર્ડ વિલમોર

૧૯. ફાધર બુસોની

૨૦. પોન્ટ દુ ગાર્ડ વીશી

૨૧. બરટુસીઓની કબુલાત

૨૨. જેલનું રજિસ્ટર

૨૩. હેડી

ર૪. રોમન બહારવટિયા

રપ. મોન્ટે ક્રિસ્ટો પેરિસમાં

ર૬. એન્ડ્રિયા

ર૭. ‘બોલ’ અને ભિખારી

૨૮ : કેડરુસ અને કેવેલકન્ટી

૨૯ : ચોરી

૩૦ : ખૂન

૩૧ : ખૂનીની શોધમાં

૩ર : હેડીની કથા

૩૩ : જનીનાથી સમાચાર

૩૪ : પર્દાફાશ

૩પ : પડકાર

૩૬ : એડમન્ડ અને મર્સીડીસ

૩૭ : મુલાકાત

૩૮ : આત્મહત્યા

૩૯ : તારયંત્ર

૪૦ : ફરી લગ્નની મિજબાની

૪૧ : એન્ડ્રીયા અને તેના પિતા

૪ર : મુકદમો

૪૩ : વિલફોર્ટનું પતન

૪૪ : ડેન્ગલર્સ રોમમાં...

૪પ : રોમન બહારવટિયા

૪૬ : ડેન્ગલર્સ ભોજન મંગાવે છ

૪૭ : મેનુ

૪૮ : ભૂખે મરતો માણસ

૪૯ : અંત...

અનુક્રમણિકા

૧ : વહાણ આવે છે

ફ્રાંસની વાત છે. તેના દરિયા કિનારે માર્સિલ નામે એક બંદર છે. એ બંદર પર આવેલી મધર મેરીની સોનેરી મૂર્તિ સવારનાં સૂર્યનાં કિરણોથી ઝગમગે. બંદરના ધક્કાથી દૂર ઊંચે આવેલા ‘‘નોત્ર દેમ દ લા ગાર્ડ’’ દેવળની ટોચેથી મધર મેરી દરિયા પર અમીદૃષ્ટિ ફેલાવે. ખલાસીઓ તેને ‘‘રક્ષક’’ ગણે.

માર્સિલના બંદરના ધક્કાના પ્રવેશ દ્વારે જ ‘‘સેન્ટ જીન’’નો ભવ્ય કિલ્લો આવેલો છે. અને દરિયામાં પેલી બાજુએ, એક ખુલ્લા ખડક પર ‘‘શૅટો દ’ ઇફ’’ નામે નાનો ગઢ આવેલ છે. આ ગઢ જેલ છે. ઉપર વિશાળ આકાશ અને નીચે વિશાળ સમુદ્ર વચ્ચે તે એકલો અટૂલો નિર્જન ઉભો છે. જેલ છે, માટે તેને બારીઓ નથી. પણ બાંધકામમાં જ પથ્થરોમાં નાનાં નાનાં બાખોરાં પાડી દેવાયા છે જે બારીઓની ગરજ સારે છે. તેના દરવાજા મજબૂત લોખંડના સળિયાથી બનાવાયા છે. અને એવો સુરક્ષિત છે કે, તેમાંથી કોઇ કેદી ક્યારેય નાસી છુટ્યાનું સાંભળવામાં આવેલ નથી.

એવા આ ગઢની પાસેથી પસાર થતું એક ત્રણ સઢવાળું વહાણ-ફેરોન માર્સીલના ધક્કા તરફ જઇ રહ્યું છે. નેપ્લીસ, ટ્રીસ્ટ અને સ્મીરન દેશોની એની વ્યાપારી ખેપ કરી તે પરત આવી રહ્યું છે. ધક્કે પહોંચતાં તેણે લંગર નાખ્યું. તેના આગમનની રાહ જોતા ઘણા લોકો ઉભા છે.

ફેરોન પર પ્રથમ ગયો તેનો માલિક, શ્રી મોરેલ. મોરેલે જોયું તો ફેરોનનું સુકાન એક બાવીસ વર્ષના ફટકડા જુવાનના હાથમાં હતું. તે તેની પાસે ગયો.

‘‘અરે, એડમન્ડ દાન્તે, તું?!’’ મોરેલે કહ્યું. ‘‘શું થયું?’’

‘‘ખેપ દરમિયાન એક દુઃખદ ઘટના બની ગઇ. ‘‘ફેરોન’’ના કપ્તાન લેકલેર ખેપ દરમ્યાન અવસાન પામ્યા! અમે એમને દરિયામાં દફનાવ્યા’’ એડમન્ડ દાન્તેએ જવાબ આપ્યો.

એડમન્ડે પછી તેના માલિક મોરેલને સમગ્ર વાત વિગતે કહી. એટલામાં કસ્ટમ અધિકારી વહાણ પર આવ્યા, અને એડમન્ડ તેમને મળવા ગયો.

મોરેલ ડેન્ગલર્સને મળ્યા. ડેન્ગલર્સ ફેરોનના માલસામાનની દેખરેખ રાખનાર મુખ્ય અધિકારી હતો. લગભગ પચ્ચીસેક વર્ષની ઉંમરના એક કદરૂપા માણસને વહાણ પરના લગભગ બધા જ કર્મચારીઓ ધિક્કારતા હતા. તેમ ડેન્ગલર્સ નવા કપ્તાન એડમન્ડ દાન્તેને ધિક્કારતો હતો. એડમન્ડની એને ઘણી ઇર્ષા આવતી. તેણે મોરેલ આગળ એડમન્ડ વિરૂદ્ધ ફરિયાદ કરી. કેપ્ટન લેકલેરના અવસાન બાદ ફેરોનની ખેપ એડમન્ડે કેવી ખરાબ રીતે કરી તેનું બયાન આપ્યું. તેણે એમ પણ જણાવ્યું કે માર્સિલ સિધા આવવાને બદલે એડમન્ડે એલ્બા નામના ટાપુએ રોકાઇને લગભગ દોઢ દિવસ બગાડ્યો.

મોરેલે એડમન્ડને બોલાવ્યો અને પૂછ્યું. ‘‘એડમન્ડ, એલ્બા ટાપુ ખોત દોઢ દિવસ કેમ રોકાણ કરવું પડ્યું?’’

એડમન્ડે આખી વાત સમજાવી. કપ્તાન લેકલેરે અવસાન સમયે તેને એક પડીકું આપ્યું, જે એલ્બા ખોત નેપોલિયનના એક અધિકારીને આપવાનું હતું. એ પડીકું આપવા જ તે એલ્બા ખાતે હંકારી ગયેલ. એલ્બાના રોકાણ દરમિયાન તે નેપોલિયનને પણ મળેલો.

મોરેલે ડેન્ગલર્સને કહ્યું, ‘‘જોયું, એલ્બા જવાનું ખાસ કારણ હતું. મૃત્યુ પામેલા માણસની અંતિમ ઇચ્છા એડમન્ડ પૂરી કરી રહ્યો હતો. એ ઉપરાંત, મારૂં વહાણ પણ તે સલામત પરત લાવ્યો છે. માલસામાનને પણ કશું નુકશાન નથી થયું.

એડમન્ડ તરફ ફરતાં મોરેલે કહ્યું, ‘‘એડમન્ડ, ફેરોનના આગામી ખેપ માટે હું તને કપ્તાન નીમું છું.

ડેન્ગલર્સ નીચું ઘાલી ગયો, અને બબડતો બબડતો ચાલ્યો ગયો.

અનુક્રમણિકા

ર : દાન્તે ઘેર આવે છે

માર્સીલના ધક્કાની પાસે એક છોકરી રહે, યુવાન અને સુંદર. તેના વાળ કોલસા જેવા કાળા અને આંખો મખમલ જેવી સુંવાળી અને ઘટ્ટ. તેનું નામ મર્સીડીસ. તે એકલી રહેતી હતી, કારણ થોડાં વર્ષો પહેલાં તેના મા અને બાપ મરી ગયાં હતાં જ્યારે ‘ફેરોન’ ધક્કા પર લાંગરતું હતું ત્યારે તે તેના પિતરાઇ ફર્નાન્ડ મોન્ડેગો સાથે બેઠી બેઠી વાતો કરતી હતી.

ફર્નાન્ડ મોન્ડેગો વીસ વર્ષનો યુવાન હતો. તે એક સૈનિક હતો. તે મર્સીડીસને ચાહતો હતો. તેણે મર્સીડીસને ઘણી વખત લગ્ન કરવા વિનંતી કરી, પરન્તુ મર્સીડીસે તે નકારી કાઢી. મર્સીડીસ એડમન્ડ દાન્તેને ચાહતી હતી. આથી ફર્નાન્ડ એડમન્ડને તિરસ્કારતો, એડમન્ડ તેને દીઠો ન ગમતો.

ફર્નાન્ડ અને મર્સીડીસ જ્યારે વાતો કરતાં બેઠાં હતાં ત્યારે એડમન્ડ તેના વહાણને છોડવાની તૈયારી કરતો હતો. તેણે વહાણના સાથીઓની વિદાય લીધી અને ચાલી નીકળ્યો. સીધો તે તેના પિતાને ત્યાં ગયો. તેના પિતા ઘરડા લાગતા હતા અને દુબળા પડી ગયેલા. તેમના ઘરમાં ખાવાનું પણ ન હતું કે દારૂ પણ ન હતો.

‘પિતાજી, આમ કેમ થયું? જ્યારે હું ખેપ કરવા નીકળ્યો ત્યારે તો મેં તમને બસો ફ્રાંક આપેલા...’ એડમન્ડે પરિસ્થિતિનો તાગ મેળવવા પૂછ્યું.

‘હા બેટા, પણ પેલો આપણો પડોશી કેડરુસ. તે તારી પાસે એકસોને ચાલીસ ફ્રાન્ક માગતો હતો, તે જો હું ન આપું તો મોરેલને ફરિયાદ કરશે એવી ધમકી આપી ગયો. મેં તેને એકસોને ચાલી ફ્રાન્ક આપી દીધા, અને વધેલા સાઇઠ ફ્રાંક પર ત્રણ માસ ચલાવ્યું...’ પિતાએ સ્પષ્ટતા કરી.

પિતાની વાત સાંભળી દાન્તે વ્યથીત થઇ ગયો. તેણે તેના પિતાને થોડા પૈસા આપ્યા અને તેમાંથી દારૂ અને ખોરાક ખરીદી લાવવા

જણાવ્યું. ઉમેર્યું પણ ખરું ‘પિતાજી, તમે ચિંતા ન કરતા. બીજા પણ ઘણા પૈસા આવશે, કારણ ‘ફેરોન’ની આગામી ખેપ માટે હું કપ્તાન નીમાયો છું.’

એ જ ઘડીએ કેડરુસ દાન્તેના ઘરમાં આવ્યો. તેણે દાન્તેએ કહેલું બધું સાંભળ્યું. તેણે કહ્યું, ‘અભિનંદન, દાન્તે તારા સદ્‌નસીબ બદલ, અભિનંદન.’

એડમન્ડે તેનો આભાર માન્યો, અને તેના તરફનો અણગમો વ્યક્ત ન થઇ જાય તેમ તેણે કર્યું.

તે તુરન્ત મર્સીડીસને મળવા માગતો હતો. તેને લગ્નની તૈયારી કરવી હતી. એડમન્ડ, મર્સીડીસ સાથે બીજા જ દિવસે લગ્ન કરવા માગતો હતો.

‘તું કંઇ ઉતાવળમાં લાગું છું’ કેડરુસે પૂછ્યું. ‘હા! મારે વહેલામાં વહેલી તકે પેરિસ જવું છે. અને જઉં તે પહેલાં મારે લગ્ન કરવાં છે.’ એડમન્ડે જવાબ આપ્યો.

‘તારે પેરિસ શાથી જવું છે, બેટા?’ તેના પિતાએ પૂછ્યું.

‘સ્વ. કપ્તાન લેકલેરની અંતિમ ઇચ્છા પૂરી કરવી છે.’ દાન્તેએ કહ્યું.

આમ કહી, તે ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. તે ગયો એટલે કેડરુસ પણ ગયો. બહાર ડેન્ગલર્સ તેની રાહ જ જોતો હતો.

‘ઓહ! તું આવી ગયો? એડમન્ડને મળ્યો તું? એ શું કહેતો હતો?’ ડેન્ગલર્સે કેડરુસને જોતાં જ પૂછી નાંખ્યું.

‘એ તો અત્યારથી ‘ફેરોન’નો કપ્તાન હોય એમ વાતો કરે છે.’ કેડરુસે કહ્યું.

ડેન્ગલર્સનો ચહેરો ફિક્કો પડી ગયો. તેનો અવાજ બેસૂરો બની ગયો. તે બોલી ઉઠ્યો, ‘મારું ચાલે તો તે કપ્તાન નહીં બને!’

અનુક્રમણિકા

૩ : છટકું ગોઠવાય છે

ડેન્ગલર્સ અને કેડરુસ દરિયાકિનારા તરફ ગયા અને હોટલ લા રિઝર્વ પહોંચ્યા. હોટલના ધબામાં બેઠાં બેઠાં તેઓ દારૂ પી રહ્યા હતા ત્યારે તેઓએ ફર્નાન્ડ મોન્ડેગોને તેઓની તરફ આવતો જોયો. ફર્નાન્ડ ઘણો ઉદાસ લાગતો હતો. કેડરુસ તેને ઓળખતો હતો. આથી તેણે તેને બોલાવ્યો.

કેડરુસે પૂછ્યું, ‘દોસ્ત, શું બાબત છે? શું? મર્સીડીસે કાઢી મૂક્યો? મેં એવું સાંભળ્યું છે કે, મર્સીડીસ એન એડમન્ડ દાન્તે આવતી કાલે લગ્ન કરી રહ્યાં છે.’

ફર્નાન્ડ ખીજાયો. હજુ હમણાં જ તે મર્સીડીસથી છૂટો પડેલો. મર્સીડીસ અને એડમન્ડને સાથે જતાં જોઇ તે ઇર્ષાથી બળીને ખાખ થઇ ગયેલો.

‘અને મેં સાંભળ્યું છે કે,’ કેડરુસે વધુમાં ઉમેર્યું, ‘તેના લગ્ન પછી એડમન્ડ તુરન્ત પેરિસ જવાનો છે.’

‘એ શું વળી? પેરિસની મુલાકાત? પેલો કાગળ આપવા જ પેરિસ જવાનો હશે. એલ્બાના ટાપુ પારથી તેને એક પત્ર આપવામાં આવ્યો છે. આથી મને એક વિચાર આવે છે...’ ડેન્ગલર્સે વચમાં જણાવ્યું.

આટલું બોલી ડેન્ગલર્સ મનમાં બબડ્યો, ‘બેટા એડમન્ડ, હજું તું ‘ફેરોન’નો કપ્તાન બન્યો નથી.’

ફર્નાન્ડ તરફ ફરતાં, લુચ્ચાઇથી તેણે પૂછ્યું, ‘દોસ્ત ફર્નાન્ડ, તું તો મર્સીડીસના પ્રેમમાં છું. ખરું ને?’

‘હું તેને પ્રથમથી જ ચાહું છું,’ ફર્નાન્ડે જણાવ્યું.

ડેન્ગલર્સે તેની આંખોમાં સીધું તાક્યું. ધીમેથી કહ્યું, ‘તે માટે તારે દાન્તેને દૂર કરવો પડશે. પછી જ તું મર્સીડીસને પરણી શકીશ.’

‘‘અરે મારું ચાલે તો હું એડમન્ડને મારી નાખું. પણ તેમ કરૂં તો મર્સીડીસ પોતે જીવનનો અંત આણશે...’’ ફર્નાન્ડે કહ્યું.

એ સાંભળી ડેન્ગલર્સે લુચ્ચાઇપૂર્વક કહ્યું, ‘‘અરે દોસ્ત, તારે એને મારી નાખવાની જરૂર નથી. આપણને જે નથી ગમતા તેવા લોકોને દૂર કરવાના બીજા ઘણા રસ્તા છે. દાખલા તરીકે આપણે તેમને જેલમાં મોકલી શકીએ છીએ.

‘‘જેલમાં? હું એડમન્ડને જેલમાં કેવી રીતે મોકલી શકું?’’ ફર્નાન્ડે પૂછ્યું.

‘‘એ કાંઇ અઘરૂં નથી. એ હું તને શીખવાડું’’ ડેન્ગલર્સે ક્હયું. અને વેઇટરને બોલાવી કહ્યું, ‘‘વેઇટર, એક પેન, શાહી અને કાગળ આપ તો’’

વેઇટરે બધું લવી આપ્યું.

‘‘હવે સહેજ વિચારો. અહીં આ આપણી પાસે એવી વસ્તુઓ છે જે કોઇ માણસને ચોક્કસપણે મારી શકે, જંગલમાં છરી સાથે કોઇનું કાસળ કાઢી નાખવા સંતાયા હોઇએ તેના કરતાં પણ વધુ ચોક્કસપણે. હું હંમેશાં એક પેન, શાહી અને કાગળથી તલવાર કે પિસ્તોલ કરતાં વધુ ગભરાતો આવ્યો છું.’’ ડેન્ગર્સે સમજાવ્યું.

‘‘હવે જુઓ. આ પેનને શાહીમાં બોળી અને તેનાથી ડાબા હાથ વડે લખવાનું જેથી આપણા હસ્તાક્ષર કોઇ ઓળખી ના શકે.’’

‘‘પરન્તુ આપણે લખવાનું શું?’’ ફર્નાન્ડે વચમાં જ પૂછ્યું.

‘‘આપણે એમ લખવાનું કે, દાન્તે નેપોલિયન બોનાપાર્ટનો ખાંધિયો છે...’’

એમ કહી, ડેન્ગલર્સે તેના ડાબા હાથ વડે લખવા માંડ્યો.

‘‘સરકારી વકીલશ્રીને જણાવવામાં આવે છે કે, એલ્બા ટાપુની મુલાકાત લઇને આજે સવારે માર્સીલ પરત આવેલ ‘‘ફેરોન’’ વહાણનો

એક ખલાસી, નામે એડમન્ડ દાન્તેને નેપોલિયન તરફથી એક પત્ર આપવામાં આવ્યો છે અને તે પત્ર પેરિસમાંની બોનાપાર્ટ સમિતિને લખાયેલ છે. જો તેની ધરપકડ કરવામાં આવે તો, આ પત્ર કાં તો તેની પાસેથી મળી આવશે, અથવા તેના પિતાના ઘરેથી મળી આવશે અથવા ‘ફેરોન’ પરની તેની કેબિનમાંથી મળી આવશે.’’

‘પણ તું આવું ન કરી શકું. દાન્તે ગુનેગાર નથી.’ ડેન્ગલર્સનું લખાણ જોઇ કેડરુસ બોલી ઉઠ્યો.

‘અરે, હું તો ગમ્મત કરતો હતો,’ ડેન્ગલર્સે હસતાં હસતાં કહ્યું.

ડેન્ગલર્સે પછી તે કાગળનો ડૂચો વાળી નાખ્યો અને તેને હોટલના ધાબાના એક ખૂણામાં ફેંકી દીધો.

એ સાથે તેઓએ દરિયા-કિનારા તરફ જોયું. દરિયા-કિનારે એડમન્ડ અને મર્સીડીસ સાથે ફરતાં હતાં એ બંનેની જોડી સરસ અને સુખી લાગતી હતી. કેડરુસે એમને જોઇને હાથ હલાવ્યો અને દાન્તેએ પણ તે રીતે જવાબ વાળ્યો.

આ જોઇ ફર્નાન્ડ ઝંખવાઇ ગયો.

ડેન્ગલર્સે કેડરુસને કહ્યું, ‘ચાલ, ઘરે જઇએ. ખૂબ મોડું થઇ ગયું છે. ફર્નાન્ડ, તું અમારી સાથે આવીશ?’

‘ના. મારે આ બાજુ જવું છે.’ ફર્નાન્ડે કહ્યું.

ડેન્ગલર્સ અને કેડરુસ હોટલ છોડી ગયા. થોડે દૂર ગયા પછી, ડેન્ગલર્સે પાછા વળી જોયું. તેણે જોયુ તો, ફર્નાન્ડ નીચો વળી પેલો ડૂચો વાળી નાખેલ કાગળ લઇ રહ્યો હતો. એ લઇ ફર્નાન્ડ ઝડપથી હોટલ છોડી ગયો.

ડેન્ગલર્સ મનમાં બબડ્યો, હવે બધું યોજના પ્રમાણે જ થશે.

અનુક્રમણિકા

૪ : લગ્ન સમારંભ

બીજા દિવસે પણ સૂર્ય એવો જ તપતો હતો. ચર્ચના શિખરે આવેલી મધર મેરીની સોનેરી મૂર્તિ ઝળહળતી હતી. દરિયાનાં મોજાં પણ ચમકતાં હતાં. દરિયાકિનારે આવેલી હોટલ લા રિઝર્વમાં ઘણા લોકો આનંદપૂર્વક નૃત્ય કરી રહ્યાં હતાં. એડમન્ડ દાન્તે અને મર્સીડીસના વિવાહની મિજબાની હતી.

એડમન્ડ અને સર્સીડીસ પણ નૃત્ય કરતાં હતાં. નૃત્ય કરતાં કરતાં તેઓ એકબીજા સામું જોઇ મલકાતાં હતાં. બંનેને અપાર આનંદ હતો, અને અંતરમાં એમ ઇચ્છતાં હતાં કે અન્ય બધાં પણ તેમના જેટલાં જ આનંદિત બને.

ભોજન પિરસવાનો પ્રસંગ ઝડપથી આગળ વધતો હતો. એડમન્ડ દાન્તે એ વાત માની શકતો કે, એકાદ કલાકમાં જ તે તેની સુંદર નવવધૂને માર્સીલના ટાઉન હોલમાં લઇ જશે અને ગામના મેયર ત્યાં તેમનું લગ્ન કરાવશે. તેને એટલું બધું સારૂ લાગતું હતું કે તે સાચું માની શકતો ન હતો.

જ્યારે નૃત્ય અટક્યું ત્યારે મર્સીડીસે યાદ અપાવ્યું કે, ટાઉન હોલમાં જવાનો સમય થઇ ગયો છે.

‘જરૂર, જરૂર. ચાલો આપણે ત્યાં જ જઇએ.’ દાન્તેએ પણ સ્વીકાર્યું.

મહેમાનોએ એ વાત આનંદથી વધાવી લીધી, અને સૌ વરવધૂ પાછળ ચાલવા લાગ્યા.

એકાએક સૌ અટકી ગયા. સૌ સાંભળવા માંડ્યા : સૈનિકો આવી રહ્યાનાં પગલાં સંભળાતાં હતાં. સૈનિકોનાં પગલાંનો અવાજ નજીક આવતો જતો હતો અને થોડીક વારમાં તો સૈનિકો હોટલમાં પ્રવેશ્યા. બારણે ટકોરા પડ્યા.

‘બારણું ખોલો! રાજ્યનો હુકમ છે!’ એક કરડાકી ભર્યો અવાજ આવ્યો.

બારણું ખૂલ્યું ને સામે જ સૈનિકોનો વડો ઊભો હતો.

‘તમારામાંનો કોણ એડમન્ડ દાન્તે છે?’ તેણે પૂછ્યું.

બધાંએ એડમન્ડ સામું જોયું, અને તે આગળ આવ્યો. બોલ્યો, ‘હું જ છું. મારૂ શું કામ છે?’

‘એડમન્ડ દાન્તે, રાજાના આદેશથી હું તારી ધરપકડ કરું છું.’ વડાએ સ્પષ્ટ કર્યું.

‘ધરપકડ મારી? શા માટે?’ આશ્ચર્યસહ એડમન્ડે પૂછ્યું.

‘હું તમને જણાવી ન શકું. પરન્તુ તમારે તુરન્ત કોર્ટમાં આવવું પડશે.’

મહેમાનો બધા એકબીજા સામે જોઇ રહ્યા. સૌ આશ્ચર્યમાં પડી ગયેલ. મૂંઝાઇ ગયેલ. કોઇ માની શકતું ન હતું કે, દાન્તેની ધરપકડ થઇ રહી છે! મર્સીડીસ, મોરેલ, એડમન્ડના વૃદ્ધ પિતા વગેરે આગળ ધસી આવ્યા. સૈનિકો એડમન્ડને ના લઇ જાય તેવી ઇચ્છાથી સૈનિકોનો વડો તેઓ તરફ ફર્યો અને સૌને શાંતિ જાળવવા કહ્યું.

સૈનિકોના વડાએ એડમન્ડના વૃદ્ધ પિતાને કહ્યું, ‘ફેરોન’ના કાગળો માટેની જ આ વાત છે. મને લાગે છે, તમારી દીકરો કસ્ટમ્સના કાગળો ભરવાનું ભૂલી ગયો છે. તે થોડા જવાબો આપશે, અને થોડીક સ્પષ્ટતા કરશે એટલે તેેને છોડી મૂકાશે. કશી ચિંતા ના કરશો.’

સૈનિકો એડમન્ડને લઇ જતા હતા. મર્સીડીસ બોલી ઉઠી, ‘પ્રિય એડમન્ડ, આવજે!’

‘કશી ચિંતા ના કરીશ, મર્સીડીસ. બપોરે આપણે મળીએ છીએ. બહુ બહુ તો લગ્ન થોડા કલાક મોડું થશે એટલું જ.’ જતાં જતાં એડમન્ડે હૈયાધારણા આપી.

અનુક્રમણિકા

પ : બીજો લગ્ન સમારંભ

જે સમયે એડમન્ડ અને મર્સીડીસના વિવાહની મિજબાનીનો દુઃખદ અંત આવ્યો તે સમયે માર્સીલમાં બીજી આવી મિજબાની ચાલી રહી હતી. પરન્તુ આ મિજબાની ખલાસીઓ અને સૈનિકોની ન હતી; તે શહેરના શ્રીમંતોની હતી.

એ મિજબાની હતી રાજ્યના યુવાન નાયબ સરકારી વકીલ શ્રી વિલફોર્ટ અને રેનીના લગ્નની. સાં મેરાનના માકિર્વસ અને માર્શનિસની રેની દીકરી હતી. આ મિજબાનીમાં હાજર રહેલ બધા નેપાલિયન બોનાપાર્ટના દુશ્મનો હતા. નેપોલિયનના શાસન દરમિયાન બધા વિદેશોમાં નાસી ગયેલા, અને ત્યાં રહ્યા રહ્યા નેપોલિયનને ઉથલાવવાનું કાવત્રુ કરતા રહેલા. રાની લુઇ અઢારમાનું રાજ્ય સ્થપાતાં તેઓ બધા પેરિસ પાછા ફર્યા, અને સૌ જુદા જુદા મહત્ત્વનાં સ્થાનોએ ગોઠવાયા હતા.

પરંતુ જેનું લગ્ન થઇ રહ્યું હતું તે વિલફોર્ટ એક નેપોલિયનના વફાદારનો પુત્ર હતો. ફ્રાંસની ક્રાન્તિ વખતે તેના પિતાએ તેમનું ખાનદાની નામ છોડી દીધું અને માત્ર સામાન્ય માનવી બની ગયેલા. તેઓ નેપોલિયનના ચુસ્ત ટેકેદાર હતા. પણ દીકરાને બાપની આ વાત પસંદ ન હતી. તે રાજાનો ચુસ્ત ટેકેદાર બની રહ્યો, અને તેણે તેનું અસલ ખાનદાની નામ જાળવી રાખ્યું. એથી તેને નાયબ સરકારી વકીલનો હોદ્દો પણ મળ્યો. તેના પિતા પેરિસમાં રહેતા હતા.

આ મિજબાની ચાલુ હતી ત્યારે જ એક નોકર ત્યાં આવ્યો, અને એક ચિઠ્ઠી વિલફોર્ટને આપી તેના કાનમાં કશુંક કહી ગયો. એની વાત સાંભળી વિલફોર્ટે રેનીને કહ્યું, ‘મારે થોડીક વાર માટે બહાર જવું પડશે. હું હમણાં જ પાછો આવું છું.’

‘કેમ શું થયું છે?’ રેનીએ પૂછ્યું.

તેણે રેનીને એક પત્ર આપ્યો, અને રેની તે વાંચવા માંડી.

‘સરકારી વકીલશ્રીને જણાવવામાં આવે છે કે, એલ્બા ટાપુની મુલાકાત લઇને આજે સવારે માર્સીલ પરત આવેલ ‘ફેરોન’ વહાણનો એક ખલાસી, નામે એડમન્ડ દાન્તેને નેપોલિયન તરફથી એક પત્ર આપવામાં આવ્યો છે અને તે પત્ર પેરિસમાંની બોનાપાર્ટ સમિતિને લખાયેલ છે. જો તેની ધરપકડ કરવામાં આવે તો, આ પત્ર કાં તો તેની પાસેથી મળી આવશે, અથવા તેના પિતાના ઘરેથી મળી આવશે અથવા ‘ફેરોન’ પરની તેની કેબિનમાંથી મળી આવશે.’

પત્ર વાંચી રેનીએ દલીલ કરી, ‘પણ આ પત્ર તમને ક્યાં લખાયો છે? આ તો રાજ્યના સરકારી વકીલશ્રીને સંબોધીને લખાયો છે.’

‘એ તારી વાત ખરી. પણ મને હમણાં જ જણાવવામાં આવ્યું છે કે, આ એડમન્ડ દાન્તેની ધરપકડ કરવામાં આવી છે. અને જ્યારે સરકારી વકીલશ્રી હાજર ન હોય ત્યારે, હું, તેમનો નાયબ હોઇને, મારે જ આ માણસની ઉલટતપાસ કરવી પડે.’

‘ભલે તેના પર દયા રાખજો. એ ન ભૂલી જતા કે આજે આપણો લગ્નનો દિવસ છે. હું નથી ઇચ્છતી કે તેના રંગમાં ભંગ પડે.’ રેનીએ વિનંતી કરી.

વિલફોર્ટ તેની પાસે ગયો અને તેના એક ખભા પર હાથ મૂકી બોલ્યો, ‘પ્રિય રેની, તારા ખાતર હું દયાળુ બનવાનો પ્રયત્ન કરીશ. પણ જો તેની સામેના આ આક્ષેપો સાચા પુરવાર થાય તો, તારે મને તેનું ધડ જુદું કરી નાખવાની મંજૂરી આપવી પડે.’

વિલફોર્ટની વાત સાંભળી રેની ધ્રુજી ગઇ અને તે બીજી બાજુ ફરી ગઇ.

અનુક્રમણિકા

૬ : કાવત્રું પુરું થાય છે.

ન્યાયાલયમાં આવેલી પોતાની ઓફીસે વિલફોર્ટ ઝડપથી ગયો. ત્યાં પહોંચીને તુરન્ત તેણે કેદીને બોલાવ્યો. ઉલટ-તપાસ શરૂ કરી, અને થોડી જ વારમાં તેને માલુમ પડી ગયું કે આવા પ્રમાણિક જવાબ આપનાર ગુનેગાર ન હોઇ શકે.

‘તારે કોઇ દુશ્મન છે?’ વિલફોર્ટે પૂછ્યું.

‘દુશ્મન?!’ દાન્તે બોલી પડ્યો. ‘સાહેબ, એવો ક્યાં હું મોટો માણસ છું કે મારા દુશ્મનો હોય.’

‘કદાચ, કોઇ તારી ઇર્ષા કરતું હોય, અઢાર વર્ષ જેવી નાની ઊંમરે તું એક વહાણનો કપ્તાન બનવાનો છું. અક સુંદર છોકરીને તું પરણવાનો છું, તે છોકરી પણ તને ચાહે છે. આથી પણ કોઇ તારી ઇર્ષા કરતું હોય.’ વિલફોર્ટે સમજાવ્યું.

‘કદાચ તમે સાચા છો, પણ મને ખબર નથી કે એવો માણસ કોણ હોઇ શકે,’ એડમન્ડે કહ્યું.

તેના વિરૂદ્ધ આવેલો પત્ર તેની સામે ધરી વિલફોર્ટે કહ્યું, ‘જો, તારી વિરૂદ્ધ આવેલો આ પત્ર છે, એના હસ્તાક્ષર તું ઓળખું છું?’

એડમન્ડ દાન્તે પત્ર વાંચી ગયો. એણે કહ્યું, ‘ના. કદાચ આ હસ્તાક્ષર સાચા નથી.’

‘ભલે, પણ મને સાચેસાચ્ચું કહે. આ પત્રની વિગતમાં કશું તથ્ય છે?’ વિલફોર્ટે પૂછ્યું.

‘ના. એમાં કશું તથ્ય નથી. શું બન્યું તે હું તમને જણાવું છું.’ એમ કહી એડમન્ડે વિલફોર્ટને ‘ફેરોન’ની ખેપ દરમિયાન કેવા સંજોગોમાં કપ્તાન લેકલેરનું મૃત્યુ થયું, તેમણે અંતિમ ઇચ્છા રૂપે શું આપ્યું અને એલ્બાથી તેને શું મળ્યું તેની વિગતે વાત કહી. ‘સાહેબ, મારી જગ્યાએ કોઇપણ

વ્યક્તિએ મેં કર્યું તે જ કર્યું હોત. માનવીની અંતિમ ઇચ્છા બધે જ પવિત્ર મનાય છે : પરન્તુ ખલાસી માટે તો તેના વડાની અંતિમ ઇચ્છા એક આદેશ બની રહે છે, અને જે તેણે પાળવો જ પડે છે. એથી હું કપ્તાન લેકલેરના પડીકા સાથે એલ્બા ટાપુ પર ગયો. મેં જ્યારે તે પડીકું આપ્યું ત્યારે મને એક પત્ર આપવામાં આવ્યો જે મારે પેરિસમાં એક વ્યક્તિને પહોંચાડવાનો છે. મેં તે પત્ર લઇ લીધો કારણ કે મારા સ્વ. કપ્તાનની એ અંતિમ ઇચ્છા હતી.’

‘તારી વાત સાચી છે. તું સત્ય બોલી રહ્યો છે. એલ્બાથી લાવેલ તે પત્રમને આપી દે, અને અમારે તને કંઇ પણ પ્રશ્ન પૂછવાની જરૂર ઉભી થાય તો તે માટે અહીં હાજર થવાનું વચન આપ. એ પછી તું જઇ શકે છે’ વિલફોર્ટે કહ્યું.

‘એ પછી હું મુક્ત છું, સાહેબ?’ આનંદથી એકડમન્ડ બોલી ઉઠ્યો.

‘હા, પરન્તુ પ્રથમ મને પત્ર આપ.’

‘એ આપના ટેબલ પર જ છે. મારી ધરપકડ કરવામાં આવી ત્યારે તે મારી પાસેથી લઇ લેવામાં આવેલ.’

એમ કહી એડમન્ડ દાન્તે પોતાની હેટ લઇ જવાની તૈયારી કરતો હતો ત્યાં જ વિલફોર્ટે કહ્યું. ‘થોડી વાર ઉભો રહે એ પત્ર કોને લખાયેલ છે?’

‘રે-કો-હેરોન, પેરિસના કોઇ શ્રી નોરટરને,’ એરમન્ડે જવાબ આપ્યો.

વિજળીના ભયંકર કડાકાથી આંચકો લાગ્યો હોય તેમ વિલફોર્ટ એડમન્ડનો જવાબ સાંભળી પત્ર સામે જોઇ રહ્યો. પત્ર તેના પિતાને ઉદ્દેશીને લખાયેલ. તેણે ઝડપથી તે ખોલ્યો અને વાંચવા માંડ્યો. એમાં નેપોલિયન બોનાપાર્ટની યોજનાની વિગતો હતી. નેપોલિયન એલ્બા ટાપુ

પરથી સશસ્ત્ર સૈનિકો સાથેનાં ત્રણ જહાજ લઇને નીકળશે, અને તેના સાથીઓએ પેરિસ નેપોલિયન પહોંચે તેની રાહ જોવાની સૂચના હતી.

પત્રની વિગતો વાંચતાં વિલફોર્ટ ધ્રુજી ઉઠ્યો. જો કોઇ જાણી જાય કે આવો પત્ર નાયબ સરકારી વકીલશ્રીના પિતાને લખાયો છે તો નાયબ સરકારી વકીલ તરીકેની તેની નોકરી જ ના જાય પણ શંટો દ’ ઇફની કોઇ કાળા કોટડીના કેદી જ તેને બનવું પડે! કેવું સારૂં નસીબ કે, આ જ દિવસે સરકારી વકીલ માર્સીલમાં હાજર ન હતા અને એડમન્ડ દાન્તેની તપાસ કરવાનું તેના નસીબમાં આવ્યું! એમ ન થયું હોત તો શું બનત તેની કલ્પનાથી તે ધ્રુજી ઉઠ્યો.

તે દાન્તે તરફ ફર્યો અને બોલ્યો, ‘તું મને વચન આપું છું કે તું આ પત્રની કશી પણ વિગત જાણતો નથી?’

‘સાહેબ, હું વચન આપું છું.’

‘ઠીક છે. હવે મારે તને થોડીક વારમાટે વધુ અહીં રોકવો પડશે. જેટલું બને તેટલું વહેલું કરીશું. તારી સામેનો મુખ્ય પુરાવો આ પત્ર છે. અને તેનેઆપણે પ્રથમ નાશ કરી નાખીએ છીએ.’ એમ કહી વિલફોર્ટે તે પત્ર મીણબત્તી સામે ધર્યો અને બળી નાખ્યો. તુરન્ત તે બળીને ખાખ થઇ ગયો અને તેની રાખ બારીની બહાર ફેંકી દેવામાં આવી.

‘તેં જોયુંને, મેં તારા માટે શું કર્યું. મેં આ પત્ર બાળી નાખ્યો. તારા વિરૂદ્ધનો એકમાત્ર પુરાવો - તેનો નાશ કરી નાંખ્યો. હવે તો તું મારી પર વિશ્વાસ રાખી શકું છું.’ વિલફોર્ટે લુચ્ચાઇથી કહ્યું.

‘હા સાહેબ, આપ ખૂબ ભલા છો. હવે મારે શું કરવાનું છે?’ એડમન્ડે પૂછ્યું.

‘ન્યાયલયમાં મારે તને આજ સાંજ સુધી રાખવો પડશે. જો બીજો કોઇ તને પ્રશ્ન કરે તો, આ પત્ર વિશે તારે એકપણ શબ્દ ઉચ્ચારવાનો નથી. એ પણ તારે સાવચેતી રાખવાની છે કે, આ પત્ર જેને લખાયેલો તેનું નામ પણ તારે કોઇને કહેવાનું નથી. સમજ્યો?’ વિલફોર્ટે કહ્યું.

‘હું વચન આપું છું...’ એડમન્ડે કહ્યું.

વિલફોર્ટે ઘંટડી વગાડી અને એક પોલીસ અંદર આવ્યો.

‘આની સાથે જા.’ વિલફોર્ટે એડમન્ડને જણાવ્યું.

જ્યારે પોલિસ અને એડમન્ડ રૂમ છોડી ગયા ત્યારે વિલફોર્ટ તેની ખુરશીમાં બેસી જ રહ્યો. જો આ પત્ર તેના સાહેબના હાથમાં પહોંચી ગયો હોત તો શું થાત તેની શક્યતાઓ વિચારતાં જ તે ધ્રુજી ઉઠ્યો હતો. એડમન્ડ દાન્તે પત્રની વિગતો જાણતો ન હતો, પણ તેને પત્ર કોને લખાયો છે તેની માહિતી તો હતી જ. એટલે તેને છોડવાનું જોખમ તો લઇ જ ના શકાય. તેણે એક યોજના વિચારી. એડમન્ડ દાન્તેને રસ્તામાંથી દૂર જ રાખવો, અને તે જે પત્ર લાવેલો તેની વિગતોનો ઉપયોગ પોતાના લાભાર્થે કરવો. ‘આ પત્ર કે જેનાથી હું બરબાદ થઇ જાત, તે જ પત્રની માહિતીથી હવે હું પૈસાદાર થઇશ.’ વિલફોર્ટ મનમાં બબડ્યો.

અને, ચહેરા પર મુસ્કરાહટ સાથે તેના લગ્નની મિજબાનીમાં પહોંચી ગયો.

અનુક્રમણિકા

૭ : સો દિવસ

એડમન્ડ દાન્તેને પોલિસ બહાર લઇ ગયો, પરંતુ તેને છોડી મુકવાને બદલે એક ઠંડી, ગંધાતી કોટડીમાં તેને પૂરી દીધો. આનો અર્થ શું થઇ શકે? વિલફોર્ટે તો તેને મુક્ત કરવાનું વચન આપ્યું હતું, જ્યારે અહીં તો તે એક કેદી બની ગયો હતો.

સાંજ પડે પાછો એક પોલીસ આવ્યો અને તેણે તેની કોટડીનું બારણું ખોલ્યું. પોતાની આગળ એડમન્ડને ધકેલતાં તેણે આદેશ આવ્યો, ‘મારી સાથે ચાલ.’

એડમન્ડ દાન્તેને ઘોડાગાડીમાં બેસાડવામાં આવ્યો. થોડીક મુસાફરી તેમાં કરાવ્યા બાદ એડમન્ડને એક હોળીમાં ચઢાવી દેવામાં આવ્યો.

‘મને ક્યાં લઇ જાવ છો?’ એડમન્ડે પૂછ્યું.

‘હમણાં તને ખબર પડશે.’ એક જણે તોછડાઇથી જવાબ આપ્યો.

એડમન્ડને લઇ જતી હોડી ધક્કો છોડી ગઇ અને સમુદ્રમાં આગળ વધવા લાગી. રાત્રિ અંધકારમય હતી, અને તેના અંધારાં વિંધીને એડમન્ડ પોતે ક્યાં લઇ જવાતો હતો તે નક્કી કરવા પ્રયત્ન કરતો હતો. થોડીવારમાં તો તેને બોલાચાલી થતી હોય તેવા અવાજો સંભળાવા માંડ્યા. સમુદ્રમાં એક ટાપુ પાસે તેઓ પહોંચી ગયા હતા. પણ, હજુ એડમન્ડ જાણી શક્યો ન હતો કે તેને ક્યાં લઇ આવવામાં આવ્યો છે. તેણે આંખો સતેજ કરી અને ઊંચે જોયું તો તેને ખ્યાલ આવ્યો કે, તે શૅટો દ’ઇફની તળેટીમાં જ ઉભો છે. એ હજુ કશું વિચારે તે પહેલાં તો તેને શૅટો દ’ઇફમાં ધકેલી દેવામાં આવ્યો, અને ઉપર નીચે જતાં થોડાં પગથિયાં ચઢાવ્યા - ઉતરાવ્યા પછી તેને એક અંધારી કોટડીમાં ધકેલી દેવામાં આવ્યો.

એડમન્ડે વિચાર્યું : ‘માળું કંઇક ગોટાળો થયો લાગે છે. ભારે મોટો ગોટાળો.’ તેને મર્સીડીસના વિચારો આવવા માંડ્યા. ‘બિચારી મારી રાહ

જોતી ઊભી હશે.’ એને સંદેશો તો મોકલવો જ જોઇએ. એ જેલર તરફ ફર્યો. ‘સાહેબ, હું પૈસાદાર નથી. એથી હું આપને બહુ મોટી રકમ આપી શકું એમ નથી. પણ જો આપ મારો એક ંદેશો માર્સીલ લઇ જશો, અને ત્યાં રહેતી એક મર્સીડીસ નામની છોકરીને આપશો તો હું આપને એક સો ક્રાઉન આપીશ.’

પણ જેલરને તેનો એકપણ શબ્દ સાંભળવાની ક્યાં પડી હતી. ‘એટલી નાની રકમ માટે મારી નોકરીનું જોખમ શું કરવા ખેડું?’

એડમન્ડ દાન્તેએ વિનંતીઓ કરી, ધમકીઓ આપી, પરંતુ કશું ના વળ્યું. એની કોટડીના દરવાજાનું જોરથી બંધ થવું અને તાળામાં કૂંચી ફરવી એ જ એનો જવાબ હતો માત્ર.

* * * * *

જ્યારે એડમન્ડને શૅટો દ’ઇફમાં પૂરી દેવામાં આવ્યો, ત્યારે વિલફોર્ટ પેરિસ તરફ જવા નીકળી ગયેલો. રાજા લુઇ અઢારમાને મળીને તે નેપોલિયનની યોજનાની માહિતી આપવા માંગતો હતો. એ રાજા સાથે હતો ત્યારે જ માહિતી આવી કે, નેપોલિયન તેના સૈન્ય સાથે દક્ષિણ કિનારે ઉતર્યો છે.

વિલફોર્ટના પેરિસ રોકાણ દરમિયાન તેના નેપોલિયનવાદી પિતાએ તેની મુલાકાત લીધી. એના પિતાને મળીને વિલફોર્ટ સહેજપણ રાજી થયો ન હતો. ઉલટાનું, અને એ ચિંતા હતી કે નેપોલિયનવાદી તેના પિતાને તેને ત્યાં આવેલા કોઇ જોઇ તો નથી ગયું ને! એ કોઇપણ રીતે નેપોલિયનવાદીઓ સાથે સંકળાવવા માગતો ન હતો. એ ઇચ્છતો હતો કે, તેના પિતા જલ્દીથી તેના નિવાસસ્થાનેથી જતા રહે.

એથી તેણે તેના પિતાને ચેતવ્યા કે, બધા જ નેપોલિયનવાદીઓની ધરપકડ થઇ રહી છે અને જેલમાં પૂરવામાં આવી રહ્યા છે. તેણે તેના પિતાને સલાહ આપી કે, તેમણે પેરિસમાં રહેવું હોય તો કોઇ ગુપ્ત સ્થળે

જતા રહેવું જોઇએ અને નહિ તો તેમને પકડી લેવામાં આવશે અને મારી નાખવામાં આવશે. તેના પિતા તેની સામે જોઇ રહ્યા. તેમના ચહેરા પર આભારની લાગણી દેખાતી હતી.

એમણે કહ્યું. ‘મારા દીકરા તારો ખૂબ ખૂબ આભાર. મને એમ લાગે છે કે તેં મારી જીંદગી બચાવી છે. એક દિવસ, જ્યારે નેપોલિયન સત્તા પર પાછો આવશે ત્યારે, આના બદલામાં તને જરૂર મદદ કરીશ.’

* * * * *

વિલફોર્ટની ચેતવણીથી રાજાને કશો લાભ થયો નહીં. તેને ફ્રાન્સ છોડીને નાસી જવું પડ્યું. નેપોલિયને પેરિસ કબ્જે કર્યું, અને ફરીથી તે ફ્રાંસ દેશનો રાજ્યકર્તા બની ગયો.

જેવો નેપોલિયન સત્તા પર આવ્યો કે, માર્સીલના વહાણ-માલીક મોરેલે એડમન્ડ દાન્તેની મુક્તિ માટેની અરજી કરી. જો એડમન્ડ દાન્તેને નેપોલિયનવાદી તરીકે જેલમાં પૂરવામાં આવ્યો હોય તો હવે તેને નેપોલિયનના રાજ્યમાં મુક્ત કરવો જ જોઇએ.

પણ એમ ન બન્યું. વિલફોર્ટ નેપોલિયનના રાજ્યમાં પણ માર્સીલમાં અધિકારી બની રહ્યો. તેના પિતાએ, વચન પ્રમાણે, તેને બચાવી લીધેલો. વિલફોર્ટ રાજા તરફી હોવા છતાં તેને તેની નોકરીમાં ચાલુ રાખવામાં આવેલો. બીજા બધા રાજાવાદીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલા; કેટલાકને જેલમાં પૂરવામાં આવેલા અને કેટલાકને મોતને ઘાટ ઉતારવામાં આવેલા. વિલફોર્ટની બાબતમાં એવું કશું ન બન્યું, કારણ તેના પિતાએ તેને બચાવી લીધેલો. સરકારી વકીલ રાજા તરફી હતો, અને તેને પકડી લઇ જેલમાં ધકેલી દેવામાં આવેલ. પછી તેનું શું થયું તે જોઇ જાણતું ન હતું. તેના સ્થાને વિલફોર્ટને મૂકવામાં આવેલો. નાયબ સરકારી વકીલ વિલફોર્ટ હવે સરકારી વકીલ બને છે.

વિલફોર્ટ જાણતો હતો કે, જો એડમન્ડને મુક્ત કરવામાં આવે તો તેની છેતરપિંડી જાહેર થઇ જાય. એથી એડમન્ડ જેલમાં જ ગોંધાઇ રહે તેવી જ કાર્યવાહી કર્યા કરી. જ્યારે જ્યારે મોરેલ એડમન્ડ માટે મળવા ગયો ત્યારે તેણે માત્ર વચનો જ આપ્યાં અને કશાં નક્કર પગલાં ન ભર્યાં.

* * * * *

એડમન્ડ દાન્તેના છૂટકારાનો ભય માત્ર એકલા વિલફોર્ટને જ ન હતો, બીજા ઘણાને હતો. ડેન્ગલર્સે પણ નેપોલિયનના આગમનને સાવચેતીપૂર્વક જોવા માંડેલું. નેપોલિયન સત્તારુઢ થતાં તેને થયું, હવે એડમન્ડ મુક્ત થશે અને તે મારી શોધ કરશે. મારા પર બદલો વાળ્યા વિના નહીં રહે. મારે કોઇ બીજા દેશમાં સંતાઇ જવું જોઇએ, જેથી તે મને શોધી ન શકે. આમ વિચારી ડેન્ગલર્સ ફ્રાન્સ છોડી ગયો, અને સ્પેનમાં રહ્યો.

ફર્નાન્ડ મોન્ડેગો માટે તો સારું જ થયું હતું. એડમન્ડ જતાં તે બધો સમય મર્સીડીસ સાથે વિતાવવા લાગ્યો. એ મર્સીડીસનો પ્રેમ જીતવા માગતો હતો. તેને એડમન્ડનું શું તયું તે જાણવાનીકે તેની ચિંતા કરવાની પજી જ ન હતી. એ તો એ દિવસની રાહ જોતો હતો, કે ક્યારેમર્સીડીસ તેની પત્ની બનવા સંમતિ આપે.

ફર્નાન્ડ મોન્ડેગો સૈનિક હતો. એક સૈનિક તરીકે નેપોલિયન તરફથી તેને યુદ્ધમાં જવા આદેશ મળ્યો. જ્યારે તે મર્સીડીસની વિદાય લેવા ગયો ત્યારે મર્સીડીસ ખૂબ જ દુઃખી થઇ ગઇ. તે બોલી પડી, ‘ફર્નાન્ડ, કશુંક અઘટિત થાય તો હું આ દુનિયામાં એકલી જ પડી જઇશ.’

એના શબ્દોએ ફર્નાન્ડ રાજી થયો. જો એડમન્ડ પાછો ન આવે તો, કોઇક દિવસ મર્સીડીસ તેની પત્ની બનશે એવી આશા તેને બંધાઇ.

* * * * *

નેપોલિયન સો દિવસ સત્તા પર રહ્યો. વોટરલૂના યુદ્ધમાં તેનો પરાજય થયો.વિલફોર્ટે ધારેલું તેમ રાજા લુઇ અઢારમો પેરિસમાં સત્તાસ્થાને આવ્યો. એ સાથે એડમન્ડની મુક્તિ માટે મોરેલ આવતો બંધ થઇ ગયો.

હવે બધી આશાનો અંત આવ્યો. એડમન્ડ દાન્તેના વૃદ્ધ પિતાને ખાતરી થઇ ગઇ કે, તે હવે તેના દીકરાને મળી શકશે નહીં. તેના પૈસા પણ ખલાસ થઇ ગયા હતા. અને જે કાંઇ માંગીને મેળવી શકે તેમ હતો તે પણ જતું રહેલું. એને હવે જીવવાની કોઇ ઇચ્છા ન હતી કે ન હતો જુસ્સો. નેપોલિયનની હાર પછી તે તુરન્ત ભૂખમરાથી અવસાન પામ્યો, એના પુત્રની થનાર પત્ની મર્સીડીસના સહારામાં.

અનુક્રમણિકા

૮ : જેલમાં

શેટો દ’ઇફમાં એક વિભાગ એવા હતો જ્યાં માત્ર ગાંડા અને ભયંકર કેદીઓનેજ રાખવામાં આવતા હતા. એ વિભાગ ભોંયરામાં હતો. આ ભોંયરામાં એક કોટડીમાં એડમન્ડ દાન્તેને રાખવામાં આવેલો. એની કોટડીનું બારણું દિવસમાં બે વખત સહેજ ખોલવામાં આવતું, એક સવારે અને બીજી વખત સાંજે. અને તે વખતે એક થાળીમાં થોડો ખરાબ ખોરાક અને એક પાણીને કૂંજો અંદર ધકેલી દેવાતો. પછી પાછું તે બંધ થઇ જતું. ખોરાક આપવાનું કામ જેલર કરતો. એ સિવાસ એડમંડને કોઇ માણસ જોવા ન મળતો.

એડમન્ડને એ પણ સમજણ ન પડી કે, કોર્ટમાં કેસ ચલાવ્યા વગર તેને કેમ જેલમાં પૂરી દેવામાં આવ્યો. એક વર્ષ તો એણે એ આશામાં પસાર કર્યું કે, વિલફોર્ટને તેની ભૂલ સમજાશે અને તેને મુક્ત કરવાનો આદેશ આપશે.બિચારો એડમન્ડ ! એને ક્યાં ખબર હતી કે તેને જેલમાં પૂરનાર બીજો કોઇ નહીં પણ નાયબ સરકારી વકીલ વિલ્ફોર્ટ પોતે જ હતો.

બીજું વર્ષ પસાર થઇ ગયું. એડમન્ડ દાન્તેને જેલ બહારની દુનિયાની કશી માહિતી ન મળી. એણે તો માત્ર એની કોટડીની ચાર દિવાલો જ જોવાની હતી. અને દિવસમાં બે વખત ખાવા આપવા આવતા જેલરને જ જોવાનો હતો.

ત્રીજું વર્ષ પસાર થઇ ગયું. એમ ચોથું પણ પસાર થઇ ગયું. હવે તો એવી પરિસ્થિતિ સર્જાઇ કે, દાન્તેને એ પણ યાદ ન રહ્યું કે તે ગુનેગાર હતો કે નિર્દોષ. એનું મન બાવરું બની ગયું. એ ચોક્કસપણે ગાંડો થતો જતો હતો.

કેદી થયાના પાંચમા વર્ષે એનો મિજાજ બદલાઇ ગયો. એ ગુસ્સામાં જ રહેવા લાગ્યો. એ જેલરોને બરાડા પાડી ભાંડવા માંડ્યો. એ

એને જેલમાં પૂરનારને પણ ભાંડવા માંડ્યો. એના વર્તનથી જેલરો પણ ગભરાવા માંડ્યા. તેઓ એને ગાંડો ગણવા માંડ્યા. એ ભોંયરામાંના કેદીઓની જેમ ભયંકર ગણાવા માંડ્યો.

છઠ્ઠા વર્ષનાં અંતે તો દાન્તેએ જીવવાની આશા છોડી દીધી. એણે મરવાનું નક્કી કરી દીધું, એણે ખાવા-પીવાનું છોડી દીધું. એથી એનું ખાવાનું તે હવાબારીમાંથી બહાર ફેંકી દેવા માંડ્યો. એ નબળો પડતો ગયો. એવી સ્થિતિ આવી ગઇ કે તે પથારીમાંથી ઉભો પણ ન થઇ શકે. તે લગભગ મરી ગયો હતો.

એ એની પથારીમાં પડ્યો રહેતો હતો. એ જેલમાં થતા અવાજો સાંભળતો. એ જેલમાંના બધા અવાજોથી પરિચિત બની બયેલ. એની કોટડીની છતમાંથી ટપકતા પાણીનાં ટપ ટપ અવાજ પણ તેને સ્પસ્ટ રીતે સંભળાતો ; કોટડીમાં અને જેલમાં આમતેમ દોડાદોડી કરતા ઉંદરડાઓના અવાજ પણ તે સાંભળી શકતો ; એને એની કોટડીના કોઇ ખૂણામાં જાળુ ગુંથતા કરોડીયાની ધીમી ધીમી હલચલ પણ સાંભળી શકતો.

પણ, એક સાંજે એને એક વિચિત્ર અવાજ સાંભળવા મળ્યો. એની કોટડીની દિવાલ પાછળ કશું ખોતરાતું હોય તેવો અવાજ લાગ્યો. એ અવાજ થોડો સમય ચાલ્યો અને પછી અટકી ગયો. જેલર ખાવાનું આપવા આવે તે સમયની થોડીવાર પહેલાં જ તે અવાજ બંધ થયો. એ અવાજ પરથી એમ લાગતું હતું જાણે કે કોઇ કેદી ભાગી છૂટવા કોઇ ગુપ્ત માર્ગ બનાવી રહ્યો હતો... શું આ શક્ય હતું? દાન્તે ભાગ્યે જ આ વાત માની શક્યો.

એ અવાજે દાન્તેમાં પરિવર્તન લાવી દીધું. હવે એને મરવાને બદલે જીવવાની ઇચ્છા થઇ. એને થયું, બીજો કોઇ કેદી જો નાસી જવા માટે ગુપ્ત માર્ગ ખોદી શકે તો એ કેમ ના કરી શકે? તેણે નક્કી કર્યું, તેની કોટડી પાછળથી આવી રહેલા અવાજ અંગે વધુ જાણકારી મેળવવી.

તેણે ફરી ખાવાનું શરૂ કર્યું હવે તેને તાકાતની જરૂર હતી. જેવી એનામાં થોડી તાકાત આવી કે, તેણે કોટડીમાં એવું સાઘન શોધવા માંડ્યું જેનાથી તે દિવાલના પથરાઓને ખોતરી શકે. તેની કોટડીમાં એવું સાધન ન હતું. એક જ લોખંડની વસ્તુ તેને જોવા મળતી અને તે સોસપાન, જેમાં જેલર તેના માટે પાતળું પ્રવાહી લાવ્યા કરતો. એમાંથી જેલર તેની થાળીમાં રેડતો અને પછી સોસપાન લઇ જતો રહેતો.

દાન્તેને એક વિચાર આવ્યો.

એ જ સાંજે, દાન્તેએ એની થાળી દરવાજાની તદ્દન નજીક મૂકી દીધી. જેલરે આવીને દરવાજો ખોલ્યો અને તેનો પગ થાળી પર મૂકી દીધો. થાળીના કકડે કકડા થઇ ગયા. દરવાજા પાસે થાળી મૂકવા બદલ તે દાન્તે સામે બબડ્યો અને સુપ આપવા માટેનું કશું વાસણ તેની કોટડીમાં શોધવા માંડ્યો. એવું કશું હતું જ નહીં.

‘આ સોસપાન જ મૂકતા જાવ. અને મારો નાસ્તો લઇ આવો ત્યારે પાછું લેતા જજો.’ એડમન્ડે સૂચવ્યું.

જેલર સંમત થયો, કારણ કે તેમ કરવાથી તેની તેની થાળી લેવા જવાની મહેનત બચતી હતી.

જેવું કોટડીનું બારણું બંધ થયું કે, દાન્તે તેનો સુપ ઝડપથી પી ગયો અને કામે વળગ્યો. સોસપાનના હાથા વડે તેણે દિવાલમાંના એક પથ્થરની આસપાસનો ચૂનો ખોતરવા માંડ્યો. સવાર સધીમાં તો પથરો દિવાલમાંથી કાઢી નાંખ્યો. જેલર આવે તે પહેલાં તેણે તે પથરો પાછો દિવાલમાં મૂકી દીધો.

બારણું ખૂલ્યું અને જેલર ખોરાક સાથે આવ્યો.

‘તમે મને બીજી થાળી ન લાવી આપી.’ દાન્તેએ કહ્યું. ‘એ સોસપાન જ તારી પાસે છો રહ્યું. જેથી તું તોડી તો ના શકું.’ જેલરે જવાબ આપ્યો.

દાન્તે એના નસીબને માની ન શક્યો. એણે મનોમન ભગવાનનો આભાર માન્યો.

જેવો જેલર પાછો ગયો કે તેણે તેનું કામ શરૂ કર્યું. તેણે પેલો પથ્થરો બહાર કાઢ્યો, અને તેની પાછળની જગ્યા ખોદવા માંડ્યો. એણે ખોદ્યા જ કર્યું, અને પરિણામે ઘસડીને જઇ શકાય એવું એક મોટું કાણું દિવાલમાં થઇ ગયું. પોતાનું માથું એમાં નાખી હાથ લંબાવી તેણે તેમાંની માટી દૂર કરવા માંડી. થોડા વારમાં તે પેલા ગુપ્ત માર્ગમાં આવી ગયો, જે બીજો કેદી બનાવી રહ્યો હતો.

એ ગુપ્ત માર્ગમાં તે સરકવા માંડ્યો. એક ખૂણા પાસે બીજું કશું સળવળતું હોય તેવો અવાજ સાંભળવા મળ્યો. તે જડ બની ગયો, ન હાલ્યો કે ન શ્વાસ લીધો. અવાજ પાછો આવ્યો અને પછી અટકી ગયો. ગુપ્ત માર્ગના અંધારામાં, દાન્તે અન્ય વ્યક્તિનો શ્વાસ અનુભવી શકતો હતો.

પ્રથમ વખત જ, લગભગ છ વર્ષ પછી તે કોઇ માણસને મળી રહ્યો હતો.

અનુક્રમણિકા

૯ : બે કેદીઓ

પ્રથમ મુલાકાત પછી બંને કેદીઓ દરરોજ મળવા લાગ્યા; એમની મુલાકાતો એકબીજાની કોટડીમાં રાત્રે જ થતી અને સવારે જેલર ભોજન આપવા આવે તે પહેલાં પોતપોતાના સ્થાને પહોંચી જતા. દાન્તેના સાથી કેદીનું નામ હતું ફેરિયા; તે એક ઇટાલિયન પાદરી હતો અને ૧૯૦૮થી શેટો દ’ઇફનો કેદી હતો. દાન્તે કરતાં સાત વર્ષ પહેલાં તેને કેદ થયેલી.

ફેરિયા શરીરે નાનો માણસ હતો. તે ઉંમરમાં પણ નાનો હતો; પરન્તુ એ નાની ઉંમરમાં એણે જે દુઃખો અને યાતનાઓ ભોગવી હતી તેના લીધે તે ઘરડો દેખાતો હતો. તેના વાળ લાંબા હતા, પણ ધોળા થઇ ગયેલા. એનો ચહેરો એને પડેલી યાતનાઓની ચાડી ખાતો હતો. જો કે તેની દાઢી કાળી હતી અને તે તેની કમર સુધી પહોંચતી. તેની આંખો ગાઢી અને તેજ હતી. દાન્તેની જેમ તે પણ ચીંથરેહાલ હતો.

ફેરિયાને જેલ થઇ તે પહેલાં તે રોમના કાર્ડીનલ સ્પેડાનો મંત્રી હતો. કાર્ડીનલના મૃત્યુ બાદ તુરન્ત તેને પકડી લેવામાં આવેલો, અને રાજ્ય વિરૂદ્ધ કાવત્રુ કરવાના આરોપસર જેલમાં પૂરી દેવામાં આવેલો. આથી એ જેલમાં હતો; શેટોદ’ઇફનો કેદી હતો.

ફેરિયાને શેટોદ’ઇફમાં ગાંડા કેદીઓની સાથે ભોંયરામાં રાખવામાં આવેલો. જેલના માણસો તેને ગાંડો ગણતા, કારણ કે તે હંમેશાં પોતાના છુપાવેલા ખજાનાની જ વાત કરતો. એણે જેલરને એવી લાલચ આપેલી કે, જો તે તેને જેલમાંથી નાસી છૂટવા દે તો તેના છૂપા ખજાનામાંથી તેને થોડો ભાગ આપશે. પણ જેલવાળા જાણતા હતા કે, તેની પાસે કોઇ છૂપો ખજાનો નથી.

ફેરિયા વિદ્વાન માણસ હતો. તેને ઘણી ભાષાઓ આવડતી. તે ગણિત, વિજ્ઞાન, દવા અને સાહિત્યમાં પણ ખૂબ જાણકારી ધરાવતો. એણે જેલની કોટડીમાં રહ્યા રહ્યા જ છૂપો માર્ગ બનાવવાનાં સાધનો

બનાવેલાં. એ ઉપરાંત તેણે માછલીના હાડકામાંથી પેન બનાવેલી; મેશમાંથી શાહી બનાવેલી. જ્યારે તેની પાસે શાહી ખલાસ થઇ જતી ત્યારે તે પોતાના શરીરમાં ઘા પાડી લોહી કાઢી લોહી વડે લખતો. તેણે તેના ખમીસમાંથી કાગળ બનાવેલ. આ પેન, શાહી અને કાગળની મદદથી તેણે જેલમાં જ એક પુસ્તક લખેલું. એજ રીતે, નાનાં નાનાં હાડકાંમાંથી તેણે સોયો બનાવેલી, એક ચપ્પુ પણ બનાવેલ. વધેલા કાપડમાંથી તેણે નાશી છૂટવા માટે નીસરણી પણ બનાવી રાખેલી.

‘પણ, આ બધું તમે ક્યાં સંતાડ્યું છે?’ દાન્તેએ પૂછ્યું.

‘મારી કોટડીની પાછળ આવેલા એક જૂના ચૂલામાં. એ જ ચૂલામાંથી મને મેશ મળેલી જેના વડે મેં શાહી તૈયાર કરેલી.’

ફેરિયાએ દાન્તેને જણાવ્યું કે તેને એમ હતું કે તેનો ગુપ્ત માર્ગ કિલ્લાની બહાર નીકળશે અને ત્યારે તે તેની નીસરણીની મદદથી નાસી છૂટશે. ત્યાંથી એ દરિયામાં પડી દૂર દૂર તરી જશે, પણ, કાશ ! એમ ન થયું. તે ખોટો પડ્યો. એની કોટડીથી ગુપ્ત રસ્તો બહાર જવાને બદલે દાન્તેની કોટડીએ પહોંચ્યો !

અનુક્રમણિકા

૧૦ : ફેરિયા ભેદ ઉકેલે છે.

એડમન્ડ દાન્તેને થયું, ફેરિયા જેવો ડાહ્યો અને હોંશિયાર માણસ તેને તેની આપત્તિનું રહસ્ય શોધી કાઢવામાં કદાચ મદદ કરી શકે.

એડમન્ડ દાન્તેએ ફેરિયાને પોતાના લગ્નની વાત કરી. એણે એ પણ કહ્યું કે, નાયબ સરકારી વકીલે તેને છોડી મૂકવાની ખાત્રી આપ્યા પછી પણ સૈનિકોએ તેની કેવી રીતે ધરપકડ કરી અને તેને કેવી રીતે શેટોદ’ઇફમાં પૂરી દેવામાં આવ્યો. તેણે ફેરિયાને પૂછ્યું, શું તે આવું કેમ બન્યું હશે તે સમજી શકે છે.

‘હું કેમ કેદી બન્યો? હું તો નિર્દોષ છું’ એડમન્ડે કહ્યું.

એડમન્ડ દાન્તે બોલી રહ્યો એટલે ફેરિયા શાંતિથી વિચારવા લાગ્યો. પછી તેણે કહ્યું, ‘જો તારે કોઇપણ ખરાબ કૃત્ય શોધી કાઢવો હોય તો પ્રથમ તારે એ શોધી કાઢવું જોઇએ કે તેનાથી લાભ કોને થવાનો છે. હવે, તારા કિસ્સામાં વિચારીએ તો, તારી ગેરહાજરીથી કોને લાભ થાય?’

‘કોઇને નહીં. હું ક્યાં મોટો માણસ હતો.’ દાન્તેએ જવાબ આપ્યો.

‘દરેક માણસ કોઇકને માટે તો થોડો મહત્વનો છે જ. તેં જ હમણાં કહ્યું કે, તને ‘ફેરોન’ નો કેપ્ટન બનાવવાનો હતો. અને તું એક યુવાન સુંદર છોકરીને પરણવાનો હતો. આ બંને ઘટનાઓ બનવી રોકવામાં કોઇને રસ હોય ખરો? તું ‘ફેરોન’ નો કપ્તાન ન બનું તેવું કોઇ ઇચ્છતું હતું ખરું?’ ફેરિયાએ પૂછ્યું.

‘ના મને લાગે છે કે ખલાસીઓને તો તે ગમ્યું જ હોત. એક જ માણસ મારી સાથે ઝગડેલો. એને તે ડેન્ગલર્સ,’ દાન્તેએ જવાબ આપ્યો.

‘અને જો તું કપ્તાન બન્યો હોત તો તેં આ ડેન્ગલર્સને ‘ફેરોન’ પર રાખ્યો હોત?’ ફેરિયાએ પૂછ્યું.

‘ના. કારણ કે મેં ઘણી વાર તેના હિસાબોમાં ભૂલો જોયેલી.’

‘હં... હવે કંઇક તાગ મળે છે. અને જ્યારે તું એલ્બા ટાપુ પર ઉતર્યો, ત્યારે તને પેરિસ લઇ જવા એક કાગળ આપવામાં આવેલો. કોઇએ તને આ પત્ર લઇ વહાણ પર આવતો જોયેલો?’ ફેરિયાએ પૂછ્યું.

‘કોઇ એ પણ જોયો હોય. કારણ કે તે મારા હાથમાં જ હતો.’

‘તો, મારા મતે એક વાત સ્પષ્ટ બને છે કે, ડેન્ગલર્સે તને એ પત્ર લઇ આવતો જોયો હશે. સરકારી વકીલશ્રીને મોકલવામાં આવેલ તારી વિરુદ્ધની ફરિયાદમાં તેને કશીક લેવાદેવા છે જ. શરૂઆતથી જ જો તું તેને શંકાની નજરે ના જોતો હોઉં તો, તું ભોળો છે. બીજાઓમાં વિશ્વાસ રાખનાર છે.’ ફેરિયાએ સ્પષ્ટતા કરી.

‘ઓહ...! ડેન્ગલર્સ કેટલો દુષ્ટ માણસ છે.’

‘હવે, તારા અને મર્સીડીસના લગ્ન વિશે. શું તે લગ્ન થતું રોકવામાં કોઇને રસ હતો?’ ફેરિયાએ પૂછ્યું.

‘એનો પિતરાઇ ફર્નાન્ડ તેને ચાહતો હતો, પરન્તુ પત્રમાં જણાવી છે તે કોઇ વિગત તેના ખ્યાલમાં ન હતી. હવે મને ખાત્રી થાય છે કે, તે પત્ર ડેન્ગલર્સે જ લખ્યો હશે.’

‘પણ આ ડેન્ગલર્સ ફર્નાન્ડને ઓળખે છે?’ ફેરિયાએ પૂછ્યું.

‘ના...હા. તે ઓળખે છે. હવે મને યાદ આવે છે!’

‘શું?’

‘એ બંને, ડેન્ગલર્સ અને ફર્નાન્ડ, મારા પાડોશી કેડરૂસ સાથે હોટલ લા રિઝર્વ ધાબે બેઠેલા. અમે માર્સીલ આવી પહોંચ્યા તે જ દિવસે હું અને મર્સીડીસ ફરવા નીકળેલાં. મેં આ તો વિચાર્યું જ નહીં, હોટલમાં તેમના ટેબલ પર કાગળ, પેન અને શાહી પણ પડેલી. હવે બધું સ્પષ્ટ થાય છે.’ એડમન્ડે કહ્યું.

‘તને સંતોષ થયો?’

‘હા, હવે બધું સમજાય છે. પણ હજુ વધુ મારે જાણવું છે. કેસ ચલાવ્યા વગર મને જેલમાં કેમ ધકેલી દીધો?’

‘એ જૂદી બાબત છે. તેં તો મને કહ્યું કે, રાજ્ય સરકારી વકીલે નહીં, પણ તેના નાયબે તારી પૂછપરછ કરેલી. ૨૭ વર્ષનો યુવાન નાયબ અધિકારી કદાચ તે બહું મહત્વાકાંક્ષી હોય. તારી જોડે તેણે કેવું વર્તન કરેલું?’ ફેરિયાએ પૂછ્યું.

‘બહુ ભલાઇથી.’

‘પણ તપાસ દરમિયાન ક્યારેય તેની વર્તણુંક બદલાઇ હતી ખરી?’

‘હા. એલ્બાથી પેરિસ લઇ જવાનો કાગળ જ્યારે તેણે વાંચ્યો ત્યારે હું જે મુશ્કેલીમાં મુકાઇશ તે બાબત વિચારી તે ચિંતિત બનેલો.’

‘તારી મુશ્કેલીની ચિંતાથી? તને ખાત્રી છે કે, તે તારી મુશ્કેલી અંગે જ ચિંતિત હતો?’ ફેરિયાએ પૂછ્યું.

‘હા શા માટે નહીં? એ અમ પૂરવાર કરવા માંગતો હતોે કે પત્ર બાળીને તે મને મદદ કરી રહ્યો હતો.’

‘તને ખાત્રી છે, તેણે પત્ર બાળી જ નાખ્યો હતો?’

‘મારી સામે જ બાળેલો. એમ પણ તેણે કહેલું કે, મારી સામેનો એકમાત્ર પૂરાવો તે બાળી રહ્યો છે.’

‘એવું બની શકે. તને એવું લાગે છે કે, પત્ર બાળવામાં તેને પોતાનો કોઇ રસ હોય?’ ફેરિયાએ પૂછ્યું.

‘એણે મારી પાસે એટલું વચન તો લીધેલું જ કે તે પત્ર વિશે હું કોઇને વાત નહીં કરું. અને તે પત્ર જેને લખાયેલ તે નામ અને સરનામું તો કોઇપણ ભોગે કોઇને ન જણાવું. એ નામ મને બરાબર યાદ છે. તે નોરટર હતું.’

‘નોરટર ! એ નામે તો એક ફ્રેન્ચ રાજદૂત ઇટાલિમાં હતો. ક્રાંતિ પહેલાં તે એક ઉમરાવ હતો. અને ક્રાંતિ પછી તેણે નામ બદલેલું. તને નાટબ સરકારી વકીલનું નામ ટાદ છે?’ ફેરિયાએ પૂછ્યું.

‘હા તેનું નામ હતું વિલ્ફોર્ટ.’

ફેરિયા હસી પડ્યો.

‘એ નાયબ સરકારી વકીલે પત્રનો નાશ કર્યો, એણે તારા ભલા માટે, નોરટરનું નામ કોઇને ન જણાવવા કહ્યું તેમાં કશું ખોટું નથી કર્યું. એમ જ કરે. તને ખબર છે આ નોરટર કોણ છે? એ તેનો પોતાનો પિતા હતો. નાયબ સરકારી વકીલનો જ બાપ સમજ્યો.’

અનુક્રમણિકા

૧૧ : વર્ષોની સખત મહેનત

જ્યારે એડમન્ડ દાન્તેને સમજાયું કે કેવી રીતે તેના કહેવાતા મિત્રોએ તેની સાથે છેતરપીંડી કરી હતી ત્યારે તેણે એ સૌ પર બદલો લેવાના સોગંધ ખાધા.

એનો નિર્ણય ફાધર ફેરિયાને ન ગમ્યો. એમણે નિરાશામાં માથું હલાવ્યું. ‘બદલાનો વિચાર ખોટી બાબત છે. તારે જો એમ કરવું હોય તો, તને મદદ કર્યાનું મને દુઃખ છે.’

યુવાન માણસ કડવાસપૂર્વક હસ્યો. તેણે વાત વાળી, ‘ચાલો, આપણે બીજી વાતો કરીએ.’

ત્યાર પછીના દિવસોમાં ફેરિયાએ ઘણી બધી વસ્તુઓની વાતો કરી. દાન્તેને રસ પડવા માંડ્યો. તેને ભણવું હતું. ફેરિયાએ તેને ભણાવ્યો ; ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, વિદેશોની ભાષાઓ, સાહિત્ય અને દવાઓ વિશે શીખવ્યું.

દાન્તે થોડું ઇટાલિયન શીખ્યો ; અને છ માસના અંતે તો તેણે સ્પેનિસ, અંગ્રેજી અને જર્મન ભાષાઓ પણ બોલવા માંડી. એક વર્ષના અંતે તો એનું દરેક વિષયનું જ્ઞાન એટલું બધું વધી ગયું કે કોઇ કલ્પી ના શકે કે તે પહેલાં એક ભલોભોળો ખલાસી હતો.

સમય પસાર થતો ગયો. એમની પ્રથમ મુલાકાતના લગભગ બે વર્ષ પછી બંને જણા જેલમાંથી નાસી છૂટવાનું વિચારવા માંડ્યા.એમણે નવો ગુપ્ત માર્ગ બનાવવાનું વિચારવા માંડ્યું, આ નવો ગુપ્ત માર્ગ એમની કોટડીઓને જોડતા ગુપ્ત માર્ગમાંથી કાઢવાનો હતો. નવો છૂપો માર્ગ રવેશની નીચે નીકળે, જ્યાં એક સૈનિક ઉભો રહે ત્યાં. અહીં તેઓ એક ખાડો બનાવશે. એ ખાડા ઉપર મૂકેલ પથ્થર જેવો પેલો સૈનિક તેના પર પગ મૂકે કે તૂટી પડે અને સૈનિક ગુપ્ત માર્ગમાં પડી જાય. તે વખતે તે બંને સૈનિકને ઠેકાણે પાડી દે અને ફેરિયાની નીસરણી વડે બારીમાંથી ગઢ ઉતરી દરિયામાં કૂદી પડે.

બંને જણા નવો ગુપ્ત રસ્તો બનાવવા સખ્ત મહેનત કરતા હતા, અને તો પણ ફેરિયાએ દાન્તેને ભણાવવાનું ચાલુ જ રાખેલું. દાન્તે તેના મિત્ર જેટલો જ વિદ્વાન બની ગયો. દરરોજની ફેરિયા સાથેની વાતચીતને લઇને દાન્તેની અસ્સલ ખલાસી વર્તણુંકો છૂટી ગઇ. તે નમ્ર બન્યો ; ઉચ્ચ અને શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ મેળવનારાઓને જે પ્રાપ્ત થાય તેવી રીતભાત તેનામાં આવી ગઇ.

બીજાં બે વર્ષ વહી ગયાં ; ગુપ્ત માર્ગ બનાવવાનું તેમનું કામ એકાએક અટકી ગયું. ફેરિયા સખત બિમાર પડ્યો. તેને એકાએક હુમલો થયો અને તે લાચાર બની ગયો. તેણે દાન્તેને વિનંતી કરી કે,તેણે ગુપ્ત માર્ગ બનાવવાનું ચાલુ રાખવું જોઇએ અને નાસી જવું જોઇએ, પરન્તુ દાન્તેને પોતાના વૃદ્ધ અને બિમાર મિત્રને છોડીને એમ જેલમાંથી ભાગી જવામાં રસ ન હતો. જ્યાં સુધી ફેરિયા સાજો ન થઇ જાય ત્યાં સુધી તેની સાથે જ રહેવાનો તેણે નિર્ણય કરી લીધેલો જો તેઓ બંને સાથે જ નાસી જઇ શકે તો, તેને એકલાને નાસી છૂટવાની કોઇ ઇચ્છા ન હતી. એથી ગુપ્ત માર્ગ બનાવવાનું કામ અટકી ગયું.

આ યુવાન માણસની મિત્રતા અને નિષ્ઠાથી ફેરિયા ઘણો આશ્ચર્યમાં પડી ગયો. તે દાન્તેને પોતાનો પુત્ર ગણવા લાગ્યો. એને તેથી જ તેણે દાન્તેને પોતાના ‘ખજાના’ ની વાત કહેવા નક્કી કર્યું.

અનુક્રમણિકા

૧૨ : ફેરિયાનો ખજાનો

દાન્તેએ જેલના રક્ષકોને ફેરિયાને ગાંડો કહેતા સાંભળેલા, કારણકે ફેરિયા હંમેશાં ખજાનાની વાત કરતો કે જે તેની પાસે હતો જ નહીં. એથી જ્યારે ફેરિયાએ ફરીથી તે ખજાનાની દાન્તેને વાત કરવા માંડી, ત્યારે દાન્તેને લાગ્યું કે ફેરિયા મગજ પરનો કાબુ ગુમાવી રહ્યો છે.

‘મિત્ર, તમે માંદા છો. શાંત રહો અને થોડો આરામ કરો,’ દાન્તેએ સલાહ આપી.

ફેરિયા તેની સામે જોઇ રહ્યો.

‘તું માનું છું કે હું ગાંડો છું, પણ દાન્તે, ખજાનો ત્યાં છે જ. માત્ર મને સાંભળ અને પછી તું નક્કી કર કે હું સત્ય બોલું છું કે નહીં.’ ફેરિયાએ કહ્યું.

પછી તેણે દાન્તેને તેની વાત કહી.

ફેરિયા કાર્ડીનલ સ્પેડા એક ખૂબ જૂના રોમના કુટુંબનો છેલ્લો વારસ હતો. પંદરમી સદીના અંત સુધીમાં તો આ કુટુંબને તેમની સંપત્તિ છુપાવી દેવાની ફરજ પડી હતી, જેથી તે શક્તિશાળી સીઝર બોર્ગીઆ પડાવી ના લે ! (સીધર બોર્ગીઆ રાજ કુમાર હતો, અને ઘણો દુષ્ટ હતો) સ્પેડા કુટુંબનો વડો હતો. તે વખતે તેનું નામ સીઝર સ્પેડા હતું એણે સંપત્તિને એવી રીતે છુપાવી કે, તેના મૃત્યુ પછી તેને ઝેર આપનાર સીઝર બોર્ગીઆને કે તેના કુટુંબને તે સંપત્તિનો પત્તો મળ્યો નહીં ! એના અવસાન પહેલાં સ્પેડાને તેના કુટુંબના સભ્યોને છુપાવેલી સંપત્તિ અંગે માહિતી આપવાનો સમય પણ ન મળ્યો. એમ પણ શોધી ન શકાયું. સીઝર સ્પેડા કુટુંબની છેલ્લી વ્યક્તિ તે કાર્ડીનલ સ્પેડા.

કાર્ડીનલ સ્પેડાએ એની જિંદગીનો ઘણો સમય એ છુપો ખજાનો ખોળી કાઢવા ખર્ચી નાખ્યો પણ તેને સફળતા ન મળી. તેને કોઇ વારસ ન હતો. તે જ્યારે અવસાન પામ્યો ત્યારે તેણે તેના કાગળો તેના મંત્રી ફેરિયાને આપ્યા.

કાર્ડીનલ સ્પેડાએ આપેલા કાગળો એક દિવસ ફેરિયા તપાસતો હતો. તેમાંના એક કાગળમાં તેણે કશું લખાણ જોયું નહીં. સાંજ થવા આવી હતી. તેથી તેણે તે કાગળનો મિણબત્તી સળગાવવા ઇપયોગ કર્યો. જેવો તેણે તે કાગળ અગ્નિમાં મૂક્યો કે તેને તે કાગળ પર પીળીશ પડતા અક્ષરો દેખાયા. તુરન્ત તેણે કાગળનો ભાગ ઓલવી નાખ્યો, કારણ તે કાગળમાં તો લખાણ લખેલું હતું. એ અદ્રશ્ય શાહીથી લખેલું હતું. તેથી કાગળ તપે ત્યારે જ તે અક્ષરો વાંચી શકાય.

તેણે કાગળ બચાવી લીધો. પછી તેણે તે કાગળને તપાવ્યો. અક્ષરો ઉપસી આવ્યા. જેટલો ભાગ બળી ગયો હતો તેટલા અક્ષરો નાશ પામ્યા હતા. પણ તે લખાણ તે સમજી શક્યો. એ તો સીઝર સ્પેડાનું વસિયતનામું હતું. આ વસિયતનામું તો સ્પેડા કુટુંબ છેલ્લાં ૩૦૦ વર્ષથી શોધી રહ્યું હતું. એણે શાંતિથી વિચાર્યું, અને તે, હોંશિયાર હતો તેથી, બળી ગયેલા ભાગના અક્ષરો શું હોઇ શકે તે વિચારી તે આખું લખાણ બીજા કાગળ પર લખી નાખ્યું.

અહીં જેલમાં પણ ફેરિયાને તે લખાણ યાદ હતું. તેણે તે એક કાગળ પર લખી નાખ્યું. દાન્તેએ એ લખાણ વાંચ્યું.

આ ૧૪૯૮ ની ૨૫ મી એપ્રિલે, મહાન સીઝર બોર્ગીઆ

સાથે ભોજન લેવા મને આમંત્રણ અપાયું છે. મને ભય છે કે,

મારી સંપત્તિ હડપી લેવા તે મને ઝેર આપી દેશે. હું એટલા

માટે, મારા ભત્રીજા ગીડો સ્પેડાને જાહેર કરું છું કે (તે સંપત્તિ)

મેં મોન્ટે ક્રિસ્ટો ટાપુ પર મેં ગુફાઓમાં દાટી છે. તેની કિંમત

૨૦ લાખ રોમન ક્રાઉન જેટલી લગભગ થાય છે, અને તે

જમણી હરોડમાં આવેલ નાના ખાંચાથી વીસમો ખડક ઊંચો

કરતાં મળી શકશે. અહીં ગુફામાં બીજા દરવાજાના દૂરના

ખૂણે ખજાનો પડેલો છે. મારા ભત્રીજાને હું મારા એકમાત્ર

વારસદાર તરીકે બધું આપી દઉં છું.

૨ એપ્રિલ, ૧૪૯૮ સીઝર સ્પેડા

આ ખજાનો ફેરિયા શોધવા જાય તે પહેલાં તો તેની ધરપકડ થઇ, અને જેલમાં પૂરવામાં આવ્યો. આથી એ ખાતરી કરી શક્યો નહીં કે મોન્ટે ક્રિસ્ટો ટાપુ પર કુટુંબની સંપત્તિ દટાયેલી પડી છે કે નહીં.

ફેરિયાએ દાન્તેને કહ્યું કે, જો તેઓ નાસી છૂટવા શક્તિમાન બનશો તો તેઓ બંને આ સંપત્તિ ખોળી કાઢી સરખે ભાગે વહેંચી લેશે.

‘પણ મિત્ર, આ સંપત્તિ તો તમારી છે. અને હું ક્યાં તમારો સગો છું?’ દાન્તેએ કહ્યું.

‘તું મારો દીકરો જ છે, એડમન્ડ, હવે હું તને એ રીતે જ જોઉં છું.’ ફેરિયાએ કહ્યું.

એડમન્ડ દાન્તે ફેરિયાના પગે પડ્યો અને રડવા માંડ્યો.

અનુક્રમણિકા

૧૩ : છુટકારો

વર્ષો પસાર થતાં ગયાં. તેઓ નાસી છૂટવીનું વિટારી જ ન શક્યા, કારણ ફેરિયા ઘણો માંદો અને નબળો પડી ગયો હતો. ફેરિયાએ દાન્તેને ફરીથી એકલા ભાગી છૂટવા વિનંતિ કરી, પણ દાન્તેએ ઇન્કાર કરી દીધો. જો તેઓ સાથે ન નાસી શકે, તો નાસી છૂટવાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી.

એક રાત્રે જ્યારે એડમન્ડ અને ફેરિયા વાતચીત કરી રહ્યા હતા ત્યારે, ફેરિયાને બીજો હુમલો આવ્યો. તેને ખબર પડી ગઇ કે તેનો અંત નજીક છે. તેણે પ્રાર્થના કરવા દાન્તેને પોતાની પાસે બોલાવ્યો. ઘણી મહેનતથી તે ઉભો થયો.

તે બોલી પડ્યો : ‘મોન્ટે ક્રિસ્ટો. મોન્ટે ક્રિસ્ટો ભૂલી ના જઇશ, એમન્ડ, અલવિદા.’

તેનો શ્વાસોશ્વાસ અટકી ગયો અને તે પથારીમાં પાછો પડ્યો.

દુઃખી હૃદયે દાન્તે પોતાની કોટડીમાં પાછો ફર્યો. સવારનું ભોજન આપવા જેલર આવે તેની રાહ જોવા લાગ્યો. જેલરે આવી જેવું તેનું ખાવાનું મૂક્યું કે ગુપ્ત માર્ગેથી તે ફેરિયાની કોટડી સુધી પહોંચી ગયો. ફેરિયાની કોટડીમાં શું બને છે તે તેને જાણવું હતું. ભીંતને તેના કાન અડાડી તે ઘૂટણિયે પડ્યો. જેલરને બારણું ઉઘાડતો અને પછી મોટેથી ચીસ પાડતો તેણે સાંભળ્યો. તેણે (જેલરે) મૃત ઘરડા માણસનું શરીર પડેલું જોયું હશે. જેલર તુરન્ત પાછો ફરી ગયો અને જેલના વડા અધિકારીને બોલાવી લાવ્યો. જેલનો વડો અધિકારી અનેક રક્ષકો સાથે આવેલો, તેથી ઘણાં બધાં પગલાંનાં અવાજો આવતા હતા.

ફેરિયાના મૃતદેહને એક કોથળામાં સીવી દેવા અને સાંજે માટી વાળવા જેલના વડાએ રક્ષકોને આદેશ આપ્યો. એ પછી, દાન્તેએ રક્ષકોને ફેરિયાનું મળદું ઉચકતાં સાંભળ્યા. કદાચ તેઓ તેને કોથળામાં મૂકતા હશે. રક્ષકો થોડીવાર રોકાયા અને પછી કોટડીનું બારણું પછાડતા કોચડી છોડી ગયા.

જેવી એડમન્ડને ખાત્રી થઇ ગઇ કે હવે રક્ષકો કે સૈનિકો કોટડીમાં પાછા નહીં ફરે તેણે ગુપ્ત માર્ગ ખોલ્યો અને તે ફેરિયાની કોટડીમાં ગયો. ત્યાં તેણે ફેરિયાનો મૃતદેહ એક કોથળામાં સીવાયેલો પડેલો જોયો. સાંજે દફનાવવા લઇ જવા રક્ષકો માટે તે કોથળો તૈયાર સીવાયેલો હતો.

દાન્તે અત્યંત દુઃખી હતો. એકલો પડી ગયો હતો. હવે વાત કરવા પણ કોઇ રહ્યું ન હતું. તેની સંભાળ લેનાર પણ કોઇ ન હતું. તેને લાગ્યું કે જીવવા માટે જરૂરી બધું એણે ગુમાવી દીધુ હતું. તે જલદી મરવા ઇચ્છતો હતો. જેલમાંથી મુક્ત થવાતો તે એક જ માર્ગ હતો.

‘હા, બિચારો ફેરિયા જે રીતે આ કોટડી છોડી ગયો તે જ રીતે હું પણ છોડીશ. કોથળામાં બંધાઇને.’ એડમન્ડ સ્વગત બબડ્યો.

જેવો તે આ શબ્દો સ્વગત બબડ્યો કે તે સ્થિર ઊભોે રહી ગયો. તેને એક વિચાર આવ્યો. બીજું કશું વિચારવામાં સમય બગાડ્યા સિવાય તે ફેરિયાની કોટડીના ગુપ્ત સ્થળે પહોંચ્યો. તેણે એક ચપ્પુ, થોડીક સોયો અને દોરો ખોળી કાઢ્યો. ઝડપથી તેણે કોથળો ખોલી નાખ્યો, તેમાંથી ફેરિયાના મૃતદેહને બહાર કાઢ્યો અને ગુપ્ત માર્ગેથી થઇને તેને પોતાની કોટડીમાં લઇ ગયો. તે મૃતદેહને પોતાની પથારીમાં સૂવડાવી દીધો અને ઉપર ચાદર ઓઢાડી દીધી. પોતાના માથે દરરોજ રાતે જે કકડો તે બાંધતો હતો તે કકડો તેણે ફેરિયાને માંથે બાંધી દીધો. પછી મડદાનું પાસું દરવાજાની સામેથી વિરુદ્ધની દિવાલ બાજુએ કરી દીધું, જેથી ભોજન આપવા આવનાર જેલરને દાન્તે પડખે સૂતો છે અવું લાગે. તે ફરી ગુપ્ત માર્ગમાં પ્રવેશ્યો અને તેણે પથ્થરના ટૂકડા વડે તે રસ્તો બંધ કરી દીધો. ફેરિયાની કોટડીમાં આવીને તેણે ત્યાંનો ગુપ્ત માર્ગ પણ બંધ કરી દીધો.

પછી તે કોથળામાં ઘૂસી ગયો, ચપ્પુ, સોયો અને દોરી હાથમાં રાખીને. તે ફેરિયાની પથારીમાં પડ્યો અને કોથળાની અંદર રહ્યા રહ્યા તેણે કોથળાને ફરી સીવી દીધો. હવે તેને માત્ર નિર્જીવ થઇ પડ્યા રહેવાનું અને રાત પડે તેની રાહ જોવાનું જ કામ કરવાનું હતું. રાત્રે રક્ષકો તેને, ફેરિયાને સ્થાને, લઇ જશે.

જો તેની યોજના મુજબ કશુંક ખોટું થાય તો તે ચપ્પા વડે રક્ષકને મારશે અને બનશે તો દોડીને કોટડી અને જેલમાંથી જ ભાગી છૂટશે. પરન્તુ જો બધું તેની ઇચ્છા મુજબ થાય તો તેને દફનાવવામાં આવશે. દફનાવ્યા બાદ તે કોથળો ફાડી નાખશે અને કબરની ભીની માટી ખસેડી બહાર નીકળી જશે. પછી દરિયામાં ઝંપલાવી દૂર દૂર તરી જશે.

તેમ વિચારી તે રક્ષકોની રાહ જોવા લાગ્યો. તેને દફનાવવા લઇ જવાય તેની રાહ જોવા લાગ્યો.

સાંજે ભોજન આપવાનો સમય થયો. શું જેલરને એ ખબર પડી જશે કે તેની કોટડીમાં સૂતેલ દાન્તે પોતે નથી. તે ભયથી ધ્રુજવા લાગ્યો. શું તેની યુક્તિ જાહેર થઇ જશે? પણ, નસીબ તેની સાથે હતું. તેની કોટડીમાં ગયા પછી જેલરોએ ચેતવણીની કોઇ બુમો ના પાડી.

આખરે જ્યારે રક્ષકો ફેરિયાના મૃતદેહને દફનાવવા લઇ જવા આવ્યા ત્યારે દાન્તે બને તેટલો અક્કડ બની ગયો જેથી રક્ષકોને તે મરેલો લાગે.

બે રક્ષકોએ તેને ઉંચક્યો અને સ્ટ્રેચર પર મૂક્યો બીજાએ દરવાજા તરફ મીણબત્તી ધરી. તેને લાગ્યું કે તે લઇ જવાઇ રહ્યો છે. તે કોટડી અને જેલની બહાર પહોંચી ગયો છે. તેને રાત્રિની ઠંડી હવાનો સ્પર્શ થવા લાગ્યો. તેને ઘુવડ રડતાં સંભળાયાં. તેને લાગ્યું કે, તે હવે જેલની બહાર નીકળી ચૂક્યો છે.

તે જમીન પકર મુકવામાં આવ્યો. ત્યારે તેણે એક રક્ષકને બોલતો સાંભળ્યો, ‘હવે તેને પથરો બાંધવાનો સમય થઇ ગયો છે.’

દાન્તેને થયું, વળી આ પથરો બાંધવાનું શું છે? તેને લાગ્યું કે કશુંક વજનદાર તેની પાસે જ મૂકવામાં આવ્યું છે. હવે તેના પગ સાથે એક દોરડું જોરથી બાંધવામાં આવ્યું. તેને માથા અને પગ વડે ઉચકવામાં આવ્યો અને ઝુલાવવામાં આવ્યો.

એક રક્ષક બોલ્યો, ‘એક, બે, ત્રણ અને આ જાય.’

એ જ ક્ષણે દાન્તેને લાગ્યું કે તેને હવામાં ફંગાળવામાં આવ્યો છે. તે પડતો હતો, નીચે તરફ પડતો હતો, હવે તેને પગે કશુંક વજન લાગ્યું. વજન ખૂબ ભારે હતું, જેતી તે નીચે તરફ ઝડપથી જતો હતો. એકાએક તે ઠંડા બરફ જેવા પાણી સાથે અથળાયો. હવે તો તે પાણીની અંદર જવા લાગેલો, નીચે ને નીચે.

એને લાગ્યું, એને દાટવામાં નથી આવ્યો. એને ૩૬ શેર વજનના પથ્થર જોડે બાંધી ડુબાડી દેવામાં આવેલો.

દરિયો જ શેટોદ‘ઇફનું દફનસ્થાન હતું !

અનુક્રમણિકા

૧૪ : બચાવ

દાન્તેનો શ્વાસ થંભી ગયો. તેણે ઝડપથી કાર્ય કરવું જોઇએ નહીં તો તેણે મરવું જ પડે. તેણે ચપ્પા વડે કોથળો ચીરી નાખ્યો અને પોતાને નીચે ખેંચી જતા વજનદાર પથ્થરના બંધનમાંથી પોતાના પગ છોડાવવા મથ્યો. પણ તે નીચે જ જતો હતો. તેનાં ફેફસાં ફાટું ફાટું થઇ રહ્યાં હતાં. બધી જ તાકાત ભેગી કરી તે બેવડો વળ્યો અને તેના પગે બંધાયેલા દોરડાને કાપી નાંખ્યું. પથરો ધીમે ધીમે નીચે ડૂબવા લાગ્યો અને તેની સાથે કોથળાને પણ લઇ ગયો, જે અત્યાર સુધી દાન્તેના શરીર પર કફન બની રહેલ ! દાન્તે ઉપર તરફ ધસ્યો. જેવો તે પાણીની સપાટી બહાર નીકળ્યો કે તેણે ફેફસાં ભરીને શ્વાસ લીધો અને પાછી પાણીમાં ડૂબકી મારી ગયો જેથી તેને કોઇ જોઇ ન જાય.

એડમન્ડ દાન્તે પાણીમાં જ લગભગ પચાસેક વાર તરી ગયો. અને ફરી પાછો સપાટી પર આવ્યો. તેણે જેલ તરફ જોયું ; પેલા રક્ષકો હજુ પણ તે સ્થળ તરફ જોઇ રહેલા જ્યાં તેને ફેંકવામાં આવેલો. તેણે ફરી પાણીમાં ડૂબકી મારી અને તરવા માંડ્યો.

ફરી તે જ્યારે પાણી બહાર ડોક્યો ત્યારે તો તે જેલથી ઘણો દૂર નીકળી ગયો હતો. હવે તે પાણી પર તરવા માંડ્યો. તે તરતો જ ગયો, તરતો જ ગયો, અને તે સાથે પેલી ભયંકર જેલ પાછળ ને પાછળ ધકેલાતી ગઇ. કલાકો તર્યા પછી તે એક ખડકાળ ટાપુ પર પહોંચ્યો. ત્યાં કોઇ રહેતું લાગતું ન હતું. નિર્જન ટાપુ હતો.

દાન્તે થાકી ગયો હતો. તે પાણીની બહાર નિકળ્યો. ટાપુ પરના એક ખડકની છાંયમાં તે સૂઇ ગયો.

થોડીવારમાં તો પવનના તોફાને તેને જગાડી દીધો. વાવાઝોડું આવી રહ્યું હતું. તે પવન અને વરસાદમાં ઝપડાઇ ગયો. તેનાથી બચવા તે સરકતો ખડક નીચે આગળ વધ્યો પણ જોઇએ તેવું રક્ષણ તે મેળવી ન શક્યો.

ત્યાં તો તે આખો ટાપુ અને તેનીઆસપાસનો દરિયો વીજળીના પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. તેણે જોયું તો એક માંછીમારોની હોડી ઝડપથી

તેના ટાપુ તરફ આવી રહી હતી. એક પળમાં તો તે હોડી અથડાઇને તૂટવાનો જોરદાર અવાજ આવ્યો અને તે સાથે તે હોડીના કટકેકટકા થઇ ગયા. ખલાસીઓની ચીસો પડી. અને વીજળીના બીજા એક ચમકારામાં તો તે સૌ ખલાસીઓ દરિયાદેવની ગોદમાં પોઢી ગયા.

દાન્તે એ તરફ દોડ્યો. એ ડૂબતા લોકોને બચાવવા માંગતો હતો. પણ તે કશું કરી ન શક્યો, માત્ર ઘૂમરિયો લેતું દરિયાનું પાણી જોતો ઉભો રહ્યો. માછીમારોની હોડી અને તેના પરના બધામાછીમારો અદ્રશ્ય થઇ ગય હતા. દાન્તે નિરાશ થઇ પોતાના આશ્રયસ્થાને પાછો ફર્યો.

સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે તે અકસ્માતના સ્થળે ફરી ગયો.દરિયામાં તૂટેલી હોડીના પાટીયાં તરતાં હતાં. પાસે એક ખડક ઉપર એક માછીમારની ટોપી પડેલી.

દાન્તેએ દરિયાપાર જોયું. દૂર દૂર જેલનું મકાન દેખાતું હતું. જેલવાડાઓ પણ જાણી જશે કે દાન્તે ભાગી છૂટ્યો છે અને તેથી ચેતવણીઓ અપાશે. ચારે બાજુ રક્ષકો દોડાવશે; હોડીઓ પણ વછૂટશે તેને પકડવાના બધા જ પ્રયત્નો થશે. અને તેને ખોળી કાઢવામાં વાર પણ નહીં લાગે.

તેણે ટાપુ પર નજર દોડાવી. સંતાવાનું કોઇ સ્થળ ન હતું. ફરી એણે દરિયા તરફ નજર માંડી,શેટોદ’ઇફ તરફ. એ જોતો હતો તે દરમિયાન જ એક વહાણ માર્સીલથી તેના ટાપુ તરફ આવવા નીકળ્યું. તે શેટોદ’ઇફ તરફ પસાર થઇ તેના ટાપુ પર આવવા નીકળ્યું.દાન્તેને થયું કે, તે વહાણ ટૂંક સમયમાં તો તેના ટાપુ પાસેથી પસાર થઇ ખુલ્લા વિશાળ દરિયામાં ક્યાંય આગળ જતું રહેશે. જો તે એ વહાણ પર પહોંચી જાય તો જ જેલથી દૂર જઇ શકે. એમ થાય તો જ તે બીજા દેશમાં જઇ શકે. તો જ તે ફ્રાન્સમાં પાછો ન લાવી શકાય. તો જ તે શેટો દ’ઇફમાં ફરી ન લઇ જઇ શકાય. એણે તે વહાણ પકડવું જ જોઇએ. પોતાને તૂટેલા વહાણનો માછીમાર કહેવડાવો જોઇએ, અને બીજા દેશમાં જતા રહેવું જોઇએ.

એડમન્ડ દાન્તેએ દરિયાકિનારે પડેલી પેલા માછીમારની ટોપી ઝડપથી લઇ, માથે મૂકી અને દરિયામાં ઝંપલાવ્યું. તૂટેલા વહાણનું એક મોટું પાટીયું પણ સાથે લીધેલું. એનાથી દરિયામાં સહારો રહે. તેને આવા સહારાની જરૂર હતી. કારણ કે તે કલાકો સુધી સતત તર્યો હતો, અને વાવાઝોડાને લીધે રાત્રે સૂઇ ન તો શક્યો. એ તરતો તરતો દરિયામાં એવા સ્થળે પહોંચ્યો જ્યાંથી તે વહાણ પસાર થવાની શક્યતા હતી.

એની નજીક વહાણ આવ્યું. એનાથી લગભગ સો વાર દૂર હશે ને તેણે બચાવોની બૂમો પાડી. વહાણના ખલાસીઓ તેની બૂમો સાંભળી. તેઓએએ નાની હોડી ઉતારી અને તેની તરફ હંકારી ગયા. ખલાસીઓએ જેવો તેને પાણી બહાર ખેંચી કાઢ્યો કે તે તેમના હાથમાં બેભાન બની પડી ગયો.

જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે વહાણના તટ પર પડ્યો હતો. તેને બચાવનાર ખલાસીઓના ચહેરા તરફ જોઇ રહ્યો હતો.

અનુક્રમણિકા

૧૫ : દાણચોરો

દાન્તે બેઠો થયો.

‘તું કોણ છું? દરિયામાં પાટિયા પર શાથી તરતો હતો?’ વહાણના કપ્તાને પૂછ્યું.

‘હું માલ્ટાનો ખલાસી છું. ગઇકાલે તોફાનમાં મારું વહાણ તૂટી ગયું અને મારા સાથીઓ અવસાન પામ્યા. હું પણ ડૂબી ગયો હોત, પણ આ તમારા ખલાસીઓએ બચાવી લીધો.’ દાન્તેએ કહ્યું.

આ ક્ષણે તેણે માર્સીલ તરફ જોયું, અને શેટો દ’ઇફ પર એક સફેદ વાદળ છવાયેલું તેને જોવા મળ્યું. અને ત્યાં તો બંદૂક ફુટવાનો ઝાંખો અવાજ સંભળાયો. કપ્તાને પણ તે તરફ જોયું.

‘અરે ! શેટો દ’ ઇફમાં શું થઇ રહ્યું? કપ્તાને પૂછ્યું.

‘ઓહ ! કોઇ કેદી નાસી છૂટ્યો હશે. તેથી તેઓ ચેતવણી બજાવે છે.’ દાન્તેએ શાંતિથી સ્પષ્ટતા કરી. તેણે પોતાની બાજુમાં મૂકવામાં આવેલી દારૂની શીશી હાથમાં લીધી અને તેમાંથી તે પીવા માંડ્યો. કપ્તાન તેના મુખ તરફ, તેની લાંબી દાઢી અને લાંબા વાળ તરફ બારીકાઇથી જોતો હતો ; તેને થતું હતું નાસી છૂટેલો કેદી આ તો નહીં હોય. દાન્તે જેલ તરફ જોતો પણ ન હતો.

કપ્તાને વિચાર્યું, ‘જો આ ભાગી છૂટેલો કેદી હોય તો તો વધારે સારૂં.’

કપ્તાનનું વહાણ સામાન્ય વહાણ ન હતું ; તે તો દાણચોરોનું વહાણ હતું. કપ્તાનને ડર રહેતો હતો કે કોઇ કસ્ટમ અધિકારી તો વહાણ પર નથી આવી ચઢ્યોને. જો દાન્તે ભાગી છૂટેલો કેદી હોય તો તેનાથી કશી ચિંતા કરવાની રહેતી નથી.

* * * * *

એડમન્ડ દાન્તે પણ હોંશિયાર ખલાસી હતો. અને તેથી તેને બચાવનાર વહાણ - યંગ એમિલિયાને ઘણો ઉપયોગી બની રહ્યો. એને બચાવી લીધાનો કપ્તાનને ઘણો આનંદ હતો.

પહેલા જ દિવસે વહાણ પર એડમન્ડ દાન્તેએ જેકોપો નામના ખલાસી સાથે મિત્રતા બાંધી દીધી.

‘આજે કયો દિવસ છે?’ એડમન્ડે જેકોપોને પૂછ્યું.

‘૨ ફેબ્રુઆરી.’

‘કયું વર્ષ?’

‘વર્ષ? શા માટે તું મને વર્ષ પૂછું છું?’

‘ગઇ કાલે તોફાનમાં હું એટલો બધો ગભરાઇ ગયો કે મને એમ લાગે છે કે હું યાદદાસ્ત ગુમાવી બેઠો છું. કયું વર્ષ છે, દોસ્ત?’ દાન્તેએ સ્પષ્ટતા કરી.

‘કેમ ? ૧૮૨૯ નું !’

દાન્તેને આશ્ચર્ય થયું. તે જેલમાં કેદી તરીકે ચૌદ વર્ષ રહ્યો. તે જ્યારે શેટો દ’ ઇફમાં ગયેલો ત્યારે ઓગણીસ વર્ષનો હતો. આજે તેને તેત્રીસ થયાં.

જેકોપો તેને નીચે લઇ ગયો. અને તેને સૂવાની જગ્યા બતાવી. દાન્તેએ આઇનામાં તેનો ચહેરો જોયો. તેને લાગ્યું કે, તે પૂરેપૂરો બદલાઇ ગયો છે. જ્યારે તે કેદી તરીકે ગયો ત્યારે તો તે એક યુવાન હતો. તેનો ચહેરો ખુશખુશાલ અને ભરાવદાર હતો. આજે તેનો ચહેરો પાતળો અને લાંબો હતો. તેનું મ્હોં અક્કડ બની ગયેલું. તેની આંખો ઊંડી ઉતરી ગયેલી, પણ તેમાં વેરની જ્વાળા ભભકતી હતી. તેના અવાજમાં પણ ફેર પડી ગયેલો. તેનો ચહેરો હવે વર્ષોની અંધારી કોટડીમાં રહેવાને લીધે પીળો પડી ગયેલો. ક્યાં પહેલાનો ધોળિયો ? એ એટલાં બધાં વર્ષો અંધારામાં રહેલો કે, તેને લઇને તે અન્ય કરતાં વધુ સારી રીતે અંધારામાં જોઇ શકતો હતો. તેને હવે ઘુવડની નજર આવી ગયેલી. ફાધર ફેરિયા

પાસેથી પણ તે એટલું બધું શીખ્યો હતો કે તે હવે વિદ્વાન લાગતો હતો. દાન્તે હસ્યો. તેને થયું, હવે તેના ખાસ મિત્રો પણ તેને ઓળખી નહીં શકે. તે પોતે જ પોતાને ન ઓળખી શક્યો.

દાન્તેએ આ વહાણ પર ઘણા મહિના વિતાવ્યા. ભૂમધ્ય સમુદ્રના અનેક બંદરે તે ફરતો રહ્યો. જ્યારે પણ કોઇ બંદરે અંધારી રાત્રે તેઓ પહોંચે એને માલ પહોંચાડે ત્યારે કપ્તાનને ઘણી આવક થતી. તેમાંથી તે વહાણ પરના ખલાસીઓને સારો એવો ભાગ વહેંચતો. દાન્તે તેના ભાગના પૈસા બચાવતો. એ એક નાનકડી હોડી ખરીદવા માગતો હતો. જ્યારે એવી હોડી તેની પાસે આવી જશે ત્યારે તે મોન્ટે ક્રિસ્ટો ટાપુ પર હંકારી જશે અને ફેરિયાના ખજાનાને તે શોધી કાઢશે. આ એનું સ્વપ્ન હતું.

એક દિવસ ‘યન્ગ એમિલિયા’ ના કપ્તાને તુર્કીથી આવતા એક દાણચોરોના વહાણ પરથી સામાન લેવાનું નક્કી કર્યું હતું. તુર્કીનું વહાણ માલસામાન કોઇ બીજા સ્થળે ઉતારશે ને ત્યાંથી ‘યન્ગ એલિમિયા’ એ તે લઇ લેવાનો. તુર્કીના કપ્તાને માલ મોન્ટે ક્રિસ્ટો પર ઉતારવાનું સુચવ્યું. આ ટાપુ માત્ર દાણચોરો જ વાપરતા અને નિર્જન હતો. ‘યંગ એમિલિયા’ નો કપ્તાન સંમત થયો.

જ્યારે એડમન્ડે આ સમાચાર જાણ્યા ત્યારે તે ભાગ્યે જ માની શક્યો. તેના સ્વપ્નને સાકાર થવામાં હવે વાર ન હતી ; કદાચ તે ફેરિયાનો છૂપો ખજાનો શોધી કાઢી શકે.

અનુક્રમણિકા

૧૬ : મોન્ટે ક્રિસ્ટો ટાપુ

‘યન્ગ એમિલિયા’ મોન્ટે ક્રિસ્ટો ટાપુના બંદરે લંગર નાખી ઉભું. દાન્તે અને તેના સાથીઓને આખી રાત્રિ દરમિયાન કામ કરી તુર્કીના જહાજે છોડેલો માલ પોતાના વહાણમાં ભરી દીધો.

જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે તેઓ બધા થાકી ગયા હતા. ભૂખ્યા થયા હતા. પણ કામ બધુ પતિ ગયું હતું. દાન્તેએ ટાપુ પર જઇને બકરો મારી લાવવા સૂચવ્યું. તેને ખરેખર તો તેના સાથીઓથી છૂટા પડવું હતું. તેને ફેરિયાએ જણાવેલ છૂપો ખજાનો શોધવો હતો. પણ, જેકોપોએ તેની સાથે જવા હઠ લીધી. દાન્તેએ કમને તેને સાથે લીધો. એમ ન કરે તો તેના સાથીઓને શંકા જાય. એથી તેણે જેકોપોને કહ્યું, ‘ચાલ મારી સાથે.’

દાન્તે અને જેકેપો થોડે દૂર પહોંચ્યા હશે ત્યાં તેમણે એક નાનકડા બકરાને જોયો અને દાન્તેએ તેને ગોળીએ વીંધી નાખ્યો.

‘દોસ્ત, તું આને લઇ જા અને તેને રાંધી દો, ત્યાં સુધી હું જરા લટાર મારી આવું. ખાવાનું તૈયાર થઇ જાય એટલે તું બંદુક ફોડી મને જણાવજે. હું આવી પહોંચીશ.’ દાન્તેએ કહ્યું.

જેકોપો બકરો લઇને ગયો. દાન્તે એક સીધો ખડક ચઢવા લાગ્યો. જ્યારે તે ઉપર પહોંચ્યો, તેણે નીચે જોયું. જેકોપો બીજા ખલાસીઓ સાથે દરિયા કિનારે હતો. એક ચૂલા પર તેઓ બકરો રાંધતા હતા.

દાન્તે ગુફાઓ શોધવા માંડ્યો. તેણે જોયું તો કેટલાક ખડકો પર માણસે કરેલી નિશાનીઓના ચિન્હો હતા. કદાચ તે ગુફાઓ તરફ દોરી જાય,કેટલીક જગ્યાએ ઝાડઝાંખરાને લઇને અદ્રશ્ય થઇ ગયા હતા. એ નિશાનીઓ શોેધવા તેને ઝાડ-ઝાંખરા સાફ કરવા પડતાં હતાં.

આ નિશાનીઓ એક ખુલ્લા મેદાન પાસે અટકી. ત્યાં કોઇ ગુફા ન હતી. એણે જોયું તો એક મોટો ગોળાકાર પથ્થર જમીન પરક પડેલો.

ત્યાં તેણે બંદુકનો અવાજ સાંભળ્યો. નાસ્તો તૈયાર થઇ ગયો હશે. તેણે દરિયા કિનારા તરફ દોડવા માંડ્યું. ખડકની ટોચેથી તેણે જોયું તો જેકોપો અને સાથીઓ દરિયા કિનારે હતા. દાન્તેએ બુમ પાડી અને સૌએ તેની સામે જોયું. એકાએક તે લપસ્યો અને પડ્યો. જ્યારે ખલાસીઓ ત્યાં પહોંચ્યા તો તેને વાગેેલું અને દુઃખથી રીબાતો હતો.

કપ્તાને કહ્યું, ‘’એની પાંસડીઓ તૂટી ગઇ લાગે છે. ખલાસીઓએ તેને ઊંચકવા પ્રયત્ન કર્યો, પણ દાન્તેએ તેમને તેમ કરવા ના પાડી. તેનાથી તેને વધુ પીડા થતી હતી.

‘પણ અમે તમે અહીં છોડી જઇ શકીએ નહીં. ‘યન્ગ એમિલિયા એ જવું જ પડે.’ કપ્તાને કહ્યું.

‘મને અહીં પડ્યો રહેવા દો. મને થોડાં બિસ્કીટ, કુહાડી અને બંદુક આપતા જાવ.’ એડમન્ડે વિનંતી કરી. ‘એક બે દિવસમાં હું સાજો થઇ જઇશ. પછી હું કુહાડીથી એક છાપરું બાંધીશ અને ખાવા માટે બકરાં મારીશ. તમે માલ વેચાઇ જાય એટલે પાછા આ બાજુ આવી મને લઇ જજો.’

દાન્તે હોંશિયાર ખલાસી હતો. તેને છોડી જવું કપ્તાનને પાલવે તેમ ન હતું. તેણે કહ્યું, ‘અમે સાંજ સુધી અહીં રોકાઇએ છીએ. કદાચ તને ત્યાં સુધીમાં સારું થઇ જાય.’

‘ના ના. તમે જાવ. પાછા આવો ત્યાં સુધીમાં હું સારો થઇ જઇશ.’ દાન્તેએ વિનવ્યું.

આખરે દાન્તે સફળ થયો. જવા માટે બધા તૈયાર થયા. થોડા દિવસમાં જ તેને લેવા પાછા આવશે એમ વિશ્વાસ આપી સૌ વિદાય થયા.

એક ખડક પર પડ્યા પડ્યા દાન્તેએ ‘યન્ગ એમિલિયા’ ને જતું જોયું. જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ તેમ તે નાનું થતું ગયું.

* * * * *

જ્યારે ‘યન્ગ એમિલિયા’ નજરની બહાર નીકળી ગયું, દાન્તે ખડક પરથી ઉભો થયો. તેણે તેની કુહાડી લીધી, બંદુક લીધી અને ચાલવા માંડ્યું. ઇજા પામેલાની જેમ તે ધીમે ધીમે ચાલતો ન હતો. તે ઝડપથી ચાલતો હતો. જેમ બકરાનાં બચ્ચાં એક ખડક પરથી બીજા ખડક પર કુદકા મારે તેમ તે કુદતો હતો. તેને કશું વાગ્યું ન હતું. વાગવાનો તેણે ઢોંગ જ કરેલો, જેથી તે ટાપુ પર એકલો રહી શકે.

તે સ્થિર ઉભો રહ્યો અને ચારે બાજુ નજર નાખી.

‘અને હવે, છૂપા ખજાનાની શોધમાં !’ તે બોલી પડ્યો.

અનુક્રમણિકા

૧૭ : ગુપ્ત ગુફા

એડમન્ડ દાન્તેએ જોયેલાં ચિન્હો એક નાની ખાડીથી શરૂ થયેલાં. ખડકો પરનાં એ ચિન્હો એક નાના ખુલ્લા મેદાને જઇ અટક્યાં. આ મેદાનમાં એક મોટો ખડક પડેલો હતો.

દાન્તેએ વિચાર્યું ‘સીઝર સ્પેડાના વસિયતનામામાં દર્સાવેલી ખાડી આ જ હોવી જોઇએ. અને ખજાનો આ ખડક નીચે જ દાટેલો હોવો જોઇએ.’ આ બાબતની તેને ખાત્રી થઇ ગઇ, કારણ કે આ મોટો ખડક વસિયતનામામાં જણાવ્યા મુજબ જમણી દિશામાં નાની ખાડીથી પૂર્વમાં હતો.

એડમન્ડે કુહાડી ઉપાડી અને ખડકની નીચેની જમીન ખોદવા માંડી. થોડી વારમાં તો એણે એવો ખાડો ખોદી નાખ્યો કે તે ખાડામાં હાથ પણ નાખી શકે. પછી તેણે થોડો દારૂગોળો લીધો અને તે ખાડામાં ખડકની નીચે ભર્યો. પોતાનો હાથ રૂમાલ સળગાવી તેણે તે દારૂગોળા પર મૂક્યો અને ત્યાંથી નાઠો. થોડીવારમાં તો એક મોટો ધડાકો થયો. દાન્તેએ પાછું જોયું તો, ખડકમાં પાંચ ભાગ પડી ગયેલાં. એણે આ ટૂકડા સહેલાઇથી ખસેડી નાખ્યા. ખડક જ્યાં હતો તે ધરતી તેણે જોઇ. તેમાં એક ચોરસ પથ્થરનો ટુકડો જડ્યો હતો. એ ટુકડા પર લોખંડની કડી જડી હતી. એ જોઇ એનું હૃદય નાચી ઊઠ્યું.

આ જ તે સ્થળ હોવું જોઇએ, તેણે વિચાર્યું. એણે ઝાડની ડાળી કાપી અને તે ડાળીને લોખંડની કડીમાં ભરાવી પથરા રુપી ઢાંકણ ઊંચું કરવા પ્રયત્ન કર્યો. શરૂઆતમાં તો ઢાંકણું ઊંચું ન થયું, પણ થોડી મહેનત કરતાં તે ઊંચું થઇ ગયું. ઢાંકણ ખુલી જતાં દન્તેએ જોયું તો તેની નીચે પગથીયાં હતાં. આ પગથિયાં એક ભૂગર્ભ ગુફામાં જતાં હતાં.

એડમન્ડ ધીરે ધીરે પગથિયાં ઉતર્યો. ત્યાં ગાઢ અંધારું ન હતું. ગુફાની છતમાં પડેલી તીરાડમાંથી ઘણું અજવાળું આવતું હતું. આ તીરાડો

તે જોઇ શક્યો ન હતો. તે થોડીવાર વિચારતો રહ્યો. તેને ઝવેરાત શોધવાં હતાં. તે નિરાશ થયો. એ પ્રકાશ ઝવેરાતનો ન હતો. એ તો પેલી તીરાડોમાંથી આવતો હતો. ત્યાં બીજું કશું હતું નહીં.

દાન્તે ઘણો નિરાશ થયો. એને વસિયતનામાના શબ્દો યાદ આવ્યા. ‘ગુફાના બીજા પ્રવેશદ્વાર પછી દૂર ખૂણામાં ખજાનો છે.’ હજુ તો તે પ્રથમ પ્રવેશદ્વારે જ પહોંચ્યો છે. હવે તેણે બીજું પ્રવેશદ્વાર ખોળવું જોઇએ.

એડમન્ડ દાન્તેએ પોતાની કુહાડી વડે ગુફામાં ચારેબાજુ ઠોકવા માંડ્યું. પગથિયાંથી દૂર એક સ્થળે દિવાલમાં બોદો અવાજ આવ્યો. તેણે કુહાડીથી જોરદાર ઘા કર્યો. ગુફાની દિવાલ તૂટવા માંડી, એથી તેણે જોરથી ફટકારવા માંડ્યું. બે-ચાર કુહાડીના ઘા મારતાં તો તે અંદર જઇ શકે તેવું મોટું કાણું પડી ગયું. નીચે નમીને તે કાણામાં ઘૂસ્યો અને જોયું તો તેની પાછળ એક અંધારી નાની ગુફા હતી.

‘બીજા પ્રવેશદ્વારથી દૂરના ખૂણામાં’ એણે વસિયતનામાના શબ્દો વિચાર્યા. તેણે આસપાસ જોયું. પ્રવેશદ્વારની ડાબી બાજુએ ગુફામાં એક અંધારો અને ઊંડો ખૂણો હતો. ત્યાં ખજાનો છુપાવ્યો હોવો જોઇએ. એટલામાં તો તેને ગુફામાં કશોક પડછાયો પસાર થતો લાગ્યો. તેને થયું, કોઇ જાસુસી તો નથી કરી રહ્યું ને. તે એકદમ પગથિયાં ચડી ગયો અને બહાર ધસી આવ્યો. તેનું હૃદય ધડકતું હતું. જોયું તો ત્યાં એક બકરી ચરતી હતી. શું તે માત્ર બકરીનો જ પડછાયો હતો? કે કોઇ તેની જાસુસી કરવા ત્યાં આવ્યુ હતું. તેણે દરિયા તરફ જોયું. કોઇ વહાણ દરિયામાં દેખાતું ન હતું. અરે ખાડીમાં કોઇ નાનું હોડકું પણ ન હતું. કોઇ ટાપુ પર હોય એમ લાગતું ન હતું. એ બકરી જ હોવી જોઇએ. તેણે ફરીવાર આસપાસની ઝાડીમાં જોયું, પણ તેને કોઇ દેખાયું નહીં.

પાસે જ એક ઝાડ હતું. તેની એક ડાળી એડમન્ડે તોડી. ‘યંગ એમેલિયા’ના ખલાસીઓએ જેના પર રાંધ્યું હતું તે ચૂલાના દેવતામાંથી તેણે એ ડાળી સળગાવી અને તેને મશાલ બનાવી તે લઇ પાછો ગુફામાં ગયો. તે ખૂણામાં જઇ તેણે કુહાડી ઉગામી અને જમીન ઠોકવા માંડ્યો. કુહાડીથી ખોદતાં તેને લોખંડ જેવું અથડાયાનો ભાસ થયો. તે જગ્યાએ તેણે થોડી જમીન ખોદી અને માટી દૂર કરી. તેને એક મોટો પટારો દેખાયો. આ પટારાની બંને બાજુએ કડા હતાં અને ઢાંકણા પર તાળું દેવાયેલું હતું. તેણે કડાં પકડ્યાં અને પટારો ઉંચકવાનો પ્રયત્ન કર્યો. તે અશક્ય હતું. પટારો ઘણો ભારે હતો. તેણે તાળા અને ઢાંકણા વચ્ચે કુહાડી મૂકી તાળું તોડી નાખ્યું. પછી ઢાંકણું ખોલી નાંખ્યું.

પટારામાં ત્રણ વિભાગ હતા.એકમાં ચળકતા સોનેરી સિક્કા હતા. બીજામાં સોનાની લગડીઓ હતી. એડમન્ડે ત્રીજા ખાનામાં હાથ નાંખ્યો, અને તેને મળ્યાં હીરા, મોતી અને ઝવેરાત.

તે માની ન શક્યો. અગણિત ખજાનો તેની સામે પડ્યો હતો. તે એક સ્વપ્ન સમાન હતું. શું કરવું તેની તેને સમજણ ન પડી. થોડીવાર પછી તેણે શાંતિથી વિચારવા માંડ્યું. તેની સાથે તો તે બધો ખજાનો લઇ જઇ શકે તેમ હતો નહીં. તે તેમાંથી થોડુંક લઇ જાય, અને તેના વડે એક નવું વહાણ ખરીદી પાછો ફરે ત્યારે બાકીનું બધું લઇ જાય. આવું વિચારી તેણે કિંમતી પથ્થરોથી ખિસ્સામાં ભરી દીધાં. પછી પટારાને બંધ કરી દીધો અને તેના પર માટી નાખી દીધાં. મોટી ગુફામાંથી પસાર થઇ, તે પગથિયાં ચડી બહાર આવ્યો અને ગુફામાં જવાના કાણાં પર મોટો ખડક ગોઠવી દીધો. ખડકની તીરાડોમાં માટી ભરી દીધી, તેમાં તેણે છોડ અને વેલા ઉગાડ્યા, અને તેને પાણી પીવડાવ્યું, જેથી એમ લાગે કે છોડ અને વેલા એમની જાતે ઉગે છે.

હવે તે કશું કરી ન શક્યો. ‘યંગ એમેલિયા’ પરત આવે તેની રાહ તેને જોવી જ રહી.

અનુક્રમણિકા

૧૮ : લોર્ડ વિલમોર

છઠ્ઠા દિવસે તેના સાથીઓ પરત આવ્યા. તેમને મળવા એડમન્ડ ધીમે ધીમે ચાલતો ગયો. તેને હજુ પીડા થતી હતી તેવો ઢોંગ કર્યો. કપ્તાને તેના ખબર પૂછ્યા. દાન્તેએ તેના સાજા થવાના સમાચાર આપ્યા. પણ ઉમેર્યું કે તેની પાંસળીઓમાં હજુ દુઃખે છે. તેઓ તેને વહાણ પર લઇ ગયા અને જીનીવા તરફ હંકારી ગાય.

જીનીવામાં દાન્તે એક ઝવેરીની દુકાનમાં ગયો અને ચાર નાના હીરા વીસ હજાર ફ્રાન્કમાં વેચ્યા. ઝવેરીને થયું કે આવો ગરીબ ખલાસી આવા હીરા ક્યાંથી લાવ્યો હશે, પણ તેણે એવા કશા સવાલ પૂછ્યા નહીં. તેણે દાન્તેને ચૂકવેલા વીસ હજાર ફ્રાન્ક કરતાં તે હીરાની કિંમત ઘણી વધુ હતી. તે ફાયદામાં હતો.

એડમન્ડ દાન્તે પોતાના વહાણ ‘યંગ એમિલિયા’ પર ગયો અને કપ્તાનને મળ્યો. તેણે કપ્તાનને કહ્યું કે, તેના કાકા ગુજરી ગયા છે અને તેને માટે વારસામાં સંપત્તિ મૂકી ગયા. છે. આથી હવે તેને ખલાસી તરીકે નોકરી કરવાની જરૂર રહી નથી. તેણે કપ્તાનની રજા માગી.

‘તને ગુમાવતાં અમને દુઃખ થાય છે.’ કપ્તાને કહ્યું.

‘અમને તારી ખોટ પડશે,’ ખલાસીઓએ કહ્યું.

કપ્તાન અને ખલાસીઓની વિદાય લેતાં તેણે સૌને ભેટો આપી. તેણે કપ્તાનને પત્ર લખવાનું વચન આપ્યું. તેઓ સારા મિત્રો હતા અને આવા સારા મિત્રોને મળવાનું તેને ગમે જ.

બીજે દિવસે ‘યંગ એમિલિયા’ જીનીવા છોડી ગયું. સૌથી પ્રથમ તેણે સુંદર કપડાં ખરીદ્યાં. પછી તેણે ઇંગ્લેન્ડનો પાસપોર્ટ ખરીદ્યો. પાસપોર્ટ લોર્ડ વિલમોરના નામે બનાવવામાં આવ્યો હતો.

ઇંલ્ગેન્ડના પાસપોર્ટ સાથે તેને કોઇપણ દેશમાં જવાની મુશ્કેલી ન પડે. અરે, તે ફ્રાન્સ પણ જઇ શકે કારણ કે તે ઇંગ્લેન્ડનો વતની હતો. તેને

એ પણ ખાતરી રહી કે, કોઇ તેને ઓળખશે નહીં. એ જો માર્સીલ લોર્ડ વિલમોર તરીકે જાય તો કોણ કલ્પી શકે કે તે શેટો દ’ ઇફમાંથી ભાગી છૂટેલ કેદી એડમન્ડ દાન્તે જ છે?

હવે તે એક વહાણ બાંધનાર પાસે ગયો અને એક સુંદર નાનકડી હોડી ખરીદી. તે હોડીને અખાતમાં લઇ ગયો અને ચલાવી જોઇએ. તે સહેલાઇથી હાંકી શકતો હતો. તેણે હોડી બાંધનારને હોળી પરની તેની ઓરડીમાં તેની સૂવાની પથારી પાસે ત્રણ ખાનાં બનાવવાનું કહ્યું. એ ગુપ્ત ખાનાં તૈયાર થઇ ગયા એટલે તે હોડી હંકારી ગયો.

એલ્બા અને કોરસીકા ટાપુઓની વચ્ચે તે દક્ષિણ તરફ હંકારી ગયો અને પાંત્રીસ કલાકની મુસાફરી બાદ તે મોન્ટે ક્રિસ્ટો ટાપુ પર પહોંચી ગયો. ખાડીમાં તેણે હોડી લાંગરી. ટાપુ તદ્દન નિર્જન હતો. તે કિનારે કિનારે ફર્યો અને ખાત્રી કરી કે ટાપુ પર કોઇ હાજર નથી. ફરી પાછો ખાડી પર પહોંચ્યો અને ત્યાંથી ખજાનો છુપાવ્યો છે તે સ્થળે પહોંચ્યો. ખજાનો ત્યાં જ હતો, જેવો તેણે છોડેલો તેવો જ. એણે એ ખજાનો ધીમે ધીમે ખસેડવા માંડ્યો. ટૂંક સમયમાં તો એની હોડીનાં ત્રણ ગુપ્ત ખાનાઓમાં તે બધો ખજાનો ગોઠવાઇ ગયો.

એડમન્ડ દાન્તે ઉર્ફે લોર્ડ વિલમોર માર્સીલમાં તે ઘેર ગયો જ્યાં તેના પિતા રહેતા હતા. તે મકાન વેચવા કઢાયું હતું. તેને જાણવા મળ્યું કે તેના પિતા તો ઘણાં વર્ષો પહેલાં અવસાન પામેલા. લોર્ડ વિલમોરે તે મકાન ખરીદી લીધું.

એણે કેડરુસ વિશે પણ તપાસ કરી. કેડરુસ તેનો પડોશી હતો. કોઇકે તેને જણાવ્યું કે, કેડરુસ માર્સીલ છોડી ગયો છે અને માર્સીલની નજીકમાં બુકાર ખાતે તે એક વિશિ ચલાવે છે.

લોર્ડ વિલમોરે થોડાક દિવસ માર્સીલમાં ગાળ્યા. તેણે ખરીદી કરી; એક વીગ, એક ખોટી દાઢી અને એક પાદરીનો પોશાક ખરીદ્યો.

થોડા દિવસમાં એક પાદરી ઘોડેસવાર થઇ માર્સીલથી બુકાર તરફ જતો જોવા મળ્યો.

અનુક્રમણિકા

૧૯ : ફાધર બુસોની

૩ ઝૂન્‌, ૧૮૨૯ નો દિવસ હતો.

પોતાની ‘પોન્ટ દુ ગાર્ડ વીશી’ના દરવાજે કેડરુસ ઊભો હતો. સામેથી કોઇ ઘોડેસ્વાર આવતો હતો. જેમ જેમ ઘોડેસ્વાર નજીક આવતો ગયો તેમ કેડરુસને સ્પષ્ટ થતું ગયું કે કોઇ પાદરી આવી રહેલ છે. પાદરી કાળા પોશાકમાં સજ્જ હતો અને તેણે ત્રિકોણીયા હેટ પહેરી હતી પાદરી વીશી પાસે ઘોડા પરથી ઉતર્યો. તાપ તપતો હતો તેણે. ઠંડુ પીણું માંગ્યું. વીશી-માલિકે થોડોક વાઇન એક ગ્લાસમાં પાદરીને આપ્યો.

‘તમારું નામ કેડરુસ છે?’ પાદરીએ પૂછ્યું.

‘હા જી.’

‘મારું નામ ફાધર બુસોની છે.’ પાદરીએ કહ્યું અને પૂછ્યું, ‘૧૮૧૪ કે ૧૮૧૫ની આસપાસ તમે કોઇ દાન્તે નામના ખલાસીને ઓળખતા હતા?’

‘તે મારો ખાસ મિત્ર હતો. તમે તેને ઓળખો છો? તેનું શું થયું?’ વીશીવાળાએ પૂછી નાખ્યું.

‘તે જેલમાં અવસાન પામ્યો. તેના મૃત્યુ સમયે મને બોલાવવામાં આવેલો. તેણે મને એક હીરો આપ્યો કે જે તેને તેના સાથી કેદી પાસેથી મળેલો, અને કહ્યું કે તે હીરાને વેચી દઇ તેમાંથી મળેલી રકમને તેના પાંચ મિત્રોમાં વહેંચી દેવી. એ હીરો મારી પાસે છે અને તમે તેના પાંચ મિત્રોમાંના એક છો.’ ફાધર બુસોનીએ કહ્યું.

‘બહુ કેવાય? હીરાનું શું મૂલ્ય હશે?’ વિસ્મય પામેલા કેડરુસે પૂછ્યું.

‘હશે પચાસેક હજાર ફ્રાંક.’

‘અને પેલા ચાર મિત્રો કોણ છે?’ કેડરુસે પૂછ્યું.

‘તેના પિતાજી, એક છોકરી નામે મર્સીડીસ, કે જે તેને પરણવાની હતી. ફર્નાન્ડ નામે એક યુવાન અને ચોથો માણસ નામે ડેન્ગલર્સ.’

‘બિચારો એડમન્ડ! તેના પિતા તો વર્ષો પહેલાં મરી ગયા. બાકી રહ્યા તે તેના મિત્રો હતા જ નહીં. હું જ તેનો સાચો મિત્ર હતો.’ કેડરુસે વિલાપ કર્યો.

‘મને આ બધા વિશે માહિતી આપો. એમ કરો, તેના પિતાથી શરૂ કરો.’ ફાધર બુસોનીએ વિનંતી કરી.

‘દાન્તેને જ્યારે લઇ જવામાં આવ્યો ત્યારે તેના પિતા દુઃખી થઇ ગયા. પોતાનો દીકરો ઘરે પાછો ફરે તેની રાહ જોતા રહ્યા. વહાણ-માલિક મોરેલ એમને ખાવા-પીવાનું લાવવા આર્થિક મદદ કરતા, પણ વૃદ્ધ દાન્તે એટલા બધા સ્વાભિમાની હતા કે તે ન સ્વીકારતા.અંતે તે ભૂખમરાથી મરી ગયા. મોરેલે એમની અંતિમ ક્રિયાનો ખર્ચ ઉપાડ્યો.’

‘દાન્તેના બીજા મિત્રો ફર્નાન્ડ અને ડેન્ગલર્સનું શું? એમણે વદ્ધ માણસની મદદ ના કરી?’ ફાધરે પૂછ્યું

‘એ લોકો તો એના દુઃખનું કારણ હતા. એમણે તો એડમન્ડને

નેપોલિયનવાદી તરીકે ખપાવ્યો હતો.’ કેડરુસે જવાબ આપ્યો.

‘તમે એ કેવી રીતે જાણો?’

‘હોટલ લા રીઝર્વ ખાતે તેમણે કાવત્રું ઘડ્યું ત્યારે હું તેમની સાથે

હતો. ડેન્ગલર્સે પત્ર લખ્યો અને ફર્નાન્ડે પોસ્ટ કર્યો.’

‘ઓહ, ફેરિયા! તું કેટલો સાચો છું.’ ફાધર બુસોની બબડ્યા.

‘આપે શું કહ્યું?’ કેડરુસે ફાધરને પૂછ્યું.

‘કાંઇ નહીં. પણ મને આ ડેન્ગલર્સ અને ફર્નાન્ડ વિશે વધુ માહિતી

આપો.’

‘આજકાલ તેઓ પૈસાદાર થઇ ગયા છે.’

‘એ કેવી રીતે બન્યું?’

‘ડેન્ગલર્સ માર્સીલ છોડી ગયો. તે એક સ્પેનીશ બેન્કમાં કેશિયર બન્યો. ફ્રાન્સ અને સ્પેઇનના યુદ્ધ દરમિયાન તે ફ્રાંસ લશ્કરમાં કારકુન બન્યો. ફ્રાન્સ લશ્કરની ખર્ચની રકમમાંથી તફડંચી કરી તેણે સ્પેઇનમાં સંપત્તિ એકઠી કરી. એ પૈસા સાથે ફ્રાન્સ પાછો આવ્યો અને શરાફ બન્યો તે એક શ્રીમંત વિધવાને પરણ્યો. આ વિધવા રાજાની મિત્ર છે. આજકાલ એ લાખોપતિ છે અને રાજાએ તેને ‘બેરન’ બનાવ્યો છે. હવે તે બેરન ડેન્ગલર્સ કહેવાય છે. પેરિસમાં એક મોટા મકાનમાં તે રહે છે.’

અને ફર્નાન્ડ?

‘ઓહ, ફર્નાન્ડ. ફર્નાન્ડ એક સૈનિક હતો. નેપોલિયને તેને સૈન્યમાં લીધો. વોટરલુના યુદ્ધ પહેલાં તે એક લશ્કરી અધિકારીના ઘરે રક્ષક હતો. તેઅધિકારી ઇંગ્લેન્ડ ભાગી ગયો. અને! ફર્નાન્ડ પણ તેની સાથે ગયો. જ્યારે નેપોલિયન હાર્યો ત્યારે તે તેના અધિકારી સાથે ફ્રાંસ પાછો ફર્યો. તેને પછી લેફટનન્ટ બનાવાયો. થોડા વખતમાં તે કેપ્ટન બનાવાયો. તેને સ્પેઇન મોકલવામાં આવ્યો. ત્યાં તે ડેન્ગલર્સને મળ્યો. એકબીજાની મદદથી તે બંને સ્પેઇનમાં શ્રીમંત બન્યા. સ્પેઇનમાં ફર્નાન્ડને કર્નલ બનાવાયો. પછી તેને પૂર્વમાં જનીનાના રાજકુમાર અલી તેબેલીન પાચાને મદદ કરવા મોકલવામાં આવ્યો. અલી પાચા મારી નખાયો, પણ તેણે મરતાં પહેલાં પોતાની સંપત્તિ ફર્નાન્ડને સોંપી દીધી. આખરે ફર્નાન્ડ ફ્રાંસ પાછો ફર્યો. હવે તો તે શ્રીમંત હતો. અને ‘કાઉન્ટ’ કહેવાતો હતો, કાઉન્ટ મોરર્સફ. આજે તે પણ પેરિસમાં એક મોટા મકાનમાં રહે છે.’

‘અને મોરેલ? જેના વહાણ પર એડમન્ડ કામ કરતો હતો તે મોરેલ. તેનું શું થયું?’ ફાધરે પૂછ્યું.

‘ઓહ. બિચારો મોરેલ. એડમન્ડને છોડાવવા તેણે તેના પૈસા ખર્ચી નાખ્યા. તેણે સરકારી વકીલને પત્રો પર પત્રો લખ્યા પણ તે નિષ્ફળ ગયા. તે તેના દીકરા સાથે માર્સીલમાં રહે છે. દુઃખી અને નિરાશ માણસ બની ગયો છે.’

ફાધર બુસોની એક પળ માટે રોકાઇ ગયા. શું બોલવું તેની તેમને સૂઝ ન પડી. પછી, લગભગ બબડતા હોય તેમ, તેમણે પૂછ્યું, ‘અને મર્સીડીસનું શું?’

‘ઓહ, દાન્તેને લઇ જવાયો ત્યારે તે ભાંગી પડી. પરન્તુ ફર્નાન્ડ જ્યારે એક લેફટનન્ટ બની માર્સીલ પાછો ફર્યો ત્યારે તે તેને પરણી ગઇ.’

‘તે તેને પરણી ગઇ?’ આશ્ચર્ય પામેલા ફાધરે પૂછ્યું.

‘હા આજે તો તે કાઉન્ટેસ મોરસર્ફ કહેવાય છે. તેને એક દીકરો પણ છે. આલ્બર્ટ નામે. તમે જોયુંને ફાધર, આ બધા શ્રીમંત બની ગયા છે. પણ હું જ એડમન્ડનો સાચો મિત્ર હતો ને હું જ હજુ ગરીબ રહ્યો છું.’

‘ભાઇ, આ બધી માહિતી આપવા માટે હું તમારો આભારી છું. મને ખાત્રી છે એડમન્ડે પણ મને તને જ હીરો આપવાનું કહ્યું હોત, કારણ કે તમે જ તેના સાચા મિત્ર છો. આ રહ્યો તે હીરો. બીજાઓની તપાસ કરવાની હવે મને જરૂર લાગતી નથી.’ ફાધરે કહ્યુંં.

આમ કહી તેમણે હીરો કેડરુસને આપ્યો, ઘોડેસવાર થયા અને હંકારી ગયા.

અનુક્રમણિકા

૨૦ : પોન્ટ દુ ગાર્ડ વીશી

કેડરુસ અને તેની પત્ની પોતાની વીશીના દરવાજે ઊભાં હતાં. તેઓ ફાધરે આપેલ અદ્‌ભૂત હીરાનાં વખાણ કરતાં થાકતાં ન હતાં.

‘આપણે પણ એ જાણી લેવું જોઇએ કે, આ હીરો સાચો છે કે નહીં.’ કેડરુસે કહ્યું. ‘બુકાર ખાતે મેળામાં ઝવેરીઓ આવ્યા હશે. હું તેમને બતાવીશ. તું ઘરની સંભાળ રાખ. હું હમણાં જ પાછો આવું છું.’

પોન્ટ દુ ગાર્ડ વીશી ગામથી દૂર એકાન્તમાં આવેલી હતી. ત્યાં બહુ મુસાફરો આવતા ન હતા. અને તેથી તે દાણચોરોનું આશ્રય સ્થાન બની ગયેલી. દાણચોરો એકબીજાને અહીં મળતા. પોલીસ અને કસ્ટમ ઓફીસરોથી ભાગતા પણ તેઓ અહીં જ આવતા. તેના પાછળના ભાગમાં ઢાળિયું હતું. તેની ઓથે દાણચોરો છૂપાઇને પ્રવેશતા. તે દિવાલનાં કાણાંમાંથી તેઓ વીશીમાં નજર નાખતા. જો કોઇ અજાણ્યા મુસાફરો અંદર માલમ પડે તો તેઓ પાછળ જ છુપાઇ રહેતા. અને જ્યારે પૂર્ણ સલામતી લાગે ત્યોરે તેઓ વીશીમાં પ્રવેશતા, અને કેડરુસ તેમની આગતા-સ્વાગતા કરતો.

જ્યારે કેડરુસ બુકાર ગયો ત્યારે બરટુસીઓ નામનો દાણચોર પોલિસથી ભાગતો પોન્ટ દ ગાર્ડ તરફ આવ્યો હતો. એવું બન્યું કે જ્યારે કેડરુસ વીશીમાં પાછો ફર્યો, ત્યારે બરટુસીઓ છુપાઇને વીશીના પાછળના ભાગમાં પ્રવેશતો હતો. જ્યારે તેણે દીવાલના કાણાંમાંથી જોયું તો કેડરુસ એક ઝવેરી સાથે બેઠો હતો.

કેડરુસે તેની પત્નીને બોલાવી અને કહ્યું, ‘પાદરીએ આપણને છેતર્યા નથી. હીરો સાચો છે. તેના બદલામાં આ ઝવેરી આપણને પચાર હજાર ફ્રાન્ક આપશે. પણ તેને એ ખાત્રી કરવી છે કે આ હીરો આપણો જ છે. હું વાઇન લાવું ત્યાં સુધીમાં તું આ હીરો આપણને કેવી રીતે મળ્યો તે આ ઝવેરીને જણાવ.’

કેડરુસની પત્નીએ ફાધર બુસોનીવાળી આખી વાત ઝવેરીને કહી. ઝવેરીને કેડરુસે કહેલી વાત જ ફરી સાંભળવા મળતાં તેને ખાત્રી થઇ ગઇ કે, કોઇ પાદરીએ તેમને હીરો આપેલ છે. તેણે પચાસ હજાર ફ્રાન્ક આપી હીરો ખરીદી લીધો.

બરટુસીઓ આ બધું જોઇ રહ્યો હતો. આટલા બધા પૈસા જોઇ તે વિસ્મય પામ્યો. કેડરુસે તે રકમ તેના કબાટમાં મૂકી દીધી. ઝવેરીએ પેલો હીરો એક નાનકડી કોથળીમાં મૂક્યો અને કોથળી બંડીના ખિસ્સામાં મૂકી દીધી. તે જવા તૈયાર થયો ત્યાં જ વિજળીના કડાકા થયા અને ભયંકર ગર્જનાઓ થઇ. વાવાઝોડું આવી રહ્યું હતું.

‘ભાઇ, તમે આવા વાતારવણમાં બહાર ન જતા.’ કેડરુસે ઝવેરીને વિનંતી કરી.

‘બરાબર છે. ના જશો. અહીં જ રાત રોકાઇ જાવ.’ કેડરુસની પત્નીએ પણ કહ્યું.

કેડરુસ અને તેની પત્ની એકબીજા સામે જોઇ રહ્યા. જાણે કે તે બંનેને એક જ સાથે એક દુષ્ટ વિચાર આવેલો.

‘અરે. મને કશું નહીં થાય. હું આવા વાવાઝોડાથી નથી ગભરાતો.’ એમ કહી ઝવેરી જવા નીકળ્યો.

જ્યારે તે ગયો, ત્યારે પત્નીએ કેડરુસને કહ્યું. ‘તમે એને શા માટે જવા દીધો?’

‘તું શું કહેવા માગે છે?’ કેડરુસે કહ્યું.

‘હું એમ કહું છું તમારે એને અહીં રોકી રાખવાનો હતો. તમારે હીરો લઇ જવા દેવાનો ન હતો.’ પત્નીએ દુષ્ટ વિચાર કહ્યો.

‘આવા વિચાર ન કર. ભગવાન રાજી ના થાય’ કેડરુસે કહ્યું.

એ સમયે ફરી ગર્જના થવા માંડી. પવન પણ જોરથી ફુંકાવા માંડ્યો. બરટુસીઓ વીશીમાં પ્રવેશ કરતો હતો ને બારણે ટકોરા પડ્યા તેથી તે પાછો ચૂપ થઇ ગયો. સંતાઇ ગયો.

‘કોણ છે?’ કેડરુસે પૂછ્યું.

‘હું. ઝવેરી. આ વરસાદ અને પવનમાં મને રસ્તો ન જડ્યો.’ બહારથી કોઇકે કહ્યું.

કેડરુસે તેની પત્ની સામે જોયું.

‘તમે એમ કહેતા હતા કે હું ભગવાનને નારાજ કરૂ છું. જો આ ભલા ભગવાને જ તેને પાછો મોકલ્યો.’ પત્નીએ છણકો કરતાં કહ્યું.

તે દરવાજા પાસે ગઇ અને તેણે દરવાજો ખોલ્યો.

‘આવો, આવો’ તેણે ઝવેરીને આવકાર્યો.

કેડરુસની પત્નીએ તેને જમાડ્યો અને સારી પેઠે વાઇન પણ પીવડાવ્યો. જમ્યા બાદ ઝવેરી ઉપર જઇ સૂઇ ગયો.

પાછળ વંડામાં રાહ જોતાં જોતાં કંટાળેલ બરટુસીઓ ત્યાં જ ઊંઘી ગયો. મોડી રાત્રે પિસ્તોલના ધડાકાથી તે જાગી ગયો. તેને થયું વીશીના મેળે ઝપાઝપી થઇ રહી છે. કોઇનું ખૂન થઇ રહ્યું હોય તેવી ચીસો અને બૂમો પડી રહી હતી. ઊપરથી ગરમ પ્રવાહી પડતું હતું. કેટલાંક ટપકાં તેના માથા પર પણ પડ્યાં. પછી તેણે સાંભળ્યું તો કોઇક નીચે ઉતરી રહ્યું હતું. તે ઊભો થયો અને કાણાંમાંથી જોયું.

કેડરુસ રૂમમાં આવતો હતો. તેના એક હાથમાં ફાનસ હતું અને બીજા હાથમાં ઝવેરીએ જેમાં હીરો મૂકેલો તે કોથળી હતી. તે કબાટ પાસે ગયો અને તેમાં સંતાડેલા પેલા પચાસહજાર ફ્રાંક તેણે લઇ લીધા. પૈસા અને હીરા સાથે તે અંધારામાં રફુચક્કર થઇ ગયો.

બરટુસીઓ વીશીમાં ગયો. તે ઉપર ગયો. તો ત્યાં કેડરુસની પત્ની પડી હતી. તેને ગોળીએ દેવાઇ હતી. તે બીજા રૂમમાં ગયો. ત્યાં ઝવેરી મરેલો પડ્યો હતો. તેના શરીરમાં પડેલા ચાર ઘામાંથી લોહી નીકળતું હતું. રસોડામાં વપરાતા મોટા છરાનો હાથો તેની છાતી પર દેખાતો હતો.

બરટુસીઓ નીચે દોડ્યો. એ જ વખતે તેનો પીછો કરતાં પોલિસ અધિકારીઓ વીશીના દરવાજે આવી પહોંચ્યા. તેઓએ બરટુસીઓને પકડી લીધો. કોઇકે તેનાં લોહીવાળાં કપડાં અને લોહીવાળું માથું બતાવ્યું. બરટુસીઓએ પણ જોયું કે તે લોહીથી ખરડાઇ ગયો હતો. જ્યારે તે વંડામાં સંતાયેલો ત્યારે પડી રહેલ ગરમ પાણી-પ્રવાહીની યાદ તેને આવી. તેણે એ સમજાવવા મહેનત કરી કે, ખૂન થયાં ત્યારે તો તે સંતાયેલો હતો. પણ પોલીસે તો એમ જ માન્યું કે, વીશીમાં તે પાછળથી ઘુસ્યો હશે અને ઉપર સૂતેલા બે જણનાં તેણે ખૂન કર્યા હશે.

અનુક્રમણિકા

ર૧ : બરટુસીઓની કબુલાત

આ દરમિયાન ફાધર બુસોની માર્સીલ પાછા ફર્યા. પાછા તે લોર્ડ વિલમોર બની ગયા; ફાધરના કાળા પોશાક, દાઢી અને હેટને તિલાંજલી આપી લોર્ડનાં કપડાં પહેરી લીધાં. પોતાની હોડીમાં બેસી લોર્ડ વિલમોર માર્સીલ છોડી ગયા. શેટો દ’ઇફ પાસેથી પસાર થતાં તે મરક મરક હસ્યા. તે ઇટલી ગયા અને નેપ્લીસમાં ઉતર્યા. ત્યાંથી ઘોડાગાડી કરી રોમ ગયા. રોમમાં તેમણે મોન્ટે ક્રિસ્ટો ટાપુ ખરીદવાની વ્યવસ્થા કરી. એમણે પોતાને ‘‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’’ કહેવડાવવાનો હક પણ રોમની સરકાર પાસેથી ખરીદ્યો.

એડમન્ડ દાન્તે (કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો) પોતાની સાથે ઘણા બધા કારીગરો લઇ મોન્ટે ક્રિસ્ટો ટાપુ પર ગયો. જે ગુફામાંથી તેને છુપો ખજાનો મળ્યો હતો તે ગુફામાં એક છૂપો મહેલ બાંધવા તેણે આ કારીગરોને જણાવ્યું. એ બાંધકામ પર ધ્યાન રાખવા એડમન્ડ થોડો સમય ટાપુ પર રહ્યો પણ ખરો. સપ્ટેમ્બરની શરૂઆતમાં તે માર્સીલ પાછો ફર્યો.

માર્સીલમાં એડમન્ડે દાણચોર બરટુસીઓની વાત જાણી. લોકોએ તેને કહ્યું કે, પોન્ટ દુ ગાર્ડ વીશી ખાતે બે વ્યક્તિઓના ખૂન કરવાનો તેની પર આક્ષેપ હતો પણ તે પોતાને નિર્દોષ ગણાવતો હતો. એ દાણચોરે એમ પણ કહેલું કે જો ફાધર બુસોની નામે વ્યક્તિ મળી જાય તો બધું સ્પષ્ટ થઇ જાય કારણ ખૂન થયાં તે દિવસે સવારે ફાધર બુસોનીએ તે વીશીની મુલાકાત લીધી હતી. આ ફાધર બુસોનીને શોધવા છેલ્લા ત્રણ માસથી તપાસ ચાલતી હતી. પણ તે હાથ લાગ્યા ન હતા. દાણચોરનો કેસ ટૂંકમાં જ ચાલવાનો હતો. કદાચ તે ખૂન કરવા બદલ ફાંસીની સજા પણ અપાય.

જે દિવસે લોર્ડ વિલમોરને આ વાત જણાવવામાં આવી તેના બીજે દિવસે ફાધર બુસોની એ જેલમાં ગયા જ્યાં દાણચોર બરટુસીઓને રાખવામાં આવેલો. ફાધર બુસોનીએ કહ્યું કે,કોઇ એક કેદી તેમને મળવા

માગે છે તેમ જાણતાં આવ્યા છે. તેઓએ સમાચાર સાંભળી બરટુસીઓ તો આનંદથી નાચી ઊઠ્યો. બાકી તેણે તો ફાધર બુસોની મળવાની આશા છોડી દીધી હતી. તેણે પોતાની વાત ફાધરને કહી અને ફાધરે તે માની પણ ખરી. બરટુસીઓએ ફાધરને તેની ‘કબુલાત’ સાંભળવા પણ વિનંતી કરી. ફાધર બુસોની સંમત થયા અને તેમને એક નવીન કથા જાણવા મળી.

‘૧૮૧૫માં સો દિવસ’ ના રાજ્ય વખતે મારો એક ભાઇ નેપોલિયનના લશ્કરમાં સૈનિક હતો. જ્યારે નેપોલિયન વોટરલુ ખાતે હાર્યો, ત્યારે મારો ભાઇ પણ લશ્કર સાથે પીછેહઠ કરી ગયો. તે દક્ષિણમાં ગયો. નીમેસ ખાતે અમે મળવાનું નક્કી કર્યું. ત્યાંથી અમે અમારા વતન કોરસીકા જવાના હતા. આ વખતે રાજા તરફી વફાદારો નેપોલિયનવાદીઓ પર બદલો લેતા હતા. જ્યારે મારો ભાઇ નીમેસ ખાતે નેપોલિયનના સૈનિકની વરદીમાં જ આવ્યો ત્યારે રાજા તરફી માણસોએ તેનું ખૂન કરી નાખ્યું.

‘મારા ભાઇનું ખૂન થતાં હું સરકારી વકીલને મળવા ગયો. આ સરકારી વકીલ વિલફોર્ટ નામે એક યુવાન હતો અને તે માર્સીલથી નીમેસ ખાતે થોડા સમય પહેલાં જ આવેલો. માર્સીલ ખાતે તે નાયબ સરકારી વકીલ હતો. મેં તેને મારા ભાઇના ખૂનીઓ શોધી કાઢવા અને તેમને શિક્ષા કરવા વિનંતી કરી.’

‘પણ આ સરકારી વકીલ વિલફોર્ટ રાજાવાદી હતો અને એટલે તેણે મારી એક પણ વાત ના સાંભળી. એણે તો પાછું એમ પણ સંભળાવ્યું કે, જો તારો ભાઇ નેપોલિયનનો સૈનિક હતો તો તે તે જ લાગનો હતો. એણે મને કાઢી મૂક્યો.’

‘મેં આ નિષ્ઠુર માણસ પર બદલો લેવાનું નક્કી કર્યું. એ રાજા તરફી હતો તેથી તેને મારા નેપોલિયનવાદી ભાઇના ખૂનને યોગ્ય ગણ્યું. એથી મેં તેને કહ્યું કે, હવે તે મળશે ત્યારે તેને હું મારી નાખીશ.’

‘ત્યારથી વિલફોર્ટ જાણતો હતો કે, તે જ્યાં જ્યાં જતો ત્યાં હું તેનો પીછો કરતો. તે સચેત હતો. તેણે નીમેસથી બદલી માગી. રાજ્યે તેને પેરિસમાં બઢતી આપી મોકલ્યો. હું તેની પાછળ પેરિસ ગયો.’

‘ર૭મી સપટેમ્બર, ૧૮૧૬નો દિવસ હતો. પેરિસ બહાર આવેલા તેના મકાનના બાગમાં હું તેની રાહ જોતો હતો ત્યારે મેં તેને હાથમાં એક નાનું પડીકું લઇ આવતો જોયો. તે બાગના ખૂણે ગયો અને પડીકું જમીન પર મૂક્યું. તેણે પાવડો લીધો અને જમીન ખોદવા લાગ્યો. તેણે ખાડો કર્યો અને તેમાં પેલું પડીકું મૂક્યું. મેં જોયું કે, આ એક ઉત્તમ તક હતી. જેવો તે પાવડો લઇ નીચો નમ્યો કે હું તેના તરફ ધસી ગયો. અને તેની પીઠમાં ખંજર ખોસી દીધું.’

‘પછી પેલું પડીકું મેં લઇ લીધું. મને એમ કે એમાં કશો ખજાનો હશે જે વિલફોર્ટ સંતાડતો હશે. ઘવાયેલો વિલફોર્ટ જમીન પર કણસતો હતો ત્યારે મેં તેને કહ્યું કે, મેં મારા ભાઇના મૃત્યુનો બદલો લીધો અને કહ્યું, આ પડીકામાં છુપાવેલો ખજાનો હું મારા ભાઇની વિધવાને આપીશ.’

‘શું તે મરી ગયો?’ પાદરીએ પૂછ્યું.

‘મને ખાતરી છે તે મરી ગયો.’ બરટુસીઓએ જવાબ આપ્યો.

‘ભલે, જ્યારે તું તે ખૂન અંગે કબુલાત કરે છે ત્યારે હું માનું છું કે બીજાં બે ખૂનમાં તું નિર્દોષ છે,’ ફાધર બુસોનીએ કહ્યું.

* * * * *

ફાધર બુસોનીએ જેલના સત્તાવાળાઓને બરટુસીઓ પર કામ ચલાવવા સમજાવ્યા. તેનું નસીબ પણ જોરમાં હતું, કારણ કે વિદેશમાં કેડરુસ પોલિસના હાથે ઝડપાઇ ગયો અને તેને ફ્રાન્સ પાછો લાવવામાં આવ્યો. તેણે ખૂનની કબુલાત કરી લીધી અને તેને આજીવન કેદની સજા થઇ. બરટુસીઓને મુક્ત કરી દેવાયો.

જેલમાંથી મુક્ત થયા બાદ બરટુસીઓ ફાધર બુસોનીનો આભાર માનવા ગયો.

‘ભાઇ, મને તારી વાતમાં રસ પડ્યો છે. પછી પેલા પડીકાનું શું થયું? એ ખજાનો તેં તારાભાઇની વિધવાને આપેલો કે નહીં?’ ફાધરે પૂછ્યું

‘એમાં ખજાનો હતો જ નહીં. એ પડીકું લઇ હું ભાગ્યો અને દૂર નદી કિનારે ગયો. મેં પડીકું ખોલ્યું. અંદર એક નવજાત બાળક હતું. એક કપડામાં તેણે લપેટવામાં આવ્યું હતું. જેની પર ‘એચ’ અને ‘એન’ અક્ષરો લખ્યા હતા. બાળકના ફીક્કા હાથ અને ફીક્કો ચહેરો એ પૂરવાર કરતા હતાં કે તે ગૂંગળાઇ ગયું હતું. પણ તે હજુ મરી ગયું ન હતું. એટલે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઇએ તેનો મને ખ્યાલ. મેં તેનાં ફેફસાંમાં હવા ફૂંકી. અડધો-પોણો કલાકમાં તે શ્વાસ લેતું થઇ ગયું અને ધીમે ધીમે રડવા માંડ્યું.’

‘પછી તે બાળકનું શું કર્યું?’ ફાધરે પૂછ્યું.

‘હું તેને મારા ભાઇની વિધવા પાસે લઇ ગયો. તેણે તે બાળકને પોતાના બાળક તરીકે જ ઉછેર્યું. અમે તેનું નામ બેનીડીટ્ટો પાડ્યું. પણ મને લાગે છે તેને આપીને ભગવાને અમને સજા કરી. એ ઘણો દેખાવડો છોકરો હતો, પણ બગડી ગયો. મોટો થાય ત્યાં સુધીમાં તો તે પાડોશીઓને ત્યાંથી ચોરી કરવા માંડ્યો. હજુ તો તેને તેર વર્ષ જ થયાં છે, પણ એણે અમારું બધું લૂંટી લીધું છે અને નાસી ગયો છે. મને ખબર નથી એ ક્યાં છે.’

‘ભાઇ બરટુસીઓ, આ બધું એ એક પાઠ છે. એ સમજી તારે દાણચોરી છોડી દેવી જોઇએ.’ ફાધરે કહ્યું.

‘પણ હું શું કરું?’

‘હું તને મારા એક મિત્ર પર પત્ર લખી આપું છું.’

ફાધર બુસોની ટેબલ સામે બેઠા અને પોતાના મિત્ર કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો પર એક ચિઠ્ઠી લખી. ‘આ મિત્ર ઇટાલીમાં રહે છે. આ ચિઠ્ઠી સાથે તું ત્યાં જા. તારી મુસાફરી માટે આ પૈસા પણ લે. મને ખાત્રી છે એ તને કશુંક કામ આપશે.’

અનુક્રમણિકા

રર : જેલનું રજિસ્ટર

પછીના દિવસે લોર્ડ વિલમોરે માર્સીલના જેલના વડાની મુલાકાત લીધી. તેણે જેલના વડાને જણાવ્યું કે યુવાનીમાં તેણે રોમના એક પાદરી ફેરિયા પાસે શિક્ષણ પ્રાપ્ત કરેલું. તે પાદરી પછી અદૃશ્ય થઇ ગયેલા. પાછળથી એમ જાણવા મળેલું કે તે આ જેલમાં કેદી હતા.

‘હા. મને યાદ છે. તે ધૂની હતો. અખૂટ ખજાનાની માહિતી હોવાનું તે કહ્યા કરતો.’ જેલના વડાએ કહ્યું.

‘શું તે જીવે છે?’ લોર્ડ વિલમોરે પૂછ્યું.

‘ના. આ ફેબ્રુઆરીમાં તે મરી ગયો.’

‘તેમને તે તારીખ યાદ હશે જ.’ લોર્ડે પૂછ્યું.

‘મને એ તારીખ બરાબર યાદ છે કારણ કે તે દિવસે એક

અસામાન્ય ઘટના બનેલી.’

‘એ શું હતું વળી?’

‘આ ફેરિયાની કોટડીથી લગભગ પચાસ ફૂટ દૂરની કોટડીમાં એક નેપોલિયનવાદી કેદી રહેતો હતો. તે ભયંકર હતો. તેનું નામ એડમન્ડ દાન્તે હતું. તેની કોટડીમાં તેને મેં એક વખત જોયેલો. તેનો ચહેરો ખૂબ જ ભયંકર હતો. એ કયાંય પણ મળે તો હું તરત જ ઓળખી જઉં.’ જેલના વડાએ કહ્યું.

લોર્ડ વિલમોર મનમાં હસ્યા. તે બોલ્યા, ‘ખરેખર? શું કહ્યું તેનું નામ - એ ભયંકર કેદીનું?’

‘દાન્તે. એડમન્ડ દાન્તે.’

‘ઓહ, દાન્તે. પણ તે કેવી રીતે ચિત્રમાં આવ્યો?’ લોર્ડ વિલમોરે પૂછ્યું.

તેણે તેની અને ફેરિયાની કોટડીઓ વચ્ચે છૂપો માર્ગ બનાવ્યો. જ્યારે ફેરિયા મરી ગયો ત્યારે તે તેને ગુપ્ત માર્ગેથી પોતાની કોટડીમાં લઇ ગયો. પછી તે ફેરિયાની કોટડીમાં ગયો, અને ફેરિયાના સ્થાને કોથળામાં ભરાઇ ગયો, અને તેને જેલરો દાટી દે તેની રાહ જોવા માંડ્યો.

‘હિંમતવાળું કામ કહેવાય આ તો.’ લોર્ડ વિલમોરે કહ્યું.

‘મેં તમને જણાવ્યું છે કે તે ખૂંખાર કેદી હતો. પણ કમનસીબે અમે એ બંનેથી એક સામટો છૂટકારો મેળવ્યો.’ જેલના વડાએ કહ્યું.

‘એ કેવી રીતે?’

‘આ જેલમાં કબ્રસ્તાન નથી. મરેલ માણસને તેના પગે છત્રીસ શેર વજનનો પથરો બાંધી દરિયામાં નાખી દેવામાં આવે છે.’

‘હં...?’ આ બધું સમજતાં વાર લાગતી હોય તેમ લોર્ડ વિલમોરે નિઃસાસો ખાધો.

‘જેલરોએ એડમન્ડ દાન્તેના પગે છત્રીસ શેર વજનનો પથ્થર બાંધ્યો અને તેને દરિયામાં નાખી દીધો.’

‘ખરેખર?’ આશ્ચર્યમાં પડેલ લોર્ડ વિલમોરે પૂછ્યું.

‘હાસ્તો વળી. તમે જ વિચારો એડમન્ડનું બિચારાનું ત્યારે શું થયું હશે. મને તો એ વખતનો એનો ચહેરો જોવો હતો.’ જેલના વડાએ શેખી કરી.

‘એ તો ઘણું અઘરું કામ હતું.’

‘હા, એ અઘરું હતું. પણ હું એ કલ્પી શકું છું.’ જેલના વડાએ કહ્યું.

હું પણ કલ્પી શકું છું. એમ લોર્ડ વિલમોર હસ્યા; ફક્ત મોઢાથી જ હસ્યા, આંખોથી નહીં.

બંને હસી રહ્યા એટલે લોર્ડ વિલમોરે વિનંતી કરી, ‘શું ફેરિયાની વિગત રજિસ્ટરમાં જોઇ શકું? મને એમના મૃત્યુ વિશે થોડી માહિતી જોઇએ છે.’

‘ચોક્કસ...’ એમ કહેતાં જેલના વડાએ રજિસ્ટર શોધી કાઢ્યું અને લોર્ડ વિલમોરને આપ્યું. જ્યારે લોર્ડ વિલમોર રજિસ્ટર જોતા હતા ત્યારે જેલનો વડો એક ખૂણામાં બેઠો અને છાપું વાંચવા માંડ્યો. એણે એ ન નોંધ્યું કે લોર્ડ વિલમોરને ફેરિયાની વિગત કરતાં એડમન્ડ દાન્તેની વિગતમાં વધુ રસ હતો. એણે એ પણ ન જોયું કે, ડેન્ગલર્સ દ્વારા લખાયેલ અને ફર્નાન્ડ દ્વારા પોસ્ટ કરાયેલ એડમન્ડને નેપોલિયનવાદી ઠરાવતો પત્ર લોર્ડ વિલમોરે ચીલ ઝડપથી કાઢી લઇ પોતાના ખિસ્સામાં સરકાવી દીધેલ. પછી લોર્ડ વિલમોર ઉભા થયા, જેલના વડાનો આભાર માન્યો અને ચાલતા થયા.

બીજે દિવસે લોર્ડ વિલમોર ઇટાલી બાજુ હંકારી ગયા.

આના થોડા દિવસ પછી બરટુસીઓ ઇટાલી પહોંચ્યા. ફાધર બુસોનીએ આપેલ સરનામે તે પહોંચ્યો. જેવો કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ ફાધર બુસોનીએ લખેલ પત્ર વાંચ્યો કે તણે બરટુસીઓને નોકરી આપવાનું જણાવી દીધું.

‘તું મારો અંગરક્ષક.’ કાઉન્ટે કહ્યું.

અનુક્રમણિકા

ર૩ : હેડી

ત્રણ વર્ષ પછી, ૧૮૩૨માં, કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો કોન્સ્ટન્ટીનોપોલમાં હતા.

કોન્સ્ટન્ટીનોપોલ શહેરમાં સુલતાન મહેમુદના દરબારમાં એક તેર વર્ષની યુવાન છોકરી રહેતી હતી. તેનું નામ હેડી હતું અને તે એક ગુલામ હતી. તે સાત વર્ષ પહેલાં સુલતાન મહેમુદના ગુલામ-વહેપારી અલ-કોબીરને વેચવામાં આવેલી.

કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો અલ-કોબીરને મળ્યો. અલ-કોબીરે સુલતાન મહેમુદ વતીથી એક ફ્રેન્ચ અધિકારી પાસેથી એ ગુલામ છોકરી કેવી રીતે ખરીદી તેની કથા કાઉન્ટનેકહી.

‘તમને એ ફ્રેન્ચ અધિકારીનું નામ યાદ છે?’ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ પૂછ્યું.

‘તેનું નામ હતું કર્નલ ફર્નાન્ડ મોન્ડેગો. જનીનાના પાચા, રાજકુમાર અલી તેબેલીનના લશ્કરનો તે કમાન્ડર હતો.’ અલ-કોબીરે જવાબ આપ્યો.

‘તમે શું માનો છો, શું હું આ છોકરી સુલતાન પાસેથી ખરીદી શકું?’ કાઉન્ટે પૂછ્યું.

‘જો તમે પૂરતી રકમ ચૂકવો તો બધું જ શક્ય છે. કિંમત ઘણી વધુ રહેશે.’ અલ-કોબીરે જવાબ આપ્યો.

થોડા દિવસ પછી કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ આઠ લાખ લીવ્રેની કિંમતનું એક મોતી અલ-કોબીરને આપ્યું. અલ-કોબીરે આ કિંમતી ઝવેરાત ગુલામ-કન્યા હેડીના મૂલ્ય તરીેક સુલતાન મહેમુદને આપ્યું.

એ સાથે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ ગુલામ પણ ખરીદ્યો. તેનું નામ હતું અલી. તે મોટો અને તગડો હતો, પરન્તુ મૂંગો હતો. સુલતાને તેની જીભ કાપી નાખી હતી.

એ પછી એક પિતા એની દીકરીની સંભાળ રાખે તેમ મોન્ટે ક્રિસ્ટોએ હેડીની સંભાળ રાખી. એને માલુમ પડી ગયું હતું કે, હેડી જનીનાના પાચાની જ દીકરી હતી. હેડી પાસેથી તેણે ફર્નાન્ડ મોન્ડેગોની દગલબાજી પણ જાણી લીધી હતી. ફર્નાન્ડે કેવી રીતે જનીનાના પાચાને દગો કર્યો, તેની સંપત્તિ કેવી રીતે હડપ કરી, અને પાચાની પત્ની અને દીકરીને કેવી રીતે ગુલામ તરીકે સુલતાન મહેમુદને વેચી એ આખી કથા હેડીને કાઉન્ટને કહી. હેડીની મા કોન્ટન્ટીનોપોલ આવતાં જ અવસાન પામેલી.

પછી થોડાં વર્ષો કાઉન્ટ અને હેડી પૂર્વમાં રહ્યાં. હેડીને માંગે તે આપવામાં આવતું હતું. ખૂબ જ જાહોજલાલીમાં તે જીવતી હતી. એ દિવસો દરમિયાન ફર્નાન્ડ મોન્ડેગો અને જનીનાના પાચાની આખી કથા કાઉન્ટે મેળવી લીધી. આ એ જ ફર્નાન્ડ હતો જેણે એડમન્ડ દાન્તે સાથે દગો કર્યો હતો.

ફર્નાન્ડ મોન્ડેગોની સંપૂર્ણ બાતમી મેળવ્યા બાદ અલી અને હેડી સાથે કાઉન્ટ યુરોપ પાછો ફર્યો. બરટુસીઓ તેમની સાથે જોડાયો. મોન્ટે ક્રિસ્ટો ટાપુ પર બાંધવામાં આવેલ ભૂગર્ભ પેલેસમાં તેઓ રહેવા ગયા.

કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો પોતાના ભૂતપૂર્વ કપ્તાન ‘યંગ એમિલિયા’ના કપ્તાનને અહીંથી સંદેશો મોકલાવ્યો. મોન્ટે ક્રિસ્ટો ટાપુ થોડા સમયમાં તો દાણચોરોનું મિલનસ્થાન બની ગયું. દાણચોરો અને ભાગી છૂટેલા કેદીઓને કાઉન્ટના મહેલમાં આશ્રય મળવા લાગ્યો. અને એવું બન્યું કે, આસપાસના બધા દાણચોરો કાઉન્ટના ઋણી બની ગયા. કાઉન્ટનો પડ્યો બોલ તે સૌ ઝલવા લાગ્યા.

અનુક્રમણિકા

ર૪ : રોમન બહારવટિયા

૧૮૩૮ની શરૂઆતનો સમય હતો. ફર્નાન્ડ મોન્ડેગો અને મર્સીડીસનો દીકરો વીસકાઉન્ટ આલ્બર્ટ મોરસર્ફ તેના મિત્ર ફ્રાન્ઝ એપીનાય સાથે ઇટાલીમાં મુસાફરી કરી રહ્યો હતો. રોમ પહોંચ્યા પછી આલ્બર્ટ મોરસર્ફ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને મળ્યો. તેઓ બંને સારા મિત્રો બની ગયા.

એક રાત્રે વીસકાઉન્ટ આલ્બર્ટ મોરસર્ફ મૂર્ખામી કરી બેઠો; તે બહારવટિયાઓના હાથમાં ઝડપાઇ ગયો. બહારવટિયાઓ તેને રોમ બહાર ગુફાઓમાં લઇ ગયા અને પોતાનો કેદી બનાવી દીધો. તેઓએ વીસકાઉન્ટ આલ્બર્ટના મિત્ર ફ્રાન્ઝને કાગળ લખ્યો અને આલ્બર્ટના છૂટકારા માટે ચાર હજાર પીઆસ્ટ્રી માગ્યા. જાસાચિઠ્ઠીમાં બહારવટિયાઓએ લખેલું : ‘‘જો ચાર હજાર પીઆસ્ટ્રી કાલે સવારે છ વાગ્યા સુધીમાં અમારા હાથમાં નહીં આવે તો સાત વાગ્યા સુધીમાં વીસકાઉન્ટ આલ્બર્ટ મોરસર્ફ મૃત્યુ પામ્યો હશે.’’

ફ્રાન્સ એપીનાય પાસે માત્ર ત્રણ હજાર પીઆસ્ટ્રી જ હતા. આટલા ટૂંકા સમયમાં બીજા એક હજાર પીઆસ્ટ્રી ક્યાંથી લાવવા તેની તેને સૂઝ પડતી ન હતી. તેને કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો યાદ આવ્યા. તે તેની પાસે ગયો અને એક હજાર પીઆસ્ટ્રી ઉધાર આપવા વિનંતી કરી.

કાઉન્ટે ફ્રાન્ઝ પાસે શું બન્યું તે જાણ્યું, અને હસી પડ્યો.

‘આ બહારવટિયાઓને મળવા આપણે સાથે જશું.’ કાઉન્ટે કહ્યું.

કાઉન્ટે તેના રક્ષક અલીને ઘોડાગાડી તૈયાર કરવા જણાવ્યું. ફ્રાન્ઝ એપીનાય સાથે રોમની બહાર ગુફાઓમાં બહારવટિયાઓને મળવા કાઉન્ટ હંકારી ગયો. ગુફાઓ પાસે જઇ તેણે બહારવટિયાઓના વડાને મળવા જણાવ્યું.

‘ભાઇ, તું આપણો કરાર ભૂલી ગયો લાગે છે,’ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ બહારવટિયાઓના સરદારને કહ્યું.

‘કયો કરાર પાળવાનું હું ભૂલી ગયો, નામદાર કાઉન્ટ?’

‘આપણે એવું નક્કી નહોતું કર્યું કે તમે મારા કોઇપણ મિત્રને પજવશો નહીં?’ કાઉન્ટે યાદ દેવડાવ્યું.

‘અને મેં એ આજ્ઞા કેવી રીતે ભંગ કરી છે, નામદાર?’ વડાએ નમ્રતાથી પૂછ્યું.

‘આજે સાંજે તમે વીસકાઉન્ટ આલ્બર્ટ મોરસર્ફને ઉપાડી ગયા છો. આ આલ્બર્ટ મારો મિત્ર છે.’ કાઉન્ટે સ્પષ્ટતા કરી.

બહારવટિયાઓનો વડો ગુસ્સે થઇ ગયો. એણે એના સાથીઓને ખખડાવ્યા : ‘તમે મને પહેલાં કેમ આ વાત જણાવી નહીં, મૂરખાઓ?’ વડાનો ગુસ્સો અને પરિસ્થિતિ પામી જઇ સાથીઓ મોં ફેરવી ગયા.

‘હું માફી માગું છું, નામદાર. આપના મિત્રને તુરન્ત મુક્ત કરું છું.’ બહારવટિયાના વડાએ ઢીલાશથી જણાવ્યું.

આલ્બર્ટને મુક્ત કરવામાં આવ્યો. કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો સાથે તે રોમ પાછો ફર્યો. તે તો કાઉન્ટનો ઋણી બની ગયો. કાઉન્ટે માત્ર તેને મુક્ત જ ના કરાવયો, તે માટે એક પૈસો પણ ન ખરચવો પડ્યો.

‘મારે લાયક કોઇપણ કામ આપ જણાવી શકો છો.’ આલ્બર્ટે કાઉન્ટને કહ્યું.

‘હા. તું એક કામ મારા માટે કરી શકે છે.’ કાઉન્ટે કહ્યું.

‘શું?’

‘હું પહેલાં ક્યારેય પેરિસ ગયો નથી. હવે હું નજીકમાં ત્યાં જવાનો છું. હું આવું ત્યારે તું મને શહેર બતાવીશ? તારા મિત્રમંડળમાં મારી ઓળખાણ કરાવીશ?’ કાઉન્ટે પૂછ્યું.

‘રાજીખુશીથી વળી. આપ ક્યારે આવો છો?’

‘આજે થઇ ર૧મી ફેબ્રુઆરી, અને અત્યારે સાડાદશ વાગ્યા છે. આજથી ત્રણ માસની અંદર હું તને તારા ઘરે મળીશ. આ ભૂલી ના જતો. હું ર૧મી મે ના રોજ સવારે સાડાદશ વાગે તારે ત્યાં આવીશ.’

‘બહુ સરસ. નાસ્તો આપના માટે તૈયાર હશે.’

અનુક્રમણિકા

૨પ : મોન્ટે ક્રિસ્ટો પેરિસમાં

બરાબર ત્રણ માસ પછી, સવારે સાડા દશ વાગે ર૧ મે, ૧૯૩૮ ના રોજ આલ્બર્ટ મોરસર્ફના પેરિસના નિવાસસ્થાને બારણે ટકોરા પડ્યા. કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો તેના યુવાન મિત્રના નિવાસસ્થાને ચ્હા-પાણી માટે આવી પહોંચેલ.

કાઉન્ટને જોતાં આલ્બર્ટ રાજી રાજી થઇ ગયો. ચ્હા-પાણી અને નાસ્તો પત્યા પછી તેણે કાઉન્ટની ઓળખાણ તેના પિતાજીને કરાવી. તેના પિતા ફર્નાન્ડ મોરસર્ફ એ જાણતા ન હતા કે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો એ બીજું કોઇ નહીં પણ એડમન્ડ દાન્તે જ છે. તેણે તો એમ માન્યું કે, તેના પુત્રને એક નવા અને મજાના મિત્ર મળ્યા છે. ફર્નાન્ડ અને કાઉન્ટે ઘણા સમય સુધી વાતો કર્યા કરી.

પછી આલ્બર્ટની મમ્મી મર્સીડીસ આવી.

એને જોતાં આલ્બર્ટ બોલી ઉઠ્યો, ‘લો, આ મારાં મમ્મી આવી ગયાં.’

જ્યારે મર્સીડીસે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને જોયો, ને તેનો ચહેરો બદલાઇ ગયો. તે ઝંખવાઇ ગઇ.

‘મમ્મી, તું બિમાર છે?’ ઝંખવાઇ ગયેલી મમ્મીને જોતાં આલ્બર્ટ પૂછી બેઠો.

‘ના, એવું કંઇ નથી. પણ મારા દીકરાનો જેણે જીવ બચાવ્યો તેમને પ્રથમ વખત જોતાં હું જરા અસ્વસ્થ બની ગઇ.’

તે કાઉન્ટ તરફ ફરી અને બોલી, ‘રોમમાં બહારવટિયાઓના પંજામાંથી આલ્બર્ટને છોડાવવા માટે હું આપનો આભાર માનું છું.’

મોન્ટે ક્રિસ્ટોએ નમન કરી આભારનો સ્વીકાર કર્યો. ‘એમાં મેં કશું કર્યું નથી.’ કાઉન્ટે વધુમાં કહ્યું.

જ્યારે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો ત્યાંથી વિદાય થયા ત્યારે મર્સીડીસે આલ્બર્ટને કાઉન્ટ અંગે અનેક સવાલો પૂછ્યા. તેના આ શ્રીમંત અને ભવ્ય લાગતા કાઉન્ટમાં ખૂબ રસ પડ્યો હોય એમ લાગ્યું.

* * * * *

પેરિસમાં કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ એક આલીશાન મકાન ખરીદ્યું. અને તે મકાનને તેણે ભવ્ય રીતે સજાવ્યું. તે તેમાં આરામથી રહેવા લાગ્યો. અલી અને બરટુસીઓ તેની ચાકરીમાં હતા. હેડી પણ આ જ મકાનમાં રહેતી હતી. તેને તેના અલાયદા ઓરડાઓ આપવામાં આવેલા. તેને સેવામાં દાસીઓ રહેતી.

પોતે આપેલા વચન પ્રમાણે આલ્બર્ટ મોરસર્ફ કાઉન્ટનો પરિચય તેના મિત્રોમાં કરાવ્યો. એમાંનો એક મિત્ર હતો સરકારી વકીલ વિલફોર્ટ.

જ્યારે બરટુસીઓને ખબર પડી કે વિલફોર્ટ જીવતો છે ત્યારે તો તે લગભગ બેભાન જ બની ગયો. એ બબડ્યો, ‘મેં એને મારી નાખ્યો નથી! સાહેબ, આપ એ તો જાણો જ છો કે આપના મિત્ર ફાધર બુસોની સમક્ષ તેનું ખૂન કરવાની કબુલાત કરી છે. હવે આપ એમ કહો છો કે તે મર્યો નથી.’

‘ના. તે મર્યો નથી. તે જીવતો છે. તેના હૃદય પર મારવાને બદલે તેં કાંતો ખૂબ ઉપર કે નીચે માર્યું હશે. એટલે તું હવે સમજ્યો, તું ખૂની નથી.’ કાઉન્ટે શાંત્વન આપ્યું.

‘ભગવાનની કૃપા છે.’ બરટુસીઓએ કહ્યું.

* * * * *

આલ્બર્ટે કાઉન્ટનો પરિચય બેરન ડેન્ગલર્સ, તેની પત્ની શ્રીમતી ડેન્ગલર્સ અને તેઓની દીકરી યુજીન સાથે પણ કરાવ્યો.

આપણે એ તો જાણીએ જ છીએ કે ફર્નાન્ડ અને ડેન્ગલર્સ તો જૂના મિત્રો છે. તેઓ બંને શ્રીમંત છે. અને બંનેએ એવું ઇચ્છું કે તેમનાં કુટુંબો સંબંધથી જોડાવા જોઇએ તેથી તેમના વારસો પણ વધુ શ્રીમંત થાય. આમ ગણતરી કરીને જ ફર્નાન્ડના સુપુત્ર આલ્બર્ટ અને ડેન્ગલર્સની પુત્રી યુજીનના વિવાહ કરવામાં આવેલા. આલ્બર્ટે તેના આ સગપણની વાત કાઉન્ટને કહી.

‘પણ, હું યુજીનને પરણવા માગતો નથી કે યુજીન મને પરણવા માગતી નથી. અમને બંનેને અમારા પિતાઓ પરણાવવા માગે છે.’ આલ્બર્ટે હૃદયની વાત કહી.

‘તારી મમ્મી શું માને છે?’ કાઉન્ટે પૂછ્યું.

‘ઓહ, એને તો સ્ત્રી સંબંધ ગમતો જ નથી. એને તો ડેન્ગલર્સ કુટુંબ પણ નથી ગમતું. મને ખબર નથી શા માટે એને નથી ગમતું. પણ, જો અમે લગ્ન ના કરીએ તો તે તો ખુશ થાય જ.’

ફર્નાન્ડ અને મર્સીડીસ, શ્રી અને શ્રીમતી વિલફોર્ટ, ડેન્ગલર્સ દંપતિઆ બધાંએ આલ્બર્ટના નવા મિત્રને વખાણ્યો. તેઓને કાઉન્ટ ડાહ્યો અને બુદ્ધિશાળી માણસ લાગ્યો. તેઓ ઘણી વખત કાઉન્ટને પોતાને ત્યાં બોલાવતા અને કાઉન્ટ પણ તેમને પોતાને ત્યાં બોલાવતો. તેઓ બધા એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા.

મોન્ટે ક્રિસ્ટો એ સૌ પર છવાઇ ગયા હતા.

અનુક્રમણિકા

૨૬ : એન્ડ્રીઆ

એક દિવસ એક યુવાન માણસ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોના ઘરે આવ્યો. તેણે તેનું નામ એન્ડ્રીઆ કેવેલેન્ટી બતાવ્યું. તે ઇટાલીથી આવ્યો હતો. તેની પાસે ફાધર બુસોનીએ લખેલી ભલામણ ચિઠ્ઠી હતી. ફાધર બુસોનીએ તેને રોમમાં કાઉનટ મોન્ટે ક્રિસ્ટોને મળવા જણાવેલું. ફાધરે એમ પણ જણાવેલું કે કાઉન્ટ તેને પેરિસ દેખાડશે અને જરૂરી પૈસા પણ આપશે બરટુસીઓએ આ માણસને જોયો. તેને જોતાં જ તે ઉશ્કેરાઇ ગયો.

કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને એક ખૂણામાં લઇ જઇ તેણે કહ્યું. ‘આ માણસનું નામ એન્ડ્રીઆ કેવેલકન્ટી નથી. તેનું નામ બેનીડીટ્ટો છે. એને જ મે મારા દીકરા તરીકે ઉછેરેલો. ૧૯૨૯માં મને લૂંટીને, મારું ઘર છોડીને તે નાસી ગયેલો. મેં ફાધર બુસોનીને તના વિશે બધું જ કહ્યું છે.’

‘હું જાણું છું. પણ તું ચિંતા ના કરીશ. મારા કામે જ મેં તેને અહીં બોલાવ્યો છે. એ દરમિયાન, આ મકાનમાં તું રહે છે એવો તેને ખ્યાલ ન આવવા દઇશ. તું એમ કર, રજા પાડી દે. બહાર ક્યાંક ફરી આવ.’ કાઉન્ટે બરટુસીઓને કહ્યું.

એન્ડ્રીયા જ્યાં રાહ જોતો હતો તે રુમમાં કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો ગયો અને એન્ડ્રીયાને આવકારતાં કહ્યું, ‘ગુડ મોર્નિંગ. ફાધર બુસોનીનો પત્ર મને મળ્યો છે અને તેમાં લખ્યું છે તમે ઇટાલીના એક ઉમરાવના કુટુંબના છો અને પેરિસ જોવા માંગો છો. ફાધર મારી પાસે થોડાઘણા પૈસા માગે છે એ પૈસામાંથી તમને આપવા મને લખ્યું છે.’

બેનીડીટ્ટોને કશી સમજણ પડતી ન હતી. શા માટે ફાધર બુસોનીએ તેને પેરિસ મોકલ્યો? શા માટે તેનું નામ એન્ડ્રીઆ કેવેલકન્ટી રાખવામાં આવ્યું? શા માટે તેને ઇટાલીના એક ઉમરાવ કુટુંબનો સભ્ય જાહેર કરાયો? એને કશી સમજણ પડતી ન હતી. પણ જેવા કાઉન્ટે તેના એક હજાર ફ્રાન્ક તેના ખર્ચ પેટે આપ્યા કે, તેની મૂંઝવણો દૂર થઇ ગઇ.

ઉપરાંત, કાઉન્ટે વધુ પૈસા પાછળથી આપવા પણ જણાવેલું. તેણે ફાધરે તેને કહેલ તેમ વર્તવા નક્કી કરી લીધું. એને ફદિયાં મળતાં હોય ત્યાં સુધી શું વાંધો હોઇ શકે?

થોડા દિવસ પછી એન્ડ્રીયા અને બેરેન ડેન્ગલર્સની મુલાકાત થઇ. ડેન્ગલર્સને આ યુવાનમાં ખૂબ રસ પડ્યો. એન્ડ્રીઆ શ્રીમંત લાગતો હતો. ડેન્ગલર્સને થયું, આવો યુવાન માણસ એની દીકરી માટે યોગ્ય મુરતીયો બની શકે, એક દિવસ ડેન્ગર્સે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને એન્ડ્રીઆ અંગે પૂછ્યું.

‘મને એન્ડ્રીયા વિશે ઝાઝી માહિતી નથી. મને તો એટલી ખબર છે કે, તેને અહીં ફાધર બુસોનીએ મોકલ્યો છે.’ કાઉન્ટે કહ્યું.

આ યુવાનો પરણે ત્યારે તેમને વારસામાં કશું મળે છે ખરું? ડેન્ગલર્સે પૂછ્યું.

‘ઓહ, એનો આધાર તો છોકરો તેના પિતાની પસંદગીની છોકરી પરણે છે કે નહીં તેના પર છે. જો એન્ડ્રીઆ તેના પિતાની પસંદગીની છોકરીને પરણે તો તેને ૩૦ લાખ મળે. તેના પિતા ખૂબ શ્રીમંત છે. પણ જો તે તેના પિતાની ઇચ્છા વિરૂદ્ધ પરણે તો તેને ફૂટી કોડી પણ ના મળે.’ કાઉન્ટે જણાવ્યું.

‘તો તો તે કોઇ રાજકુમારી કે એવી કોઇ છોકરીને જ પરણશે.’

‘ના રે. હું એવું માનતો નથી. આવા ઇટાલિયન શ્રીમંત કુટંબોના નબીરા ઘણી વખત સામાન્ય કુટુંબોમાં પરણે છે. પણ તમે કેમ આ બધું પૂછો છો? શું તમે તમારી દીકરીનું લગ્ન તેની સાથે કરવા ઇચ્છો છો?’ કાઉન્ટે પૂછ્યું.

‘મારા સમ. એમ બને તો કેવું સારૂં.’ ડેન્ગલર્સે કહ્યું.

‘પણ આલ્બર્ટ મોરસર્ફ એ વિશે શું કરશે? મને એવો ખ્યાલ છે કે તેનો વિવાહ તમારી દીકરી સાથે જ થયો છે.’ કાઉન્ટે કહ્યું.

‘આલ્બર્ટને એની કંઇ પડી નથી, એમ હું માનું છું. અને એન્ડ્રીયા જ્યારે તેના કરતાં વધુ મોટા કુટુંબનો છે ત્યારે મારું મન એન્ડ્રીયાની પસંદગી કરવાનું થાય છે. એવું લાગે છે કે, તેની પાસે પૈસા પણ ખૂબ છે.’

‘મોરસર્ફ પણ ઉમરાવ જ છે ને? આશ્ચર્યમાં પડ્યા હોવાનો દેખાવ કરતાં કાઉન્ટે પૂછ્યું.’

‘પણ એ કુટુંબ તો મારા જેટલું પણ ખાનદાન નથી; હું જન્મે કાંઇ બેરન નથી. મારૂં સાચું નામ ડેન્ગલર્સ છે.’

‘અને કાઉન્ટ મોરસર્ફ?’

‘તેનું સાચું નામ મોરસર્ફ છે.’

‘ઓહ, એવું ના બને.’ કાઉન્ટે કહ્યું.

‘મારા વહાલા કાઉન્ટ; બને. સાંભળો. હું મોરસર્ફને છેલ્લાં ત્રીસ વર્ષથી ઓળખું છું. હું જ્યારે કારકુન હતો ત્યારે તે માત્ર માછીમાર હતો. માત્ર માછીમાર ફર્નાન્ડ મોન્ડેગો.’

‘તો પછી તમે તેના દીકરાને તમારી દીકરી કેમ પરણાવવા માગો છો?’

‘કારણ ફર્નાન્ડ અને ડેન્ગલર્સ બંને ગરીબ માણસો હતા અને બંને સમૃદ્ધ માણસો બન્યા છે. અમારા બંનેનું મહત્ત્વ સરખું છે. ફેર એટલો જ છે કે કેટલીક વાતો જે તેના વિશે કહેવાય છે તેવી મારા વિશે કહેવાતી નથી.’ ડેન્ગલર્સે હૃદય ખોલ્યું.

‘એ વળી કઇ?’

‘કંઇ નહીં?’

‘ઓહ, તમે મને જે કંઇ કહ્યું તે પરથી મને યાદ આવે છે કે ફર્નાન્ડ મોન્ડેગો નામની વ્યક્તિ વિશે મેં પૂર્વના દેશોમાં સાંભળેલું.’

‘અલી તેબેલીન પાચા સંદર્ભે?’

‘હા, બરાબર છે. તે જ સંદર્ભે.’

‘આ એક રહસ્ય છે. સત્ય શોધવા હું ગમે તે કરવા તૈયાર છું.’ ડેન્ગલર્સે કહ્યું.

‘એમાં શું? તમે ઇચ્છો તો તમે તે કરી શકો છો.’ કાઉન્ટે બેપરવાહીથી જણાવ્યું.

‘કેવી રીતે?’

‘તમે બેન્કર છો. તમારે બધે જ એજન્ટ હશે.’

‘હા, છે જ.’

‘તમે તમારા એજન્ટને જનીનામાં લખો અને ફર્નાન્ડ મોન્ડેગો વિશે તેની પાસેથી માહિતી મંગાવો.’ કાઉન્ટે સૂચવ્યું. ‘એની પાસેથી એ પણ માહિતી મંગાવો કે આ અધિકારી અલી પાચાના પતનમાં જવાબદાર કેવી રીતે હતો.’

‘આ સરસ વિચાર છે. હું આજે જ લખીશ.’ ડેન્ગલર્સે કહ્યું.

અનુક્રમણિકા

૨૭ : ‘બોલ’ અને ભિખારી

થોડા દિવસ પછી, કાઉન્ટ મોરસર્ફ અને કાઉન્ટેસ મોરસર્ફે એક ‘બોલ’ નું આયોજન કર્યું. તેઓએ મોન્ટે ક્રિસ્ટોને પણ આમંત્રણ આપ્યું. ઘણા બધા આવેલા; ડેન્ગલર્સ કુટુંબ, એન્ડ્રીઆ વગેરે પણ આવેલાં.

આખી સાંજ નૃત્યો ચાલ્યાં. આખીય સાંજ એન્ડ્રીયા અને યુજીનીએ સાથે જ નાચ્યા કર્યું.

એ જોઇ કાઉન્ટે આલ્બર્ટ મોરસર્ફને પૂછ્યું, ‘‘તને ઇર્ષા નથી થતી?’’

‘તમે તો જાણો જ છો કે યુજીન સાથે મારે પરણવું નથી. જો તેને એન્ડ્રીયા અને એન્ડ્રીયાને તે ગમે છે તો તે બાબત મને પણ પસંદ છે.’ આલ્બર્ટે જવાબ આપ્યો.

‘મને લાગે છે કે બેરન ડેન્ગલર્સ પણ આ જાણીને રાજી થશે.’ કાઉન્ટે કહ્યું.

‘તમે એમ કહેવા માગો છો કે, તે તેના જમાઇ તરીકે મારા બદલે એન્ડ્રીયાને પસંદ કરશે?’ આશ્ચર્ય પામેલા આલ્બર્ટે પૂછ્યું.

‘એવું જ એણે મને પેલા દિવસે કહેલું,’ કાઉન્ટે જવાબ આપ્યો.

એ જ વખતે મર્સીડીસ તેઓ તરફ આવી.

‘ગુડ ઇવનીંગ, સર. મારો દિકરો કહ્યા કરે છે કે, તમે ઘણું જોયું છે, તમે ઘણું બધું ફર્યા છો, અને તમે દુઃખ પણ ખૂબ ભોગવ્યું છે. ખરેખર એ સાચું છે?’ મર્સીડીસે પૂછ્યું.

‘મેં ખૂબ પીડા ભોગવી છે, મેડમ,’ કાઉન્ટે કહ્યું.

‘તમારે કોઇ બહેન નથી? પિતા નથી? પુત્ર નથી? કોઇ નથી?’

‘ના. હું એકલો જ છું.’

‘જિંદગી જીવવા લાયક બનાવવા માટે તમે એકલા કેવી રીતે રહી શકો છો?’ મર્સીડીસે પૂછ્યું.

‘એ મારો ગુનો નથી, મેડમ. જ્યારે હું યુવાન હતો, માલ્ટામાં હતો ત્યારે હું એક છોકરીને ચાહતો હતો. અમે લગ્ન પણ કરવાના હતા, પરન્તુ યુદ્ધ આવ્યું અને મારે તેનાથી છૂટું પડવું પડ્યું.’ મેં એમ માનેલું કે, તે મારી રાહ જોશે, પણ હું જ્યારે પાછો ફર્યો ત્યારે તે કોઇકને પરણી ગઇ હતી.

‘અને ફરી તમે તેને ક્યારેય મળ્યા?’ મર્સીડીસે પૂછ્યું.

‘ના. એ જ્યાં રહે છે તે દેશમાં હું ક્યારેય પછી ગયો નથી.’

‘માલ્ટામાં.’

‘હા, માલ્ટામાં.’

‘શું તે હજુ માલ્ટામાં છે?’ મર્સીડીસે પૂછ્યું.

‘હું એવું માનું છું.’

‘અને તમને જે પીડા થઇ તે માટે તમે તેને માફ કરી દીધી છે?’

મર્સીડીસે પૂછ્યું.

‘હા, મેં માફ કરી દીધી છે.’

‘પણ તેને જ ને. કે તે બધાને તમે ધિક્કારો છો જેમણે તમને તે

છોકરીથી છૂટા પાડ્યા?’ મર્સીડીસે પૂછ્યું. ‘ધિક્કારું? શા માટે? સહેજ પણ નહીં.’ કાઉન્ટે જવાબ આપ્યો. તે ખસિયાણું હસ્યો. ‘બોલ’ પતે બધા મહેમાનો એક પછી એક જવા માંડ્યા. એન્ડ્રીયા પણ પોતાની બગી લાવેલો તે નવી જ હતી, અને ચકચકાટ હતી. તેનો ડ્રાયવર પણ દેખાવડો હતો અને સુંદર પોષાક પહેરી તે બગી ચલાવતો.

તેની બગી બારણા પાસે આવી અને જેવો તે તેમાં બેસવા ગયો કે કોઇકે તેને ખભે ટપારી બોલાવ્યો. પોતાની સાથે કોણ વાત કરવા માગે છે તે જોવા તે પાછો ફર્યો. જોયું તો એક ઘરડો માણસ હતો; ફાટેલાં અને ગંદા કપડાં પહેર્યાં હતાં. તેના માથે લાલ રૂમાલ બાંધેલો, અને ચહેરા ઉપર ધોળી દાઢી વધી ગયેલી. આવા અજાણ્યા માણસને હટાવવા એન્ડ્રીયાની બગીનો ડ્રાયવર કૂદીને તેની પાસે આવ્યો.

‘એ...ઇ, અહીં તારાથી ભીખ ન મગાય.’ ડ્રાયવરે કહ્યું.

અજાણ્યો વૃદ્ધ માણસ લુચ્ચાઇ પૂર્વક હસ્યો. ત બોલ્યો, ‘ભાઇ હું ભીખ નથી માગતો. મારે તો તમારા શેઠ સાથ વાત જ કરવી છે. એમણે

મને ગયા અઠવાડિયે જ એક કામ સોંપેલું.’

‘તારે શું જોઇએ છે?’ હતાશ એન્ડ્રીયાએ પૂછ્યું.

‘હું ઘણો થાકી ગયો છું. અને તમારા જેવું સારું ખાવાનું ખાધું નહીં

હોવાથી ચાલી શકતો નથી,’ વૃદ્ધે કહ્યું.

‘હા, પણ તારે જોઇએ છે શું?’ એન્ડ્રીયાએ ફરી પૂછ્યું.

‘હં. મેં ખાધુ નથી માટે હું ચાલી શકતો નથી. માટે મારે તારી આ

સુંદર બગીમાં બેસીને જવું છે. સમજ્યો બેનીડીટ્ટો?’

આ સાંભળતા યુવાન માણસ એક ડગલું પાછળ હટી ગયો. તેને એ નામ સાંભળી આશ્ચર્ય થયું. તેણે તેના ડ્રાયવરને કહ્યું, ‘હા, બરાબર છે. એને મેં એક કામ સોંપેલું. એને બગીમાં લઇ લો. હું ચલાવીશ. તું ઘરે જા.’ એન્ડ્રીયાએ કહ્યું.

આશ્ચર્યમાં પડેલ ડ્રાયવર ચાલ્યો ગયો. વૃદ્ધ ભિખારીને બગીમાં બેસાડી એન્ડ્રીયાએ બગી હંકારી મૂકી. તેઓ થોડે દૂર ગયા. તેને ખાત્રી થઇ કે હવે તેને કોઇ જોતું નથી. કોઇ કશું સાંભળી શકે તેમ નથી. તેણે બગી ઊભી રાખી. તે વૃદ્ધ ભિખારી તરફ ફર્યો અને બોલ્યો, ‘બોલ કેડરુસ, તું મને અહીં શા માટે પજવવા આવ્યો છે?’

અનુક્રમણિકા

૨૮ : કેડરુસ અને કેવેલકન્ટી

‘તું મને અહીં શા માટે પજવવા આવ્યો છે?’ એન્ડ્રીયાએ ફરીથી વૃદ્ધ માણસને સવાલ કર્યો.

‘અને તેં, મારા દીકરા, મને શા માટે છેતર્યો?’ કેડરુસે પૂછ્યું.

‘મેં કેવી રીતે છેતર્યો?’

‘કેમ, જ્યારે આપણે જેલમાંથી સાથે ભાગ્યા ત્યારે તેં મને એમ કહેલું કે તું ઇટાલી કામ કરવા જાય છે પણ તેને બદલે તું અહીં પેરિસમાં આવ્યો.’

‘પણ એમાં તારૂં શું બગાડ્યું?’

‘ના, તેં મારૂં કશું નથી બગાડ્યું. તું પૈસાદાર થઇ ગયો લાગે છે તું મને મદદ કરી શકે.’

‘ઓહ, મને એવું નથી લાગતું. આ તું, એ સાથે આ તારી નવી બગી, તારો ડ્રાયવર, આ સરસ કપડાં - સોનાની ખાણ હાથ આવી ગઇ લાગે છે.’ કેડરુસે કહ્યું.

‘મને સદ્‌નસીબ પ્રાપ્ત થાય એ કંઇ મારો ગુનો નથી.’

‘તો તને સદ્‌નસીબ પ્રાપ્ત થયું છે ખરૂં? શું આ ઘોડો, આ બગી, ડ્રાયવર, આ સરસ કપડાં બધું ભાડે નથી? બહુ સારૂં.’

‘તું કશું પણ બોલે એ પહેલાં તારે એ જાણી લેવું જોઇએ. મેં પણ જો તારી જેમ લાલ રૂમાલ માથે બાંધ્યો હોત અને તારાં જેવાં ફાટેલાં અને ગંદા કપડાં પહેર્યાં હોત તો તેં મને બોલાવ્યો જ ના હોત.’ એન્ડ્રીયાએ કહ્યું.

‘ભલે, દોસ્ત. ભલે. તું મને અન્યાય કરૂં છું. ભલે, હવે જ્યારે મેં તને શોધી જ કાઢ્યો છે ત્યારે હું પણ તારાં જેવાં સારાં કપડાં પહેરી શકું છું. મને ખબર છે તું ઘણો દયાળુ અને સારો માણસ છે. જો તારી જોડે બે કોટ હોય તો તું એક મને આપી જ દે. તને ખબર છે ને તું જ્યારે ભૂખ્યો થતો ત્યારે હું મારું અડધું ખાવાનું તને આપી દેતો.’

‘હા.’

‘તને કેવી ભૂખ લાગતી! એવી જ આજે પણ લાગે છે?’ કેડરુસે પૂછ્યું.

‘ઓહ, હા.’ એન્ડ્રીયાએ જવાબ આપ્યો.

‘તું ઘણો લુચ્ચો હતો. તું તારા ગરીબ મિત્ર કેડરુસને જાણમાં ન આવે તે રીતે નાનાં નાનાં પાકીટ અને પૈસાની પેટીઓ સંતાડી દેતો. પણ તારા આ મિત્રને સદ્‌નસીબે, ગંધ આવી જતી.’

‘ઓહ, એ બધી ભૂતકાળની વાતો છે. મને અત્યારે શું કરવા પજવું છું.’

‘ઓહ તું ત્રેવીસનો થયો. તું ભૂતકાળ ભૂલી શકે. મને પચાસ થયાં હું ભૂતકાળ ભૂલી ન શકું. પણ બેનીડીટ્ટો, એ તો કહે તને આ બધી સારી વસ્તુઓ મળી ક્યાંથી?’

‘હું નસીબદાર છું.’

‘તારું નસીબ! તને કેવી રીતે ખબર પડી?’

‘મારા દયાળુ મિત્ર, કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ તે શોધી કાઢવા મદદ કરી.’

‘એક કાઉન્ટ, અને તે પણ પૈસાદાર, ઓહ?’

‘ઓ...ય, એના વિરૂદ્ધ કશું બોલ્યો છે તો. મને નથી લાગતું એ કશું સાંભળી લે.’ એન્ડ્રીયાએ કહ્યું.

‘ઓહ, હું એને મળવા નથી માગતો. પણ જ્યારે તું એને ઓળખે છે જ ત્યારે, મને પૈસાદાર બનાવી દે ને. તું કશો ખર્ચ ના કરતો, યાર.’

‘ચાલ, કેડરુસ બકવાસ બંધ કર.’

‘પણ તારે કશો જ ખર્ચ નહીં કરવો પડે.’

‘તું શું એવું ઇચ્છું છું કે હું કાઉન્ટને લૂંટી લઉં? મારું નસીબ બગાડી દઉં? અને ફરી પાછો જેલમાં જઉં?’

‘ના, ભાઇ ના. બહું ચેતી ના જઇશ. બસ મને એટલું જ બતાવી દે કે તારી મદદ વિના મને થોડા પૈસા કેવી રીતે મળે? હું મારું ફોડી લઇશ. આ કાઉન્ટનું મકાન કેવું છે?’

‘તે મહેલ છે?’

‘મહેલ, વાહ? તારે મને જોવા લઇ જવો પડે.’

‘હું ના લઇ જઇ શકું.’

‘એ વાત તારી ખરી. પણ મારે તો એ જોવો છે. હું રસ્તો શોધી

કાઢીશ.’

‘બકવાસ નહીં, કેડરુસ.’

‘ભલે, એ કેવો છે તેની મારે કલ્પના કરવી પડશે. મને તેમાં તો

મદદ કર.’

એન્ડ્રીયાને અચાનક એક વિચાર આવ્યો.

‘મકાનનો નકશો બનાવવા મારે પેન, શાહી અને કાગળ જોઇએ.’

એન્ડ્રીયાએ કહ્યું.

‘મારી પાસે એ બધું છે.’ પોતાના ગંદા કપડામાંથી એ બધું કાઢતાં કેડરૂસે કહ્યું.

એન્ડ્રીયા હસ્યો અને પેન લીધી. તે કાઉન્ટના મહેલનો નકશો દોરવા માંડ્યો. નકશો દોરાઇ રહ્યો એટલે કેડરુસે પૂછ્યું, ‘શું કાઉન્ટ હંમેશાં આ જ મકાનમાં કહે છે?’

‘ના, એ ઘણી વખત પેરિસ બહારના તેમના મકાનમાં પણ રહે છે. જ્યારે એ ત્યાં જાય છે ત્યારે આ મકાન ખાલી પડ્યું રહે છે મને ખાત્રી છે એક દિવસ એ લૂંટાઇ જશે.’

‘તે પૈસા ક્યાં રાખે છે?’ કેડરુસે પૂછ્યું.

‘મને ખબર નથી, પણ મને લાગે છે ઉપરના માળે એક ડેસ્કમાં તે

રાખે છે.’

‘મને પહેલા માળનો નકશો દોરી દે, મારા દીકરા’ કેડરુસે કહ્યું.

‘એ બહુ સહેલું છે.’ પેન લેતાં એન્ડ્રીયાએ કહ્યું. ‘પહેલા માળે એક

બેડરૂમ છે, અને અહીં એક ડ્રેસીંગરૂમ છે. પેલી બાજુએ બેઠકરૂમ લાયબ્રેરી અને વાચનકક્ષ છે. ડેસ્ક અહીં છે, આ ડ્રેસીંગરૂમમાં.’

‘ડ્રેસીંગરૂમમાં બારી છે?’

‘બે. એક અહીં અને એક ત્યાં.’

એન્ડ્રીયાએ રૂમની બે બારીઓ દોરી. કેડરૂસ વિચારમાં પડી ગયો. તેણે પૂછ્યું, ‘કાઉન્ટ તેના પેરિસ બહારના મકાનમાં વારંવાર જાય છે?’

‘હા. આવતીકાલે તે બે દિવસ માટે ત્યાં જવાના છે.’ એન્ડ્રીયાએ કહ્યું.

‘તને ખાત્રી છે?’

‘પાક્કી ખાત્રી છે. કાઉન્ટ મને બધું કહે છે. તે મને ઘણો ચાહે છે. મને લાગે છે તે મરી જશે ત્યારે સંપત્તિ બધી મને આપતા જશે.’

‘અરે મારા નસીબદાર મિત્ર!’

‘અને જ્યારે એવું થશે ત્યારે હું મારા બધા જૂના મિત્રોને યાદ કરીશ.’ એન્ડ્રીયાએ જવાબ આપ્યો.

‘તું યાદ કરીશ? કરીશ જ. પણ ત્યાં સુધી તું મને એક નાનકડી ભેટ આપી દે. પેલી તારી આંગળી પર જે હીરાની વીંટી છે તે મને ાપી દે.’ કેડરુસે કહ્યું.

એન્ડ્રીયાએ વીંટી કાઢી અને કેડરુસને આપી દીધી. કેડરુસે લીધી અને એન્ડ્રીયાની બગીની બત્તીના કાચ પર ઘસી. તો તે કાચ કપાઇ ગયો.

‘આ તો સાચો હીરો છે.’ કેડરુસે કહ્યું.

‘અલબત્ત. તું શું માનું છું? હવે તારે શું જોઇએ છે?’

‘કશું નહીં. હું ઘરે જઇશ. આવજે, વ્હાલા બેનીડીટ્ટો.’

અને જેવી છૂપી રીતે કેડરુસ આવેલો તેવી છૂપી રીતે કેડરુસ ચાલ્યો ગયો.

અનુક્રમણિકા

૨૯ : ચોરી

બીજે દિવસે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને એક અજાણ્યા માણસે લખેલો પત્ર મયો. પત્રમાં લખ્યું હતું :

‘‘તમને જણાવવામાં આવે છે કે, એક ચોર આજે રાત્રે તમારા મકાનમાં ચોરી કરવા આવશે. ડ્રેસીંગ રૂમમાં આવેલા ડેસ્કમાંથી તે મહત્ત્વનાકાગળો ચોરી જવા પ્રયત્ન કરશે. પોલિસને બોલાવશો નહીં, કારણ કે તેથી મને નુકશાન થશે. તમે બહાદુર છો, માટે તમારે સંતાઇ જ રહેવાની જરૂર છે; ચોરની રાહ જોવી અને આવે એટલે તેને પકડી લેવો. જો ઘરમાં કોઇ નોકર ના રહે તો સારૂ. તમારા ‘કન્ટ્રી હાઉસે’ તેમને મોકલી દેજો. જો ચોર ઘરમાં રહેલા નોકરોને જોઇ જશે અને બીની જશે, તો પછી તમને ચેતવણી આપવાની બીજી તક મને મળશે નહીં!’’

કાઉન્ટે પત્ર વાંચ્યો. તેણે વિચાર્યું, ચોર લોકોની આ એક યુક્તિ હોવી જોઇએ - કે જેથી તે અહીં રહે અને તે લોકો તેનું ‘કંટ્રી હાઉસ’ લૂંટી શકે. પણ એ લોકોએ નોકરોને તો ત્યાં મોકલી દેવાનું લખ્યું છે. એવું શા માટે લખ્યું હશે? કદાચ એમ પણ હોય, તેઓ મને એકલાને અહીં રાખી પછી મારી નાખવા માગતા હોય. ભલે, જે હોય તે. આ દુશ્મનો કોણ છે તે તો જોઇએ. આમ વિચારી કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ અલી સિવય બધા નોકરોને ‘કન્ટ્રી હાઉસ’ મોકલી દીધા. હેડી પણ ત્યાં પહોંચી ગઇ.

પેરિસના મહેલમાં કાઉન્ટ અને અલી ઉપરના માળે સંતાઇ ગયા અને ચોરોની રાહ જોવા લાગ્યા. એ રૂમની દિવાલમાં નાનું જાસુસી કાણું હતું. તેમાંથી કાઉન્ટ ડ્રેસીંગરૂમમાં શું બને છે તે જોઇ શકે. એક બંદુક અને બે પિસ્તોલથી સજ્જ બની તે કાણાંમાંથી ડ્રેસીંગ રૂમમાં જોતો ગયો અને ચોરોની રાહ જોવા લાગ્યો.

આખા મકાનમાં અંધારૂ હતું. ક્યાંય પણ કશું સળગતું ન હતું. પોતાના રૂમમાંથી ડ્રેસીંગ રૂમમાં જવાના બારણાનો બોલ્ટ કાઉન્ટે કાઢી નાખ્યો હતો. એણે બારી બહાર પણ નજર નાખી. પોળમાં પણ કોઇ ના દેખાયું. એને કશું કરવાનું જ ન હતું, માત્ર રાહ જ જોવાની હતી.

લગભગ મધરાત થઇ ગઇ. કાઉન્ટને કશોક અવાજ સંભળાયો. કશુંક ઘસાતું હોય એવો અવાજ હતો. ફરી પાછો એવો અવાજ થયો. ત્રીજી વખત થયો. ચોથી વખત થયો. કાઉન્ટને શું બની રહ્યું છે તેની સમજણ પડી. કોઇક બારીના ગ્લાસનો કાચ કોઇ માણસ કાપી રહ્યું હતું. થોડીક પળ માટે તો મોન્ટે ક્રિસ્ટોનું હૃદય જોરથી ધબકવા માંડ્યું એને થયું, કેટલા ચોર અંદર ઘૂસતા હશે. એણે ઇશારો કરી અલીને પાસે બોલાવ્યો. એણે જોયું તો ડ્રસીંગરૂમની એક બારીમાંથી કશુંક સફેદ અંદર આવી રહ્યું હતું. કોઇ વ્યક્તિ બારીમાં કાચની જગ્યાએ કાગળનો ટૂકડો ચોંટાડી રહ્યું હતું. એમ થયે બારીનો કાચ નીચે પડ્યા વિના તૂટ્યો. એમાંથી હાથ અંદર આવ્યો અને તેણે બારી ખોલી નાખી. બારી ધીમેથી ખૂલી એમાં થઇને એક માણસ અંદર આવ્યો. તે એકલો હતો.

‘હિંમતવાળો છે નાલાયક!’ કાઉન્ટે વિચાર્યું.

અલીએ મોન્ટે ક્રિસ્ટોના ખભે સ્પર્શ કર્યો અને બારી તફર ધ્યાન દોર્યું. કાઉન્ટ બારી પાસે ગયો અને પોળમાં જોયું. પોળમાં બીજો માણસ હતો. તે મકાન તરફ જોઇ રહ્યો હતો.

‘હં, બે જણા છે એક ચોરી કરે છે. બીજો ધ્યાન રાખે છે.’ કાઉન્ટે વિચાર્યું.

એણે અલીને નિશાની કરી પોળમાં ઊભેલા માણસનું ધ્યાન રાખવા કહ્યું. તે પેલા કાણા પાસે ગયો અને પેલો ચોર ડ્રેસીંગ રમમાં શું કરે છે તે જોવા લાગ્યો. ચોર બધાં બારણાં બંધ કરી રહ્યો હતો. બારણા બંધ કરતાં એણે વિચાર્યું કે, તેને કોઇ ડખલ કરી શકશે નહીં. તે સહેલાઇથી

ડેસ્ક તોડી શકશે. તેને એ ખબર ન હતી કે કાઉન્ટે એક આગળો આખો કાઢી નાખ્યો છે. તેણે તેના ફાનસ પર વીંટેલ કપડું દૂર કર્યું અને ફાનસના પ્રકાશે ડેસ્ક જોઇ રહ્યો. તે જ્યારે ડેસ્ક જોઇ રહ્યો હતો ત્યારે ફાનસનો પ્રકાશ તેના પર પડ્યો. તેને જોતાં કાઉન્ટને આશ્ચર્ય થયું.

‘અરે, આ તો...’ કાઉન્ટ બબડ્યો.

અલીએ તેની કુહાડી ઊંચી કરી.

કાઉન્ટે તે નીચે મૂકી દેવા કહ્યું. પછી તેણે અલીને થોડી સૂચનાઓ આપી. અલી શાંતિથી જતો રહ્યો. તે તુરન્ત પાછો આવ્યો, સાથે લાવેલો પાદરીનો પોષાક-લાંબી કાળી વીગ અને ખોટી દાઢી ઝડપથી કાઉન્ટે આ બધું ધારણ કરી લીધું અને તે ફાધર બુસોની બની ગયો.

ફાધર બુસોની (કાઉન્ટ) ફરી બારી પાસે ગયો અને પોળમાં જોવા લાગ્યો. પેલો બીજો માણસ ત્યાં જ હતો; પોળના વીજળીના થાંભલા નીચે ઊભો હતો. મોન્ટે ક્રિસ્ટોએ તેને પણ ઓળખ્યો. તે બધું સમજી ગયો.

‘અહીં જ ઉભો રહે અને કહું નહીં ત્યાં સુધી ડ્રેસીંગ રૂમમાં આવતો નહીં, અલી.’ કાઉન્ટે કહ્યું.

તેણે મીણબત્તી સળગાવી અને સીધો ડ્રેસીંગરૂમમાં ગયો. બોલ્યો, ‘ગુડ ઇવનીંગ, કેડરુસ, રાત્રિના આ સમયે તમે અહીં શું કરો છો?’

અનુક્રમણિકા

૩૦ : ખૂન

‘ફાધર બુસોની.’ આશ્ચર્યમાં પડેલ કેડરુસ બોલી પડ્યો. તેણે તો બધાં જ બારણાં બરાબર વાસેલાં. એને એ સમજણ ના પડી કે ફાધર બુસોની એક બારણું ખોલી અંદર આવી કેવી રીતે શક્યા.

‘મને આનંદ છે તમે મને ઓળખ્યો. મને એમ લાગે છે તમે બદલાયા નથી. છેલ્લી વખતે તમે પેલા ઝવેરીને લૂંટેલો અને અત્યારે કાઉન્ટને લૂંટી રહ્યા છો. તમે જેલમાં કેમ નથી?’ કાઉન્ટે પૂછ્યું.

‘હું ભાગી છૂટેલો.’

‘કે જેથી તમે અન્ય લોકોને પણ લૂંટી શકો. કેવું ખરાબ!’

‘દયા કરો, ફાધર બુસોની! તમે મારી જીંદગી એક વખત બચાવી

છે. એક વધુ વખત બચાવી આપો.’ કેડરુસ કરગરી પડ્યો.

‘તું જેલમાંથી કેવી રીતે ભાગી ગયો?’

‘અમે ટુલોન નજીક કામ કરતા હતા. તે આરામનો સમય હતો.

બાર અને એકની વચ્ચેનો...’

‘બપોરના ખાણા પછી કેદીઓ ઊંઘ લે છે. બિચારા કેદીઓ!’ ફાધર વચ્ચે બોલ્યા.

‘અમે કંઇ આખો સમય કામ ન કરી શકીએ. અમે કંઇ કૂતરા

નથી.’ કેડરુસે કહ્યું.

‘એ કૂતરાઓ માટે સારું છે. આગળ ચલાવ...’ ફાધરે કહ્યું.

‘જ્યારે બીજા બધા ઊંઘતા હતા ત્યારે મારો મિત્ર અને હું નાસી

છૂટ્યા.’

‘અને આ તારો મિત્ર કોણ?’

‘તે પોતાને બેનીડીટ્ટો કહે છે. તેને તેનું સાચું નામ ખબર નથી. તેને

તેના માતા-પિતાની પણ ખબર નથી.’ કેડરુસે કહ્યું

‘તે અત્યારે ક્યાં છે?’

‘તે પેરિસમાં છે. આ મકાનના માલિક કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને તે ગમી ગયો છે. તે જ્યારે અવસાન પામશે ત્યારે તે બધી મિલકત તેને આપતો જવાનો છે.’

‘ઓહ ખરેખર? અને આ બેનીડીટ્ટો અત્યારે કયા નામથી

ઓળખાય છે?’ ફાધરે પૂછ્યું.

‘એન્ડ્રીયા કેવેલકન્ટી.’

‘પણ એ માણસ તો મારા મિત્રને ગમી ગયો છે અને કાઉન્ટ તેને પેરિસમાં આજકાલ સાથે લઇને જ ફરે છે. એન્ડ્રીયાને તો બેરન ડેન્ગલર્સના કુટુંબ સાથે પણ મિત્રતા થઇ છે. મારે એ બધાને તેના વિશે ચેતવી દેવા જોઇએ.’ ફાધરે કહ્યું.

‘ઓહ ના. તમે એમ ના કરશો, ફાધર. એમ થશે તો તેની અને મારી બધી યોજનાઓ ધૂળમાં મળી જશે.’ કેડરુસ કરગરી પડ્યો.

‘મારે તારી શી પડી છે? મારે તેમને જણાવવું જ જોઇએ.’

‘ઓહ, ના. તમે નહીં જણાવો...’ એમ કહેતાં કેડરુસે ચપ્પૂ કાઢ્યું અને ફાધરને મારવા ધસ્યો.

ફાધર બુસોનીએ ઝડપથી કેડરુસને પકડી લીધો. અને તેનું કાંડુ એવા જોરથી મચેડ્યું કે પેલી છરી અવાજ સાથે નીચે પડી ગઇ. કેડરુસ દુઃખનો માર્યો ચીસ પાડી ઉઠ્યો, એના હાથ મચડતા પાદરી જોઇ એ વિસ્મયમાં પડી ગયો.

‘મારે તને મારી નાખવો જોઇએ.’ ફાધરે કહ્યું.

‘બચાવો...!’ કેડરુસ બોલી પડ્યો.

‘હવે તું બેરન ડેન્ગલર્સને પત્ર લખીશ. ચાલ આ પેન અને કાગળ

લે અને હું કહું તે તેમાં લખ...’ ફાધરે કેડરુસને આદેશ આપ્યો.

કેડરુસ બેઠો અને લખવા માંડ્યો :

‘‘પ્રતિ, બેરન ડેન્ગલર્સ, તમારા ઘરે જે માણસ આવે છે અને પોતાની જાતને એન્ડ્રીયા કેવેલકન્ટી કહેવડાવે છે તે ખરેખર ભાગી છૂટેલો કેદી છે, નામે બેનીડીટ્ટો કે જે તુલોન ખાતેની જેલમાંથી મારી સાથે ભાગી છૂટ્યો હતો.

-સહી ગેસપાર્ડ કેડરુસ.’’

ફાધર બુસોનીએ કાગળ લઇ લીધો. પછી બોલ્યા, ‘હવે ચાલ્યો જા.’

કેડરુસ બારીમાંથી બહાર નીચે ઉતર્યો અને તેણે મૂકેલી નીસરણીનાં પગથિયાં ઉતરવા માંડ્યો. ફાધર બુસોનીએ મીણબત્તી ધરી રાખી, જેથી પોળમાં ઊભેલો કોઇપણ જોઇ શકે કે તે બારીમાંથી નીચે ઉતરી રહ્યો છે.

‘મીણબત્તી ઓલવી નાંખો. કોઇ મને જોઇ જશે.’ કેડરુસ બોલી પડ્યો.

મોન્ટે ક્રિસ્ટો તેના બેડરૂમમાં પાછો ગયો. તેણે બારી બહાર જોયું. તેણે જોયું તો, કેડરુસ નીસરણી લઇને બાગની દિવાલને ટેકે મૂકતો હતો. પોળમાં રાહ જોતો માણસ એ સાથે જ તે તરફ ધસી આવ્યો. કેડરુસ ધીમે ધીમે ઊતરતો હતો. તેણે ઉપર જોયું બધું શાંત હતું. બધું સલામત લાગતું હતું.

કેડરુસ દિવાલ પર બેઠો. તેણે નિરસણી ખેંચી અને દિવાલની બીજી બાજુ મૂકી. તે પોળમાં ઉતરવા માંડ્યો. એણે જોયું તો અંધારામાંથી એક માણસ ઝડપથી કૂદ્યો.

‘બચાવો...’ની બૂ પાડતો કેડરુસ જમીન પર પડ્યો. ‘બચાવો... ખૂન...!’

પેલા માણસે તેના વાળ પકડ્યા અને ઉપરાઉપરી બે-ત્રણ વખત છરો તેની છાતીમાં ઘુસાડી દીધો. જ્યારે તેને લાગ્યું કે હવે તે બોલી શકે તેમ નથી અને તેની આંખો મિંચાઇ ગઇ છે, ત્યોર તે માણસ નાસી ગયો.

અનુક્રમણિકા

૩૧ : ખૂનીની શોધમાં

ફરી વખત કેડરુસે મદદ માટે બૂમ પાડી. આ વખતે, ફાધર બુસોની અને અલી આવી પહોંચ્યા. તેઓના હાથમાં મીણબત્તીઓ હતી. ફાધર બુસોનીએ રાજ્યના સરકારી વકીલ અને ડોક્ટરને બોલાવી લાવવા અલીને તુરન્ત રવાના કર્યો.

‘ઘણું મોડું થઇ જશે. તે લોકો આવશે તે પહેલાં તો હું અવસાન પામીશ.’ કેડરુસે દુઃખણાં રોયાં.

‘તમને ખંજર મારનારને તમે ઓળખી શક્યા?’ ફાધરે પૂછ્યું.

‘હા બેનીડીટ્ટો હતો. તેણે જ મને આ મકાનનો નકશો આપેલો મને લાગે છે, તે એમ માનતો હતો કે હું કાઉન્ટને મારી નાખીશ, અને પછી તે કાઉન્ટના બધા પૈસા મેળવી લેશે. અથવા તો કાઉન્ટ મને મારી નાખશે અને એ રીતે હું તેના રસ્તામાંથી હટી જઇશ. જ્યારે તેણે મને મકાનમાંથી બહાર આતો જોયો, તેણે મને મારી નાખવાનું નક્કી કર્યું. મારે તેના વિશે લખાવવું જ જોઇએ.’ કેડરુસે કહ્યું.

‘જો સરકારી વકલશ્રી સમયસર ના આવી પહોંચે તો તેમના બદલે હું તારી વાત લખી નાખીશ અને નીચે તું સહી કરી દેજે.’ ફાધરે સૂચવ્યું.

‘હા...હા... ઝડપથી.’ કેડરુસે કહ્યું.

ફાધર બુસોનીએ લખ્યું.

‘‘મારો સાથી કેદી, બેનીડીટ્ટો દ્વારા ખૂન કરાયેલ હું અવસાન પામ્યો છું.’’

ફાધર બુસોનીએ પછી કેડરુસને પેન આપી અને કેડરુસે સહી કરી.

‘અને જ્યારે હવે તું લાંબુ જીવવાનો જ નથી ત્યારે તારે પશ્ચાતાપ કરવો જોઇએ,’ ફાધરે કહ્યું.

‘તમે શું કહેવા માગો છો?’

‘હું એ જ કહેવા માગું છું કે તું એક દુષ્ટ જીવન જીવ્યો છું, અને ભગવાને તને શિક્ષા કરી છે. ઘણાં વર્ષો પહેલાં, તેં એક મિત્રને દગો કર્યો અને ભગવાને તે ચેતવણી આપવા માંડી. તું ગરીબ બની ગયો. પછીથી, હું તને સંપત્તિ આપવા આવ્યો. મેં તને એક હીરો આપ્યો. એ તો તારી પાસે હતું. તેના કરતાં પણ ઘણું બધું વધું હતું. પણ તેનાથી તને સંતોષ ના થયો. તારે તો બમણું કરવું હતું. આથી તે એ હીરો અને પૈસા મેળવવા એક માણસનું ખૂન કરી નાખ્યું. ફરી એક વખત, ભગવાને તને જવા દીધો, પણ તને ચેતવણી તો આપી જ. તને જેલમાં જવું પડ્યું. પછી તું નાસી છૂટ્યો અને બીજો ગુનો કર્યો એટલા માટે હું તને કહું છું કે, તારે પશ્ચાતાપ કરવો જોઇએ.’ ફાધરે સ્પષ્ટતા કરી.

તમે કોણ છો, કે મારા ભૂતકાળ વિશે આટલું બધું જાણો છો? કેડરુસે પૂછ્યું.

ફાધર નીચા નમ્યા અને કેડરુસના કાનમાં બોલ્યા, ‘કેડરુસ, હું તને ઘણા વખતથી ઓળખું છું. તું માનું તેના કરતાં વધુ સમયથી.’

‘પણ તમે છો કોણ?’

‘હું એડમન્ડ દાન્તે છું. તને યાદ આવું છું?’

‘એડમન્ડ દાન્તે’ મરતો માણસ બબડ્યો. ‘ઓહ’ પ્રભુ! પ્રભુ! મને માફ કરી દે. હું મારાં બધાં પાપોથી ડરુ છું. પ્રાયશ્ચિત કરું છું.

તે જમીન પર ઢળી પડ્યો. શાંત થઇ ગયો. જમીન પર પડેલા મૃત માણસને પાદરી જોઇ રહ્યા. તે ધીમેથી બોલ્યા, ‘પહેલો.’

* * * * *

તુરન્ત સરકારી વકીલ અને પોલિસ આવી પહોંચી. ફધર બુસોનીએ તેમને કેડરુસનું મડદું દેખાડ્યું. ફાધરે વધુમાં જણાવ્યું કે, કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો એમના અન્ય નિવાસ સ્થાને ગયા હતા, અને એમના પુસ્તકાલયમાં કેટલાંક અમુલ્ય પુસ્તકો વાંચવા તે આ મકાનમાં રાત્રે રોકાયેલા. તે જ્યારે પુસ્તકાલયમાં પુસ્તકો જોતા હતા, તે જોઇને જ ચોર ત્યાંથી નાઠો. પાછળથી તેમણે તેની ચીસો સાંભળી. બહાર દોડી આવી જોયું તો, તે જમીન પર પડેલ. તે ઘવાયેલો હતો. એણે મરતાં સમયે નિવેદન લખાવ્યું અને સહી કરી આપી. એ નિવેદન ફાધરે પોલિસને આપ્યું.

કેડરુસનું ચપ્પુ, ફાનસ, ચાવીઓનું ઝુમખું, અને એનાં બધાં કપડાં પોલીસે કબ્જે કર્યા એક એનો વાસકોટ ના મળ્યો.

પોલીસે તેના ખૂની બેનીડીટ્ટોને પકડવા આખા પેરિસમાં તપાસ શરૂ કરી. પોલીસને ખબર ન હતી કે બેનીડીટ્ટો એ જ એન્ડ્રિયા કેવલકન્ટી હતો. બેનીડીટ્ટોનો પત્તો લાગ્યો નહીં.

અનુક્રમણિકા

૩ર : હેડીની કથા

એક દિવસ આલ્બર્ટ મોરસર્ફ કાઉન્ટને મળવા આવ્યો. તેઓ વાતચીત કરતા હતા ત્યારે ગીટાર વાગી રહ્યાનો અવાજ

આવ્યો.

‘હું શું સાંભળી રહ્યો છું?’ આલ્બર્ટે પૂછ્યું.

‘તે હેડી છે. તેનું ‘ગુલસા’ વગાડી રહી છે.’ કાઉન્ટે કહ્યું.

‘હેડી ! કેવું સરસ નામ છે. મેં તેને તમારી સાથે જોઇ છે. તે કોણ

છે?’ આલ્બર્ટે પૂછ્યું.

‘રાજકુમારી.’

‘રાજકુમારી ! ક્યાંથી આવે છે?’

‘પૂર્વમાંથી. હું તેને તેની કથા તને કહેવા કહું છું.’ કાઉનેટે કહ્યું.

‘એને મળવાનું મને ગમશે.’

‘ચાલ જઇએ અને તેને મળીએ.’ કાઉન્ટે કહ્યું.

કાઉન્ટ આલ્બર્ટને હેડીની રૂમમાં લઇ ગયો. ગાદી તકીયા પર બેસીહેડી તેનું ‘ગુલસા’ વગાડી રહી હતી. તે ઘણી સુંદર હતી. કાઉન્ટને જેવા તેની રૂમમાં આવતા જોયા કે તેની આંખો ચમકી ઉઢી.

કાઉન્ટે તેનો પરિચય આલ્બર્ટને કરાવ્યો. હેડીએ નોકરને કોફી માટેજણાયું. અને આલ્બર્ટ અને કાઉન્ટ ગાદી તકીયા પર તેની બાજુમાં બેઠા.જ્યારે કોફી આપવામાં આવી ત્યારે આલ્બર્ટે હેડીને કહ્યું, ‘કાઉન્ટ કહે છેતમે પૂર્વમાંથી આવો છો અને રાજકુમારી છો.’

‘હા જનીનાના પાચા, અલી તેબેલીની હું પુત્રી છું, પરન્તુ હું બાળકહતી ત્યારે જ મેં મારો દેશ છોડી દીધેલો.’ હેડીએ જવાબ આપ્યોે.

‘તમને તે યાદ છે?’

‘હા હું મારા માતા-પિતા સાથે ઘણી સુખી હતી. ચાર વર્ષની થઇત્યાં સુધી.’

‘પછી શું થયું?’

‘અમે જનીનીમાં મહેલમાં હતાં. મને એક દિવસ રાત્રે મારી માતાએ જગાડી. મેં આંખો ખોલી અને જોયું તો તે રડતી હતી. હું પણ રડવા લાગી. તેણે કહ્યું ‘ચૂપ, બેટા.’ તે મને ઝડપથી લઇ ચાલી. મેં જોયું તો અમે મહેલમાંથી નાસી રહ્યા હતા. ઘણા ચાકરો અમારી સાથે હતા, સૈનિકો પણ હતા. તેઓ શસ્ત્રસજ્જ હતા. મારા પિતા પણ હતા. તે બધાની પાછળ આવ્યા; તેમણે ભવ્ય પોષાક પહેરેલો. તેમની પાસે પણ બંદૂક હતી. થોડીવારમાં અમે એક સરોવરના કિનારે આવી પહોંચ્યા. તે સરોવરમાં વચ્ચે ટાપુ હતો. એ ટાપુ પર મકાન હતું. એક હોડી હાજર જ હતી, જે અમને એ ટાપુ પર લઇ ગઇ.

‘મને સમજણ ના પડી કે અમે શાથી નાસી જઇ રહ્યાં હતાં. મારા પિતાજી તો હંમેશાં શક્તિશાળી રાજકુમાર ગણાતા હતા. એથી એ નાસી જાય એ સારું ન લાગ્યું. પછીથી મને જાણવા મળ્યું કે, સુલતાને જનીના પર આક્રમણ કરવા અને મારા પિતાને પકડી લેવા લશ્કર મોકલેલું. જનીનાના કિલ્લામાં રહેલ અમારું લશ્કર હુમલાખોરોને રોકવા અશક્તિમાન હતું. તેથી મારા પિતાજીએ સંધિ કરવાનું નક્કિ કર્યું. એક ફ્રેન્ચ અધિકારીમાં તેમને વિશ્વાસ હતો. સુલતાન સાથે ચર્ચા કરવા તે અધિકારીને તેમણે મોકલ્યો. પછી મારા પિતાજી અમને બધાને સરોવરના મકાને લઇ ગયા. ત્યાં અમે સંધિ કરવા ગયેલા ફ્રેન્ચ અધિકારીની વાતચીતના પરિણામની રાહ જોવા લાગ્યા.

‘આ મકાનમાં મારા પિતાએ તેમની મોટા ભાગની સંપત્તિ એકઠી કરેલી હતી. સોનાના સિક્કાનો વિપુલ જથ્થો હતો. એ બધું ભોંયરામાં સંતાડેલું. બંદૂક ફોડવાના દારૂગોળાના બસો પીપ પણ અહીં જ હતાં. અમે ભોંયરામાં ગયાં અને દારૂગોળાનાં પીપો પાસે મારા પિતાજીએ સલીમ નામે એક રક્ષકને મૂક્યો. સલીમના હાથમાં એક મશાલ હતી. આ દારૂગોળાની દિવસ-રાત રક્ષા કરવાનું કામ સલીમનું હતું. મારા પિતાજી જો અમુક પ્રકારનો સંદેશો આપે તો દારૂગોળો ઉડાડી દેવાનો તેને આદેશ હતો. તેથી મારા પિતાજી, તેમનું કુટુંબ અને બધી સંપત્તિના

ફરચે ફરચા ઉડી જાય.

‘થોડા દિવસ પછી મારા પિતાજીએ જણાવ્યું કે, સંધિ કરવા મોકલેલ ફ્રેન્ચ અધિકારી હવે કોઇ સંદેશો લઇ આવવો જોઇએ. તે જ દિવસે સાંજે ચાર વાગ્યે સુલતાનના સૈનિકો સમુદ્રના કિનારે આવી પહોંચ્યા. મારા પિતાજી તેમની રાહ જોતા અમારા મકાનના દરવાજે ઉભા હતા. મારી મમ્મી અને મને ભોંયરામાં મોકલી દેવામાં આવેલ. જેવા મારા પિતા સુલતાનનો જવાબ મેળવશે કે તે ફ્રેન્ચ અધિકારીને ખંજર અથવા વીંટી સાથે સલીમ પાસે મોકલવાના હતા. જો તે વીંટી મોકલો તો તેનો અર્થ એ કે અમને માફ કરી દેવામાં આવ્યા છે. અને અમે મુક્ત રીતે જઇ શકીએ. પછી સલીમ તેની મસાલ ઓલવી નાખશે અને તે મારા પિતાને મળવા ઉપર જશે.

‘ઉપર થતો અવાજ અમે સાંભળી શકતા હતા. થોડીક વારમાં તો ભોંયરાની બહાર થતાં પગલાંના અવાજ પણ સંભળાવા માંડ્યાં. સલીમે મશાલ તૈયાર રાખી. બારણામાં ફ્રેન્ચ અધિકારી દેખાયો.

‘સુલતાન ઘણું જીવો ! સુલતાને અલી તેબેલીનને માફ કરી દીધા છે!’ તે બોલી ઉઠ્યો.

‘તમને અહીં કોણે મોકલ્યા?’ સલીમે પૂછ્યું.

‘અલી તેબેલીને.’

‘જો તમને અલીતેબેલીને મોકલ્યા. હોય તો તમને ખબર હોવી જોઇએ કે તમારે શું આપવાનું છે’ સલીમે કહ્યું.

‘હા. હું તેમની વીંટી લાવ્યો છું.’ અધિકારીએ કહયુું. એમ કહી તે અધિકારીએ હાથમાં કશું ધરી રાખ્યું. પણ તે અધિકારી એટલો બધો દૂર હતો અને પ્રકાશ પણ એટલો પૂરતો ન હતો કે સલીમ તેના હાથમાં શું છે તે બરાબર જોઇ શકે.

૧૦૦

સલીમે કહ્યું, ‘તારા હાથમાં શું છે તે હું જોઇ શકતો નથી.’

‘તો પછી તમે અહીં આવો, અથવા તમે જો ઇચ્છો તો હું ત્યાં આવું.’ ફ્રેન્ચ અધિકારીએ કહ્યું.

‘ના પેલા સૂર્યના કિરણમાં તમે જમીન પર મૂકો અને હું તે જોવા આવું ત્યાં સુધી તમે જતા રહો.’ સલીમે કહ્યું.

‘‘ભલે’’ ફ્રેન્ચ અધિકારીએ કહ્યું. તેણે વીંટી જમીન પર મૂકી અને બારણા તરફ જતો રહ્યો. સલીમ ત્યાં ગયો અને જોયું તો તે વીંટી જ હતી. તેણે મશાલ ઓલવી નાકી, જેવી તેણે મશાલ ઓલવી નાખી કે, ફ્રેન્ચ અધિકારીએ હાથની તાળી બે વખત પાડી. એમ થતાં જ સુલતાનના ચાર સૈનિકો તુરન્ત આવ્યા. તેઓએ સલીમને ખંજર મારી મારી નાખ્યો. અમને દગો કરવામાં આવ્યો.

‘સુલતાનના સૈનિકોએ મારા પિતાજીની સંપત્તિ હડપી લીધી અને મને અને મારી માતાને પકડી લીધા. ઉપર, મારા પિતાજીને તો મારી જ નાખવામાં આવેલા. અમારા ખજાનામાંથી ફ્રેન્ચ અધિકારીને ઘણો મોટો જથ્થો લઇ જવા દેવામાં આવેલ. મને અને મારી માતાને કોન્સ્ટન્ટીનોપોલ જતા ગુલામોના વહેપારીને વેચી દેવા માટે પણ ફ્રેન્ચ અધિકારીને મંજૂરી આપવામાં આવેલી. હું સુલતાન મહેમુદની ગુલામ બની.

‘મારા સદ્‌નસીબે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ મને સુલતાન પાસેથી ખરીદી લીધી. ત્યારથી તેમણે મારી સંભાળ રાખી છે અને હું ભૂતકાળનાં બધાં દુઃખો ભૂલી ગઇ છું.’

‘ચાલ, તારી કોફી પી લે.’ કાઉન્ટે આલ્બર્ટને કહ્યું.

જ્યારે તેઓ હેડીની રૂમની બહાર ગયા ત્યારે આલ્બર્ટે કાઉન્ટને કહ્યું, ‘મારા પિતાજી એક વખત અલી તેબેલીનની નોકરીમાં હતા. મારે હેડીને પૂછવા જેવું હતું કે તે તેમને ઓળખતી હતી.

‘એ તું ફરી પૂછી શકે છે.’’ કાઉન્ટે કહ્યું.

અનુક્રમણિકા

૩૩ : જનીનાથી સમાચાર

૧૮૩૮ નો લગભગ અંત આવી ગયો હતો. કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોની સલાહ મુજબ બેરન ડેન્ગલર્સે થોડાંક અઠવાડીયા પહેલાં તેના જનીના ખાતેના આડતિયાને પત્ર લખેલો, અને અલી તેબેલીનના પતન અંગેની વિગતો તેની પાસેથી મંગાવેલી. તેણે ફર્નાર્ડ મોન્ડેગો વિશે પણ માહિતી મંગાવેલી.

એના આડતિયાએ માહિતી મોકલી. બેરન ડેન્ગલર્સે એ માહિતી ધ્યાનપૂર્વક વાંચી. એથી એ રાજી ના થયો. એટલું એણે નક્કી કર્યું કે, ફર્નાર્ડ મોન્ટેગોનો દિકરો આલ્બર્ટ તેનો જમાઇ બની ના શકે. પણ કાઉન્ટ મોરસર્ફને શું બહાનું આપવું? એથી એણે જનીનાથી આવેલ અહેવાલ વર્તમાનપત્રને મોકલી આપ્યો. ડેન્ગલર્સે વિચાર્યું, ‘કાઉન્ટ મેરસર્ફ જ્યારે વર્તમાનપત્રમાં અહેવાલ વાંચશે ત્યારે તેને કશું સ્પષ્ટ કરવાનું રહેશે નહીં.’

બીજે દિવસે સવારે બધાએ પેરિસમાં એ અહેવાલ વાંચ્યો તેમાં હતું :

જનીનાના અમારા સંવાદદાતા લખે છે :

જનીનાના ઇતિહાસ અંગે એક નવી હકીકત પ્રકાશમાં આવી છે. આ હકીકત આ અગાઉ અજાણ હતી. ૧૮૨૩માં જ્યારે સુલતાનના લશ્કરે જનીનાના કિલ્લા પર હુમલો કર્યો ત્યારે રાજકુમાર અલી તેબેલીને જેના પર વિશ્વાસ મૂકેલો તે ફ્રેન્ચ અમલદારે એ કિલ્લો હુમલાખોરોને શરણે કરી દીધો. અલી તેબેલીન પકડાઇ ગયા અને મારી નખાયા. અલીને આ ફ્રેન્ચ અમલદારે જ દગો કરેલો. આ ફ્રેન્ચ અમલદારનું નામ હતું ફર્નાન્ડ મોન્ટેગો કે જે અત્યારે પોતાની જાતને કાઉન્ટ મેરસર્ફ કહેવડાવે છે અને રાજસભામાં બેસે છે.

૧૦૨

આ સમાચારે ફ્રાન્સની સભામાં ધાંધલ મચી ગઇ. જ્યારે કાઉન્ટ મેરસર્ફ સભામાં હાજરી આપવા ગયા ત્યારે એ અહેવાલ અંગે તપાસની માંગ બધી બાજુએથી થઇ. મોરસર્ફને પણ પ્રશ્નો પૂછવા અંગે સમય માગવામાં આવ્યો. તેણે કહ્યું, ‘જેટલું વહેલું તેટલું સારું. આજે જ.’

સાંજે આઠ વાગે તપાસ ચાલુ થઇ. સવાલો પૂછવામાં આવ્યા, અને કાઉન્ટ મેરસર્ફે પૂરાવા રજૂ કર્યા કે અલી તેબેલીને તેના મૃત્યુ સુધી તેનામાં વિશ્વાસ રાખેલો. અલી તેબેલીને જ તેને સુલતાન સાથે વાટોઘાટો કરવાનું સોંપેલું. અલી તેબેલીનના ચિન્હ વાળી વીંટી તેને આપવામાં આવેલી, કે જેથી તે રાજમહેલમાં અને ગમે ત્યાં તેની ઇચ્છા મુજબ જઇ આવી શકે.

મોરસર્ફે કહ્યું, ‘કમનસીબે, સુલતાન સાથેની મારી વાટાઘાટો ભાંગી પડી અને જ્યારે અલીના બચાવ અર્થે હું પાછો ફર્યો ત્યારે તેને મારી નાખવામાં આવેલો. પરન્તુ અલીને મારામાં એટલો વિશ્વાસ હતો કે, મરતી વખતે તે તેની પત્ની અને દીકરીની સંભાળ રાખવાનું કામ સોંપતો સંદેશો મૂકતો ગયેલો. જ્યારે હું જનીના પાછો આવ્યો ત્યારે તેની પત્ની અને દીકરી ગુમ થઇ ગયા હતા. હું શ્રીમંત હતો નહીં, અને એથી તેમની શોધ કરી શક્યો નહીં. એમનું શું થયું તેની મને ખબર નથી. મારી એ ઇચ્છા હતી કે તેઓ મને જડ્યાં હોત તો હું તેમની સંભાળ રાખી શક્યો હોત.’

રાજ્ય સભાના પ્રમુખે પૂછ્યું, ‘તમારે બીજું કશું કહેવું છે?’

‘હાં એટલું જ કે આ ખોટો અહેવાલ છાપામાં કોણે લખ્યો તેની મને ખબર નથી અને જ્યારે મારી વિરુદ્દ કહેવા કોઇ સાક્ષી અહીં આવેલ નથી ત્યારે હું એટલું જ કહીશ કે હું નિર્દોષ છું,’ કાઉન્ટ મોરસર્ફે કહ્યું.

સભાના સભ્યો તેની વાત સાથે સંમત થયા. તેઓ તેની તરફેણમાં મત આપવા અને વર્તમાનપત્રના અહેવાલને ખોટો ઠેરવવા તૈયાર હતા. ત્યાં પ્રમુખે કહ્યું,

‘માનનીય સભ્યશ્રીઓ, એક અગત્યના સાક્ષી પાસેથી મને હમણાં જ એક ચિઠ્ઠિ મળી છે. તે આ રહી. કાઉન્ટ મોરસર્ફે આપણને જે માહિતી આપી છે તે પછી, આપણને એટલું ખાત્રીપૂર્વક કહી શકીએ કે આ સાક્ષી પણ તેમની નિર્દોષતા પૂરવાર કરવા જ અહીં આવ્યા હશે. શું આપણે એ પત્ર વાંચીશું કે પછી બાજુ પર મૂકી દઇશું?’

કાઉન્ટ મોસર્ફે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે ફિક્કો પડી ગયો અને તેણે તેની મુઠ્ઠિઓ પછાડી. રાજ્યસભા શું જવાબ આપે છે તેની રાહ જોતો તે ઉભો રહ્યો.

સભ્યો બૂમો પાડતા હતા, ‘પત્ર વાંચો. અમારે તે શું કહે છે તે સાંભળવું છે !’

એથી પ્રમુખે મોટા અવાજે વાંચ્યું :

‘માનનીય પ્રમુખશ્રી, જ્યારે અલી તેબેલીન, જનીનાના પાચા, અવસાન પામ્યા ત્યારે હું ત્યાં હતી. તેમની પત્ની અને દીકરીનું શું બન્યું તે હું જાણું છું. જો રાજ સભાને આ સાંભળવામાં રસ હોય તો હું બહાર લાંબીમાં ઉભી છું.’

મોરસર્ફ તેની ખુરસીમાં બેઠો હતો. તેનું હૃદય ધબકતું હતું. આ ચિઠ્ઠિ લખનાર કોણ હોઇ શકે?

‘સભાને આ સાક્ષી સાંભળવો ગમશે?’ પ્રમુખે કહ્યું.

‘હા...હા...’ બધાએ કહ્યું.

૧૦૪

અનુક્રમણિકા

૩૪ : પર્દાફાશ

રાજ્યસભાના પ્રમુખે દરવાનને બોલાવ્યો. તેણે પૂછ્યું, ‘બહાર લોબીમાં કોઇ છે?’

‘હા, સાહેબ. એક સ્ત્રી એક નોકર સાથે ઊભી છે.’ દરવાને જવાબ આપ્યો.

સભામાં એક આશ્ચર્ય ફેલાઇ ગયું, જ્યારે સભ્યોએ જાણ્યું કે સાક્ષી એક સ્ત્રી છે.

‘તેને અંદર મોકલો.’ પ્રમુખે આદેશ આપ્યો.

જ્યારે સ્ત્રી અંદર આવી ત્યારે તેનો ચહેરો પડદાથી ઢાંકેલો હતો; તેણે બુરખો પહેર્યો હતો. પ્રમુખે તેને બેસવા કહ્યું. તેણે તેમ કર્યું, અને પછી પડદો હટાવ્યો. રાજ્યસભાના સભ્યોને ત્યારે વધુ આશ્ચર્ય થયું કારણ કે તે સ્ત્રી યુવાન હતી અને સુંદર હતી તે હેડી હતી.

પ્રમુખે કહ્યું, ‘બહેન, તમે એમ જણાવો છો કે અલી તેબેલીનને મારી નખાયા ત્યારે તમે સાક્ષી હતાં. અને તમે કહી શકો છો કે અલી તેબેલીનની પત્ની અને દીકરીનું શું થયું. બરાબરને?’

‘હા’

‘તમે કોણ છો?’

તે ગૌરવપૂર્વક ઊભી થઇ. ‘હું હેડી છું જનીનાના પાચા અલી તેબેલીનની દીકરી.’

એક ક્ષણ માટે તો સભામાં કોઇ અવાજ ન થયો, સંભળાતા હતા માત્ર શ્વાસોશ્વાસ. પછી પ્રમુખે સખ્ત નજરે હેડી તરફ જોયું.

‘તમે આ સાબિત કરી શકો છો?’

૧૦૫

‘હા. આ રહ્યું મારૂં જન્મ પ્રમાણપત્ર ને આ બીજું પ્રમાણપત્ર ા પ્રમાણપત્ર મારી માતાના અને મારા ગુલામ તરીકેના વેચાણનું પ્રમાણપત્ર છે.’

તેણે એ પ્રમાણપત્રો પ્રમુખને આપ્યાં. પ્રમાણપત્રો અરેબીક ભાષામાં લખાયાં હતાં. પ્રમુખે જોયું કે, તેનાં પરના સિક્કા પ્રમાણભૂત હતા. પછી એક દુભાષિયો એ પ્રમાણપત્રો વાંચવા આગળ આવ્યો. જ્યારે તેણે જન્મ પ્રમાણપત્ર વાચ્યું. ત્યાર પછી તેણે વેચાણખત વાંચ્યો :

‘‘હું, અલ કોબીર, તુર્કીના સુલતાનનો ગુલામોનો વહેપારી, કબૂલાત કરૂં છું કે આજે મેં કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને, જનીનાના પાચા; રાજકુમાર અલી તેબેલીનની દીકરી, યુવાન ગુલામ નામે હેડી, આઠ લાખ ફ્રાન્ક કિંમતના મૂલ્યના એક હીરાના બદલામાં વેચું છું. આ ગુલામને, તેની માતાની સાથ, ચાર લાખ ફ્રાન્કની કિંમતે, ફર્નાન્ડ મોન્ડેગો નામના અલી તેબેલીનની સેવામાં રહેલ એક ફ્રાન્સના કર્નલે મને વેચેલી. કોન્સ્ટન્ટીનોપલ આવતાં જ તેની માતાનું મૃત્યું થયેલું.’’

દસ્તખત - અલકોબીર

વેપારીના દસ્તખતની જોડે જ તુર્કીના સુલતાનની મહોર મારવામાં આવેલી.

હવે પ્રમુખે કાઉન્ટ મોરસર્ફને પૂછ્યું, ‘આ બહેનને તમે અલી તેબેલીનની દીકરી તરીકે ઓળખો છો?’

‘ના, ના. આ મારા વિરોધીઓએ ઘડી કાઢેલું મને ખલાસ કરવાનું એક કાવત્રું હોવું જોઇએ.’ કાઉન્ટ મોરસર્ફે કહ્યું.

૧૦૬

અત્યાર સુધી હેડીએ મોરસફને જોયેલો નહીં. હેડીએ તની સામે જોયું અને કહ્યું, ‘તમે એમ કહો છો કે તમે મને ઓળખતા નથી, પણ કમનસીબે હું તમને ઓળખું છું. તમે ફર્નાન્ડ મોન્ડેગો છો. તમે મારા મહાન પિતાના સૈન્યના વડા ફ્રેન્ચ અધિકારી જ છો. તમે જ જનીનાનો કિલ્લો સોંપી દીધેલો! તમે જ સુલતાન પાસેથી મારા પિતાને માફ કર્યાના સમાચાર સાથે પરત આવેલા. તમે જ મારા પિતાને મારી નાખેલા. તમે સલીમને મારી નાખવા હુકમ આપેલો! તમે જ મને અને મારી માતાને અલ કોબીરને વેચી દીધેલાં! ખૂની! ખૂની! ખૂની! હું તારી પાપણ પર તારા માલિકના ખૂનના ડાઘા છે! જુઓ, મહાનુભાવો, બધા જ જુઓ!’

હેડીએ તેના તરફ ચીંધ્યું અને બધી આંખો કાઉન્ટ મોરસર્ફના કપાળ તરફ ફરી. તેણે પોતે જ તેનો હાથ ફેરવ્યો, જાણે કે અલી તેબેલીનના ખૂનના છાંટા હજુ તેના કપાળે જ ના ચોંટ્યા હોય!

‘તમે કાઉન્ટ મોરસર્ફને ફર્નાન્ડ મોન્ડેગો તરીકે ઓળખો છો?’ પ્રમુખે પૂછ્યું.

‘હા, ચોક્કસ પણે. મારા પિતાના મૃત્યુ પછી મારી માતાએ તેને બરાબર ધારીને જોવાનું કહેલું. તેણે મને કહેલું-તું સ્વતંત્ર હતી; તને એક પ્રેમાળ પિતા હતા; તું લગભગ રાણી બની ગઇ હોત. પેલા માણસે તને ગુલામ બનાવી છે. એણે આપણને વેચીને દુઃખી બનાવ્યાં છે. તેને જોઇ લે. તેના જમણા હાથને બરાબર જોઇલે. ત્યાં એક મોટો ડાઘ છે. જો તું એનો ચહેરો ભૂલી જાઉં તો તું એને તેના હાથથી ઓળખી શકીશ. એના એ જ હાથમાં અલ કોબીરના સોનાના સિક્કા એક પછી એક પડ્યા છે. હવે એને કહેવા દો કે, મને એ ઓળખે છે કે નહીં,’ હેડીએ કહ્યું.

હેડીનો દરેકે દરેક શબ્દ કાઉન્ટ મોરસર્ફને ખંજર તરીકે ભોંકાતો ગયો. તેણે પોતાનો ડાઘાવાળો હાથ કોટમાં સંતાડી દેવાનો પ્રયત્ન કર્યો.

૧૦૭

પ્રમુખે પૂછ્યું, ‘કાઉન્ટ મોરસર્ફ, શું અમારે તપાસ ચાલુ રાખવી જોઇએ? આ બહેને કરેલા આક્ષેપોનો તમારે જવાબ આપવો છે?’

‘ના.’

‘તો પછી શું તે સત્ય બોલી છે?’

મોરસર્ફ કશું ન બોલ્યો. તેણે તેને ગૂંગળાવી મારતા કોટને ફાડી નાખ્યો, અને એક ગાંડા માણસની જેમ સભાગૃહ છોડી નાસી ગયો.

પ્રમુખે કહ્યું, ‘મિત્રો, શું તમને કાઉન્ટ ગુન્હેગાર લાગે છે?’

‘હા. ગુન્હેગાર! ગુન્હેગાર!’ સભ્યો બોલી ઊઠ્યા.

જ્યારે ચુકાદો મંજૂર કરવામાં આવ્યો ત્યારે હેડીએ બુરખો ઢાળી દીધો અને પ્રમુખ તથા સભ્યોને નમન કરી એકપણ શબ્દ બોલ્યા વિના ચાલી ગઇ.

૧૦૮

અનુક્રમણિકા

૩પ : પડકાર

કાઉન્ટ મોરસર્ફની જાહેરમાં માનહાની થતાં યુજીન ડેન્ગલર્સ અને આલ્બર્ટ મોરસર્ફનો વિવાહ તોડી નાખવામાં આવ્યો.

એ પછી તુરન્ત, એન્ડ્રીયા કેવેલકન્ટીએ યુજીન સાથે લગ્ન કરવાની રજા માગી. ખુશ થયેલા બેરન ડેન્ગલર્સે સંમતિ આપી. તેણે વિચાર્યું, તેની દીકરી માટે એન્ડ્રીયા કેવેલકન્ટીના વિવાહ થયા.

આલ્બર્ટ મોરસર્ફે વિચાર્યું કે, કોઈ દુશ્મને જ તેના પિતાની માનહાની કરાવી છે. તે કોણ હોઇ શકે? જનીનાથી અહેવાલ કોણે મોકલેલ તે જાણવા આલ્બર્ટ સમાચારપત્રની ઓફિસે ગયો. જ્યારે તેને જાણવા મળ્યું કે, સમાચાર તો ડેન્ગલર્સે મોકલાવેલા, ત્યારે તેણે નક્કી કર્યું કે બેરન ડેન્ગલર્સ જ તેના પિતાનો શત્રુ છે. ફ્રાન્સવાસી આવી પળમાં માત્ર દ્વંદ્વયુદ્ધનો જ વિચાર કરે છે. પિતાની માનહાની ભૂંસી નાખવા આલ્બર્ટે પણ દ્વંદ્વયુદ્ધ ખેલવાનું નક્કી કર્યું. એથી તે બેરન ડેન્ગલર્સના ઘરે ગયો.

એને આવેલો જોઇને શરૂમાં તો બેરન ડેન્ગલર્સે એમ માન્યું કે તે તેના વિવાહ તોડી નખાયા તેની વાત કરવા આવે છે. દ્વંદ્વયુદ્ધ માટેના પડકારથી તો તેને ખૂબ આશ્ચર્ય થયું.

‘તું ગાંડો છે. એ મારી ભૂલ નથી કે જેનાથી તારા પિતાને નીચા જોવાનું થયું છે.’ ડેન્ગલર્સે કહ્યું.

‘એ તારી જ ભૂલ છે. તું જ તે માટેનું કારણ છે.’ આલ્બર્ટે ગુસ્સામાં કહ્યું.

‘કેવી રીતે?’

‘સમાચાર ક્યાંથી આવ્યા?’

‘વર્તમાનપત્રએ લખ્યું જ છે - જનીનાથી.’

‘પણ જનીના કોણે લખ્યું?’

‘ચોક્કસપણે, મેં જ્યારે મારી દીકરી એક યુવાનને પરણે છે ત્યારે તે યુવાનના માતા-પિતા વિશે બધું જાણવાનો મને અધિકાર છે.’ બેરને પરખાવ્યું.

‘શું જવાબ મળશે તે જાણીને જ તે લખ્યું હશે,’ આલ્બર્ટે કહ્યું.

‘ના મને ખબર ન હતી. જો કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ સૂચવ્યું ના હોત તો મેં ત્યાં લખવાનું વિચાર્યું જ ના હોત. મેં એમને પૂછેલું કે, તારા પિતા અંગેની માહિતી હું કેવી રીતે મેળવી શકું. તેમણે મને પૂછ્યું કે, તારા પિતાએ સંપત્તિ ક્યાંથી મેળવી. મેં કહ્યું, જનીનામાંથી. તો એમણે કહ્યું, જનીના લખો.’

‘આહા! તો કાઉન્ટે તમને જનીના લખવા કહ્યું, ખરું તે?’ આલ્બર્ટે કહ્યું.

હેડી તો મોન્ટે ક્રિસ્ટોના ઘરમાં જ રહેતી હતી. આથી બેરન ડેન્ગલર્સને સૂચવતા પહેલાં કાઉન્ટે તેની પાસેથી બધી વિગતો જાણી લીધી હશે. જ્યારે કાઉન્ટે આલ્બર્ટને હેડીની વાત સાંભળવા કહ્યું ત્યોર પણ તેણે જાણી લીધી હશે. કેવી છેતરપિંડી! મોન્ટે ક્રિસ્ટો જ તેના પિતાનો સાચો દુશ્મન હોવો જોઇએ! આમ વિચારી આલ્બર્ટ બેરનના ઘરેથી નાઠો. કાઉનટ મોન્ટે ક્રિસ્ટો ઘરે જ હતો.

‘ગુડ આફ્ટરનુન, આલ્બર્ટ કેમ ઠીક તો છું ને?’ આલ્બર્ટને જોતાં કાઉન્ટે કહ્યું.

‘હું અહીં મિત્રતા અને વિવેકના ખોટા શબ્દોની આપ-લે કરવા નથી આવ્યો. હું સ્પષ્ટતા માગવા આવ્યો છું.’ આલ્બર્ટે કહ્યું.

૧૧૦

‘સ્પષ્ટતા! મને લાગે છે સ્પષ્ટતા તો મારે તારી પાસેથી માગવી જોઇએ.’

‘મારે એ કહેવાની જરૂર નથી કે તમે જ મારા પિતાના દુશ્મન છો, અને તમે જ તેની માનહાની કરી છે, અને તેમ શા માટે થયું તે જ મારે જાણવું છે, નહીં તો હું તમારુ ખૂન કરી નાખીશ.’ આલ્બર્ટે બોલી નાખ્યું.

‘હવે સમજ્યો કે તું અહીં લડવા આવ્યો છે, પણ શા માટે તેની મને સમજણ પડતી નથી. હું એટલું જ જાણું છું કે તું મારા ઘરમાં મારી સામે બૂમો પાડું છું. પણ મને એટલું કહેવા દે કે, આ ઘરમાં બીજા કોઇના કરતાં મને એકલાને જ મોટેથી બોલવાનો હક્ક છે. માટે તું તુરન્ત ચાલ્યો જા તેમાં જ તારી ભલાઇ છે.’ કાઉન્ટે કહ્યું.

‘ઓહ, મને ખબર છે મારે તમને તમારા ઘર બહાર કેવી રીતે કાઢવા,’ એમ કહી આલ્બર્ટે પોતાના હાથના મોજા કાઢ્યા અને કાઉન્ટ ઉપર ફેંક્યા.

‘તો તું મને દ્વંદ્વયુદ્ધ કરવા પડકાર ફેંકે છે. તને તારા આ મોજા ગોળીએથી વીંધાયેલા કાલે સવારે આઠ વાગે વીન્સેનના જંગલમાં મળશે. હવે તું આ ઘર તુરન્ત છોડી દે, નહીં તો તને ઊંચકીને બહાર ફેંકી દેવા મારે મારા નોકરોને બોલાવવા પડશે.’

અનુક્રમણિકા

૩૬ : એડમન્ડ અને મર્સીડીસ

જ્યારે આલ્બર્ટ ચાલ્યો ગયો, ત્યારે મોન્ટે ક્રિસ્ટો તેની રૂમમાં બેસી રહ્યો. તે ઊંડા વિચારમાં મગ્ન હતો. પછી તેણે અલીને બોલાવ્યો અને કહ્યું, ‘અલી, હાથીદાંતની પેટીમાં મારી પ્રિય પિસ્તોલ લાવ.’

અલીએ પેટી લાવી આપી. બધી પિસ્તોલો કાઉન્ટ જોઇ રહ્યો. ચાર દિવાલની અંદર શુટીંગ કરવા માટે એ બધી પિસ્તોલો તેણે ખાસ મંગાવેલી. તેણે એક પિસ્તોલ હાથમાં લીધી અને દિવાલ પરના નાના નિશાન પર તાકી. મોન્ટે ક્રિસ્ટો નિષ્ણાત બંદુકબાજ હતો. પણ એ આવતી કાલે કેવું સારૂં નિશાન તાકે છે તેના પર જ તેની જીંદગીનો આધાર હતો. થોડી તાલીમ લેવી એ સારી બાબત બની રહે, તેણે વિચાર્યું.

એ નિશાન લેવાની તૈયારીમાં જ હતો ને,એક નોકરે આવીને તેને સમાચાર આપ્યા કે કોઇ મહેમાન આવેલ છે. નોકરની પાછળ, બારણાની બહાર એક બુરખાધારી સ્ત્રી ઊભી હતી. તેણે મોન્ટે ક્રિસ્ટોને હાથમાં પિસ્તોલ લઇ ઉભેલો જોયો ને તે રૂમમાં ધસી ગઇ. કાઉન્ટે નોકરને ચાલ્યા જવા કહ્યું.

‘તમે કોણ છો, બહેન?’ કાઉન્ટે પૂછ્યું.

સ્ત્રી કાઉન્ટના ચરણોમાં પડી.

‘એડમન્ડ, તું મારા દીકરાને મારીશ નહીં !’

‘મેડમ મોરસર્ફ, આપે હમણાં કયું નામ ઉચ્ચાર્યું?’ કાઉન્ટે પૂછ્યું.

‘તારું નામ.’ પોતાનો બુરખો હટાવતાં તે બોલી ઉઠી. એ નામ કે જે હું એકલી જ ભૂલી ગઇ નથી; એડમન્ડ, મેડમ મેરસર્ફ અહીં નથી આવી, મર્સીડીસ આવી છે.’

૧૧૨

‘મર્સીડીસ તોે મરી ચૂકી છે, મેડમ. એ નામની વ્યક્તિને હું ઓળખતો નથી.’ કાઉન્ટે કહ્યું.

‘મર્સીડીસ જીવંત છે, એડમન્ડ અને એકલી એ જ તને યાદ કરે છે. તેણે તને જોયો તેવો જ ઓળખી કાઢેલો. તું પેરિસમાં છું ત્યારથી તે તારી બાબતમાં ધ્યાન રાખ્યા કરે છે. તે જાણે છે શા માટે કાઉન્ટ મોરસર્ફની માનહાની કરાઇ છે.’

‘તમારે ફર્નાર્ડ કહેવું જોઇએ, મેડમ. જો આપણે નામ જ યાદ રાખતા હોઇએ તો બધાના યાદ રાખવાં જોઇએ.’ કાઉન્ટે ટપારી.

‘ઓહ, તમે જુઓ છો ને હું ખોટી નથી. એટલા માટે જ હું મારા દીકરાને માફ કરવા કહું છું.’

‘પણ, મેડમ, તમારા દીકરાએ જ પડકાર ફેક્યો છે; મેં નહીં.’

‘કારણ કે તેના પિતાના પતનમાં એ તને કારણભૂત માને છે.’

‘મેડમ, તમે ત્યાં ભૂલ કરો છો. તે પતન જ નથી; તે શિક્ષા છે. હું તમારા પતિને શિક્ષા કરતો નથી; એ તો પ્રભુ કરે છે.’

‘તું એમ માને છે, તું પ્રભુનો પ્રતિનિધિ છે? જ્યારે બધા બધું ભૂલી ગયા છે ત્યારે તું શું કરવા યાદ કરે છે?’ મર્સીડીસ રડી પડી. ‘જનીનામાં શું બન્યું એનું તારે શું? ત્યારે ફર્નાર્ડ મોન્ડેગોએ તને કશું નુકશાન નહોતું કર્યું.’

‘તમે સાચાં છો, મેડમ. એ મારી ચિંતાનો વિષય નથી. એ તો એક ફ્રેન્ચ અધિકારી અને હેડી વચ્ચેની બાબત છે. પણ હું કર્નલ ફર્નાર્ડ મોન્ડેગો પર બદલો લેતો નથી, કે કાઉન્ટ મોરસર્ફ બનેલ ફર્નાર્ડ પર પણ બદલો લેતો નથી, પરન્તુ હું તો માર્સીલના ફર્નાન્ડ ઉપર બદલો લઉં શું કે જે મર્સીડીસનો પતિ છે.’

૧૧૩

‘તો પછી તારે મને શિક્ષા કરવી જોઇએ અને નહીં કે ફર્નાન્ડને. એ મારી ભૂલ છે કે તું પાછો ના આવે ત્યાં સુધી મારે તારી રાહ જોવી હતી. તેટલી મારામાં હિંમત ન હતી.’

‘પણ,હું શા માટે દૂર હતો અને આપ શા માટે એકલાં હતાં? ખ્યાલ છે આપને?’

‘મને ખબર નથી.’

‘તમે નથી જાણતાં. હું તમને કહીશ, મેડમ.’ કાઉન્ટે કહ્યું.

કાઉન્ટ ટેબલ પાસે ગયા. તેણે તે ખોલ્યું અને તેમાંથી એક જૂનો પત્ર કાઢ્યો. એ તે જ પત્ર હતો જે લોર્ડ વિલમોર તરીકે તેણે જેલના અધિકારીની મુલાકાત વખતે રજિસ્ટરમાંથી લઇ લીધેલો.

કાઉન્ટે કહ્યું, ‘શા માટે મારી ધરપકડ થઇ અને શા માટે મને કેદી બનાવાયો તેનું કારણ એક ડેન્ગલર્સ નામના માણસે આ પત્ર લખ્યો અને ફર્નાન્ડ મોન્ડેગોએ પોસ્ટ કર્યો તે છે.’

મર્સીડીસે ધ્રુજતે હાથે પત્ર લીધો. સમય થવાને લીધે તે પીળો પડી ગયેલો, પરન્તુ તે વાંચી શકી :

‘‘આથી સરકારી વકીલશ્રીને જણાવવામાં આવે છે કે, એલ્બા ટાપુની મુલાકાત લઇને આજે સવારે માર્સીલ આવેલ ‘ફેરોન’ વહાણનો ખલાસી એડમન્ડ દાન્તેને નેપોલિનને એક પત્ર આપ્યો છે, જે પેરિસની નેપોલિનવાદી સમિતિને લખાયેલ છે. જો તેની ધરપકડ કરવામાં આવે તો આ પત્ર તેની પાસેથી અથવા તેના પિતાના નિવાસસ્થાનેથી અથવા ફેરોનની કેબીનમાંથી મળી આવશે.’’

૧૧૪

તે મોન્ટે ક્રિસ્ટો તરફ જોઇ રહી. ‘અને આ પત્રને કારણે તારી ધરપકડ થયેલી ?’ તેણે પૂછ્યું.

‘હા, મેડમ. એને ચૌદ વરસ હું શેટો દ’ ઇફની કોટડીમાં ગોંદાઇ રહ્યો. એ તમે જાણતાં નહોતાં. તમે નહોતાં જાણતાં કે એ ચૌદ વરસો દરમિયાન પ્રત્યેક દિવસે હું બદલો લેવાની પ્રતિજ્ઞા લેતો હતો. અને જ્યારે હું જેલમાંથી બહાર આવ્યો ત્યારે મેં જાણ્યું કે તમે ફર્નાન્ડને પરણી ગયાં હતાં અને મારા પિતાજી ભૂખમરાથી અવસાન પામેલા.’ કાઉન્ટે જવાબ આપ્યો.

‘અને હવે તમે બદલો લઇ રહ્યા છો,’ મર્સીડીસ ધીમેથી બોલી.

‘હા હું બદલો લઇ રહ્યો છું.’ મોન્ટે ક્રિસ્ટોએ કહ્યું.

અનુક્રમણિકા

૩૭ : મુલાકાત

મર્સીડીસે પોતાના દીકરાની જિંદગીની મોન્ટે ક્રિસ્ટો પાસે ભીખ માગી.

‘હું જાણું છું, એડમન્ડ કે તમને ખૂબ દુઃખ પડ્યું છે. પણ દુઃખ તો મને ય પડ્યું છે.’ મર્સીડીસે કહ્યું.

‘પણ તમને તમારા પિતા ભૂખમરાથી અવસાન પામ્યાનું દુઃખ નથી પડ્યું. તમે એવી વ્યક્તિ પણ જોઇ નથી કે જ્યારે તમે જેલમાં હો ત્યારે તે તમારા વિરોધીને વરી જાય. ખરું ને?’ કાઉન્ટે કહ્યું.

‘ના. પણ મેં એવી વ્યક્તિ જોઇ છે જેને મેં ચાહી છે અને તે જ મારા દીકરાને મારવા તૈયાર થાય.’

મર્સીડીસે એટલા દુઃખ સાથે આ વાક્ય ઉચ્ચાર્યું કે, કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ શરણાગતિ સ્વીકારી લીધી. તે બોલ્યો, ‘ભલે હું તમારા દીકરાને માફ કરૂં છું. આવતી કાલે હું તેને મારી નહીં નાખું. એના બદલે તે મને મારશે.’

મર્સીડીસે જવાનું શરૂ કર્યું, અને મોન્ટે ક્રિસ્ટો કરફ આશ્ચર્યચકિત થઇ જોઇ રહી. તે બોલી. ‘પણ ના. જો તમે તેને માફ કરી દો છો તો દ્વંદ્વયુદ્ધ થશે જ નહીં.’

‘અલબત્ત, થશે જ, કારણકે તેણે મને પડકાર ફેંક્યો છે. અને જો હું ત્યાં સવારે આઠ વાગે ન પહોંચું તો દુનિયામાં મારે નીચા જોવાનું થાય. ના, મર્સીડીસ, ના દ્વંદ્વયુદ્ધ તો થશે જ. પણ હું એવી રીતે નિશાન તાકીશ કે તેને વાગશે નહીં. તારા દીકરાના લોહીથી જમીન નહીં ખરડાય, પણ મારાથી ખરડાશે.’ કાઉન્ટે કહ્યું.

‘ઓહ, ના. એડમન્ડ ના. હું જેટલો ભગવાનમાં વિશ્વાસ રાખું છું તેટલો જ તારામાં રાખું છું. મને તું વચન આપ કે આવતીકાલે તમે મારા દીકરાને જવા દેશો?’ મર્સીડીસ કરગરી પડી.

મોન્ટે ક્રિસ્ટોએ સંમત્તિ આપી, ‘તમને મારું વચન છે.’

૧૧૬

‘આભાર, એડમન્ડ. તમે પહેલાં જેટલાં જ ભલા છો અને મને વિશ્વાસ છે આવતીકાલે ભગવાન કશું ખોટું નહીં થવા દે. ફરીવાર આભાર. આવજે.’ મર્સીડીસે કહ્યું.

તે જ્યારે ગઇ, ત્યારે મોન્ટે ક્રિસ્ટો તકતા તરફ ફર્યો. તકતામાં તેનું પ્રતિબિંબ જોતાં બોલ્યો, ‘હું કેવો મૂર્ખ કે જ્યારે મેં બદલો લેવાની પ્રતિજ્ઞા કરી ત્યારે મેં મારૂં હૃદય ના ચીરી નાખ્યું !’

* * * * *

બીજે દિવસે સવારે વિન્સેનના જંગલમાં વૃક્ષો નીચે થોડા લોકો ટોળે મળ્યા હતા. દ્વંદ્વયુદ્ધનો એ સમય હતો. મોન્ટે ક્રિસ્ટો અને તેના મિત્રો ત્યાં હતા, આલ્બર્ટના મિત્રો પણ ત્યૉં હતા. આલ્બર્ટ પોતે હજુ આવ્યો ન હતો. તેને શું થયું હતું? આઠને પાંચ મિનિટે, આખરે આલ્બર્ટ આવ્યો. તે તેની બગીમાંથી ઝડપથી કૂદીને બહાર પડ્યો. તે બોલી ઉઠ્યો, ‘મારે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોને કશુંક કહેવું છે.’ તેણે લોકો તરફ જોઇને કહ્યું, ‘તમે બધા પણ આ સાંભળો, કારણ કે આ વાત એવી છે જે તમને પણ લાગુ પડે છે.’ પછી આલ્બર્ટ કાઉન્ટની સન્મુખ જઇ ઉભો રહ્યો.

‘સાહેબ, મેં એમ કહેલું કે તમને મારા પિતાને શિક્ષા કરવાનો કોઇ અધિકાર નથી. પણ મને હમણાં જાણવા મળ્યું કે તે અધિકાર તમને છે- જનીનાના અલી પાચાને દગો કરવા બદલ કાઉન્ટ મોરસર્ફ પર બદલો લેવા નહીં પણ ઘણાં વર્ષો પૂર્વે તમારી સાથે છેતરપીંડી કરવા બદલ. આ છેતરપીંડીને લઇને આપને જે પીડા ભોગવવી પડી, દુઃખ ભોગવવું પડ્યું તેનો ખ્યાલ મને હમણાં જ આવ્યો છે. કાઉન્ટ મોરસર્ફ પર નહીં પણ ફર્નાન્ડ મોન્ડેગો પર. અને હું, તેનો દીકરો, તમારો ઋણી છું કે તમે આ બદલો આનાથી મોટો ના લીધો.’ ગદગદ અવાજે આલ્બર્ટે કહ્યું.

અનુક્રમણિકા

૩૮ : આત્મહત્યા

પોતાની બગીમાં ઘરે પાછા ફરતાં કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો મર્સીડીસની હિંમત વિશે વિચારતો રહ્યા. તેના દીકરાના જીવન માટે તેણે પોતાનું બલિદાન આપવાની તૈયારી રાખેલી. ત્યારે તેણે આલ્બર્ટને તેના કુટુંબ વિશેની એવી સત્ય હકીકતો જણાવી કાઉન્ટની જીંદગી બચાવી કે જેને લઇને કોઇપણ યુવાન માણસને તેના પિતા પ્રત્યે નફરત થઇ જાય.

તેના ઘરે આવ્યાના થોડા સમયમાં જ કોઇકે બારણું ખખડાવ્યું, એક નોકરે આવી જણાવ્યું કે, કાઉન્ટ મોરસર્ફ મળવા આવ્યા છે.

‘એમને અંદર આવવા દો !’ મોન્ટે ક્રિસ્ટોએ કહ્યું.

જ્યારે કાઉન્ટ મોરસર્ફ રૂમમાં આવ્યા ત્યારે મોન્ટે ક્રિસ્ટો બોલી ઉઠ્યો, ‘અરે, ખરેખર કાઉન્ટ મોરસર્ફ આવ્યા છે. મને એમ થયું કે તમે આવ્યાના સમાચાર આપવામાં મારા નોકરે કંઇ ભૂલ કરી છે.’

‘હા, હું જ આવ્યો છું. મેં હમણાં જ સાંભળ્યું છે કે, તમારી સાથે દ્વંદ્વયુદ્ધ કરવાને બદલે મારા દીકરાએ તમારી આજે સવારે માફી માંગી છે.’ કાઉન્ટ મોરસર્ફે કહ્યું.

‘તે સાચું છે.’

‘જો તે મારૂં ગૌરવ જાળવવા નહીં લડે તો મારે તમારી સાથે લડવું પડશે. બરાબર ને?’ કાઉન્ટ મોરસર્ફે કહ્યું.

‘ચોક્કસ. અને હું ગમે ત્યારે લડવા તૈયાર છું.’ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ કહ્યું.

‘ચાલો તો આપણે જઇએ. આપણને ક્યાં કોઇની જરૂર છે?’

‘ઓહ, ના ! આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ.’ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ કહ્યું.

‘ના. એથી ઉલટું. આપણે એકબીજા વિશે કશું જાણતા નથી.’

૧૧૮

‘હા ! મને જોવા દો ! શું તમે ફર્નાન્ડ નામના સૈનિક નથી જે વોટરકુલના યુદ્ધમાંથી ભાગી ગયેલા ? તમે એ જ લેફ્ટનન્ટ ફર્નાન્ડ નથી જેણે તેના મિત્ર ડેન્ગલર્સની મદદની સ્પેન ખાતે ફ્રાન્સ લશ્કરના ખર્ચમાંથી ઉચાપત કરેલી ? તમે એ જ કેપ્ટન ફર્નાન્ડ નથી જેણે તેના માલિક અલી તેબેલીનને દગો કર્યો અને ખૂન પણ કર્યું ? અને આજકાલ-જનરલ ધ કાઉન્ટ મોરસર્ફ કહેવાય છે તે જ આ બધા ફર્નાન્ડો નથી શું ?’ કાઉન્ટે ચોપડાવી.

કોઇ ગરમ ગરમ લોખંડને સ્પર્સ થતાં માણસ પાછો હઠી જાય તેમ કાઉન્ટ મોરસર્ફ પાછો હટી ગયો. બોલી પડ્યો, ‘દુષ્ટ ! તું કોણ છું કે મારા વિશે આટલું બધું જાણું છું ? મને તારું સાચું નામ બતાવ !’

‘તમે જો એક મિનિટ રોકાવ તો હું તમને જણાવું,’ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ જવાબ આપ્યો. તે બીજા રૂમમાં ગયો. ત્યાં તેણે ઝડપથી કાઉન્ટનાં કપડાં કાઢી નાખ્યાં અને એક ખલાસીનાં કપડાં પહેરી લીધાં. એ પછી કાઉન્ટ મોરસર્ફને મળવા તે આવ્યો. બલ્યો, ‘હવે મને ઓળખો છો ? તમારા મર્સીડીસ સાથેના લગ્ન પછી તો તમે મને ઘણી વખત યાદ કર્યો હશે. એજ મર્સીડીસ જે મારી સાથે પરણવાની હતી.’

મોરસર્ફે ભીંતને ટેકો દઇ દીધો. તેણે ભયથી હાંફતો હતો, તે આશ્ચર્યમાં ગરકાવ હતો.

‘એડમન્ડ દાન્તે !’ બોલતાં તેનો અવાજ રૂંધાઇ ગયો. તે મોન્ટે ક્રિસ્ટોથી દૂર જવા લાગ્યો, પછી પાછો ફર્યો અને ઘરની બહાર દોડી ગયો. તે તેની ગાડીમાં પડ્યો અને ગાડી ઘરે લઇ જવા જણાવ્યું. તેણે જે જોયું તે માની શક્યો ન હતો.

તે ઘરે પહોંચ્યો ત્યારે પણ તેનો આઘાત શમ્યો ન હતો. તે લડથડીયાં ખાતો દરવાજે પહોંચ્યો અને તેણે બારણું ખોલ્યું. એ વખતે તેણે જોયું તો બે વ્યક્તિઓ દાદરો ઉતરી નીચે આવતી હતી. તેથી તે પડદા પાછળ સંતાઇ ગયો. તેઓ તેને જોઇ જાય તેમ તે ઇચ્છતો ન હતો.

મર્સીડીસ અને આલ્બર્ટ મકાન છોડીને જઇ રહ્યાં હતાં. પડદા પાછળ સંતાયેલા મોરસર્ફે આલ્બર્ટને તેની માતાને કહેતો સાંભળ્યો, ‘ચાલ, મમ્મી, આ હવે આપણું ઘર નથી. આપણે બીજે જઇશું અને હવે અહીં પાછા નહીં ફરીએ.’

હવે મોરસર્ફે બધું જ ગુમાવી દીધું. ત્યારે પત્ની અને તેનો પુત્ર ઘર છોડી ગયાં ત્યારે તે મેડે ગયો. થોડીક મિનિટોમાં એક મોટો ધડાકો થયો. નોકરો ત્યાં દોડી ગયો અને જોયું તો કાઉન્ટ મોરસર્ફ તેમની પથારીમાં મરેલા પડેલા અને તેમના એક હાથમાં ધુમાડા કાઢતી પિસ્તોલ હતી.

પાછળથી જ્યારે મોન્ટે ક્રિસ્ટોને જણાવવામાં આવ્યું કે, કાઉન્ટ મોરસર્ફે આત્મહત્યા કરી ત્યારે તે મનમાં બબડ્યો, ‘બીજો.’

૧૨૦

અનુક્રમણિકા

૩૯ : તારયંત્ર

પેરિસની બહાર થોડા માઇલના અંતરે આવેલી એક ટેકરી પર કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો જઇ રહ્યો હતો. એ ટેકરીના માથે એક ટાવર હતું. એ ટાવરની ટોચે બે બાજુએ બે છજાં હતાં. જે તેના હાથ જેવાં લાગતાં હતાં. આ તારયંત્રનું ટાવર હતું.

આવાં તારયંત્રનાં ટાવરોની એક લાંબી લાઇન સમગ્ર દેશની આરપાર પથરાયેલી પડી હતી. દરેક ટાવરમાં એક સંદેશવાહક રહેતો, અને તે માણસ તેની પાછળ આવેલ અને આગળ આવેલ ટાવર સહેલાઇથી જોઇ શકતો. જો તેની આગળ આવેલ ટાવર તેને કોઇ સંદેશો આપે તો તે સંદેશો તેને પાછળ આવેલ ટાવરને પસાર કરવાનો રહેતો. આ રીતે કોઇપણ સમાચાર સારાયે દેશમાં ઝડપથી મોકલી શકાતા.

મોન્ટે ક્રિસ્ટો ટેકરી પર આવેલ તારયંત્રની ઓફિસે પહોંચ્યો. તેની આસપાસ એક નાનકડો બગીચો હતો. સંદેશો ઝીલનાર માણસ બાગમાં જ હતો ; બોરાં વીણતો હતો.

‘ગુડ મોર્નીંગ, તમે જ તારયંત્ર ઓફિસમાં છો ?’ કાઉન્ટે પછ્યું.

‘હા’

‘સંદેશા મેળવવા તમારે ઉપર નથી રહેવું પડતું ?’

‘ઓહ, હવેની પાંચ મિનિટમાં કોઇ સંદેશો આવવાનો નથી. તમારે ઉપર આવવું છે, સાહેબ ? જુઓ તો ખરા તે કેવી રીતે કામ કરે છે ?’

‘મને આવવાનું ગશે. એ તો ઘણી મજાની વાત છે.’ કાઉન્ટે કહ્યું.

તારયંત્રજ્ઞ કાઉન્ટને અંદર લઇ ગયો. ટાવરમાં ભોંયતળીયે બાગકામનાં સાધનો પડેલાં. પહેલે માળે તાર માસ્તર રહેતો. બીજે માળે તાર ઓફિસ હતી. તારમાસ્તરે કાઉન્ટને લોખંડના બે મોટા હાથ બતાવ્યા જે સંદેશો મોકલવા માટે ઉપયોગમાં લેવાતા હતા.

‘તમારી આ નોકરીમાં પગાર શું મળે?’ કાઉન્ટે પૂછ્યું. ‘વર્ષના ત્રણ હજાર ફ્રાંક.’ ‘તમને પેન્શન મળે?’ ‘હા, પંદર વર્ષે પછી હું નિવૃત્ત થઇશ અને મને મહિને સો ફ્રાંક

પેન્શનમાં મળશે.’

‘બિચારો...!’ કાઉન્ટ ધીમેથી બબડ્યો.

‘સાહેબ, આપે શું કહ્યું?’ તારમાસ્તરે પૂછ્યું.

‘મેં કહ્યું આ તો મજાની વાત છે. અને તમને બધી નિશાનીઓની

સમજણ પડે?’

‘ના રે, સાહેબ. મને તો સામેથી જે મળે તે અહીંથી રવાના કરૂં છું. મને થોડાક સિગ્નલની સમજણ પડે છે.’

‘અરે જુઓ, પેલો ભાઇ કોઇ સંદેશો મોકલી રહ્યો છે. તમે તે

સમજો છો?’ કાઉન્ટે પૂછ્યું.

‘હા, તે પૂછે છે હું તૈયાર છું ?’

‘અને તમે કેવી રીતે જવાબ આપશો ?’

‘એવા સિગ્નલથી જે એમ કહે ‘હા’, અને પાછળના તારમાસ્તરને

પૂછે કે તે તૈયાર છે.’

‘એ તો હોંશિયારીની વાત કહેવાય.’ કાઉન્ટે કહ્યું.

‘તમે જોજો, સાહેબ. બે જ મિનિટમાં તે મને સિગ્નલ મોકલશે જે મારે

આગળ-વાળાને મોકલવાનો રહેશે.’ તારમાસ્તરે ગર્વથી કહ્યું.

કાઉન્ટે વિચાર્યું, ‘મારે જે કરવું છે તે માટે બે મિનિટ મળે છે.’ પછી તેણે તારમાસ્તરને કહ્યું, ‘જો પેલો માણસ સિગ્નલ આપતો હોય ત્યારે તમે બીજે ધ્યાન રાખો તો શું થાય?’

૧૨૨

‘તો હું સિગ્નલ ચૂકી જઉં અને એને આગળ મોકલી શકું નહીં.’ ‘અને તો શું થાય?’ ‘તો મને સો ફ્રાંકનો દંડ થાય’ ‘પણ ધારો કે તમે સિગ્નલ બદલી નાખો અને ખોટો સંદેશો મોકલો

તો?’

‘તો તો જુદી વાત છે. તો મને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે અને મારૂં પેન્શન પણ હું ગુમાવું. એતો, સાહેબ, તમે સમજી જ શકો કે એવું કશું હું ન કરૂં.’

‘તમને પંદર વર્ષનો પગાર મળે તો પણ ના કરો? પંદર હજાર ફ્રાંક! પંદરહજાર અંગે વિચાર કરવો જોઇએ, શું માનો છો?’ કાઉન્ટે

તારમાસ્તરને લલચાવ્યો.

‘સાહેબ, તમે મને ભડકાવો છો?’

‘શું હું તમને પંદર હજાર ફ્રાંકથી ભડકાવું છું?’

‘સાહેબ, મહેરબાની કરીને મને પેલો સામેનો ટાવર જોવા દો. તે

મને સિગ્નલ આપે છે.’

‘એની સામું ના જોશો. આ નોટો જુઓ.’

‘ફ્રાંક !’

‘હા, પૂરા પંદર હજાર ફ્રાંક છે. જો તમે ઇચ્છો તો એ તમારા છે.’

‘ઓહ સાહેબ, સામેવાળો સિગ્નલ આપે છે. તમે મારૂં ધ્યાન ચૂકવી

દીધું. મને દંડ થશે!’ તારમાસ્તર બોલી ઉઠ્યો.

‘દંડ તો તને સો ફ્રાંકનો જ થશે. માટે તું મારી આ નોટો લઇ લે.’ એમ કહેતાં કાઉન્ટે નોટો તેના હાથમાં મૂકી. ‘પણ દોસ્ત, આટલી પૂર્તી નથી. પંદર હજાર ફ્રાંકમાં તું કંઇ જીવી ના શકું. આ બીજા દશ હજાર

વધુ. એ થઇને પચ્ચીસ હજાર થાય. તેમાંથી તો તું બે એકર જમીન અને એક નાનકડું મકાન ખરીદી શકીશે, જેની કિંમત થાય પાંચ હજાર ફ્રાંક. બાકી રહ્યા વીસ હજાર ફ્રાંક, તેના તને એક હજાર ફ્રાંક તો વ્યાજ પેટે દર વર્ષે મળે.’

‘બે એકર જમીનનો બાગ ! ઓહ, ભગવાન!’

‘અને એક મકાન અને એક હજાર ફ્રાંક પ્રતિવર્ષ ચાલ, લઇ લે.’ ફ્રાંકની થોકડીઓ તારમાસ્તરના હાથમાં દબાવતાં કાઉન્ટે કહ્યું.

‘મારે કરવાનું શું છે?’

મોન્ટે ક્રિસ્ટોએ તાર માસ્તરને એક કાગળ આપ્યો જેના પર ત્રણ સિગ્નલ દોરવામાં આવેલા. ‘માત્ર આ સિગ્નલ મોકલી દે. માત્ર ત્રણ જ છે એટલે બહુ સમય નહીં લે.’

‘હા, પણ...’

‘આટલું કરી દે અને પછી તું ઇચ્છીશ તે તને મળશે.’

તારમાસ્તર લાલચ રોકી ના શક્યો. કાઉન્ટે કાગળ પર દોરેલા સિગ્નલ તેણે કરી દીધા. જ્યારે આગળવાળા તારમાસ્તરે આ સિગ્નલ જોયા ત્યારે તે ઘણો ચિડાઇ ગયો. એણે વિચાર્યું, માળો ગાંડો થઇ ગયો લાગે છે. પણ તેણે તે સિગ્નલને આગળ પસાર કર્યા. અને એમ ખોટો સંદેશો પેરિસ પહોંચી ગયો.

જ્યારે સંદેશો પેરિસ પહોંચ્યો ત્યારે તે મંત્રીને બતાવવામાં આવ્યો. આ મંત્રી બેરન ડેન્ગલર્સનો મિત્ર હતો. તેણે તુરન્ત એક ચિઠ્ઠિ લખી અને બેરન ડેન્ગલર્સને જણાવ્યું કે, જો તેની પાસે સ્પેનના બોન્ડસ હોય તો તેણે તુરન્ત વેચી નાખવા જોઇએ કારણકે સ્પેનનો રાજા ડોન કાર્લોસ ફ્રાન્સની જેલમાંથી નાસી છૂટ્યો છે અને સ્પેન પાછો ફર્યો છે. સ્પેનમાં ક્રાંતિ થઇ છે.

૧૨૪

બેરન ડેન્ગલર્સે તેની સંપત્તિનો મોટો ભાગ લગભગ સાઇઠ લાખ ફ્રાન્ક, સ્પેનના બોન્ડસ્‌માં રોકેલા. કારણ કે, એણે એની સંપત્તિ જ સ્પેનમાં બનાવેલી. એટલે બોન્ડસના ભાવ ગગડે તે પહેલાં તે સ્ટોક એક્ષચેન્જ ખાતે પહોંચી ગયો. પણ તે મોડો પડ્યો હતો. સ્ટેક એક્ષચેન્જ ખાતે ડોન કાર્લોસના ભાગી છૂટવાના અને બાર્સેલોનામાં ક્રાંતિ થવાના સમાચાર ત્યાં પહોંચી ગચેલા અને સ્પેનના બોન્ડસના ભાવ ગગડી ગચેલા. જ્યારે બેરને તે બોન્ડસ વેચ્યા ત્યારે તેને કોઇ કિંમત મળી નહીં. એક જ કલાકમાં તે તેની બધી સંપત્તિ ગુમાવી બેઠો હતો.

બીજે દિવસે વર્તમાનપત્રમાં સમાચાર પ્રગટ થયા કે, ડોન કાર્લોસ ભાગી છૂટ્યો નથી અને સ્પેનમાં કોઇ ક્રાન્તિ થઇ નથી. એથી સ્પેનના બોન્ડસના જે ભાવ હતા તેનાથી વધુ ભાવ થઇ ગયા. જો ડેન્ગલર્સે તેના બોન્ડસ વેચ્યા ન હોત તો તે ઘણો નફો કમાઇ શક્યો હોત. એના બદલે, એણે તો હતું તે બઘું જ ગુમાવી દીધું.

દાન્તે હજુ બદલો લેતો હતો !

અનુક્રમણિકા

૪૦ : ફરી લગ્નની મિજબાની

બેરન ડેન્ગલર્સનું મકાન રોશનીથી ઝગમગતું હતું. બેરનની દીકરી ટુજીન અને એન્ડ્રીયા કેવેલકન્ટીના વિવાહની મિજબાની રાખવામાં આવેલી. બેરનને એમ થયું કે, સ્ટોક એક્ષચેન્જમાં તો તેણે તેની સંપત્તિ ગુમાવી દીધી છે. પણ એક વખત જો તેની દીકરીનો વિવાહ એન્ડ્રીયા જેવા શ્રીમંત નબીરા સાથે થઇ જાય તે તે તેની પાસેથી પૈસા ઉછીના લઇ જશે અને એ પૈસાથી એની ગયેલી સંપત્તિ પાછી મેળવવા પ્રયત્ન કરી શકે.

યુજીન પણ મિજબાનીમાં હાજર હતી. તેણે ખૂબ સાદો સફેદ પોષાક પહેરેયો હતો, કોઇ જાતનાં ઘરેણાં તેણે પહેર્યાં ન હતાં; માત્ર માથામાં એક સફેદ ગુલાબ નાંખેલું. એન્ડ્રીયા બનીઠનીને આવેલો; ખૂબ ખુશખુશાલ હતો. સ્ટોક એક્ષચેન્જ ખાતે બેરન ડેન્ગલર્સને થયેલી ખોટનો તેને ખ્યાલ ન હતો. જો તેને ખ્યાલ હોત તો તે કદાચ આટલો પ્રસન્ન ના હોત. કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો અને એક સિવાય બેરનના બધા મિત્રો હાજર હતા. ન આવનાર હતો વિલફોર્ટ. કોઇકે વિલફોર્ટની અનઉપસ્થિતિ વિશે પૂછ્યું પણ ખરૂં.

ત્યારે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો બોલ્યો, ‘ઓહ, એ કદાચ મારા લીધે નથી આવ્યા.’

‘તમારા લીધે ?’ મેડમ ડેન્ગલર્સે પૂછ્યું. ‘કંઇ સમજાયું નહીં.’

એન્ડ્રીયાના કાન પણ સતેજ થયા.

‘હા, એ મારા લીધે નથી આવ્યા, પણ એમાં હું શું કરું? તમને યાદ છે થોડા દિવસ પહેલાં મારા ઘરમાં એક ચોર ઘુસી ગયેલો? જ્યારે એ ભાગી છૂટતો હતો ત્યારે કોઇકે તેને ખંજર મારી મારી નાખેલો. તેના મરતાં પહેલાં તેણે એક ચિઠ્ઠિ પર સહીં કરી જેમાં લખાયું હતું કે તેને બેનીડીટ્ટો નામના એક માણસે મારી નાખ્યો હતો. પરન્તું પોલિસ આ બેનિડીટ્ટો નામના માણસને ક્યાંય શોધી શકી ન હતી.’

૧૨૬

એન્ડ્રીયા ધ્યાનથી સાંભળતો હતો. તે ઘીમે ઘીમે ત્યાંથી ખસવા લાગ્યો. બેરન ડેન્ગલર્સ નજીક આવતા હતા. બેરને પૂછ્યું, ‘કાઉન્ટ, તમે એ ચોરની વાત કરી રહ્યા છો જેનું ખૂન તમારા ઘર પાસે થયેલું ?’

‘હા, તે કેડરુસ નામનો માણસ હતો, અને એક કેદી હતો.’ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ જણાવ્યું.

કેદીનું નામ સંભળતાં બેરન ડેન્ગલર્સનો ચહેરો ફિક્કો પડી ગયો. કારણ કે એ નામની વ્યક્તિને તે વર્ષો પહેલાં માર્સીલમાં ઓળખતો હતો.

કાઉન્ટે આગળ કહ્યું, ‘જ્યારે પોલિસે તેના ઘા તપાસ્યા ત્યારે તેનાં કપડાં એક ખૂણામાં નાખેલાં. પછીથી તેઓ બધાં કપડાં લઇ ગયા, પણ એક વાસકોટ લેવાનું ભૂલી ગયા. એ વાસકોટ આજે મારા ઘરમાંથી જડ્યો. મારો એક નોકર તે લઇ આવ્યો. તેના પર લોહીના ડાઘા હતા, તેથી મને લાગ્યું તે તે કેડરુસનો જ હોવો જોઇએ. તે વાસકોટના એક ખિસ્સામાં એક ચિઠ્ઠિ હતી. એ ચિઠ્ઠિ તમને સંબોધીને હતી, બેરન ડેન્ગલર્સ.’

‘મને !’ આશ્ચર્યમા પડેલા ડેન્ગલર્સે પૂછ્યું.

‘હા, તમને !’ લોહીના ડાઘા પડ્યા હોવા છતાં તેના પર હું તમારું નામ વાંચી શક્યો હતો.

‘મને લાગ્યું કે તેને ખૂન સાથે કશી નિસ્બતું છે. તેથી મેં વાંચી નહીં અને પોલિસને આપી દીધી.’ કાઉન્ટે કહ્યું.

ત્યાં સુધીમાં તો એન્ડ્રીયા એ રુમના એક છેડા સુધી પહોંચવા આવેલો.

‘એથી સરકારી વકીલશ્રી અહીં આવી શક્યા નથી. પોલિસે તેમને પત્ર વાંચવા બોલાવ્યા છે.’ કાઉન્ટે કહ્યું.

એન્ડ્રીયા બીજા રૂમમાં ચાલ્યો ગયો.

થોડીક ક્ષણોમાં તો બધાંના ંઆશ્ચર્ય વચ્ચે સૈનિકોની એક ટુકડી રૂમમાં આવી પહોંચી. મકાનના પ્રત્યેક દરવાજે સૈનિકો ગોઠવાઇ ગયા હતા, જેથી કોઇ ત્યાંથી ભાગી ન છૂટે.

‘આ શું છે? તમે અહીં શું કરી રહ્યા છો?’ બેરને સૈનિકોને પૂછ્યું.

‘તમારામાનો કોણ એન્ડ્રીયા કેવેલકન્ટી છે?’ સૈનિકોના વડાએ પૂછ્યું.

દરેક જણ રુમમાં જોવા લાગ્યા. એન્ડ્રીયા દેખાતો ન હતો.

‘તમારે એન્ડ્રીયા કેવલકન્ટીની શી જરૂર છે? મોન્ટે ક્રિસ્ટોએ પૂછ્યું.

‘તે ભાગી છૂટેલો કેદી છે અને કેડરુસ નામના માણસના ખૂન અંગે તેની જરૂર છે.’

આ સાંભળી મેડમ ડેન્ગલર્સ તો બેભાન બની ગયાં. બધા મહેમાનોમાં ભય વ્યાપી ગયો.

ડેન્ગલર્સને લાગ્યું કે ધરતી તેના પગ તળેથી સરકી રહી છે. તેણે તેના બધા પૈસા ગુમાવેલા જ; હવે તો તેનો શ્રીમંત જમાઇ પણ ગુમાવી રહ્યો હતો.

સૈનિકોને એન્ડ્રીયા મકાનની અંદર ન મળ્યો, પણ બહાર ઊભેલા રક્ષકોએ તેને બગીમાં બેસતાં પકડી પાડ્યો. તેની ધરપકડ કરવામાં આવી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.

૧૨૮

અનુક્રમણિકા

૪૧ : એન્ડ્રીયા અને તેના પિતા

જેલમાં ગયે એન્ડ્રીયાને થોડા દિવ્સ થઇ ગયા. એક દિવસ એને જણાવવામાં આવ્યું કે, કોઇ તેને મળવા આવેલ છે.

બિચારો એન્ડ્રીયા! અત્યારે તો એ તેના પર આવી પડેલ આપત્તિ પર વિચારતો હતો. તેને એમ હતું કે, આવી વિપત્તિ તો ઘડીમાં પસાર થઇ જશે. એની પાછળ પણ મોટી હસ્તીઓ ક્યાંથી? બધું જ તેની તરફેણમાં હતું. અને એકાએક કાઉન્ટ તરફથી સંપત્તિ વાપરવા મળેલી. મોટા અને શ્રીમંત માણસોની મિત્રતા મળેલી. એક સમુદ્ર બેન્કરની દીકરી સાથે તેનું ભવ્ય લગ્ન થવાનું હતું. આ બધું જ પુરવાર કરે છે કે, કોઇકને તેનામાં રસ હતો. એ કોણ હશે? કદાચ તે કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો જ હશે. શા માટે કાઉન્ટને તેનામાં રસ હશે? કદાચ, તે મારા સાચા પિતા પણ હોય. મારા પિતાને હું ક્યાં ઓળખું જ છું. અત્યારે કોઇક મળવા આવ્યું છે. કદાચ એ વ્યક્તિ એમ કહેવા આવી હશે કે, કાઉન્ટ મારી મુક્તિની ગોઠવણ કરી રહેલ છે. આવા વિચારો કરતો કરતો એન્ડ્રીયા મુલાકાતીને મળવા ગયો.

મુલાકાતીને જોતાં તો તે વિસ્મિત જ થઇ ગયો. દશ વર્ષથી તે આ માણસને મળ્યો ન હતો. મુલાકાતી હતો બરટુસીઓ.

‘ગુડ મોર્નિંગ, બેનીડીટ્ટો’, બરટુસીઓએ કહ્યું.

મુલાકાતીને જોતાં ચેતી ગયેલ બેનીડીટ્ટો બોલી ઉઠ્યો, ‘તમે? તમે?’

‘કેમ, મને જોતાં આનંદ ના થયો?’

‘તમે અહીં કેમ આવ્યા છો? તમને કોણે મોકલ્યા?’

‘કોઇએ નહીં.’

‘તમને કેવી રીતે ખબર પડી કે, હું જેલમાં છું?’

‘હું તને ઓળખી ગયેલો, જ્યારે તું કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોના ઘરે આવ્યો ત્યારે હું કાઉન્ટનો અંગરક્ષક છું.’

‘ઓહ, તો તમને કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટોએ મોકલ્યા છે. ચાલો, આપણે મારા પિતા વિશે વાત કરીએ.’ હળવાશ અનુભવતાં બેનીડીટ્ટોએ કહ્યું.

‘તો હું કોણ છું?’

‘તમે મારા પાલક પિતા છો. પણ મને એ તો ચોક્કસ ખ્યાલ છે. કે છેલ્લાં થોડા મહિનાઓમાં કંઇ તમે મને હજાર ફ્રાન્ક વાપરવા નહોતા આપ્યા. પેરિસમાં બધા સાથે મારો પરિચય કંઇ તમે કરાવ્યો નથી. અને મારી મુક્તિ માટે કંઇ તમે જામીનગીરી આપવાના નથી. એ તો કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો જ કરશે. મારા સાચા પિતા જ કરશે.’ બેનીડીટ્ટોએ કહ્યું.

‘મજાક ન કર, બેનીડીટ્ટો. કાઉન્ટને સાચા પિતા કહેવાની ફરી હિંમતના કરતો. તારા જેવા દુષ્ટને એના જેવો ઉમદા અને સારો પિતા ન મળે, મુરખ!’

‘આ શબ્દો સારા છે, પણ મને તમારામાં વિશ્વાસ નથી.’

‘તું મારામાં વિશ્વાસ રાખતો થઇ જઇશ જ્યારે તું હું જે કહું છું તે સાંભળીશ ત્યારે,’ બરટુસીઓએ કહ્યું.

‘મારે જાણવું છે મારા પિતા કોણ છે. મને જાણવાનો અધિકાર છે.’

‘તું જાણીશ જ. જો સાંભળ,’ બરટુસીઓએ કહ્યું. ઘણાં વર્ષો પહેલાંની વાતો તેણે કરી. વિલફોર્ટનો પીછો, ખૂનનો પ્રયાસ, પડીકું લઇને નાસી છૂટવું, વિગેરે.

બરટુસીઓએ પડીકામાંથી શું મળ્યું તે જ્યારે બેનીડીટ્ટોએ જાણ્યું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે, તેના સાચા પિતા કોણ છે.

૧૩૦

અનુક્રમણિકા

૪ર : મુકદમો

પેરિસનું ન્યાયાલય માણસોથી ખીચોખીચ ભરાયેલું હતું. લોકો એન્ડ્રીયા કેવેલકન્ટી પર ચાલનાર કેસ સાંભળવા આવેલા.

સરકારી વકીલ શ્રી વિલફોર્ટ દલીલો કરી રહ્યા હતા. તેમણે આરોપીની શરૂઆતની જિંદગી વિશે જણાવ્યું. યુવાનીમાં એ કેવી રીતે ગુનેગાર બન્યો; તેને કેવી રીતે જેલમાં પૂરવામાં આવ્યો. એ જેલમાંથી પછી કેવી રીતે નાસી છૂટ્યો; એ એક શ્રીમંત હોવાનો ઢોંગ કરી પેરિસમાં કેવી રીતે આવ્યો; અને એમ કરવામાં એક રાત્રે એના સાથી કેદી કેડરુસને કેવી રીતે મારી નાંખ્યો; વગેરે વાતો વિગતે કરી. આ બધું કહેવામાં સારો એવો સમય ગયો. અને, એથી જ્યારે વિલફોર્ટે દલીલો પૂરી કરી ત્યારે સૌને લાગ્યું કે એન્ડ્રીયા જરૂર ગુનેગાર પુરવાર થશે. વિલફોર્ટને પોતાને પણ આનંદ થયો હતો. એણે એન્ડ્રીયા સામે સારો કેસ ઉભો કર્યો હતો. હવે તેને બચવાની કોઇ આશા ન હતી.

પણ એન્ડ્રીયા ચિંતિત લાગતો ન હતો. વિલફોર્ટે તેના વિશે જે કંઇ કહ્યું તેનાથી તેને કશું શરમાવાનું ન હતું. તે સરકારી વકીલશ્રી સામે શાંતિથી તાકી રહ્યો. દલીલો પૂરી કરી વિલફોર્ટ બેસી ગયેલ. આથી ન્યાયાધીશે આરોપીને તેનું નામ પૂછ્યું.

‘માફ કરજો, સાહેબ. મારૂં નામ હું આપને થોડી વાર પછી જણાવીશ.’ એન્ડ્રીયાએ વિનંતી કરી.

એથી ન્યાયાધીશને આશ્ચર્ય થયું, કોર્ટમાં આવેલ બધાને આશ્ચર્ય થયું.

ન્યાયાધીશે પૂછ્યું, ‘તમારી ઉંમર? આ જવાબ આપશો ને?’

‘સાહેબ, હું બધા જ જવાબો આપવા તૈયાર છું. ફક્ત એક મારૂં નામ જ પાછળથી જણાવવા વિનંતી કરૂં છું.’

‘તમારી ઉંમર?’ ન્યાયાધીશે ફરી પૂછ્યું.

‘મને બાવીસ થયાં. સપ્ટેમ્બર ૨૭, ૧૮૧૭ની રાત્રે મારો જન્મ થયેલો.’

આ દરમિયાન વિલફોર્ટ કશુંક નોંધતો હતો. તેણે જેવી આ તારીખ સાંભળી કે ઊંચું જોયું.

‘ક્યાં જન્મેલા?’

‘પેરિસ બહાર, ઓટિલમાં.’

અને ફરીથી વિલફોર્ટે માથું ઊંચક્યું. તે એન્ડ્રીયાને જોઇ રહ્યો. રર વર્ષ વહી ગયાં હતાં તો પણ ર૭ મી સપ્ટેમ્બર, ૧૮૧૭ની રાત્રે શું બન્યું હતું તે તેને બરાબર યાદ હતું. તેનું હૃદય ધબકવા લાગ્યું. કશું ખોટું થઇ રહ્યું હતું? તે રાત્રે, બાવીસ વર્ષ પહેલાં, એ જે પડીકું દાટી રહ્યો હતો તે ઝુંટવી લેવાયું હતું. ચોર ક્યારેય પાછો આવ્યો ન હતો. ખૂનનો આરોપ લગાવ્યો ન હતો. અથવા તો મૃત બાળકને છૂપી રીતે દાટી દેવાની ખાનગી રાખવા માટે કોઇ પૈસા માગવા નહોતું આવ્યું. કદાચ બાળક મરી ગયું નહીં હોય તેણે ફરી એન્ડ્રીયા સામે જોયું; એન્ડ્રીયા પોતાના સિલ્કના રૂમાલ વડે તેના હોઠ લૂછી રહ્યો હતો.

ન્યાયધીશ ફરી બોલ્યા : ‘તમારો ધંધો?’

‘પહેલાં હું ધૂતારો હતો. પછી હું ચોર બન્યો, અને થોડા સમય પહેલાં ખૂની.’ એન્ડ્રીયાએ જવાબ આપ્યો.

એના જવાબથી બધા આશ્ચર્યમાં પડી ગયા. વિલફોર્ટ લમણે હાથ દઇ બેઠો.

‘અને હવે, મહેરબાની કરીને, તમે તમારૂં નામ કહેશો? મને એમ લાગે છે કે તમે કોઇ ખાસ કારણસર તમારૂં નામ છુપાવી રહ્યા છો.’ ન્યાયાધીશે કહ્યું.

૧૩૨

વિલફોર્ટ વધુને વધુ નિરાશ થતો ગયો. ટેબલ પર કાગળિયાં ઠીક કરતાં તેના હાથ ધ્રુજતા હતા.

‘તો પછી તમારા પિતાનું નામ આપો.’ ન્યાયાધીશે કહ્યું.

ન્યાયાલય શાંત હતું, બધા જ સાંભળતા હતા.

‘મારા પિતા સરકારી વકીલશ્રી છે,’ ઠંડકથી એન્ડ્રીયાએ કહ્યું.

‘સરકારી વકીલશ્રી?’ ન્યાયાધીશે ખાત્રી કરી. તેમણે સરકારી વકીલ વિલફોર્ટ તરફ જોયું; તેના ચહેરા પર ગ્લાની છવાયેલી હતી.

‘હા. અને જો આપને તેમનું નામ જાણવું હોય તો હું તે બતાવવા રાજી છું. તેમનું નામ વિલફોર્ટ છે.’

અનુક્રમણિકા

૪૩ : વિલફોર્ટનું પતન

જ્યારે એન્ડ્રીયાએ તેના પિતાનું નામ આપ્યું ત્યારે ન્યાયાલયમાં હોહા થઇ ગઇ.

ન્યાયાધીશ પણ તાડૂકી ઉઠ્યા, ‘આવું કહીને તમે ન્યાયાલયનું અપમાન કરી રહ્યા છો?’

‘હું ન્યાયાલયનું અપમાન કરવાની હિંમત ના કરી શકું. હું ફરી કહું છું મારા પિતાનું નામ વિલફોર્ટ છે, અને તે પૂરવાર કરવા હું તૈયાર છું. તે રાત્રે જ્યારે ર૮ રુ દે લા ફોન્ટેન ખાતે જન્મ્યો ત્યારે મારા પિતાએ મારી માતાને જણાવ્યું કે, હું મૃત્યું પામેલો. પછી તેમણે મને એક કપડામાં વિંટ્યો, અને તેમના બગીચામાં મને દાટ્યો. તે કાપડ પર ‘એચ’ અને ‘એન’ ભરેલા હતા. એ સમયે બાગમાં કોઇ સંતાયેલ; તેણે મારા પિતાને મને દાટતો જોયા. તેણે મને બહાર કાઢ્યો, એમ માનીને કે મારા પિતાએ બાગમાં કોઇક ખજાનો દાટ્યો છે. પણ જ્યારે તેણે પડીકું ખોલ્યું તો તેમાં હું હતો. અને તેણે જોયું તો હું જીવતો હતો! તે મને તેના ઘેર ક્યાંક દક્ષિણમાં લઇ ગયો અને તે મારો પિતા બન્યો. તેણે મને એક સારા બાળક તરીકે ઉછેરવા પ્રયત્ન કર્યો પણ તેનો કોઇ અર્થ ન હતો. હું જેમ જેમ મોટો થતો ગયો, તેમ જુઠ્ઠું જ બોલતો ગયો મેં ચોરી કરી. મેં તેને જ લૂંટી લીધો. અને તેના ઘરેથી ભાગી નીકળ્યો.’

‘આના પુરાવા ક્યાં છે?’ ન્યાયાધીશે પૂછ્યું.

એન્ડ્રીયા હસ્યો. ‘સાહેબ, આપને પૂરાવા જોઇતા હોય તો વિલફોર્ટ સામું જ જુઓને. પછી આપ મને કહો તમારે કોઇ પુરાવાની જરૂર રહે છે?’

બધાએ સરકારી વકીલ સામું જોયું. તે માથું હાથમાં નાખી બેઠેલો. તેના વાળમાં તેની આંગળીઓ ખૂંપી ગઇ હતી.

‘પિતાજી! મને પૂરાવા આપવાનું કહેવામાં આવે છે. શું હું આપું?’ એન્ડ્રીયાએ વિલફોર્ટે પૂછ્યું.

૧૩૪

‘ના. ના. એ બધું નકામું છે.’ વિલફોર્ટ બબડ્યો. ‘શું નકામું છે?’ ન્યાયધીશે પૂછ્યું. ‘તમે શું કહેવા માંગો છો?’ ‘એ જે કહે છે તે સત્ય છે.’ લથડાતાં લથડાતાં બારણા તરફ જતાં

વિલફોર્ટે કહ્યું. કોઇ ભયાનક સ્વપ્ન જોઇ તે ગભરાયેલ માણસ નાસે તેમ વિલફોર્ટ ન્યાયાલયમાંથી નાઠો. ન્યાયધીશે કહ્યું, ‘મુકદ્દમો મુલતવી રાખવામાં આવે છે. આપણે ફરી મુકદ્દમો જોઇશું અને ફરીથી તે ચલાવીશું.’ એન્ડ્રીયાને બે પોલિસવાળા લઇ ગયા. વિલફોર્ટ ઘરે પહોંચ્યો. તેની પાછળ પાછળ કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો ગયો. ‘મારા આ દુઃખના સમયમાં તમે કેમ આવ્યા છો,’ કાઉન્ટને જોઇ વિલફોર્ટે પૂછ્યું. ‘એ તને કહેવા કે, અત્યારે જેમ હું તને માફ કરી દઉં છું તેમ પ્રભુ તને માફ કરી દે એવી પ્રાર્થના કર!’ ‘તમે મને માફ કરો છો? મેં તો તમને કશું કર્યું નથી. શાથી?’ વિલફોર્ટે પૂછ્યું.

‘તે કર્યું છે, ત્રેવીસ વર્ષ પહેલાંનું વિચાર. તે મને કમોતે માર્યો, ધીમે ધીમે માર્યો. મારા પિતાનું મૃત્યું તારા લીધે થયું. તે મારૂં જીવન, પ્રેમ અને સુખ લઇ લીધું.’

‘આ સાચું નથી. તમે કોણ છો?’

‘હું એ કંગાળનું ભૂત છું જેને તમે શટો દ’ઇફમાં દાટી દીધેલ. પછી જ્યારે કોટડીઓમાંથી હું બહાર આવ્યો ત્યારે પ્રભુએ મને સંપત્તિ આપી, હું કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો બન્યો, અને તેથી તું મને આજ સુધી ઓળખી ના શક્યો.’ કાઉન્ટે કહ્યું.

‘ઓહ, હવે તમને ઓળખ્યા. તમે...’

‘હું, એડમન્ડ દાન્તે!’

એક ચીસ પાડતો વિલફોર્ટ તેના ઘરમાંથી બહાર નાસી ગયો.

એક કલાક પછી, તેના નવજાત શીશુંનું ખૂન કરવાના આરોપસર બે પોલિસવાળા તેને પકડવા આવ્યા ત્યારે તે ગાંડા માણસની જેમ તેનો બાગ ખોદી રહ્યો હતો. વિલફોર્ટે પોલીસ્વાળાઓને જણાવ્યું કે, તે તેના દીકરાની તપાસ કરી રહ્યો હતો.

પોલિસ વિલફોર્ટને જેલમાં લઇ ગઇ. તેના પર મુકદ્દમો ચાલવાનો હતો. પણ તેના માટે કોઇ મુકદ્દમો ચલાવવાનો ન હતો. તે ગાંડો થઇ ગયો હતો. તેને ગાંડાઓની સાથે રાખવામાં આવ્યો. ત્યાં જ તેણે જીંદગી પુરી કરી.

૧૩૬

અનુક્રમણિકા

૪૪ : ડેન્ગલર્સ રોમમાં...

બેરન ડેન્ગલર્સ એકલો પડી ગયો. એના બધા પૈસા ખલાસ થઇ ગયા. કોઇ પૈસાદાર જમાઇ હવે તેની દીકરી માટે રહ્યો ન હતો. હકીકતમાં તેને દીકરી જ રહી ન હતી. જ્યારે એન્ડ્રીયા કેવેલકન્ટીની ધરપકડ કરાઇ ત્યારે મેડમ ડેન્ગલર્સ અને યુજીને નક્કી કર્યું કે, બેરન ડેન્ગલર્સથી તેઓ ધરાઇ ગયાં હતાં અને તેઓ તેને છોડી મિત્રો સાથે રહેવા ચાલ્યાં ગયાં. તે તેની ઓફિસમાં એકલો બેઠો હતો તેના હિસાબ તપાસતો હતો. એણે તો તેના બધા જ પૈસા ગુમાવી દીધા હતા તો પણ તેની પાસે પૈસા હતા, બીજાઓના પૈસા હતા. કારણ કે તે બેન્કર હતો. તેની પાસે લગભગ પચાસ લાખ ફ્રાન્ક હતા. તે પૈસા એક હોસ્પિટલના હતા. હોસ્પિટલ તેના પૈસા પરત લેવાની હતી કારણ કે હોસ્પિટલનું નવું મોટું મકાન તૈયાર થઇ રહ્યું હતું. આ પૈસા પડાવી લઇ ઇટાલી નાસી જવાનું ડેન્ગલર્સે વિચાર્યું. ત્યાં તે નવી જીંદગી શરૂ કરશે; અને હોસ્પિટલના પૈસાથી તે નવો ધંધો પણ શરૂ કરી શકશે. એ તુરન્ત પૈસાદાર થઇ જઇ શકશે.

* * * * *

આવું વિચાર્યાના થોડા દિવસો બાદ તે ઇટાલી પહોંચ્યો. તે રોમ ગયો અને ત્યાં એક હોટલમાં ઉતર્યો. તેણે એક સરસ રૂમ ભાડે રાખ્યો, સારૂં ખાવાનું ખાધું અને પછી સૂઇ ગયો. તેને સારી ઊંઘ આવી. તે ખુશ હતો કારણ કે તેની પાસે પુષ્કળ પૈસા હતા. આવતી કાલે તે રોમમાં પાછો ફરશે અને પછી તે તેના નવા વ્યવસાય વિશે વિચારશે.

બીજો દિવસ સૂર્યપ્રકાશવાળો હતો. હરવા-ફરવા માટે સરસ દિવસ હતો. બેરને ગાડી મંગાવી. ગાડી આવી એટલે તેણે ચોરેલા બધા પૈસા તેના પાકીટમાં મૂક્યા અને પાકીટ તેના ઓવરકોટની અંદરના ખિસ્સામાં મૂક્યું અને પછી તે ઘોડાગાડીમાં બેસવા ગયો. રોમમાં આમતેમ ફરવામાં જ તેણે સવાર પસાર કરી.

જો કે તે ઇટાલીઅન બોલી શકતો ન હતો, પરન્તુ તેણે ગબડાવે રાખ્યું. એને માત્ર થોડા સંગીતના શબ્દો આવડતા હતા અને ગાડીના હાંકનારને સૂચાઓ આપવા તે તેનો ઉપયોગ કરતો. બપોરે તે પાછો હોટલે આવ્યો, અને સારૂં ખાવાનું ખાધું. પોતાના ઓશીકા નીચે પૈસાનું પાકીટ બરાબર સંતાડી તે ઘસઘસાટ ઊંઘી પણ ગયો. જ્યારે તે જાગ્યો ત્યારે દિવસ ચઢી ગયો હતો. તે તૈયાર થયો, પૈસા લીધા અને નીચે ગયો. હોટલના દરવાજે એક ભોમિયો હતો જેણે તેને સવારે બહાર જતો જોયેલો.

ભોમિયાએ કહ્યું, ‘નામદાર, જ્યારે આજે સવારે આપે અમારૂં શહેર જોયું તો હવે આપ રોમનાં ખંડેરો પણ જુઓ.’

ડેન્ગલર્સને કોઇ ‘નામદાર’ કહે તે બહુ ગમતું. ભોમિયાએ તેને ‘નામદાર’ કહ્યો તેથી તે બહુ ખુશ થયો. તેણે ભોમિયાને દક્ષિણા આપી; અને તે ભોમિયો તો આવી દક્ષિણા મળે તો વારંવાર ‘નામદાર’ કહેવા તૈયાર જ હતો!

‘હા, મને ખંડેરો જોવાનાં ગમશે. પણ પ્રથમ મારે બેન્કમાં જઉં છે. અહીં કોઇ ગાડી છે?’ બેરને કહ્યું.

‘અહીં જ એક ગાડીવાળો છે, નામદાર. એને જ લઇ લો.’ ભોમિયાએ કહ્યું.

ડેન્ગલર્સ ઘોડાગાડીમાં બેઠો અને બેન્કે ગયો. ત્યાં તેણે ખાતું ખોલાવ્યું અને મોટાભાગના પૈસા તેમાં મૂકી દીધા. બેન્કમાંથી તેને ચેકબુક મળી.

રોમનાં ખંડેરો જોવા હવે ડેન્ગલર્સ તૈયાર હતો. ગાડી ઝડપથી હંકારાઇ. એ લોકો રોમ છોડી ગયા અને ગ્રામ વિસ્તારમાં જવા લાગ્યા. ડેન્ગલર્સે જોયું તો અંધારૂં થતું જતું હતું. એને થયું, એ હોટેલમાં વધુ પડતું ઊંઘી ગયો. તેણે ગાડીવાળાને પૂછ્યું, ‘ખંડેરોમાં પહોંચતાં કેટલી વાર થશે?’

૧૩૮

ઘોડાગાડીવાળો માત્ર ઇટાલીઅન જાણતો હતો, તેથી તેણે તે ભાષામાં જણાવ્યું, ‘મને ખબર નથી.’

થોડીવાર પછી ગાડી ઊભી રહી.

ડેન્ગલર્સે એમ માન્યું. કે કોઇ ખંડેર આવ્યું લાગે છે. તેથી તેણે ગાડીમાંથી બહાર નીકળવા બારણું ઉઘાડ્યું. એક મજબૂત માણસે તેને ધક્કો માર્યો અને બારણું બંધ કરી દીધું. ગાડી ચાલવા માંડી. ડેન્ગલર્સને આશ્ચર્ય થયું.

ડેન્ગલર્સે ગાડીવાળાને બોલાવ્યો, પણ તેણે કોઇ જવાબ ન આપ્યો. ડેન્ગલર્સે બારી બહાર જોયું. એણે જોયું તો એક ઘોડેસવાર ગાડીની સાથે સાથે ચાલતો હતો. ‘અરે, આ તો પોલિસ છે! તેણે વિચાર્યું, મારી ધરપકડ કરવા ફ્રેન્ચ પોલિસે કદાચ ઇટાલીમાં ખબર આપી હોય. ડેન્ગલર્સે બીજી બાજુ જોયું. તે બાજુ પણ એક ઘોડેસવાર હતો.’

‘ઓહ વહાલા! મારી ધરપકડ થઇ ગઇ. મારું એ લોકો શું કરશે? મને ફ્રાન્સ પાછો મોકલી દેશે?’

અનુક્રમણિકા

૪પ : રોમન બહારવટિયા

બેરન ડેન્ગલર્સ ઘોડાગાડીમાં જ બેઠો રહ્યો અને વિચારવા માંડ્યો. એકાએક તેની નજર ઘોડાગાડીમાંથી બહાર પડી. તેણે જોયું તો તેને કંઇ રોમ પાછો લઇ જવાતો ન હતો. ઘોડાગાડી તો કોઇક ગુફાઓ તરફ આગળ વધી રહી હતી.

‘ઓ ભગવાન’ બેરન ડેન્ગલર્સ મનોમનન બબડ્યો. એનું મન શંકાકુશંકાઓ કરવા લાગ્યું. એને થયું ‘આ લોકો જો...’ એ વિચાર આવતાં જ તેનાં રૂવાડાં ઊભાં થઇ ગયાં. આલ્બર્ટ મોરસર્ફને રોમના બહારવટિયાઓ ઉઠાવી ગયેલા તે બધી વાતો યાદ આવી. એ બધી વાતો રસપ્રદ હતી, પણ કોઇ પેરિસમાં માનવા તૈયાર ન હતું.

‘કદાચ તેઓ લૂંટનારા હશે,’ તે બબડ્યો.

તે જ સમયે ઘોડાગાડીની જમણી બાજુએ ચાલનાર અસ્વારે કશુંક કહ્યું અને ઘોડાગાડી ઊભી રહી. એ જ ક્ષણે ડાબી બાજુનું બારણું ખૂલ્યું.

‘નીચે ઊતર,’ એક જણે આદેશ આપ્યો.

ડેન્ગલર્સ ઝડપથી નીચે ઉતર્યો. જો કે તે ઇટાલીઅન બોલી શકતો ન હતો, પણ સમજી તો જરૂર શકતો હતો. પેલા લોકોની સૂચનાઓ મુજબ તેણે ચાલવા માંડ્યું. અનેક ભૂગર્ભ રસ્તાઓમાંથી પસાર થતા થતા તેઓ જવા માંડ્યા. તે બહારવટિયાઓના હાથમાં હતો. થોડા સમય પછી એક સાંકડો રસ્તો આવ્યો. આ રસ્તાના અંતે એક મોટી ગુફા આવતી હતી. ગુફાના દરવાજે એક સંત્રીએ તેમને રોક્યા, પરન્તુ બહારવટિયાઓની ઓળખાણ પડતાં તેણે જવા દીધા.

બેરન ડેન્ગલર્સને બહારવટિયાઓના સરદાર પાસે લઇ જવામાં આવ્યો. તે ચોપડી વાંચતો હતો.

‘આ એ જ માણસ છે?’ સરદારે પૂછ્યું.

‘હા, સરદાર.’ ડેન્ગલર્સને લાવનારાઓમાંના એકે જવાબ આપ્યો.

૧૪૦

‘મને જવા દો.’

એ સાથે એક રક્ષકે ધગધગતી મશાલ બેરન ડેન્ગલર્સના મુખ આગળ ધરી, કે જેથી સરદાર તેનો ચહેરો બરાબર જોઇ શકે. રક્ષકે મશાલ એટલી નજીક ધરી હતી કે પોતાની ભ્રમરો બચાવવા ડેન્ગલર્સ પાછો હટી ગયો. તે ગભરઇ ગયો હતો.

‘તે થાકી ગયેલ લાગે છે. એને સૂવા લઇ જાવ,’ સરદારે આદેશ આપ્યો.

એ સાંભળી ડેન્ગલર્સે વિચાર્યું, ‘ઓહ! આ લોકો મને મારી નાખવા જ લઇ જશે. મારી ‘પથારી’ એ મારી કબર જ હશે.’

એને લઇ જવામાં આવ્યો. પાછા એવા જ ભૂગર્ભ રસ્તાઓ અને સીધા દાદરાઓ. એક નાનું બારણું એના પ્રવેશ માટે ખૂલ્યું, અને ગુફાના પથ્થરને કોરીને બનાવેલ એક કોટડીમાં તેને ધકેલવામાં આવ્યો. એને આશ્ચર્ય થયું, કારણ કે તે કોટડીમાં ખરેખર ઘાસની અને ચામડાની બનાવેલી એક પથારી એક ખૂણામાં હતી. તેને સુવાનું જ હતું. તેને મારી નાખવાનો ન હતો. બારણું બંધ કરી દેવાયું, અને આગળો વસાયો. ડેન્ગલર્સ કેદી બની ગયો.

એને આલ્બર્ટ મોરસર્ફની વાતો યાદ આવવા માંડી. એને ખાત્રી થઇ ગઇ કે, તે બહારવટિયાઓના હાથમાં જ પકડાયો છે. આલ્બર્ટે બહારવટિયાઓના સરદારનું જે વર્ણન કર્યું હતું. તેના જેવો જ આ સરદાર પણ હતો. એને એક વાતનો આનંદ થયો કે, તેને મારી નાખવાના ન હતા. એને એ પણ યાદ આવ્યું કે, આલ્બર્ટની મુક્તિ માટે આ બહારવટિયાઓએ કંઇક ચાર હજાર પીઆસ્ટ્રી માગેલા. એને થયું, જો આ લોકો તેનાથી બમણા માગે તો પણ તે આપવા તૈયાર છે. તેની પાસે તો પચાસ લાખ ફ્રાન્ક હતા. એથી તો જરૂરીથી મુક્તિ મેળવી શકશે. આવું વિચારી ડેન્ગલર્સ પેલી પથારીમાં સૂઇ ગયો.

અનુક્રમણિકા

૪૬ : ડેન્ગલર્સ ભોજન મંગાવે છે

ડેન્ગલર્સ સારૂં એવું ઉંઘ્યો. તે જાગ્યો. તેને ખ્યાલ ન આવ્યો છે, તે ક્યાં છે. પછી તેને યાદ આવ્યું. ‘હા, હું એ બહારવટિયાઓના હાથમાં છું જેમણે આલ્બર્ટ મોરસર્ફને પકડેલ. આ લોકોએ હજુ મને ઘાયલ કર્યો નથી, માર્યો નથી. પણ કદાચ તેઓએ મને લૂંટી લીધો છે.’ એણે એના હાથ ખિસ્સામાં નાખ્યા. એની પાસેના પૈસા હજુ યથાવત હતા.

‘કેવા વિચિત્ર બહારવટિયાઓ છે! મારા ઘડિયાળ અને પૈસાને હજુ અડ્યા નથી! મને લાગે છે, તેઓ નજીકના ભવિષ્યમાં જ મારા મુક્તિ માટે રકમની માંગણી કરશે.’ આમ વિચારતાં બેરને ઘડિયાળ સામે જોયું. સવારના છ વાગ્યા હતા. બહારવટિયાઓની માગણીની જ તેને રાહ જોવાની હતી. તે બેસી રહ્યો.

બાર વાગે, તેના દરવાજા પાસેનો રક્ષક ચાલ્યો ગયો અને તેના સ્થાને બીજો આવ્યો. તે બેઠો. ડેન્ગલર્સ પોતાની કોટડીના બારણાના એક નાનકડા કાણામાંથી બધું જોઇ શકતો હતો.

નવા રક્ષકે ખાવા માંડ્યું. એનો ખોરાક જોઇ બેરનને થયું, આ લોકો આવું કેવી રીતે ખાતા હશે. પણ જેમ જેમ તે રક્ષકને ખાતો જોતો ગયો તેમ તેમ તેની ભૂખ ઉઘડતી ગઇ.

‘અહીં આવ જો,’ બેરને રક્ષકને બોલાવ્યો. ‘ભાઇ, ખાવાનો સમય થઇ ગયો છે. કોઇકે મને આપવું જોઇએ.’

રક્ષકે એની વાત પર ધ્યાન ન આપ્યું.

સાંજના ચાર વાગ્યે બીજો રક્ષક ફરજ પર આવ્યો. એ પણ એની સાથે ખોરાક લાવેલો તેની પાસે દ્રાક્ષની છાબડી, વાઇનની બોટલ પણ હતી. એ જોઇ બેરનના મોંમાં પાણી આવી ગયું.

તેણે બારણે ટકોરા માર્યા. એટલે પેલો રક્ષક ત્યાં આવ્યો. આ તો પેલો જ માણસ હતો જેણે બેરનને ઉદ્ધતાઇપૂર્વક ઘોડાગાડીમાં બેસી રહેવા કહેલું. બેરનને થયું, આવી બાબતો વિચારી અત્યારે ઝઘડો થાય તેમ નથી.

૧૪૨

હસતાં હસતાં અને પૂરા વિનયપૂર્વક બેરને તેને પૂછ્યું, ‘માફ કરજો, પણ મને તેઓ કશું ખાવાનું આપવાના નથી?’

‘શું, આપ નામદારને ભૂખ લાગે છે?’ પેલાએ પૂછ્યું.

‘ભૂખ લાગે છે! ભલા મેં છેલ્લા ચોવીસ કલાકથી ખાધું નથી, અને આ પૂછે છે ભૂખ લાગે છે.’ તે બબડ્યો. પછી તેણે કહ્યું, ‘હા મને ભૂખ લાગી છે.’

‘અને, આપ નામદારને ખાવા જોઇશે?’

‘હા અને ઝડપથી, જો શક્ય હોય તો.’

‘ચોક્કસ, નામદાર. આપને જે જોઇએ તે મળશે, ફક્ત આપને તેની

કિંમત ચૂકવવાની રહેશે. બધા પ્રામાણિક માણસોનો એ રિવાજ છે.’ ‘અલબત, પણ જે તમને પકડે અને તમને કેદ કરે તેને તો તમારે

ખવડાવવો જોઇએ ને?’ ડેન્ગલર્સે કહ્યું.

‘ઓહ, નામદાર, પણ એ રિવાજ અહીં નથી.’

‘એ કંઇ જવાબ નથી. એ જે હોય તે, મને થોડું ખાવાનું લાવી

આપો.’ બેરને જણાવ્યું.

‘આપને શું જોઇશે? માત્ર ઓર્ડર આપો.’

‘અહીં રસોડું અને રસોઇયા છે?’

‘હા ઘણા સારા છે.’

‘આ તો પેરિસમાં હોઇએ તેવું લાગે છે.’ બેરન બબડ્યો. ‘તો પછી

મને ‘રોસ્ટ ચિકન’ આપો.’

રક્ષક પાછો ફર્યો અને બૂમ પાડી, ‘નામદાર માટે એક ‘રોસ્ટ ચિકન.’’

એક જ મિનિટમાં એક યુવાન માણસ ચાંદીની થાળીમાં ‘રોસ્ટ ચીકન’ લઇ આવ્યો.

૧૪૩

‘લો, નામદાર.’ કોટડીના ટેબલ પર થાળી મૂકતાં રક્ષકે કહ્યું. ‘ચપ્પુ અને કાંટો?’ ‘આ રહ્યા, નામદાર.’ રક્ષકે આપ્યા. ડેન્ગલર્સે એક હાથમાં ચપ્પુ અને બીજા હાથમાં કાંટો લીધો અને

ચીકનને કાપવા જ જતો હતો ત્યાં...

‘માફ કરજો, નામદાર. અહીં લોકો જમતાં પહેલાં પૈસા આપે છે. નહીં તો પછી આપવાની ના પાડી દે,’ રક્ષકે કહ્યું.

‘ઓહ.આ કંઇ પેરિસ જેવું નથી. પણ હું એમને આપી દઇશ. ચિકન કંઇ બહું મોંઘી નહીં હોય અહીં!’ ડેન્ગલર્સે વિચાર્યું. એણે રક્ષકને એક પીઆસ્ટ્રી આપી, એમ માનીને કે તેનાથી તો રોમમાં પૂરી સો મરઘી ખરીદી શકાય! રક્ષકે તે પીઆસ્ટ્રી લઇ લીધી. એટલે બેરન ડેન્ગલર્સે ફરીથી છરી-કાંટા હાથમાં લીધા અને મરઘી કાપવા તૈયારી કરી.

‘એક મિનિટ, નામદાર. આપે હજુ કશું આપવાનું બાકી રહે છે.’

તેણે કહ્યું.

‘મારે આપવાનું બાકી રહે છે?’ આશ્ચર્ય સાથે બેરને પૂછ્યું.

‘આપ નામદારે હજુ મને એક જ પીઆસ્ટ્રી આપી છે.’

‘એક જ પીઆસ્ટ્રી! શું તે પૂરતી નથી?’ બેરને પૂછ્યું.

‘ઓહ, ના. નામદાર, આપે હજુ ૧૬,૬૬૬ પીઆસ્ટ્રી આપવાની

બાકી રહે છે.’

આ સાંભળી બેરનની આંખો ચાર થઇ ગઇ. તેને લાગ્યું રક્ષક ગમ્મત કરે છે. ‘મજાની વાત કરી’, એમ ફરી પાછો બેરન ખાવાની તૈયારી કરવા લાગ્યો. તુરન્ત રક્ષકે તેનું કાંડુ પકડ્યું અને બીજો હાથ પૈસા

લેવા ધર્યો. ‘ચાલ, આપી દે...’ તેણે કહ્યું.

‘અરે તું ગમ્મત તો નથી કરતો ને?’ બેરને કહ્યું.

‘નામદાર, અમે કદાપિ ગમ્મત કરતા નથી.’ રક્ષકે જવાબ આપ્યો.

૧૪૪

અનુક્રમણિકા

૪૭ : મેનુ

પોતાનું કાંડુ પકડી રાખનાર રક્ષક તરફ ડન્ગલર્સે આશ્ચર્યથી જોયું. તે બોલ્યો, ‘શું? એક ચિકનના એકસો હજાર ફ્રાન્ક?’

‘નામદાર, આપને એ ખ્યાલ નહીં આવે કે અહીં ગુફાઓમાં મરઘી ઉછેરતાં કેટલી તકલીફ પડે છે.’ રક્ષકે કહ્યું.

‘ચાલ હવે, એ બધી ગમ્મત છે. - હું સંમત છું, પણ હું ખૂબ ભૂખ્યો છું. માટે મને ખાવા દે તો પણ, આ બીજી પીઆસ્ટ્રી તને આપું છું.’ બેરને કહ્યું.

‘એ સાથે હવે ૧૬,૬૬૫ બાકી રહે છે. મારે તે બધી સમયસર જોઇએ.’ રક્ષકે શાંતિથી કહ્યું.

ડેન્ગલર્સ ગુસ્સે થઇ ગયો. તેણે બૂમ પાડી. ‘જો તું એમ માનતો હોય તો તું હજુ મને ઓળખતો નથી. તને એ પૈસા મારી પાસેથી નહીં મળે.’

રક્ષકે નિશાની કરી, અને જે માણસ ચિકન લાવ્યો હતો તે જ માણસ તે પાછી લઇ ગયો. ડેન્ગલર્સ પાછો તેની પથારીમાં સૂઇ ગયો. અને રક્ષક ખાવા બેઠો. ડેન્ગલર્સને તેની સુગંધ આવતી હતી. તેને વધુને વધુ ભૂખ લાગવા માંડી. તેણે અડધોઅક કલાક રાહ જોઇ, જે તે સો વર્ષ જેટલો સમય લાગ્યો. તે ઊભો થયો અને બારણા પાસે ગયો.

‘ચાલ ભાઇ, તું મને ભૂખે ના માર. મને એ કહે તે લોકોને મારી પાસેથી શું જોઇએ છે’ બેરને કહ્યું.

‘કશું જ નહીં, નામદાર. તમારે શું જોઇએ છે તે કહો. તમે અમને આદેશ આપો, અમે તેનું પાલન કરીશું.’

૧૪૫

‘તો પછી મને કશુંક ખાવાનું આપો, ઝડપથી. મારે ખાવું છે, તમે સાંભળો છો?’

‘આપ નામદાર શું લેશો?’

‘સૂકી બ્રેડનો ટૂકડો, કારણકે આ ભયજનક સ્થળે તો ચિકનના ભાવ આસમાને ગયા છે.’

જ્યારે બ્રેડ આવી, ત્યારે બેરન ડેન્ગલર્સે પૂછ્યું, ‘આની શું કિંમત છે?’

‘માત્ર, ૧૬,૬૬૫ પીઆસ્ટ્રી. તમે બે પીઆસ્ટ્રી તો અગાઉથી આપી જ દીધી છે.’

‘શું? આ એક ટુકડાના એક લાખ ફ્રાન્ક’

‘જી હા.’

‘પણ એ તો તમે ચિકન માટે પણ માગતા હતા.’

‘અમે વસ્તુ પ્રમાણે ભાવ રાખતા નથી. અમે બાંધેલ ભાવે જ આપીએ છીએ. તમે ખૂબ ખાવ કે થોડું ખાવ, તમે એક ડીશ ખાવ કે દશ ડીશ આવ એની અમને કશી ચિંતા નથી. એનો કશો ફરક પડતો નથી. ભાવ સરખા જ રહે છે.’

‘શું! હજુ પણ તું ગમ્મત કરે છે? મારા વ્હાલા, આ તો મૂર્ખામી કહેવાય. તમે એમ જ કહોને કે મને ભૂખે મારવા માંગો છો.’ બેરને કહ્યું.

‘ના, નામદાર. અમારી ઇચ્છા એવી નથી. આપ કિંમત ચૂકવો અને જમો.’

૧૪૬

‘અરે મૂર્ખ, હું શી રીતે ચૂકવું? તું એમ માનું છું કે હું ખિસ્સામાં લાખ ફ્રાન્ક લઇ ફરું છું?’ બેરને ખિજાઇને કહ્યું.

‘નામદાર, આપના ખિસ્સામાં ચેકબુક છે અને બેન્કમાં પચાસ લાખ ફ્રાન્ક છે. પચાસ ચિકનની કિંમત તરીકે એટલા પૂરતા છે.’ રક્ષકે કહ્યું.

ડેન્ગલર્સ હવે સમજ્યો. તેને થયું, રક્ષક ગમ્મત નથી કરતો પણ તેના છુટકારાની કિંમત આ રીતે માગી રહ્યો છે.

‘જો હું એ રકમ આપું તો તું મને શાંતિથી ખાવા દઇશ?’ બેરને પૂછ્યું.

‘ચોક્કસ’

ડેન્ગલર્સે આપવાનું નક્કી કર્યું. તેણે ચેકબુક કાઢી, અને પેન અને શાહી માગી. જ્યારે તેને શાહી અને પેન આપવામાં આવી ત્યારે તેણે ૧,૬૬૫ પીઆસ્ટ્રીનો ચેક લખ્યો.

‘આ લો,’ ચેક આપતાં તેણે રક્ષકને કહ્યું.

‘અને આ આપની ચિકન,’ રક્ષકે થાળી આપતાં કહ્યું.

ચિકન કાપતાં ડેન્ગલર્સે મણનો નિઃસાસો નાંખ્યો. એની કિંમતના પ્રમાણમાં તે ઘણી તુચ્છ લાગતી હતી.

ત્યારે રક્ષકે ચેકને ધ્યાનથી જોયો, પોતાના ખિસ્સામાં મૂક્યો અને પછી ખાવા માંડ્યો.

અનુક્રમણિકા

૪૮ : ભૂખે મરતો માણસ

બીજા દિવસની બપોર સુધીમાં તો ડેન્ગલર્સ ફરી ભૂખ્યો થઇ ગયો. એને ફરી પૈસા ન ખર્ચવા પડે માટે તેણે અડધી ચિકન અને બ્રેડનો ટૂકડો સંતાડી રાખેલો એ એણે ખાધું; એટલે તેને તરસ લાગી. તરસ વિષે તો તેણે વિચાર્યું જ ન હતું. એણે ચલાવી લેવા પ્રયત્ન કર્યો, પણ ન ચાલ્યું એટલે તેણે રક્ષકને બોલાવ્યો અને પીણા માટે માંગણી કરી. રક્ષકે કહ્યું, પચીસ હજાર ફ્રાન્ક આપો તો પાણીનો જગ આપું.

‘તમે એમ કેમ નથી કહેતા કે, તમારે મારા બધા પૈસા લઇ લેવા છે? જો તેમ જ હોય તો તમે એક સામટા કેમ નથી લઇ લેતા?’ બેરને પૂછ્યું.

‘એમ બને કે અમારા સરદાર તમારા બધા પૈસા લઇ લેવા માગતા હોય. એ શું ઇચ્છે છે તેની મને ખબર નથી.’ રક્ષકે જવાબ આપ્યો.

‘તમારો સરદાર કોણ છે?’

‘તમે જ્યારે અહીં પ્રથમ વખત આવ્યા અને જેમને જોયા તે.’

‘મારે એને મળવું છે.’

‘ચોક્કસ.’ રક્ષકે કહ્યું.

તુરન્ત સરદાર હાજર થયો.

‘મને મુક્ત કરવાની કેટલી રકમ જોઇએ છે?’ બેરને પૂછ્યું.

‘તમારા પચાસ લાખ ફ્રાન્ક.’

ડેન્ગલર્સના હૃદયમાં દુઃખવા માંડ્યું. ‘પણ મારી બધી સંપત્તિમાંથી હવે તેટલા જ બાકી રહ્યા છે. જો તમારે એ લઇ લેવા હોય તો, મારી જીંદગી પણ લઇ લો.’

૧૪૮

‘અમને મારી નાખવાની મંજૂરી નથી.’ ‘તમને કોણ રોકે છે?’ ‘અમારા સરદાર’ ‘પણ મને તો એમ કે તમે જ સરદાર છો.’ ‘હા, હું આ લોકોનો સરદાર છું. પણ મારો પણ કોઇ સરદાર છે.’ ડેન્ગલર્સ વિચારમાં પડી ગયો. પછી તેણે પૂછ્યું, ‘પણ તમારો

સરદાર આમ કેમ કરે છે?’

‘મને ખબર નથી.’

‘તે મારી પાસે છે તે બધું લઇ લેશે.’

‘શક્ય છે.’

‘ચાલ, હું તને દશ લાખ આપીશ.’

‘ના.’

‘વીસ લાખ? ત્રીસ? ચાલીસ? જો તું મને જવા દઉં તો હું તને

ચાલીસ લાખ ફ્રાન્ક આપું.’ બેરને કહ્યું.

‘જેની કિંમત પચાસ લાખ છે તેના તમે ચાલીસ શા માટે આપો છો? શા માટે તમે સોદો કરવા પ્રયત્ન કરો છો?’

‘તો પછી, હું તારી વાત નહીં માનું. તું મને મારી નાખીશ તો પણ હવે હું એક પણ ચેક પર સહી નહીં કરૂં.’

‘જેવી તામરી ઇચ્છા, નામદાર.’ એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો.

૧૪૯

ડેન્ગલર્સની પ્રતિજ્ઞા બે દિવસ ચાલી. એ પછી તેણે થોડુંક ખાવાનું લેવા દશ લાખ ફ્રાન્ક આપવાનું જણાવ્યું. બહારવટીયાઓએ અદ્‌ભૂત ખાવાનું આપ્યું અને દશ લાખ ફ્રાન્ક લઇ લીધા.

બાર દિવસના અંતે ડેન્ગલર્સે તેના હિસાબ કર્યા તો તેને ખબર પડી કે હવે તેની પાસે માત્ર પચાસ હજાર ફ્રાન્ક જ બચેલા. આ પચાસ હજાર ફ્રાન્ક ગુમાવવાનું તેને પાલવે તેમ ન હતું. ફરી તેણે નક્કી કર્યું કે, હવે ચેક પર સહી નહીં કરે. તેણે ભૂખ્યા રહેવા માંડ્યું. તે ગાંડો બની ગયો. તેને એવાં સપનાં આવવાં માંડ્યાં કે, કોઇ વૃદ્ધ ગરીબ માણસ પથારીમાં પડેલો અને ભૂખે મરતો હતો.

આ પ્રમાણે તે પાંચ દિવસ ભૂખ્યો રહ્યો. ફરી તેણે રક્ષક પાસે ખાવાનું માંગ્યું. એક બ્રેડના ટૂકડા માટે તેણે એક હજાર ફ્રાન્ક આપવાનું કહ્યું. પણ રક્ષકે તેના તરફ ધ્યાન ન આપ્યું. આખરે તેણે બહારવટિયાઓના વડાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી.

જ્યારે સરદાર આવ્યો ત્યારે બેરન તેના ચરણોમાં પડ્યો. ‘તમારે મારી પાસેથી જે જોઇએ તે લઇ લો, પણ મને અહીંથી જવા દો. એક પણ પૈસો લીધા વગર જવા દો.’

‘તું એમ માનું છું કે તને દુઃખ પડે છે. પણ દુનિયામાં એવા કેટલાય માણસો છે જેમને તારાથી વધારે દુઃખ પડ્યાં છે.’ સરદારે કહ્યું.

‘હા, તે સાચું છે. એવા ઘણા છે જેમને મારાથી વધુ દુઃખ પડ્યાં છે.’

‘તને પશ્ચાતાપ થાય છે?’ એક ઘેરા અવાજે પૂછ્યું. એ સાંભળતા ડેન્ગલર્સનાં રૂવાડાં ખડાં થઇ ગયાં.

૧૫૦

‘હા, મેં જે પાપ કર્યાં છે તેનું મને દુઃખ છે.’ ડેન્ગલર્સ બોલી પડ્યો.

‘તો હું તને માફ કરી દઉં છું.’ એ અવાજે કહ્યું. તે કહેનાર માણસ ડેન્ગલર્સની કોટડીના બારણા પાસે આવ્યો અને દેખાયો.

એને જોતાં ડેન્ગલર્સ બોલી પડ્યો. ‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’

‘તમને ભૂલ થાય છે. હું કાઉન્ટ મોન્ટે ક્રિસ્ટો નથી.’

‘તો પછી તમે કોણ છો?’

‘હું એ છું જેને તમે દગો કરેલો, અપમાનિત કરેલો; હું એ છું જેની વિવાહિતાને તમે બીજાની સાથે પરણાવી દીધેલી; હું એ છું જેને તમે કચડી નાખેલો જેથી તમે સારી સ્થિતિએ પહોંચી શકો; હું એ છું જેના પિતાને તમે ભૂખે મારેલા. હું એડમન્ડ દાન્તે છું.’

ડેન્ગલર્સ ચીસ પાડીને જમીન પર ઢળી પડ્યો.

કાઉન્ટે કહ્યું, ‘ઊઠ, મેં તને માફ કરી દીધો છે. એ પચાસ હજાર તારી પાસે રાખ. જે હોસ્પિટલના પચાસલાખ તમે લૂંટી લીધેલા તે પચાસ લાખ તે હોસ્પિટલને પરત આપી દેવામાં આવ્યા છે. તમે હવે ભોજન કરી શકો છો, અને તે પછી જઇ શકો છો.’

જ્યારે ડેન્ગલર્સ ગુફામાંથી મુક્ત થયો ત્યારે તેણે જોયું તો તેના વાળ લગભગ ધોળા થઇ ગયા હતા.

દાન્તેનો બદલો પૂરો થયો હતો.!

અનુક્રમણિકા

૪૯ : અંત...

એ તો યાદ હશે જ કે, જ્યારે એડમન્ડ દાન્તેને ખજાનો મળ્યો ત્યારે તે લોર્ડ વિલમોરના વેશમાં માર્સીલ ગયેલો અને ત્યાં તેના પિતા જે મકાનમાં રહેતા હતા તે મકાન તેણે ખરીદેલું. આ એ જ મકાન હતું જેમાં તેણે યુવાની વીતાવેલી. આ એ જ મકાન હતું જેમાં તેણે તેની પ્રિયતમા મર્સીડીસ સાથે બેસી સુખદ પળો વીતાવેલી.

આજ મકાનમાં તે આલ્બર્ટ અને મર્સીડીસને લઇ ગયો. જ્યારે તેઓએ કાઉન્ટ મોરસર્ફનું ઘર છોડી દીધું ત્યારે. અહીં જ તેઓને શાંતિ અને શાંત્વન મળેલું.

એડમન્ડ દાન્તે અહીં આવ્યો. તે મર્સીડીસને અલવિદા કહેવા આવ્યો હતો. તે ઘરમાં ફર્યો, બાગમાં ફર્યો. તે એક પળ રોકાયો, અને જસ્મિન ફૂલોથી લદાયેલ વૃક્ષ તરફ તાકી રહ્યો. એ વૃક્ષની નીચે એક વ્યક્તિ બેઠી હતી. તે મર્સીડીસ હતી. એ વૃક્ષ, એનાં સફેદ ફૂલો અને એની નીચે બેઠેલ વ્યક્તિએ એવું દૃશ્ય સર્જ્યું કે તે હાલી-ચાલી ના શક્યો. પછી મર્સીડીસે ઊંચે જોયું અને તેને જોયો. તે ઉભી થઇ અને હાથ ફેલાવતી તેની પાસે આવી.

‘એડમન્ડ...’ એના અવાજમાં આખી જીંદગીનું દર્દ હતું.

દાન્તેએ તેના હાથ પકડી લીધા અને તેની આંખોમાં જોયું. ‘મર્સીડીસ, હું તારી વિદાય લેવા આવ્યો છું.’

‘તું જાય છે, એડમન્ડ?’

‘હા હું જાઉં છું. જે કામ મેં હાથ પર લીધેલું તે પુરું થયું છે. જેણે મને અન્યાય કરેલો તેનો બદલો પૂર્ણ થાય છે.’

૧૫૨

‘તું એમ માનું છું, તારો બદલો લેવાઇ ગયો છે. શું હું એ વ્યક્તિ નથી જેણે તને સૌથી વધુ અન્યાય કર્યો છે? જેણે તને દગો કર્યો એ લોકોને તેં માર્યા છે યા ખલાસ કર્યા છે. પણ તેં મને છોડી દીધી છે. પણ મારી ઇચ્છા એવી નથી. હું જીવું છું કારણ કે હું મરી શકતી નથી.’

‘મર્સીડીસ! તું મને ધિક્કારી શકે છે. હું જ બધા દુઃખનું મૂળ છું. છતાં તું મને ધિક્કારતી નથી, માત્ર તું મારી દયા ખાય છે!’ અડમન્ડે કહ્યું.

‘ના. એડમન્ડ. ના. હું તને ધિક્કારતી નથી. તેં મારા દીકરાની જીંદગી બચાવી અને તે માટે હું તારી ઋણી છું. હું મારી જાતને ધિક્કારું છું; કારણ કે તું પાછો ફરીશ એમ માનવાની મારામાં હિંમત કે શ્રદ્ધા ન હતી.’

જેમ તે બોલતી ગઇ, આંસુ વહ્યે ગયાં. એડમન્ડે શાંત્વન આપ્યું. પણ તેને શાતા ન વળી. આખરે એડમન્ડ કહ્યું; ‘બસ, મર્સીડીસ, તું આટલું જ કહે કે, કોઇક દિવસ ક્યાંક આપણે પાછાં મળીશું.’

મર્સીડીસ તેના તરફ ફરી અને આકાશ તરફ જોયું.

‘હા, એડમન્ડ. આપણે ફરી મળીશું... સ્વર્ગમાં.’

* * * * *

એડમન્ડ દાન્તે ઘરેથી નકળ્યો, ધીરે ધીરે. ટેકરી પારની સોનીરે દેવીને જોતાં તેની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં. તે ધક્કા તરફ ગયો; ત્યાં તેનું વહાણ ઊભું હતું.

‘મોન્ટે ક્રિસ્ટો, હું પાછો આવું છું,’ તે બબડ્યો.

૧૫૩

તે ધીમે ધીમે ચાલતો હતો. તે તેના વહાણને જોઇ રહ્યો હતો. એ તુતક ઉપર એક બુરખાધારી સ્ત્રી ઉભેલી જોઇ. તે હેડી હતી. તે વહાણ પર પહોંચ્યો. હેડી તેની સામે આવી.

‘તમે જઇ રહ્યા છો, પ્રિય?’ તેણે પૂછ્યું.

‘હા, હેડી, હું જઇ રહ્યો છું. અને તું અહીં ફ્રાન્સમાં રહીશ અને તારૂં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરીશ. તારી જોડે પૈસા હશે, સામાજિક મોભો હશે, અને એ બધી વસ્તુઓ હશે જેના પર તારો હક્ક છે. તું એક રાજકુમારી તરીકે સ્વીકારાઇશ. તું સુંદર છે. તું યુવાન છે. અને તારા માટે સુખ ભર્યું ભાવિ છે.’

હેડી એડમન્ડ તરફ ફરી; તેના ચહેરા પર લાચારી હતી. તેણે કહ્યું, ‘તમારા વગર ક્યાંય સુખ નથી. જો તમે મને છોડી જશો, તો મને જીવવાની કોઇ આશા નથી. હું જીવનનો અંત લાવીશ.’

દાન્તે આશ્ચર્યથી તેની સામે જોઇ રહ્યો.

‘તો તું મારી સાથ આવવા માંગે છે?’ દાન્તેએ પૂછ્યું.

‘હા, પ્રિયે. હું તમને ચાહું છું. મેં તમને એક પિતા તરીકે પણ ચાહ્યા છે, એક ભાઇ તરીકે ચાહ્યા છે, પણ હું તમને એક પતિ તરીકે અને માલીક તરીકે પણ ચાહું છું. હું તમને મારી જીંદગીની જેમ જ ચાહું છું.’

હેડીના શબ્દો એડમન્ડ માની ના શક્યો. તેની સામે ઊભેલી યુવાન સુંદરીને તે ઘણા સમય સુધી જોતો ઊભો રહ્યો. તેણે નિઃસાસો નાખ્યો અને તેનો હાથ પકડી લીધો.

૧૫૪

‘તો પછી ચાલ મારી સાથે! ચાલ મોન્ટે ક્રિસ્ટો! કોણ જાણે તારો પ્રેમ જ મને એ બધું ભુલાવી દેશે. જેને હું યાદ રાખવા માંગતો નથી!’

અને એવું બન્યું કે, તે સાંજે લગભગ છ વાગ્યે એક સરસ હોડી માર્સીલ બંદરેથી સફરે નીકળી. એ જેમ પાણી પર સરકતી જતી હતી, ત્યારે સાંજના સૂર્યનાં કિરણોનાં પ્રકાશમાં તે ‘જ્વાલોઓમાં લપટાયેલી હોડી’ લાગતી હતી.

તુતક પર ઉભા રહી, એક ઊંચો માણસ અને એક સુંદર યુવતી માર્સીલ તરફ જોઇ રહ્યા હતા. તેઓએ નોત્રે દેમ દલા ગાર્દના ચર્ચ તરફ પણ જોયું. તેના પર આવેલ સોનેરી મૂર્તિ સૂર્યનાં પ્રકાશમાં હોડીના જેવી જ લાગતી હતી. આસપાસમાં આવેલી ટેકરીઓની પાછળ સંતાતા જતા સૂર્યના કિરણો માત્ર મૂર્તિ અને હોડી પરજ પડી રહ્યા હતાં. મૂર્તિ કદાચ હોડીને અલવિદા કહી રહી હતી. કારણ કે માર્સીલ તો ક્યારનુંય અંધારામાં વિંટાઇ ગયું હતું. સાંજના પડછાયામાં અડધી ઢંકાયેલ શેટો દ ઇફની ઇમારત જ સાંજના પડછાયાનો એક ભાગ હતી.

એડમન્ડ દાન્તે અને હેડીએ માર્સીલ તરફથી નજર ફેરવી લીધી અને પૂર્વમાં જોયું; મોન્ટે ક્રિસ્ટો તરફ જોયું.