CHOOSE CAREER WITH CALM! books and stories free download online pdf in Gujarati

CHOOSE CAREER WITH CALM!

એક વાર ચોમાસા ની ઋતુ હતી.સવાર થીજ આજે તો શહેર માં ઝરમર વરસાદ ચાલુ હતો .સાંજે હું બહાર આંટો મારવા નીકળ્યો હતો.વરસાદ ને લીધે ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા હતા .એવા માં હું નીચું મુંડું કરીને પેન્ટ જરાક ઊંચું કરીને ચાલતો હતો .જોતજોતામાં તો એવી પરિસ્થિતિ આવી કે જાણે હું ટાપુ પર ફસાઈ ગયો!!?આગળ મોટું ખાબોચિયું ને પાછળ તો હવે જવાય નહિ.કારણ કે હું બહુ આગળ નીકળી ગયો હતો.હવે કાતો પાછી પાની કરવી પડે કાતો લાંબો કુદકો ભરવો પડે .(એમાય પડી જવાની બીક રહે !)

મિત્રો એક વિદ્યાર્થી માટે તેનું કેરિયર પણ કઇક આવુજ છે .જો સીધો રસ્તો પકડી લઈએ તો આગળ જતા કોઈ મુશ્કેલી રહેતી નથી પણ જો કોઈ ભૂલ કરી તો કેરિયર ડામાડોળ થઇ જાય છે .

આમ જોવા જઈએ તો વિદ્યાર્થી માટે અતિ મહત્વપૂર્ણ તબક્કા હોય તો તે છે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ .કારણકે ધોરણ ૧૦ પછી વિદ્યાર્થી માટે પ્રથમ વખત પસંદગી નો સમય આવે છે .

ધોરણ ૧૦ પછી વિદ્યાર્થી ને પોતાની કાબેલિયત અને રસરૂચી પ્રમાણે વિષય ની પસંદગી કરવી પડે છે .કાતો વિદ્યાર્થી આર્ટસ ,સાયન્સ ,કોમર્સ લાઈન પસંદ કરશે અથવા ITI કે ડીપ્લોમાં અથવા તો અન્ય કોમ્પ્યુટર કોર્સ માં જોડાતા હોય છે .

તો વળી કેટલાક લોકો પિતા ની તૈયાર ગાદી પર પણ બેસી જતા હોય છે .એમાં કઈ ખોટું નથી હો ઈ પણ સારું જ છે પરંતુ સમય પ્રમાણે છોકરા ને ઓછામાં ઓછુ ગ્રેજ્યુએશન તો પૂરું કરાવુંજ જેથી કરીને થોડો ઘણો વ્યવહારિકતા નો અનુભવી બને !

સૌ પ્રથમ તો વિદ્યાર્થી અથવા વાલી ની પ્રથમ પસંદગી સાયન્સ જ હોય છે .(માંડ માંડ પાસ થતા વિદ્યાર્થી ની વાત નથી થતી હો !)ક્યાક વાલી ઓ ની મહત્વાકાંક્ષા અથવા વિદ્યાર્થી ઓ ની દેખાદેખી ,આંધળું અનુકરણ ને કારણે વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ માં જવાનું નક્કી કરતો હોય છે .

વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ મેળવતા ઘણાખરા વિદ્યાર્થી ઓ વાસ્તવિકતા માં તે પ્રવાહ ને લાયક હોતા જ નથી .બસ પાંચ માણસ વચ્ચે વટ પાડવા કે મેં સાયન્સ રાખ્યું છે આવા અયોગ્ય કારણોસર તેઓ વિજ્ઞાનપ્રવાહ ને પ્રાથમિકતા આપતા હોય છે .વાંક વાલી ઓ નો પણ ઓછો નથી .તેઓને ઝટ પોતાના છોકરા ઓ ને એન્જીનીયર બનાવી દેવા હોય છે .અરે ભાઈ પહેલા તે જાણો એને શું કરવું છે શું ભણવું છે ? પહેલા તે જાણો કે તેના માં કોઈ કળા રહેલી છે તો તે કળા ને અનુરૂપ કોઈ પ્રવાહ હોય તો તેને પ્રાથમિકતા આપો .છોકરા ને પૂછો ભાઈ તારે કરવું છે શું ?

મારા મતે તો ટેકનીકલ મગજ ધરાવતા કોઠાસૂઝ ધરાવતા વિદ્યાર્થી એ ITI કે ડીપ્લોમાં જેવા કોર્સીસ કરવા જોઈએ .ગણિત વિજ્ઞાન માં રૂચી ધરાવતા વિદ્યાર્થી ઓ વિજ્ઞાન પ્રવાહ રાખી શકે છે.વહીવટી કુશળતા ધરાવનાર વિદ્યાર્થી ઓ કોમર્સ રાખી શકે છે.

જયારે કોઈ પ્રકાર ની કળા જેમ કે સંગીત ,લેખન ,સાહિત્ય વગેરે ધરાવનાર બાળકો આર્ટસ રાખી શકે છે .બીજી પણ અન્ય શાખા ઓ છે જેમાં બાળક પોતાની ઈચ્છા મુજબ પ્રવેશ મેળવી ને સફળ થઇ શકે છે.

અહી મોટો પ્રશ્ન એ થાય કે ઘણીવાર બાળકો ને જ ખ્યાલ નથી હોતો કે તેઓનો મનપસંદ વિષય કયો છે .તેઓજ નક્કી નથી કરી શકતા કે તેઓએ છેવટે શું કરવું જોઈએ ?

મારા મતે તો જે વિષય ભણવામાં બાળક ને આનંદ આવતો હોય ,જે તે વિષય માં બાળક ને ભણતી કે વાંચતી વખતે તણાવ કે કંટાળો મહેસુસ ના થતો હોય તે વિષય વિદ્યાર્થી નો પ્રિય વિષય હોઈ શકે છે .

જે તે વિષય ની પરિક્ષા સમયે વિદ્યાર્થી ને ભલે કશું વાચ્યું ના હોય પણ છતાં વિદ્યાર્થી ઓ માં જો તે પરિક્ષા વિષે કોઈ ટેન્શન ના હોય તેને વિશ્વાસ હોય કે આ વિષય માં શું વાંચવાનું હોય ,આતો આપણને બધું આવડેજ છે ને .આવી વિચારસરણી જે વિષય પ્રત્યે હોય તે વિષય જે તે વિદ્યાર્થી નો પ્રિય વિષય હોઈ શકે છે.આવું મારું માનવું છે હો.

માતા પિતા ના હેતુ માં કોઈ ખોટ હોતી નથી.તેઓ ગમે તે ભોગે તેના બાળક ને સૌથી ઊંચું અને સૌથી ઉત્તમ ભણતર ભણાવા તૈયાર હોય છે .પરિસ્થિતિ પહોચી વળે તેમ ન હોવા છતાં ખાનગી શાળા માં અને ખાનગી ટ્યુશન માં બાળક ને ભણાવતા હોય છે.પણ ક્યાંક તેઓની મહેનત આડા રસ્તે તો નથી વેડફાતી ને એનું તેઓ એ ધ્યાન રાખવું જોઈએ.

કોઈ વિદ્યાર્થી નું સપનું ડોક્ટર બનવાનું હોય તો કોઈનું એન્જીનીયર બનવાનું તો વળી કેટલાક ને સી.એ. કરવું હોય છે કેટલાક ને એક્ટર બનવું હોય છે વગેરે વગેરે ...પણ આ બધા વચ્ચે વિદ્યાર્થી ને એનો ખ્યાલ હોતો નથી કે તેને નક્કી કરેલા મુકામે પહોચવા તેને કેટલાય પાસા માંથી પસાર થવું પડશે .

પહેલા તો નક્કી કરેલ સ્ટ્રીમ માં પ્રવેશ મેળવવો (અત્યારે તો સારી સંસ્થા માં એડમીશન મેળવવું પણ અઘરું થઇ ગયું છે.)ત્યાર બાદ સખત મહેનત કરવી ,તેમાં પાસ થવું ત્યારબાદ પણ નોકરી મળશે એની કોઈ ગેરંટી ખરી !?જોકે જેનામાં ખરેખર ટેલેન્ટ હોય છે અને મહેનત કરવાની દાનત હોય છે તેને તો નોકરી અવશ્ય મળી રહે છે.જયારે પાત્રતા વગર ની પદવી મેળવીને બેઠેલી વ્યક્તિ ઓ ને ઘરે બેસવાનો વારો આવે છે.

ઘણા લોકો ને એવું બોલતા સાંભળ્યા છે કે સારા સારા એન્જીનીયરો ને ઘરે બેસવાના વાર આવ્યા છે.હા એ સાચું પણ છોકરું ૧૨ સાયન્સ માં ૪૦ -૪૫% લાવીને એન્જીનીયર રાખે એ જયારે એન્જીનીયર બની ને બહાર નીકળે ત્યારે તેની ક્વોલીટી કેવી હોવાની ? ચા બનાવતી વખતે નકરું પાણી જ નાખ્યું હોય તો તેનો કઈ સ્વાદ આવે ખરો ?એના જેવુજ આમાં છે.

ક્યારેક એવું પણ બનતું હોય છે કે ખરેખર પ્રતિભાશાળી બાળક ને પણ ક્યારેક કામ મળતું નથી.પરંતુ બધી પરિસ્થિતિ પર આપની લગામ હોતી નથી.આપણે તો બસ હકારાત્મક વલણ અપનાવીને મહેનત કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી.

મૂળ વાત પર પાછા ફરીએ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઇને બેઠેલી દીકરી ને તેનો ખ્યાલ હોતો નથી કે એને કેટલા પાસા માંથી પસાર થવું પડશે ત્યારે તેના નામ આગળ ડૉ .લાગશે .મેડીકલ માતો પ્રવેશ મેળવવો એજ મોટી વાત છે .

ખાનગી મેડીકલ કોલેજો માં તો સારી ટકાવારી હોવા છતાં લાખો રૂપિયા નું ડોનેશન આપવું પડતું હોય છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ વિદ્યાર્થી પ્રતિભાશાળી હોવા છતાં કેટલાક આર્થિક કે કૌટુંબિક કારણોસર પોતાની ઇચ્છામુજબ ભણી શકતા નથી.

તમે જે કરો તે ,સાયન્સ લો કે કોમર્સ લો કે આર્ટસ લો કે અન્ય કોઈ પ્રવાહ પસંદ કરો.

તમે ચાહે બી.એસસી કરો કે બી.કોમ કરો કે બી.એ કરો તમે ચાહે એમ.બી.બી.એસ. કરો કે ઇજનેર બનો કે સી.એ.કરો કે એમ .બી.એ. કરો કે એમ.ફાર્મ કરો બસ તમને જેમાં રસ છે તે કરો.

તમારો રસ પૂર્ણ કરવામાં કોઈ આર્થિક, સામાજિક, કે કૌટુંબિક કારણો અડચણ રૂપ ન હોય તો જ કરો.

મતભેદ કે મનભેદ કરી ને નહિ.સમય આવ્યે જાત સાથે સમાધાન કરતા શીખો .અહિયાં અરમાનો ને મારવાની કોઈ વાત નથી.વાત પરિપક્વ બનવાની છે.

આમતો ૧૫-૧૭ વર્ષ ના વિદ્યાર્થી માં વૈચારિક પરિપક્વતા ના પણ હોય.જીદ્દી સ્વભાવ પણ હોય શકે .આ બધા વચ્ચે વાલીઓ એ એમને હુંફ ,પ્રેમ આપવા જોઈએ.કોઈ સારા શિક્ષક ની સલાહ લઈને તેને યોગ્ય પસંદગી કરવામાં મદદ કરવી જોઈએ.આ એવો કોઈ ગંભીર પ્રશ્ન પણ નથી.સો ટેક ઈટ ઇઝી .

જે ભણો તે દિલ થી ભણો.ગયેલો સમય પાછો આવતો નથી,આ મારો અનુભવ છે.તમારા સપના માત્ર સપના જ ન બની રહે તે માટે ખુબજ મહેનત કરો .તમે તમારી માટે નહિ તમારા પરિવાર ,ગુરુ, તમારા સપના ઓ માટે ભણવાની આદત પાડો.

સમય ને સાચવી લો તેની સરભરા કરી લો.નહીતર સમય આવ્યે સમય તમારી સરભરા કરવામાં કોઈ કચાશ નહિ રાખે.

આર્થિક રીતે સુખી સંપન્ન ઘરના બાળકો ને કોઈ મોટી મુશ્કેલી રહેતી નથી તેઓ વધુ ભણે કે નહિ.

પણ જેઓ ખરેખર મધ્યમ કે આર્થિક પછાત કુટુંબ માંથી આવે છે તેઓ એ તો પોતાના માટે નહિ પણ પોતાના માબાપ નો કુટુંબ નો વિચાર કરીને પ્રેમ થી કે પરાણે બસ ભણવું જ જોઈએ .મહેનત કરવી આપણા હાથ ની વાત છે.ફળ મળે કે ન મળે તેના વિશે બહુ વિચારો નહિ.કોઈ તમારી કદર કરે કે ન કરે .બસ ભણો તમારા માટે .બસ મોજ થી ભણો.

વિદ્યાર્થી ની માનસિકતા એવી હોય છે કે ધો.૧૨ સુધીજ ભણવાનું હોય છે.કોલેજ માતો જલસો કરવાનો હોય છે.આ માનસિકતા મારા મતે એકદમ ખોટી છે.અસલ માં વિદ્યાર્થી નું સાચું કેરિયર કોલેજ લાઈફ માં થી જ શરુ થતું હોય છે.

જે તે વિષયક થીયરીકલ કે પ્રેક્ટીકલ જ્ઞાન કોલેજ માંથીજ પ્રાપ્ત થતું હોય છે.ધોરણ ૧૨ સુધી તો માત્ર બેઝીક જ્ઞાન મળતું હોય છે.

ધો.૧૨ સુધી તો નંબરીયા જ પડતા હોય છે,સાચું પિક્ચર તો કોલેજ માં ચાલુ થતું હોય છે.

તમે નોકરી લેવા જાવ ત્યારે તમારી કોલેજ ની માર્કશીટ જોવામાં આવશે અને કોઈ નોકરી માટે પ્રવેશ પરિક્ષા આપો ત્યારે મોટેભાગે કોલેજ ના માર્ક્સ ગણાતા હોય છે,તો કોલેજ લાઈફ ને એન્જોય તો કરજો જ પણ સાથે સાથે ઉજળા ભવિષ્ય નું નિર્માણ પણ કરજો.

ઈન્ટરનેટ યુગ માં તમે કેરિયર પસંદગી માટે ઈન્ટરનેટ નો પણ ઉપયોગ કરી શકો છો.કોઈ જાણકાર ની સલાહ લઇ શકો છો.હવે તો ગણતરી ના દિવસો માં બોર્ડ નું પરિણામ જાહેર થવાનું છે ,વળી પાછા સમાચાર આવશે ફલાણા છોકરા છોકરી એ ઓછા માર્ક્સ આવતા અંતિમ પગલું ભર્યું.

અરે ભાઈ મરે આપણા દુશ્મન .આવી માનસિક અપરિપક્વતા ક્યાં સુધી ?અન્ય કરતા ઓછા માર્ક્સ ભલે આવ્યા હોય પણ સ્પર્ધા પોતાની જાત સાથેની હોવી જોઈએ,નહીકે મિત્ર સાથેની.અત્યાર ના છોકરા ઓ ને હાર પસંદ નથી.

આજના બાળક માં ખેલદિલી ક્યાંથી હોવાની,બાળક નાનપણ થીજ મોબાઈલ માં ને કોમ્પ્યુટર માં ગેમ રમી ને મોટું થયું હોય છે.મેદાની ખેલ તો મરી પરવાર્યા છે.

ખેર મેં ઘણી વાર જોયું છે કે કહેવાતો ઠોઠ કે મધ્યમ વિદ્યાર્થી વર્ગ ના ટોપર વિદ્યાર્થી કરતા પહેલા સારી નોકરી એ લાગી જતો હોય છે.

સમય બળવાન છે.આજે ખરાબ દિવસ છે તો કાલે સારો દિવસ આવશે.સમય ની રાહ જોતા શીખો.જે મળ્યું છે એમાંથી સુખ ચોરતા શીખો .સુખ ચોર બનો.

જેને નબળું પરિણામ આવે તેવા અપરિપક્વ લોકો પંખે લટકવા કરતા એજ પંખો( A .C . હોય તો A .C .) ફૂલ પાંચ પર કરી મોજ થી આ ધોમધખતા ઉનાળા માં પવન ખાવ.આમેય આજકાલ ગરમી કૈક વધુ નથી પડતી?

ઘણીવાર ઘા ખાઈ ગયેલા માણસ નો વાર ધારદાર હોય છે.આમજ ઘા ખાઈ ગયા હોય તો ધાર ને અણીદાર બનાવો.

ફરી યુદ્ધ કરવા પોતાની જાત ને તૈયાર કરો.બમણા વેગ થી પ્રહાર કરો.અને જાત ને કહો,આ ગેમ મારી છે..આ ગેમ મારી છે.....આ ગેમ મારી છે.........

વાચક મિત્રો જો તમને યોગ્ય લાગે અને જરૂર જણાય તો તમારું બાળક કે તમારા સંબંધી નું બાળક બોર્ડ માં અભ્યાસ કરતા હોય અને તેમનું પરિણામ આવવાનું હોય અગર જો તે અસમંજસ માં હોય તો તેને આ બુક જરૂર વંચાવશો તેવી અપેક્ષા સહ ........

ફરી વાર મળીશું એક નવી કૃતિ સાથે........

સહકાર બદલ આભાર !!!