Matru devo bhav books and stories free download online pdf in Gujarati

માતૃ દેવો ભવ : - - જય પંડ્યા

પૂજ્ય મા ,

ઘણાં સમયથી એમ થતું હતું કે તમને બાજુમાં બેસાડી

ઘણી બધી વાતો કરું તમને કહું કે તમારું સ્થાન કેટલું ઊંચું

છે અમારા જીવનમાં અને અમે તમારા વિષે ખરેખર શું માનીએ છીએ

પરંતુ તમારી પાસે સમય ક્યાં હોય જ છે ?

એક કામ પતે એટલે બીજું અને બીજું પૂરું થાય ત્યાં ત્રીજું

તમે કેમ થાકતા નથી આટલું બધું બધા માટે કરવા છતાંય ?

આ પ્રશ્ન પણ પાસે બેસાડીને પૂછવો હતો

આ તો ભલું થજો મહેન્દ્રભાઈ અને એમની માતૃભારતી ટીમનું

કે મધર્સ ડે પર પત્ર લખવાનું આહવાન આપી ઝડપથી ભાગતા સમયની

ગર્તામાં ગરક થતી લાગણીઓને ફરીથી ઝંકૃત કરવાની તક આપી

અને એ પણ હકીકત છે કે આ બધું જેટલી આસાનીથી લખીને વ્યક્ત

કરી શક્યો એ કદાચ બોલીને ન કહી શકત તમને ક્યારેય

ક્યાંથી શરુ કરું ? બાળપણ થી ?

મને હજુય યાદ છે તમારા એ મધ ઝરતા અવાજમાં ગવાતા હાલરડાંઓ

મને ફૂલ ફટાક તૈયાર કરી કપાળ પર કાલા ટીકા લગાવતા તમે

પાપાની બદલી થઇ ત્યારે ફક્ત એક જ ટેક્સીમાં આખા ઘરનો સામાન

સમાઈ ગયેલો અને કેટલા વર્ષો કાઢી નાખ્યા બધું ચલાવી લેતા તમે

તમારું પેટ ખાલી રહેતું પરંતુ અમારા માટે નાસ્તાના ડબ્બાઓ તો હમેશા

છલકાતા જ રહ્યા છે તમારા વહાલની જેમ જ - એ તો થોડા વર્ષો પહેલા

કરોડ રજ્જુ ના દુઃખાવા માટે ખ્યાતનામ ઓર્થો પેડીક ડોક્ટરની મુલાકાતે

ગયા ત્યારે ખબર પડી જયારે એમણે પૂછ્યું : કે સ્ત્રીઓમાં આ બધું

કેલ્શિયમ ની ખામીને કારણે થાય છે તમે દૂધ પીવાનું ક્યારથી બંધ કર્યું

છે ? અને મા એ હસતા હસતા જવાબ આપેલો : દૂધ ભાવતું જ નથી

અને એ સેવાભાવી સિનીયર ડોક્ટર ખીજાઈ ગયેલા : કહેલું કે ખોટું ન

બોલો મને ખબર છે ભારતની મોટાભાગની મમ્મીઓ બાળકના જન્મ

પછી પોતાનું બધું જ પોતાના બાળકોને હવાલે કરી નાખતી હોય છે

ચાહે એ દૂધ હોય કે પોતાને ભાવતી મિઠાઈ કે અતિ પ્રિય ચોકોલેટ

પછી હાડકા ક્યાંથી મજબુત રહે કહો જોઈએ ? ?

છેક ત્યારે મને સમજાયેલું કે આખા કુટુંબની કરોડ રજ્જુ જેવી મોમ ની

ખુદની કરોડરજ્જુ મીણ ની જેમ ઓગળતી જાય છે

અને કેવા સંસ્કારો આપ્યા તમે ? ? સરકારી વસાહતોમાં વસતી અઢારે

આલમ ના સંપર્કમાં હોવા છતાં એક પણ ખરાબ આદત પડવા ન દીધી

અને એ પણ કઈ રીતે ? ન ગુસ્સો ન લેકચર ન માર કે ન બીક - ફક્ત

આંખોથી એટલું જ કહીને કે - આપણાથી આમ ન થાય બીજા ભલે કરે

અને એ સંસ્કારના મુળિયા એટલા ઊંડા ઉતરી ગયેલા કે વિદ્યા નગર

જેવા બેફામ શહેરની હોસ્ટેલ લાઈફ પણ મારું કશું બગાડી ન શકી

દોસ્તો સિગરેટ પીતાં ગાળો બોલતા અને આડી અવળી ફિલ્મો પણ જોતા

પરંતુ હું ક્યારેય એમાં સામેલ ન થતો મને સતત લાગતું કે તમારી

આંખો મને જોઈ રહી છે અને કહી રહી છે - બેટા આપણાથી આમ ન થાય

તો સવાલ એ આવે કે આમ ન થાય તો બીજું થાય શું ? ?

જવાબ છે ઢગલા બંધ પ્રવૃતિઓ અને શાનદાર પરફોર્મન્સ અભ્યાસ

અને ઈતર પ્રવૃતિઓમાં અને એક સરળ જિંદગી અટપટી વૃત્તિઓ

વિનાની

મને યાદ છે મને કશું પણ થાય મા નો જીવ ઉંચો થઇ જાય ફ્રીજમાં શ્રીફળ

તો હોય જ હું પૂછું શેની પ્રસાદી છે ? એ તરત કહે આ તો તને જરા તાવ

આવેલો તો એ ઉતરી જાય એના માટેની માનતા કદાચ મને ખબર પણ

નહિ હોય મારા માટે તેઓ કેટકેટલું કરતા હશે મને ખબર પણ પડ્યા

વિનાનું

અને મોમ જમાડવાના અનહદ શોખીન અવનવું બનાવે અને બધાને

ખવડાવે મારા બધા દોસ્તો ભૂખ લાગે તો ખુદના ઘરે જવાના બદલે

મારા ઘરે ચાલ્યા આવે એમને ખબર જ હોય આ ઘરમાંથી ખાલી પેટે

બહાર નહિ જ અવાય

મમ્મીનો ઘણો ખરો સમય બીજાઓનો સમય સાચવવામાં જ જતો

પાપાની મિલીટરી જેવી આદતો કદાચ એ જ સહન કરી શકે બીજાઓનું

કામ નહિ નાના હતા ત્યારે તો અમે બાપાથી બહુ ડરતા જયારે મોમ ને

બધું જ કહી શકતા પરંતુ હવે બાપાને હસીને કહીએ છીએ કે જો બીજી

કોઈ સ્ત્રી હોત તો છ મહિનામાં ભાગી જાત તમને છોડીને પણ મોમ ન

ગઈ કયાંય પણ એટલે સુધી કે પિયર પણ ન જાય જાય તો સવારે

જઈને સાંજે પાછા પાપા જ એમનું સર્વસ્વ ...આજે જયારે એકાદ

નાની મોટી નોકરી કે નાનો મોટો બિઝનેસ કરીને પોતાની જાતને હાઉસ

વાઈફ થી ઉંચી સમજતી અને બાર ખાંડીનો મિજાજ ધરાવતી સ્ત્રીઓને

જોઉં છું ત્યારે મા પ્રત્યેનું માન છે એનાથી સતત વધતું જ જાય છે

અને હા રહી વાત કમાવાની તો જે ઈજ્જત એમણે કમાઈ છે જે આંબા

એમણે વાવ્યા છે એના જ છાંયડામાં અમે બધા ગુલતાન કરી શકીએ

છીએ એમણે બાંધેલા નક્કર સંબંધો અત્યંત મજબુત રીતે ટકી રહ્યા છે

અને અમને એ શીખવતા રહ્યા છે કે જો સંબંધો ટકાવવા હોય તો જતું

કરવાની ભાવના કેળવવી જ પડે નહિ તો બીજી વાર કોઈ " આવો ઘરે "

એટલું પણ ન કહે .

સમયની સાથે સાથે મોમનું શરીર થોડું કથળ્યું છે તબિયત પર જરા

વિશેષ ધ્યાન આપવું પડે છે પરંતુ મન એટલું જ મજબુત છે આજે પણ

કોઈ કસમયે કે ગમે ત્યારે ઘરે આવે તો હસીને આવકારો આપવાની ટેવ

જાળવી રાખી છે અને આવે એમને જમાડીને જ મોકલવાની આદત

પણ

વર્ષોથી મારા કામના કલાકો અતિશય અનિયમિત રહ્યા છે મારી

સાથેના લોકો મારી રાહ જોઇને કંટાળી જાય એમ પણ બનતું રહ્યું છે

પરંતુ મા હજુ અડીખમ ઉભી છે મારી રાહ જોવા માટે ઘરનો ગેઇટ જરા

ખખડે કે એ જાગીને જોઈ લે - સતત રાહ જોયા કરે મારી ક્યારેક સાંજ

પડી જાય આવતા આવતા સાંજની ચા પીવાના સમયે હું જમતો હોઉં

તો પણ એ વાત ન ક્યારેય હસે ન કોમેન્ટ કરે કે ન ટીકા કરે

બસ એટલું જ કહે કામ તો કરવું જ જોઈએ કામથી ન ડરાય અને રૂપાળી

કલીગ ક્યારેક કહે પણ ખરી યાર સેન્ડવીચ અને કોફી મંગાવી લે ને

આપણાં બંને માટે છેક ઘર સુધી કેમ ધક્કો ખાય છે ઓલરેડી આટલું

મોડું થઇ જવા છતાં હવે એ રાધા ને કોણ સમજાવે કે હું ઘરે ખાવા થોડો

જાઉં છું હું તો મારી મોમનું હસતું મોઢું જોવા જાઉં છું જેથી શરીરમાં

લાગેલો આખા દિવસનો થાક અને મનમાં ચડેલું આખા દિવસનું ઝેર

સંપૂર્ણ ઉતરી જાય

અને સાચ્ચે જ આ બાબતમાં હું થોડો જુનવાણી જ છું કાર્તિકેય જેવો

ઝડપી નિર્ણયો લેનારો નથી હું ગણેશ જેવો છું જે એમ માને છે કે

મા બાપને ખુશ રાખી શકો તો બીજે ક્યાંય લાંબી લાંબી તીર્થ યાત્રાઓ

કરવાની જરૂર નથી અને મને ફક્ત આશા જ નહિ સંપૂર્ણ વિશ્વાસ પણ છે

કે આ પત્ર વાંચીને પણ તું ખુશ જ થવાની

થશે ને મા ?

લી . તારો ડાહ્યો દીકરો જય