પ્રેમ એટલે કે મંગળ..
નિષ્ઠા ટી.વી જોવામાં ખોવાયેલી હતી. એનો ફેવરીટ પ્રોગ્રામ આવતો હતો. નિષ્ઠાને ટી.વી જોવાનો ગાંડો શોખ હતો.આજે મલ્હાર વહેલો આવી ગયો.મલ્હારે જોયું કે નિષ્ઠા એનો ફેવરીટ પ્રોગ્રામ જોતી હતી.રવિવાર નો સમય સવારે મલ્હાર મિત્રો સાથે વિતાવતો અને બપોર પછી નિષ્ઠા સાથે.મલ્હારનો કોલેજમાં હતો ત્યારથી આ નિયમ.રવિવાર સવાર તો ભાઈબંધો-દોસ્તારો સાથે જ.નિષ્ઠા સાથે સગાઇ થઇ, લગ્ન થયાં અને હજી પણ આ નિયમ પહેલાંની જેમ જ જાળવી રાખ્યો હતો.
ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી નિષ્ઠા.પપ્પા નો સ્વભાવ પહેલેથી જ થોડો ગુસ્સાવાળો.ઘરમાં પપ્પા હોય ત્યારે ભાગ્યે જ કોઈ હસી-મજાક કરે.પપ્પા ને એમના સિવાય કોઈ ઊંચા અવાજે વાત કરે એ સહેજ પણ પસંદ નહિ.પપ્પા કારખાને જાય પછી થોડું હળવાશ નું વાતાવરણ છવાતું.રેડિયામાંથી ધીમું-ધીમું સંગીત વહેતું.ઘરમાં ક્યારેય ન સંભળાતો હોય એવો ધીમો-ધીમો રણકાર ગુંજતો રહેતો, એ પણ પપ્પા ઘર માં ન હોય ત્યાં સુધી જ.પપ્પા જેવા ઘરમાં આવે ત્યારે પછી ફરી એ જ પાછો સન્નાટો છવાઈ જતો.
હજી પણ એ દિવસ ભૂલી નથી નિષ્ઠા.જયારે પપ્પા અને કાકા-કાકી વચ્ચે સવાર થી જ ગુસ-પુસ ચાલતી હતી.ઈશ્વર જાણે શું વાત છે પણ મમ્મી કોઈ વાત થી નારાજ છે એવું વર્તાઈ રહ્યું હતું.અઠવાડિયા પછી ઘરમાં ધમાલ મચી ગઈ હતી.કંદોઈ ને ત્યાંથી માવાની જાત-જાતની મીઠાઈ અને ફરસાણ મંગાવામાં આવ્યા.પપ્પા નો સ્વભાવ પહેલા કરતાં થોડો શાંત રહેતો હતો.મમ્મી પરાણે હસવાનો પ્રયત્ન કરતી હતી.ઘરનાં વાતાવરણ થી લાગતું કે નક્કી એને કોઈ છોકરો જોવા આવવાનો છે.પણ એમાં એટલી ધમાલ? અગાઉ પણ ઘણાં છોકરાવાળા નિષ્ઠાને જોવા આવ્યા હતાં.ક્યાંક છોકરાવાળાને કુંડળીમાં મંગળ નડતો, તો ક્યારેક આર્થિક પરિસ્થિતિ સારી નહતી. ક્યાંક છોકરાવાળા ને નોકરી કરતી છોકરી જોઈતી તો ઘણી વાર નિષ્ઠાને છોકરો પસંદ ન પડતો.
નિષ્ઠાએ અકળાઈને પૂછ્યું મમ્મી ને. "મમ્મી, શું વાત છે? બોલ તો ખરી.મલ્હાર આવવાનો હતો નિષ્ઠાને જોવા માટે.નિષ્ઠાને ક્યાંક કોઈના લગ્નમાં જોઈ હતી એને.પહેલી જ નજરમાં મલ્હારના દિલમાં વસી ગઈ હતી.સહેજ પાતળા બાંધા ની, થોડી શ્યામ વર્ણી, પાણીદાર આંખો અને લાંબો ચોટલો ગુંથેલા વાળ.આસમાની કલરની ટીક્કી-મોતી વાળી સાડીમાં જોઇને મલ્હાર તો દિવાનો થઇ ગયો.મમ્મીની અકળામણ હતી જન્મતારીખમાં અને કુંડળીમાં.મલ્હાર નિષ્ઠા કરતાં ચાર વર્ષ નાનો હતો અને એની કુંડળી માં મંગળ નહતો.બસ આ એક જ વાત હતી અને આ વાત નાની પણ નહોતી.જે સમાજમાં તમારું અડધાથી પણ વધારે ભાગનું જીવન કાગળ ના બે ટુકડાના આધારે નક્કી થતું હોય ત્યાં બીજું પૂછવાનું જ શું હોય.
ઘરના વડીલોએ ભેગાં મળીને નક્કી કરી દીધું હતું કે મલ્હારના ઘર વાળાઓને આ વાતની જાણ ન થવા દેવી.મમ્મી ને આ વાતની જાણ થઇ ત્યારે એ પણ ધૂંધવાઈ ગઈ હતી.પણ પપ્પા સામે એનું કંઈ ન ચાલ્યું.સવાલ ઉંમર કે મંગળ નો નહી પણ ખોટું બોલવાનો હતો."હું કોઈની સામે ખોટું નહિ બોલી શકું, હું બધું જ સાચું જણાવી દઈશ." નિષ્ઠા બોલી.મમ્મી એને સાથ આપવાને બદલે સહેજ અચકાઈ ગઈ.એની આંખોમાં ક્યાંક આછી ફડક હતી.નાના ભાઈ-બહેનોની ચિંતા કોરી ખાતી હતી.જૂઠના પાયા પર રચાયેલો સંબંધ નિષ્ઠાને મંજુર નહતો.પણ પોતે મમ્મી પપ્પા નો બોજો વધારી રહી છે એવો ડંખ થવા લાગ્યો.ઉંમર વીતતી જતી હતી અને હજી ક્યાંય ગોઠવાતું નહતું.મલ્હારને જોયો ત્યારે નવાઈ લાગી.આ એ જ છોકરો છે કે જેને હું ગમી ગઈ? આટલો સંસ્કારી, વિવેકી અને દેખાવડો છોકરો મારી પાછળ ગાંડો થયો છે.પોતાને કોઈ પ્રેમ કરે છે એ વિચારથી જ નિષ્ઠા રોમાંચિત થઇ ગઈ.
નાના ભાઈ-બહેનો ના ભવિષ્ય માટે જુઠું બોલીને મલ્હાર સાથે સંસાર માંડી રહી છે એવી મનમાં ગાંઠ વળી લીઘી. કોઈપણ સંબંધના પાયામાં વિશ્વાસ અને સચ્ચાઈ હોવી જોઈએ એવું ભૂલી ગઈ અને લગ્ન માટે હા પડી દીધી.શરૂઆત માં નિષ્ઠા યાદ રાખતી કે આ વાતનો ઉલ્લેખ ના થઇ જાય.પકડાઈ જઈશ ત્યારે મલ્હાર ને શું જવાબ આપીશ એ વાત થી નિષ્ઠા ધ્રુજી ઉઠતી.
મલ્હાર ને સાચી વાતની જાણ થઇ ચુકી છે.એ નિષ્ઠાને ઢસડી ને એનાં પિયર મૂકી જાય છે.નાના ભાઈ-બહેનો પણ સતત ઉપેક્ષા ભરી નજરે જોવે છે.પપ્પા પણ ગુસ્સે છે નિષ્ઠાથી.પોતાના જ ઘર માં જાણે પારકા જેવો વર્તાવ થઇ રહ્યો છે.ગૂંગળામણ થઇ રહી છે.ત્યાં અચાનક જ એના હાથ પર મલ્હાર નો સ્પર્શ થયો.નિષ્ઠા શું વાત છે? કોઈ ખરાબ સપનું જોયું? નિષ્ઠા જબકીને જાગી ગઈ.સામે મલ્હાર નો હસતો ચહેરો દેખાયો.મલ્હારે નિષ્ઠાને પોતાની નજીક ખેંચી લીધી અને મલ્હારની છાતી પર માથું મૂકી હળવાશ નો શ્વાસ લીધો.આવું ઘણી વખત થતું શરૂઆત માં.નિષ્ઠા ને લાગતું કે આ બધા વચ્ચે ભરડાઈ રહી છે.પિસાઈ જતું મન આ બધાની વચ્ચે. કેમ એની સાથે જ આવું થયું એમ વિચારતી હતી.
નિષ્ઠા સતત મલ્હાર ની કાળજી લેતી.નિષ્ઠાની દુનિયા તો મલ્હારથી જ શરૂ થતી અને મલ્હાર પાસે આવીને પૂરી થતી.સમય વીતવાની સાથે નિષ્ઠાનો ડર ઓગળતો રહ્યો.હવે નિષ્ઠાને મલ્હારના નામ સાથે પ્રેમ યાદ આવતો મંગળ કે ઉંમર નહી.એક નાનકડી સરસ મજાની દીકરી હતી નિષ્ઠાને.પરી નામ હતું એનું અને દેખાવે અદ્દલ પરી જેવી રૂપાળી લાગે.પહેલાં નિષ્ઠા મલ્હાર વગર ન રહી શકતી અને હવે પરી અને મલ્હાર વગર.પેમથી હરી ભરી દુનિયા હતી નિષ્ઠા અને મલ્હાર ની.એકવાર સ્કૂલની કોઈ બહેનપણી મળી ગઈ શોપીંગ મોલમાં. સ્કુલ રી-યુનિયનની વાતો થઇ.સારું હતું કે મલ્હાર એ વખતે નિષ્ઠાથી થોડે દુર કોઈ વસ્તુ જોવામાં બીઝી હતો અને એનું ધ્યાન નહતું.ઉંમર અને મંગળનો તફાવત એનાં લગ્નજીવન પર કેટલો ભારે પડી શકે એનો નિષ્ઠા સિવાય બીજા કોઈને ભાગ્યે જ ખયાલ આવી શકતો.
આખરે એ દિવસ આવી જ ગયો જેનો નિષ્ઠાને ડર હતો.દીકરી પરીને સ્કુલના એડમિશનમાં જન્મ તારીખને લઈને કોઈ પ્રોબ્લેમ આવતો હતો.સામાન્ય રીતે એફિડેવિટ કરાવીને જન્મ તારીખ બદલી શકાય છે પણ નિષ્ઠા નહતી ઇચ્છતી કે આ વાત નું પુનરાવર્તન થાય.કદાચ એણે જે માનસિક યાતના સહન કરી એ ભવિષ્યમાં એની દીકરી સહન કરે.નિષ્ઠાએ હવે મલ્હાર સાથે આ વાત કરવાનું નક્કી કરી લીધું.
"મલ્હાર મારે એક વાત કહેવી છે." નિષ્ઠા બોલી. હા, બોલ નિષ્ઠા શું કહેવું છે.? મલ્હારે સામે જવાબ આપ્યો. આપણે પરીની ઉંમર બદલાવવા માટે ખોટી એફિડેવિટ નથી કરાવવી. હું નથી ઈચ્છતી કે મારી જેમ એને ખોટી બર્થડે યાદ રાખવી પડે.આટલા વખત નો સંગ્રહી રાખેલો અપરાધભાવ, પીડા બધું વ્યક્ત થઇ ગયું.આજે,મલ્હાર સમજી ના શક્યો નિષ્ઠાનું આ વર્તન."નિષ્ઠા,મને કંઈ સમજાતું નથી તું શું કહેવા માંગે છે." મલ્હારે વળતો સવાલ પૂછ્યો. નિષ્ઠા એ મક્કમતાથી કહી દીધું કે, “મારા કરતા આ વાત કોઈ સારી રીતે નહિ સમજી શકે.મલ્હાર, હું તમારાથી ઉંમરમાં ચાર વર્ષ મોટી છું અને મને મંગળ પણ છે.મેં લગ્ન વખતે આ વાત છુપાવી તમારાથી.” મલ્હાર ખડખડાટ હસી પડ્યો. આ વાત તો મને પહેલા થી જ ખબર હતી પણ હું ચુપ હતો કારણકે તને કોઈ ખોટું કર્યા ની લાગણી ન થાય,તું કોઈ બોજા નીચે ન જીવે. નિષ્ઠા, હું તને કાલે પણ એટલો જ પ્રેમ કરતો હતો અને કરતો રહીશ. મારા માટે તારો પ્રેમ અગત્યનો છે નિષ્ઠા ઉંમર કે મંગળ નહી.પ્રેમને કુંડળી કે ઉંમર સાથે કોઈ સંબંધ નથી.પ્રેમ તો કોઈ પણ ઉંમરે અને કોઈ પણ ઉંમર સાથે થઇ જાય.લગ્ન કુંડળી જોઇને થઇ શકે પ્રેમ નહી.હંમેશા ની જેમ મલ્હારે નિષ્ઠાને એની પાસે ખેંચી લીધી હોઠો પર એક હળવા ચુંબન સાથે.