Dikari books and stories free download online pdf in Gujarati

દીકરી - National Story Competition-Jan

દીકરી

હિરેન મોઘરિયા

આખા ગામમાં સોપો પડી ગયો. ગુજરાતના પશ્ચીમ છેડે આવેલું એક ગામ.લગભગ ૧૫૦૦ ની વસ્તી. ગામના મોટા ઘર ની જવાનજોધ ૨૧ વર્ષની છોકરી કોઈ છોકરા જોડે ભાગી ગઈ હતી. આબરૂદાર ઘર હતું.ગામમાં નામ હતું. ગામમાં દરેક જગ્યાએ એની જ ચર્ચા હતી. ગામના ચોરે, ગલીઓના નાકે, પાણીના કૂવે, તળાવને કાંઠે, દુકાનો પર, ઘરના ઓટલે, સીમાડે, ગામના પાદરે દરેક જગ્યાએ એક જ વાત હતી…” રવજીભાઈની છોડી ભાગી ગઈ અને એ પણ પરનાતના છોકરા સાથે…”” અરેરેરે...કેવો જમાનો આવ્યો છે.છોકરીઓ તો કઈ જોતી જ નથી....આમાં એના બાપાની આબરૂનું શું…?” “બિચ્ચારા રવજીભાઈએ કેટ-કેટલા લાડ લડાવેલાં? મૂઇએ કઈ વિચાર જ ના કર્યો કે રવજીભાઈ ઉપર શું વીતશે…?” “મોટા ઉપાડે બહાર ભણવા મોકલેલી..શું કાંદો કાઢી લીધો ભણાવીને? અંતે તો બાપ ને ઉઠાં ભણવતા જ શીખીને? મેં તો મારી શ્વેતાને ના જ પડી દીધી છે.બહુ ભણી લીધું.ખબરદાર જો બહાર ભણવા જવાનું નામ લીધું છે તો...”ત્યાં કોઈ બોલ્યું-" સંસ્કાર...ભાવનાબેન..સંસ્કાર..!!!" આ એ જ લોકો હતા જે રવજીભાઈ ની છોકરીના વખાણ કરતા થાકતા નહોતા. રવજીભાઈ એટલે ભગવાનનાં માણસ. ગામના દરેક લોકો એમનો આદર કરે.. હજુ થોડા દિવસ પહેલાં જ ગામના અવિનાશભાઈની કાજલ પ્રેમ ના ચક્કરમાં રીસાઈને અન્ન-જળનો ત્યાગ કરીને બેઠી હતી ત્યારે એને મનાવવાનું કામ રવજીભાઇએ જ કર્યું હતું અને આજે આ જ ઘટના પોતાના ઘરમાં બની હતી.

રવજીભાઈ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું હતું ગયું હતું. જે લોકો વાતવાતમાં રવજીભાઈની સલાહ લેતા હતા એ લોકો આજે એમને હડધૂત કરતા હતા.” પોતાની છોકરીને તો ના સાચવી શક્યો અને બીજા ને શિખામણ આપે છે”- આ શબ્દો હૃદયમાં કાંટાની જેમ વાગતા હતા. ઘરમાં દીવાલ ને માથું ટેકવીને બેઠેલા રવજીભાઈ વિચારતા હતા- ક્યાં ખામી રહી ગઈ તેમના સંસ્કારોમાં? માં વગરની દીકરીને માં અને બાપ બંનેનો પ્રેમ આપીને મોટી કરેલી.કદાચ નવી માં પ્રાંજલને એટલો પ્રેમ ના આપી શકે એવું વિચારીને પોતે બીજા લગ્ન નહિ કરેલા.કેટલો ગર્વ હતો એમને પ્રાંજલ પર! હથેળીમાં રાખતા હતા પ્રાંજલને. શું આ દિવસ જોવા માટે જ આટ આટલા લાડ લડાવ્યા હતા? દીકરો ગણીને ઉછેરેલી પ્રાંજલને. એનો આ બદલો આપ્યો? જ્યારે પ્રાંજલ દસમા ધોરણમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી ત્યારે આખા ગામમાં પેંડા વહેચેલાં અને પછી આગળ ભણવાની પ્રાંજલને જીદ સામે ઝૂકીને જ એને શહેરમાં ભણવા મૂકેલી. ત્યારે કયા કોઈને ખબર હતી કે પ્રાંજલ આવું કરશે.

રવજીભાઈને એમ જ થતું હતું કે હમણાં પ્રાંજલ આવશે… પોતે એને ગળે લગાવીને ખુબ રડશે અને પછી મીઠો ઠપકો આપશે- ક્યાં હતી આટલા દિવસ? તને તારા પપ્પાની જરાય યાદ ન આવી? અને પછી પ્રાંજલ ભીના અવાજે પૂછશે- પપ્પા તમે જમ્યા? હું ગઈ ત્યારે થોડો તાવ જેવું હતું.. અત્યારે કેમ છે…? આજે થાકી ગયા હશો લો તમને ગરમાગરમ ચા બનાવી આપું….અને પોતે એને ગળે લગાવીને કેહેશે-બેટા..તું આવી ગઈ ને મારે કંઈજ નથી જોતું...તું બસ મારી પાસે બેસ. અને અનાયાસે રવજીભાઈથી ઘરની ડેલી તરફ નજર નંખાઈ ગઈ….પણ ત્યાં કોઈ નહોતું.આટલું વિચારતા જ રવજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા.

હજુ પંદર દિવસ પહેલાં જ તો સગાઈ કરેલી. છોકરો પણ સારો હતો. સારું કમાતો હતો. રવજીભાઈને તો એમ જ હતું કે પ્રાંજલને તેમની પસંદ ગમશે જ અને પ્રાંજલ એ પણ ત્યારે હા પાડેલી. બે દિવસ પછી તેના લગ્ન હતા અને સવારે પોતાની ફ્રેન્ડના ઘરે જવા નીકળેલી પ્રાંજલ સાંજે ઘરે તો ન આવી પણ એનો ફોન આવ્યો-“પપ્પા… હું પ્રથમેશ સાથે છું અમે લગ્ન કરી લીધા છે અને મહેરબાની કરીને અમને શોધવા માટે પાછળ ન આવતા. અમને અમારી લાઈફ જીવવા દેજો.”અને સામા છેડેથી ફોન કપાઈ ગયો.

એમને એમ બે દિવસ થઈ ગયા. આજે એના લગ્નનો દિવસ હતો.. રવજીભાઈ બે દિવસથી ઘરમાં જ ગુમસુમ બેઠાં હતાં. ન કંઈ ખાવાનું ન કોઈની સાથે બોલવાનું. બસ આખો દિવસ પ્રાંજલનો ફોટો જોઈને રડયા કરે. આ ઘટનાનો એમને ખૂબ જ આઘાત લાગ્યો હતો.અને લગ્ન દિવસ ની સાંજે અચાનક તેમની છાતી માં દુ:ખાવો ઉપડયો. તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટરે કહ્યુ- સીવીયર હાર્ટ એટેક છે. એમના ઘરવાળાને બોલાવી લો. પ્રાંજલને આ સમાચારની જાણ કરવામાં આવી. તે તો પોતાના લગ્નજીવનને માણવામાં મશગુલ હતી. એણે તો બસ- અત્યારે પપ્પાને કેમ છે? ખબર પૂછી ને ફોન મૂકી દીધો. આ તરફ દીકરીના વિરહમાં રવજીભાઈની હાલત દિવસેને દિવસે વધારે બગડતી જતી હતી.

એક તરફ પ્રાંજલ અને પ્રથમેશનું હનીમૂન ચાલતું હતું તો બીજી તરફ રવજીભાઇના આખરી શ્વાસ. પાંચ દિવસથી રવજીભાઈ આઈસીયુમાં હતા. શિયાળાની કાતિલ ઠંડી રાત હતી અને રવજીભાઈ ની તબિયત કથળતી જતી હતી. હૃદયના ધબકારા અનિયમિત બનતા જતા હતા. તેમની જીભ પર એક જ નામ હતું…. પ્રાંજલ. તેઓ સતત એક જ વાક્ય બોલ્યે જતા હતા- કોઈ મારી પ્રાંજલને બોલાવો ને મારે એનું મોઢું જોવું છે….. કોઈ અત્યારે જ એને બોલાવી લો..... અને આમ છેલ્લી ઘડી નું રટણ ચાલતું હતું…… ને ત્યાં જ…… રવજીભાઇના શ્વાસ થંભી ગયા. દીકરીના વિરહમાં ઝૂરતા શરીરને છોડીને આત્મા અનંતની યાત્રા પાર ચાલ્યો ગયો.

અંતે જ્યારે પ્રાંજલને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તે પાછી આવી, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચુક્યું હતું. ઘરમાં દાખલ થતાંની સાથે જ તેને તેના પપ્પાની યાદો ઘેરી વળી.ફરતા ફરતા જયારે તેના પપ્પાના રૂમમાં આવી તો સામેની દીવાલ પાર એક ફોટો લટકતો હતો જેમાં એના પપ્પાને ઘોડો બનાવીને પોતે તેમના પર બેસેલી હતી.ફોટો જોઈને અત્યાર સુધી બાંધીને રાખેલો આંસુઓનો બંધ તૂટી ગયો ને પ્રાંજલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી. તે જ્યારે પપ્પા રૂમમાં બધું વ્યવસ્થિત મૂકતી હતી ત્યારે ઓશીકાં નીચેથી તેને એક ચીઠ્ઠી મળી. જેમાં લખ્યું હતું-

“બેટા.. પ્રાંજલ… દીકરી… આજદિવસ સુધી તને કોઈ વાતની ખોટ સાલવા નથી દીધી.તે જ્યારે એક ચોકલેટ માંગી છે ત્યારે તેને બે લાવી આપી છે. કોઈ રમકડું માગ્યું છે ત્યારે ઊભા ઊભા લાવી આપ્યું છે. કોઈ પોતાના દીકરાને જેટલા લાડ લડાવે તેટલા લાડ લડાવ્યા છે તને.એવી કંઈ વસ્તુ હતી કે જે તે માંગી હોય અને મેં ન લાવી આપી હોય? તો પણ તને તારા પપ્પા પર વિશ્વાસ ન આવ્યો? ખાલી એકવાર તો કહી જોયું હોત કે- પપ્પા પ્રથમેશ મને ગમે છે. મારાં લગ્ન કરાવી આપો. વાજતે-ગાજતે પરણાવેત.”

-લી. કન્યાદાન ન કરી શકનાર એક અભાગી બાપ.

જેમ-જેમ પ્રાંજલ વાંચતી ગઈ તેમ-તેમ તેના આંસુઓ કાગળ પર સુકાઈ ગયેલા રવજીભાઇના આંસુઓ ને ભીંજવતા ગયા. કદાચ આ જ બંને બાપ-દિકરી નું મિલન હતું…!!!

***