Operation Abhimanyu - 4 books and stories free download online pdf in Gujarati

ઓપરેશન અભિમન્યુ:પ્રકરણ-૪

ઓપરેશન અભિમન્યુ:

લેખકના બે શબ્દો...

જે નવલકથા મારા મનમાં ઘણા લાંબા સમયથી જીવંતરૂપે ચાલતી રહી હતી એને લાંબી દ્વિઘાના અંતે માતૃભારતી પર મૂકી રહ્યો છું. આ એક લાંબી નવલકથા છે જેમાં તમને એક્શન, સસ્પેન્સ અને રોમાન્સએ બધા રસનો સ્વાદ ચાખવા મળશે. આ કહાની છે ગુજરાત પોલિસના એસપી સુભાષ કોહલી અને તેમના ભવ્ય ભૂતકાળની. આ કહાની છે ઓપરેશન અભિમન્યુની.

પ્રકરણ ૪ ઉલટ તપાસ

પોલિસ કોલોનીના રસ્તાઓ આજકાલ જલ્દી સુમસામ બની જતા હતા. તેનું એક કારણ એ હોઈ શકે કે શિયાળાની શરૂઆતના લીધે અંધારું પણ જલ્દી થઇ જતું હતું. આવી જ એક અંધારી સંધ્યાએ નિહારીકા ફરી એસપી સુભાષ કોહલીના ઘરે પહોંચી. આજે તેણે સફેદ ટી-શર્ટ અને ગુલાબી કલરની નેરો જીન્સ પહેરેલી હતી. તેની સામે જ મિસીસ કોહલી બગીચામાંના ફૂલના છોડને પાણી આપી રહ્યા હતા. તેમની ઉપસ્થિતિને જોતા અને ખરેખર તો તેમનું ધ્યાન દોરવા માટે ઘરના આંગણમાં પ્રવેશતા પહેલા નિહારીકાએ ગેટની સ્ટોપર ખખડાવવાનું ઉચિત સમજ્યું.

“ઓહ્હ, પ્લીઝ તમે અંદર આવી શકો છો.” સ્ટોપરના અવાજથી મિસીસ પલ્લવી સુભાષ કોહલીનું ધ્યાન મુખ્ય દરવાજા તરફ ગયું. ત્યાં ઉભેલી નિહારિકાને જોઇને તેને આવકાર આપતા કહ્યું.

“મેમ શું એસપી સાહેબ ઘરે આવી ગયા છે.?” ગેટ ખોલીને અંદર પ્રવેશતા જ નિહારીકાએ નિર્દોષપણે સવાલ કર્યો.

“તમે અંદર બેસો એ બસ આવતા જ હશે.” ફૂલોના છોડને પાણી આપતા આપતા જ પલ્લવીએ કહ્યું. ”મેં તમને કાલે જોયા હતા પણ મુસાફરીના થાકને લીધે જલ્દી આરામ કરવા માંગતી હતી તો ત્યારે કઈ પણ વાતચીત કરવી મારા માટે શક્ય નહતી. વેસે તમે તમારો પરિચય આપશો.?” નિહારિકા અંદર જવાના બદલે પેવરબ્લોકના વોક વે પર પલ્લવી પાસે જ થોડીવાર ઉભી રહી એટલે પલ્લવીએ વાતચીત શરૂ કરી.

“મેમ હું નિહારિકા દવે છું. હું સ્વતંત્ર સમાચારની એન્કર છું.” નિહારીકાએ પલ્લવી સામે હાથ ધર્યો.

“અરરે વાહ એ તો ખુબ સરસ કહેવાય. બાય દ વે હું સ્વતંત્ર સમાચાર ચેનલની ચાહક છું પણ તમને કદી ચેનલ પર કોઈ શો હોસ્ટ કરતા જોયા નથી.” પલ્લવીએ નિહારિકા સાથે હાથ મિલાવતા કહ્યું.

“જી મેમ એ હું હજુ હમણાં જ એક એન્કર તરીકે જોડાઈ છું. તમે મારો શો ‘આપણા રક્ષકો’ દર રવિવારે રાત્રે ૮ થી ૯ ની વચ્ચે જોઈ શકો છો. આપણા રક્ષકો એક જ એવો શો છે જેને હું હોસ્ટ કરું છું. આ શો નો પ્રથમ એપિસોડ હમણાં ગયા અઠવાડિયે જ એસપી સાહેબ સાથે પ્રસારિત થયો. એન્કરીંગ સિવાય ચેનલમાં મારું કામ અમદાવાદ શહેરના મુખ્ય સંવાદદાતા તરીકેનું છે.” નિહારીકાએ વાતને આગળ વધારતા કહ્યું.

“સરસ, હું હવેથી તમારો શો ચોક્કસ જોઇશ. તો તમે શોના સિલસિલામાં એસપી સાહેબને મળવા આવ્યા હશો.? અંદર બેસો એ બસ હવે પહોંચવા જ આવ્યા હશે.” પલ્લવીએ ફૂલના છોડને પાણી આપવાનું કામ પૂર્ણ કર્યું.

“નહિ નહિ મેમ એ તો હું એમની પાસે એમના ભૂતકાળમાં બનેલી એક વાત સાંભળવા આવી છું. દિલ્લી પોલીસમાં ACP તરીકે ફરજ બજાવતા એમણે જે અભિયાન હાથ ધરેલું એની આ વાત છે જેના પરથી હું એક નવલકથા લખવા માંગું છું. એમણે મને એ અભિયાનનું નામ પણ કહેલું. એ શું હતું ઓપરેશન...ઓપરેશન...” નિહારીકાએ યાદ કરવાની કોશિશ કરી પરંતુ યાદ ન આવતા તેણે બેગમાંથી પોતાની ડાયરી કાઢી અને તેના પાના ફેરવવા લાગી.

“ઓપરેશન અભિમન્યુ.?... લ્યો તમારા એસપી સાહેબ પણ આવી ગયા.” પલ્લવીએ જ નિહારીકાને જવાબ આપ્યો. જવાબ આપતી વખતે પલ્લવીના ચેહરાની રેખાઓ તંગ બની ગઈ તથા તેનો મિજાજ પહેલા કરતા બદલાઈ ગયો. ખાસ કરીને જે તિરસ્કારથી એણે એસપી સાહેબના આગમનની વાત કરી એ નિહારીકાના હૃદય સોંસરવી ઉતરી ગઈ. કોઈ વિજળીનો ઝટકો લાગ્યો હોય એમ ડાયરીમાંથી માથું ઉચકીને નિહારિકા પલ્લવી સામે જોવા લાગી. નિહારિકા પર હવે વધુ ધ્યાન ન આપતા પલ્લવી પોતાનું કામ પતાવીને ઘરની અંદર જવા લાગી. પરંતુ એસપી સાહેબને આવતા જોઈ નિહારિકા થોડીવાર ત્યાં જ ઉભી રહી.

“અરરે તમે તો મારા ગઈકાલના શબ્દોને પુરવાર કરી દેખાડ્યું કે દરેક જગ્યાએ પોલિસ કરતા મીડીયાવાળા વહેલા પહોંચી જાય છે. આજે તો તમે મારા જ ઘરે મારાથી પણ વહેલા પહોંચી ગયા. ” નિહારિકા પાસે પહોંચીને એસપી સાહેબએ મજાક કરતા કહ્યું. એના પર બંને જણા ખડખડાટ હસી પડ્યા.

“બાય દ વે કેવું ચાલે કામકાજ.?” નિહારિકા સાથે જ ઘરની અંદર ચાલતા ચાલતા એસપી સાહેબે ઔપચારિક સવાલ કર્યો.

“સારું ચાલે છે સર.” નિહારીકાએ ટૂંકમાં ઔપચારિક જવાબ આપ્યો.

“તો ડાયરેક્ટર સાહેબને પોતાનો નિર્ણય બદલવો પડ્યો.?”

“બદલવો જ પડે ને આ શહેરના એસપી હવે મારા ઓળખીતા થઇ ગયા છે.!” બંને ફરીથી હસવા લાગ્યા.

“ઓહ્હ સો સોરી કે તમારા બંનેનો પરિચય કરાવતા ભૂલી ગયો.” ઘરમાં પ્રવેશ્યા બાદ એસપી સાહેબે પલ્લવીને જોતા કહ્યું.

“નિહારિકા આ છે...” એસપી સાહેબે કહ્યું.

“મિસીસ પલ્લવી સુભાષ કોહલી. તમારા ધર્મપત્ની.!” નિહારીકાએ એસપી સાહેબની વાત અધવચ્ચે કાપતા કહ્યું.

“અને પલ્લવી આ છે...”

“મિસ નિહારિકા દવે જે સ્વતંત્ર સમાચાર ચેનલની સંવાદદાતા તથા એન્કર પણ છે.” આ વખતે પલ્લવીએ એસપી સાહેબની વાત અધવચ્ચે કાપતા કહ્યું.

“ઓહ્હ તો તમે એકબીજા સાથે ઓળખાણ કેળવી લીધી છે. એ સારું કહેવાય. પલ્લવી, નિહારિકા હવે થોડા દિવસો સુધી આપણા ઘરની મુલાકાત લેતી રહેશે અને નિહારિકા હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધી તમે પલ્લવીના હાથની ચાયની મજ્જા માણશો.?”

પલ્લવી રસોડામાં જતી રહી અને એસપી સાહેબ પણ બેડરૂમમાં જતા રહ્યા. નિહારીકાએ સોફા ઉપર બેઠક લીધી અને સામેની દીવાલ પર રહેલી ફોટોફ્રેમને એકીટસે જોવા લાગી. તેના મનમાં ઘણા સવાલ ઉઠ્યા. એસપી સાહેબના અરેંજ મેરેજ કદાચ ન હોઈ શકે. શું તેમના લવ મેરેજ થયા હશે.? કાલે એમણે જે વાત કરી એના પરથી લાગ્યું કે પલ્લવી જ પેલી મેટ્રોવાળી ઘટના માટે જવાબદાર છે તો શું એસપી સાહેબે એક ગુનેગાર સાથે લગ્ન કર્યા અને ઓપરેશન અભિમન્યુનો ઉલ્લેખ થતા મેડમે કેમ અચાનકથી પોતાનો મૂડ બદલી લીધો. ઘણા સવાલો હતા જવાબ ફક્ત આગળની વાર્તા સાંભળવાથી જ મળવાનો હતો. નિહારિકા ઉત્સુકતા સાથે એસપી સાહેબની રાહ જોવા લાગી.

ઘરના બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યાં એસપી સાહેબ પલ્લવી મેડમ સાથે કશીક વાતે દલીલ કરી રહ્યા હોવાથી નિહારીકાનું ધ્યાન ખેંચાયું. એસપી સાહેબની નજર નિહારિકા પર પડી એટલે બંને દલીલ ત્યજી પોતપોતાના કામે વળગ્યા. એસપી સાહેબ બેઠકરૂમમાં આવ્યા અને નિહારિકા પાસે સોફા પર બેઠક લીધી.

“સર ઓપરેશન અભિમન્યુનો ઉલ્લેખ થતાં મેડમનો મિજાજ બદલાઈ ગયેલો. અગર આ એટલું સીરીયસ હોય તો આપણે આ વાર્તા અહી જ અટકાવી દેવી જોઈએ.”

“એવું કશું નથી નિહારિકા અને મેં પ્રોમિસ કર્યું છે એટલે વાર્તા તો હું પૂરી કરીશ જ.” નિહારિકા હજુ પણ ચિંતિત મુખે એસપી સાહેબ સામે જોઈ રહી.

“તમે ચિંતા ના કરો અને બાકી બધું ભૂલી જાઓ. હા તો ક્યાં હતા આપણે.?” અને સુભાષ કોહલીએ ફરી વાત આગળ વધારી...

@ @ @

એ સવાર ખુબ જલ્દી પડી ગયેલી. રાત્રે મોડા સુવાનું થયું હોવાથી સવારે આંખો પણ નહતી ખુલતી. એવામાં રાઘવનો ફોન મારા ફોન પર આવ્યો. અડધીપડધી ખુલ્લી આંખે મેં ફોન જોયો અને ઉપાડ્યો. માહ્યેલા અવાજે તેને હેલ્લો કીધું.

“ભાઈ તે ઘોડાની સાથે સાથે આખો તબેલો વેંચી નાખ્યો છે કે શું.?” રાઘવના આવા તીખા શબ્દોએ મારી ઊંઘ સંપૂર્ણ રીતે ઉડાડી દીધેલી.

“સર એ મારી આંખ લાગી ગયેલી તો ઉઠવામાં થોડું મોડું થઇ ગયું.” હું મારા બિસ્તર પરથી ઉભા થતા બોલી રહ્યો.

“તો હવે આંખોના પોપચા ઉઘાડ અને તૈયાર થઇ જા. અસલમ તારા ઘરે આવતો જ હશે. તેને લઈને તમે બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પહોંચી જાઓ. એમની પાસે કાલની મેટ્રોવાળી ઘટના વિષે આપણા માટે મસાલાદાર ખબર છે.!” કેસ ગમે તેટલો જટિલ શું કામ ન હોય. રાઘવ પોતાના સહકર્મચારીઓ સાથે સવારે આમ જ રમુજી મુડમાં વાત કરતો.

“હા સર બસ પાંચ જ મિનિટમાં તૈયાર થઇ ગયો સમજો.” ડાબા ખભા અને ડાબા કાનની વચ્ચે ફોન ભરાવેલો રાખીને બંને હાથને બેસિનમાં ધોતા મેં રાઘવને જવાબ આપ્યો.

“અરરે ના ભાઈ તું તારે આરામથી તૈયાર થજે અને બનીઠનીને આવજે. આમે આજે પેલી બ્લેક સફારીવાળીની પુછતાછ કરવાની થશે કદાચ એને તું ગમી જાય તો તારું ગોઠવાઈ જાય.” રાઘવે ટીખળ કરતા કહ્યું. તેનું આ વિધાન મારા કપાળ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયર થયું હોય એના જેવું લાગ્યું. કારણ કે રાઘવના આ વિધાને મને કાલ રાતનું પેલું દ્રશ્ય યાદ કરાવી દીધેલું. ત્યારે મને હજુ શંકા હતી કે ક્યાંક એ એ પલ્લવી તો નહતી ને જેને હું ઓળખતો હતો.? ખેર જવાબ તો એની સાથે મુલાકાત થાય એ પછી જ મળવાનો હતો.

“શું સર તમે એ સવાર સવારમાં મજાક કરો છો.” મહામુસીબતે મેં જવાબ આપેલો.

“ના યાર હું સાચું જ કહુ છું. આપણી ટીમમાં હવે આપણે બે જણા જ કુંવારા બાકી બચ્યા છીએ. એક તું અને બીજો હું. બંનેનું આ દુનિયામાં બીજું કોઈ નથી જે આપણા માટે લાયક પાત્ર શોધી શકે. સાચી વાત.?” રાઘવ સાથે કામ કરવું આમ તો અઘરું હતું છતાં તનાવ વખતે તેના સાથે થતી આવી રમુજી વાતોથી તનાવમુક્ત બની જવાતું.

“હા સર, હું બસ હમણાં તૈયાર થઈને પહોંચ્યો સમજો.!” વાતને ટાળવા માટે મેં પ્રયાસ શરૂ કર્યા.

“તો હવે આપણે આપણી જીવનસાથીની પસંદ આવા રિમાન્ડમાં આવેલા લોકોમાંથી જ પૂરી કરવી પડશે ને.?”

“જી સર, હું હમણાં તૈયાર થઈને પહોંચું એટલે તમારું એની જોડે ગોઠવી દઈએ.” મેં કહ્યું અને અમે બંને જોરજોરથી હસવા લાગ્યા. રાઘવ સવારે એક દોસ્ત જેવો હતો એટલે સવારે એની જોડે મજાક મસ્તી ચાલ્યા કરતી, બપોર આવતા સુધીમાં એ મોટોભાઈ બની જતો અને રાત પડતા પડતા એ મારો બાપ બની જતો. એ વખતે ભૂલથી પણ એની સાથે મશ્કરી કરવી હિતાવહ નહતી.

ત્યારબાદ અસલમ મારા ઘરે આવ્યો એટલે હું જલ્દીથી તૈયાર થઈને અસલમ સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પહોંચી ગયો. ત્યાના એક ડોક્ટર અમને એક રૂમમાં લઇ ગયા. ત્યાં બે અલગ અલગ સ્ટ્રેચર ઉપર બે મડદા પડેલા હતા. આમ તો તે મડદા કહેવાને પણ લાયક નહતા રહ્યા. ફક્ત માંસના લોચા જ બચ્યા હતા.

“અમારી ટીમે પુરાવાઓ શોધવા અથાગ મેહનત કરેલી ત્યારબાદ આ બે ડેડબોડી મળ્યા હતા.” ડોકટરે કહ્યું. અમે મો પર રૂમાલ રાખ્યો હોવા છતાં દુર્ગંધના લીધે અમારું માથું ભમતું હતું.

“આ બે ડેડબોડીમાં ખાસ વાત શું છે.?” અસલમે ડોક્ટરને પૂછ્યું.

“સર આ ડેડબોડી મેટ્રોમાં બ્લાસ્ટ થયેલા વ્યક્તિનું છે અને આ ડેડબોડી પેલી કારમાં બ્લાસ્ટ થયેલા વ્યક્તિનું છે. બંને વચ્ચે એક બાબતે સામ્યતા છે કે બંનેના પેટમાંથી અમને ઇલેક્ટ્રિક ચીપ અને અમુક વાયર મળ્યા છે. ” મોઢા પર માસ્ક ઢાકી રાખીને ડોક્ટર બોલી રહ્યા હતા.

“મતલબ કે તેઓ આત્મઘાતી માનવબોમ્બ બન્યા હતા.?” આ જાણકારી અમને હચમચાવી મુકે એવી હતી. હું અને અસલમ એકબીજાને દિગ્મૂઢ નજરે જોઈ રહ્યા.

“જી સર, યું આર રાઈટ.”

“ડોક્ટરસાહેબ, અમે કુલ છ શકમંદોના સ્કેચ જાહેર કરેલા છે જેઓ એક બ્લેકકલરની સફારી કારમાં આવેલા હતા. તેઓએ પ્રગતીમેદાન મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરેલી અને તેમાંથી ત્રણ લોકો મેટ્રોમાં સફર કરવા ઉતરી ગયેલા. બાકીના ત્રણ ફરી પોતાની કારમાં બેસીને આગળ વધ્યા. અહી અગર એક બોડી એ કારમાં બ્લાસ્ટ થયેલા વ્યક્તિનું છે અને આ બીજું બોડી મેટ્રોમાં બ્લાસ્ટ થયેલા વ્યક્તિનું છે તો એક વાત નક્કી કે મેટ્રોમાં બ્લાસ્ટ થયેલો આ વ્યક્તિ પેલી સફારીકારમાંથી ઉતરેલાં ત્રણ લોકોમાંનો એક હશે.”

“હા હન્ડ્રેડ પરસેન્ટ”

“ડોક્ટર શું એ પોસીબલ છે કે અમે છ એ છ આત્મઘાતી માનવબોમ્બના ડેડબોડી પ્રાપ્ત કરી શકીએ.?”

“મિ.સુભાષ આપણે લકી કહેવાઈએ કે આપણને આ બે ડેડબોડી મળ્યા બાકી આવા કેસમાં કોઈપણ પુરાવો મેળવવો ખુબ અઘરી વાત છે કારણકે બોમ્બ તેમની બોડીમાં હોવાથી આવા કેસમાં માંસના લોચા સિવાય કઈ નથી બચતું.”

“ઓકે ધન્યવાદ આપનો.!”

“અસલમ એમના બોડીમાંથી મળેલા ઇલેક્ટ્રિક ઉપકરણોને કોઈ ઇલેક્ટ્રિક ઈજનેર પાસે મોકલી દઈએ. આ બાબતે તેઓ વધુ જાણકારી આપી શકશે.” મેં કહ્યું. અમે લોકો ત્યાં વધુ ઉભા રહી શકીએ તે શક્ય નહતું. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી અમે ત્રણે એ રૂમમાંથી બહાર આવતા રહ્યા. રૂમમાંથી બહાર આવ્યા બાદ મેં રાઘવને ફોન જોડ્યો.

“હા સુભાષ બોલ શું ખબર છે.?”

“સર એ લોકો ટાઇમબોમ્બ નહતા લાવેલા. એ લોકો ખુદ એક ચાલતા ફરતા ટાઇમબેસ્ડ આત્મઘાતી માનવબોમ્બ હતા.” મેં કહ્યું. રાઘવ કઈ ન બોલ્યો, કદાચ તે અવાક બની ગયેલો.

“કદાચ પેલી બ્લેક સફારીમાં આવેલા છ એ છ લોકો આવા ટાઇમબેસ્ડ આત્મઘાતી માનવબોમ્બ હતા. ત્રણ લોકો પ્રગતીમેદાન મેટ્રો સ્ટેશન પરની મેટ્રોમાં બ્લાસ્ટ થયા. બીજા ત્રણ લોકો નજીકમાં બીજે બ્લાસ્ટ થવા જવા માંગતા હતા પરંતુ આપણા લીધે તેઓને ખલેલ પહોંચી અને રસ્તા વચ્ચે જ બ્લાસ્ટ થઇ ગયા.”

“એ લોકો નજીકમાં બીજે ક્યાં જવા માંગતા હતા.? આ પ્રશ્નનો જવાબ કદાચ પેલી મહિલા જ આપી શકશે. સુભાષ તું હેડક્વાટર પહોંચી જા. તારી ભાભીની પુછતાછ કરવાની થશે.”

@ @ @

“મિ આઈ કમ ઇન સર.!” હું અસલમની સાથે દિલ્લી પોલિસ હેડક્વાટર પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા બાદ એક કોન્સ્ટેબલે મને એસપી રાઘવ શર્માની ચેમ્બરમાં જવા માટે સુચના આપી. હું ૮માં માળે આવેલી રાઘવની ચેમ્બરના દરવાજે ઉભો રહ્યો. દરવાજો ખુલ્લો જ હોવા છતાં મેં દરવાજો ટક-ટકાવીને પૂછ્યું.

“હા સુભાષ અંદર આવીજા.” રાઘવ કોઈ ફાઈલમાં માથું નાખીને બેઠો હતો. મારા અંદર પ્રવેશ્યા બાદ તેણે ફાઈલમાંથી પોતાનું માથું ઊંચું કર્યું અને મને બેસવા માટે કહ્યું.

“સુભાષ તારી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મુલાકાતથી એક વાત તો સાબિત થાય છે કે આતંકવાદીઓ ટાઇમબેસ્ડ આત્મઘાતી માનવબોમ્બ હતા. ટાઇમબેસ્ડ એટલા માટે કે મેટ્રોમાં અને પેલી કારમાં બંને જગ્યાઓએ તેઓ સંભવત એક જ સમય પર બ્લાસ્ટ થયા.”

“જી સર..!”

“તે છતાં અમુક પ્રશ્નોના જવાબ મળવાના હજુ બાકી છે, જેમકે તેમનો મકસદ શું હતો.? તેઓને આ બ્લાસ્ટ કરીને આટલી જિંદગીઓ હોમીને શું મળ્યું.? અને બીજી કઈ જગ્યા તેમના નિશાના પર હતી.? હજુ સુધી સીમાપારના કોઈપણ આતંકવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી લીધેલી નથી અને આ તરફ આપણા ઉપર માછલા ધોવાના ચાલુ થઇ ગયા છે.”

“જી સર..!”

“આ ઘટનાની એકમાત્ર શકમંદ પેલી મહિલા, જેનું નામ છે...” રાઘવે કહ્યું ત્યારબાદ નામ યાદ ન આવતા રિપોર્ટ જોવા માથું નમાવ્યું. “હાં..પલ્લવી કેલકર” અને મારી સામે જોતા કહ્યું. નામ સાંભળીને મને ફરી એકવાર તમ્મર ચડી ગયા. કોલેજકાળનો એક સંબંધ યાદ આવી ગયો, સાત વર્ષ પહેલા તૂટી ચુકેલો એ સંબંધ યાદ આવી ગયો.

“હું ઈચ્છું છું આ જેટલા મુદ્દા મેં તને કહ્યા એના વિષે આપણે એની પાસેથી વધુને વધુ વિગત મેળવી શકીએ. તું જાણશ એમ કોઈપણ વાત કઢાવવા માટે સૌથી વધારે હું થર્ડ ડિગ્રી વાપરવામાં માનું છું. જો કે એ એક મહિલા હોવાના લીધે આપણે તેને વધુ ટોર્ચર નહિ કરી શકીએ અને એટલા માટે જ વાત કઢાવવાની મોટાભાગની જવાબદારી હું તને સોંપું છું.” રાઘવે કહ્યું. ત્યારબાદ ફરી એકવાર દરવાજા પર ટકોરા પડ્યા. રાઘવે આગંતુકને અંદર આવવા કહ્યું.

“સર એ પલ્લવી કેલકરને લઇ આવ્યા છીએ. રિમાન્ડ હોમમાં એને બેસાડેલ છે.!” એક કોન્સ્ટેબલ અંદર આવ્યો અને કહ્યું.

“જાઓ અમે લોકો હમણાં ત્યાં પહોંચીએ છીએ.” રાઘવે આટલું કહીને પેલા કોન્સ્ટેબલને રવાના કર્યો.

“હું ત્યાં હાજર રહીશ પરંતુ મુખ્ય પુછતાછ તારે સંભાળવાની રહેશે. મગજ કાબુમાં રાખજે અને ચતુરાઈપૂર્વક કામ લેજે. આ મહિલાઓ સાથે કામ લેવું આમે બહુ અઘરું છે. ચલ આપણે હવે ત્યાં પહોંચી જઈએ.”

@ @ @