Ank :15 Soorne sathvare books and stories free download online pdf in Gujarati

અંકઃ ૧૫ સૂર શબ્દને સથવારે સોનુ નિગમ

સૂર, શબ્દને સથવારેઃ સૌમ્યાં જોષી.

jsaumya762@gmail.com

થોડા સમય પહેલા યુટ્યુબ પર એક વિડીઓ પ્રસારિત થયેલો. હાર્મોનિયમ લઈને મુંબઈની સડકો પર ઉઘાડપગે ભટકતા, મેલાંઘેલાં કપડા પહેરેલા, કાબરચીતરાં વાળ અને દાઢીવાળા એક જૈફ વયના આદમીને દર્શાવતો આ વિડીઓ ખાસ્સો લોકપ્રિય બનેલો.અનેક લોકો ફૂટપાથ પર કંતાનનું આસન જમાવીને હાર્મોનિયમ બજાવતા બજાવતા સૂરીલા અવાજે ગાઈ રહેલા, ભિક્ષુક જેવા લાગતા એ આદમી પરત્વે સહેજ પણ ધ્યાન આપ્યા વિના પસાર થઈ જતા હતા તો કેટલાક લોકો, કદાચ કૂતુહલવશ, થોડીવાર માટે રોકાઈને, એઅજ્ઞાતકળાકારની કળાને થોડી ક્ષણો માટેમાણ્યા બાદ પોતપોતાને રસ્તે નીકળી જતા હતા. કોલેજીયન જેવા લાગતા એકયુવાને આ જૈફ આદમી પાસે, તેનો અવાજ પોતાના મોબાઈલ ફોનમાં રેકર્ડ કરવા માટે પરવાનગી માંગી. પછીતો ખાસ્સા લોકોનું ટોળું ત્યાં જમા થઈ ગયું! પેલા યુવકે પૂછ્યું પણ ખરા કે, “અંકલ આપને નાશ્તા કિયા?” અને પછી ખિસ્સામાંથી પૈસા કાઢીને પેલા કળાકારના હાથમાં પકડાવ્યા પણ ખરા! એસમયે એ યુવકને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે એ જેની કળાને સરાહી રહ્યો હતો, જેના હાથમાં બક્ષિશ રૂપે રોકડા રૂપિયા બાર મૂકી રહ્યો હતો એ કોણ હતું?

એ કોઈ સામાન્ય કળાકાર તો ન જ હતો એ તો એણે છેડેલા સૂર પરથી જ લોકોને ખ્યાલ આવી જવો જોઈતો હતો. પણ ભારે મેકઅપથી પોતાની જાતને છૂપાવવામાં સફળથયેલા એ જૈફઆદમીને જોઇને ભલા કોણ કહી શકે એમ હતું કે ‘કલ હો ના હો’ ફિલ્મનું “હર ઘડી બદલ રહી હૈ રૂપ ઝીંદગી.....” ગાઈ રહેલો એ પોતે જ એ ગીતનો અસલી ગાયક હતો!

જી હા, આપણે વાત કરી રહ્યાં છીએ સોનુ નિગમની. ઊંચો, ફૂટડો, સોહામણો, વિખરાયેલા ઝૂલ્ફાંવાળો, કસુંબલ ઘૂંટ્યા સુરીલા કંઠે, માત્ર પસંદગીના જ ગીતો ગાતો, પોતાના દેખાવમાં વારંવાર ફેરફાર કરતો, ક્યારેક લાંબાવાળ સાથે તો ક્યારેક અલ્લાઉદીન સ્ટાઈલના પાયજામામાં પર્ફોર્મન્સ આપતો આ વર્સેટાઈલસિંગર, સ્ટેજ પર ભલભલા ગાયક, ગીતકાર, સંગીતકારની અચ્છી મીમિક્રી કરીને લોકોને લોટપોટ હસાવી પણ જાણે છે. પણ આ રીતે જાહેરમાં પોતાની ઓળખ છુપાવીને, કોઈ સહાયકની મદદ વિના જ આમ સરેઆમ જનતાની વચ્ચે પરફોર્મન્સ આપીને સોનુએ એક અનોખી મિસાલ આપીછે.

૩૦ જુલાઈ, ૧૯૭૩ના રોજ હરિયાણાના ફરીદાબાદ શહેરમાં જન્મેલા સોનુનાં પિતા અગમકુમાર દિલ્હીના ખ્યાતનામ સ્ટેજ આર્ટીસ્ટ હતા. બાળપણમાં જ પિતાને અને ક્યારેક માતાને પણ સ્ટેજ પર પરફોર્મ કરતા જોઇને નાનકડા સોનુના મનમાં થતું કે પોતે પણ મોટા થઈને ગાયક બનશે અને સ્ટેજગજાવશે!

દિલ્હીમાં શાળાનાં શિક્ષણ દરમિયાન સોનુએ અનેક ગાયન સ્પર્ધાઓમાં ભાગ લીધો અને દર વખતે પ્રથમ ઇનામ જીત્યાં! નવમા ધોરણમાં આવ્યા પછી તો એ હાલ થયો કે હવે સોનુને કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં ન આવતો! નહીં તો પછી અન્ય કોઈને જીતવાની તક જ ન મળે! એટલે પછી આ છોટે ઉસ્તાદને નિર્ણાયકની ભૂમિકા ભજવવા માટે આમંત્રિત કરવામાં આવતા! બાર ધોરણ સુધીનો અભ્યાસ દિલ્હીમાં જ પૂર્ણ કર્યા બાદ, ૧૯૯૧માં અઢાર વર્ષની વયે, ફિલ્મોમાં પ્લેબેક કરવાના નિર્ધાર સાથે મુંબઈ આવીને વસેલા સોનુ માટે સફળતા જો કે હજુ ઘણી દૂર હતી. સૌપ્રથમવારસોનુએ‘આજા મેરી જાન’ નામનીએક ફિલ્મ માટે પ્લેબેક કર્યુઁ. દુર્ભાગ્યે એ ફિલ્મ રિલીઝ જ ન થઈ! જો કે, એ સમયે જેનો સિતારો આસમાને હતો એવા ટી સિરીઝ કેસેટ કંપનીના માલિક ગુલશન કુમારે સોનુના અવાજનું હીર પારખ્યું અને ‘રફી કી યાદેં’ નામક એક આલ્બમ માટે ગાવાની સોનુને તક આપી. ગાયકીમાં રફીસાહેબને પોતાનો આદર્શ માનતા સોનુ માટે આ બહેતરીન તક હતી. ત્યારબાદ ફિલ્મ‘બેવફાસનમ’ માટે સોનુએ ગાયેલું ગીત, ‘અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા......’ ખાસ્સું લોકપ્રિય થયું.

સોનુને અસલી ઓળખ મળી ઝી ટીવી પરના કાર્યક્રમ‘સા રે ગા મા’ થી. આજે પણ જેની લોકપ્રિયતામાં જરાપણ ઓટ નથી આવી એવા આ કાર્યક્રમનો બેશકએ સમયે શરૂઆતનો તબક્કો હતો. પરંતુ’૯૫ની સાલમાં ટીવીના ટચૂકડાપડદે આ કાર્યક્રમનો દબદબો કંઈ ઓર જ હતો. પંડિત રવિશંકર, ગુલામ મુસ્તુફા, નૌશાદ, પરવીન સુલતાના જેવા દિગ્ગજ નામો એ કાર્યક્રમમાં નિર્ણાયકની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂકેલા. પણ ‘સા રે ગા મા’ની એ સમયની અપ્રતિમ સફળતા અને અપાર લોકચાહનામાં સોનુ નિગમનો ફાળો જરીકેય નાનોસૂનો ન હતો. પોતાની આગવી છટાથી આખાયે કાર્યક્રમનું સંચાલન કરતા સોનુએ યુવાનોને ઘેલું લગાડ્યું હતું! એનું પ્રમાણ આ રહ્યું.

સન ૧૯૯૫ના, નવેમ્બર મહિનામાં એક સ્ટેજ શો માટે ઇઝરાયેલ જઈ રહેલા સોનુ સાથે ફિલ્મ અભિનેતા ચંકી પાંડે અને અન્ય સાથી કલાકારો હતા. એ સમયે ‘સા રેગા મા’નું પ્રસારણ શરુ થયાને છ મહિના જેટલો સમય થયો હતો. ઇઝરાયેલનાં એરપોર્ટ પર યુવાનોનું ટોળું ચંકી પાંડેને ઘેરી વળ્યું. યુવતીઓએ ચંકીના ચેહરા પર ચુંબનોનો મારો ચલાવ્યો!

ચંકીની પાછળ પાછળ સામાન ઊંચકીને ચાલી રહેલા સોનુના મનમાં આ તમાશો જોઈને મીઠી ઈર્ષ્યા સળવળી રહી હતી! ‘ખેર, હીરો એટલે હીરો! એની લોકપ્રિયતા આગળ મારા જેવા નવાસવા ગાયકનું શું ગજું?’ એમ વિચારી રહેલા સોનુએ જોયું કે અચાનક પેલું ટોળું ચંકીને છોડીને પોતાના તરફ આવી રહ્યું હતું! પોતાની પાછળ કોઈ અન્ય સ્ટાર આવી રહ્યો હશે એમ વિચારીને સોનુએ ચાલવા જ માંડ્યું! પણ આ શું! જોતજોતામાં એ ટોળું સોનુને ઘેરી વળ્યું. સોનુના ચેહરા પર તસુભારપણ જગ્યા બાકી ન રહી કે જ્યાં લીપ્સ્ટીકના નિશાન ન હોય!

૧૯૯૧થી ૧૯૯૫નાં ચાર વર્ષનો અત્યંત સંઘર્ષભર્યો સમય હવે પૂરો થયો હતો. સોનુને ખુદની ઓળખ મળવાની શરૂઆત થઈ ચૂકી હતી! ૧૯૯૭માં રજૂ થયેલી ફિલ્મ ‘બોર્ડર’નાં ગીત ‘સંદેશે આતે હૈ.....’થી સોનુ નિગમ નામના એક યુગનો જાણે કે પ્રારંભથયો! મુકેશ, મોહમ્મદ રફી અને કિશોર કુમાર પછી સોનુ નિગમ જ કદાચ એક એવું નામ છે કે જેના ગીત વિના કોઈ પણ ફિલ્મ અધુરી માનવામાં આવતી હતી.

‘સાથિયા’ અને કલ હો ના હો’ માટે બે બે વાર ફિલ્મફેર પુરસ્કાર અને ‘કલ હો ના હો’ માટે શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર સોનુએ વર્ષોવર્ષ જીતેલા શ્રેષ્ઠ ગાયક તરીકેના અન્ય પુરસ્કારોની યાદી ઘણી જ લાંબી છે. પહેલાની સરખામણીએ ફિલ્મોમાં પ્લેબેક ઓછું આપતા સોનુ, આજકાલ પોતાની પસંદગીના બેનર્સ, પસંદગીના ગીતોમાં જ પ્લેબેક આપે છે.

પુષ્કળ નામ-દામ કમાઈ ચૂકેલા આ બેનમૂન ગાયકને, હવે તેને કોઈ પછાડીને આગળ નીકળી જશે, એવો ભય નથી. વ્યવસાયિક દબાણ વિના મોજથી પોતાની મનપસંદ પ્રવૃતિઓ કરતો આ અદ્ભૂત ગાયક વિદેશોમાં સ્ટેજ શો કરે છે, દુનિયાભરના સંગીત પ્રેમીઓના દિલ જીતે છે અને ખુદ પણ તરેહ તરેહના સંગીતને જાણે અને માણે છે.