Vate thay vada - 2 books and stories free download online pdf in Gujarati

વાતે થાય વડા

  • સસલો બન્યો રાજા.
  • એક જંગલ હતું. એ જંગલમા ઘણાં બધાં પ્રાણીઓ રહેતાં હતાં.તેમાં એક હાથી રહેતો હતો. તે જંગલના પ્રાણીઓને ખુબ જ હેરાન કરતો હતો. જંગલના પ્રાણીઓ એનાથી ખુબ જ કંટાળી ગયા હતા. હાથી ગમે ત્યારે ગુસ્સામાં આવી પ્રાણીઓને હેરાન - પરેશાન કરતો હતો. જંગલના પ્રાણીઓ જોડે કોઇ રસ્તો પણ ન હતો. એક દિવસ બધા પ્રાણીઓ ભેગા થયા અને વિચારવા લાગ્યા કે હવે શુ કરવું? ત્યાં એક હોશિયાર સસલુ ચુપચાપ બેઠુ હતું. તે બોલ્યુ “ જુઓ ભાઇઓ તમે બધા નાહક્ની ચિંતા કરો છો હું, તે હાથીને બરાબર પાઠ ભણાવવાનો છું.” જંગલના પ્રાણીઓ તો જોરજોરથી હસવા લાગ્યા. શિયાળ કહે “સસલા ભાઇ તમે ક્યાં અને હાથી ક્યાં? જંગલના બાહોશ પ્રાણીઓ જેની આગળ થાપ ખાઇ જાય એ હાથી તમારા રામ રમાડી દેશે.” તો વરુ બોલ્યું “સસલાભાઇ સિંહ અને રીંછ પણ એનાથી ડરે છે તો પછી તમારી શું વિસાત?”સસલુ કહે “શિયાળભાઇ આ વખતે મેં બરાબરની યુક્તિ વિચારી રાખી છે. સિંહ રાજા કહે “સારું સસલાભાઇ, તમે જો આ કામ કરવા માગતા જ હો તો અમારા માટે સારી બાબત છે તમારા આ કામમાં સફ્ળ થશો તો ઇતિહાસ તમારી નોંધ લેશે અને હું તમને રાજા બનાવીશ” . બીજો દિવસ થયો એટલે સસલાભાઇ તો પહોંચી ગયા હાથીભાઇ પાસે. ત્યાં જઇને કહેવા લાગ્યા. “ કેમ છો હાથીભાઇ ? મજામાં? હાથી કહે” એ સસલા અહીં કેમ આવ્યો છે લ્યા? સસલુ કહે “હાથીભાઇ મને બધા પ્રાણીઓએ મોક્લ્યો છે તમને આ જંગલના રાજા બનાવવાના છે. બોલો, બંનવુ છે ને રાજા? હાથી તો ખુશ થયો કહે “કેમ નહીં? ચાલો મારે આવવું જ પડશે.” કહી હાથી ભાઇ તો સસલાની પાછળ પાછળ ચાલ્યા.સસલો તો પહેલેથી આયોજન કરીને આવ્યો હતો. જંગલના બે –ચાર પ્રાણી મિત્રોની મદદ લઇ જ્યાં કિચડ હતો તેની ઉપર એક પોચા લાકડાનો પુલ બનાવી દીધો અને તેની પર પાંદડા પાથરી દીધા! અને ત્યાં આવી સસલાએ હાથીભાઇને આગળ કર્યા. હાથીભાઇ તો જેવા આગળ ચાલ્યા તેવા જ.....ધ.....ડા.....મ્ દઇને પેલા કીચડમાં પડ્યા !!

    સસલો તો જોરજોરથી હસવા લાગ્યો. એટલામાં આજુબાજુ સંતાઇ ઉભા રહેલા પ્રાણીઓ પણ આવ્યા અને હાથીભાઇને કહેવા લાગ્યા. “હાથીભાઇ તમે અમારા ભાઇ ભાંડુઓ ખૂબ હેરાન કર્યા છે માટે તમે અહી જ આરામ કરો કહી સૌ ચાલતા થયા. હાથીભાઇ “બચાઓ.......બચાઓ” ની બૂમ પાડવા લાગ્યા તે જેમ જેમ બહાર આવવા લાગ્યા એમ ઉંડા ખૂપતા ગયા... પણ.....હવે એમને કોણ બચાવે?બધા પ્રાણીઓતો ખુશ ખુશ થઇ ગયા.બધાએ ભેગા થઇને સસલાને જંગલનો રાજા બનાવ્યો.

    2. વીહો દવાલીયો.

    મચકોડા નામે એક નગર હતુ.

    એ નગરમાં એક સુથાર રહે. તેનુ નામ વીરો. વીરાને ગામ આખું વીરો વાલમીયો કહે. વીરો વાલમીયો સુથારી કામ કરવાની સાથે સાથે જંગલમાંથી લાકડા કાપવાનું કામ પણ કરે. તેનું ગુજરાન ઠીક ઠીક ચાલ્યે જતું હતું. પણ, તેને સંતોશ ન હતો. તેથી રોજ ભગવાનને પ્રાર્થના કરતો કે “હે ભગવાન મને અઢળક ધન આપો.”

    એક દિવસ તો ચમત્કાર થયો. વીરાને સાચે જ ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું “વીરા તારે જે માગવું હોય તે માગ.” વીરો કહે “ભગવાન મને અઢળક ધન આપો” ભગવાને કહ્યું કે “ જા વીરા એમ જ થશે પણ એ માટે તારે એક કામ કરવુ પડશે. જંગલમા એક બાવળ છે એ બાવળ સુકાઇ ગયેલો છે તેને કાપી તેના મૂળ ઉઘાડા કરીશ એટલે એક સફેદ પથ્થર નીકળશે અને એ પથ્થર જ્યારે એ બાવળને અડાડીશ કે તરત જ આખો બાવળ સોનાનો થઇ જશે”
    આટલુ બોલી ભગવાન તો અલોપ થઇ ગયા.

    બીજા દિવસે વીરો તો વહેલો પોહચીં ગયો પેલા બાવળ જોડે. ત્યાં જઇને વીરાએ તો ભગવાને કહ્યું તેમજ કર્યુ બાવળ તો સાચે જ સોનાનો થઇ ગયો. વીરો અને તેની પત્ની તો ખુશ ખુશ થઇ ગયા. નગર આખુ વીરાની વાત કરતું થઇ ગયું. કોઇ આ વાત માને તો કોઇ આ વાત ન માને..આ ગામમાં એક વીહો વાળંદ રહે. તે આ વીરાનો ભાઇબંધ. વીહાને બધા વીહો દવાલીયો કહે. વીહો કોઇ પણ કામ વિચાર્યા વગર કરતો. વીરાની વાત સાંભળી વીહો તો ખુશ ખુશ થઇ ગયો.વીહો તો વીરા ને કહેવા લાગ્યો કે “તને આ સોનું ક્યાંથી મળ્યુ?”વીરો કહે “એ જંગલમાં એક બાવળ હતો. તેના નીચેથી મળ્યુ”.વીહો તો બીજી કોઇ ઝંઝટમા પડયા વિના ત્યાંથી આટલું પૂછી ત્યાંથી હરખાતો હરખાતો નીકળી ગયો અને બીજે દિવસે પહોંચી ગયો તેની પત્ની અને મિત્રો સાથે કુહાડી લઇ જંગલમા.જોત જોતામાંતો અનેક વ્રુક્ષો કાપી નાંખ્યા.એક...બે..પાંચ એમ અનેક વ્રુક્ષો કાપી નાખ્યા.

    જંગલને મોટું નુક્શાન થયુ.પણ કંઇ હાથ ન લાગ્યુ.નગરના રાજાને આ વાતની જાણ થઇ વીહા દવાલીયાને જેલમા જવું પડ્યું.નક્ક્લ કરનારો....બિચારો વીહો....

    3. સસલાની ચતુરાઇ

    માણેકનાથ નામે એક ગામ હતું. એ ગામમાં એક માનસિંહ નામે દરબાર રહેતા હતા. તે ખુબ જ ભલા અને ભોળા હતા પણ શોખીન હતા. તેમને પ્રાણીઓ પાળવાનો ખુબ શોખ હતો. તેમણે એક સસલું પાળેલું.

    સસલુ તો ધોળું ધોળું રુ જેવું.પોચું પોચું.

    સસલું ખુબ જ હોશિયાર હતું. ક્યાંય છેતરાય નહિ.

    એક વખતે બાપુ સસલાને ખેતરમાં લઇ ગયા, ત્યાં બાપુ કામમાં વ્યસ્ત હતા. તેવે વખતે સસલું તો ભૂલું પડ્યું. અને જંગલમા જઇ ચડ્યું અને ફ્સાઇ પડ્યું. કેમેય કરી રસ્તો મળ્યો નહિ ત્યાં સામે એક સિંહ મળ્યો સિંહ કહે “સસલા મને કેટલાય દિવસથી કકડીને ભૂખ લાગી છે હું તને ખાઇ જઇશ.” સસલુ તો ગભરાઇ ગયું કહે “સિંહ રાજા મને ખાવું હોય તો ખાવ પણ મારી એક વાત સાંભળો. મને પણ હમણાં જ કકડીને ભૂખ લાગી હતી તેથી મે એક ઉંદરડો ખાધો. એ ઉંદર ક્યાંકથી દાણા ખાઇ ગયો હશે અને એમાં ઝેર ભેળવેલું હશે મને એની ખબર નહોતી.મને ધીમે ધીમે ઝેર ચડી રહ્યુ છે. આંખો ચક્ળ વકળ થાય છે. તેથી આપ મને ખાશો તો તમને પણ ઝેર ચડશે.”

    પોતાનો જીવ કોને વહાલો ન હોય?

    “સિંહ તો ઠીક છે ઠીક છે:” કહી ત્યાંથી ચાલતો થયો. સસલું તો મરક મરક હસતું ત્યાંથી ચાલતું થયું.

    આગળ જતાં એક હાથી મળ્યો. હાથી તો જંગલમાં એક ખાડામાં પડી ગયો હતો. હાથીને જોઇ સસલુ તો ગભરાઇ ગયું. હવે શુ કરવું? હાથી તો આજીજી કરવા લાગ્યો. કહે ” સસલાભાઇ મને બચાવો, હું તમને જરુર મદદ કરીશ”. સસલુ તો વિચારવા લાગ્યુ.તરત જ એણે તો બીજા હાથીઓને બોલાવ્યા અને આવેલા હાથીઓને જંગલ માંથી લાવેલા જુદા જુદા અને જાડા વેલા સૂંઢ અને પગ પર એક છેડો બાંધી દિધો. પછી બીજો છેડો પેલા અંદરના હાથીને બાંધ્યો. બધા હાથીઓને સસલાભાઇએ કહ્યું

    “ જોર કરીને હઇસો....” .એક વાર...બે વાર...અને ત્રીજીવાર તો હાથીભાઇ બહાર આવી ગયા. બીજા હાથીઓ તો ખુશ ખુશ થઇ

    ગયા.પછી તો અંદરથી નીકળેલા હાથીભાઇએ સસલાભાઇને કહ્યું “બોલો સસલાભાઇ તમારી શું મદદ કરુ? સસલુ તો લાગ જોઇ બોલ્યું...”હાથીભાઇ હું મારા માલિકથી છૂટું પડી ગયું છું. મને મારા ગામ અને ઘર સુધી મુકવા આવો.” હાથીભાઇ લપાક કરતાક બેસી ગયા અને સસલુ તેમની પીઠ પર કૂદકો મારી બેસી ગયું. પછી તો હાથીભાઇ સસલાને લઇને એમના ઘર સુધી મૂકી ગયા. ગામ આખુંય માનસિંહના ઘરે સસલાભાઇના પરાક્રમ સાભળવા ઉમટયું.માનસિંહના આનંદનો પાર ન રહ્યો.પછી તો હાથીભાઇ પોતાની મસ્તીમાં ચાલતા ચાલતા જંગલમાં ગયા. સસલભાઇ તો બાપુના ખોળામા બેસી તેમના હાથ પગ ચાટવા લાગ્યા.!!

    - પરમ પાલનપુરી.