Vilaj Grahni Mulakate books and stories free download online pdf in Gujarati

વિલાજ ગ્રહની મુલાકાતે..

Nimish Vora

voranimish1982@gmail.com

વિલાજ ગ્રહની મુલાકાતે..

નિમિષ વોરા..

“વિલાજ ગ્રહની મુલાકાતે...”

પાંચ વર્ષનો જલજ થોડો ઉદાસ હતો, કારણ આજે વેકેશનનો છેલ્લો દિવસ હતો. વેકેશનનો દોઢ મહિનો ક્યાં નીકળી ગયો એ ખ્યાલ જ નહોતો આવ્યો. થોડા દિવસો મામાને ત્યાં જલસા કર્યા અને થોડા દિવસો ઘરે આવેલા કઝીન્સ સાથે સાથે ધમાલ મસ્તી કરી ત્યાં તો વેકેશન પૂરું થવા આવ્યું. તેના કઝીન્સ જન્ય, મુદિત અને વિહાન ની પણ સ્કુલ ચાલુ થતી હોવાથી આજે જ તેમને ઘરે ગયા હતા એટલે એકલો પડેલો જલજ વધુ ઉદાસ હતો.

તેની મમ્મીથી તેની આ ઉદાસી છુપી ના રહેતા કહ્યું “ચલ, ફૂટબોલ રમીએ.”

“ના, મમ્મી મારે કઈ જ નથી કરવું” ઉદાસ જલજ આટલું બોલી પોતાનો નવો જ ખરીદેલો લાકડાનો સફેદ ઘોડો લઇ બાલ્કનીમાં ‘હલક ડોલક’ કરવા લાગ્યો.

હજુ કાલે જ આ ઘોડો તેને તેના પપ્પાએ લઇ આપેલો અને તેમાં અલગ અલગ બટન દબાવતા બાળગીતો પણ વાગતા જેથી તેને મજા પડતી. જલજે કાલે આ ઘોડાનું નામકરણ પણ કરી નાખેલું, ‘નીન્જા’.. હા, હવે નીન્જા જલજનો નવો મિત્ર હતો. આજે પણ એ બસ, ઝુલતા ઝુલતા નીન્જાના બટનો દબાવવાનું કામ કરતો હતો. તેનાથી તેને થોડું સારું લાગ્યું. તેને હસતા જોઈ તેની મમ્મી પણ થોડી ખુશ થઇ રસોડામાં કામ પતાવવા ગઈ.

ઘોડાના બધાય બટન દબાવી લીધા બાદ તેને એક જગ્યાએ એક નવું જ બટન દેખાયું જેના પર તેનું ધ્યાન જ નહોતું ગયું. તે બટન એકદમ નાનું હતું અને નીન્જાના પેટના ભાગ પર નીચેની તરફ હતું. અને બાળસહજવૃતિથી તેણે તરતજ એ બટન દબાવ્યું, પણ તે બટન દબાવતાં જ તે ઘોડો સાચા સફેદ ઘોડામાં પરિવર્તિત થઇ ગયો અને એટલું જ નહિ તે ઘોડાને પાંખો પણ આવી ગઈ.. અને જલજ કઈ સમજે તે પહેલા તો તેને દુર આકાશ તરફ લઇ ગયો.

“નીન્જા, સ્ટોપ ઇટ ક્યાં જાય છે ? મને ડર લાગે છે, પાછો ઘરે ચલ” નીન્જા સાંભળી શકવાનો નથી એ ખ્યાલ હોવા છતાં ગભરાઈ ગયેલા જલજે રડમસ ચહેરે કહ્યું.

“ના દોસ્ત, હવે આ સ્વીચ દબાયા બાદ ૨૪ કલાક બાદ જ આપણે ફરી તે જગ્યા એટલે કે તમારે ઘરે પહોંચી શકીશું..” જલજના અપાર આશ્ચર્ય વચ્ચે નીન્જા બોલ્યો..

“તું બોલી શકે છે ? અને આપણે ક્યાં જઈશું ૨૪ કલાક માટે ?” ઘરે તેને બધાય ગોતશે એવા ટેન્શન કરતાં, ૨૪ કલાક ઘરે નહિ જવાય તેથી વધુ એક દિવસ સ્કુલ નહિ જવાય એ વિચારતા જલજ રાજી થઇ ગયો. અને બોલકા જલજને બકબક કરવા માટે એક પાર્ટનર પણ મળી ગયો. એ પણ ઉડતો પાર્ટનર.

“દોસ્ત, આપણે પૃથ્વી સિવાય કોઈ પણ જગ્યા એ જઈ શકીશું” નીન્જા બોલ્યો.

“દોસ્ત નહિ, મને જલજ કહે, મારું નામ જલજ છે, અને તારું પેટ્રોલ પૂરું થઇ જશે તો ક્યાં પુરાવશું અહી આકાશમાં ?” બાજુમાં જતા પ્લેનને જોઈ જલજને વિચાર આવ્યો.

“હું પેટ્રોલ નહિ, પાંખોથી ઉડું છું જલજ” ઘોડાએ સમજાવતા કહ્યું.

એક ઉડતા ઘોડાના મુખે પોતાનું નામ સાંભળવાની જલજને બહુ મજા પડી. હવે તે સ્વસ્થ હતો તેથી નીચે નજર કરી, અને બસ એ જાણે ખોવાઈ જ ગયો. મોટા ઘાસના મેદાનો, ઉંચી ઉંચી બિલ્ડીંગસ, મોટા મોટા મિનારો બધું એકદમ ‘પીચકુ’ દેખાતાં હતા. તે તો ઘોડાને ચીપકીને બસ નીચે જ જોતો હતો અને નીન્જા પોતાની ધૂનમાં ઉડે જતો હતો.

ત્યાંજ નીન્જાની સ્પીડ થોડી ધીમી થઇ.

“કેમ નીન્જા, શું થયું, કેમ સ્પીડ ઘટાડી નાખી ?” જલજને ઓછી સ્પીડમાં ઉડવાની મજા ના આવતાં પૂછ્યું.

“પેટ્રોલ ખલાસ યાર જલજ” નીન્જા બોલ્યો.

“હેં ? તો હવે તો અહીંથી સીધા નીચે પડીશું ? જુઠું કેમ બોલેલો કે તને પેટ્રોલની જરૂર નથી ?” જલજ નીચે જોઈ ગભરાઈને બોલ્યો.

નીન્જા હસતા હસતા બોલ્યો “અરે જલજ, તું સાવ બુદ્ધુ છે.. પેટ્રોલ ખલાસ એટલે કે એનર્જી ડાઉન થઇ ગઈ ઉડી ઉડીને હવે કઈક પેટમાં નાખીશું તો એનર્જી આવશે.”

“ઓય, બુદ્ધુ નહિ કેવાનું, બુદ્ધુ તો તું છો હવે અહી આપણે ઉડતા ઉડતા ક્યાં કોઈ ખાવાનું આપશે ? ભૂખતો મને પણ કકડીને લાગી છે.”

“અહી ઘણા નાના મોટા ગ્રહો આવેલા છે, આપણે ૨૪ કલાક પૃથ્વી પર નહિ જઈ શકીએ પણ બીજા કોઈ પણ ગ્રહો પર જઈ શકીશું, હું હજુ ઉંચાઈ પર લઉં છું જ્યાં સુંદર ગ્રહ દેખાશે ત્યાં આપણે પેટપૂજા કરી લેશું.” બરાબરનો ભૂખ્યો થયેલો નીન્જા બોલ્યો.

થોડીવાર બાદ એક અદ્ભુત ગ્રહ પર નીન્જાએ જલજને ઉતાર્યો અને પોતે તરત ઘાસ ચરવા ચાલ્યો ગયો.

પણ જલજ તો આવું દ્રશ્ય પહેલી વાર જોતો હતો, તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું જયારે તેણે સામે જ એક મોટું ચોકલેટ-સોસનો વોટરફોલ જોયો. અવિરત ત્યાંથી લીક્વીડ ચોકલેટ નીચે પડી રહી હતી અને તે ચોકલેટની આખી નદી બનાવતી હતી. ચોકલેટ સોસના નીચે પડવાથી એક અલગ જ જાતનું મેઘધનુષ પણ રચાતું હતું. અવનવા રંગોના ક્યારેય જોયા ના હોય તેવા કેટલાય ફૂલો જાણે તેને જ જોતાં હોય તેવું તેને લાગ્યું. તે બસ ચાલતા ચાલતા આગળ ગયો જ્યાં તેને દુર એક મોટો મહેલ દેખાયો. એ મહેલ તરફ જતો હતો ત્યાં જ ક્યાંકથી અવાજ આવ્યો.

“હેય, ફ્રેન્ડ મને લાગે છે તું બહુ ભૂખ્યો છે, તારે કઈ ખાવું છે ?”

જલજ તો ડરી ગયો કેમકે કોઈ જ ત્યાં દેખાતું ના હતું.. છતાં હિંમત કરી બોલ્યો “હા ખુબ ભૂખ લાગી છે. પણ તમે કોણ બોલો છો ?”

“હું તારી ડાબી બાજુ રહેલું ઝાડ બોલું છું..”

“શું ? ઝાડ ? શા માટે મસ્તી કરો છો ? જે કોઈ ઝાડ પાછળ હોય એ સામે આવી જાય.. આ ઝાડ પરતો ખાલી પાંદડા જ છે અહીંથી શું મને ખાવાનું મળશે ?”

“તને જો સાચે ભૂખ લાગી હોય તો તું માંગીને ચેક કરીલે કે હું તને આપી શકું તેમ છું કે નહિ..”

જલજને લાગ્યું તેની કોઈ મસ્તી કરે છે તેથી તેણે વિચાર્યું કે ઝાડ પર ઉગે નહિ એવી જ વસ્તુ માંગું જેથી જે હોય તે પોતે સામે આવી જાય.. અને ભૂખના સમયે તેને હમેશ પોતાના ફેવરીટ ગુલાબજાંબુ જ યાદ આવે.. તેણે તરત કહ્યું “મને ગુલાબજાંબુ જોઈએ એ પણ એક નહિ ચાર.”

ઝાડ પાસેથી કોઈ જ જવાબ ના આવ્યો પણ ઝાડની એક ડાળી જલજની પાછળથી કોઈ હાથ મૂકતું હોય તેવી રીતે વીંટળાઈ અને બીજી ડાળી આગળ તેના મુખ પાસે આવી જેની પર ગુલાબજાંબુ હતા અને પછી અવાજ આવ્યો “ટેઈક ઇટ માય ફ્રેન્ડ.”

જલજ તો ગુલાબજાંબુ જોઇને ઉછળી જ પડ્યો અને થોડી જ વારમાં ચારે ગુલાબજાંબુ ચટ કરી ગયો..

“હી,હી,હી, આવી રીતે કઈ ખવાતું હશે ?” અચાનક પાછળથી એક સોફ્ટ અવાજ આવ્યો.

એક ક્યુટ પરી જેવી છોકરી જલજ પર હસી રહી હતી. અને તરત તેની નજીક આવીને કહ્યું, “હાય, માય નેઈમ ઇઝ એન્જેલ, તું અહી કેમ પહોંચ્યો ? તું તો અમારા આ ‘વિલાજ ગ્રહ’નો નથી લાગતો.”

“હાય, આઈ એમ જલજ, સાચી વાત છે હું પૃથ્વી પરથી આવું છું અને મારો ઘોડો નીન્જા મને અહી ઉડાડીને લાવ્યો છે” તેણે નીન્જા સામે હાથ ધરી તેનો પરિચય કરાવ્યો.

“હેલ્લો” આટલું બોલી નીન્જા પાછો ફરી ઘાસ ખાવાના કામ પર લાગી ગયો તેને જોઇને જ ખ્યાલ આવ્યો કે તેને અત્યારે પેટ પૂજા સિવાય એકેયમાં રસ ના હતો.

“સોરી, એ ભૂખ્યો છે એટલે આવું બિહેવ કરે છે” નીન્જા વતી જલજે માફી માંગી.

“ઇટ્સ ઓકે, પણ લાગે છે તું પણ ભૂખ્યો છે, ચલ ઘરે જઈ કઈ જમીએ અને વાતો કરીએ, આ નીન્જા ત્યાં સુધી પેટપૂજા પણ કરી લેશે, હું ફરી તને અહી મૂકી જઈશ.”

નીન્જાને અહી જ રહેવાનું સમજાવી જલજ એન્જેલ સાથે ગયો. એન્જેલ એક ડ્રાઈવર વિનાની બગીમાં આવી હતી. તેમાં બેસી માત્ર ‘મહેલ’ એટલું બોલતાં જ બગી સ્પીડથી ભાગવા લાગી. ત્યાં જતા જલજને ખ્યાલ આવ્યો કે આ એજ મહેલ હતો જે તેણે દુરથી જોયો હતો. તે અંદર જતા જ આભો બની ગયો. વિશાળ દરવાજા, મોટી બારીઓ અને દરેક દીવાલો પર બદલતા રહેતા અવનવા પિક્ચર્સ, સીડીની જગ્યાએ ઉપર જવા એસ્કેલેટર, દરેક રૂમમા વચ્ચે આવેલા ફુવારા અને ઘરમાં જ ઉડતાં રંગીન પતંગિયા જેવું કેટલુય અવનવું તેણે જોયું.

એન્જેલ તરત તેને એક વિશાળ ડાયનીંગ ટેબલ પર લઇ ગઈ અને બેસવાનું કહ્યું, જલજ તરત બેસી ગયો, પણ આ શું ? ટેબલ તો ખાલી હતી કઈ જ ના હતું કે જે જલજ ગપાગપ ખાઈ શકે. ઉલટાનું ટેબલ પર ટ્રેનના હોય તેવા પાટા જોઈ તેને નવાઈ લાગી.

“ભોજન આરંભ” તેવું એન્જેલ બોલી અને ત્યાં જ બંનેની ટેબલ પર ચાંદીની મોટી થાળી, પાંચ વાટકા અને એક મોટો ગ્લાસ આવી ગયો ત્યાં જ અચાનક નાના અવાજ સાથે એક તોય ટ્રેન પાટા પર ગોઠવાઈ ગઈ જેમાં એન્જીન પાછળ ચાર મોટા ખાલી વેગન હતા. જલજ તો તે જોઇને કઈ સમજી જ ના શક્યો..

એન્જેલ તેની દુવિધા સમજી ગઈ અને બોલી “જલજ, આ ટ્રેન છે તે આપણે જમીને ઉઠીશું નહિ ત્યાં સુધી અહી જ ફરતી રહેશે અને વારાફરતી તારી અને મારી પાસે આવતી જશે. તું જે વિચારીશ એ તેની પાછળ રહેલા ડબ્બા પર આવી જશે અને જ્યાં સુધી તું એ વાનગી તારી થાળીમાં પીરસી નહિ લે ત્યાં સુધી તે ત્યાં ઊભશે અને પછી ફરી ચાલુ થશે..”

“શું ? હું જે વિચારું એ બધું ? મંચુરિયન, નુડલ્સ, પિત્ઝા, સમોસા, બાસુંદી, શ્રીખંડ, કાજુકતરી કઈ પણ ?” જલજની આંખો ઉત્સાહમાં પહોળી થઇ ગઈ..

“હા, હા કઈ પણ” એન્જેલ હસતા હસતા બોલી.

બંને જણા એ ભરપેટ ભોજન કર્યું અને પછી જલજે પૂછ્યું કે “તારા મમ્મી પપ્પા ક્યાં ગયા છે ?”

“તેઓ તો સ્કુલે.”

“હે, સ્કુલે ? આટલા મોટા થઈને સ્કુલે” જલજ તો આભો બની ગયો અને સ્કુલનું નામ સાંભળી થોડો ઉદાસ પણ.

કૈક સમજ પડી હોય તેમ એન્જેલ બોલી, “ઓહ યસ, મેં વાંચેલું કે તમે લોકો તેને ઓફીસ કહો છો.. અમે તેને સ્કુલ કહીએ છીએ.”

“ઓકે તો તેઓ ઓફીસ ગયા છે, તો તમે લોકો અહી આ ‘વિલાજ ગ્રહ’માં સ્કૂલને શું કહો છો ?”

“સ્કુલને પણ સ્કુલ જ કહીએ”

“ઓહો, કન્ફયુઝ ના થાવ તમે ? અને તમારે આવડો મોટો મહેલ છે તો પછી તારા મોમ ડેડને ઓફીસ આઈમીન સ્કુલ જવાની શું જરૂર ?”

“ના, જરાય કન્ફયુઝન ના થવાય, સ્કુલ એટલે શું ? જ્યાં આપણે રોજ નવું નવું શીખીએ, કૈક ના આવડે તો મે’મને પૂછીએ, કૈક ખોટું કરીએ, કૈક સાચું કરીએ, પરીક્ષા આપીએ ક્યારેક તેમાં સારું લખી આવીએ ક્યારેક ખોટું લખાઈ જાય, મિત્રો બનાવીએ, સાથે રમીએ જમીએ.. એજ ને ? તો અમે અહી અમારા ગ્રહમાં એમ માનીએ છીએ કે શીખવાની કોઈ ઉમર ના હોય. મમ્મી પપ્પા પણ સ્કુલે જાય તો ત્યાં આવું જ કરે, દરરોજ પોતાના કામમાં કેમ વધુ સારું કામ કરવું એ શીખે, કોઈને કઈ રીતે કામ શીખવવું તેમાં હેલ્પ કરે, મિત્રો બનાવે સાથે ટીફીન શેર કરે, તેઓ પણ આગળ પ્રમોશન માટે પરીક્ષા આપે અને તેઓ પણ આપણી જેમ જ ક્યારેક સાચું લખે તો ક્યારેક ભૂલ કરે.. તો બંને સ્કુલ જ કહેવાય ને ? મારા પપ્પા તો કહે કે આપણું જીવન જ એક સ્કુલ છે.. આપણે દરરોજ નવું નવું શીખતા જ રહેવું જોઈએ.”

“તો તને સ્કુલ જવાનો કંટાળો ના આવે ?” જલજે થોડી શરમ સાથે પૂછ્યું.

“કંટાળો ? ના યાર, સ્કુલ તો મને બહુ ગમે ત્યાં કેટલું નવું નવું જાણવા મળે એ પણ દરરોજ અને પાછા આપણે મિત્રો પણ મળેને.. કાલે મારી સ્કુલ ચાલુ થાય છે એની તો હું કેટલાય દિવસથી રાહ જોઉં છું”

“હા, એ વાત સાચી આપણે ઘણું શીખવા મળે સ્કુલમાં અને પાછા ફ્રેન્ડસ સાથે રીસેસમાં મસ્તી ટાઈમ તો ખરો જ.. તારી પણ કાલે જ સ્કુલ ચાલુ થાય છે ?” જલજને પણ હવે સ્કુલ જવાનું મન થયું.

“હા, આજે હું ઘણો આરામ કરીશ એટલે કાલે એકદમ ફ્રેશ થઈને સ્કુલ જવાય, મારે થોડી સ્કુલની તૈયારી કરવાની છે તું થોડીવાર ઉપર બેડરૂમમાં આરામ કર પછી નીન્જા પાસે મૂકી આવીશ.”

ઉપર એસ્કેલેટરથી જવાની જલજને મજા પડી અને પેટ ખુબ ભરેલું હોતાં થોડીજ વારમાં પોઢી ગયો.

થોડીવાર પછી તેને લાગ્યું કે તેના જમણા ગાલ પર કોઈએ વ્હાલું કર્યું, ફરી ડાબા ગાલ પર.. માંડ માંડ આંખો ખોલી જોયું તો સામે મમ્મી હતી અને તેણે ડરતા ડરતા કહ્યું, “ગુડ મોર્નિંગ જલજ, ચલો ઉઠી જાવ, આજે સ્કુલનો પહેલો દિવસ.”

બે મિનીટતો પોતે ક્યાં છે એ જલજ સમજી જ ના શક્યો પછી ખૂણામાં પડેલો લાકડાનો નીન્જા જોઈ એ સમજી ગયો કે આતો એક સપનું હતું.. પણ તેણે તરત મમ્મીને કહ્યું “ચાલો, જલ્દી જલ્દી તૈયાર કરી દે.. મારે ફર્સ્ટ બેંચ પર બેસવું છે.”

જલજની મમ્મીને ખુશીનો આંચકો લાગ્યો હતો તેને ક્યાં ખબર હતી કે જલજ આજે સપનામાં એક ખુબ અગત્યનો પાઠ ભણી આવ્યો છે....

  • નિમિષ વોરા.