Karmfad books and stories free download online pdf in Gujarati

કર્મફળ

કર્મફળ

“માનો કે ન માનો, પણ જે જેવું કરે તેવું ભરે! કર્મનું ફળ બધાએ અહીં જ અને આ જન્મે જ ભોગવવું પડે છે. સ્વર્ગ, નર્ક, જન્નત કે જહન્નુમ જે કહો તે અહીં જ, આ ધરતી ઉપર જ છે અને તમારા મારા સૌના સારા કે નરસાં કર્મોનું ફળ પણ ઉપરવાળો અહીં જ આ ધરતી ઉપર અને આ જ જન્મે આપી દેતો હોય છે.”

એ નાનકડા શહેરમાંની એક ગલીની અગાસીની એક સુરક્ષિત પાળીપર બેઠાં બેઠાં એ વૃદ્ધ વસંતબાપાએ કહ્યું. વાણીને થોડો વિરામ આપી, એક ઊંડો શ્વાસ લઇ, એ ગલીના સામેના મકાનોની હારમાળામાં છેવટના ત્રીજા મકાન તરફ આંગળી ચીંધી બતાવતા એમણે કહ્યું;

“સામેની હરોળમાં છેલ્લેથી ત્રીજું મકાન દેખાય છે? જોવ, એના દરવાજાઓ અને બારી અડધા બળેલા છે અને ત્યાં દરવાજા પર અને બારી પાસે હજી કાળી મેશના ધાબા દેખાય છે. પાંચ સાત વર્ષો પહેલા ત્યાં એ જ મકાનમાં સસ્તા અનાજની દુકાન હતી. લોકો કૂપનના ઘઉં, ચોખા, ખાંડ તેલ, કેરોસીન વગેરે લેવા ત્યાં આવતા. દુકાનદારનું નામ ધનસુખલાલ હતું. અને એક નંબરનો લૂંટારો અને ભ્રષ્ટાચારી હતો. “કોઈને પૂરું અનાજ, તેલ કે કેરોસીન ન આપતો, તોલમાપમાં પણ ગરબડ કરતો, કેરોસીન તો બાર લીટરને બદલે સાડાનવ લીટર જ ભરતો, અને અનાજ પણ બીજી દુકાને જોખાવીએ તો ઓછું જ નીકળતું. એનો પોતાનો પગાર તો માંડ સાત આઠ હજાર હશે પણ પોતાને રહેવા આલીશાન મકાન બનાવી લીધું’તું, ટીવી, ફ્રીઝ, એ.સી. જેવી સુવિધાઓ પણ હતી અને ફરવા માટે મોટર અને મોટરસાઈકલ પણ હતા. બધું ભ્રષ્ટાચારની આવકમાંથી હતું, એ લોકોને ઓછો માલ આપતો અને વધેલા માલને કાળાબજારથી વેચી મારતો. લોકો જાણતા હતા, પણ લાચાર હતા. સરકારી કચેરીઓમાં ધનસુખલાલનું ખુબજ ચાલતું ત્યાં ફરિયાદ કરવા છતાં કંઈ ધાર્યું પરિણામ આવતું નહી અને લોકો ઓછા અનાજ કે તેલ કેરોસીનની ફરિયાદ તેના મોઢે કરતા તો એ નફફટ ‘સરકારના નિયમ પ્રમાણે આપું કંઈ મારા ઘરમાંથી તમને આપું?’ જેવા તોછડા જવાબ આપતો. તોલમાપની કોઈ ફરિયાદ કરતું તો કહેતો ‘તોલા અને માપિયા કંઈ મારા બાપના કારખાનામાં નથી બનાવ્યા એ પણ સરકારે જ આપ્યા છે.’ મધ્યમ પરિસ્થિતિના લોકો ખોટી કડાકૂટમાં ન પડતા અને બિચારાઓ અપમાનિત થઇ ચુપચાપ જેટલું આપે તેટલું લઈને જતા રહેતા.”

વળી, એક ઊંડો શ્વાસ લઇ, થોડા વાણી વિરામ બાદ એમણે વાત આગળ ચલાવી.

“અહીંથી ત્રીજી ગલીમાં એક ઓરડીનું અને ગારથી લીપેલું એક નાનકડું મકાન છે. હવે તો એ ખંઢેર જેવું થઇ ગયું છે, ગારના પોપડાઓ ઉખડી ગયા છે અને ઠેર ઠેર નાની નાની વનસ્પતિ ઉગી ગઈ છે, પણ એક સમયે ત્યાં એક વિધવા બાઈ અને તેનો એક આઠ દસ વર્ષનો છોકરો રહેતા. બાઈનું નામ જીવી હતું અને છોકરાનું નામ બચુ. જીવી બિચારી જંગલ કે સીમમાં લાકડા કાપીને એ લાકડાના ભારા વેચતી અને સાંજે બે-પાંચ રૂપિયા મળતા તેમાંથી એ પોતાનું અને બચુનુ પેટ ભરતી. આ દુકાનદાર ધનસુખલાલને કોણ જાણે જીવી સાથે શુંએ દુશ્મની હતી તે સાલ્લો ક્યારેય જીવીને કૂપનનો પૂરો માલ આપતો નહી, વ્યક્તિ દીઠ નિયત કરેલ ફાળવણી કરતા ત્રીજા કે ચોથા ભાગનો માલ આપતો અને જીવી કંઈ બોલે તો કહેતો કે તમારા બે માટે સરકારે કંઈ વખાર નથી ખોલી દીધી તે તું કે એટલું ભરી દઉં અને તમારે બે ને જો’યે કેટલું મને ખબર છે તું તેલ અને કેરોસીન તો બીજાને વેચી મારેશ અને તેને હડધૂત કરીને કાઢી મુકતો. જીવી બિચારી સાંજે લાકડાના ભારામાંથી આવતા બે-પાંચ રૂપિયામાં જે આવે તે લેતી અને પોતાનું અને બચુનું અડધું અડધું પેટ ભરતી.”

થોડીવાર રોકાઈ એક આછા સ્મિત સાથે તેઓ બોલ્યા;

“પણ બચુ!.......બચુ હતો ખેપાની! જીવી તો આખો દિવસ સીમ-વગડામાં લાકડા કાપવા ગઈ હોય અને બચુ ગલીના છોકરાઓ સાથે કે ઘરમાં રમ્યા કરતો. પણ જેવી ધનસુખલાલને ત્યાં સરકારી અનાજની ગાડી ખાલી થવા આવે કે તરત જ બચુ એક લાંબો ધારદાર સળીયો અને એક ઘોબાવાળી તળિયેથી મેશને લીધે કાળી થઇ ગયેલી તપેલી લઇ ઘરમાંથી નીકળી જતો. અનાજની એ ગાડી ખાલી કરવા માટે મજુર તો છેક છેલ્લી ગલીના નાકા પાસેના ચોરામાં મળતાં, ધનસુખલાલ મજુર ગોતવા જાય ત્યાં સુધી ડ્રાયવર ગાડીમાં બેઠો હોય અને બચુ સળીયો અને તપેલી લઇ પોતાનું કામ પતાવી લેતો.”

“એ શું કરતો ખબર છે? એ લુચ્ચો એ નાની ટ્રકના પાછલા પાટિયાની ધારમાંથી પેલો અણીવાળો સળીયો ટ્રકમાંની એકાદી ગુણીમાં ખોંસી દેતો અને સળિયાને જોર જોરથી હલાવી, જે ચોખા, ઘઉં, કે ખાંડની ધાર થાય તે તપેલીમાં ઝીલી લેતો. મોટાભાગે ટ્રકના છેવાડાના ભાગે ચોખાની ગુણીઓ રહેતી. ધનસુખલાલ મજુર ગોતીને પાછો આવે એ પહેલા તો એ એનું કામ પતાવીને મોટેભાગે ત્યાંથી પલાયન થઇ જતો અને ક્યારેક વળી ધનસુખલાલ તેને પકડી પાડતો તો તપેલીમાં એકઠો કરેલો તેનો માલ છીનવી લઇ એકાદ બે ગાળો દઈ છોડી મુકતો. એક વાર તો મેં પણ તેને આવી રીતે ચોખા ચોરતા જોયેલો અને પૂછ્યું’તું પણ ખરું કે અલ્યા ચોરી કરેશ? જવાબમાં એમણે કહ્યું કે ધુતારનું ચોરવામાં શું વાંધો? બેઠો બેઠો આખા ગામને લૂટેશ. એનો જવાબ સાંભળી હું જાણે કંઈ જોયું જ નથી એ રીતે ત્યાંથી નીકળી ગયો’તો”

ક્ષણવાર રોકાઈ એક નિસાસો નાખી એમણે વાતને આગળ વધારી,

“પણ એક દિવસ આવી રીતે ચોરી કરવા જતા એક અકસ્માત થયો. એ દિવસે બચુએ એ રીતે સળીયો ભરાવ્યો અને સળિયાને હલાવી હલાવી તપેલી ભરતો’તો ત્યારે અચાનક જ એક ધડાકા સાથે ટ્રકનું પાટિયું ખુલી ગયું, પાટિયું ખુલીને સીધું જ બચુના માથા પર લાગ્યું, બચુ બેહોશ થઈને નીચે પડી ગયો અને અધૂરામાં પૂરું તે ટ્રકમાંની ગુણીઓ પણ તેની માથે પડી. રોજ આ ગરીબની અન્નચોરી જોઇને જેઓ આંખમીંચામણ કરતા તેઓએ રાડારાડી કરી અને તાત્કાલિક ગુણીઓ નીચે દબાયેલા બચુને બહાર કાઢવા પ્રયાસો આદર્યા. ગુણીઓ નીચેથી એને કાઢી નજીકના દવાખાને લઇ ગયા’તા પણ ત્યાંના દાક્તરે તેને મૃત જાહેર કર્યો. બચુની માંને જયારે ખબર પડી અને તેણે પોતાના એક માત્ર જીવવાના આધાર બચુને હમેંશ માટે સૂતેલો જોયો, ત્યારે એ કઠણ કાળજાનો માણસ પણ પીગળી જાય એવું રોઈ’તી અને રોતા રોતા જ બેહોશ થઇ ગયી’તી. થોડીવારે પાણી બાણી છાંટતા એ ભાનમાં આવી પણ એ પાગલ જેવું વર્તન કરતી’તી લોકોએ એને ખુબ સાંત્વના આપી પણ એ જાણે કંઈ સંભાળતી જ ન હોય તેમ એકલી એકલી કંઇક બક્યે જતી’તી. છેવટે શેરીના લોકોએ જ બચુની અંતિમક્રિયા કરી દીધી.”

થોડીવાર રોકાઈ ચહેરા પર થોડા દુ:ખના ભાવ સાથે ફરી એમણે વાત આગળ વધારી,

“બચુના મોત પછી એ બાઈ ગાંડી થઇ ગઈ’તી એ પછી એ લાકડા કાપવા ન જાતી. શેરીમાં જ્યાં-ત્યાં ભટકતી રહેતી અને એકલી એકલી વાતો કર્યા કરતી. કોઈ કંઈ આપે તો ભાગ્યે જ તે ખાતી પણ ભાત હોય તો એ ખુબજ ખુશ થઈને, જાણે બચુએ ચોરેલા ચોખાનો ભાત રાંધીને ખાતી હોય તેમ આવેશપૂર્વક એ ભાત એ ખાતી અને ખાતા ખાતા એ જાણે બચુ પણ એની સાથે એક જ ભાણામાં બેસીને ખાતો હોય એ રીતે બચુ સાથે વાતો કરતી. ઘણા લોકો અને શેરીના ગોરખાજી પણ એમની દયા ખાઈને કહેતા કે મોડી રાત્રે પણ એ બિચારી ઘરમાં કે ઘરના ઉંબરા પાસે બેઠી બેઠી એકલી એકલી વાતો કરતી. જાણે બચુ એની સાથે હોય એ રીતે એ બચુને તોફાન ન કરવાના અને ચુપચાપ સુઈ જવાના હુકમો આપતી”

હાથ રૂમાલથી મો લૂંછી, થોડીવાર રોકાઈ, વળી વસંતબાપાએ વાત આગળ વધારી,

“એ પછીના દોઢ બે મહીનાના ગાળામાં ધનસુખલાલનો પંદર વર્ષનો એકનો એક છોકરો અનિલ એમની સ્કૂલવાનના અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આશ્ચર્યની વાત એ હતી કે અકસ્માત સમયે સ્કૂલવાનમાંના અગ્યાર છોકરાઓમાંથી બીજા દસ અને ડ્રાયવરને નાની મોટી ઈજાઓ થઇ તેઓ બધા બચી ગયા. જયારે ધનસુખલાલનો એકનો એક છોકરો માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. એ વિષે લોકો અને એ સ્કૂલના એ અકસ્માતમાં બચી ગયેલા છોકરાઓ એવું કહે છે કે કોઈક ભિખારી જેવો જણાતો છોકરો રોડ પર આડો ઉતાર્યો’તો અને તેને બચાવવા જતા વાન એક ટ્રક સાથે ભટકાઈ ગઈ’તી. શેરીના ઘણા પાગલ લોકો તો એવું માને છે કે એ છોકરો બચુની આત્મા જ હશે કેમ કે સ્કૂલ તરફના એ રસ્તા પર ક્યારેય કોઈએ ભિખારી જેવા છોકરાઓ જોયા નથી અને કદાચ કોઈ હોય તો પણ ડ્રાયવર સહિતના કુલ તેર જણામાંથી એક ધનસુખલાલનો છોકરો અનિલ જ કેમ મરે! ખરું શું હોય એ તો રામ જાણે! પણ એ પછી એક દિવસ બોપોરના સમયે અચાનક જ આ શેરીમાં દોડધામ મચી ગઈ, એ દિવસે હું તો ઘરે ન’તો પણ લોકો પાસેથી જાણવા મળ્યું કે ધનસુખલાલની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી’તી અને કોઈ રીતે કાબુમાં આવતી ન’તી. શેરીવાળા લોકો પાણીની બાલદીઓ ઠાલવી ઠાલવીને એ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરતા’તા. છેલ્લે, ફાયર બ્રિગેડને બોલાવવી પડી’તી. ધનસુખલાલ પણ એ આગની લપેટમાં આવી ગયો’તો વાંસાના ભાગે એ સખત રીતે દાઝી ગયો’તો અને દુકાનમાંથી નીકળીને ભાગવા જતા તે પગથીયા પર પટકાયો હતો, તેને માથાના પાછળના ભાગે પણ વાગ્યું’તું તેથી તેને શહેરના એક ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો’તો. આગ ઓલવવા જનારા ઘણા તો એવું પણ કહેતા હતા કે એ દુકાનમાં આગની જ્વાળાઓ વચ્ચે એમણે હાથમાં તપેલી લઈને ઉભેલ બચુ જેવું કોઈક જોયું’તું અને આગનું કારણ પણ તેઓ બચુને જ ગણતા હતા. એ વાતના સમર્થનમાં તેઓ એવી દલીલો કરતા’તા કે ધનસુખલાલ ક્યારેય બીડી ન’તો પીતો કે દુકાનમાં મંદિરમાં અગરબતી ન’તો કરતો તો આગ લાગે કઈ રીતે?”

છેલ્લું વાક્ય બોલતી વખતે અમારી તરફ એક વિસ્મયકારક દ્રષ્ટિપાત કરી, વળી ક્ષણવાર રોકાઈ એમણે વાત આગળ વધારી,

“જે હોય તે, આગ કેમ લાગી એ તો ઉપરવાળો જાણે! પણ જે દિવસે એ દુકાનમાં આગ લાગી’તી અને ધનસુખલાલને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો’તો એ દિવસે સાંજે મેં જીવીને આ જ ગલીના નાકા પાસેના ઘરના ઓટલે બેસી ખુશીના આવેશ સાથે ભાત ખાતા જોઈ’તી. ભાત ખાતા ખાતા તે લવારો કરતી’તી ‘રોયો ઈ જ લાગનો હતો, સારું કર્યું તે....’ ઉતાવળમાં હતો એટલે એમના શબ્દો વધુ ન સાંભળી શક્યો પણ એટલી ખબર પડી કે જીવી ગાંડપણના આવેશમાં કદાચ બચુ હજી જીવે છે એવું માનતી હતી અને તેની સાથે વાતો કર્યા કરતી’તી. બીજે દિવસે સવારે ખબર પડી કે જીવી ગુજરી ગઈ કદાચ અચાનક હૃદય બંધ થઇ જવાથી! પણ ગલીનો ગુરખો એવો દાવો કરતો’તો કે તેમણે જીવીને રાત્રે એક દોઢ વાગ્યે તો તેના ઓટલા પર બેઠેલી જોઈ’તી એ લવારો કરીતી’તી કે હું તને એકલાને ક્યાંય નહિ જવા દઉં તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે જ આવીશ.”

“ધનસુખલાલને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ દુકાન ક્યારેય ખુલી નહિ. મગજના ભાગે લાગવાથી ધનસુખલાલ પાગલ થઇ ગયો’તો થોડો સમય એની પત્નીએ બાજુના મોટા શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એમનો ઈલાજ કરાવ્યો પણ કઈ ફેર પડ્યો નહી. એકાદ મહિનો એ પાગલને સહન કર્યા બાદ ધનસુખલાલની બૈરી કોઈક પરપુરુષ સાથે ભાગી ગઈ. મકાન પહેલેથી જ એના નામે હોય કે પછી પાગલ થયા બાદ પટાવી ફોસલાવીને પોતાના નામે કરાવી લીધું હોય એ તો રામ જાણે! પણ એની બૈરીના ભાગી ગયા બાદ એક માણસ એ મકાનનું દસ્તાવેજ લઈને આવ્યો જેના પર વેચનાર તરીકે ધનસુખલાલની બૈરીની સહી હતી. જો કે ધનસુખલાલને હવે એ મકાન સાથે કોઈ લેવા દેવા ન હતા. એ તો પાગલ થઇ ગયો છે પાગલ! અત્યારે એ ગામમાં ક્યાંક કોઈક શેરીમાં બૂમો પાડતો કે લવારી કરતો રખડતો હશે!”

બરાબર એ જ સમયે શેરીના નાકા પાસેથી એક પાગલ દોડતો દોડતો શેરીમાં દાખલ થયો. એ બૂમો પાડતો’તો.

“આગ લગાડી દીધી આગ!.........બચાવો મને!.......મને મારી નાખશે!......આગ લગાડી દીધી!”

વસંતબાપાએ આંગળી ચીંધી અમને બતાવતા કહ્યું;

“લાંબુ જીવશે! જોવ, એ આવે, એ પાગલ એ જ ધનસુખલાલ.”