Sherbajarnu Mahaskem books and stories free download online pdf in Gujarati

શેરબજારનું મહાસ્કેમ

ભાગ 1

23 એપ્રિલ, 1992

સવારનો સમય. પોશ એરિયામાં રહેતા સુરેશભાઈ (કાલ્પનિક પાત્ર) એક હાથમાં ચાય અને બીજા હાથમાં અંગ્રેજી છાપું " ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" લઇને ઊંડો શ્વાસ લીધો અને વાંચવાનું શરુ કર્યું। " ટાઈમ્સ ઓફ ઇન્ડિયા" મથાળું વાંચીને સુરેશભાઈ (અને એવા ભારતના દરેક વ્યક્તિઓ કે જેનો શેર બજાર સાથે સંબંધ હતો) હલબલી ગયા. આ શું આવ્યું છાપામાં? મથાળું કંઈક આમ હતું।

" શેર બજારનું સૌથી મોટું સ્કેમ: 5000 કરોડ રૂપિયાનો ગફલો: શેરબજારના સૌથી મોટા બ્રોકર હર્ષદ મહેતા સામીલ"

મિત્રો।.. ભારતીય શેરબજારના સૌથી મોટો સ્કેમ કે જેણે ભારતના અર્થતંત્રને જડમૂળથી હલાવી નાખ્યું હતું તેની પ્રથમ કડીમાં આપણે જાણશું હર્ષદ મહેતા અને તેના સુપર માઈન્ડમાંથી ઉદભવેલ 5000 કરોડ રૂપિયાના સ્કેમ વિશે।.. ફરીથી વાંચજો।.. આ સ્કેમ બહાર આવ્યું હતું 1992માં। .. જે સમયે મોબાઈલ કે ઈન્ટરનેટની કોઈ વ્યવસ્થા ન હતી. ટેલીફોન હોવું એ તો જાણે મોટી વાત કહેવાતી। આ સમયે વરિષ્ઠ પત્રકાર સુચેતા દલાલે આ સ્કેમ પકડીપાડી અને છાપામાં લેખ લખ્યો હતો. જી હા.. આ સ્કેમ એ કોઈ પોલીસ કે મોટા ઇન્ટલીજન્સ બ્યુરોના વ્યક્તિઓએ નહિ પરંતુ એક પત્રકારે પકડ્યો હતો.

આ સ્કેમની હાઈલાઈટ જોઈએ તો... હર્ષદ મહેતાના શેતાની દિમાગે ACC નામની કંપનીના શેરના ભાવ 200 રૂપિયાથી સીધા 9000 રૂપિયા કરી નાખ્યા। અને તે પણ માત્ર બહુ જ ઓછા સમયગાળામાં.. અને લોકોના સમજમાં આવે કે આમ કેમ ભાવ વધ્યા।. તે પહેલા તો તેમણે બધા શેર વેંચીને રોકડી કરી લીધી। હર્ષદ મહેતા દરેક લોકોની વચ્ચે રહી, કોઈ પણ નિયમનો ભંગ કર્યા વગર કરોડો રૂપિયા કમાણા।.

ભાગ 2

(આ સ્કેમના થોડા સમય પહેલા)

શ્રીમતી સુચેતા દલાલ (એક પ્રખર પત્રકાર અને શેરબજારની તેમજ ભારતની આર્થીક સ્થિતિના જાણકાર) શેર બજારની હલચલથી થોડા આશ્ચર્યમાં મુકાયા। તેમણે જોયું કે ભારતનું શેરબજાર આગળ વધી રહ્યું છે પણ તેનું કોઈ પણ કારણ સમજમાં નથી આવતું। અને કહેવાય જ છે ને કોઈ પણ વસ્તુ કારણ વગર સારી થાય તો બે વખત વિચાર તો આવે જ.

મિત્રો।. આ સમય એ છે કે જયારે ઈન્ટરનેટ અને મોબાઈલ દૂરની વાત છે. અને શેર બજાર તેમના દલાલથી ચાલતું, તે પણ શાક માર્કેટની જેમ .. આ સમયમાં સુચેતાજીને કોઈ પણ નાની વસ્તુની જાણકારી જોઈતી હોય તો કોઈ વિદ્વાનની મદદ લેવી પડે અથવા તો કોઈ જાણ ભેદુ કે ખાનગી બાતમીગાર કહી શકે. અને આ કામ પણ દેખાય તેવું સીધું ના હતું કેમ કે કરોડો લોકોના અર્થતંત્રને પ્રદર્શિત કરતા શેરબજાર માં કઈક અજુગતું થઇ રહ્યું હતું।

આપણે શેરબજારને સમજવાનો એક સરળ પ્રયત્ન કરીએ " ઓહ માય ગોડ" પિક્ચરને મધ્યમાં રાખીને। શેરબજાર એ સાદી ભાષામાં કહીએ તો વિશ્વાસ પર ચાલતું બજાર કહેવાય।

એક નાનકડી વાર્તાને સમજીએ।

ઘણા સમય પહેલાની વાત છે. એક નાનું ગામ હતું। તેમાં અચાનક દુકાળ પડ્યો। લોકો મીટ માંડીને આકાશ સામે જોવા લાગ્યા। પણ કોઈ જ ખુશી સમાચાર નહિ. કોઈ એક પીઢ અને બુઝર્ગ પૂજારીએ કહ્યું કે ગામના છેવાડે આવેલા પર્વતની ટોચ પર વસેલા માતાજીના દર્શન કરી આશીર્વાદ લ્યો તો વરસાદ આવશે।

હવે ગામલોકો પાસે કોઈ બીજો ઉપાય ના જડતો હોવાથી બુઝુર્ગ પુજારીના કહેવા પ્રમાણે માતાજી ના મંદિરે જઈને દર્શન કર્યા। અને આ શું???? માત્ર એક દિવસમાં ધોધમાર વરસાદ।

ત્યારબાદ તો આ માતાજીની ખ્યાતી શહેરોમાં પ્રસરી ચુકી। અને દુર દુરથી લોકો પોતાની મન્નત પૂરી કરવા આવતા। લોકોને ધર્મ પર વિશ્વાસ વધતો ગયો અને જેમ હિંદુઓ માતાજીના મંદિરમાં જવા લાગ્યા તો બીજા ધર્મના લોકો પોતપોતાના ધાર્મિક સ્થળો પર જવા લાગ્યા। આ ગામમાં હવે બીજા બે નવા મંદિરોનો પણ શિલાન્યાસ થયો. જે વ્યક્તિઓ પર્વત પર ચડી ના શકતા તે લોકો બીજા મંદિરોમાં જઈને પોતાની મન્નતો પૂરી કરતા। અને આમને આમ આ ધાર્મિક સ્થળોમાં ધનની વર્ષા થવા લાગી। આ જોતા અમુક પાખંડીઓ છક્ક થઇ ગયા. ધર્મને માત્ર રૂપિયા કમાવાનો રસ્તો ગણીને દુષ્કર્મ કરવા લાગ્યા। અચાનક જયારે ગામના લોકોને ખબર પડી કે ગામમાં નવા બનેલા મંદિરોમાંતો ધર્મનો વેપાર થઇ રહ્યો છે એટલે તે લોકોએ મંદિરમાં જવાનું બંધ કર્યું। અને આની અસર પર્વતની ટોચ પર આવેલા મંદિર પર પણ પડી. એક સમયે અસખ્ય લોકોથી ધમધમતું મંદિર અચાનક શાંત પડ્યું।

આ વાર્તાનો અંત તો હજી નથી આવ્યો। પણ શેરબજાર સમજવા માટે એકદમ પુરતું છે.

જેમ એક મંદિરના ચમત્કારથી આખા ગામના દરેક ધાર્મિક સ્થળોમાં ધનની વર્ષા થઇ તો બીજા કોઈ મંદિરના પાખંડી વ્યક્તિઓથી લોકોને ધર્મ પર વિશ્વાસ ઉઠી ગયો.

શેરબજારનું પણ આવું જ છે કે કોઈ એક કંપની કે કોઈ એક ચોકસ ક્ષેત્રની કંપનીઓથી શેરબજારમાં તેજી આવે તો આવી જ રીતે મંદી પણ આવે.

એક અગત્યની વસ્તુ અહી આપણે સમજીએ કે ગામના લોકોને પર્વતના મંદિર પર અંધ વિશ્વાસ ના હતો પણ તેમનો એક પરચો જોયા બાદ લોકોનો વિશ્વાસ બેઠો હતો.

આમ જ કોઈ પણ કંપનીમાં કોઈ પણ વ્યક્તિને ભવિષ્યમાં લાભ થવાનો હોય અથવા કોઈ બીજી વ્યક્તિને લાભ મળ્યો હોય તેમ ખબર પડે તો જ તે શેરમાં રૂપિયા રોકે।

આપણે મૂળ ટોપિક પર આવીએતો અત્યારે શ્રીમતી સુચેતાજીને અચાનક તેજી જણાઈ હતી અને તેનું કારણ સમજમા નહોતું આવતું અને કોઈ નક્કર સબૂતો નહોતા મળતા કે જેથી લોકો શેરબજારમાં રૂપિયા લગાવે।

એટલે હવે પ્રશ્ન એ હતો કે એવું કયું ક્ષેત્ર છે અથવા તો કઈ એવી કંપની છે કે જેના લીધે આખા શેર બજારમાં તેજી જણાઈ રહી છે. ઘણા પ્રયત્નો બાદ શ્રીમતી સુચેતાજીએ એ દરેક કંપનીનું લીસ્ટ બનાવ્યું કે જે કંપનીને આ તેજી થી ફાયદો થયો હોય અને જાણવા મળ્યું કે એક સિમેન્ટની કંપની (ACC) ને આ શેરબજારની તેજીમાં બહુ ઘણો ફાયદો થયો હતો. અને એકદમ નજીવા સમયમાં તેમના શેર 200 થી 9000 રૂપિયા થઇ જવા પામ્યા હતા.

તેમણે પોતાના બાતમીદારો, સાગરીતો અને વિદ્વાનો જોડે ઘણી ચર્ચા કરી અને જાણવાની કોશિશ કરી કે લોકોએ આ કંપનીમાં અચાનક એવું તે શું જોયું કે જેથી તેમના શેર એટલા બધા ઊંચકાઈ ગયા હોય. ના તો આ કંપનીને કોઈ મોટો ઓર્ડર મળ્યો હતો, કે ના તો આ કંપનીએ ભૂતકાળમાં એવું કાર્ય કર્યું કે જેથી તેમના શેર આટલા બધા ઉંચકાય। તેમના બોર્ડ ઓફ મેમ્બરમાં પણ કોઈ એવી ચહલ પહલ નહોતી કે કોઈ નામ રાજકારણી સાથે પણ જોડાયું ના હતું।

અચાનક તેમને એક સાગરિત બાતમી આપે છે કે આ કંપનીના શેરમાં કોઈ એક વ્યક્તિ અથવાતો કોઈ એક ગ્રુપે બહુ મોટી રકમ નાખીને ઘણા શેર લીધા છે. અભ્યાસ બાદ જણાયું કે આ જ કંપની ને લીધે ધીમે ધીમે શેરબજારમાં તેજી આવી હતી.

વાત પકડમાં આવી પણ હજી ગળે ઉતરતી ના હતી. અમુક પ્રશ્નો વધારે ઉદભવ્યા।

જો આ કંપનીના ભવિષ્યની ગેરંટી ના હોય, તો પછી કોઈ વ્યક્તિ આટલા બધા રૂપિયા શા માટે રોકે?(વ્યક્તિને કોઈક એવો ફાયદો હતો જે હજી સમજી શકાતો ના હતો)

આ વ્યક્તિ કોણ છે?

આ વ્યક્તિએ કેટલા રૂપિયા અને કેવી રીતે રોક્યા છે?

અને માની લો કે આ વ્યક્તિએ રૂપિયા રોક્યા અને તેનાથી આખા શેરબજારને ફાયદો થતો હોય તો તેમાં ખોટું શું?

છેલ્લા પ્રશ્નનો જવાબ હું આપવાની કોશિશ કરું।.. આપણે વાર્તામાં જાણ્યું કે લોકોને જેમ જેમ ધર્મ પર વિશ્વાસ બેસતો ગયો તેમ તેમ ધાર્મિક સ્થળોની આવક વધતી ગઈ પરંતુ જયારે લોકોને ખબર પડી કે આ વિશ્વાસ ખોટો છે ત્યારે અચાનક ધાર્મિક સ્થળોમાં તાળા લાગી ગયા અને તેની અસર સારા મંદિરો પર પણ પડી.

એટલે કે શેરબજારની તેજીનો પાયો જો ખોખલો હોય તો આ પરપોટો લાંબા સમય સુધી રહી ના શકે અને અત્યંત ગભરાટના સમયમાં લોકો સારી કંપની પર પણ ભરોસો ગુમાવી બેસે। એટલે એ વાત તો પાકી જ રહી કે આ તેજીનું મૂળભૂત કારણ જાણવું જ રહ્યું। અને કારણ જેટલું વહેલું મળે તેટલો ફાયદો વધારે અથવા તો નુકશાન ઓછુ.

સુચેતાજીએ અંકશાસ્ત્રીઓની મદદ લઈને તાગ મેળવ્યો કે કોઈ એક વ્યક્તિએ અથવા તેમના ગ્રુપે આ કંપનીમાં 500 કરોડ જેટલી અધધધ રકમ લગાવી હતી.

હવે પિક્ચરતો વધુ ગુઢ બનતી જાય છે. હું તમને એક હકીકતથી સભાન કરાવી દઉં કે આપણે 1992ના સમયમાં છીએ અને 1990-1991નો સમય એ ભારતના અર્થતંત્રનો એવો કપરો સમય હતો કે ભારત પાસે માત્ર ત્રણ અઠવાડિયા ચાલે તેટલી જ વસ્તુઓના રૂપિયા હતા અને ભારતે પોતાનું કેટલાય કિલો સોનું ઇંગ્લેન્ડ પાસે ગીરવે રાખીને લોન મેળવવી પડી હતી. આ વાતને માત્ર 1 વર્ષ થયું છે એટલે સમય એવો ના હતો કે ઘણા લોકો પાસે 500 કરોડ રૂપિયા હોય અને હોય તો તે એક એવી કંપનીમાં રોકે કે જેનું કોઈ ભવિષ્ય ના હોય. અને જયારે ACC કંપનીના શેરનો ઈતિહાસ જાણ્યો તો ખબર પડી કે મોટા ભાગના શેર હર્ષદ મહેતા ના નામે હતા.

સુચેતાજીનું મગજ વધુ સચેત બન્યું અને એક વસ્તુ સ્પષ્ટ બની હતી કે શેરબજારમાં રૂપિયા નાખવા માટે રોકડ રૂપિયાની જ વધારે જરૂર હોય અને આટલા રોકડ રૂપિયા કોઈ બીઝનેસમેન પાસે જ હોય અથવા તો બેંક પાસે।

એક પ્રશ્ન જેમ ઉકેલાય તેમ બીજો પ્રશ્ન વધુ જટિલ આવે છે. કે 500 કરોડ રૂપિયા હર્ષદ મહેતા પાસેથી આવ્યા કેવી રીતે? અને જો 500 કરોડ રૂપિયા કોઈ વ્યક્તિ પાસે હોય તો તેમણે એવી કંપનીમાં રોક્યા કે જેમાં કોઈ ભવિષ્ય જ ના હોય.

કોઈ મોટી ગેમ તો જરૂર છે. એ વાત પાકી બની કે આ 500 કરોડ ના રૂપિયાથી ચાલાકી કરીને જ શેર ના ભાવ વધારવામાં આવ્યા છે.

પણ ચાલાકી શું? અને રૂપિયા કોના? અને આ આખી ગેમ ચાલે છે તેમાં હજી સુધી એવા કયા નિયમનો ભંગ થયો છે જે દંડનીય અપરાધ હોય?

ભાગ 3

500 કરોડ રૂપિયાની ચાલાકીનો મર્મ એક કાલ્પનિક વાર્તા પરથી સમજીએ।..

એક મોટો બિલ્ડર હોય છે જે મોટી મોટી સોસાયટીના બાંધકામ કરતો હોય છે.વર્ષોથી તેમનું કામ એ જ કે મોટી જગ્યા લઇ તેમાં બાંધકામ કરી અને તે ઘરને વેંચવાનું। વર્ષોથી કરતા આવતા આ કામમાં તેમને લાગે છે કે જો કોઈ હાથચાલાકી થાય તો લોકોથી વધુ રૂપિયા મળી શકે.

આથી તે એક પ્લાન બનાવે છે.

એક મોટી સોસાયટીમાં 10 ઘર બનાવે છે.જેમાં ચાર ઘર તે પોતાના નામે કરે છે. (કોઈ નિયમનો ભંગ નથી કેમ કે તેમણે સોસાયટીની આખી જમીન ખરીદેલી છે અને બાંધકામ પણ પોતાના પૈસાથી જ કર્યું છે. માની લો કે બધું થઇ ને એક કરોડ રૂપિયા રોકાયા). હવે બીજા 6 ઘર વેંચવા મુકે છે જેમાંથી પોતે જ (પોતાના વ્યક્તિ પાસેથી) આ ઘર 20 લાખમાં લેવડાવે છે.

સાદા ગણિત પ્રમાણે હવે તેની પાસે 5 ઘર છે. દરેક ઘરનું બાંધકામ એક જ જેવું છે. એટલે જો એક ઘરના 20 લાખ થયા તો 5 ઘરના થઈને 1 કરોડ થયા. પણ આ ગણિત તો માત્ર કાગળ પર . હકીકતમાં પોતાના 1 કરોડ અને વીસ લાખ રોકાયા કહેવાય

લોકોને ખબર પડી એટલે લોકો આ જગ્યાએ ઘર લેવાની પુછપરછ કરવા આવે છે. અને કોઈ પણ લોકો ઘર લે તે પહેલા બિલ્ડર પોતાના સાગરિત પાસે બીજું ઘર 25 લાખમાં લેવડાવે છે. એટલે ગણિતની ભાષામાં દરેક ઘરની કીમત તે સમયે વધીને 25 લાખ થઈ કહેવાય જયારે હકીકતમાં પોતાના 1 કરોડ અને 45 લાખ રૂપિયા રોકાયા।

લોકોને થયું કે માત્ર થોડા જ સમયમાં 5લાખ ઘરનો ભાવ વધી ગયો એટલે ચોકસ જગ્યા સારી હશે. એટલે હવે જે લોકો પુછપરછ કરવા આવે છે તેમાંથી એક વ્યક્તિ ઘર નક્કી કરે છે. બિલ્ડર તેનો ભાવ હવે સીધો 35 લાખ કરી નાખે છે. જે વ્યક્તિ ખરીદવાનો હોય છે તે વિચારે છે કે જો હું આ ઘર નહી લઉં તો આનો ભાવ તો આનાથી પણ વધી જશે. એટલે 35 લાખમાં ઘર લઇ લે છે.

હવે ગણિત પ્રમાણે 8 ઘર વેચાઈ ગયા છે જેમાંથી પોતે અને પોતાના સાગરીતોએ 7 ઘર અને બીજી વ્યક્તિએ 1 ઘર લીધું છે. અને ભાવ ચાલે છે 35 લાખ રૂપિયા। હવે માત્ર બે ઘર બચ્યા છે એટલે તે ભાવ રાખે છે 50 લાખ રૂપિયા। અને 50 લાખ રૂપિયા હોવા છતાં બેય ઘર વેંચાઈ જાય છે. કેમ કે માત્ર બે ઘર બાકી હોય છે.

આમ બિલ્ડર હકીકતમાં ત્રણ ઘર જ વેંચે છે. ત્રણ ઘરમાંથી એક ઘરનો ભાવ મળે છે 35 લાખ અને બીજા બે ઘરના ભાવ 50 લાખ. આમ કુલે 50 લાખ + 50 લાખ + 35 લાખ એટલેકે 1 કરોડ 35 લાખ.

અને પોતાનું રોકાણ છે 1 કરોડની જમીન અને તેના સાગરીતોએ લીધેલા બે ઘર 20 લાખ અને 25 લાખ, આમ કુલે 1 કરોડ અને 45 લાખ.

તો સૌથી છેલ્લે હિસાબ કઈક આમ બને છે કે બિલ્ડરે પોતે 1 કરોડ 45 લાખ રોક્યા અને તેમને મળ્યા 1 કરોડ 35 લાખ, અને છેલું ઘર વેંચાયુ 50 લાખમાં।

આ ગેમ આસાન નથી દોસ્તો।... બિલ્ડરે પોતાના નામે 7 ઘર તો રાખ્યા જ છે. આતો બાકીના ત્રણ ઘરમાંથી 1 કરોડ 35 લાખ કમાયેલો છે. હા હા હા...

હવે આ સોસયેટીમાં તેજીનો માહોલ છે. લોકો 70 લાખમાં પણ ઘર લેવા તૈયાર છે ત્યારે આ બિલ્ડર પોતાના 7 ઘર વેંચીને એક ઘરના 70લાખ લેખે 4 કરોડ 90 લાખ રૂપિયાની રોકડી કરે છે.

સાગરીતોનું મોઢું બંધ રાખવા તેને 25-25 લાખ રૂપિયાની બક્ષીસ દઈને બાકીના 4 કરોડથી પણ વધુ રૂપિયા લઈને રફુચક્કર।.....

લોકોને જયારે ખબર પડે છે ત્યારે તે પોતાના ઘર વેંચવા મુકે છે કે જેટલા રૂપિયા આવે એટલા।..અને કોઈ લેવા તૈયાર ના હોવાથી લોકો ગભરાટમાં 10 લાખમાં ઘર કાઢી નાખે છે.

આખા ગામમાં કોઈ નવા ઘર લેતું નથી. જે લોકોએ બેન્કમાંથી લોન લીધી હોય છે તે બેંક પણ હવે સમજી ચુકી છે કે કોઈ વ્યક્તિ લોન ચૂકવી શકશે નહિ. એટલે બેન્કે પોતાના કર્મચારીઓને કાઢવાનું શરુ કર્યું। અનેક લોકો પોતાના રૂપિયા ગુમાવવાથી અને નોકરી ગુમાવવાથી આપઘાત કરે છે. અને આખા ગામનો માહોલ આર્થીક કટોકટી ભર્યો અને હતાશા ભર્યો થઇ જાય છે.

આખી વાર્તામાં બિલ્ડર એ બીજું કોઈ નહિ પણ હર્ષદ મહેતા।.. સોસાયટીએ બીજી કોઈ નહિ પણ ACC સિમેન્ટ કંપની અને ઘર એટલે કે શેર. આખી વાર્તા પાછી વાંચો।.. સમજાઈ જશે કે ગેમ શું છે.

આખી વાર્તા સમજ્યા હશો તો ખબર પડશે કે આમાં હજુ સુધી કોઈ પણ નિયમનો ભંગ નથી થયો. માત્ર લોકો જ જાણ્યા સમજ્યા વગર ઘર લઈને તેના ભાવ વધારી નાખે છે. જો ઘરનું બાંધકામ કે જગ્યા સારી હોત તો લોકોને ટેન્શનના હોત. પરંતુ આ ઘરમાં કોઈ ભવિષ્યના હતું લોકો માત્ર ઇન્વેસ્ટમેન્ટ માટેજ ઘર લીધું હતું।

પહેલા જ કહ્યું એમ શ્રીમતી સુચેતાજીને કઈક અજુગતું લાગવાનું કારણ એકદમ વ્યાજબી હતું। હવે જયારે આખી ગેમ સમજાઈ ગઈ છે ત્યાં હજી પણ બે પ્રશ્નનો જવાબ નથી મળ્યો।

1. હર્ષદ મહેતા પાસેથી 500 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા?

2. અને માની લો કે ગમે તેણે રૂપિયા દીધા હોય તો પણ આખી રમતમાં કયા નિયમનો ભંગ થયો? જે થયું એ તો છડે ચોક થયું। લોકોએ ખુશી ખુશી શેર લીધા।

ભાગ 4

હર્ષદ મહેતાએ આં 500 કરોડ રૂપિયા માટે મોટી ચાલાકી અને નિયમનો ભંગ કર્યો હતો. જે હકીકતમાં ભારતના શેરબજારના નબળા નિયમોના ધજીયા પણ ઉડાડી નાખ્યા હતા. અને આ સ્કેમ બહાર પડ્યા બાદ ભારત સરકારે પોતાના શેરબજારને લગતા નિયમોમાં ઘણા ફેરફાર કરીને શેરબજારને વધુ સુદ્રઢ બનાવ્યું હતું।

આટલી મોટી રકમ માત્ર એક બેંક બીજી બેંકને 15 દિવસ સુધી જ દઈ શકે. અને ચોકકસ આટલી મોટી રકમ પર વ્યાજ પણ મેળવે જ. નિયમ બનાવાનો હેતુ એ જ કે કોઈ પણ બેન્કને તાત્કલિક ડૂબતી બચાવવા કોઈ પણ સરકારી પ્રમાણિત બેંક મોટી રકમ બીજી બેંકને આપી શકે. બીજી બેંકે તેના બદલામાં બેન્કના પોતાની ગવર્મેન્ટ સિક્યોરીટીના કાગળો ગીરવે મુકવા પડે અને મોટી રકમ માત્ર 15 દિવસની અંદર વ્યાજ સાથે પરત કરવી પડે.

આ નિયમમાં હર્ષદ મહેતાએ મોટી રમત રમી અને બે બેંક (બેંક ઓફ કરાડ અને મેટ્રોપોલિન કો ઓપરેટીવ બેંક) વચ્ચે ખોટા કાગળોની આપલે કરી, બેય બેંક વચે એજન્ટ બનીને 500 કરોડ મેળવ્યા હતા જે હકીકતમાં અથવાતો કાગળ પર મેટ્રોપોલિન બેન્કને કટોકટી સમય માટે મળવાના હતા. અને શેરબજારમાં આ 500 કરોડ રોકી 15 દિવસની તેજી કરી, 15માં દિવસે દરેક શેર વેંચીને બેન્કને વ્યાજ સાથે રૂપિયા સુપરત કર્યા। કહેવાય છે કે આ કામ પૂરું પાડવા હર્ષદ મહેતાએ બેન્કના ઘણા મોટા માથાને લાંચ આપી હતી. અને એક સમયે તેમણે તેવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે આ નિયમ વિરુધનું કાર્ય પાર પાડવા તત્કાલીન વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવને પણ પાર્ટી ફંડના નામે લાંચ અપાઈ હતી.

મિત્રો।.. શેરબજારનો એક મૂળભૂત નિયમ છે કે કોઈ પણ દિવસ બેન્કના રોકડા રૂપિયાને લોન લઈને શેરબજારમાં રોકી ના શકાય।

હર્ષદ મહેતાએ માત્ર 500 કરોડ રૂપિયા લઇ (નિયમોની હેરા ફેરી કરી) શેરબજારમાં ખોટી તેજી લાવી અને રૂપિયા કમાયા હતા. શ્રીમતી સુચેતાજીએ આ સ્કેમને ઉજાગર કરીને હર્ષદ મહેતાને જેલ ભેગો કર્યો હતો.

રાજકોટ જીલ્લાના કોઈ ગામમાં જન્મેલા અને મુંબઈમાં એક શેર બજારને લગતી કંપનીમાં કામ કરી ધીમે ધીમે શેર બજારના એક પ્રખર દલાલ બનેલા હર્ષદ મહેતાની જિંદગીના છેલ્લા દિવસો જેલમાં વીત્યા હતા. આઠ વર્ષથી જેલમાં રહેતા હર્ષદ મહેતાના આ કેસનો ચુકાદો આવે તે પહેલા જ તેમનું હાર્ટ એટેક આવતા નિધન થયું હતું।

* હર્ષદ મહેતાનું સ્કેમ બહાર પડ્યું ત્યારે વિજયાબેન્કના ચેરમેને તે જ બેંકની અગાશી પરથી કુદકો મારી આપઘાત કર્યો હતો। આ ચેરમેને હર્ષદ મહેતાને 500 કરોડ રૂપિયાના ચેક બનાવવામાં મદદ કરી હતી

* એક વેબસાઈટની દલીલ છે કે હર્ષદ મહેતા ઉપરાંત નિમેશ શાહ પણ આ કેસની રગેરગથી વાકેફ હતા પરંતુ તેમનું નામ કોઈ પણ નિયમ ભંગમાં ના સામેલ હોઈ તેમના પર કોઈ પણ ચુકાદો ના ચાલ્યો હતો નિમેશ શાહનું આજે ભારતના શેરબજાર માર્ગદર્શનમાં નામ સૌથી મોખરે છે.

* એક એફવા એવી પણ છે કે જયારે હર્ષદ મહેતાએ પોતાની જિંદગીનો આખરી શ્વાસ લીધો તે સમયે પણ તેમની પાસે 10% થી વધુ ACC સિમેન્ટ કંપનીના શેર હતા.

મિત્રો।.. જયારે કોઈ પણ વસ્તુનો અતિરેક થતો હોય જેમ કે કારણ વગર કોઈ બેંક લોન દે, કારણ વગર લાખોની લોટરી લાગે, કોઈ કારણ વગર શેર બજાર ઉપર જાય.. ત્યારે ત્યારે તેમની પછડાટ પણ તેટલી જ ભયંકર અને દર્દનાક હોય છે.

આશા છે કે આ લેખથી શેર બજાર અને હર્ષદ મહેતાના સ્કેમ વિષે જરૂરી માહિતી મળી હશે. આવો જટિલ ટોપિક દેવા બદલ મહેન્દ્ર ભાઈ નો ખુબ ખુબ આભાર।.