Bhinu Ran - 11 books and stories free download online pdf in Gujarati

ભીનું રણ - ૧૧

ભીનું રણ – 11

સીમા દવાની અસરને લીધે સુઈ ગઈ હતી એટલે રાત્રે કશી વધારે વાત થઇ ન હતી. એની તબિયતને ધ્યાનમાં રાખી મેં પણ વધારે વાતનો આગ્રહ રાખ્યો ન હતો. બસ કેટલીય વાર સુંધી એના નિસ્તેજ ચહેરા પાછળની સુંદરતા વિષે વિચારતો વિચારતો હું પણ ક્યારે સુઈ ગયો તેની ખબર ન રહી. વહેલી સવારે આવેલા તપનના એ મેસેજથી મને આનંદ થયો પરંતુ બહુ આશ્ચર્ય નહોતું થયું. અમે જે કામ લઈને બેઠા હતા એનો અંજામ તો ક્યારેક આ રીતે જ આવવાનો હતો, પણ જે ઝડપથી અમે આ કામ કર્યું એ અણધાર્યું હતું. સીમા હજુ ઊંઘતી હતી એટલે હું નર્સને કહીને હોસ્પીટલની બહાર જઈ આજનું છાપું લઇ આવ્યો. રીસેપ્શન પર બેઠેલા પેલા મેઈન ડોકટરે મને રોકીને ધન્યવાદ આપ્યા કે આશ્ચર્યજનક રીતે સીમાની તબિયતમાં એકદમ સુધારો છે કદાચ કાલે રજા પણ મળી જશે.

હોસ્પીટલના રૂમમાં પાછો ગયો ત્યારે નર્સ સીમાને મેડીસીન આપવા આવેલી હતી એટલે સીમા ઉઠી ગઈ હતી. મારી સામે જોઇને એણે એક આભાર ભર્યું સ્મિત વેર્યું. આજના દિવસની શરૂઆત આટલી સુંદર હશે એ મારા માનવામાં નહોતું આવતું. છાપાના હેડિંગમાં જ આર.ડીની ધરપકડના સમાચાર આવેલા હતા. તપને કરેલી કાર્યવાહીની વિસ્તૃત છણાવટ કરેલી હતી. સીમાની ઓળખ વિષે ગોપનીયતા રાખવામાં આવી હતી એ બહુ સારી બાબત હતી. મેં છાપાનું હેડીંગ સીમાની સામે મુક્યું. એની આંખો ચાર થઇ ગઈ અને પ્રશ્નાર્થ નજરે મારી સામું જોયું. મેં માથું હલાવી ખાલી સ્મિત કર્યું. મને એમ લાગ્યું કે જો એ હોસ્પીટલમાં ન હોત તો દોડીને મને ભેટી પડી હોત.

નર્સ ગઈ પછી હું એની બાજુમાં બેઠો એના વાળ સરખા કરવાના બહાને એના માથે હાથ ફેરવ્યો. એણે પણ એના એક હાથ વડે મારો હાથ પકડ્યો, મારી આંગળીઓમાં એની આંગળીઓને ભીડાવી અને પછી મારો હાથ ચૂમ્યો. એણે મારો હાથ એવી રીતે જકડી રાખેલો હતો કે એની છાતીના ધબકારા હું અનુભવી શકતો હતો. કેટલીય વાર પછી એણે ચુપકીદી તોડી અને મને પૂછ્યું; ‘હું ઈચ્છું છું કે મારી જીંદગીમાં હવે જે બાકી રહી છે એ દરેક ક્ષણોમાં તારી હાજરી હોય. શું એ તારા તરફથી શક્ય બનશે?’

‘હા હું પણ ઈચ્છું છું કે હવે તારી જીંદગીમાં આવા કોઈ તોફાન ન આવે અને એને માટે હું સતત તારી સાથે હોઈશ. હું વચન આપું છું કે તારી માટે બધુજ કરી છૂટવા હું તૈયાર રહીશ.’ મેં એના ખભે હાથ મૂકી જવાબ આપ્યો.

‘પણ તને તો ખબર છે કે મારે અહીંથી સીધું જેલમાં જ જવાનું છે. કેટલા વરસ માટે એ પણ ખબર નથી. હું જેલમાંથી પાછી આવું ત્યાં સુંધી શું તું મારી રાહ જોઇશ?’ એટલું બોલતા એની આંખમાંથી આંસુ દદડવા માંડ્યા.

‘તને એટલો વિશ્વાસ નથી મારી ઉપર?’ એટલું બોલી મેં નીચું નામી એની આંખોના આંસુ લૂછ્યા.

‘શું વાત છે?..આ શેની ગુસપુસ ચાલે છે?’ તપન એકદમ અંદર આવીને બોલ્યો અને અમે બંનેના ચહેરા પર જાણે પકડાઈ ગયા હોય તેવો ભાવ આવી ગયો.

‘અરે તપન આવ એકદમ પરફેક્ટ ટાઈમે આવ્યો છું.’ હું એની સામું જોઈ બોલ્યો.

‘ઓહ એમ? મને એમ કે હું ખોટા સમયે આવ્યો. અરે કેમ આ સીમાની આંખમાં આંસુ? આજે તો ખુશીનો દિવસ છે તોય આંસુ?’ તપને સીમાની સામું જોયું અને પલંગ પર પડેલું છાપું હાથમાં લઇ બોલ્યો.

‘સીમા જેલમાં જવાની વાત પર દુખી થઇ ગઈ એટલે એની આંખમાં આંસુ આવ્યા’

તપને મારી સામું જોઈને આંખ મારી અને પછી બોલ્યો ‘કેમ સીમા શું કામ જેલમાં જાય જે કર્યું છે એ તો આપણે બંને એ કર્યું છે. કેસ થાય તો આપણી ઉપર થાય.’

હજુ હું કંઈ બોલું એ પહેલા તપન બોલ્યો; ‘ચીયર્સ અપ માય ફ્રેન્ડસ ..સીમા પર કોઈ ચાર્જશીટ મુકાઈ જ નથી એ તો સાવ નિર્દોષ છે. મેં આ કેસનો ડ્રાફ્ટ જ એવો કરાવ્યો છે કે એનું નામ ક્યાંય વચ્ચે ન આવે.’

બે મિનીટ તો કોઈ કશું બોલ્યું નહિ હું અને સીમા એકબીજાની સામું જોતા રહ્યા એટલી વારમાં જ ડોક્ટર રૂટીન વિઝીટમાં અંદર આવ્યા. તપનને ઓળખીતા ડોક્ટર હતા અને તપને અહીં આવી એમની સાથે વાત કરી હશે એ તો એ લોકોની વાતો પરથી ખબર પડી. નાની ઉંમરે તપને સમાજમાં એક મોખરાની જગ્યા બનાવી દીધી હતી એવું મને લાગ્યું. ડોકટરે અમને બે દિવસમાં અહીંથી ડીસ્ચાર્જ મળી જશે એવી ખાતરી આપી.

ડોક્ટર ગયા પછી તપને સીધેસીધું મને પૂછ્યું; ‘વેલ ..કિશોર ટેલ મી અબાઉટ ધ નેક્સ્ટ સ્ટેપ ઓફ લાઈફ. ડુ યુ બોથ આર રેડી ટુ સ્પેન્ટ લાઈફ વિથ ઈચઅધર?’

એના આવા આક્રમણ સામે હું તો એકદમ સુન્ન થઇ ગયો. એણે ક્યારેય મારી સાથે આ બાબતે વાત કરી ન હતી. સીમાનું રીએક્શન શું હશે એ જોવા મેં એની સામું જોયું. એ તો જાણે એની આંખોથી એની મુકસંમતિ આપી રહી હતી તો શું હવે મારે જ વિચારવાનું બાકી હતું. ના...મારે તો એ બાબતે કશું વિચારવાનું ન હતું. કોલેજમાં જયારે વિલાસ જોડે એ ફરતી હતી ત્યારે પણ મેં મનોમન કેટલી ચાહી હતી એ હું જાણતો હતો. મેં તપનને જવાબ આપ્યો કે; ’મને કશો વાંધો નથી ફક્ત આ લોકોનો ડર વિશે જ હું ચિંતિત છું.’

‘ઓહ કિશોર હું જ્યાં તમારી પડખે છું ત્યાં ડરવાની વાત ક્યાં આવે?’

‘એ વાત સાચી તપન પણ આ શહેરમાં હવે મારું મન તો લાગી જશે પણ સીમાનું મન અહી નહિ લાગે.’

‘તો બંને જણા વિદેશ જતા રહો, પછી ક્યાં આ લોકોની ફિકર રહેવાની છે.’

‘વિદેશ જવું એમ કંઈ સહેલું થોડું છે તે જતું રહેવાશે. અને ખર્ચાળ પણ કેટલું છે.’

‘મની પ્રોબ્લેમ માટે તો હું છું ને !! તમારે ઓસ્ટ્રેલીયા જવું હોય તો મારી પાસે લીંક તૈયાર જ છે.’

‘ઓસ્ટ્રેલીયા જવા માટે મને વાંધો નથી. સીમા તને વાંધો નથી ને ?’ મેં સીમા સામું જોઈ પ્રશ્ન કર્યો.

‘મને એ કન્ટ્રી ગમે છે હું ત્યાં જવા તૈયાર... પણ ત્યાં જઈને જોબ શોધવી અને સેટલ થવું એટલું ઇઝી નથી.’ સીમા ધીમા અવાજે બોલી.

‘એ બધું તમે બંને મારા ઉપર છોડી દો. મેં ત્યાં તપાસ કરેલી છે, ત્યાં મારા મિત્રનો એક સ્ટોર છે જે અત્યારે વેચવા વિચારી રહ્યો છે. એજ ખરીદી લઇ લઈએ, મોટો સ્ટોર છે એક જણાથી હેન્ડલ થાય એવો નથી તમે બંને જણા આરામથી સંભાળી શકશો.’

‘વેચાતો લેવાના પૈસા ક્યાંથી કાઢવાના? શરૂઆતમાં તો ત્યાં જઈને નોકરી કરવાની તૈયારી જ રાખવી પડે. એ બધું તો પછી ત્યાં જઈને થોડા સેટલ થઈએ પછીની વાત છે.’ મેં તપનને મારો મત જણાવ્યો.

‘હું હમણાં તો બોલ્યો કે મની પ્રોબ્લેમ માટે તો હું છું ને એનો મતલબ તમે બંને સમજ્યા નહી? જુઓ લગભગ દોઢેક કરોડમાં એ સ્ટોરનો સોદો થશે અને તોય તમારી પાસે એનાથી ડબલ પૈસા બેંકમાં હશે એવી તો તમારી વ્યવસ્થા છે જ.’

તપનના આ વાક્ય પાછળનો ભાવાર્થ સમજી શકાય તેમ ન હતો એટલે મારે પૂછવું પડ્યું ‘શેની વાત કરે છે તું? હજુ ત્યાં ગયા નથી એ પહેલા બેંક બેલેન્સની વાત ક્યાંથી આવી?’

‘મારે તમને પાંચ કરોડ આપવાના છે એની વાત કરું છું. જો કિશોર મારી વાત સમજી લે, આર.ડીની ધરપકડ કરવાનો સોદો અગિયાર કરોડનો હતો. એમાંથી પાંચ હું તમને આપીશ બેએક કરોડ જેવા મારા ડીપાર્ટમેન્ટમાં આપવાના છે અને બીજા મારા....અન્ડરસ્ટેન્ડ’

‘વ્હોટ ??...સોદો ??..કોની સાથે ?? આજ પહેલા તો તે મને આ વિશે કશી વાત નથી કરી. અને આ તો ગેરકાયદે કરેલું કામ કહેવાય. આ રીતે આવું કામ ન કરાય?’ પાંચ કરોડ જેવી માતબર રકમ સાંભળી મારી આંખો પહોળી થઇ ગઈ.

‘ધીરે બોલ આ હોસ્પિટલ છે એટલે નહિ પણ આ વાતનો ઉલ્લેખ આજ પછી તમારે ક્યાંય કરવાનો નથી એટલી ચોકસાઈ રાખજો. અને હા આ કોઈ કરપ્શનની વાત નથી આશરે બસ્સો કરોડનો ડ્રગ્સનો કારોબાર બંધ થવાથી તને ખબર છે કેટલું ઉમદા કામ થયું છે. એ ઉપરાંત સરકારને આ સોદાથી આર.ડીએ પચાવી પાડેલી સરકારી જમીનની હરાજીમાંથી લગભગ સો કરોડ મળશે.’

‘તપન પણ આ રીતે સોદો ....’

મારી વાત અધવચ્ચેથી કાપી તપન બોલ્યો; ‘હું તને સમજાવું કે આ આખું ઓપરેશન કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું.’

છેલ્લા કેટલાક વરસોથી આર.ડીનો પ્રભાવ શહેરમાં જ નહિ રાજ્યમાં પણ વધતો હતો. નાના પાયા પર બાંધકામ ક્ષેત્રે કામ ચાલુ કરી એણે પછી ગવર્મેન્ટના ટેન્ડરનું જ કામ કરવા માંડ્યું. ભ્રષ્ટ અધિકારીઓની સાથે એક મીનીસ્ટર પણ એના કામમાં અમુક પૈસાના ભાગીદાર રહેતા હતા એટલે એનું કામ દોડવા માંડેલું. એ સમયે એની ઓળખાણ ગોખલે સાથે થઇ. ઇલેકશનમાં ગોખલેના મત વિસ્તારનું ક્ષેત્ર એનું વતન હોવાથી એણે ઈલેક્શન જીતવા માટે એ સમયે ઘણી મદદ કરી હતી. ગોખલે ખંધા રાજકારણી છે એ વાત સાચી પણ જ્યારથી એમને આર.ડીના ડ્રગ્સના કારોબાર વિષે ઈનપુટ મળ્યા ત્યારથી એ સચેત થઇ ગયેલા. આ ડ્રગ્સના રેકેટમાં એમની સંડોવણી થાય એ એમની નીતિ વિરુદ્ધ હતું. હોમમીનીસ્ટર બન્યા પછી ગોખલે સાથેની આર.ડીની નિકટતા ક્યારેક ગોખલે માટેજ બુમરેંગ સાબિત થઇ શકે એ નિશ્ચિત હતું. કારણ કે ધીમે ધીમે એના પંજા એ ફેલાવતો ગયો એટલે સરકારી જમીન પર પણ ગેરકાયદે કબજો કરવા માંડ્યો અને પછી જમીનો હેતુફેર કરી પોતાના નામે કરવા એ દબાણ કરતો.

આ બધામાંથી રસ્તો કાઢવા છ મહિના પહેલા ગોખલેએ મને મીટીંગ માટે બોલાવ્યો હતો. આર.ડી તો પહેલેથી જ મારા રડારમાં હતો અને એટલેજ ગોખલેએ મને બોલાવ્યો હતો. હું આર.ડીના નેટવર્ક વિશે જાણતો હતો અને એટલેજ મને પાકી ખબર હતી કે એમાં બધાજ પ્રકારના જોખમ હતા. હું તો સરકારી ઓફિસર હતો એટલે એ કામ પાર પાડવાનું મારી તો ફરજમાં આવતું હતું. પણ સરકારી સિસ્ટમમાં આર.ડીએ પોતાનું નેટવર્ક ફેલાવેલું હતું એટલે આ કામ મારે બિનસરકારી ધોરણે કરવાનું હતું. આ કામ પૂરું થયા પછી ગોખલે અને એમની એક બેનામી સંસ્થાને કેટલો ફાયદો થવાનો હતો એ હું સારી રીતે જાણતો હતો. એના કારણે જ આ કામ માટે મને અગિયાર કરોડની ઓફર થઇ હતી બલકે એમ કહી શકાય કે મેં જ એટલી રકમ માંગી હતી. એ પછી જ મેં વિલાસને ટ્રેસ કર્યો હતો. વિલાસ તો ભુરાના નેટવર્કને ભેદવાના કામમાં ના પાડે એમ હતો જ નહિ કારણકે એ પોતે એની સાથે કોઈ જૂની દુશ્મનાવટને લીધે બદલો લેવા થનગની રહ્યો હતો. સીમા અહી શહેરમાં જ રહેતી હતી એ હું જાણતો હતો પણ હું ક્રાઈમ બ્રાન્ચમાં છું એ સ્વાભાવિક રીતે જાણતી ન હતી. એટલેજ મેં વિલાસ દ્વારા સીમાને એપ્રોચ કરવા વિચાર્યું. આપણે બંને તો છેલ્લા એકાદ વરસથી કોન્ટેક્ટમાં હતા. વાતો વાતોમાં થયેલા ઉલ્લેખથી તારી સીમા પ્રત્યેની ઉત્સુકતા મેં દેખી હતી. વિલાસ પણ કોલેજના ટાઇમથી તારો સીમા પ્રત્યેનો છૂપો પ્રેમ જાણતો હતો. આ પ્લાન બાબતે વિલાસને અમુક હદ સુંધીની જ માહિતી આપી જે એના હિતમાં હતી. એ પછી મારા અમુક માણસો ભૂરાની પાછળ લાગી ગયા અને એ લોકો વિલાસ ઉપર પણ સેફટી માટે ચાંપતી નજર રાખતા હતા.

સીમાના ફ્લેટમાં થયેલું ખૂન એ ખરેખર તો ભૂરાની ઉતાવળ હતી કારણકે એને વિલાસની હાજરીની ગંધ આવી ગઈ હતી એટલેજ એ સીમા નું કાસળ કાઢી નાખવા ઈચ્છતો હતો. જે થયું એ આપણા માટે એલાર્મિંગ હતું અને એટલેજ આખું ઓપરશન પાર પડવાની ઉતાવળ કરવી પડી.

સીમાનું વિલાસ સાથે હોવાની વાત મને ખબર પડી એટલેજ હું તને લાશની ઓળખવિધિ કરવા લઇ ગયો હતો. સીમાને આ હોટલમાં લાવવાનું અને તારે ત્યાં મળવા જવાનું એ બધું જ પ્લાન્ડ હતું. આર.ડીને એની માહિતી મળી ગઈ એ અણધારી ઘટના નહોતી એને ટ્રેપ કરવામાં આવ્યો હતો. પણ આ પોઈઝન વાળી વાત અણધારી હતી.

‘શું વાત કરે છે..? તું જાણે છે કે આ રીતે તો સીમાની જીંદગી આપણે દાવ પર મૂકી દીધી.’ હું થોડો ગુસ્સે થઇ ગયો.

કિશોર જીંદગી તો આપણા બધાની દાવ પર મુકેલી જ હતી. એના સિવાય આ કામ થાય એમ ન હતું. તારો જુસ્સો અને તારો સાથ મને મળ્યો એ મારા માટે ખરેખર વરદાન જેવું હતું. હું ભગવાનનો એ બાબતે પાડ માનીશ કે તારા જેવા મિત્રો મારી સાથે છે.’ તપને મારા ખભા પર હાથ મુકીને કહ્યું.

‘ભગવાનનો સાથ તો આ કામમાં હતોજ એ વાત સાચી.’મેં સીમાની સામું જોઇને આંખ મારી

તું જે પ્રમાણે ગોડાઉનમાં ફસાયો હતો એમાં તું એમ માને છે કે સરળ કામ હતું. તે પણ જાન જોખમમાં મુક્યો જ હતો ને ? આ બધું કરવામાં એક અંગત સ્વાર્થ મારો એ હતો કે સીમા આ ગુનાખોરીની દુનિયામાંથી નીકળે. જેમાં તારી પણ ખુશી સમાયેલી હતી.

‘આ જન્મમાં તો હું તારો આભાર માનું તોય પહોંચી ન વળું એટલું મહાન કામ કર્યું છે તેં તપન.’ કેટલાય સમયથી ચુપચાપ રહેલી સીમા બોલી ઉઠી.

‘અરે એમાં આભાર શું માનવાનો. ગયા જન્મના કોઈ લેણદેણ હશે તો જ આવું થાય. બસ હવે તમે બંને ઓસ્ટ્રેલીયા જઈને તમારી જિંદગીને માણો ત્યારે જ આ કામ પૂરું થયું ગણાશે.’ તપન બોલ્યો.

‘મારા માટે તો હજુ માન્યામાં નથી આવતું કે આ હું શું દેખી રહી છું.’ સીમાની આંખમાં હર્ષના આંસુ નીકળી આવ્યા.

*****

થોડા દિવસો બાદ ઓસ્ટ્રેલીયા જતી વખતે તપન બંને જણાને એરપોર્ટ મુકવા જઈ રહ્યો હતો. એસયુવી ગાડીમાં કોઈ નવા ગાયકની ગઝલ વાગી રહી હતી.

જિંદગી તેરા કુછ ભી અરમાન હો, મુજે ઇસ તરહ સે જીના હે

ગમ યા ખુશી ફૂરસતે ફરમાન હો, મુજે ઇસ તરહ સે જીના હે

[ સમાપ્ત ]

ચેતન શુક્લ (૯૮૨૪૦૪૩૩૧૧)