Bakor Patel - Ran Medane books and stories free download online pdf in Gujarati

Bakor Patel - Ran Medane

બકોર પટેલ : રણ મેદાને

લેખક

હરિપ્રસાદ વ્યાસ

સંપાદક

રતિલાલ બોરીસાગર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.છાવણીમાં

૨.મહારાજાધિરાજ બકોરસિંહજી

છાવણીમાં

એક-દિવસ સવારમાં બકોર પટેલ પલંગમાં પડ્યાં-પડ્યાં છાપું વાંચતા હતા. પાસે સ્ટૂલ પર ચાનો પ્યાલો પડ્યો હતો. પટેલ છાપું વાંચે, ત્યારે એમની આંખો છાપા પર મંડાયેલી હોય અને હાથ આપોઆપ ચાની રકાબી પકડતો હોય.

પટેલે છાપા તરફ આંખો રાખીનેે ચાની રકાબી લેવા હાથ લાંબો કર્યોે. હવે, ધાણાની દાળની તાસક (ધાતુના પતરાની રકાબી જેવી ડિશ) નહીં જડવાથી શકરી પટલાણીએ બીજી રકાબીમાં દાળ કાઢીનેે સ્ટૂલ ઉપર મૂકી હતી. પટેલે ભૂલમાં ને ભૂલમાં ધાણાની દાળવાળી રકાબી ઉપાડી અને કંઇ જોયા વગર જ તેને ધીમે-ધીમે મોં તરફ લાવવા લાગ્યા! મનમાં એમ કે રખે ને, રકાબી આડી-અવળી થાય અને ચા ઢળી જાય તો!

છાપું વાંચતાં-વાંચતાં એમણે રકાબી હોઠે માંડી, ત્યારે જ નજર ધાણાની દાળ ઉપર પડી! ‘હત્તારીની’, પટેલ હસીને બબડ્યા. દાળની રકાબી પાછી મૂકી, પછી ચાની રકાબી ઉપાડી ચા પીવા માંડી.

શકરી પટલાણી આ બધો તાલ જોતાં હતાં. તેઓ ખડખડાટ હસી પડ્યાં અને બોલ્યાં : “થોડીક વાર છાપું આઘું મૂકી ચા પી લેતા હો તો!”

“છાપાંની એ જ ખૂબી છે ને!” પટેલે જવાબ આપ્યો : “આ વીસમી સદીમાં છાપાંએ ચાને પણ પાછળ પાડી દીધી છે!”

પટેલની નજર એકાએક એક જાહેરાત પર પડી. આ જાહેરાત વાંચતાં જ એમના શરીરમાં લોહી જાણે જોરથી દોડવા માંડ્યું! પલંગ પરથી એકદમ નીચે ઊતરી ગયા અને વળી પાછા પલંગ પર ચડી ગયા!

શકરી પટલાણીને નવાઇ લાગી. એમણે પૂછ્યું : “આમ ચડ-ઊતર કેમ કરો છો ?”

પટેલ કહે : “આનંદના સમાચાર છે! વાંચી સંભળાવું ?”

“ભલે.”

“સાંભળ ત્યારે!”

આમ કહીને પટેલે જાહેરાત મોટેથી વાંચવા માંડી :

વિહારિકા

બંગલામાં અગર તો શહેરના ગીચ લત્તા આવેલાં મકાનોમાં ગોંધાઇ રહેલાંઓને ખુશખબર! અમે છાવણી-જીવનને વેગ આપવાનો પ્રયત્ન આદર્યો છે. અચલપુર અને કિશનપુર સ્ટેશન નજીકમાં અમે ‘વિહારિકા’ નામે છાવણી શરૂ કરી છે. કુદરતને ખોળે વિહરવા ઇચ્છતાં સૌ માટે ઝાવણીમાં ૫૦ તંબુની સગવડ છે. છાવણી-જીવનમાં રસ લેનાર વ્યક્તિ વહેલી તકે પોતાનો તંબુ નક્કી કરી લે. છાવણી ૮-૧૦ દિવસ રહેશે. જણ દીઠ રૂ ૫૦૦ અગાઉથી લેવામાં આવશે. વધુ વિગત માટે પત્રિકા મગાવો. લિ. સેવક, રમતારામ

બકોર પટેલ જાહેરાત વાંચી રહ્યા, એટલે શકરી પટલાણી હસતાં-હસતાં પૂછવા લાગ્યાં : “તો શું તમારે છાવણી-જીવનનો લહાવો લેવો છે ?”

“હા, હા! કેમ નહી? વનરાજી ખીલી હોય, શીતળ પવન વાતો હોય, કોયલ-બપૈયાના મીઠા સૂર સંભળાતા હોય, ફૂલોેની મીઠી સુગંધ આવતી હોય ત્યાં સૂકો રોટલો પણ કેવો મીઠો લાગે! તારો વિચાર થતો હોય, તો આપણે નામ નોંધાવી પૈસા મોકલી દઇએ. પછી ઊપડીએ.”

“મારો તો કંઇ વિચાર નથી.”

“તું તો હંમેશની એવી જ રહી! માથેરાન અને મહાબળેશ્વર તો છે જ ને! એક વાર આવું જીવન પણ ગાળવું જોઇએ! એઇ, બસ કુદરતને ખોળે... ”

આમ કહી પત્રિકા મગાવવા માટે પટેલે પત્ર લખી દીધોે.

ત્રીજે જ દિવસે પત્રિકા આવી પડી. પટેલે નિયમો વાંચ્યા અને એ જ ઘડીએ એમણે નિશ્ચય કરી દીધો. બન્ને જણના મળી કુલ રૂ ૧૦૦૦ રમતારામજીને મોકલી દીધા. પોતાનો તબું રિઝર્વ કરાવી લીધો અને જવાનો દિવસ પણ લખી નાખ્યો.

પછી પટેલે જવા માટે ભારે તૈયારીઓ કરવા માંડી. ચા માટે સ્ટવ, રકાબી, પ્યાલા, ચા, ખાંડ વગેરે જુદાં કાઢ્યાં. બૅગમાં કપડાં ભરી લીધાં. પાણી પીવા માટે પ્યાલા તથા એક નાનો કુંજો પણ બાજુ ઉપર તૈયાર રાખ્યો. કદાચ જરૂર પડે તો એ માટે બિસ્કિટનું એક મોટું પૅકેટ અને એકાદ કિલો ભૂસું પણ તેમણે સાથે લીધું. આ ઉપરાંત કપડાં જુદાં.

બૅગમાં સમાય તેટલું બૅગમાં મૂક્યું. થોડુંક પોટલામાં બાંધ્યું; કેટલીક વસ્તુઓ થેલીઓમાં મૂકી - આમ બધું મામેરું તૈયાર કરી પટેલ તથા શકરી પટલાણી સ્ટેશને આવ્યાં.

ખુશાલબહેન પાસે અચલપુરની ટિકિટો મગાવી લીધી હતી, એટલે ટિકિટની તો પંચાત ન હતી. સરસામાન બધો મજૂર મારફતે પ્લેટફૉર્મ ઉપર મુકાવ્યો. આખરે ગાડી આવી. બન્ને ઝટ-ઝટ ગાડીમાં દાખલ થઇ ગયાં. સામાન અંદર મુકાઇ ગયો.

પટેલને હરખ માતો ન હતો. પોતે આજે નવા જ પ્રકારનું જીવન માણવા જતા હતા. છાવણજીવનનો લહાવો લેવાની તેમને ભારે હોંશ થતી હતી - સાથેસાથે આવું જીવન જીવવાની આતુરતા પણ વધતી જતી હતી.

રસ્તામાં બન્ને વાતોએ ચડ્યાં. શકરી પટલાણી પણ ખુશમિજાજમાં હતાં. કેદી જેવું બંગલાનું જીવન રોજેરોજ ગાળીને એ પણ કંટાળી ગયાં હતાં.

પટલાણીએ વાત ઉપાડી : “એકાદ બિસ્તરો લાવ્યાં હોત તો સારું થાત.”

“ઊંહ!” ખભા ઊંચા કરતાં પટેલ બોલ્યા : “છાવણી ખોલી છે ને પાથરવાનું ન હોય એવું તે બનતું હશે? સાથે નકામી વેઠ વેંઢારવી (અગવડ વેઠીને સાથે રાખવું)?”

“એમ નહિ! કદાચ ત્યાંનાં ગાદલાં બહુ પાતળા હોય, તો ઉપર બિસ્તરો નાખવા ચાલે. ઓશીકાંની પણ ખેંચ ન પડે. હશે, જે થાય તે ખરું.”

“બરાબર છે!” પટેલ ડોકી હલાવીને બોલ્યા : “ડગલું ભર્યું કે પાછું ના હઠવું, ના હઠવું! યાહોમ કરીને પડો, ફતેહ છે આગે!”

આમ વાતોમાં સમય પસાર થઇ ગયો. સંધ્યાકાળ થવા આવ્યો. અચલપુર સ્ટેશન આવવાને થોડી જ વાર હતી.

પટેલે બધો સામાન એકવગો (એકસાથે) કર્યો. બધી ચીજો ગણી જોઇ. બધું બરાબર હતું.

છેવટે અચલપુર આવ્યું. ટ્રેન બહાર ડોકું કાઢી પટેલે પાટિયું વાંચ્યું. પછી બારણું ખોલી બન્ને ઝટ-ઝટ નીચે ઊતર્યા.

એમણે મજૂર માટે આમતેમ નજર કરી. પણ કોઇ દેખાયું નહિ! શકરી પટલાણી બોલ્યાં : “સ્ટેશન નાનું છે. અહીં તો મજૂર મળે તેમ લાગતું નથી. ઝટ-ઝટ હાથોહાથ બધો સામાન નીચે ઉતારી લઇએ.”

બન્ને જણે ઝડપથી સામાન બહાર કાઢ્યો. એટલામાં સીટી વાગી અને ગાડી ઊપડી.

ગાડી ઊપડ્યા પછી પટેલ આમતેમ જોવા લાગ્યા. ગાડીમાંથી ત્રણચાર મુસાફરો જ ઊતર્યા હતા. તેઓ રવાના થઇ ગયા. ટી.સી. (મુસાફરોની ટિકિટો પાછી લેનાર અધિકારી ટિકિટ કલેક્ટર) છેક આઘે ઊભેલા લાગ્યા.

બકોર પટેલ એમની પાસે પહોંચી ગયા.

“સાહેબજી, આ અમારી ટિકિટો.”

“લાવો! ક્યાં જવું છે તમારે?”

“અમારે ‘વિહારિકા’ જવું છે. પેલી ઝાવણીઓનો મુકામ છે ને, ત્યાં! અહીંથી ત્યાં જવા માટે અમને શું સાધન મળશે? એ લોકો તરફથી ઘોડાગાડી મોકલાય છે, એમ પત્રિકામાં હતું. તો ઘોડાગાડી ક્યાં ઊભી રહે છે?”

જવાબમાં સાહેબ કંઇ પણ બોલ્યા વિના હસવા લાગ્યા! એટલામાં શકરી પટલાણી પણ ત્યાં આવી પહોચ્યાં.

પટેલ જરા ભોંઠા પડી ગયા. એમણે પૂછ્યું : “સાહેબ, હસો છો કેમ?”

હસવું દબાવતાં સાહેબે જવાબ આપ્યો : “મહેરબાન, આગળપાછળની કંઇ તપાસ કર્યા વિના ગાડીએ ચડી બેઠા લાગો છો!”

“કેમ?”

“આપશ્રી ખોટા સ્ટેશને ઊતર્યા છો!”

“ખોટા સ્ટેશને!” પટેલ ચમક્યા : “આ અચલપુર નથી?”

સાહેબ બોલ્યા : “અચલપુર જ છે! તેથી તો તમને કહું છું કે ખોટે સ્ટેશને ઊતર્યા છો તમે. તમારે તો કિશનપુર ઊતરી જવાનું હતું! મુંબઇથી આવનારાઓને ઝાવણી કિશનપુરથી નજીક પડે! તમે અગાઉથી લખ્યું હશે, તો ઘોડાગાડી કિશનપુર સ્ટેશને તમારી વાટ જોતી હશે!”

પટેલ જરા ગભરાઇ ગયા!

શકરી પટલાણીએ પૂછ્યું : “પત્રિકા તમે બરાબર વાંચી નહોતી?”

પટેલે માથું ખંજવાળવા માંડ્યું! એમણે જવાબ આપ્યો : “મને તો અચલપુરનો જ ખ્યાલ રહેલો, તેથી મેં ટિકિટો ત્યાંની મગાવેલી! હવે? તો હેં સાહેબ! કિશનપુર જવાની ગાડી કેટલા વાગ્યે આવશે?”

સાહેબ કહે : “આપનું નામ?”

પટેલ બોલ્યા : “મારું નામ બકોર પટેલ.”

સાહેબ કહેવા લાંગ્યા : “પટેલસાહેબ! કિશનપુર તો ગયું! આનું આગલું જ સ્ટેશન કિશનપુર - તમે વટાવીને આવ્યા તે! આ છેલ્લી ગાડી હતી, હવે તો કાલે સવારે વળતી ગાડી આવશે. એમાં પાછા કિશનપુર જશો ત્યારે!”

બકોર પટેલ અને શકરી પટલાણી ભારે વિમાસણમાં (મૂંઝવણમાં) પડી ગયાં. બન્ને અધવચ ફસાઇ ગયાં હતાં! વળી, રાત પડવા આવી હતી. રાત્રે જવું પણ ક્યાં?

પટેલે પૂછ્યું : “સાહેબ, તમે તો ટી.સી.સાહેબ છો ને! મારે જરા સ્ટેશન-માસ્તરને મળવું છે.”

ટી.સી. કહે : “સ્ટેશનમાસ્તર પણ હું જ છું!”

પટેલથી આશ્ચર્યથી બોલાઇ ગયું : “તમે?”

“હાજી!” ટી.સી.એ હસતાં-હસતાં જવાબ આપ્યો. “ટિકિટ લેનાર પણ હું અને આપનાર પણ હું જ અને ડેપ્યુટી સ્ટેશન-માસ્તર પણ હું જ! નાના સ્ટેશનનો તમને અનુભવ લાગતો નથી. પટેલસાહેબ! જે ગણોે તે એક જ વ્યક્તિ હોય!”

પટેલ ભારે વિચારમાં પડી ગયા. એમણે પૂછ્યું : “તો અહીં રાત ગાળવા માટે વેઇટિંગ રૂમ ?”

“અહીં વેઇટિંગ રૂમ બી નથી ને ફેઇટિંગ રૂમ બી નથી! પડી રહેવા માટે પ્લેટફોર્મ બી નથી! હશે! ચાલો, મારે રહેવાની બે નાની રૂમો છે, તેમાંથી એકમાં તમે સૂઇ રહેજો!”

પટેલ તો ખરેખરા સપડાઇ ગયા! ક્યાં દાદર ખાતેનો તેમનો આલેશાન (ભવ્ય) બંગલો અને ક્યાં આ અચલપુરનું નાનકડું કોટડું (કોટડી - નાની રૂમ)!

પણ બીજું થાય શું? મુકામ કર્યા સિવાય છૂટકો જ ન હતો.

સાહેબ કહે : “તમારો સામાન પૉર્ટર (રેલવે-સ્ટેશનનો પરચૂરણ કામકાજ કરનાર નોકર)ને કહીને ઓરડીમાં મુકાવી દઉં છું. તમે ચાલો મારી પાછળ.”

બન્ને જણ સાહેબની પાછળ ચાલ્યાં. ટી.સી.એ પોતાની રૂમની બાજુની રૂમ ઉઘાડી આપી. “અહીં આરામ કરો. ભાતું (જમવા માટે સાથે લીધેલી સામગ્રી) લાવ્યાં છો નેે?”

“હા.”

“તો ભાતું જમો. પાણીનો જગ મોકલું છું.”

બન્ને જણ નાનકડી ઓરડીમાં બેઠાં. થોડી વારે પૉર્ટર પાણીનો પ્યાલો અને જગ આપી ગયો.

પટેલે શકરી પટલાણીના મોં સામે જોયું અને તેમનાથી હસી પડાયું! તેઓ બોલ્યા : “હવે આ રડવા જેવું મોઢું કરવાથી કંઇ નહિ વળે. મને તો ભૂખ લાગી છે! લાવ પેલું ભૂસું!”

શકરી પટલાણીએ ભૂસાનું પડીકું છોડ્યું અને લાચારીથી બન્ને જણ ભૂસું ફાકવા લાગ્યાં. પછી પૉર્ટર ફરી પાણી આપી ગયો, બન્નેએ પાણી પીધું. પછી પટલાણીને વિચાર આવતાં કહ્યું : “થોડુંક ભૂસું પેલા સાહેબને આપી આવો. એમણે આપણને આટલી બધી સગવડ આપી ને આપણાથી કંઇ એકલપેટા થવાય?”

પટેલ બોલ્યા : “એ વાત તેં ઠીંક કહી! મને તો આવું સૂઝત જ નહિ; અને સાથે-સાથે પેલા પૉર્ટરને પણ થોડું ભૂસું આપી આવું. એણે બિચારાએ પણ ઘણી મદદ કરી છે!”

પટેલે બે પડીકાં બાંધ્યાં. તે લઇને બહાર નાકળ્યા.

ટી.સી.ની રૂમમાં ડોકિયું કરી એમણે કહ્યું : “લ્યો, સાહેબ! આ થોડું ભૂસું ચાખો. મુંબઇનું ભૂસું!”

સાહેબ ખુશ થઇ ગયા! પડીકું લેતાં એમણે કહ્યું : “આભાર. સાહેબ! આભાર! બીજું કંઇ જોઇતું-કરતું હોય તો કહેજો. સવારે કિશનપુર તરફ જવાની ગાડી આવશે, ત્યારે અગાઉથી તમને ખબર આપીશ.”

“કિશનપુરથી વિહારિકા કેટલું દૂર હશે?”

“થોડુંક જ દૂર છે. પણ કિશનપુરનું સુખ એ છે કે ત્યાં ભાડેથી પણ ઘોડાગાડીઓ મળે છે, જ્યારે અહીં અચલપુરમાં તો કંઇ સગવડ નથી. આ તો સજા જેવું છે, સાહેબ! જેમતેમ દહાડા કાઢીએ છીએ! અમારી સાથે તમને પણ એક દિવસની કાળાપાણીની સજા! હીહીહીહીહી!”

પટેલ ત્યાંથી પૉર્ટર પાસે ગયા. પૉર્ટર બહાર બત્તી ઠીક કરતો હતો. પટેલે એને ભૂસાનું પડીકું આપ્યું.

“લે ભાઇ! આમાં મૂંબઇનું ભૂસું છે. પછી અમને જરા બીજું પાણી આપી જજે.”

“અરે, હમણાં આપી જઉં, શેઠ!” પૉર્ટરે જવાબ આપ્યો. થોડીવારમાં તે પાણીની માટલી ભરી લાવ્યો. સાથે રેલવેનું એક ફાનસ (ગ્યાસતેલથી ચાલતું પ્રકાશ માટેનું સાધન) પણ આપી ગયો.

એના ગયા પછી શકરી પટલાણી હસવા લાગ્યા : “તમે તે છાવણી-જીવનનો બરોબર લહાવો લેવડાવ્યો! આ તો અત્યારથી જ છાવણી-જીવન શરૂ થઇ ગયું! આ પણ એક જાતની છાવણી જ છે ને!”

પટેલ બોલ્યા : “પત્રિકા બરાબર વાંચી નહિ અને ગફલત થઇ ગઇ! તને મજાક કરવાની તક મળી ગઇ! હવે તો ઠેઠ સુધી સાંભળવા હાજર છું ને!”

મોડેથી બન્ને જણે પથારી પાથરી. ટી.સી.ની રૂમમાં ગાભા જેવા બે ગંધાતાં ગોદડાં હતાં!

શકરી પટલાણીએ પોટલું છોડી તેમાંથી બે ચાદરો કાઢી ગોદડાં પર પાથરી દીધી. પછી બન્ને જણ સૂતાં.

પણ નસીબ બે ડગલાં આગળનું આગળ જ હતું! ઓરડીમાં માંકડ ખૂબ! બન્ને જણ સૂતાં કે થોડીવારમાં જ ચારે તરફથી માંકડ ફૂટી નીકળ્યા! ભીંતોમાંથી, તિરાડમાંથી, પેટીની ફાટમાંથી, ડામચિયા (ડામચિયા - ગોદડાં વગેરે મૂકવાની લાકડાની ઘોડી)ના પાયામાંથી વગેરે વગેરે જગ્યાએથી લશ્કર ઊભરાવા લાગ્યું!

પટેલની આંખ મીંચાઇ કે તરત એક માંકડે ડંખ માર્યો! પટેલે ઊંચી ડોક કરીને જોયું - તો ઓશીકા નીચે સંખ્યાબંધ માંકડ!

પટેલ માંકડને ચપટીમાં પકડીને બહાર નાખી પાછા આવે કે બીજી ટુકડી તૈયાર જ હોય!

પટલાણી તો ખરેખર કંટાળી ગયાં. જ્યાં માંકડની ફોજની ફોજ હલ્લા પર હલ્લા લાવતી હોય, ત્યાં જરા વાર પણ ઊંઘાય ક્યાંથી?

બન્ને જણને ખરેખરો ઉજાગરો થયો! પટેલ તો ઓરડી બહાર જઇને આંટા મારવા લાગ્યા! શકરી પટલાણીએ જેમતેમ કરીને રાત વિતાવી.

પટેલે બગાસું ખાઇને પૂછ્યું : “કેમ, ઊંઘ ન આવી?”

પટલાણીએ સ્મિત કરી જવાબ આપ્યો : “આ તો છાવણી-જીવન છે ને! છાવણી-જીવનમાં ઊંઘ કેવી?”

સવારે ગાડીનો સમય થયો, ત્યારે સ્ટેશન-માસ્તરે ખબર આપી. પટેલે ટિકિટો ખરીદી. પોર્ટર સામાન લઇ આવ્યો.

ગાડી આવી. એટલે પોર્ટરે સામાનચડાવી દીધો. પટેલે તેને થોડા પૈસા આપ્યા.

વિસલ થઇ અને ગાડી ઊપડી. સ્ટેશન - માસ્તરે પટેલ તરફ લીલી ઝંડી હલાવી કહ્યું : “આવજો!”

ગાડી ચાલવા માંડી.

પછીનું સ્ટેશન જ કિશનપુર હતું એટલે આવતાં વાર લાગી નહિ. સ્ટેશન આવતાં જ બન્ને ઊતરી પડ્યાં. જેમતેમ કરીને સામાન પણ ઉતાર્યો.

ગાડી ઉપડી ગયા પછી પટેલ શકરી પટલાણીને કહેવા લાગ્યા : “તું અહીં ઊભી રહે. બહાર જઇને ઘોડાગાડીની તપાસ કરી આવું.”

પટેલ ઝાંપાની બહાર નીકળ્યા. ગાડીમાંથી ઊતરેલું એક કુટુંબ પણ ત્યાં ઊભું હતું અને તેમની સાથે સ્વયંસેવકના પોશાકવાળો એક યુવાન વાત કરતો હતો.

પટેલે તેની પાસે જઇ પૂછ્યું : “ભાઇ, અમારે વિહારિકા જવું છે. ઘોડાગાડી ક્યાં મળશે?”

યુવાને પૂછ્યું : “તમે નામ નોંધાવ્યું છે?”

“હા”

“કાગળ લખ્યો છે?”

“હા”

“તો કાગળ અમને મળ્યો નથી. આ કુટુંબે અમને કાગળ લખેલો, તેથી હું એમને લેવા આવ્યો છું. એમને હું ઘોડાગાડીમાં લઇ જઇશ. પછી તમારો વારો.”

પટેલ કહે : “મેં પણ કાગળ લખેલો.”

“શું નામ આપનું?”

“બકોર પટેલ”

યુવાને પટેલનો હાથ પકડી લઇ જવાબ આપ્યો : “શું મારા સાહેબ! તમારા કાગળ પ્રમાણે ગઇ કાલે આખો દિવસ અહીં સ્ટેશને ભટક્યો! ઘોડાગાડી પણ ખોટી કરાવી! પણ તમારો પત્તો નહિ! ગાડી ચૂકી ગયા હતા? તેથી આજે આવ્યા?”

“હા ભાઇ હા! એ તો મોટી રામકહાણી છે!”

“ઠીક ત્યારે, એમ કરો. અહીં ઊભા રહો. પહેલા હું આ કુટુંબને મૂકી આવું. પછી પાછો ઘોડાગાડી લઇને તમને લેવા આવું છું. ક્રમ તો બરાબર જાળવવો પડે ને!”

પટેલ લાચાર હતા. સ્વયંસેવક જે કહે તે સ્વીકાર્યા સીવાય છૂટકો ન હતો! વિનંતીભર્યા સ્વરે પટેલે કહ્યું : “ભાઇ! મારો સરસામાન સ્ટેશને પડેલો છે. તે લાવવા કંઇ ગોઠવણ કરો.”

“ચાલો. મને બતાવો, હું તમને મદદ કરું. આપણે બધા મળીને એ અહીં ઊંચકી લાવીએ. જાતમહેનત ઝિંદાબાદ! છાવણી-જીવનમાં આવી જ મજા હોય છે ને!”

પટેલે સ્વંયસેવકને સરસામાન બતાવ્યો. એમણે, સ્વંયસેવકે અને શકરી પટલાણીએ બધું ઊંચકી લીધું! ત્રણે જણે સામાન સ્ટેશન બહાર કાઢ્યો. એક ઝાડની નીચે પટેલ ઊભા રહ્યા.

પટેલે સ્વંયસેવકને પૂછ્યું : “અહીં ઘોડાગાડી ભાડે મળે છે એમ સાંભળ્યું છે. તો-જો મળતી હોય તો અમારા માટે ભાડે કરી લ્યો. હું પૈસા આપીશ.”

“ભાડે મળે છે ખરી, પણ તે બપોર પછી. અહીં અત્યારની ગાડીમાં ભાગ્યે જ કોઇ આવે છે. તેથી બધા ઘોડાગાડીવાળાઓ જમી-પરવારીને જ અહીં આવે છે!”

શકરી પટલાણી કહેવા લાગ્યા : “ભારે નસીબદાર છીએ! ચાલો ત્યારે, મોડું થાય છે તો એટલું વધારે! તમે આ કુટુંબને મૂકી આવો. પછી અમને લઇ જજો.”

પેલા કુટુંબને લઇને યુવાન ઘોડાગાડીમાં રવાના થયો. પટેલ તથા પટલાણી ઝાડની નીચે સરસામાન પર બેઠા. આજુબાજુ કોઇની વસ્તી લાગતી ન હતી. સ્ટેશન ઉપર બેચાર જણાં નજરે પડતાં હતાં. રાહ જોઇ જોઇને પણ થાકી જવાતું હોય છે. એમાંય આ તોે ઘોડાગાડી! મોટરની જેમ થોડી ચાલવાની? એટલે સહેજે મોડું તો થવાનું જ!

પટલાણી તો રાહ જોઇજોઇને કંટાળ્યાં. એમણે કહ્યું : “જાઓ, સ્ટેશને જઇને ખબર કાઢી લાવો, કે મુંબઇ તરફની બીજી ગાડી કેટલા વાગ્યે આવે છે! મારો વિચાર તો પાછાં મુંબઇ ભેગાં થઇ જવાનો છે!”

“એવું તે હોય! હવે તો ઝુકાવ્યે જ છૂટકો! ઠેઠ કિનારે આવી પહોંચ્યાં, ને હવે નાહિંમત બની જવાય? ગભરાઇશ નહિ! જે થાય તે સારા માટે જ થાય છે!”

“બળ્યું તમારું છાવણી-જીવન! પેલો, સ્વયંસેવકડો હજી ઘોડાગાડી લઇને પાછો આવ્યો નહિ!”

આખરે બહુ વાટ જોવડાવી-જોવડાવીને સ્વયંસેવકજી ધોડાગાડી લઇને પાછા આવી પહોંચ્યા. પટેલના ચહેરા ઉપર આનંદ પથરાઇ ગયો.

સ્વયંસેવક બોલ્યો : “ચાલો. બેસી જાઓ!” પટેલે હોંશમાં પોટલું ઉપાડીને ઘોડાગાડીમાં નાખ્યું. તરત કંઇ ફૂટવાનો અવાજ થયો. ચાનાં રકાબી-પ્યાલાનો ખુરદો થઇ ગયો હતો! પ્યાલા ફૂટવાનો અવાજ સાંભળી સ્વયંમસેવક નાચે ઊતર્યો. તે બીજો સરસામાન ચડાવવા લાગ્યો. પછી ત્રણે જણ બેસી ગયાં. ઘોડાગાડી ખડખડ-ખડખડ કરતી ઊપડી.

શકરી પટલાણી ખૂબ અધીરાં બની ગયાં હતાં. પટેલને પણ થતું હતું કે ક્યારે છાવણીમાં પહોંચીએ અને તંબુમાં જઇ જરા આરામથી આડા પડીએ!

ઘોડાગાડી ખૂબ ધીમે ચાલતી હતી. પટેલની કસોટી પણ બરાબર થતી હતી.

સ્વયંસેવક જરા વાતોડિયો હતો. એ વાતો કર્યા કરતો હતો, તેથી રસ્તો જરા જલદી ખૂટ્યો.

આખરે સ્વયંસેવક બોલ્યો : “જુઓ! આપણે હવે આવી પહોંચ્યાં! પે...લા તંબુ દેખાય!”

સ્વયંસેવકે આંગળી ચીંધી એ બાજુ પટેલે જોયું અને એમનું છાવણી પડી હોય તેમ ખુલ્લી જગ્યામાં પચાસ તંબુ ઠોકી દીધા હતા!

આખરે ઘોડાગાડી પટેલને ફાળવવામાં આવેલા તંબુ પાસે આવીને ઊભી રહી.

“આ તમારો તંબુ!” સ્વયંસેવકે કહ્યું અને સામાન ઉતારી આપ્યો.

પટેલે તંબુમાં નજર કરી અને તેઓ ઠરી ગયા. તંબુમાં એક ચટાઇ જ પાથરેલી હતી!

પટેલે પૂછ્યું : “સ્વયંસેવકજી, અમને ગાદલાં નહિ મળે?”

“ગાદલાં? એ તો તમારે લાવવાનાં! તમે બિસ્તરો લાવ્યા નથી?”

“ના!”

બકોર પટેલે છાવણીના તંબુમાં પડાવ નાખ્યો. પોટલાં છોડી ડબલાં-ડૂબલી બહાર કાઢ્યાં. ચાના ત્રણ પ્યાલા અને રકાબી મુંબઇથી લાવ્યાં હતાં. તેમાંથી બે રકાબી-પ્યાલાં ઘોડાગાડીમાં ફૂટી ગયાં હતાં. એના ટુકડા બહાર ફેંકી દીધા હતા.

થોડીવારમાં સ્વયંસેવક એમને બોલાવવા આવ્યો.

“પટેલસાહેબ, રમતારામજી તમને બોલાવે છે.”

“ચાલો, આવું છું.” કહી પટેલ સ્વયંસેવકની સાથે ગયા.

રમતારામજીનો પોતાનો તંબુ બહુ મોટો હતો. તેમાં થોડીક ખરશીઓ ગોઠવી દીધેલી હતી. રમતારામજી પોતે ગાદીતકિયા ઉપર બિરાજ્યા હતા. ગાદી ખૂબ જાડી હતી. તકિયો પણ ખાસ્સો લાંબો અને ગોળ હતો.

રમતારામજીએ સાધુની પેઠે મોટી દાઢી રાખી હતી. ભગવી કફની પહેરી હતી.

પટેલને જોઇને રમતારામજી બોલ્યા : “જય જય, પટેલસાહેબ! પધારો! બિરાજો આ ખુરશી પર.”

પટેલ પણ સામા જયજય કરીને ખુરશીમાં બેઠા. એમણે કહ્યું : “રમતારામજી! અમને ગાદલાં નહિ મળેે ? અમે તો જાણ્યું કે બધું જ અહિંથી મળવાનું હશે?”

રમતારામજી હસ્યા. એમણે હાથ ઊંચો કરીને કહ્યું : “પટેલસાહેબ! છાવણી-જીવન એટલે મસ્ત જીવન! કુદરતને ખોળે રમવાનું! કુદરત રાખે તેમ રહેવાનું! જે વસ્તુની સગવડ જોઇએ તે વસ્તુ તમારે લઇ આવવાની! છતાં તમે બિસ્તરો ન લાવ્યા હો, તે સેવક તમને પરાળ (ડાંગર વગેરે અનાજનું પોચું ઘાસ) આપશે! એના ઉપર ચાદર પાથરીને સૂઇ રહેજો! હં, કુદરતને ખોળે, બાબા!”

પટેલ પૂછવા લાગ્યા : “એ તો ઠીક; પણ બે વાર જમવાનું તો મળશે ને ?”

જવાબમાં રમતારામજી હસ્યા. એમણે જવાબ આપ્યો : “છાવણીમાં વસનારાંઓ માટે જમવાની સગવડ ખરી, પણ રસોઇયો હજુ પહોંચ્યો નથી. સ્વયંસેવક એકલી ભાખરી બનાવે છે, તે ઘણાંને પસંદ પડતી નથી. તેઓ પોતાના ભાગનાં દાળચોખા અને લોટ માગી લે છે અને હાથે જ મનગમતી રસોઇ બનાવીને જમી લે છે. તમારે સ્વયંસેવકના હાથનું જમવું હોય, તો તેમ અને નહિ, તો તમને દાળચોખા અને લોટ આપીશું!”

પટેલનું દિલ ખાટું થઇ ગયું! પોતાના તંબુમાં પાછા આવ્યા. શકરી પટલાણીને વાત કરી. પટલાણી ગુસ્સે થઇ ગયા.

“અહીં મજા કરવા આવ્યાં છીએ કે રાંધ-રાંધ કરવા આવ્યાં છીએ?”

પટેલે તેમને શાંત પાડતાં કહ્યું : “તું જરા શાંત પડ. આપણે સ્વયંસેવકના હાથનું જમવું હશે તો તેમ ગોઠવીશું. પણ કહે છે કે બધાંને સેવકના હાથની રસોઇ ભાવતી નથી, તેથી મોટા ભાગનાં પોતાને હાથે જ રાંધી લે છે!”

“એટલે રાંધવાનું કામ પાછું અહીં પણ આગળ આવ્યું!”

પટેલ બોલ્યા : “તું પહેલા સ્ટવ (ગૅસની સગડી આવ્યા પહેલાં વપરાતું મુખ્યત્વે ચા-પાણી કરવા માટેનું ગ્યાસતેલથી ચાલતું સાધન) સળગાવ અને ચા પા. પછી બધો વિચાર કરજે.”

પટલાણીને પણ ચા પીવી હતી. એમણે સ્ટવ હાશમાં લીધા. પણ દીવાસળીની પેટી ન હતી!

એમણે પટેલને પૂછ્યું : “તમે દીવાસળીની પેટી સાથેે લીધી નથી?”

“એ તો મને ક્યાંથી યાદ આવે! જે સ્ટવ સંભારે તે દીવાસળી સંભારે! તારે સંભારીને લાવવી હતી ને!”

“હવે?”

“આપણી બાજુના તંબુવાળા પાસેથી માગી લાવીએ. પાણી પણ જોઇશે ને? ચાલ, તું તપેલી લઇ લે. તેમાં પાણી માગી લઇશું.”

બન્ને જણ બાજુના તંબુમાં ગયાં.

“મહેરબાન! જરા પાણી આપશો?”

“આવો. તમે આજે જ આવ્યા લાગો છો! મારું નામ છબાભાઇ. અહીંની પાણીની હાડમારી (મુશ્કેલી)ની ખબર તમને હોય તેમ લાગતું નથી!”

“પાણીની હાડમારી?”

“હા! પાણીની હાડમારી! અહીંથી ઘણે દૂર આવેલા તંબુની પાસે એક કૂવો છે. એ કૂવામાંથી જાતે પાણી ખેંચી લાવવાનું છે. નાહવાનું પાણી ત્યાંથી અને પીવાનું પાણી પણ ત્યાંથી!”

પટલાણીની આંખો પહોળી થઇ ગઇ! “બાપ રે બાપ! કૂવામાંથી પાણી ખેંચવાનું?”

“હા! અને બધાં વચ્ચે બે ડોલ અને બે દોરડાં છે! એટલે ત્યાં પણ લાઇન લાગે છે! તમારે પાણી જોઇએ, તો ત્યાં જઇને લઇ આવો! અત્યારે ભીડ નહિ હોય, પણ સવારમાં પડાપડી થાય છે!”

“બધાં છાવણીવાસીઓ ત્યાં જતાં હશે?”

“હા. પણ બધાં તંબુ ક્યાં ભરાયા છે? ૫૦માંથી ૪૦ મુકામે તો ખાલી છે? જે કોઇ

અહીં આવે છે તે બીજે જ દહાડે પાછું ઘેર રવાના થઇ જાય છે!”

પટેલ અને પટલાણી તપેલું લઇને કૂવા પાસે પહોંચ્યાં. ચારેક જણની લાઇન હતી. દરેક જણ એક-એક ડોલ પાણી ખેંચીને પછી પોતાની બાજુમાં ઊભેલાને ડોલ આપતું હતું.

આખરે શકરી પટલાણીનો વારો આવ્યો. તેમનાથી તો ડોલ ખેંચાય ન ખેંચાય ને પછી પડી જાય! પછી પટેલ મદદે આવ્યા! બન્ને જણે સાથે મળીને ડોલ ખેંચી. તપેલામાં પાણી ભરી લીધું. પછી મુકામે પાછાં આવ્યાં.

પટેલ બાજુમાંથી દિવાસળી માગી લાવ્યા. બાજુવાળાએ તાકીદ કરી : “પટેલસાહેબ! જેમ બને તેમ જલદી દીવસળીની પેટી મગાવી લેજો. અહીં આટલામાં ક્યાંય વેચાતી મળતી નથી! પાડોશી તમને પૈસા આપશે, પણ પેટી નહિ આપે!”

શકરી પટલાણીએ ચા કરી. બન્ને જણે ચા પીધી; સાથે બુસ્કિટ ખાધાં. પછી રાંધવું કે

સ્વયંસેવકજીના હાથનું જમવું તેનો તેઓ વિચાર કરવા લાગ્યાં.

એટલામાં છબાભાઇ આવી પહોંચ્યા.

પટેલે પૂછ્યું : “છબાભાઇ! તમે લોકો હાથે રાંધો છો કે સ્વયંસેવકજીનાં ભોજન જમો છો?

“સેવકજીનાં? અરે ભાઇસા’બ! ભાખરી તો જાણે રબ્બર જેવી! તાણી તૂટે જ નહિ! દાળ તો એટલી તીખી કે માથાના વાળ ઊભા થઇ જાય! અને પાછી દાળમાં કરકસર! પાણી ખૂબ ઝીંકે, એટલે જાણે મરચાનું લવેન્ડર (પાણીનું અત્તર) જ જોઇ લ્યો!”

શકરી પટલાણીને કમકમાં (ધ્રુજારી) આવી ગયાં!

“એ તો સ્વયંસેવકજી ગોઠવી આપશે. ઇંટો લાવી આપશે અને બાળવા માટે સૂકી કરાંઠી (લાકડાના પાતળા નાના ટુકડા;સાંઠી)! અમે એમ જ કરીએ છીએ ને!”

બકોર પટેલ પાછા સેવકજી પાસે ઊપડ્યા. એમણે જોતે રસોઇ કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. એટલે સેવકજીએ તંબુમાં ચૂલો ગોઠવી આપ્યો, બીજાં સાધનો આપ્યાં.

શકરી પટલાણી તંબુમાં રાંધવા બેઠાં! બબડતાં-ફફડતાં જાય અને ભાખરી કરતાં જાય!

એમણે સવારસાંજ માટે ભાખરીઓ સામટી જ કરી નાખી, જેથી સાંજે રાંધવુ પડે નહિ. સ્વયંસેવકજી તેમને પરાળ આપી ગયા.

“લ્યો આ પરાળ! એના ઉપર ચાદર પાથરજો, એટલે પોચું ગાદલા જેવું થઇ જશે! ગાદલાંની જરૂર નહિં પડે!”

આખરે પટેલ અને પટલાણી જમ્યાં. પછી પટલાણી બોલ્યાં : “ચાલો, આપણે જરા આટલાતેટલામાં ફરી આવીએ! હું તો કંટાળી ગઇ!”

બન્ને જણ બહાર નીકળ્યાં. ઘણાખરા તંબુ ખાલી જ હતા! જો ભરેલા હતા, તેમાં રહેનારાં બબડાટ-ફફડાટ કર્યા કરતાં હતાં!

ફરતાં-ફરતાં તેઓ કૂવા પાસે આવી પહોંચ્યાં. ત્યાં છબાભાઇ પોતાની ડોલ લઇને ઊભા હતા!

“કેમ છબાભાઈ? પાણી ભરવા?”

“ના ભાઇ, ના! હું તો નાહવા આવ્યો છું! નાહવાનું પણ અહીં જ ને!”

“અહીં ?”

“હા, ત્યારે બીજે ક્યાં ? સાંકડા તંબુમાં ફાવે કેવી રીતે? અને પાણી પણ ક્યાં જાય?”

આ સાંભળી શકરી પટલાણી કમકમી (ધ્રૂજી) ગયાં. એમણે પટેલને કહ્યું : “અત્યારે ઘોડાગાડીની સગવડ થશે?”

“કેમ?”

“મારે તો હવે એક ઘડી પણ અહીં રહેવું નથી!”

છબાભાઇ હસવા લાગ્યા! તેઓ બોલ્યા : “હવે આજે તો ઘોડાગાડી ન મળે! જવું હોય તો આવતી કાલે જજો! આજે પરાળના બિછાનાની મોજ (મજા) માણી લો!”

શકરી પટલાણી ખૂબ નિરાશ થઇ ગયાં. બન્ને જણ પોતાના તંબુમાં પાછાં આવ્યાં.

સાંજ પડતાં એમણે વેળાસર વાળુ કરી લીધું. શકરી પટલાણીએ પૂછ્યું : “અહીં બત્તીની શી સગવડ હશે?”

“છબાભાઇને પૂછી જોઇએ.” કહી વળી પટેલ છબાભાઇ પાસે ગયા અને એમણે છબાભાઇને પૂછ્યું : “અરે છબાભાઇ! અહીં બત્તીની શી સગવડ છે?”

છબાભાઇ બોલ્યા : “તમારી પેઠે હું પણ બત્તીનું પૂછવા રમતારામની પાસે ગયો હતો! ત્યારે એ તો હસીને કહેવા લાગ્યા કે આપણે તો કુદરતને ખોળે રહેવાનું છે ને! ચંદ્રમા જે અજવાળું આપે, તે આપણી બત્તી! છતાં ઘેરથી ફાનસ લાવ્યા હો, તો ભલે સળગાવો!”

આવા કપરા સંજોગોમાંય શકરી પટલાણીને આ સાંભળી હસવું આવી ગયું.

એ રાત્રે તો જાગતાં-ઊંઘતાં પરાળની પથારીનો વૈભવ માણતાં બન્નેએ માંડ રાત વિતાવી. બીજી સવારે સ્પેશિયલ ઘોડાગાડી જોડાવીને બન્ને પાછા કિશનપુર પહોંચ્યાં અને ત્યાંથી મુંબઇ ઊપડ્યાં. દાદરમાં પોતાના બંગલામાં જઇને હીંચકા પર બેઠાં, ત્યારે શકરી પટલાણીને શાંતિ વળી. એમણે હસતાં-હસતાં બકોર પટેલને કહ્યું : “ખરું છાવણી-જીવન તો આપણો બંગલો! તમારા મનમાં છાવણી-જીવનનું ભૂત ભરાયું હતું, તે હવે નીકળી ગયું કે નહિ ?” બકોર પટેલ હસ્યા. કાનની બૂટ પકડી અને ડોકું હલાવ્યું.

મહારાજાધિરાજ બકોરસિંહજી

“સેનાખાસખેલ, સમશેર-બહાદુર મહારાજાધિરાજ બકોરસિંહજીને ઘણી... ખમ્મા...!”

એકાએક છડીદારે મોટેથી નેકી પોકાર્યા નો અવાજ આવ્યો અને બકોર પટેલ ચમક્યા! પોતે ક્યાં છે એ જાણવા પ્રયત્ન કર્યો. મનમાં થયું કે ‘આ વળી... એકાએક... ‘બકોરસિંહજી’ શું, અને ‘ઘણી ખમ્મા...!’ શું ?’

બીજી જ પળે એમની નજર પોતાના શરીર ઉપર પડી. જોયું તો શરીર ઉપર કીમતી રાજવંશી પોશાક, પગમાં રત્નજડિત મોજડીઓ, ને હાથે મોંઘા નંગની વીંટીઓ ચમક-ચમક થાય! ગળામાં ઝગારા મારતો હાર!

તુરત તેમનો હાથ માથા પર ગયો, તો ત્યાં હીરાજડિત કીમતી રાજમુગટ!

આ બધો શો ફેરફાર?

પટેલને કંઇ સમજ પડી નહિ. એ વિચાર કરવા ઊભા રહ્યા. વિચાર કરતાં-કરતાં નજર સામી બાજુએ પડી. જોયું તો સામે ભરાયો હતો દરબાર! નગરના નાગરિકો જુદાં-જુદાં આસન પર બિરાજમાન હતા, પણ રાજાજીની છડી પોકારાઇ, કે સૌએ ઊભાં થઇને રાજાજીને માન આપ્યું!

બકોર પટેલ ચાલતાં-ચાલતાં થંભી ગયા! એકાએક આ શું થયું ? ક્યાં પોતાનો બંગલો અને ક્યાં આ રાજદરબાર! ક્યાં પોતે સીધા-સાદા તારપુરવાસી બકોર પટેલ અને ક્યાં આ નેકનામદાર બકોરસિંહજી!

પટેલ ઊભા રહ્યા. એટલે દીવાન (પ્રધાન) એમની પાસે આવ્યા. ઝૂકીને નમન કરતાં દીવાને કહ્યું :

“મહારાજ, એકાએક ઊભા કેમ રહી ગયા ? કંઇ કારણ બન્યું છે ? દરબારીઓ રાહ જુએ છે. આપના માનમાં સૌ ઊભા થયા છે.”

“હા, ચાલો!” પટેલે જવાબ આપ્યો. પણ દીવાનનો અવાજ એમને જાણીતો લાગ્યો. એના મોં સામું જોયું, ને ચમકી ગયા! ઓહ! એ હતા બાંકુભાઇ બંદર! બકોર પટેલના એકાઉન્ટન્ટ!

એ વળી અહીં દીવાન તરીકે ક્યાંથી ?

બકોર પટેલનું મગજ કામ કરતું ન હતું! પૂતળાની પેઠે એ દરબારમાં દાખલ થયા. સિંહાસન પાસે ગયા. ત્યાં જઇ બેઠક લીધી. પછી દરબારીઓ પણ બેસી ગયા.

બેઠા પછી પટેલે બાજુની બેઠક તરફ જોયું. બાજુનું એ સિંહાસન રાણી માટે હતું. તેના પર રાણી બિરાજ્યાં હતાં. એ તરફ ધ્યાન ખેંચાતાં જ પટેલ ચમક્યા! ધારીધારીને રાણી તરફ જોયું.

આ શું ?

રાણી તરીકે બિરાજમાન હતાં શકરી પટલાણી !

પટલાણીને રાણીના લિબાસ (પોશાક)માં પટેલે જોયાં કે તુરત તેમનાથી ‘ફુઉ ઉ ઉ ઉ ઉ ઉ ઉ’ દઇને હસી દેવાયું!

પણ પછી તરત યાદ આવ્યું કે પોતે તો રાજા છે! રાજાથી દરબારમાં આમ વગર કારણે ‘ફુઉ ઉ ઉ ઉ ઉ’ દઇને હસાય નહિ! એકદમ એમણે મામલો સાચવી લીધો. ઉધરસ આવી હોય તેવો દેખાવ કર્યો. ફુઉઉઉઉઉ અવાજની સાથે ખોંખોંખોંખોંખોં કરી નાખ્યું. મોંએ રૂમાલ દીધો.

થોડીવાર પછી દીવાન ઊભા થયા. રાજા પાસે આવી નમન કર્યું. પછી કહેવા લાગ્યા : “મહારાજ, આ સેમ અંકલ અમેરિકાથી આવ્યા છે. કંઇ કહેવા માગે છે.”

“આવવા દો.” પટેલે દમામથી જવાબ આપ્યો.

સેમ અંકલ પોતાની બેઠક પરથી ઊઠ્યા. એમના હાથમાં ચાંદીની થાળીઓ હતી. એક થાળીમાં કેટલીક અજાયબીભરી ચીજો હતી. બીજી થાળીમાં હીરાની વીંટી અને રત્નજડિત કાંડા-ઘડિયાળ મૂક્યાં હતાં. સેમ અંકલે વીંટી અને ઘડિયાળ રાણી પાસે મૂક્યાં. બીજી થાળી રાજા પાસે મૂકી. પછી સલામ ભરીને ઊભા રહ્યા.

રાજા ઉર્ફે (-ના રૂપમાં, અથવા) બકોર પટેલે એમને પૂછ્યું : “શું ઇચ્છો છો તમે? અંત્રે કેમ આવવું થયું?”

સેમ અંકલે સહેજ નમીને જવાબ આપ્યો :

“નામદાર ! આપના રાજ્યમાં અમે પ્રદર્શન ભરવા માગીએ છીએ. રજા આપો, તો તૈયારી કરીએ.”

“પ્રદર્શન ? શાનું પ્રદર્શન ?”

“અમેરિકન વસ્તુઓનું, અજબગજબની ચીજોનું, નવી-નવી શોધખોળોનું.”

“એવી કઇ વસ્તુઓ છે?”

સેમ અંકલે જવાબ આપ્યો : “ઘણી છે, નામદાર! દાખલા તરીકે આપને ભેટ આપેલી આ થાળીમાં જુઓ. તેમાં અણુબૅટરી છે. તે બહુ અદ્‌ભુત વસ્તુ છે.”

બકોર પટેલે થાળીમાંથી બૅટરી ઉપાડી લીધી. તરત પેલો અમેરિકન બોલ્યો : “હાં હાં હાં નામદાર! એની ચાંપ દાબશો નહિ; નહિ તો ગજબ થઇ જશે!”

બકોર પટેલે પૂછ્યું : “એનાથી શું થાય ?”

પેલાએ જવાબ આપ્યો : “ચાંપ દબાવવાથી એમાંથી બૅટરીની માફક પ્રકાશ નીકળે છે. એ પ્રકાશનું કિરણ જે ચીજ પર પડે, તે ચીજ એકદમ ગોળ-ગોળ ફરવા માંડે ! જીવતાં પશુપંખી હોય તેની પણ એ જ દશા થાય.”

આમ કહી, દરબારગૃહની બહાર એક પટાવાળો (પિયુન) ખાલી હાથે ઊભો હતો એના તરફ આંગળી ચીંધી, સેમ અંકલે પૂછ્યું : “પેલા પટાવાળા પર અજમાવી જોઉં ? એક અંશ જેટલું કિરણ છોડીશ, એટલે એને બહુ જોરથી ચક્કર નહિ ફરવાં પડે.”

પટેલ કહે : “અજમાવી બતાવો!”

સેમ અંકલે પટાવાળા તરફ બૅટરી ધરી અને પછી ચાંપ દાબી.

ચાંપ દબાઇ કે તરત જ તેમાંથી ભૂરો પ્રકાશ નીકળ્યો. એ પ્રકાશનું કિરણ પટાવાળા પર પડ્યું કે તરત પટાવાળો ભમરડાની માફક ગોળ-ગોળ ફરવા માંડ્યો! બસ, ફર્યા જ કરે! ફર્યા જ કરે! ઊભા રહેવું હોય તોય એનાથી ઊભા રહેવાય જ નહિ ને !

આ જોઇને આખો દરબાર ખડખડ હસી પડ્યો. બકોરસિંહજી પણ મોટેથી હસવા લાગ્યા!

ચકરડી-ભમરડી ફરતા પટાવાળાએ બીજા પટાવાળાને બૂમ પાડી : “અરે બીજલ! મને જરા પકડ તો ખરો! મારો હાથ પકડી લે. મારાથી ઊભાં રહેવાતું નથી!”

બીજલને કંઇ ખબર નહિ. એ તો પેલા પટાવાળાને પકડવા ગયો. એટલે એના ઉપરેય પેલું કિરણ પડ્યું! એ પણ ચક્કરભમ્મર-ચક્કરભમ્મર ફરવા મંડી પડ્યો! આમ એકીસાથે બે પટાવાળાઓ ફેરફુદરડી ફરવા લાગ્યા!

પણ બીજલે બૂમાબૂમ કરી મૂકી : “ઓ બાપ રે! મને આ શું થઇ ગયું? મારાથી ઊભાં કેમ રહેવાતું નથી? ઓ બાપ રે...!”

સેમ અંકલે ચાંપ બંધ કરી દીધી. પટેલ આ નવી અજાયબી જોઇને ખુશ થઇ ગયા! તેમણે કહ્યું : “સેમ અંકલ, એ અણુબૅટરી જરા મારી પાસે લાવો. જોઉં તો ખરો. બહુ અદ્‌ભૂત લાગે છે!”

સેમ અંકલે રાજાજીના હાથમાં બૅટરી આપી. જાતે જ અજમાવી જોવાનું પટેલને મન થયું.

પણ પ્રકાશ ફંકવો કોના ઉપર?

પેલા બે પટાવાળાઓને તો હજી ચક્કર આવતા હતા! એમનાથી સ્થિર ઊભા રહેવાતું જ ન હતું, તેથી માથે હાથ દઇને બન્ને નીચે બેસી પડ્યા હતા!

એકાએક રાજાજીની નજર સસમલજી પર પડી. સસમલજી સામે અણુબૅટરી ધરીને ચાંપ દાબી. તરત જ ભૂરો પ્રકાશ નીકળ્યો અને સસમલજી પર પડ્યો. તે તો બેઠેલા પલાઠીં વાળીને ! પણ પ્રકાશ પડતાં જ સસમલજી બેઠાં-બેઠાં જ ગોળ-ગોળ ફરવા લાગ્યા! મૂળે સસમલજીની ફાંદ (પૅટનો આગળનો ભાગ, દુંદ) ખાસ્સી નગારા જેવડી! ગણપતિદાદા જેવા જ દેખાય, એમાં પાછા બેઠાં-બેઠાં ગોળગોળ ફરે!

પછી પૂછવું જ શું?

દરબારમાં હાસ્યનો સાગર ઊછળ્યો! દરેક જણે ખડખડાટ હસવા માંડ્યું.

પટેલે પછી વિચાર કર્યો કે હવે ચાંપ બંધ કરવી, પણ ત્યાં જ ભારે ગમ્મત થઇ.

બૅટરીની ચાંપ પટેલે જોરથી ખસેડેલી તેથી થઇ ગયેલી સજ્જડ! ન આમ ખસે કે ન તેમ ખસે! એટલે પ્રકાશ ચાલુ રહ્યો!

પરંતુ પટેલે જોર કરવાથી પ્રકાશ આઘોપાછો થયો. બીજા દરબારીઓ ઉપર પડ્યો ને તેઓ પણ બેઠાંબેઠાં ગોળ-ગોળ ફરવા લાગ્યા!

પટેલ ગભરાયા. ગભરાટમાં તો ઊંધું જ વેતરાઇ જાય ને! જોર અજમાવ્યાથી બૅટરીનાં કિરણો દરબારીઓની આખી હાર (લાઇન) પર પડ્યાં! બધા દરબારીઓ સળંગ ગોળગોળ ફરવા લાગ્યા!

પટેલને હસવું આવે અને ગભરામણ પણ થાય! પરંતુ હવે કરવું શું?

એટલામાં સેમ અંકલ એમની નજીક આવ્યા, બોલ્યા : “લાવો, મહારાજાસાહેબ! ચાંપ ઠીક કરી આપું.”

પણ સેમ અંકલ પાસે આવવા ગયા, તેવો જ બૅટરીનો પ્રકાશ એમના પર પડ્યો. અને તે પણ ફુદરડી ફરવા લાગ્યા! માથે હૅટ, ગળામાં નેકટાઇ ને ચકરડીભમરડી ફરે!

પણ આકરે ચાંપ ખસી. પ્રકાશ બંધ થઇ ગયો અને બધાની ચકરડીભમરડી પણ બંધ થઇ! આખો દરબાર ગાજી ઊઠ્યો!

બકોર પટેલે સેમ અંકલને કહ્યું : “સેમ અંકલ! તમારી ચીજ તો ગજબની છે! તમને પ્રદર્શન ભરવાની રજા આપું છું. તમે ઘણી ખુશીથી પ્રદર્શન ભરી શકશો.”

આ સાંભળી સેમ અંકલ ખુશ-ખુશ થઇ ગયા અને ઉપરાઉપરી સલામો ભરીને મહારાજાધિરાજ બકોરસિંહજીનો આભાર માન્યો.

સેમ અંકલે પ્રદર્શનની ભારે તૈયારીઓ કરવા માંડી. મહારાજા બકોરસિંહજીએ એમને પરવાનગી ઉપરાંત મેદાનની ગોઠવણ પણ કરી આપી; પ્રદર્શન માટે જરૂરી સાધનો આપવાનું નક્કી કર્યું.

પછી પૂછવું જ શું ?

થોડા વખતમાં પ્રદર્શન તૈયાર થઇ ગયું. નામ પડ્યું “પાતાળનગરી પ્રદર્શન.” બધે વાત ફેલાઇ ગઇ. મહારાજા બકોરસિંહજીને હાથે ઉદ્‌ઘાટન કરાવવાનું નક્કી થયું.

પ્રદર્શન ખુલ્લું મૂકવાનો દિવસ આવી પહોંચ્યો. સેમ અંકલે દરબારમાં આવી મહારાજાને વિનંતી કરી. મહારાજ બકોરસિંહજી તૈયાર થયા. માથે કીમતી રાજમુગટ મૂક્યો; શરીર પર રાજવંશી પોશાક ધારણ કર્યો; ગળામાં ઝગારા મારતો હીરાનો હાર ધારણ કર્યો; કમ્મરે રત્નજડિત તલવાર લટકાવી દીધી!

શકરીરાણી પણ તૈયાર થઇ ગયાં. એમણે પણ રાણીને છાજે તેવો પોશાક પહેર્યો હતો. ગળામાં મોતીનો હાર, આંગળીઓ પર ગીરાની વીંટીઓ, પગમાં રત્નજડિત મોજડીઓ!

દીવાનસાહેબ બાંકુભાઇ પણ સાથે હતા. બીજા અંગરક્ષકો લશ્કરી પોશાકમાં સજ્જ થયેલા હતા. મહારાજા તથા રાણીસાહેબા રાજવંશી મોટરમાં બિરાજ્યાં. પાછળની મોટરમાં દીવાન તથા અંગરક્ષકો બેઠા.

પ્રદર્શનને દરવાજે બધાં આવી પહોંચ્યા.

સેમ અંકલે સૌનું સ્વાગત કર્યું. બકોરસિંહજી મહારાજે ટૂંકું ભાષણ કર્યું; પછી પ્રદર્શન ખુલ્લું મૂક્યું અને એ પછી પ્રદર્શનમાં બધું જોવા લાગ્યા.

સુંદર કમાનવાળો દરવાજો. એમાં રંગબેરંગી ટ્યૂબલાઇટો. ચારે બાજુએ દીવા ફરતાં-ફરતાં ઝગારા મારે. દેખાવ નર્યો ઇન્દ્રપુરી (પૌરાણિક કલ્પના પ્રમાણે સ્વર્ગના રાજા ઇન્દ્રની નગરી) જેવો!

અંદરની ગોઠવણી પણ ખૂબ જ સુંદર. ચોમેર એટલી બધી ટ્યૂબલાઇટો ઝળાંઝળાં થતી હતી કે રાત નહિ પણ દિવસ હોય એવો આભાસ થાય. કોઇ-કોઇ જગ્યાએ લાલ, લીલી, પીળી બત્તીઓ હતી, તેથી દેખાવ ભારે મનોહર લાગે. દર્શકો (જોનારાંઓ)ની જંગી (મોટી) મેદની ઊમટી હતી. સેમ અંકલ આગળ-આગળ ચાલતા હતા. મહારાજાસાહેબને બધું બતાવતા હતા, સમજાવતા પણ હતા. સાથે રાણીજી ચાલે. પાછળ દીવાન અને અંગરક્ષકો. પ્રેક્ષકગણ (જોનારાંઓનો સમૂહ)ને એમનાથી દૂર રાખવામાં આવ્યો હતો.

સેમ અંકલ બોલ્યા : “જુઓ મહારાજાસાહેબ, આ છે ટેલિવિઝન! આમાં જુઓ. જે જોવું હોય તે નજર આગળ બધું દેખાય છે.”

પટેલે પૂછ્યું : “મારા મહેલમાં અત્યારે શું થાય છે, તે આમાં દેખાય ?”

સેમ અંકલે જવાબ આપ્યો : “હાજી; જરા ઊભા રહો! સ્વિચ દાબું પછી આપ નજર નાખો.”

સેમ અંકલે સ્વિચ દાબી, સ્વિચ આઘીપાછી કરી અને પછી પટેલને કહ્યું : “મહારાજાસાહેબ! હવે આપ જુઓ.”

પટેલે જોયું તો આબાદ પોતાનો મહેલ! ને અંદર રાણીના ખંડમાં નજર પડતાં જ પટેલ ફુઉઉઉઉઉ દઇને હસી પડ્યા.

શકરી પટલાણીને કુતૂહલ થયું. એમણે પૂછ્યું : “કેમ ? શું છે ?”

પટેલ કહે : “જો તો ખરી!” પટલાણીએ નજર કરી, તો એમની દાસી ખુશાલ દેખાઇ. ખુશાલદાસીએ ગજબ કરેલો! ખુદ રાણીની કીમતી સાડી પહેરેલી! મોઘું બ્લાઉઝ પહેરેલું! અને લટકમટક ચાલતી જોય અને મોટા અરીસમાં જોતી જાય.

શકરી પટલાણી ખડખડ હસી પડ્યાં! એમને થયું કે, વાહ! ટેલિવિઝન વાહ! કમાલ કરી નાખી! પછી ત્યાંથી તેઓ આગળ ચાલ્યાં. બીજી જગ્યાએ જતાં જ કોટપાટલૂન પહેરેલી એક વ્યક્તિએ રાજારાણીને સલામ કરી ને ફૂલહાર પહેરાવ્યો.

પટેલે સેમ અંકલને પૂછ્યું : “ આ જેન્ટલમૅન કોણ છે!”

“આ છે શ્રીમાન રૉબોટ! કોઇ જીવતાજાગતા શ્રીમાન નથી! આ તો છે યંત્ર!”

“હેેં ? યંત્ર છે ? રૉબોટ કહે છે તે આ જ?”

પટેલ તથા પટલાણી રૉબોટ સામે જોઇ રહ્યાં.

સેમ અંકલે કહ્યું : “જુઓ, મહારાજાસાહેબ! હવે હું એની પાસેેથી બીજું કામ લઉં છું.”

આમ કહી, સેમ અંકલે સ્વિચ ફેરવી. કોટપાટલૂન પહેરેલો પેલો યાંત્રિક રૉબોટ પાછળ ફરીને છ-સાત ડગલાં ચાલ્યો. ટેબલ ઉપરથી આઇસક્રીમની ડીશો ઉપાડી પાછો ફર્યો. છ-સાત પગલાં આગળ આવ્યો. ડિશો આગળના ટેબલ ઉપર મૂકી અને નમન કરીને ઊભો રહ્યો.

પટેલ તો અજાયબીમાં ગરકાવ થઇ ગયા! રાણીના અચંબાનો પાર નહિ! અંગરક્ષકો તો મૂઢ જેવા બની ગયા!

ઓહો, યંત્રનો બલાવેલો રૉબોટ કેવું કમાલ કામ કરે છે!

બધાએ આઇસક્રીમની મજા માણી અને પછી આગળ ચાલ્યાં.

થોડે જતાં બીજું એક યંત્ર દેખાયું. સેમ અંકલે સ્વિચ દાબી. તરત આગળનું નાનું ચોરસ ઢાંકણું ખૂલ્યું. કંઇક ફૂટવાનો અવાજ થયો અને અંદરથી હાથ બહાર આવ્યો. હાથમાં ફીણથી ઊભરાતી રાસબરીનો ગ્લાસ!

સેમ અંકલે ગ્લાસ ઉપાડ્યો કે હાશ અંદર જતો રહ્યો. પેલું ઢાંકણું બંધ થઇ ગયું!

ગ્લાસ સેમ અંકલે મહારાજાના હાથમાં આપ્યો. પછી ફરી સ્વિચ દાબી.

ફરી અવાજ થયો. ફરી હાથ બહાર આવ્યો! આ વખતે પણ રાસબરીનો ગ્લાસ હતો!

આમ, સેમ અંકલે એક પછી એક બંધાને રાસબરી પાઇ. પછી બીજી સ્વિચ દાબી કે પાનસોપીરની ડિશ બહાર આવી.

પટેલ તો આભા જ બની ગયા.

તેમણે પૂછ્યું : “તમારા પાતાળી પ્રદર્શનમાં આ પાનનાં બીડાં ક્યાંથી ?”

સેમ અંકલ હસીને બોલ્યા : “આપ નામદારને પાન બહુ પસંદ છે, તેની મને ખબર હતી. તેથી મેં પાનનાં બીડાં અંદર મુકાવેલા. તેને બદલે સિગારેટ મૂકવી હોય તો પણ મુકાય. બીજું ગમે તે મૂકી શકાય.”

પટેલ-પટલાણી તો આશ્ચર્યચકિત થઇને એ યંત્ર સામે જોઇ રહ્યાં!

સેમ અકંલ જાતજાતનાં યંત્રો બતાવતા ગયા. એ યંત્રો એવું ગજબ કામ કરે કે જોનારાઓ દંગ થઇ જાય! સેમ અંકલના દેશમાં શોધખોળ કેટલી આગળ વધી ગઇ છે, તે આ યંત્રો સાબિત કરતાં હતાં.

પાન વગેરે ખાઇને બધાં આગળ વધ્યાં. છેક આગળ સેમ અંકલ, પાછળ મહારાજા બકોરસિંહજી અને મહારાણીશ્રી શકરીદેવી. દીવાનસાહેબ બાંકુભાઇ બંદર ચાંપતી દેખરેખ રાખતા ચાલે. તેઓ સાવધ રહીને પગલાં મૂકે. પાછળ અંગરક્ષકોની ટુકડી તદ્દન નવી જાતનું આ પ્રદર્શન જોઇને બધાં અતિ વિસ્મય પામ્યાં હતાં.

થોડેક અંતરે પ્રેક્ષકોની પણ મોટી મેદની જામી હતી. નાનાંમોટાં સૌ એમાં સામેલ હતાં. તેઓ પણ યંત્રોની કામગીરી જોઇને અજાયબીમાં ડૂબી ગયાં હતાં!

હવે થોડેક આગળ જતાં સાઇકલોનો સ્ટૉલ આવ્યો. તેમાં હતી તોે ચાર જ સાઇકલો, પરંતુ એ કેવા પ્રકારની છે, તે વિશે સમજ આપતાં દીવાલપત્રો ભીંતે લટકતાં હતાં.

એક ચિત્રમાં સાઇકલને ઍરોપ્લેન માફક ઊડતી જોઇને મહારાજા બકોરસિંહજીને આશ્ચર્ય થયું ? એમણે પૂછ્યું :“ આ શું છે, સેમ અંકલ ? આ સાઇકલોને ઊડતી કેમ બતાવી છે?”

“મહારાજાસાહેબ! આ સાઇકલો સાચેસાચ ઊડી શકે છે.”

“હેં! શું કહ્યું? સાઇકલો ઊડી શકે છે?” પટેલની આંખો પહોળી થઇ ગઇ.

સેમ અંકલે જવાબ આપ્યો : “જી! સાઇકલની નીચે બાજુમાં પેલી નાનકડી ટાંકી છે. તેમાં પેટ્રોલ પૂરવું પડે. બે પૈડાંના આગળના ભાગમાં ઍરોપ્લેન જેવો જ પંખો છે. વિમાનનો સિદ્ધાંત ધ્યાનમાં રાખીને જ અમે આ સાઇકલ બનાવી છે! ફરક એટલો જ છે, કે આ સાઇકલો આશરે સોએક ફૂટ જ ઊડી શકે. આપને બેસાડું ? બેસી જોવું છે ?”

પટેલે બાંકુભાઇ સામે જોયું. બાંકુભાઇએ આંખની ઇશારતથી હા પાડી. મહારાજા બકોરસિંહજી બોલ્યા : “ભલે, બેસી જોઇએ. પણ મારી સાથે કોણ આવે છે? તમે આવો છો ?”

સેમ અંકલ બોલ્યા : “હા; આ બીજી સાઇકલે ચડી હું આવું છું. રાણીસાહેબાની ઇચ્છા હોય, તો તેઓ આ ત્રીજી સાઇકલે ચડીને આવે અને દીવાનસાહેબ ચોથી પર!”

છેવટે એવું નક્કી થયું કે ચારેય જણે સાઇકલે બેસી ઊડી જોવું. પ્રદર્શન ફરતાં ચક્કર મારવાં.

સેમ અંકલે સાઇકલ ઉડાડવાની સ્વિચ બતાવી. સાઇકલ અટકાવવાની સ્વિચ પણ બતાવી. વળી, સાઇકલ ઊંચી કેમ ચડાવવી અને નીચે કેવી રીતે ઉતારવી, એ પણ બતાવ્યું. સ્વિચો વાપરવાની રીત બહુ સહેલી હતી.

એક કર્મચારીએ સાઇકલો બહાર કાઢી. દરેકની સ્વિચ બતાવી જોઇ. પછી એક પર સેમ અંકલ બેઠા. કહે : “જુઓ, હું ચલાવું અને તમને બતાવું. બહુ ઊંચે નહિ જાઉં. બતાવવા ખાતર થાડુંક જ ઊડીશ.”

મેસ અકંલે ચાંપ દાબી. ખરરરરર અવાજ શરૂ થયો. આગળનો પંખો ગોળ

ગોળ ફરવા લાગ્યો. સેમ અંકલે ધીરે-ધીરે સાઇકલ ઊંચે ચડાવી. એક ચક્કર મારીને પાછા નીચે ઊતર્યા.

બધા આ નવી જ જાતની સાઇકલ જોઇને છક થઇ ગયાં! થોડીક સહેલ (આનંદથી આમતેમ ફરવું તે) કરી જોવાનું પટેલને પણ મન થયું. સેમ અંકલના કહેવાથી બંધા સાઇકલ ઉપર ગોઠવાઇ ગયાં. છેક આગળ સેમ અંકલ અને દીવાનસાહેબ, પાછળ મહારાજા અને મહારાણી ઉર્ફે આપણા પ્યારા દોસ્ત શ્રીમાન બકોર પટેલ અને શ્રીમતી શકરી પટલાણી! આમ, બબ્બેની હારમાં સાઇકલો ખરરરરર કરતી ઊંચે ચડી! પટેલનું મોં તો હસું-હસું થઇ ગયું! નીચે ઊભા રહીને જોનારાંઓ મોં ફાડીને અજાયબીથી જોવા લાગ્યાં!

સાઇકલો ઊંચે આકાશમાં ચડી ગઇ. સાઇકલોને લાલલીલી બત્તીઓ જડી દીધેલી હતી, એટલે જમીન પરથી જોનારાંઓ લાલ-લીલા પ્રકાશનું દ્રશ્ય ઘણું સુંદર લાગતું હતું. સાઇકલ ઉપર બેઠાં-બેઠાં નીચેનું આખું પ્રદર્શન દેખાતું હતું. ઝળાંઝળાં થતી જાતજાતના રંગો, દરવાજાની કમાન, ઝાડમાં ગોઠવી દીધેલી રંગબેરંગી લાઇટો, રંગીન બત્તીઓવાળાં રાક્ષકી (ખૂબ મોટા) ચકડોળ (પારણા જેવી ડોળીમાં બેસીને ગોળ ફરવાનો ફાળકોફજેતફાળકો), રંગીન જળના ફુવારા વગેરે જોઇ પટેલ રાજીરાજી થઇ ગયા!

ચારેય પ્રદર્શન ફરતે થોડાંક ચક્ક લગાવ્યાં. પછી ફરતી સાઇકલે સેમ અંકલે મોટેથી પૂછ્યું : “મહારાજાસાહેબ, હવે નીચે ઊતરીશું?”

પટેલે જવાબ આપ્યો : “હા, ઊતરીએ.”

“ચાલો ત્યારે.”

આમ કહી સેમ અંકલે પોતાની સાઇકલ નીચે ઉતારવા માંડી. બાંકુભાઇ દીવાને એમનું અનુકરણ કર્યું. રાણીસાહેબા પણ નીચે આવવા લાગ્યાં.

પણ બકોર પટેલની ભારે ગમ્મત થઇ. તે નીચે ઊતરવાની સ્વિચ કઇ તે જ વીસરી (ભૂલી) ગયા! ભૂલમાં ને ભૂલમાં લાલલીલી બત્તીવાળી સ્વિચ દાબી! પરિણામ એ આવ્યું કે એમની સાઇકલ ઉપર ને ઉપર ચક્કર લગાવતી રહી ને બત્તીઓ ઓલવાઇ ગઇ!

પટેલ મૂંઝાયા. એમને થયું, સાઇકલ નીચે કેમ ઊતરતી નથી? નીચે જોયું તો પેલાં ત્રણ તો જમીન નજીક પહોંચી ગયાં હતાં! હવે શું થાય?

નીચે જઇને સેમ અંકલે જોયું, તો મહારાજાસાહેબ દેખાયા નહિ. બાંકુભાઇ પણ વિચારમાં પડી ગયા કે મહારાજા ગયા ક્યાં? શકરી પટલાણી તો ગભરાઇ ગયાં.

સેમ અંકલે એમને પૂછ્યું : “રાણીસાહેબા! મહારાજા તમારી સાથે ઊતર્યા હતા ખરા?

પટલાણીએ ગભરાઇને જવાબ આપ્યો : “ના! મેં જાણ્યું કે પાછળ આવતા હશે!”

હવે? મહારાજાને ખોળવા ક્યાં? ઉપર જોયું તો સાઇકલની લાઇટો જ ઓલવાઇ ગયેલી. પછી ત્યાં હોવાનો વહેમ ક્યાંથી પડે?

પણ બકોર પટેલ ચક્કર લગાવતાં-લગાવતાં આ લોકોનાં માથાં ઉપર આવ્યા, એટલે એમણે મોટેથી બૂમ પાડી : “બાંકુભાઇ...!”

સાઇકલનો ખ..ર..ર..ર.. અવાજ પણ સંભળાયો.

સેમ અંકલ ચેતી ગયા. તેઓ દૂર સુધી પ્રકાશ ફંકનારી સર્ચલાઇટ તંબુમાંથી લઇ આવ્યા. સર્ચલાઇટ ચાલુ કરી એમણે આકાશમાં પ્રકાશ ફેંક્યો. પ્રકાશના લિસોટા પડવા લાગ્યા. તેવામાં એક લિસોટા મારફતે બકોર પટેલ ગોળ-ગોળ ચક્કર મારતા દેખાયા.

હવે સેમ અંકલને શાંતિ વળી. એમણે ઝટ પોતાની સાઇકલ તૈયાર કરી. બત્તીનો વેધક પ્રકાશ ચાલુ કર્યો. પછી સાઇકલ ઊંચે ચડાવી.

પ્રકાશ ફેંકતી સાઇકલ જોવાની સૌને ખૂબ મજા પડી. સેમ અંકલ ઊડતાં-ઊડતાં મહારાજાસાહેબ પાસે પહોંચી ગયા. મહારાજાસાહેબ પાસે પહોંચી ગયા. એમણે રાજાજીની સાઇકલની લગોલગ થઇ જઇને ગોળ ચક્કર લગાવવાં માંડ્યાં. પછી પૂછ્યું : “મહારાજાસાહેબ! કેમ, શું વાંધો છે ? સ્વિચ બગડી ગઇ છે ?”

પટેલે જવાબ આપ્યો : “બગડ્યું તો કંઇ નથી, પણ મને એ સ્વિચ જડતી નથી! એ સ્વિચ છે ક્યાં ?”

પટેલની મુશ્કેલી સેમ અંકલ સમજી ગયા. એમણે ગજવામાંથી પેન કાઢી. આ પેન એ કાયમ પોતાના ખિસ્સામાં જ રાખે. પેનમાં એક ભારે ખૂબી હતી. આગળનો ભાગ ખોલીએ, તો લખવાની પેન બને અને પાછળનો ભાગ ખોલીને સ્વિચ દાબીએ, તો પ્રકાશ આપતી બૅટરી બની જાય!

સેમ અંકલે પ્રકાશ ચાલુ કર્યો. પછી પેલી સ્વિચ પર પ્રકાશ ફેંકી કહ્યું : “જુઓ, પેલી રહી, એ સ્વિચ દાબવા માંડો.”

“અરે, હા! આ તો હું ભૂલી જ ગયો!” કહી પટેલ હસ્યા. તેમણે એ સ્વિચ દાબી. સાઇકલ ધીમે-ધીમે નીચે ઊતરવા માંડી. એમની પાછળ સેમ અંકલ પણ ઊતર્યા. તેઓ નીચે આવ્યા, એટલે બધાંને આનંદ થયો. સૌએ હર્ષના પોકારો કર્યા.

ત્યાંથી આગળ જતાં નાનકડા ઉદ્યાન (બગીચો)માં આવ્યા. ત્યાં મખમલ (એક જાતનું રેશમી કાપડ)ની પોચી-પોચી બેઠકો હતી. આ બેઠકો પર મહારાજા બકોરસિંહજી અને મહારાણી શકરીદેવી બિરાજ્યાં. સામે સેમ અંકલ બેઠાં. ઉદ્યાનમાં ચારે બાજુએથી રંગીન પાણીના ફુવારા ઊડતા હતા, ને તેનું પાણી એમના માથા ઉપર કમાન રૂપે થઈને બીજી બાજુ તરફ પડતું. દરેક કમાનનું પાણી રંગીન હતું અને તેની આજુબાજુ ઝગારા મારતી કેટલી બધી લાઈટો ! દેખાવ એવો તો સુંદર હતો કે જાણે ઈંદ્રપુરી જોઈ લો !

બકોર પટેલ ચકિત નજરે ઉદ્યાન તરફ જોઈ રહ્યા ! પછી ચારે બાજુ જોવા લાગ્યા. આસપાસ ગુલાબના છોડ હતા. આ છોડ પર સરસ ગુલાબ ખીલ્યાં હતાં. ગુલાબના આ ફુલોની મઘમઘતી સુવાસ આવતી હતી.

સેમ અંકલ ખિસ્સામાંથી રૂપિયા જેવડું કંઈ યંત્ર કાઢ્યું. પછી તેની પાસે મોં રાખી બોલ્યા : ‘‘આઠદસ ગ્લાસ ગુલાબ તથા દ્રાક્ષનું શરબત મોકલો.’’

પટેલે આતુરતાથી પૂછ્યું : ‘‘તમે ખિસ્સામાંના રૂપિયા સાથે વાત કરી ? શું કહ્યું ?’’

પટેલે આતુરતાથી પૂછ્યું : ‘‘કંઈ નહિ. એ તો મેં મારા નોકરને સંદેશો મોકલ્યો. હમણાં જ એ શરબત લઈને આવી પહોંચશે.’’

થોડીવારમાં તો કાચના ઝુમ્મર જેવું પાત્ર ઉપરથી લટકીને નીચે ટેબલની વચ્ચોવચ આવીને ગોઠવાઈ ગયું ! સેમ અંકલે એની કડી છૂટી કરી દીધી. એ પાત્રની આજુબાજુ આઠદશ ગ્લાસ હતા. સેમ અંકલે જાતે દરેકને ગ્લાસ આપ્યા. પછી પોતે પણ શરબત પીવા બેઠા.

બકોર પટેલે શરબતનો ઘૂંટડો ભર્યો, તો તુરત એમનું મગજ તરબતર થઈ ગયું! શું શરબતનો સ્વાદ! શી એની સુગંધ! અહાહા! દ્રાક્ષ અને ગુલાબ - બન્ને ભેગાં મળ્યા; પછી પૂછવું શું ?

પટેલ ખુશ થઈ ગયા.

તેમણે કહ્યું : ‘‘સેમ અંકલ ! શરબત તો બહુ મજાનું છે.’’

સેમ અંકલ જરા મલકાયા. પછી કહેવા લાગ્યા : ‘‘મહારાજાસાહેબ, હજી તો આનાથી પણ સરસ શરબત આપને પિવડાવીશ. પેલું ઊંચું ચગડોળે છે ને ? એની ઉપર બેઠાં-બેઠાં પી શકાશે.’’

‘‘ચગડોળની ઉપર બેઠાં-બેઠાં કેવી રીતે પિવાશે ?’’

સેમ અંકલ બોલ્યા : ‘‘ચગડોળના જેટલે જ ઊંચે ત્યાં ઉપાહારગૃહ (હોટલ) છે. ત્યાંથી જે વસ્તુ જોઈએ, તે તરત મળી શકે.’’

પટેલે એ તરફ નજર નાખી. પ્રદર્શનના એક ખૂણામાં મોટું રાક્ષસી ચગડોળ ગોળ-ગોળ ફરતું હતું. ચગડોળને રંગબેરંગી દીવાથી શણગાર્યું હતું. તદુપરાંત બેઠકોની જગ્યાએ લહેરથી આડા પડી શકાય તેવી ખુરશીઓ હતી. પટેલે શકરી પટલાણીને પૂછ્યું : ‘‘કેમ રાણીસાહેબા, બેસવું છે એ ચગડોળમાં ?’’

શકરી પટલાણી ડોકું ધુણાવી બોલ્યાં : ‘‘ના રે, બા! મને તો બીક લાગે ! કંઈ ઊથલી પડીએ તો ?’’

સેમ અંકલ વચ્ચે બોલી ઊઠ્યા : ‘‘રાણીસાહેબા, જરાય બીક જેવું નથી. ઉપર જઈને બેસવા માટે પણ જુદી જ ગોઠવણ છે.’’

‘‘તો ચાલો. એમાં પણ જરા સહેલ કરીએ.’’ શકરી પટલાણી બોલ્યાં.

ત્યાંથી બધાં ચગડોળ પાસે ગયાં. ચગડોળની બન્ને બાજુ પર હારબંધ ખુરશીઓ હતી. દરેક ખુરીશીની નીચે લોખંડની સ્પ્રિંગ હતી. ખેરશીમાં બેઠા પછી બાજુની સ્વિચ દાબવાથી સ્પ્રિંગ ઊંચે ચડે, સાથે ખુરશી પણ ઊંચે જાય હ ચગડોળની બેઠક હોય ત્યાં ખુરશી પહોંચી જાય ! પછી ત્યાંથી સહેલાઈથી ચગડોળના પારણામાં બેસી જવાયે. આમ કરવા માટે ચગડોળની બેઠક જમીનની અડોઅડ લાવવાની જરૂર નહિ.

સેમ અંકલે મહારાજા બકોરસિંહજીને એક ખુરશીમાં બેસાડ્યા. જોડેની ખુરશીમાં મહારાણીને બેસાડ્યા. પાછળની ખુરશીમાં પોતે બેઠા તથા બાજુમાં દીવાન બાંકુભાઈને બેસાડ્યા. બીજી ખુરશીઓમાં અંગરક્ષકોને ગોઠવી દીધાં.

પછી ચગડોળ ચલાવનારે એક પછી એક સ્વિચ દાબવા માંડી.

પહેલી ચાંપ દાબી કે સેમ અંકલની તથા બાંકુભાઈની ખુરશીઓ સર..સર.. કરતી ઊંચી ઊંચકાઈ ! ઉપર પહોંચ્યા પછી એ બન્ને ચગડોળના પારણામાં બેસી ગયા.

પછી મહારાજા સોહેબ અને રાણીસાહેબાની ખુરશીઓ ઊંચકાઈ ! ચગડોળમાં બેઠાં-બેઠાં સેમ અંકલે એમને આવકાર આપ્યો : ‘‘પધારો મહારાજાસાહેબ ! આપ બન્ને જણ આ ખાલી બેઠકો પર બિરાજો.’’

બકોર પટેલ તથા શકરી પટલાણી ચગડોળમાં ગોઠવાઈ ગયાં. ત્યાર બાદ એમના અંગરક્ષકો પણ જુદી-જુદી બેઠકોમાં બેઠાં. પછી ચગડોળ ચલાવનારે બીજી ચાંપ દાબી ચગડોળ ચાલુ કર્યું.

ચગડોળ ધીમે-ધીમે ફરવા લાગ્યું. બેઠકો હવામાં ઘૂમવા લાગી. બેસનારાંઓ ઉપરનીચે આવવા લાગ્યાં. રંગબેરંગી રોશનીમાં આખોયે દેખાવ અદ્‌ભુત લાગતો હતો !

ચગડોળને થોડી વાર ચલાવ્યા પછી એ બંધ કર્યું. એ વખતે મહારાજાસાહેબની બેઠક છેક ઊંચે હતી. સેમ અંકલની બેઠક એમની બાજુમાં જ હતી. ત્યાં બેઠે-બેઠે સેમ અંકલે ઉપાહારગૃહવાળાને હુકમ કર્યો : ‘‘દ્રાક્ષનું કેસર નાખેલું શરબત લાવો.’’

‘‘જી, સરકાર! સામેથી કોઈ બોલ્યું. એ ઉપાહારગૃહની રચના પણ જોવા જેવી હતી. જમીન ઉપર કંઈ જ ચણતર નહીં. માત્ર ચાર થાંભલા જ હતા. આ થાંભલા પર ચગડોળ જેટલી ઊંચાઈએ બાંધકામ કર્યું હતું. એમાં બધી જાતનાં પીણાં તૈયાર રાખવાની સગવડ કરી હતી.

ઉપાહારગૃહના વેઈટરે એક સ્વિચ દાબી, એટલે ત્યાં પૉલિશ કરેલું ચકચકતું સરસ એક પાટિયું લાંબુ થઈને બહાર આવ્યું. તે છેક ચગડોળની બેઠક સુધી પહોંચ્યું. એ પાટિયા ઉપર થઈને નોકર છેક બેઠક પાસે આવ્યો. પછી નમન કરીને બધાંને એણે શરબત આપવા માંડ્યું.

શરબતનો એક ઘૂંટડો ભરતાં જ બકોર પટેલ ખુશ થઈ ગયા.

‘‘વાહ ! વાહ !’’ એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા : ‘‘સેમ અંકલ, તમે કહેલું તેવું જ આ પીણું છે !’’

ધીમે-ધીમે એમણે ગ્લાસ પૂરો કર્યો.

મજાની સોડમ (સુગંધ)વાળું એ બહુ સુંદર પીણું હતું !

શરબત પિવાઈ રહ્યા પછી પાછું ચગડોળ થોડીવાર ચાલ્યું. બધાંએ હવામાં ઘૂમવાની મોજ માણી ! પછી સૌ પાછાં નીચે આવ્યાં.

આમ, મહારાજ બકોરસિંહજી પ્રદર્શનની અજાયબીઓ જોઈને ખુશ-ખુશ થઈ ગયા ! હેરત (નવાઈ) પામી જવાય તેવી એકએકથી ચડિયાતી કરામતો (કળા, ખૂબી, ચમત્કાર, યુક્તિ) ત્યાં હતી. સેમ અંકલે છેલ્લામાં છેલ્લી ઢબની સામગ્રી ત્યાં ગોઠવી દીધી હતી. જોનાર દરેક જણ તેનાં વખાત કરતાં થાકતું ન હતું !

આખરે બકોર પટેલ બધું જોઈ રહ્યા. એમણે ખૂબ સંતોષ વ્યક્ત કર્યો. પછી રાજમહેલ પાછા ફરવાની ઈચ્છા દર્શાવી.

સેમ અંકલ દરવાજા સુધી વળાવવા આવ્યા. એમણે નમીનમીને મહારાજાસાહેબનો ઘણો જ ઉપકાર માન્યો. પછી મહારાજાસાહેબ વિદાય થયા.

પ્રદર્શન સાચે જ અદ્‌ભુત હતું, તેથી જાહેરમાં એ ખૂબ વખણાયું. સેમ અંકે પણ સૌને મજા કરાવવામાં કંઈ બાકી રાખ્યું નહીં. બધાંનો પ્રેમ જીતી લીધો. ત્યાર બાદ પ્રદર્શન સમેટી લઈ તેઓ રાજાસાહેબ પાસે હાજર થયા.

એમણે વિનંતી કરી : ‘‘મહારાજાસાહેબ ! સેવકની એક અરજ છે.’’

‘‘શું સેમ અંકલ ?’’

‘‘મહારાજ ! આપના રાજ્યમાં વેપાર કરવાની મને રજા આપો.’’

‘‘વેપાર ?’’

‘‘હા જી, વેપાર. મારા દેશની ચીજોનો વેપાર.’’

મહારાજાએ થોડીવાર વિચાર કર્યો. બાંકુભાઈ સાથે મસલત કરી. પછી હા પાડી, અને રાજ્ય તરફથી પરવાનો (લાઈસન્સ) મળ્યો, એટલે સેમ અંકલ ઊપડ્યા અમેરિકા.

આમ, રાજ્યમાં આનંદ અને કિલ્લોલના દિવસો ચાલતા હતા, ત્યાં એક ભારે આફત આવી પડી. પડોશના મુલક ઉપર કેસરીસિંગ નામે રાજા રાજ કરતો હતો. એણે બકોરસિંહજીને લડાઈ કરવા માટેનું કહેણ મોકલ્યું.

કેસરીસિંગની દાનત બગડી હતી. એને બકોરસિંહજીનું રાજ્ય પડાવી લેવું હતું. અણધારી આફત આવી પડી.

પરંતુ આફતનો સામનો કર્યા વિના કંઈ ચાલે?

મહારાજાએ તમામ પ્રવૃત્તિઓ રદ કરી. જનતાને યુદ્વમાં જોડાવા માટે હાકલ કરી. હથિયારો તૈયાર થવા માંડ્યા. તલવારો ઘસાવા માંડી. ભાલાની અણીઓ તેજ બનવા માંડી. ધનુષબાણ તૈયાર થવા માંડ્યા. દેશી બંદૂકો પણ સાફ થવા લાગી. રાજ્યમાં ચારે તરફ યુદ્વનાં નગારાં વાગવા માંડ્યા.

તૈયારીઓ થઈ ગઈ. હથિયારો બની ગયાં. ખુદ મહારાજા બકોરસિંહજી પણ યુદ્વ માટે ગમે તે પળે તૈયાર હતા. એટલામાં સમાચાર આવ્યા કે દુશ્મન ચડી આવ્યા છે !

સેનાપતિ શૂરસિંહે ઠેરઠેર રણશિંગા ફુંકાવ્યાં. શહેર બહાર મેદાનમાં સેના એકઠી થવા લાગી. તીરંદાજોની જુદી ટુકડી, ભાલાવાળાઓની ટુકડી જુદી, તલવારધારી સૈનિકોની અલગ ટુકડી -એમ અલગ-અલગ ટુકડીઓ પાડી નાખવામાં આવી. થોડીક ટુકડીઓ શહેરનું રક્ષણ કરવા માટે રાખી. આ સિવાયના પાયદળના સૈનિકોએ સેનાપતિની આગેવાની હેઠળ દુશ્મન તરફ કુચ આરંભી દીધી.

દુશ્મન કેસરીસિંગે અચળ પર્વત પાસે પડાવ નાખ્યો હતો. એના સૈનિકો આરામ કરી રહ્યા હતા. એટલામાં એકાએક ભયસૂચક નગારું વાગ્યું. સૈનિકોએ સમાચાર આપ્યા કે મહારાજા બકોરસિંહજીનું સૈન્ય મુકાબલો કરવા આવી રહ્યું છે !

કેસરીસિંગ તૈયાર થઈ ગયો. લશ્કરી પોશાક પહેરી લીધો. શરીરે બખ્તર. માથે ભાલાની અણીવાળો ટોપ. પછી સૈન્ય સાથે એ લડવા ધસ્યો.

બન્ને સૈન્યો પાસે એક-એક મોટી તોપ હતી. દેશી બંદૂકોવાળી બબ્બે ટુકડીઓ હતી. સંખ્યાબળમાં બન્ને લશ્કર સરખાં જ હતાં, પણ કેસરીસિંગ પાસે ટ્રક

વધારે હતી. એમાં સૈનિકોને બેસાડીને ઝડપથી આમતેમ ખસેડી શકાતા હતા ! બકોરસિંહજી પાસે તેવી દસ જ ટ્રક. એ રીતે બકોરસિંહજીના પક્ષે એટલી કચાશ હતી.

જોતજોતામાં બન્ને લશ્કર સામસામાં આી ગયાં. તલવારોની પટાબાજી ખેલાવા માંડી. સામસામા ભાલાના પ્રહારો થવા લાગ્યા. ધનુષ્યમાંથી તીર છૂટવા લાગ્યાં. ખૂનખાર જંગ જામી ગયો !

મહારાજા બકોરસિંહજી પણ બખ્તર સજીને આવેલા. એમણે ભાલાની અણીવાળો ટોપ પણ પહેર્યો હતો. એમની પોતાની લશ્કરગાડી હતી. આ ગાડીમાં બેસીને તેઓ યુદ્વના મેદાનમાં આવ્યા હતા. આજુબાજુ છ અંગરક્ષકો હતા. એ દરેકના હાથમાં દેશી બંદૂક હતી.

બકોરસિંહજી લશ્કરી ગાડીમાં ઘૂમવા લાગ્યા. પોતાના સૈનિકોને પણ ચડાવવા (પ્રોત્સાહન આપવા) લાગ્યા. પોતાની માતૃભૂમિ ખાતર જાન કુરબાન કરવાની સૈનિકોને હાકલ કરી.

એમનો સેનાપતિ શૂરસિંહ પણ ભારે બહાદુર હતો. દુશ્મનોના સૈનિકોને એ ઘસની પેઠે કાપી નાખતો હતો; મરણિયો થઈને આમતેમ ઘૂમતો હતો.

સામાવાળો કેસરીસિંગ પણ ચોમેર ઘૂમતો હતો. એના સૈનિકો પણ બહાદુર અને તાલીમ પામેલા હતા. પરંતુ એના પક્ષે ભારે ખુવારી થવા માંડી.

આ જોઈને શૂરસિંહે બંદુકધારીઓને બંદૂકો વાપરવાનું ફરમાન કર્યું. થોડે-થોડે અંતરે દેશી બંદૂકોમાંથી ગોળીઓ છૂટવા માંડી. વળી, કેસરીસિંગે પોતાની મોટી તોપ પણ તૈયાર કરાવી. તોપમાં દારૂગોળો ભરીને સામા સૈન્ય ઉપર ગોળા છોડવાનો એણે હુકમ કર્યો.

બકોરસિંહજીનું લશ્કર આ હિલચાલ જોયા કરતું હતું. એમના પક્ષમાં ફફડાટ થઈ ગયો. શૂરસિંહ મહારાજા બકોરસિંહજીને ખોળવા માંડ્યા.

પણ બકોરસિંહજીએ તો એક ઝાડ નીચે લશ્કરગાડી થોભાવી, ગાડીમાં ને ગાડીમાં જ સહેજ આરામ કરવા લાંબા

થયા હતા ! શૂરસિંહે તેમને ખોળતો-ખોળતો ત્યાં દોડતો પહોંચ્યો. ‘‘મહારાજાસાહેબ !’’ બકોરસિંહજીએ આંખો ખોલીને પછી પાછી મીંચી દીધી.

પછી કહ્યું : ‘‘સેનાપતિજી કે ? ઠીક-ઠીક. તમારું યુદ્વ મેં નિહાળ્યું.

બધા બહુ બહાદુરીથી લડે છે. જાઓ, એ પ્રમાણે ચાલુ રાખો!’’ ‘‘પ...પ...પ...ણ ?’’ ‘‘જાઓ, સેનાપતિજી! મને જરા ઊંઘી લેવા દો !’’ આમ કહીને મહારાજાસાહેબ પાછા આંખો મીંચીને

ઊંઘવા માંડ્યા ! સેનાપતિએ ફરી હાથ જોડતાં કહ્યું : ‘‘મહારાજા સા...’’ પણ મહારાજાસાહેબ ગાડીમાં પડ્યાં-પડ્યાં પાસું ફેરવી

ગયા અને બબડ્યા : ‘‘શાબાશ ! જાઓ, લડો !’’

સેનાપતિમનમાં ખૂબ ગૂંચવાયો. એને થયું કે મહારાજાસાહેબને તો કંઈ ભાન જ નથી ! હમણાં દુશ્મનો અહીં આવી પહોંચશે અને એમની ગાડીને ઘેરી લેશે તો ?

સેનાપતિએ યુક્તિ કરી. એણે પાછા જવાનો ઢોંગ કર્યો. પછી એક મોટા ઝાડની ઓથે રહીને એણે દેશી બંદુકની ગોળી રાજાજીની લશ્કરગાડીના પૈડાં ઉપર જ છોડી !

મોટા ધડાકા સાથે વીલ (પૈડું) ફાટ્યું ! અંગરક્ષકો બાવરા બનીને આમતેમ જોવા લાગ્યા. મહારાજા બકોરસિંહજી ચમકીને બેઠા થઈ ગયા ! એમને લાગ્યું કે લશ્કરી ગાડી પર જ ગોળીબાર થયા ! ગભરાટના માર્યા એ ઝટ નીચે ઊતરી ગયા.

‘‘સૈનિકો, શું જુઓ છો ? ક્યાંથી થયો આ ધડકો ?’’

સૈનિકો હાંફળાફાંફળા બની ગયા. એટલામાં લાગ જોઈને સેનાપતિ રાજાજી પાસે આવી પહોંચ્યા. નમન કરીને તેઓ બોલ્યા : ‘‘મહારાજાસાહેબ ! સામાંવાળાઓએ તોપનો ઉપયોગ કરવા માંડ્યો છે ! આપણે આપણી તોપ શરૂ કરી દઈએ ?’’

‘‘હા, હા, તોપ શરૂ કરી દો ! એમાં પૂછવા શું આવ્યા ?’’

‘‘આપ ત્યાં આવો, તો સૈનિકોને હિંમત રહે. શત્રુની તોપ શરૂ થશે, એટલે કદાચ

નાસભાગ શરૂ થશે ! આપણા સૈનિકો હજુ તોપના ગોળાથી ટેવાયેલા નથી.’’

આમત વાત ચાલતી હતી. એટલમાં દુશ્મન પક્ષ તરફથી તોપગોળો છૂટ્યો. એનો અવાજ એટલો બધો ભયંકર હતો કે અંગરક્ષકોના હાથમાંથી બંદૂકો પડી ગઈ ! મહારાજા બકોરસિંહજી પણ એવા ભડક્યા કે એમના હાથમાંથી રૂમાલ પડી ગયો અને માથા ઉપરનો ટોપ પણ વાંકો થઈ ગયો !

સેનાપતિએ કહ્યું : મહારાજાસાહેબ! ચાલો ઝટ કરો ! એમની તોપો તો શરૂ થઈ ગઈ ! સૈનિકો, ગાડીને સ્પેર વીલ (વધારાનું પૈડું) ચઢાવી દો! ચાલો જલદી.’’

સૈનિકોએ ઝડપથી કામ કરવા માંડ્યું. જૂનું વીલ કાઢી તેમણે નવું વીલ ચડાવી દીધું. પછી લશ્કરીગાડીને યુદ્વભૂમિ તરફ હંકારી દીધી.

તોપ ફૂટતાં જ ગભરાટ ફેલાઈ ગયો હતો. મહારાજા બકોરસિંહજીના તોપચીઓએ પોતાની તોપ તૈયાર કરેલી. અંદર ગોળો ભરેલો. પણ પછી હુકમની વાટ જોતા તેઓ ઊભા રહ્યા હતા.

એટલામાં મારતી ગાડીએ આપણા દોસ્ત પટેલ આવી પહોંચ્યા. મોટરમાંથી જ તેમણે હુકમ આપ્યો : ‘‘તોપ છોડો !’’

ને પોપચીઓએ તોપ છોડવા માંડી. બરાબર ગોઠવીને તેમણે તોપ છોડી, પણ ફુઉઉઉસ! દારૂગોળો હવાઈ ગયો હતો ! એટલે ફરીથી તોપમાં દારૂગોળો ભર્યો અને છોડ્યો. પણ એ ભગવાન એના એ !

કંઈ અસર નહિ !

સૈનિકો નિરાશ થઈ ગયા. વળી, સામા પક્ષ તરફથી ધડાધડ ગોળા છૂટતા હતા અને ભારે ખુવારી કરતા હતા.

આખરે સૈન્યમાં ભંગાણ પડ્યું. સૈનિકો ગભરાઈને શહેર તરફ પાછા દોડવા લાગ્યા!

શૂરસિંહે પણ હાંફતાં-હાંફતાં આવીને બકોરસિંહજીને કહ્યું : ‘‘મહારાજાસાહેબ ! દારૂગોળાએ દગો દીધો ! બધો જથ્થો હવાઈ ગયો છે ! મહેરબાની કરીને શહેરમાં પાછા ચાલો. સૈનિકોએ તો નાસવા માંડ્યું છે. હવે અહીં રોકાવામાં લાભ નથી. અહીં રહીશું, તો દુશ્મનના હાથમાં પકડાઈ જઈશું.’’

મહારાજાસાહેબે વિચાર કર્યો કે સેનાપતિનું કહેવું વાજબી છે. અહીં રોકાવામાં માલ નથી. દુશ્મન કેદ કરી લેશે. માટે હવે પીછેહઠ કરવી એ જ એક ઉપાય છે.

મહારાજા ગાડીમાં બેસી ગયા. આગળ સેનાપતિ બેસી ગયા. ત્યાં રોકાયેલા સૈનિકોને પણ પાછા ફરી જવાની સૂચના આપી દીધી.

યુદ્વના મેદાનમાંથી બધાએ પીછેહઠ કરી.

મહારાજા જઈને મહેલમાં દાખલ થઈ ગયા. સૈનિકો પાછા આવી ગયા, એટલે સેનાપતિએ શહેરના કિલ્લાનો દરવાજો વસાવી દીધો.

આ જોઈને કેસરીસિંગે કિલ્લાને ઘેરો ઘાલ્યો. કિલ્લાની ફરતે લશ્કર ગોઠવી દીધું. મહારાજા બકોરસિંહજીને તથા રાજધાનીના રહીશોને કિલ્લામાં ઘેરી લીધા !

કેસરીસિંગે કિલ્લાને ઘેરો ઘાલ્યો છે. મહારાજા બકોરસિંહ અંદર પુરાયા છે. રોજ થોડી-થોડી ખુવારી થાય છે. સૈનિકો કિલ્લાનું રક્ષણ કરે છે. કિલ્લાના કોટ ઉપર ચડીને બધા દરવાજો સંભાળે છે. કોઈ વાર દરવાજે ખૂનખાર જંગ પણ જામે છે. છતાં કિલ્લો તૂટતો નથી.

પણ બકોરસિંહજીની બેચેની વધી ગઈ. આ કેટલા દિવસ ચાલે ! કોઈ વાર કિલ્લાનો દરવાજો તૂટે તો ખલાસ ! પછી કંઈ ઈલાજ રહે તેમ ન હતો.

તેમની આ બેચેનીથી દીવાનસાહેબ અજાણ નહોતા. એક દિવસ મહારાજા

સાથે કિલ્લાની રાંગે (કિલ્લાની દિવાલ પર) ફરતાં-ફરતાં લાગ જોઈને દીવાન બાંકુભાઈએ એક વાત છેડી.

‘‘મહારાજાસાહેબ ! મને એક ઉપાય સુઝ્‌યો છે. આપની રજા હોય તો બતાવું’’

‘‘કહો, શું છે ?’’

‘‘મને પેલા સેમ અંકલ યાદ આવ્યા છે. એમની પાસે કેવી-કેવી કરામતવાળાં યંત્રો હતાં! એમાંનું એકાદ યંત્ર હોય તોપણ આપણે જીતી જઈએ.’’

મહારાજા ખુશ થઈ ગયા.

‘‘અરે હા રે! પણ એ સેમ અંકલ ક્યારે આવવાના છે ?’’

‘‘કહો તો બોલાવું. મને વાત કરવાનું યંત્ર આપતા ગયા છે. કહીએ એટલે વીસેક કલાકમાં તો એ અહીં આી પહોંચે. એમની પાસે કરામતી વિમાન છે.’’

‘‘તો વાત કરો. ક્યાં છે યંત્ર ?’’

‘‘અહીં, ખિસ્સામાં જ છે.’’

આમ કહી બાંકુભાઈએ ગજવામાંથી યંત્ર કાઢ્યું. રૂપિયા જેવડું જ યંત્ર. ને તેને મોઢાની નજીક રાખીને બોલવાનું. એક ભાગ કાને ધરવાનો હતો.

બાંકુભાઈએ યંત્રને મોં પાસે રાખ્યું. પછી બાજુ ઉપરની સ્વિચ દબાવીને બોલવા માંડ્યું : ‘‘હલ્લો! હલ્લો! હાં! કોણ ? સેમ અંકલ કે ? હું બાંકુભાઈ બંદર, દીવાન ! હાં, અરે સેમ અંકલ ! તમારું ખાસ જરૂરી કામ પડ્યું છે. અહીં લડાઈ ફાટી નીકળી છે. અમે હારવાની અણી પર છીએ. કંઈ સાધનો નથી. શું કહ્યું ? સાધનો સાથે આવો છો ? ભલે-ભલે, પણ કિલ્લાને ઘેરી લીધો છે. શું કહ્યું ? વિમાન મારફતે સીધા શહેરમાં જ ઊતરશો ? બહુ સરસ ! આભાર ! હા, આવો ત્યારે !’’

મહારાજા બકોરસિંહજી આતુરતાથી બધું સાંભળતા હતા. એમણે પૂછ્યું : ‘‘શું કહ્યું ? આવે છે ને ?’’

‘‘હાજી ! હમણાં જ નીકળે છે. વીસેક કલાકમાં તો આવી જશે. સાવધ રહીને આજની રાત ખેંચી કાઢવાની છે. કાલે તો સેમ અંકલ ગજબ કરી નાખશે !’’

મહારાજા તો રાજી-રાજી થઈ ગયા. એ રાત્રે તો એમને ઊંઘ પણ ન આવી. એમને એમ થયા કરતું હતું કે ક્યારે સેમ અંકલ આવે અને કેસરીસિંગને સીધો દોર કરી દેવાય !

બીજે દિવસે બપોરે સેમ અંકલ આવી પહોંચ્યાં. શહેરના મધ્યભાગમાં, એક મોટા ચોગાનમાં એમનું વિમાન ઘ..ર..ર..ર.. કરતું ઉતર્યું. બાંકુભાઈએ ફુલહારથી એમનું સ્વાગત કર્યું. મહારાજા બકોરસિંહજીએ એમની સાથે હાથ મિલાવ્યા. પછી એમને મહેલમાં લઈ ગયા.

બાંકુભાઈએ બધી વિગત સમજાવી દીધી. બધું સાંભળી રહ્યા પછી સેમ અંકલ બોલ્યા : ‘‘ઓહોહો ! શત્રુના શા ભાર (ગુંજાશ, તાકાત) છે ! એમને માટે તો આપણી અણુબૅટરી જ બસ છે ! ચાલો, આપણે કિલ્લાની રાંગે ચડીએ ! પહેલાં અણુબૅટરી અજમાવીએ !’’

સેમ અંકલ પાસે ચામડાની મોટી બૅગ હતી. તેમાં જાતજાતનાં યંત્રો લઈને પોતે આવ્યા હતા.

કિલ્લા ઉપર ચડીને બધા જોવા લાગ્યા. કેસરીસિંગના થોડાક સૈનિકો આડા પડ્યાં-પડ્યાં આરામ કરતા હતા. થોડાક ઊભા ઊભા વાતો કરતા હતા. થોડાક રસોઈ બનાવતા હતા.

સેમ અંકલે ખાસ મોટી અણુબૅટરી કાઢી. બૅટરી મોટી, એટલે પ્રકાશ વધારે વિસ્તારમાં પડે ! એટલા વિસ્તારમાં આવેલી વસ્તુઓ કે વ્યક્તિઓ ગોળ ગોળ ચક્કર ચક્કર ફર્યાં જ કરે, એવી એ બૅટરીની અસર હતી.

ચાંપ દાબીને સેમ અંકલે બૅટરી ચાલુ કરી. થોડાક સૈનિકો બેઠા હતા, થોડાક ઊભા હતા. એ બધા ઉપર પ્રકાશ પડ્યો, એટલે એની એ જ સ્થિતિમાં તેઓ ગોળ ગોળ ફરવા લાગ્યા ! ઊભેલા સૈનિકો ઊભાં-ઊભાં ને બેઠેલા બેઠાં-બેઠાં ગોળ ફરે - ફર્યાં જ કરે !

આઘે ઊભેલા સૈનિકો આ જોઈને સડક થઈ ગયા. આ તે કેવું જાદુમંતર થયું !

તેઓ પાસે આવીને પૂછવા લાગ્યા. પણ પાસે આવતાં એમના પર પણ બૅટરીનો પ્રકાશ પથરાઈ ગયો, અને તેઓ પણ ગોળ-ગોળ ચકરડી-ભમરડી ફરવા લાગ્યા!

મહારાજા બકોરસિંહજીને આ જોઈને ફુઉઉઉઉઉ દઈને હસવું આવી ગયું. એમને હસતા જોઈને બાંકુભાઈ પણ હસ્યા અને સેમ અંકલ પણ હસ્યા. સેનાપતિ શૂરસિંહ પાસે જ ઊભા હતા. તેઓ પણ હસી પડ્યા અને કહેવા લાગ્યા : ‘‘દીવાનસાહેબ! લડાઈ શરૂ થઈ પછી પહેલી વાર હસ્યો છું ! હવે શા ભાર છે દુશ્મનના ! એમનું આવી બન્યું જ સમજો !’’

સેમ અંકલ બોલ્યા : ‘‘સેનાપતિજી ! તમે આ બૅટરી પકડો, ને એ સૈનિકોને ચકરડી-ભમરડી ફેરવી-ફેરવીને થકવી નાખો ! એમને ચક્કર આવશેે, એટલે નીચે પડશે ! ને નીચે પડ્યાં-પડ્યાં પણ ફર્યાં જ કરશે ! બીજી બૅટરી પણ છે, તે હું કાઢું.’’

સેનાપતિએ અણુબૅટરી હાથમાં લીધી. પછી સેમ અંકલે બીજી બૅટરી કાઢી. એ બૅટરીનો પ્રકાશ તેમણે રસોઈ કરતા સૈનિકો ઉપર ફેંક્યો.

બસ ખલાસ ! એ સૈનિકો પણ ગોળ-ગોળ ફરવા માંડ્યા ! એક સૈનિક રોટલી વણતો હતો. વેલણ હાથમાં રહ્યું, ને એ જ સ્થિતિમાં બેઠો-બેઠો ગોળ ફરવા લાગ્યો ! દાળનો મોટો દેગડો (ધાતુનું એક મોટું વાસણ) ચડાવેલો. તે પણ ગોળ-ગોળ ફરવા લાગ્યો ! ભાતનું મોટું તપેલું પણ ગોળ-ગોળ ફરવા લાગ્યું ! આ રીતે પ્રકાશના વિસ્તારમાં આવતી દરેક વસ્તુ ફરવા લાગી !

કેસરીસિંગના સૈન્યમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો. દોડાદોડ થવા લાગી. ખુદ કેસરીસિંગ પોતે ત્યાં આવ્યો અને તપાસ કરવા લાગ્યો !

સમ અંકલ કહે : ‘‘દીવાનજી, તમે આ બૅટરી પકડો. પેલો એમનો રાજા છે ને !’’

‘‘હા, એ જ રાજા !’’

‘‘તો એને માટે ખાસ જુદી દવા છે !’’

બાંકુભાઈએ સેમ અંકલના હાથમાંથી બૅટરી લઈ લીધી. સામી બાજુ બધા ગોળ ફર્યાં જ કરતા હતા ! કંઈક જણને ચક્કર આવવા માંડ્યાં, એટલે તે પડી ગયા ! પડ્યા પછી પણ ફર્યા જ કરતા ! ગોળ-ગોળ ફરતા દાળના દેગડમાંથી ગરમાગરમ દાળ ઊછાળીને બધે પડતી હતી ! કંઈક જણ દાઝતા પણ હતા !

તેવામાં સેમ અંકલે નવું યંત્ર કાઢ્યું.

યંત્રને બરાબર ગોઠવીને તેમણે સ્વિચ દાબી. તરત જ એમાંથી એટલો જોરદાર પ્રકાશ ફેલાયો કે સામાવાળાઓની આંખો જ બંધ થઈ ગઈ ! કોઈથી આંખો ઉઘાડી શકાય જ નહિ! ઉઘાડે તો આંખો એવી અંજાઈ જાય કે જાણે આંધળોભીંત (સાવ આંધળું)!

કેસરીસિંગ મૂંઝાઈ ગયો. એની આંખો અંજાઈ ગઈ. પ્રકાશની ગરમી પણ ખૂબ લાગવા માંડી. બીજી બાજુ એના સૈનિકો ફુદરડી ફરીફરીને મુડદા (શબ) જેવા થઈ ગયા હતા. ઘણા સૈનિકો દાળથી દાઝ્‌યા હતા. ઘણા ભાતના તપેલા સાથે અથડાતા હતા, એ તપેલાં પાછાં બીજાઓની સાથે અથડાતાં હતાં. શાકના તપેલામાંથી શાકનાં ફોડવાં પણ ઊડી-ઊડીને ગોળ ફરતાં, ને સૈનિકોની આંખોમાં પડતાં હતા !

સૈનિકો મૂંઝાઈ ગયા. કેસરીસિંગ પણ ગભરાઈ ગયો. એને લાગ્યું કે આના કરતાં તો તાબે (શરણે) થઈ જવું સારું.

એની આંખો તો બંધ હતી. પણ કિલ્લા તરફ મોઢું રાખી એણે હાથ હલાવ્યા અને મોટેથી બૂમ પાડી : ‘‘ક્ષમા કરો ! ક્ષમા કરો ! અમે શરણે આવીએ છીએ ! અમે શરણે આવીએ છીએ ! અમે શરણે આવીએ છીએ !’’

મહારાજા બકોરસિંહજીએ એ જોયું એમણે બાંકુભાઈ સાથે મસલત (વિચારણા) કરી, એમણે બધું બંધ કરાવ્યું, સેમ અંકલે યંત્રો સમેટી લીધાં. દરમિયાન સેનાપતિ શૂરસિંહ સૈનિકો લઈને દરવાજા બહાર ઊપડ્યો. તે કેસરીસિંગને કેદ કરીને અંદર લાવ્યો.

યુદ્વ પૂરું થયું. કેસરીસિંગના સૈનિકો અધમૂઆ થઈ ગયા હતા. એ સૌનો પડવા શહેર બહાર હતો; એમને ત્યાં જ રહેવા દીધા.

બીજે દિવસે દરબાર ભરાયો છે. મહારાજા બકોરસિંહજી બિરાજ્યા છે. બાજુમાં મહારાણી બેઠાં છે. સેનાપતિ, દીવાન, સેમ અંકલ વગેરે હાજર છે. દરબારીઓ પણ ગોઠવાઈ ગયા છે.

ત્યાં સૈનિકો કેસરીસિંગને બાંધીને લઈ આવ્યાં.

મહારાજા ઊભા થયાં. એમણે ટૂંકું ભાષણ કરી કહ્યું : ‘‘મારા વહાલાં પ્રજાજનો, આ જીતનો બધો જશ સેમ અંકલને છે. પ્રથમ સેમ અંકલ જે માગે તે તેમને આપવા તૈયાર છું, ત્યાર પછી કેસરીસિંગનો ફેંસલો કરીશું.’’

સેમ અંકલ ઊભા થયા. બધાને નમન કરીને બોલ્યા : ‘‘મહારાજાસાહેબ તથા અન્ય સજ્જનો, મહારાજાસાહેબ પાસે મારે એક જ ઈનામ માગવાનું છે અને તે...તે...તે...’’

બધા દરબારીઓ કાન સરવા કરીને બેઠા. સૌને સેમ અંકલ શું માંગશે, તે જાણવાની ઈંતેજારી થઈ પડી. સેમ અંકલ બોલ્યા : ‘‘અને તે છે કેસરીસિંગની મુક્તિ !’’

સભા સ્તબ્ધ થઈ ગઈ ! બધાને થયું કે સેમ અંકલે માગીમાગીને આ શું માંગ્યું ! સૌનાં મોં પર અજાયબી પથરાઈ ગઈ !

સેમ અંકલે આગળ ચલાવ્યું : ‘‘મારી માંગણીથી તમને બધાને ભારે અજાયબી થઈ હશે, પણ મારો ખુલાસો જરા સાંભળો. યુદ્વે દુનિયાને પાયમાલ કરી નાખી છે. એક રાજ્ય બીજા રાજ્યને કચડી નાખે, એટલે શું ? બધાં રાજ્યોએ સંપીને રહેવું જોઈએ અને શાંતિ સ્થાપવી જોઈએ. કેસરીસિંગ આ રાજ્ય ઉપર ચડી આવ્યા, તો એમને યુદ્વનું ફળ મળી ગયું. શાંતિ શી વસ્તુ છે, તે હવે તેઓ સમજશે. હું યંત્રો લાવ્યો છું, તે વિનાશ કરવા માટે નહિ પણ શાંતિ માટે. ને આજે તમે શાંતિ સ્થપાયેલી જોઈ શકો છો.’’

દરબારીઓમાં આનંદની એક લહેર પ્રસરી ગઈ. બકોરસિંહજી પોતે પણ ખુશ થઈ ગયા. તેઓ ઊભા થયા. એમણે પોતાને હાથે જ કેસરીસિંગનાં બંધન છોડી નાંખ્યાં. બન્ને રાજાઓ પછી ખૂબ પ્રેમથી ભેટ્યા. બધે આનંદ છવાઈ ગયો. નછી બકોરસિંહજીએ કચેરી બરખાસ્ત કરી (વિખેરી). કેસરીસિંગને મહારાજા બકોરસિંહજી પોતાના મહેલમાં લઈ ગયા.

કેસરીસિંગનું માન બહુ જાળવવામાં આવ્યું. બીજે દિવસે બન્ને રાજ્યોએ એકબીજાને મૈત્રીના કોલ (વચન) આપ્યાં. શાંતિ જાળવવાના કરાર પર સહીઓ થઈ. પછી કેસરીસિંગને ભારે ધામધુમથી વિદાય આપી.

તે દિવસે બકોરસિંહજી મહારાજના હૃદયને ભારે શાંતિ થઈ. એમણે મહારાણી શકરીરાણીને શાંતિના કરારોની વાત કરી, પછી બોલ્યા : ‘‘હા...શ! હવે નિરાંતે ઉંઘાશે ! રાજાનું રાજ, એટલે માથે કાંટાળો તાજ ! ન આવે ઊંઘ કે ન પડે ચેન ! આજે બહુ દિવસે હૈયે ટાઢક વળી !’’

‘‘હા...શ! હવે એવી ઊંઘ કાઢું, એવી ઊંઘ કાઢું કે કાલે સવારે જ ઊઠું!!’’

આમ કરીને મહારાજા ઊભા થયા. બે હાથ ઊંચા કરી આળસ મરડી. પછી મશરૂની તળાઈવાળા પલંગ ઉપર ધબ દઈને પડતું નાખ્યું.

*

પણ આતો બધું હતું સપનું ! બકોર પટેલ તો દાદરમાં એમના બંગલામાં જ હતા! ધબ્‌ દઈને પડતું નાખ્યું, એટલે પછાડાયા પલંગ ઉપરથી નીચે !

ધબાકો સાંભળી શકરી પટલાણી દોડતાં આવ્યાં.

‘‘શું થયું ? શું થયું ? વાગ્યું ?’’

‘‘નહિ, મહારાણીજી ! નથી વાગ્યું. આ તો મહેલના પલંગમાંથી જરા પડ્યો! દાસ-દાસીઓને કહી દેજો કે સવાર સુધી કોઈ મને જગાડે નહિ!’’

બકોર પટેલ મીંચેલી આંખોએ જ નીચે પડ્યાં-પડ્યાં બોલતા હતા!

શકરી પટલાણીએ એમને ઢંઢોળ્યા. પછી કહ્યું : ‘‘ઊઠો, ઊઠો! નીચે કેમ પડ્યા છો ? મહેલ કેવો ને દાસદાસી કેવાં !’’

૫ટેલે આંખો જરાક ઉઘાડી; આમતેમ જોયું અને પછી બાઘા બનીને બેઠા થઈ ગયા !

‘‘આ શું ? મહેલ ક્યાં ? તારો મહારાણીનો પોશાક ? મારો મુગટ ? શાન્તિના કરારો ?’’

‘‘તમે આ શું બબડો છો ?’’

બકોર પટેલ હવે સ્વસ્થ થયા. આમતેમ જોઈને ઊઠ્યા. શું બન્યું હતું, તે યાદ આવી ગયું.

શકરી પટલાણી કહે ‘‘ચાલો, હવે બ્રશ કરી લો. ચા ઠંડી થઈ જાય છે !’’

પટેલ બોલ્યા : ‘‘ચાની વાત પછી ! પહેલાં હું કહું તે સાંભળ ! બડી ગમ્મતની વાત છે !’’

આમ કહીને પટેલે વિગતવાર પોતાના પકડી-પકડીને હસ્યાં. સપનાની વાત કહી સંભળાવી. વાત પૂરી થયા પછી બન્ને જણ પેટ પકડી-પકડીને હસ્યાં.

શકરી પટલાણી બોલ્યાં : ‘‘ઠીક ત્યારે ! હવે ચા લાવું ને, મહારાજાસાહેબ ?’’

‘‘જીહા ! હું બ્રશ કરી લઉં છું. દરમિયાન દાસદાસી આજે હાજર નથી, એટલે આપ મહારાણીશ્રી જ ચા લાવો!’’ પટેલે જવાબ આપ્યો, ને પાછાં બન્ને જણાં ખડખડાટ હસી પડ્યાં.