Kalpnik Vaastvikta - 4 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિક વાસ્તવિકતા - ૪

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૪

-ભાર્ગવ પટેલ

નોવેલ વિષે...

અમીએ ગત પ્રકરણમાં કરેલા ખુલાસાને જે રીતે સંકેતે કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર સ્વીકાર્ય રાખ્યો એ હકીકતથી અમીના મનમાં રોપાયેલું પ્રેમનું સંકેત-બીજ અંકુરિત થઈ ચુક્યું હતું. હવે સંકેત અમીના અને પોતાના ભવિષ્યને સુખદ અને એમની અપેક્ષાઓ મુજબ બનાવવાના પ્રથમ પગથિયા પર પગ મુકવા જઈ રહ્યો છે..

લેખક વિષે

ભાર્ગવની આ નોવેલના ત્રણ ભાગ પ્રસ્તુત થઇ ચુક્યા છે અને ચોથો ભાગ હવે પ્રકાશિત થાય છે. અહી એક વાત જરૂર કહેવા માંગીશ કે ભાર્ગવ જે લખે છે એ એના મનનું પ્રતિબિંબ છે, પાત્રો એના મનમાં જન્મ લે છે, ફૂલે છે, ફાલે છે અને મૃત્યુ પામે છે. અમુક વાર વાચકો ભાર્ગવના અંગત જીવનને એના લખાણો સાથે સરખાવતા હોય છે, એ તમામને ભાર્ગવ એટલું જ કહેવા માંગે છે કે આ નવલકથા કે એના અન્ય કોઈપણ લખાણો દરેક વખતે એના જીવન સાથે સામ્યતા ધરાવતા હોતા નથી. મોટાભાગે આસપાસની ઘટનાઓ, કોઈ જાણીતા કે અજાણ્યા લોકોની કથનીઓ વગેરે એના મનમાં લખાણોનું બીજ રોપે છે અને ભાર્ગવ માત્ર પોતાની કલ્પનાશક્તિના પાણીથી એ બીજોને અંકુરિત કરીને એની શાખાઓ તમારા સુધી પહોચાડે છે. ભાર્ગવ એક માધ્યમમાત્ર છે અને એ ઘમંડરહિત થઈને ગુજરાતી ભાષાના મુળિયાં જમીનમાં ઊંડી હદ સુધી ધરબી દેવા મક્કમ છે.

સોમવારની સવારમાં અનોખુ તેજ હતું. સૂરજ રથ પર સવાર થઈને સવાર પાડવામાં મશગુલ હતો. પોતાના કિરણોથી પંખીઓના માળા સજીવન કરતો હતો. આજે એ વધારે તેજોમય હતો, કદાચ એ સંકેતના જીવંત સપનાઓની ચમક હતી. આજે સંકેત રોજના સમય કરતા ખાસો વહેલો ઉઠ્યો હતો. નાહી ધોઈને, ઈન્ટરવ્યુ માટે બનાવેલી નોટ્સ પર રીવીઝનનું તાજું પાણી છાંટી રહ્યો હતો. અસ્મિતાબેન ચા લઈને આવ્યા અને કહ્યું,

“બે-ચાર ભાખરી બનાવી આપું બેટા? ત્યાં જમવામાં વહેલું મોડું થયું તો?”, મા કેવી રીતે સંતાનોની લાગણી સમજી જતી હશે એ અત્યાર સુધી એક રહસ્ય જ છે. પોતાના સુખ ત્યજી પતિ તેમજ સંતાનો માટે જાત ઘસી નાખવાની હિંમત અને દરિયાદિલીની જીવતી જાગતી મિસાલ.

“ના મમ્મી! વાંધો નથી, ખાલી ચા જ ચાલશે! આમેય ભૂખ લાગશે તો ત્યાં ક્યાં દુકાનો ઓછી છે? તું ખાલી બેસ બાજુમાં!”

“તો પણ મેં સાત આઠ થેપલા બનાવ્યા છે અને એ તારી બેગમાં મૂકી દીધા છે, ત્યાં બહારનું ખાઇશ એના કરતા ઘરનું જ કંઈક હોય તો સારું”

“હા! વાંધો નથી મમ્મી!”

એટલામાં મુકેશભાઈ શિવ પંચાક્ષર સ્ત્રોતનું પઠન કરતા કરતા ત્યાં આવ્યા. સ્ત્રોત પૂરું કર્યું અને કહ્યું,

“જો સંકેત, આજે તારું ઈન્ટરવ્યુ છે! તે સારી મહેનત કરી છે! ભોળાનાથ પર ભરોસો છે કે તું નોકરી હાથમાં લઈને જ પાછો ફરીશ, પણ હા! રખેને ક્યાંક તું આ પ્રયત્નમાં નિષ્ફળ જાય તો સહેજ પણ પાછી પાની કરતો નહી કે હતાશ તો બિલકુલ નહી! કારણ કે સફળતા અને નિષ્ફળતા ક્ષણિક હોય છે પણ આપણું આત્મબળ શાશ્વત હોવું જોઈએ”

“મને તમારી આ વાત છેક દસમાં ધોરણના રીઝલ્ટ વખતથી યાદ છે, એમાં મારા ધાર્યા કરતા ઓછા પરિણામના લીધે હું ડીપ્રેશનમાં જવાની તૈયારીમાં હતો ત્યારે તમે અને મમ્મીએ જ તો મને હિંમત આપી હતી!”

“સરસ, શાંતચિત્તે શિવનું સ્મરણ કરીને ફતેહ કર બેટા!! આમેય હવે બસનો ટાઈમ થઇ ગયો છે”

“સારું તો હું નીકળું છું પપ્પા-મમ્મી! ઓમ નમઃ શિવાય”

“ઓમ નમઃ શિવાય”

“કંઈ ભૂલતો તો નથી ને? ફાઈલ, ડોક્યુમેન્ટ ને એ બધું?”

“ના મમ્મી! મેં કાલે જ બેગમાં બધું મૂકી દીધું હતું”

“ઠીક છે”

સંકેત બસની સફર ખેડીને વડોદરામાં દાખલ થયો. સવારના લગભગ દસેક વાગ્યા હતા. શહેર જીવંત થઈને ધબકતું હતું.

વડોદરા, એક એવું શહેર જે સપનાઓ પુરા કરવાના ઝુનુન અને પેશનને પોષવા માટે હંમેશા હાથ ખોલીને તૈયાર રહે છે. રાત-દિવસ જાગતું અને વિકસતું શહેર. સેવ ઉસળથી લઈને થાઈ ફૂડ સુધીની વાનગીઓ શોખીનોને પીરસતું શહેર. દિવસે દિવસે આધુનિક થતું છતાંય સંસ્કૃતિના મૂળિયાં ન છોડતું શહેર. એટલે જ તો એણે સંસ્કારી નગરીનું ટાઈટલ હજી સુધી અકબંધ જાળવી રાખ્યું છે.

સંકેત અમિતનગર સ્ટેશન પર ઉતર્યો. ત્યાંથી કંપનીની ઓફીસ લગભગ પાંચેક કિમી દુર હતી. સંકેતે રિક્ષાવાળાને હાથ માર્યો,

“ભાઈ! મારે અલ્કાપુરીના આ એડ્રેસ પર જવાનું છે”, એણે ઈન્ટરવ્યુ લેટર પરનું સરનામું બતાવ્યું.

“આ કોમ્પ્લેક્ષ થોડોક અંદર છે, મેઈન રોડ પર નથી, સ્પેશીયલમાં જવું પડે”

“કેટલા થશે?”

“ચાલીસ રૂપિયા”

“સારું ચાલો”

સંકેત અત્યાર સુધી ભરૂચમાં રહ્યો હતો, એણે વડોદરા ખાસ જોયેલું નહી, એટલે જેમ જેમ રીક્ષા આગળ વધતી હતી તેમ તેમ એ વડોદરાની ભવ્યતાનો લ્હાવો લેતો હતો. એના આ આસ્વાદમાં ફોનની રિંગે ભંગ પાડ્યો.

“હલો, હા બોલ અમી”

“ક્યા છે?”

“બસ આ ઓફીસ પર પહોચીશ થોડીક વારમાં”

“તો કેમ ફોન ના કર્યો સવારે? નારાજ છે?”

“મને લાગ્યું કે તું ઊંઘતી હોઈશ એટલે ડીસ્ટર્બ ના કર્યો એમાં નારાજ થવાની ક્યાં વાત આવી?”

“અરે! એવું થોડી હોય! તારો ફોન તો હું ગમે ત્યારે ગમે તે સંજોગોમાં ઉઠાવું જ”

“ઓહ! એમ? પણ એવું કેમ?”

“તને નથી ખબર?”

“શું?”

“ધેટ આઈ લવ યુ”

“ઓહ! હમણાં જ ખબર પડી, હા હા હા”

“હા હા હા”

“હમમ! બોલ બીજું!”

“બસ મારે તો શું હોય! તું બોલ કેવી છે તૈયારી?”

“સારી છે આમ તો! પણ, હવે જોઈએ શું થાય છે અંદર”

“સારું જ થશે! મને વિશ્વાસ છે”

“કોના પર? ભગવાન પર?”

“ના!”

“તો?”

“તારા પર”, બોલતા અમીના અવાજમાં સંકેત પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ ટપકતો હતો.

“થેંક યુ સો મચ, મારા પર વિશ્વાસ રાખવા માટે”

“તું છે જ એવો કે કોઈ પણ તારા પર વિશ્વાસ કરી લે, તારા અવાજ અને વર્તનમાં સચ્ચાઈ અને ઈમાનદારી બંને સવારે ગુલાબની પાંખડી પર ઝાકળ ચમકે એમ ચમકતા હોય છે”, અમીએ શાયરાના અંદાજમાં કહ્યું.

“ઓહો! મેડમ ક્યારના કવયિત્રી થઇ ગયા”

“બસ! એક કવિને મળ્યા ત્યારથી”

બંને હસ્યા.

“સારું ચલ! બેસ્ટ ઓફ લક”

“આભાર”

“પતે એટલે ફોન કરજે”

“ઓકે ચલ મુકું, ઓફીસ આવી ગઈ”

“ઓકે બાય”

સંકેતે રિક્ષાવાળાને ભાડું આપી રવાના કર્યો. બેગ ખભે ભરવ્યું અને ઓફીસ તરફ જવા લાગ્યો. એટલામાં એની નજર કોમ્પ્લેક્ષની બહાર ટૂંટિયું વાળીને બેઠેલી એક વૃદ્ધા પર પડી. એની બાજુમાં એક નાની છોકરી પણ હતી જે કદાચ એની પૌત્રી હોઈ શકે. બંનેના કપડાં મેલાં હતા અને દીદાર એકદમ લઘરવઘર હતો. એ છોકરીના એક હાથમાં બે ચાર સિક્કા હતા અને બીજો હાથ જાણે કે ખાલી કોળિયો બનાવીને હોઠો પર હતો. આસપાસ માખીઓ બણબણતી હતી. એકાદ તો એના કપાળે બેઠી હતી. પણ કદાચ એમને ઉડાડવાસરખી પણ હિંમત એ છોકરીનામાં નહતી. દ્રશ્ય એટલું હૃદયદ્રાવક હતું કે સંકેતે મનોમન કહ્યું,

‘હે ભગવાન, તે અહી આવતા જતા કોઈને પણ આ બંને તરફ રતીભાર પણ લાગણી ના આપી કે એ એમની મદદ કરી શકે?’

એણે તરત બેગ ઉતારી, અંદરથી મમ્મીએ આપેલા થેપલાનો ડબ્બો કાઢ્યો અને કશું જ વિચાર્યા વગર પેલી છોકરીના હાથોમાં આપી દીધો. ડબ્બો મળતાવેંત એણે એની દાદીને જગાડી. બંને પોતાની ભૂખ શમાવવા શક્ય એટલી ઝડપથી ખાઈ રહ્યા હતા. બે પાંચ મિનીટમાં જ બધા થેપલા પુરા થઇ ગયા. સંકેતે પાણીનો નવો બોટલ ખરીદ્યો અને એ વૃદ્ધાને આપ્યો. પેલી છોકરી અને વૃદ્ધા, બંનેની આંખોના ખૂણા ભીના થઇ ગયા. વૃદ્ધાએ એની મેલી પોટલીમાંથી કશુક કાઢ્યું અને આભારવશ સંકેત સામે ધર્યું.

“આ શું છે બા?”

“જી સે ઈ એક ઘયડી ડોહીના આશીર્વાદ હમજીને લઇ લે ભાય! ઈમનમ કોયનું ખાય તો મારો હરી રાજી ના થાય”

સંકેતે એ હાથમાં લીધું અને જોયું તો એ એક લોકેટ હતું, જેના પર ‘ઓમ’નું પ્રતિક અંકિત કરેલું હતું. હળહળતી ગરીબીની આટલી ઝળહળતી ઈમાનદારી જોઈને સંકેતનું હૈયું છલકાઈને એક અશ્રુબિંદુ સ્વરુપે ગાલ પર લીસોટો કરી ગયું. સંકેતે એ લોકેટ સાચવીને ખિસ્સામાં મુક્યું અને રજા લઈને ઓફીસ તરફ ગયો.

ઓફીસ ચોથા માળે હતી. લીફ્ટ ઉપર હતી એટલે સંકેત દાદર ચઢીને પહોચ્યો. રીસેપ્શન પર બેઠેલી યુવતીને એણે પૂછ્યું,

“મેડમ, હું ઈન્ટરવ્યુ માટે આવ્યો છું, મને અહીંથી કોલ આવ્યો હતો.”

“તમારું નામ શું છે?”

“સંકેત”

“હા! મિસ્ટર સંકેત! આઈ થીંક તમારો ઈન્ટરવ્યુનો ટાઈમ સાડા દસ વાગ્યાનો હતો અને હમણાં અગિયાર વાગે છે, સોરી બટ મારે મારા બોસને પૂછવું પડશે કે તમારું ઈન્ટરવ્યુ લેવાનું છે કે નહી એમ”

આ શબ્દો સંભાળીને સંકેતનું ચિત્ત હતાશ થઇ ગયું. ‘જો ઈન્ટરવ્યુ જ નહી આપવા મળે તો બધી મહેનતના માથે મીંડું થઇ જશે’ જેવો વિચાર એના મનમાં ઘા કરી ગયો. છતાં એ શાંતિથી બોલ્યો,

“ઓકે મેડમ, તમે બોસ સાથે વાત કરી જુઓ હું અહી બેસું છું”

“ઓકે, સીટ ધેર”, કહીને એણે સોફા બતાવ્યો અને કહ્યું, “બોસ હમણાં જ આવ્યા છે, એટલે દસ મિનીટ રહીને વાત કરું છું”

“નો પ્રોબ્લેમ”

દસ મિનીટ, સંકેત માટે દસ કલાક જેવી થતી જતી હતી. વારે વારે એની નજર ઘડિયાળ તરફ જતી હતી. મનનો ઉચાટ શમવાનું નામ નહતો લેતો. દસની પંદર મિનીટ થઇ, હજી રીસેપ્શનીસ્ટે ફોન હાથમાં લીધો નહતો એટલે સંકેતે ખૂંખારો ખાધો અને એની સામું જોયું એટલે એ સમજી ગઈ અને બોસને ફોન લગાવ્યો.

“હા બોલો દીપ્તિ”, સામેથી અવાજ આવ્યો.

“ગુડ મોર્નિંગ સર”

“ગુડ મોર્નિંગ”

“અહી એક મિસ્ટર સંકેત આવ્યા છે ઈન્ટરવ્યું માટે, એમનો ટાઈમ સાડા દસ વાગ્યાનો હતો પણ એ અડધો કલાક લેટ છે તો એચ.આર. ટીમને ઈન્ટરવ્યુ લેવા માટે તમે પરમિશન આપશો?”

“છોકરો કોણ છે જરા સીસીટીવી કેમેરો એની તરફ ફેરવીને મને બતાવ”

દીપ્તિએ રીમોર્ટ કંટ્રોલથી કેમેરો સંકેત તરફ ફેરવ્યો.

“મારી ઓફીસમાં મોકલો એને”

“જી? હા સર”, બોસના અચાનક આવું કહેવાથી દીપ્તિ જરાક ગુચવાઈ.

એણે સંકેતને ટેબલ પાસે આવવા માટે કહ્યું અને એના બોસની કેબીન તરફ ઈશારો કરીને બોલી,

“જાઓ સર તમને એમની ઓફીસમાં બોલાવે છે”

“તો ઈન્ટરવ્યુ?”, સંકેતે પૂછ્યું.

“એ સર તમને કહેશે કે આગળ શું કરવાનું છે એમ!”

“ઓકે”, કહીને સંકેત બોસની ઓફીસ તરફ ગયો.

“મે આઈ કમ ઇન સર?”, સંકેતે ખચકાતાં પરમિશન માંગી.

“યસ સંકેત કમ ઇન”, બોસે જાણે કે પોતે સંકેતને પહેલેથી જાણતા હોય એમ પરવાનગી આપી.

સંકેત અંદર દાખલ થયો.

“બેસ ને ખુરશીમાં! ઉભો કેમ છે?”,એમણે કહ્યું.

સંકેતે બેગ એક સાઈડમાં મુકી અને કમરથી ટટ્ટાર થઈને એમની સામેની ખુરશીમાં બેઠો. એના મનમાં અસમંજસ હતી કે બોસ સામે શું બોલું?

“કેમ લેટ થયો તું?”

ઓચિંતો સવાલ બોસે પૂછ્યો અને સંકેત પણ લગભગ આ જ સવાલની રાહ જોઈ રહ્યો હતો.

“સર, એક્ચ્યુલી હું અહી લગભગ દસ ને વીસ મીનીટે નીચે પહોચી ગયો હતો પણ ત્યાં એક બા અને એક નાની છોકરી.....”

“સમજી ગયો એ તું જ હતો કે નહી એ મારે કન્ફોર્મ કરવું હતું”, સંકેતને અધવચ્ચે જ રોકીને બોસે કહ્યું.

“એટલે? ખબર ન પડી સર!”, સંકેત બોસના આ વાક્યને પામી ના શક્યો એટલે એનાથી સહજ સવાલ પુછાઈ ગયો.

“એટલે એમ કે તે જ્યારે તારો પોતાનો ડબ્બો પેલી છોકરીના હાથમ આપ્યો ત્યારે હું લીફ્ટ તરફ જ જતો હતો પણ એ જોઇને હું ત્યાં બહાર જ ઉભો રહી ગયો અને તે એ બંનેને પાણી આપ્યું પછી હું લીફ્ટમાં ઉપર આવ્યો અને કદાચ એટલે જ તારે સીડી ચઢીને આવવું પડ્યું હશે”

“હા સાચી વાત સર”

“તારું આ કામ મને ગમ્યું, અને એટલે જ તને ઓફીસમાં જોઈને તારું ઈન્ટરવ્યુ મેં જ લેવાનું નક્કી કર્યું”

“ઓહ! થેન્ક યુ સો મચ સર”

“અરે એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી”

“જી સર”

“ચાલો, શો મી યોર રેઝ્યુમે”

સંકેતે એની ફાઈલ કાઢી અને એમાંથી લેટેસ્ટ રેઝ્યુમે બોસ સામે મુક્યું. બોસે એની છણાવટ કરી અને સવાલો પૂછવાના ચાલુ કર્યા. સંકેત દરેક સવાલનો આત્મવિશ્વાસથી છલોછલ જવાબ આપી રહ્યો હતો. બોસ એનાથી દરેક સવાલ પછી વધુ ને વધુ પ્રભાવિત થતા જતા હતા. ટેકનીકલ સવાલો પુરા થયા અને હવે રીયલ લાઈફને રીલેટેડ સવાલો શરુ થયા,

“સંકેત, જો તને વડોદરાથી બહારની કોઈ સાઈટ પર જવું પડે તો? આર યુ કમ્ફર્ટેબલ?”

“સવાલ એક બે મહિના માટેનો જ હોય તો સ્યોર સર, પણ પરમેનેન્ટ કે લાંબા સમય સુધી આઈ વિલ નોટ પ્રીફર”

“એનું કંઈ ખાસ કારણ?”

“કારણ એક જ છે સર, પહેલું મારી ફેમીલી અને બીજું તમારી કંપની”

“મારી કંપની કેવી રીતે બીજું કારણ? સમજ ન પડી”

“યુ સી સર, જો મારે વડોદરાની બહાર અન્ય જગ્યાએ સાઈટ પર લાંબો સમય રોકાવાનું થયું તો આઈ એમ સ્યોર કે હું મારી પુરેપુરી એફીસીયન્સી કામમાં નહી આપી શકું અને એ અલ્ટીમેટલી તમારી કંપની માટે સારું નહી હોય, સિમ્પલ”

જવાબ આપવાની ચતુરાઈ અને એમાં ઠાંસી ઠાંસીને ભરેલા આત્મવિશ્વાસ જોઇને સંકેત નિશ્ચિત પોસ્ટ માટે એકદમ યોગ્ય ઉમેદવાર હતો એવું બોસને લાગ્યું અને એમણે પોતાનો અંતિમ નિર્ણય આપ્યો,

“સો મિસ્ટર સંકેત! વેલકમ ટુ મલ્ટીકેમ ઇન્ડસ્ટ્રીઝ, ધ ચેર ઓફ મેઇન્ટેનન્સ એન્જીનીયર એટ નંદેસરી પ્લાન્ટ ઈઝ વેઈટીંગ ફોર યુ”

“ઓહ! થેન્ક્સ અ લોટ સર! આઈ વિલ ડુ માય લેવલ બેસ્ટ ટુ ટેક યોર કંપની ટુ ધ બેસ્ટ લેવલ”

“પ્લેઝર ઈઝ ઓલ માઈન ડીયર! તારા જેવા એમ્પ્લોયીની જરૂર જ હતી, તમે તમારી છેલ્લા સેમેસ્ટરની એક્ઝામ પૂરી કરીને કંપની જોઈન કરી શકો છો, ત્યાં સુધી વડોદરામાં રહેવાની સગવડ કરી લો. ત્યાંથી આપણી કંપનીની બસના રૂટ છે જ! સો યુ કેન અરેંજ એકોર્ડીંગલી”

“ઓકે સર, હું જોઈ લઈશ એ બધું”

“તમે ટ્રાન્સપોર્ટેશનવાળા અમીનનો કોન્ટેક્ટ દીપ્તિ પાસેથી અત્યારે લેતા જજો!”

“ઓકે, હું લઇ લઉં છું સર”, કહીને એણે બોસ સાથે હાથ મિલાવ્યો અને કેબીનમાંથી બહાર ગયો. દીપ્તિ પાસેથી અમીનનો કોન્ટેક્ટ લીધો અને સડસડાટ બધા પગથિયા ઉતરી ગયો. મુકેશભાઈ અને અસ્મિતાબેન છોકરાને નોકરી મળી ગઈ એ વાતથી સાતમા આસમાન પર હતા. અમી, ડ્રીમ સીટીમાં સેટલ થવાના સપના સાચા થતા જોવા લાગી.

બધા ફોન પતાવી સંકેતે ખિસ્સામાં મુક્યો અને ફોન કશાક સાથે અથડાવાનો અવાજ આવ્યો. એણે એ કશુક ખિસ્સામાંથી કાઢ્યું. એ પેલી ગરીબ વૃદ્ધાએ આપેલું ઓમનું લોકેટ હતું.

‘આ જોબ, આ શહેર, આ ખુશીઓ બધામાં ક્યાંક કશુંક એ વૃદ્ધાના પણ આશિર્વાદની દેણ હશે?’ એવું વિચારતા વિચારતા એ ઘરની બસમાં બેસી ગયો......

(ક્રમશઃ)

કાલ્પનિક વાસ્તવિકતા-ભાગ ૪

-ભાર્ગવ પટેલ