Amaro Baap ane Ame books and stories free download online pdf in Gujarati

Amaro Baap ane Ame

અમારો બાપ

અને અમે

ડૉ. નરેન્દ્ર જાધવ

અનુવાદ : કિશોર ગૌડ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

ભાગ-૧ : અમારો બાપ

હું અને મારો બાપ : ડૉ. નરેન્દ્ર જાધવ

દાદાની પસંદ - નાપસંદગી : દિનેશ જાધવ

મારા દાદા : લિલાવતી સાબણે

મારા સસરા : પુષ્પા જનાર્દન જાધવ

અમારા દાદા : મંજૂ દિનેશ જાધવ

માતોસરી : ડૉ. નરેન્દ્ર જાધવ

ભાગ-૨ : દાદાની આત્મકથા

નાનપણની વાતો

મુંબઈ નગરીની ઓળખ

યુરોપેન સાયેબનો સંગાથ

જાયપી રેલવઈની નવકરી

સુખદુઃખનો સંસાર

પ્રગતિની શરૂઆત

ભાગ-૩ : અમે

અમે આમ ઘડાયાં

હું જે. ડી. જાધવ

હું સુધાકર જાધવ

હું દિનેશ જાધવ

હું ડૉ. નરેન્દ્ર જાધવ

પરિશિષ્ટ

પ્રતિક્રિયાનું ભાથું

ચૂંટેલા પત્રો

‘સર્ચ ફોર એક્સલન્સ’ની આંબેડકરી યશોકહાણી :

ડૉ. યશવંત મનોહર

ઓઝરના મહારવાડાથી વાલકેશ્વરના મહાલય સુધી :

હરિ દેસાઈ

ભાગ-૧ : અમારો બાપ

હું અને મારો બાપ

ડૉ. નરેન્દ્ર જાધવ

આમ જોઈએ તો પિતાનો ઉલ્લેખ વડીલ તરીકે કરવો એ શિષ્ટ પરંપરા છે, પણ મારાં વડીલોને એ કદીય સૂઝ્‌યું ન હતું. બીજા કોઈનોય ઉલ્લેખ તે અમુક તમુકનાં વડીલ કરવાને બદલે, અચૂક કોઈકના ‘બાપ’ તરીકે જ કરતાં. એટલું જ નહિ અમે ભાઈભાંડુઓ સુદ્ધાં તેમને પોતાને ‘અમારા વડીલ’ તરીકે ઓળખાવીએ એ ગમતું નહિ. ભાષાવિષયે તેમની પોતાની આવી કેટલીક દૃઢ માન્યતા હતા. આવા સમયે તે અચૂક સંભળાવતા

‘અરે ભાસા એટલે કેવી જોઈએ ? ઝણઝણતી. એકદમ બોંબિલની ચટની જેવી. આ શું તમે વડીલ વડીલ મંડ્યા છો ? એ ભીંડાના શાક જેવું ચીકણું ચીકણું લાગે છે.’

આ બધાં ભાઈભાંડુ તેમને ‘દાદા’ કહેતાં હતાં. મધ્યમ ઉંચાઈ, કાળો બેડોળ ચહેરો. એ સિવાય મુદ્રા દૃઢ નિશ્ચયી, પણ નાનાં બાળકો સાથે વાત કરતાં આંખોમાં ટીખળ છલકાતું. ધોતી, સફેદ સદરો, ખાખી કોટ અને કાળી ટોપી એ જ એમનો રોજિંદો પહેરવેશ. હાથમાં લાકડી, પણ એ લાકડીનો ઉપયોગ આધાર કરતાં લોકોને દમ મારવામાં જ વધારે થતો. મધ્યમવર્ગીય નોકરિયાત ‘ઑફિસેથી’ આવતાં હોય છે. દાદા ‘કામેથી’ આવતાં અને આવતી વખતે અમે છોકરાઓ માટે, નાનખટાઈ લાવતાં.

દાદા બહુધા ચીડાતા ન હતા. પણ ચીડાય કે સાક્ષાત્‌ જમદગ્નિ.

ભાઈભાંડુઓમાં હું છઠ્ઠો અને બધાંયથી નાનો. એને કારણે જ મારાં બાળપણમાં એ પચાસે પહોંચ્યા હશે. એમનાં ઘણાખરા દાંત પડી ગયા હતા. એને કારણએ ચીડાઈને એ દાંત-હોઠ ભીંસતા ત્યારે તે કરાળ-વિકરાળ દેખાતાં. હું તો ગભરાઈ જતો. તે વખતે તેઓ ગુસ્સે થતાં કે ‘ડૅમલાડી બિસ્કિટ’ કહીને બરાડતાં.

‘ડૅમલાડી બિસ્કિટ’ એ કયો પ્રકાર છે એ શરૂઆતમાં મને સમજાતું ન હતું. ‘હવે પછી તારા માટે નાનખટાઈ જેવા બિસ્કિટ લાવીશ નહિ’ એવો તેનો અર્થ હોવો જોઈએ એવું મને લાગતું હતું. ‘ડૅમલાડી બિસ્કિટ’ એટલે ‘ડૅમ, બ્લડી, બાસ્ટર્ડ’ એ સમજાતાં ઘણાં વર્ષ વીતી ગયાં. પછી તો તેમણે જાતે જ આવી ગાળો દેવાનું બંધ કર્યું. વર્ષો પછી ‘ડૅમ લાડી બિસ્કિટ’ માટે મેં તેમને ટોક્યા. એ વખતે ‘ઇરોપેન સાયેબ’ સાથે કામ કરતાં આ ગાળો મોઢે વસી ગઈ એ તેમણે ચોખવટ કરી. પણ તે કહેતા ‘હું ઇંગ્લિશ શીખ્યો એ કાંઈ તમારા જેવા ફાધર-મધર અને ચાદર ને ભેગી વીંટાળનાર કોઈ દેશીમાસ્તર પાસે નહિ’ એ તો ‘ડાયરેક્ટ ઇરોપેન સાયેબ’ પાસેથી, એનું અભિમાન એમની આંખોમાં ચમકતું.

મારું બાળપણ વડાલાનાં બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટની કૉલોનીમાં વીત્યું. અમે બધાં ભાઈભાંડુઓનું શિક્ષણ દાદરની છબીલદાસ હાઈસ્કૂલ જેવી મરાઠી માધ્યમની શાળામાં થયું. ત્યાં અંગ્રેજી ભાષા પાંચમા ધોરણથી શીખવતાં હતાં. પણ હું બીજા-ત્રીજામાં હતો ત્યારે જ મોટા ભાઈભાંડુઓએ મને ‘એ બી સી ડી’ વગેરે અંગ્રેજી મૂળાક્ષરો શીખવ્યા હતાં. એને કારણે મૂળાક્ષર જોડીને ધીમે ધીમે વાંચવાનો હું પ્રયત્ન કરતો. મને એવો છંદ જ લાગ્યો હતો.

તે વખતનો એક પ્રસંગ યાદ આવે છે. કાંઈક ખરીદી કરવાને નિમિત્તે દાદા સાથે હું વડાલા સ્ટેશન પાસેની દુકાનમાં ગયો હતો. પેલી બાજુની ફૂટપાથ પર પંચશીલ નામની દુકાન હતી. તે દુકાનનું મોટું બોર્ડ અંગ્રેજીમાં હતું. પણ એની નીચે નાના અક્ષરોમાં એ જ નામ મરાઠીમાં લખ્યું હતું. ખરું તો ‘પંચશીલ’ આ શબ્દ અંગ્રેજીમાં વાંચવા સુધીની મારી પ્રગતિ થઈ ન હતી. મેં વાંચ્યું પેલું મરાઠી નામનું બોર્ડ. પણ દાદાને પ્રત્યક્ષ પંચ-શી-લ એમ અટકતાં અટકતાં વાંચીને તેમને મારા અંગ્રેજી વાચને ચકિત કર્યા. દાદા એકદમ ખુશ. બોલ્યા :

‘ચાલ, તને ‘આલબેલા’માં લસ્સી પીવરાવું.’

હોટલમાં જઈને બેઠા પછી તેમણે મંગાવેલી લસ્સી કેમે મારાં ગળાં નીચે ઉતરે નહિ. છેવટે, હું ખોટું બોલ્યાનું જાતે સ્વીકારી મુક્ત થયો અને બરડામાં ઠુંસો મળવાની રાહ જોવા લાગ્યો. પણ, થયું તે જુદું જ. એ મોટેથી હસવા લાગ્યા. હું ક્ષણભર મુંઝાઈ ગયો. થોડી ભીડમાંથી બહાર નીકળ્યા પછી મેં બીતાં બીતાં પૂછ્યું :

‘દાદા, હું ખોટું બોલ્યો. તમને ગુસ્સો ના આવ્યો ?’

તે વળી હસવા લાગ્યા. બોલ્યા :

‘તુમ સાલા એક નંબરકા બદમાશ હય.’

વળી હું મુંઝવણમાં પડી ગયો. તે જ આગળ બોલ્યા :

‘તું ગભરાતો નહિ. હું તને મારીશ નહિ. તારાં ખોટા બોલવાથી કોઈનુંય નુકસાન નથી થયું. ઊલટાનું તારી સદ્‌સદ્‌બુદ્ધિ જાગૃત થઈ. એ જોઈને મને આનંદ થયો. હું તને હજુ એક લસ્સી પીવરાવું છું.’

મારી ભૂલના એકરાર પછી સદ્‌સદ્વિવેકબુદ્ધિ કરતાં આપણી પોલ ખૂલી જશે તો શું, એ બીકનો ભાગ વધારે હતો એ કહેવાની હિંમત મારામાં ન હતી. પણ એ પછી છેક છેલ્લે સુધી મારાં વિશે ‘તુમ સાલા એક નંબરકા બદમાસ હય’ એ એમનું બ્રહ્મવાક્ય કાયમ રહ્યું. અલબત્ત, તેમાં રોષ કરતાં આનંદની લાગણી સ્પષ્ટપણે પ્રતીત થતી.

નાનાં છોકરાઓ સાથે બોલવાની, તેમની સાથે રમવાની, તેમની એક વિશિષ્ટ શૈલી હતી. એકાદું નાનું બાળક મળે કે એ અચૂક પૂછતાં

‘કેમ અલ્યા, અક્કલ બડી કે ભેંસ ?’

ભેંસ બોલનાર છોકરા તેમના હિસાબે નાપાસ. બિલકુલ કંડમ. આ પ્રશ્ન બીજાને પૂછાતો અનેક વખત સાંભળવાને કારણે કદાચિત્‌ હશે, પણ મને તેમણે પૂછ્યું, તે વખતે મારો જવાબ તૈયાર હતો :

‘અક્કલવાળી ભેંસ મોટી.’

એ સાંભળી ખડખડ હસ્યા, પણ તરત જ બોલ્યા :

‘કેમ અલ્યા ગધેડા, અક્કલવાળી ભેંસ કોઈએ જોઈ છે કે ?’

હું નિશાળમાં હતો ત્યારે પહેલો નંબર મેળવતો. એ વખતે ઘરે આવનારા જનારાઓને એક પ્રશ્ન નક્કી પૂછતા ‘તું મોટો થઈને શું બનીશ ?’

તે વયનાં છોકરાઓ આ પ્રશ્નનો સામાન્યપણે જેમ ઢચુપચુ જવાબ આપે, તેમ હુંય આપતો. એક વખત મોટા ભાઈએ (જે. ડી. જાધવ, મહારાષ્ટ્ર સરકારનાં સચિવ) પૂછ્યું, ત્યારે પણ પ્રામાણિકતાથી ‘મારે લેખક થવું છે’ એમ કહ્યું. એ સાંભળતાં જ એમને ચહેરો બદલાઈ ગયો. ‘આને ભીખ માંગવી પડશે’ એવું કાંઈક તે બોલ્યા.

તે પછી કેટલાક દિવસે દાદાએ મને પાસે બોલાવ્યો અને કહ્યું, ‘આ જો, તને લોકો કહેશે; તું ડૉક્ટર થા, ઍન્જિનીયર થા, બાલિસ્ટર થા. પણ તું કોઈનુંય સાંભળતો નહિ. તું તારી બુદ્ધિને યોગ્ય લાગે એ જ બનવાનો પ્રયત્ન કર. હું બી તને કહેવાનો નથી. થા, થા, ગમે તે થા. મારે એટલું જ કહેવું છે કે તું જે કરે તેમાં ‘ટૉપ’ પર જવું જોઈએ. તારે ચોર થવું છે ? કોઈ બાત નહિ ! પણ પછી એવો ચોર હોય, કે દુનિયાને સલામ મારવી જ પડે. તારે જુગાર રમવો છે ? વાંધો નહિ, પણ પછી એવો અઠંગ જુગારી થા કે બધાં લોકોએ કહેવું જોઈએ ‘ઈસકો બોલતા હૈ જુગારી !’

થોડુંક મેળવીને મન મારીને ચુપ બેસવું નથી. સમજ્યો કે કેમ ?’

દાદાનું આ અનાડી તત્ત્વજ્ઞાન ધીમે ધીમે સમજાતું ગયું. મનમાં ગાંઠ બંધાતી ગઈ. હવે તો એ મનમાં વસી ગયું છે. છેવટે ‘સર્ચ ફૉર ઍક્સલન્સ’ એટલે બીજું શું ? આ જ ને ? લેખક થઈશ કહ્યા પછી ‘આને ભીખનો અભરખો જાગ્યો છે’ કહેનાર ઉચ્ચ વિદ્યાવિભૂષિત અને ‘જે ગમે તે કર, પણ ટૉપ પર જવાનો પ્રયત્ન કર’ કહેનાર અભણ વડીલ. આમાં ખરા અર્થમાં વ્યાપક દૃષ્ટિકોણ કોનો ? આજે હું પોતેય મારાં બાળકોને આટલો ‘ઑપન ચૉઈસ’ આપી શકું ખરો ? છેવટે, મારા ભાઈ જેવો હુંય મધ્યમવર્ગીય ડરપોકતાનો બલી બન્યો નથી કે ? આનો હું જ્યારે વિચાર કરું છું, ત્યારે દુન્યવી અર્થમાં ગમાર એવા મારા ‘બાપા’ની પ્રગલ્ભતા, દૂરંદેશિતા મને ચકિત કરી મુકે છે.

દાદાની આખીય પેઢી પર ડૉ. બાબાસાહેબ આંબેડકરની ચળવળની એક બહુ મોટી અસર જોવા મળતી હતી. એ એટલે શિક્ષણનું મહત્ત્વ. ‘ભણો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો’ આ બાબાસાહેબની શીખામણ એ કેવળ એક પોકળ ઘોષણા ન હતી, એ તો સમસ્ત દલિત સમાજની આત્મપ્રતિજ્ઞા હતી. એને કારણે અમારા બધાંયનાં અભ્યાસ પર એમનું બરાબર ધ્યાન રહેતું. અમે કોઈક પ્રયત્નમાં અધૂરા ઊતરીએ અને એને કારણે કોઈકનાં માર્ક ઓછાં આવે તો અમને ઝૂડી નાંખવામાં દાદા પાછું વળીને જોતાં નહિ. સુંદર પરફૉર્મન્સ માટે શાબ્દિક આશ્ચર્ય ક્યારેક જ. પણ, પ્રગતિપત્રક જોતાં આવા સમયે તેમનો ચહેરો ચમકી ઊઠતો. ‘માનતા હૈ ભિડૂ’ એવી લાગણી સાથે એમની આંખો આનંદથી ચમકવા લાગતી. પછી, જુદા શાબ્દિક આનંદની જરૂર જ ન જણાતી.

મારા તરફ એમની અપેક્ષા વિશેષ વધી હતી. મને જુદી જુદી ભાષાઓમાં વિશેષ રસ છે, સમજ છે, એ બીજા કોઈનાય ધ્યાને આવ્યું હોય તો તે દાદાના. પછી શાળેય અભ્યાસક્રમ ઉપરાંત બીજી કેટલીક ભાષાઓ મારે શીખવી, એની તેમણે મનમાં ગાંઠ વાળી હતી. બસ, મને ઉર્દૂ અને અરબી શીખવવા એક સ્થાનિક મુલ્લાને રોકવામાં આવ્યા. હું રોજ મુસ્લિમ છોકરાઓ વચ્ચે બેસીને ‘અલિફ, બે, પે’ શીખવા લાગ્યો. મને તે ગમતુંય હતું. આગળ જતાં ત્યાં મદરસામાં ભણનારા બધાં છોકરાઓની ‘સુન્નત’ કરવામાં આવે છે. એ માહિતી શાણાં (!) હિંદુ મિત્રોએ પહોંચાડતા સાચા ખોટા કારણો બતાવીને મેં મારું ભણતર બંધ કરાવ્યું. એ ભણતરનું એ પરિણામ કેવળ કાયમી સ્વરૂપમાં પરિણમ્યું. દાદા મને છોટૂને બદલે ‘છોટૂમિયાં’ કહેવા લાગ્યા, અને ખુશ હોય તો મારી સાથે મરાઠીને બદલે હિંદીમાં વાતો કરવા લાગતા.

ડૉ. આંબેડકરે દલિત સમાજમાં સ્વાભિમાનની જે ચિનગારી જગાવી તે નવનિર્મિત અસ્મિતાનું પ્રતીક એટલે અમારા દાદા. તે પોતે તો નિર્ભય થયા જ, પણ અમે ભાઈભાંડુઓમાં પણ તેમણે નિર્ભયતાના બી રોપ્યા. એ વિષયે પોકળ ઉપદેશ આપવામાં એમણે ક્યારેય સંતોષ અનુભવ્યો ન હતો, એમણે તો એ સાકાર કરી દેખાડનારનો ઉત્સાહ વધાર્યો.

મને યાદ છે. એક વખત કોઈક કામે દાદા સાથે એક રેશનિંગ ઑફિસમાં હું ગયો હતો. કશાકનો પરવાનો કરાવવાનો હતો. અમને બાજુમાં એક સેક્શનમાં મોકલવામાં આવ્યા. ત્યાં બે કારકુન બેઠાં હતાં, એક યુવક અને એક યુવતી. દાદા અને હું તેમના ટેબલ પાસે જઈને ઊભા રહ્યા. જનતાનાં એ સેવકોને બીજી તરફ લક્ષ્ય આપવાનું ભાન ન હતું. પ્રેમાલાપ ચાલી રહ્યો હતો અને ટેબલ નીચે તેમનાં પગ એકબીજા સાથે લડાવતાં ચાળા કરતાં હતાં. દાદા પાંચેક મિનિટ રોકાયા. એમણે ખોંખારો ખાધો. તેમાંના પેલાંએ માત્ર ઊંચું જોયું. આ ધોતી-ટોપીવાલા માણસ તરફ લક્ષ્ય આપવાની આવશ્યકતા એને જણાઈ નહિ.

દાદા ત્યાંથી ઝડપથી નીકળ્યા. પાસે જ આવેલી અધિકારીની કૅબિન સામે જઈને ઊભા રહ્યા અને આખીય ઑફિસને સંભળાય એવા સ્વરમાં બોલ્યા :

‘અરે ઓ સાયેબ, તારી ઑફિસમાં નર્યા ગધાડાં જ ભરેલાં છે હું ?’

સાહેબ ચોંકી ગયા, એકદમ ઊભા થઈ બહાર આવ્યા બોલ્યા, ‘શું ? શું કહો છો તમે ?’

પછી દાદાએ સ્પષ્ટ અવાજમાં બનેલી સઘળી વાત વર્ણવી. એ વખતે કારકૂનોનાં જોવા મળેલા ચહેરા હું ક્યારેય ભૂલી શકીશ નહિ. અલબત્ત, સાહેબે પોતે રસ લઈ અમારું કામ તત્કાળ કરી આપ્યું, એ જુદું કહેવાની જરૂર નથી જ.

અમે તે ઑફિસમાંથી બહાર નીકળ્યા પછી દાદા બોલ્યા, ‘છોટૂમિયાં, કિસીકો ડરનેકા નહીં, ક્યા ? આપુન ક્યા કિસીકે બાપકા ખાતા હૈ ?’ વળી કોઈકના બાપા પર એમની કમાન છટકી. હવે પ્રત્યક્ષ પુરાવા સાથે આપેલી આવી શીખામણ કોઈ ભૂલી શકે ખરું ?

હું માધ્યમિક શાળામાં હતો, ત્યારે એ હાર્બર લાઇન પર રે રોડ સ્ટેશનનાં પ્લેટફૉર્મને અડીને આવેલી બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટની કૅબિનમાં કૅબિનમેન હતા. તે કૅબિન પર તેઓ અનેક વર્ષ રહ્યા. આસપાસમાં અસંખ્ય ફૂલઝાડ - ફળઝાડો તેમણે વાવ્યાં હતાં, ઉછેર્યા હતાં. ક્યારેક ક્યારેક હું એમનું બપોરનું ભાથું લઈને ત્યાં જતો.

તે વખતનો એક પ્રસંગ યાદ આવે છે. તે વખતે પૉકેટમની જેવા લાડ ન હતા. તેને કારણે ક્યારેક ક્યારેક વડાલાથી રે રોડ સુધીની એક બાજુની ટિકિટ કઢાવી વળતાં વગર ટિકિટે પ્રવાસ કરીને મુસાફરીનું ભાડું, હું ખાવા માટે બચાવતો હતો. એક વખત હું આ જ રીતે ડબો લઈને ગયો. એમને શંકા ગઈ હોવી જોઈએ. તેમણે પૂછ્યું

‘તિકિટ ક્યાં છે ?’

મેં ટિકિટ બતાવતાં ‘રિટર્ન તિકિટ’ કેમ કઢાવી નથી એની તેમણે ચોકસાઈ કરી. મેં કહ્યું -

‘હવે જતી વખતે કઢાવીશ.’

ડબો મૂકીને હું પ્લેટફૉર્મ પર આવ્યો અને તે કૅબિનમાંથી જોતા હશે એ લક્ષ્યમાં લેતા ટિકિટ બારીની દિશામાં ચાલવા લાગ્યો. એમના દૃષ્ટિક્ષેપ બહાર પહોંચ્યાની ખાત્રી થતાં ઝડપથી રેલિંગ પરથી છલાંગ લગાવી સામેનાં પ્લેટફૉર્મ પર ચઢી ગયો અને વડાલા તરફ જતી ગાડીની વાટ જોવા લાગ્યો.

માંડ બે મિનિટ થઈ હશે અને અહો આશ્ચર્યમ્‌ ! કોણ જાણે ક્યાંથી, પણ મારી બાજુમાં દાદા પ્રગટ થયા ! કહ્યું

‘તિકિટ બતાય ?’

મેં ઝંખવાણું હસતાં દાંત બતાવ્યા. ટિકિટ કઢાવી આપી મને તેમણે ઘેર મોકલ્યો. તે દિવસે ‘કામેથી’ ઘરે આવ્યા બાદ મારો બરડો જે ઢીબી નાંખ્યો હતો, તેની યાદ આવતાં આજેય બરડાનાં સ્નાયુઓ કંપી ઊઠે છે.

હું ૧૯૬૯માં એસ.એસ.સી. થયો. તે વખતે મને મળેલા માર્ક્સ જોઈ દાદા આનંદનાં અતિરેકમાં હરખાઈ ગયા. ઇતર વિષયમાં પ્રાવિણ્ય કરતાં સંસ્કૃતમાં મને મળેલાં માર્ક્સ અને તેને કારણે આપવામાં આવેલું પારિતોષિક તેમને ખૂબ મૂલ્યવાન લાગ્યું. ‘દેવોની ભાશા કહીને બામણ લોકોએ આપડાને આ ભાશા શિખવા દીધી નહિ. હવે જોઈ લ્યો.’ એમ કહી મારી પીઠમાં ‘ભલે, શાબાશ’નો ઠોંસો !

દાદા ૧૯૭૦માં સેવાનિવૃત્ત થયા. તે પછી તરત જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. ત્યાં સુધી તે બીડી પીતા. ડૉક્ટરોએ તેમને ધુમ્રપાન છોડવાની સલાહ આપી. ‘ચાલીસ બરસ કે દોસ્ત કો ઐસે કૈસે છોડ સકતે હૈ ?’ એ બહાનું આગળ ધરી એ વાત સ્વીકારી નહિ. પછી ડૉક્ટરોએ સલાહ આપી. ‘તેમને બીડીને બદલે ઓછામાં ઓછી સારી જાતની સિગારેટ પીવા દો.’ થયું. તરતજ મોટો ભાઈ ૫૫૫ સ્ટેટ એક્સપ્રેસનાં પાકિટો લઈ આવ્યો.

મને એ દિવસ બરાબર યાદ છે. ઘરમાં રોજની જેમ ગામ તરફનો એક મહેમાન દાદા જોડે ગપ્પા મારવા આવીને બેઠો હતો. તલપ લાગતાં દાદાએ ૫૫૫નું પાકિટ કાઢ્યું. તે તેમને ખોલતાં આવડતું ન હતું. પછી થોડીક ખટપટ કરીને તેમણે તે ઠીકઠાક તોડી નાંખ્યું. પોતે એક સિગારેટ લીધી, એક ‘મહેમાન’ને આપી. બંનેએ પોતપોતાની સિગારેટ સળગાવી. એક એક દમ માર્યો અને એકબીજા સામે જોઈ ‘કુછ દમ નહિ’ એ અર્થમાં ડોકું ધુણાવ્યું. અમે ભોંઠા પડ્યા. મારા એક ભાઈથી રહેવાયું નહિ.

તે બોલ્યો -

‘અરે દાદા આ સિગારેટ ઇંગ્લૅંડની રાણીનાં ઑર્ડરથી તૈયાર કરવામાં આવી છે, અને તમે કહો છો કાંઈ દમ નથી. આવું કેવું ?’

એનો દાદાએ આપેલો જવાબ એમનાં સ્વભાવની પૂરેપૂરી સાક્ષી આપનાર હતો. તે બોલ્યા ‘તે ઇંગ્લૅંડની રાણીનું મને કંઈ કહીશ નહિ. ઇંગ્લૅંડની રાણીએ કદી મારી શિવાજી બીડીની ટ્રાય કરી છે ? જે દિવસે તે મારી શિવાજી બીડી ખેંચશે તો એ તમારી શિગ્રેટ ફેંકી દેશે.’

હવે આની પર કોઈ શું કહે ?

તેમની પેઢીનાં બીજાઓની જેમ દાદાનેય નવી ફેશન્સની ઘૃણા હતી. પણ સમવયસ્કો કરતાં એમનો દૃષ્ટિકોણ પુષ્કળ ખેલદિલીભર્યો હતો. તરુણ છોકરીઓ ૧૯૭૦ દરમ્યાન પેન્ટ પહેરવા લાગી. એની પર પ્રતિક્રિયા વ્યક્ત કરતી વખતે એમનો મિત્ર બોલ્યો

‘ઓ મા, આ બધીયોય હવે પાટલૂન ચઢાવશે, વાંહણથી જોંઈ તો ખબર બી નથી પડતી કે કોણ છે ?’

દાદાએ આંખો મિચકાવતાં એમને સમજાવ્યા,

‘સામેથી જોઈએ તો ખબર પડે ને ? પછી બસ પત્યું.’

અલબત્ત, તેમની સહનશીલતા ક્યારેક ખૂટી જતી. એકદમ હમણાં જ પોતાનો સગો નવી અને જાણી જોઈને ફાડેલી જીન્સ પહેરતાં જોઈને ‘આ ગરીબીની સોંગ લાવવાની જરૂર જ શું છે ?’ તેમનો ઉદ્‌ભવેલો આ પ્રશ્ન અસ્થાને હતો એવું કહી શકાતું નથી.

દાદાનો મત સાચ્ચો હોય કે ખોટો, પણ તે અત્યંત દૃઢ સ્વરૂપે રહેતો. વધુમાં કોઈનીય મર્યાદા રાખ્યા સિવાય રોકડું પરખાવવા પોતાનાં વિચાર રજૂ કરવાની એમની વૃત્તિ. તેને કારણે કેટલીક વખત અમારા ભાઈભાંડુઓને મુશ્કેલી થતી. એક વખત કોઈક સમારંભમાં એક જિલ્લાધિકારી સાથે એમની મુલાકાત થઈ. વાતચીતમાં કોઈક મુદ્દે વિવાદ ઉદ્‌ભવ્યો. દાદા રૉફમાં ને રૉફમાં તે જિલ્લાધિકારીને પોતાનો કક્કો ખરો કરાવવા પ્રયત્ન કરવા લાગ્યા. કલેક્ટરસાહેબ એમની વાત શાંતિથી સાંભળી રહ્યા હતા. પણ આજુબાજુની ‘રાજા કરતાં રાજનિષ્ઠ’ એવાં લોકોથી તે સહન થયું નહિ. બેડોળ દેખાતો આ ગામડીયો આપણા કલેક્ટર સાહેબ સાથે બડાઈથી બોલે એટલે શું ? તે પૈકીનાં એકે દાદાને બાજુએ લઈ દમ મારવા પ્રયત્ન કર્યો.

‘જાધવ, તમે કોની સાથે વાત કરો છો ? તે કલેક્ટર સાહેબ છે ?’

દાદાએ તેની સામે જોયું, કલેક્ટર સાહેબ તરફ નજર નાંખી અને સમારંભમાં બધાં સાંભળે એવા સ્પષ્ટ અવાજે કહ્યું.

‘અરે આ સાયેબ કલેક્ટર હશે, પણ હું તો કલેક્ટરનો બાપ છું.’

વળી ‘બાપ’ આવ્યો જ. મઝાની વાત એ છે કે યોગાનુયોગ એ વખતે મારો મોટો ભાઈ પરભણી જિલ્લાનો કલેક્ટર હતો. દાદાનું વિધાન અક્ષરશઃ સાચું હતું. તેને કારણે તેમને વણમાંગી સલાહ આપનારો નિરુત્તર થયો, પણ અમે ભાઈભાંડુઓ ક્યાં નજર સંતાડવી એ સમજાતું ન હતું.

સેવાનિવૃત્તિ પછી દાદા વારંવાર માંદા પડવા લાગ્યા. આવા સમયે ‘એડમિટ’ થવાનું એટલે એમની પસંદગી સેંટ જ્યોર્જ હૉસ્પીટલનાં નર્સિંગહૉમની. ત્યાં વૉર્ડબોયથી લઈને ડૉક્ટર્સ સુધી બધાંય સાથે તેમની દોસ્તી. એમનો નિખાલસ સ્વભાવ ત્યાં બધાંને જ ગમતો. ત્યાંની નર્સોને તો કાળી, નકટી, બુટ્ટી, જાડી જેવાં ઉપનામો આપી રાખ્યાં હતાં. તેમનાં તે ઉપનામે તે તેમને બૂમો પણ પાડતાં રહેતાં. મઝાની વાત એ છે કે તેની તે કોઈનેય ચીઢ ચડતી ન હતી. એક વખત જેને તે ‘કાળી’ કહીને સંબોધતાં હતા, તે નર્સે તેમને યાદ કરાવ્યું.

‘બાબા, તમે પણ કાળા જ છો ?’

દાદા બોલ્યા,

‘એ બરાબર છે. પણ તારા જેવો અર્ધો કાળો નથી. મારો કાળો રંગ એટલે કેવો. એકદમ પાક્કો. રંગ જાયગા તો પૈસા વાપસ, શું ?’ એ બિચારી પાસે જવાબ ન હતો.

તેમનું લગભગ ૧૯૭૨નાં વર્ષમાં મોટું ઑપરેશન થયું. એક કિડની કાઢી નાંખવામાં આવી. તે વખતે સેંટ જ્યૉર્જમાં તેમની સાથે રહેવા હું જતો હતો. એક વખત સાંજે હું જઈ પહોંચ્યો અને મને ખૂબ આશ્ચર્ય થયું. પાંચછ નર્સો એમની આજુબાજુ કુંડાળું કરીને બેઠી હતી અને એક મલયાલી નર્સ તેમને સુંદર રીતે ‘કાયગ સખૂ’ એ ગીત અભિનય સાથે સંભળાવતી હતી. દાદાનો ‘ચાર્મ’ આમ દુનિયાથી નિરાળો હતો.

એક વખત મારી કેટલીક દોસ્તો અમારા ઘેર આવવાની હતી. નકામી પંચાયત ના જોઈએ એટલે દાદાનાં ફરવા જવાના સમયનો લાગ જોઈને મેં તેમને બોલાવ્યાં હતાં. તેમનો આવવાનો કમય થયો. પણ દાદાનાં ફરવા જવાનાં લક્ષણો દેખાતાં ન હતાં. દાદા તબીયતથી બેઠક જમાવીને

બેઠા હતા. છેવટે, ન રહેવાતાં મેં પૂછ્યું,

‘દાદા, આજ આપકો ઘુમને કો નહીં જાના હૈ ક્યા ?’

એમને ક્યાંથી ભાળ મળી હતી, કોણ જાણે ? નટખટ આંખો મિચકાવતાં દાદાએ કહ્યું,

‘છોટુમિયાં, જરા હમ ભી તો દેખે કૌન આ રહા હૈ ?’

કિંકર્તવ્યમૂઢ એટલે કઈ માનસિક અવસ્થા હોય છે તે મને એ દિવસે સમજાયું. અલબત્ત, મને મળવા આવેલી મારી દોસ્તો ઘેર આવ્યા પછી, મારી તરફ સંપૂર્ણ દુર્લક્ષ્ય સેવતાં દાદા સાથેગપ્પા મારવામાં ખોવાઈ ગઈ.

મારાં લગ્ન પહેલાં વારંવાર મારાં લગ્ન સંબંધે ઘરમાં ચર્ચા થતી હતી. મારી સ્વતંત્ર કલ્પનાને કારણે કે કેમ, પણ મારી પસંદ હું જાતે જ કરવાનો છું. એ બધાંએ ધારી લીધું હતું. કોઈક સગાએ સૂચવ્યું હતું.

‘ભાઈ, આપણી જ જાતની એકાદ ગરીબ છોકરીને જોઈને લગન કર. એટલે આપણા એક કુટુંબનું કલ્યાણ થશે.’

એનો જવાબ આપવાની મને જરૂર જ ન પડી. દાદાએ એની ખબર લીધી.

‘એ શાણે ! બીજા કોઈનું કલ્યાણ કરવા માણસ લગન કરે છે કે ? તમે કહો એવું કરીને એક કુટુંબનું કલ્યાણ થશે. પણ બધાંયનું કલ્યાણ કરવા આ આપણી બધીય છોકરીઓને પરણશે કે કેમ ? લગન એટલે કે જોડીદાર પસંદ કરવાનો, પછી એ ગરીબ હોય કે શ્રીમંત.’

તે ચર્ચા એમ જ લંબાતી ગઈ. પછી ચર્ચામાં દાદાએ જ ટ્રેક બદલ્યો. એકાએક તેમણે કહ્યું : ‘તું પોતાને સામાજિક કાર્યકર કહેવડાવે છે ને ? તો એકાદ ભંગીની છોકરી સાથે લગ્ન કરી દેખાડ્ય.’

મેં પૂછ્યું

‘દાદા, લગ્ન કરતાં જોડીદાર પસંદ કરવાનો કે એની જાત ?’ દાદા તરત ભાનમાં આવ્યા.

‘હા, આ વાત બરાબર છે. સમજી, વિચારીને જોડીદાર પસંદ કરવો જોઈએ. જોડીદાર બરાબર ન હોયતો સંસારનું ગાડું વ્યવસ્થિત ચાલી શકતું નથી. મારે એક જ વાત કહેવી છે. તું જે છોકરીને જોડીદાર તરીકે

પસંદ કરીશ, એની જાત ગમે તે હોય. તું આગળપાછળ જોઈશ નહિ.’

સાચ્ચે જ મેં આગળપાછળ જોયું નહિ. જીવનસાથી તરીકે મેં પસંદ કરેલી વસુંધરા, દાદાના હિસાબે ‘ઉપલી’ જાતિની હતી પછી દાદા થોડા અસ્વસ્થ થયા. તે બોલ્યા

‘અરે આ લોકો આપણાં છોકરાવ સાથે લગન કરે છે. કારણ તેમને હૂંડો-દહેજ બચાવવું હોય છે એટલે.’

મેં કહ્યું,

‘આ લોકોની બાબતમાં તેવું છે એવું લાગતું નથી. પણ ધારો કે એવું હોય, તો તેમાં આપણને શું નુકસાન છે ? આપણે દહેજ લેવાના હતા કે ? નહિ ને ? પછી આપણે ગુમાવવાનું શું ?’

દાદાને એ વાત તરત ગળે ઉતરી ગઈ. પણ મારી પસંદ મેં વિચારપૂર્વક કરી છે કે કેમ, એની સાચાખોટાની તપાસ એમણે કરી અને તેમની ખાતરી થયા પછી આનંદપૂર્વક અમારા પ્રેમવિવાહને એમણે સંમતિ આપી. એ દૃષ્ટિએ ઘરનાં બીજા કેટલાક લોકોને સમજાવતાં મને થોડી તકલીફ થઈ હતી.

દાદાનાં પુરોગામીત્વનો અનુભવ ડગલે ને પગલે થતો હતો. વહુએ નોકરી કરવાની નહિ એવો તે વખતનો અમારા ઘરનો સંકેત. તેમાં કોઈનોય કટ્ટર વિરોધ ન હોય છતાંય પોતાની પત્નીએ નોકરી કરવી એવો કોઈપણ ભાઈનો આગ્રહ પણ ન હતો. તેથી ઉલટું સ્ત્રીઓએ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ પોષવું, ઇચ્છા હોય તો નોકરી કરવી એવો દાદાનો મત હતો. તેમાંય મારી પત્ની વસુંધરા ડૉ. આંબેડકરે સ્થાપના કરેલ સિદ્ધાર્થ કૉલેજમાં પ્રાધ્યાપિકા બનશે એ જાણ્યા પછી એનાં કરતાં તેમનો જ ઉત્સાહ ખાળવો મુશ્કેલ બન્યો હતો.

સેવાનિવૃત્તિ પછી ઘરે સમય કઈ રીતે પસાર કરવો એ તેમની સામે એક મોટો પ્રશ્ન હતો. વાંચવા-કરવામાં તકલીફ થતી. સિવાય, તાંત્રિક કામો કરવામાં જીવન પસાર થયું હોવાને કારણે રિપેરીંગ કરવાનું એમને ગમતું. એકદમ વ્યવસ્થિત ચાલતાં યંત્રો સુદ્ધાં તેમનાં રિપેરીંગની કટાકૂટમાંથી બચતાં નહિ.

એક દિવસ વહેલી સવારે મને કહ્યું -

‘છોટુમિયાં, યે અલારામ ઘડી બહોત જોર સે ટિક્‌ ટિક્‌ આવાજ કરતા હૈ.’

એમનાં પ્રશ્નનું વલણ ધ્યાને લઈ મેં કહ્યું,

‘દાદા, એ ઘડિયાળ વ્યવસ્થિત ચાલે છે. એનો અવાજ પહેલાં આવતો હતો એટલો જ આવે છે, છતાં તમારે તે રિપેર કરવું જ હોય તો જરૂર કરો.’

મારું આવું બોલવું સિરીયસલી લેવાની મનઃસ્થિતિમાં તે ન હતા. તેમનો નિશ્ચય થઈ ચૂક્યો હતો. એમણે એ ઘડિયાળ ખોલી નાંખી અને સાફસફાઈ કરી ફરીથી ગોઠવી દીધું. કોઈક સમયે તે ઘડિયાળી હતા. પણ હવે મહાવરો રહ્યો નહતો. એમાંય દૃષ્ટિ થાકી હતી. એને કારણે થવાનું હતું તે જ થયું. એકદમ વ્યવસ્થિત ચાલતી એ ઘડિયાળ બંધ પડી. મારાથી કહ્યા વિના રહેવાયું નહિ :

‘ભલે કંઈ પણ હોય. એ ઘડિયાળનો અવાજ તમે કહેવા મુજબ એકદમ બંધ કરી દીધો !’

એમને ખોટું લાગ્યું.

‘હવે પહેલાંની જેમ ઘડિયાળો બનાવતાં નથી.’ એવું કાંઈક તે અસ્પષ્ટ ગણગણ્યા. પછી મને જ દુઃખ થયું. તે પછી અમે બધાંયે તેમનાં ‘રિપેરીંગ’નાં ગાંડપણ તરફનો ખેલદિલ દૃષ્ટિકોણ સ્વીકાર્યો.

પાછળની અવસ્થામાં તે ક્યારેક ચીઢાતા. ચીઢાય તો પહેલાંની જેમ જ ‘જમદગ્નિ’ ન થતા. આવા સમયે નાના છોકરાની જેમ ગાલ ફુલાવીને તે ફૂંગરાઈને બેસતા. ભૂલ કોઈનીય હોય પણ તેમને મનાવવાની જવાબદારી મારી રહેતી. ‘છેલ્લું સંતાન’ હોવાના કારણે કે અમારા બંનેમાં જે એક જુદી જ ‘કૅમેસ્ટ્રી’ હોવાને કારણે, તેમને મનાવવાનું કામ ભાઈભાંડુઓમાં મારા ભાગે આવતું, એ સાચું. આવી પરિસ્થિતિમાં મારો રામબાણ ઉપાય એટલે સીધા જઈને એમનાં પગ પકડીને માફી માંગવી. તે પાછળનું નાટક એમને સમજાતું. પછી થોડીવારમાં પોતાનું ચોકઠું સરખું કરતાં ખડખડાટ હસવા લાગતા, ‘તુમ સાલા એક નંબર કા બદમાસ હય’ એવું એ બોલે એટલે સમજવું, હવે તેમનો ગુસ્સો ગયો.

દાદાની પાછલી અવસ્થામાં અમારા બંને વચ્ચે જે એક જુદી જ આત્મીયતા ઊભી થઈ હતી, એને કારણે બાપ-દીકરાનાં સંબંધ પર સ્વાભાવિકપણે આવતાં બંધનો ક્યારેક ક્યારેક હું ભૂલી જતો. એટલે એમની સાથે વાત કરતાં ક્યારેક ક્યારેક અનપેક્ષિત રીતે હું, ના હોય એટલી મોકળાશથી વર્તતો, બોલતાં બોલતાં એક વખત મેં અચાનક કહ્યું,

‘દાદા, સારું થયું તમે પેલું ‘ફેમિલી પ્લાનિંગ’ ના કર્યું.’

અજાણતાં હું એમનાં પોતાનાં અંગત જીવન પર પહોંચી ગયો હતો. તેમને તે કાંઈ ગમ્યું નહિ હોય. તેમની મુદ્રા ગંભીર થઈ. કડવાશથી તેમણે પૂછ્યું,

‘કેમ ભાઈ ?’

મેં કહ્યું,

‘અરે દાદા, તમે ‘દો યા તીન’ પર અટક્યા હોત તો હું થયો જ ન હોત.’

તેમનાં ચહેરા પરનું ગાંભીર્ય ક્ષણભરમાં ઓગળી ગયું. પોતાનું ચોકઠું બતાવતાં એ ખડખડાટ હસ્યા. વધુમાં ‘તુમ સાલા એક નંબર કા બદમાસ હય’ કહીને તેમણે તાળી આપી. તેમના સિવાય મેં મારું પૂર્વ અસ્તિત્વ કેવું ધારણ કર્યું હોત કોને ખબર. પણ તેવો ‘ફિલોસૉફિકલ’ પ્રશ્ન મને તે વખતે થયો ન હતો એ સાચું છે.

તેમની વયનિવૃત્તિ પછી અમારી બા અને તેમની વચ્ચે અવારનવાર ચકમક ઝરતી. એમની ‘વેવલેન્થ’ સર્વથા વેગળી. બા સીધી ભોળી. તેની ક્ષા મર્યાદિત. એકાદ દિવસ મૂડ આવે તો મીઠાઈ ઘરે લઈ ગયો હોઉં તો મારી બા અચૂક પૂછતી.

‘આજે પગાર થયો છે કે ?’

ગમે તેટલી આર્થિક સમૃદ્ધિ હોવા છતાં, પગાર સિવાયનાં દિવસે આપણે મીઠાઈ લઈ શકીએ એની તે આજેય કલ્પના કરી શકતી નથી. કેટલાક મહિના પહેલાં બાનાં ઘૂંટણનું મોટું ઑપરેશન થયું. ઑપરેશન પહેલાં એને કહ્યું લોહી આપવું પડશે, તે કોણ આપશે. વગેરે ચર્ચા એનાં બેડ પાસે ચાલતી હતી. હાથમાં સલાઇન ચડાવવાની ટોટીઓ ખોસેલી અવસ્થામાં એ શાંતિથી પડી હતી. અમારી ‘રક્તબંબાળ’ ચર્ચા સાંભળી માતોશ્રીએ ઉદ્‌ગાર વ્યક્ત કર્યા :

‘ડાક્ટર સાયેબ, હું કામ મારાં છોકરાવનું લોહી લ્યો છો ? મારા ડાબા હાથમાંથી લોહી કાઢો અને જમણા હાથમાં ભરી દો.’

આ અનેરી કલ્પના સાંભળી પેલો બિચારો ડૉક્ટર ગોથાં ખાતો ચાલી નીકળ્યો.

દાદાની બુદ્ધિ સર્વસ્પર્શી અને સર્વવ્યાપી, પછી દાદા અને બા વચ્ચે મતભેદ ન હોય તો જ નવાઈ. એમનો ઝગડો એટલે અમારાં બધાંય માટે મનોરંજનનો વિષય, એટલું જ નહિ એમને મતભેદ ન હોય છતાંય કેટલીક વખત હું એ ઊભા કરતો. એકદમ સહેલું કામ. બાને ઉશ્કેરવી હોય તો કહેવાનું :

‘તૂં આવી ગોરી ગોરી, પછી આવા કાળા માણસ જોડે લગન કેમ કર્યું ?’

બસ, થઈ શરૂઆત ! એથી ઊલટું, દાદાને સલાહ આપતો,

‘યે બુઢી બહોત ખિટપિટ કરતી હૈ, આ ઈસકો છોડ દો. દુસરી શાદી ક્યોં નહિ કરતે ?’

એ પછીનાં બે કલાક ભરપુર મનોરંજન નિશ્ચિત રહેતું.

અલબત્ત, આ ઝઘડા વહાલનાં હતાં. એની પાછળ એકબીજા પ્રત્યેનો અપાર પ્રેમ છલકાતો. અમે બધાંય આ પૂરેપૂરું સમજતાં. બા નાસિક અવારનવાર જતી. પાછા વળતાં એની ગાડી ચાર વાગે મુંબઈ પહોંચવાની હોય. છતાંય દાદા બાર વાગે જ કોટ-ટોપી ચઢાવી દાદર સ્ટેશને જવા તૈયાર. પણ એકબીજા મળતાં જ પ્લેટફૉર્મ ઉપર જ કોઈપણ નિમિત્તે ઝઘડાની શરૂઆત થતી. આય શિરસ્તોજ હતો.

મોટેભાગે સેલ્ફમેઈડ વ્યક્તિનાં મત ન હોય એટલા નક્કર સ્વરૂપનાં હોય છે. એથી ઊલટું એમને સમજાવવા સર્વથા અશક્ય હોય છે. અન્યથા તર્કસંગત વિચાર કરનારા દાદાની બે વાતો ક્યારેય ગળે ઊતરી નથી, એક ખાવા વિશે અને બીજી ચશ્માંની પસંદગી માટેની.

ઉતરતી વયે બધાની પાચનશક્તિ ઓછી થતી જાય છે. એને કારણે આહાર ધીમે ધીમે ઓછો કરતાં જવું જરૂરી હોય છે. આ મારો યુક્તિવાદ ક્યારેય તેમને ગળે ઉતર્યો નહિ. ‘ઓછું ખાઈશ તો મને તાકાત ક્યાંથી મળે અને હું સાજો કેવી રીતે થઈશ’ આ તેમનો મુદ્દો અંત સુધી દૃઢતાથી કહેતા રહ્યા.

એ જ વાત ચશ્માંની પસંદગીની. કોઈપણ નવા ચશ્માં લાવ્યા પછી બેત્રણ દિવસમાં એનાં નંબર બરાબર નથી એવું એમને સમજાતું. પછી ડૉક્ટરનો ઉદ્ધાર થતો. હું એમને સમજાવવાનો પ્રયત્ન કરતો

‘અરે દાદા, ચશ્માંનાં નંબર નક્કી કરતી વખતે ડૉક્ટર તમને જુદા જુદા ચશ્માં લગાવતો હતો. તે વખતે તમે જે કહ્યું, તે પરથી તે તમારો નંબર નક્કી કરતો. પછી તમારા નંબરમાં ભૂલ થાય એમાં ડૉક્ટરનો શો દોષ ?’ એ સાંભળી, ‘અલ્યા, એ ડૉક્ટર જ ચક્રમ હતો.’ આમ પેલા ડૉક્ટરનો અને તેણે આપેલા ચશ્માંનો નિકાલ થતો. પછી બે-ચાર દિવસે દાદરનાં ટિળકબ્રિજ પાસેનાં આંટાફેરા. ત્યાં રસ્તા પર જૂના ચશ્માં લઈ બેસેલા એકાદ ફેરિયા પાસેથી ચશ્માં ‘બરાબર’ ફિટ થયાનો એકાએક સાક્ષાત્કાર થતો. પછી ડૉક્ટરે વ્યવસ્થિત તપાસ કરીને આપેલા નવા ચશ્માં નાંખીને, રસ્તા પરથી લીધેલાં જૂના ચશ્માં વાપરવામાં આવતા. બે ચાર મહિને વળી નવા ચશ્માંવાળા પાસે, નવા ઉત્સાહ સાથે જવા દાદા તૈયાર.

બીજા તમામ સેવાનિવૃત્ત લોકોની જેમ ટી.વી. જોવાનો એમનેય ઉત્સાહ. ‘અમારી માટી, અમારો માણસ’થી લઈને ના સમજાનારી ભાષાની પ્રાદેશિક ફિલ્મો, બધાં કાર્યક્રમો તે જોતા રહેતા. તમાશા પ્રધાન મરાઠી ફિલ્મ દર્શાવવામાં આવે કે દાદા ખુશ, હિંદી ફિલ્મો માટે તેમને અનહદ તિરસ્કાર. હિરો-હિરોઈનનું એકબીજા પાછળ બગીચામાં દોડવું કે બીજી ધિંગામસ્તી તેમને જરાય ન ગમતી. કહેતાં ‘અરે, માણસે જીવનમાં કાંઈક કરી બતાવવું જોઈએ. આ શું માત્ર બાઈ માટે મારમારી કરે છે. બધાં સાલા બૈરાં પાછળ ગાંડા. લગન થાય કે આમનું કામ પત્યું. તેમાંથી શો બોધ લેવો ?’

ફિલ્મોને એ ખેલ કહેતાં. ‘ખેલ કેવો હોવો જોઈએ ? સાહસિક ! જોઈને આ રગરગમાં સળવળાટ થવો જોઈએ. એને કહેવાય ખેલ.’

એક વખત ‘રિગલ’માં ‘ગન્સ ઑફ નેવરોન’ પહેલી વખત લાગી હતી, અચાનક મનમાં વિચાર આવ્યો. થયું. તેમને ‘સાહસિક’ ખેલ જોઈએ ને ? ચલો, તેમને તે ચિત્રપટ બતાવીએ. તેમને તેની કથા ટૂંકમાં સમજાવી ને કહી અને અમે બંને એ ચિત્રપટ જોવા ગયા.

‘પ્રૌઢત્વમાં આપણું શૈશવ જપીએ’ ભલે આપણે કહીએ છીએ, પણ ‘ગન્સ ઑફ નેવરોન’ જોતાં દાદામાંનાં ‘શૈશવ’નું જે દર્શન થયું એ દંગ કરી દેનાર હતું, ‘ગન્સ’નો નાશ કરવા માટે ડુંગર પર ચડનાર ગ્રેગરી પેકનો પગ જરા થોડોક લપસ્યો તોય ‘અરે, અરે, સંભાળ, ભઈલા, સંભાળ’ એવાં ઉદ્‌ગાર. એન્થની ક્વીન સ્ટેનગન લઈને ડાબી તરફનાં જર્મન અધિકારી પર નજર રાખતો ટાંપીને બેઠો હતો. ત્યાં જમણી બાજુથી એક જર્મન સૈનિક દબાતા પગે એની પર ધસી આવતો હતો. અમારા દાદા બૂમો પાડતા હતા. ‘અલ્યા, આણીકોર જો, આણીકોર. ઈની માને !’ દાદા ફિલ્મ જોવામાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ ગયા હતા અને હું તેમનું નિરીક્ષણ કરતાં ચુપ હતો. ‘ગન્સ ઑફ નેવરોન’ આ ફિલ્મ લાખો પ્રેક્ષકોએ જોઈને ‘એન્જોય’ કરી હશે. પણ તે ન જોતાં આટલો અવર્ણનીય આનંદ મેળવનારો મારા જેવો પ્રેક્ષક જવલ્લે જ મળશે.

ભારત સરકારની ‘નેશનલ સ્કૉલરશિપ’ મેળવીને અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કરવા ૧૯૮૧ના વર્ષમાં હું અમેરિકા જવા નીકળ્યો. એ વખતે દાદાની તબીયત લથડેલી હતી. દૃષ્ટિ ધૂંધળી થઈ હતી. છતાંય અનેક પેઢીઓનો ભૂતકાળ તેમની નજર સામે સ્પષ્ટપણે પસાર થતો હશે. તેમને અવર્ણનીય આનંદ થયો હતો, તે એટલું જ બોલ્યા

‘ગામની વેઠ સંભાળવામાં મારા બાપદાદાનું આયખું ગયું. હવે મારો દિકરો આખા દેશની વેઠ માથે લઈને ભણવા સારુ અમેરિકાએ જાય છે. મને બધું મળ્યું. હવે હું નિરાંતે મરીશ.’

સાચું કહું તો, આપણે ત્રણચાર વર્ષે પાછા આવીશું એ વખતે દાદા હયાત હશે કે નહિ એ કલ્પનાથી મારું મન પહેલાથી ખિન્ન હતું. તેમાંય તે આવું બોલવા લાગતાં હું વધારે ચિંતીત થયો. કેવળ કાંઈક બોલવા ખાતર હું બોલ્યો,

‘ઐસા કૈસે ચલેગા દાદા ? અભી તો આપકી દૂસરી શાદી કરની હૈ ના.’

આ વિનોદ પાછળનાં નિરાધારપણાની ભાવના તેમને સ્પષ્ટપણે સમજાઈ હોવી જોઈએ. તે બોલ્યા,

‘અરે હમ તો ભૂલ હી ગયા થા, અગર તુમ્હારા ઐસા વિચાર હૈ તો ફિર હમ નહીં મરેંગે.’

તેમની ઇચ્છાશક્તિનું દમન કરવું મુશ્કેલ. વચ્ચેનાં સમયમાં અનેક વખત તેમને હૃદયરોગનાં હુમલા આવી ગયા. પણ એ ડગ્યા નહિ. હું અમેરિકામાં હતો ત્યારે ૧૯૮૪ના વર્ષમાં તેમને આવેલે ઍટેક તો એટલો મોટો હતો કે ડૉક્ટરોએ કહી દીધું, ‘બહુ બહુ તો થોડાક કલાક જીવશે !’ બધાંએ આશા મૂકી દીધી હતી, પણ દાદા હાર માનનારામાંના ન હતા. તેમણે મારા એક ભાઈ દિનેશને કહ્યું, ‘ગભરાતો નહિ, છોટૂ આવતાં સુધી હું મરીશ નહિ.’

દિનેશે તાબડતોબ અમેરિકા મને ફોન કર્યો. હું દોડાદોડ મુંબઈ આવી પહોંચ્યો. વિમાનઘરથી સીધો ‘સેંટ જ્યૉર્જ હોસ્પીટલ’માં. અમેરિકાથી એમને માટે આવવાનો આઘાત તેઓને ન થાય એટલે તેમને કહ્યું કે રિઝર્વ બૅંકનાં કામે ભારતમાં આવવાનું થયું એટલે નીકળતાં મુંબઈ આવ્યો છું. અલબત્ત, મારું ખોટું બોલવું એમને ધ્યાને આવ્યું. તે બોલ્યા,

‘તુમ સાલા એક નંબર કા બદમાશ હય. કાયકો વાપસ આયા ? તુમ જબ તક ડિગ્રી લેકે વાપસ નહીં આયગા તબ તક હમ મરનેવાલા નહીં હૈ. તુમ જાઓ. અપની પઢાઈ કરો.’

અનપેક્ષિતપણે અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીએ ૧૯૮૫ની સાલમાં મને ‘સર્વોત્કૃષ્ટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી’ તરીકે સન્માનિત કર્યો. પારિતોષિક લઈ હું ઘરે આવ્યો. પત્નીને અને બાળકોને તે આનંદની વાત કરતાં કરતાં મારી આંખો ભરાઈ આવી. સૌથી વધુ યાદ આવી તે દાદાની. મનમાં વિચાર આવ્યો, આ પારિતોષિકનાં સાચા હકદાર મારા દાદા. ડૉ. બાબાસાહેબ આંબેડકરની ‘સર્ચ ફૉર ઍક્સલન્સ’ની શિખામણનાં અમારા ભાઈભાંડુઓમાં સાચા અર્થમાં કોઈએ બી રોપ્યા હોય તો તે દાદાએ. થયું, આજે દાદા અહીં હોવા જોઈતા હતા. અમેરિકામાં આટલાં વર્ષો રહ્યા પછી મને એકાંકી લાગ્યું તે એ વખતે. તે ક્ષણે બીજી કોઈપણ વાત કરતાં દાદાનો ‘ભલે શાબ્બાસ’નો પીઠ પરનો ધબ્બો હળવો હળવો હું અનુભવતો હતો.

ડૉક્ટરેટ મેળવીને ૧૯૮૬ના વર્ષમાં હું સ્વદેશ પાછો આવ્યો તે વખતે તે ઘરડા થયા હતા, પણ બુદ્ધિ અત્યંત સાબુત. એકદમ છેવટ સુધી વૈચારિક પ્રગલ્ભતાથી બીજાઓને આશ્ચર્યપૂર્ણ આઘાત આપવાનું એ ભૂલ્યા ન હતા.

હું હજુ હમણાં જ પાછો આવ્યો હતો. તેમણે મને મારાં સંશોધન વિષયે પૂછ્યું. હવે અર્થશાસ્ત્ર જેવાં ક્લિષ્ટ વિષયનાં સંશોધનને સાદી સરળ ભાષામાં સમજાવીને કહેવું અત્યંત મુશ્કેલ. છતાંય એમના સંતોષ સારુ મારી રીતે મેં પ્રયત્ન કર્યો. તેમનો પછીનો પ્રશ્ન ‘આનો સામાન્ય માણસને ખપ શો ?’

અર્થશાસ્ત્રનાં પ્રકાંડ પંડિતો જે વારંવાર ભૂલી જાય છે એ સીધા મર્મ પર તેમણે આંગળી મૂકી હતી. હું ચકિત થયો. પછી તેમણે મને તાકીદ આપી,

‘તું જે ભણવાનો છે, સંશોધન કરવાનો છે એનો રસ્તા પરના સામાન્ય માણસને ખપ ન હોય તો એ બધું ખોટું છે.’

ઑફિસેથી આવ્યા પછી રાત્રે મોડે સુધી નિયમિતપણે મારું વાંચન, લેખન, સંશોધન ચાલુ રહેતું. એનું મારી સાદી ભોળી બાને ખૂબ જ આશ્ચર્ય હતું.

‘તેં હવે આટલી બુકો વાંચી. ફૉરિન જઈને આટલી મોટી ડિગ્રી લઈને આવ્યો. તો પછી હવે શાનું આટલું ભણવાનું ? જીવને જરાય નિરાંત ન જોઈએ ?’

એનું સ્પષ્ટીકરણ મારા બદલે દાદાએ કર્યું.

‘સોને, તું તો ગધ્ધડ જ રહી. અલી, ડિગ્રી મળ્યા પછી અભ્યાસમાં વધારે જોર આવવું જોઈએ. આ ડિગ્રી એટલે ડરાઇવીંગ લાઇસન્સ જેમ લાયસન્સ મલે પછી ડરાઇવર ગાડી ચલાવવાનું બંધ કરે છે કે ? એવું જ આ છે. હવે છોટુમિયાંની સંશોધનની ગાડી કેવી ભાગે છે એ જોવાનું.’

ડૉક્ટરેટની ડિગ્રી માટે આવો યોગ્ય ‘પરસ્પેક્ટીવ’ અમેરિકાનાં એકાદ વિદ્વાન પ્રાધ્યાપક સુદ્ધાં આપી શક્યા હોત કે કેમ એની શંકા છે. કારણ શાળાની દુનિયામાં એકપણ ડિગ્રી ન મેળવનારા દાદા વિશ્વની બધી ડિગ્રીઓ અક્ષરશઃ ઘોળીને પી ગયા હતા.

તે પછી કેટલાક મહિને દાદાએ મને પાસે બોલાવ્યો. ગંભીર મુદ્રા. અચાનક બોલ્યા ‘બાબાસાહેબ ડિગ્રી લઈને વિલાયતથી પાછા આવ્યા ત્યારે તેમને જોઈએ એવી નોકરી મળી હોત, પણ એમણે આપડા લોકોની ચળવળ શરૂ કરી. તૂંય અમેરિકાથી ડિગ્રી લઈને આવ્યો છે. પછી બૅંકની નોકરી શું કામ કરે છે ?’

‘અરે દાદા, બાબાસાહેબની વાત જુદી છે. એ ભગવાનનાં સ્થાને છે. હું તો સામાન્ય માણસ છું.’

‘આ કહેવું મને ગમતું નથી. તારા જેવા ભણેલા-ગણેલા જુવાન લોકોએ રાજકારણમાં જઈને લોકોની સેવા કરવી જોઈએ.’

છેવટે કાંઈક બોલવા ખાતર હું બોલ્યો :

‘દાદા, આજકાલ રાજકારણમાં જઈને, કોઈ લોકોની સેવા કરતું નથી. એ દિવસો ગયા. હવે રાજકારણમાં મોટેભાગે ગુંડા લોકો ભરાયાં છે.’

દાદા, અલબત્ત ચુપ રહેનારાઓમાંના ન હતા. તે બોલ્યા,

‘તો ક્યા હુઆ - છોટુમિયાં, તુમ બી તો સાલા એક નંબર દા બદમાસ હય.’ એનો જવાબ મારી પાસે નહતો.

દાદાનાં જીવનનાં પહેલાં દસ વર્ષ બાદ કરીએ તો વધેલા સાત દશકા મુંબઈમાં ગયા. તેમ છતાંય ગામની માટીનું આકર્ષણ કાયમ રહ્યું. ગામનું અભિમાન છેવટ સુધી ટકી રહ્યું. અમેરિકાથી આવ્યા પછી મુંબઈ દૂરદર્શન પર મારી એક મુલાકાત થઈ. એ જોઈને દાદા ખુશ થશે, એવી મારી સ્વાભાવિક અપેક્ષા હતી. પણ, થયું ઊલટું જ. સાંજે ઘરે આવ્યો તો દાદા ગાલ ફુલાવીને બેઠા હતા. હું મુંઝવણમાં પડ્યો. કહ્યું

‘દાદા, મુલાકાત ગમી નથી લાગતી ?’

એ ચૂપ હતા. ધીમે ધીમે મેં તેમને બોલતા કર્યા. છેવટે તેમનું દુઃખ વ્યક્ત થયું.

‘તેં તારી ઓળખાણ બરાબર આપી નહિ. ફક્ત નામ બોલ્યો, ચોખ્ખું કહેવાનું. મારું નામ અમુક તમુક. ગામ ઓઝર (મિગ). તાલુકા નિફાડ, જિલ્લા નાસિક.’

હવે આના પર હું શું બોલું ?

દાદા તેમની તરુણાવસ્થામાં શ્રદ્ધાળુ હતા. ભજનમંડળમાં જોડાયા સુદ્ધાં હતા, એવું લાગે છે. પણ મેં જોયેલા દાદા સંપૂર્ણપણે નાસ્તિક હતા. પોતાની ગામઠી શૈલીમાં એમણે સદાય કેવળ બુદ્ધિપ્રામાણ્યવાદનો જ પુરસ્કારકર્યો. એમની દૃષ્ટિએ ભગવાન સમાન વ્યક્તિ એક જ : બાબાસાહેબ આંબેડકર.

આવા અમારા નાસ્તિક દાદા. ઘરડાં થયા ત્યારે અચાનક શિરડીનાં સાંઈબાબાના દર્શને જવાની વાત કરવા લાગ્યા. અમને બધાંયને અત્યંત આશ્ચર્ય થયું. થોડુંક પાછળ પડતાં, એનું રહસ્ય ધ્યાને આવ્યું. શિરડી તરફ જનારો રસ્તો નાસિક જિલ્લાનાં અમારાં ગામેથી જાય છે. એમને તો જવું હતું પોતાનાં જન્મસ્થાન ઓઝર ગામે.

પછી એક દિવસ દાદાને કારમાં ઓઝર લઈ જવામાં આવ્યા. સાથે બધાં પૌત્રો હતા. પોતાનાં પૌત્રોને ગામ બતાવતાં, તેમની નાનપણમાં રમવાની જગા બતાવતાં, દાદા વચ્ચેનો સિત્તેર વર્ષનો સમયગાળો ભૂલી ગયા. ગામમાંથી એમનો પગ નીકળતો ન હતો. જેમતેમ એમને મુંબઈ આવવા માટે રાજી કરવા પડ્યા.

દાદાની અંદરનો ખેડૂત છેવટ સુધી જીવતો હતો. છેવટનાં એકબે વર્ષ એમની દૃષ્ટિ તદ્દન ક્ષીણ થઈ હતી. છતાં શીતળ પવન લહેરાય કે તે બારી પાસે આવી ઊભા રહેતા. ધૂંધળી આંખે આકાશ સામે મીટ માંડી રહેતા અને પૂછતા

‘વરસાદ આવ્યો ‘લ્યા ? ખેડૂતો આંખ માંડીને બેઠા હશે.’

એ વખતે ભાઈ કૃષિ વિભાગ સાથે સંબંધિત ખાતાનો સચિવ હતો. તે તેમને ખબર હતી. પછી મને કહેતા :

‘ભઈને કહે, ગરીબ ખેડૂતો પર ધ્યાન આલ, એમની હાલત બહુ ખરાબ હોય છે.’

દાદાને હૃદયરોગનાં અનેક હુમલા આવવાં છતાં તેમણે હૃદયરોગને દાદ આપી નહિ. છેવટે તેમને કૅન્સરે જકડ્યા. શરીર અત્યંત ક્ષીણ થયું. તે વખતે રિઝર્વ બૅંક વતી ઇથિયોપિયન સરકારનાં આર્થિક સલાહકાર તરીકે મારી પ્રતિનિયુક્તિ થઈ હતી. તે ખૂબ જ સિરિયસ થયા ત્યારે રજા લઈને અદિસઅબાબાથી ઝડપભેર મુંબઈ પાછો આવ્યો. એ મૃત્યુ સાથે લડી રહ્યા હતા. છતાંય એમનો ટીખળી સ્વભાવ જીવંત હતો, બોલ્યા

‘તુમ સાલા અમેરિકા જાકે ગોરા ન હુવા ઔર અબી આફ્રિકા જાકે કાલા નહીં હુવા.’

એ પરિસ્થિતિમાંય મને હસવું આવ્યું. કહ્યું -

‘ક્યા કરેગા તુમ્હારે જૈસા હમારા રંગ ભી પક્કા હૈ ના ? રંગ જાયેગા તો પૈસા વાપસ.’

૧૪મી જાન્યુઆરી ૧૯૮૯એ દાદાએ પ્રાણ ત્યજ્યા - એમને ગમતી

સેંટ જ્યૉર્જ હૉસ્પિટલમાં. મૃત્યુ સમયે અમે બધાં ભાઈભાંડુઓ એમની પાસે હતા. મૃત્યુ પછી એમના ચહેરા પર જે સંતોષ, જે શાંતિ વિલસતી હતી, તે ઘણાંયને ઈર્ષ્યા પમાડે તેવી હતી. મારાં વયોવૃદ્ધ સસરાએ કહ્યું,

‘દાદાને ઇચ્છામૃત્યુ પ્રાપ્ત થયું. મકરસંક્રાંતિનાં દિવસે મૃત્યુ આવવું એ અહોભાગ્ય છે. સંક્રાંતિનાં દિવસે મૃત્યુ આવે એ માટે ભીષ્માચાર્ય દિવસો સુધી મૃત્યુના આગમનની રાહ જોતા ટકી રહ્યા અને છેવટે ઇચ્છામૃત્યુના વરદાનને કારણે સંક્રાંતિના દિવસે મૃત્યુ પામ્યા.’

પાપપુણ્યની આવી કલ્પના દાદાને ક્યારેય સ્વીકાર્ય ન હતી. તેમને ઇચ્છામૃત્યુ મળ્યું એ ચોક્કસ છે. દાદા ગયા. પણ તેમણે અમને ભાઈભાંડુઓને પૂરું પાડેલ મનોબળ કોઈપણ છીનવી શકશે નહિ.

પરદેશમાં અનેક વર્ષોનાં વસવાટને કારણે કે કેમ, પણ ખાવાની બાબતમાં હું ખાસ્સો ‘સ્નૉબિશ’ થયો છું. રસ્તા પર ભેળપૂરી કે વડાપાઉં ખાવાની હિંમત હું કરી શકતો નથી. પણ ક્યારેક ક્યારેક રેલવેથી જતાં સ્ટેશન પરની હોટલની ગંદી બરણીઓમાં રાખેલી નાનખટાઈ જોઉં તો એકીસાથે સાથે લાવેલા સંસ્કાર ગળી પડે છે. નાનખટાઈ મને આજેય ખૂબ ખૂબ જોઈએ એવું લાગે છે. કારણ, મારાં ગામડીયા બાપનાં પ્રેમની સઘળી કદીય ન ભૂલાય એવી મીઠાશ તેમાં એકઠી થયેલી હોય છે.

દાદાની પસંદ - નાપસંદગી

દિનેશ જાધવ

મારા મોટા ભાઈ જે. ડી. ૧૯૬૩નાં વર્ષમાં ભારતીય પ્રશાસન સેવાની તાલીમમાં મસૂરી ગયા. તે જ દરમ્યાન મારા બીજા ભાઈ સુધારક નાસિક હિંદુસ્તાન ઍરોનોટિક્સમાં જોડાયા હતા. તેને કારણે (એ સમયે) ઘરમાં બધાં સંતાનોમાં હું જ મોટો હતો. નાનો નરેન્દ્ર મારાથી નવ વર્ષ નાનો હતો. તેને કારણે તે વખતે વડીલ અને હું વધુ નજીક આવ્યા. મારાં નાનપણમાં મને વડીલોની બીક સિવાય બીજી કોઈપણ ભાવના અનુભવાઈ ન હતી. પણ બંને મોટા દીકરાઓ બહારગામ ગયા પછી એમનાં સ્વભાવમાંથી તામસીપણું ઓછું થયું અને મારી સાથે તે અનેક વિષયો પર ચર્ચા કરવા લાગ્યા. તેમનાં જૂનાં સંભારણાં કહેવા લાગ્યા.

આમ જોઈએ તો મારા વડીલ કટ્ટર નિરીશ્વરવાદી. ક્યારેય મંદિરમાં ગયા ન હતા કે એમની પૂજા આરતી કરી નહતી. પણ તેમણે ભગવાન જેમ માન્યા ફક્ત ડૉ. બાબાસાહેબ આંબેડકરને. બાબાસાહેબ પ્રત્યેની એમની નિતાંત ભક્તિ હતી, શ્રદ્ધા હતી. એટલે જ બાબાસાહેબે જેમને ગુરુ માન્યા તે મહાત્મા ફૂલે પર પણ તેમની ભક્તિ હતી. મહાત્મા ફૂલેનો વેષ એ તેમને સાચા અર્થમાં ભારતીય ખેડૂતનો પ્રતિનિધિ વેષ લાગતો. એથી ઊલટું મહાત્મા ગાંધીનો વેષ એમને ઢોંગી લાગતો. મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ સ્ત્રીકેળવણી અને સ્ત્રીઓનાં ઉદ્ધાર માટે જે કામ કર્યું, સનાતન ધર્મનાં પ્રખર વિરોધ હઠાવીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્ત્રી-શિક્ષણનો પાયો નાખ્યો તેનું તેમને અનહદ આશ્ચર્ય હતું. આમ છતાંય ભારતમાં સ્ત્રીશિક્ષણનાં પ્રણેતા તરીકે શઅરી ઘોંડો કેશવ કર્વેને જ બધું શ્રેય શાથી આપવામાં આવી રહ્યું છે, એ પ્રશ્ન તેમને કાયમ સતાવતો.

નાસિકનાં કાળારામ મંદિર સત્યાગ્રહમાં તે રેલ્વેની નોકરી છોડીને સામેલ થયા. તે કેવળ મંદિર પ્રવેશ માટે કે રામનાં દર્શન માટે નહિ, પણ તે નિમિત્તે રોજ બાબાસાહેબના દર્શન થશે, તેમની આસપાસ ફરવા મળશે, તેમનાં બે શબ્દો કાને પડશે એ ભાવનાથી. તે સિવાય બાબાસાહેબ પર સવર્ણોનો હુમલો થશે એ ચિંતા હતી જ. સાહજિકપણે આપણોય પ્રતિકાર એટલો જ જોરાવર હોવો જોઈએ. તેથી તેમનાં સરખી વિચારસરણી ધરાવનાર સહકાર્યકરો સાથે સંપૂર્ણ સંગ્રામ પૂરો થાય ત્યાં સુધી નાસિકમાં જ રોકાયા.

બાબાસાહેબ પછી તેમને સાંગોપાંગ આદર હતો, તે કર્મવીર દાદાસાહેબ માટે. દાદાસાહેબ નાસિકના, એટલે અમારા જ જિલ્લાના. માણસો જોડવાની જબરદસ્ત તાકાત ધરાવતા. ગરીબગુરબાં અને અભણ બાંધવો સાથે સાદગીથી રહેતા. કોઈપણ ગામમાં કોઈનેય ત્યાં જમવાની અપેક્ષા રાખ્યા વગર પોતાનાં કોટનાં ખિસ્સામાં રાખેલાં ગોળ અને સિંગદાણા ખાઈને દિવસો પસાર કરનાર દાદાસાહેબ એમને સાચ્ચા જનસામાન્યનાં નેતા લાગતા. બાબાસાહેબનાં નાસિક અને મહાડ એ બંને સત્યાગ્રહ યશસ્વી નીવડ્યાં તે કેવળ દાદાસાહેબ ગાયકવાડને કારણે જ, એવો દાદાનો દૃઢ મત હતો. સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ ચાલતી હતી એ સમયે શિવાજી પાર્ક પર આચાર્ય અત્રે, એસ. એમ. જોશી, કૉમરેડ ડાંગે, નાના પાટીલ આ બધાંય રથી-મહારથી બોલ્યા પછી દાદાસાહેબનું ભાષણ થયું. આવું ઉત્તમ ભાષણ પોતાનાં જીવનમાં ફરી ક્યારેય સાંભળ્યું નથી, એવું દાદા અભિમાનપૂર્વક કહેતા. પણ તે કહેતા હવે આપણો કોઈ નેતા રહ્યો નથી, તેનો અનુભવાતો ખેદ પણ સતત જણાઈ આવતો.

મારા વડિલે ગુરુ, બાબા, મહંત આવા લોકોને ક્યારેય સમર્થન આપ્યું ન હતું. એ બધાંય ગુરુ-બાબાઓને ‘ઢોંગીબાબા’ કહેતા હતા. પણ સંત ગાડગે મહારાજ પર એમને શ્રદ્ધા હતી. ગાડગે મહારાજને એમણે નજીકથી જોયા હતા. તેમનાં વિચાર સાંભળ્યાં હતાં. ‘દેવોની બાધા રાખશો નહીં અને રાખી હોય તો પૂરી કરશો નહીં.’ એ ગાડગે મહારાજની શિખામણ સમાજમાંની અંધશ્રદ્ધા દૂર કરી શકશે, જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે એવું તેમને લાગતું. ગાડગે મહારાજનું એમણે કહેલ એક મજેદાર સ્મરણ એવું હતું કે અમારા જ સમાજમાંના તે વખતે ઉચ્ચ શિક્ષણ મેળવી મોટા સરકારી પદ પર નોકરીમાં રહેલા એક અધિકારી મલબાર હિલ પર રહેવા ગયા. ગૃહપ્રવેશ સમારંભ માટે તેમણે ગાડગે મહારાજને બોલાવ્યા હતા. આખોય કાર્યક્રમ પૂરો થયા પછી અમારા અધિકારી મહાશયે બડાઈપૂર્વક ગાડગે મહારાજને પૂછ્યું :

‘બાબા, મલબાર હિલ પર રહેનાર હું પહેલો જ મહાર છું કે નહિ ?’

તે વખતે ગાડગે મહારાજ બોલ્યા,

‘એ બરાબર છે. પણ જો પેલો તારો બાપ (બાબાસાહેબ આંબેડકર) પરેલની સિમેંટની ચાલીમાં રહ્યો ન હોત, તો તું આ મલબાર હિલ પર ક્યારેય પહોંચી શક્યો હોત કે ?’

સ્વાતંત્ર્યવીર સાવરકર તરફ જોવાની તેમની દૃષ્ટિ વેગળી હતી. સાવરકરનું સાહિત્ય, કવિતા વગેરે તેમણે ક્યારેય વાંચ્યું ન હતું. પણ એક વીરપુરુષ તરીકે તે તેમને માનતાં હતાં. સાવરકરે મધદરિયે સ્ટીમરમાંથી ડુબકી મારી અને તરતાં તરતાં સામેનાં કિનારે પહોંચ્યા એ વાત જાણે મને કાંઈ ખબર જ ન હોય એમ, એ ઠાઠ સાથે ફરી ફરીને કહેતા. કોઈપણ સાહસિક વાત એમને ગમતી. એક સાહસિક નેતા તરીકે સાવરકરનો તે આદર કરતા. પછી આગળ જતાં બાબાસાહેબે ધર્માંતર કર્યા પછી સાવરકરે ‘આ ધર્માંતર નથી, પથાંતર છે’ એવો લેખ લખ્યો હતો. તે વાંચ્યા પછી સાવકર પ્રત્યેનાં તેમનાં વિચાર બદલાયા. પણ વીર સાવરકર સાહસિક માણસ હતા એ મત દૃઢ રહ્યો.

રાવબહાદૂર સી. કે. બોલે, શ્રી સુરબાનાના ટિપણીસ, આચાર્ય દોંદે -આ લોકો આપણા સમાજનાં ન હોવા છતાં એમણે આપણી ચળવળમાં કેટલા જુસ્સાથી ભાગ લીધો હતો, એ દાદા ભારપૂર્વક કહેતા. એ પાર્શ્વભૂમિ પર પછી રિપબ્લિકન પક્ષમાં થયેલી, આપણાં જ લોકોએ કરેલી ફાટફૂટ એમને ખિન્ન કરતી. મુંબઈમા ંકામદાર ચળવળ કૉમરેડ ડાંગેએ શરૂ કરી હતી અને કામદારોનાં શોષણ વિરુદ્ધ લડત આપી. એટલે તેમને ડાંગે માટે માન હતું. એમાંય કૉમરેડ ડાંગે એ મૂળ દેવલાલીનાં. એટલે આમ તો નાસિકનાં જ. એટલેય અભિમાન હતું. પણ બાબાસાહેબે સ્થાપના કરેલ સ્વતંત્ર કામદાર પક્ષનું કામ કરનારા મડકોબાબા, ધાયવિલકર બાબા, શ્રી જગન્નાથ ભાતણકર અને કામદાર નેતાઓનાં વૈમનસ્યમાં ભોગ લેવાયેલ શ્રી દેવસુખકર જેવા લોકોએ મુંબઈમાં કામદાર ચળવળનાં મૂળિયાં રોપ્યાં છે, તે ભારપૂર્વક કહેતા. હાલનાં સમયમાં શ્રી કાળે, ડૉ. શાંતી પટેલ, શ્રી મનોહર કોતવાલ, શ્રી જ્યૉર્જ ફર્નાન્ડિઝે કામદારોને હક્કો અપાવવામાં મહત્ત્વની કામગીરી કરી છે, એવો તેમનો મત હતો.

બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટમાં દાદા ચોથા વર્ગનાં કર્મચારી હતા. જે વખતે શ્રી નાડકર્ણી એ પૉર્ટ ટ્રસ્ટનાં ચૅરમૅન તરીકે આવ્યા અને તેમણે જાણ્યું કે, પોતાનાં એક કામદારનો દિકરો આઈ.એ.એસ.માં છે. તે વખતે તેમને અતિશય આનંદ થયો. તેમણે દાદાને મળવા બોલાવ્યા, યોગાનુયોગ એ વખતે મારા મોટા ભાઈ પરભણીમાં જિલ્લા કલેક્ટર હતા અને શ્રી નાડકર્ણી જ્યારે ઇંગ્લૅંડથી આઈ.સી.એસ. થઈને આવ્યા હતા, ત્યારે તેમની પહેલી નિમણૂંક પરભણીનાં કલેક્ટર તરીકે જ થઈ હતી.

ચૅરમૅનને મળવા જવાનું છે, તેથી દાદાએ મનેય સાથે લીધો. ચૅરમૅનની ચૅમ્બરમાં તે એ પહેલાં ક્યારેય ગયા નહતા. હુંય આટલી વૈભવશાળી પ્રશસ્ત અધિકારીની ચૅમ્બર પહેલી વખત જ જોતો હતો. નાડકર્ણી સાહેબે બેસવા કહ્યું કે, હું તરત જ સામેની ખુરશી પર બેઠો, પણ દાદા બેસવા તૈયાર ન હતા. નાડકર્ણીસાહેબ તેમને વારંવાર ‘બેસો’ કહેતા હતા. પણ આ ઊભા જ રહ્યા. વરિષ્ઠો સામે બેસવું એટલે વરિષ્ઠોની અવગણના સમાન છે એવું તેમને લાગતું. છેવટે નાડકર્ણીસાહેબે કહ્યું :

‘તમે બેસવાના ન હો, તો મારે ઊભા રહીને જ તમારી સાથે વાતો કરવી પડશે.’

પછી જ તે સંકોચાઈને બેઠા. બંનેની વાતો આ પ્રમાણે થઈ : ‘બી.પી.ટી.નાં ઇતિહાસમાં આજ સુધી કોઈપણ અધિકારી કે કર્મચારીનો દિકરો આઈ.એ.એસ. થયો નથી. તમારા દિકરાએ આ સિદ્ધી મેળવેલ છે એનો મને આનંદ છે અને ગર્વ અનુભવું છું.’

‘તમારા જેવાનાં આશિર્વાદ છે. બાબાસાહેબનાં પુણ્ય સંચય છે.’

‘તમારા દિકરાનું તમે ઘડતર કર્યું, ભણવા માટે ઉત્તેજન આપ્યું. તેમની સફળતામાં તમારો મોટો ફાળો છે. બી.પી.ટી.નાં અન્ય કામદારો અને અધિકારીઓ આ બધાં માટે એક ઉદાહરણ બની રહે એટલે હું તમારા માટે કાંઈક કરવાનો વિચાર કરી રહ્યો છું.’

‘તમે અત્યારે મારા માટે શું કરી શકો ? મને ઉપરની જગા તો આપી શકવાના નથી. કારણ મારું એટલું ભણતર નથી. આમ છતાંય તમે ઉપલી જગા આપો તો હું તે કામ કરી શકવાનો નથી.’

‘જો તમારી નોકરીની મુદત એક વર્ષ વધારવામાં આવે તો તમને કેવું લાગશે ?’

‘સાયેબ, મારે હવે એની જરૂર નથી. મારાં બેય દિકરા ઠેકાણે પડી ગયા છે. બીજા બે ભણતર પૂરું કરવામાં છે. એટલે રિટાયર થયા પછી નોકરી કરવાની મને કાંઈ ઇચ્છા નથી.’

‘જુઓ, હું તમારી પર છોડું છું.’

‘એ કરતાં સાયેબ, જેનાં છોકરાઓનું ભણતર પૂરું ન થયું હોય અને બાપાનાં રિટાયર થવાથી એ આગળ વધી શકતાં ન હોય એવા એકાદ કામદારને એકાદ વર્ષ વધારી આપો. મારાં કરતાં બીજા જરૂરિયાતવાળાની જરૂરિયાત પૂરી કરો.’

નાડકર્ણીસાહેબ અવાક્‌ થઈ ગયા. તેમણે હાથ લંબાવી દાદા સાથે હસ્તધૂનન કર્યું અને કહ્યું :

‘તમે મનથીય મોટા છો.’

દાદા બી.પી.ટી.નાં રેલ્વે વિભાગમાં કામ કરતા હતા. એ વખતે શ્રી બાપટ નામના રેલ્વે મૅનેજર હતા. તે પછી કંડલા પૉર્ટ ટ્રસ્ટના ચૅરમૅન થયા. બાપટ અત્યંત કુશાગ્ર બુદ્ધિના, અતિશય કડક હતા. વળી દેખાવેય દેખાવડા. તેમનાં અવાજમાં તેમનો અધિકાર રણકતો. તેને કારણે તેમની સાથે વાત કરતાં સામેનાં નીચલા અધિકારીઓ ગભરાઈ જતાં. આવા બાપટ સાહેબ રેલવે મૅનેજર હતા ત્યારે એક દિવસ દાદાની કૅબિનમાં ઘુસ્યા. દાદાએ તેમને પહેલાં ક્યારેય જોયાં ન હતાં. દાદા ગુસ્સે થયા. તેમણે તેમને તાબડતોબ બહાર જતા રહેવા કહ્યું.

‘મારી પરવાનગી લીધા વગર તમે મારી કૅબિનમાં આવ્યા જ કેવી રીતે ?’

બાપટે બહાર જઈને ‘હું અંદર આવી શકું કે ?’ એવું પૂછ્યા પછી જ દાદાએ તેમને અંદર આવવા દીધા. બાપટે પોતાની ઓળખાણ આપ્યા પછી દાદા ઝંખવાયા. પણ બાપટસાહેબ બહુ ખુશ થયા. તેમનેય જૉબ પૂછનારો કામદાર છે એ સમજાતાં તેઓ ખુશ થયા અને તે તેમણે વ્યક્ત પણ કર્યું. શિસ્તપ્રિય માણસને શિસ્તપ્રિય માણસો ગમે છે. તેને કારણે ‘તારો સાયેબ કેટલો બી કડક હોય અને તારી કાંઈબી ભૂલ ના હોય તો બેધડક જવાબ આપવાનો. તારો વાળ વાંકો થશે નહિ’ એમ તે મને કહેતા.

બાપટ સાહેબે તે પછી એક વખત દાદાને ઘરે બોલાવ્યા. તે વખતે બાપટ કોલાબા રહેતા હતા. કોઈનાય ઘરે જતાં ખાલી હાથે જવું નહિ, તેથી દાદાએ થોડી દ્રાક્ષ સાથે લીધી હતી. બાપટ અને તેમનાં લેખિકા-કલાસમીક્ષક પત્ની સૌ. લલિતા બાપટ, બંને ઘરે હતા. દાદાએ લાવેલ ખાવાનું જોઈને બંને માણસો ગદ્‌ગદિત થઈ ગયાં. ‘આટલાં વર્ષોમાં આટલા પ્રેમથી કોઈ પિતાસમાન માણસ અમારા માટે ખાવાનું લાવ્યા ન હતા.’ આવી શુદ્ધ, સરળ કબૂલાત તેમણે કરી. તે પછી પરસ્પરનાં વરિષ્ઠ-કનિષ્ઠ સંબંધો ભૂલીને ત્રણેય કૌટુંબિક વાતોમાં ખોવાઈ ગયાં. સૌ. બાપટે ઘરમાં ગાઉન પહેર્યો હતો. દાદા જૂનવાણી વિચારનાં હોવાને કારણે તેમને તે ખટકતું હતું. તેમણે પોતાનો અણગમો વ્યક્ત કર્યો. સૌ. બાપટેય જાણે પોતાના સસરાની જ આજ્ઞા છે, એમ માનીને તે પછી દાદા સામે ક્યારેય ગાઉન ન પહેરીને મોટા મનનો પરિચય આપ્યો.

તેમનાં આદરપાત્ર એવા એક વધુ સરકારી અધિકારી શ્રી દિનેશ અફઝુલપુરકર. તે અત્યારે બી.પી.ટી.નાં ચૅરમૅન છે. તેમનો એક પ્રસંગ દાદાએ કહ્યો હતો. અફઝુલપુરકર નાશિકમાં સહાયક જિલ્લાધિકારી હતા. ભારતીય પ્રશાસન સેવાનું પ્રશિક્ષણ પૂરું કર્યા પછી તેમની તે પહેલી જ નિયુક્તિ હતી. અમારી ખેતીની જમીનનાં કોઈક કામે દાદા તેમને મળવા ગયા. અફઝુલપુરકર કોઈક શાસકીય સમારંભમાંથી કાર્યાલયમાં આવ્યા હતા અને તેમણે બંધ ગળાની શેરવાની પહેરી હતી. દાદાનાં શબ્દોમાં કહેવું હોય તો આટલો સોહામણો અધિકારી તેમણે જીવનમાં પહેલી વાર જ જોયો. તેમનું વ્યક્તિત્વ જેટલું સોહામણું તેટલો જ તેમનો સ્વભાવ પણ દિલદાર હતો. અફઝુલપુરકરે દાદાનું કામ સંભાળી લીધું. ‘હું વ્યક્તિગત ધ્યાન આપીશ.’ એવું આશ્વાસન આપ્યું. વધુમાં ચા પણ મંગાવી. તે વખતે દાદાને યાદ આવ્યું કે તેમનાં નાનપણમાં ગામમાં મામલજદાર આવવાનો હોય તો ગામનાં ઝાંપેથી ચોરા સુધી મામલતદારનાં ઘોડાગાડી આગળ દોડવાનો નિયમ હતો. એ કામ કરનાર દાદા જિલ્લા અધિકારીએ આપેલી ચા તેમની સામે બેસીને પીતા હતા. દાદાને અફઝુલપુરકર માટે ખૂબ જ આદર અને પ્રેમ હતો.

દાદાનો અતિશય પ્રેમ અને હેત ધરાવનાર બીજા સરકારી અધિકારી એટલે શરદ કાળે. એ હાલમાં મુંબઈ મહાનગરપાલિકા આયુક્ત છે. કાળે અને મારા મોટા ભાઈ જે. ડી. એક જ વર્ષે મેટ્રીક પાસ થયા. મહારાષ્ટ્ર બૉર્ડમાં કાળે પ્રથમ આવ્યા, ત્યારથી એમનું નામ દાદાને યાદ રહી ગયું હતું. કાળે અને જે.ડી. ભારતીય પ્રશાસન સેવામાં એક જ સાથે આવ્યા. તે પછી તેમની ગાઢ દોસ્તી થઈ. કાળેનો સાદો સ્વભાવ, સાદી રહેણીકરણી, મૃદુભાષી વર્તન, એ બધાંયનો દાદા પર અતિશય પ્રભાવ હતો. કાળે પર દાદાએ એક કવિતાય રચેલી મને યાદ આવે છે. કાળેનું જે.ડી. પાસે રોજિંદું આવવા-જવાનું હતું. તે નિમિત્તે બોલવું, ચાલવું, વિચારવિનિમય થતો. દાદા કાયમ કહેતા રહેતા :

‘અરે, આ આટલો સાદો, સરળ માણસ છે. આવા સજ્જન માણસને આ રાજકારણીઓ ક્યારેય મુશ્કેલીમાં મૂકી દેશે. પણ સત્ય મરતું નથી. શરદ ખૂબ મોટો (ચીફ સેક્રેટરી) સાહેબ નક્કી થશે.’

દાદાની આ આગાહી સાચી નીવડો, એવી અમારા બધાં જ કુટુંબીજનોની લાગણી છે.

દાદાને ગાયનવાદન અતિશય ગમતાં. બાલગંધર્વનાં ગીતો રંગમંચ પર નહીં સાંભળ્યાનો વિષાદ તેઓ અનુભવતા. તે વખતે દલિત સમાજનાં લોકોને ટિકિટ કઢાવતાં સુદ્ધાંય થિયેટરમાં પ્રવેશ મળતો ન હતો. અમારા ગામનાં સોપાનબાપા જાધવ, એ ગોરા ગોરા, કાયમ સ્વચ્છ, સફેદ શુભ્ર કપડાં પહેરનારા અને અતિશય સૂરીલા અવાજમાં ગાનારા. મા. દિનાનાથ મંગેશકરનાં ‘પરવશતા પાસ દૈવે, જ્યાંચ્યા ગળા લાગલા’ એ ગીત તેઓ ખૂબ જ સરસ ગાતા હતા. તેને કારણે તે સમયે અમારા ગામમાં બધાંયને તે એક જ ગીતની ખબર હતી. અને અન્ય લોકગીતો સિવાય નાટ્ય-સંગીતમાંનું આટલું એક જ ગીત ગાનાર સોપાનબાબા દાદાનાં આદરણીય હતા.

અમારા બીજાં એક સગા કવિ ધેગડેનું જલસાપથક હતું. જલસાપથક એટલે તમાશા જેવું જ, પણ માત્ર મનોરંજન નહીં કરતાં લોકશિક્ષણ આપનાર અને તેમાંય મુખ્યત્વે બાબાસાહેબની ચળવળ મનોરંજન કાર્યકર્મો દ્વારા સામાન્ય જનસમૂહ સુધી પહોંચાડનાર એક પ્રભાવક માધ્યમ હતું. કવિ ધેગડે એમનાં પહાડી અવાજ અને કાવ્યરચનાઓમાંય શબ્દોમાંથી ચોક્કસ આશય વ્યક્ત કરનારા કસબી. તેમનું એક ગીત તે વખતે ખૂબ લોકપ્રિય થયું હતું. (અલબત્ત, અમારી જાતિનું જ) તેમાં શબ્દો હતાં : ‘મહારોનાં છોકરાં માળાં, ખૂબ હોંશીયાર ગુડશા તોડવામાં ખૂબ હોંશીયાર’ આ ગીત બાબાસાહેબે પોતે સાંભળ્યું હતું અને હસીહસીને તે બેવડ વળી ગયા હતા. આ કહેતાં દાદા ખડખડાટ હસતા અને કવિ ધેગડે પ્રત્યેનાં અભિમાનથી એમની છાતી ફૂલાતી હતી.

તે સમયમાં સમગ્ર દલિત સમાજ પર પ્રભાવ નાંખનાર નાસિકનાં કવિ વામનરાવ કર્ડલે લખેલાં સ્ત્રીગીતોને કારણે બાબાસાહેબની ચળવળનો ચોક્કસ હેતુ અમારી અભણ સ્ત્રીઓ સુધી પહોંચ્યો હતો એવું દાદાને લાગતું હતું. જે કામ દસ નેતાઓ, એમનાં એકસો ભાષણોથી કરી શકતા ન હતા, તે કામ વામન કર્ડક એક એક ગીતથી કરતા હતા. આવા વામન કર્ડક આજેય ઝૂંપડા જેવા ઘરમાં રહે છે એનો દાદા અત્યંત ખેદ અનુભવતા.

કવિ અણ્ણાભાઉ સાઠે અને કવિ અમરશેખ આ બંનેય તેમને ગમતા હતા. (તમાશાને ગંમત પણ કહેવામાં આવે છે.) ભાઉબાપુ માંગ નારાયણગાવકર અને શિવા-સંભા કોલ્હાપુર ઉર્ફે કાળુ-બાળુ એય તેમનાં માનીતા હતા.

દાદાની શૈક્ષણિક અને સામાજિક પાર્શ્વભૂમિ ધ્યાને લઈએ તો તેમને જલસા અને તમાશા ગમે એ સ્વાભાવિક હતું. પણ પંડિત ભીમસેન જોશી અને ગુલામઅલી એમનાં ગીતો સુદ્ધાં એ મનઃપૂર્વક સાંભળતા. સિતારાદેવી એમની નબળી કડી હતાં. સિતારાદેવીનું નૃત્ય જોતી વખતે દાદાનાં ચહેરા પરનો આનંદ જોવો એ એક વિલક્ષણ અનુભવ હતો. આગલા ભવમાં હું સિતારાદેવી સાથે લગ્ન કરીશ એવું તેઓ ગમ્મતમાં કહેતા. એ વાતે અમે અમારી બાને સુદ્ધાં ખીજવતા.

હું સિનેમાક્ષેત્રમાં જાઉં એવી તેમની પ્રબળ ઇચ્છા હતી. તે મને કાયમ

કહેતા, ‘તું નોકરી કરતો નહિ. નોકરી છોડ્યા સિવાય તારું ભલું થવાનું નથી. સિનેમામાં નહિ તો નાટકમાં તું નામ કમાઈશ.’ ખાસ મારું નાટક જોવા તે કલકત્તા આવ્યા હતા અને કેવળ એક પ્રયોગ જોઈને તેમને સંતોષ થયો નહિ. તેમણે ત્રણેય પ્રયોગ આખાં જોયાં અને મારી પીઠ થાબડી.

અત્યંત કંગાલિયતભરી પરિસ્થિતિમાંથી પોતાની ઇચ્છાશક્તિના જોરે તેઓ સુખનાં દિવસો લઈ આવ્યા. નાનપણથી તેમની પ્રગતિનો આલેખ સતત ઊંચો ચઢતો રહ્યો. અલબત્ત, તેમની પ્રગતિ એટલે અમારા કુટુંબની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉન્નતિ. જે જે વાત તેમને નાનપણમાં અને તરુણાવસ્થામાં માત્ર ગરીબીને કારણે મળી શકે નહતી, તે બધીય તેમણે ઉતરતી વયમાં અનુભવી. એ પૂર્ણ સંતોષ સાથે સંપન્ન જીવન જીવ્યા. અઢાર વર્ષ સુધી તે માત્ર એક કિડની પર હતા. બે વખત ચહેરાનો પક્ષઘાત અને પાંચ વખત હાર્ટ ઍટેક તેમણે પચાવ્યા હતા. પરંતુ તેમની વૃત્તિ સંતોષી અને સદાય આનંદદાયી રહી.

તેઓનાં આખાય જીવનનું જ્યારે હું પુનરાવલોકન કરું છું ત્યારે તેમણે વેઠેલા કષ્ટ અને ત્યાગ તો સમજાય છે, પણ તેમણે ગરીબીનું ઉદાતીકરણ ક્યારેય કર્યું નહતું એ પણ ધ્યાને આવે છે. ખૂબ મહેનત કરવી, ધન મેળવવું અને તેનો સંપૂર્ણ ઉપભોગ કરવો એવી તેમની ધારણા હતી.

આ આખીય પાર્શ્વભૂમિ પર જ્યારે હું પોતાનો વિચાર કરું છું ત્યારે મને સમજાય છે કે દાદા ક્યારેય શાળામાં ગયા નહતા છતાંય સુસંસ્કૃત અને સુશિક્ષિત હતા. તેથી ઊલટું અમે ઉચ્ચવિદ્યા વિભૂષિત હોવા છતાંય દાદાની સરખામણીમાં કેવળ સાક્ષર છીએ. કવિ નામદેવ ઢસાળની ભાષામાં કહેવું હોય તો દાદાની તુલનામાં મને જો કોઈ પ્રશ્ન પૂછે કે, ‘તારી કક્ષા કઈ ?’ તો હું ‘મારી કક્ષા કહી શકીશ નહીં.’

મારા દાદા

લિલાવતી સાબણે

અમે બધાં મળીને છ ભાઈભાંડુઓ. તે પૈકીની બે બહેનોમાં હું મોટી. અમારા ભાઈભાંડુઓનું બાળપણ જે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે અમે ઉછર્યા, ત્યાંનાં અન્ય છોકરા-છોકરીઓ જેમ જ ગયું. ફરક એટલો જ કે અમારી પાસે દાદા હતા !

દાદાને કારણે અમારા ઘરમાં સદૈવ અભ્યાસનું વાતાવરણ રહેતું. રેલ્વે કૉલોનીનાં અમારા નાના ઘરમાં ઑપન ગૅલેરીમાં ટેબલ-ખુરશી નાંખીને ભાઈ (જે.ડી.) રાત્રે મોડે સુધી અભ્યાસ કરતા. એ ટેબલ લૅમ્પનો પ્રકાશ દૂરથીય દેખાતો હતો. તે જોઈને દાદા સાથએનાં બીજા વાલીઓએ પણ પોતાનાં છોકરા-છોકરીઓ માટે નિયમ ઘડ્યો હતો કે જ્યાં સુધી જાધવનાં ઘરનો દીવો બુઝાય નહિ ત્યાં સુધી તમારે પણ અભ્યાસ કરવો જોઈશે.

બા અમને બંને બહેનોને રસોઈ શિખવતી. રસોઈ બનાવતાં ન આવડે તો દિકરીનાં સાસરે તેમનો ‘ઉદ્ધાર’ ન થાય એ તેની ભાવના. છોકરીની જાત તરીકે આપણી દિકરીને બાજરીનો રોટલો ટીપતાં આવડવો જોઈએ. એય પાટલી-લેવણ લઈને નહિ, હાથેથી ટીપેલો. આવી તેની પાક્કી માન્યતા. હું મોટી હોવાને કારણે મારી પર વધારે જવાબદારી હતી. તેથી હું મન દઈને પ્રયત્ન કરતી. પણ નાની તૃષા ખૂબ નટખટ હતી. ચૂપચાપ દરવાજાનો આગળો ખોલીને એ રમવા નાસી જતી. દાદાની ભૂમિકા બાથી તદ્દન ઊલટી. દિકરીઓને ઘરબહારના વ્યવહારની સમજણ હોવી જ જોઈએ એવો દાદા આગ્રહ સેવતા. તેને કારણે પોસ્ટ ઑફિસમાં

કે બૅંકમાં કાંઈક કામ હોય તો દાદા જાણીજોઈને અમને બહેનોને એવાં કામો કરવા મોકલતા.

દાદાનું બાળપણ અતિશય આકરી અવસ્થામાં ગયું. રમવા-કુદવાનાં દિવસોમાં તેઓને પેટ ભરવા માટે કષ્ટ વેઠવા પડ્યાં. પણ, દાદાનાં સ્વભાવમાં ક્યારેય કટુતા આવી નહિ. ઊલટું, બાળપણની વાતો એ મજાથી કહેતા. બાળપણમાં ગામ હતા ત્યારે દાદીમાનો ઉપવાસ હોય કે દાદાને ખાવાના સાંસા. પછી તે નદીએ જઈ કરચલા પકડતા, ત્યાં જ તે શેકીને ખાતા અને સાંજે આવીને ઉપવાસ છોડતા.

પોતાનાં કષ્ટમય જીવનનાં પ્રત્યેક વિકટ અનુભવમાંથી દાદા શીખતા ગયા અને તેમાંથી જ તેમનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ ને વધુ વિશાળ થતો ગયો. દાદા ડૉ. આંબેડકરનાં સાચ્ચા અનુયાયી. ‘શિક્ષિત, સંગઠિત અને સંઘર્ષ કરો’ એ બાબાસાહેબનો સંદેશ તેમણે પોતાનાં જીવનમાં સંપૂર્ણપણે ઉતારવાનો મનથી પ્રયત્ન કર્યો.

દાદાનો આત્મવિશ્વાસ ખૂબ જ દૃઢ હતો. ‘મને, પહોંચે એવી લાંબી લાકડી લાવી આપો તો હું આ પૃથ્વીનો ગોળો ઊંચકી બતાવું.’ એવું કહેનારા આર્કિમિડિઝ જેવા. અમારા દાદા નાસ્તિક હતા, પ્રયત્નવાદી હતા અને કોઈપણ જાતની અંધશ્રદ્ધામાં નહિ માનનારા હતા.

મારા નાનપણની વાત. મારો ભાઈ સુધાકર એક વખત ખૂબ માંદો પડ્યો. ડૉક્ટર્સની સારવાર થઈ પણ અસર થતી નહતી. એનો પગ વળી જશે કે કેમ એવી ચિંતા બધાંયને થતી હતી. છેવટે, દાદી અને બાએ ભેગાં મળી એકાદ ભૂવાને બતાવવાનું નક્કી કર્યું. આ વાતને દાદાની સંમતિ મળવી અશક્ય હતી એ ધ્યાને લઈ દાદા ઘરે ન હતા ત્યારે એક તાંત્રિકને અમારા ઘરે નોતરવામાં આવ્યો. તાંત્રિકે પૂજાપો ગોઠવ્યો અને સુધાકરને લઈને બાઈને સામે બેસાડવામાં આવી. પૂજા પૂરી થયા પછી તે ભૂવાનાં શરીરમાં પવન ફૂંકાયો અને એ ધૂણવા લાગ્યો. અચાનક, અનપેક્ષિપણે દાદા ઘરે આવ્યા. પોતાનાં ઘરમાં ચાલી રહેલ આ બધું જોઈ તે ક્ષણભર સ્તબ્ધ બની ગયા. પણ, બીજી ક્ષણે રાતાચોળ થઈ, નિરંકુશપણે તે આગળ ધસી ગયા અને ધૂણતાં પેલા ભૂવાને એક સણસણતો લાફો થોબડામાં લગાવી દીધો. ભૂવાનાં શરીરમાં આવેલા માતાજી ઝટકે નીકળી ગયા અને પૂજાપો ત્યાં જ નાંખી જીવ બચાવવા તે નાસી ગયો. બા ગભરાતી થરથરતી ઊભી રહી હતી. દાદા હવે બાનેય ઝૂડશે કે કેમ એવી અમને ભાઈભાંડુઓને ભીતિ હતી. પણ તેમણે તેવું કાંઈ કર્યું નહિ. દાદાએ આકરાં શબ્દોમાં દાદીનો અને બાનો ઉધડો લીધો અને છોકરા માટે ડૉક્ટરોનો જ ઇલાજ કરવા તાકીદ આપી.

બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટમાં કામ કરતાં ચોથાઈ ભરીને દાદાને દૂરનાં પ્રવાસની સવલત મળતી હતી. દાદાએ એકવખત પોતાનાં સહકાર્યકર મિત્રો સાથે દિલ્હી-આગ્રા જવાનું ગોઠવ્યું. સાથે મને એકલીને લઈ જવા નક્કી કર્યું.

દિલ્હી-આગ્રાનાં ઐતિહાસિક સ્થળો જોતાં દાદા પ્રત્યેક સ્થાપત્યનાં વૈશિષ્ટની જાણકારી મેળવતા. પગે ચાલીને જોતા. લંબાઈ-પહોળાઈની ગણતરી કરતા અને પોતે શું જોયું, તે કેવું હતું એ બીજાને કહેવા માટે બધી માહિતી તે એક નોટમાં નોંધી રાખતા. એક વખત ક્યાંકનો મોગલકાલીન દરબાર અમે જોતાં હતાં. બંને બાજુ ચાંદીનાં વજનદાર સિંહો ગોઠવેલું આસન હું જોતી હતી. ત્યારે દાદાએ એકાએક મને ઊંચકીને એ આસન પર બેસાડી દીધી. હું તો ગભરાઈ ગઈ હતી. ઘરે આવ્યા પછી

‘આ કાંઈ સીધી સાદી છોકરી નથી. એ તો રાજસિંહાસન પર બેસીને આવેલી છોકરી છે.’ આ વાત તે બધાને આનંદપૂર્વક કહેતા.

તે જ પ્રવાસમાં, આપણે કોઈનીય મદદ ન જોઈએ કહેનાર દાદા મુંબઈમાંથી ચૂંટાઈ આવેલા એક સાંસદ પાસે ગયા. પાર્લામેન્ટનું કામકાજ જોવાનો પાસ તેમણે મેળવ્યો, અને આગ્રહપુર્વક ધાંને લઈ તે સંસદમાં ગયા.

પછી, ૧૯૭૧નાં વર્ષમાં શ્રી શંકર સાબણે સાથે મારાં લગ્ન થયાં.

મારા પતિ હાલમાં નાગપુરમાં વધારાનાં જિલ્લા ન્યાયાધીશ છે. ૧૯૭૬નાં વર્ષમાં તૃષાનાં શ્રી અમૃત નવગિરે સાથે લગ્ન થયાં. તેના પતિ હાલમાં મુંબઈમાં ખાદી ગ્રામોદ્યોગ મંડળમાં ઉપસંચાલક તરીકે રેશમ ઉદ્યોગનું કામ સંભાળી રહ્યા છે. અમે બંને બહેનોએ બીજા ભાઈઓની જેમ શિક્ષણમાં ઝાઝું ન ઉકાળવા છતાંય અમને સુખેથી સંસાર માંડતાં જોઈને દાદાને થનાર અમારા ભવિષ્યની ચિંતા દૂર થઈ. બંને જમાઈઓને દાદાનો ખૂબ મોટો આધાર છે.

દાદાની માંદગી વધતી ગઈ ત્યારે હું અવારનવાર તેમને મળવા મુંબઈ જતી હતી. એક સમયે પહાડ જેવા દેખાતા દાદા માંદગીમાં મળી ગયા હતા. ઊછીનું બળ મેળવી હું તેમની સાથે વાતો કરતી હતી. એક વખતે દાદાએ અમને ભાઈભાંડુંઓને જે માનસિક શાતા પૂરી પાડી તે પાછું વાળવાનું સામર્થ્ય અમ ભાઈભાંડુઓમાં ન હતું.

દાદા હવે હયાત નથી. પણ ઠેરઠેર તેમનું અસ્તિત્વ હું અનુભવું છું. દાદાનું સામર્થ્ય અનેક રીતે ફાલેલું મારાં ભાઈભાંડુઓમાં દેખાય છે. મને પોતાને જ્યારે માનસિક સ્વસ્થતાથી જરૂર હોય છે, તે વખતે હું મારામાં દાદાને શોધું છું.

દાદા એ કેવળ એક વ્યક્તિ નહતા. પણ કર્તવ્યશીલ પ્રવૃત્તિ હતા. કોઈપણ કુટુંબનાં દાદા ક્યારેય અદૃશ્ય નથી થતા તે ચિરંજીવ હોય છે.

મારા સસરા

પુષ્પા જનાર્દન જાધવ

આમ હું મોટા ઘરની દિકરી. જે. ડી. સાથે ૧૯૬૫નાં વર્ષમાં લગ્ન થતાં હું જાધવ કુટુંબમાં આવી. ત્યારે બધું જ કાંઈક જુદુ લાગ્યું. તે વખતે અમારું ઘર વડાલાનાં બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટ કૉલોનીમાં. નાનું શું ઘર. બે ઓરડીઓ, કિચન, નાની ગૅલેરી અને બાથરૂમ.

ઘર ચોથા માળે હતું. આટલા દાદર ચડવાની મને બિલકુલ આદત ન હતી. ઘરનાં બધાં લોકો દાદરા ચડવા ટેવાયેલાં હતાં. પણ મારો દમ નીકળતો. ઘરે રસોઈ પથ્થરીયા કોલસા પર થતી. આવી સગડી મેં પહેલીવાર જ જોઈ. સગડી પર રસોઈ કરતાં મને ખૂબ જ મુશ્કેલી પડતી. સગડી અને મારી વચ્ચે મોટાં વાસણો મૂકવાની શરૂઆત કર્યા બાદ મને ક્યાંક સરખી રસોઈ કરતાં ફાવ્યું. સાસુમાનાં રોટલા મોટા બનતા. એટલે કે મારી ચાર રોટલીઓનો એમનો એક રોટલો. પાણીનુંય મને આશ્ચર્ય હતું.ત દિવસમાં નક્કી કરેલાં સમયે પાણી આવે. એ વાત મારાં માટે નવી હતી. પાણી આવે કે સાસુમાને વાસણો ઘસવાની ઉતાવળ. એક નણંદ કપડાં ધોતી અને બીજી વાસણો ગોઠવતી. એક જ ઉતાવળ રહેતી. શરૂઆતમાં મને આમાનું કશુંયે સૂઝે નહિ. ધીમે ધીમે એનો મહાવરો થયો.

દાદા દેખાવે દૃઢ અને નિયમના પાકા હતા. એમને એમનાં કામ વિષયે ખૂબ અભિમાન હતું. લગ્ન પછી પહેલાં જ અઠવાડિયામાં મારા પતિ મને દાદાનાં જમવાનાં ડબા સાથે, તે જ્યાં કૅબિનમૅન હતા ત્યાં લઈ ગયા. ત્યાં દાદાએ તેમનાં અન્ય કામ કરનારાઓ સાથે મારી ઓળખાણ તો કરાવી જ, પણ કૅબિનમૅનનું કામ શું હોય છે, એ પ્રત્યક્ષ કરીને બતાવ્યું. ત્યાં સુધી રેલવે પ્રવાસમાં બધાં સ્ટેશનો પાસે આવેલી કૅબિનો મેં જોઈ હતી. પણ તેમનું કામ કેટલું દક્ષતાપૂર્ણ હોય છે એ મને તે દિવસે સમજાયું.

દાદાની પ્રબળ ઇચ્છાશક્તિનો પરિચય ૧૯૭૯નાં વર્ષમાં મને મળ્યો. તે વખતે તેમની કિડનીનું મોટું ઑપરેશન થયું હતું. ઑપરેશનનાં ચારપાંચ દિવસે સાહજિકતાથી પેટે હાથ ફેરવતાં એમનાં ઘા પરનાં ટાંકા ખૂલીને નહીં નહીં તો બાર-તેર ઈંચ લાંબો ઘા ખૂલી ગયાનું એમના ધ્યાને આવ્યું. આમ છતાંય જરાય ડગમગ્યા વગર સિસ્ટરને બોલાવી તેમણે શાંતથી શું થયું છે એ કહ્યું. પછી તત્કાળ નાની શસ્ત્રક્રિયા કરીને ફરીથી એ ટાંકા લેવામાં આવ્યા.

નાનાં છોકરાંવથી માંડીને મોટા માણસો સુધી દાદાની કોઈનીય સાથે દોસ્તી થતી. એમની પાસે અઢળક વાતો હતી. ક્યાં ક્યાંનાં વિનોદી ટચૂકા તે કહેતા રહેતા. મારી પ્રથમ દિકરી સચેતા. તે જન્મી ત્યારે દાદા પોતે દાદર જઈ એનાં નામકરણ વધિને દિવસે એક સુંદર લાકડાનું પારણું લઈ આવ્યા.

મને હિંદી સિનેમા ખૂબ ગમતી. મારી દિકરી માંડ બે મહિનાની થઈ હતી ત્યારે એક વખત એક સિનેમા જોવાનું આકર્ષણ ખાળી શકાતું ન હતું. મેં ગભરાતાં ગભરાતાં દાદાને કહ્યું. દાદાએ કહ્યું

‘તૂં કાંઈ ચિંતા કરતી નહિ. હું સંભાળીશ, ફક્ત એની દૂધની બાટલી આપ. એટલે થયું.’ અને પછી અમારા આવતાં સુધી એમણે દિકરીને વ્યવસ્થિત સાચવી. સિનેમા છુટ્યા પછી આવીને જોયું તો મારી દિકરી દાદાની સોડમાં શાંતિથી સૂઈ રહી હતી.

પછી ૧૯૭૬નાં વર્ષમાં જ્યારે મારા પતિ પ્રશિક્ષણ અર્થે ઇંગ્લૅન્ડ ગયા ત્યારે સસરાએ મારી તથા દિકરીની ખૂબ જ કાળજી લીધી. તે વખતે દિકરીને ફરવા લઈ જવી, એને નિશાળે પહોંચાડવી, લઈ આવવી - આ બધાં રોજિંદા કામો તે આનંદ સાથે પાર પાડતા.

દર મહિને એક ખાસ દુકાનમાંથી દાદા ખાસ્સી લોટરીની ટિકિટો ખરીદતા. એ ટિકિટો મને આપતા અને કહેતા ‘મને લોટરી લાગે કે બધાં પૈસા તું લઈ લે અને ભાઈ લંડન ગયો છે, તુંય જા. પરદેશ જોઈ આવ. છોકરીની ચિંતા કરીશ નહિ. હું કાચું-પાકું કાંઈપણ કરી આપીશ. પણ તું જઈ આવ.’

અલબત્ત, દાદાની લોટરી લાગી નહિ. પણ તેમના આશીર્વાદથી હં બે મહિના ઇંગ્લૅંડ જઈ આવી. તે વખત તેમને પોતે ઇંગ્લૅંડ આવ્યાનો આનંદ થયો હતો.

દાદાએ ખૂબ વેદના સહન કરી. કિડનીનું ઑપરેશન, અનેકવાર હાર્ટ ઍટેક. પેરાલિસિસનો હુમલો. આંખોનું ઑપરેશન. એક નહિ અનેક માંદગી વખતે દાદા ખૂબ બોલતા. તેમની શ્રોતા હું હતી. પોતાનાં દિકરાઓએ ભવિષ્યમાં કેટલા આગળ વધવું, શું કરવું એનાં સતત વિચારો કરતા. મારા પર કેટલી મોટી જવાબદારી છે, તે વારંવાર તેમની પાસેથી સાંભળવા મળતું. કેટલીક વખત અત્યંત ગંભીર માંદગીમાંથી ઊભા થયા પછી હસતાં હસતાં તે કહેતા :

‘હજુ ઉપર જગા ખાલી થઈ નથી. જગા થશે કે તે મને લઈ જશે.’ છેવટે ૧૯૮૯માં ઉપર જગા તો ખાલી થઈ પણ અમારા જીવનમાં તેમની જગા ક્યારેય ભરાશે નહિ.

અમારા દાદા

મંજૂ દિનેશ જાધવ

સસરાને મામાજી કહેવાનો રિવાજ છે ખરો પણ અમે વહુઓ અમારા સસરાને દાદા કહીને બોલાવતાં. દાદાય અમને વહુને હાક મારતાં, મમતાપૂર્વક. ‘એ છોકરી’ એવું જ સંબોધન કરતા. સાચું તો આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિમાં ‘સસરા’ શબ્દની ઉત્પત્તિ જ મૂળે ‘સાસરું’ એ શબ્દ પરથી આવી હોવી જોઈએ. વ્યક્તિગત મને તો ‘સાસુ’ આ શબ્દ ‘સહ આંસુ’ સરખાં સંબંધ વ્યક્ત કરનાર સમાન લાગે છે.

મારું પિયરનું નામ હતું પુષ્પા. ૧૯૭૧નાં વર્ષમાં લગ્ન થતાં હું જાધવ કુટુંબમાં જોડાઈ. તે વખતે વહુ તરીકે પુષ્પા પહેલાં જ ઘરમાં આવી હતી. નાની વહુ, એટલે મારું નામ બદલવું એવો સૂર વ્યક્ત થયો. મારા પતિદેવે મારું નામકરણ ‘મંજરી’ કર્યું. તે જ્યારે દાદાએ સાંભળ્યું ત્યારે ખડખડ હસવા લાગ્યા અને ‘માંજરી, માંજરી’ કહી મને ચિડવવા લાગ્યા. મને લાગે છે, સસરા-વહુનો તથાકથિત ભીતિદાયક સંબંધ ત્યાં જ પૂરો થયો હતો.

વૈવાહિક જીવનની સૌથી વધુ આનંદદાયી ઘટના એટલે પહેલી સુવાવડ. ગર્ભવતી સ્ત્રીઓને આંબલી, જામફળ, બોર જેવી ખાટી વસ્તુઓ ગમે એવું દાદાની ચોક્કસ માન્યતા હતી. ખરું તો મને એવું કાંઈ લાગતું ન હતું. તેને કારણે મારા પતિ આવી વસ્તુઓ ક્યારેય લાવતા નહિ. સંયુક્ત કુટુંબમાં સહજ સંકોચને કારણે દિનેશ તે લાવી શકતો નથી, એવું વિચારીને દાદા પોતે જ આંબલી, જામફળ મારાં માટે લઈ આવવા લાગ્યા. શરૂઆતમાં મને ખૂબ શરમ આવતી. પણ પછી તો એ મારો અધિકાર જ બની ગયો.

પિતાની મમતાની દાદાએ અમને ક્યારેય યાદ આવવા દીધી ન હતી.

પહેલાં, ક્યારેક ઘડિયાળી હોવાને કારણે કે કેમ, દાદા સમયપાલનમાં અત્યંત ચુસ્ત હતા. ચા, ન્હાવાનું, જમવાનું, બધી ક્રિયાઓ ચોક્કસ સમયે થવી જોઈએ એવો આગ્રહ તેઓ સેવતા. ક્યારેક શરતચૂકથીય ટાઇમટેબલ પીંખાય કે દાદા નારાજ થતા. પછી એકપણ શબ્દ બોલ્યા વગર તેઓ એક જ જગાએ બેસી રહેતા અને અમારાં બધાંય સાથે સંપૂર્ણ અસહકાર પોકારતા.

ડૉક્ટરોએ એમને કહેલ ચરી પાળવાનો અમે આગ્રહ કરી તો ડૉક્ટરોનો ઉદ્ધાર આમ થતો - ‘ડાક્ટરોમાં બુદ્ધો નથી બળ્યો હોતો.’

આ તેમને ગમતો સિદ્ધાંત. પણ, અમારામાંથી કોઈ માંદુ પડે તો ડૉક્ટર પાસે જવાની અમારા પર જબરદસ્તી. વડિલઓએ વ્હાલથી કરેલ આવી સખ્તાઈ ખૂબ ગમતી.

દાદાને દરેક કામ પોતાની જાતે કરી જોવાની ભારે હોંશ. મદ્રાસી નારિયેળવાળો જે કુશળતાથી નાળિયેર ચોલી આપે એ જોઈને ખૂબ જ નવાઈ લાગતી. તે પ્રયોગ તેમણે અનેક વખત કરી જોયો. છેવટે નાળિયેરને બદલે પોતાનો સાથળ છોલી નાંખવાનું પરિણામ નીપજ્યા પછી તે નાદ તેમણે છોડી દેવો પડ્યો.

મારાં ચાનાં ગાંડપણની એમને ખબર હતી. મારી પહેલી સુવાવડ પછી ઘરમાં બધાંય દવાખાનામાં બાળકનાં આનંદમાં મશગુલ હતાં, ત્યારે દાદાએ દવાખાનામાં આવીને પહેલીવાર પૂછ્યું - ‘છોકરી, તને ચા મળી કે ?’

મને ડિલીવરી પછી રૂમમાં લાવવામાં આવી, ત્યારે ચા અને જમવાનો બંનેનો સમય વીતી ગયો હતો. દાદાને તે ખબર પડતાં જ જાતે નીચે જઈને મારા માટે ચા લઈ આવ્યા. આ ભૂલવું ક્યારેય શક્ય છે કે ?

બીજાનાં મનની વાત એમને તરત ખબર પડી જતી. છોકરાઓ નાનાં હતાં ત્યારે તેમને શાળામાંથી પાછા લાવતાં. વિશેષતઃ વરસાદમાં અમારા હાલહવાલ થતાં. ઘેર આવતાં વાર થતી. ક્યારેક ક્યારેક પલળતાં આવવાનોય શિરસ્તો જ હતો. આવા વખતે આ બધી વાતોનો પહેલાંથી જ વિચાર કરીને દાદા ગીઝર પર પાણી ગરમ કરીને ચાનું આંધણ મૂકીને વાટ જોઈ બેસી રહેતા. અમે વહુઓ પર દાદા આ રીતે હેત વરસાવતા.

તેમની અંદરનો ખેડૂત કયારેય સંતુષ્ઠ થયો ન હતો. બાગમાં સતત ગમે તે કામ કરતાં રહેવું એ એમને ઉતરતી વયની આદત. જુદા જુદા ફૂલઝાડનાં બિયારણ લાવી બાગ ખીલવવાની એમની ખૂબ ઇચ્છા હતી પણ અસ્વસ્થ પ્રકૃતિને કારણે દુર્ભાગ્યે તે ફળદ્રુપ થઈ શકી નહિ. દાદાની ઇચ્છાશક્તિ અત્યંત પ્રબળ હતી. એક પછી એક તેમની પાછળ ચાલી આવતી માંદગીનો ને ધૈર્ય, ઉદાત્તપણે તેમણે સામનો કર્યો એ જોઈને આમેય અચંબામાં પડી જતાં. મને કાયમ થતું કે જે મનુષ્ય પોતે જ પોતાને ઘડે છે, કોઈનીય મદદ સિવાય દૃઢ નિશ્ચયથી પોતાને ઊભો કરે છે, તે આટલો દીરજવાન ન હોય તો જ નવાઈ.

દાદાએ ખૂબ માંદગી સહન કરી. એને હરાવી પણ ખરી. પણ છેવટે જન્મ લેનાર દરેક માટે મૃત્યુ અનિવાર્ય હોય છે તેમજ તે દાદાનેય આવ્યું. દાદા જીવન જીવી ગયા, એ પણ એકદમ સમૃદ્ધ. પોતાની કોઈપણ ઇચ્છા દબાવી રાખ્યા સિવાય. અને ગયા ત્યારેય તૃષ્ણપણે. કોઈપણ ‘અંતિમ ઇચ્છા’નો ભાર પોતાનાં છૈયાંછોકરાં પર નાંખ્યા સિવાય.

માતોસરી

ડૉ. નરેન્દ્ર જાધવ

‘અરે, કલેક્ટરની માતોસરી છું હું.’

આ તેને ગમતું વાક્ય. એક જ સમયે અમારા ઘરનાં અને ઘરે આવનારાં બધાંય નાનામોટાઓને આવતાં-જતાં તે તેમની પાસેથી સાંબળવું પડતું. આગળ જતાં ભાઈ (જે.ડી.) ચડતા ક્રમાં ઉપસચિવ, સચિવ, મુખ્યસચિવ એમ ઉચ્ચ શ્રેણીમાં ગયો ત્યારે તે સંપૂર્ણપણે મુંઝાઈ જતી. તલાટી કે મામલતદાર જેવા રાવસાહેબોની બળદગાડી આગળ દોડનારા પોતાનાં પૂર્વજોની જ તેને ખબર હતી. તેને કારણે તેની દૃષ્ટિએ કલેક્ટર એ જ બધાંયથી મોટો અધિકારી, આપણો દિકરો કલેક્ટર કરતાં મોટો થયો એટલે ચોક્કસ શું થયો છે એ તેમને સમજાતું નહિ. તેમાંથી ‘સેક્રેટરીની માતોસરી’માં ‘કલેક્ટરની માતોસરી’નું જોરકસપણું આવતું ન હતું. પછી તેણે તેની ટેવ ચોડી દીધી.

તેનું નામ સોનાબાઈ. સાચું તો એ અમારી બા. પણ અમે બધાંય નાનપણથી તેને ‘બાઈ’ કહેતાં આવ્યા હતા. કારણ કે અમારા ઘરમાં દાદીને બા કહેવાનો રિવાજ હતો. તેના નામમાંના ‘સોના’માંય તેવો વિશેષ અર્થ નહોતો. હજુ હમણાં સુધી હાથમાં ઘરેણાંય કથીરનાં જ.

બા પાસે દાદાની પ્રતિભા નહતી. એટલું જ નહિ, દાદાની સર્વસ્પર્શી બુદ્ધિમતાની છલાંગનું આકલન કરવાની ક્ષમતાય તેનામાં નહતી. પણ પોતાનો પતિ કાંઈક જુદું કરી રહ્યો છે અને ઝગડતાં ઝગડતાંય કેમ ન હોય, પણ તેને સંપૂર્ણપણે સક્રિય સાથ આપવો એ પોતાનું કર્તવ્ય છે અને પોતાનાં કુટુંબ માટે ત્યાગ કરવામાં જ પોતાનાં જીવનની સાર્થકતા છે, એ ભાવના સાથે બાઈ અમારા બધાં માટે પાયાનો પથ્થર બની રહી. કોઈકે કહ્યું છેને ? ‘ૈંં ૈજ ંરી રીટ્ઠઙ્ઘઙ્મૈખ્તરં ંરટ્ઠં ટ્ઠંંટ્ઠિષ્ઠંજ ંરી ટ્ઠંીંહર્ૈંહ હ્વેં, ૈં ૈજ ંરી ેહજીીહ ીહખ્તૈહી ંરટ્ઠં ર્ઙ્ઘીજ ંરીર્ ુિા.’

દાદાનું અમારા પરિવારમાં સ્થાન આગગાડીની હેડલાઇટ જેવું હતું. લક્ષ્યવેધી પણ તે જ પ્રમાણે દિશાદર્શક સુદ્ધાં. અલબત્ત, ગાડીનો ખરો આધાર સતત કાર્યરત રહેનાર પણ બહારથી ન દેખાનાર એન્જિન પર હોય છે. બાઈનું અમારા ઘરમાં સ્થાન બરાબર પેલાં અદૃશ્ય એન્જિન પ્રમાણે હતું.

બાઈ મને ધ્રુવ કહે છે. ઉચ્ચાર ‘ધુરવા’ જેવો. અમારા ઘરે કે અન્યત્ર કોઈપણ મને એ નામે ઓળખતું નથી. તે એકલી જ મને એ નામે બોલાવતી આવી છે. મારાં જન્મ વખતે એણે ટોપલો લઈ ફરવાનું બંધ કર્યું

-ત્યાં સુધીમાં અમારા કુટુંબની આર્થિક સ્થિતિ કદાચ સુધરી હતી. પણ, ‘ધુરવનો જનમ થયો અને તેણે મારી ડોક પરથી ટોપલો નીચે ઉતરાવ્યો’ કહેતી તે મને અકારણ શ્રેય આપતી. અલબત્ત, આવી ભ્રામક માન્યતામાંથી મળનાર ફાયદો ધ્યાને લેતાં તેનું અજ્ઞાન દૂર કરવાનાં ફંદામાં હું પડ્યો ન હતો, એ જુદું કહેવાની જરૂર નથી જ.

મારા નાનપણની બાઈ મને યાદ આવે છે. એ સતત કામ કરતી. સવારે અમે ભાઈભાંડૂુઓ જાગીએ તે પહેલાં વહેલી સવારથી તેનાં કામો શરૂ થઈ જતાં અને રાતે મોડે સુધી એમાં વિરામ જોવા મળતો નહિ. સવારની શાળા હોય ત્યારે છ વાગ્યાથી મારાં બધાં સહાધ્યાયી મિત્રો ‘પાઉં’વાળાની રાહ જોતાં અકડાઈને ઊભા રહેતાં. અમે ‘તેમાંનું’ કાંઈ બહારનું ખાવાનું ખાઈએ એ બાઈને બિલકુલ ગમતું નહિ. પતરાની ડોલ કાપીને એમાં માટી લીંપીને તૈયાર કરેલી એક સગડી અમારી પાસે હતી. બાઈ પરોઢિયે ચાર વાગે ઊઠીને એ સગડી સળગાવતી. અમે આંખો ચોળતાં ચોળતાં ઊઠતાં, એ એનાં ધુમાડાને કારણે. પણ, એટલી વહેલી સવારે બાઈ ગરમ ગરમ

ભાખરીઓ ટીપીને અમને ખવડાવતી અને એ પછી શાળામાં જવાનું થતું.

બાઈનું હિંદી મુંબઈનાં શિક્ષણમાં તૈયાર થયું હતું. તેને કારણ ‘તુમ નિચૂ જાના, મય પિછૂસે આતી હું’ અથવા ‘તુમને યે લડકે કો કાનફાડેમેં કાયકોચ મારા’ - આવાં વાક્યો તે બેધડક મજાથી ઝીંકતી. તેના ‘તેવા’ હિંદીમાં એ મારા જન્મ વખતનો એક પ્રસંગ વારંવાર કહેતી. દવાખાનામાં તેની પાસેનાં પલંગ પર એક પંજાબી સુવાવડી હતી. તેને પાંચ દિકરીઓ પછી છઠ્ઠી વખત વધુ બે જોડકી દિકરીઓ થઈ હતી. સતત રડતી અને કહેતી, ‘હમારા મરદ આબી હામકો ઘરમેં નહીં આનેકો દેયગા. તુમ યે દોનો લડકિયાં લેવ. અવર હમારે સે મંગતા ઉતના પયસા લેવ, લેકિન તુમ્હારા બચ્ચા હમકો દેવ’ વગેરે. નાનપણમાં હું બાઈની ઇચ્છા વિરુદ્ધ વર્તું કે તે મને એ પ્રસંગની યાદ અપાવતી.

‘મને એ બાઈનું ઘર ખબર છે, સમજ્યો કે. તૂં આવો અવળચંડો રહ્યો તો હું તને એ બાઈને આપી દઈશ અને પેલી છોકરીઓ લઈ આવીશ.’

આવી ધમકી મળતાં મારા માથે સરદારજીની પાઘડી ચડાવી છે અને મારાં બધાં મિત્રો મને એટલે ચીડવી રહ્યા છે, એવો ભાસ થતાં હું આકળવિકળ થઈ જતો. અલબત્ત, પછી બાઈ પર મને ગુસ્સો આવે કે ‘ત્યારે જ એ પંજાબણી સાથે જતો રહ્યો હોત અને સરદારજી થયો હોત તો સારું થયું હોત કે નહિ ?’ એવું એને સંભળાવી શેહ આપતો એ વાત નિરાળી છે.

અમારા નાનપણમાં તે કૃષ્ણની અને એવી વાતો મજાથી કહેતી. બાઈની વાતો એટલે પદ્યાત્મક ગદ્ય હતું કે ગદ્યાત્મક પદ્ય હતું એ સંશોધનનો વિષય હતો. પણ, ગીતો ગાતાં ગાતાં કહેલી તેની વાતો અને વિશેષતઃ એ ખીલવવાની એની હથોટી વિલક્ષણ હતી. કૃષ્ણની સખાની ફજેતીની વાતો અમે ભાઈબહેનો તેને વારંવાર કહેવા ફરડ પાડતા. એની વાતોમાં હૃદય સોંસરી ઉતારનારી વાત હતી ચિલયા બાળની. ચાંગુણેની સત્વપરીક્ષા જોવા સારુ ગોંસાઈનાં વેશમાં આવેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રિમૂર્તીએ માંસ સાથેનાં ભોજન માટે ચિલયાબાળનો શિરચ્છેદ કરવાનો આદેશ આપતાં અમારા ઘરનું વાતાવરણ ગરગીન થઈ જતું. ચિલયા બાળનું શિશ ખાંડણિયામાં નાંખી સાંબેલાથી કૂટવાનું. પણ તે કરતી વખતે પોતાની આંખમાંથી અશ્રુનું એક ટીપુંય ન પડવું જોઈએ. એ અતિથિદેવોની જીદ. અહીં અમારી આંખો ભરાઈ આવતી. ચાંગુણા સત્વ પરીક્ષામાં પાર ઉતરતાં અતિથિ તેને આંગણામાં જઈ ચિલયા બાળને હાક મારવા કહે છે. ચાંગુણા બહાર જઈ સાદ પાડે છે.

કડું પહેરલ બાળ

બાળ ચિલયા બેટા આવ.

હાર પહેરેલ બાળ

બાળ ચિલયા બેટા આવ

અને પછી, ચિલયા બાળ પ્રગટ થાય છે.

‘આવે દોડતું નાસતું,

માથાનાં વાળ ઉડાડતું.’

ચલયા બાળ જીવતો થાય કે અમારા જીવમાં જીવ આવતો. માથા પરનાં ફરફર વાળ ઉડાવતો સ્લો-મૉશનમાં દોડતો આવનાર ફૂટડો ચિલયા બાધ આજેય અમને નજરે દેખાય છે.

આમ બાઈનો મોટા ભાગનો સંવાદ ગીતોમાં જ રહેતો.

ગીત સાંભળતા દિનેશ દિવસેય ઊંઘી જતો. ઘણો સમય થયો, અમેરિકામાં હતો, ત્યારે ઘરની યાદ આવે કે હું આ બધાં ગીત ગાતો રહેતો. એ જોઈ વસુંધરાની પ્રતિક્રિયા રહેતી, ‘અરે શું કરવા એમને ઊંઘાડો છો. દિનકરરાવ અત્યારે ગાઢ નિંદ્રામાં જ હશે.’

ભારતીય સમય અને અમેરિકન સમય વચ્ચે દસ-સાડા દસ કલાકનો તફાવત ધ્યાને લઈએ તો એ વસ્તુસ્થિતી હતી. પણ પોતાનાં ઘરથી હજારો માઈલ દૂર હોઈએ ત્યારે મમતાની વિલક્ષણ હૂંફ એ ગીતોમાંથી મળતી, એ પણ એટલું જ સાચું છે.

બાઈ મનોમન હંમેશા મુંઝાતી એ ગીતોમાંથી સાકાર થતાં તેનાં પૌરાણિક જગતમાં. એક જુદી જ દુનિયામાંથી વ્યવહારુ દુનિયામાં આવવાની તેની મનથી જ ઇચ્છા ન હતી.

‘અત્યારે પૃથ્વીને શેષનાગે ઊંચકી રાખી છે.’ એ તેનો અતૂટ વિશ્વાસ. ૧૯૬૯નાં વર્ષમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પહોંચ્યો તે વખતે ચંદ્ર પરથી લીધેલી પૃથ્વીની તસવીરો પહેલી જ વખત પ્રકાશિત થઈ. ખૂબ ઉત્સાહથી તે રંગીન તસવીરો મેં બાઈને બતાવી. અને મોઢામોઢ પૂછ્યું, ‘આ જો આપણી પૃથ્વી ! બતાય, હવે તારો શેષનાગ ક્યાં છે એ ?’

તેણે શાંતિથી એ તસવીર પર નજર નાંખી અને પ્લેગ ન હોવાં છતાં મરેલા ઉંદર તરફ જોઈએ એવી તુચ્છ નજરે મારી સામે જોતાં માતોસરી બોલ્યાં, ‘ધુરવા, તું ગાંડો જ રહ્યો. અરે શેષનાગ તો ભગવાન છે ભગવાન. એ કાંઈ તમારા આ લોકનાં ફોટામાં આવે ખરો ?’

બાઈનું અજ્ઞાન દૂર કરવાનો પ્રયત્ન કરવો એ કેટલી મૂર્ખતા છે તે મને એ સમયે પહેલી વખત સમજાયું.

અમારો પરિવાર હવે કદમાં એટલો મોટો થયો છે કે તેને કારણે દુન્યવી અર્થમાંય અમે ચાર ભાઈઓ જુદા રહીએ છીએ. બાઈ મારી સાથે જ હોય છે. પ્રત્યેક પાસે બીજાની ચોકસાઈ કરતાં રહેવું એ માતોસરીનો પૂરા સમયનો ઉદ્યોગ. એનો ખાસ માનીતો દીકરો એટલે ભાઈ (જે. ડી.) જરાય કંટાળ્યા વગર રોજેરોજ અચૂક પૂછે : ‘ભાઈ, મુંબઈમાં છે કે લ્યા ? કેમ, ક્યાં ગયો છે ?’

આ પ્રશ્નોનાં જવાબ મારે આપવા પડતા. ક્યારેક ચીડાઈને હું કહેતો, ‘અલી, મને શી ખબર ? હું કાંઈ એનો સેક્રેટરી છું કે ?’

પણ તરત જ મને મારી ભૂલ સમજાતી. અમારે બધાંએ સતત એકમેકનાં સંપર્કમાં રહેવું જ જોઈએ એ એનો પ્રેમાળ આગ્રહ એ પ્રશ્ન પાછળ ડોકાતો. રોજ સાંજે નિત્ય નિયમ મુજબ એ સમાચાર જોતી, જુદી જુદી ઘટનાઓની જાણકારી મળે એ કરતાં પોતાનો એકાદ દિકરો સમાચારમાં દેખાય છે કે કેમ એ જોવાનો જ ખપ પૂરતો આશય એની પાછળ રહેતો. અન્યથા દૂરદર્શનનાં સમાચાર અને વિધાનસભાની સમીક્ષા વચ્ચેનો ફરક એને સમજાતો નહિ.

હું અને મારી પત્ની ઘરમાં ન હોઈએ ત્યારે બાઈ ફોન લેતી. પણ ફોન કરનારનાં નામ કાયમ ભૂલી જતી. આશરે કોઈપણ નામ પૂછીએ તો હા, હા, આવું જ કાંઈક નામ હતું. એમ કહી એ છૂટી પડતી.

ખરી મજા તો અમે ઘરે ન હોઈએ અને કોઈક આવી જાય ત્યારે થતી. નામ તો તેને યાદ રહેતાં જ નહિ. પછી વર્ણન કરી આશરે અંદાજ બાંધવો પડતો. આવા વખતે અમારા સંભાષણની ગાડી એકદમ કાયમી પાટે ચાલતી...

‘ધુરવા, એક બાબા આવ્યા હતા.’

‘સારું. શું નામ ?’

‘જો ને આવું જ કાંઈક હતું.’

‘દેખાવે કેવા હતા ? ઊંચા ?’

‘હા, ખાસ્સો ઊંચો હતો.’

‘ગોરો હતો કે કાળો ?’

‘આમ તો ગોરો જ હતો.’

‘સારું, જાડો હતો કે પાતળો ?’

‘આમ તો જાડીયો-પાડીયો જ હતો.’

‘પણ પછી, થોડો ઢીંચકો હશે ?’

‘હા, મને લાગે છે, ઢીંચકો જ હતો.’

‘તો તો એ ગોરો શાનો, કાળો જ હશે ?’

‘હા આમ કાંઈ યુરોપેન ન’તો, સાધારણ કાળો જ હતો.’

આવી ગયેલો પેલો માણસ, એક જ વખતે ગોરો અને કાળો, જાડો અને પાતળો, ઊંચો અને ડીંચકો હોઈ શકે, એટલું જ નહિ એ વ્યક્તિનું વર્ણન સાને ગુરુજીથી માંડી છેક આચાર્ય અત્રે સુધી બધાંયને લાગુ પડવાનો ચમત્કાર થતો !

પરમ દિવસ તો એકદમ ગજબ થયો. જયંત દળવીનાં સત્કાર પ્રસંગે કાર્યક્રમમાં દૂરદર્શન પર શ્રી પુ. લ. દેશપાંડેનું ભાષણ ચાલતું હતું. એ જોતાં જ બાઈ અચાનક બોલી, ‘ધુરવા. આ બાબાને મેં ઓળખી કાઢ્યા.’ મેં મનમાં કહ્યું, ‘વાહ ! પુ. લ. દેશપાંડે તો મહારાષ્ટ્રનાં લાડકા આદર્શ વ્યક્તિ, એમને અમારા માતોસરીય બરાબર ઓળખે છે.’

માતોસરીનાં એ પછીનાં પ્રશ્ને હું એકદમ ધરતી પર આવી ગયો.

‘ધુરવા, આ બાબાએ દાઢી કઢાવી નાંખી છે કે ?’ પુ. લ. અને દાઢી ? મને કાંઈ સમજાતું નહતું. પુ. લ.નો દાઢી વધારેલો ચહેરો કેમેય નજરે ચઢતો નહોતો. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘તું ક્યારે આ બાબાને જોવા ગઈ હતી ?’

‘અલ્યા, આમ શું કરે છે ? આ બાબા આપણા ઘરે આવ્યો નહતો કે ? સરસ મોટા બોકડા જેવી દાઢી હતી એને ?’

અચાનક મારાં મનમાં ઝબકારો થયો. અમારા માતોસરી પુ. લ.ને શું સમજી રહ્યા છે ? વિજય તેંડુલકર ?

અમે બધાં ભાઈબહેન અવારનવાર મળતાં. પરિવારનાં ઓગણીસ સભ્યોનો ઘરમાં કોલાહલ શરૂ થાય કે બાઈનો આનંદ પરમ અવધિએ પહોંચતો. સાચું કહું તો સગાઓનાં વંશવારસો સાથે સંવાદ સાધવો બાઈ માટે ખૂબ જ મુસ્કેલ બનતો. પણ તેને કારણે કાંઈ અડચણ પણ નહતી. એકાદ ચિરંજીવી જાતે એની સાથે વાત ન કરે તો ‘કેમ અલ્યા, તારા બાપાની હું સગ્ગી મા જ છું હોં ?’ આવો સજ્જડ દમ મારવામાં એ આગળપાછળ જોતી નહિ.

સગાંવહાલાં તો ઠીક, કેટલીક વખત અમને ભાઈભાંડુઓનેય બાઈ સાથે સંવાદ સાધવામાં તકલીફ થતી. કોઈક સંદર્ભે મેં એક વખત તેને કહ્યું, ‘કુવામાં પાણી જ ન હોય તો ઘડામાં ક્યાંથી આવે ?’ માતોસરીએ એનો અર્થ તારવ્યો, ‘બા-માં જ ન હોય, તો છોકરામાં ક્યાંથી આવે ?’ આવો.

બીજા અને ચોથા શનિવારે સરકારી કર્મચારીઓની રજા હોય છે. એ ગણિત એનાં મગજમાં બરાબર ઠસી ગયું. તેને કારણે દરેક શનિવાર પછી બીજા શનિવારે એ કાયમ મને પૂછતી, ‘ધુરવા, આજે તારી શનિવારની રજા નહિ કે ?’ ચહેરો નિર્વિકાર રાખીને રિઝર્વ બૅંક દર શનિવારે ચાલુ હોય છે એ વાત છેલ્લા સેંકડો શનિવારથી કંટાળ્યા વગર માતોસરીને સમજાવતો આવ્યો છું.

સાંજે અમારા ઘરની આસપાસ એ ફરવા જાય ત્યારે અમે ગમે તેટલો આગ્રહ કરીએ તોય બાઈ ચશ્મા પહેરતી નહિ, કે ાધાર માટે લાકડી રાખતી નહિ. ચશ્મા પહેરીને હાથમાં લાકડી રાખીએ તો ‘લોકો ડોશી કહેને !’ એવી તેને બીક લાગતી. વાસ્તવિકતા જોઈએ તો આંધળો ન હોય એવો કોઈપણ વ્યક્તિ ‘બાઈ ડોસી નથી’, એ કહી શકે નહિ. પણ આ માતોસરીને સમજાવે કોણ ?

ઘરનાં લોકોનાં નામ અને ઉંમર કહેતાં બાઈ કાયમ ગોટાળા કરતી. વય કહેતી વખતે અમારા ભાઈભાંડુઓની ઉંમરમાં અચાનક પાંચ વર્ષ ઓછા થતાં અને વહુઓની ઉંમરમાં તેટલો જ વધારો થતો. તેને કારણે એનાં હિસાબે અમારા પરિવારની બધીય વહુઓ પોતાનાં પતિ કરતાં ચોક્કસ મોટી હતી. હમણાં જ થોડા સમય પહેલાં હું અને મારી પત્ની ઘરમાં ન હતાં ત્યારે મતદાર યાદી તૈયાર કરનાર લોકો ઘરે આવી ગયા. એનું પરિણામ એવું આવ્યું કે મારું નામ ‘નરિન્દર’ એમ પંજાબી લઢણ પર ગયું અને વસુંધરાનું ‘વસુબાઈ’ થયું. આથી જ્યારે અમે મતદાન કરવા ગયા ત્યારે ત્યાંના સરકારી કર્મચારીઓ ખૂબ જ શંકાપૂર્વક જોઈ રહ્યાનું અમને સ્પષ્ટપણે દેખાઈ આવ્યું.

અચાનક આવેલ શ્રીમંતાઈની મસ્તી આવે છે એમ કહેવાય છે. પણ ગરીબીનો ‘હૅંગ ઓવર’ જળવાઈ રહે છે એય એટલું જ ખરું છે. બાઈનેય બરાબર એવું જ થયું. કરિયાણાનો સામાન ઘરે આવે કે માતોસરી એ પડીકીઓને વીંટાળેલા દોરા વ્યવસ્થિત એકબીજા સાથે ગાંઠ મારી વીંટાળી દડો બનાવતી, ‘આગળ પાછળ કામમાં આવે’ કહીને.

બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટ તરફથી બાઈને પેન્શન મળતું ત્રણસો રૂપિયાની આસપાસ. પેન્શનને તે ‘પેનસલ’ કહેતી. ‘પેનસલ લઈને આવનાર પોસ્ટમૅનની વાટ જોવી એ બાઈનો એક બહુ માનીતો ધંધો. બાઈનું પેન્શન એ અમારા કોઈનીય ગણતરીમાં ન હતું. પણ બાઈને એનું અભિમાન હતું. પોસ્ટમૅનને પેન્શન મનીઑર્ડર લાવવામાં જો એક દિવસ પણ મોડું થાય તો બાઈ આકુળવ્યાકુળ થઈ જતી. છેવટે એક વખત એ મનીઑર્ડર આવી જાય કે બાઈ પોસ્ટમૅનને આઠ આના બક્ષીસ આપતી, તેની દૃષ્ટિએ તે ઉદારતાનાં શિખર પરનો કળશ હતો. મને એ પોસ્ટમૅનની દયા આવતી. પેન્શન માટે બાઈની અસ્વસ્થતા જોઈ એક વખત ચપચાપ મેં પેલા પોસ્ટમૅનને દસ રૂપિયા આપયા અને મનીર્ડર સમયસર પહોંચાડવા સૂચવ્યું. પોસ્ટમૅને પૈસા લીધા, મને સલામ કરી અને કહ્યું, ‘સાયેબ, સાચું કહું કે ? દાદીમા પાસેથી પાવલી મળતાં જે ખુશી થાય છે એ તમારા દસ રૂપિયામાં નથી થતી.’ પછી તો કેવળ મને મારી દયા આવી.

બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટ તરફથી બાઈનાં પેન્શન સંબંધી અવારનવાર મળતાં પત્રો હું નિયમિતપણે સંતાડી દેતો, કારણ પાંચ દસ રૂપિયાનાં વધારા સારુ કરવી પડતી દોડાદોડી મારે નહોતી જોઈતી. કોણ જાણે ક્યાંથી બાઈને આવા પેન્શન વધારાની માહિતી અચૂક મળી જતી.

હમણાં જ એક વખત જ્યેષ્ઠ કામદાર નેતા ડૉ. શાંતી પટેલ કોઈક કામ નિમિત્તે અમારા ઘરે આવ્યા હતા. છેલ્લા અનેક વર્ષોથી તેઓ બૉમ્બે પોર્ટ ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી છે. તેમની બાઈ સાથે ઓળખાણ કરાવતાં મેં કહ્યું, ‘આ બી.પી.ટી.નાં મોટા સાહેબ છે, સમજી !’ પોતાના ઘરે આવેલા મહેમાન બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટનાં સાહેબ છે, એ ખબર પડતાં જ માતોસરીની આંખો આનંદથી ચમકી ઊઠી. આગળ આવીને તે બોલી, ‘સાયેબ, પેલા મારા પેનસલનાં ત્રીસ રૂપિયા વધવાનાં હતાં તેનું શું થયું ?’ પૉર્ટ ટ્રસ્ટનાં કરોડો રૂપિયાનો વ્યવહાર સંભાળનાર ડૉ. શાંતી પટેલ ક્ષણભર ગોથું ખાઈ ગયા. પણ તરત જ પોતાને સંભાળતાં બોલ્યા, ‘આ તમારો છોકરો છે ને, એ ત્રીસ કરોડનો છે. તમે શાને ત્રીસ રૂપિયાની વાત કરો છો ?’

‘એ રહેવા દો ઓ સાયેબ, મને તીસ રૂપિયા વધીને ક્યારે મલસે એ પહેલાં કહો.’

માતોસરીનાં પૈસાનો હિસાબ એ સ્વતંત્ર સંશોધનનો એક વિષય છે. સાચું કહું તો તેને વીસથી આગળ ગણતાં આવડતું નથી. સો એટલે પાંચ ‘વીસા’ એવું તેનું ગણિત હોય છે. અંગ્રેજી કૅલેન્ડરનાં મહિના તેને સમજાતાં નથી. ‘ચઈતર’, ‘વૈશાખ’, ‘અષાઢ’, ‘સરાવણ’ એ જ પારંપરિક પદ્ધતિથી તેની કાલગણના ચાલે છે. તેમાંય પૈસાની બાબતમાં તદેને કોઈનીય પર વિશ્વાસ ન હતો. બૅંકમાં તેનાં નામે જમા થાપણ પર મળતું વ્યાજ સમયસર રોકડા ઉપાડી ન લઈએ તો બૅંકનાં અધિકારી અને કર્મચારીઓ એ પોતાનાં ખિસ્સામાં ઘાલે એ માતોસરીની દૃઢ માન્યતા છે. હું પોતે રિઝર્વ બૅંકનો વરિષ્ઠ અધિકારી હોવાં છતાં આ બાબતે કાંઈ કરી શકું એ વાતે તેને વિશ્વાસ નથી.

જુદી જુદી બૅંકોમાં નાનીમોટી રકમોની અનેક બાંધી મુદતની થાપણો માતોસરીનાં નામ પર છે. એ થાપણોની રસીદો બીજાને આપવાથી કાંઈ થાપણની મુદત ક્યારે પૂરી થાય એનું ધ્યાન રાખી શકાય. એવું મેં સૂચવી જોયું. પણ વ્યર્થ. તે બધી રસીદો પોતાની થેલીમાં જ સાચવી રાખવાનું માતોસરી પસંદ કરતી. હવે, અંગ્રેજી કૅલેન્ડર ન સમજનારી બાઈને મુદત પૂરી થયાનું ભાન ક્યાંથી હોય. એ પ્રશ્ન કોઈનેય થાય. પણ વાસ્તવમાં કાંઈપણ મુશ્કેલી પડતી નહતી. કોણ જાણે કોને ખબર, પણ મારી ઑફિસમાં જવાનાં સમયે હાથમાં એકાદ રસીદ લઈને ડગુમગુ ચાલતી બાઈ મારી પાસે આવીને કહેતી : ‘ધુરવા, આ પૈસા ક્યારે મળવાનાં છે, જો તો ?’

એ રસીદ જોઈ મને નવાઈ લાગતી. કારણ પછીનાં બે ત્રણ દિવસમાં જ તે થાપણની મુદત પૂરી થવામાં હતી. અંગ્રેજીની ગંધ પણ નહતી એવા માતોસરીએ પોતાની પાસેની સંખ્યાબંધ રસીદોમાંથી ચોક્કસ મુદતે પૂરી તવા આવેલ રસીદ જ કાઢી આપેલી હોય.

‘દાદીમાની પાસે કયું ચમત્કારિક ઘડિયાળ છે’ એ પંક્તિનો અનુભવ ફક્ત બાળપણમાં જ મળવો જોઈએ એવું થોડું જ છે ?

બૅંકોની રસીદોનું ધ્યાન રાખવાનું જેવું તેનું એક સ્વતંત્ર તંત્ર છે, તેવું જ જુદે જુદે ઠેકાણે ધ્યાન રાખવાની એની પાસે યુક્તિ હતી. વર્ષો પહેલાં વડાલા રહેતાં હતાં ત્યારે અમારા ઘરમાં આવતી કેટલીક ખાસ વસ્તુઓ ‘આંબલી’ નીચેની દુકાનમાંથી લાવવામાં આવતી. આંબલીનાં ઝાડ નીચેની દુકાન જોવાની મને ખૂબ ઉત્સુકતા હતી. તે સિવાય જો એ ઝાડ પડી જાય તો દુકાન ઓળખવી શી રીતે એની મને અકારણ ચિંતા થતી હતી. ઉત્સુકતા કાબુમાં ન રહેતાં એક વખત તો હું તે દુકાન શોધવા ખૂબ ફર્યો. આંબલીનું ‘તે’ ઝાડ કાંઈ કરતાં મળે જ નહિ. હા ‘તે’ દુકાન મળી. કારણ એ દુકાન પર વંચાય એવા અક્ષરમાં એક પાટીયું લખી રાખ્યું હતું, ‘આજ એ આંબલી નીચેની પ્રસિદ્ધ દુકાન.’ આ પાટીયું અલબત્ત, વાંચી શકનાર મારા જેવા જ અનભ્યસ્ત લોકો માટે લગાવવામાં આવ્યું હોવું જોઈએ !

કોનો સંસાર કેવો ચાલી રહ્યો છે, એ જાણવાની બાઈની કસોટી તદ્દન સરળ હતી. જે ઘરમાં ઢગલો વાસણો હોય એ સંસાર રુડો. એને કારણે અમારા ઘરમાં બાઈએ વસાવી રાખેલાં અસંખ્ય નાનાંમોટાં વાસણો છે. એમાંનાં ખાસ મોટાં વાસણો તો ક્યારેય વાપરવામાં આવતાં નથી પણ અવારનવાર એને ઘસી-માંજીને ચમકાવીને ઉપરની અભરાઈ પર ગોઠવવામાં માતોસરી ધન્ય થતાં. આ વાસણો ખરીદતી વખતે બાઈ એની પર નામ લખાવી લેતી. નામોય ખાસ પોતાના દીકરાઓનાં કે પૌત્રોનાં છોકરીઓ કે એમનાં છોકરાઓ પારકાં હોવાને કારણે એમનાં નામો વાસણો પર લખાવવાનું યુક્તિપૂર્વક બાઈ ટાળતી.

કોઈનાય મોં-ફાટ વખાણ કરવાનું બાઈનાં સ્વભાવમાં નથી. કેવળ એક વખત તેવો યોગ આવ્યો. અમે બહિણાબાઈનાં ગીતોની કૅસેટ સાંભળતાં હતાં. એ ગીત કાને પડતાં જ માતોસરી ત્યાં આવીને મ્યુઝિક સીસ્ટમ સામે સ્થાનગ્રહણ કરીને બેસી ગયાં. બરાબર કાન માંડીને એણે બધાં ગીતો સાંભળ્યાં. કૅસેટ પૂરી થયા બાદ મેં તેને બહિણાબાઈ વિશે કહ્યું, તે સાંભળી એણે પ્રતિક્રિયા વ્યક્ત કરી. ‘અરે, આ બાઈ દેવાંગના હશે, દેવાંગના !’ તે પહેલાં કે તે પછી કોઈનાય આટલાં વખાણ કરતાં બાઈને અમે ક્યારેય જોઈ નથી.

અમારા દાદાને બાઈ ‘ઓ જાધવ’ એમ સરળતાથી બોલાવતી. પોતાનાં પતિને અટકથી બોલાવવાની રીત કેટલાંકને વિચિત્ર જણાતી હશે, પણ તેમ હતું ખરું. દાદા-બાઈનાં સ્વભાવમાંનું અંતર ધ્યાને લઈએ તો તેમની વચ્ચે તકરાર અનિવાર્ય હતી. દાદાનો ગુસ્સો કૃત્રિમ હોય તો ‘સોનુ, તું તો ગધાડી જ રહી.’ એવું બોલી દાદા મોકળા થતા. પણ દાદા સાચ્ચે જ ગુસ્સે થયા હોય ત્યારે બાઈ સાથે બધાંની બોલતી બંધ થવાનો વખત આવતો. તેથી ઊલટું સીધા ઊંચા સાદે બોલવા કરતાં વાંકુ બોલીને પ્રહાર કરવાનું બાઈને ગમતું. જો અમારા ભાઈભાંડુઓ પર એકદમ ગુસ્સે થઈ હોય તો એકાદોય ત્રાંસો ઘા દાદા તરફ જતો પછી, ‘ખાણ તેવી માટી, અને ઔલાદ પર જાતી’ કે એમ અમારો ઉદ્ધાર થતો હતો.

બાઈ-દાદા વચ્ચેનો પ્રેમ દેખાતો હતો, તે જલેબી ખાતી વખતે.

જલેબી બંનેનેય ખૂબ ગમતી. ગરમાં ક્યારેક જલેબી લાવ્યા હોય ત્યારે પ્રેમથી એકબીજાને આગ્રહ કરતાં બંનેને જલેબી ખાતાં જોવાં એ અમારાં બધાંય માટે એક આનંદનું સંભારણું હતું. સંધ્યાનાં ઓળા ઊતરી આવ્યાનાં સમયે સાહચર્યનો તે એક નિતાંત સુંદર આવિષ્કાર હતો.

દાદા અને બાઈ, બંનેયને ડૉક્ટર પાસે જવું ગમતું, પણ ડૉક્ટર પર બંનેની સતત નારાજગી. ડૉક્ટર વધારે ચરી પાળવા કહે કે દાદા એમની મશ્કરી કરતાં હોવાં છતાંય મનોમન એમને ડૉક્ટર્સ પર શ્રદ્ધા હતી. તેથી ઊલટું માતોસરીનું. બધાંય ડૉક્ટરો એક સરખાં. મીઠું મીઠું બોલીને આપણા ભોળા છોકરાઓ પાસેથી પૈસા ઓળવી અને પૈસા પડાવતાં ફાવે એટલે જ જાણી જોઈને એને સાજી કરતાં નથી, એવી બાઈની ચોક્કસ ધારણા હતી. આમ છતાંય વર્ષે બે વરેષે દવાખાનામાં ‘ઍડમિટ’ થવાનું બાઈને મનોમન ગમતું, કારણ કે તે નિમિત્તે બધા આપ્તજનો આવીને મળતાં, સંદેશાની આપલે થતી અને પછી માતોસરી ખીલતાં. અન્યથા ગમે તેટલું કહીએ તોય ઔષધનો પોતાની ઉપર સતત મારો કરવાનું એ પડતું મૂકતી ન હતી. એટલું જ નહિ પણ અમે પતિપત્ની ઑફિસે ગયા પછી પેટમાં અલ્સરની પીડા થતી હોય છતાંય લીલામરચાંની તીખીતમતમતી ચટણી બનાવી ખાવાનો મોહ એ ટાળી શકતી નહતી.

બાઈના મનનો સેહલાઈથી તાગ મેળવી શકાતો નહિ. ‘અમારો બાપ’ની પ્રથમ આવૃત્તિ નિમિત્તે થોડાં મહિના પહેલાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં એક લેખ પ્રસિદ્ધ થયો હતો. તેમાંની દાદાની તસવીર જોઈને હું હરખાઈ ઊઠ્યો. ખૂબ જ ઉત્સુકતા અને અભિમાન સાથે મેં તે બાઈને બતાવ્યો. તે પરની માતોસરીની પ્રતિક્રિયા શું હોવી જોઈતી હતી ?

‘અલ્યા, કેમ તારા બાપાની નવાઈ લાગે છે. એ કાળો તો હતો.’ જીવનનું સમગ્ર કતૃત્વ જાણે ગોરા હોવામાં જ સમાયેલું હોય છે !

હજુ હમણાંની જ વાત છે, ‘ધી વીક’ - એ અંગ્રેજી સાપ્તાહિકનો પત્રકાર, ‘અમારો બાપ’ સંદર્ભે મારી મુલાકાત લેવા ઘરે આવ્યા હતા. બાઈને મળ્યા પછી તેનીય મુલાકાત લેવાની ઇચ્છા તેણે વ્યક્ત કરી. ખબરપત્રી મદ્રાસી હોવાને કારણે દુભાષિયાની જવાબદારી અલબત્ત મારા પર.

પત્રકારે પૂછ્યું :

‘દાદા કેવા હતા ?’

માતોસરી બોલ્યાં :

‘કાળો હતો. પણ સારો હતો.’

પત્રકારે લખ્યું, ‘હી વૉઝ ડાર્ડ બટ હેંડસમ.’

પ્રશ્ન પૂછવામાં આવ્યો :

‘તમને દાદાનાં કયા ગુણ વધુ ગમતા ?’

‘મને એ જ ગમતું કે ક્યારેય દારૂ નહોતો પીધો. ક્યારેય ગાળાગાળી કરી નહતી. વિશેષ કહું તો મારા પર ક્યારેય હાથ નહોતો ઉપાડ્યો.’

એ વાતાવરણમાં ઉછરેલી એ પેઢીની સ્ત્રીઓ પોતાનાં પતિ પાસે કેટલી સાદી અપેક્ષા સેવતી એનું આ પ્રતિનિધિરૂપ ચિત્ર કહેવું પડશે.

દાદા ગયા પછી માતોસરી હવે ભાંગી પડ્યાં છે. આજકાલ તેઓ રોજ કાગડા સાથે વાતો કરે છે. તેમને પ્રેમથી ખવડાવે છે. વાસ્તવમાં એક કાળા રંગને બાદ કરતાં દાદા અને કાગડામાં કાંઈપણ સામ્ય નથી, પણ, કાગડાનાં સ્વરૂપમાં દાદા તેને મળવા આવે છે, એવી તેની ગાઢ શ્રદ્ધા છે. રોજ સવારે અને બપોરે પોતે જમતાં પહેલાં ‘જાધવ આવ્યા લાગે છે’ એમ ગણગણતી ઉતાવળે એ કાગડાને ખવડાવવા જાય છે. વચ્ચે વચ્ચે માતોસરી કાગડા સાથે ઝગડતાંય હસે એવી શંકા જાય છે.

માતોસરીની આ બાળકબુદ્ધિ પર અમને કોઈનેય વિશ્વાસ બેસવો શક્ય જ નથી. પણ, આજે નહીં તો કાલે માતોસરી જો કાગડાને જલેબી ખવડાવે તો અમારી આંખો અશ્રુભીની નહિ થાય એની હામી અમે કોઈ આપી શકતાં નથી.

ભાગ-૨ દાદાની આત્મકથા

નાનપણની વાતો

અમારું ગામ ઓઝર. નાશિક જિલ્લાનું. તાલુકો નિફાડ. અમારા કુળનો મૂળ પુરુષ સિવા. પછી એનાં પછી અર્જુનબાબા, મકાબાબા, સુકાબાબા. સુકાબાબાને બે છોકરાં - પુંજાબાબા અને રુંજાબાબા. રુંજાબાબા એટલે મારો બાપ. પુંજાબાબા મોટો. એનો ભારે દબદબો. પુંજાબાબા અને રુંજાબાબાની પત્ની સગી બહેનો. મોટીનું નામ રાધાબાઈ અને નાનીનું નામ ગઉબાઈ. પુંજાબાબા અને રાધાબાઈ નાનાભાઈને અને ભાભીને ખૂબ ત્રાસ આપતાં. ક્યારેક ક્યારેક લાકડીથી મારતાં. ખાવાનો અને કપડાનો ખૂબ ત્રાસ આપતાં. પછી ગામનાં લોકોએ તેમનાં મા-બાપને સંદેશો મોકલાવ્યો કે તમારી નાની છોકરીને ખૂબ ત્રાસ થાય છે. તેને માટે કાંઈક કરો. છેવટે ગામનાં લોકોએ પંચાયત બોલીને પુંજાબાબાને દમ માર્યો કે તું મોટો ભાઈ હોવાં છતાં તેની સાથે દાડિયાની જેમ કેમ વર્તે છે ?

ગઉબાઈને એકેય છોકરું થયું નહિ. પછી કેટલાક ડાહ્યા માણસોએ રુંજાબાબા માટે આક્રાળામાં લગ્નસંબંધ જોયો. તે ભિઉ નિંબાની છોકરી, રાહીબાઈ. તે મારી મા, મારી મા બધાયમાં નાની. તેનાં બે ભાઈ. તેમનાં નામ ચાહાદૂ અને હારી. બે બહેનો, સોનું અને રેઉ.

મારે એક ભાઈ અને બે બહેનો. મારો ભાઈ, નામદેવ નાનપણમાં જ મરી ગયો. એક બહેન, કોંડી પણ નાનપણમાં જ મરી ગઈ. બીજી બહેન, નાજુકા હજીય જીવે છે. મારાં બે પિત્રાઈ ભાઈ, મોટો કચર અને નાનો માધવ, કચરનો મારી પર ખૂબ જ જીવ હતો, પણ એ પ્લેગમાં મર્યો. માધવ હમણાં જ થોડા વર્ષ પહેલાં મર્યો.

મારો જન્મ ૧૯૦૯-૧૯૧૦નો હોવો જોઈએ, કારણ ખાસ્સા ઠેકાણે મેં ચોકસાઈ કરી. તે વખતે અમે મજૂરી કરીએ. ખેતરમાં કામ કરીને અને પસાયતાનું કામ કરીને જેમ તેમ નભી રહ્યાં હતાં. પસાયતાનાં કામો એટલે ગામમાં રોટલા માગવા, લોકોને ચોરામાં બોલાવી લાવવા, ઢોરનાં ડબા સંભાળવા, મૈયતનાં સંદેશા પહોંચાડવા, સરકારી અધિકારીઓની સેવા કરવી, દશેરાને દિવસે પાડાનો વેશ ફેરવવો, તેને પાટિલ તોડી નાંખે પછી એનાં ડોકાં પુરવાં - આવાં અનેક કામો રુંજાબાબાને કરવાં પડતાં.

હું સાધારણ ચાલવા લાગ્યો હોઈશ, તે ટાઇમે અમારા ખેતરમાં મગફળી વાવી હતી. બા અને કેટલીક બાઈઓ મજૂરીએ હતી. મગફળી નીંદવાનું કામ ચાલતું હતું. પાસે જ પાણીનો ધોરિયો વહેતો હતો. મને એક ઝાડ નીચે બેસાડ્યો હતો.

હું હાથમાં લોટો લઈને ધોરિયે ગયો. પાણી ભર્યું. પણ હું ધોરિયામાં પડ્યો અને તણાવા લાગ્યો. તે કેટલીક બાઈઓએ જોયું. પછી બૂમાબૂમ થઈ. બધી બાઈઓ ભેગી થઈ. મારી પિત્રાઈ, બજાઉ કાકુએ ધુબકો મારી મને બહાર કાઢ્યો. હું ઘણે દૂર તણાઈ ગયો હતો અને નાકમાં અને મોંમાં પાણી જવાથી ફૂલી ગયો હતો. મને બહાર કાઢી મારા પગ પકડીને ગોળગોળ ફેરવ્યો. પાણી નાક-મોંમાંથી બહાર કાઢ્યું. કપડામાં વિંટાળી મને ઘરે લાવ્યા. કુંભારનાં ચાકડા પર નાંખીને ફેરવ્યો અને પાણી બહાર કાઢ્યું. પછી મને ભાન આવ્યું.

આ મારી દાદીને કોઈકે કહ્યું. દાદી બે ત્રણ દિવસે ઓઝર આવી. મને અને બાને આક્રાળા લઈ ગઈ.

દાદી મારી બાની બા. એનું નામ ગંગુમા. મારી દીદી મને ખૂબ લાડ કરતી. થોડાં દિવસ પછી મને માતાજી નીકળ્યાં. ગામમાં તેલની વાસ આવે એટલે ખેતરમાં અમારી ઝૂંપડી હતી તે ઝૂંપડીમાં મને લઈ ગયાં. મને સારું થયું ત્યાં સુધી અમે ઝૂંપડીમાં રહ્યાં. આખા શરીરે ખૂબ દાળ વળી હતી

અને આંખોમાંય માતાજી આવ્યાં હતાં. હું દોડતો ચાલવા લાગ્યો. પછી બા અને હું ઓઝર આવ્યાં.

અમારા ઘર સામે જૂની ચાવડી છે. ચાવડીની પાછળ મધમાખીનો પૂડો હતો. અને તેમાં ખૂબ ડંખીલી માખીઓ ભેગી થઈ હતી. તેને મેં હાથેથી ઊડાડી અને મારું આખુ અંગ સૂઝી ગયું.

હું ચારથી પાંચ વર્ષનો હઈશ. તે ટાઇમનાં એક પ્રસંગની યાદ : એક દિવસ એક માણસ બળદગાડામાં નાશિકથી પોતાનાં ગામ જતો હતો. એનાં બળદનો પગ ભાંગી ગયો. તેણે અમારી પાસે બળગ માંગ્યો. તે બે રૂપિયા ભાડે અમારો બળદ લઈ ગયો. બળદ પાછો લાવવા તેની સાથે મને મોકલ્યો. હું તેન ીસાથે ગાડામાં બેસી ગયો. એ માણસની માય અમારી સાથે હતી. તે માણસ પુંજાબાબાનો ઓળખીતો હતો. તે માણસને છોકરાં ન હતાં. તે ઘણા દિવસે પોતાનાં ગામે જતો હતો. તેની મા અને તે મનમાં અંદરથી દુઃખી હતાં. હું ગાડીમાં બેઠો, પછી ડોસીએ મને કહ્યું, ‘હવે આપણે બાઈના ઘરે જવાનાં છીએ. તો તું તેને તારા ગામનું કહીશ નહિ. હું બધું કહીશ. તું ભાઈનો જ દિકરો છું એમ હું તેને કહીશ.’ ડોસીએ ભાઈનો જ દિકરો છે એવું જ કહ્યું. તે ઘરે અમે ગયાં. તે બાઈએ મને ખૂબ લાડ લડાવ્યા. અમે - ડોશી અને મેં - તે રાત્રે મુકામ કર્યો અને પેલો માણસ ગાડી લઈ એનાં ગામ ગયો.

સવારે મને એક ટોપી અને બંડી લઈ દીધી અને પુરણપોળીનું જમણ કર્યું. પછી અમે સાંજના પાંચના સુમારે નીકળ્યાં. ગામ પાસે જ એટલે કે બે માઈલ હશે. અમે ખેતરમાંથી પગદંડીએ ચાલતાં જતાં હતાં. ખેતર ખેડેલું હતું. તેમાં કેડી હતી. આકાશ કાળુ. ચાલે બાજુ આકાશ વરસાદથી ઘેરાઈ કાળું-કાળું થયું હતું. વરસાદ પડવાની શરૂઆત થઈ. અમે તે પગદંડીએ ઝડપભેર ચાલવા લાગ્યા. પણ વરસાદનું જોર વધ્યું અને વીજળીય ચમકવા લાગી. અમે તેમાંથી રસ્તો કાઢતાં ચાલતાં હતાં. એ વરસાદમાં અમને કેડી દેખાતી બંધ થઈ.

વીજળીનો મોટો કડાકોટ થયો. અમે ત્યાં ચાસમાં અટવાઈ પડ્યાં.

અમને એકબીજાનું ભાન રહ્યું નહિ અને ઉપરથી વરસાદ ધોધમાર પડતો હતો. અમે આઠ વાગ્યા સુધી તે જ ટેકાણે પડી રહ્યા. ત્યાં પેલો માણસ અમારી રાહ જોતો હતો, અહીં ડોશી અને હું મરવાની તૈયારી ચાલી રહી હતી. વરસાદ રોકાયો. પેલો માણસ અને તેની સાથે બે માણસો ફાનસ લઈ અમારી શોધમાં આવ્યા. ડોશી કણસતી હતી. તેનો અવાજ સાંભળી તે ગભરાયા અને આજુબાજુમાં ત્યાંથી છોડે દૂર મનેય પડેલો જોયો. ત અમને ઊંચકીને તેના ઘરે લઈ ગયો અને શેક કરીને અમને ત્યાંથી શેક્યા. પચી જમીને ડોશીમા પાસે ઊંઘ્યો. મને બે દિવસ આવવા દીધો નહિ.

ત્રીજા દિવસે હું બળદ લઈને આવતો હતો ત્યાં એક ગામ આવ્યું. તે ગામની બહાર ખળા હતા. તે ખળામાં એક બાઈ હતી. તે બળદને ઓળખી ગઈ અને મનેય જોયો. તે બાઈ આર.ડી.ની માસી હતી. તેણે મને બપોર સુધી જવા દીધો નહિ. બપોરે જમીને મારી સાથે તેનો એક છોકરો મોકલી મને મારા ઘરે પહોંચાડ્યો. તે ગામનું નામ કારસુખ એવું છે.

થોડો મોટો થયા પછી હું રોજ બળદ અને ગાયો લઈને ચરાવવા વગડામાં જવા લાગ્યો. કોઈ બીજાનાં ગાય-બળદ મળે તો હું તેમનેય લઈ જતો. તેમની પાસેથી ગાય-બળદ પાછળ એક સીવરાઈ મળતી હતી. સીવરાઈ એટલે એક પૈસો. ચાર સીવરાઈનો એક આનો.

હું એક દિવસ બળક અને ગાયો લઈને રસ્તે ચરાવતો ચરાવતો જતો હતો. પિંગળગામનાં રસ્તા પર કામ ચાલુ હતું. પથરા પાથર્યાં હતા. મારી સાથે બેત્રણ છોતરાંય હતા. તે રસ્તા ઉપર અમને એક મોટું જનાવર આવતું દેખાયું. લોકો બૂમો પાડવા લાગ્યા. હાથી આવ્યો... હાથી આવ્યો. અમે દોડતા તેને જોવા માટે ગયા. તેને જોઈને અમે બધા ગભરાયા. એ શું છે, એ અમને સમજાતું ન હતું. એટલામાં સાકોરા તરફથી બેત્રણ બાઈઓને અમે આવતી જોઈ. તેમનાં હાથમાં લોટા અને માટલામાં લીમડો હતો. તે બાઈઓએ તે હાથીની પૂજા કરી. હાથીનાં શરીરે પાણી છાંટ્યું અને કંકુ લગાવ્યું. નીવેદ નીચે મૂક્યો અને બધાંય લોકો તેને પગે પડ્યાં. પછી નીકળી ગયાં. તે લોખંડના હાથીને અમે સતત જોઈ રહ્યા. તે લોખંડનાં હાથીનાં ઉપરનાં ભાગમાં તાંબાનું ચમકતું પતરું હતું. હાતીના પગ ન હતા. ત્રણ પૈડાં હતાં. તેની પર એક માણસ હતો. આ લોખંડનો હાથી અમે પહેલીવખત જોયો. અમે ઘણાં દિવસો સુધી તેને ભૂલ્યા નહતા.

એ પથરા દબાવવાનું રોલર હતું. એ મને પછી આગળ જતાં સમજાયું.

તે ટાઇમે મારા પિત્રાઈ ભાઈનું લગન થયું હતું. તેનું નામ માધવરાવ. તેની બૈરી લાવવા પુંજાબાબા સાથે મને મોકલ્યો. હું બાબા સાથે ગોંડેગામ ગયો. રસ્તામાં એક મોરી નીચેથી જતા હતા. તે જ ટાઇમે એક માલગાડી આવી. તેને જોઈને હું ખૂબ ગભરાયચો. બાબાની કેડ ઝાલી લઈ, હું બૂમો પાડવા લાગ્યો :

‘બાબા, બાબા, ત્યાં જો. ડુંગર આપડી બાજુ દોડતો આવે છે.’

બાબા બોલ્યો -

‘અલ્યા ગાંડા, તેને આગીનગાડી કહે છે. ગભરાતો નહિ.’ હું તે આગીનગાડીનાં પૈડાં તરફ જોતો જ રહ્યો. તે કાનખજૂરાનાં પગની જેમ હાલતાં હતા. ગાડી મેં પહેલીવખત જ જોઈએ. મેં ઘરે આવીને બધાંય છોકરાઓને કહ્યું.

અમને નાનપણમાં વાતો ખૂબ ગમતી. ગમે ત્યાં ચાર જણા ભેગા બેસી વાતો સંભળાવતા. તુલસીરામ બાબાનાં ઓટલા પર લોકો ભેગા થતાં. વાતો અને ગપ્પાં ચાલતાં. એમ જ એક દિવસ વાતોમાં રંગ જામ્યો. તે ટાઇમ રાતનો આઠ-નવનો હશે. અમારા માથા પર અને આખાય મહારવાડા પર અજવાળું પડ્યું. અને એક મોટો અગ્નિનો ગોળો ઉપરથી જતાં અમે બદાયએ જોયો. અમે બધાં છોકરાઓ ગભરાઈને જેને જ્યાં રસ્તો મળ્યો ત્યાં નાઠા. હું તો તુલસીરામ બાબાનાં ઘરમાં જમીનમાં દાટેલી એક મોટી કુંડી ખાલી હતી, એમાં ભરાઈને સંતાયો. ઘર મોટું ચાર ઓરાડનું હતું. બધાંયની માઓ પોતાના ંછોકરાઓ માટે રડતી પોતાનાં છોકરાઓ ખોળવા નીકળી, પોતાની રીતે જોવા લાગી. એમ જ દોડાદોડ ચાલી. તે જ રીતે મારી માય રડતી-ફરતી જોવા લાગી. તુલસીરામ બાબાની એક છોકરી. જેનું નામ વિઠાબાઈ. ઘરમાં શું ખખડી રહ્યું છે એ જોવા તે બત્તી લઈને અંદર આવી. તેણે મારું ડોકું જોયું. મારાં વાળ પકડી મને બહાર કાઢ્યો અને મારી બા ને બૂમ પાડી

‘રાહી કાકી, તારો છોકરો મળી ગયો.’

બા દોડતી આવી અને રડતાં રડતાં મને લઈ ગઈ.

અમે કેટલાક છોકરાઓ ગામમાં રમતાં રમતાં વાણિયાની ગલીમાં ગયા. અને ત્યાં જ આજુબાજુમાં રમતાં રહ્યાં. ત્યાં કોઈકનું લગ્ન હતું. તે લગની રસોઈ ચાલી રહી હતી. તેની અમને વાસ આવી. એક છોકરાએ કહ્યું કે અહીં કોઈકનું લગન છે. રસોઈની અને ઘીની વાસ આવે. આપણે અહીં જ રમીશું. આપણને જમવાનું મળશે. અમે જમવાની આશામાં આખોય દિવસ ત્યાં જ રમતા રહ્યા. પણ અમને સાંજ સુધી કાંઈ મળ્યું નહિ. અમને નિરાશા થઈ. અમારા મા-બાપ અમને દરેક ઠેકાણે શોધીને થાકી ગયા. પણ અમે મળ્યા નહિ. અમને જમવાનું તો મળ્યું નહિ પણ ઘરે જઈને પેટભરીને માર મળ્યો. મને તો બાએ લાકડીએથી ઝૂડી નાંખ્યો. બાબાએ મને છોડાવ્યો. બા તો મને બે દિવસ જમવાનું આપીશ નહિ એવું બોલી. બાબાએ મને સીવરાઈનાં દાળીયાં લાવી દીધાં. એ દાળિયાં ખાઈને અમારા ખળામાં એક કોથળો પાથરીને હું ઊંઘી ગયો.

મને નાનપણમાં શાણાં-માણસોમાં બેસીને એમનાં ગપ્પાં-વાતો ચુપચાપ બેસીને સાંભળવાની આદત પડી ગઈ હતી. હું ક્યારેક શાણા માણસોમાં વચ્ચે મોં નાંખીને બોલતો નહિ. કોઈ ગમે તે કામ ચીંધે, તે હું દોડતો જઈને કરતો. બધાં શાણાં અને ડોસાઓ મને ખૂબ લાડ કરતાં. હું ક્યારેય ગરબડ કરતો ન હતો. કોઈ પાણી માંગે, કોઈ બીડી-માચીસનું કહે તો હું દોડતો જઈને કરતો. તેને કારણે મારી પર એમનો ખૂબ જીવ હતો. તેઓ ક્યારેક મને મગફળીના દાણા આપતાં.

એ બધું મને હજુય યાદ આવે છે. હું ભૂલ્યો નથી. કેટલીક વાતો આજેય મારાં મનમાંથી ગઈ નથી. એકે કહ્યું કે ‘સાબર બોંડ્યા, તીન સેંડ્યા, અને લાલ તોડ્યાં’ (સાબર તોડ્યાં એટલે ગામઠી કેકટસ, તીન સેંડ્યા એટલે ઘણુખરું બ્રાહ્મણો આઅને લાલ તોંડ્યા એટલે અંગ્રેજ) આ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોઈ સુખી થશે નહિ. તે હું હજીય ભૂલ્યો નથી.

નાસિકમાં એને પાન સાબર (થોરિયાં) કહે છે. એનાં જીંડવાનો રંગ લાલ હોય છે. એટલે તેને સાબર બોંડ્યા કહે છે. તેને ભીલ, માછીમાર ખાય છે. તેનાં જીંડવાને અને પાંદડાને કાંટા હોય છે. એ થોરિયાંથી લોકોને ખૂબ હેરાનગતી થાય છે. એનું એક પાંદડુ કાપીને પથ્થર પર નાંખીએ તો એનાં પાંદડા ફૂટી મોટું ઝાડ થાય છે. એવું લોકો કહે છે. ગામેગામ લોકોના અવરજવરમાં તેનો ખૂબ જ ત્રાસ. કેટલીક જગાએ થોરિયાં એટલાં મોટા થયાં હોય કે ઘર દેખાતાં નથી. માણસના શરીરે પવનથી ડોલતાં કાંટા ભોંકાતા અને શરીરે ખંજવાળ આવતી.

અમારા ઘરે થોરિયા ઊંચા ગયા હતા. રુંજાબાબાએ ઘરની આજુબાજુથી બધાં થોરિયાં કાઢીને ઘરની પાછળના ભાગની જગા ખોદીને સાફ કરી. તે જગામાં મકાઈ વાવવાની તૈયારી કરી. તેને વાડ કરવા તેઓ જંગલમાં ગયા અને બાવળીયા કાંટાનો ભારો લઈને ઘરે આવતા હતા. રસ્તો જરા ચીકણો હતો. એક જંગલી ડુક્કર એ જ રસ્તે ઊલટ દિશામાં દોડતું જતું હતું. એ કેટલાક લોકોએ જોયું અને બૂમો પાડી. એ સાંભળીને બાબાએ કાંટાનો ભારો નીચે નાંખ્યો. ત્યાં જ ડુક્કર એમાં ઊંધુ ઘાલીને ઘુસી ગયું. બારો ઊડાડી દીધો. બાબાના મોંએ વાગ્યો અને બાવળનો મોટો કાંટો હોઠમાં ઘુસી ગયો. લોકો બાબાને ઊંચકીને ઘરે લઈ આવ્યા અને એક ચમાર પાસેથી તે કઢાવ્યો. ગામેગામ થોરિયા માણસોને હેરાન કરતા હતા. પણ એક યુરોપેન સાયેબે એક નાનીશી ડબ્બીમાં કોઈક પાવડર લાવીને થોરિયાનાં પાન પર નાંખ્યો, તે થોરિયા સુકાઈ ગયા. ાખુંય નાસિક અને મહારાષ્ટ્ર સુખી થયું.

તુલસીરામબાબા કિર્તન સારુ નાસિક, પૂણે, મુંબઈ જતા-આવતા હતા. તે છોકરાઓ માટે કેટલાક ફોટા લાવ્યા. તે એક પતરાની જબીમાં નાંખી તે ડબીને ત્રણ લાકડીઓ લગાવી ઊભી કરી. અમને તેમાં ફોટો બતાવતા. મુંબઈનાં રસ્તા, નાળિયેરી, આગગાડી, ઈવાઈન, આગબોટ એ જોઈને અમને ખૂબ આનંદ થતો અને મજા આવતી.

માધવરાવનું લગન તે જ વખતે થયું. તે ટાઇમે અમારી ખાવાપીવાની, કપડા-લત્તાની ખૂબ જ દુર્દશા હતી. છતાંય માધવરાવનું લગન કર્યું. વરરાજાને ઝભ્ભો અને નાળિયેર આપવું પડતું તે જ ઝભ્ભો હું પહેરતો હતો.

એક દિવસ ઝભ્ભો પહેરીને હું વાડીએ ગયો. કારણ કે મારે પહેરવા સારુ બંડી ન હતી. વાડીએથી આવતાં રાત થઈ હતી. રુંજાબાબાએ મને કહ્યું કે ગાય અને બળદ લઈને ઘરે જા. તે લઈને હું ચાલતો હતો. તે જ ટાઇમે સિતારામ પાટકરી અને કચરનામા પાટકરીને મેં જોયા. તે નાકઝિરીની પેલી બાજુથી આવતાં દેખાયા. હું મસાણખાઈનાં પત્થર પર બેઠો હતો. શરીરે પગ સુધી ઝભ્ભો હતો. તે નીચે આવ્યા પણ મને દેખાયા નહિ એટલે ઊભો રહી જોવા લાગ્યો. તેમણે મને જોયો અને ગભરાયા. મસાણખાઈમાં ભૂત જાણીને પાછા વળવા લાગ્યા. તેમની પાસે ખાસ્સો ગોળ હતો. તે નાંખીને તેો એમને એમ બાગ્યા. પછી હું ઘરે આવ્યો. બીજા દિવસે તે જ ઝભ્ભો પહેરીને બળદ લઈ જતો તેમણે મને જોયો, ‘રે, આ જ પેલું રાતનું ભૂત ?’ તેમણે મને બોલાવ્યો અને પૂછ્યું.

‘રાતે તું પેલી મસાણખાઈમાં હતો કે અલ્યા ? તને બૂત માનીને અમે નાસી ગયા અને ભિલનાં ઝૂંપડામાં રહ્યાં.’ અમે બધાં જ હસવા લાગ્યા.

તે પછી બારેક મહિના ગયા, અને દુકાળની શરૂઆત થી. દાણામીઠું ન મળે. અને ખેતરમાંય કાંઈ વાવ્યું ન હતું. ખાવાની કફોડી દશા થઈ. પછી ઘરનાં લકોએ વિચાર કર્યો કે આપણે નાસિક જઈને કાંઈક કામ મળે તો જોઈએ. તે ટાઇમે નાસિકમાં ચૂનાનાં પથ્થરનું કામ ચાલતું હતું. રુંજાબાબા અને રાહી મા તેમજ માધવરાવ એમ નાસિક ગયા. કચરરાવ તેમના સાસરે ગયા. હું અને પુંજાબાબા, અમે બંને ઓઝરમાં જ રહ્યા. પણ એક મહિનો થયો ન થયો કે ગામમાં પ્લેગ ફાટી નીકળ્યો. ફટાફટ માણસો મરવા લાગ્યા. વળી બધાં માણસો એકઠાં થયાં. આખુંય ગામ ઘરબાર મૂકીને પોતાનાં ખેતરમાં ઝૂંપડા-ઘરો બાંધીને રહેવા લાગ્યા. તે ટાઇમે અમારા ઘરનાં કચરરાવ ગુજરી ગયા. અને તેમની બા પણ વીસમા દિવસે મરી ગઈ. અમારા ઘરમાં દુઃખનાં ડુંગરા આવ્યા. થોડા દિવસ પછી કચરરાવની બૈરી પિયર જવા નીકળી ગઈ. અમારા ખાનદાનમાં કચરરાવ ખૂબ જ હોંશિયાર હતો. એણે કપડાં સીવવાનું મશીન લીધું હતું. એણે કાગળનાં કપડાં બનાવી મારા શરીરે પહેરાવ્યાં હતાં. આખુંય ગામ ઘરો મૂકીને પોતાનાં ખેતરનાં શેઢે ઝૂંપડા બનાવીને રહે છે. તે જ પ્રેમથી અમે અમારા ખેતરનાં શેઢે રહેવા ગયાં. માધવરાવ, રુંજાબાબા અને બા પણ નાસિક કામ સારુ ગઈ.

પુંજાબાબ અને હું એ જૂંપડામાં રહેતા હતા. પુંજાબાબાની આંખો આંધળી થઈ હતી. ઝૂંપડામાં બે કોથળા ઘઉંના, એક કોથળો બાજરીનો અને દોઢ રવો ગોળનો હતો. એક અત્યંત રોગિષ્ટ મરઘો પણ હતો અને ચારપાંચ મરઘીઓ હતી. પુંજાબાબા ઘંટી પર પોતાનાં હાથ દળતાં અને બાજરીનાં રોટલા ટીપતા. હું તવામાં નાંખેલો રોટલો શેકતો અને હું જ તવામાંથી બહાર કાઢતો. આવું અમારું રોજનું કામ હતું.

અમારા ઘરમાં બત્તી નહતી, ચીમની હતી પણ એ બુઝાઈ ગઈ હતી. તેમાં પુરવા તેલ ન હતું. એટલે રાતે ઘરમાં અંધારું રહેતું. એક દિવસ બાબાએ તવામાં રોટલો નાંખ્યો ન હતો. મને લાગ્યું કે તવામાં રોટલો નાંખ્યો. એ બહાર કાઢવા મેં જોરથી હાથ એ તવામાં દબાવ્યો. પણ તેમાં રોટલો નહોતો. મારો હાથ ચરચરાટ સાથે દાઝ્‌યો. હું આખીય રાત તરફડતો રહ્યો. બાબાએ કપડાંનાં ચીંથરાં હાથે બાંધ્યાં. કેટલાય દિવસે મને સારું થયું.

બે-ત્રણ દિવસમાં અમારા ઝૂંપડામાં ચોરી થઈ. બે ઘઉંનાં કોથળા, થોડો ગોળ અને થોડી મરઘીઓ ચોરીને લઈ ગયા. ચોર અમારો જ ઘરભાઈ હતો. એક જણો બાબા પર ચડી બેઠો અને બીજા માલ ઊઠાવી ગયા. મેં આ બદું જોયું પણ ગભરાઈને હું તેમજ પડી રહ્યો. ચોર કોણ હતા તે હું જાણતો હતો. પણ ગભરાઈને મેં કોઈનેય કહ્યું નહિ. ચોરીનાં સમાચાર રુંજાબાબાએ જાણ્યા. તે તરત જ બધાં નાસિકથી ઘરે આવ્યા અને આ જોઈ બહુ દુઃખી થયા.

થોડાં દિવસ પચી અમે મહારવાડામાં રહેવા ગયા. અમારા જમવાની ખૂબ જ કફોડી સ્થિતિ થઈ. દાણા ચોર લઈ ગયા. ઘરમાં કાંઈ રહ્યું નહિ. બા ગામમાં આંબલી ફોડવા જતી હતી. તેને દિવસનાં બે આનાઅઢી આના મળતાં હતાં. ગામમાં કોઈનીય મજૂરી મળતી ન હતી. તે ટાઇમે એક દિવસની મજૂરી પુરુષને પાંચ આના અને બાઈયુંને ત્રણ આના રહેતી. તે વખતે અમારી પર યેસકર પાળી હતી. રુંજાબાબા યેસકર પાળી કરવા લાગ્યા. યેસકર પાળી ત્રણ મહિના કરવી પડતી હતી. યેસકરની ભાખરી અને મગના લાડુ બા અમારા માટે બનાવતી. ક્યારેક ક્યારેક આંબલીનાં કચુકા લાવીને શેકતી. એ દબાવીને એની છાલ કાઢીને તેમાં ગોળ નાંખીને અમે ખાતાં. અને મગનાં લાડુમાંય ગોળ નાંખીને ખાતા. એક સીવરાઈનો ગોળ બે દિવસ ખાતાં. ત્રણ આને બાર શેર ઘઉં અને બે આને બાજરી એમ મળતી. દાણા મળતાં પણ પૈસા ન’તા.

એક દિવસ રુંજાબાબા ગામમાંથી ઘરે આવ્યા અને ગોદડી નાંખીને તેની પર પડ્યા. તેમણે કાંઈ જ ખાધું નહિ. તાવ ચડ્યો હતો. સાંજે એનું ડોકું વાકું થયું અને સવારે નવના સુમારે તે અમને મૂકીને ગયા. ઘરમાં રોકકળ મચી ગઈ. બધાં માણસો ભેગાં થયાં. બપોરે બેનાં સુમારે તેમને મસાણખાઈ પર લઈ ગયા અને મને પાણી લાવવા ધોરિયે મોકલ્યો. હું પાણી લાવવા ધોરિયે ગયો. પણ ધોરિયો ઊંડો અને ખાડાખડીયાવાળો હતો. હું એક કપડું લઈ ગયો અને કપડું ભીંજવીને બહાર આવવાની તૈયારીમાં હતો ત્યારે પાણી પાસે એક આનો મળ્યો. તે આનો મેં ઉપાડી લીધો અને મારું રોવાનું બંધ થયું. મને આનંદ થયો. બાબાએ મરતાં મરતાં મને એક આનો આપ્યો એવું માનીને હું શાંત થયો. હવે બાબા મને ક્યારેયચ મળશે નહિ એટલે મારું મન દુઃખી છે.

થોડાં દિવસ ગયા. ઓઝરનાં નવા મંદિરનું કામ શરૂ થયું. માણસોની જરૂર ઊભી થઈ. માધવરાવ તે બીંતનું કામ કરતા હતા. તેણે મારી પાસે પાણી માંગ્યું. તે હું જલદી લાવ્યો નહિ એટલે તેણે મને ખૂબ માર્યો. એ બાએ જોયું. અને મને પાસે લઈને ખૂબ રડી. બે-ચાર દિવસ પછી બા મને લઈ પિયર જવા નીકળી. મારી નાની બહેન અને મને સાથે લીધાં. બહેનનું લગન, નાનપણમાં પાંચ વર્ષની હશે ત્યારે જ થયું હતું. તેને નાંદુરડીમાં આપી હતી. બા અમને લઈ ચાલતી હતી ત્યારે ખૂબ જ તડકો તપતો હતો. જમીન પર પગ દઝાતા હતા. હું રડતો ચાલતો. જમીન પર પગ ચરચરતા દઝાતા હતા. હું રડતો ચાલતો. જમીન પર પગ ચરચરતા દઝાતા હતા. બા એ ઉકરડામાંથી ચિંથરા ભેગા કરી અમારા પગે વીંટાળીને બરાબર બાંધી દીધા. ત્યારે અમે ગરમ જમીન પર ચાલી શક્યાં. પછી અમારા હાથ પકડી બા અમને લઈ ગઈ.

આક્રાળા ગયા. દાદી અને મામાને સારુ લાગ્યું. મારાં દાઝેલા પગ જોઈ એની આંખોમાં પાણી આવ્યું. એ મામાએ જોયું અને તુરત જ મારાં અને બાનાં ચંપલ લાવ્યાં. તે ટાઇમે મોટા માણસોનાં ચંપલ નવ કે દસ આના અને નાનાં છોકરાઓનાં ત્રણ કે પાંચ આના થતાં હતાં. મામા મારાં માટે ચંપલ લાવ્યા એ જોઈને મને ખૂબ આનંદ થયો. હું એ ચંપલો પહેરીને બેંસ અને બળદ લઈને વગડામાં ચરાવવા જતો હતો. બા થોડા દિવસ રહી પછી ઓઝર ગઈ પણ હું આક્રાળામાં રહ્યો.

મારી દાદી ગંગુમા મને ખૂબ લાડ કરતાં. એક દિવસ મને લઈ તે નાસિક ગઈ. ત્યાં ખૂબ સાધુ એકઠા થયા હતા. સિંહસ્થ સિંહસ્થ પર્વકાળ. એ વર્ષ ૧૯૧૮ હોવું જોઈએ. તે સાધુઓને મેં પહેલીવાર જ જોયા. હું ખૂબ જ ગભરાયો. દાદીમાની કેડે વળગ્યો. એક સાધુ મોટાં નાકવાળા જનાવર પર બેસેલો મેં જોયો. દાદીએ મને કહ્યું કે એ હાથી છે. તેને હાથી કહેવાય. આ સાચ્ચો હાથી. નાનપણમાં જોયેલો લોખંડનો હાથી મને યાદ આવ્યો અને મને હસવું આવ્યું. અમારી જાતરા પૂરી થઈ. અમે પાછાં વળ્યાં.

થોડા દિવસ પછી હું દાદીમા સાથે આક્રાળાથી કોંકણ ગયો. આજુબાજુનાં ગામનાં ગાડાં કોંકણમાં ઘાસ કે લાકડા લાવવા માટે હારસુબની બજારમાં જતાં હતાં. તેમની સાથે ડુંગળી-મરચાં, થોડાં રીંગણા લઈ અમે જતાં. બજારમાં જતાં આજુબાજુમાં ખૂબ જ નાનાં ઝૂંપડાઓ જેવા નજીક નજીક ગામ છે. એનાં નામ મજાનાં : નિળૂનપાડા સાબરી, ગેણાપાડા, આંબલીપાડા. આ બધાં ખેડૂતોનાં ઝૂંપડાઓનાં જ ગામ છે. દાદી રસ્તાની બાજુએ એક ઠેકાણે અમે લાવેલો માલ છોડીને બેઠી. કેટલીક બાઈઓ અને છોકરીઓ આવવા લાગી. હાથમાં ટોપલીઓ અને નાની છાબડીઓ લઈને આવી. તે ચાબડીમાં એક હાથે મુઠ્ઠી ભરીને મરચાં, બેત્રણ કાંદા, અને બેત્રણ રીંગણાં દાદી નાંખતી. તે જોઈને પેલીઓ ખૂબ ખુશ થતી. અને ઘરે જતાં, તેમાં ચોખા ભરી લાવતી અને દાદી તે એક કોથળામાં ભરી બાજુમાં મૂકતી. તે બદાં માલમાં અમને બે કોથળા ચોખા મળતાં. અમે એક-બે દિવસમાં નીકળી આવતાં. દાદીની ઘણી બધી ઓળખાણો થઈ હતી. સાંજનું વાળુ તેમની પાસેથી જ મળતું. થોડાંક મરચાં, ડુંગળી-લસણ આપીએ કે પેટભરીને જમવાનું મળતું. ત્યાંની સ્ત્રીઓ ખૂબ ગંદી, મોટું પેદ, ગંદાં કપડાં, વાળમાં ક્યારેય તેલ નહીં કે ક્યારેય કાંસકાથી ઓળવાનાં નહિ. જાદુટોના, જારમારણ એ ખૂબ મોટા પ્રમાણમાં ચાલતું.

હું આક્રાળા આવ્યો પછી મને મામાએ શાળામાં મુક્યો. ખિસ્સામાં એક તૂટેલી સ્લેટનો ટુકડો લઈને શાળામાં જઈ બેસતો. માસ્તર આવે કે બધાં ઊભા થઈને રામ રામ કરતાં. માસ્તર મોહાડીનો હતો. તેને મોહાડીથી ચાલતાં આવવું પડતું. તેનું નામ ગેનુમાસ્તર એવું લોકો કહેતાં હતાં. તે અમને એક-બે ઘડિયાં ભણાવતો. અમે બે મહિને એક-બે જ ઘડિયાં શિખ્યાં. તેનાં આખા શરીરે દાદર હતી. ફક્ત ગળાથી ઉપર ન હતી. તે શાળામાં આવે કે અમે બધાં ઊભા થતાં. તે મોટેથી કહેતો કે તમારામાં કોણ હોંશિયાર છે, એ હાથ ઊંચો કરે. પછી તેમાંના બે છોકરાઓને પાસે બોલાવીને પૂછતો. તમને સારા ગુવારની ખબર પડે છે કે ? જે સરસ ગવાર લાવશે તેને હું સારો માનીશ. અમે આખાયો દિવસ વગડામાં ફરીને ગવાર વીણી લાવતા. એક એક થેલો લઈને એનાં ઘરે લઈ જઈ નાંખી આવતાં. પછી અમે જમવા જતા. ત્યાં સુધીમાં બપોરની શાળા ભરાતી. અમને આવેલા જોઈ માસ્તર પાસે બોલાવી લેતો. કહેતો : પોતપોતાનાં થેલામાંથી એક એક ગવાર મને દેખાડો. માસ્તર કપડાં ઉતારીને તૂટેલી ખુરશી પર બેસતો અને અમને તે ગવારથી શરીર ઘસવાનું કહેતો. આવી અમારી શાળા. અભ્યાસનું ઠેકાણું નહિ. પછી હારી થાકી મામાએ મારું શાળામાં જવાનું બંધ કરાવ્યું.

પછી હું બળક અને ભેંસો લઈને વગડામાં ચરાવવા જવા લાગ્યો. એ મામાનાં કામમાં મદદ કરવા લાગ્યો. ક્યારેક ઘાસ લેવા કોંકણમાં મામા સાથે જવા લાગ્યો. કોંકણમાં ગાડાં ભરી ઓઝરમાં કે સાઈખેડમાં વેચતાં. ઘાસ સારું હોય તો તેના વીસ-બાવીસ રૂપિયા મળતાં. ઘાસ હલકું હોય તો ચૌદ કે અઢાર રૂપિયા મળતાં. આ કાયમનો ધંધો ચાલતો.

થોડા દિવસ પછી ઓઝર આવ્યો. ચારપાંચ દિવસે મહારવાડામાં સાહેબ આવ્યા. તે સાહેબ અમારા ગામનાં જ હતા. કાસીનાથ જાધવ, નેવર્તી જાધવ, હિરામન જાધવ, ઉધવ જાદવ, પરવતી જાધવ અને રામ ગંપત જાધવ - આ બધાં ગામનાં સાહેબ મળીને શાળામાં ભેગાં થયાં. તેમની મીટીંગ ચાલતી હતી. તેમણે દરવાજા અને બારીઓ બંધ કરી હતી. અમે બધાંય છોકરા ભેગાં થઈ અંદર શું કરી રહ્યા છે એ જોવા સારું તરફડતા હતા. ઉપર ચઢીને બારીની ફાટમાંથી અંદર જોવા લાગ્યા. અંદર બધાં લોકો વાતો કરતાં કરતાં ચા પીતા હતા. આપણા ગામમાં શ્યાવૂ છાતરપતી આવવાનાં છે એવું અમે સાંભળ્યું.

અમારામાં વાતચીત શરૂ થઈ.

‘શાવૂ છાતરપતી કોણ અલ્યા ?’

એકે કહ્યું,

‘અરે, એ તો રાજા છે રાજા.’

‘પણ રાજા એટલે શું ‘લ્યા ?’

રાજા એટલે શું તે કોઈને જ ખબર પડતી ન હતી. છેવટે એક શાણાએ કહ્યું,

‘અરે રાજા એટલે ભગવાન.’

કોઈક બોલ્યું,

‘પણ ભગવાન તો પથ્થરનો હોય છે.’

‘હાં, પણ આ ભગવાન જીવતો છે. આ ખૂબ મોટો ભગવાન.’

સાયેબ લોકોની વાતો પૂરી થયાં પછી તેમણે માણસો અને બાઈઓને ભેગી કરી, આખોય મહારવાડો ઝાડી કાઢ્યો. નદીમાંથી રેતી લાવીને આખા રસ્તે નાંખી. નદી મહારવાડા પાસે જ હતી. આખો મહારવાડો ઝાડીને સાફ કર્યો અને રાતે આંબા અને કેળનાં ઝાડ લાવીને આખાય રસ્તે લગાડ્યાં. ચાવડીનેય રંગ કર્યો. એકજણનો મોટો લોખંડનો ખાટલો લાવીને તેની પર ગોદડીઓ નાંખીને ગાદી બનાવી. એની પર ગોદડાં વાળીને પીઠ ટેકવવા માટે બનાવી. તેની પર નાંખવા માટે લાલ કપડું લાવ્યા. વાળેલાં ગોદડાંય એમાં વીંટી લીધાં. તેની પર સફેદ કપડું નાખ્યું. ગાદી તૈયાર થઈ. થોડીક ખુરશીઓ અને ટેબલ પણ લાવ્યા. ટેબલ પર એક સરસ કપડું નાંખ્યું. બધી તૈયારીઓ થઈ.

દિવસ ખાસો ચઢ્યો હતો. મહારવાડામાં ખૂબ લોકો ભેગા થયાં હતાં. બધી જાતનાં લોકો ભેગાં થયાં હતાં. તેટલામાં નાસિકતી એક મેટર આવી. લોકોની દોડાદોડી શરૂ થઈ. મોટર નવી ચાવડી સામે આવીને ઊભી રહી. પહેલાં કે. બી. સાહેબ ઉતર્યા પછી રાજાસાહેબ ઉતર્યા. એન. ટી. સાહેબ ઉતર્યા. લોકોએ તાળીઓ પાડી. શ્યાવૂ છાતરપતીની જય બોલાવી. અમે દૂરથી જ હાથ જોડી પગે લાગ્યા. થોડાંક શાળાના છોકરાઓ અને છોકરીઓ આવ્યા હતા. તેમણે તો ગીત ગાવાનું ચાલુ કર્યું. ટેબલ પરનાં કાચના ગ્લાસમાં કશુંક રંગીન પાણી જેવું રાજાને પીવા માટે આપ્યું. પછી કે. બી. એન. ટી. સાહેબનાં ભાષણ થયાં, આ બધું જોઈ રાજા ખુશ થયો. તેણેય બોલવાની શરૂઆત કરી પણ તે વધારે ટાઇમ બોલ્યો નહિ.

જતી વખતે લોકોએ તેમની જય બોલાવી. તે જતી વખતે ગામમાંથી ન જતાં બહારનાં રસ્તે ગયા. કારણ ગામમાં ખાસડાંનાં હાર અને માળાઓ ઊંચી જાતનાં લોકોએ તૈયાર રાખ્યાં હતાં. રાજા ગામમાં રોકાયા વગર સીધો મહારવાડમાં ગયો. એટલે તેમને ગુસ્સો આવ્યો હતો. મોટર પિંપળગામનાં રસ્તેથી જઈને મોટા રસ્તે આવીને વળીને તે નાસિક ગયા. કેટલાક લોકોએ ત્રંબક રસ્તાની બાજુએ એક જગાએ ચંદરવો બાંધ્યો હતો. એટલે કપડાનો છાંયો કર્યો હતો. રાજાએ થોડાંક પૈસા આપીને તે જ ઠેકાણે તેમનાં નામની બૉર્ડિંગ શરૂ કરી. તેનું નામ ‘શવુ છત્રપતિ બૉર્ડિંગ’ - એ નામે તે આપણી સામે દેખાય છે. મારી યાદદાસ્ત મુજબ તે ઓગણીસસો ઓગણીસમાં તૈયાર થઈ હશે.

ચાર આઠ દિવસ પછી મારાં મોટા મામા મરી ગયા એવો સંદેશો આવ્યો. તેનું નામ ચાહાદૂ મામા. બા, હું અને માધવ, અમે આક્રાળા ગયા. પણ અમને દર્શન થયા નહિ. માધવરાવ ચાર દિવસમાં ઓઝરમાં આવ્યા. હું અને બા પાછળ રહ્યા. થોડાં દિવસ થયાં પછી નાનો હારીમામો બાને લઈ ઓઝર ગયો. મોટા મામાને છોકરાં નહતાં. એક છોકરી થઈ. તે પણ નાનપણમાં જ મરી. અને મોટી મામી બંનેય આંખે આંધળી, તેની સાથે હું રહ્યો.

મોટા મામાને ત્યાં બે ભેંસ અને બે બળદ હતા. તે હું લઈને ચરાવવા જતો અને આંધળી મામી બપોરે કોઈ વગડામાં જતું હોય તેની સાથે મને રોટલાં મોકલતી હતી. એક દિવસ મામીએ રોટલા મોકલાવ્યા ને હાથ ધોઈ ખાવા બેઠો. પોટલીમાંથી રોટલો છોડ્યો ને તડકામાં ઝબકવા લાગ્યો. મને મામીનો સંશય આવ્યો. મામીએ મને છાણનાં રોટલા બનાવી મોકલ્યા, એવું મને લાગ્યું. તે રોટલા મેં ફેંકી દીધા. અને મગની શીંગો ખાઈને રહ્યો. ત્રીજા પહોરે બળદ અને ભેંસો ઘરે લાવ્યો. હું કોઈની જ સાથે બોલ્યો નહિ. કોઈનેય કહ્યા વગર હું ઓઝર નાસી ગયો.

ત્યાં મને બધાં શોધતા રહ્યા. પણ મારું ટેકાણું નહતું. કોઈકે મામાને કહ્યું કે તેને ઓઝરના રસ્તે જતાં જોયો હતો. પછી મામા મને જોવા માટે ઓઝર આવ્યા. ચહેરો ખૂબ ઊતરી ગયો હતો. હું રમવા ગયો હતો. બા મામાને જોઈ રડવા લાગી. બાએ કહ્યું કે છોકરાને છાણનાં રોટલા બનાવી આપે છે. મારો છોકરો આખો દિવસ ઉપસાવી રહ્યો. મામાની આંખોમાં પાણી આવ્યું. મામો જવા નીકળ્યો. પચી હુંય મામા સાથે નીકળ્યો. અમે બંને આક્રાળા ગયા.

થોડાં દિવસ પચી ઘાસનાં ગાડાં લેવા માટે હું માયા જોડે ઘાટ નીચે જવા લાગ્યો. એ રસ્તો હજુય મારી આંખ સામે દેખાય છે. ગીચ ઝાડી અનેક વળાંકો લઈ નીચે જાય ચે. તેને સાવળઘાટ કહે છે. અમે આક્રાળા પરછી નીકળ્યા કે આજુબાજુનાં ગામમાંથી બળદગાડા રસ્તામાં અમને મળતાં. ચાર-છ ગાડાંઓ ભેગાં થઈ એક જ હેતુથી જતાં. મામાને ઘણા બદાં લોકો ઓળખતાં હતાં. જતી વખતે અમે એક અઠવાડિયાનાં રોટલા થેલામાં સાથે લઈ જતાં.

એક દિવસ સડકેથી અમારા ગાડાં જતાં હતાં. અમારું ગાડું બધાંયની પાછળ હતું. ગાડાંનાં બેસવાનાં પાટીયાં તૂટ્યાં હતાં. રાત ખાસ્સી થઈ હતી. રોટલાની પોટલી કોથળામાં હતી. મામા આગળનાં ગાડામાં ચલમ પીવા અને ગપ્પા મારવા ગયા હતા. અને ગાડાં પાછળ ગાડાં ચાલતાં હતાં. હું પાછળનાં ગાડામાં જ બેઠો હતો. એક ચોર ગાડાં સાથે ચાલતો હતો. એ મેં જોયું. પણ એ ક્યારે ગાડાં નીચે ઘુસ્યો એ મેં જોયું નહિ. તે અમારી રોટલાની પોટલી ચોરીને લઈ ગયો. એ કોઈને ખબર પડી નહિ.

અમારા ગાડાં ઘણે દૂર નીકલી ગયા પચી બળદોને વિસામો આપવા ગાડાં છોડ્યાં અને બળદોને ચારો નીર્યો. અમે રોટલા કાવા માટે પોટલી સોધવા લાગ્યા. તો અમારી પોટલી નહિ. મામાનાં મનમાં પોટલી પડી ગઈ કારણ કે ગાડાંનો બેસવાનો ભાગ તૂટી ગયો છે, પણ એક ગાડાંવાળાએ એક માણસને ના૩સતાં જોયો હતો. તેણે કહ્યું કે એ ચોર હતો. થયું અમારા બળદ ચારો ખાતા હતા. તે અમારા જનાવર, અમે તેમનાં માલિક. પણ તે મજાથી ચારો ખાતા હતા અને અમે તેમની સામે જોઈને તલસતા હતા. છેવટે પેલા ગાડાંવાળાઓએ અમને રોટલા આપ્યા. એ ખાઈને ઊંઘ્યા.

સવારે જ બદાંએ ગાડાં જોડ્યાં. ત્રીજા પહોરમાં અમે સાવળઘાટ નીચે ગયા. એ વહેળાની બાજુમાં ગાડાં છોડ્યાં. મામા અને કેટલાક જણા ઘાસની તપાસ કરવા ગયા. હું અને બે માણસો ગાડાં પાસે રહ્યા. મામાને આવતાં સાંજ પડી ગઈ. તે આવતાં મારા માટે ખાવાનું લાવ્યા, મને ખૂબ આનંદ થયો. એ ખાવાનું એટલે બે સીવરાઈનાં દાળિયા અને બે સીવરાઈનાં શેકેલા ચણા. તે મેં બે દિવસ કાધા. કેટલાક લોકોએ અમને ખાવાનું આપ્યું. ઘાસનાં ગાડાં ભરીને તૈયાર થયા અને અમારું ગાડું ભરીને તે દોરડાથી બરાબર કસીને બાંધ્યું. આગળ પાછળ તેને આડદાંડ લગાવ્યા. કારણ ગાડું પવનથી ઊંધું ન વળી જાય એટલે. મામા અને કેટલાક માણસો બીજાં ગાડાં ભરવા ગયા અને મને અમારા ગાડાંનાં છાંયે બેસવા કહ્યું. અમારું ગાડું એક ટેકરી પર હતું. હું ગાડાં નીચે છાંયામાં બેઠો. મારા હાથમાં એક લાકડી હતી. એ લાકડી હું મારતો બેઠો. પણ લાકડી ઠપકારતાં પડી. એની સાથે ગાડું મારા પર ઊંધું પડ્યું. હું ગાડાં નીચે ફસાયો. મારું આખુંય શરીર ઘાસ હેઠે દબાઈ ગયું. મને બહારનું કાંઈ દેખાતું ન હતું. હું બહાર નીકળવા તરફડિયા મારતો હતો. અનેક ભગવાનોને બોલાવતો હતો. પણ કોઈપણ ભગવાન આવ્યો નહિ. થોડેક દૂર ત્યાંનાં ઢોર ચારનાર છોકરાઓ હતા તેમણે જોયું અને દોડતાં આવી મને બહાર કાઢ્યો. મારી ડોકે ગાડાંનું પાટિયું વાગ્યું હતું. તેથી ડોકે સોજો ચડ્યો હતો. બધાં ગાડીવાળા આવ્યા. મામા પર ચીઢાયાં અને પેલા છોકરાઓએ મામાને એક-બે ઝાપટ લગાવી.

અમારા ભરેલાં ગાડાં ભેગાં થયાં. બધાંને ઘરની યાદ આવતી હતી. દિવસ આથમ્યા પહેલાં અમે ઘાટ પાસે આવ્યા. ઘાટ સર્પાકાર વાંકોચૂંકો દેખાતો હતો. ખાલી ગાડાંઓને પણ ચાર બળદ જોડવા પડતા. અમે ત્યાં જ મુકામ કર્યો અને સવારે પરોઢિયે જ ગાડાં જોડ્યા. ચાર ચાર બળદ જોડીને ગાડાં ઉપર લાવ્યાં. બધાં ગાડાં ઘાટ પર અમારી સાથે હતાં. ઘાટ ચઢ્યા પછી બળદ ખૂબ તાકી ગયા હતા. બધાં બળદોને છોડ્યા. બળદ ચરતા હતા અને અમેય ટાઢા રોટલા ચાવતા બેઠા હતા. બળદ ચરીને બેઠા. તેમને ખાસ્સો વિસામો મળ્યો હતો. બપોરે બેના સુમારે ગાડાં જોડ્યાં. અમારું ગામ પંદર માઈલ હશે. રસ્તો સારી સડકનો હતો. અમે ડુંગરની કોરે ચાલતાં હતાં. ડુંગર અમારી ડાબી બાજુએ હતો. ત્યાં સુધી આવતાં અમારે અંધારું થઈ ગયું. અમે ગાડાં છોડ્યાં. બળદ ઘાસનાં મેદાનમાં ચરવા છોડ્યા.

તે દિવસો ઠંડીના હતા અને ખૂબ અંધારું થયું હતું. અમને ખૂબ ઠંડી લાગવા લાગી. અમે વગડામાં અડાયાં છાણાં શોધવા ફરવા લાગ્યા પણ અંધારામાં છાણાં દેખાતાં ન હતાં. જમીન પર કાંઈક કાળું દેખાય કે તેની પર પગ મૂકીને જોતાં. પગે છાણું અડે તો તે લેતાં. આવી રીતે અડાયાં-છાણાં ભેગાં કરી લાવ્યા અને તાપણું કર્યું. તાપણાની આજુબાજુ બધાં શેકતાં બેઠા અને કેટલાક લોકો ઊંઘી ગયા. હુંય ઊંઘ્યો. પરોઢિયે ચંદ્ર નિકળ્યા પછી બધાં વળ્યાં અને પોતપોતાનાં બળદ જોવા લાગ્યા. પણ એકેયને બળદ મળ્યા નહિ. બળદ કોઈક લઈ ગયું કે વાઘ ઉપાડી ગયા એ સમજાતું ન હતું.

મને ગાડી પાસે રખેવાળ તરીકે મૂકીને તે બધાં લોકો બળદ જોવા ગયા. હું ગાડાં પાસે બેસીને મારી પાસેનાં થોડાં દાળિયાં અને શેકેલા ચણાં હતાં તે ખાઈને પાણી પાતો. પાસે જ એક પાણીનું ઝરણું હતું. પાણી ખૂબ સ્વચ્છ હતું. તરસ લાગે કે હું પાણી પીતો. પાણી પીને જ દિવસ કાઢ્યો. રાત થઈ તોય કોઈ જ આવ્યું નહિ. મારી નજર સતત તેમના મારગે જતી. અંધારું થયું. મને બીક લાગવા લાગી. અનેક વિચાર મનમાં આવવા લાગ્યા. ગાડાં છોડી જવાય નહિ. પેટમાં અનાજનો દાણો નહિ. બીક વધતી ચાલી. ત્યાં જ બાજુનાં ડુંગર તરફ મારું ધ્યાન ગયું. ત્યાં ડુંગરપર મને અજવાળું દેખાયું. મને લાગ્યું કે મારી તરફ વાઘ આવે છે. હું તો ખૂબ ગભરાયો. તે જ ટાઇમે ચાંદો ઉગવાનો સમય થયો. સાધારણ અજવાળું પડવા લાગ્યું. મારી નજર ડુંગર તરફ ચોંટી હતી. ત્યાં કોઈક હાલતું સરખું દેખાવા લાગ્યું. મારું શરીર કાંપવા લાગ્યું. મેં તરત બાંધેલા ગાડીનાં ઘાસનાં પૂળા આડશ તરીકે લીધા. અને સાચ્ચે જ થોડાં ટાઇમાં જ વાઘ આવ્યો. હું ઘાસમાંથી જોતો હતો. અંગ કાંપતું હતું. હું એમજ ચુપચાપ પડ્યો રહ્યો. વાઘે ગાડાંની આજુબાજુ બે ત્રણ ચક્કર લગાવ્યા. થોડીક વાર દૂર જઈને બેઠો. પછી એ ક્યારે ગયો તે મને દેખાયું નહિ.

આખરે બળદ લઈને મામા અને કેટલાક ગાડાંવાળા આવ્યા. પણ એકેય મારા માટે કશુંય ખાવા માટે લાવ્યા નહિ. મામા ગાડું જોડી તરત નીકળ્યા. અમે અક્રાળા આવ્યા અને બદું દાદીને કહ્યું. દાદી મને બાથ ભરીને રડી. હું થોડા દિવસ પછી ઓઝર પાછો આવ્યો.

તે પછી થોડાં દિવસે માધવરાવની બૈરી માંદી પડી અને છ સાત દિવસે તે મરી ગઈ. અમારો સંસાર અસ્તવ્યસ્ત થયો. તેનું નામ બાગુ. હું તેને ભાગુભાભી કહેતો હતો. પછી માધવરાવ મુંબઈમાં કામ સારુ ગયા અને અમે ઓઝરમાં જ રહ્યા. થોડા દિવસમાં સંદેશો આવ્યો કે મુંબઈમાં માધવરાવની ખાવાની ખૂબ દુર્દશા થાય છે. માટે કાકીને રાંધવા માટે મુંબઈમાં મોકલાવો તો સારું થાય. આવો સંદેશો આવ્યા પછી અમે મુંબઈ જવા નીકળ્યા. પણ જવું ક્યાં અને કોની સાથે એનો વિચાર આવ્યો. તે ટાઇમે નેવર્તીસાહેબ ઓઝર આવ્યા હતા. તે તરત જ મુંબઈ જવાનાં છે એવું પુંજાબાબાને કોઈકે કહ્યું. અમારી જ એક કાકાની ફોઈ, તેનું નામ પવળાવું. તેનેય મુંબઈ જવાનું હતું. સંગાથ જોઈતો હતો. અમે તેની સાથે મુંબઈમાં આવ્યા. એ ટાઇમે એક રૂપિયો ચૌદ આના ગાડીની ટિકિટ હતી. અમારી બા, હું અને મારી નાની બહેન નાજુકા. તેનું લગ્ન રુંજાબાબા સાથે થયું હતું. એ તે વખતે ખૂબ જ નાની હતી. સાસરીયે જતી ન હતી. અમે પવળા ફોઈ સાથે વગર ટિકિટે મુંબઈ આવ્યા. તે ટાઇમ ઓગણીસસો ઓગણીસની સાલનો હશે. તે પચી અમારા જીવનમાં જુદો જ વળાંક આવ્યો.

મુંબઈનગરીની ઓળખ

અમે મુંબઈમાં આવ્યા, તો બદું જ નવું દેખાવા લાગ્યું. આગીનગાડી, મોટાં મકાનો અને રસ્તા. અમે રેલવે સ્ટેશન જોયું અને અમને ખૂબ આનંદ થયો. ઘાટકોપરમાં ફાઈલવાળાની (રેલવેમાં ‘ફાઇલ્સ’વાળા તરીકે કામ કરનાર મજૂર) ચાલીમાં અમે રહેતાં હતાં. થોડાંક મિત્રો પણ થયા. મિત્રો સાથે સ્ટેશન પર ફરવા જવા લાગ્યો. અને મને મારાં જેવા ત્રણ મિત્ર મળ્યા. તેમાં એક આંધળો હતો, તેનું નામ મારવત્યા, તે સ્ટેશનમાં બેસીને ભીખ માંગતો. તેનાં મોટા ભાઈનું નામ પાંડૂ.

બા ઘાસ વાઢવા જતી અને હું ઘરે જ બહેનને સંભાળતો. બાને ઘાસ વાઢવાનું બરાબર આવડતું હતું. ગામે તેને બે કે ત્રણ આનાં મળતાં. પણ હવે બાર-ચૌદ આનાં મળવા લાગ્યા. તેનો ઘાસ પર સરસ હાથ બેઠો હતો. હુંય ઘાટકોપર સ્ટેશનની આજુબાજુમાં રમવા જવા લાગ્યો.

એક દિવસ સ્ટેશનની બાજુમાં રમતી વખતે મને એક માણસે બોલાવ્યો અને હુંય દોડતો ગયો. તેણે મારાં માથે ભાર મુક્યો અને મને ઘર સુધી લઈ ગયો. મને તેણે બે આના આપ્યા. એ જોઈને મને ખૂબ આનંદ થયો. મેં આવતાંવેંત બાને તે બે આના આપ્યા. બાનેય ખૂબ આનંદ થયો. આ મારી પહેલી કમાણી. હું રોજબરોજ જવા લાગ્યો. અમે રેલવેની ચાલીમાં રહેતાં હતા. એ ઓરડી ખૂબ નાની હતી અને માણસો વધારે તેમાં અમારો વધારો થયો હતો.

હું રોજ ચાર-પાંચ આના લાવતો અને બાનેય બાર-ચૌદ આના મળવા લાગ્યા. હવે સારું ચાલતું હતું. અમારા આવવાની માધવરાવને ખબર પડી પણ ત્રંબકે તેને કહ્યું હવે તારે બે-ત્રણ માણસોને પોષવા પડશે, તું હવે નીકળી જા. અહીં રહેતો નહિ. માધવરાવ ઓઝર જવા નીકળી ગયો અને અમારી પાસે આવ્યો જ નહિ અમે ત્યાં જ રહ્યા.

મારો મિત્ર પાંડૂ હતો. તેને મુંબઈની ખાસ્સી જાણકારી હતી. તેની સાથે ખિસ્સામાં પૈસા હોય કે અમે મુંબઈમાં ભટકવા જતાં. શરીરે ફાટેલી બંડી અને ફાટેલી ચડ્ડી. પગમાં કાંઈ જ નહીં. માથે તડકો તપડો હોય. નીચે ડામરનો રસ્તો. પગ ચરચર દાઝતાં. પણ અમને તેથી કાંઈ થતું ન હતું. અમે ગલી ગલી ભટકતા. ડામરનાં રસ્તા બરોર તપ્યાં હોય. રસ્તાનો ડામર ગરમ લાગે અને તેલ જેવી ચિકાશ દેખાતી. ટરામ ગાડી અને ઘોડાનાં ટાંગા જોઈને મને ખૂબ મઝા આવતી.

એક દિવસ અમે ચોપાટીએ જવાનું નક્કી કર્યું. બાએ મારી નવી બંડી અને નવી ચડ્ડી લીધી હતી. નવાં કપડાં જોઈને તે ક્યારે પહેરું એવું મને થતું હતું. બીજા દિવસે નવાં કપડાં પહેરી હું તૈયાર થયો અને આખીય ચાલીમાં ફરીને લોકોને દેખાડતો ફર્યો. તૈયારી કરીને અમે વગર ટિકિટે ગાડીમાં બેસીને એક સ્ટેશનમાં ઉતર્યા અને ગલીએ ગલીએ ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક ઈરાનીની હોટલમાં પાંડૂ ઘુસ્યો. તેની સાથે હુંય ગયો. તેણે એક સમોસો અને એક ચા મંગાવી. તે જ પ્રમાણે મેંય ચા અને સમોચો લીધો. ચાલતાં ચાલતાં અમે ચોપાટીએ આવ્યા. કપડા કાઢીને સમુદ્રમાં નાહ્યા. હું પાણીથી ખૂબ ગભરાયો. પણ પાંડૂએ મને સમજાવ્યો. પછી અમે ડામરનાં તપેલાં રસ્તે ચાલ્યા. ચાલતી વખતે મને પગમાં ગલીગલી થતી અને હું મનમાં હસતો. ગરમીથી તપેલો ડામર નરમ થયો હતો. તેની ઉપરથી અમે ચાલતાં. ચાલતાં ચાલતાં અમે થાકી ગયાં. એક જાડ હેઠે બેઠાં. આરામ થયો. પાંડૂએ કહ્યું કે હવે આપણે લાલ બત્તીએ જઈશું. ત્યાં ખૂબ મજા આવશે. મોટાં બંગલા, માળવાળા મકાન અને ઊલટી ગંગા છે. તે જોઈશું. અમે નીકળ્યા.

પાંડૂએ એક સિવરાઈની બે પાનપટ્ટીઓ લીધી. મેંય બે લીધી અને રસ્તે પાન ખાતા ચાલ્યા. મોટાં મોટાં મકાનો અને ચળકતાં રસ્તાને જોઈને હું ગભરાયો. પાનપટ્ટીથી મોં ભરાઈ ગયું હતું. હવે થૂંકવું ક્યાં એ વિચાર મનમાં આવવા લાગ્યો. સારી જગાએ થૂંકીએ તો પોલીસ પકડીને લઈ જશે અને કોટડીમાં પૂરી દેશે. મારી બા શોધતી ફરશે અને રડતી બેસશે. આવાં અનેક વિચાર મનમાં આવ્યા. પણ પાનથી મોં ભરાઈ ગયું હતું તે ક્યાં નાંખવું ? છેવટે મેં નવી બંડીને પહોળી કરી તેમાં થૂંક્યો. બંડીનાં બંને છેડાં પકડીને હું ચાલતો હતો અને થૂંક નીચે ટપકતું હતું. પાંડૂએ પૂછ્યું ઓટીમાં શું લીધું છે જોવા દે ? જોઈને એ હસવા લાગ્યો.

અમે તે રસ્તે ઉપર ગયા. શું જોયું ? ધોબી કપડાં ધોતા હતા અને કેટલાક ઠેકાણે પાણીની ટાંકીઓ હતી. તેમાંથી પાણી વહીને સમુદ્રમાં જતું હતું. તેને જ ઊલટી ગંગા કહે છે. હવે ત્યાં ગવર્નર સાહેબનો બગીચો છે અને કેટલાક વાઘ-સિંહના અને કેટલાક બાઈઓનાં પૂતળાં છે. આ તરફ ટેકરીની નીચે સમુદ્ર ને કિનારે ગવર્નરનો બંગલો. તેને જ ‘લાલબત્તી’ એમ લોકો કહેતાં.

તેનાં બે-ચાર દિવસ પછી અમે વળી ચાલતાં હતાં ત્યારે રસ્તેથી અમને પેલી તરફ જવાં જ ન મળે એટલી ગરદી હતી. કારણ ટિળકની સ્મશાનયાત્રા જતી હતી.

એક દિવસ અમે ઘરે સાંજે આવ્યા. આખો દિવસ જમવાનું નહિ. આવીને બાએ મારો બરાબર ઉધડો લીધો. રોજ આકો દિવસ તડકે ભટકતો. કેટલાક છોકરાઓએ કહ્યું કે થાણામાં બોગદાનું કામ ચાલુ છે. ત્યાં છ આના રોજ છોકરાઓનેય મળે છે. તે સાંભળી અમે સાત-આઠ છોકરાં ગયા. પણ મને કામે રાખ્યો નહિ. હું નાનો છું કહી કાંઈક બે ત્રણ છોકરા લીધાં. ડુંગર તોડીને અડધો ફર્લાંગ થયો, એવું અમે અંદર જઈને જોયું. માવળા બાજુ થોડાંક અંતરે એક મોટો અરીસો મૂકીને બોગદામાં અજવાળું કર્યું હતું. તે અજવાળામાં લકો કામ કરતાં હતાં, તે અમે જોયું.

અમે જે ઓરડીમાં રહેતા હતાં તે ઓરડી ખૂબ નાની હતી. જમવાનું પતે કે ગોડદાં ખભે લઈને ઘાટકોપર સ્ટેશનમાં જતાં અને ચાર નંબરનાં ફ્લાટ પર ઊંઘતા. અમારી સાથે કેટલાક મિત્રો-માણસોય રહેતાં અને છોકરાં-બાઈઓય હતી. ક્યારે ક્યારેક જગા પરથી ઝગડાં થતાં હતાં.

થોડાં જ દિવસમાં મારી અનેક ઓળખાઈ થઈ. મને એક માણસે પેપર વેચવાનું કામ આપ્યું. હું પેપર વેચવા લાગ્યો. તે જ મારી પ્રગતિની શરૂઆત થઈ. મને પાંચ-છ આના મળવા લાગ્યા. દિવસે ને દિવસે મને વધારે જ પૈસા મળવા લાગ્યા. ગંગારામ નામનો એક માણસ હતો. તેને છૈયાંછોકરાં ન હતા. મારી પર તેને ખૂબ ભાવ હતો. હુંય રોજ તેને પૈસાનો હિસાબ આપતો અને તે આપે એટલા જ પૈસા લેતો. તેને કારણે મારી પર તેનો વિશ્વાસ બેઠો. મને લઈને બધા પ્રેસ બતાવ્યા અને પ્રેસવાળાઓની ઓળખાણ કરાવી દીધી. કયા પેપરનું કેટલું કમિશન લેવાનું એની મને બધી માહિતી આપી.

તે ટાઇમનાં પેપર ક્રોનિકર, વિકલી, ટાઇમ્સ, લોકમાન, કેસરી, નવજીવન, મવુજ એવા અનેક પેપર મેં વાંચ્યાં. એમાં મને સારું એવું કમિશન મળતું. ‘નવજીવન’ પેપર તો ખૂબ જ ખપતું. તેની કિંમત પાંચ જૂના પૈસા હતી. ગુજરાતીઓ તેના વધારે પૈસા આપીને લઈ જતાં. ગુજરાતીઓનો વદારે ભરાવો મસીર બંદર, ઘાટકોપર અને મુલુંડ. તેમના માટે રેલવેની એક લોકલ હતી. તે બોરીબંદરતી ઉપડીને ઘાટકોપરે જ ઊભી રહેતી. અને ત્યાંથી ઉપડે કે મુલુંડ જ ઊભી રહેતી. ગુજરાતી લોકોમાં ખૂબ સંપ હતો.

હવે પેપર વેચવા લાગ્યો. સ્વરાજ્યની ચળવળ જોરમાં હતી. તે સમય ઓગણીસસો બાવીસ હશે. ગુજરાતી પેપર ખૂબ વેચાતાં. ‘નવજીવન’ પેપર તો મળવું મુશ્કેલ હતું. એ જ હું પાસે રાખતો હતો. એની પર પડાપડી થતી. લોકો પેપર ઝૂંટવી લેતા. તેની કિંમત પાંચ પૈસા હતી. પણ લોકો તેનાં ચાર આના-એઆઠ આના આપીને લેતાં. અને પોલીસની બીકથી વધેલ પૈસા લીધા સિવાય નીકળી જતા. રાત્રે નવ વાગે પ્રેસની ઑફિસમાં જઈને બધાં પૈસા ભરતો. અમારાં એજન્ટે બીબી દાદરમાં (પશ્ચિમ રેલવેનું દાદર સ્ટેશન) ઑફિસ માટે એક ઓરડી લીધી. તેનું સાત રૂપિયા ભાડું હતું. દાદર બીબી સ્ટેશનથી નજીક જનારા-આવનારા માટે જે પૂલ છે, તે પૂલનાં છેડે તેની પાસે જ એક ખિડકી છે. તે જ અમારી ઓરડી. થોડા દિવસમાં ગંગારામ એજન્ટ માંદો પડીને મરી ગયો. તેને છૈયાછોકરાં ન હતા. પેપર એજન્સી મારે જ ચલાવવી પડી. તેમાં મને ખૂબ જ પૈસા મળવા લાગ્યા અને મોટાં મોટાંની ઓળખાણ થઈ.

ચર્નીરોડ સ્ટેશનની આ તરફ ગાયવાડી છે. ત્યાં એક વીસ-બાવીસ ઓરડીઓની ચાલી હતી. તે ચાલીમાં એક ઓરડીમાં ઑફિસ અને બે ઓરડીમાં લાઇબ્રેરી હતી. ત્યાંના લોકો ‘અમને ફક્ત પચ્ચીસ રૂપિયા આપો અને અમારામાં મેમ્બર થાવ’ કહેતાં હતાં. મેં બાને પૂછ્યું. પણ બાએ ના કહી. આ કાંઈ આપણું ગામ નથી. આપણે તો પાછા ઓઝર જવાનું છે કહ્યું. પછી મેં તેને ના કહી.

મારો પેપરનો ધંધો જોરમાં ચાલતો હતો. રોજ રાત્રે પ્રેસમાં જઈને બધાંનો હિસાબ આપીને ઊંઘવા ‘મુંબઈ સમાચાર’નાં પ્રેસમાં જતો. પાથરવા કાગળ અને શરીરેય ઓઢી ઊંઘતો. સવારે ચાર વાગે ઊઠીને બધાં પ્રેસમાંથી પેપર લેતો. મેં કેટલાક પેપર વેચવા સારુ છોકરા રાખ્યા હતા. તેમને જે પેપર જોઈએ તે તે પ્રમાણે આપતો. બપોરે ત્રણ પછી બદાંનો હિસાબ ચોકરાઓ પાસેથી લેતો અને રાત્રે પ્રેસમાં આપતો. આવું બે-અઢી વર્ષ ચાલ્યું. તે વખતે બા જાય-પી-રેલવે (મધ્ય રેલવે)નાં ભાયખલ્લા ઇંજિન શેડમાં કામે લાગી. અમારા સારા દિવસ આવ્યા જેવું લાગ્યું.

યુરોપેન સાયેબનો સંગાથ

એક ઈરોપેન સાયેબ રોજ ક્રોનીકર પેપર લેતો. ક્યારેક પેપર ન મળે તો નારાજ. એક દિવસ તેણે મને કહ્યું કે અમારા લિયા પેપર રખો. આમ તુમકુ જ્યાદા પઈસા દેયગા. એને માટે હું એક પેપર બાજુએ કાઢી સંતાડી રાખતો અને તે આવે કે તેને આપતો. આવા ખાસ્સાં દિવસ ગયાં. તેની અને મારી દોસ્તી થવા જેવું મને લાગવા લાગ્યું. એક દિવસે તે મને બંગલે લઈ ગયો અને ખાવા પપૈયું અને સફરજંદ, કેલાં અને થોડા ભિસકીટ આપ્યા. મને ખૂબ આનંદ થયો. તેણે કહ્યું કે ‘તુમકુ જેબ ટાઇમ મિલેગા તબ તુમ આમ્હારે મીસી બાબાકા સાત ખેલનેકુ આવ.’ હું જવા નીકળ્યો ત્યારે તેણે મને બે રૂપિયા બક્ષીસ આપી. તે લઈને ખુશીથી ઘરે આવ્યો. ત્યારથી બંગલે જવા લાગ્યો.

સાહેબની બૈરી ઇંડિયન હતી. એ પેલી છોકરીને ખૂબ ત્રાસ આપતી હતી. ક્યારે ક્યારેક એના વાળ પકડીને મારતી હતી. કારણ તે એની સાવકી મા હતી. સાહેબનો બંગલો ઘાટકોપરમાં પેલો મોટા પાઇપનો પાણીનો પૂલ છે તે જ પાઇપનાં પૂલને અડીને એક રેલવેનો બંગલો છે, તેમાં સાહેબ રહેતો હતો. રમવા માટે મેદાન અને બગીચોય મોટો હતો.

સાંજે પેપરનાં પૈસા ભેગાં થાય કે ચાર-સાડાચારે હું બંગલા પર જવા લાગ્યો. તે છોકરી સાથે બગીચામાં રમતો અને ત્યાં જ જમતો. આવું કેટલાક દિવસ ચાલ્યું. સાહેબ અને મેમસાહેબ વરંડામાં ખુરશીઓ નાંખીને અમારી રમત જોતાં. રમત થપ્પોની, ક્યારેક દોરડા કુદવાની તો ક્યારેક પકડાપકડીની, આવી રમતો ચાલતી. એ છોકરીનો મારી પર ખૂબ જ ભાવ હતો. તેમનાં પ્રેમને કારણે મારું પેપર પર દ્યાન ઘટતું ગયું. થોડા દિવસ પછી સાહેબને આ સમજાયું. સાહેબ મને મહિને આઠ રૂપિયા આપવા લાગ્યો. તે વખતે મને ઈશ્વરભક્તિ અને ભજનનો નાદ લાગ્યો.

એક દિવસ અમે રમતાં હતાં. તે વખતે સાહેબે અમારો ફોટો કાઢ્યો. અને એને સાહેબે તેમની બાને મોકલાવ્યો. તે અમને જણાવ્યું નહિ. સાહેબની બા અને બંને છોકરા વિલાયત હતા. તે છોકરીની દાદીએ અને ભાઈઓએ એક પત્ર મોકલાવ્યો. તેમાં તેને કહ્યું કે જે છોકરો તારી સાથે રમે છે, તેના પગમાં બૂટ નથી. તેનાં પગ ઉપર પગ મૂકીશ નહિ. પગ મૂકીશ તો તેનાં પગે જખમ થશે.

પચી સાહેબ મારાં માટે બૂટ લાવ્યા. તે જોઈને મને ખૂબ આનંદ થયો. સાહેબની બાએ બિલાયતતી કાગળ લખ્યો. બંને છોકરા નિશાળેથી આવે કે તેમનાં માટે બે ઓરડાં ખાલી છે. તેમાં તે વાયરનાં તાર સાથે રમે છે અને એ તારમાં કાંઈક લગાડીને બોલે છે. ક્યારે ક્યારેક દૂર બેસીને અંદરથી કાંઈક અવાજ આવે છે તે સાંભળે છે. આવું મને મેમસાહેબે કહ્યું.

એક દિવસ સાહેબ-મેડમ વરંડામાં બેઠાં હતાં. ત્યારે મને બોલાવ્યો અને કહ્યું કે બારમી તારીખે તારે મીસીબાબા સાથે તેની શાળામાં જવું પડશે. મેં તે કબુલ કર્યું અને રમવા ગયો. સાહેબને અને મેમસાહેબને વિચાર આવ્યો, મને તેમણે કપડાં અને બૂટ પણ લઈ દીધાં. શાળાની તારીખ દૂર હતી. ત્યાં સુધી મારી તેણે સરસ તૈયારી કરી. મેમસાહેબે મને તે કપડાં થોડા દિવસ પછી દેખાડ્યાં, એ જોઈને ખૂબ જ આનંદ થયો.

બારમી તારીખ, સવારે અમારી તૈયારી કરીને હું આવ્યો. મેમસાહેબ મારી સામે જોઈ ખૂશ થઈ અને ઘરમાંથી એક ટાઇ લાવીને તેના હાથે મારા ગળામાં બાંધી આપી. મને તેની સાથે રહીને અંગ્રેજી ભાષ આવડવા લાગી અને હું તેની સાથે અંગ્રેજીમાં બોલતો. મને મરાઠી લખતાં-વાંચતા આવડતું નહતું. પણ હું તેની પાસે અંગ્રેજી બોલતાં શીખ્યો. તેણે જ એ.બી.સી.ડી... શીખવાડી. અમે બંને પાંચ વાગે તેની શાળામાં ગયચાં. શાળા આઝાદ મેદાનની પાસે અને બોરીબંદર સામે છે. તે હજુય છે. હું અંદર જઈને ઊભો રહ્યો અને તે અંદર ગઈ. મને એક સાહેબે મારો હાથ પકડીને ખુરસી પર બેસાડ્યો. તે મને ખૂબ ભારે લાગ્યું. મનમાં મારાં અનેક વિચાર આવવા લાગ્યા. હું જો શાળા ભણ્યો હોત તો આ ખુરશી મેં હક્કપૂર્વક લીધી હોત. ત્યારથી વિચાર કરવાની શક્તિ મારાં મનમાં નિર્માણ થઈ.

સાહેબનું નામ નેયરલ અને છોકરીનું નામ રોબિન. મેમસાહેબ કાળી હતી. તેનું નામ ભૂલી ગયો છું. પણ એ મને ખૂબ સારી રીતે સંભાળતી અને મને લાડ પણ કરતી. કારણ હું તેને ખૂબ મદદ કરતો હતો. ધણી-બાયડીનાં કાયમ ઝઘડાં થતાં. પેલો ઘરમાં બધો સામાન ફેંકાફેંકી કરતો. એ પીએ કે ઘરમાં નાટક શરૂ થયું જ હોય. કપડાં ઉતારીને ફેંકતો અને નાગો જ દૂર જઈને ઘાસની ઝાડીમાં પડ્યો રહેતો.

એક દિવસ મોડી રાત થઈ. સાહેબ અને મેમસાહેબનો ખૂબ જ ઝઘડો થયો. બંગલો લાઇનની પાસે જ હતો. બંગલા પાસેથી થોડા અંતરે રેલવેની મોટી ખાળ હતી. તે બંગલામાંથી દેખાતી હતી. તે ટાઇમે સાહેબ બંગલામાં ન હતો. એ ઝઘડીને ઘરમાંથી બહાર નીકળ્યો હતો. મેમસાહેબને લાગ્યું કે સાહેબે ગાડી હેઠે પડતું મૂક્યું. મેમસાહેબ મોટેથી રડવા લાગી. અમે બધાં લોકોએ એકઠાં થઈને શું થયું એની ચોકસાઈ કરી. મેમસાહેબે કહ્યું કે સાહેબે જીવ આપ્યો છે. ‘પેલો જુવો, ખાળ પર તરફડી રહ્યો છે.’ અમે ફાનસ લઈને ખાળ પર ગયા પણ સાહેબ ન’તો પણ મોટો કાગળ હતો અને પવનથી હાલતો હતો. અમે બધાં પાછાં વળતાં હતાં ત્યાં જ ઘાસમાં કણસવાનો અવાજ આવ્યો. મેં જઈને જોયું તો સાહેબ પડ્યો છે અને શરીરે કપડાં નથી. ફક્ત લેઘોં છે. તેમાં તે મૂતર્યો હતો. આખુંય શરીર ભીંજાઈ ગયું હતું. મેં તેને ઊંચકીને ખંભા પર લીધો અને લાવીને પલંગ પર નાંખ્યો. મેમસાહેબ પાસે જ ઊભી હતી. હું મારી ખોલી પર ગયો. આ નાટક બધાંએ જોયું. ત્યારથી મેમસાહેબને હું ખૂબ જ ગમવા લાગ્યો. આમ કેટલીય વાર સાહેબને હું અનેક ટેકાણેથી લાવ્યો હોઈશ.

મેમસાહેબ મને દિકારની જેમ રાખતી. એક વખત મેં પપૈયું ખાધું. તે મેં ચોરીને ખાધું. બગીચામાં ચાર-પાંચ પપૈયાનાં ઝાડ હતા. અમારું ધ્યાન કાયમ તેની પર રહેતું. પપૈયું સાધારણ પીળું થાય કે હું તે તોડતો અને રોબીનની ઓરડીમાં લાવીને મુકતો. બરાબર પાકે કે અમે બંને જણ ખાતાં. આ કોઈને ય ખબર ન હતી. કેટલીક વખત દિવસે હું મારી ઓરીડમાં જઈને એકલો જ ખાતો.

એક ટાઇમે મેં એકલાએ બે ત્રણ પપૈયા ખાધાં. તેને કારમે મારાં કપાળ ઉપર અને મોં પર મોટાં મોટાં ગુમડાં થયા. હું મારી ઓરડીમાં બેઠો હતો ત્યારે મેમસાહેબે મને બૂમ પાડી.

‘ચોકરા, ઇદર આવ.’

હું દોડતો તેની સામે જઈને ઊભો રહ્યો. તેણે મારી સામે જોયું અને પૂછ્યું,

‘ચોકરા, તુમકો ક્યા હુવા ?’

મેં કહ્યું - ‘ફોડા હુવા.’

તે બોલી -

‘યે પપાયા કા ઝાડ આયા. આબી સબ પપાયા તુમ્હારા સીર પર આએગા, અબ તુમકુ જુલાબ દેયગા. તુમ કલ કુછ નહીં ખાના. સમજ્યા ? જ્યાવ.’

હું મારી ઓરડીમાં ગયો અને પલંગ પર ઊંઘી ગયો. મેમસાગેબે પાછો મને બોલાવ્યો. એક વાઇન ગ્લાસમાં થોડી બ્રાંડી નાંખી. તેમાં દિવેલનું તેલ નાંખ્યું અને પાછી એમાં બ્રાન્ડની નાંખી. તેનો તેનલો ગોળો બન્યો. મને પીવા આપ્યું. હું જઈને ઊંઘ્યો. પણ રાત્રે મારા પેટમાં કાંઈક થતું હતું. સવારે બે ત્રણ વખત સંડાસ થયો.

સવારે બધાનાં કામ પતાવી અને સાહેબની ઑફિસે ગયો. પછી મેમસાહેબે મને બોલાવ્યો. હું તરત જ ગયો. પૂછ્યું કે

‘છોકરા, કિતના જુલાબ હુવા !’

તે મને સમજાયું નહિ. મેં કહ્યું કે

‘બીસ-પચ્ચીસ’

એ સાંભળીને તે હસવા લાગી. પાસે જ ધોબી ઊભો હતો, મેમસાહેબે તેને બોલાવ્યો. મારાં વિશે તેને કહ્યું. તે ધોબીએ મને પૂછ્યું,

‘છોકરા, રાતસે અબીતક કિતના ટાઇમ સંડાસ ગયા થા ?’

મેં તને કહ્યું કે,

‘દો તીન ટાઇમ સંડાસ હુવા.’

‘જાડા હુવા યા પતલા હુવા.’

મેં કહ્યું,

‘પતલા હુવા.’

એ સાંભળી બંને હસ્યા. તેઓ કેમ હસ્યા, મને સમજાયું નહિ.

સાહેબને દારૂનો અને ઘોડાની રેસનો ભારે નાદ હતો. તે મને ચિઠ્ઠી આપીને પૂણે મોકલતાં. હું પાકિટમાં પૈસા લઈને જતો, તે એક સાહેબને આપતો, સાંજના સાત વાગ્યાની ગાડીમાં હું રાતે અગિયાર વાગે બંગલા પર આવતો. સવારે સાહેબ મને બોલાવી થોડાં પૈસા આપતો, જે ટાઇમે રેસમાં વધારે પૈસા લાગે કે મને વધારે પૈસા મળતાં.

એક દિવસ સાહેબની છોકરીએ ચાળીશ રૂપિયા રેસ રમવા માટે મને આપ્યા. મને આજુબાજુનાં લોકોને પૂછીને ઘોડાની અને રમવાની માહિતી મળી હતી. દર રવિવારે હું પૂણે જતો. મને સાહેબે પાસ આપ્યો હતો. તે છોકરીએ આપેલા પૈસા મેં મારા મનથી જ લગાડ્યા. ત્યાંનાં સાહેબને પૂછીને લગાવ્યા. તેમાંથી બે હજાર ત્રણસો રૂપિયા મળ્યા. તે મેં એક કાગળનાં પાકિટમાં ઘાલીને બંધ કર્યા. સાહેબને કેટલા મળ્યા તે મને સમજાયું નહિ. સાહેબ મારી રાહ જોતો વરંડામાં બેઠો હતો. મેં આવીને સાહેબનાં હાથ પાકીડ આપ્યું અને નીકળી ગયો. બીજા દિવસે મને સાહેબે બોલાવ્યો અને ભારે ખુશીથી મને પચાસ રૂપિયા આપ્યા. હું તો ખૂબજ આનંદિત થયો હતો. તે આનંદનાં આવેગમાં તે છોકરી પાસે ગયો અને તેનાંય પૈસા આપ્યા. પણ ચુપચાપ. તેણે લઈને, જોયા વગર મૂકી દીધાં. સાંજે તેની રૂમમાં બોલાવ્યો અને ખૂબ હસીને તે મારા ગળે હાથ વીંટાળી ને બોલી, ‘ઈવર લખી મેન’. તરત જ તેણે મને સો રૂપિાયની નોટ આપી. મેં ના કહેતાં મારાં ખિસ્સામાં મૂકી. મને કેટલો આનંદ થયો હશે તે અત્યારે કહી શકતો નથી.

એક દિવસ સાહેબે મને ચિઠ્ઠી આપીને ઈગતપુરી મોકલ્યો. એનો મિત્ર ઈગતપુરીના સઇતાન બંગલામાં રહેતો હતો. સાહેબે કહ્યું કે આ ચિઠ્ઠી ઈગતપુરીનાં સ્ટેશન માસ્તરને આપ. માસ્તર તને બંગલો બતાવશે. હું ચિઠ્ઠી લઈને ઈગતપુરી ગયો. ચિઠ્ઠી માસ્તરને આપી. તેણે મારી સાથે એક પૉટર મોકલ્યો. અમે બંનેય બંગલે ગયા. પેલા પૉર્ટરે મને બંગલો દૂરથી જ બતાવ્યો. મારી જોડે બંગલા સુધી આવ્યો નહિ. અને મને ય કાંઈ કહ્યું નહિ.

હું એકલો જ બંગલાના ગેટ સુધી ગયો. ગેટ બંધ હતો. મેં ગેટ કોલ્યો. ઘંટડીનો અંદર અવાજ થયો. ત્યાં જ એક સાહેબ દોડતો બહાર આવ્યો. તેને સલામ કરી ને પેલી ચિઠ્ઠી મેં આપી. મને વરંડામાં બેસવા કહ્યું. હું ત્યાં જ બેસી રહ્યો અને આજુબાજુ જોવા લાગ્યો. પણ ત્યાં કોઈ જ નહિ અને બંગલામાંય કોઈ જ નહિ. મને સાહેબે ચા લાવીને આપી. હું ચા પીતો હતો ત્યારે કેટલાક સાહેબો અને મેમસાહેબ આવ્યાં. થોડી વારમાં બંગલામાં ગરદી થઈ ગઈ. સાહેબે કાગળમાં પડીકું બાંધીને મને આપ્યું. તેણે કહ્યું કે ‘હે ખિસેમેં રખો.’ તે ટાઇમ સાત-સાડા સાતનો હશે. અંધારું થયું હતું. બંગલા બહારની બત્તીઓ ચાલુ થઈ હતી. હું બેસીને મઝા જોતો હતો. મને સાહેબે બહાર જ જમવાનું લાવી દીધું. મારું જમવાનું પત્યું, હું ઊઠીને બહાર જાઉં તેટલામાં સાહેબે ઇશારો કર્યો, જતો નહિ. નીચે બેસવાનો ઇશારો કર્યો. હું ચુપચાપ બેઠો ગમ્મત જોતો હતો. કેટલાલ સાહેબ મેમસાહેબ એકબીજાની કમર ઝાલીને નાચતા હતા. દારુનાં ગ્લાસ મોઢે અડાડતાં અને વિધવિધ પ્રકારની મસ્તી કરતાં હતાં. હું ગંમત જોતો હતો, તે જમવા બેઠા અને સાહેબે મને જમવાનું લાવી દીધું પણ વરંડામાં. થોડી વારમાં તેમનું જમવાનું પત્યું તે લોકો ક્યારે અને ક્યાં ગયા તેની મને ખબર જ ન પડી.

થોડીવારમાં ત્રણ પૉટર અને ફાનસ લઈએ આવ્યા. સાહેબે કશુંક કાગળમાં વીંટાળીને મને આપ્યું અને સાહેબને આપવા કહ્યું. હું પેલા પૉટર સાથે સ્ટેશનમાં આવ્યો. પછી પાછળ જ થોડા ટાઇમમાં સાહેબ પણ આવ્યો, તેણે મને જે નાનું પડીકું આપ્યું હતું તે પાછું લઈ લીધું અને પાછો વળ્યો. સાહેબ નીકળી ગયા પછી ખાસ્સાં પૉટર મારી પાસે ભેગાં થયાં. અને મને પૂછવા લાગ્યા, તેં શું શું જોયું અને કેટલા માણસો હતા ? મેં તેમને બધુંય કહ્યું તે સાંભળી બધાં જ હસવા લાગ્યા. પછી તેમણે મને આખીય વાત કહી કે તે સાહેબો ન’તા પણ ભૂત હતા. તને પહેલાં ખબર પડી હોત તો તું ડરી ગયો હોત અને બંગલા પર ગયો નહોત. પછી હું રાતે બેની ગાડીમાં મુંબઈ આવ્યો. સવારે જ હું બંગલે ગયો અને જે જે થયું હતું એ સાહેબને કહ્યું. છોકરીને ઈગતપુરીમાં બનેલી આખીય વાત સંભળાવી. એ હસવા લાગી.

થોડા અઠવાડિયા પછી બીજો સાહેબ અને મેમસાહેબ તથા બે છોકરાંવ મહેમાન જમવા માટે આવ્યા હતા. સાહેબે મને બૂમ પાડી :

‘છોકરા, ઇધર આવ. તુમ સાહેબ કા સાથ જ્યાવા. સાહેબ લોન્હાવલા જાનેકા હાય.’

હું ચુપચાપ તેમની સાથે ગયો.

મહાલક્ષ્મીનાં ડુંગરાપર તે સાહેબનો બંગલો હતો. અમે બદાંય મોટરમાં બેસી તેમના ઘરે ગયાં. મને ડુંગરપર ગયા પછી બધું નવું જ દેખાવા લાગ્યું. ઉપર મોટું તળાવ, તેમાં છલોછલ ભરાયેલું પાણી અને આજુબાજુમાં જુદા જુદા પક્ષી અને મોટાં મોર, એ જોઈને મને ખૂબ આનંદ થયો. બંગલો ડુંગરાનાં ઢોળાવ પર હતો. ડુંગરની પાછળ સમુદ્ર હતો અને ડુંગરનાં તળીયે કેટલાય મોટાં મકાનો અને બેઠાં ઘાટનાં ઘર હતાં. અમારે સવારે જવાની તૈયારી સાહેબ કરતો હતો. મોટરની આજુબાજુ તે સતત ચક્કર લગાવતો અને ઉપર નીચે જોતો હતો. મોટરની પાછળની બાજુમાં ધુમાડો નીકળવા માટે એક પોલો પાઇપ હોય છે. તે પાઇપને એક પિતળની સીટી લગાડી હતી.

અમે સવારે છ વાગ્યાનાં સમયે નીકળ્યાં. ખાવા માટે ઘણું બધું લીધું હતું. અમારી ગાડી કુર્લાથી આગળ ખાસ્સી દૂર ગઈ હતી. સાહેબે નવી સીટી વગાડી તો અમારા પેટમાં કાંઈક થયું. અમે બધાં જ ગભરાયા. સાહેબે રસ્તો મૂકી દીધો અને ડુંગરની ધારે ધારે ચાલવા લાગ્યા. ડુંગરથી થોડે દૂર મોટર ઊભી કરી. મોટર પર જાળીઓ બેસાડી. એક છોકરો મોટો હતો. બાર-તેર વર્ષનો. તેને સાહેબે કંઈક કહ્યું. તે બંનેને મોટરમાં બેસાડ્યા અને દરવાજા વ્યવસ્થિત બંધ કર્યા. સાહેબે અને મેમસાહેબે બંદૂકો લીધી અને અમે ત્રણેય નીકળ્યા. સાહેબે મોટા ચોકરાને કહ્યું કે કોઈ જનાવર પાસે આવે કે આ સિટી વગાડ. અમે દોડતાં આવીશું, ગભરાતો નહિ. અમે ડુંગરની ધારે ચાલ્યા. આજુબાજુ જોતાં હતાં. ત્યાં એક મોટી ગુફા જોઈ. તેમાં એક વાઘણ તેનાં બચ્ચાને ધવરાવતી હતી. સાહેબે જોઈ. તરત જ બંદુક સંભાળી. વાઘણ ગુસ્સામાં દોડતી ધસી આવી. પણ બંનેએ ગોળીઓ મારી. વાઘણ હેઠી પડી ગઈ હતી. તેની પાસે બિલાડીનાં બચ્ચાં જેવાં બે બચ્ચાં જોયાં. અમે તે બચ્ચાં ઊંચકી લીધાં. પણ અમારાથી તે વાઘણ ઊંચકાય નહિ. અમે ત્રણેએ મળીને જેમતેમ થોડા અંતર સુધી લઈ ગયા. એક ઝાડ નીચે છાંયડે લાવીને મૂકી અને અમે ત્રણેય મોટર પાસે આયાં. બધાંએ ખાધું. તે વાઘનાં બચ્ચાં સાથે છોકરાઓ રમવા લાગ્યા. તેમને ખૂબ મજા આવી.

અમે એક ઊંચી ટેકરી પર ફરતાં હતાં અને પાસે જ રેલવે હતી. એક મુંબઈથી પૂણે જનારી ગાડી ગઈ. અમે બધાંય તેની મઝા જોતાં ઊભાં હતાં. અમારા સાહેબને, મેમસાહેબને અને છોકરાને જોવા માટે ઘણાં બધાં ડુંગરાનાં ભીલ લોકો અને તેમનાં બૈરાં-ચોકરાં ભેગા થયાં હતાં. તે ડુંગરમાં કરંબદા તોડવા માટે આવ્યા અને અમારી ગંમત જોતાં રહ્યાં. થોડી વારે એક મેલ મુંબઈથી પૂણે ગયો અને તેની પાછળ તે જ લાઇને એક મોટર લાડીસ ગઈ. તેનો અવાજ સાંભળી બધી સ્ત્રીઓ અને છોકરાં જોવા માટે દોડતાં આવ્યા અને અંદરોઅંદર બોલવા લાગ્યા

‘પહેલી ગાડી ગઈ તેની પાછળ તેનું બચ્ચું દોડતું ચાલ્યું.’

એ સાંભળીને મને હસવું આવ્યું. સાહેબે પૂચ્યું શું છે. કેમ હસે છે ? તેમની ભાષા મને સમજાઈ એટલે હું હસ્યો. મેં સાહેબને કહ્યું કે ગાડી ગઈ અને તેનું બચ્ચું તેની પાછળ દોડતું ચાલ્યું છે. તે બંનેય હસવા લાગ્યાં.

થોડી વારે બે માણસ આવ્યા. તે પેલી વાઘણ ઊંચકી લાવ્યા અને મોટર પર મૂકી. સાહેબે તેમને કાંઈક આપ્યું અને તે નીકલી ગયા. અમારી મોટર થોડા અંતરે પહોંચી. હરણાનાં ઝુંડ જોયાં. ગાડી ઊભી કરીને બંને નીચે ઉતર્યા અને બંનેએ ગોળીઓ મારી. તેમાં બે હરણા મર્યાં. એક મોટું અને એક નાનું. તે અમે ઊંચકી લાવ્યા અને મોટર પર બાંધીને મુક્યું. અમે સાંજે ઘરે આવ્યા.

હું દરરોજ બાટલીથી પેલા વાઘનાં બચ્ચાને દૂધ પીવડાવતો. બાટલીમાં રબરની નળી નાંખીને તૈયાર કરી હતી. વાઘનાં બચ્ચાં અને બિલાડીનાં બચ્ચામાં કાંઈ ફરક નથી. મોટાં થયા પછી તેમનામાં ફરક દેખાય છે. હું દરરોજ તેમને બગલમાં લઈને બગીચામાં જતો અને તેમની સાથે રમતો. અમને જોવા માટે ગીરદી થતી હતી. હું એક અઠવાડિયું ત્યાં રહ્યો. પછી નીકળી આવ્યો. મને પેલો સાહેબ જવા દેતો નહોતો. પણ મને તેની પાસે ગમતું નહતું.

એક દિવસ અમારો નેર્લસ સાહેબ અને હું લાઇન પર ચાલતાં બંગલા તરફ જતી વખતે મને સાહેબે કહ્યું :

‘તુમ લાહીનશે જાના યાના નહીં. થોડા દિનશે વાયર કી ગાડી યહી લાહીનશે ચલેગી. આવૂર યે ગાડી લંબેસે ખેંચ લેયગી વ તુમ મર જાયગા. કભી લાહીનશે જ્યાના નહીં.’

મને તેનું કહેવું સમજાયું નહિ. ગાડી દૂરથી મને અંદર કેવી રીતે કેંચી લેશે ? તે તો તેની લાઇને જશે એવી મારી સમજણ હતી. સાહેબે બીજી એક વાત કહી.

‘તુમ ભજન ગાતા હૈ તો લંબા બઇટનેવાલેકુ સુના નાહી જ્યાતા. આબ થોડે દિનશે ઇંગ્લૅંડમેં લોક ભાગતા હૈ તો વુનકા પાવકા આવાજ ઈદર સુનનેકુ આયગા.’ વિલાયતમાં ભજન કરીએ તો તે અહીં બેસીને સાંભળી શકાશે.

તે મને ગળે ઉતરતું ન હતું.

અમારા સાહેબનો અને ઉપરનાં અધિકારીનો ઝઘડો થયો. તેને અધિકારી સાથે બનતું નહતું. સાહેબે એક મહિનાનું રાજીનામું આપ્યું એ મને છોકરીએ કહ્યું. એ સાંભરી મારા મનમાં દુઃખ થયું. સાહેબ હવે જલદી જવાનો. મેમસાહેબ તો બોલતી બંધ થઈ. મેમસાહેબ અને સાહેબે મારાં માટે પેન્ટ અને ખમીસનું કપડું લાવી રાખ્યું હતું. એક દિવસ સાહેબ મને સાથે લઈ ગયા અને પન્ટ અને ખમીસ સીવવા નાંખ્યું અને બૂટ પણ લીધા. થોડા દિવસ પછી કપડા ઘરે લાવ્યા પણ મને દેખાડ્યા નહિ.

એક દિવસ બંગલે સાહેબને ઘણાં મહેમાનો આવ્યા. સાહેબ ચાર બાટલી દારૂ લાવ્યા હતા. બધાં લોકો દારૂ પીને ઢૂસ થયા હતા. નાચ પણ બરાબર ચાલ્યો હતો. બધાંનું જમવાનું પત્યું. થોડાંક વરંડામાં બેઠાં તો થોડાંક બગીચામાં ફરતાં હતાં. પાંચનાં ટાઇમે એક પોટો પાડનારો આવ્યો. તેણે બદાનાં જુદા જુદા ફોટા પાડ્યા અને એક બધાંયનો ફોટો પાડ્યો. એક

પેલી છોકરીનાં અને મારા હાથમાં નાંખીને ફોટો પાડ્યો. સાહેબનાં લાવેલા કપડાં પહેરીને ફોટો પાડ્યો. સાહેબે તેનાં હાથે મને ટાઈ બાંધી હતી. એ ફોટાની એક કૉપી મને આપી હતી.

એ સાહેબ એક મહિનામાં વિલાયત ગયો. પણ મેમસાહેબને લઈ ગયો નહિ. કારણ તે ઇન્ડિયાની હતી. તેને અહીં જ છોડીને ગયો. છોકરી જતી વખતે ખૂબ રડી. તેને હું મારા મનમાં ક્યારેય ભૂલી શકીશ નહિ. તેણે જ મને એ.બી.સી.ડી. શિખવાડી. તેને કારણે મેં ચોત્રીસ વરસ કૅબીનમૅનની નોકરી કરી. મારા સંસારની પ્રગતિ થઈ. મૂળે હું ગમાર. તેણે જ મને આજે આ જગા પર બેસાડ્યો. હું ભુલીશ નહિ.

જાયપી રેલવઈની નવકરી

મારો યુરોપેન સાયેબ ગયા પછી હું બેકાર ફરવા લાગ્યો. એ ઓગણીસસો બાવીસ-તેવીસનો કાળ હશે. મને કાંઈ જ કામ મળતું નહતું. પછી એક માણસે મને ભાવડ્યાની કાપડ મીલમાં ડૉફર-ટોપલાનાં ચોકરાનાં કામે ગોઠવ્યો. મેં છ સાત મહિના સારી રીતે કામ કર્યું. તેમાં મારી ખાસ્સી પ્રગતિ થઈ. બૉબીન ભરવામાં મારો સરસ હાથ બેઠો. હું મુકાદ્દમને મદદ કરતો. ક્યારે ક્યારેક ડ્રાપ પણ પાડતો. તેને કારણે હું બધાંનો માનીતો બન્યો. પણ થોડા દિવસમાં બદાં છોકરાઓને કામેથી કાઢી મૂક્યા. તેમાં મનેય કમી કર્યો. હું વળી પાછો બેકાર થયો અને કામ માટે ફરવા લાગ્યો.

પછી જાયપી રેલવેમાં દાડયા તરીકે મને લીધો. હું એક વરસેર (ઑવરસિયર) સાથે કામ કરવા લાગ્યો. થાણા સ્ટેશનની આગળની બાજુએ એક મોટું તળાવ છે. તેની જમણી બાજુથી એક રેલવેની લાઇન થાણા ખાડી સુધી નાંખી હતી. ત્યાં જાયપી રેલવેનું પાવર હાઉસ બનાવવાનું હતું. તેમાં એક પાયાની શોધ કરવા લોકો કામ કરતાં હતાં. ત્યાં દુરબીન અને બીજો સામાન લઈને મારે જવું પડતું. પણ પાયા માટે જગા ત્યાં મળી નહિ. તે ઠેકાણે કામ બંધ કર્યું. પછી થોડા દિવસ પછી હું સાહેબ સાથે કલ્યાણ જવા લાગ્યો. કલ્યાણની આ તરફ એક માઈલનાં અંતરે ખાડી છે. એ ખાડીની ભરતી ક્યારે આવે છે અને ક્યારે ઓસરે છે તે જોવાં અમે રાતે જતાં. અમારી પાસે ફાનસ રહેતું. આખી રાત ખાડીનાં કાઠાં ઉપર બેસી રહેતાં અને સાહેબ તેની નોંધ કરતો. આમ એક મહિનો ત્યાં જ કાઢ્યો. ભરતી આજે નવ વાગે આવે તો બીજા દિવસે દસ વાગે આવતી. રોજ એક કલાકનો વધારો થતો.

થોડા દિવસ પછી મારી બદલી બીજા ખાતામાં થઈ. ત્યાં મારે સિમેન્ટ-કૉંકરેટનું કામ કરવું પડ્યું. વાયરનાં થાંભળા દાટવા સારુ મોટા કાંકરા ભરવા પડતા. બોરીબંદરનાં કેટલાંય થાંભળા મારા હાથનાં છે. પછી બે લાઇટો અને બે દાડીયા આપીને મને કલ્યાણની ખાડીની પેલી કોર જવા માટે એક હોડીની સગવડ કરી દીધી. હું તે ચાર માણસો લઈને પેલી બાજુએ જઈને ચાર બાય ચારનાં ખાડા ખોદાવતો. તે બાજુએ ખૂબ ગાઢ ઝાડી અને મોટું જંગલ. અમને ખૂબ બીક લાગતી. ત્યાં જંગલમાં ક્યાંક માણસનો પત્તો ન હતો. અમે બધાં એકઠાં મળીને કામ કરતાં. આખા દિવસમાં નીચે એક ફૂટ ઊંડો ખાડો થાય કે હું છુટ્ટી આપતો અને હોડીમાં બેસીને અમે તે ખાડીમાંથી આ બાજુએ આવતાં. આ બાજુ ખૂબ બોરનાં ઝાડ હતાં. અમે બધાંય બોર વીણતાં. એક એક ટોપલી ઘરે લાવતાં. અને બધાં બોર ચાલીનાં માણસોને વહેંચતો. હોડી હું જ ચલાવતો, પેલી બાજુએ જવા અને આ બાજુ આવવા. તે માણસો પાસેથી કામ કરાવીને તનો રિપોર્ટ આપવો એ જ મારું કામ.

એ કામ પૂરું થયા પછી મને ફાઇલવાળામાં કામ કરવા મોકલ્યો.

હું ફાઇલમાં કામ કરવા લાગ્યો. થાણા સ્ટેશનની બાજુમાં એક પાવરહાઉસ બનતું હતું, ત્યાં વાળવાનું કામ મને આપ્યું. ક્યારે ક્યારેક સિમેન્ટની ગુણોય વહેતો. હું દાડિયો જ. મળે એ કામ કરવું પડતું. પણ ક્યારેય મેં કોઈપણ કામ નકાર્યું નહિ. તેને કારણે કામદાર અધિકારીઓને હું ખૂબ ગમતો. પણ થોડાં દિવસમાં તે ય કામ પૂરું થયું. પછી મને બીજા ફાઇલમાં મોકલ્યો. ત્યાંનું કામ ખૂબ જ ત્રાસદાયક હતું. લાઇનના જૂના લાકડાં કાઢીને નવા સીલીપાટ (‘સ્લીપર’) ભરવાનાં હતાં. તે કામ ખૂબ મહેનતનું હતું. એક માણસના બે પ્રમાણે કરવું પડતું. અમે સવારે આઠ વાગે કામે જઈએ કે બધાં દાડિયા ભાખરી છોડીને ખાવા બેસતાં અને કેટલાક ગપ્પાં મારતાં બેસતાં. પણ હું ઘરેથી જ ખાઈને આવતો. હું જતાં વેંત હાથમાં તારનો પંજો લઈને કામે લાગતો. તેમનું ખાવાનું પતે ત્યાં સુધીમાં મારો ગાળો થપાટો મારીને તૈયાર કરતો. તેમનું ખાવાનું પત્યા પછી તે મને મદદ કરતાં. સિલીપાટ લાવીને મને આપતાં. કેટલાક લોકો પેલા ગાળામાં સિલીપાટ નાંખીને દબાવીને ગોઠવી દેતાં અને હું ચાવી ઘાલીને ફિટ કરતો. બંને પાટો ભરાય કે ખસેડેલા ગાળામાં કાંકરા ભરતો. મારું કામ બધાંયના પહેલાં પૂરું થતું અને અગિયાર સાડા અગિયારે કામ પૂરું થાય કે હું ગમે તેને મદદ કરતો. ક્યારેક ક્યારેક હું ઘરે નીકળી જતો.

આજ રીતે એક વખત ડોમોલી અને કલ્યાણની વચ્ચે કામ કરતી વખતે ખૂબ જ વરસાદ પડ્યો. એ આખોય દિવસ ચાલુ રહ્યો. અમે બધાં કામદાર ભીંજાઈને તરબતર થઈ ગયા. આજુબાજુમાં ક્યાંય ઝાડ નહિ. સંતાવાની જગા નહિ. અમારા કપડાં તો ભીનાં તરબતર થઈ ગયા. તેમાંથી સતત પાણી ટપકતું હતું. શરીર સતત ધ્રુજતું હતું. ભાખરી તો ભિંજાઈને લોચો થઈ ગઈ હતી. ખાવાનું કશુંય નહિ. બરાબર ભૂખ લાગી હતી અને કામ તો થવું જોઈએ. કલ્યાણ અને ડામોલી ખૂબ જ દૂર, ક્યાંય જઈ શકાય નહિ.

ત્યાંથી થોડા દૂર અંતરે દસ-બાર ઝૂંપડાઓ હતા. તે મેં જોયા. તરત જ હું તે ઝૂંપડામાં ગયો. ઠંડીથી મારું શરીર ધ્રૂજતું હતું. પણ હું તેવો જ ગયો. જૂંપડામાં બે-ત્રણ બાઈઓ વાતો કરતી બેઠી હતી. તેમણે મને જોયો. હું તેમની પાસે જઈને ઊભો રહ્યો. તે બાઈઓએ મને પૂછ્યું :

‘શું જોઈએ છોકરા ?’

હું બોલી શક્યો નહિ. હું ઠંડીથી ઠરી ગયો હતો. તે બાઈઓએ મને ઝૂંપડીની ઓસરીમાં બેસવા કહ્યું. શરીરનાં કપડાં નિચોવી નાંખ્યા. મને સાધારણ ગરમાવો મળ્યો. હું એક કોથળા પર બેઠો. તે બાઈએ મને ગોળનો ચા ગ્લાસમાં લાવી આપ્યો. ચા પીને મને સારું લાગ્યું. પેલી બાઈઓએ મારી પૂછપરછ કરી. મેં બધું તે બાઈઓને સમજાવીને કહ્યું. તે બાઈઓને અમારી દયા આવી. તેમણે મને પૂછ્યું

‘તમારા કેટલા માણસો છે ?’

મેં કહ્યું - ‘નવ માણસો છીએ.’

તે બાઈઓએ દસ બાર જુવારના રોટલા અને બેસન તૈયાર કર્યું અને એક મોટો લોટો ચા બનાવી દીધી.

‘આ ચા લઈને જા અને આપીને પાછો આવ.’

મને એક જાડા કપાડનું ધોતીયું આપ્યું. તેને કેટલાક પછેડી કહે છે. તે લઈને ચાનો લોટો લઈને હું મારા માણસો પાસે આવ્યો અને બધાંને ચા આવ્યો. તે બધાં ખુશ થયા. વરસાદ ઉઘાડ થયો હતો. પણ તડકો આવ્યો નહતો. બધાંની ઠંડી ઓછી થઈ હતી. હું પાછો તે બાઈઓ પાસે ગયો. તેમણે રોટલા અને બેસણ બાંધીને મને આપ્યું. મેં લઈ જઈને વળી તે માણસોને આપ્યું. તે બધાં જોઈને ખૂબ ખૂશ થયા. બધાં જમ્યાં. હું તે બાઈનો લોટ અને થોડા વાસણો લઈને તે બાઈને આપી આવ્યો અને તેમનો આભાર માનતો પાછો આવ્યો. તે બધાં માણસોએ મારો ખૂબ આભાર માન્યો અને બધાં ખૂશ થયાં.

થોડા દિવસ પછી અમારો પગાર થયો. મેં તે બધાં માણસોને કહ્યું કે આપણે તે બાઈઓ માટે કાંઈક લઈએ. તે બધાંને જ મારી વાત ગમી. એક એક રૂપિયો ભેગો કરીને સાડાસાત રૂપિયા, એક કાપડું અને બાર આનાનો કબજો લઈને બધાં જ ભેગાં થઈ તે બાઈઓનાં ઘેર ગયા. તે દિવસે રજા હતી અને રવિવાર હતો.

અમે બધાં ભેગાં થઈ તે બાઈઓના ઘેર ગયા. તો તે બાઈઓ અમને જોઈને ગભરાઈ. પણ મને જોતાં જ એ બાઈ ઓળખી ગઈ અને તેમનાં પુરુષોય ભેગાં થયા. તેમણે મને પૂછ્યું

‘તમે બધાં લોકો કેમ આવ્યા ?’

મેં કહ્યું,

‘અમે અમારી બેનોને મળવા માટે આવ્યા છીએ.’

અમારામાંથી એકે કાપડું અને કબજાનું કાપડ મને આપ્યું. જેણે મને ચા અને ભાખરી આપી હતી તે જ બાઈ આગળ મેં કાપડું અને કબજો મૂક્યો. તે જોઈને તે બાઈઓ હસવા લાગી. તેમનાં પુરુષોય હસીને આનંદ બતાવ્યો. પુરુષોએ અમને બધાંને બીજી ઝૂંપડીમાં લઈ જઈ ખૂબ સન્માનથી બેસાડ્યા અને તેમણે દારૂની ભઠ્ઠી લગાવી. તાજો જ દારૂ કાઢીને અમને બધાંને પીવડાવી અને મરઘી કાપીને જમવાનું આપ્યું. અમે તેમનો આબાર માનીને ખૂબ આનંદ સાથે ઘરે આવ્યા.

થોડાં દિવસમાં તે કામ પૂરું થયું. પછી અમે બધાંય કુરલા આવ્યા. પણ મારી બદલી કુરલા પાવર હાઉસમાં કરી. હું એકલો જ ત્યાં જવાને કારણે મને ખરાબ લાગ્યું. અને મને સીમેન્ટની થેલીઓ ઊંચકવા લગાડ્યો. તે ખૂબ ભારે પડ્યું. મેં બીજા દિવસે મુકાદમને કહ્યું, મને બીજે ઠેકાણે મોકલો. તેણે મને તેની પાસે રાખી લીધો અને મને પાણી પર ગોઠવ્યો. દિવસમાં બે ડોલ પાણી લાવવાનું અને માંગે તેને પાણી આપવાનું. વાવટો હાથમાં લઈ આવનાર-જનાર ગાડી, માણસોને કહેવાનું. તે કામ સાવધપણાનું હતું. તે કામ હું મનપૂર્વક કરવા લાગ્યો.

એક વખત કુર્લા સ્ટેશનમાં હું પાણી લઈને જતો હતો તો પુલ નીચે માણસોની ખૂબ ભીડ જામી હતી. મને લાગ્યું કે ગાડી નીચે માણસ આવી ગયો હશે. આવું ધારીને તે જોવા માટે ગયો. પણ દરવાજે ખૂબ ભીડ. અંદર શું છે એ ખબર પડી નહતી. હું અંદર ઘુસવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને બાજુમાં માણસને પૂછવા લાગ્યો. એકે કહ્યું કે અહીં કામની ભરતી છે. તે સાથે જ હું બળજબરીથી અંદર ગયો. લોકો અંદરોઅંદર બોલતાં હતા. તું જા, તું જા, પણ પેલા ગોરાસાહેબ સામે જવાની હિંમત કોઈનામાં ન હતી. મને બટલરી ઇંગ્લીશ સારું આવડતું હતું. હું જેમતેમ અંદર ગયો અને સાહેબને સલામ કરી. સાહેબે મને જોયો અને પૂછ્યું,

‘હુ આર ઈવુ ?’ મને તેની ભાષા સમજાઈ,

મેં કહ્યું,‘આયમ અ મેન.’

પછી તેણે પૂછ્યું,

‘હૉટ ઈવુ વોંટ ?’

મેં જવાબ આપ્યો,

‘આય વૉંટ સમ વર્ક.’

એ બોલ્યો,

‘વ્હોટ વર્ક ?’

મેં કહ્યું,

‘એની વર્ક.’

તેણે મને તરત ભરતી કર્યો. મારાં પછી બીજા લોકો ઘુસ્યા. પણ ફક્ત ત્રણ જણને રાખી લીધાં. બાકીનાને સાહેબે હાંકી કાઢ્યા.

બીજા દિવસે મારી ડૉક્ટરી થઈ અને તા. ૧-૧૧-૧૯૨૪નાં રોજ હું જાયપી રેલવેનો રેગ્યુલર કામદાર થયો. તે ભરતી વાયરની ગાડી શરૂ થવાની હતી એટલે થઈ હતી. મને શરૂઆતમાં કુરલા કારશેટમાં કામ આપ્યું. આવનારી ગાડીઓનાં એન્જિનમાં ઢોળાયેલું તેલ લુછવાનું. યંગ જોટર નામનું મીસીન હોય છે. તેમાં તેલ ઊંજવાનું, એન્જિનનો કેટલોક ભાગ ગરમ હોવાથી જોવાનું - આવાં કામ હતાં. પહેલાનું કામ ટેંપરવારી હતું. ત્યાં પગાર અઢાર રૂપિયા હતો. તે હવે વીસ રૂપિયા આઠ આના મળવા લાગ્યો.

હું વ્હીલેમ સાહેબ સાથે કામ કરતો હતો. મારો સાહેબ મને ખૂબ સરસ સમજાવીને કહેતો હતો. હું ધ્યાન દઈને કામ કરવા લાગ્યો. થોડાં દિવસમાં કામની ઘણીખરી ખબર પડી. તેને કારમે સાહેબને હું ગમવા લાગ્યો.

મારી યાદ પ્રમાણે ઇલેક્ટ્રિકની ગાડી ૧-૧-૧૯૨૫નાં રોજ ચાલુ થઈ. તે વખતની મને યાદ છે. બાંદરા અને વડાલા આ બંને લાઇન ભેગી થાય તે બંનેમાં એક પાવરનું ઘર છે. ત્યાં ઘરથી બસો ફૂટે લાઇની બાજુમાં એક ત્રણ બાય ચારનો ખાડો ખોદ્યો હતો. તે ખાડામાં ઉપરનાં તારને એક વાયર જોડીને તે જ તારનો બીજો છેડો તે પાણીનાં ખાડામાં નાંખ્યો. થોડીવારમાં તે ખાડામાં તે પાણીનાં પરપોટા આવ્યા અને પાણી ઉકળવા લાગ્યું. તેથી અધિકારીઓએ માની લીધું કે વાયર આવ્યો. તેણે તરત જ ઉપરનાં અધિકારીને જણાવ્યું. થોડા ટાઇમમાં વાયરની ગાડી આવી. બધાંએ તાળીઓ વગાડી આનંદ દર્શાવ્યો.

થોડા દિવસમાં મારી બદલી બોરીબંદરમાં થઈ. ત્યાં જી. એચ. બેનરજીસાહેબ સાથે કામ કરવા લાગ્યો. થોડાં દિવસ પછી બેનરજી સાહેબ ટ્રેન ઇન્સ્પેક્ટર થયો. વળી પહેલાનો સાહેબ આવ્યો. જેનું નામ વ્હીલેમ. તે મને જોતાં જ ખૂબ થયો. તેની સાથે બોરીબંદરમાં બે વર્ષ કામ કર્યું. એ મને કામ સોંપીને જવું હોય ત્યાં જતો. ગાડી સ્ટેશનમાં આવે તો હું ડ્રાઇવરને પૂછતો કે કાંઈ બગડ્યું છે કે ? તેણે જે કાંઈ કહ્યું હોય તે હું કરતો. કામની કયારેય બૂમ પડવા દીધી નહિ. મને તે વખતે પગાર સત્તાવીસ રૂપિયા મળતો.

એક ટાઇમે મારા હાથે ખૂબ હિંમતવાળું કામ થયું. એક લોકલ ગાડીમાં આગ લાગી. ડ્રાઇવર સતત સીટીઓ મારતો સ્ટેશનમાં આવ્યો. હું ય સાવધ થયો. સ્ટેશનમાં ગાડી આવતાં જ હું દોડતો ગયો.

સ્ટેશનમાં ધુમાડાની કાળાશ છવાઈ ગઈ હતી. પેસેન્જરોએ ગાડીમાંથી ફ્લાટ પર કૂદકા માર્યા હતા. કેટલાયનાં હાથપગને નુકસાન થયું હતું. બોરીબંદર સ્ટેશન ધુમાડાથી ભરાઈ ગયું હતું. ધુમાડાને કારણે કાંઈ જ દેકાતું ન હતું. દસ મિનિટે ધૂમાડો ઓછો થયો. હું તરત જ અમારી ઑફિસમાં ગયો અને સાહેબનો બૉઇલર સૂટ શરીરે ચડાવી લીધો અને એક આકડાની સીગ લઈને આવ્યો અને આરમેચરનું ઢાંકણ ખોલ્યું તો ધુમાડાનો ઢગલો બહાર આવ્યો. તે ધૂમાડો ઓછો થતાં મેં અંદર જોયું તો આરમેચર લાલ થયું હતું. મેં તરત ઝાડૂ મારનારાઓને બોલાવ્યા. તેમને કહ્યું કે પતરાની પેટીમાંથી ડોલ ભરીને રેતી લાવો. તેમણે મને મદદ કરી. મેં ગરમ ભાગ પર રેતી નાંખી. લોકો આ મજા જોવા ફલાટ પર ભેગાં થયા. રેલવેનાં કેટલાક ઑફિસરોય આવ્યા હતા. હું મારા કામમાં ખોવાઈ ગયો હતો. મેં કોઈનેય જોયા નહિ. મારા માથેથી પરસેવો સતત નીતરતો હતો.

આરમેચરને સું થયું તે જોયું. તેમાં કેટલાક ઠેકાણે મોટાં ફોડલાં ઉપસી આવ્યા હતાં. તે મેં છોલી નાંખ્યા. કારબન બ્રશ ચૅક કર્યું. એક કારબન બ્રશ ઉલટો થયો હતો અને તે તૂટીને તેનાં ટુકડા થયા હતાં અને તે અંદર વેરાયાં હતાં. તેને કારણે આમ થયું હતું. મેં તે નીચે ઉતારીને એમ.બી. પેપરથી ઘસીને સાફ કર્યું અને આ બધું કામ વ્યવસ્થિત થયું એની ખાતરી કરી લીધી. આરમેચર સાફ થયું. મેં તરત બધું બંધ કરીને ડ્રાઇવરને ગાડી આપી. તેણે ગાડી ચલાવી જોઈ. ઑ.કે. એમ ડ્રાઇવરે કહ્યું.

ફ્લાટ પર ભેગાં થયેલાં માણસોમાં કેટલાક અધિકારીઓય હતા. તેમાંનાં એકે મને પૂછ્યું કે તુમ્હારા સાબ કિદર ગયા ? મેં કહ્યું કે, એક ગાડી મેં કુચ બિઘડ ગયા. ઓ વુનકા પાસ બાંદરા ગાડીમેં ગયા. પછી તે કાંઈ બોલ્યા નહિ. મારું સરીર પરસેવે ભીંજાયું હતું. હું કાલી ફ્લાટફોર્મનાં બાકડાં પર જઈને પડ્યો. મને સાહેબે શીખવીને એ કહી રાખ્યું હતું. સાહેબ એક બાઈની પાછળ હતો. એ બાઈ શિવડી સ્ટેશનની બાજુમાં સિમીટની ચાલીમાં રહેતી હતી. પેલો કાયમ તેની પાસે જતો હતો. મને તેણે કહી રાખ્યું હતું કે કાંઈ ગરબડ થાય તો ડ્રાઇવરને કહેજે. સિવડી સ્ટેશનમાં ઘુસતી વખતે તે સીટીઓ વગાડે. એટલે હું તરત જ ગાડી પકડીને આવીશ. સાહેબ થોડીવારમાં આવ્યા. મેં જે થયું તે બધું તેને કહ્યું. તે પ્રમાણે તેણે ગાડીનો

રિપોર્ટ તૈયાર કર્યો. આ કામ બેથી ત્રણ વખત થયું.

બીજા દિવસે પેલા અધિકારીએ પટાવાળાને મોકલ્યો. તેણે સાહેબને એક કાગળ આપ્યો. હું છ નંબરનાં ફ્લેટફોર્મ ઉપર ગાડી તપાસવા માટે ગયો હતો. હું ઑફિસમાં આવ્યો પછી સાહેબે મને કહ્યું કે તમને ઑફિસમાં મોટા સાહેબે બોલાવ્યા છે. અમે બંનેય ગયા. મારો સાહેબ અંદર ગયો અને હું બહાર જ ઊભો રહ્યો. થોડીવારમાં મને અંદર બોલાવ્યો. મેં મોટા સાહેબને સલામ કરી. ચુપ ઊભો રહ્યો. તે બંને સાહેબોની લાંબો સમય વાતો ચાલતી રહી. તે મોટાસાહેબે મને દસ રૂપિયા બકસીસ આપ્યા. ‘ઈવર ગુડ મ્યાન’ કહીને હાથમાં હાથ આપ્યો. હું સલામ કરીને ઑફિસમાં આવ્યો અને વ્હીલેમ સાહેબ કેટલી વાર રોકાયો. સાહેબ પણ થોડીવારમાં આવ્ય અને મને જોઈને હસ્યો. મેં પૂછ્યું

‘ક્યા હુવા સાહબ ?’

તેણે કહ્યું,

‘બડે સાબ તુમ્હારા ઉપર બહુત ખૂશ હુવા હૈં. આપકુ આગે કા ચ્યાંસ મિલનેકા આશ્યા હાય.’

બીજા દિવસે એક સિપાઈ આવ્યો. તેણે સાહેબને એક કાગળ આપ્યો. તરત જ સાહેબે મને બોલાવીને કહ્યું કે આપણને ઑફિસમાં મોટા સાહેબે બોલાવ્યા છે. અમે બંનેય ઑફિસમાં ગયા. હું બહાર રોકાયો. સાહેબ અદંર ગયો. થોડીવારમાં મનેય અંદર બોલાવ્યો. હું સલામ કરીને ઊભો રહ્યો. સાહેબે મને જોયો અને હસ્યો.

‘આજસે તુમકુ બડી જ્યાગા દિયા. કામ ઠીક કરા જ્યાવ.’

મને ઇલેક્ટ્રિક મોટર મિકેનિકની જગા મળી. મારો પગાર વદારો થયો. બેંતાળીશ રૂપિયા મળવા લાગ્યા. મને બધા લોકો માનવા લાગ્યા.

પછી મારી બદલી કુરલા કારશેટમાં થઈ. જે ગાડીઓ રાત્રે રોકાતી હતી તે ગાડીઓનું ઇન્સ્પેક્શન કરતો અને જે ગાડી પહેલી જવાની હોય તે ગાડી કારશેટમાંથી સ્ટેશન પર લાવવાની અને ડ્રાઇવ રને સોંપવાની. મારે અન્જિનાં બધાં ભાગ ખોલીને જોવાં પડતાં અને બળેલાં તથા ખરાબ થયેલાં હોય તે બદલી નાંખવા પડતા.

તે પછી મારી બદલી થાણામાં થઈ. ત્યાં બેનરજીસાહેબ હતો. તેણે મને ખૂબ સરસ શીખવાડ્યું. બેનરજીસાહેબ ડ્રાઇવરનો માસ્તર હતો. તે બધું ગાડીનું કામ શીખવતો હતો. તેની શાળા કુરલા કારશેટમાં હતી. મને તેણે હાથનીચે રાખ્યો હતો. તે જે ડ્રાઇવર લોકોને સીખવતો હતો તે હું જોતો હતો. પ્રત્યેક પાર્ટ કેવી રીતે ચાલે છે અને તે શું શું કામ કરે છે તે હું એન્જિનમાં લઈ જઈને કરીને બતાવતો. તેને કારણે મારી સરસ પ્રેક્ટીસ થઈ હતી. તેણે મારી ભલામણ કરીને મને મોટી પરીક્ષામાં બેસાડ્યો. હું પાસ થયો. અને તે જ ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે હું કામ કરવા લાગ્યો. મારા પગારમાંય વધારો થયો. મને પંચોતેર રૂપિયા મળવા લાગ્યા. પણ બેનરજીસાહેબ મોટી જગાએ ગયો. મને પાયરસ સાહેબ મળ્યો. તે સારો હતો. પણ તેનાં માથાનો ઇસ્કરુ ઢીલો હતો. બધાં કામદારો, મને કહેતાં તું જલદીથી ચાર્જમૅન થવાનો છે એવું અમને દેખાય છે.

તે જ ટાઇમે બધાં કામદારોમાં વાતચીત ચાલી રહી હતી કે રેલવેમાં હડતાળ થશે. હું ઇનવનેનનું (યુનિયનનું) કામ પણ આનંદતી કરતો હતો. ૪ ફેબ્રુઆરી ૧૯૩૦નાં રોજ રેલવેમાં હડતાળ થઈ. અમને ઇવનેન(યુનિયન)ના માણસોને પકડીને લઈ ગયા. ચાર-પાંચ દિવસની પછી છોડ્યા. પણ તેમાં મારું કામ છૂટ્યું. આટલી મહેનતથી પ્રગતિ કરી હતી તેની પર પાણી ફરી વળ્યું.

સુખદુઃખનો સંસાર

ઇલેક્ટ્રિકની ગાડી ૧૯૨૫માં શરૂ થઈ તે ટાઇમે ઘરે મારાં લગનની વાતચીત શરૂ થઈ. મારી બા છોકરીઓ જોવા લાગી. પહેલી છોકરી પિંપરીની જોઈ. તેનાં મા-બાપ તૈયાર થયાં અને લેવાદેવાની વાત પાકી થઈ. પણ તે છોકરીનાં મામાનો બીજે ઠેકાણે બોલ ગયો હતો. તેમનાં અંદરોઅંદર ઝગડા થયાં. અમે તે છોકરી કૅન્સર કરી. પછી ચિંચખેડની છોકરી જોઈ. તેની બા અને મારી બા, એક જ ઠેકાણે કામ કરતાં હતાં અને એક જ ચાલીમાં પાસપાસે રહેતાં હતાં. તે છોકરીની માની ખૂબ ઇચ્છા હતી. તે જ વખતે મારો ભાઈ માધવરાવ અમારે ત્યાં આવ્યો. તેને બાએ બધું કહ્યું. માધવરાવે તે છોકરીને જોઈ પસંદ કરી. બાએ માધવરાવને કહ્યું કે આ પાકું કરીને જા. બીજા દિવસે રવિવાર હતો. બધાં લોકો ભેગાં થયા. પેલી છોકરીનો મામોય આવ્યો. વાતચીત શરૂ થઈ. છોકરીનાં મામાએ કહ્યું કે ઘરમાં ત્રણસો રૂપિયા આપો અને લગનનો ખર્ચ તમે કરો. માધવરાવે કહ્યું જે દાગીના માંગો અને જે કપડાં કહેશો તે અમે આપીશું. પણ ઘરમાં અમે કાંઈ આપીશું નહિ. પછી તે તૂટી ગયું.

છેવટે તારું ખેરડાની છોકરી જોઈ. તે વડાલામાં રહેતાં હતાં. તેનો બાપ ગરીબ હતો. એક આંખે આંધળો હતો. વડનેરનાં ગેંદમાસ્તરે આ ગોઠવ્યું. તે છોકરીનું નામ સોનુ. તે ખૂબ જ દેખાવડી અને સુંદર. તે મને પસંદ આવી. પણ નાની હતી. છતાંય. બધાંને એ ગમી. બંનેનો ખર્ચો સરખો રહેશે. એવું નક્કી થયું. ફક્ત એકાવન રૂપિયા ખર્ચવા માટે આપવા એવું નક્કી થયું. પણ લગન ગામડે થવું જોઈએ, એટલી જ તેમની હઠ હતી. હું લગનના ટાઇમે રજા લઈને ગામે ગયો અને બા રજા લઈને ગામે આવી. બા તે ટાઇમે મઝગાવમાં ઇન્જિન શેડમાં કામે હતી.

અમે બધાં જ ગામે ગયાં. બહેનનું લગન નાનપણમાં જ થયું હતું.

અમારું લગન તુલસીનું લગન થયા પછી ૧૪ તારીખે થયું. ૧૯૨૬ની સાલમાં, મહિનો ભૂલી ગયો. મારા કેટલાક મિત્રો પૂછતાં કે લગન ક્યારે, તો હું કહેતો તા. ૧૪મીએ, તે મારા ધ્યાનમાં રહી ગયું છે. મારું લગન ઓઝરમાં થયું. અમે ઓઝરથી પરણ્યા પછી ખેરડ ગયાં. અમારા લગનમાં પાંચ બળદગાડા અને એક એકલિયું હતું. સાથે ઘણા જાનૈયા હતા. મોટાં ગામનાં લગન એટલે અમારો ખૂબ જ આદરસત્કાર કર્યો. ગામનાં માણસોએ

-મરાઠાઓએ પણ ખૂબ મદદ કરી. મારી મસિયાઈ બહેન દિવાળીનાં ફટાકડા અને બૉંબ ખૂબ લાવી હતી. લગન ખૂબ આનંદમાં થયું. લગન થયું, અમે બધાં લોકો ઓઝર આવ્યા. ત્યાં અમને વરવહુને નવા મંદિરમાં બેસાડ્યાં. સાંજે વરઘોડો નીકળ્યો. વહુને ત્રણ દિવસ રાખીને એનો ભાઈ આવીને છોકરીને લઈ ગયો. અમારી રજા પૂરી થઈ. બા અને હું મુંબઈ નીકળી આવ્યાં. વહુ નાની હતી એટલે તેને લાવ્યાં નહિ. તે વરસ-દોઢ વર્ષ પિયરમાં રહી.

તેને લેવા મારા સિવાય કોણ જાય ? પછી હું રજા લઈને મારા મામાને ત્યાં આક્રાળા ગયો. ત્યાં બે દિવસ રોકાઈને હું ગોંડેગાવ સીગવ્યામાં ગયો. ત્યાં મારી પિત્રાઈ બહેન હતી. તે મને ખૂબ લાડ કરતી. તેને ચાર ચોકરાં હતાં. તેમાંનાં એક જણને મારાં બનેલીએ મારી સાથે મોકલ્યો. તેનું નામ આબા. તેને લઈને અમે બંને ખેરડાએ ગયા. બે દિવસ રહીને વહુને લઈને પાછા સીગવ્યામાં ગયા. ત્યાં એક દિવસ રહીને અમે બંને મુંબઈ આવ્યા. અમારા સંસારની શરૂઆત થઈ.

અમારી કુરલાની ઓરડી ખૂબ નાની હતી - દસ-બાય-દસની. ત્યાં અમે ચાર માણસ. અમે બંને અને બા, બહેન ભેગાં રહેતાં હતાં. મારી બૈરીનું નામ સોનૂ. તેનાં મા-બાપે સોનૂ એ ખરેખર બરાબર નામ રાખ્યું હતું. એ ખરેખર સોના જેવી છે. તે જેમ જેમ મોટી થતી ગઈ તેમ તે સોનાની જેમ ચમકવા લાગી. મૂળથી જ એનો રંગ ગોરો, મોટી આંખો, ગોળ ચહેરો, લાંબુ નાક અને શરીરે બરાબર ભરાઈ હતી. તેને કારણે એ આકર્ષક દેખાતી હતી. તે પ્રમાણે તે મહેનતુ અને કષ્ટાળુ છે. અમારી સંસારની ગાડી ખૂબ સરસ હતી. મોટર ચલાવનાર ગમે તેટલો હોંશિયાર હોય તોય મોટરની દેખભાળ કરનારોય હોંશીયાર હોવો જોઈએ, તો જ તે રસ્તાપર બરાબર ચાલે, નહિ તો તે રસ્તામાં બંધ પડી જાય. સાચે જ જે મન દઈને કામ કરે છે તે જ ખરો કારીગર. મારા સંસારની ગાડી મન દઈને તેણે સરખી કરી. એટલે જ મને મારી ગાડી સરખી ચલાવતાં આવડી. તેનામાં કાંઈ બગાડ હોત તો તે આટલા લાંબે સુધી આવી નહોત. સાચ્ચે જ અત્યંત કષ્ઠપૂર્વક મારાં સંસારમાં તેણે મદદ કરી. આવી કોઈ બીજી બૈરીએ કરી નહોત. મારા અંતઃકરણથી તેનાં માટેનો આદર છે તે હું બોલીને બતાવતો નથી.

તે ટાઇમે બાબાસાહેબની ચળવળ જોરમાં હતી - વર્ષ ૧૯૨૭. નાસિકનાં કાળારામ મંદિરનાં સત્યાગ્રહની તૈયારી થઈ. બાબાસાહેબે ઇસ્કાવુટ તૈયાર કર્યા. તેમાં મેં ભાગ લીધો. અમે મંદિરનાં દરવાજા ઉપર સત્યાગ્રહ કરતાં હતાં તેમાં એક દિવસ અને બે કલાકની સજા થઈ. તેમાં અમે ઘણાં લોકોએ માર ખાધો.

સમાજકાર્ય ચાલુ હતું. એક વખત સાર્વજનિક ગણપતિ બેસાડ્યા. એ વખતે કોઈકે અફવા ફેલાવી કે આ લોકો ગણપતિને પાંસી આપવાના છે. આ વાતની પોલીસ સ્ટેશને જાણ થઈ. એક મુસલમાન ફોજદાર, એક મરાઠો ફોજદાર, લોકો તેમને રામ-રહીમની જોડ કહેતાં હતાં, તેમણેય આવીને જોયું અને પૂછપરછ કરી. અમે અમારું કામ શાંતિથી કરીશું એમ કહ્યું.

તે ટાઇમે ભંગીઓ મોટા પ્રમાણમાં ઇસ્કાવુટ હતા અને આપણાં (તે વખતનાં મહાર સમાજનાં) મોટા પ્રમાણમાં હતાં. કેટલાક સિવડી, નાયગામ, કામઠીપુરા આવા અનેક ઠેકાણેથી ભેગાં થયાં હતાં. પોલિસ ઑફિસરે બધાં ગણપતિ રોકી રાખ્યાં અને અમારા ગણપતિને પહેલાં માર્ગ આપ્યો. અમારી સાથે ત્રણ-સાડાત્રણ હજાર આપણાં લોકો ભેગાં થયાં હશે. સરઘસની આગળનાં ભાગમાં લાઠી દાવ, પાછળ લેઝિમવાળા, શરણાઈવાળા અને નાચ, તેની પાછળ બાઈઓ અને ગણપતિની ગાડી અને થોડા ઇસ્કાવુટ રાખ્યા હતા. અમારું સરઘસ શાંતિથી પસાર થતું હતું. થોડાંક જણા આવેશમાં આગળ-પાછળ આંટા મારતા હતા. હું તેમની સાથે સાથે આગળ-પાછળ જતો હતો. તેટલામાં તેમના ગુંડાઓએ કપડાનાં દાટામાંથી પથ્થર ફેંક્યો અને ગરબડ શરૂ થઈ. ઇસ્કાવુટોએ સીટીઓ મારી. લોકોની નાસભાગ થઈ. તેમાં ઘણીબધી બાઈઓ હતી. બાઈઓમાં આ નણંદભોજાઈ પણ હતાં (પત્ની સોનાબાઈ અને બહેન નાજુકા). તે બંનેએ ઇસ્કાવુટોનાં હાથમાંથી લાકડીઓ આંચકી લીધી, બીજી કેટલીક સ્ત્રીઓએ ય તેમજ કર્યું અને ગુંડાઓને ભગાડી દીધા. અમારું સરઘસ ચૂનાભટ્ટી સુધી ગયું. ગણપતિ ડુબાડ્યા. પાછાં વળતી વખતે અમારે આગ્રા રોડતી આવવું પડ્યું. આપણાં લોકો બધાંય આગ્રા રોડ પર આવ્યા ત્યારે બીજા લોકોનાં ગણપતિને જવાની પરવાનગી આપી. પછી તેમનાં ગણપતિને ડુબાડવા ગયા. લોકોએ બે-ત્રણ સ્ત્રીઓનું સન્માન કર્યું. બહેન તેમજ બૈરીને ફૂલોનાં હાર પહેરાવ્યા અને તેમનું સન્માન કર્યું.

ફેબ્રુઆરી ૧૯૩૦માં જાયપી રેલવેમાં હડતાળ પડી. તેમાં મારું કામ છુટ્યું. તે વખતે બા રિયાટર થઈ. તે ટાઇમે અમે કરુલામાં રહેતા હતા. કસઈવાડાનાં દાદરા સામે અમારી દસ બાય દસની ઓરડી હતી. તેનું છ રૂપિયા ભાડું આપવું પડતું હતું. હું કામ માટે ઠેર ઠેર ફરતો હતો, પણ કામ મળતું નહતું. તે સમય મંદીનો હતો. ખૂબ બેકારી હતી.

એક દિવસ માધવરાવનો કાગળ આવ્યો. તેમાં તેણે કહ્યું કે વેઠ અને ગામનું કામ તારાં ભાગે આવ્યું છે. તો તું જલદી ગામનું કામ કરવા આવ. પછી અમે ધણી-બાયડી ત્રણ મહિના ગામે ગયા. વેઠ કરી. હાથમાં લાકડી લઈને મેં તે કામ કર્યું. પછી અમે વળી મુંબઈ આવ્યા. હું કામ માટે ફરવા લાગ્યો. કુરલાથી પાયધૂની સુધી રોજ જતો. ક્યારેક પૈસા હોય તો ગાડીમાં, ન હોય તો પેદલ જવું-આવવું પડતું હતું. અમે બે-ત્રણ મહિના જેમ તેમ કાઢ્યા.

એટલામાં આગ્રા રોડનું કામ શરૂ થવાનું છે એવી મને ખબર પડી. મેં તેની તપાસ કરી. તો કૉન્ટ્રૅક્ટર મારો ઓળખીતો નીકળ્યો. તેણે મને ત્રીજા દિવસે બોલાવ્યો. થોડાં માણસો કામ માટે તૈયાર કરી રાખ એવું કહ્યું. તે પ્રમાણે મેં માણસો જોઈને રાખ્યા. તે ટાઇમે ખૂબ બેકારી હતી. માણસો જોઈએ તેટલાં મળતાં. ત્યારે આગ્રા રોડ કાચો હતો. સાયન સ્ટેશનથી થોડે દૂર માલ ધક્કો છે. તેથી થોડા અંતરે રસ્તા ઉપર ટોલનાકું હતું. ત્યાંથી કામ શરૂ કર્યું.

અમારું કામ ચાલુ થયું. થોડા દિવસમાં કામ વધ્યું. પછી મેં બે મુકાદમ રાખ્યા અને કામ જોરશોરમાં ચાલ્યું. બાઈઓનીય ભરતી કરી. તેમનામાં એક બાઈ પણ મુકાદમીન. બાઈઓને અગિયાર આના અને માણસોને ચૌદ આના એ પ્રમાણે મજૂરી હતી. તે કામ શરૂ થયા પછી આઠ દિવસમાં મને પૈસા શી રીતે કમાઈ શકાય તેની ખબર પડી. દરેક માણસને કામ વહેંચી દેતો. એક માણસને પચ્ચીસ ફૂટ લંબાઈ અને નવ ફૂટ પહોળું ખોદાણનું કામ માપી આપતો. નીચેની માટી જાડીને સાફ કરી લેવાની અને તેની ઊંડાઈ પણ ગણવામાં આવતી. તિકમથી ખોદતાં પત્થર ઊડીને પગ પર વાગતો તેને કારણે જોઈએ તેટલું કામ થતું ન હતું અને માણસોને ત્રાસ થતો હતો. પછી મેં બધી બાઈઓને કહ્યું કે કામ કરવાની જગા ઉપર પાણી છાંટો અને તે જગા બરાબર ભીંજવો. આવી રીતે કામ કરાવવા લાગ્યો.

કામદારોમાં ઘણાબધાં ગાંજો પિનારા હતા. તેમનાં માટે હું આઠ આનાનો ગાંજો લાવી દેતો અને જવાન માણસોને તાડીની બાટલીઓ આપતો. બાઈઓ માટે બશેર જલેબી આપતો હતો. જલેબી ત્રણ આને શેર અને તાડીની બાટલી બે આને અને ત્રણ આને મળતી હતી. બધાં કામદાર ખુશ થતાં અને મહેનતપૂર્વક કામ કરતાં. બધી બાઈઓ રસ્તાપર ભરપુર

પાણી છાંટતી. તેને કારણે ખોદનારાઓને જમીન પોચી મળતી. એક માણસ તીસતી પાંત્રીસ ફૂટ કામ કરતો અને તેેને કારણે નક્કી કરેલાં કામ કરતાં વધુ કામ થતું હતું. અને તે જોઈને કૉન્ટ્રાક્ટર જે મારી પર ખૂબ ખૂબ ખૂશ હતો.

સાયન સ્ટેશનથી લઈને ઘાટકોપર પંખાવાળા બાબાની દરગાહ સુધીનું પહેલું કામ મારા હાથનું છે. થોડા દિવસમાં કામ પૂરું. પછી મેં કુરલા ગામમાં રસ્તાનું કામ કર્યું. તે દોઢ મહિનામાં પૂરું થયું. પછી મિલોનીય હડતાળ પડી. કારખાના બંધ થયા. લોકો કામ માટે ફરવા લાગ્યા. કેટલાકને ઘરનું ભાડુ આપવું મુશ્કેલ થયું. તો મને કામ કોણ આપવાનું હતું ? તે ટાઇમે મને બૈરીએ સાથ આપ્યો. એ માસિચ કારખાનામાં કામે લાગી. બહેન પણ તેની સાથે કામે જતી. એ કામથી બંનેનાં હાથ લાલ થતાં. તેમાં ફોડલાં થતાં. છતાંય બંને નણંદ-ભોજાઈ કામે જતાં હતાં પણ મારે કામ ન હતું.

બા મને ખૂબ બોલતી. બૈરી કામ કરે છે અને ધણી બેસીને ખાય છે. નફકરા જેમ ફરે છે. તને કાંઈ શરમ આવતી નથી ? તેનાં બોલવાથી મારું મન દુઃખી થતું હતું. પણ હું તેને કદીય સામે બોલ્યો નહિ. કારણ તેની જીભે ડાઘ હતો. મેં નાનપણમાં કેટલાય માણસોનાં મોંઢે સાંભળ્યું હતું કે જેની જીભે કાળો ડાઘ હોય તેમની સાથે ઝઘડવું નહિ અને તેમની સામે બોલવું નહિ. તેઓ જો શરાપ આપે તો માણસને શરાપ લાગે જ અને તેનો નાશ થાય. એટલે હું બાને વળતો જવાબ દેતો નહતો. પણ મારું મન ખૂબ દુઃખી થતું હતું. હું ક્યારે ક્યારેક બુખ્યો જ ઊંઘતો.

મને એક જણાએ કહ્યું કે પાયધૂનીએ જા. ત્યાં બધીય જાતનાં કામવાળા ભેગાં થાય છે. ત્યાં કંઈક તો કામ મળશે. આ સાંભળી મેં જવાનો વિચાર કર્યો. પણ ટિકિટનાં પૈસા નહતાં. મને લક્ષ્મણ ભૈયો મળ્યો. એય હડતાળમાં બેઠો હતો. તેનેય કામ નહતું. અમે બંનેએ વિચાર કર્યો કે પેદલ જઈએ. સવારે થોડું ખાઈને પેદલ જ નીકળ્યા. પાયધૂનીએ નવ વાગ્યે પહોંચ્યા. ત્યાં ઘણા લોકો એકટા થયા હતા. અમે તેમનામાં જઈને ઊભા રહ્યા. કામ કોણ આપે એની રાહ જોતાં હતા. તેટલામાં એક શેઠ આવ્યો અને અમને પૂછ્યું,

‘તમને કામ જોયેં ?’

મને તેની ભાષા સમજાઈ. અમે તેની સાથે ગયા. તેણે અમને પથ્થરો લઈ જવાનું કહ્યું. અમે પથ્થરો ઊંચકીને લઈ જવાનું શરૂ કર્યું. એ નીકળી ગયો. તેણે અગિયાર આના રોજ મળશે એવું કહ્યું. અમે ખંભે પથ્થર ઊંચકીને લઈ જતા હતા. થોડીવારે શેઠ આવ્યો અને અમને દમ દેવા લાગ્યો.

‘તમને આવાં કામ કરતાં ફાવતાં નથી. તમે ઘેર જાવ. પત્થર માથે લેવાનાં હોય છે. ખંભે નહિ.’

અમે ચૂપ ઊભા રહ્યા. તેણે પૂછ્યું કે તમે બીજું કામ કરશો કે ? અમે હા કહી. પછી તેણે અમને ભીંત પાડવનું કામ સોંપ્યું અને બે કોશો આપી.

તે કામ કરતાં અમારા હાથ લાલ થયા અને હાથમાં છાલાં પડ્યાં. હાથમાં બળતરા થવા લાગી. એક ફૂટ ભીંત પાડી શકાઈ નહિ. મેં ભૈયાને કહ્યું,

‘આપણને ચા મળે તો સારું થાય. તારી પાસે બે દોઢિયાં છે ? આપણે ચા પીએ.’

તેટલામાં શેઠ આવ્યો.

‘અરે, આટલું જ કામ થયું ?’

અમે શેઠને અમારા હાથ દેખાડ્યા. ભૈયાએ શેઠને કહ્યું,

‘અમને બે દોઢિયાં આપો.’

તેણે ચા મોકલાવી, તે પીને જરા અક્કલ આવી.

‘આ કામ આપણે આ રીતે જ કરતાં રહીશું તો મરી જઈશું, તે કરતાં આપણે આઇડીયા કરીએ.’

અમે ભીંતમાં બે ત્રણ જગાએ કાણાં પાડ્યા અને કોશ નાંખીને હલાવી. તેને કારણે તે ઢીલી પડી. બે કોશો ભેગા કરીને હલાવી તો તે પાંચ મિનિટમાં નીચે આવી. અમારી બાજુની ઓરડીમાં ચાર જણ તે જ કામ કરતાં હતાં, પણ તે આઠ દિવસકમાં એક ભીંત પાડી શક્યા ન હતા. પણ અમે બે કલાકમાં અડધી પાડી. સાંજે શેઠ આવ્યો. તેણે જોયું. એ ખૂભ થયો. તેણે અગિયાર આના ન આપતાં એક રૂપિયો આપ્યો. અમને પૂછ્યું કે તમે ક્યાં રહો છો, અમે કહ્યું - કુરલા. તમે ખૂબ દૂર રહો છો. રોજ આવો. તમને એક રૂપિયો બે આના આપીશ. નવ વાગ્યા સુધીમાં આવો. અમે ઉપરનાં પૈસાની ટિકિટ કઢાવીને ઘરે આવ્યા. મળેલો રૂપિયો બાને આપ્યો અને હાથ દેખાડ્યો. હાથમાં છાલા પડ્યા હતા. તેણે ગરમ પાણી કર્યું. તેમાં તેલ-મીઠું નાંખીને મને તેમાં હાથ રાખવા કહ્યું. તે પ્રમાણે મેં કર્યું. મને જરા આરામ લાગ્યો. સવારે રામચંદર ભૈયો આવ્યો. અમે તે જ કામે ગયા. દસ બાર દિવસમાં ત્રણ માળની બિલ્ડીંગ અમે પાડી. એ જોઈને શેઠ ખૂબ ખૂશ થયા. શેઠે અમને પાંચ પાંચ રૂપિયા બક્ષિસ આપી અને અમારું સરનામું લખી લીધું.

વલી રામચંદર ભૈયો અને હું પાયધૂનીએ જઈને બેસતા. અમારા બે દિવસ મફતમાં ગયા. ત્રીજા દિવસે એક માણસ આવ્યો. તેણે કહ્યું,

‘કામ જોઈએ કે ? ચાલો મારી સાથે.’

અમે તેની સાથે ગયા. તેણે અમને મછવામાં પથ્થરીયા કોલસા ભરવાનું કામ આપ્યું. એક રૂપિયો ચાર આના રોજ અને દસ વાગે ચાર આના અને સાંજે ચાર વાગતાં ચાર આનાં મળશે એમ કહ્યું. અમે માથે ટોપલાં લઈ કામ કરવા લાગ્યા. પથ્થરીયા કોલસાનાં ટોપલાં માથે લઈને પાટીયાં પરથી મછવામાં નાખતાં. આ કામ અમે બે દિવસ ખૂબ જ મુશ્કેલીથી કર્યું. ડોકું અને પીઠ દુઃખવા લાગી. તે કામ મારી શક્તિ બહારનું હતું એટલે છોડી દેવું પડ્યું.

હું એક પારસી પાસે ઘડિયાળ રીપેરીંગનું કામ શીખ્યો. મને મોટા અને આલારામનું કામ ફાવવા લાગ્યું. પણ થોડા મહિનામાં તે દુકાન બંધ થઈ. પણ એક માણસને મળ્યો. તેનું નામ રાજારામ. તે સાધુ હતો. તેની સાથે મારી દોસ્તી થઈ. હું અનેક સાધુઓ સાથે ખૂબ સમય ગાળતો. ભજન-પૂજન કરતો હતો. તેને કારણે મને પોથી-પુરાણની ઘણીબધી જાણકારી થઈ હતી. મેં એક દિવસ રાજારામબાબાને કહ્યું કે હું ઘડિયાળનું કામ શીખ્યો છું. આ સાંબળી તેને સારું લાગ્યું. તેનેય તે કામ આવડતું હતું. તેણે અને મેં એક નાની શી દુકાન શરૂ કરી. પણ મને નાની ઘડિયાળોનું કામ આવડતું ન હતું. તેને કારણે અડચણ થવા લાગી. પછી તેણે મને મોટાં અને આલારામનું કામ સોંપ્યું. નંગ પાછળ ચાર આના પ્રમાણે હું કામ કરવા લાગ્યો. એક દિવસ તેનો - મારો ઝઘડો થયો. કારણ કે તેણે મને ફસાવ્યો. મેં એક દિવસમાં સત્તાવીસ આલારામ તૈયાર કર્યા. પણ તેણે મને બે રૂપિયા જ આપ્યા. પચી મેં તે દુકાન છોડી દીધી અને વળી કામ માટે ફરવા લાગ્યો. પણ કાંઈ કામ મળ્યું નહિ.

આવા બે મહિના ગયા. જીવનથી કંટાળ્યો. બા ખૂબ ખરાબ ખરાબ બોલતી. હું બે બે દિવસ ભૂખ્યો રહેતો. મારું મન ઉદાસ થયું. મેં એક વિચાર કર્યો કે હવે જીવવાનો કોઈ અર્થ નથી. ક્યાંક જઈને જીવ આપવો. આવો પાકો વિચાર કરી બપોરના ટાઇમે હું નીકળ્યો. મુંબઈનો રસ્તો પકડ્યો. સાયન અને કુરલા એની વચ્ચે ખાડીમાં વાયરનાં મોટા અને ઊંચા ત્રણ ટાવર છે. તે ટાવર પર ચઢી ખાડીમાં કૂદી પડવાનું નક્કી કરી હું તે ટાવર પર ચઢ્યો. આજુબાજુ અને રસ્તામાં કોઈ નથી એમ જોતાં ઉપર ગયો. અડધા ભાગે ગયો અને નીચે જોયું તો નીચે એક માણસ રસ્તાની દારે ઊભો છે. તેનાં શરીરે સાધુનાં વસ્ત્રો હતા. તેણે હાક મારી.

‘બેટા નીચે આવ. આવું કરીશ નહિ. તારાં હાથે ખૂબ મોટાં કામો થવાનાં છે. તું નીચે આવ.’

એ સાંભળી હું નીચે આવ્યો અને તેને શોધવા લાગ્યો. પણ તે મળ્યો નહિ. એ ક્યાં ગયો, પછી તેને મેં જોયો નહિ. તે દિવસે હું આખો દિવસ ઉપવાસી હતો. ઘરે જતાં બાની ધાક. એ કાંઈક કહે એટલે હું બહાર ફરતો રહ્યો. અને સાંજે હું સાયનના બાબા પાસે ગયો. દરશન કરીને રાત્રે ઘરે ગયો. પણ બા મને કાંઈ બોલી નહિ અને ઝગડોય કર્યો નહિ. હું જમીને ઊંઘ્યો.

અમારા ઘરથી થોડા અંદરે ડી.ટી. કરડક રહેતો હતો. તેની અને મારી સારી ઓળખાણ હતી. તેણે કુરલા મ્યુનિસિપાલટીમાં ઊભા રહેવા નોમિનેસન ફર્મ ભર્યું. તેનો પ્રચાર કરતો હું ફરતો. એક મહિનામાં તે ચૂંટાઈ આવ્યો. એ સમય ૧૯૩૩નો હશે.

મને ક્યાંય કામ મળતું ન હતું એટલે મેં જીવ દેવાનો પ્રયત્ન કર્યો તેના બીજા દિવસે ડી.ટી. કરડક પાસે ગયો. તેણે મને અને તેનાં ભાઈને ઔટેર મશીન પર કામે લગાડ્યા. મારું થોડું ઘણું ચાલવા લાગ્યું. પણ એક દિવસ મારાં ડાબા હાથનો અંગુઠો ચક્કરમાં સપડાયો. તે બરાબર ચગદાઈ ગયો હતો. એ દિવસ હતો ૧૨ ડિસેમ્બર ૧૯૩૪નો. હું અગિયાર દિવસ દવાખાનામાં રહ્યો. સોની માચિસ કારખાનામાં કામ કરતી હતી. હું રંગનું, કડિયા, સુથાર એવું મળે તે કામ કરીને દિવસો પસાર કરતો હતો. તેમાંથી મારો અનુભવ વધતો ગયો.

થોડા દિવસમાં અમારા ઘરમાં નવો વિચાર શરૂ થયો. બાની સાથે કામ કરનારી બાઈઓ અને બહેનપણીઓ કહેવા લાગી ‘લગન થઈને સાત-આઠ વર્ષ થયાં છતાંય હજીય છૈયાં-છોકરાં થયાં નથી. આ છોકરીને છોકરું થવાનું નથી. આ શરીરે ખૂબ જાડી થઈ. તું છોકરાનું બીજું લગન કર.’

મારા મામાય એને એ જ કહેવા લાગ્યા અને મારો ભાઈ પણ તેમજ કહેવા લાગ્યો. અનેક સગાંવહાલાંઓનો તે જ સૂર નીકળવા લાગ્યો. આ બૈરીએ સાંભળ્યું અને તે સતત રડવા લાગી. ક્યારે ક્યારેક તે દિવસભર ભૂખી રહેતી અને એકાંતમાં જઈને રડતી. થોડા દિવસમાં મારા ધ્યાને આવ્યું મેં તેને પૂછ્યું :

‘તારો રડતો ચહેરો મને દેખાય છે તે શાથી ? શું થયું તે કહે.’ પછી તેણે મને બદું જ કહ્યું.

‘બા તમારા માટે બીજી બૈરી લાવવાની તૈયારીમાં છે.’

મેં તેને કહ્યું :

‘તું આ મનમાંથી કાઢ નાંખ. હું હવે બીજી બૈરી કરવાનો નથી.’

એક દિવસ રજાનો હતો. બા સાથે કામ કરતી ઘણી બહેનપણીઓ આવી. તે અંદરોઅંદર વાતો કરવા લાગી.

‘રાહીબાઈ, ઘરમાં નાનુંમોટું કોઈ જ દેખાતું નથી.’

બૈરી ચૂલા પાસે બેસીને સાંભળતી હતી અને પાલવથી આંખો લૂછતી હતી. હૂં દૂર બેસીને સાંભળતો હતો. કેટલીક બાીઓ ખૂબ આગળ વધી ગઈ હતી એકે તો કહ્યં :

‘આ વાંઝણી જ છે. આને છૈયા-છોકરાં થશે જ નહિ. છોકરાનું બીજું લગન કર.’

બા એ કહ્યું :

‘લ્યો, તમે જ તેને કહો અને શીખવાડો. અમારું તો એ સાંભળતો

જ નથી.’ એક બાઈએ મને પાસે બોલાવ્યો અને મારા પર હાથ ફેરવીને બોલી :

‘કેમ અલ્યા છોકરા, અમે શું કહ્યું તે સાંભળ્યું કે ? બધી બાઈઓ શું કહે છે ? તારી માય ડોશી થવા આવી છે. અમારે કેટલા દિવસ રાહ જોવાની ? અમારું કહેવું છે કે તું બીજી બૈરી કર અને અમને દિકરાનું મોંઢું ભાળવા દે. બોલ શું કહે છે ?

મેં તેને કહ્યું,

‘બા, તમને દિકરો જોવાની ખૂબ ઇચ્છા છે, તો તમે રસ્તા પર જે નાનાં છોકરા દેખાય તે બધાં આપણાં દિકરા જ ગણવાં. તેમને જ દાદીની મમતાથી જોવાનાં. એટલે તમને સંતોષ થશે. અમારા વિશે તમારે ચિંતા કરવાને કારણ નથી. ધારી લો અમારામાંનું કોઈપણ મરી જાય તો તેનું સુતક તમે પાળવાનાં નથી અને તમારામાંથી કોઈક મરી જશે તો અમે તમારું સુતક પાળવાનાં નથી. અમથા બાને કે મને આડુંઅવળું ભંભેરશો નહિ. હું કોઈનું સાંભળવાનો નથી. મારાં જેવા દુનિયામાં ઘણાંય હસે. મારી કાંઈ લાખો કે કરોડોની ઍસ્ટેટ નિરર્થક જવાની નથી. મારું ભલું-બુરું મને સારી રીતે સમજાઈ રહ્યું છે. હું આ સ્ત્રી સાથે જ સંસાર નિભાવીશ. મને કોઈએ કંઈ કહેવું નહિ.’

બધી બાઈઓ મારા મોં સામે જોવા લાગી. કેટલીક સ્ત્રીઓ બોલી,

‘જેનામાં અક્કલ જ ન હોય એને શું શીખવો છો.’

આ બૈરી ચૂલા પાસે બેસીને સાંભળતી હતી અને પાલવથી આંખો લૂછતી હતી. તેનાં જીવમાં જીવ આવ્યો. તેણે મારી સામે જોયું અને હસી. તેનામાં થોડો ફેરફાર થયા જેવું મને લાગ્યું. મેંય મારા મનનું સમાધાન કરી લીધું. પણ બાને ગમ્યું નહિ. તેણે બોલીને બતાવ્યું નહિ. પણ ચાર-પાંચ દિવસમાં એ ઓઝર જવા નીકળી ગઈ.

તે પછી થોડા દિવસ એક ભિખારીનો છોકરો ભાખરી માંગવા આંગણે આવ્યો. એ દરવાજામાં ઊભો રહ્યો. એ ખૂબ સુંદર અને દેખાવડો હતો. શરીરે ફાટેલી બંડી અને ફાટેલી ચડ્ડી. ખંભે એક જાડા લુગાડનો ફાટેલો ટુકડો અને રડમસ ચહેરો. કાકલૂદીભર્યું મોં રાખીને જોતો હતો. મેં તેને જોયા પછી મને તેની દયા આવી. હું તેને ઘરમાં લઈ ગયો. તે બૈરીએ જોયું. તેય પાસે આવી. તે છોકરાની પૂછપરછ કરી. એ રડવા લાગ્યો. તેણે કહ્યું,

‘મારું ગામ સાતારા. મને મારા બાપા કામ માટે મુંબઈ લઈ આવ્યા. અમે સ્ટેશન પર ઊંઘ્યા હતા. પણ તે ક્યારે ઊઠીને ગયો તે મને ખબર નથી. મને ભૂખ લાગી. હું ભાખરી માંગવા લાગ્યો. મારી ક્યાંય ઓળખાણ નથી. હું કોની પાસે જાઉં ?’

મેં બૈરીને કહ્યું,

‘આને આપણા ઘરે રાખ. આ મને ગમે છે. તું સતત છોકરા માટે મનોમન ઝૂરે છે. એ મનેય ખરાબ લાગે છે. તો આ આપણો જ દિકરો છે એવું માન.’

મેં તેને પૂછ્યું,

‘તારું નામ શું ?’

તેણે કહ્યું, ‘મારું નામ શંકર અને બાપનું નામ ભિક્યા માંગ બાબર. હું માંગનો છું.

મેં તેને કહ્યું,

‘હું નાતજાત માનતો નથી. તું ગભરાતો નહિ. મારી બૈરીને લાગે છે કે ઘરમાં છોકરો નથી. ભગવાને આ દિકરો મોકલ્યો એમાં સંતોષ માનવો.’ તેય અમારા ઘરમાં સાથે ઘણો સમય રહ્યો.

એક દિવસ સોનીએ મને પાસે બોલાવ્યો અને કહ્યું બાને કાગળ મોકલાવો અને તેમને બોલાવી લો. આવતાં મારાં માટે આંબલી અને બોર લેતાં આવે. એ મને કંઈ સમજાયું નહિ. તેણે કહ્યા પ્રમાણે મેં બાને પત્ર મોકલાવ્યો. બા ડુંગળી કાઢવા ઓઝર ગઈ હતી. પત્ર જોતાં ડુંગળી મેડી પર નાંખી બા મુંબઈ આવી. આવતી વખતે આંબલી, બોર અને કોઠા લઈને આવી. સિમીટની અડધી થેલી ભરીને આંબલી, બોર લાવી હતી. બાએ તેને પાસે બોલાવી. માથે હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યો. બા વળી બે મહિને ઓઝર ગઈ. મેડા પર જોયું તો ડુંગળીમાં વાસ આવવા લાગી હતી. તે બધી સડી ગઈ હતી કારણ તેનાં જમાઈએ ડુંગળી પર પાણી છાંટ્યું હતું. બાએ ડુંગળી નદીએ લઈ જઈ નાંખી અને એ મુંબઈ આવતી રહી.

તે પછી હું પાંચ છ મહિના માંદો રહ્યો. મને લોહીનાં ઝાડા થયા. અનેક ડૉક્ટરની દવા લીધી પણ ફેર પડ્યો નહિ. ભૂવા જોયા. જાણકારો જોયાં અને ઘણાં ડૉક્ટરોને બતાવ્યું, પણ ફેર નહિ. કેટલાક માણસોએ કહ્યું કે ગુજરાતમાં એક વૈદ છે. એને પત્રથી જણાવો. એ તમને દવા મોકલી આપશે. તે પ્રમાણે મેં તેને જણાવ્યું. તેણે થોડીક દવાઓ મોકલાવી પણ તેનાથીય કશું થયું નહિ. પછી હું એક સ્પેશ્યલ ડૉક્ટર પાસે ગયો. તેણે મને કહ્યું કે તમારા આંતરડામાં ચાંદા પડ્યા છે, તો તમારે થોડા દિવસ એક કપ છાશ પર રહેવું જોઈશે. બીજું કશું જ ખાવાનું નહિ. પછી ખાવાનું બંધ કર્યું. ચોવીસ કલાકમાં એક ગ્લાસ છાશ લઈને રહેવા લાગ્યો. હું ખૂબ જ અશક્ત થયો. હાથ નર્યા હાડકાં રહ્યાં હતાં. આમ પંદર દિવસ ગયા અને મારામાં હાથ હલાવવાની તાકાત રહી નહિ. પછી મેં બાને કહ્યું :

‘ભૂખ્યા મરવા કરતાં કાંઈક ખાઈને મરું તો સારું થાય. મને ઘીની પાતળી રોટલી અને ખીમો, શાક આલ એટલે મનને સંતોષ થશે.’

બા મારા નાકે હાથ મૂકી શ્વાસ જોતી. જીવ છે કે ગયો છે અને પત્ની સતત પેટે હાથ ફેરવતી બેસતી. આજુબાજુનાં લોકોથી ઘર ભરાયેલું રહેતું. પછી ઓળખતો એક કસાઈ હતો. તેણે બાને કાનમાં એકદમ ઝીણો ખીમો આપ્યો. સોનીએ રોટલીઓ અને ખીમો કરી આપ્યો. મેં થોડો ખીમો અને રોટલી ખાધી. ઘણા દિવસથી પેટમાં કાંઈ ન હોવાને કારણે મને સરસ ઊંઘ આવી. પછી મેં થોડું થોડું ખાવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મને સારુ લાગવા લાગ્યું, પણ ઝાડા રોકાયા નહિ. થોડા દિવસ પછી હું ભીંત પકડીને ચાલવા લાગ્યો અને કોઈકનાં ટેકે રસ્તે આવવા લાગ્યો.

થોડાં દિવસ પહેલાં જે માણસ પાસે રસ્તાનું કામ કર્યું હતું તે શેઠે માણસ મોકલીને મને બોલાવ્યો. પછી હું તે માણસ સાથે ગયો. તેણે મને ઓળખ્યો નહિ. પછી મેં બધું જ કહ્યું. તેણે મને કામ આપ્યું. મેં ચાર માણસો ગોઠવીને કામ કરાવી લીધું અને હુંય મારા હાથથી કામ કરવા લાગ્યો. મારું ધ્યાન કામ તરફ ગયું. તેને કારણે મારો રોગ ઓછો થયો. હું માંદગીમાંથી સારો થયો હતો.

બાએ જમાઈને કહ્યું કે છોકરાને તમારી સાથે કામે લગાડો. તેણે સાહેબને પૂછ્યું. સાહેબે કહ્યું કે સો રૂપિયા લાવ. હું તેને લગાડું છું. બનેવીએ તે બાને કહ્યું. પણ એકસો પચાસ બાએ તરત આપ્યા. સાહેબને એકસો આપ્યા. બાકી હૅડક્લાર્ક અને બનેવીએ દબાવ્યા.

હું માંદગીમાંથી સાધારણ સાજો થયો હતો. પણ માંદગી ઘણા દિવસની હતી. મારું શરીર તૂટતું હતું. એકદમ બોંબલા જેવો પાતળો થયો હતો. આવા જ ટાઇમે કામ માટે બોલાવ્યો. હું બનેવી કચર સાથે વડાલાની બી.પી.ટી.ની ઑફિસમાં ગયો. ત્યાં હૅડક્લાર્કે મને ડૉક્ટર પાસે મોકલ્યો. શરીરમાં તાવ હતો. હું ચિઠ્ઠી ડૉક્ટર પાસે જતાં પહેલાં હોટલમાં ગયો. બે બાટલી સોડા પીધી અને થોડો સમય બેસી રહ્યો. મારો પેશાબ પીળો થતો હતો પણ સોડા પીવાથી સફેદ આવ્યો. ત્યાં અમારામાંનો જ પોવન (પ્યુન) હતો તે મને ઓળખતો હતો.

ડૉક્ટર પારસી હતો. તેણે મારી આંખોની પરીક્ષા લીધી. મારી ડાબી આંખે મને કશું જ દેખાયું નહિ. એક હાથે એક આંખ દબાવી રાખવી પડી. હું આંખ દબાવીને રાખતાં થોડો ભાગ ખુલ્લો રાખીને કહેતો. હું આંખમાં પાસ થયો. ડૉક્ટરે મને કપડાં કાઢવા કહ્યું એટલે કપડાં કાઢ્યા તો હું ખૂબ પાતળો હતો. ડૉક્ટરે પૂછ્યું કે તું પાતળો કેમ ? મેં કહ્યું હું ખૂબ ગરીબ છું. મને વખતસર ખાવાનું મળતું નથી. હું બધામાં પાસ થયો. કેટલીક વાર ખોટું બોલ્યો તેનો હિસાબ નથી. છેવટે હું ૧૯૩૩માં બી.પી.ટી. રેલવેમાં માર્કર તરીકે કામ કરવા લાગ્યો. અમારા સંસારની ગાડી લાઈને લાગી તે ત્યારથી.

પ્રગતિની શરૂઆત

અમે કુરલામાં જ રહેતાં હતાં. જતાં આવતાં કામ કરતો. મારું કામ વડાલા ગુડશેડમાં મીઠાની ગુણો પર મારકીન (માર્કિંગ) કરવાનું હતું. તે ટાઇમે પગાર હતો અઢાર રૂપિયા. પોણા ચાર રૂપિયા બાબઈ એડહોસ મળીને પોણા બાવીસ મળતાં હતાં. મારી માંદગી ધીમે ધીમે ઓછી થતી જતી હતી.

પછી મારી બદલી યાડમાં (રેલવે યાર્ડ) સાંધાવાલામાં થઈ. સાંધાવાલામાં ત્રણ મહિના કામ કર્યું. એક દિવસ મને સાહેબે ઑફિસમાં બોલાવ્યો. પૂછ્યું કે તને અંગ્રેજી આવડે છે કે ? મેં કહ્યું હા. તેમની ઑફિસમાં એક અંગ્રેજી બોર્ડ હતું, તે મને વાંચવા કહ્યું. તે મેં વાંચ્યું. સાહેબ ખુશ થયો. તરત જ કૅબિન ક્યાંડીડેટ તરીકે મારી પસંદગી થઈ. મને રોબીન (મિસીબાબાની) યાદ આવી. તેને કારણે જ હું એ.બી.સી.ડી. શીખ્યો. અમને બધાંને છ મહિના કામ શિખવવામાં આવ્યું.

તે જ ટાઇમે ૧૩ જુલાઈ ૧૯૩૮નાં રોજ જનાર્દનનો જન્મ થયો. કુર્લામાં બે નર્સો અને એક ડૉક્ટરને ઘરે લાવી સોનીની સુવાવડ કરાવી. એ ખૂબ જ નાનો હતો. વજન કર્યું તો સાડાત્રણ પાઉન્ડ થયું. ડૉક્ટરે કહ્યું કે છોકરું ખૂબ નાજુક છે. તેને ખૂબ સંભાળવું જોઈશે. તેને માટે બે રૂનાં બંડલ લાવ્યા. તેની પર તેને રાખ્યો.

અમારું લગ્ન ૧૯૨૬માં થયું અને બાર વર્ષે છોકરાં થયાં. એ ગાળામાં સોની સતત મનમાં ઝૂરતિ હતી. ક્યારેક મનમાં વિચાર કરતાં કરતાં ભૂખી જ ઊંઘી જતી. તેણે અનેક તાંત્રિક જોયાં, ડૉક્ટર જોયાં, જ્યોતિષ જોયાં. આવી બાઈને છોકરું થતાં તેને કેટલો આનંદ થયો હશે અને તે છોકરાને કેટલા લાડ, કુતૂહલ થયાં હશે તે તેને જ ખબર. છોકરા માટેનો માનો અસીમ પ્રેમ તેના હૃદયમાં હોય છે. તે કદીય કોઈને કહી બતાવતી નથી.

૧૯૩૯માં હું આસિસ્ટન કૅબિનમૅન થયો. પછી વડાલામાં બી.પી.ટી.ની ઓરડી મળી. અમે વડાલામાં રહેવા આવ્યાં. મારો પગાર વધીને ચોંત્રીસ થયો. સોનીએ થોડીક મરઘીઓ અને બકરીઓ લીધી. દૂધની અમારા ઘરમાં છત હતી અને ઈંડાય ભરપૂર. અમારે બહારથી લાવવાની જરૂર દેખાતી નહતી. પણ હું એકલો જ કામે હોવાને કારણે પગાર પહોંચતો ન હતો. પછી સોનીએ કેળાંનો ધંધો શરૂ કર્યો એથી ઘર ચલાવવામાં મદદ થતી.

અમારા ઘરમાં નાનું બાળક લાંબા સમય સુધી ન હતું. તેને કારણે અમે તેને ખૂબ લાડ કર્યા. પગાર મળવા લાગ્યો અને સોનીનાંય પૈસા મળવા લાગ્યા. જયવંત (જનાર્દન જે.ડી. - કે ભાઈનો ઉલ્લેખ દાદા અવારનવાર જયવંત આ નામે કરતાં) જેમ મોટો થતો ગયો તેમ અમારા મનનો આનંદ પણ વધવા લાગ્યો. ભાઈ ચાલવા લાગ્યો તો મારા માટે રોજ ભાથું લઈને તેની બા સાથે આવતો અને તેને જોતાંવેંત દોડતો જઈને ડબા સાથે તેને ઊંચકી લેતો અને આનંદ સાથે તેની સાથે રમતો હતો.

કેટલાક કામદારોએ અનાજની દુકાન શરૂ કરી. તેમાં હું મેમ્બર હતો. તેમણે મને ઉપરનાં બોર્ડમાં લીધો. મારે કાયમ જ દુકાનમાં જવું પડતું હતું. એક દિવસ હું જયવંતને લઈને દુકાનમાં જતો હતો ત્યાં મારાં મિત્રનો ભાઈ રસ્તામાં મળ્યો. તેણે જયવંતને જોયો અને પૂછ્યું કે આ છોકરો કોનો ? મેં કહ્યું મારો. તેને તેણે ધારીધારીને જોયો અને બોલ્યો, આ છોકરો રાજકારણી થશે અથવા સંતપુરુષ થશે. એ હજીય મારા લક્ષ્યમાંથી જતું નથી.

ઇરોપેન સાયેબ સાથે રહીને શિક્ષણનું મહત્ત્વ મારાં ધ્યાનમાં આવ્યું હતું. તેમાં બાબાસાહેબે શિક્ષણ પર ખૂબ જ ભાર મૂક્યો. મેં નિશ્ચય કર્યો કે મારાં છોકરાને હું ગમે તેમ કરીને સારી શાળામાં ભણાવીને મોટો કરીશ.

ભાઉનું શાળામાં નામ લખાવ્યું. ૧૯૪૪નાં વર્ષમાં બી.પી.ટી. વડાલા દાહા ચાલી. ભાઉ ૧૯૪૯માં મરાઠી ચોથી પાસ થયો. ભાઉનાં પહેલાં મારી બહેન નાજુકાને દિકરી થઈ. ૧૯૩૬માં મહાર પરિષદ થઈ તે ટાઇમે. તેનું નામ રમન. અમારા બંને ઘરમાં પહેલાં નાનાં છોકરાં ન હતાં. તેને કારણે અમારા ઘરમાં ખૂબ આનંદ થયો હતો. એ છ વર્ષની થઈ. તે જ વખતે મેં બી.પી.ટી.ની શાળામાં તેનું નામ લખાવ્યું. એ ચોથી પાસ થઈ. મેં તાડબતોબ ફૉર્મ ભરીને કિંગ જૉર હાઈસ્કૂલમાં તેનું નામ લખાવ્યું. પણ ત્યાં જાત-પાંત ખૂબ હોવાને કારણે તેને લીધે નહિ. પછી મેં માટુંગામાં તેનું નામ નોંધાવ્યું.

ભાઉનું મરાઠી પાંચમીમાં મોટી શાળામાં નામ નોંધાવવું હતું. વળી દાદરની કિંગ જૉરમાં ગયા. પણ વળી જ્ઞાતિ આડે આવી. ત્યાંનાં માસ્તરે કહ્યું કે તમે ખૂબ મોડા આવ્યા. જગા ભરાઈ ગઈ. હવે અમારે ત્યાં જગા નથી. આ સાંભળી મને તત્કાળ પસ્તાવો થયો. ત્રણ વાગ્યાથી હું તે શાળામાં, આને પૂછ્યું તેને પૂછ્યું પણ કોઈ જ દાદ આપતું નહતું. એ તા. ૨૧ હતી. હું સાડાપાંચ વાગે ત્યાંથી નીકળ્યો અને છબીલદાસમાં ગયો. તે ટાઇમ છનો હશે. છબીલદાસના દરવાજામાં ચોકીદારે રોક્યો. મેં તેને આઠ આના આપ્યા. હું અંદર ગયો. ત્યાં એક માણસ બેઠો હતો. તેણે પૂછ્યું,

‘શું જોઈએ ?’

‘મારે સાયેબને મળવું છે.’

તેણે કહ્યું :

‘હવે અમારે ત્યાં જગા નથી.’

આ સાંભળી મને ખૂબ પશ્ચાત્તાપ થયો. મનમાં વિચારોથી મૂંઝાઈ ગયો અને મારી આંખોમાં પાણી ભરાઈ આવ્યું. મેં તેમને અનેક વિનંતી કરી પણ કાંઈ જ થયું નહિ. મેં પેલા સાયેબને કહ્યું,

‘જ્યાં સુધી મારાં છોકરાને તમે શાળામાં લેશો નહિ, હું અન્નપાણી લઈશ નહિ. મને પોલીસ લઈ જશે તોય અન્ન-પાણી લઈશ નહિ.’

આંખોમાંથી સતત આંસુ ટપકતાં હતાં. આ બધું તેમણે જોયું. તેમને દયા આવી. તેમણે કહ્યું :

‘આવતીકાલે અગિયાર રૂપિયા લઈને આવજો’ અને છોકરાનું નામ લખી લીધું. મને જવા કહ્યું. એ સાંભળી મને ખૂબ આનંદ થયો અને હું સવારે પૈસા અને છોકરાને સાથે લઈ ગયો. પૈસા ભરીને છોકરાને મારી સામે વર્ગમાં લઈ ગયા, ત્યારે મારા મનને સંતોષ થયો. મારો મોટો છોકરો શાળામાં ગયો અને અમારી પ્રગતિની શરૂઆત થઈ.

ભાગ-૩ અમે

અમે આમ ઘડાયાં

‘પ્રગતિની શરૂઆત થઈ’ એવું દાદા કહે છે ત્યારે અમે જૂના વડાલામાં રહેતા હતા. એક માળની ચાલનાં નીચેનાં માળે દસ બાય દસની એક ઓરડી. એક નાનું શું રસોડું અને સહિયારી બાલ્કની. બાથરૂમ, સંડાસ ચાલીની પાછળની બાજુએ. ઘરમાં ઘાસલેટનું ફાનસ. આગળ જતાં, ૧૯૫૫ના વર્ષમાં બહાર સહિયારી બાલ્કનીમાં વીજળીનો એક દિવો આપ્યો.

એ નાનાશા ઘરમાં અમે એકંદર નવ જણ. દાદી, દાદા, બા, અમે ચાર ભાઈ બે બહેનો. દાદી આંખે લગભગ તો આંધળી પણ એનો ભારે કડપ. તેને અમે ‘બા’ કહેતાં હતાં.

જ્યારે અમારી પોતાની બાને અમે ‘બાઈ’ તરીકે સંબોધતાં.

ચાલીમાં મોટાભાગનાં લોકો દલિત સમાજનાં. કેટલાક ભૈયા અને મુસલમાન ભાઈઓ. બધાં બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટનાં કામદાર. પેટ ભરવા મુંબઈ આવ્યા હતા. એકબીજાનો આધાર બનીને રહેતાં હતાં. એકબીજાને મળ્યાં પછી પહેલો પ્રશ્ન ‘કઈ ડ્યુટી ?’ એ રહેતો. પછી ‘મોર્નિંગ’ હોય તો સવારે આઠથી બપોરે ચાર. ‘ચાર-બાર’ હોય તો બપોરના ચારથી રાતનાં બાર અને ‘નાઈટ’ હોય તો રાતપાળી (રાતનાં બારથી સવારનાં આઠ). ‘સામાજિક બંધન’ જેવો શબ્દ વાપરીએ ત્યાં સુધી સુંવાળા થયા ન હતા. પણ ચાલીમાં કોઈક માંદુ પડે અથવા કોઈકને કાંઈ અડચણ આવે ત્યારે ડ્યુટી ન હોવાને કારણે ઘરે રહેલો કામદાર એ કુટુંબનો વડો થઈને મદદમાં આવીને ઊભો રહે એ સર્વસ્વીકૃત તકાદો હતો. તેને કારણે બધાં લોકો નિશ્ચિંત હતા. કામ ઉપર

પણ જોઈએ તો એકબીજાને સંભાળી લેવાની વૃત્તિ. એક કામદાર થોડો ગાંડા જેવો હતો. તેને કાંઈપણ કામ આવડતું નહતું. છતાં તેને કાંઈ અચડણ આવી નહિ. ‘ઇનિસપક્શન’ માટે મોટા ‘સાયેબ’ આવે કે બળજબરીથી તેને એક કબાટની આડમાં સંતાડીને રાખવામાં આવતો. આ કામદાર ૩૫ વર્ષે નોકરી કરીને રીતસર પેન્શન પર ગયો.

અમારી બા પાક્કી ખેડૂતની દિકરી. તેને કારણે ઘરમાં મરઘીઓ પાળવામાં આવી હતી. તે જ રીતે છ બકરીઓ પણ હતી. રોજ સાંજે ફાનસ સાફ કરવું, બકરીઓ પકડી લાવીને બાંધવી અને મરઘીઓ પકરડીને તેમને ટોપલી નીચે ઢાંકવી એ અમારા ભાઈભાંડુઓનો દૈનિક કાર્યકર્મ. તે બધી વાતો પર દાદીનું ‘સુપરવિઝન’. અમારા આ સંસારમાં સહુની મદદગાર ભાંગ્યાના ભેરુ જેવી અમારી બા.

બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટનાં નિયમો અનુસાર પાળતુ પ્રાણી ઘરમાં રાખવાની પરવાનગી લેવી પડતી. પરવાનગી તો મળતી ન હતી, ત્યારે નિયમભંગ કરીને બકરીઓ પાળવામાં આવતી. એક દિવસ થવાનું હતું તે જ થયું. અધિકારીઓએ પોતાનો અધિકાર અમલમાં મૂક્યો. અમારી બધી બકરીઓ પકડીને ભાયખલ્લાનાં ઢોરવાડામાં પુરવામાં આવી. અને અમારી બાને કોઈક સ્મૉલ કૉઝ કૉર્ટમાં મૅજિસ્ટ્રેટ સામે બોલાવવામાં આવી. ‘સ્મૉલ કૉઝ કૉર્ટ’ને અશિક્ષિત લોકો ‘અનાડી મૅજિસ્ટર કા કોડત’ કહેતાં. કારણ ત્યાં કોઈનેય પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવતી નથી. અમારી બાી કૉર્ટમાં જવાની એ પહેલી જ વેળા. અલબત્ત તેને આની કાંઈ કલ્પના નહોતી. તેને કારણે ‘મૅજિસ્ટ્રેટ સાયેબ’ આપણી આખીય વાત સાંભળી લઈ માણસાઈના દૃષ્ટિકોણથી આપણને ચોક્કસ માફ કરશે એવો તેને દૃઢ વિશ્વાસ. તેનું નામ પોકારવામાં આવ્યું.

‘કેમ બેન, તમે ઘરમાં બકરીઓ રાખી હતી ?’

‘હા, રાખી સાયેબ, પન ગરીબોને બકરીઓ તો જોઈએ ને...’

‘દસ રૂપિયા દંડ.’ ‘સાયેબ, છોકરાવનો દૂધ જેવું...’ ‘પંદર રૂપિયા દંડ.’ ‘પન સાયેબ, ગરીબો શું કરે ?’ ‘વીસ રૂપિયા દંડ.’ અમારી બા તો ચકિત થઈ ગઈ. શબ્દ દીઠ પાંચ રૂપિયા દંડ

વધારનારો આવો જબરદસ્ત સાહેબ તેણે ક્યારેય જોયો ન હતો.

‘આને કહેવાય સાયેબ’ એણે પોતાને જ કહ્યું.

‘મારો છોકરોય આવો જ સાયેબ થવો જોઈએ.’

રોજ સાંજે સહિયારી બાલ્કનીમાંના ઘાસલેટનાં દિવા નીચે ચાલીનાં બધાં છોકરાઓનો અભ્યાસ. આમ કોઈનુંય માર્ગદર્શન ન હતું. પણ છોકરાઓને ચાલીમાંના તમામ પાલકોનો કડપ રહેતો. લખતી વખતે શાહીનો ખડિયો લઈને બેસવું પડતું. વચ્ચે જ એકાદી બકરીએ દાવડીને ઝટકો આપ્યો કે કોઈકનો શાહીનો ખડિયો ઢોળાતો અને બધાંયમાં ગરબડ ફેલાતી.

દાદીને શાળા એટલે ખરેખર શું તેનો શરૂઆતમાં ખુલાસો મળતો નહતો.

અમારાં પુસ્તકમાંના લંગર, ખડિયો કે મકાઈ ડોડાનાં ચિત્રો જોઈને તેને ભારે નવાઈ લાગતી. એ કહેતી ‘આ શાનું ભણતર ?’

આ વાતો ભણવા ખેતરમાં જવાને બદલે શાળામાં શા માટે જવાનું એ તેને સમજાવતાં કેટલાંય વર્ષ વીતી ગયાં. પણ પહેલું ધોરણ એટલે એક ચોપડી, બીજી એટલે બે ચોપડીઓ, એવું તેનું સાદું સમીકરણ થઈને રહ્યું. ગણિતને તે હિસાબ કહેતી હતી.

અમે છોકરાઓ અભ્યાસ કરતાં કવિતા સામુહિક રીતે બોલતા. નવયુગ વાંચનમાળામાંની કવિતા અમે વારંવાર પાઠ કરતા એ સાંભળી સાંભળીને દાદી અને અમારી બા, એમ બંનેયને તે મોઢે થઈ ગઈ હતી. તેને કારણે ઘરમાં કોઈ ભાઈભાંડુ માંદા થાય કે માંદગીનાં લાડ કરતી વખતે ‘પડીશું માંદા, મઝા આજ તો ખૂબ આવશે...’ એ અમને, ક્યારેય શાળામાં નહિ ગયેલા દાદી પાસેથી સાંભળવા મળતી હતી.

અમારી જ ચાલીમાં નાજુક ફોઈ રહેતાં હતાં. તેમને એક દિકરી, રમન અને દિકરો ચંદ્રકાન્ત. ફોઈનાં ઘરવાળા ટી.બી.નાં દર્દી. તેને કારણે છોકરાઓનાં ભણતરની જવાબદારી દાદા ઉપર. મોટી રમનનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી એક સિપાહીની લાગવગ લગાવીને દાદાએ તેને માટુંગાની પાયોનિયર શાળામાં દાખલ કરી. જોકે ચંદ્રકાન્ત માટે દાદા વધુ કાંઈ કરી શક્યા નહિ. કારણ કે દાદાનાં વિરોધને ન ગણકારતાં ફોઈએ તેને એક ભગતાણીને સંભાળવા આપી દીધો અને તેને અદકેરાં લાડ લડાવ્યાં. આજે એ, નોકરી છોડીને દારૂની લતને કારણે ફક્કડ જીવન વ્યતિત કરી રહ્યો છે.

રમનનાં ૧૯૫૨નાં વર્ષમાં લગ્ન થયાં. તેનાં પતિ શ્રી રામભાઈ પગારે એ અમારા ઘરનાં પહેલાં એસ.એસ.સી. પાસ થયેલાં, તેને કારણે ત્યારથી આજસુધી અમે બધાંય તેમને ‘માસ્તર’ કહીએ છીએ. ઘરની ગરીબીને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં આશ્રયે મોટાં થયેલાં પગારેમાસ્તરને જમાઈ તરીકે સ્વીકારતાં દાદા અંતર્મુખ થયા. છેવટે ડૉ. આંબેડકર પર મને સંપૂર્ણ શ્રદ્ધા છે, એવી તેમણે હામી ભર્યા પછી, વધુમાં લગ્ન પછી રમનનાં શિક્ષણમાં અંતરાય પડવા દઈશ નહિ એવું વચન લીધા પછી જ દાદાએ રમનનાં લગ્નને સંમતિ આપી. રમને નર્સ થવું જોઈએ એવી દાદાની મનની ઇચ્છા હતી. તે માટે સાયન હૉસ્પિટલનાં સુપ્રિન્ડેન્ડન્ટને દાદા જઈને મળ્યા સુદ્ધાં હતાં. કમનસીબે દાદાની તે ઇચ્છા ફળીભૂત થઈ શકી નહિ.

જનાર્દન તે વખતે દાદર છબિલદાસમાં. જ્યારે બાકીનાં ભાઈભાંડુ જૂના વડાલામાં આવેલી બી.પી.ટી.ની શાળામાં. તે શાળામાં ગિરિજાબાઈ, લિલાબાઈ, ઉજગરે માસ્તર, હિરવળે માસ્તર, દેખાવડાં શેલાર માસ્તર અને તેમનાં પત્ની માણિકબાઈ જેવાં શિક્ષકો હતાં. અમારા બધાંય ભાઈભાંડુઓ પર શિક્ષણનાં મૂળભુત સંસ્કાર થયાં તે ત્યાં જ. બધાં શિક્ષક બધા પાલકોને સારી રીતે ઓળખતાં. પ્રત્યેકની પ્રગતિ પર શિક્ષકોનું ઝીણવટભર્યું ધ્યાન રહેતું. સાચું તો દારૂ, જુગાર, રેલવેયાર્ડમાંની ગાડીઓ તોડીને માલ ચોરવો એવી અનેક અનિષ્ટ પ્રવૃત્તિઓ તે વખતેય હતી. એ પ્રતિકૂળ વાતાવરણમાં તનતોડ મહેનત કરીને શ્રેષ્ઠ શિક્ષણનાં પાઠ આપ્યાં તે આ જ શિક્ષકોએ.

એકાદા વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ બરાબર ન હોય તો શિક્ષક ઘરે આવીને ‘તેની તરફ ધ્યાન આપો’ એવું પાલકોને કહેતાં હતાં. પણ ‘ધ્યાન આપો’ એટલે ખરેખર શું કરવું એ મોટાભાગનાં પાલકોને સમજાતું ન હતું. વિકલ્પે આખરે તો જવાબદારી શિક્ષકોએ જ ઉઠાવવી પડતી. અમારે ત્યાં શૈક્ષણિક પ્રગતિની ગણના કેટલામો નંબર આવ્યો તે પરથી થતી. તે દૃષ્ટિએ ભાઈને મળેલાં માર્ક્સ કે તેનો આવેલો નંબર એ મૂલ્યમાપનનો માનદંડ હતો.

અમારા ઘરે શિક્ષકોની સાથે ખૂબ જ સન્માનપૂર્વક વર્તાવ રાખવામાં આવતો. ગિરિજાબાઈ, લિલાબાઈ અવારનવાર ઘરે આવીને છોકરાઓની પ્રગતિનો ‘રિપોર્ટ’ આપતાં. પછી, સૂડલો ઘરનો જ હોવાને કારણે વીણેલાં ફળો આપીને દાદી અને દાદા તેમનો આદરસત્કાર કરતાં. જોકે અમારી બાને તે જરાય ન રુચતું.

રમતગમતનાં સાધનો આમ ન હતાં. મહેતાબાઈ નામનાં બી.પી.ટી.નાં એક ‘લેડી વેલફેર ઑફિસર’ હતાં. તે વચ્ચે વચ્ચે મૉરીસ કાર લઈને આવતાં અને અમને બધાં છોકરાઓને સહેલ કરાવવા લઈ જતાં. શાળામાં સારા માર્ક્સ મળ્યા હોય તો એક ટુવાલ અને લાઇફબૉય સાબુ ભેટમાં આપવામાં આવતો. તેમાંય પહેલો નંબર આવે કે મહેતાબાઈની મૉરીસ કારમાં એકાદાને સહેલ કરવાનું બહુમાન પ્રાપ્ત થતું.

ઘરે રેડિયો સુદ્ધાં ન હતો. જુના વડાલામાં બી.પી.ટી.નું એક કલ્યાણ કેન્દ્ર હતું. ફુરસદ સમયે છોકરા ત્યાં વાચવા માટે ભેગાં થતાં. કિર્લોસ્કર, વિવિધવૃત, ચિત્રમય જગત, ચાંદોબા એ મરાઠી અને ‘ઇલેસ્ટ્રેટેડ વિકલી’ એ અંગ્રેજી નિયતકાલીન ઉપલબ્ધ હતાં. નવાં માસિક આવે કે તેની પર તૂટી પડતાં. એને કારણે કતાર લગાવીને તે વાંચવા પડતાં. ઘરે જતાં મોડું થાય તો અમારી બા અને દાદી ચિંતીત થતાં. બા ચાલીનાં છેડે આવીને રસ્તા સામે મીટ માંડીને બેસી રહેતી. માત્ર દાદાને લગીરેય ચિંતા થતી નહતી. ઊલટું, ઇતર વાંચન એમને ખૂબ ગમતું. ‘દુનિયામાં ક્યાં શું થઈ રહ્યું છે તે જાણવું જોઈએ’ એવો તેમનો આગ્રહ. અમારે છોકરાઓને મન પર્વનો સમય એટલે કે ચોક્કસ સમયે આવનારી યાત્રા, જેજુરીની યાત્રા, વણીની યાત્રા અને ચંપાષષ્ઠીની યાત્રા. તેમાંય વિશેષ યાત્રા એટલે જેજુરીની કારણ તે વખતે ખંડોબા એ પરમ આરાધ્ય દેવ. જેજુરીની યાત્રામાં બધાં લોકો છૈયાં છોકરાં લઈને જતાં. ત્યાં બોકડો કાપવાનો, તેનો આગળનો ભાગ ત્યાં જ પૂરો કરવાનો અને વધેલો ભાગ હળદર-મીઠું લગાડીને ઘરે લાવવાનો. તેને ‘કંદૂરી’ કહેવામાં આવે છે. તે પછી ‘દેવ ફેરવવાના’ એ એક મોટો પ્રસંગ. પહેલાં ગામમાં રહેતાં હતાં ત્યારે ગામનાં ઝાંપે મશાલો લઈ સરઘસ નીકળતું હતું. તેવાં જ સરઘસ જૂના વડાલાની શાળાની પાછળની બાજુએ એક મોટો ખડક હતો ત્યાં સુધી કાઢવામાં આવતાં. જેજુરીએ જઈ આવેલાં લોકો પોતાની સાથે ભગવાન લઈ આવ્યાં છે એવી માન્યતાથી જેજુરી જઈ ન શકેલાં લોકો તેમનાં પગે પડતાં હતાં. સરઘસ ઇચ્છિત સ્થળે પહોંચે કે કોઈકનાં શરીરમાં આવતા દેવને, પછી નૈવેદ્ય આપીને શાંત પાડવામાં આવતાં. ‘ખંડેરાવ મહારાજ કી જય’ કરીને ઘરે આવ્યાં પછી બધાએ પોતપોતાનાં ઘેરથી બાજરીનાં રોટલાં લઈ આવવાનાં અને વધેલા બકરાનાં માંસ પર સામૂહિક રીતે હાથ મારવાનો આવો કાર્યક્રમ રહેતો. આવા વખતે, મટનનો એકાદ ટુકડોય હાથમાં આવે તો અમને બધાંને બહુ મઝા આવતી.

નાનાં છોકરાઓ માટે બીજી મોજમઝા એટલે લગ્નસમારંભ. બધાં લગ્ન ચોક્કસ રીતે થતાં. છોકરી દેખાડવાનો કાર્યક્રમ કાંઈ જુદો જ હતો. વિવાહયોગ્ય છોકરીની ઉંમરની ખરાખોટાની તપાસ કરતી વખતે એકાદ બકરું, ઘેટું ખરીદતાં કરીએ તેમતેનાં પેટની તપાસ થતી હતી. બીજો મુદ્દો છોકરીનો રાંધણ-કળાનો, તેને ભાખરી બરાબર ગોળ-મટોળ બનાવતાં આવડે છે કે હિંદુસ્તાન-પાકિસ્તાનનાં નક્શા જેમ વાંકાચૂંકા થાય છે તેની તપાસ કર્યા પછી જ લગ્ન નક્કી કરવામાં આવતું. કાળો મસાલો ભરીને બનાવેલું રિંગણાનું મધ્યમસરનું શાક કે સુકા બોંબલાની ચટણી બનાવતાં ન આવડનાર છોકરીનું લગ્ન ગોઠવવું મુશ્કેલ હતું.

લગ્ન ગોઠવાયાં પછી ‘બસ્તો બાંધવો’ એટલે કે લગ્નની ખરીદી કરવી એ મહત્ત્વનું કાર્ય. વરપક્ષનાંઓએ વહુ માટે અને વધૂ પક્ષનાંઓએ વર માટે કપડાં અને વિવાહનાં પોશાકનો સામાન ખરીદવાનો એવો રિવાજ હતો. તે માટે બને બાજુનાં કેટલાક ‘જાણકાર’ લોકો દાદર ભેગાં થતાં. જેમનાં લગ્ન થવાનાં છે એ વરવધૂનાં અભિપ્રાયનાં હસ્તક્ષેપની કોઈનેય આવશ્યકતા જણાતી નહિ. બંને બાજુનાં લોકોનો એકબીજા પર ખેંચતાણ કરવાનો પ્રયત્ન. તેને કારણે ફાયદો અલબત્ત, દુકાનદારનો. બસ્તો બાંધ્યા પછી પ્લાઝા સિનેમા પાસે જે નાનો બગીચો છે, ત્યાં બધાંએ બેસીને લાડુ-જલેબી-ફરસાણની પાર્ટી કરવાનુંય નક્કી રહેતું.

આવા જ એક બસ્તા વખતે એક વયોવૃદ્ધ ગૃહસ્થનો એક સાડી વિશે અભિપ્રાય માગવામાં આવ્યો.

‘આ લોકો દુકાનમાં મોટી લાઇટો લગાડે છે, તેને કારણે બરાબર ખબર પડતી નથી.’ આવો દાવો કરીને તે ગૃહસ્થ સૂર્યપ્રકાશમાં સાડી ધારીધારીને જોવા માટે બહાર લઈ ગયા અને થોડી મિનિટોમાં પાછા આવી બોલ્યાં

‘સાડીનો રંગ ઠીક છે પણ કલર કાંઈ બરાબર નથી.’

પુરુષોનો બસ્તો બાંધવાનો કાર્યક્રમ તેવો સ્ત્રીઓનો ‘હળદીનો બજાર’. હળદીનો બજાર કરવાનો એટલે દસપંદર સ્ત્રીઓ નાયગાવે જઈને ખૂબ હળદર અને ઘરસંસાર માટે જરૂરી ઝાડુ, સૂપડું, ખરાટા વગેરે વસ્તુઓ લાવે. ખરું તો બંને બાજુની સ્ત્રીઓનો એકબીજા સાથે પરિચય થાય અને નિર્ધારિત લગ્નને સામાજિક માન્યતા મળી રહે એવો તેની પાછળનો ઉદ્દેશ હોવો જોઈએ. ‘હળદી બજાર’ પતાવ્યા પછી ત્યાંય ખાવાની પાર્ટી થતી. સ્ત્રીઓને તેમાં સૌથી વધુ ગમતી વાત એટલે ‘ગુલગુલે’. ગુલગુલે એટલે ગુલાબજાંબુનો ગામઠી અવતાર કહેવામાં હરકત નથી કારણ તેમાં માવાનાં બદલે લોટ વાપરવામાં આવતો. ત્યારે આ ગુલગુલા એટલા લોકપ્રિય કે સામાજિક કાર્યમાં બીજાની તકરાર કરતી વખતે, ‘આ કાંઈ બરાબર નથી. કામ અમારે કરવાનું અને ગુલગુલા તેમણે ખાવાનાં’ આવો સાત્ત્વિક સંતાપ અનેક વખત વ્યક્ત થતો હતો.

હળદ લાવ્યા પછી હળદ રમવાનો રિવાજ હતો. તેમાં હોળીની જેમ ચડસાચડસીથી હસતાંનાચતાં એકબીજાને હળદર લગાવવાનો કાર્યક્રમ થતો. વર, વહુ, તેમની બાઈઓ, માસીઓ, ફોઈ બધાંને હળદર લગાવવામાં આવતી. મુક્તપણે ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આવતી. ગીતો ગવાતાં. બધીય નિરુદ્યોગી સ્ત્રીઓ હળદ રમવામાં અક્ષરશઃ રંગાઈ જતી. એ પછી માંડવા ડાળી, એટલે જેનાં ઘરે લગ્ન હોય તેણે આંબાની ડાળી લગાવી માંડવો બાંધવાનો અને પાસેનાં લોકોને બધાંને જમાડવાનાં, આવો રિવાજ હતો.

હળદી કે લગ્નનાં ગીતો એટલે સ્ત્રીઓ માટે મોટું પર્વ, સંપૂર્ણપણે નિરક્ષર એવી સ્ત્રીઓ ચડસાચડસીમાં એકએકથી ચઢિયાતાં ગીતો ગાતાં. વિશેષ તો ગીતોમાં ભરપૂર વૈવિધ્ય - લગ્નની તૈયારીનાં ગીતો, છોકરી સાસરે જવાની એટલે દુઃખનાં ગીતો, દુષ્ટ જમાઈ વિશેનાં ગીતો, આવાં એક નહિ અનેક જાતનાં ગીતો.

આવી શરૂઆત કરીને લગ્નની તૈયારીનું સમગ્ર વર્ણન કરવામાં આવતું. ગાનારી સ્ત્રીઓ છોકરીપક્ષની હોય તો આવા ગીતોમાં છેલ્લે...

જેની હતી એ

લઈ ગયો.

આપણી માયા

એળે ગઈ...

અચૂક આવું ગવાતું.

લગ્ન એટલે માનપાન આવે જ. પછી તેનું વર્ણન કરતાં...

પહેલો શણગાર શેનો ?

પહેલો શણગાર ચંપાનો.

આવો શોખ કરાવો,

વહુ બાઈનાં બાપાનાં.

તેને ઘોડા પર બેસાડો,

ઊભી ગલીએ ફેરવો.

આ પ્રકારનાં ગીતો આવે જ. તે ગીતમાં બીજી માળા ‘જાઈ’ની તેમાં ‘હોંસ’ પૂરવાની વહુની ‘મા’ની, ત્રીજી માળા ‘રુ’ની, તેમાં હોંશ પૂરવાની વહુની ફોઈની, ચોથી માળા ઘઉંની, તેમાં હોંશ પૂરવાની વહુના ભાઈની, તાવણામાં આવનારા મલાડનાં ડોસા મુજબ આવા સગાંવહાલાંઓ વધતાં જ જતાં. વારુ, હોંશ પૂરવાનાં દરેકનાં ઢંગ જુદા. એટલે વહુના બાપાને ઘોડા પર બેસાડીને ફેરવવાનાં, તો બાને ‘જરીની કિનારવાળી રેશમની નવ ગજની સાડી’, ફોઈને ‘પાંચ વાસણો’ અને ભાઈને અંગુઠી આપીને ગીતોમાં સત્કાર. માત્ર જાઈનાં, ચંપાનાં અછાબા ફક્ત ગીતોમાં. વાસ્તવમાં અછાબા લવિંગ, મમરા, એટલું જ નહિ કેટલીક વાર કોપરાનાં ટુકડા ગુંથીને તૈયાર કરવામાં આવતાં.

લગ્નમાં દરેક સગાંવહાલાંને પોતપોતાનો ચોક્કસ ભાગ. તેનું વર્ણન કરતાં આમ તે ગીતો ચઢતા ક્રમમાં સજાવવામાં આવતા :

બાપ કહે બાપ.

આપીશ તને ઘઉંનું માપ,

અને મારી દીકરીનાં લગન

*

મા કહે મા

કરીશ પીળા પગ,

અને મારી દીકરીનાં લગન.

*

માળવણ કહે માળવણ,

અને મંડપનું જમણ

અને મારી દીકરીનાં લગન.

પછી પેલી નિરુદ્યોગી સ્ત્રીઓમાં એકાદી ‘કાકી’ વિદર્ભમાંથી આવેલી હોય તો મઝાકમાં થનાર જમાઈ પર ગાડી લપસે જ...

રિસાયાં જમાઈ, ચાંદીની વાટકીનાં ભાત માટે

મોહર આપી મારી માએ તેમના હાથે

આણાની બોલી નથી કરી, પણ મારી સોનાની દીકરી આપી.

જમાઈને સમાઈ નથી આપી, પણ મારી ચંદ્રજ્યોત સામે ઊભી કરી.

આટલાં મનામણાં કરીનેય જમાઈ જોતો નથી, પછી...

આમ તેમનો ઉદ્ધાર થતો એ સુદ્ધાં પરંપરા જ હતી.

જમાઈની જાત, ઉગ્ર દેડકો,

પેટની આપીને બકરા જેમ દરવાજે ઝઝુમી રહ્યો છે.

જમાઈની જાત ખરેખર બેઈમાન,

સોનાનો દોરો આપ્યો તોય નથી ઉપકાર

ગાંડે ભલે હોય, પણ છોકરો સારો,

ચતુર જમાઈ, તેનો સંબંધ નથી જોઈતો.

પ્રત્યક્ષ લગ્નસમારંભ શરૂઆતમાં હિંદુ પદ્ધતિથી થતાં. કેવળ તેમાં સપ્તપદીનો સમાવેશ નહતો. લગ્ન સારુ બ્રાહ્મણ ન હોય તો દલિત સમાજમાંનો જ એકાદ જાણકાર બાબા પુરોહિતનું કાર્ય પાર પાડતાં હતાં. અમારા એક સાળવેબાબા હતાં. તે જ મંગલાષ્ટક કહેતા. આ સાળવેબાબા પાસે ‘હિંદુધર્મ દીપિકા’ નામનો એક ગ્રંથ હતો. જેનું તેઓ સતત રટણ કરતા. તે ગ્રંથ બતાવીએ તો ભૂત પણ ભાગી જાય એવો સાળવેબાબાને અને સાથે જ અમને છોકરાઓને વિશ્વાસ હતો.

લગ્નમાં માનપાન ઉપરથી ખૂબ જ ઝઘડાં થતાં. કારણ કેટલાક લોકો ઝઘડો કરવો એવું પહેલેથી જ નક્કી કરીને આવતાં. હા, લગ્નમાં વાંકડો આપવો-લેવો સંપૂર્ણપણે નિષિદ્ધ. એટલું જ નહિ કેટલાક ભાગોમાં વરને વાંકડો (દહેજ) આપવાને બદલે વહુના પિતાને અમુક રકમ આપવાની પદ્ધતિ પ્રચલિત હતી. એકાદ વ્યક્તિનાં મૃત્યુ પછી તે ઘરનાં લોકોને હાજર હોય એ લોકોએ ‘દુઃખવટો’ તરીકે વત્તીઓછી આર્થિક મદદ કરવાની સરસ ‘પ્રોગ્રેસિવ’ પદ્ધતિ સુદ્ધાં હજુ હમણાં સુધી અસ્તિત્વમાં હતી.

લગ્નનું ભોજન ખૂબ જ ગળ્યું રહેતું. શરૂઆતમાં ભરડેલા ઘઉંની લાપશી (એટલે તેલ અને ગોળ નાંખીને કરેલો ઘઉંનો રગડો)ની પ્રથા હતી. લાપશી ગળા નીચે ઉતરે એ માટે સાથે મગની તીખી ઉસળ રહેતી. પંગતને જમીન પર બેસીને પતરાવળીમાં જમવાનું પીરસાતું. લોકો જાણી જોઈને વધારાનું પીરસાવતાં. વધેલું ઘરે લાવીને - વાળીને વડીઓ બનાવીને કેટલાક દિવસ ખાતાં. કેટલાક નફ્ફટ લોકો તો ઘરેથી કથરોટ લઈને આવવામાંય ચૂકતાં નહિ. તે વખતે લાપશીનો તે રગડોય પકવાન જેવો લાગતો, પછી લાપશીનું સ્થાન માલપૌંઆએ લીધું. પછી બુંદી-ભાત, ઉસળ એવું મેનુ પ્રચલિત થયું.

એકંદરે બધાંયને ગળ્યું ખાવાનો ભારે ચટકો. સરસ મીઠાઈ એટલે ખૂબ ગળી હોય એવી મીઠાઈ. સરસ ચા એટલે ભરપુર ખાંડ નાંખીને ખૂબ ઉકેળાલ ચા. ગળ્યું ખાવાનું એટલું ગમતું કે મટન સુદ્ધાં સ્વાદિષ્ટ થયું છે કે કેમ ? એ પૂછવા ‘મટન ગળ્યું હતું ને ?’ એવો પ્રશ્ન કરવામાં આવતો. બી.પી.ટી.ની ચાલીમાં ક્યારેક ક્યારેક સામૂહિક ભોજનનો કાર્યક્રમ રાખતાં. તેને માટે ડઝનબંધ રાયવળ કેરીઓમાંથી ખાસ્સી ડોલ ભરીને કેરીનો રસ કાઢવામાં આવતો. હાફુસ કેરી ખૂબ મોંઘી હોવાને કારણે કે કેમ, ફક્ત ગુજરાતી લોકોએ જ ખાવાની હોય છે, એવી અમારી બધાંની માન્યતા હતી.

ચાલીનાં બધાંયનો ગામ સાથે કાયમી સંપર્ક. મોટેભાગે નિયમિત રીતે, અનુકૂળતાએ, ગામે જતાં. અમારા ઘેર અમારી બા અવારનવાર ઓઝર ગામે જતી હતી, પણ અમને ભાઈભાંડુઓને ગામે નહિ લઈ જવાનો વણલખ્યો નિયમ હતો. ગામે ખૂબ ‘ડાકણો’ (જારણ-મારણ કરનારી સ્ત્રી) છે

-એવી દાદીની અને અમારી બાની થિયરી. દાદાનો તેની પર મૂળે જ વિશ્વાસ નહતો. પણ આ બંનેના આગ્રહ આગળ તેઓ આ બાબતનું નમતું જોખતાં.

ગામનાં લોકોની અમારા ઘરે અવરજવર રહેતી. મુંબઈનાં લોકો રોજેરોજ વ્યવસ્થિતપણે જમી શકે છે, તેમાંય વારંવાર જુદી જુદી શાકભાજી ખાઈ શકે છે એટલે મજાથી રહે છે એમ ગામવાળાં માનતાં. ગામે જતાં લોકો પાઉં અને સૂકાં બોંબીલ માછલાં લઈ જતાં. આવતાં ખેતરમાંથી પોંક લઈને આવતાં. તેને ‘વાનાવળા’ કહે છે. આ ‘વાનાવળ’ની બધે એટલી છત હતી કે ‘જેનો કટ્ટાળો, એનો જ વાનાવળો’ એવી કહેવત પ્રચલિત થઈ હતી. ખૂબ જ મઝા એટલે ગામેથી આવનારા લોકો બેસનની ગળી ‘લાલ શિંગો’ અથવા કળથીનાં લોટની તીખી શિંગો લાવતા. પણ આ રીતે ગામમાં કોઈનાય કુટુંબમાંથી આવેલું તત્કાળ ચાલીમાં બધાંને વહેંચી દેવામાં આવતું.

દલિત સમાજનાં વ્યક્તિને ગામમાં ચંપલ પહેરીને ફરવાની મનાઈ. તેને કારણે ઘરમાંથી નીકળતાં ચંપલ હાથમાં લઈને નીકળવાનું અને ગામબહાર ગયા પછી તે પગમાં પહેરવાની. આ પ્રથા કોઠે પડી ગઈ હતી. એનું પરિણામ એવું થયું કે ગામથી અમારે ત્યાં આવતાં લોકો ઘરમાંથી નીકળતા ચંપલ હાથમાં લઈ બહાર જતાં અને દૂર નિશાળ પાસે ગયા પછી એ પગમાં પહેરતાં. જાત છુપાવીને કહેવાતી ઉચ્ચભ્રૂ વસ્તીમાં રહેનાર એક દલિત બાંધવ પાસે ગામથી આવનારી તેની સાસુ આ જ પ્રમાણે કરતી હતી. તે જોઈને ‘આપ હલકે જાત કે હૈ ક્યા ?’ એવો પ્રશ્ન પૂછીને તેને બિન-મહારાષ્ટ્રીયન પાડોશીઓએ હેરાન કરી મૂક્યાં હતાં.

દરેક ગામવાળાઓનું મુંબઈમાં એક ગ્રામસ્થ મંડળ હતું. પોતાનાં ગામ માટે, સગાંસંબંધીઓ માટે કાંઈક કરવું એ અંગે નિયમિતપણે તે મંડળમાં ચર્ચા થતી. ગામમાં ચાવડી બાંધવી, એકાદ ઘાટ બાંધવો, ગામલોકોને મુશ્કેલીમાં મદદ કરવા જેવાં કામો માટે રૂપિયા, બે રૂપિયા લેખે ફાળો કરવામાં આવતો. ગામ માટે ઘસારો વેઠતાં આ લોકો ગામે જાય ત્યારે પણ પારંપરિક અવહેલના જ ડગલે અને પગલે આવતી. ગામની હોટલમાં જાય કે ‘અરે, મુંબૈનાં સાયેબ આયા, ચાંદીનાં કપ કાઢ અલ્યા.’ આવો લુચ્ચાઈભર્યો સ્વાંગ કરતાં. દલિતો માટે વેગળા જતન કરીને રાખેલાં ગંદા કપ ‘ખાસ’ તેમનાં માટે વાપરવામાં આવતાં.

અમે જૂના વડાલા રહેતાં હતાં ત્યારે ડૉ. આંબેડકરની ચળવળ જુસ્સાભેર ચાલતી હતી. આખુંય સામાજિક, રાજકીય વાતાવરણ બાબાસાહેબના વિચારોથી પ્રભાવિત થઈ સળગી ઊઠ્યું હતું. તે વખતે બાબાસાહેબે રાજ્યબંધારણ લખીને પૂરું કર્યું હતું. સ્વતંત્ર ભારતે તેનું ઉચ્ચ ગૌરવ કર્યું હતું. રાષ્ટ્રીય મંત્રીમંડળમાં બાબાસાહેબ અન્ય રાષ્ટ્રીય નેતાઓની હારોહાર બેસીને દેશનાં કારોબારમાં ભાગ લેતા દેખાતા હતા.

તે કાળમાં બાબાસાહેબની પ્રચંડ સભા નરેપાર્ક, શિવાજી પાર્ક, ચૌપાટી કે સેંટ ઝેવિયર્સ મેદાન - એ ઠેકાણે ભરાતી હતી. આ સભાઓમાં હંમેશા પોતાની મેળે પહોંચી જવું. તેમનાં ભાષણોની પોતાની સમજ અનુસાર ચર્ચા કરવી એ રોજિંદો કાર્યક્રમ બની ગયો હતો. સભા ન હોય તો સાપ્તાહિક ‘જનતા’નું સામૂહિક વાંચન અને પછી તેની પર ચર્ચા, તેને કારણે બધાંને જ લગની લાગી હોય એમ થયું હતું.

દાદા ‘શેડ્યૂલ કાસ્ટ ઇમ્પ્રુવ્હમેન્ટ ટ્રસ્ટ’નાં નામાંકિત સમાજસેવક શ્રી ઉપશામ ગુરુજી સાથેનાં પ્રામાણિક કાર્યકર હતા. રૂપિયો - બે રૂપિયા પ્રમાણે ફાળો એકઠો કરીને તેનો ચોખ્ખો હિસાબ રાખનાર દાદાને અમે ભાઈભાંડુઓ જોતા. દાદાને માટુંગા લેબર કૅમ્પ અને આજુબાજુની દલિત વસ્તી એ વિભાગ સોંપવામાં આવ્યો હતો. ઉદ્યમી સામાજિક કાર્યકર કેવો હોય એ તેમણે અમને ભાઈભાંડુઓને પ્રત્યક્ષ વર્તણૂકથી બતાવ્યું હતું. તે નિયમિતપણે વડાલાથી માટુંગા પગે ચાલતાં જઈ સંસ્થાના ખર્ચની બચત કરતા હતા. બીડીનાં પૈસા ખૂટ્યા હોય ત્યારે તત્પૂરતાં કેમ ન હોય, સંસ્થાનાં ફાળાનાં એકઠાં કરેલાં પૈસા વાપરો એવું સૂચવનાર અમારામાંના એકે ખાધેલો માર આજેય ભૂલી શકતાં નથી.

દાદા ક્યારેક ક્યારેક છોકરાઓનેય બાબાસાહેબની સભામાં લઈ જતાં. પણ ત્યાં થતી પ્રચંડ ભીડને કારણે અમે કોઈ જ બાબાસાહેબ પાસે જઈ શક્યાં ન હતાં. સદ્‌ભાગ્યે એક વખત અચાનક તે તક મળી. કોઈક એક પ્રસંગ નિમિત્તે બાબાસાહેબ એક વાર વડાલા આવ્યા હતા. તેમની એક લાંબીલચક શૅવરલેટ કે સ્ટૂડબેકર ગાડી હતી. તેની બાજુમાં એક ફૂટબૉર્ડ હતું. ઇતર લોકો માટે બાબાસાહેબની ગાડી નજીક પહોંચવું શક્ય ન હતું. પણ

અમારા આર.ડી. કાકા બાબાસાહેબની નજીક હોવાને કારણે, તેમની મદદથી અમે કેટલાક ભાઈભાંડુ બાબાસાહેબનાં નજીકથી ‘દર્શન’ લઈ શક્યાં. અમે બધાં ભાઈભાંડુઓ માટે તે પ્રસંગ અવિસ્મરણીય બની રહ્યો છે.

બાબાસાહેબનાં વિચારો જનસામાન્ય સુધી પહોંચાડવામાં કવિવર્ય વામન કર્ડક અને જલસાકાર લોકકવિ ઘેગડેનો મોટો ફાળો હતો. પ્રચંડ સભામાં ડફ ઉપર થાપ મારીને કવિ ઘેગડે એક ગગનભેદી લલકારથી તમામ ગણગણાટ ક્ષણભરમાં શાંત કરી દેતાં. એ બધું અમે ભાઈભાંડુઓએ જોયું હતું. તેને કારણે એક તો ડૉ. આંબેડકરની જેમ ખૂબ ભણીને સમાજકાર્ય કરવું અથવા લોકકવિ થઈને બાબાસાહેબના વિચાર ગામેગામ ફેલાવવામાં મદદરૂપ થવું - આવાં બે જ સ્પષ્ટ પર્યાય અમારાં બાળમનમાં એ વખતે ઘર કરી ગયા હતા.

૧૯૫૫નાં વર્ષનાં સુમારે ઘરમાં એક નવો જ વાદ ઉદ્‌ભવ્યો. બી.પી.ટી. તરફથી દાદાને વડાલાનાં જ બીજા ભાગમાં આવેલી ઍન્ટૉપ હિલ પાસેની ન્યૂ કૉલોનીમાં ઘર ફાળવવામાં આવ્યું. જૂનું વડાલા છોડવાની દાદાની અને અમારી બાની તૈયારી નહતી કારણ એ ઍન્ટૉપ હિલનો ભાગ એટલે મવાલીઓનાં અડ્ડા. ત્યાં આપણાં છોકરાં નક્કી બગડશે એવી તેમને બીક હતી. તે વખતે કેવળ દાદાએ એમની વાત માની નહિ. મોટું ઘર, ઘરમાં વીજળી, તેને કારણે છોકરાઓને ભણવાની સારી સગવડ થશે. છેવટે તો છોકરાં બગડે કે કેમ તે ઘરનાં વડીલો પર અવલંબિત છે એવી દાદાની દલીલ હતી. અત્યારની ભાષામાં કહેવું હોય તો દાદા ‘અપવર્ડલી મોબાઈલ’ હતા. પોતાની પત્ની માથે ટોપલી લઈ શાકભાજી વેચતી બંધ થાય, છોકરાઓનું સ્તર ઊંચું આવે, એ પ્રગતિની આગળની મજલ આંબી શકાય એવું તેઓ મનોમન અનુભવતા હોવાં જોઈએ.

નવા ઘરમાં આવતાં સુધી અમે ભાઈભાંડુ છબીલદાસ શાળામાં જવા લાગ્યા હતા. ‘છબિલદાસ’ એ અમારાં બધાંયની દૃષ્ટિએ મોટો ફેરફાર હતો. એક જ વખતે બે ભિન્ન સાંસ્કૃતિક સ્તરે અમે જીવવાની શરૂઆત કરી તે વખતે. એક તરફ બાબાસાહેબ પ્રેરિત સામાજિક ચળવળની ઝાંય, સંઘર્ષનું વાતાવરણ, માણસ તરીકે સ્વાભિમાનથી જીવવા સારુ - પોતાની એવી આઇડેન્ટિટી પ્રસ્થાપિત કરવા માટે દલિત સમાજની ચાલી રહેલ મથામણ અમે જોતાં હતાં, તો બીજી તરફ ધોબી પાસે ધોવાઈને આવેલાં અને હજીય નહીં પહેરેલાં વસ્ત્રો જેવું જીવન જીવતાં હતાં. પુસ્તકીયા મરાઠી બોલતાં અમે બધાં શિખ્યા તે છબિલદાસમાં ગયાં પછી જ. અક્ષીકર, ધામણકર, ઉપાધ્યે, કાલેલકર, સાખરદાંડે, બાંદેકર જેવા એકથી એક ઉત્કૃષ્ટ અને ધ્યેયવાદી શિક્ષકો પાસેથી નિર્ભેળ આનંદ દેનારા શિક્ષણમાં આકંઠ ડૂબી ગયા હતાં.

જાણ્યે-અજાણ્યે અમારી કક્ષા વિસ્તરતી ગઈ. અભ્યાસ ઉપરાંત સ્કાઉટ જેવી વાતોમાં અમે રસ લેતાં શિખ્યા. પોતાનાં એવા પુસ્તકો પહેલીવાર જ અમારા ઘરમાં આવ્યા. તેમાં બાબાસાહેબનાં ગ્રંથ તો હતા જ. તે જ પ્રમાણે શિવરામપંત પરાંજપેનું ‘અરસાનાં વિણેલાં નિબંધ’, શ્રી મ. માટ્યાંનાં ‘ઉપેક્ષિતોનાં અંતરંગ’ જેવા અનેક ગ્રંથ હતાં. ઘરમાં અભ્યાસને પોષક વાતાવરણ હોવાં તરફ દાદાનું વિશેષ ધ્યાન હતું. તે માટે તેમણે ઘરમાં વિદ્યાની દેવી સરસ્વતીનો ફોટો ફ્રેમ કરીને લગાવ્યો. ‘હોય શાંતિ જે ઘરે, લક્ષ્મી ત્યાં વાસ કરે’ જેવાં વચનો કાચ પર રંગાવીને બેઠકરૂમમાં લગાવવામાં આવ્યા.

તે વખતે અમારા ગામનાં તાઉમાસ્તર અવારનવાર ઘરે આવતો. તેમનો અમારા બધા ભાઈભાંડુ પર ખૂબ પ્રભાવ હતો. આગપાડાની કોઈક શાળામાં તેઓ હેડમાસ્તર હતા. સ્વચ્છ સફેદ સદરો, સફેદ ધોતિયું અને તેટલી જ સ્વચ્છ વાણી. તે અમારી પર ક્યારેય ખિજાતાં નહતાં. છતાંય તેમની એક ધાક અમારા મનમાં ઘર કરી ગઈ હતી. તે ઘરે આવતાં કે સ્વયં બધાં પુસ્તકો ગોઠવીને મૂકતા, વર્તમાનપત્રોને વ્યવસ્થિત ઘડી કરાવતા. તે જોઈને અમે અત્યંત લજ્જિત થતાં. સુઘડપણાની ભાઈભાંડુઓને આદત થઈ તે તાઉમામાને કારણે જ.

ઓઝરવાસી ગ્રામસ્થ મંડળની બેઠક અવારનવાર અમારા નવાં ઘરે થવા લાગી. અમારા ગામવાળામાં બે જણ પોલીસવાળા હતા. તેમનો હોદ્દો બહુ બહુ હવાલદારનો હશે પણ તેમનો રૂઆબ પોલિસ કમિશનરનેય શરમાવે તેવો હતો. બાળગોપાળને સાથે લઈ જઈને, કોઈક ગરીબ બિચારા ભેળવાળાનાં કાન નીચે અકારણ અવાજ કાઢીને, અમને તે ફોગટમાં ભેળ ખવડાવતાં. તેને કારણે અમને તેમની આદરયુક્ત ધાક લાગતી. બગડેલાં છોકરાઓની કેવી દશા થાય છે તે અમારા મન પર ઠસાવવા ચોખાજી હવાલદારની વગ વાપરીને દાદાએ અમને ભાઈભાંડુઓને એક વખત ડોંગરીનાં ‘બાલસુધાર ગૃહ’ જોવા જાણીજોઈને ટ્રિપ ગોઠવી આપી હતી.

અમે ઍન્ટૉપ હિલનાં નવા ઘરમાં આવ્યા પછી વર્ષભરમાં જ ધર્માંતરનો નિર્ણય જાહેર થયો. આખાય દલિત સમાજમાં ચેતના છવાઈ ગઈ. ધર્માંતરનો કાર્યક્રમ હતો નાગપુરમાં અને નાગપુર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હેડક્વાર્ટર. તેને કારણે સંઘર્ષ થશે એવી બધાંયની ધારણા હતી. દલિત સમાજ તો મરણિયો બન્યો હતો પણ બધાંને બીક લાગતી હતી તે લાખ્ખોનાં પાલનહારની. બાબાસાહેબને કોઈ દગો ફટકો તો નહિ થાય ને - આ ભીતિથી બધાં જ ચિંતાતુર થયાં હતાં.

વડાલાથી એક મોટો જનસમુદાય ધર્માંતર માટે નાગપુર ગયો. તેમાંનાં ઘણાંખરાં યુવાનો વડાલાનાં લિંબા દેવરામ એ કુશળ પ્રશિક્ષક પાસે પ્રશિક્ષણ મેળવીને, બાબાસાહેબનાં રક્ષણ માટે રેલવેનાં કોટની નીચે ગુપ્તી જેવા હથિયારો સંતાડીને લઈ ગયા હતા. ડૉ. આંબેડકરનાં અક્ષરશઃ લાખો અનુયાયીઓએ બૌદ્ધધર્મ સ્વીકાર્યો છતાં, સદ્‌ભાગ્યે, કાંઈપણ અનુચિત ઘટના બની ન હતી. વડાલાનાં લોકો ધર્માંતર કરીને મુંબઈ પાછા આવ્યાં, તે વખતે પોતપોતાના ઘરે ન જતાં સામાન સાથે એક ચોકમાં ભેગાં થયાં. રાંક સ્ત્રીઓ પણ ભેગી થઈ. ‘બુદ્ધં શરણં ગચ્છામિ‘ પહેલી વખત કહેવામાં આવ્યું. તે વખતે આ સમગ્ર ઘટનામાં દાદાનો સહભાગ એક સંગઠક, ક્રિયાશીલ કાર્યકર એ સ્વરૂપનો હતો. તેને કારણે અમને બધાંને બરાબર લગની લાગી હતી.

ધર્માંતરને કારણએ આંબેડકરનાં લાખો અનુયાયીઓની માનસિકતા પૂર્ણતઃ બદલાઈ ગઈ. એકદમ થોડા-શા સમયમાં સાંથરી, પસાયતા, વેઠિયા, એઠું વેચનારા, ઝાડુ મારવી કે તેનાં જેવાં હલકાં કામો કરીને તુચ્છતાથી જેમતેમ જીવનારી જાતિ પોતાની પારંપરિક કાંચળી ફગાવીને બેઠી થઈ. તેમને પોતાની એક ઓળખ મળી. આ નવજાગૃત અસ્મિતાને કારણે તેમનાં નામો બદલ્યાં. (પૂર્વે બાલમૃત્યુનો ભય દર્શાવી) દલિત સમાજમાં છોકરાંઓનાં નામ કચરો, ઘોંડ્યો, દગડૂ જેવા રાખવાં જોઈએ એવું પંચાંગ જોઈને નામો કહેનારા ગામનાં પુરોહિતનો આગ્રહ રહેતો. ધર્માંતર પછી દલિત સમાજમાં સિદ્ધાર્થ, ગૌતમ જન્મ્યા. (પણ દગડૂ, ઘોંડ્યા, કચરાનો જન્મ થયાનાં ઉદાહરણો અપવાદરૂપેય જોવા મળતાં નથી, એ ખાસ નોંધનીય લાગે છે.) કપડાં બદલાયાં, રહેવાની શૈલી બદલાઈ, ગ્રહણ વખતે દાન માંગવાનુંય છૂટ્યું. બુદ્ધિ, મતિ, દૃષ્ટિ - સઘળું જ ધરમૂળથી બદલાયું.

ધર્માતંર પછીનાં બે મહિનાનાં કાળ અવધિમાં ૬ ડિસેમ્બર ૧૯૫૬નાં રોજ ડૉ. બાબાસાહેબ મહાપરિનિર્વાણ થયા. લાખો આંબેડકરાવીદઓ પર દુઃખનાં ડુંગર આવી પડ્યા. કવિવર વામન કર્ડકે કહ્યું :

‘કોટિ કોટિ કુળનો ઉદ્ધાર થયો

ભીમ તારા જન્મને કારણે.’

તે જ ભીમનાં મૃત્યુને કારણે લાખો દલિત કુટુંબોને ઘરનો મોભી ગયાનું દુઃખ થયું. આખોય દલિત સમાજ શોકાતુર થયો.

બાબાસાહેબ ગયા છતાંય તેમનાં તેજસ્વી નેતૃત્વમાંથી નિર્માણ થયેલી ચેતના અખંડપણે પ્રજ્વલિત હતી. બાબાસાહેબની ચળવળમાં ઉદ્યમી કાર્યકરોની એક મોટી સેના જ તૈયાર થઈ હતી. તેમણે બાબાસાહેબની ચળવળ પોતપોતાની રીતે આગળ વધારવાનો પ્રયત્ન કર્યો.

અમારા વડાલા ભાગમાં તે પૈકીનાં કેટલાક ઉત્કૃષ્ટ સ્થાનિક નેતા હતા. એમાંના બે વિશેષ ઉલ્લેખનીય : એક શ્રી નાના ઝેંડે અને બીજા શ્રી રામરાજે.

બેડોળ દેખાતાં નાના ઝેંડે એક ઉત્કૃષ્ટ સંગઠક હતા. સ્થાનિક સ્તરનું નેતૃત્વ તો તે કરતા હતા જ પણ તે ઉપરાંત તે ગોદી કામદારનાં યુનિયનનાંય નેતા હતા. તે અધ્યક્ષ અને પી. ડિમેલો સેક્રેટરી. સાંસદ જ્યૉર્જ ફર્નાન્ડિઝે કામદાર ચળવળનો એકડો ઘૂંટ્યો તે તેમનાં જ માર્ગદર્શન હેઠળ. સચિવાલય પર મોરચો લઈ જવાનો હોય તો તે પોતાની ગામઠી શૈલીમાં, ‘આપણે શૌચાલય પર મોરચો લઈ જવાનો છે’ એવી જાહેર ઘોષણા કરતાં. પરંતુ તેમની ગામઠી ભાષા પર કોઈ હસતું નહિ, કારણ તેમની સંગઠનશક્તિ માટે બધાંને ખૂબ આદર હતો.

બીજાં સ્થાનિત નેતા, શ્રી રામરાજે. તેવી જ ગામઠી ભાષા, પણ અત્યંત હાજરજવાબી. લોકોની રગ પારખનારા, પોતાનાં અશિષ્ટ વિનોદમાંથી લોકોનાં મનનો તાગ લેનારાં. એક સભામાં ભાષણ કરતી વખતે રામરાજેએ આગળનાં વક્તાને ટેકો આપ્યો. તેથી તેમનાં પછી બોલનારા એક મોટા નેતાએ તેમને લલકાર્યાં.

‘શું રામરાજા, અરે નવું શું કહ્યું ? આગળનાં વક્તાઓએ ટાંકેલા મુદ્દા તમે ફરી તાણ્યાં.’

તેની પર રામરાજેએ તત્કાળ તેમને આપેલો જવાબ તેવો જ નમૂનેદાર હતો. તેમણે કહ્યું :

‘એ તો એવું છે ને સાયેબ, હું છું કડિયો. ઓળંબો મૂકીને કામ કરું છું. તેને કારણે આગળનાં લોકોએ જે લાઇનમાં કામ કર્યું હોય તે જ હું આગળ વધારીશ !’

બધાં રાજકીય, સામાજિક આવર્તન અમે નજીકથી જોતાં હતા, અનુભવતાં હતા સક્રિય રાજકારણમાં ન હોવા છતાં. જાણે-અજાણ્યે આંબેડકરી ચળવળની ક્રાંતિમાં અમારી માનસિકતા ઘડાતી ગઈ. આગળ જતાં કૉલેજનું શિક્ષણ લેતી વખતે ડૉ. આંબેડકરનાં ચારિત્ર્યનો ઝીણવટપૂર્વક અભ્યાસ થયો. તેમનાં વૈચારિક પાસાની ઓળખ થઈ. આંબેડકરી ચળવળ

સાથે કિશોરાવસ્થામાં સંધાયેલ ભાવનાત્મક બાંધણી હવે વૈચારિક બેઠકનાં પાયા ઉપર દૃઢ બની. અમે આંબેડકર ચળવળનું એક અવિભાજ્ય ઘટક બની રહ્યા.

હું જે. ડી. જાધવ

જુના વડાલાની ચાલીમાં રહેતાં હતાં ત્યારે હું બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટની (બી.પી.ટી.) પ્રાથમિક શાળામાં જતો હતો. તે વખતે અમને અભ્યાસની દહેશત લાગતી કારણ કે ભણીશું નહિ તો ‘પીપડાં ઠેલવાનાં’ કામે જવું પડશે, એવી બીક લાગતી હતી. અમારી આસપાસ રહેનારા કેટલાંક છોકરા વડાલાની જ બીજા ભાગમાં આવેલી ‘બર્મા શેલ’ કંપનીમાં ચાર-આઠ આના રોજથી તેલનાં નકામા ખાલી પીપડાં ધકેલતાં સ્ટોરમાં લઈ જવાનું કામ કરતાં હતાં. આપણે એ કામ કરવું પડે નહિ એટલેય અભ્યાસ કરવો જરૂરી હતો.

તે વખતે ક્રિકેટની રમત એટલે મારો જીવ કે પ્રાણ ! ક્રિકેટનાં નાદમાં ક્યારેક ક્યારેક અભ્યાસ તરફ દુર્લક્ષ્ય થતું. પછી દાદાનો કડક ચોપ મળતો હતો. દાદા ક્યારેક ક્યારેક ખૂબ ચિડાતા. અમારા ઘરમાં એકની એક લોખંડની ખુરશી હતી. દાદાનો ગુસ્સો કાબૂ બહાર જાય તો તે હાથ બાંધીને મને તે ખુરશી સાથે બાંધી રાખતા. એક વખત આમ જ બાંધી રાખ્યો હતો ત્યારે તે જકડાયેલ અવસ્થામાં જ મને ઊંઘ આવી. ઊંઘમાં ક્યારે એ ખુરશી મારા શરીર સાથે આડી પડી અને ઘા પડ્યો. પછી દાદાએ મને મારવાનું બંધ કર્યું. વધુમાં વળતર તરીકે કે કેમ, મને નવાં શર્ટ-પેન્ટ લાવી આપવામાં આવ્યાં.

અમને નવાં કપડાંની ભારે ઉત્સુકતા. મારો કાયમનો ડ્રેસ એટલે ખાખી પેન્ટ અને સફેદ શર્ટ, કારણ તે શાળાનો ગણવેશ હતો. શાળામાં જુદા કપડાં અને ઇતર કારણોસર જુદા, એવી મોજ-મઝા આધારહિન હતી. તેમાંય આ ખાખી પેન્ટ, દાદાને બી.પી.ટી. તરફથી મળનાર કોટ ઊકેલીને તે કપડામાંથી શિવવામાં આવતી. તેને કારણે દાદર જઈને સ્ટેશન પાસેનાં પતરાનાં ઝૂંપડામાંથી

તૈયાર રંગીન શર્ટ-પેન્ટ લેવાને કારણએ હું આનંદિત થયો.

ઘરમાં આવક-જાવકનાં બે છેડાં ભેગાં કરતાં દમ નીકળી જતો. તેને કારણે મારી બા કામ કરતી હતી. સવારે વહેલી ઊઠીને ભાયખલા માર્કેટમાં જઈને ફળો લાવવા, બપોરે બે વાગ્યા સુધી તે મધ્ય રેલવેનાં વડાલાનાં વર્કશૉપ પાસે વેચવાં, એ રોજનો ધંધો. હિસાબ રાખવાનું અને પગાર વખતે વસુલ કરવાનું કામ મારી પાસે. તે હું એટલી ચોક્સાઈથી કરતો હતો કે તેને કારણે આગળ જતાં હું એકાદ ઉદ્યોગધંધો સારો કરી શકીશ એવું બધાંને લાગતું હતું.

કપડાંની બાબતમાં કરકસર કરનાર બા-દાદા, હું કાયમ બૂટ પહેરું એ બાબતે ખૂબ આગ્રહી હતા. સાચું તો મારી શાળામાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને બૂટ લેવા પરવડતા હતા. બા-દાદા આ બાબતમાં કોઈપણ તડજોડ કરતાં ન હતાં. ઘણું કરીને ‘અપ્‌-ટુ-ડેટ’ રહેવાની તેમની કલ્પના ‘બૂટ’ એ વાતમાં સમાઈ જતી હશે.

આગળ પાંચમા ધોરણથી લઈને છબિલદાસમાં પ્રવેશ લીધા પછી રોજ સવારે વહેલાં ઊઠીને ચાલતાં ચાલતાં દાદર સુધી જવું પડતું. મોડું થાય કે કે.એમ. ઉપાધ્યે માસ્તરની ચમચમચી ચોંટી ખાવી પડતી. શાળામાં જતાંઆવતાં સાથે વડાલાનાં બીજા છોકરાઓ હતાં. પણ તે મારાથી અતડાં રહેતાં. રસ્તામાં હું દારૂ-ભઠ્ઠીવાળા છોકરાઓ સાથે વાતો કરતો, દોસ્તી રાખતો તે આ જ કારણે. કદાચ તેમને મારી જાતિ સુદ્ધાં આડે આવતી હશે. કારણ ગણપતિ ઉત્સવ વખતે તેમનાં ઘરે જઈએ કે બહારનાં બહાર, વરંડામાં પ્રસાદ આપી વળાવી દેવામાં આવતો હતો. અલબત્ત, તેમાંય અપવાદ હતો નાર્વેકર પરિવારનો.

નાર્વેકરનાં ઘરમાં હું ઘરનાં માણસની જેમ અવરજવર કરતો. ગણપતિનો શણગરા, આરતીમાં હું ઉમંગભેર ભાગ લેતો. તેમણે અગ્રેસર રહી ભજવેલા નાટકોમાં ભૂમિકાય કરી હતી. આ ગૃહસ્થ આગળ જતાં ભજનીબાબા તરીકે પ્રસિદ્ધિ પામ્યા. અષાઢી એકાદશીએ ભરાતી વડાલાની વિઠોબાની યાત્રામાં નાર્વેકર બાબાની ભજનમંડળીમાં હુંય સામેલ થતો હતો. તેમાં મારી એટલી પ્રગતિ થઈ કે કેટલીક વખત મૃદંગ વગાડવાનું ખાસ કામ મને સોંપવામાં આવતું.

શાળામાં મારો ચહેરો ખૂબ ચીકણો દેખાતો, કારણ મારી બા, માથામાં તેલ નાંખીને છેલ્લે હાથ મોઢા પર ફેરવતી હતી. આઠમામાં હતો ત્યારે મારે કાલેલકર નામનાં એક ઉત્કૃષ્ઠ શિક્ષક હતા. તે કાયમ પૂછતાં, ‘તું આટલું બધું તેલ કેમ લગાડે છે ?’

મેં તેમને સાચું કારણ કહ્યા પછી તે ગૃહસ્થે અમારા ઘરે આવવાનું કષ્ટ લીધું અને મારી બાને, તેમ ન કરતાં મારાં મોઢે પાવડર લગાવવા કહ્યું.

હવે પાવડર લગાવવો શી રીતે ? શિક્ષકની આજ્ઞા તો શિરસાવંદ્ય. પછી પાવડરનો એક ડબો લાવવામાં આવ્યો અને પાવડર મોંઢે લગાવવા હજામની દુકાનમાં હોય છે તેવો એક ‘પફ’ લાવવામાં આવ્યો. તેલથી છૂટકારો થયો. પણ પાવડર લગાવવો મને કાંઈ રુચતો ન હતો. પાવડરને કારણે મોઢું ખૂબ જ સફેદ દેખાય છે એવું મને લાગતું. તેને કારણે જ કે કેમ, પણ તે પાવડરનો ડબો પછીનાં કેટલાંક વર્ષ ચાલ્યો.

આઠણા ધોરણ પછી મને અભ્યાસની ખૂબ જ રુચિ જાગી. ખૂબ ગમતાં વિષય સંસ્કૃત અને મરાઠી. અમને આર.ડી. દેશપાંડે નામનાં ખૂબ સારા શિક્ષક મરાઠી શિખવતા હતા. વર્ગમાં એકાદ પાઠ શીખવ્યા પછી તેની આગળ જઈને સંબંધિત વિષયનાં ઢગલાબંધ પુસ્તકો શાળાનાં ગ્રંથાલયમાંથી તે વર્ગમાં લાવતા. તેને કારણે કિશોરવયમાં જ મરાઠીનું વિસ્તૃત વાંચન કરી શક્યો.

સંસ્કૃત વિષય તો મને એટલો ગમતો કે, મેં ટિળક વિદ્યાપીઠની સંસ્કૃતની બે પરીક્ષા આપી. વર્ગમાં ઇતર તથાકથિક ઉચ્ચ જાતિનાં વિદ્યાર્થીઓ કરતાં સંસ્કૃતમાં મારી કામગીરી અધિક ઉજ્જવલ નક્કી થતાં કેટલાક શિક્ષકોને તેની અદેખાઈ આવતી. આવું મને અવારનવાર સમજાતું પણ છબિલદાસે મને જીગરજાન એવા અનેક મિત્રો મેળવી આપ્યા અને તેમાંના અનેક જણાનું આજેય મારા જીવનમાં મહત્ત્વનું સ્થાન છે એ સ્વીકારવું ઘટે.

શાળામાં હતો ત્યારે જ હું હિંદીના ખાસ અભ્યાસક્રમ તરફ વળ્યો. અને દસમામાં હતો ત્યારે બમ્બઈ હિંદી વિદ્યાપીઠની સાહિત્ય વિશારદ પરીક્ષામાં પાસ થયો. ડ્રૉઇંગનીય બંને પરીક્ષા તે વખતે પસાર કરી. સેંટ જ્હૉન ઍમ્બ્યુલન્સ સેન્ટરની ‘ફર્સ્ટ એઇડ પરીક્ષા’ તથા બાળવીર પથકની કામગીરી માટે પ્રશસ્તિપત્રક એ જ સમયગાળામાં મળ્યા. તે વખતે મને પરીક્ષા પાસ કરવી અને સર્ટિફિકેટ મેળવવા, આ એક છંદ જ લાગ્યો હતો એવું લાગે છે.

રમતમાં મારી પ્રગતિ ઠીક ઠીક હતી. મને યાદ છે તે વખતે મેં હુતૂતૂતૂની એક ‘ટીમ‘ બનાવી હતી. વૉલીબૉલની મેચોય રમ્યા હતા. ક્રિકેટ તો હતું જ. પણ આ બધીય રમતોમાં મારી ભૂમિકા વ્યવસ્થાપકીય સ્વરૂપની રહેતી. કોઈપણ રમતમાં હું પોતે નિષ્ણાત થયો નહિ. તે કાળે વ્યાયામશાળાના સંચાલક નાયકને ‘દાદા’ કહેતાં. આવાં જ એક લિંબાદાદાની વ્યાયામશાળામાં હું લાઠી-કાઠી, દંડ-પટ્ટા શિખ્યો અને ખાસ્સી પ્રગતિ કરી. એટલી કે હું ‘દાદા’ લોકોની ટોળીમાંનો જ હતો કે કેમ એવી ઘટનાઓનો મનમાં ડર ઘૂસી ગયો હતો ! હું મવાલી બનું નહિ એવી દાદાને ચિંતા થતી હતી કે કેમ, કોણ જાણે, પણ એક વાર તે મને ડોંગરીમાં નાનાં છોકરાઓની જેલ બતાવવા લઈ ગયા અને ત્યાં એક ગામનાં પોલિસવાળા પાસેથી નાના છોકરાઓની ગુનાખોરીની ભયાનક વાતો તેમણે મને સંભળાવી. તે પછી મારી વ્યાયામશાળા બંધ થઈ.

શાળામાં હતો ત્યારે ઘરે અને આસપાસમાં આંબેડકરી ચળવળનાં સંસ્કાર હતા. વડાલા, નાયગામ, દાદર, પરેલ, માટુંગા આ આખોય પરિસર ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારો અને તેમની ચળવળથી ઉત્તેજિત થયા સરખો લાગતો હતો. દાદા પોતે અવારનવાર મને બાબાસાહેબની સભાઓમાં લઈ જતા. એક વખત ૧૯૫૨ની સાર્વત્રિક ચૂંટણીઓ વખતે બાબાસાહેબ વડાલા આવ્યા હતા. તે વખતે ઘણું કરીને બાબાસાહેબ પાસે ગ્રંથપાલનાં સ્વયંસેવક તરીકેનું કામ સંભાળનાર અમારાં આર.ડી. કાકાની વગથી બાબાસાહેબને મળવાનો અવસર આવ્યો. બાબાસાહેબની લાંબીલચક ગાડી મને યાદ છે. અમારા દાદા ‘શેડ્યૂલ્ડ કાસ્ટ ઇમ્પ્રુવ્હમેન્ટ ટ્રસ્ટ’નાં કાર્યકર. બાબાસાહેબ તેમને ઓળખતા હતા. બાબાસાહેબનાં નજીકથી ‘દર્શન’ થયાં ત્યારે હું તો વિસ્મયચકિત થઈને જોતો જ રહ્યો. દાદાએ મને તેમનાં પગે લાગી આશીર્વાદ લેવા ફરમાવ્યું ત્યારે કાંઈ હું ભાનમાં આવ્યો. મેં વાંકા વળી નમસ્કાર કર્યાં.

‘કેમ દામુઅણ્ણા ? તારો છોકરો છે ? ભણાવ એને.’ બાબાસાહેબે કહ્યું. પછી કાર્યકરોનાં ઘેરા વચ્ચે બાબાસાહેબ નીકળી ગયા. કેવળ દાદા ગંભીર થઈને ખાસ્સો સમય ત્યાં જ જડાઈને ઊભા રહ્યા.

બાબાસાહેબ પરથી યાદ આવ્યું. અમારી શાળાનાં પ્રિન્સિપાલ અક્ષીકરનો ચહેરો, કોટ અને ચશ્માં એકદમ બિલકુલ બાબાસાહેબ જેવાં જ દેખાતાં. તેને કારણે અમારા પ્રિન્સિપાલ મને ખૂબ જ આદરણીય લાગતા. અમારા આ અક્ષીકરસાહેબે મરાઠી વ્યાકરણનું એક પુસ્તક લખ્યું હતું. મને મરાઠીમાંના ‘ણ’ અને ‘ન’નાં ઉચ્ચાર વચ્ચેનો તફાવત તેમજ અનેક શબ્દમાંનાં ‘હ્રસ્વ-દીર્ઘ’ ઘણી વખત દગો દેતાં. અક્ષીકર સરનાં વ્યાકરણથી મારાં મરાઠી પર સારાં સંસ્કાર થયાં.

શાળાન્ત પરીક્ષા ૧૯૫૬નાં વર્ષમાં હું સારા માર્ક સાથે પાસ થયો. પછી બાબાસાહેબ જે કૉલેજમાં ભણ્યા તે ઍલફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ મેળવવા નક્કી કર્યું. દાદા અને હું ઍલફિન્સ્ટન કૉલેજ શોધવા નીકળ્યા.

‘બોરીબંદર સ્ટેશનથી ટ્રામમાં બેસવાનું અને છેલ્લા સ્ટોપે ઊતરો કે સામે આવે ઍલફિન્સ્ટન કૉલેજ’ એવું અમને કહેવામાં આવ્યું હતું. અમે તે પ્રમાણે ઍલફિન્સ્ટન કૉલેજ પહોંચ્યા, પણ તે વિદ્યાભવન (હાલનું પોલિસ મુખ્યમથક) નીકળ્યું. શોધાશોધ કરતાં છેવટે એક વખતની ઍલફિન્સ્ટન કૉલેજ મળી. સારાં માર્ક્સ હોવાને કારણે પ્રવેશ સુદ્ધાં તરત મળ્યો.

ઍલફિન્સ્ટન કૉલેજમાં ખાખી હાફપેન્ટ પહેરીને જનારો ઘણું કરીને હું પહેલો વિદ્યાર્થી. કોઈકે આ વાત દાદાનાં ધ્યાને લાવતાં ઉતાવળમાં તે મારા માટે ચાર લેંઘા લઈ આવ્યા, પણ શર્ટ લાવવાનું જ ભૂલી ગયા. તેને કારણએ રોજ જુદો લેંઘો પણ ધોઈને એનું એ જ શર્ટ હું પહેરતો હતો.

ઍલફિન્સ્ટન કૉલેજ સાથે મારા સૂર મળતાં ન હતા. એક તો ત્યાં આટ્‌ર્સ શાખામાં સળંગ પિરિયડ્‌સ નહતાં. તે ઉપરાંત બે પિરિયડ્‌સની વચ્ચેનાં સમયમાં પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓને ગ્રંથાલયમાં જવાની પરવાનગી ન હતી. આવો દુનિયાથી વેગળો નિયમ. તેને કારણે હું ભટકતો રહેતો. પણ ફરવુંય કેટલું ? તેને કારણે ભૂખ લાગતી. પણ પાસે પૂરતાં પૈસા ન હોય. તે વખતની ‘ચેતના’માં બટાકાવડા એક આનામાં મળતા. ઘરે આવતાં સુધી પેટમાં આગ લાગતી. તેને કારણે ઘરે આવતાંવેંત હું પેટ ભરીને જમતો. તેથી ઊંઘ કાબૂમાં રહેતી નહિ.

આ બધાંને કારણે જરાય અભ્યાસ થતો ન હતો. છેવટે મન મક્કમ કરીને હું અમારા એક પ્રાધ્યાપક પાસે ગયો. (તે બહુધા પ્રા. મં. વિ. રાજાધ્યક્ષ હોવા જોઈએ.) ‘સળંગ વર્ગો ઇચ્છતો હોય તોતું સિદ્ધાર્થ કૉલેજમાં પ્રવેશ મેળવ.’ એવું તેમણે ચૂકવ્યું.

સિદ્ધાર્થ કૉલેજમાંય શરૂઆતમાં અભ્યાસ જરા ભારે ગયો. મરાઠી માધ્યમની શાળામાંથી આવવાને કારણે કે કેમ, પણ અંગ્રેજી માધ્યમમાં ભણેલાંય બધું કોઈ સમજતાં હતાં જ એવું નહતું. તેથી અંગ્રેજી પર સંપૂર્ણ ધ્યાન આપવાનો દાદાનો આગ્રહ. પછી મેં વ્યવસ્થિત રીતે અંગ્રેજીનો અભ્યાસ કરવાનો મનોમન નિશ્ચય કર્યો. ત્યાં અંગ્રેજી માટે પ્રા. ડિસૂઝા અને પ્રા.

શિવપુરી - એ બે સમર્થ પ્રાધ્યાપક હતા. બંનેય અંગ્રેજીનાં મોટા વિદ્વાન, નામાંકિત પ્રાધ્યાપક. પણ તેમનાં શિખવવાનાં સ્તર સાથે મારો મેળ પડતો નહતો. છેવટે હું પ્રા. ડિસૂઝાને જઈને મળ્યો. તેમણે સંદિગ્ધ સલાહ આપી : ‘ખૂબ અંગ્રેજી વાંચ અને ખૂબ અંગ્રેજી લખ.’

રૉફમાં હું કૉલેજનાં ગ્રંથાલયમાં ગયો. હાથમાં આવ્યું તે અંગ્રેજીનું પહેલું દરદાર પુસ્તક લઈને આવ્યો. તે હતું વિક્ટર હ્યુગોનું ‘લા મિઝરેબલ’. પછીનાં બે મહિના નિશ્ચયપૂર્વક અથથી ઇતિ સુધી મેં તે ભારપૂર્વક વાંચ્યું. પણ ઘણું બધું સમજાયું નહિ. અઘરા શબ્દોની નોંધ કરીને તેનાં અર્થ જાણી લીધાં. ખૂબ અંગ્રેજી લખવાનું એટલે તે પુસ્તકનાં કેટલાક પાનાં સપાટાબંધ લખી નાંખ્યા. તેનું પરિણામ એટલું જ આવ્યું કે મારાં અંગ્રેજી અક્ષર સુધર્યા !

મારાં પરાક્રમની પ્રા. ડિસૂઝાને ખબર પડી ત્યારે તેઓ હસવાનું ટાળી શક્યા નહિ. પછી તેમણે ‘ટેલ ઑફ ટૂ સિટીઝ’ની સંક્ષિપ્ત આવૃત્તિ કાઢી આપી અને કહ્યું, ‘આવાં નાના નાના પુસ્તકો વાંચવા જોઈએ.’

તે પુસ્તક મેં બે દિવસમાં પૂરું કર્યું અને ‘લા મિઝરેબલ’ની કૃપા કહીએ કે કેમ, પણ મને તે તરત જ સમજાયું. પછી સ્કૉલરશિપનાં પૈસામાંથી ‘ઓરિએન્ટ લોગમેન્સે’ પ્રકાશિત કરેલાં તેવાં પ્રકારનાં અનેક પુસ્તકો હું ઘરે લઈને આવ્યો. સ્કૉલરશિપનાં પૈસાનો સુંદર વિનિયોગ કરવા બદલ ઘરનાંઓને આનંદ થશે એવું મારું માનવું હતું... પણ

‘પૈસા સીધા ઘરે લાવવાનાં મૂકીને આ શું કર્યું ?’ કહેતાં બાએ કરેલું ‘સ્વાગત’ તદ્દન જુદું જ નીકળ્યું.

સિદ્ધાર્થ કૉલેજમાં વૈચારિક દિશા મળતી ગઈ. કૉલેજમાં દર વર્ષે તે વખતે નિબંધસ્પર્ધા થતી. ઉપરાંત વાદવિવાદ સ્પર્ધા થતી. આ સ્પર્ધાનો વિષય હંમેશા ડૉ. આંબેડકરની બહુલક્ષી કામગીરી સંબંધિત રહેતો. તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને હું ઇનામો મેળવતો રહ્યો. વિદ્યાર્થીઓને સંસદીય રાજકારણનો અલ્પ પરિચય કરાવવા બાબાસાહેબે ‘કૉલેજ પાર્લામેન્ટ’ની અભિનય પ્રણાલિકા શરૂ કરી હતી. દેશનાં મુખ્ય રાજકીય પક્ષોનાં નામો લઈને વિદ્યાર્થી ચૂંટણી લડતાં અને કૉલેજમાં ‘સમાંતર’ સંસદ ચલાવતાં. દર વર્ષે કૉલેજ પાર્લામેન્ટનું ઉદ્‌ઘાટન કરવા માટે મોટા રાષ્ટ્રિય નેતાઓને આમંત્રિત કરવાનો રિવાજ બાબાસાહેબે દાખલ કરાવ્યો હતો. તેને કારણે ઉમદા મહાન લોકોનાં વિચાર સાંભળવા મળતાં હતાં. સુપ્રસિદ્ધ સાંસદ પ્રા. મધૂ દંડવતે તે વખતે સિદ્ધાર્થમાં પ્રાધ્યાપક હતા. તેમનુંય અમૂલ્ય માર્ગદર્શન મળતું હતું.

હું ‘રિપબ્લીકન પક્ષ’ વતી કૉલેજનાં ‘રાજકારણ’માં ભાગ લેતો હતો. શરૂઆતમાં રિપબ્લીકન પક્ષ કૉલેજ પાર્લામેન્ટમાં લઘુમતિમાં હતો. પછી અમે ક્રિશ્ચિયન અને મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતા ‘પીપલ્સ પ્રોગ્રેસિવ્હ પાર્ટી’ સાથે સમજૂતી કરી બહુમત મેળવ્યો. એ સંયુક્ત મંત્રીમંડળમાં મેં ‘ગૃહમંત્રી’ તરીકે કામ પણ સંભાળ્યું. તે વખતે ઉત્તમ સાંસદ પારિતોષિક માટે મારી પસંદગી થયાનું યાદ છે.

કૉલેજની ‘શલાકા’ ભીંતપત્રિકા માટે હું કવિતા લખતો હતો. પણ મારા તે વખતનાં સહાધ્યાયી કેશવ મેશ્રામ અને વસંત સાવંત એટલી સુંદર કવિતા લખતાં તેવી મારી કવિતા જામતી ન હતી એટલે મેં કવિતા કરવાનું પડતું મૂક્યું. કૉલેજની ગેધરીંગ કમિટિમાં એક વર્ષ માટે જનરલ સેક્રેટરી તરીકે હું ચૂંટાઈ આવ્યો હતો. અમે તે વર્ષે રંગભવનમાં વાર્ષિક સંમેલન યોજ્યું હતું. મુખ્ય મહેમાન હતા તે વખતનાં મંત્રીશ્રી યશવંતરાવ ચૌહાણ. તે વખતે તેમનાં ભાષણમાં એક વાક્ય હતું, ‘સિવિલાઈઝેશન ઈઝ વ્હોય વૂઈ હેવ એન્ડ કલ્ચર ઈઝ વ્હોટ વુઈ આર.’

તે વાક્ય મારા મનમાં ઘર કરી ગયું છે. હું મને કાયમ પૂછતો હોઉં છું : ‘વ્હોય વૂઈ આર ?’ ડૉ. બાબાસાહેબ આંબેડકરે અમને જે અસ્તિત્વ અને અસ્મિતા આપી, તેમાં ‘અમે કોણ’નું ઘડર થયું. અમારીય એક આગવી સ્વતંત્ર એવી ઓળખનું ભાન બીજાનેય હોવું જોઈએ, થવું જોઈએ. એ મારા જીવનનું ધ્યેય જ બની ગયું છે.

ઘરની આર્થિક સ્થિતિ ધ્યાને લેતાં માત્ર શિક્ષણ અને ઇતર બાબતો તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવું મારા માટે શક્ય નહતું. એ મોજ-મઝા ખરું તો પાલવે એમ નહતી. તેને કારણે નાની-મોટી નોકરી કરીને ઘરખર્ચમાં મદદરૂપ થવું જરૂરી હતું.

અઢાર વર્ષનો થતાં મને પહેલી નોકરી મળી તે કસ્ટમ ઑફિસમાં ક્લાર્કની. કોઈક પરમીટ બીજા સેક્શનમાંથી તૈયાર થઈને આવે કે તે ક્રમાનુસાર અરજદારોને વહેંચી આપવી એ મારું કામ. મારી જગાએ પહેલાં કામ કરનારો ક્લાર્ક પરમિટ તૈયાર હોવા છતાંય ચારચાર દિવસ તે મૂકી રાખતો. હું અડધા કલાકમાં વહેંછણી કરીને મોકળો થતો. તેને કારણે બીજાઓએ મને દમ મારવાની શરૂઆત કરી. તેનું કારણ મને સમજાતું ન હતું. પછી મને ખબર પડી કે દરેક પરમિટ પાછળ ચાર આના ‘દક્ષિણા’ લેવાનો રિવાજ હતો. તેમનાં પેટ પર પાટુ મારવાને કારણે કે કેમ, પણ ત્યાંથી મારી બદલી કરવામાં આવે એવોય પ્રયત્ન થયો. સદ્‌ભાગ્યે શ્રી જયવંત નામનાં એક ખૂબ સારા સાહેબ હતા. તેમનાં ધ્યાને આ વાત આવતાં તેમણે મારી બદલી કરવા ના પાડી.

એક વખત એક જુદી જ ઘટના બની. એક અરજદારે મારી પર ખુશ થઈને આખી સોપારીઓનું એક મોટું પાકીટ મને ભેટ તરીકે આપ્યું. મારી બાને તે વખતે પાન ખાવાની આદત હોવાને કારણે તેને ખુશ કરવા સારું હું તે પાકીટ લઈ ઘરે ગયો. બાને સાચ્ચે જ આનંદ થયો, પણ દાદા ક્ષુબ્ધ થયા. ગુસ્સામાં ધ્રુજતા તેમણે તે બધીય સોપારી બહાર કચરામાં લઈ જઈ ફેંકી દીધી. દાદાનાં સ્વભાવનું આ પાસું મારા મનમાં કાયમ માટે વસી ગયું.

કૉલેજની પરીક્ષા આવે કે મારે રજાની આવશ્યકતા જણાતી. રજા નકારવામાં આવે કે હું નોકરી છોડી દેતો હતો. સ્નાતક થતાં સુધીમાં મારી સાતઆઠ નોકરીઓ થઈ.

નોકરીનાં પગારને કારણે બી.એ.નો અભ્યાસ કરતી વખતે મેં પુસ્તકો વેચાતાં લેવાની શરૂઆત કરી. ખૈરમોડે, ઘોરપડેએ લખેલાં બાબાસાહેબનાં ચરિત્રગ્રંથોનો મેં અભ્યાસ કર્યો. તેમાંથી બાબાસાહેબનાં વૈચારિક પાસાંની ઓળખ સિદ્ધાર્થ કૉલેજનાં ચાર વર્ષમાં થઈ. પૈસા પાસે હોવાને કારણે બાબાસાહેબે પોતે લખેલાં અનેક ગ્રંથ ખૂબ જ ભક્તિભાવ સાથે મેં ખરીદ કર્યાં. તેમનાં પ્રત્યેનાં પ્રગાઢ આદરને કારણે મેં તે મનઃપૂર્વક વાંચ્યા. કેવળ તેમાંનું ઘણુંબધું ગ્રહણ કરી શક્યો નહિ. આગળ જતાં રત્નાગિરીમાં જિલ્લા પરિષદનાં મુખ્ય કાર્યકારી અધિકારી હતો ત્યારે તે ગ્રંથનું ફરી એક વખત પૂર્વાપર સંબંધ સાથે વાંચન થયું. તે વખતે ખરા અર્થમાં બાબાસાહેબનાં વિચારો જાણવામાં તેની મદદ મળી.

અર્થશાસ્ત્ર વિષય સાથે ૧૯૬૦નાં વર્ષમાં હું બી.એ. થયો. સિદ્ધાર્થ કૉલેજમાં શિક્ષણ લેતી વખતે વિશેષતઃ પાર્લામેન્ટ ગજાવતાં આપણે રાજકારણમાં પડવું અને બાબાસાહેબે આંકેલું કાર્ય આપણી રીતે આગળ વધારવું એવું મનમાં ઘૂંટાયા કરતું હતું. ‘ઑલ ઇન્ડિયા શેડ્યૂલ કાસ્ટ સ્ટુડન્ટ ફૅડરેશન’ અને ‘સ્ટુડન્ટ આંબેડકર મૅમોરિયલ કમિટિ’ જેવી સંસ્થાનાં મુખ્યટ પદાધિકારીઓમાં મારો સમાવેશ હતો. આગળ જતાં મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર લઈને એમ.એ.નો અભ્યાસ વખતે તે વિચાર પાછળ રહી ગયો. રિપબ્લીકન પક્ષમાંનાં વેરઝેર, અંદરોઅંદર ચાલતી ખેંચતાણ જોઈને રાજકીય ક્ષેત્રમાં કામ કરવાની ઇચ્છા નહિવત્‌ રહી હતી.

એમ.એમ. કરતી વખતે હું ‘નેશનલ સેવિંગ્સ ઑર્ગેનાઇઝેશન’માં ‘ડિસ્ટ્રિક્ટ ઑર્ગેનાઇઝર’ તરીકેનું કામ સંભાળતો હતો. દિવસમાં ફક્ત બેત્રણ કલાકનું ફિલ્ડવર્ક કરવું પડતું. વધેલા ફાજલ સમયમાં મુંબઈ યુનિવર્સિટીનાં ગ્રંથાલયમાં અભ્યાસ કરવા પાછળ પસાર કરતો. અર્થશાસ્ત્રનાં ખૂબ પુસ્તકો વેચાતાં લેવા એ મારાં ગજા બહારની વાત હતી. તેમાંય ગ્રંથાલયમાં ઉપલબ્ધ એવાં જર્નલ્સમાં પુસ્તકોમાં સમાવેશ ન થયો હોય એવી અદ્યતન માહિતી મળતી હતી. તેનો મેં ભરપૂર ઉપયોગ કર્યો. અર્થશાસ્ત્ર વિષય પ્રત્યે રુચિ ઊભી થવાને કારણે ઘણીવાર થતું કે અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક થઈએ. ખરું તો વ્યાખ્યાન કરવાં એ મારો એક છંદ જ હતો. ‘નરેન્દ્રએ ઇન્ટર સાયન્સ થયા પછી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર લેવું. અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. થવું તેમજ તે પછી મારી મોટી દીકરીએ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો.’ એ મારી સુપ્ત આકાંક્ષા એક રીતે ફળીભૂત થઈ. પણ આ બંનેએ, આઈ.એ.એસ. થવું એ મારો આગ્રહ તોડી નાંખ્યો. મારી મોટી દીકરી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. કરતી વખતે પરિસ્થિતિ પર જાણે કે બદલો લેવા કે કેમ, પણ મેં અર્થશાસ્ત્રનાં અનેક ગ્રંથ તેને વેચાતાં લાવી આપ્યાં અને તેણે તે વાંચ્યા પણ હતા. તે વખતે મનની એક સુપ્ત ઇચ્છા પૂર્ણ થવાને કારણે મને અનોખી તૃપ્તિ થઈ હતી.

એમ.એ.માં પ્રા. દાતવાલા, પ્રા. લાકડાવાળા, પ્રા. બ્રહ્માનંડ એવા અનેક સારા પ્રાધ્યાપક મળ્યા. પ્રા. દાતવાલા અને પ્રા. લાકડાવાળા (એ આગળ જતાં નિયોજન આયોગનાં ઉપાધ્યક્ષ થયાં) મને ખૂબ ગમતા. પ્રા. દાતવાલાને મારા પર ખૂબ સ્નેહ હતો. તેને કારણે માર્ગદર્શનની આવશ્યકતા જણાય કે હું તેમની મુલાકાત લેતો.

એમ.એ. પછી શું કરવું એ પ્રશ્ન એમ.એ. કરતી વખતે જ મને સતાવતો હતો.

પ્રા. દાતવાલાએ મને સલાહ આપી કે ‘તું અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ કર ‘વેલ્ફેયર ઇકોનોમિક્સ’ એ વિષય લઈને’. પ્રોત્સાહનની અપેક્ષા સાથે હું પ્રા. (કુ.) કાંતા રણદિવે પાસે ગયો. પણ, બાઈએ મને એવી રીતે ઉતારી પાડ્યો કે મેં ડૉક્ટરેટનો નાદ પડતો મૂક્યો. મેં ફરીથી પ્રા. દાતવાલાની સલાહ લીધી. મારાં આંબેડકરી વિચારો અને સામાજિક બંધનોથી પરિચિત હોવાને કારણે કેમ પણ તેમમે મારે સરકારી નોકરીમાં જવું એવું સૂચવ્યું. ડૉ. આંબેડકર પ્રણિત સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપનાર કુશળ પ્રશાસક થઈને તેમનું સ્વપ્ન પોતાની રીતે પૂર્ણ કરવું એની મારા મનમાંય ગાંઠ વાળી તેને માટે આપમે આઈ.એ.એસ. થવું. એવો મેં મનોમન નિશ્ચય કર્યો.

કોઈકનાં કહેવાથી, મેટ્રો સિનેમા સામે ઍલિફિન્સ્ટન હાઈસ્કૂલનાં જૂના મકાનમાં ‘વૉકેઝનલ ગાયડન્સ’નું કેન્દ્ર છે, ત્યાં જઈને હું શ્રી તુળપુળે નામનાં એક અધિકારીને મળ્યો. શ્રી તુળપુળેએ જરાય નિરુત્સાહ કર્યા વગર આઈ.એ.એસ.ની સંપૂર્ણ માહિતી આપી. દલિત વર્ગ પૈકીનાં તે વખતે સિદ્ધાર્થના એક માજી વિદ્યાર્થી શ્રીધર હાટે આઈ.એ.એસ. થયાં હતાં. તેમનેય મળીને મેં તેમની સલાહ લીધી. શ્રી તુળપુળે અને શ્રી હાટેએ બંનેએ મને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું.

હું આઈ.એ.એસ.ની પરીક્ષામાં બેઠો તે ૧૯૬૨નાં વર્ષમાં. પહેલાં પ્રયત્ને જ સફળતા મળી તે આઈ.એ.એસ. સાથે સંલગ્ન ઇતર કેન્દ્રીય સેવાઓમાં. ‘રેલ્વે ઍકાઉન્ટ્‌સ’ વિભાગનાં પ્રશિક્ષણ અર્થે હું મસુરી ગયો અને તે સેવામાં હતો ત્યારે જ ૧૯૬૩નાં વર્ષમાં આઈ.એ.એસ.માં યશસ્વી નીવડ્યો.

તે વખતે એક વિસ્મયકારક ઘટના બની. મેં આઈ.એ.એસ. પાસ કર્યાની માહિતી ડૉ. આંબેડકરનાં દિલ્હીનાં એક જૂનાં સાથે કામ કરનાર શ્રી શંકરાનંદ શાસ્ત્રીને મળી. હર્ષાવેશમાં તેમણે તે આનંદની વાત જણાવવા ઝટપટ મુંબઈમાં એક તાર મોકલ્યો. તેમાં લખ્યું હતું, ‘જે.ડી. જાધવ પાસ્ડ્‌ આઈ.એ.એસ.’

વહેલી સવારે તે તાર લઈને તારવાળો અમારા વડાલનાં ઘરે પહોંચ્યો. તે વખતે મારી અનુપસ્થિતીમાં અમારાં ઘરમાંનો અંગ્રેજીનો જાણકાર કેવળ દિનેશ. તેની ઇન્ટર સાયન્સની પરીક્ષા ચાલતી હતી. આગલી રાતે મોડે સુધી અભ્યાસ કરીને તે ઊંઘ્યો હતો. તાર આવ્યો એટલે તે આંખો ચોળતો ઊઠ્યો. તાર પરનું લખાણ અસ્પષ્ટ હતું. તે વખતે તાર ગીચોગીચ અક્ષરમાં કાર્બન પેન્સિલથી લખવામાં આવતો. તેમાંય આંખો ગેરાયેલી હતી. તેને કારણે કે કેમ દિનેશે તે તાર વાંચ્યો તે ‘જે.ડી. જાધવ પાસ્ટ અવે’ એમ.

‘બાઈ, ભાઈ ગયો ઓ...’ એવી ચીસ પાડતાં દિનેશ મૂર્છિત થયો. અમારા ઘરમાં બૂમાબૂમ મચી ગઈ. આડોશી-પાડોશી એકઠાં થયાં. દિનેશ સિવાય ઘરમાં બીજા કોઈનેય જોઈએ એવું અંગ્રેજી તે વખતે આવડતું ન હોવાને કારણે તાર ફરીથી વ્યવસ્થિત વાંચવાનો પ્રશ્ન જ ન હતો. બધી બાજુ રોકકળ શરૂ થઈ એટલું જ નહિ પણ પેલો બિચારો તારવાળો પાછો જતો હતો. ત્યારે તેણે અશુભ સમાચાર પહોંચાડ્યા એટલે તેને જ લોકો ગાળો દેવા લાગ્યા.

તે વખતે અમારી બાજુમાં પ્રભાકરન નામે એક મદ્રાસી ભાડુઆત રહેતો હતો. તેણે આવીને પેલો તાર કાળજીપૂર્વક વાંચ્યો અને બધાને કહ્યું

‘અરે, યેતો આચ્ચા ન્યૂસ હય. તુમ્હારા બ્યેટા આય.એ.એસ. પાસ હો ગયા હય.’

ક્ષણભરમાં શોકાતુર થયેલા ચહેરા અતિશય આનંદથી ચમકી ઊઠ્યા અને આનંદનો ઉલ્લાસ છવાઈ ગયો.

પ્રશિક્ષણ સારુ હું મસૂરી જવા નીકળ્યો, તે વખતે બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન બી.પી.ટી.ની ચાલીનાં લોકોથી ભરાઈ ગયું હતું. તેમાં દલિત સમાજનાં લોકો તો હતા જ પણ તે ઉપરાંત જૂના વડાલાનાં ભૈયા, મુસ્લિમ અને ઇતર તમામ સામાજિક સ્તરના લોકો ઉપસ્થિત હતાં. ફૂલોનાં હારનો પ્રચંડ ઢગલો થયો હતો. પછી તે બધાં હાર લાવીને આગગાડીનાં તે ડબ્બાને સુશોભિત કરવામાં આવ્યો. વાસ્તવમાં હું આઈ.એ.એસ. થયો એટલે ચોક્કસ શું થયો છું. તે મોટાભાગનાને સમજાતું ન હતું. પણ કાંઈક ભવ્યદિવ્ય બન્યું છે એની તેમને સમજણ હતી. નિસ્વાર્થી ભાવના છલકાઈને વહેતી હતી. પ્રત્યેકને પોતે જ કાંઈક મેળવ્યું હોવાનો આનંદ થયો હતો.

ગાડી ઉપડતાં પહેલાં દાદા મને બાજુએ લઈ ગયાં. ‘તને અત્યારે યાદ નહિ આવે...’ દાદા આગળ શું કહેવાનાં છે તેનો મને અણસાર આવ્યો હતો. ઘણાં વર્ષો પહેલાં ડૉ. આંબેડકરે દાદાને ‘ખૂબ ભણાવ આને’ એવો આદેશ મારાં માટે આપ્યો હતો. દાદાએ બાબાસાહેબની આજ્ઞાનું પાલન કર્યું હતું. એટલું જ નહિ ‘માનભર્યા હોદ્દા મેળવો’ એ બાબાસાહેબની ઇચ્છાની પૂર્તિ સુદ્ધાં થઈ હતી. દાદાને આટલા લાગણીવશ થતાં તે પહેલાં મેં ક્યારેય જોયાં નહતાં.

કેન્દ્ર સરકારનાં ‘રેલ્વે ઍકાઉન્ટ્‌સ’માં અધિકારી તરીકે મારી નિમણુંક થઈ હતી. મુંબઈનાં પશ્ચિમ રેલ્વેનાં કાર્યાલયમાં. તે જ કાર્યાલયમાં મેં કૉલેજકાળ દરમ્યાન ક્લાર્કની નોકરી કરી હતી. તે વખતે વાલાવલકર નામનાં એક સજ્જન ગૃહસ્થ મારા હેડક્લાર્ક હતાં. મેં તે નોકરી છોડી ત્યારે તેમણે તેમની રીતે ખૂબ ‘સમજાવવવા’નો પ્રયત્ન કર્યો હતો. આગળ જતાં મારી જેમ હેડક્લાર્ક થઈશ એવી ‘લાલચ‘ સુદ્ધાં દેખાડી હતી. હું મોટો સાહેબ થઈને ત્યાં ગયો તે વખતે તે સેવાનિવૃત્ત થવામાં હતાં. હું તેમનાં સેક્શનમાં જઈને તેમને મળ્યો. તેમને ખૂબ સારુ લાગ્યું. પોતાની ધારણા ખોટી પડવા બદલ કોઈનેય આટલો આનંદ ક્યારેય થયો નહિ હોય !

રેલવેમાં હતો ત્યારે હું સિમલામાં થોડા દિવસ હતો. કાલકા-સિમલા રેલવે માર્ગે કાયમ પ્રવાસ થતો. પ્રથમ શ્રેણીની મોટાર ટ્રેઇનમાં આવતાં-જતાં કાલકા સ્ટેશનનાં ‘સુપ્રિન્ટેડન્ટ’ ખૂબ અદબ સાથે મારું સ્વાગત કરતા. મહત્ત્વની વાત એ કે રેલવેપ્રાવસની દોડદામ, મુશ્કેલીઓ, રિઝર્વેશન જેવાં પ્રશ્નો જ નહતાં. આઈ.એ.એસ.માં સફળ થયાં પછી રેલવેમાં રાજીનામું આપીને કાલકાથી દેહરાદૂન રેલવેપ્રવાસમાં હું નીકળ્યો. તે વખતે આ જ સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ એ રીતે વર્ત્યા કે જાણે તે મને ઓળખતાં જ નહતા. પ્રથમ વર્ગની ટિકીટ મારી પાસે હોવા છતાં, રિઝર્વેશન ન હતું એટલે થર્ડ ક્લાસમાં પ્રવાસ તે વખતે કરવો પડ્યો. એ પહેલો પ્રસંગ કે જ્યારે મને ‘વ્યક્તિ કરતાં ખુરશીનું મહત્વ અધિક હોય છે’ એ બરાબર સમજાયું.

આઈ.એ.એસ. પ્રશિક્ષણ પૂરું થયાં પછી મારી પહેલી નિમણૂક થઈ તે ‘સહાયક જિલ્લાધિકારી’ તરીકે કોલ્હાપુરમાં, ત્યાંનાં વર્ષ - સવા વર્ષનાં વસવાટમાં મહેસૂલ ખાતાનાં ગામસ્તરથી જિલ્લાસ્તર સુધીના વ્યાપનો અભ્યાસ થયો. પ્રત્યક્ષ કામની જવાબદારી નહતી. પણ શિખવાની તકો સરી હતી. તેનો મેં પૂરેપુરો ફાયદો ઉઠાવ્યો.

તે વખેત મહારાષ્ટ્ર સરકારનાં હાલનાં નાણાં સચિવશ્રી પદ્મનાભય્યા મુંબઈનાં પોલીસ કમિશનર શ્રી સામરા અને હું એમ ત્રણે ભેગા રહેતાં હતાં. કચેરીનાં કામકાજ બાદ અમે ત્યાંનાં સાંસ્કૃતિક જીવનમાં રસ લેતા હતા. મેં પહેલો તમાશો જોયો તે કોલ્હાપુરમાં. ક્યારેક ક્યારેક રંકાળા તળાવની પાળે બેસીને હું કવિતા લખતો. તે ફક્ત ‘જીક્રર્ભિં ગળ્ક્રસ્ર્’ ક્યાંય પ્રસિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યા વગર હું તે પાછળથી ફાડી નાંખતો.

હું કોલ્હાપુરમાં હતો તેનું દાદાને ખૂબ મહત્ત્વ લાગતું. તેમની દૃષ્ટિએ કોલ્હાપુર એટલે શાહૂ મહારાજની કર્મભૂમી. દાદા એકવાર મારે ત્યાં કોલ્હાપુર આવ્યા. તે વખતે તેમને જૂનો રાજમહેલ જોવો હતો. રાજારામપુરીમાં ચક્કર લગાવવું હતું અને હુપરીમાં જઈ આવવું હતું. તેમનાં આ કાર્યક્રમમાં મને જરા આશ્ચર્ય થયું. જૂનો રાજમહેલ સાથી તો કહે ગામનો દરવાજો કેવો હોવો જોઈએ તે જૂના રાજમહેલનો દરવાજો જોયા પછી સમજાય દાદાને દરવાજાનું આકર્ષણ અધિક કારણ અમારા ગામ ઓઝરમાં અમારું વડિલોપાર્જિત ઘર ગામબહાર, દરવાજા પાસે જ હતું. સાહજિક દાદાને દરવાજો એટલે સાંસ્કૃતિક વારસો જ લાગતો. દાદા કહેતાં, ‘એક તો પાટિલ થવું, નહીં તો દરવાજાનો રક્ષક (મહાર).’ પાટિલ ગામનું ધ્યાન રાખે, તો દરવાજાનો રક્ષક ગામબહારથી આવનારાઓનું. રાજારામપુરીનાં આકર્ષણનું કારણ જુદું જ હતું. અમારા આર. ડી. કાકા કોલ્હાપુરમાં નોકરીએ હતા ત્યારે રાજારામપુરીમાં રહેતા અને મુંબઈ આવે કે તેમનાં રાજારામપુરીનાં ખાસ્સા ગપ્પાં ચાલતાં. રાજારામપુરી એટલે કોલ્હાપુરની ‘દાદર હિંદુ કોલોની’ હુપરીનું દાદાને કુતૂહલ હતું કારણ કે હુપરી એટલે કલાકારોનાં ઘર, ત્યાં તૈયાર થતાં હાર, માળા, કમરપટ્ટા સાજ એટલે કલાત્મક કોતરણી કરેલા કળશ, એવું દાદાનું નિરીક્ષણ. હુપરી ગયો પણ તે વખતે ત્યાંથી કશું ખરીદી કરી લાવ્યો નહિ. કારણ પરવડે એમ ન હતું.

તે જ સમયગાળામાં સરકાર તરફથી નોકરીમાં કાયમ કરવા માટે સરકારી કામકાજની પરીક્ષા લેવામાં આવી. તેમાં ઉત્કૃષ્ટ સફળતા સંપાદન કરી મેં મારું પ્રોબેશન પૂરું કર્યું.

મારી પહેલી રીતસર નિમણૂંક થઈ તે પૂણે જિલ્લામાં. પહેલાં હવેલી અને પછી જુન્નર આ બંને ડિવિઝનોમાં મેં પ્રાંત અધિકારી તરીકે કામ સંભાળ્યું. જમીનવિષયક કાયદાઓનો, કાસ કરીને મહાર વતન કાયદાનો અભ્યાસ કરીને મેં અનેક પ્રકરણોનો નિકાલ કર્યો. બે-ચાર પ્રકરણમાંનાં મારાં નિર્ણયો આગળ ઉચ્ચ ન્યાયાલયે સુદ્ધાં ગ્રાહ્ય રાખ્યા.

મેં પહેલો દુકાળ જોયો, તે પૂણેમાં. તે વખતે તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. વસંતરાવ નાઈકે ‘પાણીનું ટીપેટીપું રોકી ખેતીનાં ઉપયોગમાં લાવો’ એ આદેશ આપ્યો હતો. તદ્‌નુસાર ‘લિફ્ટ ઈરિગેશન’ની અનેક યોજનાઓ અમે પૂણે જિલ્લામાં અમલી બનાવી. તે બાબતમાં પૂણે જિલ્લો આખાય મહારાષ્ટ્ર રાજ્યમાં અગ્રેસર નીવડ્યો. જનજીવનમાં વરસાદનું શું મહત્ત્વ હોય છે તેની જાણકારી ત્યાં થઈ.

પૂણેમાં હતો ત્યારે મારાં લગ્ન થયાં. કોલ્હાપુરમાં હતો ત્યારે નક્કી થયાં હતાં. પણ વચ્ચે વરસ વીતી ગયું. મોડાં થવાને તેવું કાંઈ કારણ ન હતું. તે વખતે પ્રસિદ્ધ એવા શ્રીમતી ઈંદુમતી પંડિત નામનાં જ્યોતિષી મારાં ઓળખીતાં હતાં. કોલ્હાપુરમાં તેમજ પૂણેમાં તે મને અવારનવાર મળતાં. તેમણે એક વખત કહ્યું હતું કે, ડિસેમ્બર ૧૯૬૫ સિવાય તમારું લગ્ન થશે નહિ. કદાચ તેમનું ભવિષ્ય સાચું પડે એટલે મોડું થયું હોય ? સાચું કારણ એમ હતું કે, લગ્નનો ખર્ચ ઘરનાં પર આવે નહિ એ મારો આગ્રહ. તે માટે થોડીક રકમ બચાવવી જરૂરી હતી. તેમાં એક વર્ષ વીતી ગયું. છતાંય પૂણેની જનતા સહકારી બૅંકનાં શ્રી જમદગ્નિએ તે વખતે ૫૦૦૦ રૂપિયાનું કર્જ મેળવી આપ્યું. એટલે લગ્ન સમારંભ ઠીક ગોઠવાઈ ગયો. તે વખતનો એક પ્રસંગ કાયમ માટે યાદ રહી ગયો છે. લગ્ન નિમિત્તે સ્વાગત સમારંભ વડાલામાં રાખ્યો હતો. સાંજનો સમય હતો. અમે પૉર્ટ ટ્રસ્ટ રેલવે કોલોનીમાં રહેતા. કોલોનીની પેલી બાજુ સ્વાગત સમારંભનો હૉલ. કલોનીમાંથી સામા છેડે જતાં રેલવેનાં બે ફાટક ઓળંગવા પડતાં. અમે નિકળ્યા સમયસર, પણ પૉર્ટ ટ્રસ્ટનાં બે ફાટક વચ્ચે જે અટવાઈ ગયા તેમાં બરાબર એક કલાક ગયો. હૉલ પર પહોંચ્યા તો તે વખતનાં મારાં ઘણાબધાં વરિષ્ઠ અધિકારી અમારી રાહ જોતાં જોતાં અકડાઈ ગયા હતાં. આટલાં વરિષ્ઠોને એક જ સમયે આ રીતે રોકી રાખવાનો જાદુ મારાં મોડાં આવવાથી થયો. આમ ‘સમયપાલન’ વિશે હું કાંઈ જ બોલીશ નહિ. કારણ ચોક્કસ સમયપાલન માટે મારી ખ્યાતિ નથી અને ક્યારેય નહતી. હું સમય જાળવવા ગમે તેટલો પ્રયત્ન કરું છતાંય અણધારી અડચણો મારાં અત્યાંત નીકટનાં મિત્રોની જેમ મને ચોક્કસ વખતે મદદે આવીને ઊભી રહે છે. અલબત્ત, તેને કારણે બીજાઓને ગેરસમજ થાય છે એ વાત જુદી છે.

પૂણેમાં મને અમૂલ્ય અને અવિસ્મરણીય માર્ગદર્શન પ્રાપ્ત થયું તે કાકાનું. કાકા એટલે મારાં મિત્ર શરદ કાળેનાં પિતા. (શરદ કાળે મુંબઈ મહાનગરપાલિકાનાં હાલમાં કમિશનર છે.) કાકાનું પૂણેમાં ઘર હતું. શરદને કારણે હું તેમની સાથે ખૂબ નજીક આવ્યો. તેમને ત્યાં હું કેટલાક દિવસ રહ્યો સુદ્ધાં. કાકા વ્યવસાયે એન્જિનીયર હતાં. પણ તેમની બૌદ્ધિક તીવ્રતા સાર્વત્રિક હતી. ઉપરાંત તેમની વ્યાવહારિક સલાહ અત્યંત સચોટ રહેતી. પૂણે શહેર માટે, પૂણેનાં લોકોનો તેમનો અભ્યાસ ખૂબ મોટો હતો. નવાઈની વાત એટલે કે મારાં કામની સુક્ષ્મ ગુંચવણો પણ મારા ના કહેવા છતાં તે ઉકેલી આપતાં. અનેક વખત કાકા મને શરદ કરતાંય નજીકનાં સ્નેહી લાગતાં.

હું જુન્નર પ્રાંતમાં હતો ત્યારે ગામડામાં રહેતો. તે વખતે મારે ત્યાં મારાં તત્કાલિન જિલ્લાધિકારી શ્રી ઝુબેરી અને તેમનાં મિત્ર, પૂર્વઆયુક્ત શ્રી ચવ્હાણે આવવાનું નક્કી કર્યું. ગામનાં અમારા ઘરમાં ફર્નિચર કે બીજી વસ્તુઓ આમ નહોતી જ. મારા પત્ની સૌ. પુષ્પાને જ્યારે મેં આ મહેમાનો વિશે કહ્યું ત્યારે તેમનું સ્વાગત કેવી રીતે કરવું એ ગહન પ્રશ્ન તેમની સામે આવીને ઊભો રહ્યો. પુષ્પા એક વાંસની ચટાઈ લઈ આવી. ચટાઈ ઉપર સરસ બે સોલાપુરી ચોરસા નાંખીને ઘરમાં ગાલીચો તૈયાર કર્યો. ઘરમાંની બે જૂની ખુરશીઓનાં એક દિવસમાં કવર્સ સિવ્યાં અને નકામી બાટલીની ફૂલદાની સજાવી. એકંદર સુશોભન જોઈને મને તે ઠાઠ જ લાગ્યો. આવેલાં મહેમાનો ખુશ થઈ ગયા. ઘર વ્યવસ્થિત રાખવા માટે અને સરસ મજાનાં પૌંઆ અને ફ્રૂટજેલી આપવા માટે તેમણે પુષ્પાનાં મોં ફાટ વખાણ કર્યાં. તે દિવસની યાદ કાયમ માટે મનમાં ઘર કરી ગઈ છે. તે એટલા માટે કે મહેમાનોનું સ્વાગત શી રીતે કરવું એ પુષ્પાને સહજ, સુલભપણે ફાવ્યું, અન્યથા હું તો ખૂબ મુંઝાઈ ગયો હતો.

આજેય, કોઈકનું સ્વાગત કરવું, આગ્રહ કરવો એ મને લગીરેય ફાવતું નથી. મારો એક દોષ મને સ્પષ્ટ સમજાય છે, તે એટલે સુધી કે મારે ત્યાં આવેલાં મહેમાનોને કે મળવા આવેલા કોઈનેય તેમનું કામ પતે કે ‘સારુ, તમે નીકળો’ અથવા ‘તમે હવે જાવ’ એમ રોકડું પરખાવવાની આદત મારું વારંવાર ધ્યાન ખેંચવા કરવાં છતાંય કાંઈ છુટતી નથી.

દાદા સારાં મુડમાં હોય કે મને ‘જયવંત’ કહેતા. પણ ગુસ્સે હોય તો, ‘ગધેડા’ કહેતા. હું ગામ હતો ત્યારે એક વખત તે ગુસ્સે થયા. કારણ કે મારી પાસે કસમયે આવેલાં મહેમાનોને મળવાનું મેં નકાર્યું. દાદા એટલાં ખિજાયાં કે ગુસ્સે થઈને તેમણે મને ‘સાહેબ’ કહ્યો. પછી ખાસ્સા સમય પછી મને ‘સાહેબ’ કહીને કેમ બોલાવ્યો એમ પૂછ્યું. તો તેમણે કહ્યું, ‘હવે તને ગધેડો કેવી રીતે કહેવો ?’ ત્યારથી ક્યારેય ગુસ્સે થાય કે મને તેઓ ‘સાહેબ’ કહેતાં. તેને કારણે ‘સાહેબ’ એ શબ્દની જ ખીજ આવે છે.

ગામ હતો ત્યારે મેં જૂની હિલમન મોટર લીધી હતી. થોડા દિવસ એ બરાબર ચાલી. પણ પચી મારાં પેટ્રોલનો ખર્ચ ખાસ્સો બચવા લાગ્યો. કારણ અર્ધાથી વધારે અંતર તેને ધક્કા મારીને લઈ જવી પડતી. તે વખતનાં મિત્રો કહેતાં, પૂણેથી ગામ રસ્તાનાં દરેક માઈલનો પથ્થર તેને ઓળખે છે, કારણ પ્રત્યેક પથ્થર આગળ ગાડી બંધ પડવાથી તેમણે ક્યારેક તો ધકેલવામાં મદદ કરી હતી !

ગામનાં વસવાટમાં મને સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારની અત્યંત નજીકથી ઓળખ થઈ. ગ્રામ્ય વિકાસમાં લોકોનો સહયોગ એટલો સંગીન અને અર્થપૂર્ણ હોઈ શકે તે નારાયણ ગામનાં સબનીસ પાસે જોયો. તો અવસરીનાં પાટીલ ‘વૃક્ષો વાવવાં’ એ એક મુદ્દાનાં કાર્યક્રમથી અંજાઈ ગયાં હતાં. મંચરનાં વળસે પાટીલ શાકભાજી દેશભરમાં મોકલવા સારુ મથામણ કરી રહ્યા હતા. તો ઘોડનદીનાં ડૉ. દીક્ષિત ગ્રામ્ય આરોગ્ય સેવા અર્થે વ્યથિત હૃદયે કામ કરતા હતા. એક નહિ અનેક, આવી વ્યક્તિઓ મને નજીકના મિત્રો તરીકે મળ્યાં. પ્રાંત અધિકારીનાં કાયદાવિષયક કામથી અધિક આ પ્રવૃત્તિશીલ માણસોનું જ મને ખૂબ આશ્ચર્ય થતું. ગામમાં હતો ત્યારે જુન્નર અને આળેફાશની કોમી તંગદીલીમાં પ્રસંગનો સામનો કરવો પડ્યો. તે વખતે વિકાસનાં કામોમાં જોતરાયેલ આવાં અનેક વ્યક્તિઓની મને ખૂબ જ મદદ મળી. તેમની મધ્યસ્થીથી અનેક વિકટ પ્રસંગો મેં પાર પાડ્યા.

સપ્ટેમ્બર ૧૯૬૭માં પદોન્નતી થતાં રત્નાગિરી જિલ્લા પરિષદનાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે મારી નિમણૂંક થઈ. ગામથી રત્નાગિરી સુધીનો પ્રવાસ મેં મારી હિલમનમાં કર્યો. સાથે સૌ. પુષ્પા અને એક વર્ષની નાની સુચેતા. પન્હાળા વટાવ્યું અને ઘાટમાં ગાડી બંધ થઈ. ઘાટમાં છ કલાક ભટક્યો. રસ્તામાં બીજા વાહનોય દેખાતાં નહતાં. તેટલામાં રત્નાગિરીથી અમને શોધતી એક જીપ આવી. મને શોધવા માટે અને લઈ જવા માટે જીપ આવેલી જોઈને મને પહેલીવાર જ થયું કે હું સાચ્ચે જ કોઈક મહત્ત્વનો વ્યક્તિ થયો છું ! રત્નાગિરીનાં પ્રવાસમાં પથ્થરોનાં અને દીંગાપશ્ચિમ ઘાટ પ્રદેશનાં દર્શન થયાં.

પૂણે અને રત્નાગિરી કેટલો જમીન-આસમાનનો ફરક. માટીનો રંગ જુદો, વૃક્ષોય નાળિયેરી સિવાયનાં વાંકાચૂંકા જ. રત્નાગિરીના માણસોય ખડતલ. ઉગ્ર સ્વભાવનાં પણ ગર્વ નીપજે એવાં.

મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે જિલ્લા પરિષદનાં બધાં જ કાર્યક્ષેત્રમાં હું ઉત્સાહી હતો. અનહદ કામ કરવાની હોંશ અને લગની લાગી હતી. પણ તે વખતે મારો અર્ધાથીય વધુ સમય નેતાઓ સાથે ચર્ચામાં જ પસાર થતો. એકાદ પ્રશ્નની બીજી બાજુ હોઈ શકે એ શક્યતાને રત્નાગિરીમાં સ્પષ્ટપણે કોઈ સ્થાન ન હતું.

રત્નાગિરીમાં મારો બંગલો એકલો અટૂલો, ગામનાં એક ખૂણે હતો. બંગલાના આંગણામાં ખડકો હતા. ત્યાં એક વખત મોટા નાગે દર્શન પણ આપ્યા હતા. ત્યારે તે બંગલામાં એકલા રહેવું સાહસભર્યું હતું. રત્નાગિરી જિલ્લો એટલે મંડણગઢથી સિંદુદુર્ગ સુધીનો દૂરથી દૂર. હું પ્રવાસમાં ચાર-ચાર દિવસ બહાર રહેતો. પુષ્પા નાની બંને દિકરીઓને કારણે ચિંતીત રહેતી. બંગલો ટેકરા પર હતો અને નીચે ભારે ઊંડી ખાડી. સામે વરંડાનાં કઠેડા પર બેસીને ખાડીમાંન ીહોડીઓ-મછવાઓનો એકબીજા પાછળ અથડાવાની રમત જોતાં, તેમજ સંધ્યાકાળે સૂર્યાસ્ત જોતાં. હાથમાંનાં કવિતાનાં પુસ્તકની ક્ષિતિજે સાકાર થતી રહેતી. રત્નાગિરીનાં રમણીય વર્ષો એટલે મારી નોકરીમાં મને મળેલું બોનસ જ હતું.

પછી કોયનાનો ભૂકંપ આપ્યો. તે વખતે હું ચિપલૂણ તરફ પ્રવાસમાં હતો. ભૂકંપને કારણે હાકાકાર ફેલાઈ ગયો હતો. અત્યંત હૃદયદ્રાવક પ્રસંગોનો સાક્ષી બન્યો. આપદ્‌ગ્‌રસ્તોને મદદ વિશેષતઃ તબીબી સેવાઓ અને જમવાની સગવડ કરવાનાં પડકાર રૂપ કામ મારાં ભાગે આવ્યાં. આપણી ઉપર આટલી મોટી જવાબદારી આવી પડશે એવું મને ક્યારેય લાગ્યું ન હતું. પત્ની અને બંને દિકરીઓને મેં મુંબઈ મોકલી દીધાં અને કામ માટે કમર કસી. વિસ્થાપીતોને ઉગારવા અને સામુહિક ભોજનાલય તૈયાર કરીને તેમની તત્પુરતી વ્યવસ્થા ગોઠવવાનાં કામો મેં તાબડતોબ હાથમાં લીધાં. પછી ઘર. શાળા ઇત્યાદિ બાંધીને વિસ્થાપીતોનું પુનઃવસન કરવામાં આવ્યું. બીજાં સહકાર્યકરો સાથે હું અક્ષરશઃ રાતદિવસ કાર્યરત રહેતો. મુખ્ય અધિકારી તરીકે મારે અન્યો માટે આદર્શ સિદ્ધ થવું હતું. તે કામમાં અમને અપાર યશ મળ્યો. તેને વરિષ્ઠોની માન્યતાય મળી. વિશેષ તો તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીએ જાતે તે વિસ્તારમાં પ્રવાસ કરીને અમારા કામનું નિરીક્ષણ કર્યું અને પુર્નવસનના અમારા પ્રયત્નોની પ્રશંસા કરી. તે મારા જીવનની અત્યંત આનંદપૂર્ણ ક્ષણ હતી.

રત્નાગિરી જિલ્લા પરિષદનાં તે વખતે અધ્યક્ષ હતા, શ્રી અમૃતરાવ ભોસલે. અત્યંત ઉદ્યમી અને સાદા-સરળ વ્યક્તિ. મારું અને તેમનું ખૂબ બનતું. પણ તે જિલ્લાની પક્ષીય ખેંચતાણ અને પ્રાથમિક શિક્ષકોની બદલીઓ, નિયમોને આધિન રહીને કરવાનાં મારા આગ્રહને કારણે મારે રત્નાગિરીમાં કામ કરવું અશક્ય બન્યું. તે જ અરસામાં દાદા માંદા હતા અને સેવાનિવૃત્ત પણ થયા હતા. મારું મુંબઈમાં ઘર પાસે હોવું મને આવશ્યક લાગતું હતું. મારી બદલી મુંબઈ કરવા મેં શાસનને વિનંતી કરી. મુંબઈમાં તે વખતે નિમણૂંક મળી નહિ. પણ હિંદુસ્તાન ઓર્ગેનિક કૅમિકલ્સ, એ કેન્દ્ર સરકારનાં પ્રકલ્પમાં પનવેલ પાસેનાં રસાયણી મુકામે બદલી થઈ.

મુંબઈમાં દાદા સેવાનિવૃત્ત થવાને કારણે બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટનું ઘર અમારે છોડવું જરૂરી હતું. પણ પર્યાયે રહેવાની સગવડ ન હતી તેને કારણે કેટલોક સમય વધારે ભાડું આપીને પૉર્ટ ટ્રસ્ટનાં ઘરમાં દાદા-બાઈ અને અન્ય ભાઈભાંડુઓ રહેતાં હતાં. પર્યાયી ઘરની અડચણ થશે એ દાદા સમજતાં હતાં. એટલે તેમણે ખૂબ પહેલાં ચેમ્બૂરનાં સિદ્ધાર્થનગરમાં છ ઓરડીઓની એક મોટી પતરાની ચાલી બાંધી રાખી હતી. પણ બા-બાપુજી અને ભાઈઓને ત્યાં રહેવાનો પ્રસંગ ન આવે એવો મારો નિશ્ચય હતો. ચૂનાભઠ્ઠીમાં મિત્રનો એક ફ્લેટ હતો. ત્યાં મેં તેમની કામ ચલાઉ સગવડ કરી પછી વડાલામાં જ ‘વસન્તમહાલ’ - સોસાયચીમાં અમારો પોતાનો ફ્લેટ તૈયાર થયો. તેમાંય અસંખ્ય અડચણો આવી. ઘરની અત્યંત તીવ્ર વશ્યકતા હતી. તેથી ઢીલ કરનારા સિંધી પ્રમોટર પાસેથી મેં તે સોસાયટીનો જ કબજો લીધો અને મકાન બાંધકામ પૂર્ણ કર્યું. તે પ્રયત્નમાં શ્રી ઇટુપ નામના એક ભન્નાટ વ્યક્તિ સાથે મારી દોસ્તી થઈ. તેઓ એકવચની પણ હઠીલાં.

નિયમ પાળનાર પણ પોતાનો જ ક્કકો ખરો કરતાં. સજ્જન પરંતુ સાણપણનો ઈજારો પોતાની પાસે રાખનારા, આવો આ માણસ દુનિયાથી નિરાળો હતો. આ ગૃહસ્થ જાણે પુ. લે.નાં ‘વ્યક્તિ અને સાધુ’માંથી ભૂલથી છૂટા પડેલાં હોવાં જોઈએ એવું જ લાગે. કેવળ તેમણે મને પૂરેપૂરો સાથ આપ્યો. અમારા પ્રયત્નોથી ‘બસન્તમહાલ’નું મકાન છેવટે તૈયાર થયું અને અમારા ઘરનો પ્રશ્ન હલ થયો.

હિંદુસ્તાન ઓર્ગેનિક કૅમિકલ્સમાં કામ કરતી વખતે નવાં પ્લાન્ટ્‌સ ઊભા કરવા અને મજૂરો માટે ઘર બાંધવા અંગે મેં વિશેષ પ્રયત્નો કર્યાં. ત્યાં ટ્રેડ યુનિયન ઊભું કરવામાં મદદ કરી. મહત્ત્વની વાત એ હતી કે ખાસ્સાં એવાં સેન્દ્રિય રસાયણોની ઓળખ થઈ. રસાયણી હતો ત્યારે અવારનવાર મુંબઈ જતો હતો. તેને કારણે મારાં નાનાં ભાઈ-બહેનોનાં શિક્ષણ તરફ દૂર હોવા છતાં થોડું ઘણું ધ્યાન આપી શકાયું. મારી અનુપસ્થિતીમાં ઘરમાં સૌથી મોટો એટલે સુધાકર. પણ એને અભ્યાસનું ક્યારેય આકર્ષણ નહતું. તેને કારણે મારે જાતે અન્ય ભાઈભાંડુઓનાં અભ્યાસ પ્રત્યે ધ્યાન આપવું અગત્યનું હતું. આ દરમિયાન જ દાદાને હૃદયરોગનો પહેલો હુમલો આવ્યો.

પરભણીનાં જિલ્લાધિકારી તરીકે ૧૯૬૯નાં વર્ષમાં મારી નિયુક્તિ થઈ. ત્યાં પણ ગણોતિયા ધારો, જમીન ટોચ મર્યાદા ધારો અંગેનાં અનેક તુમારોનો મેં નિકાલ કર્યો. મારું કામ ઉકેલવાનું સામર્થ્ય એટલું વિસ્તૃત હતું કે પહેલાં ચાર-પાંચ વર્ષમાં જેટલા તુમારોનો નિકાલ થતો હતો તેટલા મેં એક વર્ષમાં પૂરા કર્યાં. તેને કારણે મને વિભાગીય આયુક્ત તરફથી વિશેષ પ્રશસ્તિપત્ર સુદ્ધાં આપવામાં આવ્યું. અનેક સહકારી ગૃહનિર્માણ સંસ્થાઓને, વિશેષતઃ પછાત વર્ગોની અનેક સંસ્થાઓને, શાસનનાં ધોરણો અનુસાર જમીનો આપીને તેમનાં રહેણાંકનો પ્રશ્ન ઉકેલવાની તક મને પ્રાપ્ત થઈ. પરભણીમાં જ પુષ્પાએ એક બાલવાડી શરૂ કરી હતી. હવે તે સરસ મોટી શાળા થઈ છે.

પરભણીમાં મને ફિરોઝ પારેખ નામનો ઉમદા માણસ મિત્ર તરીકે મળ્યો. સ્વતંત્ર, ટેકીલો અને દિલદાર માણસ. તેની પૂર્વ પેઢીઓ મરાઠાવાડામાં ગઈ હતી. તેને કારણે તેની પાસેથી આ પ્રદેશની સરસ, તટસ્થ માહિતી મળી. પૂણે મુંબઈ કરતાં અને રત્નાગિરી કરતાંય એકદમ જુદા જ માણસો અહીં મળ્યા. રાવસાહેબ, ખાનસાહેબનાં પ્રશાસનમાં મહત્તા હતી. ગામેગામ દેશમુખોનું ચાલતું. પણ બધાં કેવા મજામાં - સમયથી બેખબર - બે ચોખ્ખાં સ્પષ્ટ વર્ગો તે જિલ્લામાં દેખાયા. એક સુખી - સંતોષી - એશઆરામમાં ડૂબેલા, તો બીજા આજીવન દારિદ્રયમાં સબડતા. મજૂરીની ત્યાં કિંમત નહતી. કેવળ ગામેગામ એકાદ-બે તરુણો વિશેષતઃ મિલિન્ડ મહાવિદ્યાલયનાં માજી વિદ્યાર્થી, આવેશમાં કાંઈક ચળવળ કરવાનાં ઉન્મેષમાં રહેતા.

પરભણી જિલ્લો મારા સ્મરણમાં રહ્યો. તે કેટલાક વ્યક્તિગત-કડવાં અનુભવોને કારણે. એક તો હું પરભણીનો જિલ્લાધિકારી હતો ત્યારે મારાં સરકારી બંગલામાં ચોરી થઈ. એની ક્યારેય ભાળ મળી નહિ. બીજો અનુભવ તે વર્ષો સુધી શૂળ બની મને ભોંકાતો રહ્યો. પરભણી જિલ્લામાં કાતનેશ્વર મંદિર તરીકે ઓળખાતું એક મંદિર છે. જિલ્લાનાં બધાં વરિષ્ઠ અધિકારીઓની પત્નીઓએ સાથે જઈને મંદિરને ભેટ આપવાનું નક્કી કર્યું. હું જ્યાં જ્યાં જતો હતો ત્યાં મારાં પહેલાં મારી જાત પહોંચતી જતી. અન્ય સ્ત્રીઓ સાથે મારી પત્ની કાતનેશ્વર મંદિર પાસે પહોંચી તે વખતે અન્ય સ્ત્રીઓને અંદર જવામાં વાંધો આવ્યો નહિ. કેવળ પુષ્પાને ખૂબ જ ખૂબીપૂર્વક પૂજારીઓએ બહાર જ વાતોમાં રોકી અને પછી ચતુરાઈથી મંદિરમાં જવા ન દેતાં બહારથી બારોબાર વિદાય આપી. ૧૯૭૦નાં વર્ષમાં અને તે ય કલેક્ટર જેવા જિલ્લાનાં સર્વોચ્ચ અધિકારીની પત્ની પર જાતિને કારણે આવો પ્રસંગ આવે એ ઘૃણાસ્પદ લાગે છે.

સાચું કહું તો મારાં અધિકારનો ઉપયોગ કરીને તે પૂજારીઓને હું ‘સીધા’ કરી શક્યો હોત. પણ કાયદો અને સુવ્યવસ્થાની જિલ્લાની જવાબદારી મારી પર હોય ત્યારે હું પોતે જ વ્યક્તિગત કારણોસારુ કાયદો અને સુવ્યવસ્થા જોખમાય એમાં કારણભૂત થાઉં નહિ એ લક્ષ્યમાં લઈ કાર્યવાહી કરવાનું ટાળ્યું.

પરંતુ એ સમગ્ર ઘટના મારી વિવેકબુદ્ધિને રુચિ ન હતી.

છેવટે મેં વિનંતી કરીને બદલી કરાવી લીધી અને મુંબઈમાં વધારાનાં જિલ્લાધિકારી તરીકે મારી નિમણૂંક થઈ. જિલ્લાધિકારી તરીકે કામ કર્યા પછી અતિરિક્ત જિલ્લાધિકારી પદ પર નિમાયેલો કદાચ હું એકમાત્ર અધિકારી હઈશ. મારા કરતાંય સેવામાં કનિષ્ટ એવા અધિકારીઓ જિલ્લાધિકારી હતાં - ઉપસચિવ હતાં. તે વખતે મને અન્યાય કરવામાં આવ્યો છે એવું લાગ્યું. પણ મેં તકરાર કે ચર્ચા કરી નહિ. કેવળ તે પછી મુંબઈ ઉપનગર સ્વતંત્ર જિલ્લો બનાવવામાં આવે અને તેના સ્વતંત્ર જિલ્લાધિકારી હોય એવો પ્રસ્તાવ મેં સરકાર સમક્ષ રજૂ કર્યો. હવે બે વર્ષ પહેલાં તે પ્રસ્તાવ મંજૂર થઈને મુંબઈ ઉપનગર અલાયદો જિલ્લો થયો અને તેને માટે સ્વતંત્ર જિલ્લાધિકારી નીમવામાં આવ્યા છે.

વધારાનાં જિલ્લાધિકારી તરીકે જવાબદારી પાર પાડતી વખતે બે મહત્વનાં પડકાર મારી સામે આવ્યાં. એક તો ૧૯૭૧ની લોકસભાની સાર્વત્રિક ચૂંટણીઓ. બીજું લોકસભાનાં મતદાર વિભાગનાં રિટર્નિંગ ઑફિસર તરીકે મુંબઈની ચૂંટણીઓ વ્યવસ્થિત પાર પાડવાની જવાબદારી મને સોંપવામાં આવી. કાંઈપણ અઘટિત ઘટના થવા દીધાં સિવાય ચૂંટણીઓ પાર પાડી અને મતગણતરીનું કામ ખૂબ સરસ રીતે થયું. તે ચૂંટણીઓમાં એક મતદાર વિભાગમાંથી ન્યા. હરિભાઉ ગોખલે ચૂંટાઈને આવ્યા અને કેન્દ્ર સરકારનાં કાયદામંત્રી થયાં. તેમને મારી કામ કરવાની રીત એટલી ગમી કે મંત્રીપદ મળ્યા પછી તેમનાં અંગત સચિવ તરીકે હું કામ કરું એવો તેમમે આગ્રહ સેવ્યો. પણ, દાદાની તબિયત અને કુટુંબિઓનાં ઘરનાં જટિલ પ્રશ્નો ઉકેલવા તે વખતે મુંબઈમાં રહેવું આવશ્યક હતું, એટલે મેં તે ઑફર નકારી. બીજી ઉલ્લેખનીય વાત એ કે મુંબઈમાં રહેતાં મુલુંડ, ચેમ્બૂર, સાયન-કોલીવાડા વગેરે ઠેકાણે રહેનારા નાગરિકોને અનેક વર્ષોનાં વસવાટ છતાંય સનદ મળી ન હતી. મોટા પ્રમાણમાં તે મેળવી આપવાનું કામ હું પાર પાડી શક્યો.

તે પછી મકાનોની દુરસ્તી અને પુનઃબાંધણી મંડળનાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે મારી નિમણૂંક થઈ. મુંબઈનાં જીર્ણશીર્ણ એવાં હજારો મકાનોનું નિરીક્ષણ કરીને તેમની દુરસ્તી કે આવશ્યક જણાય ત્યાં ફરીથી બાંધવાનું કામ આ મંડળ પાસે હતું. તેમાં મુંબઈ શહેરમાંની ઘણી ઇમારતો જે ‘સ્લમ‘ તરીકે જાહેર કરવામાં આવી હતી તેને ફરીથી બાંધવા માટે એક સર્વગ્રાહી યોજના તૈયાર કરવામાં આવી. તે મંડળમાં કામ કરતી વખતે મને મળવા આવનારા લોકોની સંખ્યા ખૂબ જ મોટી રહેતી. તેને કારણે દિવસભર લોકોને મળવું એ એક મહત્ત્વનું કામ હતું. સવારે ૭-૦૦ વાગ્યાથી ૧૦-૦૦ સુધી મકાનોની મુલાકાત, ૧૧-૦૦થી ૬-૦૦ ફક્ત લોકોને મુલાકાત અને રાત્રે ૧૦-૦૦ સુધી કચેરીનું કામકાજ. આવો ભરચક્ક પણ થકવી દેનારો રોજિંદો કાર્યક્રમ હતો. ફરિયાદો, ઝઘડા અને થયેલાં કામ બદલ આભાર માનનારા એવા અનેક પ્રકારનાં લોકો મળતાં. એ કામનું વૈશિષ્ટ્ય એ હતું કે સામે ચોક્કસ કયો પ્રશ્ન છે, તેનો ઉપાય શો એની પૂરેપૂરી જાણકારી હતી પણ કામનું સ્વરૂપ જ એટલું વિશાળ હતું કે ગમે તેટલું કામ કરીએ છતાંય તે અપૂરતું જ રહેતું. એને કારણે કામ કર્યાનો સંતોષ મળવો અસંભવ હતો.

મુંબઈની ચાલીઓમાં લોકો કેવી રીતે રહે છે તેનાં વિદીર્ણ દર્શન તે વખતે થયા. મીલમાં પાળીનાં ૧૫-૨૦ કામદાર એક ઘરમાં રહેતાં. અને ઘરમાં સૂવા માટે પણ તેમની રાતપાળી-દિવસપાળી ચાલતી. તેમાં તેમને ઘરનું સુખ ક્યાંથી મળે ? ઊલટું, કેટલાક ઘરો તો ખૂબ મોટાં એટલે ખાસ્સાં બે અઢી હજાર ચોરસ ફૂટ ક્ષેત્રનાં, તેનું ભાડું કેવળ સો-દોઢસો રૂપિયા. આવા મોટા ઘરોમાં મોટેભાગે પારસી ભાડુઆત દેખાયાં. મુંબઈનાં જુદાજુદા ભાગમાં તદ્દન ભિન્ન સંસ્કૃતિ, અભિરુચિ અને આદતો ધરાવતાં લોકો જોયાં. કોલાબા, ગ્રાંટરોડ ભાગમાં મુંબઈનાં જૂના ભાગ્યશાળી ભાડુઆત. તે વખતનાં ઊંચા લોકો લાલબાગ, પરેલની કામદાર વસ્તી - મહેનત કરનારા લોકો, દાદર-ગિરગામમાં મધ્યમ વર્ગ - સદાય અસંતુષ્ટ, મનમાં અન્યાયની ભાવના પંપાળતા બેઠેલા, મધ્ય મુંબઈના ઉત્તરપ્રદેશ-બિહારનાં કામદાર અને શિવડી-વડાલા ભાગમાં પશ્ચિમઘાટનાં માથાડી રોજબરોજ મજૂરી કરીને નિર્વાહ કરનાર માથાડીઓનો પ્રશ્ન સહુથી વિકટ હતો. એ બિચારા વીશીમાં રહેતા હોય એમ રહેતાં. ઘર નામ પૂરતું જ. મુંબઈનાં વૈભવનાં પાયાનો પથ્થર આ લોકો. શ્રીમંત મુંબઈની સેવા કરનારા આ ગરીબ લોકો. તેમનાં ઘરોનું સમારકામ, નવા બાંધવા એ કાર્યો તે સમયમાં કરી શક્યો. છેલ્લાં પાંચ-દશ વર્ષમાં જ આ આખુંય ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઘર એ હવે અત્યંત મૂલ્યવાન અને સર્વ સામાન્યને માટે દુષ્કર બન્યું છે. કાલબાદેવીથી ઘાટકોપર તરફ અને ગિરગામથી ડોંબીવલી તરફ થયેલું સ્થળાંતર એકંદર મુંબઈને ચહેરો મોહરો બદલનાર સિદ્ધ થયું છે.

મુંબઈમાં ઘર બાંધવા માટે મોટા પ્રમાણમાં સામૂહિક ભાગીદારી થવી આવશ્યક છે. અને સમાજનાં નિર્બળ ઘટકોને ઘર માટે નક્કર પ્રમાણમાં સબસીડી આપવી અતિ આવશ્યક છે એવો મારો દૃઢ મત બન્યો છે. લંડનની ‘પબ્લિક હાઉસિંગ સ્કિમ‘ જેવી યોજના મુંબઈ માટે આશિર્વાદરૂપ નીવડી શકે.

પછી સેવાયોજના સંચાલક તરીકે મારી નિયુક્તિ થઈ. આ સંચાલનાલયનો હું પહેલો જ સંચાલક, એટલે સંચાલનાલયને સ્વતંત્ર અસ્તિત્વ આપવાની જવાબદારી મારાં શિરે હતી. ઉમેદવારોની નોંધણી કરવી, તેમને તેમની યોગ્યતા અનુસાર જુદી જુદી સંસ્થાઓમાં નોકરી માટે નિર્દેશ કરવાં જેવાં કામો સમજાવીને કરાવી લેવાની દૃષ્ટિએ યોજના ઘડવાનું કામ મેં કર્યું. રોજગાર યોજના કાર્યાલયની ઉપયુક્તતા આમ મર્યાદિત છે. તે અંગેનો જે કાયદો છે તે ધરમૂળથી બદલવો જરૂરી છે. પ્રત્યેક ઉદ્યોગગૃહ અથવા કચેરીઓ જેમને ત્યાં નોકરી માટેની જે જગા ઉપલબ્ધ હોય, તેની રોજગાર કચેરીને જાણ કરવી અને રોજગાર યોજના કાર્યાલયમાંથી મોકલવામાં આવેલ ઉમેદવારમાંથી જ નિમણૂંક માટે પસંદગી કરવી એ ફરજિયાત બનાવવી જરૂરી છે. તે દૃષ્ટિએ મેં કેટલાક પ્રયત્ન કર્યા, પણ કાંઈ વધુ સફળતા મળી નહિ.

સંચાલક, રોજગાર યોજનાપદેથી મારી કામદાર આયુક્ત તરીકે નિમણૂંક થઈ. પણ તે વખતનાં કામદાર સચિવે કેવળ હું તેમને ‘ખપતો ન હતો’ કહી મને તે હોદ્દા પર હાજર થવા દીધો નહિ. અમારી પ્રશાસકીય સેવામાં આ એક નિરાળો અનુભવ છે. વરિષ્ઠ અધિકારીઓની સામે પૂંછડી હલાવવી, તેમનો ઘણું કરીને વિરોધ ન કરવો, તેમને પોતાનું ડહાપણ ન બતાવવું, આ વાતોનું પાલન કરો તો જોઈએ એ સારા પદ પર નિમણૂંક મળી શકે. એ મને ક્યારેય ફાવ્યું નહિ. કદાચ તેને કારણે જેને ‘પ્રાઈઝ પોસ્ટ’ અથવા ‘ગ્લેમરસ પોસ્ટ’ કહી શકાય તે મને કદીય મળી ન હતી. કામદાર આયુક્તનાં પદ પર મને હાજર નહિ થવા દેવામાં જે વરિષ્ઠ અધિકારીએ નેતૃત્વ લીધું હતું તેનો પ્રશાસનમાં ખૂબ જ દબદબો હતો. તે આખીય ઘટનાને કારણે મારાં મનમાં જે કટુતા પેદા થઈ તે ભૂલી શક્યો નથી.

મંત્રાલયમાં મારી પહેલી નિમણૂંક થઈ તે, ૧૯૭૬નાં વર્ષમાં ગ્રામીણ વિકાસ વિભાગમાં ઉપસચિવ તરીકે. પ્રત્યક્ષ ‘ફિલ્ડ’માં દસબાર વર્ષ કામ કર્યા પછી હવે હું મંત્રાલયમાં આવીને દાખલ થયો હતો. ત્યાં, પ્રત્યક્ષ ‘ફિલ્ડ’માં કામ કરવામાં જે એક જુદો જ સંતોષ હોય છે તેને હું ગુમાવતો હોવા છતાં જે કામ હતું તે અનુભવોમાંથી વિચારોને દિશા આપનારું હતું.

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત બાળકો, ગર્ભવતી માતા વિશેષતઃ આદિવાસી વિસ્તારોમાંના આ પ્રકારનાં સમાજઘટક, તેમના સારુ ચાલતાં પ્રકલ્પોનું વ્યવસ્થાપન મારી પાસે હતું. જિલ્લા પરિષદનાં કર્મચારીઓને વિકાસનાં કામોનું પ્રશિક્ષણ આપવું, તેમનાં કામકાજમાં એકસૂત્રતા લાવવી, એવાં કેટલાક કામો મને ઉલ્લેખનીય લાગે છે.

૧૯૭૬નાં વર્ષમાં નવ મહિના માટે ઇંગ્લૅન્ડનાં બર્મિંગહામ, નોરિપ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઉત્કૃષ્ટ તક કૉમનવેલ્થ યોજના હેઠળ મને પ્રાપ્ત થઈ. આ યુનિવર્સિટીનાં ગ્રંથાલયે મને ખૂબ જ આકર્ષિત કર્યો. એ વર્ષભરનાં સમયમાં મેં ખૂબ જ લેખન અને વાંચન કર્યું.

અભ્યાસક્રમને અંતે પુષ્પા ઇંગ્લૅન્ડ આવી. અમે પછી યુરોપનો પ્રવાસ કર્યો અને અંતે મહિના સુધી જિનિવામાં ‘આર્થિક વિકાસની સામાજિક દિશા’ એ વિષયનો વિશેષ અભ્યાસ મેં કર્યો.

ઇંગ્લૅન્ડના વસવાટ દરમ્યાન ત્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને આપણી અહીંની પંચાયતરાજ વ્યવસ્થાનો તુલનાત્મસ અભ્યાસ થયો. ત્યાંનાં પ્રાધ્યાપકો પાસે આપણી પંચાયતી રાજ વિશેની આટલી સવિસ્તર માહિતી ધરાવતાં હોવાનું જોઈ આશ્ચર્ય થયું, પણ તેમને પંચાયત રાજ્યપદ્ધતિની સામાજિક બારીકીઓની સમજણ ઓછી દેખાઈ.

મહારાષ્ટ્ર પાછાં આવ્યા પછી સમાજકલ્યાણ ખાતા તરફથી ‘મહાત્મા ફૂલે વિકાસ મહામંડળ’નું ઘડતર કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી પહેલાં કાર્યકારી સંચાલક તરીકે મને સોંપવામાં આવી. તે મહામંડળનાં કાર્યોની રૂપરેખા નક્કી કરીને, જિલ્લા સ્તરે કાર્યાલયોની સાંકળ તૈયાર કરવી, યોજનાની આંકણીકરવી, પ્રબંધકોની નિમણૂંક કરીને પ્રત્યક્ષ કામની શરૂઆત કરવી. આવી એક નહિ અનેક જવાબદારીઓ મારે પાર પાડવી પડી. આજે આ મહામંડળ ઉત્તમ પાયા પર ઊભું છે, એ મારી દૃષ્ટિએ અત્યંત આનંદદાયક વાત છે. રાજ્યનાં પ્રત્યેક જિલ્લાઓમાં ‘ફૂલે મહામંડળ’નાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યાં અને અનુસૂચિત જાતિ, જનજાતિનાં ઉમેદવારોને ધંધોરોજગાર કરવા પ્રવૃત્ત કરીને આર્થિક સહાય આપવાની સંગીન કામગીરી આ મહામંડળ મારફત શરૂ થઈ. સરકારી સેવામાં રહીને મર્યાદિત પ્રમાણમાં પણ સમાજકાર્ય કરવાની તક મળી. તે પછી પદોન્નતિ મળતાં નિયોજન વિભાગ અને નાણાં વિભાગમાં સહસચિવ તરીકે મેં કામ સંભાળ્યું. નિયોજન વિભાગમાં વાર્ષિક યોજનાઓ અને પંચવર્ષીય યોજના સંદર્ભે બીજા સહકાર્યકરોની મદદથી કૃષિવિષયક યોજનાઓની આંકણી કરવામાં મેં નેતૃત્વ લીધું. જ્યારે નાણઆં વિભાગમાં ખર્ચ પર નિયંત્રણ રાખવાનું કામ મને સોંપવામાં આવ્યું. બંને ઠેકાણે કામ કરતાં ઘણુંબધું શીખી શક્યો. વિશેષતઃ તે વખતે નાણાંસચિવ તરીકે કામ જોનારા મારાં વરિષ્ઠ અધિકારી શ્રી વ્હી. પ્રભાકરની કાર્યપદ્ધતિનો મારા પર ખૂબ જ પ્રભાવ પડ્યો. ‘સ્પષ્ટ બોલવાનું, એક હદ સુધી જ આગ્રહી ભૂમિકા રાખવાની અને એક વખત શાસનનો નિર્ણય થાય કે, તે તમારી ભૂમિકા સાથે સુસંગત હોય કે ન હોય, તેની નિષ્ઠાપૂર્વક અમલ-બજવણી કરવાની’ આ શિખામણ ગળે ઊતરી તે વખતે.

મંત્રાલયમાં આવ્યા પછી એક વિશેષ જાણ થઈ કે ત્યાં મારી શાળાનાં અને કૉલેજનાં સહાધ્યાયી મિત્રો જુદા જુદા હોદ્દાઓ પર કામ કરતાં હતાં. ઓળખાણ આપતાં, પણ કોઈએય દોસ્તી બતાવીને એનો ગેરફાયદો ઉઠાવ્યો નહિ અથવા નિકટતા બતાવી કામ ટાળ્યું નહિ. મને જરા આ મિત્રો પર સાહેબગીરી કરી કામ કરવામાં તકલીફ થતી. કેટલાક પ્રસંગોએ તો આ મિત્રોએ જ મંત્રાલયનાં કામકાજ તથા ફાઇલોની બારીકીઓ મને બતાવી આપી. એક નહિ અનેક, એવી વ્યક્તિઓ જુદાં જ સ્વરૂપે સામે આવી અને સાર્વજનિક જવાબદારી, શાસકીય કામગીરી પરત્વે મારી દૃષ્ટિએ કાંઈક જુદો જ, પ્રગલ્ભ અર્થ પ્રાપ્ત થતો ગયો.

શાસનમાં જુદા જુદા વિભાગોમાં કામ કરતી વખતે સચિવોનાં કામમાં સહાયક નીવડે એવા અનેક ઉપસચિવ મળ્યા. ખરું તો મંત્રાલયનાં વિભાગોનાં ઉપસચિવ એ આધારસ્તંભ બની રહે છે. આ ઉપસચિવોની જે તે વિભાગમાં ઘણા વર્ષોની સેવાને કારણે, વિભાગોની સ્મરણશક્તિ આ ઉપસચિવોને ખાસ કરીને હોય છે. નાણાં વિભાગનાં શ્રી કર્ણિક, ગ્રામવિકાસ વિભાગનાં શ્રી દહિભાતે, વનવિભાગમાં શ્રી મસલેકર, મત્સ્ય વિભાગમાં શ્રી મંડપે, શિક્ષણ વિભાગમાં શ્રી અક્ષીકર (અમારી છબીલદાસ શાળાનાં મુખ્ય આચાર્યનાં ચિરંજીવી) અને શ્રીમતી દેસાઈ આવાં અનેક ગુણિયલ વ્યક્તિઓનો સંપર્ક થયો. હું તેમના પર સંપૂર્ણપણે અવલંબિત નહતો, પણ આ માણસો પૂર્ણ ભરોસાપાત્ર હતા. હું જે કાંઈ મેળવી શક્યો છું, તેનું શ્રેય આ લોકોને નિશ્ચિતપણે છે.

આઈ.એ.એસ. અધિકારીઓનાં જીવનનાં સૌથી મહત્ત્વના તબક્કે હું પહોંચ્યો તે ૧૯૮૧નાં વર્ષમાં. ત્યારે મારી મહારાષ્ટ્ર શાસનમાં સચિવપદે નિમણૂંક થઈ. ઉપસચિવ કે સહસચિવ તરીકે કામ કરવું, એમાં ગુણાત્મક ફરક હોય છે. ઉપસચિવ અથવા સહસચિવ તરીકે કામ કરતી વખતે કહેવામાં આવ્યું હોય તેટલું કામ પૂરું કરીને, સચિવની અપેક્ષા સંતોષીએ એટલે પૂરતું હોય છે. પણ સચિવ થયા પછી આ શક્ય હોતું નથી. ત્યાં કહે તેટલું કામ કરવાને અવકાશ હોતો નથી, ત્યાં એકંદરે ખાતાનાં કામકાજને દિશા આપવાની જ મૂળ જવાબદારી હોય છે. તેને કારણે - વાચાળપણા કરતાં કર્તવ્યનિષ્ઠા જરૂર હોય છે અને ધોરણોની આંકણી કરતી વખતે તમારી સામાજિક પ્રતિબદ્ધતાની છાપ તમારા કામ પર હો એવી અપેક્ષા હોય છે, મારી એવી ચોક્કસ ધારણા હતી અને આજેય છે.

કેટલાક મહિના સામાન્ય વહિવટનાં સચિવ તરીકે કામ કર્યા પછી ફલોદ્યાન અને સામાજિક વનીકરણનો નવો વિભાગ શરૂ કરવાની જવાબદારી મારી પાસે આવી. ફલોદ્યાન અને સામાજિક વનીકરણ વિભાગ અક્ષરશઃ ચાર દિવસમાં ખોલવામાં આવ્યો. તે વખતે મુખ્યમંત્રી હતા શ્રી અંતુલે. મુખ્યમંત્રીની ઇચ્છા હોય તો ગમે તેટલો મોટો ધોરણાત્મક નિર્ણય હોય, કેટલો ઝડપથી લઈ શકાય તે જોયું. નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો ત્યારે હું અને એક સિપાઈ, એટલા ઉપર વિભાગ શરૂ થયો.

થોડાં જ સમયમાં રાજ્ય સ્તરે બે સંચાલનાલય - એક ફલોદ્યાન સંચલનાલય અને બીજું સામાજિક વનીકરણ સંચલનાલય - ઊભા કરવામાં આવ્યા. તેમાં જિલ્લા સ્તરનાં કાર્યાલયો ખોલવામાં આવ્યા. તે વખતે અમેરિકન મદદથી સામાજિક વનીકરણની મોટી યોજના ઘડીને કાર્યવાહી શરૂ કરી. મહારાષ્ટ્ર રાજ્યમાં સામાજિક વનીકરણની આ યોજનાનાં મૂળ રોપવાની કામગીરી મારી કારકિર્દીમાં થઈ એ સંતોષનો વિષય છે. ફલોદ્યાન વિભાગમાં મને તે વખતે ડૉ. જયંતરાવ પાટીલનું ખૂબ જ માર્ગદર્શન અને મદદ મળી. ફલોદ્યાન વિષયે જયંતરાવ પાટીલ એટલે ચાલતો-બોલતો જ્ઞાનકોશ. તે પહેલાં

ગ્રામિણ વિકાસ વિભાગમાં હતો ત્યારે જયંતરાવ સાથે રહેવાનો સંબંધ થયો જ હતો. શાસનમાં એકાદ નવી યોજના ઘડીને મંજૂર કરવામાં કેટલી મુશ્કેલીઓ આવે છે અને કાગળનાં ઘોડાઓનું કેવું તુમુલ મહાયુદ્ધ થાય છે તે પ્રત્યક્ષ કામ કરનારાઓ જ જાણે છે. વિશેષતઃ નિયોજન અને નાણાં વિભાગની શંકાકુશંકાની ચાળણીમાંથી પ્રસ્તાવ મંજૂર કરાવી લેવો ખૂબ જ કષ્ટપૂર્ણ હોય છે પણ તે એક જુદા જ પ્રકારનો સંતોષ આપે છે.

જિરાયત ખેડૂતોને સહાયભૂત નીવડેલ પડતર જમીન પરનાં ફલોદ્યાન યોજના ઘડવાનું કામ મેં પાર પાડ્યું. ફલોદ્યાન વિભાગમાં સૌથી વધારે રોપા તૈયાર કરવામાં આવ્યા. તેનું પરિણામ આજે દેખાય છે. કોંકણમાં બનાવવામાં આવેલ નર્સરીઝને કારણે હાફૂસ આંબાની કલમોની સંખ્યા દર વર્ષે પંચોતેર હજારથી વધીને હવે પંદર લાખ સુધી પહોંચી છે. પહેલાં કેળા, દ્રાક્ષ, સંતરા સુધી મુખ્યત્વે મર્યાદિત રહેલ ફળોનું ઉત્પાદન હવે દાડમ, બોર, આંબલી, મોસંબી એ ફળોની બાબતમાં મોટા પ્રમાણમાં વિસ્તરેલ થયું છે. સામાજિક વનીકરણનાં કામને વેગ આપવાની દૃષ્ટિએ યુ.એસ.એ. આય.ડી.એ જગવિખ્યાત સંસ્થા પાસેથી મોટી મદદ અને લોન મેળવવાની કામગીરીમાંય મારો ફાળો હતો. બે-અઢી વર્ષ આ વિભાગમાં કામ કર્યા પછી ગ્રામીણ વિકાસ વિભાગનાં સચિવ તરીકે મારી નિયુક્તિ થઈ.

ગ્રામીણ વિકાસ વિભાગમાં મારો એકદમ છેવાડાની ગ્રામપંચાયત સુધી સંબંધ આવતો હતો. ગામડાનું સામાન્ય જીવન અજવાળવાની ક્ષમતા અને મહત્ત્વાકાંક્ષા આ વિભાગની છે. ગ્રામીણ પાણી પુરવઠો, આરોગ્ય સેવા, પ્રાથમિક શિક્ષણ, ગામનાં-જિલ્લાનાં રસ્તા અને મહારાષ્ટ્રમાં અને અનાવૃષ્ટિ ગ્રામપંચાયતોનો, જિલ્લા પરિષદનો કાર્યભાર - આવાં વિવિધ વિષયો પર દેખરેખ રાખવી અને આ સંદર્ભનાં કાર્યક્રમો કાર્યાન્વિત કરવા એ મોટો પડકાર હતો. પંચવર્ષીય યોજના હેઠળનાં કાર્યક્રમ એ મૂળમાં ગરીબી નિવારવા સારું ઘડવામાં આવ્યા હતા. ત્યારે ગ્રામવિકાસ વિભાગનો મોટો પ્રમાણમાં તેમાં સહયોગ રહેતો, આજેય છે. આ વિભાગમાં સંકલિત ગ્રામીણ વિકાસ યોજના તૈયાર કરવી અને તે માટે ગરીબી રેખા હેઠળનાં લોકો નક્કી કરવાની યોજના નિશ્ચિત કરવાની દૃષ્ટિએ હું પ્રયત્નશીલ હતો. આ કામે વિ. સ. પાંગે એમનું અમૂલ્ય માર્ગદર્શન મને મળ્યું.

ગ્રામવિકાસ વિભાગનો જિલ્લા પરિષદ સાથે ઘનિષ્ટ સંબંધ. જિલ્લા પરિષદ સ્તરે ત્યાંનાં અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓનું નવું જ્ઞાન, ઈર્ષ્યા અને સામાજિક બંધનો જુદા જુદા સ્વરૂપમાં દેખાઈ આવ્યાં. કેટલાક અધ્યક્ષો સાથે મારે બનતું નહિ, પણ તે કાર્યપદ્ધતિ પૂરતું જ. ઉસ્માનાબાદનાં માલણીકર, રાયગઢનાં પ્રભાકર પાટીલ, નગરનાં રામનાથ વાઘ જેવાં માણસો મને કામમાં એક પ્રકારે સ્ફૂર્તિ આપતા હતા. મને યાદ છે, એક વખત પ્રભાકરપાટીલ એકદમ ગુસ્સામાં મારી રૂમમાં આવ્યા (આમ તે કાયમ જ ગુસ્સે થયેલા અને ઉતાવળમાં રહેતા) અને કહેવા લાગ્યા, ‘અરે સાહેબ, તમારો ‘ગંગારામ‘ એકદમ ગૂંચવાડા કરી રહ્યો છે ?’

મને સમજાયું નહિ, શું થયું તે. ગંગારામ એટલે શાસકીય જી.આર. ! જી.આર.ને ગંગારામ એ સાર્થ નામ આપનારા પ્રભાકર પાટીલ વાઘની જેમ કામ કરતા, પણ બોલતી વખતે કોઈનેય માફ કરતા નહિ. એક આદેશમાં આપવામાં આવેલી સૂચનાઓ પૂરતી ન હતી અને એક સૂચના તેમને અનુકૂળ ન હતી. એટલે તેમને ગુસ્સો આવ્યો. પણ પછી જ્યારે શાંતિથી ચર્ચા કરીને તેમને બધું સમજાવીને કહ્યું ત્યારે તે સંતોષ સાથે રૂમમાંથી ગયા અને તે દિવસથી તે મારા સારા મિત્ર થયા.

પછી ૧૯૮૪નાં વર્ષમાં તે વખતના મુખ્ય સચિવશ્રી પ્રધાનનાં આગ્રહને કારણે હું નાસિકનાં વિભાગીય આયુક્ત તરીકે ગયો. નાસિક મારાં પૂર્વજોનો જિલ્લો. મારે ત્યાં જવું જોઈતું નહતું. પણ નિમણૂંક થયા પછી શું કરું ? તે વખતે વળી સાર્વત્રિક ચૂંટણીઓ પર નિરીક્ષણનું કામ મારી પાસે આવ્યું. તે દરમ્યાન પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનાં ચૂંટણી પ્રવાસ નિમિત્તે અનેક વખત મુલાકાત થઈ. પ્રશાસકીય કામ નિમિત્તે નહેરુ કુટુંબની ત્રણ પેઢીઓ સાથે મારે નજીકનો સંબંધ થયો. ૧૯૬૩નાં વર્ષમાં આઈ.એ.એસ. થયા પછી

મારા સહભાગીઓ સાથે પંડિત નહેરુ સાથે કલાક સુધી વાર્તાલાપ કરવાની તક મને મળી. ૧૯૬૮નાં વર્ષમાં કોયના ભૂકંપ વખતે સ્વ. ઇન્દિરા ગાંધીનાં સાંન્નિધ્યમાં કામ કરવાનું મળ્યું. અને ૧૯૮૪નાં વર્ષમાં સ્વ. રાજીવ ગાંધીને મળી શકાયું. આ બાબતમાં હું મને ભાગ્યશાળી માનું છું. આયુક્ત તરીકે નાસિકમાં મહત્ત્વનાં કામ હતાં. શાસકીય વિભાગ, જિલ્લા સ્તરના અધિકારીઓ અને જિલ્લા પરિષદનાં મુખ્ય કાર્યકારી અધિકારી, એમનાં કામકાજમાં સમન્વય સાધવો અને આ ક્ષેત્રીય અધિકારીઓનાં કામ પર દેખરેખ રાખવી એ મુખ્ય જવાબદારી. વિભાગીય આયુક્ત તરીકે કામ કરવાનું મને એટલું ગમ્યું ન હતું, કારણ પ્રત્યક્ષ કામ આમ અત્યંત મર્યાદિત હતું. દેખરેખ, પ્રવાસ, સમન્વય બેઠક - આ કામો મને સાધારણ માસ્તરગીરીનાં લાગતાં. વર્ષ સવાવર્ષ પછી નાસિકથી બદલી થઈ અને વનવિભાગના સચિવ તરીકે હું ફરીથી મુંબઈ આવ્યો.

વનવિભાગ આમ અપરિચિત નહતો. સામાજિક વનીકરણ પહેલાં સંભાળ્યું હતું. વનવિભાગનાં સચિવ તરીકે આવતાં આ બંને વિભાગ સંયુક્તપણે મારી જવાબદારી હેઠળ આવ્યા. તે ઉપરાંત મહેસૂલ વિભાગનાં ‘જમીનસંપાદન’ અને ‘મુદ્રાંક શુલ્ક’ એ વિષય હતા જ. વનવિભાગમાં કામ કરતાં પ્રથમ લક્ષ્યમાં આવ્યું કે ભારતીય વનસેવાનાં અધિકારીઓ સાથે એક પ્રકારની બીજી શ્રેણીની વર્તણૂંક રાખવામાં આવતી હતી. ખરું તો વનસેવાનાં અધિકારી સારા યુવાનો, બુદ્ધિશાળી અને કામ કરવામાં ઉત્સાહી હતા. તે અધિકારીઓનો ઉત્સાહ વધારવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે મેં અનેક રીતે કાર્યવાહી કરી. તેનું સુંદર પરિણામ જોવા મળ્યું. પણ જંગલખાતામાં જંગલ કાપનારા ચોરટા વિરુદ્ધ પરિણામલક્ષી કાર્યવાહી માટે દંડાત્મક જોગવાઈ આવશ્યક છે. તે જ પ્રમાણે લોકનેતાઓને પ્રભાવીપણે તેમાં સામેલ કરવા જરૂરી છે. થોડાં વર્ષો પહેલાં આવેલો વનસંવર્ધન કાયદો આમ સારો છે. પણ તે કાયદાનું સ્વરૂપ ‘ગમાણનાં રખેવાળ કૂતરા’ જેવું જ થયું છે. તે વિભાગમાં હતો ત્યારે ધ્યાને રાખવા જેવું બીજું કામ ‘મુદ્રાંક શુલ્ક’ વિશે હતું. આ સંદર્ભે નિયમો દુરસ્ત કરીને શાસનની તિજોરીમાં આ શુલ્કને કારણે ખાસ્સો વધારો થયો. શરૂઆતમાં જે કેવળ રૂ. ૩૦ કરોડ મહેસૂલ હતું તે હવે રૂ. ૪૦૦ કરોડની આસપાસ પહોંચ્યું છે.

પછી પશુસંવર્ધન, દૂધ-વ્યવસાય અને મત્સ્ય વ્યવસાય વિભાગનાં સચિવ તરીકે મારી નિમણૂંક થઈ. તે ખાતામાં મેં અઢી-ત્રણ વર્ષ કામ સંભાળ્યું. મત્સ્ય વ્યવસાયમાં માછીમારી બોટોનું આધુનિકીકરણ, નવાં ટ્રૉલર્સનાં પરવાનાં, ખારા પાણીની કોળંબી ઉત્પાદન, પ્રશિક્ષણની વધુ સવલતો, એની પર મેં ધ્યાન આપ્યું. મીઠા પાણીનાં મત્સ્યબીજ પહેલાં પશ્ચિમ બંગાળથી મહારાષ્ટ્ર લાવવામાં આવતાં હતાં. અમે વીસ નવી યોજનાઓ હાથ પર લઈને, હું ત્યાં હતો ત્યારે તેમાંથી બાર પૂરી કરી. પરિણામે મહારાષ્ટ્ર રાજ્યને મત્સ્યબીજ માટે હવે પશ્ચિમ બંગાળ પર નિર્ભર રહેવું પડતું નથી. ઊલટાનું બીજા કેટલાક રાજ્યોને આપણે મત્સ્યબીજ પૂરાં પાડીએ છીએ, એવી સ્થિતિ છે. મુખ્યમંત્રીશ્રી શરદ પવારનાં મહત્ત્વપૂર્ણ માર્ગદર્શનથી તે ખાતાનાં બજેટમાં ત્રણગણો વધારો કરવામાં આવ્યો અને તેમાંથી જ મત્સ્યવિભાગ જોશભેર કાર્યરત થયો.

દૂધ-વ્યવસાય વિષયે કહીએ તો રાજ્યમાં છેલ્લાં દસ-પંદર વર્ષમાં દૂધના ઉત્પાદનમાં ખાસ્સો વધારો થયો છે. ગાયનાં દૂધ ઉત્પાદનને અગ્રતા અને પ્રોત્સાહન આપવાનું ધોરણ ખૂબ જ સફળ નીવડ્યું છે. દૂધ-વ્યવસાયનું વૈશિષ્ટ એટલે દરરોજ આશરે એક કરોડ રૂપિયા દૂધની કિંમત પેટે શહેરી ભાગમાંથી ગ્રામીણ ભાગમાં જતાં હોય છે. ઉત્પાદન વહેંચણીનું આ એક ઉત્કૃષ્ટ માધ્યમ રાજ્યમાં વિકસિત થયું છે. રોજિંદા જીવનમાં મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એટલે દૂધનો દરજ્જો, દૂધનો ભાવ. આ બાબતે કાયમ વાદ હોય છે અને તે ચાલુ જ રહેવાનો. તેમજ દૂધ-વ્યવસાયમાંની સહકારી સંસ્થા, સરકારી સંસ્થા અને સરકારી યંત્રણાનાં મતભેદ પણ ચાલુ જ રહેવાનાં. આ પ્રશ્નોનો સંપૂર્ણ ઉકેલ મુશ્કેલ છે, પણ વખતોવખત બંને બાજુ વિચારણામાં લઈને તડજોડ કરી માર્ગ કાઢવો મહત્ત્વનો છે. આ વિભાગ એટલે ક જીવંત વિભાગ એ કારણે જ લાગ્યો.

પશુસંવર્ધન ક્ષેત્રમાં શ્રેષ્ઠ જાતિની ગાયો તૈયાર કરવી, જનાવરના આરોગ્યની કાળજી લેવી, પશુખાદ્યમાં સુધારણા કરવી, એ રોજિંદા કામો હતાં

જ. મારું વિશેષ ધ્યાન હતું, રાજ્યના વસુકી ગયેલા જનાવરોનાં પ્રશ્ન તરફ. વસુકી ગયેલા જનાવરોની અધિક સંખ્યા એટલે ગ્રામ્યસ્તરે ચારો, ઝાડ-ઝાડવાનું નુકસાન, ગામનાં ગરીબ કુટુંબોનાં હાલ અને વાતાવરણ દૂષિત કરનારી સમસ્યા. તેનાં ઉપાય તરીકે મેં ‘ગામ ઢોરવાડા’ની યોજના તૈયાર કરી, પણ તે કાર્યાન્વિત થઈ શકી નહિ. મરઘાંપાલન માટે સહકારી સંસ્થા ઊભી કરીને સુંદર શરૂઆત કરી. વિશેષતઃ પછાતવર્ગનાં લોકો માટે મરઘાંપાલન સહકારી સંસ્થા એ ઉત્પાદનનું સારું સાધન છે. તેમનાં નામે ચાર સહકારી સંસ્થાઓ ઊભી રહી પણ તે દિશામાં હજીય ઘણુંખરું કરવાનું બાકી છે.

આ વિભાગમાં કામ કરતાં એક વાત ખાસ ધ્યાને આવી કે એકદમ ગ્રામ્યસ્તરે સુદ્ધાં આ વિષયનાં જાણકાર કાર્યકરો તૈયાર થયાં છે. આ બાબતમાં મહારાષ્ટ્ર દેશભરમાં અગ્રેસર છે. સાચું તો મહારાષ્ટ્ર રાજ્યની આર્થિક સમૃદ્ધિ ફળ ઉત્પાદન, મત્સ્ય-વ્યવસાય અને દૂધ-વ્યવસાય પણ ઘણા અંશે નિર્ભર રહેનાર છે.

તે પછી ઉચ્ચ અને તંત્ર શિક્ષણસચિવ તરીકે મારી નિમણૂંક થઈ. આ પદ પર કામ કરતી વખતે દેશમાં નવાં શૈક્ષણિક ધોરણ તેમજ તેની સાથે કૃતિ કાર્યક્રમ તૈયાર થયાં. શિક્ષણવિભાગમાં આવતાં પહેલાં પ્રાધ્યાપક વર્ગ માટે મને અત્યંત આદર. જિજ્ઞાસા થતી. એમ.એ.માં હતો ત્યારે મેં સ્વતઃ પ્રાધ્યાપક થવાનો મનસૂબોય ઘડ્યો હતો. પણ શિક્ષણ વિભાગમાં કામ કરતી વખતે પ્રાધ્યાપક સંવર્ગનાં જે દર્શન થયાં, તે નિરાશાજનક હતાં, મારી માન્યતાને છિન્નભિન્ન કરનાર હતાં. આમ બધાં જ પ્રાધ્યાપક ખરાબ હતાં એવું નહતું. પણ જે થોડાબહુ પ્રાધ્યાપક - તેમનો અપેક્ષિત દરજ્જો, વૃત્તિ, શિક્ષણ ઇત્યાદિથી વિચલિત થવાંને કારણે આજની શિક્ષણ વ્યવસ્થા દરજ્જાહિન થઈ છે. મારો તો એવો સ્પષ્ટ મત છે કે શિક્ષણનો દરજ્જો સુધારવો હશે તો મુખ્ય જવાબદારી અને ભાર પ્રાધ્યાપકો પર નાંખવાં આવશ્યક છે. એટલું જ નહિ તેમની પોતાની જ શિક્ષણસુધારકની ભૂમિકા ઉપસાવવી મહત્ત્વની છે. વર્ગમાં ન જવું, વ્યાખ્યાન ન આપવાં, વ્યાખ્યાનની પૂર્વતૈયારી ન કરવી, કૉલેજમાં કેવળ ત્રણ ચાર કલાક રોકાવું, શિક્ષણકાર્ય સિવાયનાં બીજા ધંધા - ખાનગી ક્લાસીસ પણ આજની શિક્ષણ પદ્ધતિને વળગેલાં રોગનાં લક્ષણો છે. યુનિવર્સિટીનું રાજકારણ, અને ખાનગી શિક્ષણ સંસ્થાઓની દાદાગીરીને કારણે પરિસ્થિતી વધુ કથળી છે.

આ વિભાગમાં જાગતિક બૅંકની સહાયથી તંત્રશિક્ષણ સુધારવાની જે યોજના ચાલુ છે તેમાં મેં ખૂબ રસ લીધો. નવો અભ્યાસક્રમ શરૂ કરવો, તંત્રશિક્ષણનું પ્રશિક્ષણ આપવું, નવીન સુવિધા નિર્માણ કરી આપવી જેવી મૂળ મહત્ત્વની બાબતોને હું વેગ આપી શક્યો. વ્યવસાય શિક્ષણમાં કેન્દ્ર શાસનનાં નવાં અભ્યાસક્રમો મોટા પ્રમાણમાં શરૂ કરવામાં મારો અગ્રફાળો હતો.

આ બધું થતી વખતે એકમાત્ર પરાકાષ્ઠા એ ધ્યાને આવી કે ઉચ્ચ અને તંત્ર શિક્ષણમાં સંસ્થા, યુનિવર્સિટી, પ્રાધ્યાપક એમને જ સામે રાખીને કામ થાય છે. ખરું તો સહુથી મહત્ત્વનો ઘટક વિદ્યાર્થી, પણ તેનો પૂરતો વિચાર થતો જ નથી. વિદ્યાર્થીઓને જે ગમે છે અને તેમને જે જોઈએ તે શિક્ષણ મેળવવાની સુવિધા ઓછી છે. વિદ્યાર્થીઓની જ નહિ તેમનાં પાલકોની શક્તિ એ જ મહત્ત્વની બની રહે છે. એકદમ જેને ‘મેરિટ’ કહીએ છીએ તે પણ મોંઘું શિક્ષણ આપીએ તો મેળવી શકાય છે. એ સ્પષ્ટ અને બધાંને ખબર છે. રાજ્યની પરિસ્થિતીનો સંદર્ભ ધ્યાને લઈએ તો સમાજમાંના ઉપેક્ષિત વર્ગમાં શિક્ષણ એ ન પરવડનારો વિષય છે. તેમાંય ઉચ્ચ અને તંત્રશિક્ષણ માટે ખર્ચા આધારિત શુલ્ક એ તત્ત્વ ઘોષિત કરવામાં આવે છે. તે ન્યાય નથી એવું મને લાગે છે. તથાપિ, શાસનનાં ધોરણ સ્વીકાર્ય હોવા ન હોવા, તેની વ્યવસ્થિત અમલ-બજાવણી કરવી એ અમારું કર્તવ્ય હોય છે.

મારી પ્રશાસકીય સેવાનાં માર્ગે અનેક આશા-નિરાશા આવી.

ચડાવ-ઉતરાવ હતાં જ. પણ આજ સુધી તો કામ કર્યાનો સંતોષ આ સેવાએ મને સદાય આપ્યો છે. વિશેષતઃ સચિત તરીકે કામ કરવામાં નિરાળો આનંદ હોય છે. શાસનમાં સહભાગી થવાની ભાવના અત્યંત સુખદ હોય છે. કેટલીક વખત શાસનમાં નિર્ણયો મનમાં વિચાર્યું હોય તેવા થતાં નથી. પણ તેનો ઉપાય નથી હતો. શાસકીય ધોરણ એકદમ ૧૮૦ અંશે બદલવું શક્ય નથી હોતું. પણ સચિવ તરીકે તે ધોરણ કેટલાક અંશે જો બદલી શકાય તો કાળાંતરે તેના દૂરોગામી પરિણામો નીપજે છે. હું નિયોજન અને નાણાં વિભાગમાં હતો ત્યારે સતત થતું કે શાસનમાં કુલ ખર્ચ પૈકી ઓછામાં ઓછાં ૪૦ ટકા હિસ્સો સામાજિક સેવા પર ખર્ચ થવો જોઈએ. જેમાં શિક્ષણ, આરોગ્ય, ગૃહનિર્માણ, પાણી પુરવઠા જેવાં કામો આવે છે. નાગરિકોની વધતી આવશ્યકતાનો પર્યાપ્ત વિચાર થતો નથી, તેને માટે સંગીન વ્યવસ્થા આવશ્યક છે. વનવિભાગમાં વન સંવર્ધન માટે વિભાગીય કાર્ય યોજના નવેસરથી ઘડવાનું કામ અધુરું જ રહ્યું. વનસંરક્ષણ માટે વનવિભાગને આવશ્યક એવી દૃઢતા અને સામર્થ્ય આપવાની જરૂર છે. વનવિભાગમાં તેમજ પશુસંવર્ધન વિભાગમાં કામ કરતાં ગ્રામ્યસ્તરે વસુકી ગયેલા જનાવરો માટે ‘ગામ ઢોરવાડો’ તૈયાર કરવાનાં પ્રસ્તાવને જે રીતે અમાન્ય કરવામાં આવ્યો તેનું મને દુઃખ થાય છે. અર્ધખારી જમીનોમાં કોળંબી ખેતી એ કોકણનાં અતિઅલ્પ જમીનધારકો માટે વરદાન સમાન છે, પણ તેમાં હું પ્રગતિ કરી શક્યો નહિ. દૂધની બનાવટો મહારાષ્ટ્રમાં, વિશેષતઃ પૂણે-નગર પ્રદેશમાં તૈયાર કરવી સહજ શક્ય છે, પણ તે થઈ શક્યું નહિ. આવાં એક નહિ અનેક કામો અધૂરા રહ્યાં છે. એક વખત વિભાગમાંથી બદલી થાય કે આપણો સંબંધ પૂરો થાય છે. પણ મને માત્ર ન થયેલાં કામો માટે ઊંડે ઊંડે મનમાં ઉચાટ અનુભવાય છે. એક જ હોદ્દા પર ત્રથી ચાર વર્ષનો સમય મળતાં કામો અધૂરા રહે નહિ, પણ શાસનમાં તે શક્ય હોતું નથી એવું દેખાઈ આવે છે. ઉચ્ચ શિક્ષણ અંગેનાં ધોરણો તળીયેથી ટોચ સુધી બદલવા આવશ્યક છે. શાસન મારફત જે સંસ્થાઓને પગારનું અનુદાન આપવામાં આવે છે તે રદ જ કરી નાંખવું જોઈએ. સંસ્થાઓને અનુદાન આપવા કરતાં વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ આપવી અને વિદ્યાર્થીઓએ તેમને જોઈએ તે કૉલેજ પસંદ કરવી જોઈએ. કૉલેજને અનુદાન વિશેષ કાર્યો માટે, મૂડીરોકાણ આપવું. કેટલાક વિદ્યાર્થીઓને ‘ફ્રીશિપ’ આપી શકાય. તેમાં બંધારણ અનુસાર અનામત જગા જેમની છે એવા વિદ્યાર્થી, જેમનાં મા-બાપ અશિક્ષિત છે અથવા જે કુટુંબમાંના પહેલી પેઢીનાં ઉચ્ચશિક્ષિત પદવીધારી થવાં ઇચ્છતા હોય, અને દરેક જિલ્લામાં ગુણવત્તા આધારિત પહેલાં ૫૦૦ થી ૧૦૦૦ વિદ્યાર્થી, આ ઘટકોને ‘ફ્રીશિપ્સ’ હોવી જોઈએ. ઉદ્યોગક્ષેત્રે જેવું મુક્ત વાતાવરણ સર્જાતું જાય છે, એવું મુક્ત વાતાવરણ શિક્ષણક્ષેત્રમાં હોવું જોઈએ. શાસનનો હસ્તક્ષેપ ઉચ્ચ અને તંત્રશિક્ષણમાં ઓછામાં ઓછો હોવો જોઈએ. રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં છેલ્લા પાંચ-દસ વર્ષમાં સ્પષ્ટ બદલાવ થયો છે, થઈ રહ્યો છે. બહુજન સમાજનાં કાર્યકરોએ શિક્ષણસંસ્થાઓનાં જાળાં ઊભાં કર્યા છે. એ ખૂબ સરસ અને સમાજને બદલવા માટે આવશ્યક એવી પ્રગતિ છે. આ વ્યવસ્થામાં દોષ હોઈ શકે પણ તે સુધારવો શક્ય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે મરાઠાવાડામાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી શરૂ કરી. તેની પાછલ જે ધ્યેયવાદ, ત્યાગ અને સમર્પણ હતું તે આ નવી સંસ્થાઓમાં કેટલાક અંશેય હોવું આવશ્યક છે. છેલ્લાં ત્રીસ વર્ષના સેવાકાળમાં અનેક વિષયો પર મારી કેટલાક સ્વતંત્ર વિચાર પ્રણાલી વિકસતી ગઈ છે. પ્રશાસકીય સેવાને કારણે મને ખૂબ મોટી તક મળી, ઘણું બધું શીખી શક્યો.

મારી પ્રશાસકીય કારકિર્દીનાં સિંહાવલકોન કરવાનો આ સમય નથી. વળી, ક્યારેક તો તે થશે જ. આ પ્રકાશ પાડતી વખતે મેં વસ્તુનિષ્ઠ રહેવાનો પ્રયત્ન કર્યો છે. કેટલેક ઠેકાણે વિચાર પ્રદર્શિત થયાં છે, પણ તે મારાં વૈયક્તિક વિચાર છે. તેમાં શાસકીય હોદ્દાને અવકાશ નથી.

શાસકીય સેવામાં મને સોંપવામાં આવેલ ઘણીખરી જવાબદારી ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલી હતી. સામાજિક દૃષ્ટિએ નિર્બળ ઘટકોને વધારેમાં વધારે ન્યાય શી રીતે મળી શકે, શાસકીય યોજનાઓનાં લાભ તેમને કઈ રીતે મળી શકે એ મારી માનસિકતા સાથે સુસંગત એવી કામગીરી મને મળવા બદલ સંતોષ અનુભવું છું.

પ્રશાસકીય સેવામાં કામ કરતાં ત્રણ મૂળભૂત વાતોનું ધ્યાન રાખવાની આવશ્યકતા હોય છે. પહેલી એ, તમારા વરિષ્ઠ અથવા શાસન તમારા કામને કેવી રીતે જુવે છે ? બીજી, એટલે તમારા કામ વિષયે તમારી સદ્‌સદ્‌ વિવેકબુદ્ધિ શું અનુભવે છે ? અને ત્રીજી, એટલે જે સમાજઘટકનાં ફાયદા માટે તમે કાર્યરત છો તેઓ તમારા કામ વિષયે શું અનુભવે છે ? પ્રશાસકીય દૃષ્ટિએ આ ત્રણેય બાબતમાં સફળ થવું એ સફળતાની ગુરુચાવી હોય છે. મારી બાબતમાં કહું તો મારી કામગીરી માટે સદ્‌સદ્‌ વિવેકબુદ્ધિની દૃષ્ટિએ મને પૂર્ણ સંતોષ છે. માત્ર બીજી બે કસોટીઓમાં મારી કામગીરીનું મૂલ્યાંકન બીજાઓએ કરવું જોઈએ. તે વિષયે મારું કહેવું ઔચિત્યપૂર્ણ ગણાય નહિ.

પ્રશાસકીય કામોમાં મારો વિશિષ્ટ મત હોવાનાં દાદાનાં તેમજ ઘરનાઓનાં અનુભવની પાર્શ્વભૂમી હતી. બી.પી.ટી.ની ચાલીમાંનો વસવાટ, ત્યાંના એકંદરે ગરીબ અને મજૂર લોકોની તાત્કાલિક જરૂરીયાત, ગરજની સમજણ, અને સૌથી મહત્ત્વનો એટલે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારપ્રણાલીનો મારા પરનો પ્રભાવ. આ બધી વાતો મારી મનોભૂમિકા તૈયાર કરવામાં કારણભૂત થઈ.

મેં જુદા જુદા હોદ્દાઓ પર અનેક જગાએ નોકરી કરી. હું બહારગામ જ્યાં જ્યાં હતો ત્યાં ત્યાં દાદા આવી જતા. ખાસ એટલે પ્રત્યેક વખતે તેમની સલાહ રહેતી. મારા કામ વિશે અભિપ્રાય રહેતો. ઘરની ચિંતા કરતો નહિ એવું તે ભારપૂર્વક કહેતા. કામ કરતાં સ્વાભિમાન ઘવાય એવું કોઈપણ કામ કરતો નહિ એમ દાદા કાયમ કહેતા. ક્યારેક હું તેમની સાથે મારાં વિશિષ્ટ કામ વિષયે કહેતો. દાદાનો એક સૂર કાયમ રહેતો. હંમેશાં ગરીબોનો પક્ષ લેવો. બધાયને સાંભળવાં. ક્યારેય ગર્વ કરવો નહિ વગેરે. કોઈનેય તે મારી પાસે કામ લઈને મોકલતાં ન હતાં અથવા કોઈપણ વ્યક્તિની તદ્દન સાદા ઍટેસ્ટેશન્સ માટે સુદ્ધાં ભલામણ કરતા નહતા.

હું નાસિક હતો ત્યારે અમારા અનેક સગાંવહાલાં અને દાદાનાં મિત્ર નાસિક તેમજ આસપાસનાં ગામોમાં હતા. કમિશનર તરીકે મારી પાસે ઘણાંયના કામો રહેતાં. તે પૈકી જો કોઈ તેમને મળીને મારી પાસે આવવા ભલામણપત્ર માંગે તો ચોખ્ખા શબ્દોમાં આવા લોકોને પાછા કાઢતાં. એક તો તેમનો સ્વભાવ ખૂબ જ અક્કડ. વધારામાં સ્પષ્ટવક્તા ! તમારું કામ યોગ્ય હશે તો તે મારાં નહિ કહેવા છતાંય થશે અને અયોગ્ય હશે તો હું કહીશ છતાંય થશે નહિ. આવી તેમની રોકડી ભૂમિકા હતી.

હું જે સમાજમાં જન્મ્યો, તે સમાજ માટે વરિષ્ઠ સ્તરે આદર તો બાજુએ રહ્યો પણ સહાનુભૂતિ સુદ્ધાં સંદિગ્ધ હતી. આ સમાજનું ઋણ કેટલાક અંશે અદાયગી કરવા સારુ મેં મારા પૂરતું ચોક્કસ શું કરવું તે નક્કી કર્યું હતું. પછાતવર્ગનાં સમાજમાં જન્મીનેય એક કુટુંબ નિશ્ચિતપણે સર્વાગીણ વિકાસ સાધીને બીજાઓની બરાબરીમાં આવી શકે છે, તે બતાવી દેવાની દુર્દમ્ય ઇચ્છા મારાં મનમાં સતત પ્રજ્વલિત રહી છે. તે ભૂમિકામાંથી મેં મારા ભાઈ-બહેન તરફ તેમજ દીકરી તરફ જેટલું આપી શકાય તેટલું લક્ષ્ય આપ્યું છે. તેમને મોટાં બનવાનાં સ્વપ્ન જોવાની પ્રેરણા આવી. આજે મારાં ત્રણેય ભાઈ તેમનાં સ્વતઃનાં પ્રયત્નોથી સારી પરિસ્થિતીએ સ્થિર થયાં છે, એ મારી દૃષ્ટિએ આનંદની થાપણ છે. અમારાં ચારેય ભાઈઓનાં સરસ ઘરો છે. દુન્વયી અર્થમાં અમારું સંયુક્ત કુટુંબ નથી. પણ પ્રત્યક્ષ વ્યવહારમાં અને ભાવનાત્મક સ્તર પર અમે સંયુક્ત જ છીએ. મારી જ સાથનાં બીજા મિત્રો છે. તેમનાં કુટુંબનું આવું એકત્રીકરણ દેખાતું નથી.

કુટુંબ તરફ જોતાં, શાસકીય સેવામાં હતો ત્યારે જેને સમાજકાર્ય કહી શકાય એ થોડું ઘણું થયું જ. એકદમ કૉલેજનાં દિવસનાં સ્ટુડન્ટ્‌સ ડૉ. આંબેડકર મેમોરિઅલ કમિટીથી કેટલીક પછાતવર્ગની સહકારી ગૃહનિર્માણ સંસ્થાઓની રચનામાં સહભાગ. મને ગર્વ લેવા જેવી જણાતી અમારી શલાકા સોસાયટી, સંઘમિત્ર સંસ્થાની સ્થાપના, આવાં કેટલાક સંગઠિત પ્રયત્નો કર્યા. ખૂબ મોટાં નહિ, પણ તેમાંથી એકઠાં થવાની અને કાંઈક સારું કરવાની પ્રવૃત્તિનું પોષણ થયું. ખાસ તો વૈયક્તિક સ્તરે સાધારણપણે ૧૯૭૦થી ૧૯૮૦નાં દસકામાં મેં ખૂબ જ ભાષણો કર્યા હતાં. બાબાસાહેબની જયંતિએ મુંબઈનાં લગભગ બધાં જ ભાગોમાં વ્યાખ્યાન આપીને હું આવ્યો હતો. ૧૯૮૫ પછી આ બધું જો કે મેં બંધ કર્યું ન હતું છતાંય ઘણું ઓછું કર્યું છે. કેવળ એક જ્ઞાન સતત થતું રહે છે કે હું શાસકીય સેવામાં આવ્યો ન હોત તો કદાચ સામાજિક કાર્યમાં નિશ્ચિત જ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હોત. પણ આ થયું જો... તો...

અમારા કુટુંબની યાત્રા પાછળ વળીને જોતી વખતે મને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રેરણા દેખાય છે, અમારાં આંધળા દાદીની દૂરદૃષ્ટિ દેખાય છે, અમારી બાનો ત્યાગ દેખાય છે અને અમારા દાદાનાં રૂપમાં અમારા કુટુંબનાં ઘડતરનાં પાયામાં જડાયેલો નિશ્ચયનો મહામેરુ દેખાય છે. એટલે જ અમારા દાદાને કહેવાની ઇચ્છા થાય છે :

એ બેઉ દૃઢ હાથે

ભીમસૂર્યનાં બે કિરણો

બાથમાં વીંટાળીને, અજવાળ્યાં

અમને.

ગામનાં દરવાજાનાં

ગાઢ લાંબાલચ્ચક પડછાયા

સતત તે ખોરડાઓ પર ઝળુંબતા

સૂર્ય ક્યારેક ગામનાં દરવાજા બહાર

ઊગ્યો જ ન હતો.

તે અંધારાં પાછા હડસેલીને તમે

જીવનનાં તુમુલ યુદ્ધમાં અગ્રેસર...

એટલે જ દેખાયો,

આજનો પ્રકાશ.

તમારી ઊંચાઈ

તમારા સગાંવ્હાલાંઓને દેખાય

એટલે તેમને ખભે બેસાડી

ડોક તોડીને જોઈ રહ્યા છો ઉપર

તેમને ય આપો તો જ ચાંદની

જે આપી અમને તે થશે તમારા ‘જયવંત’.

હું, સુધારક જાધવ

હું અમારા ઘરમાં જરા જુદો. અભ્યાસમાં મારું ક્યારેય મન લાગતું નહિ.

જૂના વડાલામાં રહેતી વખતે શરૂઆતમાં હું વડાલા માર્કેટ પાસેની મ્યુનિસિપલ શાળામાં જતો હતો. રેલવે લાઇન ઓળંગીને જંગલ ખૂંદતો હું શાળામાં જતો હતો. રસ્તામાં નાનાં ઝાડવાઓ પર સવારે પુષ્કળ પોપટ બેઠેલાં રહેતાં. પોપટ પકડવા માટે શાળામાં જતી વખતે ખિસ્સામાં એક નાનો અરીસો રાખતો હતો. તે વખતે પોપટ પકડવા એ મારી ધૂન અને મારાં પકડી લાવેલા પોપટ છોડી દેવા એ દાદાની ધૂબ બની ગઈ હતી.

પછી, છબિલદાસમાં ગયા પછી હું કાયમ શાળામાં ગાપચી મારતો. શાળાનાં પ્રગતિપત્રકમાં ગેરહાજરીની નોંધ હોવાને કારણે તે દાદાને ન બતાવતાં તેમની સહીની નકલ કરીને હું તે શિક્ષકોને પાછી આપતો. એક વખત કોઈક કામે દાદા ભાઈને મળવા શાળામાં આવ્યા. તેનો વર્ગ દાદાને ખબર ન હતો. ઊલટ મારો વર્ગ, નીચેનાં મજલાં પર હોવાથી તે મારી પાસે તેની ચોકસાઈ કરવા માટે આવ્યા. હું હંમેશની જેમ વર્ગમાં નહતો. તે દિવસે ઘરે પાછાં આવ્યા પછી દાદાનાં હાથનો થયેલો અનુભવ કાંઈ જુદો જ હતો.

નાના હતા ત્યારે ગણેશોત્સવ વખતે ‘બીજા બધાં લોકો ગણપતિ બેસાડે તો આપણા ગણપતિ કેમ નહિ ?’ એવો વિચાર કરીને મેં બપોરનો સમય નક્કી કર્યો, અને અમારી પાસેનાં જ એક ઘરમાંથી સીધા ગણપતિ ચોરી લાવીને અમારા ઘરમાં બેસાડ્યા. દાદા કામેથી આવ્યા પછી તેમને આઘાત લાગ્યો. પછી રાતનાં વખતે ચૂપચાપ સમુદ્રે લઈ જઈ તે જ દિવસે ‘અમારા’ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું.

એસ.એસ.સી.માં હતો ત્યારે મને સિનેમા જોવાની તેમજ સિનેમાનાં ગીતોની લગની લાગી. ગીતોની પુષ્કળ ચોપડીઓ મેં ભેગી કરી હતી. અભ્યાસ તરફ લક્ષ્ય ન હતું. એસ.એસ.સી.માં તાંત્રિક શિક્ષણ એ વિષય લીધો હતો. મને તાંત્રિક શિક્ષણમાં સારા માર્ક્સ મળ્યા. પણ ઇતર વિષયોમાં ‘શૉર્ટ સર્કિટ’ થઈને ‘ફ્યૂઝ’ ઊડી ગયો ! હું એસ.એસ.સી.માં નાપાસ થયો. તેને કારણે દાદાનો પારો ખૂબ જ ચઢ્યો. તેમણે બધી ચોપડીઓની ઘરમાં હોળી કરી અને ગુસ્સામાં ને ગુસ્સામાં બી.પી.ટી. રેલવેમાં કામદાર તરીકે ભરતી કરવા માટે મને લઈ ગયા. ત્યાંય મારું દુર્ભાગ્ય આડે આવ્યું. વડાલાનો જ એક માણસ, જેને મેં અનેક પ્રકારે હેરાન કર્યો હતો. ખોટું ખોટું કહીને જેની ચાવીઓનો ઝૂડો તેની પત્ની પાસેથી લઈને મેં ગટરમાં ફેંકી દીધો હતો. બરાબર એ જ માણસ સિલેકશન બૉર્ડમાં બેઠેલો જોઈ હું ગભરાયો અને રામદાસ સ્વામિની જેમ મંડપમાંથી પલાયન થયો. દાદા ઘરે આવ્યા પછી મારી વગર તેલે માલિશ કરવામાં આવી એ કહેવું ન જ જોઈએ.

પછી ડાયરેક્ટર ઑફ ટૅન્કિકલ એજ્યુકેશન ઑફિસનાં એક અધિકારી જે શાળા મારફત તાંત્રિક શિક્ષણ લેતી વખતે મારા ‘સુપરવાઈઝર’ હતાં, તેમને જઈને મળ્યો. તેમણે ‘ઍપ્રેન્ટીસ’ તરીકે ‘ગરવારે પ્લાસ્ટિક્સ’ કંપનીમાં મને મોકલ્યો. ત્યાં ચાળીસ રૂપિયા મહિને ‘સ્ટાઇપેન્ડ’ લઈને મેં શરૂઆત કરી અને આગળ જતાં ‘આસિસ્ટન્ટ ડાયમેકર’ તરીકે સાડાત્રણ વર્ષ નોકરી કરી.

ભારત સરકારે નાસિક પાસેનાં અમારા ગામે, ઓઝરમાં મિગ વિમાનનું કારખાનું શરૂ કરવાનો નિર્ણય લીધો પછી વર્તમાનપત્રોમાં ટ્રેઇની ટૅન્કિશિયનની જગા માટે જાહેરાતો આવવા લાગી. ઘરે કહ્યા વગર મેં ચૂપચાપ અરજી મોકલાવી. ઇન્ટરવ્યુ થઈને પસંદગી પણ થઈ. મારો વિચાર દાદાને કહેતાં જ તેમણે તત્કાળ હોકાર આપ્યો. પણ જ્યાં સુધી ભાઈ તને પરવાનગી આપે નહિ ત્યાં સુધી હું સંમતિ આપવાનો નથી એવું કહ્યું. ભાઈ તે વખતે આઈ.એ.એસ. પ્રશિક્ષણ માટે મસૂરી ગયા હતા. તેમને પત્રથી સવિસ્તર જણાવ્યા પછી તેણે તાર મોકલીને મને પરવાનગી આપી. દાદાની તે રીતને કારણે ભાઈના શબ્દ અમે નાના ભાઈભાંડુ માટે હુકમનામું બન્યો.

ઓઝરનાં મિગ વિમાનનાં કારખાનામાં ‘ટ્રેઇની ટેન્કિશિયન’ તરીકે અમે દોઢસો જણા ભરતી થયા હતા. સરકારી કંપની અને તેમાંય વિમાન કંપની એટલે ટ્રેનિંગ પૂરી થયાં પછી સારો પગાર મળશે એવી આશા અમે સેવી રહ્યા હતા. તેથી ઘણાખરા લોકો અન્યત્ર સારી નોકરીઓ છોડીને ત્યાં આવ્યા હતા. પણ અમારા બધાંયનું ભ્રમનિરસન થયું. શરૂઆતમાં બધું મળીને ફક્ત ૩૫૦ રૂપિયા માસિક પગાર નક્કી કરવામાં આવ્યો હતો.

અપેક્ષાભંગ થવાને કારણે કંટાળીને મેં અન્ય સહકાર્યકરો સાથે એક કામદાર સંગઠનની સ્થાપના કરી અને મૅનેજમેન્ટ સાથે લડવાની શરૂઆત કરી. જનરલ મૅનેજરને ધક્કામુક્કી કરવી, મૅનેજિંગ ડાયરેક્ટરને ટૉયલેટમાં ગોંધી રાખવો, એવીય ઘટના બની. પણ હવે એ બધી વાતોનું દુઃખ થાય છે.

ઓઝરમાં ટ્રેઇનીંગ સાથે મેં સાડાપાંચ વર્ષ કાઢ્યા. તે પૈકી સાડાત્રણ વર્ષ હું કામદાર સંગઠનનો સેક્રેટરી હતો. તે સમયગાળામાં કામદારોની સંખ્યામાં ખૂબ વધારો થયો. અમારા સંગઠનનો વ્યાપ પણ ખૂબ વધ્યો. તે વખતે અમારા સંગઠનનું કામ સંભાળવા નિમણૂંક કરેલ એક વ્યક્તિ આજે મુંબઈમાં પોતાનું કામદાર સંગઠન સંભાળે છે.

ઓઝરનાં વિમાન કારખાનાએ ભ્રમનિરસન કરવાથી અમે પર્યાયી નોકરીની શોધમાં હતા. ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સમાં અમારા પૈકીનાં ઘણા લોકોની પસંદગી થઈ હતી. પણ મિગ વિમાન કંપનીએ અમારા બધા પાસેથી બૉન્ડ લખાવી લીધું હોવાને કારણે તે નોકરી છોડવી શક્ય ન હતી. પછી મેં આગેવાની લઈને ડાયરેક્ટર ઑફ ટેન્કિકલ એજ્યુકેશન પાસેથી બધાંનાં બૉન્ડ રદ કરાવ્યા અને માર્ગ મોકળો થયો.

હું સ્વતઃ ઇન્ડિયન ઍરલાઇન્સમાં જોડાવા સારુ મુંબઈ પાછો આવ્યો. ઘરમાં અમે બધાં ભાઈ પગાર અમારી બાને આપતાં હતા. આખોય પગાર ઘરમાં આપીને, ખર્ચ માટે તેમાંથી વધારે પૈસા માંગીએ તોય આપવામાં આવતા. પણ પગારમાંથી કહ્યા વગર પૈસા રાખી લઈએ એ મારી બાને રુચતું ન હતું. હું પગારનાં બધા પૈસા ઘરે આપતો પણ ‘ઑવર ટાઇમ‘નાં બધાં પૈસા મારી પાસે રાખી મૂકતો.

નોકરી કરવા કરતાં મારું પોતાનું વલણ ઉદ્યોગ-ધંધો કરવા તરફ હતું. તેને કારણે ઇન્ડિયન ઍરલાઇન્સની દસ વર્ષ સુધી નોકરી કરતી વખતે મેં પોતાની એક લોટ દળવાની ઘંટી નાંખી.

હાથમાં પૈસા રમવા લાગ્યા. પણ ઉદ્યોગ-ધંધો મોટા પ્રમાણમાં કરવા માટે મૂડીની જરૂર હતી. મૂડી ઊભી કરવા સારુ હું રસ્તા શોધવા લાગ્યો. ૧૯૭૫-’૭૬નું વર્ષ હશે. તે વખતે અખાતનાં દેશોમાં ભારતીયો માટે ભરપૂર પગારની સરસ નોકરીઓ ઉપલબ્ધ થવા લાગી હતી. ઘરનાંઓનો વિરોધ હોવાં છતાં હું મધ્ય-પૂર્વનાં દેશોમાં જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સદ્‌નસીબે દુબઈની ‘ગલ્ફ ઍર’ વિમાની કંપનીમાં મને નોકરી મળી અને ડિસેમ્બર ૧૯૭૬માં હું દુબઈ જઈ પહોંચ્યો.

અખાતી દેશોમાં કામ કરવાનો અનુભવ ખૂબ જુદો હોય છે. નિયમોનું કડક પાલન કામદાર અને વ્યવસ્થાપક એ બંનેયે કરવું પડે છે. સારી સિનેમા લાગે કે ‘કેજ્યુઅલ લિવ’ લેવાની સવલત નહિ. કે સર્દી, સળેખમ થવાનાં કારણોસર ‘સિક લિવ’ લઈ શકાય નહિ. તમે માંદા છો કે કેમ અને તેને માટે કેટલી ‘સિક લિવ’ લેવી એ નક્કી કરવાનો અધિકાર ફક્ત સરકારી ડૉક્ટરને હોય છે. એક વખત ડ્યુટી પર જતાં લપસી પડતાં અકસ્માત થયો અને મારાં હોઠ ફાટ્યા. ત્રણ દાંત પડી ગયા. બધાં કપડાં

લોહીથી લથપથ થયા એ પરિસ્થિતીમાંય મારે કામ કરવું પડ્યું અને કામ પૂરું થયા પછી સરકારી ડૉક્ટરે રજા આપી, તેય ફક્ત બે દિવસની.

દુબઈમાં કામદારોને પગાર સારો હોય છે. પણ તેમને આપણા અહીંની જેમ ફાલતુ લાડ કરવામાં આવતાં નથી. કામદાર નેતા કે કામદાર સંગઠનને ત્યાં કોઈ આધાર હોતો નથી. ફક્ત કામદારોની બધી ન્યાયી ફરિયાદોની દાદ ‘લેબર મિનિસ્ટ્રી’ મારફત લેવામાં આવે છે. માત્ર કામ સમયસર થવું જોઈએ. તેમાંથી છૂટ મળવી શક્ય જ હોતી નથી.

દુબઈથી ઘરમાં આવતી ‘મોડર્ન’ વસ્તુ જોઈને દાદાને ખૂબ આનંદ થતો હતો. પોતાને માટે તેમની એક જ માંગણી હતી. સિગારેટ્‌સની. સિગારેટ્‌સ પરથી યાદ આવ્યું. દાદા બ્લડપ્રેશરની માંદગીને કારણે દવાખાનામાં ઍડમિટ હતા. ડૉક્ટરોએ સિગારેટ પીવાની સંપૂર્ણ બંધી કરી હતી. થોડાં દિવસ પછી રાઉન્ડમાં નીકળેલા ડૉક્ટરે દાદાને કહ્યું, ‘જુઓ, હવે તમે કેવા સારાં દેખાવ છો. જમવાનું વ્યવસ્થિત લો છો. સિગારેટ પીતા નથી. તેને કારણે તબીયત સુધરી છે.’

પણ દાદા ભારે ઉસ્તાદ. હસીને તેમની પથારી પરથી ઓશિકું હઠાવ્યું અને તેની નીચે સંતાડેલું સિગારેટનું પાકીટ ડૉક્ટરને દેખાડ્યું. તે જોઈ ડૉક્ટર હસવું ખાળી શક્યા નહિ.

મને દુબઈ ગયે લગભગ સત્તર વર્ષ થયાં છે. મારી પત્ની સુનિતા અને બાળકો મુંબઈમાં જ છે. ‘ગલ્ફ ઍર’ની નોકરી હોવાને કારણે અવારનવાર મુંબઈ જવાની તક મળે છે. રજાઓમાં કુટુંબીજનોય દુબઈ આવતાં હોય છે. હવે મને મુંબઈ પાછા ફરવાની ચિંતા થઈ રહી છે. મારા મોટા દિકરાએ નાસિકમાં એક ‘ફેબ્રિકેશન યુનિટ’ નાંખ્યું ચે. નાસિક પાસે જ દાદાનાં નામે ‘પૉલ્ટ્રી ફાર્મ’ નાંખવા જમીનની ખરીદી થઈ છે. હવે મુંબઈ કાયમ માટે પાછા ક્યારે ફરાય છે તે જોઉંછું.

હું, દિનેશ જાધવ

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો

ભલે છીન લો મુઝસે મેરી જવાની.

મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન

વો કાગડ કી કશ્તી વો બારીશ કા પાની.

એવું એક શાયરે કહ્યું છે. લગભગ પ્રત્યેકને ‘બાળપણનો કાળ સુખનો’ એવું લાગે છે. મને તો તેવું લગીરેય લાગતું નથી. એટલું જ નહિ બાળપણની યાદ આવે તો મારા શરીરનાં રુંવાડા ઊભા થઈ જાય છે. કારણ મારા બાળપણનો સમય ખૂબ જ આકરો ગયો હતો, સુખ આપનાર નહિ.

સાંભરણની શૃંખલાની પાછળ પાછળ જતાં જ્યાં ધૂંધળા ભૂતકાળની શરૂઆત થતી દેખાય છે, ત્યાં મને જૂના વડાલાની ચાલી યાદ આવે છે. અમારી ચાલીની પાછળનાં ભાગમાં પાણીનો સાર્વજનિક નળ હતો. ઘરનાં જૂની ઓસરીનાં પલંગપર બેસતાં બારીમાંથી તે નળ દેખાતો. ત્યાં એકબીજા સાથે પાણી માટે ઝગડતી રહેતી સ્ત્રીઓ, વચ્ચે જ હમરી તુમરી પર આવનારાં પુરુષો એ રોજિંદુ દૃશ્ય હતું. ના હોય તે શબ્દો અને ના હોય એ વાતો ખૂબ નાનપણમાં જ કાન પર આવી તે ત્યાં. આપણે સારાં રહેવું, મોજમજા કરવી, એવું મને કાયમ થતું. પણ ઘરની પરિસ્થિતિને કારણે મન મારીને રહેવું પડતું હતું, તે મને વિષમતા લાગતી.

બીજા, ભાઈભાંડુઓની જેમ પાંચમાં ધોરણથી હું ‘છબીલદાસ’માં જવા લાગ્યો. ત્યાં મોટાભાગનાં છોકરાં ગોરાં ગોરાં, સ્વચ્છ કપડાં પહેરતાં, તે દૃષ્ટિએ હું કાળો દેખાતો એટલે મને ‘કાલિયા’ કહેતાં.

છબિલદાસ શાળાએ મારું વ્યક્તિત્વ ઘડ્યું. આમ જોઈએ તો દલિત સમાજમાં જન્મ્યો હોવાં છતા મારામાં લઘુતાગ્રંથીની ભાવના ન હતી. મારો સ્વતઃ પર વિશ્વાસ હતો. ડૉ. આંબેડકરે લખેલ ‘શુદ્રો પૂર્વે કોણ હતા’ એ પુસ્તક સાવ નાનપણમાં વાંચવામાં આવવાને કારણે કે કેમ પણ, આપમે બીજા કરતાં ઉતરતાં નથી અને આપણી વર્તણૂંકમાં, અભ્યાસમાં, ચરિત્રમાંથી તે સિદ્ધ કરવાની ભાવના સાથે હું વર્તતો. છબિલદાસનાં તે વખતનાં પ્રાચાર્ય શ્રી કે. ગો. અક્ષીકર અને એક શિક્ષક શ્રી ધામણકર એ ગુરુવર્યોની મારો આત્મવિશ્વાસ વધારવામાં અમૂલ્ય મદદ હતી.

નાનપણથી જ મને વાંચવાનું ગમતું. પણ, વડાલાની શાળામાં હતો ત્યારે ‘ચાંદોબા’ સિવાય બીજું કાંઈ વધારે વાંચવા મળતું ન હતું. છબિલદાસમાં ગયા પછી વાતાવરણ આખુંય બદલાઈ ગયું. તે શાળાનું સુસજ્જ ગ્રંથાલય જોઈને હું આનંદિત થયો. રોજ એક એ ક્રમમાં મેં નવાંનવાં પુસ્તકો વાંચવાનો સપાટો લગાવ્યો. મારાં વાંચનને નિયમિત પ્રોત્સાહન હતું તે અમારા શિક્ષક શ્રી ગો. મ. કિરાણેનું.

વાંચનમાં શરૂઆતમાં ફડકે - ખાંડેકરનું સાહિત્ય હતું. પછી આગળ જતાં ફડકેની નવલકથાઓ નિર્ભેળ આનંદનું સાધન લાગવા લાગી. તેથી ઊલટું ખાંડેકરની સાહિત્યકૃતિઓનું પરિણામ મન પર અસર કરવા લાગ્યું. ખાંડેકરની ‘કૌંચવધ’ મેં અસંખ્ય વાર ફરી ફરીને વાંચ્યાનું સ્મરે છે. પછી શ્રી ના. પેંડશેની નવલકથાઓની ભૂરકી છવાઈ ગઈ. કાવ્યોની બાબતમાં શરૂઆતમાં મંગેશ પાડગાંવકર મનમાંથી ખસતા ન હતા, કારણ તેમની કવિતામાં સાહજિકતા હતી. પછી કુસુમાગ્રજ અને બા. ભ. બોરકરની મોહિની છવાઈ ગઈ. કારણ તેમની કવિતાનાં વિચારો ખૂબ મોટા હતા. તેમની દરેક કવિતા વિચાર કરવા પ્રેરતી. મારાં સદ્‌ભાગ્યે મને મરાઠી શિખવનારા શિક્ષકોય માતબર મળતાં ગયાં. તેને કારણે સાહિત્યમાં રસ વધતો ગયો. અનુભૂતિ વધતી ગઈ. તેમાંથી જ છબિલદાસનાં ‘અભ્યુદય’ ત્રૈમાસિક માટે વચ્ચે વચ્ચે લખવાય લાગ્યો. તેને કારણે જ નિયમિત અભ્યાસ

તરફ થોડું દુર્લક્ષ્ય સેવાયું, એ એટલું જ સાચું છે.

શાળામાં હતો ત્યારે મને ભાષણો આપવાનો છંદ લાગ્યો. મારા ઇતર વાંચનને કારણે કે કેમ, પણ ૧૫ ઑગસ્ટ, ૨૬ જાન્યુઆરી અને બીજા દરેક મહત્ત્વનાં કાર્યક્રમમાં મારું નાનું શું ભાષણ ચોક્કસ રહેતું. તે જ ધારો આજે મુંબઈ મહા-નગરપાલિકાનાં વિભાગીય અધિકારી તરીકે કામ કરતી વખતેય અબાધિત છે.

અમારા દાદા વ્યાયામની બાબતમાં અત્યંત આગ્રહી. તેને કારણે આઠમા-નવમામાં હતો ત્યારે જ હું દાદા સાથે વ્યાયામશાળામાં જવા લાગ્યો. અખાડામાં વ્યાયામનાં અદ્યતન સાધનો અલબત્ત ન હતાં. પણ જેને હવે ‘ઘાટી વ્યાયામ‘ કહે છે તે દંડ, બેઠક, મગદળનો ભરપૂર વ્યાયામ કર્યો. હું અખાડામાં કુસ્તી પણ કરવા લાગ્યો. વ્યાયામને કારણે બરાબર થાક લાગતો. પછી ઘરે જઈને ખાવા પર તૂટી પડવાનું અને તરત ઊંઘી જવાનું એવો નિત્યક્રમ શરૂ થયો. તેને કારણે વાંચન તરફ અને નિયમિત અભ્યાસ તરફ દુર્લક્ષ થવા લાગ્યું પણ વ્યાયામને કારણે મારી ઊંચાઈ વધી, વજન વધ્યું, શરીર સ્નાયુબદ્ધ થયું અને પરિણામે આજે પચાસ નજીક પહોંચવા છતાં હું તંદુરસ્ત છું.

૧૯૬૧નાં વર્ષમાં એસ.એસ.સી. થયા પછી મેં સિદ્ધાર્થ કૉલેજમાં પ્રવેશ લીધો. સિદ્ધાર્થ કૉલેજમાં જવાનો નિર્ણય ભાઈનો. એ પોતે મને તે વખતનાં પ્રાચાર્ય કાર્તિક પાસે લઈ ગયો હતો. છબિલદાસમાં હતો ત્યારે ભાષા પર સારા સંસ્કાર થયાં હતા. તે ઉપરાંત મારી રહેણીકરણી થોડી શી ભપકાદાર. ‘સાદી રહેણી, ઉચ્ચ વિચારસરણી’ કરતાં ડૉ. આંબેડકરની ‘ઉચ્ચ રહેણી, ઉચ્ચ વિચારસરણી’ એ મૂળ મંત્ર મને પોતીકો લાગતો હતો. તેને કારણે ઘરની પરિસ્થિતિ સામાન્ય હોવાં છતાં હું વધુ ને વધુ વ્યવસ્થિત રહેવાનો પ્રયત્ન કરતો હતો. તે જ ગમો પછી વધતો ગયો. પછી વ્યાવહારિક જીવનમાં હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ‘વેલ ડ્રેસ્ડ મૅન’ તરીકે હું ઓળખાવા લાગ્યો. કૉલેજમાં હતો ત્યારે મારી નિર્મળ વાણીને કારણે અને વ્યવસ્થિત રહેવાને કારણે હું દલિત સમાજમાંથી આવ્યો છું એ ઉપર બીજાઓને વિશ્વાસ બેસતો ન હતો.

સિદ્ધાર્થ કૉલેજમાં મેં વિજ્ઞાન શાખામાં પ્રવેશ લીધો હતો. તે કૉલેજનાં બે પ્રસિદ્ધ પ્રાધ્યાપકોનાં સહવાસનો મને લાભ મળ્યો. એક પ્રા. મધૂ દંડવતે એક બીજા પ્રા. અનંત કાણેકર.

પ્રા.

અનંત કાણેકર અમને મારઠી કવિતા શીખવતા હતા. તેમનાં જબરદસ્ત વ્યક્તિત્વથી હું એટલો અંજાઈ ગયો હતો કે તેમની સાથે મુદ્દામ ઓળખાણ કરી લીધી. તેમને મળવા માટે અવારનવાર હું ‘કોમન રૂમ‘માં જતો હતો. એકવખત તેમણે મને તેમનાં તે વખતનાં હિંદુ કૉલોનીનાં ઘરે સુદ્ધાં આમંત્રિત કર્યાનું સ્મરણ છે.

પ્રા.

મધૂ દંડવતે અમને પદાર્થવિજ્ઞાન શિખવતા. તેમની શિખવવાની પદ્ધતિ અત્યંત સુવ્યવસ્થિત પ્રમાણસર. પદાર્થ વિજ્ઞાનનાં વિદ્યાર્થી જુજ. દરેક સાથે તેમની વૈયક્તિક ઓળખ. તેમનાં સામર્થ્યથી તેઓ પરિચિત. પ્રા. દંડવતે જેવા પોતીકાપણાથી શિખવનાર પ્રાધ્યાપક મને મળ્યા એને હું મારું ભાગ્ય માનું છું.

પ્રા.

કાણેકરનાં પ્રભાવને કારણે કે કેમ, પણ શરૂઆતમાં મને ‘કમ્યુનિઝમ‘નું ખૂબ આકર્ષણ હતું. દેશની બધી સમસ્યાઓનો એક જ ઉપાય છે, રાષ્ટ્રિયકરણ. એવી મારી દૃઢ માન્યતા પાકી થઈ હતી. કમ્યુનિઝમનું આકર્ષણ એટલું પ્રબાવી હતું કે અમે મિત્રો એકબીજાને પત્ર લખવાનાં પ્રસંગે ‘શ્રી ડાંગે પ્રસન્ન’ એમ શરૂઆત થતી હતી. પછી દંડવતેએ મને ડૉ. લોહિયાનું ચરિત્ર વાંચવા આપ્યું. તે વાંચીને હું પૂર્ણતઃ અભિભૂત થયો. ‘કમ્યુનિઝમ‘નું તકલાદીપણું તેની અવ્યવહાર્યતા મને સમજાઈ તે લોહિયાનાં સાહિત્યમાંથી. હું સમાજવાદ તરફ ખેંચાતો ગયો. એસ. એમ. જોશી, નાનાસાહેબ ગોરે, યદુનાથ થત્તે, સદાનંદ વર્દે - આ સમાજવાદી

લોકો માટે આદર જાગ્યો. ડૉ. આંબેડકરને અભિપ્રેત સમાજરચના ઘડતરનું કામ તથાકથિત ઉચ્ચ જાતિમાં જન્મ્યા છતાંય દલિતોદ્ધાર માટે પ્રામાણિકતાથી ઝુઝનારા આ સમાજવાદી નેતાઓ જ કરી શકશે એવું હું માનવા લાગ્યો.

શાળામાં હતો ત્યારે દાદાને કારણે વ્યાયામ ગમવા લાગ્યો હતો જ. તેને કારણે મર્દાની રમતોનું આકર્ષણ થતું. કૉલેજમાં હતો ત્યારે હું ‘બોક્ષિંગ’ શિખવા લાગ્યો. પહેલા જ વર્ષે હું સ્પર્ધામાં ઊતર્યો. ઝેવિયર્સ કૉલેજમાં સ્પર્ધા હતી. પહેલાં જ રાઉન્ડમાં મારો પ્રતિસ્પર્ધી ભારે નીકળ્યો, તેમે જોરદાર મુક્કા લગાવ્યા. તેને કારણે મારું નાક ફૂટ્યું, હોઠ ફાટ્યા. હવે ઘરે જતાં બા-બાપુ ગુસ્સે થશે તેથી હું ગભરાઈ ગયો હતો. મને સાંત્વના આપી તે દાદાએ. તેમણે કહ્યું, ‘એક જાત્રાથી ભગવાન કાંઈ ઘરડો થતો નથી, તેમ એક કુસ્તીથી કાંઈ પહેલવાન રિટાયર થતો નથી. હવે તેં માર ખાધો ને. કોઈ બાત નહિ. તેને કારણે મનમાં જિદ્દ નિર્માણ થવી જોઈએ. પછી જોઈએ આગળ સફળતા મળે છે કે નહિ.’

દાદાનાં એ શબ્દો ભવિષ્યવાણી સમાન નીવડ્યા. આગલાં વર્ષે હું એક પછી એક લડાઈ જીતતો છેવટે ૧૯૬૩નાં વર્ષનો ચૅમ્પિયન થયો.

ઇન્ટર સાયન્સમાં હતો ત્યારે મેં કૉલેજનાં જનરલ સેક્રેટરી પદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું. કૉલેજની ચૂંટણી એટલે માત્ર શ્રીમંત છોકરાઓનો ગરાસ હતો. ચૂંટણી પ્રચારમાં ભરપૂર પૈસા ખર્ચાતા. તે વખતે અશોક માંકડ અને સુભાષ અંબિયે આ બે ક્રિકેટરોએ મને સાથ આપ્યો. પાયોનિયર બુક ડેપો અને કૉલેજમાં આવેલી કૅન્ટિનવાળા પાસેથી જાહેરાતનાં પૈસા લઈને મારું પ્રચારસાહિત્ય છપાવ્યું. કૉલેજમાં નહતો એવો મારો મિત્ર રમેશ ધોતેએ ઉત્કૃષ્ટ ભીંત-પૉસ્ટર્સ રંગી આપ્યાં. મારાં મરાઠી, હિન્દી અને અંગ્રેજી ત્રણે ભાષામાંના ભાષણોએ પ્રથમ વર્ષથી પદવીનાં છેલ્લાં વર્ષ સુધીનાં બધા વર્ગો ગજાવી મૂક્યા અને અત્યંત રસાકસીની ચૂંટણીમાં છેવટે હું જિત્યો. ચૂંટણી જિત્યા પછી પ્રાચાર્ય ડૉ. કર્ણિકને મળવા ગયો. તેમણે મને કહ્યું કે, જનરલ સેક્રેટરીની ચૂંટણી જીતેલો વિદ્યાર્થી તે વર્ષે ક્યારેય પાસ થયો નથી. આ આપણી કૉલેજનો ઇતિહાસ છે. પણ હું તો તે વર્ષે પાસ થયો અને એ પરંપરા ખંડિત કરી.

સિદ્ધાર્થમાં શિક્ષણ લેતી વખતે મને લશ્કરી અધિકારી થવાનાં સ્વપ્નો આવવા લાગ્યા. ‘મહાર બટાલિયન’ની અનેક શૌર્યગાથા ઘરે વારંવાર કાને પડતી હતી. તેને કારણે કૉલેજમાં દાખલ થયો ત્યારથી લશ્કરની નોકરીનું આકર્ષણ થતું હતું. તેની પૂર્વતૈયારી રૂપે હું એન.સી.સી.માં દાખલ થયો. દરેક પરેડ કૅમ્પસ હું અચૂક ‘ઍટેન્ડ’ કરતો હતો. એન.સી.સી.માં જે જે બહુમાન મળી શકે તે બધા મેં મેળવ્યા. અમારી કંપનીનાં ક્વાર્ટર માસ્ટર તરીકે મારી પસંદગી થઈ. નિશાનેબાજીમાં મેં પ્રાવિણ્ય મેળવ્યું.

‘ઇન્ટર સાયન્સ’ પછી શૉર્ટ સર્વિસ કમિશન મેળવીને ‘સેકન્ડ લેફ્ટનન્ટ’ તરીકે લશ્કરમાં પ્રવેશ કરવો એવું મનમાં નક્કી કર્યું. સંપૂર્ણ તૈયારી સાથે મેં તે માટે પ્રયત્ન કર્યો. પણ, શાથી કોને ખબર, પણ મને સફળતા મળી નહિ. મારી પસંદગી થઈ નહિ તેથી હું અતિશય નિરાશ થયો. અમારા કુટુંબમાં એકે તો લશ્કર, નૌસેના કે વાયુસેનામાં અધિકારી થવું જોઈતું હતું એવું મને હજીય લાગે છે.

તે વખતનો એક મજાનો પ્રસંગ યાદ આવે છે. અમારા ઘરમાં એન.સી.સી.નાં ગણવેશમાં ‘સૅલ્યુટ’ કરતો મારો એક સરસ ફોટો લગાવ્યો હતો. અમારી સગી એક અભણ સ્ત્રી અમારા ઘરે આવી હતી ત્યારે તે તેનાં જોવામાં આવ્યો. ફોટા સામે ઊભી રહી તેણે ખાસ્સો સમય તે તરફ નિરખીને જોયો અને પછી કહેવા લાગી ‘અરે વાહ ! દિનાભાઈ બૅન્ડમાં ભરતી થયા લાગે છે.’

લશ્કરી અધિકારી થવાનું સ્વપ્ન સાકાર નહિ થતાં મેં બી.એસ.સી. કરવાનો નિર્ણય લીધો. વાસ્તવમાં ગણિત વિષયમાં મારી ઊંડી સમજ હતી એવું ન હતું. પણ પડકાર ઝીલવામાં એક અનેરો આનંદ હોય છે એટલે પદાર્થ વિજ્ઞાન-ગણિત એ વિષય સાથે મેં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ંમાં બી.એસ.સી.માં પ્રવેશ મેળવ્યો. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ની ભવ્ય ઇમારત, મોટા વર્ગ, જૂજ વિદ્યાર્થીઓ, સુસજ્જ વાંચનાલય બધું જ મનોમન ગમતું હતું.

‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’માં મને અનેક સારાં મિત્રો મળ્યા. તેમાંનાં કેટલાક મિત્રોનો મારાં જીવનપર ખૂબ જ પ્રભાવ પડ્યો. તે પૈકીનાં બે સહાધ્યાયી મિત્રો વિશેષ ઉલ્લેખનીય છે. પહેલો ઝુઝર બંદુકવાલા - અત્યંત કુશાગ્ર બુદ્ધિનો, દેશસેવાથી છવાયેલો અને ઘરની અઢળક સંપત્તિ હોવાં છતાં અત્યંત સાદગીથી રહેનારો. અભ્યાસની પદ્ધતિ, વાતચીતનાં મેનર્સ, અને નિર્ભયતા હું શિખ્યો તે બંદુકવાલા પાસેથી. અમેરિકામાં ડૉક્ટરેટ કરીને આવ્યા પછી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પદાર્થવિજ્ઞાનનાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરતાં આજે એ ત્યાંના સમાજજીવનમાં મહત્ત્વની કામગીરી પાર પાડી રહ્યો છે. બીજો સહાધ્યાયી મિત્ર વિકાસ દેસાઈ. ગર્ભશ્રીમંત હોવા છતાંય કૉલેજની એન.સી.સી. કંપનીની સંચલન સ્પર્ધામાં પહેલો ક્રમાંક આવે એ માટે રાતભર જાગીને બધાંયનાં બૂટોને, પટ્ટાઓને ઘસીઘસીને ચકચકિત કરી રાખનારો. ‘ટીમ સ્પિરિટ’, ‘સામાજિક બંધનો’ - એ શબ્દોનો અર્થ મને સમજાયો તે વિકાસ દેસાઈને કારણે. આજે એ જ વિકાસે ‘શક’, ‘ગહરાઈ’ જેવી ફિલ્મોનું નિર્માણ કરીને એક કલાત્મક દિગ્દર્શક નિર્માતા તરીકે પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છે.

ઝુઝર બંદુકવાલા, વિકાસ દેસાઈ અને બીજા સહાધ્યાયી મિત્રોના સહવાસને કારણે જાણ્યે-અજાણ્યે સારા સંસ્કાર થતા ગયા. આપણેય જીવનમાં કાંઈક સારું કરી બતાવીએ એવી આકાંક્ષા મનમાં નિર્માણ થઈ. માત્ર બંને મોટા ભાઈ મુંબઈ બહાર હોવાને કારણે ઘરે ધ્યાન આપવું મહત્ત્વનું હતું. પરિણામે પદવિધર થયા પછી મારે નોકરી કરવી આવશ્યક બની. સદ્‌ભાગ્યે મને નોકરી મેળવવામાં કોઈપણ અડચણ આવી નહિ.

પદવિ પ્રાપ્ત કર્યા પછી એક મહિનામાં ‘રિચર્ડસન હિંદુસ્તાન’ તરફથી (વિક્સ વેપોરબ તૈયાર કરનારી કંપની) ઔષધ વિક્રેતાની નોકરી મને મળી. મરાઠાવાડ-વિદર્ભ પ્રદેશમાં કંપનીને વેચાણ વધારવું હતું. તે માટે પસંદ કરેલા જુથમાં હું એકલો જ મહારાષ્ટ્રિયન હતો. એક-બે મહિનામાં મારી ઔરંગાબાદ મુકામે બદલી થઈ. ઘરે બંને મોટા ભાઈ ન હોવાને કારણે મારાથી મુંબઈ છોડાય નહિ. પછી ભાઈની સલાહથી નોકરીને તિલાંજલિ આપી.

તે પછી થોડા જ દિવસમાં સચિવાલયમાં ‘આસિસ્ટન્ટ’ની નોકરી મળી. ત્યાં કામ કરતી વખથે પ્રશાસનમાં કારકુની મનોવૃતિ, રૂઢિગત રીતે કામ કરવું અને મર્યાદિત સમજણ કેવી હોય એનાં પ્રત્યક્ષ દર્શન થયાં.

થોડા મહિનામાં જ સચિવાલયની નોકરી છોડીને હું સ્ટેટ બૅંકમાં હાજર થયો. સ્ટેટ બૅંકમાં કામ કરતી વખતે જ ‘ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર’ની પરીક્ષામાં બેઠો અને અવ્વલ માર્ક મેળવીને લેખિત પરીક્ષામાં સફળ થયો. મુલાકાતમાં શ્રી ગણપતી નામના એક કમિશનર હતા. તે પોતેય તેમનાં કૉલેજ કાળમાં ‘બૉક્સર’ હોવાને કારણે અમારા સૂર તરત મળી ગયા. મારી ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી થઈ.

ઇન્કમટેક્ષ વિભાગમાં કામ કરતી વખતે શ્રીમંત લોકો સાથે પનારો પડ્યો. વિભાગ તરફથી બીજા વરિષ્ઠ સહકાર્યકરો સાથે રેડ પાડ્યા પછી ઠેર ઠેર સંપત્તિનાં જે દર્શન થયા તે આંખો આંજી દેનારાં હતા. મોટા કારખાનાવાળા કે સિનેમાક્ષેત્રના લોકોનાં ઘરે જે ઐશ્વર્ય જોવા મળ્યું તે દિગ્મુઢ કરી દેનાર હતું. શ્રીમંત લોકો કેવું જીવે છે અને આપણે દલિત સમાજનાં બીજા લોકો કેવી રીતે જીવીએ છીએ એની મનોમન તુલના થવા લાગી. સમાજની સંપત્તિનું કેટલાક વિશિષ્ટ વર્ગો પાસે એકત્રીકરણ થયાનું પરાકાષ્ટાએ જાણ્યું. તેમાં દલિત સમાજનો હિસ્સો કેટલો, તેમાં અમે ક્યાંય નથી એની ખાતરી થઈ.

ઇન્કમટેક્ષની નોકરીને પરિણામે ‘આપણેય નોકરીની પાછળ પડ્યા વગર પોતાનો એકાદ ઉદ્યોગ શરૂ કરીએ’ એ વિચાર મનમાં જોર પકડવા લાગ્યો. પણ આર્થિક પીઠબળ ન હતું. નાણાં સંસ્થાઓની સહાયથી પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકાયો હોત, પણ તે માટે જરૂરી નૈતિક સામર્થ્ય મારી પાસે નહતું. ઉદ્યોગમાં ડૂબી જઈએ તો ઉગરવું શી રીતે એનો સંતોષકારક જવાબ મળતો નહતો. તેને કારણે નોકરીમાંથી મળનાર સુરક્ષિતતાનાં આશ્રયે જ રહેવાનું મેં નક્કી કર્યું.

૧૯૭૦નાં વર્ષમાં કેન્દ્રિય લોકસેવા આયોગ તરફથી ‘આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સિમેન્સ ઍમ્પ્લોયમેન્ટ’, એ શિપિંગ ક્ષેત્રમાંના પદ માટે આપવામાં આવેલ જાહેરાત તરફ ધ્યાન ગયું. મેં અરજી કરી. નિયમાનુસાર તે અરજી મારા વરિષ્ઠો મારફત મોકલવાની હતી. તે વખતે શ્રી દેશપાંડે નામનાં અમારા કમિશનર હતા. તેમણે મારું મન વાળવાનો ખૂબ પ્રયત્ન કર્યો. તું અહીં જ આજ નહીં કાલે આયકર અધિકારી થઈશ એવી લાલચ સુદ્ધાં બતાવી. પણ મારું મન ઇન્કમટેક્ષની નોકરીમાં લાગતું ન હતું. પોતાને ‘ઇન્સ્પેક્ટર’ કહેવડાવવામાં ઓછપ લાગતી હતી. આપણે અધિકારી હોવાનું બીજાને કહી શકીએ એનું મહત્ત્વ સમજાવા લાગ્યું હતું.

મેં અરજી કરી. રીતસર મુલાકાત માટે બોલાવવામાં આવ્યો. જગા એક જ હતી. લાગવગશાહીની બીકને કારણે મનમાં ધાસ્તી હતી. સદ્‌ભાગ્યે મારી પસંદગી થઈ. છેવટે હું અધિકારી થયો. પણ મારી નિમણૂંક થઈ તે કલકત્તા બંદરમાં.

તે વખતે મોટો ભાઈ બદલી થતાં મુંબઈમાં આવ્યો હતો, તેને કારણે મારા માટે મુંબઈ છોડવું શક્ત હતું. પણ ત્યાં સુધી ક્યારેય હું ઘરથી દૂર રહ્યો નહતો. તેમાંથી ૧૯૭૪નું કલકત્તા એટલે બૉમ્બ વિસ્ફોટ, આગ લગાડવી, ગોળીબાર, મારામારીનાં સમાચારો અખબારોમાં સતત ચમકતાં હતા. તેને કારણે ઘરનાં બધાંય અસ્વસ્થ થયા. પણ હું જિદ્દ પકડીને બેઠો હતો. પત્ની, દોઢ-બે વર્ષની દિકરી અને સવા મહિનાનો દીકરો એમને બાકીનાં કુટુંબીજનો પાસે મૂકીને મેં કલકત્તા તરફ પ્રસ્થાન કર્યું.

કલકત્તામાં શિપિંગનાં એક વરિષ્ઠ અધિકારી મળ્યા. તેમનું નામ શ્રી કે. જી. દેશપાંડે, પહેલી જ મુલાકાતમાં અમારી ‘વેવ લેન્થ’ તત્કાળ મળી ગઈ. મને પોતાનાં દિકરા જેમ માનીને બીજાં બધાંય સાથે ઓળખાણ કરાવી અને મને કલકત્તામાં થાળે પાડવામાં સર્વતોપરી સહાય કરી.

કલકત્તામાં હું શરૂઆતમાં એકલો જ હતો. નવરાશનાં સમયમાં હું ત્યાં પગપાળો ફરતો તો. ગરીબીનું ત્યાં થયેલ દર્શન મનને દ્રવિત કરનાર, અંતર હલબલાવી દેનાર હતું. પહેલાં બલરાજ સહાનીનો ‘દો બિઘા જમીન’ એ પ્રત્યયકારી ફિલ્મ જોઈને રિક્ષા ખેંચનાર રિક્ષાચાલકોનાં શ્રમની કલ્પના જ હતી, પણ હવે તેમનું જીવન નજીકથી પ્રત્યક્ષ જોઈ શક્યો. રિક્ષાચાલક મહદઅંશે બિહારી, ભૂમિહીન ખેતમૂજર, શાહુકારો પાસે ગીરવી રાખેલ જમીન પરનાં કરજનું વ્યાજ ચૂકવવા વર્ષનાં બાર મહિના જીવ રેડીને રિક્ષા ખેંચતા તાણમાં આવ્યા હતા. સત્તુના લોટમાં પાણી ભેળવીને તેમાં ગોળ અને કાચા મરચાં એ જ રોજનું ખાણું. પૂર્વ ઇન્કમટેક્ષમાં કામ કરતી વખતે મેં ઐશ્વર્ય જોયું હતું, હવે દારૂણ ગરીબીનાં દર્શન થતાં હતાં. જીવનનો આ અનુભવ દલિત સમાજમાંથી આવેલા મારા માટેય નવો હતો. ગરીબી કેટલી હોઈ શકે અને માણસ પાસે શું કરાવી શકે એનાં ભયાનક દર્શન થયાં તે કલકત્તામાં.

આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સિમેન્સ ઍમ્પ્લોયમેન્ટ તરીકે મારું કામ ખલાસીઓનાં નોકરી વિષયક પ્રશ્નો ઉકેલવાનું હતું. મોટી સંખ્યામાં ખલાસી મરાઠી, બંગાળી બોલનારા. મરાઠી સાથે જ મને કોકણી ભાષા આવડતી હતી, પણ તે સાથે જ હું થોડું ઘણું બંગાલી બોલતાં શિખ્યો. પ્રત્યેક ખલાસી સાથે હું તેની ભાષામાં સંવાદ સાધવાનો પ્રયત્ન કરતો હતો. તેને કારણે તે બધાંયને હું અનિવાર્ય થઈ પડ્યો. હું જે આર્થિક સ્તરમાંથી આવ્યો હતો તેને કારણે હશે કે કલકત્તાની ત્રાસદાયી ગરીબીને કારણે હશે, પણ મને ‘કમ્યુનિઝમ‘ વળી પાછું ગમવા લાગ્યું. તેને કારણે વ્યવસ્થાપન અને ખલાસી કામદારો વચ્ચેનાં ઝગડામાં નિષ્પક્ષ રહેવાનાં કેટલાય પ્રયત્ન કરવાં છતાં જાણે અજાણ્યે મારું વલણ કામદાર તરફી રહેતું. મારે મારા કામને ન્યાય આપતાં આવડવું જોઈએ તેથી મારાં વરિષ્ઠોએ મને તેની સમજણ આપી દીધી હતી.

તે વખતનો એક પ્રસંગ કહેવા યોગ્ય છે. ‘છત્રપતિ શિવાજી’ નામનાં એક તેલવાહક જહાજ પર કલકત્તા પાસેનાં હલ્દિયા બંદરમાં ખલાસીઓએ હડતાળ કરી હતી. હું આસિસ્ટન્ટ શિપિંગ માસ્ટર હતો. તે વખતે શ્રી ભાવે શિપિંગનાં ડાયરેક્ટર જનરલ હતા. (તે પછી મહારાષ્ટ્રના મુખ્ય સચિવ થયા) તેમણે મને ફોન પર આદેશ આપ્યો.

‘જાતે ત્યાં જાવ અને હડતાળ ખતમ કરો. આવતી કાલે જહાજ ઉપડ્યું નથી એમ કહેતા નહિ.’

મં સાજે છ વાગે કલકત્તા છોડ્યું. મારી સાથે કેટલાક કર્મચારીઓ હતા. કારમાં સો માઈલ પ્રવાસ કરીને હલ્દિયા પહોંચ્યા. વાતાવરણમાં તીવ્ર ટાઢ હોવા છતાંય ત્યાંનું વાતાવરણ બરાબર ગરમ હતું. દગો-ફટકો થવાની શક્યતા છે, એમ બીજાઓએ સાવધ કરી રાખ્યા હતા. હું બોટ પાસે પહોંચ્યો કે ‘ગેંગવે’ ખલાસીઓએ રોકી રાખ્યો હતો. કોઈને ય અંદર જવા દેવામાં આવતા ન હતા. હું શાંતિથી ‘ગેંગવે’માંથી આગળ જવા લાગ્યો. ખલાસીઓમાં થોડી હલચલ થઈ. છેવટે તેમણે મને માર્ગ મોકળો કરી આપ્યો. પ્રથા પ્રમાણે કૅપ્ટન પાસે ન જતાં હું ખલાસી કામદારોનાં ‘પ્રેસ’માં જઈ પહોંચ્યો અને ત્યાંના રસોયાને આદેશ આપ્યો ‘મને ભૂખ લાગી છે. જમવાનું આપ.’

રાતનાં અગિયાર વાગ્યા હતા. મારો આદેશ સાંભળી તે રસોયાને પોતાનાં કાન પર વિશ્વાસ બેસે નહિ. કૅપ્ટનની કેબિનમાં જઈને સ્વાદિષ્ટ જમણ પર હાથ મારવાને બદલે આ સાહેબ અહીં જમવા કેમ આવ્યો છે તે તેને સમજાતું ન હતું. આનંદ અને આશ્ચર્ય સાથે એ ખાવાનું લાવ્યો. હું ત્યાં જ બેસી રહ્યો. ધીમે ધીમે ખલાસીઓ આજુબાજુ ભેગા થવા લાગ્યા. પોતાની ફરિયાદો કહેવા લાગ્યા. સાચું તો તેમના મતભેદ કેવળ ગેરસમજ આધારિત હતા. તેમની સાથે જમતાં તેમને સાંબળી લીધા પછી મેં કૅપ્ટનને જ નીચે બોલાવી લીધા. થોડી મિનિટોમાં જ તેમનો મનમેળાપ થઈ ગયો અને હડતાળ પૂરી થઈ. તે વખતે એક ખલાસીએ કહ્યું, ‘બધા સાહેબ લોકો બોટ પર આવે છે, કૅપ્ટન સાથે દારુ પીવે છે અને ત્યાંથી જ જમીને નીકળી જાય છે. અમને સમજનારો અને અમારી વચ્ચે બેસીને જમનારો અધિકારી અમે આજે જ જોયો.’

મારા પશ્ચિમની પાવતી મને ત્યાં જ મળી. હું સવારે કલકત્તા પહોંચ્યો અને મુંબઈ ભાવેસાહેબને સંદેશો આપ્યો. હડતાળ પૂરી થઈ છે. આ વાત પર તેમને વિશ્વાસ બેસતો જ ન હતો. તે બોલ્યા ‘બોટ ઉપડ્યા પછી કહો.’

બોટ સમયસર ઉપડી. મને ‘વાયરલેસ’ પર સંદેશો મળ્યો. મેં તરત જ ભાવેસાહેબને જાણ કરી. તે જાણી તેમનો આનંદ છુપાવી શક્યા નહિ. તે માટે ખાસ અભિનંદનનો એક પત્ર તેમણે મને મોકલાવ્યો. તે કામગીરીનું એક પરિણામ એવું થયું કે હડતાળ બંધ કરાવવા કલકત્તા બંદરનો સુયોગ્ય અધિકારી હું જ એવી માન્યતા વરિષ્ઠ અધિકારી વર્ગમાં પ્રસરી ગઈ. તેને કારણે મુંબઈનાં ખેંચાણ છતાંય મુંબઈ બદલી મળતી નહતી.

પછી મેં મારી પત્ની - મંજૂ અને બાળકોને કલકત્તા બોલાવી લીધાં. મહારાષ્ટ્ર સદન પાસે એક નાનું શુું ઘર ભાડે લીધું. ઘરમાં ટેલિફોન. ટી.વી. વગેરે કાંઈપણ નહતું. છતાંય બાળકોને તે ઘર ખૂબ જ ગમ્યું. કારણ આસપાસનું વાતાવરણ ખૂબ સુંદર હતું. મુંબઈમાં ક્વચિત અનુભવાતી પ્રેમની આર્દ્રતા ત્યાં હતી. વસ્તીમાં એકાદ બાળક માંદુ હોય તો આજુબાજુમાં બધાંયનાં ચહેરા પર ખિન્નતાની છાયા છવાઈ જતી. મારે ઘરે જતાં મોડું થાય તો કુટુંબીજનોની કાળજી લેનારા ત્યાં હતાં. કોઈપણ પ્રકારનો જ્ઞાતિસંબંધ ન હોવાં છતાં કલકત્તાવાસીઓએ કેવળ માણસાઈનાં નાતે જે પ્રેમ આપ્યો તેની યાદ આવે ત્યારે આજેય હૈયું ભરાઈ આવે છે.

મારું સાંસ્કૃતિક જીવન સમૃદ્ધ થયું તે કલકત્તામાં. મહારાષ્ટ્ર સદનમાં હોળી, રક્ષાબંધન, ગણેશોત્સવ જેવાં બધાં મહારાષ્ટ્રિયન તહેવારો એકઠાં થઈ ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવતાં. અવારનવાર સંગીતસંમેલન પર્વ યોજાતાં. ભારતના બધાં પ્રસિદ્ધ ગાયકોનાં, વાદકોનાં કાર્યક્રમ મને સાંભળવા મળ્યા તે કલકત્તામાં. કેટલાક મહાન ભારતીય કલાકારોની વ્યક્તિગત ઓળખાણ થઈ તે સુદ્ધાં કલકત્તામાં જ.

પંડિત ભીમસેન જોશીની મુલાકાત થઈ તે મહારાષ્ટ્ર સદનના એક ખૂણા પર, તે ચંપલનો તૂટેલો અંગુઠો શિવડાવતા હતા તે વખતે ! મેં નમસ્કાર કર્યા. તેમણે હિંદીમાં પૂછતાછ કરી. હું મરાઠીમાં બોલવા લાગતાં અને મને સંગીત પ્રિય છે એ જાણતાં જ ‘મિલે સૂર મેરા-તુમ્હારા’નો પ્રત્યય આવ્યો. તે દિવસે કલકત્તાની મહેફિલમાં પંડિતજી મને પોતાની સાથે લઈ ગયા અને એક અવિસ્મરણીય અનુભવ માનસપટલ પર અંકાઈ ગયો.

કુમાર ગાંધર્વ એક સંગીત મહોત્સ્વમાં કલકત્તા આવ્યા ત્યારે તેમનો પરિચય થયો. બીતાં બીતાં મેં તેમને ઘેર આવવાનું આમંત્રણ આપ્યું. પોતાની કીર્તિનો, પ્રતિષ્ઠાનો લગીરેય દેખાડો કર્યા વગર તે અમારા ઘરે આવ્યા. મહારાષ્ટ્રીયન પદ્ધતિનું અમારું જમણ જોઈને તેઓ પ્રફુલ્લિત થઈ વાતો કરવા લાગ્યા. કલાકારોની મોટાઈ કેટલીક વખત તેમની સ્વચ્છંદી વૃત્તિને કારણે માનવામાં આવે છે. અહીં આટલા મહાન કલાકારે પોતાની સૌજન્યશીલ સાદગીથી અમને જીતી લીધાં હતાં.

પંડિત જસરાજી સાથે પણ મારો પરિચય થયો તે કલકત્તામાં. આજે, મુંબઈમાં તે પરિચયને સ્નેહનાં મ્હૉર આવ્યાં છે.

સાહિત્ય, સંગીત, નાટકથી સામાજિક જીવન સમૃદ્ધ થયું તે કલકત્તામાં. મહારાષ્ટ્ર સદનમાં દર વર્ષે સ્થાનિક નાટક થતાં હતાં. તેમાં હું અચૂક ભાગ લેતો હતો. મારાં અભિનયની ભૂખ ત્યાં પોષાઈ. આમ જોઈએ તો સંગત ક્યાંક લોહીમાં જ હોવું જોઈએ. નહિ તો, વડિલ સમાન લોકો, ‘બામણ, ઘરે લેખન અને મહાર ઘરે ગાયન’ એમ જ કહેતાં હતાં. મને પોતાને ગાયન-વાદન, કાંઈક તો આવડવું જોઈએ એવું લાગતું હતું. પણ તે ફાવ્યું નહિ. સદ્‌ભાગ્યે આજે મારી દિકરી સિતાર વગાડે છે, કથ્થક નૃત્યમાં પારંગત છે. તો દિકરો ગિટારવાદક તરીકે આગળ આવી રહ્યો છે.

હું કલકત્તાનાં પ્રેમમાં પડ્યો હતો ખરો, પણ કુટુંબીજનોને મુંબઈનું આકર્ષણ કાયમ હતું. લોકપ્રિયતાને કારણે મારી મુંબઈ બદલી ન કરવી એ પ્રશાસન માટે સગવડભર્યું હતું ખરું, પણ કલકત્તાનાં નાનાં કાર્યાલયમાં ગોંધાઈ રહેવું મારા ‘કેરિયર’ની દૃષ્ટિએ મને યોગ્ય લાગતું ન હતું.

યોગાનુયોગ તે જ વખતે મુંબઈ મહાનગરપાલિકાની વૉર્ડ ઑફિસર પદની જાહેરાત જોવામાં આવી. મેં પત્ની સાથે સલાહ-મસલત કરી. તેણેય પ્રોત્સાહન આપ્યું. મુંબઈ પાછા ફરવાની તે સુંદર તક લાગી અને મેં અરજી મોકલાવી. રૂબરૂ મુલાકાતમાં બોલાવવામાં આવ્યો અને મારી પસંદગી થઈ. કલકત્તામાં તમે થોડા દિવસ રહો તો તે શહેર નિકૃષ્ટ લાગે. પણ લાંબો સમય ત્યાં રોકાવ તો તે શહેરનાં પ્રેમમાં પડ્યા સિવાય રહી શકાતું નથી. તેને કારણે કલકત્તા ભારે હૈયે છોડ્યું. અલબત્ત, સ્વગૃહે પાછા જવાનો આનંદ હતો જ.

મુંબઈ મહાનગરપાલિકામાં મારી પહેલી નિમણૂંક થઈ તે નાયર હૉસ્પિટલનાં પ્રશાસકીય અધિકારી તરીકે. ત્યાં એક વર્ષ ખૂબ સંતોષપૂર્વક ગયું. હું પોતે ડૉક્ટર ન હતો છતાં માંદા લોકોને વ્યાધિમુક્ત કરવામાં, બીજાઓને મદદ કરવામાં એક નિરાળો આનંદ અનુભવ્યો. ખૂબ સુંદર અનુભવ મળ્યો.

એક વખત શ્રીમતી પ્રમિલા દંડવતે તે હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં. પોતે ેસાંસદ હોવાં છતાંય પોતાને કોઈપણ જાતનો ખાસ દરજ્જો જોઈએ નહિ, બીજા સર્વસામાન્ય બિમાર લોકોની જેમ જ વ્યવહાર થવો જોઈએ એવી જીદ તેમણે પકડી હતી. તે વખતે એકવાર બપોરે મારાં કાર્યાલયમાં કામ કરતા મારા સિપાઈએ અંદર આવીને કહ્યું, ‘સાહેબ, મોરારજીભાઈ આવ્યા છે.’ કોઈક સ્થાનિક ગુજરાતી બાંધવ આવ્યા હશે તેથી મેં કહ્યું, ‘મોકલી આપ અંદર.’

મારા કાર્યાલયમાં આવેલાં વ્યક્તિ સામે જોતાં જ મારી ઊંઘ ઊડી ગઈ. પૂર્વવડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ અને શ્રી ચંદ્રશેખર અંદર આવ્યા. તે બંને પ્રમિલા દંડવતેની ખબર કાઢવા આવ્યા હતા. અમારી અહીં-તહીંની વાતો થયા પછી મોરારજીભાઈએ પૂછ્યું, ‘આપણે શાને માટે રોકાયા છીએ ?’

‘લંચ ટાઇમ‘ હોવાને કારણે દવાખાનાની ઇમારતની લિફ્ટ બંધ હતી. એ ચાલુ કરવાની સૂચના મેં આપી હતી અને તે માટે જ અમે રોકાયા હતા. મોરારજીભાઈને તે જાણ થતાં જ તેમણે પૃચ્છા કરી ‘કેટલામા માળે જવાનું છે ?’

છઠ્ઠા માળે જવાનું છે એ ખબર પડતાં લિફ્ટ ચાલૂ કરવા ન દેતાં એકાદ તરુણને શોભે તેવા ઉત્સાહ સાથે તે ઝડપથી ચાલતાં છ માળ ચડી ગયા. અમારો દમ નીકળી ગયો. પણ તે વખતે ૮૩ વર્ષનો આ નવયુવાન અમને લજવી ગયો.

કલકત્તાનો ‘હેંગ ઑવર’ કહીએ કે કેમ, પણ નાયર હૉસ્પિટલમાં મેં સાંસ્કૃતિક ચેતના લાવવાનો પ્રયત્ન કર્યો. મહાપાલિકાની આંતરવિભાગીય નાટ્ય સ્પર્ધામાં નાયર હૉસ્પિટલનો સહભાગ ન હતો. પણ અમે એમાં ભાગ લેવાનું નક્કી કર્યું. એને માટે નર્સિસ, ડૉક્ટર્સ, વિદ્યાર્થી અને કર્મચારીઓને એકઠાં કરીને એક નાટક તૈયાર કર્યું. મેં પોતે તેમાં ભૂમિકા કરી. તે નાટકનો પ્રયોગાત્મક અંક જોઈ અમારા મુખ્ય ડૉક્ટર ભટ્ટ એટલા પ્રભાવિત થયા કે તેમણે તત્કાળ પાંચસો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.

વર્ષભરમાં મારી બદલી ઘાટકોપરનાં વિભાગીય અધિકારી તરીકે થઈ. ખરું તો ‘પ્રોબેશન’ પુરું થાય ત્યાં સુધી નાયર હૉસ્પિટલમાં જ રહેવું એવું વિચાર્યું હતું. પણ, મારા ‘કેરિયર’ની દૃષ્ટિએ મારું ‘વૉર્ડ’માં જવું યોગ્ય રહેશે, એવી સલાહ તે વખતના કમિશનર શ્રી સુકથનકરે આપી.

ઘાટકોપર એ મોટો પડકારરૂપ વિભાગ હતો. થોડા દિવસમાં જ મારી પરીક્ષા થઈ. ભારતનાં પાકિસ્તાન ખાતેનાં પહેલા હાઇકમિશનરની તે વિભાગમાં આવેલી જમીન ઉપર ચાળીશ વર્ષની અતિક્રમણ કરી ગૌરીશંકરવાડી નામની એક ઝૂંપડપટ્ટી વસી હતી. સુપ્રિમ કોર્ટનાં આદેશ અનુસાર તે ઝૂંપડપટ્ટી હઠાવીને જગા માલિકને સુપ્રત કરવાની હતી. તે બાબતે તે પહેલાંનાં બધાં પ્રયત્નો નિરર્થક નીવડ્યા હતા, કારણ ડૉ. દત્તા સામંતનો તેમાં વિરોધ હતો. ડૉ. દત્તા સામંતનો તે વખતે ભારે દબદબો હતો. તેમની પત્ની પોતે તે ભાગની નગરસેવિકા હતી. સામંત પતિ-પત્નીનાં વિરોધને અવગણી ઝૂંપડપટ્ટી હઠાવવી મુશ્કેલ હતી અને તેમ ન કરતાં સુપ્રિમ કોર્ટ તરફથી કમિશનર સાહેબ પર ઠપકો આવવાની શક્યતા હતી.

કમિશનર સાહેબની સલાહ લઈને હું તે વખતનાં ગૃહસચિવ શ્રી ચૌગુલેને મળ્યો. તેમણે પોલિસ કમિશનર શ્રી રિબેરોની મદદ લેવાનો આદેશ આપ્યો. પછી મેં રિબેરો સાહેબને મળી આખીય પરિસ્થિતી સમજાવીને કહી. રિબેરો બોલ્યા, ‘ઠીક છે. પણ ઝૂંપડપટ્ટી ક્યારે તોડવી એ હું નક્કી કરીશ. તમને ફક્ત એક દિવસ પહેલાં સૂચના આપવામાં આવશે.’ થોડાં અઠવાડિયા પછી કશાક નિમિત્તે દત્તા સામંતને યરવડા જેલમાં મુકવામાં આવ્યા. અને તેમની પત્ની તેમને મળવા પૂણે ગઈ. તે વખતે રિબેરો સાહેબે તક ઝડપી લીધી. તે ભાગનાં બધા સમાજ વિરોધી તત્ત્વોને અટકમાં લેવામાં આવ્યા. પ્રત્યેક ઇમારત ઉપર શસ્ત્રસજ્જ પોલિસ ગોઠવવામાં આવ્યા. એક આસિસ્ટન્ટ કમિશન ઑફ પોલિસ મારાં અંગરક્ષક તરીકે નીમવામાં આવ્યા અને એક દિવસમાં અમે પોલિસની મદદથી તે ઝૂંપડપટ્ટી જમન સરસી કરી. કામદારોનું મનોબળ વધારવા હું પોતે દિવસભર ત્યાં ઊભો રહ્યો.

વાતાવરણ ખૂબ તપ્યું હતું. કલાકે કલાકે કમિશનરનાં ફોન આવતાં હતા. છેવટે કામ ફતેહ થયાનું જાણતાં જ તેમણે મને મનઃપૂર્વક અભિનંદન આપ્યા.

મને સારાં પ્રશાસકીય સંસ્કાર મળ્યા તે કમિશનર સુકથનકર સાહેબ પાસેથી. ફાઇલો પરની મારી દરેક ટિપ્પણી સુધારીને પાછી આવતી હતી. મરાઠીમાં લખ્યું હોય તો શુદ્ધ લેખનની ભૂલો, અંગ્રેજીમાં હોય તો સ્પેલીંગની ભૂલો, સ્પષ્ટપણે દર્શાવેલી રહેતી. તેને કારણે ‘ફાઇલ્સ’ મુકતી વખતે પૂર્ણપણે વાંચીને કાળજીપૂર્વક ટિપ્પણી કરવાનું હું શિખ્યો તે તેમની પાસેથી.

મારી કામ કરવાની પદ્ધતિ પર વધુ એક મહત્ત્વની અસર ઉપસી આવી તે મહાપાલિકાનાં તે વખતનાં ઉપાયુક્ત શ્રી પ્રવીણ કામદારની. માણસોને કેવી રીતે કામે લગાડવા અને આપણાં સહકાર્યકરોનું કાર્ય ‘ઍપ્રીશિએટ’ કરીને તેમની પાસેથી વધુ ને વધુ સહકાર કેવી રીતે મેળવવો તે હું શિખ્યો કામદાર સાહેબ પાસેથી. આપણને બીજા સારાં કહે એવી આપણી અપેક્ષા હોય છે પણ બીજાઓનાં કામની પ્રશંસા કરતી વખતે આપણે નાહક શબ્દોની કંજુસાઈ બતાવીએ છીએ. આવી કૃપણતા ના બતાવીએ તો અન્ય સહકાર્યકારી પાસેથી વધુમાં વધુ સરસ કામ કરાવી લઈ શકીએ એનાં પાઠ આપ્યા તે કામદાર સાહેબે.

મુંબઈ નગરપાલિકાની નોકરી એ ચાકરી નથી પણ સર્વાંગી અર્થમાં સેવા કરવાની તક છે અને સેવાભાવનાથી તે નિભાવવી જોઈએ એ ભાન મારાં વરિષ્ઠોએ વારંવાર કરાવી આપ્યું છે. અને તે ભૂમિકાએથી જ મારું સેવાકાર્ય ચાલુ છે. સેવાની ઉત્કૃષ્ઠ તક ઉપલબ્ધ કરાવી આપવામાં મુંબઈ નગરપાલિકાનું સ્થાન અનન્ય છે. કારણ પાપભીરુ શિક્ષકોથી લઈને ઉદ્ધત સ્મગલર્સ સુધી બધાંયનો મહાનગરપાલિકા સાથે સંબંધ રહે છે. ઝૂંપડપટ્ટીથી ગગનચૂંબી ઇમારત સુધી બધાયનો મહાનગરપાલિકા સાથે સંબંધ રહે છે. મારા અધિકારપદમાં વધુમાં વધુ સામાન્ય લોકોને ફાયદો થાય એવો મારો

પ્રયત્ન હોય છે. આજ સુધી અક્ષરશઃ હજારો લોકોની મદદે દોડી જવું મારા માટે શક્ય બન્યું છે. અને આ પછીય મારો પ્રયત્ન તે જ રહેવાનો છે. એટલું જ નહિ મહાનગરપાલિકાનું કામ હવે મારી રગેરગમાં એ રીતે વણાઈ ગયું છે કે મારી સેવાનિવૃત્તિ પછીનાં સમયમાં સુદ્ધાં એકાદ સેવભાવી સંસ્થાવતી સમાજનું ઋણ ચૂકવવામાં આવશે એમાં મને શંકા જણાતી નથી.

હું, નરેન્દ્ર જાધવ

‘ક્રિયાવીણ વાચાળતા વ્યર્થ છે.’ એવું એક શાસ્ત્રવાક્ય છે. ખરું તો વાચાળતા આવવા જોગી ‘ક્રિયા’ આપણા હાથે થયેલ છે કે કેમ એ વિશે હું સાસંક છું. તેને કારણે જેમતેમ ચાળીશીએ પહોંચતાં જ આત્મચરિત્રાત્મક લેખન કરવા બેસવું તે વધુ પડતું વહેલું છે એમાં શંકા નથી. માત્ર, આ લેખન હું એક વ્યક્તિ તરીકે ન કરતાં ડૉ. આંબેડકરે ઘડેલી એક વિશિષ્ટ માનસિક પ્રવૃત્તિનાં પ્રતિનિધિ હોવાને નાતે કરું છું.

અમેરિકાનાં કાળા લોકોનાં એક નેતા રેવ. જેસી જેક્સને આજકાલમાં જ અમેરિકન રાષ્ટ્રાધ્યક્ષ પદની લડત આપતાં કહ્યું હતું, ‘ડોન્ટ જજ્‌ મી ફ્રૉમ વ્હેઅર આય સ્ટેન્ડ, જજ્જ મી, ફ્રૉમ વ્હેઅર આય કમ ફ્રૉમ.’ (‘હું જ્યાં આવી પહોંચ્યો છું તે પરથી મારી પરીક્ષા કરશો નહિ, હું ક્યાંથી આવ્યો છું તે ધ્યાનમાં લો.’)

મારી પેઢીના બધાં દલિત બાંધવોની બાબતમાં થોડા ઘણા ફરક સાથે તે તેટલું જ સાચું છે.

‘ગળામાં કુલડી અને કમરે સાવરણી’ - આ સ્વરૂપની અમાનુષી જાતિયતા નષ્ટ થઈ હોવા છતાં તેને કારણે જાતિયતાની વિષવેલ આપણે સમૂળી દાટી દીધી છે એવું માનવું મૂર્ખતા છે. એકાદ વ્યક્તિ માટેનો આપણો પૂર્વગ્રહ આજેય તે વ્યક્તિની જાતિને આધારે નક્કી થાય છે એ નકારવું શક્ય છે કે ? ‘તમે ક્યાંના છો ?’ જેવા ઉપરછલ્લા નિરઉપદ્રવી લાગતાં પ્રશ્ન પાછળનો સાચો રુખ ‘તમારી જાત કઈ છે ?’ એ જ પૂછવાનો હોય છે. એ વિવેકબુદ્ધિને સ્મરીને આપણે ઇન્કાર કરી શકીએ કે ?

કાર્યાલયમાંની બિનકાર્યક્ષમતાનો ઇજારો તો સમૂળગો દલિત સમાજનાં લોકોએ લીધો છે એવી માન્યતા બધાં વર્ગોમાં મોટા પ્રમાણમાં દેખાય છે. હવે પ્રત્યેક કાર્યાલયમાં સારા-નરસા લોકો હોય છે, તેમાં દલિત હોય, તેવા દલિત સિવાયનાંય હોય છે. તે પૈકી એકાદ ફડકે, આપટે કે બાપટ કામચોરી કરતાં દેખાય તો બીજા લોકો તે તે વ્યક્તિને દોષ આપતાં દેખાય છે. તેથી વિરુદ્ધ, એકાદ કાંબળે, ખંડાગળે કે પડાંગળે જો કામચોરી કરતો હોય તો ‘સાલા, યે જાત હી ઐસી હૈ’ એમ આખા દલિત સમાજની એકંદર નાલેશી કરવાનો મોહ ભલા ભલા રોકી શકતાં નથી. બીજાઓમાં કાર્યક્ષમતા હોય જ એમ માનવામાં આવે છે. કેવળ દલિતોએ તેમની કાર્યક્ષમતા સિદ્ધ કરવી પડે છે. તેની પાછળ સમાજમાં ઊંડે ઊંડે ધરબાયેલી ઊંચ-નીચતાની સુપ્ત ભાવના છે, એ કડવું પણ સત્ય છે.

ખરું તો, બુદ્ધિમતા કે કાર્યક્ષમતા એ કોઈપણ એક જાતિની કે વર્ણની ગિરાસદારી નથી અને ક્યારેય ન હતી. કાર્યક્ષમતા વિષયક ચર્ચામાં રિઝર્વ બૅંકમાં અને અન્યત્ર કેટલાંક ઠેકાણે દલિત બાંધવો કાર્યસિદ્ધિની બાબતમાં મારું ઉદાહરણ રજૂ કરે છે. ત્યારે બીજાઓનો નિશ્ચિત જવાબ હોય છે : ‘ઉસકી બાત અલગ હૈ.’

વસ્તુસ્થિતિ એવી છે કે ‘મેરી બાત અલગ નહીં હૈ’. જ્વલંત ઇચ્છાશક્તિ હોય, યોગ્ય તક ઉપલબ્ધ હોય અને તેને કઠોર પ્રયત્નનો સાથ હોય તો સેંકડો દલિતો મારા કરતાંય સારી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકે એમ મારી પ્રામાણિક ધારણા છે. દલિતેતર અને દલિત, બંનેએ આ વાસ્તવિકતા લક્ષ્યમાં લેવાની આજે નિતાંત આવશ્યકતા છે.

કાર્યક્ષમતાનો સંબંધ જાતિ સાથે જોડીને ભારતીય સમાજે તથાકથિત નીચલી જાતિઓ પર ખૂબ મોટો અન્યાય તો કર્યો જ છે પણ તે સાથે જ લાખો દલિતોને તેમનાં સામર્થ્ય તરફ સંપૂર્ણ દુર્લક્ષ્ય કરીને અને સેંકડો વર્ષો તકથી વંચિત રાખીને દેશની આર્થિક પ્રગતિને અને વિકાસને અગણિત નુકસાન પહોંચાડ્યું છે. નવા આર્થિક ધોરણોને કારણે ભારતીય અર્થવ્યવસ્થા આજે જે સંક્રમણ-અવસ્થામાંથી પસાર થઈ રહી છે, તેમાંથી આર્થિક દૃષ્ટિએ સમર્થ એવા દેશનું ઘડતર કરવું હશે તો જાતિવ્યવસ્થાનો કેફ દૂર થવો જ જોઈએ, આપણા મનમાંથી જાતિયતાનાં જાળાં નષ્ટ થવાં જોઈએ. ઊંચનીચતાની અને જાતિ આધારિત કાર્યક્ષમતાની જુનવાણી કલ્પના વીંટાળીને બેસીને આપણે નવા આર્થિક યુગમાં યશસ્વી પદાર્પણ કરી શકીશું નહિ. તે માટે આપણી માનસિકતા ફરી એકવખત તપાસી જોવી એ કાળની આવશ્યકતા છે.

આપણી માનસિકતાનો પુનર્વિચાર દલિત સમાજ પાસેથી થવો તેટલો જ અગત્યનો છે. પ્રયત્નોની પરાકાષ્ટા કરીએ તો આપણેય યશસ્વી થઈ શકીએ એ વિશ્વાસ દલિતોનાં મનમાં નિર્માણ થવાની આવશ્યકતા છે. બીજાઓએ કરેલાં સાચાં ખોટા અન્યાયનાં ‘હાઉ’થી આપણે સ્વતઃની આળસ કે અકાર્યક્ષમતા લાંબો સમય ચલાવી શકતાં નથી અને તેમાંથી ઠગારા સમાધાનની પેલી તરફ કાંઈપણ સાધ્ય થઈ શકતું નથી, એનું ભાન દલિતોએ રાખવાની જરૂર છે.

આત્મપરીક્ષની આ પ્રક્રિયામાં મારું ઉદાહરણ પ્રાતિનિધિક સ્વરૂપ તરીકે થોડાઘણા અંશે ઉપયુક્ત નીવડવાની શક્યતા છે, એ ભાવના સાથે હું મારું વ્યાવસાયિક આત્મચરિત લખવાનું સાહસ કરી રહ્યો છું.

નાનપણમાં હું અબોલ એટલું જ નહિ અતડા સ્વભાવનો હતો. અને સંપૂર્ણ શાલેય જીવનમાં વર્ગમાં એકાદા પલળેલા ઉંદરની જેમ બેસતો હતો. આ આજે મારાં પરિચિત અનેકોને કહેવા છતાંય સાચું લાગશે નહિ. જે વિશિષ્ટ વાતાવરણમાં હું ઉછર્યો તેનું જ તે અપરિહાર્ય પરિણામ હતું એનું હવે ભાન થાય છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર ૧૯૫૬ના વર્ષમાં મહાપરિનિર્વાણ થયા તે વખતે હું સાડાત્રણ વર્ષનો હતો. સાધારણ તે જ સુમારે જૂના વડાલા છોડીને વડાલાનાં બીજા ભાગમાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટની નવી બનાવવામાં આવેલ ‘ન્યુ કૉલોની’માં અમે રહેવા આવ્યાં. તેને કારણે મારું બાળપણ

મારાં મોટાં ભાઈભાંડુંઓની જેમ જૂના વડાલાની ચાલીમાં ન જતાં, ન્યુ કૉલોનીનાં મકાનમાં ગયું. ઘરનાં બીજાઓને જે કષ્ટદાયક સ્થિતી વેઠવી પડી એ મારી દૃષ્ટિએ ખરું કહું તો મજા જ હતી.

ન્યુ કૉલોનીમાંનું તે વખતનું વાતાવરણ અભ્યાસ સિવાય બીજી બધીય વાતો માટે પોષક હતું. મુંબઈ પૉર્ટ ટ્રસ્ટના રેલવે યાર્ડમાં આવનારી માલગાડીઓમાંનાં માલની લૂંટ કરનારી ટોળકીઓ, કેટલીક ઇમારતોનાં ધાબા પર હાથભઠ્ઠી લગાવનારા ગુંડા, સતત મારમારી કરનારા નાના મોટા દાદાઓની સાચી-ખોટી કારવાહીથી વાતાવરણ છવાયેલું રહેતું. આ ઉપદ્રવમાં અગ્રસ્થાને રહેલાં કેટલાક સ્વચ્છંદીઓ તે વખતે અમારા આદર્શ સ્થાને હતાં. તેમાં હાથભઠ્ઠી પર પોલિસની રેડ પડી તેથી ધાબા પરથી ડ્રેનેજ પાઇપ વાટે ઉતરવા જતાં પડીને લંગડો થયેલો ભદરુબાઈ હતો, માલ લૂંટનારી ટોળકીનાં સૂત્રધાર એવા નાર્યા, પરભ્યા એ હતા, તે જ પ્રમાણે હવે જેને ગેંગવૉર કહે છે તેને જ તે સમયે પોતાનું રોજિંદુ જીવન માનનારા દૌલતદાદા, શિવજયા (શિવાજી), બુટા શંકર્યા, એવા દાદા લોકો હતા. આ પૈકી પ્રત્યેકનાં નામની આજુબાજુ પ્રસિદ્ધિનું એક વલય હતું. ભદરુભાઈ પ્રત્યેક મંગલ પ્રસંગે નાચવામાં પ્રવિણ. એની પોતાની એવી નાચની શૈલી હતી તેને ‘ભદરુભાઈ સ્ટાઇલ ડાન્સ’ એવું જ કહેતાં હતા. (પછી આગળ એ ‘સ્ટાઇલ’ માસ્ટર ભગવાનનાં ‘અલબેલા’ ફિલમની નૃત્યશૈલીની નકલ હતી એ જાણ થઈ.) નાર્યા, પરભ્યાનાં સાહસોનું બધાને આશ્ચર્ય. પોલિસોએ રેડ પાડી તે વખતે નાસી જતાં માલગાડી નીચે આવી જતાં નાર્યાનો હાથ કપાયો. તે વખતે છૂટો પડેલો પોતાનો હાથ બીજા હાથે ઊંચકીને આ મહાશય નાસી ગયા એવા એવી વાયકા હતી. પોતાનાં માથાથી ટક્કર મારીને પ્રતિસ્પર્ધીને નેસ્તનાબુદ કરવામાં બુટ્ટયા શંકરનો હાથ કોઈ પકડી શકતું નહિ. શિવજયા દાદા તો અમારા નાનાં છોકરાઓનો ‘હિરો’, સાક્ષાત દેવતા. આ દાદા ખરેખર તો એકવડિયા બાંધાનો (રસ્તા પરની ભાષામાં કહેવું હોય તો ‘સિંગલ ફસલી’), પણ હિંદી ફિલમનાં નાયકની જેમ એકી વખતે દસ-બાર જણાને પૂરો પડતો. શરીરમાં જોસ એટલું કે રેલવે લોકલનાં છેલ્લાં ડબાનાં દરવાજે ઊભો રહીને, લોકલ ખૂબ વેગ પકડે પછી સ્ટેશનનાં બીજા છેડે તે ડબો આવી પહોંચે કે આ મહારાજ સ્ટેશન પર લહેરથી ઉતરીને નાદિયા કોમેનેસીની જેમ ઑલેમ્પિક ખેલાડીની કુશળતાથી ‘પરફેક્ટ ટેન’ સાધતા હતા. આ બધાં સ્વચ્છંદીઓનાં સાચા-ખોટા સાહસોની વાતોની સતત ચર્ચા રહેતી. તેને કારણે મોટા થયાં પછી તેમની જેમજ આપણેય નામ ‘કમાવું’ એવું મારાં બાળમનમાં તે વખતે વારંવાર થતું હતું.

દુન્યવી અર્થમાં દૂષિત એવા તે વાતાવરણમાં ઉછેર થવાને કારણે વ્યક્તિત્વ વિકાસની દૃષ્ટિએ મારા પર અનિષ્ટ પરિણામ થયું એમ મને લગીરેય લાગતું નથી. એટલું જ નહિ ‘બળીયાનાં બે ભાગ’ એ જંગલનો કાયદો પ્રવર્તે એવા તે વાતાવરણને કારણે પ્રતિકૂળ પરિસ્થિતીમાં ટકી રહેવાનું ‘પ્રશિક્ષણ’ મને મળી શક્યું. મધ્યમવર્ગીય સુરક્ષિત વાતાવરણમાં હું નાનાથી મોટો થયો હોત તો તે બધી વાતો કહી શક્યો ન હોત. પરસ્પરથી તદ્દન ભિન્ન રહેલાં સમાજઘટકો સાથે આજે હું જે ‘સંવાદ’ સાધી શકું છું તેનાય મૂળ વડાલામાં નાનપણમાં મળેલા વૈવિધ્યપૂર્ણ અનુભવમાં છે. એવું આજે સમજાય છે.

મારું પ્રાથમિક શિક્ષણ, અન્ય ભાઈભાંડુઓની જેમ મુંબઈ પૉર્ટ ટ્રસ્ટનાં જૂના વડાલાની શાળામાં થયું. ન્યૂ કૉલોનીમાંથી જૂના વડાલામાં જતાં રેલવેનું મોટું યાર્ડ ઓળંગીને જવું પડતું હતું. તે યાર્ડને ફરતું ચક્કર લગાવીને શાળામાં જવાનું એ ઘરનો નિયમ. પણ, બીજા બધાં સહાધ્યાયી મિત્રોને જેમ ‘શોર્ટ કટ’ એટલે, યાર્ડમાં ઊભી રહેલી માલગાડીની ગતિ સાથે તાલ મિલાવી હોંશીયારીપૂર્વક નીચેથી પેલી બાજુ જવાની રીત અમે ખાસ્સા જણે આત્મસાત્‌ કરી હતી.

પ્રાથમિક શાળામાં મારી પ્રગતિ સારી હોવી જોઈએ કારણ મને ‘મિજલસ્કૂલ સ્કૉલરશિપ’ની પરીક્ષામાં બેસાડવામાં આવ્યો. તે શાળામાંથી સ્કૉલરશીપ પરીક્ષામાં બેસાડવામાં આવેલો હું બહુધા પહેલો જ વિદ્યાર્થી, તેને કારણે ખૂબ જિજ્ઞાસા હતી. પણ તે પરીક્ષા માટે જુદા પુસ્તકો હોય છે, ખાસ તૈયારી કરી લેવી પડે છે, એની શાળામાં કોઈને કલ્પના નહિ હોય. પરીક્ષા માટે દાદરની કિંગ જ્યોર્જ (હવે રાજા શિવાજી) શાળામાં મારો નંબર આવ્યો હતો. પરીક્ષા માટે ત્યાં ગયા પછી સરસ કપડાં પહેરેલાં, આત્મવિશ્વાસ સાથે ફરતાં વિદ્યાર્થી જોઈને હું હેબતાઈ ગયો. મુંબઈ પૉર્ટ ટ્રસ્ટ શાળાની બહાર એક મોટી સ્પર્ધાત્મક દુનિયા છે એની પહેલી જ વખત સમજણ પડી. ઘણાખરા વિદ્યાર્થીઓ સાથે તેમને લાડલડાવનારાં પાલક હતાં. મારી સાથે દિનેશ હતો ખરો. પણ તેય એ મધ્યમવર્ગીય ભીડમાં ખોવાઈ ગયા જેવો લાગતો હતો. પાણીની બાટલી, જમવાનો ડબો એવી મજા તો મારે હતી જ નહિ પણ ‘કંપાસ બોક્ષ’ જેવાં આવશ્યક સાધનનીય ઉણપ હતી. પૂરતી અને યોગ્ય તૈયારી ન હોવાને કારણે અથવા દબાઈ ગયો હોવાને કારણે પરીક્ષામાં યશસ્વી થઈ શક્યો નહિ. તેને કારણે બીજાનાં, વિશેષતઃ સરસ કપડાં પહેરેલાં છોકરાઓની - સરખામણીમાં આપણે ઊણા ઉતર્યા એવી લઘુતાગ્રંથીની ભાવના મનમાં ઉત્પન્ન થઈ.

સ્કૉલરશીપ પરીક્ષામાં મારો નંબર હતો ૪૨૦. મજાની વાત એ છે કે રિઝર્વ ૅબૅંકમાં હજુ અત્યાર સુધી મારો અંતર્ગત દૂરધ્વની નંબર હતો તે પણ ૪૨૦. રિઝર્વ બૅંકના ગર્વનરસાહેબથી લઈને નીચેનાં સુધી બધાંયને માટે તે એક ઠઠ્ઠાનો વિષય બની રહ્યો હતો.

મારાં બીજા ભાઈભાંડુઓની જેમ પાંચમા ધોરણથી દાદરની છબિલદાસ શાળામાં દાખલ કરવામાં આવ્યો. મોટી શાળાની મોટી દુનિયા. શરૂઆતમાં થોડાંક વર્ષ તો હું બીકને કારણે ગભરાઈ ગયો હતો. સ્કૉલરશિપ પરીક્ષામાં મારાં કરતાં શ્રેષ્ઠ ગણાયેલાં બધાં વિદ્યાર્થી તે શાળામાં એકત્ર થયાં હતાં એવું હું માનતો હતો. તેમાંય તથાકથિત ‘શુદ્ધ’ મરાઠી મને બોલતાં આવડતું ન હતું, કારણ ઘરમાં અમે નાશિકની ગામડાની બોલી બોલતાં હતાં. તેને કારણે બધાં કુચેષ્ટા કરતાં, પછાતવર્ગનાં નામે ફી નહિ ભરનારા ‘સરકારનાં જમાઈ’ એવી ઉશ્કેરણીજનક અવહેલના કેટલાક શિક્ષકો દ્વારા થતી હતી. ઘરની આસપાસનું વાતાવરણ અને શાળામાંનું વાતાવરણ એ બંને વચ્ચેનાં બે ધ્રુવનાં અંતરમાં હું બરાબર મુંઝાઈ ગયો હતો. પરીણામે સતત પહેલો નંબર આવવાં છતાંય મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. વર્ગમાં પાછળની પાટલીએ હું બેસતો. શિક્ષકોએ પૂછેલાં પ્રશ્નોનાં જવાબ આવડતાં હોવાં છતાં મોઢામાંથી શબ્દો નીકળતા નહતા.

હું હજુ છબિલદાસમાં જવા લાગ્યો હતો, ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે. દિવસ હતો ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૬૨. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ. તે દિવસે અક્ષરશઃ લાખો દલિત કુટુંબ ચૈતન્ય ભૂમીએ દર્શન કરવા જાય છે. અમેય જતાં હતાં. તે દિવસ ત્યાંથી પાછા વળતાં વડાલા જવા સારુ ‘શાહાડે-આઠવલે’ની પાસેનાં બસસ્ટૉપ પર અમે બધાં લોકો બસની વાટ જોતાં ઊભાં હતાં. આજુબાજુમાં પ્રચંડ ગિરદી. અમારા સગાંવ્હાલાંઓનું ટોળુંય ખૂબ મોટું. બસ આવી ત્યારે ધમાલ મચી ગઈ. હું પોતે પહેલી જ બસમાં ચપળતાથી ચઢી ગયો. ગિરદી ખૂબ હોવાને કારણે બીજા લોકો તે બસમાં ચઢી શક્યાં નહિ. ઘરનાં બધાં લોકો પાછળ બસસ્ટૉપ પર જ રહી ગયાનું મારા ધ્યાને આવ્યું, તે વખતે બસ ‘પ્લાઝા થિયેટર’ સુધી જઈ પહોંચી હતી. વિનંતી કરીને બસ કંડકટરની ગાળો ખાતા મેં બસ ઊભી રખાવી અને દોડતો દોડતો બસસ્ટૉપ પર પાછો આવ્યો. દુર્ભાગ્યે તે પછી લગોલગ આવેલી બીજી બસમાં ઘરનાં લોકો નીકળી ગયાં હતાં. પાસે પૈસા હોવાનો પ્રશ્ન જ ન હતો. આજુબાજુમાં ઓળખીતું કોઈ દેખાય નહિ. ઘરે જવાના રસ્તાની મને ખબર નહિ મારી આંખો ભરાઈ આવી. પછી મેં પોતાને સંભાળી લીધો. રડીને કાંઈ થવાનું નથી એ મારાં ધ્યાને આવ્યું. મેં યુક્તિ કરી. તે બસસ્ટૉપ પરથી વડાલા તરફ જનારી બસનું નિરીક્ષણ કરતાં મેં ચાલતા જવાનો પહેલો તબક્કો પૂરો કર્યો. પછી એક બસસ્ટૉપ પર રોકાઈને તે જ રીત. એમ કરતાં અક્ષરશઃ દડમજલ કરતાં સુખરૂપ હું ઘરે આવી પહોંચ્યો. અભિમાનથી મારી છાતી ફુલાઈ હતી. ચૂકી ગયો હોવાં છતાં કોઈનીય મદદ લીધા વગર હું ઘરે આવી પહોંચ્યો તેથી ઘરનાઓની શાબાશી મળશે એવી મારી ધારણા હતી. ઘરે પહોંચ્યા પછી... બાનો ભરપુર માર ખાવો પડ્યો. જાણે કે હું જાણીજોઈને ચૂકી ગયો હતો.

છબિલકદાસમાં ગયા પછી લઘુતાગ્રંથીની ભાવના બળવત્તર બની હોવાં છતાં એક મોટું માનસિક પરિવર્તન થયું. મોટા થયા પછી આપણે ‘દાદા’ થઈએ એવું લાગતું ન હતું. તેને બદલે તે સામાજિક સ્તરમાંનાં લોકો જેને ‘ઇજ્જત સે રહના’ કહે છે તે પ્રકારની એકાદી નોકરી કરવી એવું મને થવા લાગ્યું. સુરક્ષિતતાની ભાવના એટલી પ્રબળ હતી કે કોઈપણ ‘પરમેનન્ટ’ નોકરી ચાલત. તેમાંય વળી ‘પ્યૂન’ની નોકરી એ મને વ્યવહારુ ‘ચૉઇસ’ લાગતી હતી. કારણ અમારી નાતનાં એટલા લોકો ‘પ્યૂન’ હતાં કે જાધવ આ નામનાં લોકો પ્યૂન થવા માટે જ સર્જાયા છે એવું હું માનવા લાગ્યો હતો. આજેય હું જે જે ખાતામાં કામ કરું છું ત્યાં જાધવ અટકનાં બેચાર પ્યૂન ચોક્કસ મળી આવે છે.

મારામાંથી લઘુતાગ્રંથી દૂર કરવાનો સભાનતાપૂર્વક પ્રયત્ન જો કોઈએ કર્યો હોય તો તે શ્રી માધવ સાખરદાંડે, એ મારા પ્રિય શિક્ષકે. સાખરદાંડેએ મારામાં આત્મવિશ્વાસ જગાવવા કાળજીપૂર્વક પ્રયત્ન કર્યો. મને યાદ છે, સાતમા-આઠમામાં હતો ત્યારે શાળામાં અક્ષરલેખન સ્પર્ધા હતી. આપણે આવી સ્પર્ધામાં ભાગ લઈ ને ઇનામ મેળવી શકીએ એવું મને ક્યારેય લાગ્યું જ ન હતું, તેને કારણે હું તેમાં ભાગ લેતો ન હતો. સ્પર્ધામાં ભાગ ન લેવાથી સાખરદાંડેએ મને પૂછ્યું. ગમે તે ઢચુપચુ જવાબ આપીને મેં બહાના કાઢવાનો પ્રયત્ન કર્યો. સરે તે સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીનાં અક્ષરલેખનનો નમૂનો મારી સામે મૂક્યો અને કહ્યું :

‘તારા અક્ષર આ કરતાં સારાં છે કે ખરાબ ? તું જ કહે.’ મારામાં લઘુતાગ્રંથીની ભાવના હોવા છતાંય મારાં અક્ષર તેનાં કરતાં સારા છે, એ નકારવું મારા માટે શક્ય ન હતું. અક્ષરલેખન સ્પર્ધામાં ભાગ ન લઈને, પોતાને ઊણો માનીને, મેં મારી જાત પર અન્યાય કર્યો છે એ સાખરદાંડેએ મને સપ્રમાણ ખાતરી કરાવી દીધી. આવાં જ નાનાં નાના પ્રસંગોમાંથી તેમણે મારો આત્મવિશ્વાસ ખીલવવાનો આત્મિયતાથી પ્રયાસ કર્યો.

મારા પર પ્રભાવ હતો એવા બીજા એક શિક્ષક હતા શ્રી બાંદેકર, તેઓ ગણિત અને વિજ્ઞાન એ વિષય શિખવતા હતા. મને પ્રત્યેક પ્રશ્ન તરફ વસ્તુસ્થિતિ વિશે પ્રામાણિક ગુણદોષ પારખવાની દૃષ્ટિએ જોવાની પ્રેરણા આપી. બુદ્ધિ પ્રામાણ્યવાદી દૃષ્ટિકોણ આપ્યો તે બાંદેકર સરે.

શાળમાં મારાં ગમતાં વિષયો મરાઠી, સંસ્કૃત અને ગણિત. મને મરાઠી વાંચનની રુચિ જગાવી તે પણ સાખરદાંડે સરે જ. શરૂઆતમાં બાબુરાવ આર્નાળકરથી લઈને નાથામાધવ ફડકે, ખાંડેકર સુધી અને હ. ના. આપ્ટેથી લઈને ચિ. વિ. જોશી સુધી બધાંનું સાહિત્ય હું ફરી ફરી વાંચી ગયો. પછી આગળ પુ. લ. દેશપાંડે અને અરવિંદ ગોખલે ગમતા લેખક થયા. હું પોતે મરાઠી લેખન કરી શકીશ એવો વિશ્વાસ મારામાં નિર્માણ કર્યો તે પણ સાખરદાંડે સરે જ. તેમના આ પ્રયત્નનાં એક ભાગ તરીકે તેમણે છબીલદાસનાં ‘અભ્યુદય’ ત્રૈમાસિકનાં વિદ્યાર્થી સંપાદક તરીકે મારી નિમણૂંક સુદ્ધાં કરી નાંખી હતી.

હું પાંચમામાં હતો ત્યારે જ ભાઈ આઈ.એ.એસ. પ્રશિક્ષણ અર્થે મસુરી ગયો. તે પછી નોકરી નિમિત્તે એ સતત પ્રવાસમાં રહેતો. પણ ભાઈ બહારગામ હોય છતાંય અભ્યાસ અર્થે તેનું પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ દબાણ સતત રહેતું. શાસકીય કામે એ અવારનવાર મુંબઈ આવતો. એ ઘરે આવે કે તરત મારી શાળાની પ્રગતિનું વિસ્તૃત સરવૈયું કાઢવામાં આવતું. મારે જોઈતી હોય એવી નાની નાની વસ્તુઓ એ જાતે મારી સાથે આવીને ખરીદી આપતો હતો. એ મુંબઈમાં ન હોય છતાં અપ્રત્યક્ષપણે તેનો દાબ કાયમ રહેતો. કારણ તેને શાળેય પ્રગતિ એ અમારા ઘરની પ્રગતિની મોજણી કરવાનો માપદંડ હતો, બધાંયને આદર્શ ભાઈનો. તેની અનુપસ્થિતીમાં

રોજિંદા જીવનમાં ભાવનાપૂર્ણ હૂંફ હતી તે દાદાની અને દિનેશની. મારા પર વાંચનનાં સારા સંસ્કાર થાય એ માટે ઘરમાં સમજણપૂર્વકનાં પ્રયત્ન કોઈએ કર્યા હોય તો તે દિનેશે. હું કાંઈ લેખન કરું તો તે પહેલીવાર વાંચનારો દિનેશ. તેને સંમત કર્યા સિવાય બીજા કોઈનેય બતાવવાનું હું સાહસ ન કરતો.

વચ્ચે વચ્ચે મામાસાહેબ સુરડકર ઘરે આવતા. શ્રી શંકરરાવ (મામાસાહેબ) સુરડકર એટલે ભાઈના સસરા. તેમનો ઉલ્લેખ પહેલાં થયો છે. તો મામાસાહેબ મને કાયમ જ ભગવાન જેવા લાગતા. મામાસાહેબ એક મોટા સરકારી અધિકારી તો હતા જ પણ મને તે વિદ્વતાનાં મૂર્તિમંત પ્રતિક લાગતા હતા. તે ઘરે આવે કે મારાં નિબંધ, કવિતા અને ઇતર પરચૂરણ લેખન હું તેમને બતાવતો હતો. તેઓ આનંદ વ્યક્ત કરે તો સ્વર્ગમાંથી દેવદેવતા મારી પર પુષ્ટવૃષ્ટી કરી રહ્યાં છે એવો મને ભાસ થતો.

નજીકનાં માણસો સાથે વર્તતા હું ધીમે ધીમે ખીલતો હતો. પણ બીજાઓ સાથે વર્તતા માત્ર પહેલાંની જેમજ દબાઈને રહેતો. હું અગિયારમામાં હતો ત્યારની વાત. તે ધોરણમાં અમારો વર્ગ બધાંયથી હોંશીયાર છોકરાઓનો હતો. ખૂબ સ્પર્ધા રહેતી. મારો નંબર વર્ગમાં ખૂબ ઊંચે, છતાંય હું તે સ્પર્ધાથી અલિપ્ત રહેતો. અમારા વર્ગમાં સૌથી વધુ હોંશિયાર વિદ્યાર્થીનું સ્વપ્ન સંસ્કૃતમાં ‘જગન્નાથ શંકરશેઠ શિષ્યવૃત્તિ’ મેળવવાનું રહેતું. સંસ્કૃતનાં પેપરમાં ૮૦ માર્ક પાઠ્ય અને બાકીના ૨૦ માર્ક પાઠ્યેતર અભ્યાસક્રમ માટે હતાં. શંકરશેઠ શિષ્યવૃત્તિનાં સર્વે ઇચ્છુક પાઠ્ય અભ્યાસક્રમ માટેનાં ૮૦ માર્ક નિશ્ચિત કરીને પાઠ્યેતર ૨૦ માર્ક પૈકી વધુમાં વધુ માર્ક મેળવવા માટે પ્રયત્નશીલ રહેતાં. કેટલાક મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થી તે માટે ‘શાકુંતલમ્‌’, ‘વાસવદત્તમ્‌’ જેવી સંસ્કૃત નાટ્યકૃતિઓ સરસાઈ મેળવવા નિયમિતપણે ક્રમશઃ ભાષાંતર કરીને, જોશી નામનાં એક શાસ્ત્રીજી અમારા સંસ્કૃતનાં શિક્ષક હતા, તેમને તપાસવા માટે આપતાં. પણ તે સ્પર્ધાથી અલિપ્ત હોવાને કારણે આપણેય તેમ કરીએ એવું મને લાગતું નહિ અને લાગ્યું હોત તો તે શાસ્ત્રીજીને કહેવાનું સાહસ મારી પાસે નિશ્ચિતપણે ન હતું.

અમારું એસ.એસ.સી.નું પરિણામ જાહેર થયું. અમારી શાળામાં તાંત્રિક શિક્ષણ વિષય લીધો હોય તેમનો એક સ્વતંત્ર વર્ગ હતો. તે વર્ગને બાદ કરતા બાકીનાં બધાં નવ વર્ગમાં હું શાળામાં સર્વ પ્રથમ આવ્યો. તાંત્રિક શિક્ષણ વિષય લીધેલા વર્ગમાં એકંદર ગુણસંખ્યામાં મારાં કરતાં એક ગુણ વધારે મેળવનાર કેવળ એક વિદ્યાર્થી નીકળ્યો. તે વખતે વિશેષ પ્રાવિણ્ય બદલ મને મરાઠી, સંસ્કૃત અને ગણિતનાં અનેક પારિતોષિક મળ્યા. વિશેષ તો સંસ્કૃતનાં ‘જગન્નાથ શેઠ શિષ્યવૃત્તિ’નું માન થોડાકમાં હાથમાંથી સરી ગયું. અનેક વર્ષો પછી છબિલદાસ શાળાનો વિદ્યાર્થી ‘શંકરશેઠ શિષ્યવૃત્તિ’ મેળવવાની આટલી નજીક પહોંચ્યો હતો, તેને કારણે શાળામાં આનંદ આનંદ છવાઈ ગયો. સંસ્કૃતનાં જોષીસર તો હરખાઈ ઊઠ્યા. આનંદના અતિરેકમાં તેમણે પૂછપરછ કરી.

‘વારુ કોણ છે એ વિદ્યાર્થી, સાને ? બાપટ ? સુળે ?’

આ બધા પ્રશ્નોનાં નકારાર્થી જવાબ મળવાને કારણે શાસ્ત્રીજી ચકરાઈ ગયા. જાધવ નામનો કોઈક વિદ્યાર્થી છે એવું તેમને કહેવામાં આવ્યા પછી તે અચંબામાં પડી ગયા.

‘આ વિદ્યાર્થી મારાં જ વર્ગમાં હતો કે ? મને શાથી યાદ આવતો નથી ?’ તેમણે તર્ક લડાવ્યો અને ‘આ વિદ્યાર્થી દેકાય છે કેવો ચહેરે એતો જોઈએ’ કહેતાં મળવા માટે મને સંદેશો મોકલ્યો.

શાસ્ત્રીજીએ આનંદિત થઈ મને બોલાવ્યો તો ખરો, પણ તે વખતનાં સામાજિક, આર્થિક વાતાવરણનો એટલો વિલક્ષણ પ્રભાવ મારા મન પર હતો કે હું ગભરાઈ ગયો. ઉચ્ચ જાતિનાં ઇતર વિદ્યાર્થીઓને શેહ આપવાને કારણે તે ગુસ્સે થઈને મને શિક્ષા કરશે, કદાચિત માર પડશે એ બીકે મેં તેમને મળવાનું ટાળ્યું. આ આશ્ચર્યજનક લઘુતાગ્રંથી બદલ બીજાને આશ્ચર્ય થવાનો સંભવ છે. તે સમજવા માટે દલિતોને કુચેષ્ટા અને અવહેલનનાં જે અંગારા પર ચાલવાની સમાજવ્યવસ્થા ફરજ પાડતી એ ધ્યાને લેવું આવશ્યક છે.

હું ૧૯૬૯નાં વર્ષમાં એસ.એસ.સી. થયો તે વખતે સારાં માર્ક્સ મેળવેલા બહુસંખ્ય વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહ તરફ વળતાં હતા. મેં ય વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવ્યો. મારાં બધાં ભાઈભાંડુઓનું શિક્ષણ સિદ્ધાર્થ કૉલેજમાં થયું હતું. ડૉ. આંબેડકરે સ્થાપના કરેલ સિદ્ધાર્થ કૉલેજમાં પ્રવેશ ન લેતાં ડૉ. આંબેડકરે જે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું ત્યાં મારો પ્રવેશ લેવો એ નિર્ણય ભાઈનો. પ્રવેશ લેવા માટે ભાઈ જાતે મારી સાથે કૉલેજમાં આવ્યો હતો.

ઍલફિન્સ્ટન કૉલેજનાં સ્પર્ધાત્મક વાતાવરણમાં મારી શૈક્ષણિક પ્રગતિ સિદ્ધાર્થ કૉલેજ કરતાં વધુ સારી થશે એવો ભાઈનો આશાવાદ હોવો જોઈએ. પણ થયું તેથી વેગળું જ. શાળાનાં બંધિયાર વાતાવરણથી કૉલેજનાં સ્વછંદી વાતાવરણમાં હરખાઈ ગયો. તેમાંથી જ રખડવા લાગ્યો. પછી થવાનું હતું તે જ થયું. કૉલેજનાં પહેલાં વર્ષમાં મારી માર્ક્સની ટકાવારી સર્‌ર્‌.ર્‌ નીચે આવી.

મારી શૈક્ષણિક અધોગતિ જોઈને ઘણાએ મને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો. કેટલાકે લુચ્ચાઈથી તો કેટલાકે પ્રામાણિકપણે. મને બંને પર ખૂબ જ ચીડ ચડી. હું છંછેડાયો હતો. એસ.એસ.સી.માં ઉત્તમ માર્ક્સ મેળવવાને કારણે સર્વત્ર જે આનંદ થયો હતો તેને કારણે મારા સામર્થ્ય અંગે ના બોલ્યો છતાંય થોડો વિશ્વાસ જણાતો હતો. થોડોક અહંભાવ સુદ્ધા જાગૃત થયો હોવો જોઈએ. આ રીતે બીજાઓને આપણી દયા આવે એની શરમ અનુભવાતી હતી.

તે ઉનાળાની રજાઓમાં હું પરભણી ગયો. ભાઈ ત્યાં જિલ્લાધિકારી હતો. મુંબઈથી દરેક પ્રકારે વેગળા એવા પરભણીનાં તે વાતાવરણમાં શાંતિથી મેં મારા ભવિષ્યનો વિચાર કર્યો. મનમાં અકળામણ વધી રહી હતી. પોતાનાં જીવન અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો તે મારો પહેલો જ પ્રસંગ. તે વખતે ડૉ. આંબેડકરનાં ચરિત્રનો, તેમજ તેમનાં વિષયે લખાયેલાં પુસ્તકોનો અભ્યાસ થયો. અલબત્ત, ભાઈની પ્રેરણાથી. એ મારાં જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો એવું આજ અનુભવું છું.

‘અત્ત દીપ ભવ’ (તું જ તારો દીપ થા) - આ ડૉ. આંબેડકરની શિખામણ મનમાં ઉતરી ગઈ. આપણું જીવન રખડતાં ફરતાં જવાં ન દેતા સમજણપૂર્વક તેને દિશા આપવાની આવશ્યકતાનાં મનમાં બી રોપાયાં. ઍલફિન્સ્ટન કૉલેજમાં ફરી પ્રવેશ લઈશ તો પહેલાનાં મિત્રોની ટોળકીમાંથી બહાર નીકળી શકાશે નહિ અને તેને કારણે ફરીથી બહેકી જવાની શક્યતા લક્ષ્યમાં લઈને મેં કૉલેજ બદલવાનો નિર્ણય લીધો.

અમારા વડાલાનાં ઘરથી નજીક જ આવેલી રુઈયા કૉલેજમાં પ્રવેશ લેવાનું મેં નક્કી કર્યું. મને પહેલા વર્ષમાં જે માર્ક્સ મળ્યા હતા તેને આધારે રુઈયા જેવા સારી કૉલેજમાં પ્રવેશ મેળવવો બધી રીતે અશક્ય હતો. પણ હું ઈર્ષ્યાથી સળગી ઊઠ્યો હતો. આપણે રુઈયામાં પ્રવેશ મેળવવો છે જ અને તે પણ બીજા કોઈનીય મદદ લીધા વિના. હું રુઈયા કૉલેજનાં પ્રાચાર્ય કુલકર્ણીને મળવા ગયો. ત્યાં થોડીક ઉપલબ્ધ જગાઓ માટે સન્માનનીય મોટાઓની ચિઠ્ઠીઓ લઈ અનેક ઇચ્છુક ઊભા રહ્યા હતા. મારો મનોમન નિશ્ચય થયો હતો તેથી નિરાશ થયા વગર નિડરતાથી હું પ્રાચાર્યની કૅબિનમાં ઘુસ્યો. કશુંય છુપાવ્યા વગર, પ્રામાણિકતાથી મેં સત્ય પરિસ્થિતી તેમને કહી અને મારે મારાં આયુષ્યની ગાડી ફરીથી પાટે ચડાવવા માટે રુઈયા જેવા કૉલેજમાં પ્રવેશ મેળવવો કેટલો આવશ્યક છે તે સ્પષ્ટ કર્યું. પ્રાચાર્ય કુલકર્ણી તેમનાં કડક સ્વભાવ માટે પ્રસિદ્ધ હતા. તેમણે મારી સામે ધારીને જોયું અને કેટલાક ગણીને પણ ચોક્કસ પ્રશ્નો પૂછ્યાં. વિશેષ પ્રકારે સન્માનનીય મોટાઓની ચિઠ્ઠીઓ લઈને આવેલાં ઇતરોને કોરે મૂકીને તેમણે મને પ્રવેશ આપ્યો. મને અતિશય આનંદ થયો. ખરું તો આયુષ્યમાં પહેલી જ વખત મેં આવી હિંમત કરી હતી અને પ્રામણિકપણે વાસ્તવિક સ્થિતીનો સામનો કરવાનું ફળ પરિપાક યશસ્વી નીવડ્યું હતું. એ પ્રસંગ ઘણું શિખવી ગયો.

રુઈયા કૉલેજમાં પ્રવેશ મળ્યો ખરો, ફણ એક ગણિત વિષય સિવાય વિજ્ઞાન શાકાનાં ઇતર વિષયમાં રસ પડતો નહતો. આપણે આટ્‌ર્સમાં પ્રવેશ કરીને જુદી જુદી ભાષાઓનાં, વિશેષતઃ અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવો જોઈતો હતો એવું રહી રહીને લાગવા લાગ્યું. મેં વિજ્ઞાન શાખામાં પ્રવેશ લીધાનું કહ્યા પછી ભાષા શીખવનાર મારાં કેટલાક શિક્ષકોએ ખિન્નપણે ડોકું હલાવ્યું હતું, તેની યાદ આવી. ઍલફિન્સ્ટન કૉલેજમાં હતો ત્યારે કશાકનું પ્રમાણપત્ર મેળવવા હું શાળામાં ગયો હતો. હાથમાં કૉલેજનો ‘એલફિન્સ્ટનિયન’ વાર્ષિક અંક હતો. સાખરદાંડે સરની મુલાકાત થઈ. તે વખતે પેલો અંક મેં આગળ ધર્યો. તેમાં મારો લેખ નથી એ જાણ્યા પછી એ ખોલીનેય ન જોતાં ‘તમારો લેખન હોય તો પછી જોવાનો શો અર્થ છે ?’ એમ કહી મારે લખવું જોઈએ એનું ભાન તેમણે કરાવી દીધું હતું. તેનુંય સ્મરણ થયું. ખરું તો આજે સંસ્કૃતની શ્રેષ્ઠ સાહિત્યકૃતીઓનો કે સંતવાઙ્મયનો અભ્યાસ કરીને વધુ એક ડૉક્ટરેટ મેળવીએ એવું મને વારંવાર થયા છે તેથી મારી પત્ની મારા આવા વિચારને મને આવતાં ‘વાઙ્મયીન ઝટકા’ કહેતી. તો વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવવાને કારણે આપણા જીવનનાં ગણિતમાં ભૂલ થઈ છે એવું મને થવા લાગ્યું. મનમાં સતત અજંપો રહેતો હતો. અભ્યાસમાં ચિત્ત લાગતું ન હતું. પરિણામે ઇન્ટર સાયન્સમાં પણ હું સારા માર્ક્સ મેળવી શક્યો નહિ.

ઇન્ટર સાયન્સની પરીક્ષા પછીનાં, ઉનાળાની રજાઓમાં મસુરી જવાનો યોગ આવ્યો. મિડ-કેરિયર પ્રશિક્ષણ માટે ભાઈ ભાભી સાથે મસૂરી ‘લાલબહાદુર સાસ્ત્રી ઍકેડેમી’માં ગયો હતો. તેમની સાથે રજાનાં કેટલાક દિવસ ગાળવા માટે આગગાડીમાં હું દહેરાદુન માર્ગે મસૂરી જઈ પહોંચ્યો. મારા જીવનનો બીજો વળાંક મળ્યો તે ત્યાં.

મસૂરીમાં ભાઈ જેવા અનેક આઈ.એ.એસ. અધિકારીઓને મળી શકાયું. તેમની રહેવાની શૈલી જોવા મળી. તેમને મળનારી કામની તક તેમજ સુવિધાની જાણ થઈ. ચબરાકીયાં અંગ્રેજીમાં ‘કાવ્ય-શાસ્ત્ર-વિનોદ’ કરનારા આઈ.એ.એસ. અધિકારી જોઈને આપણનેય તેમનાં જેવાં થતાં આવડવું જોઈએ એવું પરાકાષ્ઠાએ લાગવા લાગ્યું. હવે મુંબઈની ‘સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડમિનિસ્ટ્રેટીવ કેરિયર્સ’ એ આઈ.એ.એસ.નાં પ્રશિક્ષણ માટેની સંસ્થામાં દર વર્ષે વ્યાખ્યાનો આપવા મને બોલાવવામાં આવે છે, તે વખતે મસુરીની યાદ આવ્યા સિવાય રહેતી નથી. પણ તે વખતે કેવળ, તેમનાં જેવા થવું હોય તો તે માટે શિક્ષણ સારી રીતે પૂરું કરવું જોઈએ અને તે સિવાય વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થવો જોઈએ, એ બંને વાતોની આવશ્યકતા મન પર અંકાઈ ગઈ.

પણ કરવું શું ? હું વિજ્ઞાન શાખામાં અટવાઈ ગયો હતો અને તે વિષયમાં તો મને બિલકુલ રસ ન હતો. સદ્‌ભાગ્યે, તે વખતે પ્રા. વિ. મ. દાંડેકર અને પ્રા. રથનાં લખેલાં ‘પૉવર્ટી ઇન ઇન્ડિયા’ (ભારતની ગરીબી) એ નાનકડો ગ્રંથ મારા વાંચવામાં આવ્યો. અક્ષરશઃ ઓઝટમાં આવીને મેં તે ગ્રંથ ફરી ફરી વાંચ્યો અને મારો નિશ્ચય થયો ! બસ ! આપમે હવે પછી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો છે.

મુંબઈ પાછા આવ્યા પછી આંકડાશાસ્ત્ર - અર્થશાસ્ત્ર આ જોડિયાં વિષય લઈને મેં રુઈયા કૉલેજમાં બી.એસ.સી. માટે પ્રવેશ લીધો. અચાનક સૂર મળી ગયા જેમ લાગવા લાગ્યું. એટલું જ નહિ. હાથમાં એકાએક પુષ્કળ લાભ થયાનો આનંદ થયો. ઉત્સાહપૂર્વક મેં અભ્યાસની શરૂઆત કરી અને તે સાથે વ્યક્તિત્વનો વિકાસ થાય એવાં રચનાત્મક કાર્યમાં પ્રયત્નપુર્વક સ્વતઃને ગૂંથી લેવાનો પ્રયત્ન શરૂ કર્યો.

સદ્‌ભાગ્યે સરસ તકો મળતી ગઈ. પહેલી તક મળી તે જ મૂળે અભૂતપૂર્વ સ્વરૂપની હતી. ૧૯૭૧નાં ભારત-પાક યુદ્ધ વખતે લાખોની સંખ્યામાં બાંગ્લાદેશી નિર્વાસિતો ભારતમાં આશ્રયે આવ્યા હતા. દેશભરમાં તેમનાં જે અનેક કૅમ્પ ઊભા કરવામાં ાવ્યા હતા, તે પૈકી એક હતો મધ્યપ્રદેશનાં રાયપૂર પાસે, માના એ ઠેકાણે. આ કૅમ્પસ્માં સામાજિક કાર્ય કરવા માટે રુઈયા અને પોદ્દાર કૉલેજમાંથી રાષ્ટ્રિય સેવા યોજના હેઠળ એક ટુકડી જવાની હતી. તેમાં હું સામેલ થયો. હમણાં જ ઊભા કરવામાં આવેલા તે માના કૅમ્પમાં પ્રચંડ અંધાધૂંધી હતી. ત્યાં પહોંચેલી સ્વયંસેવકોની પહેલી જ ટુકડી અમારી. અમે ત્યાં ગયા ત્યારે દિવસનાં નેવુથી સો માણસો ભૂખમરા અને અતિસારને કારણે મરતાં હતાં. થોડાં અઠવાડિયાનાં અમારાં વસવાટમાં અમે ત્યાંના પ્રશાસનમાં ઘણીખરી બાબતોમાં એકસુત્રતા લાવી શક્યા. તેને કારણે મૃત્યુનું પ્રમાણ દિવસનાં ત્રીસથી ચાળીસ સુધી લાવવામાં અમને સફળતા મળી. સર્વસ્વ ગુમાવી બેઠેલાં અને જીવન-મૃત્યુની સીમારેખા પર ઝોલાં ખાતાં એ હજારો જીવોને જોતાં અને તેમના માટે અક્ષરશઃ જીવનદાયી કાર્ય કરતાં એક અવિસ્મરણીય અનુભવ માનસપટ પર અંકાઈ ગયો. આ અનુભવ વિશે એક લેખ મેં રુઈયા કૉલેજનાં વાર્ષિક વિશેષાંકમાં તે વખતે પ્રસિદ્ધ કર્યો હતો.

તે પછી એક સામાજિક સંસ્થા તરફથી મુંબઈ બહાર પાલઘર પાસેનાં મનોરી ગામે આદિવાસીઓ માટે એક યોજના ચલાવવામાં આવતી હતી તેમાં હું જોડાયો. શાહુકારોએ હડપ કરેલી જમીનો તેમને પરત આપવી તેની પર આધુનિક પદ્ધતિની ડાંગર વાવણી કરવાનું કામ તેમને શિખવવામાં આવતું હતું. ત્યાં હું વચ્ચે વચ્ચે કામ કરવા લાગ્યો. તેને કારણે મુંબઈ જેવા મહાનગરની આટલી નજીક રહેલી ભયંકર ગરીબીનાં વિદારક દર્શન થયાં. પછી ત્યાં ઉત્તમ સામાજિક કાર્યનું નેતૃત્વ કરનારા ગૃહસ્થ એ જુદી જ રીતે આદિવાસીઓ પર પોતાની આગવી હુકમશાહી લાદતાં હતાં તે ધ્યાને આવ્યા પછી મને ગમતું નહિ. તેમાંય તે સામાજિક કાર્ય એક રાજકીય પક્ષના કામે જબરદસ્તીથી લગાડવામાં ાવ્યું હતું, એનુંય ભાન થયું. પછી હું તે પ્રકલ્પમાંથી બહાર નીકળી ગયો.

તે જ અરસામાં રુઈયા કૉલેજમાં વાર્ષિક વાદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિષય હતો ‘પછાતવર્ગોની બધી સવલતો તત્કાળ બંધ કરવી જોઈએ.’ વક્તૃત્વ એ આપણી જાગીર છે એવું તે વખતે મને લગીરેય લાગતું ન હતું. ચાર લોકોમાં મોં ખોલીને ભડભડ બોલવુંય મને ભારે લાગતું પછી વક્તૃત્વ કેવી રીતે કરવાનો હતો ? પણ તે વિષય જોઈને હું ઉત્તેજિત થયો. રુઈયા જેવી સજ્જડ બ્રાહ્મણ છાપની કૉલેજમાં તે વિષય પર કઈ બાજુએ વિચારો રજૂ કરવામાં આવશે તે સ્પષ્ટ હતું. તેને કારણે તે વિષય પર બોલવું એ મારી નૈતિક જવાબદારી છે એવું લાગવા લાગ્યું પણ હિંમત થતી ન હતી. કારણ ‘રાનડે વાદ સ્પર્ધા’ જેવી આખાયે મહારાષ્ટ્રમાં ગૌરવપૂર્ણ લેખાતી સ્પર્ધામાં વિજેતાપદ મેળવનાર અનેક ઉત્કૃષ્ટ વિદ્યાર્થી વક્તા રુઈયા કૉલેજમાં હતા. અત્યારે નર્મદા આંદોલનનું નેતૃત્વ કરનારા શ્રીમતી મેધા પાટકર તેમાંના જ. આવાં રથી-મહારથી સામે આપણો કેવો પરાભવ થાય એવું થતું હતું, પણ ડૉ. આંબેડકરની પ્રેરણા સ્વસ્થ બેસવા દેતી ન હતી. ઇનામ મળો અથવા ન મળો, પણ દલિતોનો પક્ષ પ્રભાવપણે રજૂ થવો જોઈએ એ ભાવનાથી હું ભડકી ઊઠ્યો. જિદ્દમાં હું તે સ્પર્ધામાં ઉતર્યો. ઉત્તેજન દિનેશનું. સખત મહેનત કરી મેં ભાષણ તૈયાર કર્યું. ઘરનાં લોકોને અને મિત્રોને એકઠાં બેસાડીને તેમની સામે એક વખત પ્રયોગાત્મક તાલીમ લીધી.

અપેક્ષા પ્રમાણે પ્રત્યક્ષ વાદ સ્પર્ધામાં દલિતોની બાજુએ બોલનાર કોઈપણ નહતું. તેમનો પક્ષ લીધો તે મેં જ. મારા તે ભાષણમાં વિચારો ખૂબ પ્રગલ્ભ હતાં એવું નથી. પણ આવેશની લગોલગ કહી શકાય એટલો આવેશ ચોક્કસ હતો. વક્તૃત્વનાં પહેલા જ પ્રયત્નમાં હું બાજી જીતી ગયો અને પહેલું પારિતોષિક હસ્તગત કર્યું. જ્વલંત ઇચ્છા હોય અને તેને કઠોર પરિશ્રમનો સાથ હોય તો, સહજસાજ અસાધ્ય લાગતી વાતો સહજ સાધ્ય થઈ શકે છે તેની મને પ્રતીતિ થઈ.

પરિસ્થિતિ સાથે લડીને આગળ આવવાનો પ્રયત્ન કરનાર કોઈપણ

વ્યક્તિને આનંદદાયી લાગનારી આ ઘટના. પણ આ ઘટનાને પણ એક ક્ષુદ્રપણાની ઝૂલ છે. સ્પર્ધાનું તે પારિતોષિક કાયમી પ્રથા અનુસાર સમારંભપૂર્વક વાર્ષિક સંમેલનમાં પ્રદાન ન કરતાં, તકરાર કરતાં, કૉલેજની કૅન્ટીનમાં કાંઈપણ જાહેરાત કર્યા વગર મને આપવામાં આવ્યું. પછી અનેક વર્ષ તેનો ઉચાટ મારા મનમાંથી ખસતો ન હતો. હવે માત્ર, તે આયોજકપ્રધ્યાપકની દયા આવે છે.

તે વાદસ્પર્ધાનું મારા પર જુદું જ પરિણામ થયું. આપણે વક્તૃત્વ કરી શકીએ છીએ એવો વિશ્વાસ મારા મનમાં પહેલી જ વખત નિર્માણ થવા લાગ્યો. પછી મુંબઈનાં એક વક્તૃત્વોત્તેજક મંડળમાં હું જોડાયો. તે વખતે મુંબઈમાં જુદા જુદા ઉત્સવોમાં પ્રચલિત સામાજિક વિષયો પર ચક્રી વ્યાખ્યાનો થતાં હતાં. ચક્રી વ્યાખ્યાનો એ મજાનો પ્રકાર હતો. એક જ વિષયની જુદી જુદી બાજુ અગાઉથી નક્કી કરેલાં વક્તાઓએ ભિન્ન ભિન્ન ભૂમિકાએ શરૂઆત કરવાની અને એકબીજા માટે વાદ કરવાનો આવું આ વ્યાખ્યાનોનું સ્વરૂપ હતું. કેટલાક ચક્રી વ્યાખ્યાનોમાં મેં ઉત્સાહથી ભાગ લીધો. પછી હું દલિત સમાજમાંથી આવ્યો હોવાની જાણ થતાં તે વક્તૃત્વોતેજક મંડળનાં કેટલાક કાર્યકરોને મારાં વક્તૃત્વને ઉત્તેજન આપવાની આવશ્યકતા જણાતી ન હતી. મારાં ધ્યાને તે આવતાં હું તેમાંથી અળગો થયો.

આ બધી મથામણ ચાલતી હતી ત્યારે અભ્યાસ સુદ્ધાં ભારપૂર્વક ચાલુ રાખ્યો હતો. તનતોડ મહેનત કરતો હતો. પરંતુ કૉલેજનાં પહેલાં બે વર્ષમાં વધુ સફળતા હાથ ન લાગવાને કારણે આત્મવિશ્વાસ વળી ડગુમગુ થયો. વ્યાવસાયિક સફલતા માટે પદવી પરીક્ષામાં પ્રથમ વર્ગ મળવો જરૂરી હતો. કેટલોય અભ્યાસ કરીએ તોય સફળતાની ખાત્રી થતી ન હતી. હજારો એન્જિનિયર્સ બેકાર હોવાનાં સમાચાર વાંચી હું હેબતાઈ જતો હતો. પ્રથમ વર્ગ નહિ મળે તો શું એ પ્રશ્ન ડરાવતો હતો. ભવિષ્ય અંધકારમય દેખાતું હતું. તે ડગુમગુ મનઃસ્થિતિમાં મારી ચિંતા મેં બાને કહી સંભળાવી. મારી સાદી, ભોળી બાને મારી ચિંતાનું કારણ સમજાતું નહતું. તે વખતે ભાઈ

મુંબઈ (ઉપનગર) જિલ્લાનો અતિરિક્ત જિલ્લાધિકારી હતો. કલેક્ટર એટલે અમારી બાનો વિશ્વનો બધાંયથી મોટો અધિકારી. તેણે કહ્યું :

‘અરે ભાઈ, તું શું કામ ચિંતા કરે છે ? તારો ભાઈ કલેક્ટર છે. એ તને ગમે ત્યાં કામે લગાડશે.’

જે માનસિક અસ્તવ્યસ્તતામાંથી હું તે વખતે પસાર થયો હતો તેમાંથી મારી અંદરનો હું અંદર જ ઉછળતો હતો. એવા સાત્વિક સંતાપ સાથે ગુસ્સામાં મોઢે આવ્યું તેમ કહ્યું :

‘મારો ભાઈ દુનિયાનો રાજા હશે, પણ તેથી મારે શું. એની મોટપ પર હું જીવું તે કેમ ? મારે જ મારું કાંઈ સારુ-નરસું કરવું જોઈએ કે નહિ ?’

મેં કઠોર પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. ઇતર બધાં પ્રલોભનો દૂર રાખ્યા હતા. પરીક્ષા વખતે તો હું અભ્યાસ સિવાયની બધી જ વાતો બંધ કરી દેતો હતો. પોતાનું સામર્થ્ય સિદ્ધ કરવાની આ છેવટની તક છે એવું મને સતત લાગતું હતું. તેને કારણે હું લગની લાગી હોય તેમ અભ્યાસ કરતો હતો. પરીક્ષા થઈ. પેપર્સ સારાં ગયાં. પણ, આત્મવિશ્વાસ ડગુમગુ હોવાને કારણે પ્રથમ વર્ગ સહેજમાં જશે એવું રહી રહીને લાગતું હતું. છેવટે એ વખતની પદવી પરીક્ષાનું પરિણામ આવ્યું.

તે વખતે પદવી પરીક્ષાનું પરિણામ વર્તમાનપત્રમાં આવતું હતું. પરિણામનો એ દિવસ મને આજેય બરાબર યાદ છે. સવારે વહેલો ઊઠી હું વર્તમાનપત્ર લેવા વડાલા સ્ટેશન પર દોડ્યો. ધ્રુજતાં હાથે મેં વર્તમાનપત્ર ખોલ્યું અને પ્રથમવર્ગની યાદીમાં મારો નંબર શોધવા લાગ્યો. મારાં પેટમાં ફાળ પડી. અનેક સહાધ્યાયી મિત્રોનાં નંબર પ્રથમ વર્ગની યાદીમાં ગર્વભેર શોભતાં હતા. આપણે કેટલાય પ્રયત્નો કર્યા છતાં યશસ્વી નીવડી શક્યા નથી એ સમજાતાં હું પૂરો ભાંગી પડ્યો હતો. નાછુટકે મેં નીચે બીજા વર્ગની યાદી તરફ નજર નાંખી અને હું કંપી ઊઠ્યો. મારો નંબર ત્યાંય ન હતો. મારો પ્રથમ વર્ગ સહેજમાં ચૂક્યો નહતો. તો બીજો વર્ગ સુદ્ધાં હું મેળવી શક્યો નહતો. ક્ષણભર હું જીવવાને લાયક નથી એવો વિચાર મનમાં ઝડપથી આવી ગયો, પણ ક્ષણભર જ. મેં કરેલો કઠોર પરિશ્રમ આંખો સામે આવ્યો અને બીજો વર્ગ સુદ્ધાં મેળવી શક્તો નથી એ પર મને વિશ્વાસ થતો નહતો. ગભરાતાં ગભરાતાં પછી મેં ફરીથી ઉપર નજર નાંખી અને અહો, આશ્ચર્યમ્‌, વિશેષ પ્રાવીણ્ય સાથે પ્રથમ વર્ગની (ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટીંક્શન) નાની યાદીમાં મારો નંબર સોહામણી મુદ્રામાં મને સંકેત પાઠવી રહ્યો હતો. માર્ગેથી દૂર ભલે ગઈ હોય, મારી આયુષ્યની ગાડી વળી પાટા પર આવી ગઈ હતી.

૧૯૭૩નાં વર્ષમાં બી.એસ.સી. થયા પછી એમ.એ. માટે મેં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. વિષય અલબત્ત, અર્થશાસ્ત્ર તેમાંય ગણિતી અર્થશાસ્ત્ર (મેથેમેટિકલ ઇકોનોમિક્સ) અને અર્થમીતિ (ઇકોનોમેટ્રિક્સ) એવા, બીજી રીતે અઘરાં ગણવામાં આવતાં વિષયો મેં લીધા. અત્યંત પ્રિય વિષય અને પ્રા. બ્રહ્માનંદ, પ્રા. ભારદ્વાજ, પ્રા. પંચમુખી જેવા ઉત્કૃષ્ટ શિક્ષકોને કારણે વિદ્યાઉપાર્જનનો વિશુદ્ધ આનંદ હું માણવા લાગ્યો.

એમ.એ.નાં પ્રથમ વર્ગમાં હતો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ અને યુવાન પ્રાધ્યાપક જે પરીક્ષામાં બેસતાં તેમાં હું ય કેવળ ગંમત ખાતર સ્ટેટ બૅંક પ્રોબેશન અધિકારીની પરીક્ષામાં બેઠો. વિશેષ તો પહેલા જ પ્રયત્ને લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. પછી મુલાકાત અને ‘ગ્રુપ ડિસ્કશન’ માટે બોલાવવામાં આવ્યો. ત્યાંય મારી કામગીરી સરસ થઈ એવું મનોમન લાગ્યું. પણ, તે સાથે જ લાગવગ સિવાય આપણને અધિકારીની જગા કોણ આપવાનું છે એવું માનતો હતો, તેમાંય પચાસ-સાઈઠ હજાર ઇચ્છુકોમાંતી ફક્ત બસો જણને પસંદ કરવાનાં હતા, એવી આંકડાવારી બીવડાવતી હતી.

મારી ઉત્સુકતા જોઈને ભાઈએ ધીમેથી પૂછ્યું, ‘કોઈકને વાત કરું કે ?’

એક તરફ લાગવગ સિવાય આપણે સફળ થવાનાં નથી, એવી બીક સતાવતી હતી. પણ તે સાથે જ પોતાનું સામર્થ્ય અજમાવી જોવા સારુ હું ઉત્સુક હતો. મેં ભાઈને ચોખ્ખે ચોખ્ખી તાકી આપી, ‘તું કોઈને કહીશ તો મને ઑફર મળશે તોય હું નકારીશ.’

સ્ટેટ બૅંકનાં પરિણામની હું ઉત્સુકતાથી રાહ જોતો હતો. બધાં મુખ્ય વર્તમાનપત્રો તરફ લક્ષ્ય રાખ્યું હતું. છેવટે પરિણામ પહેલાં જાહેર થયું તે ‘ફ્રી પ્રેસ’ જેવા, મેં લક્ષ્ય ન રાખેલા વર્તમાનપત્રમાં. તેને કારણે પરિણામ મારા હાથમાં આવ્યું તે સાંજે કમાલ એ કે મને મારો નંબર યાદ ન હતો. સ્ટેટ બૅંકની લેખિત પરીક્ષા મેં કેવળ ગમ્મત ખાતર આપી હતી. તેને કારણે તે સંબંધી કાગળપત્રો સાચવીને રાખ્યા ન હતા. ઘરમાંના બધા કાગળો-પત્રો ઉથલાવી નાંખ્યા. પણ સ્ટેટ બૅંકનો ખતપત્ર મળતો જ ન હતો. હું ખૂબ ઊંચો-નીચો થયો. છેવટે બીજા દિવસે સવારે વહેલા સ્ટેટ બૅંકનાં મુખ્ય કાર્યાલયમાં જઈને આપણું પરિણામ જોવું એમ નક્કી કર્યું.

એ દિવસ બહુધા ૧લી જુલાઈ ૧૯૭૪નો. એ દિવસ હું ભૂલી શકું એ કદાપિ શક્ય નથી. તે વખતે વરસાદે રમઝટ બોલાવી હતી. આગલાં જ અઠવાડિયામાં તે પહેલાંનાં સો વર્ષનો વરસાદનો વિક્રમ નોંધાયો હતો. મુંબઈ નગરીને ઇટાલીનાં વેનિસ શહેરની જળમય છટા આવી હતી. આખુંય જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ઉપરથી વરસાદ અનરાધાર વરસી રહ્યો હતો. હું કેવળ નોકરી માટે આપેલી પહેલવહેલી પરીક્ષાનું પરિણામ જાણવા અધીરો બન્યો હતો. ધોધમાર વરસાદમાં, મળે એ વાહનનો આશ્રય લેતાં ચાર-પાંચ કલાકનો પ્રવાસ કરીને જેમ તેમ અધમૂઈ અવસ્થામાં હું સ્ટેટ બૅંકનાં મુખ્ય કાર્યાલયમાં આવી પહોંચ્યો. અને ‘હા હન્ત હન્ત’ અભૂતપૂર્વ વરસાદને કારણે સ્ટેટ બૅંકે તે દિવસ ખાસ રજા જાહેર કરી હતી !

ત્યાં જ રહેતા ભાઈને ત્યાં મેં રાત પસાર કરી અને બીજા દિવસે સવારે ફરીથી સ્ટેટ બૅંકનાં મુખ્ય કાર્યાલય પાસે આવી પહોંચ્યો. યોગાનુયોગ તે વખતનાં સ્ટેટ બૅંકનાં મુંબઈ રિજીયોનલનાં પર્સોનલ મૅનેજરશ્રી એન. એસ. કુલકર્ણી મને મુખ્યાલયની સામે જ મળ્યા. મુલાકાત વખતે ‘ગ્રુપ ડિસ્કશન’નું આયોજન તેમણે જ કર્યું હોવાને કારણે કે કેમ, પણ તેમણે મને તત્કાળ ઓળખ્યો અને પ્રેમથી હાથ મિલાવી પ્રોબેશનરી અધિકારી તરીકે પસંદ થવા બદલ મને અભિનંદન આપ્યા. મને વિશ્વાસ જ બેસતો નહતો. મને ઓળખવામાં તેમની કાંઈ ગફલત થઈ કે કેમ, એવીય શંકા મેં તેમને કહી બતાવી. તેમણે ઓળખાણભર્યું સ્મિત કર્યું અને મને તેમની કૅબિનમાં લઈ ગયા. દસ્તાવેજ બતાવીને હું સફળ થયાનું તેમણે નિર્વિવાદપણે મારી નજર સામે લાવી મૂક્યું. માત્ર ૨૧ વર્ષની વયે સ્ટેટ બૅંકનો અધિકારી હોવાનું ગૌરવ મારા નામે નોંધાયું હોવાનું પણ મને કહેવામાં આવ્યું. મારા આનંદની કોઈ સીમા ન હતી.

હવે પ્રશ્ન હતો. એમ.એ.નું શું ? એમ.એ.નું પહેલું વર્ષ પૂરું થઈને બીજું વર્ષ શરૂ થવામાં હતું. એમ.એ. પૂર્ણ કરવા માટે મારે મુંબઈમાં રહેવું આવશ્યક હતું અને સ્ટેટ બૅંકની પ્રાણાલિકા મુજબ નવા અધિકારી થયેલાં બધાંની નિમણૂંક મુંબઈ બહાર કરવામાં આવતી. હવે કરવું શું ? એમ.એ.નો અભ્યાસ છોડી દેવાની તો મારી બિલકુલ ઇચ્છા ન હતી. પછી મેં પ્રપંચનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

મુંબઈ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્ર વિભાગનાં પ્રમુખ હતા અર્થતજ્જઞ પ્રા. બ્રહ્માનંદ. તેમની મદદ સિવાય એમ.એ. પૂરું કરવું સર્વથા અશક્ય હતું. હું તેમને જઈને મળ્યો અને તેમની માનસિકતા લક્ષ્યમાં લઈ તેમને કહ્યું :

‘સર, હવે સ્ટેટ બૅંકની ઉત્તમ નોકરી ચાલીને આવી છે. તેને કારણે હું એમ.એ. અધવચ્ચેથી પડતું મૂકું છું.’

પ્રા. બ્રહ્માનંદ ચોંકી ઊઠ્યા. ‘ભાઈ, આવો વિચાર સુદ્ધા તું મનમાં લાવીશ નહિ. તારી પાસે અમારી ખૂબ મોટી અપેક્ષા છે. તારો અર્થશાસ્ત્રનો અભ્યાસ પડતો મુકવો એ આપણા દેશ માટે યોગ્ય થશે નહિ.’

‘શું કરું સર, મારી પાસે ઉપાય નથી. મારી નિમણૂંક મુંબઈમાં થઈ હોત તો મારું શિક્ષણ મેં ચોક્કસ પૂર્ણ કર્યું હોત.’

મારી અપેક્ષા પ્રમાણે જ પ્રા. બ્રહ્માનંદ ઉકળ્યા. બધાં કામો તેમણે બાજુએ મૂક્યા અને મને લઈને ત્વરાથી સ્ટેટ બૅંકનાં મુખ્યાલયમાં આવી પહોંચ્યા. પ્રા. બ્રહ્માનંદનાં વિદ્યાર્થી એ બધાં જ મોટામોટા હોદ્દાઓ પર છે. બીજા લોકો માટેય પ્રા. બ્રહ્માનંદને ના કહેવું દુષ્કર હોય છે. તે વખતે સ્ટેટ બૅંકનાં અર્થવિભાગનાં લૉરેન્સ ડિમેલો નામનાં પ્રમુખ હતા. તેમની પાસે જઈને પ્રાધ્યાપક મહાશયે સંભળાવ્યું

‘ગમે તે થાય તોય આ વિદ્યાર્થી માટે એમ.એ.નો અભ્યાસ છોડવો બરાબર નથી. સ્ટેટ બૅંકે શરૂઆતમાં એક વર્ષ માટે તો આને મુંબઈમાં અથવા મુંબઈ પાસે જ નિમણૂંક આપવી જોઈએ.’

પ્રા. બ્રહ્માનંદની મધ્યસ્થીને કારણે સ્ટેટ બૅંકની કલ્યાણ શાખામાં મારી પહેલી નિમણૂંક થઈ. ઉપરાંત લૅક્ચર્સ એટેન્ડ કર્યા વિના પરીક્ષામાં બેસવાની વિશેષ પરવાનગી આપવામાં આવી. તેને કારણે જ સ્ટેટ બૅંકની નોકરી જાળવીને હું એમ.એ. પૂરું કરી શક્યો. પ્રા. પ્રહ્માનંદ જેવા ગુરુજનોનાં ઋણી રહીએ તેટલું થોડું જ.

સ્ટેટ બૅંક પ્રકરણમાં ભાઈ બહુ નરાાજ થયો. હું સ્ટેટ બૅંકની નોકરી સ્વીકારું નહિ એવો તેનો આગ્રહ હતો. ઇતર બધાંય આઈ.એ.એસ. અદિકારીઓની જેમ પોતાનો દીકરો, દીકરી, બાઈ, બહેન જેને જેને શક્ય હોય તે પ્રત્યેક આઈ.એ.એસ. થવું એવી તેની ધારણા હતી (અને આજેય છે.) આઈ.એ.એસ.નાં લોખંડી ચોકઠામાં હું ગુંગળાઈ જઈશ એ વિચારે મને તેમાં ભલાઈ દેખાઈ નહતી.

આપણું કહેવું બીજાઓને સહજ માન્ય નહોય છતાંય અન્ય પ્રકારે અનપેક્ષિત એવો યુક્તિવાદ ઉપસ્થિત કરવામાં ભાઈ નિપુણ છે. તેણે એક નવો જ મુદ્દો આગળ ધર્યો.

‘આજ સુધી દલિત સમાજમાંના કોઈનેય મુંબઈ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.માં પ્રથમ વર્ગ મળ્યો નથી. તને તે મળવાની શક્યતા છે. પણ તું સ્ટેટ બૅંકની નોકરી સ્વીકારીશ તો આ સુવર્ણતક ચોક્કસ જ હાથમાંથી જશે. યૂ કાન્ટ ઇટ દ કેક એન્ડ હેવ ઇટ ટૂ.’

ખરું, તો મારે નોકરી કરવાની જરૂર નહતી. ભાઈનું કહેવુંય ગળે ઉતરતું નહતું. પણ અન્ય હજારો ઇચ્છુકોને મળી ન શકનારી સારી નોકરી ચાલીને આવી હોય ત્યારે તેની તરફ પીઠ ફેરવવી મને વ્યાવહારિક જણાતું ન હતું. મનમાં ઊંડે ઊંડે ધરબાયેલી અસુરક્ષિતતાની ભાવના વળી માથું ઊંચું કરતી હશે. મેં નોકરી સ્વીકારવાનો નિર્ણય લીધો.

હું સ્ટેટ બૅંકમાં હાજર થયો અને એમ.એ.નો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. પ્રા. બ્રહ્માનંદ અને અન્ય પ્રાધ્યાપકોના માર્ગદર્શનને કારણે અને શરદ ખંડકર જેવાં સહૃદયીનાં અમૂલ્ય સહકારને કારણે તૂટ ન પડવા દેતા ૧૯૭૫નાં વર્ષમાં હું એમ.એ. પૂર્ણ કરી શક્યો. વિશેષ તો સ્ટેટ બૅંકની નોકરીની જવાબદારીઓ સંભાળવા છતાંય એમ.એ.માં પ્રથમ વર્ગ મેળવવામાં હું યશસ્વી નીવડ્યો.

‘આય હેવ ઇટન દ કેક એન્ડ હેવ ઇટ ટૂ’ મેં ભાઈને કહ્યું. તેનાં ચહેરા પર આનંદ વહી રહ્યો હતો. તેનાં સ્વપ્નની પૂર્તિ મારી પાસેથી થઈ હતી.

સ્ટેટ બૅંકમાં મેં ત્રણ વર્ષ નોકરી કરી. ઑક્ટોબર ૧૯૭૪થી સપ્ટેમ્બર ૧૯૭૭. આ ત્રણ વર્ષમાં હું કોઈપણ ઉલ્લેખનીય કામગીરી કરી શક્યો નહિ. એક તો હું વયમાં નાનો હતો; વિચારે અપરિપક્વ અને કાર્યાલયમાં કામોમાં બિનઅનુભવી હતો. તેને કારણે મારાં હાથે નાની-મોટી ભૂલો થઈ, પણ તેમાંથી હું શીખતો ગયો. પહેલું વર્ષ મુંબઈમાં અને મુંબઈ નજીક પસાર કર્યા પછીના બે વર્ષ મેં વિદર્ભમાં અકોલા, ભંડારા જિલ્લાનાં સાકોલી, અને વર્ધા જિલ્લામાં આર્વી એ ઠેકાણે પસાર કર્યા. અનેક સારાનરસા અનુભવ મળ્યા. તથાકથિત ઉચ્ચ જાતિનાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ અન્ય પ્રશિક્ષણાર્થીઓને બાજુએ મૂકી કામ શીખવવાનાં હેતુસરર ૪૪.૪૫ અંશ સેલ્સિયસ બળબળતા તાપમાં કરજ વસુલ કરવા માટે મને મોકલવાનું પુણ્ય સંચિત કર્યું. નહિ નહિ તોય, છેલ્લે છેલ્લે વીસ મુદ્દા કાર્યક્રમ હેઠળ આર્વીમાં સેંકડો ગરીબગુરબાને સાઇકલ આપવાનો કાર્યક્રમ મેં અગ્રેસર રહીને યશસ્વી રીતે પાર પાડ્યો. સ્ટેટ બૅંકની મારી નામ લેવા પૂરતી કામગીરી તેટલી જ.

મુંબઈ બહાર બે વર્ષ પસાર કર્યા પછી મને મુંબઈની ચિંતા થવા લાગી. વિદર્ભમાં હતો ત્યારે રિઝર્વ બૅંકનાં અર્થાસ્ત્ર વિભાગ માટે ‘રિસર્ચ ઑફિસર’ની જગા માટેની જાહેરાત યોગાનુયોગ જોવામાં આવી. મેં અરજી કરી. એમ.એ.માં અર્થશાસ્ત્ર વિષયમાં મળેલા પ્રથમ વર્ગને કારણે ઇન્ટર્વ્યૂ માટે બોલાવવામાં આવ્યો. ઇન્ટર્વ્યુ સરસ રહ્યો અને પ્રયત્ન કર્યા વગર રિઝર્વ બૅંકમાં મારી નિમણૂંક થઈ. રિઝર્વ બૅંકનાં સૌથી યુવાન ‘રિસર્ચ ઑફિસર’ તરીકે એક વિક્રમ મારા નામે નોંધાયો.

હું મુંબઈમાં બરાબર યોગ્ય સમયે પાછો વળ્યો એવું કહેવું પડશે. તે વખતે ભાઈ નવ મહિનાનાં પ્રશિક્ષણ માટે ઇંગ્લૅન્ડ જવા નીકળ્યો હતો. સુધાકર એકલો જ નોકરી માટે દુબઈ ગયો હતો, જ્યારે દિનેશ તો પહેલાં જ ‘શિપીંગ’ની નોકરી સ્વીકારીને કલકત્તા રવાના થયો હતો, ત્રણે મોટા ભાઈઓની પત્ની-બાળકો વગેરે પરિવાર મુંબઈમાં જ હતો અને દાદા તો થાકી ગયા હતા. અમારા કુટુંબમાં શૂન્યાવકાશ નિર્માણ થવાનાં સમયે હું મુંબઈ પાછો આવી શક્યો એ સદ્‌ભાગ્ય. વધુમાં ‘કુંવારા બાપ’ તરીકેનાં કેટલાક સુંદર અનુભવો મળ્યા તે વધારામાં જ.

મુંબઈમાં રહેવાની સગવડ અને અર્થશાસ્ત્ર જેવાં ગમતાં વિષયમાં સંશોધન કરવાનાં કામને કારણે રિઝર્વ બૅંકની નોકરી મને તરત જ ગમી ગઈ. આપણી વ્યાવસાયિક ગોઠવણો હવે વ્યવસ્થિત ગોઠવાઈ છે એવું લાગ્યું. પછી સામાજિક કાર્યમાં સ્વતઃને અર્પણ કરવાની લાગણી વળી મનમાં ઉછાળા મારવા લાગી.

ડૉ. રામાસ્વામી જેવા મહાત્મા ગાંધીનાં સાન્નિધ્યમાં ઉછરેલાં અનુભવે કાર્યકર સાથે મેં સામાજિક કામની શરૂઆત કરી. બૌદ્ધ હિતવર્ધિની સભા નામની સંસ્થા ઊભી કરવામાં આવી. પછી તેનું ‘ડૉ. આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ બૅંકિંગ સર્વિસીસ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું. ડૉ. રામસ્વામી અધ્યક્ષ હતા તો હું સરચિટનીસ હતો. રાજકારણથી અલિપ્ત રહેલાં અનેક સારાં કાર્યકરો એકઠાં થયાં.

રાજકારણથી બને તેટલા દૂર રહી રચનાત્મક સમાજકાર્ય કરવં એવું અમે નક્કી કર્યું. તેને માટે બૅન્કિંગ ક્ષેત્ર પસંદ કરવામાં આવ્યું. જુદી જુદી બૅંકોમાં નોકરીઓ માટે જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેની તૈયારી સારુ વિનામૂલ્યે માર્ગદર્શન - વર્ગ લેવાની અમે શરૂઆત કરી. આ પ્રકારનો મુંબઈમાં તે પહેલો જ ઉપક્રમ હતો. તેને અક્ષરશઃ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. મધ્ય રેલવેનાં અંબરનાથ ટિટવાળાથી પશ્ચિમ રેલવેનાં ભાયંદર સુધીનાં દરેક જાતિ-ધર્મનાં ગરીબ વિદ્યાર્થીઓ વડાલાની ડૉ. આંબેડકર કૉલેજમાં ચાલતા અમારા વર્ગમાં આવવા લાગ્યા. વ્યાખ્યાનો લેવાની જવાબદારી મારી સાથે, વસુંધરા (પછી મારી પત્ની થઈ), પ્રા. પાનસરે, ડૉ. કર્ડક અને બૅંકિંગ ક્ષેત્રનાં અન્ય સેવાભાવી અધિકારીઓ લેતા હતા. આ બધીય જહેમત અમે કાર્યકરો ગાંઠનાં પૈસા ખર્ચીને સંભાળતા હતા. કેટલાક નિષ્ણાતો પુરસ્કાર કબુલ કર્યા સિવાય અમારા કાર્યક્રમમાં આવતાં નહિ. પણ આવ્યા પછી, સમાજનાં અત્યંત નીચેનાં સ્તરમાંથી આવેલા અને પોતાનાં પગ પર ઊભા રહેવા આતુર સેંકડો તરુણ-તરુણીઓને જોઈ તેમનો વિચાર બદલાઈ જતો. પછી કબુલ કરેલ પુરસ્કાર સ્વીકાર્યા વગર, વળી બીજી વખત તેમને બોલાવવા સંમત કરાવીને આ તજ્જઞો પાછાં ફરતાં એ ખાસ નોંધનીય બાબત છે.

લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાઓ માટે મુલાકાતનું તંત્ર સમજાવીને કહેવાનો વર્ગ અમે લેતાં હતાં. જાણકાર વ્યક્તિઓની ‘પેનલ’ તૈયાર કરીને તેમની મારફત પ્રત્યેક ઉમેદવારની મુલાકાતની ‘પ્રયોગાત્મક’ મુલાકાત લેવામાં આવતી. અને પછે તે તે ઉમેદવારને તેની અથવા તેની મુલાકાતમાં શું શું ભૂલો થઈ તે સવિસ્તર સમજાવીને કહેવામાં આવતું. તેને કારણે ઉમેદવારોને મુલાકાતનાં તંત્રથી માહિતગાર કરાવવામાં આવતા, ઉપરાંત તેમનામાં આત્મવિશ્વાસ નિર્માણ થતાં અને કેટલીક વખત તે જ તેમની સફળતાની ગુરુચાવી નીવડતી.

આ ઉપક્રમ ખૂબ જ મોટા પ્રમાણમાં સફળ થયો. અક્ષરશઃ સેંકડો તરુણ-તરુણીઓને બૅંકની નોકરી મેળવવી સરળ બની. આજેય હું જુદી જુદી બૅંકોમાં વ્યાખ્યાનો આપવા જાઉં છું, ત્યારે હવે અધિકારી પદ પર પહોંચેલા મારા ‘વિદ્યાર્થી’ અચૂક મળે છે. મારા માટે તે એક આનંદની થાપણ બની રહી છે.

મારાં સામાજિક કાર્યનો વ્યાપ જેમ જેમ વધવા લાગ્યો, તેમ તેમ મારી પાસે, ઘરે અને કાર્યલયમાં નાનામોટા કામો માટે આવનારાઓની સંખ્યા વધવા લાગી. તે વખતે રિઝર્વ બૅંકનાં જે અમર બિલ્ડીંગમાં મારું કાર્યાલય હતું, ત્યાં ખોવાયેલા જેમ ફરતાં એકાદ વ્યક્તિ દેખાય તો લોકો તે વ્યક્તિને તરત મારી પાસે લઈને આવતા. કારણ તેવી વ્યક્તિ ચોક્કસ મને જ શોધતી ફરતી.

મારો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. સામાજિક કાર્યનોય એક ‘નશો’ ચડે છે. મારી બાબતમાંય એમ જ થયું હતું. તે કામોન સંતોષ કેટલોય મોટો હોવા છતાંય તેને કારણે વ્યાવસાયિક જવાદરાીઓ તરફ પૂરતું ધ્યાન આપવું મુશ્કેલ થવા લાગ્યું. મારે અંગત જીવન રહ્યું ન હતું. પછી અર્થશાસ્ત્રનું વાંચન-સંશોધન શું કરવાનો હતો ? રિઝર્વ બૅંકનું કામ હું નિષ્ઠાપૂર્વક કરતો હતો. પણ પોતાની જુદી જ છાપ ઉપસે એવું નક્કર સંશોધનકાર્ય થતું નહતું. એની શરમ આવતી હતી.

મેં ફરીથી કઠોર આત્મપરીક્ષણનો આશ્રય લીધો. વ્યાવસાયિક સ્થિરતા આવી હોવા છતાંય તેમાંથી આપમેળે વ્યાવસાયિક સફળતા સાધ્ય થઈ શકતી નથી એનું ભાન થયું. વ્યાવસાયિક સફળતા માટે અર્થશાસ્ત્રીય વાંચન-સંશોધનમાં ખૂબ સમય આપવાની જરૂરીયાત મારા ધ્યાને આવી. તેમાંથી જ અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટનો અભ્યાસ કરવાની કલ્પના આગળ આવી. આપણે ડૉ. આંબેડકરને આદર્શ માનીએ છીએ ને, પછી તેમની જેમ અમેરિકા જઈને અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ શા માટે ન કરીએ એ વિચાર બીજનાં મગજમાં અંકુર ફૂટ્યા. વસુંધરાએ પણ તે કલ્પના ઉપાડી લીધી અને તે માટે જોઈએ એ ત્યાગ કરવાની તૈયારી દર્શાવી. પણ પરદેશ જવું હોય તો નાણાંકીય સહાય કોણ કરે એ યક્ષપ્રશ્ન સતાવતો હતો. સદ્‌ભાગ્યે ભાઈએ માર્ગ સૂચવ્યો.

ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય તરફથી ઉચ્ચ શિક્ષણ માટે નેશનલ સ્કૉલરશિપ આપવામાં આવે છે. દર વર્ષે પ્રત્યેક વિષયનાં એક વિદ્વાન રાષ્ટ્રિય સ્તરની સ્પર્ધામાંથી પસંદ કરવામાં આવે છે. તે વ્યક્તિને એકાદ પરદેશની યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ માટે મોકલવામાં આવે છે. અને સઘળા ખર્ચની જવાબદારી કેન્દ્ર સરકાર ઉઠાવે છે.

ભાઈએ મને તે જાહેરાત બતાવી. મેં તાબડતોબ અરજી કરી દીધી. બી.એસ.સી. અને એમ.એ. આ બંને પદવીઓમાં પ્રથમ વર્ગ મેળવ્યો હોવાથી મુલાકાત માટે બોલાવવામાં આવ્યો, સમાજકાર્ય કરતાં બૅંક અધિકારીઓની નોકરી ભરતી માટે મુલાકાત આપનાર તરુણ-તરુણીઓને માર્ગદર્શન આપતાં મુલાકાતનું તંત્ર મેં બરાબર ઘૂંટી ઘૂંટીને તૈયાર કર્યું હતું. તેને કારણે આત્મવિશ્વાસ જબરદસ્ત હતો. ડૉ. આંબેડકરનું સ્મરણ કરીને મુલાકાત માટે દિલ્હી ગયો. મુલાકાત સરસ રહી. પણ સફળતાની ખાત્રી ન હતી. રાષ્ટ્રિય સ્તરની તીવ્ર સ્પર્ધા, તેમાંય દલિત સમાજમાંથી આવવાને કારણે પક્ષપાતની શક્યતા, લાગવગશાહીની ભીતિ, આવી અનેક શંકાકુશંકા મનમાં હતી. પણ તેવું કાંઈ થયું નહિ. અર્થશાસ્ત્રનાં નેશનલ સ્કૉલર તરીકે ૧૯૮૦નાં વર્ષમાં મારી પસંદગી થઈ અને સરકારી ખર્ચે અમેરિકામાં ડૉક્ટરેટ કરવાની તક મને પ્રાપ્ત થઈ.

‘નેશનલ સ્કૉલરશિપ’ મળી ખરી, પણ હું અડધી જ લડાઈ જીત્યો હતો. પછીની લડાઈ હતી નોકરશાહીની. ‘નેશનલ સ્કૉલરશિપ’ જેવી ઉત્કૃષ્ટ યોજનાનો અમલ કરાવવા કનિષ્ટ પ્રશાસકીય અધિકારીઓનું ઠંડાપણુ એસ્કિમોનેય લજાવનારું હતું. તેને કારણે દિલ્હીનાં અનેક ધક્કા ખાવા પડ્યાં. તેમાંની છેવટની મુસાફરી જુદા જ અર્થમાં વિશેષ સંસ્મરણીય હોવાથી નોંધ કરવા જેવી છે.

છેવટની મુસાફરીમાં બધાં કાગળો પર સહી કરીને હું શિક્ષણ મંત્રાલયમાંથી નીકળ્યો. અને દિલ્હી સ્ટેશન પર આવી પહોંચ્યો. જેલમ એક્સ્પ્રેસનું રિઝર્વેશન હોવાને કારણે હું નિશ્ચિંત હતો. પણ સ્ટેશને આવીને જોઉં છું તો અંધાધૂંધી ફેલાયેલી હતી. કેટલીક ગાડીઓ રદ થવાને કારણે પ્રચંડ ધક્કામુક્કી થતી હતી. ગાડીમાં ચડવાની ગડબડમાં કાગળપત્રો ભરેલી મારી બેગ ગાડી અને પ્લૅટફૉર્મ વચ્ચેથી પાટા પર પડી. મેં નીચે ઊતરીને તે કાઢી. મન મક્કમ કર્યું અને વળી જોર કર્યું. તે ગરબડમાં કોઈકે મારું પૈસાનું (અને રેલવેની ટિકિટ હતી એ) પાકીટ તફડાવી લીધું.

અભૂતપૂર્વ ગીરદીને કારણે, લોકો રિઝર્વેશન વગર ડબા ઉપર બેઠા હતા. તેમાંય જુલમની હદ વટાવી મિલિટરીનાં જવાનોએ - બરાબર એ જ ડબ્બાનો કબજો લીધો અને ઇતર લોકોને તે ડબા બહાર કાઢવા માટે સીધો તેમનો સામાન ડબામાંથી બહાર ફેંકવાની શરૂઆત કરી. પૈસા તો ગયા જ. પણ બેગમાંના મહત્ત્વનાં - નોકરશાહો સાથે ઝગડો કરીને છેવટે એકવખતનાં મેળવેલા કાગળપત્રો જશે તો શું, એ કલ્પનાથી પેટમાં ફાળ પડી. સદનસીબે ‘અરે, લાવ એની માને’ કહીને બીજાને ઠોકનારાં સાતારા કોલ્હાપુરનાં કેટલાક જવાન મારી મદદે આવ્યા. તેને કારણે ડબામાં ઊભા રહેવાની જગા તો હું સાચવી શક્યો.

ગાડી ઉપડી લાંબો પ્રવાસ, ખિસ્સામાં ફક્ત બે રૂપિયા. કકડીને ભૂખ લાગી હતી. પણ આ સિવાય કાંઈ પરવડે એમ ન હતું. અલબત્ત, ચા સુદ્ધા મર્યાદિત પ્રમાણમાં. બીજી રીતે સ્ટેશન પર પૂરી-ભાજી વગેરે ખાવાનું હું ચીવટપૂર્વક ટાળતો, પણ તે દિવસે સાદી પૂરી-ભાજી લેવાની મારી તાકાત ન હતી. અમેરિકા જવાનું મારું સ્વપ્ન ખૂબ જલદી સાકાર થવાનું હતું, પણ તે દિવસે મારી અવસ્થા એકાદા ભિખારી જેવી હતી. લોકો મજામાં ખાતાપીતા હતા અને હું જીભ ચાટતો હતો. છેવટે ભૂખ અસહ્ય થઈ ત્યારે મેં મારું કિંમતી જાપાની ઘડિયાળ વેચવાનો પ્રયત્ન કર્યો. તે વખતે લોકોએ જે નજરે મારી સામે જોયું તે નજરો ભૂલવી ખૂબ જ મુશ્કેલ છે. રિઝર્વ બૅંકનો હું એક જવાબદાર અધિકારી પણ લોકો એક અઠંગ ચોરની શંકાથી મારી સામે જોતાં હતા. એ પ્રવાસ પૂરો કરી હું મુંબઈ કઈ રીતે પહોંચ્યો તે મારું મન જાણે છે.

છેવટે અમેરિકા જવાની તૈયારી થઈ. અમેરિકા નીકળતાં મને અમારી દાદીની યાદ આવી. દાદી ચિઢાય ત્યારે કહેતી, ‘ખાંડવા, ભુસાવળ, નાસિક, મનમાડ આટલું ફરી પણ આવું છોકરું ક્યાંય જોયું નથી.’

દાદા રેલવેમાં હોવાને કારણે અને દાદીએ પોતે કેટલોક સમય પૂર્વેની જી.આઈ.પી. (સેન્ટ્રલ રેલવે) રેલવેમાં કામ કર્યું હોવાને કારણે કે કેમ તેની ભૂગોળનો વ્યાપ આ શહેરની પેલી બાજુ ક્યારેય આગળ વધ્યો ન હતો. ખાંડવા, ભુસાવળ, નાસિક, મનમાડ એટલું ફર્યાનાં અભિમાનનું જતન કરનાર દાદીએ તેના પૌત્રને સાત સમુદ્રની પેલે પાર અમેરિકા જતો જોઈ શું વિચાર્યું હોત, કોણ જાણે ! સાત સમુદ્ર પરથી યાદ આવ્યું. સાત સમુદ્ર આપણેય જોયાં છે એવો અમારી બાનો સુદ્ધાં દાવો છે. પણ એ સાત સમુદ્ર એટલે કયા તે કહેતાં તે નામો લેતી એ હતાં, શિવાજી પાર્ક, બાંદ્રા, અંધેરી, ગેટ વે ઑફ ઇન્ડિયા, શીવડી, થાણે અને રત્નાગીરીનાં સમુદ્ર !

હું ૧૯૮૧નાં વર્ષનાં ઑગસ્ટમાં અમેરિકા જવા રવાના થયો. અમેરિકા પહોંચ્યા પછી પ્રત્યકે ભારતીયો જેમ પ્રથમતઃ ‘ડઘાઈ જાય છે’ થાય છે. તેવું રીતસર મારું ય થયું ! અમારી ઇન્ડિયાના યુનિવર્સિટીમાં બીજાઓની જેમ ભારતીયોનુંય સંગઠન હતું. બીજા દેશોના સંગઠન પ્રમાણે તે કાર્યાન્વિત નહતું એટલું જ. તાત્ત્વિક મતભેદનાં આવરણ હેઠળ અંદરોઅંદરનું વેર જોસભર રજૂ કરવામાં આવતું. કામનાં નામે માત્ર મીંડું. ત્યાં ગયા પછીની પહેલી જ બેઠકમાં તે સંગઠનનાં કાર્યકારીમંડળ પર મેં ટીકાસ્ત્ર છોડ્યું. નવા આવનારા ભારતીય વિદ્યાર્થીઓનાં શરૂઆતનાં થોડાંક દિવસ પણ કાળજી લેવાની આવશ્યકતા દૃઢતાથી રજૂ કરી. તેને માટે શું કરી શકીએ એવું વિવેચન કર્યું. કોઈપણ સંસ્થામાં તે સંસ્થા સાચી ચાલવી જોઈએ એવું પ્રામાણિકપણે માનનારું એક મોટું જુથ ચોક્કસ હોય છે જ. મારાં ભાષણનું સરસ સ્વાગત થયું. તેનું પરિણામ એટલું થયું કે તે જ સંસ્થાનાં અધ્યક્ષને લગભગ સર્વાનુમતે પદચ્યુત કરવામાં આવ્યા. અને ના ના કહેવાં છતાં અધ્યક્ષ તરીકે મારી વરણી કરવામાં આવી. પછીનાં ત્રણ વર્ષ હું તે સંગઠનનો અધ્યક્ષ હતો. અંદરોઅંદરનાં વેરઝેર દૂર કરીને તે સંગઠનને અમે એટલી નામના અપાવી કે તે યુનિવર્સિટીમાં આવનારા પરદેશી મહેમાનોને એક આદર્શ સંગઠન તરીકે અમારું સંગઠન બતાવવામાં આવતું. ભારતીય સંગઠનનાં અધ્યક્ષ તરીકે કામ કરતાં અને અનેક સુંદર યોજનાઓ અમલમાં મૂકતાં યુનિવર્સિટીમાં નવા આવનારા વિદ્યાર્થીનું વિમાનઘર પર સ્વાગત કરીને તેમની બધી ગોઠવણો થાય ત્યાં સુધી શરૂઆતનાં થોડાં અઠવાડિયા અમે તેમને સર્વશ્રેષ્ઠ સહાય કરતાં હતાં. ભારતીય પદ્ધતિનાં ભોજન માટે આતુર વિદ્યાર્થીઓ માટે રવિવારે નહિ નફો નહિ નુકસાનનાં ધોરણે એક ‘કૉમ્યુનિટી કિચન’ વસુંધરાની આગેવાની હેઠળ ચલાવવામાં આવતું. ભારતીય સંસ્કૃતિની ઓળખ બીજાને થાય તેથી વખતોવખત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવતાં. ભારતીયોનું સ્નેહસંમેલન તો નિયમિતપણે આયોજિત કરવામાં આવતું જ.

ભારતની ટીકા કરનારા દેશબાંધવોને અને બીજાને પ્રત્યુત્તર આપીને જન્મભૂમિનું સમર્થન કરવું એ તો મારો ‘વીક પોઇન્ટ’ જ બની ગયો હતો, તેને કારણે જ કે કેમ મારી પાછળ ‘ઇન્ડિયાઝ્‌ સેલ્પ એપોઇન્ટેડ ઍમ્બેસડર’ એ રીતે મને નવાજવામાં આવતો.

ભારત વિષયે વ્યાખ્યાનો આપવાની તક તો હું ક્યારેય જવા દેતો ન હતો. અમેરિકન ‘વનિતા મંડળ’માં ભારત વિષે ભાષણ કરતાં ભારતીય સ્ત્રીઓનાં ચાંદલા માટે કાયમ પૂછવામાં આવતું. આવા વખતે, શંકરનાં ત્રીજા નેત્રની સંકલ્પના રજૂ કરીને હું ખાસ તાળીઓનો હક્કદાર બનતો. ડૉક્ટરેટ કરતી વખતે આવાં અનેક અનુભવો ગાંઠે બંધાતા જતા હતા. અમેરિકામાંના મારાં આ જ અનુભવ આધારિત તાજેતરમાં એખ મરાઠી લેખમાળા, મેં મિત્રવર્ય પ્રા. પાનસરેનાં આગ્રહથી તેમનાં ‘પ્રબુદ્ધ નાટક’ પાક્ષિકમાં શરૂ કરી હતી. પાંચ-છ ભાગ પ્રસિદ્ધ થયાં પછી, કબનસીબે તે પાક્ષિક બંધ પડ્યું. તે લેખમાળા ખંડિત થઈ.

અમેરિકન યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ અભ્યાસક્રમ આમ ભરપુર મહેનતનો હોય છે. પહેલા વર્ષે તમારે અર્થશાસ્ત્રના સર્વસાધારણ કોર્સીસ લેવાનાં, તે કોર્સીસની પરીક્ષા આપવાની અને તે ઉપરાંત, વર્ષને અંતે ‘કોર થિયરી’ નામની મોટી પરીક્ષા આપવાની. તે પરીક્ષામાં તમે વધુમાં વધુ બે વખત બેસી શકો. તેમાં અસફળ નીવડો તો ડૉક્ટરેટ માટે તમે યોગ્યતા ધરાવતાં નથી. આપણા બિસ્તરાપોટલા આટોપી સીધો ઘરનો રસ્તો પકડવાનો. તમે એક વખત ‘કોર થિયરી પસાર કરો કે તે પછીનાં બે વર્ષમાં બે ઐચ્છિક ગૌણ વિષય લઈને તેનાં ‘કોર્સીસ’ પૂરાં કરવાનાં અને છેવટે તે તે વિષયનાં ‘ફિલ્ડ એકઝામ્સ’ પાર કરવાનાં. આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા અઢીથી ત્રણ વર્ષ જાય છે. તે પછી એકાદ વિષય પસંદ કરીને તે વિષયમાં તમારે તમારી ‘રિસર્ચ પ્રપોઝલ’ તૈયાર કરવાની. એક અધ્યક્ષ (ગાઇડ) અને ત્રણથી ચાર સભ્યોની બનેલી એક પ્રબંધ સમિતિ તે તે પ્રાધ્યાપકોની સંમતિથી તૈયાર કરવાની. તે તમારી ‘પ્રપોઝલ’ માન્ય કરે છે તે જાહેર કરીને વિદ્યાર્થી-પ્રાધ્યાપકોની આમસભામાં તે તમારે રજૂ કરવાની. તમારી ‘પ્રપોઝલ’ની ત્યાં વ્યવસ્થિત ચિરફાડ થાય છે. દરેક મુદ્દાનો પરામર્શ લઈને, બધી ટીકાઓનું યથોચિત ખંડન કરીને તમે પસંદ કરેલો વિષય ડ.ૉક્ટરેટના પ્રબંધ માટે સુયોગ્ય છે એ તમે આમસભાને સમજાવી શકો એટલે તમે અડધી બાજી જીતી ગયા. તમે પછી ડૉક્ટરેટનાં ‘કૅન્ડિડેટ’ તરીકે જાહેર થાવ છો. આવાં બધા ઉમેદવારોને પી.એચ.ડી.ના બદલે એ.બી.ડી. (ઑળ બટ ડિઝરટેશન) કહે છે. તે પછી પણ, નક્કી કરેલાં વિષયમાં સમિતિનાં માર્ગદર્શન હેઠળ વિસ્તૃત સંશોધનપૂર્વક મહાનિબંધ લખીને પૂરો કરવાનો. તમે કરેલું સંશોધન મૌલિક છે, અગાઉ થયેલું નથી અને તે દ્વારા તે વિષયમાં ઉપલબ્ધ જ્ઞાનમાં તમે ઉમેરણી કરી છે, એ સપ્રમાણ તમારી સમિતિને સમજાવવાનું રહે છે. તમારો મહાનિબંધ સમિતિ સ્વીકારે કે થયા તમે અંતે એકવખતનાં ડૉક્ટર !

આ આખીય પ્રક્રિયામાં કઠોર પરિશ્રમનાં સાડાચારથી પાંચ વર્ષ તો સહજપણે પસાર થઈ શકે. આ સર્વ પ્રક્રિયામાં બધાયથી મહત્ત્વની વ્યક્તિ એટલે તમારી સમિતિનાં અધ્યક્ષ (ગાઇડ) રહેલાં પ્રાધ્યાપક. તેમનો અધિકાર (ખરું તો નકારાધિકાર) અબાધિત હોય છે.

મારાં અભ્યાસક્રમની શરૂઆત તો ઉત્સાહભેર થઈ. રિઝર્વ બૅંકમાંથી ફક્ત ત્રણ વર્ષની રજા મળી હોવાને કારણે હું ઉતાવળમાં હતો. દરેક સેમિસ્ટરમાં બીજા કરતાં વધારે કોર્સિસ લેતો હતો. વધુ ‘કોર્સ લોડ’ હોવાથી રાતદિવસ મહેનત કરતો હતો. તે વખતે મુંબઈથી આવનારાં આપ્તજનો અને મિત્રોનાં પત્રોમાં કેવળ ‘બેટાને મઝા છે’ એવો સૂર રહેતો.

અભ્યાસમાં ૧૯૭૫થી ૧૯૮૧ સુધીનો છ વર્ષનો ગાળો પડવાને કારણે ડૉક્ટરેટનો અભ્યાસક્રમ આપણને ક્યાં સુધી ફાવશે એ અંગે હું થોડો સાશંક હતો. પણ, બધી પરીક્ષાનાં પરિણામ સારાં આવતાં ગયા. પ્રત્યેક્ષ કોર્સમાં છ અથવા છ+ એવી સર્વોચ્ચ શ્રેણી મળતી ગઈ. ‘કોર થિયરી’ની પરીક્ષા મેં પહેલા જ પ્રયત્ને પસાર કરી. આવશ્યક એવાં બંને ઐચ્છિક વિષય બીજા વર્ષે સાથે જ લઈને તેનાં બધાં કોર્સિસ મેં પૂરા કરી નાંખ્યા. મારાં ઐચ્છિક વિષય હતા : આંતરરાષ્ટ્રિય વ્યાપાર અને... અર્થવ્યવસ્થા તે જ વર્ષનાં ઉનાળામાં બંને વિષયની ફિલ્ડ એકઝામ‘ સુદ્ધાં મેં આપી દીધી. આ પ્રકારે ત્રણ વર્ષનો આવશ્યક અભ્યાસક્રમ મેં બે જ વર્ષમાં પૂરો કરી નાંખ્યો હતો. મારાં સહાધ્યાયી મિત્રોમાં અભ્યાસક્રમ આટલી ત્વરાથી પૂરો કરનારો હું એકલો જ હતો. મારી પર રિઝર્વ બૅંકનું દબાણ હતું. તેમને તેવાં બંધનો ન હોવાને કારણે થોડો વધુ સમય જાય છતાંય તેનો તેમને વાંધો જ નહતો.

ડૉક્ટરેટનાં અભ્યાસક્રમની ‘ફિલ્ડ એકઝામ્સ’ સૌથી વધુ કસોટીપૂર્ણ પ્રકાર હોય છે. આ પરીક્ષાને નક્કી કરેલો નિશ્ચિત એવો અભ્યાસક્રમ નથી હોતો. જે તે વિષયમાંથી કોઈપણ પૂછી શકાય. પ્રત્યેક પરીક્ષા ચારથી પાંચ કલાકની. હું તો બંને ઐચ્છિક વિષયમાંની ‘ફિલ્ડ એકઝામ્સ’સાથે આપતો હતો. તેને કારણે પ્રચંડ માનસિક દબાણ હતું.

પરીક્ષા પસાર કર્યા પછી માથું એટલું સુન્ન થઈ ગયું હતું કે ઘરે જવાનો રસ્તો હંમેશનો ‘ટાયર નીચેનો’ હોવાં છતાં બે-ત્રણ ઠેકાણે મારી ગાડીએ ભૂલથી ‘ટર્ન’ લીધો. એક જગાએ લાલબત્તી હોવાં છતાં તે જ ગતીએ કાર દોડાવતાં આગળ લઈ ગયો. તે પરીક્ષાની યાદથી આજેય શરીરનાં રુંવાડા ઊભા થઈ જાય છે.

અહીં કારનો ઉલ્લેખ આવવાને કારણે, અમેરિકામાં અમારે ખૂબ મજા હતી એવી સમજ હોવાની શક્યતા છે, એટલે ખાસ કહું છું. ભારત સરકાર તરફથી મને આપવામાં આવતું શૈક્ષણિક ભથ્થું એક વ્યક્તિને માંડ માંડ પૂરતું હતું. અને તેટલી રકમમાં મારી પત્ની અને બે બાળકોનો ઉદરનિર્વાહ કરવાનો હતો. તેને કારણે જમા-ખર્ચનાં બે છેડા મેળવતાં નાકે

દમ આવી જતો. કેવળ તેને કારણે અમેરિકન ‘અરે સંસાર, સંસાર’ કરવાનો (હવે સારો લાગતો) અનુભવ ભાથામાં મળ્યો.

અમેરિકન શિક્ષણ પદ્ધતિનું અને ખરું તો આખીય સમાજ વ્યવસ્થાનું એક મોટું વૈશિષ્ટય એ કે તમે કઠોર મહેનત કરો તો તેનું ફળ તમને મળશે જ. મારી બાબતમાં ય તેમજ થયું. કેવળ બે વર્ષમાં મેં તમામ અડટણો સફળતાથી પાર કરી. એટલું જ નહિ પણ માર્ક્સનો (પરિણામનો) એક નવો ઉચ્ચ આંક હું પ્રસ્થાપિત કરી શક્યો. આપણે ત્યાં જેમ ટકાવારી હોય છે તેમ ત્યાં ‘ગ્રેડ પોઇન્ટ ઍવરેજ’ (જી.પી.એ.) એ રીત હોય છે. જી.પી.એ. વધારેમાં વધારે ચાર જેટલો હોઈ શખે. તેટલો જી.પી.એ. એટલે આપણે ત્યાંના સો ટકા માર્ક્સ. મેં ચાર પૈકી ૩.૯૩ જી.પી.એ. મેળવીને ઇન્ડિયાના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં એક નવો વિક્રમ સ્થાપિત કર્યો. જે આજ સુધી અબાધિત રહ્યો છે. આ શૈક્ષણિક કારકીર્દિ માટે તેમજ ભારતીય વિદ્યાર્થી સંગઠનનાં અધ્યક્ષ તરીકે મેં કરેલા સામાજિક કાર્યનાં ગૌરવ રૂપે ૧૯૮૩ના વર્ષનો ‘સર્વોત્કૃષ્ટ આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થી’ તરીકે મને સન્માનિત કરવામાં આવ્યો. જૂના વડાલાની મુંબઈ પૉર્ટ ટ્રસ્ટની અત્યંત સામાન્ય શાળામાંથી શરૂઆત કરવા છતાંય ડૉ. આંબેડકરની પ્રેરણાથી હું ખૂબ દૂર સુધી આવી પહોંચ્યો હતો.

‘કોર્સ વર્ક’ પૂરું થયા પછી હું પ્રબંધ સમિતિનું ગઠન કરવાની તૈયારીમાં લાગ્યો. પ્રબંધ સમિતિ તૈયાર કરવી એ અમેરિકન ડૉક્ટરેટનાં પથનો એક નાજુક હિસ્સો છે. તમે જે પેટા શાખામાં સંશોધન કરવાનાં હો તેમાંનાં અધિકારી વ્યક્તિઓને તેમાં સમાવી લેવાનાં, પણ તે કરતી વખતે તેમનામાંના આંતરિક અંતર્વિરોધનો ખ્યાલ રાખવાનો. પ્રબંધ સમિતિનાં અધ્યક્ષની પસંદગી કરતાં તો વિશેષ કાળજી લેવી જરૂરી હોય છે. તે વ્યક્તિનો સ્વભાવ, કામ કરવાની પદ્ધતિ તમારો તે વ્યક્તિ સાથેનો સંબંધ, અન્ય વિદ્યાર્થીઓના તેમનાં વિશેનાં અનુભવ એ બધુ વિચારી લેવાની આવશ્યકતા હોય છે.

ઇન્ડિયાના યુનિવર્સિટીમાં તે વખતે આંતરરાષ્ટ્રિય નાણાંનિધી (આઈ.એમ.એફ.)માં કેટલોક સમય કામ કરી આવેલાં ફૉન ફુરસ્ટનબર્ગ એ નામાંકિત પ્રાધ્યાપક હતા. એ મહાશય ખૂબ મોટા વિદ્વાન પણ અત્યંત અહંકારી અને તામસી સ્વભાવના હતા. તેઓને પ્રબંધ સમિતિનાં અધ્યક્ષ બનાવવા એટલે પોતાને જાણીજોઈને સંકટમાં રાખવા બરાબર હતું. એટલે મેં તેમને ટાળવાનું નક્કી કર્યું. તે જ પેટાશાખામાં બીજા પંકાયેલા વિદ્વાન પ્રા. ગ્રીન એ તેમનાથી ઊલટા, એક પ્રેમાળ, વિદ્યાર્થીપ્રિય શિક્ષક તરીકે પ્રસિદ્ધ હતા. મારી પોતાની વેવલેન્થ તેમની સાથે સરસ મળેલી હતી. તેને કારણે તેમને મારી પ્રબંધ સમિતિનાં અધ્યક્ષ બનાવવાનો મેં નિર્ણય લીધો.

સાર્વજનિક સંપત્તિ એ અર્થશાસ્ત્રની ઉપશાખામાંનો મારો સંશોધન પ્રસ્તાવ લઈ પ્રા. ગ્રીનને હું મળ્યો. તેમને તે સવિસ્તર સ્પષ્ટતા સાથે કહી સંભળાવ્યો. તેમને પ્રસ્તાવ તરત જ ગમ્યો. પણ, પ્રા. ફુરસ્ટનબર્ગ એ તે વિષયનાં જગમાન્ય વિદ્વાન છે, તેમનો અધિકાર મોટો છે તેથી મારે નામખાતર પણ તેમને પૂછવું જોઈએ એવી સલાહ તેમણે આપી. પ્રા. ગ્રીનને પ્રબંધ સમિતિના અધ્યક્ષ બનાવવા અને પ્રા. ફુરસ્ટનબર્ગની પ્રગાઢ વિદ્વતાનો પ્રબંધ સમિતિનાં સદસ્ય તરીકે ઉપયોગ કરવો એવી અટકળ મનમાં બાંધી હું

પ્રા. ફુરસ્ટનબર્ગને મળવા સારુ ગયો. મારાં સંશોધન પ્રસ્તાવમાં તેમણે ડોકું હલાવી અને હસતાં હસતાં બોલ્યા, ‘આ વિષય પરનાં પ્રબંધ અર્થે પ્રબંધ સમિતિનો અધ્યક્ષ હું પોતે જ હઈશ એ પરંપરા જ છે, નહીં કે ?’

ખરું તો વિનમ્રતાથી પણ દૃઢતાપૂર્વક, પ્રા. ગ્રીન આ સમિતિનાં અધ્યક્ષ રહેશે અને આપ સદસ્ય તરીકે રહો એ મારે તેમને કહેવું જોઈતું હતું. પણ તેમનાં વ્યક્તિત્વનો દબદબો જ એટલો જબરદસ્ત હતો કે અનપેક્ષિતપણે ‘એટલે જ’એ શબ્દ મારા મોંમાંથી નીકળી ગયા અને તે ભૂલ ખૂબ જ મોંઘી પડી.

ખરું તો, ભારતીય નોકરશાહીનો ‘યસ સર’, ‘નો સર’, ‘વેરી વેલ સર’ સંસ્કૃતિમાં ઉછરેલો હું વરિષ્ઠો સાથે મગરૂરીથી વર્તુ એ કદાપિ શક્ય ન હતું. પણ અમેરિકન યુનિવર્સિટીમાં મુક્ત વાતાવરણમાં પ્રાધ્યાપક - વિદ્યાર્થી મોકળાશથી વાદવિવાદ કરે છે એવી મારી માન્યતા. વસ્તુસ્થિતિ સુદ્ધાં મહદ્‌અંશે તેવી જ છે. પણ મારાં દુર્ભાગ્ય તે યુનિવર્સિટીમાં આ નિયમમાં એક જ સન્માનનીય અપવાદ હતો. તે એટલે પ્રા. ફુરસ્ટનબર્ગ. હળવી પળોમાં મારા સંશોધન સંબંધે મેં તેમની સાથે વાદવિવાદ કરવાની શરૂઆત કરી અને ત્યાં જ અણબનાવ થયો. હું ઉદ્ધત છું એવું તેમણે માન્યું અને પછી મને ‘ઠેકાણે લાવવાની’ જવાબદારી તેમણે માથે લીધી.

જર્મન લોકો સાધારણતઃ અમેરિકન, અન્ય યુરોપીયનથી માંડી બધાંયને ‘કમઅક્કલ’ માને છે. હિટલરની મનોવૃત્તિ હિટલર સાથે જ અદૃશ્ય થઈ છે, એવું માનવું ચોખ્ખી ભૂલ છે. બહુસંખ્ય જર્મન લોકોનાં અંતરંગમાં તે પ્રવૃત્તિ હજીય છુપાયેલી હોય છે અને યોગ્ય સમયે તે વળી માથું ઊંચકે છે, એવો ઘણાંબધાંને અનુભવ છે. આવાં વંશઘેલા જર્મન સમાજનાં સર્વોચ્ચ સ્તરમાંથી - એક જર્મન શાહી કુટુંબમાંથી આવેલા પ્રા. ફુરસ્ટનબર્ગ (તેમનાં નામમાં રહેલ ‘ફૉન’ વિશેષનામ આ વસ્તુસ્થિતી દર્શાવે છે) અને ભારત જેવા ગરીબ દેશનાં છેવાડાનાં-દલિત સમાજમાંથી આવેલો હું એકમેકની વિરુદ્ધ આવીને ઊભા રહ્યા હતા. ચાતુર્વર્ણ્યનું વૈશ્વીકરણ કરીએ તો પ્રા. ફુરસ્ટનબર્ગ અને મારી વચ્ચે અક્ષરશઃ ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હતું. તે સર્વોચ્ચ વર્ગનાં પ્રતિનિધિ તો હું કનિષ્ટતમ વર્ગનો પ્રતિનિધિ. નિયતિએ જ અમને ભેગાં કર્યા હતા. આમળી નાખવાનાં બધાં સાધનો તેમને હાથવગાં હતાં અને તેની પર સંપૂર્ણપણે અવલંબિત એવો હું એક યઃકશ્ચિત વિદ્યાર્થી હતો.

મને ‘હેરાન કરવો’ એ પ્રા. ફુરસ્ટનબર્ગનો એક મુદ્દાનો કાર્યક્રમ બની ગયો હતો. ઉંદર-બિલાડીની રમત શરૂ થઈ. મારા મહાનિબંધનો એકાદ ભાગ લખીને હું તેમને સાદર કરું કે ‘આપણે આવું નક્કી કર્યું જ નહતું ! તમે કેમ સમય વેડફી રહ્યા છો ?’ એમ મનસ્વી રીતે પૂછવામાં

આવતું. બધી જ વાતે લેખિત સંમતિ મેળવવી અશક્ય હોય છે. આ પ્રકાર તો રોજબરોજ ઘડાવા લાગ્યા. બીજી તરફ માતૃભૂમિ પાછા ફરવા રિઝર્વ બૅંકનો તકાદો ચાલુ હતો. શારીરિક શ્રમ મને બાધક ન હતો. પરંતુ માનસિક યાતના અસહ્ય થતી ચાલી હતી. માત્ર, મારા પાછા વળવાનાં દોરડાં કપાઈ ગયા હતાં. તેને કારણે પાછા વળવું અશક્ય હતું. પછી અમારા બંનેની તકરાર, તે યુનિવર્સિટીમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો.

મારી પ્રબંધ સમિતિનાં અન્ય પ્રાધ્યાપક સદસ્ય પ્રા. ફુરસ્ટનબર્ગને વિનવણી કરતાં હતાં. પણ તેમણે, મને પાઠ શિખવવાને કમર કસી હતી. અમેરિકન શિક્ષણ પદ્ધતિમાં પ્રબંધ સમિતિનાં અધ્યક્ષને તે વિદ્યાર્થીઓ બાબત સર્વાધિકાર હોય છે. તેને કારણે ઇતર પ્રાધ્યાપકોય નાઇલાજ હતા. પણ, તે વખતે પ્રબંધ સમિતિનાં બધાં જ પ્રાધ્યાપક સદસ્યોએ મને ઉત્તમ સાથ આપ્યો. તે કસોટીનાં કાળમાં મારું માનસિક સંતુલન હું જાળવી શક્યો તેનું શ્રેય મને સમજનાર અને પડછાયાની જેમ મારી પાછળ ઊબી રહેનારી મારી પત્ની વસુંધરા અને તે યુનિવર્સિટીનાં, એક એકથી ચઢિયાતા વિદ્વાન અને પ્રેમાળ ગુરુજનોને ફાળે જાય છે.

‘સર્વોત્કૃષ્ટ આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થી’ તરીકે માન્યતા પ્રાપ્ત મારા જેવા વિદ્યાર્થીને ત્રસ્ત કરીને ‘જાયન્ટ કિલર’ની પોતાની છાપ નિર્માણ કરવી એ પ્રા. ફુરસ્ટનબર્ગનો હેતુ હોવો જોઈએ એવી શંકા કેટલાક પ્રાધ્યાપકો અંગતપણે વ્યક્ત કરતાં દેખાતાં હતાં. માત્ર મને તેમ લાગતું ન હતું. કારણ તે પ્રાધ્યાપક મહાશય પાસે ડૉક્ટરેટ કરનારા ઇતર વિદ્યાર્થીઓની સાથે પણ ઓછા વત્તા પ્રમાણમાં તેમણે તેવી જ વર્તણૂંક કરી હતી. તેમની પાસે ડૉક્ટરેટ કરનારા મારા સિવાય બીજા બે વિદ્યાર્થી હતા, એક કોરિયન અને બીજો ભારતીય. મેં પ્રા. ફુરસ્ટનબર્ગ સાથે વાદ કરતાં મારું સંશોધન કાર્ય દક્ષતાપૂર્વક ચાલુ રાખ્યું. પણ બાકીનાં બંનેએ તેમની પાસે ત્રણ વર્ષ કામ કર્યા પછી નિરાશ થઈને, કંટાળી જઈને, પોતાની પ્રબંધ સમિતિ વિસર્જિત કરી અને નવી પ્રબંધ સમિતિ તૈયાર કરીને ‘પુનશ્ચ હરી ઓમ‘ કર્યું. તેને કારણે તેમને ડૉક્ટરેટ મેળવતાં પૂરા આઠ-નવ વર્ષ ગયાં.

અમારી વચ્ચેનાં પેચ પ્રસંગે એક વખત ખૂબ જ ગંભીર વળાંક લીધો. યુનિવર્સિટીમાં મારો સૌથી નજીકનો લેબેનોનનો એક સહાધ્યાયી મિત્ર હતો. તેને પાસે બોલાવીને પ્રા. ફુરસ્ટનબર્ગે પૂછ્યું

‘નરેન સાચ્ચે જ ભારતીય છે કે ?’

‘એટલે ? સર, તમારે શું કહેવું છે ?’ તે મિત્રે પૂછ્યું.

‘નહિ, મને ક્યારેક લાગે છે, તેનામાં ક્યાંક અરબી રક્તનું મિશ્રણ થયું હોવું જોઈએ.’

‘શા માટે ? તમને તેવું કેમ લાગે છે ?’ મિત્ર.

‘એ તો એવું છે કે, નરેન એ એકાદ ‘સ્ટેલિયન’ જેવો છે. તેને કન્ટ્રોલ કરવો સર્વથા અશક્ય છે.’

મને એ ખબર પડ્યા પછી હું ખળભળી ઊઠ્યો. મારી સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ હતી. મારાં સંશોધન વિષયે ટીકાત્મક ચર્ચા કરવાનો તેમને અધિકાર હતો. પણ મારી વાંશિક શુદ્ધતા વિશે તર્ક કરવો એ પ્રાધ્યાપક-વિદ્યાર્થીનાં સંબંધને જ નહિ પણ સાદી માણસાઈનાં તત્ત્વ વિરુદ્ધ હતો. આજ સુધી જાતિ અને વર્ણને કારણે ભારતીય સમાજવ્યવસ્થાએ મને એનો ભોગ બનવાની ફરજ પાડી હતી અને હવે અમેરિકન યુનિવર્સિટીમાં વંશવાદનો ઘા મારી પર થયો હતો. હું સળગી ઊઠ્યો.

પ્રા. ફુરસ્ટનબર્ગ વિરુદ્ધ લેખિત ફરીયાદ લઈને હું યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્ર પ્રમુખ પાસે ગયો. પ્રા. ફુરસ્ટનબર્ગ એ વંશાદ્વેષી હોવાથી તેમની પાસેથી મને ન્યાય મળવો સર્વથા અશક્ય છે અને વાંશિક વિધાનો કરવા માટે તેમણે મારી માફી માંગવી, નહિ તો યુનિવર્સિટીના ‘કૌન્સિલ’ પાસે મારે દાદ માંગવી પડશે. એવો સંકેત તે પત્રમાં કરવામાં આવ્યો હતો.

અર્થશાસ્ત્રનાં વિભાગનાં બુઝુર્ગ પ્રમુખ પ્રા. ફુરસ્ટનબર્ગ અને મને બરાબર ઓળખતા હતા. વડિલ હોવાને નાતે તેમણે મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ હું પીછેહઠ કરતો ન હતો. તેમણે મને વ્યવહારીક સંકેત આપ્યો.

‘યૂ મે વિન દિ બેટલ, બટ લૂઝ દિ વાર.’ (પ્રા. ફુરસ્ટનબર્ગ ને તું માફી માગવા ફરજ પાડી શકીશ, પણ પછી ડૉક્ટરેટ તારા હાથમાંથી ગઈ જ, સમજ.’)

મેં વિચાર કરવા સમય માંગ્યો. માથામાં ઘમસાણ મચ્યું હતું. મેં ડૉ. આંબેડકરનું સ્મરણ કર્યું. આવી પરિસ્થિતીમાં તેમણે શો નિર્ણય કર્યો હોત તેનો વિચાર કર્યો અને મારો માર્ગ સ્પષ્ટ દેખાવા લાગ્યો. બીજા જ દિવસે અર્થશાસ્ત્ર વિભાગનાં પ્રમુખ પાસે જઈને મેં તેમને સ્પષ્ટપણે કહ્યું :

‘મારી અસ્મિતા સાથે તડજોડ કરીને ડૉક્ટરેટ મેળવવા કરતાં પ્રા. ફુરસ્ટનબર્ગ જેવા વંશવાદી પ્રાધ્યાપકને પાઠ ભણાવી સ્વાભિમાનપૂર્વક જન્મભૂમિ પાછા વળવું હું પસંદ કરીશ. પછી ડૉક્ટરેટ નહિ મળે તોય બહેતર.’

વિભાગપ્રમુખ ગંભીર થયા. તેમણે મારી પ્રબંધ સમિતિના પ્રધ્યાપક અને પસંદ કરેલા વરિષ્ઠ પ્રાધ્યાપકોની બેઠક બોલાવી. મને મારી બાજુ તેમની સમક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી. મોટેભાગે બધાએ સહમતીસૂચક ડોકાં હલાવ્યા. મને સમજાવવાનો પ્રયત્ન થયો. પણ હું વળતો નહોતો. છેવટે તેમણે કટોકટીનું શસ્ત્ર ઉગામ્યું. આ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોવાથી યુનિવર્સિટીનાં નામને લાંછન ન લાગવા દેવાની મને કાકલૂદી ભરી વિનંતી કરવામાં આવી. તે માન્ય કર્યા સિવાય આરો ન હતો. તે બધાંએ મળીને પ્રા. ફુરસ્ટનબર્ગને સમજ આપવી અને મારે મારી ફરિયાદ પાછી ખેંચવી એવો હલ શોધવામાં આવ્યો.

તે પછી કયા ચક્રો ગતિમાન થયા કોને ખબર, પણ પ્રા. ફુરસ્ટનબર્ગનો મારાં પ્રત્યેનો દૃષ્ટિકોણ ધરમૂળથી બદલાઈ ગયો. મારાં તરફની વર્તણુંકમાં હદ ઉપરાંત ફરક પડી ગયો. એકદમ મિત્રત્વનાં સંબંધે અમારું ‘ટીમવર્ક’ શરૂ થયું. જોશપૂર્વક કામ શરૂ કરીને મારો મહાનિબંધ થોડાક મહિનામાં મેં પૂરો કર્યો. એ તત્કાળ સ્વીકૃત થયો અને સવિશેષ રીતે ‘ઉત્કૃષ્ટ મહાનિબંધ નિર્માણ’નું પ્રથમ પારિતોષિક આપીને મને ડૉક્ટરેટ પદવિ પ્રદાન કરવામાં આવી.

મને ડૉક્ટરેટ મળ્યા પછી પ્રા. ફુરસ્ટનબર્ગ મારા સન્માનાર્થે તેમનાં ઘરે એક મોટી પાર્ટી આયોજિત કરી. મોટી સંખ્યામાં વિદ્યાર્થી-પ્રાધ્યાપક ઉપસ્થિત હતાં. તે સમારંભમાં ખૂબ પ્રેમથી મારા ખંભે હાથ મુકીને પ્રા. ફુરસ્ટનબર્ગે મારી પત્નીને કહ્યું

‘નરેન ઈઝ ગુડ ફાયટર. વી હેડ લોટ્‌સ ઑફ વંડરફુલ ફાઇટસ. ઇજન્ટ ધેટ સો નરેન ?’

મેં ખેલદીલીપૂર્વક ડોકું ધુણાવ્યું, પણ મનમાં વિચાર આવ્યો, ઉંદરબિલાડીની રમતમાં બિલાડીને મજા જરૂર આવે, પણ તેથી પેલા ઉંદરનેય તેવો આનંદ થતો હશે એવું માનવું સંવેદનશીલતા ન હોવાનું લક્ષણ નથી શું ?

અમેરિકન યુનિવર્સિટીમાં ડૉક્ટરેટનો મહાનિબંધ કોઈકને અર્પણ કરવાની પ્રણાલિકા છે. બા-બાપુ, બહેન-ભાઈ, મિત્ર-મૈત્રિણી, એવા એકાદ નજીકનાં વ્યક્તિને મહાનિબંધ અર્પણ કરવામાં આવે છે. મારાં મહાનિબંધ અર્પણ પત્રિકામાં મેં લખ્યું

‘ધિસ ડિઝર્ટેશન ઇઝ ડેડિકેટૅડ ટુ માય બિલવેડ પેરન્ટ્‌સ એન્ડ ધિ એવર ઇન્સાપયરિંગ મેમરી ઑફ ડૉ. બાબાસાહેબ આંબેડકર.’

તેથી મારા અમેરિકન પ્રાધ્યાપકે પૂછ્યું

‘તમારો મહાનિબંધ તમે બા-બાપુને અર્પણ કરો છો તે તો ઠીક છે. પણ આ ડૉ. આંબેડકર કોણ ? એમને તમે બા-બાપુજીની બરોબરીમાં કેવી રીતે બેસાડો છો ?’

તે પ્રધ્યાપક મહાશયને મેં જે જવાબ આપ્યો તેમાં મારા જે લાખો દલિતોનાં મનમાં ડૉ. આંબેડકર પ્રત્યેની રહેલી ભાવનાનું પ્રતિબિંબ પડતું હતું. મેં કહ્યું :

‘અમારા બા-બાપુએ અમને જન્મ જરૂર આપ્યો. પણ માણસ તરીકે જીવવાનો હક્ક જો કોઈએ મેળવી આપ્યો હોય, તો તે ડૉ. બાબાસાહેબ આંબેડકરે.’

મને ડૉક્ટરેટ મળતાં સુધીમાં ‘તાત્કાલિક પાછા આવવા’ સંબંધી અનેક સ્મૃતિપત્રો આવ્યા હતા. જન્મભૂમિ નીકળતાં પહેલાં ભારતીય વિદ્યાર્થી સંગઠનની બેઠકમાં, પાછા વળવાનો અમારો વિચાર મેં જાહેર કર્યો ત્યારે બધાં જ આશ્ચર્યચકિત થઈ ગયાં. જુદી જુદી રીતે પૂછાયેલાં બધાં પ્રશ્નોનું રુખ ‘તમને ગાંડપણ તો નથી વળગ્યું ને’ એ સ્વરૂપનું હતું. જવાબમાં મેં કહ્યું

‘એકાદ નિરપરાધ માણસને, તું ચોર કેમ નથી એવું પૂછવાનો કોઈ અર્થ નથી. હું જન્મભૂમિ પરત કેમ જાઉં છું એવું મને પૂછવાને બદલે આપણે પાછાં કેમ જતાં નથી એ તમે સ્વતઃને પૂછશો તો એ વધુ યોગ્ય લેખાશે.’

મારાં તરુણ મિત્રો પૈકી કેટલાક જણાને મારો યુક્તિવાદ રુચ્યો હશે કોને ખબર. પણ ત્યાં સ્થાયી થયેલાં ઘણાં વયોવૃદ્ધ લોકોએ ઘરે આવીને અમને અંતઃકરણપૂર્વક અભિનંદન આપ્યા હતા :

‘જે વખતે અમને જન્મભૂમિ પાછા જવાની તક હતી તે વખતે અમારા વિચાર તમારા જેટલા સુસ્પષ્ટ હોત તો કેટલું સારું થયું હોત.’ એવો ખેદ અનેકોએ વ્યક્ત કર્યો. મોહમયી અમેરિકામાં ઉત્કર્ષની અનેક તકો હાથ જોડીને સામે ઊભી તી. પણ માતૃભૂમિ અને કૌટુંબિક ઋણાનુબંધનો વિકલ્પ નથી હોતો. આ દૃઢ ધારણા હોવાને કારણે અમારા મનમાં લગીરેય અજંપો હતો નહિ. ડૉક્ટરેટ મળ્યા પછી એક અઠવાડિયાની અંદર પોતાનાં બોરિયા બિસ્તર ઊંચકી અમે મુંબઈ પાછા આવ્યા.

છેવટનાં વર્ષે, હું ત્યાં એક શાળામાં સમય મળે ત્યારે જઈને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ભારતીય સમાજ, તહેવાર, રમતો, ભાષા અને સર્વ સામાન્ય જીવનપદ્ધતિની માહિતી આપતો. તે વખતે ત્યાં જ ભણતો મારો દિકરો - તન્મય - એય મારી સાથે ઉત્સાહભેર ભાગ લેતો હતો. શાળામાં અમારા કાર્યક્રમ વિદ્યાર્થીઓને એટલા ગમ્યાં કે તે પછી ઘણાં દિવસે અઠવાડિયાનું શોપીંગ કરતી વખતે અમેરિકન નાનાં બાળકો અમારી તરફ આંગળી ચીંધી પોતાનાં માતા-પિતાને ‘આ જ પેલા !’ એમ ઇશારો કરતાં. અમે ભારત પાછાં આવતાં પ્રાથમિક શાળાનાં અનેક વિદ્યાર્થીઓએ મોટા ડ્રોઇંગ પેપર ઉપર તેમને ખૂબ ગમેલી દહીહંડી અને રંગપંચમીનાં ચિત્રો બનાવી અમને શુભેચ્છા આપતાં મધુર પત્રો લખીને મોકલાવ્યા. તે અમે હજુય સાચવીને રાખ્યા છે.

ભારત પાછા આવ્યા પછઈ હું તરત જ રિઝર્વ બૅંકમાં હાજર થયો. થોડા મહિનામાં જ શ્રેયાન્નતા અનુસાર અર્થવિભાગનાં ઉપસંચાલક (ડેપ્યુટી ડાયરેક્ટર) તરીકે મને બઢતી આપવામાં આવી. હું ઉત્સાહથી સળવળતો હતો. સંશોધનની અનેક કલ્પનાઓ મનમાં ઘોળાતી હતી. હું લગનીથી કામ કરવા લાગ્યો. ભારતીય અર્થકારણ પર એક પછી એક એવા શોધનિબંધ તૈયાર કરવાનો મેં સપાટો લગાવ્યો. કામની ઝડપ અને સંશોધનની ગુણવત્તા લક્ષ્યમાં લઈ પછી રિઝર્વ બૅંકનાં વરિષ્ઠ અધિકારીઓનાં ભાષણનાં મુસદ્દા તૈયાર કરવાનું કામ ફરી ફરી મને સોંપવામાં આવતું. એને કારણે રિઝર્વ બૅંકનાં ગવર્નર, ડેપ્યુટી ગવર્નર એવા સર્વોચ્ચ અધિકારીઓ સાથે રોજબરોજનાં સંપર્કમાં આવવાનું થતું. તેમાંથી ખૂબ શીખવવાનું તો મળ્યું જ, તે ઉપરાંત પડકારરૂપ સંશોધન યોજના પાર પાડવાની જવાબદારી વખતોવખત મને સોંપવામાં આવી.

પહેલી મોટી જવબદારી હતી, આંતરરાષ્ટ્રીય નાણાં નિધિ

(આય.એમ.એફ.) એ જગવિખ્યાત સંસ્થા અંગેની. આય.એમ.એફ. એ સંસ્થા કેટલાય મોટા પ્રમાણમાં કેમ ન હોય, શરાફી પેઢીનાં ધોરણે ચાલે છે. શરાફી પેઢીમાં ભાગીદારોની હિસ્સેદારી નક્કી હોય છે, તે જ સ્વરૂપે આય.એમ.એફ.નાં સદસ્ય હોય તેવા પ્રત્યેક રાષ્ટ્રને તેનો ‘ક્વૉટા’ નક્કી કરી આપવામાં આવ્યો હોય છે. પ્રત્યેક દેશને મળનારો મતોનો અધિકાર તેમજ મળવાપાત્ર કર્જ એ તે તે દેશના ‘ક્વૉટા’ કેટલો છે તેના પર અવલંબે છે. દર પાંચ વર્ષે બધાં સદસ્ટ રાષ્ટ્રોનો ‘ક્વૉટા’ ફરીથી નક્કી કરવામાં આવે છે. તેને માટેય ગણિતી અંદાજ નક્કી કરી આપવામાં આવેલો હોય છે.

આય.એમ.એફ. (નાણાંનિધિ)ની ૧૯૪૪નાં વર્ષમાં સ્થાપના થયા પછી ભારતનો નક્કી કરેલો જે ‘ક્વૉટા’ છે તે ઇતર દેશોની તુલનામાં ઘટતો ગયો છે. અન્ય વિકાસશીલ દેશોની જેમ ભારતે પણ તે વિરુદ્ધ વખતોવખત અવાજ ચોક્કસ ઉઠાવ્યો છે. પણ તાંત્રિક સંશોધનની યંત્રણા ન હોવાને કારણે વિરોધનો સૂર ક્ષીણ સ્વરૂપનો રહ્યો હતો. રિઝર્વ બૅંકનાં હાલનાં ગવર્નર ડૉ. રંગરાજને (તે વખતે તેઓ ડેપ્યુટી ગવર્નર હતા) આ પ્રશ્નનો અભ્યાસ કરીને ભારતનો ‘ક્વૉટા’ સુધારવા માટે તાંત્રિક દૃષ્ટિએ કાંઈ કરી શકીએ કે કેમ તેનું દોષદર્શન કરવાની જવાબદારી મને સોંપી હતી.

આટલી મોટી જવાબદારી શિરે લેવાનો મારો પહેલો જ પ્રસંગ. મારી દૃષ્ટિએ તે સુવર્ણતક જ હતી. હું રાતદિવસ મહેનત કરવા લાગ્યો. ડૉ. રંગરાજનનાં માર્ગદર્શન હેઠળ મેં પાંચ શોધનિબંધ થોડાંક અઠવાડિયામાં તૈયાર કર્યાં. ‘ક્વૉટા’ નક્કી કરવાની પ્રચલિત પદ્ધતિમાં સમૃદ્ધ દેશોને કેવું નમતું જોખવામાં આવે છે તે મેં પ્રમાણ સાથે દર્શાવી આપ્યું, અને વિકસિત અને વિકાસશીલ એવાં બંને જુથોના દેશોને આપવામાં આવતા ‘ક્વૉટા’માં સમતુલા રાખવાની દૃષ્ટિએ કેટલાંક નવાં તાંત્રિક અંદાજો સૂચવ્યા. આ નવા અંદાજો સ્વીકારવાથી વિકાસશીલ દેશોને થતો અન્યાય નિવારી શકાશે અને તે કરતી વખતે નાણાંનિધિની કાર્યપદ્ધતિમાં બિનજરૂરી અડચણ નિર્માણ થશે નહિ, એ પણ તેમાં દર્શાવવામાં આવ્યું હતું.

તે સંશોધનથી પ્રભાવિત થઈને રિઝર્વ બૅંકનાં તે વખતનાં ગવર્નર શ્રી રામ મલ્હોત્રાએ મને મારો શોધનિબંધ લઈને દિલ્હીના નાણાં મંત્રાલયમાં મોકલ્યો. તે વખતે ભારત સરકારનાં વિત્ત સચિત હતા શ્રી વેંકિટ રામાનન. (તે પછી રિઝર્વ બૅંનાં ગવર્નર થયા.) વિત્ત સચિવ શ્રી વેંકિટ રામાનન, મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. બિમલ જાલાન ઇત્યાદિ વરિષ્ઠ અધિકારીઓને રિઝર્વ બૅંકમાં થયેલું તે સંશોધન એટલું ગમ્યું કે તે સંદર્ભે બધાં વિકાસશીલ રાષ્ટ્રો વતી ભારત સરકારે આય.એમ.એફ.માં એક વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવો એવો નિર્ણય લેવામાં આવ્યો. તે માટે જાન્યુઆરી ૧૯૮૮માં મને તાત્કાલિક વૉશિંગ્ટન સ્થિત આય.એમ.એફ.નાં કાર્યાલયમાં મોકલવામાં આવ્યો.

સ્વર્ગીય ઇન્દિરા ગાંધીનાં એક સમયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કામ કરનાર અને હાલમાં ભારતનાં ‘યુરોપિયન કૉમ્યુનિટી’માં રાજદૂર તરીકે નિયુક્ત ડૉ. અર્જુન સેનગુપ્તા તે વખતે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ભારત, બાંગલા દેશ, શ્રીલંકા અને ભૂતાન દેશોનું પ્રતિનિધિત્વ કરતા હતા. આય.એમ.એફ. સમક્ષ રજૂ કરવા ડૉ. સેનગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ એક વિસ્તૃત પ્રસ્તાવ તૈયાર કર્યો. નાણાંનિધિનાં વિદ્વાનો આગળ તેનું સ્પષ્ટીકરણ અને સમર્થન કર્યું. પદ્ધતિ અનુસાર ડૉ. સેનગુપ્તાએ તે આ.એમ.એફ.ની કાર્યકારિણી સમક્ષ રજૂ કર્યો. તે પ્રસ્તાવને કારણે બધાં વિકાસશીલ દેશોમાં ભારતની પ્રતિભા તો ઊંચી થઈ જ, ઉપરાંત કેટલાંક સમૃદ્ધ દેશોએ સુદ્ધાં પ્રસ્તાવને આવકાર્યો. પ્રસ્તાવ પરની ચર્ચા પછી ડૉ. સેનગુપ્તાએ ભારત સરકાર અને રિઝર્વ બૅંકને પાઠવેલ સંદેશામાં મારી કામગીરીની ભરપુર પ્રશંસા કરી. મારા જીવનની તે એક અત્યંત આનંદદાયી ક્ષણ હતી.

મુંબઈ પાછાં આવ્યા પછી થોડા મહિનામાં જ એક બીજો પડકાર સામે આવ્યો. ઇથિયોપયન સરકારને તેમનાં ચલણનાં વિનિમય દરની પુનઃબાંધણી કરવાની હતી. ખરું તો, આવા કામ માટે વિકાસશીલ દેશોમાં નાણાંનિધિનાં વદ્વાનોની મદદ લેવાની પ્રથા છે. પરંતુ નાણાંનિધિનાં વિદ્વાનોની સલાહ સાચે જ બાહ્ય હોવાની ભૂમિકાએથી ત્રીજા જ દેશનાં વિદ્વાન પસંદ કરવાનો નિર્ણય ઇથિયોપિયન સરકારે લીધો. અને ભારત સાથે અનેક વર્ષોનાં મૈત્રીપૂર્ણ સંબંધ ધ્યાનમાં લઈ તે વિષયનાં તજજ્ઞ મોકલવાની વિનંતિ તે વખતનાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને કરવામાં આવી. તે વિષયમાં મેં કરેલાં સંશોધનનાં પુરસ્કાર તરીકે તે કામ માટે ઇથિયોયિન સરકારના આર્થિક સલાહકાર તરીકે મારી પસંદગી કરવામાં આવી.

ઇથિયોયિાનો અનુભવ અત્યંત સંસ્મરણીય સિદ્ધ થયો. સપ્ટેમ્બર ૧૯૮૮માં હું અદિસઅબાબા જઈ પહોંચ્યો. પહેલા જ દિવસે ઇથિયોપિયન રાષ્ટ્રિય બૅંકનાં ગવર્નર સાહેબની મુલાકાત લેવા ગયો. ગર્વનર શ્રી બિકેલે તામિરાત એ વિલાયતમાં શિક્ષિત વયોવૃદ્ધ ગૃહસ્થ હતા. મને જોયા પછી થોડીક ક્ષણો તેમનું હસવું રોકાતું ન હતું. પછી પોતાને સંભાળતા તે બોલ્યા

‘મને માફ કરો. આંતરરાષ્ટ્રિય વ્યાપારનાં તજજ્ઞ તરીકે એકાદ શેખીખોર માણસ અહીં આવશે એવું અમસ્તાં જ હું માનતો હતો. તમારા જેવો એક તરુણ તજજ્ઞ તરીકે અહીં આવ્યો તેનું આશ્ચર્ય થતાં મને હસવું આવ્યું. દોષ મારો છે. કૃપા કરીને ગેરસમજ કરશો નહિ.’

મરા પરની જવાબદારી ખૂબ મોટી હતી. ઇથિયોયિન ‘બીર’ એ ચલણનો અમેરિકન ડોલર સંદર્ભે સુયોગ્ય વિનિમય દર કેટલો હોવો જોઈએ એ નક્કી કરવાનું હતું, તે માટે ઇથિયોપિયન ‘બીર’નું અવમૂલ્યન આવશ્યક છે કે, હોય તો કેટલું, અને તેને પરિણામે ઇથિયોપિયન અર્થવ્યવસ્થા પર કેવી અસરો થઈ શકે એવા અનેક પ્રશ્નોનાં જવાબ મારે આપવાનાં હતાં.

હું મક્કમપણે કામે લાગ્યો. બે તબક્કે છ મહિના ઇથિયોપિયામાં રહીને મેં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો. તે વખતનાં ઇથિયોપિયન રાષ્ટ્રાધ્યક્ષ શ્રી મેંગિસ્તૂ અને તેમનાં મંત્રીમંડળનાં સભ્યો સામે તે અહેવાલ રજૂ કરી તેમની સર્વ શંકાઓનું નિવારણ કર્યું. તે વખતે ઇથિયોપિયામાં રશિયન રાજ્યપદ્ધતિની જેમ પક્ષોની ‘પૉલીટબ્યૂરો’ની વ્યવસ્થા હતી. તેમનીય સામે અહેવાલ સાદર કરીને મેં તેનું સમર્થન કર્યું. મારો અહેવાલ તે વખતની ઇથિયોપિયન સરકારે યતાવત્‌ સ્વીકાર કર્યો. મેં કરેલી તનતોડ મહેનતનાં પુરસ્કાર રૂપે કે શાથી, પણ પૂર્વેનાં તમામ પ્રસ્થાપિત નિયમો બાજુએ મૂકીને ગવર્નર સાહેબ સ્વયં મને ઇથિયોપિયાનાં પસંદ કરેલાં પર્યટન સ્થળો બતાવવા લઈ ગયા.

અહેવાલની અમલ બજવણી તુર્ત જ થનાર હતી. દુર્ભાગ્યે તે જ અરસામાં ઇથિયોપિયામાં આંતરિક યુદ્ધનું તોફાન શરૂ થયું. અને તેની પરિણતિમાં મેંગિસ્તૂનું રાજ ઉથલાવવામાં આવ્યું. ઇથિયોપિયામાં ક્રાંતિ થઈ. ઇથિયોપિયન સમાજવ્યવસ્થા અંગેનો તે વખતે વિનોદી રીતે લખેલો લેખ ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’માં પ્રસિદ્ધ થયો હતો (૯મી જુલાઈ ૧૯૯૧). ખરું તો એકાદ દેશમાં ક્રાંતિ થયા પછી, ‘જૂનું જવા દો મરવા દો’ એ ન્યાયે સારીનરસી, બધી જ જૂની વાતો નાંખી દેવામાં આવે છે. ખાસ તો મારા અહેવાલ બાબતમાં તેમ થયું નહિ. માર્‌ક્સવાદી સરકાર જતાં ઇથિયોપિયા લોકશાહી સરકારની સ્થાપના થઈ. આટલો ક્રાંતિકારી ફેરબદલાવ છતાં નવનિર્વાચિત ઇથિયોપિયન સરકારે મારા અહેવાલની અમલબજવણી કરવાનો નિર્ણય લીધો. હમણાં હમણાં જ તે માટે મને ફરીથી ઇથિયોપિયામાં મોકલવા સારુ રિઝર્વ બૅંકના ગવર્નર પાસે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ બીજા સંશોધન કાર્યમાં હું ગળાબૂડ ખૂંપી ગયો હોવાથી રિઝર્વ બૅંકે વિનમ્ર નકાર દર્શાવ્યો.

ઇથિયોપિયાથી પાછા આવ્યા પછી મેં કેન્દ્રિય વિત્તવ્યવસ્થા પર સંશોધન શરૂ કર્યું. રિઝર્વ બૅંકનાં તે વખતનાં ડેપ્યુટી ગવર્નર ડૉ. રંગરાજન સાથે સંયુક્તપણે એક વિસ્તૃત શોધનિબંધ તૈયાર કરવામાં આવ્યો. ભારતમાં અંદાજપત્રીય ખાધની ગણના કરવાની પ્રચલિત પદ્ધતિ ક્ષતિપૂર્ણ હોવાથી આ, આ ખાદ્ય હોય છે, તેનાં કરતાં ખૂબ ઓછી દેખાય છે, એવો સિદ્દાંત તે શોધનિબંધમાં રજૂ કરવામાં આવ્યો હતો. સ્રી નાની પાલખીવાલા જેવા પ્રખ્યાત કાયદાશાસ્ત્રી અર્થ-તજજ્ઞ હોવાનો દેખાવ કરતા આઠ-નવ હજાર કરોડની અંદાજપત્રીય ખાદ્ય ખૂબ વધારે છે કહેતાં સરકાર પર ટીકાની ઝડી વરસાવે છે. ત્યારે ખરી અંદાજપત્રીય ખાધ તે વર્ષે ૩૩,૦૦૦ કરોડ જેટલી પ્રચંડ હતી તે અમે દર્શાવી આપ્યું. વ્યાપક ખાધ(ફિસ્કસ ડેફિસિટ) એ સંકલ્પના ભારતમાં પહેલી વખત રજૂ કરવામાં આવી. તે શોધનિબંધમાં, સરકારનાં જમાખર્ચમાં રહેલી ખાધ આજ રીતે વધવા દેવામાં આવે તો ભારતીય અર્થવ્યવસ્થા પર તેનાં દૂરોગામી પરિણામો કયા હોઈ શકે એનું વિવેચન કરીને વ્યાપક ખાધ નિયંત્રિત કરવાની આવશ્યકતા પર તે શોધનિબંધમાં ભાર મૂકવામાં આવ્યો હતો.

વ્યાવસાયિક વર્તુળોમાં એ શોધનિબંધ ખૂબ નામના પામ્યો. જાન્યુઆરી ૧૯૯૦માં દિલ્હીમાં ભરાયેલ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓનાં પરિસંવાદમાં મેં એ શોધનિબંધ રજૂ કર્યો, તે ભારત સરકારનાં વિત્તસચિવ અને વિત્તમંત્રાલયનાં અનેક વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત હતા. તે પછી એકાદ મહિનામાં કેન્દ્ર સરકારનો વાર્ષિક અહેવાલ (ઇકોનોમિક સર્વે) પ્રસિદ્ધ થયો. તેમાં પહેલી જ વખત વ્યાપક ખાધની સંકલ્પના માન્ય રાખવામાં આવી. વ્યાવસાયિક વર્તુળોમાં આ સંકલ્પના મેં રજૂ કરતાં શરૂઆતમાં ‘યે કૌનસી ચિડીયા કા નામ હૈ ભાઈ ?’ કહીને ઉતારી પાડનાર ભારતીય વિદ્વાનો હવે તે સંકલ્પનાને ઉત્સાહભેર સમર્થન આપી રહ્યા છે. સ્વતઃ વિત્તમંત્રી ડૉ. મનમોહન સિંગ અંદાજપત્ર વિશેનાં વિવરણમાં ખાધની ગણના કરવાની જૂની પદ્ધતિનો ઉપયોગ ન કરતાં કાયમ જ ‘વ્યાપક ખાધ’નો આધાર લે છે એ વાત એક અર્થશાસ્ત્રી તરીકે મને ખૂબ સંતોષજનક લાગે છે.

દરમ્યાન, બીજી બે મહત્ત્વની વાતો થઈ. ૧૯૮૯ના ડિસેમ્બરમાં ‘ઇન્ડિયન ઈકોનોમિક એસોસિએશન’ એ ભારતીય અર્થશાસ્ત્રીઓનાં રાષ્ટ્રીય સંગઠનના વાર્ષિક અધિવેશન માટે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી પ્રા. અમર્ત્યકુમાર સેનની પસંદગી કરવામાં આવી. તે સંમેલનમાં ‘ભારત સરકારનું આંતરિક દેવું’ એ વિષય પર મુખ્ય ભાષણ આપવા માટે બુઝુર્ગ ભારતીય પ્રાધ્યાપકોની ઉપેક્ષા કરીને પ્રમુખ વક્તા તરીકે પ્રા. સેને મારી પસંદગી કરી.

વિકાસશીલ દેશોમાં ભારતીય અર્થવ્યવસ્થા એ અગ્રભાગે છે, એમ ઘણાંબધાં ભારતીઓની ભોળી માન્યતા છે. વાસ્તવિક સ્થિતિ દુર્ભાગ્યે તેમ નથી. ઉદાહરણ અર્થે મલેશિયા જેવા દેશમાં બૅન્કિંગ અને અન્ય નાણાં સંસ્થાઓ ભારતની તુલનામાં પુષ્કળ આગળ વધી છે. ત્યાંથી અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવા રિઝર્વ બૅંક વતી મને અભ્યાસ પ્રવાસે મોકલવામાં આવ્યો. મલેશિયા અને સિંગાપુરની બૅન્કિંગ અને વિત્તસંસ્થાઓનો અભ્યાસ કરીને એક વિસ્તૃત અહેવાલ મેં રિઝર્વ બૅંકમાં સાદર કર્યો.

જૂન ૧૯૯૦માં રિઝર્વ બૅંકનાં અર્થશાસ્ત્ર વિભાગનાં એક સંચાલક (ડાયરેક્ટર) તરીકે મને પસંદ કરવામાં આવ્યો. અનેક વરિષ્ઠોની ઉપેક્ષા કરીને આ નિયુક્તિ થવાને કારણે કેટલાક સહકાર્યકરો વિષાદ અનુભવે એ સહજ હતું. પણ મને પોતાને, મેં અહોરાત કરેલ મહેનતની એ અપરિહાર્ય પરિણતી હતી એવું લાગ્યું.

મારું સંશોધનકાર્ય અધિક ઉત્સાહથી ચાલુ રહ્યું. મૌદ્રિક અર્થશાસ્ત્ર પર (મૉનેટરી ઇકોનોમિક્સ) મેં અનેક શોધનિબંધ પ્રસિદ્ધ કર્યા. તેના પર આધારિત એક ગ્રંથ હવે ‘મેકમિલન’ આંતરરાષ્ટ્રિય પ્રકાશન સંસ્થા મારફત પ્રકાશનનાં માર્ગે છે.

વિત્તમંત્રી ડૉ. મનમોહન સિંગે ૧૯૯૧નાં ઉત્તરાર્ધમાં રિઝર્વ બૅંકની મુલાકાત લીધી. ડૉ. મનમોહનસિંગ પૂર્વે રિઝર્વ બૅંકનાં ગર્વનર હતા. અન્ય મોટાભાગનાં ગર્વનરો સાથે મારો વ્યક્તિગત સંબંધ થયો હોવાં છતાં ડૉ. મનમોહન સિંગને મળવાનો યોગ ક્યારેય આવ્યો ન હતો. કારણ તે ગવર્નર હતા ત્યારે હું અમેરિકામાં ડૉક્ટરેટ કરતો હતો. તેમની સાથે ઓળખાણ થયા

બાદ મેં સુખદ આશ્ચર્ય અનુભવ્યું. કારણ મારા સંશોધન કાર્યથી તેઓ સુપેરે પરિચિત હતા. તે બોલ્યા :

‘તમે આટલાં યુવાન હશો એ મને ખબર ન હતી. હમણાં જ તમારો એક શોધનિબંધ મને ગમ્યો.’

મારા એક વરિષ્ઠ સહકાર્યકરે કહ્યું

‘ડૉ. જાધવનો ‘ફિસ્કલ ડેફિસિટ’ પરનો પેપરને ?’

ડૉ. સિંગે જવાબ આપ્યો :

‘અરે, એ પેપર તો મેં ખૂબ પહેલાં જ વાંચ્યો હતો. હું કહું છું તે અત્યારે બે અઠવાડિયા પહેલાં ‘ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી’માં પ્રસિદ્ધ થયેલ લેખ વિશે છે.’

મનમોહન સિંગ જેવા શ્રષ્ઠ અર્થ-તજજ્ઞનો વિત્તમંત્રીપદની ધકાધકીમાં મારા શોધનિબંધને યાદ રાખે, એમાં સંશોધક તરીકે મને જે સંતોષ મળે છે તે શબ્દોમાં વ્યક્ત કરવો સર્વથા અશક્ય છે.

એક તરફ મારું સંશોધન ચાલુ હતું, તો બીજી તરફ એઅધિકાધિક કાર્યાલયીન જવાબદારીઓ મારા પર નાંખવામાં આવી રહી હતી. ઑક્ટોબર ૧૯૯૧માં અર્થશાસ્ત્ર વિભાગના સંચાલકપદ સાથે જ રિઝર્વ બૅંકનાં સંપર્ક અધિકારીનો વધારાનો કાર્યભાર મને સોંપવામાં આવ્યો. પછી ‘સરકારી સ્ટૉક એક્ષ્ચેન્જ’ પ્રકરણ ગાજવા લાગ્યું અને વર્તમાનપત્રોમાં રિઝર્વ બૅંક પર ટીકાની ઝડી વરસાવાવમાં આવી. તે વખતે રિઝર્વ બૅંકનાં જનસંપર્ક અધિકારી તરીકેની કામગીરી સંભાળતાં અનેક પડકારોનો કામનો કરવો પડ્યો.

ડિસેમ્બર ૧૯૯૧માં સંશોધનની વધુ એક ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થઈ. વિદેશી ચલણની ખરીદ-વેચાણનું એક અનધિકૃત બજાર છે. તેને ‘હવાલા માર્કેટ’ કહે છે. આ વ્યાપારનું કેન્દ્ર ભારતમાં નથી પણ મધ્યપૂર્વમાં દુબઈમાં આવેલું છે. પણ, ત્યાં સુધી આ વ્યાપાર અંગે ખૂબ જ જુજ માહિતી ઉપલબ્ધ હતી. અધિકૃત સ્તરે વિદેશી ચલણની અછત હોય ત્યારે હજારો કરોડ રૂપિયાના વિદેશી ચલણની હેરાફેરી કરનારા આ હવાલા માર્કેટ અંગે સરકાર કે રિઝર્વ બૅંકથી અનભિજ્ઞ રહી શકાય નહિ. તે વખતના ગવર્નરશ્રી વેંકિટરામાનનએ હવાલા માર્કેટનો સર્વાંગીણ અભ્યાસ કરવાની ખાસ કામગીરી અર્થે મને મધ્ય૦પૂર્વમાં મોકલ્યો.

અનેક સાહસિક યુક્તિઓ, વાપરીને મેં ‘હવાલા માર્કેટ’ પર એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો. ‘હવાલા માર્કેટ’માં થનારી ઉથલપાથલ, કાર્યકારણ ભાવ, કાર્યપદ્ધતિ, ઇત્યાદિનું વિવેચન કરીને સોનાની દાણચોરી અને માદક દ્રવ્યોની ચોરીનાં વ્યાપાર, એમની સાથે તેનો સંબંધ આવી અનેક વિવિધ વાતોનો ઉલ્લેખ તે અહેવાલમાં કરવામાં આવ્યો. આ પ્રકારનો એ દેશનો પહેલો જ અહેવાલ. ઉપલબ્ધ ન હતી તેવી માહિતી મેળવતી વખતે મધ્ય-પૂર્વમાં કરેલ જુદી જુદી યુક્તિઓને કારણે રિઝર્વ બૅંકનાં ગવર્નરસાહેબે, ભારતીય અર્થશાસ્ત્રીઓની એક બૅંકમાં રિઝર્વ બૅંકનાં ‘જેમ્સ બૉન્ડ’ એવું મારું નામાભિધાન કરી નાંખ્યું !

‘હવાલા માર્કેટ’નું પ્રભાવી નિયંત્રણ કરવા માટે પોલિસ અથવા તેના જેવી યંત્રણા મજબૂત કરવા કરતાં જે કારણોને લીધે ‘હવાલા માર્કેટ’ને ઉત્તેજન મળે છે તે આર્થિક ત્રુટીઓ પર હુમલો કરવાની આવશ્યકતા પર અહેવાલમાં ભાર મુકવામાં આવ્યો. તે દૃષ્ટિએ અંશતઃ પરિવર્તનશીલ છે રૂપિયો. સુવર્ણ આયાત યોજના અને સુવર્ણ ડિપૉઝિટ યોજનાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે પછીનાં સમયમાં આ ત્રણેય ભલામણો કાર્યાન્વિત થયાની સહુને ખબર છે જ.

ફેબ્રુઆરીમ ૧૯૯૨માં ‘સુવર્ણ બૅંક’ સ્થાપના કરવાની દૃષ્ટિએ એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા માટે રિઝર્વ બૅંકે એક અભ્યાસજૂથની રચના કરી. અને તેનાં નિમંત્રક તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી. અમારા અભ્યાસ જૂથે, પોતાનો અહેવાલ નક્કી કરવામાં આવેલ સમયમર્યાદામાં રિઝર્વ બૅંકને સાદર કર્યો. જો કે તેની અમલબજવણી, આજ સુધી થઈ શકી નથી.

‘સરકારી શેર’ પ્રકરણની ચોકસાઈ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિ ૧૯૯૨માં નિમવામાં આવી. વસ્તુતઃ રિઝર્વ બૅંકના સંબંધિત વિભાગોનાં કામકાજ સાથે મારો પ્રત્યક્ષ સંબંધ ન હતો. તેમ છતાં સમિતિ સમક્ષ જનાર તજજ્ઞોનાં જુથમાં અને પછી સાક્ષી આપનારા રિઝર્વ બૅંકનાં વરિષ્ઠ અધિકારીઓનાં સલાહકાર તરીકે મને વિશેષ જવાબદારી સોંપવામાં આવી. આ ઐતિહાસિક સમિતિનાં કામકાજમાં ભાગ લેવાની જે તક મને મળી તેમાંથી અત્યંત અમૂલ્ય અનુભવ સાંપડ્યો એ નિશ્ચિત છે.

ઑક્ટોબર ૧૯૯૨માં પદોન્નતિ આપીને રિઝર્વ બૅંકનાં કેન્દ્રિય સંચાલક મંડળમાં સચિવપદે મારી નિમણૂંક કરવામાં આવી. સામાન્ય રીતે રિઝર્વ બૅંકનાં જ્યેષ્ઠ વિભાગપ્રમુખની સચિવ તરીકે નિમવાની પરંપરા છે. તે પરંપરા ઉવેખીને આ મહત્ત્વપૂર્ણ પદે મારી નિમણૂંક થઈ એને હું મારું મોટું ગૌરવ માનું છું.

અમેરિકા જેવા પ્રગતિશીલ દેશમાં ઉપલબ્ધ રહેલી વિકાસની અનેક તકો નકારીને જન્મભૂમિ પાછા આવનાર અનેક ધ્યેયવાદી વ્યક્તિઓ પાછળથી નિષ્ફળ ગણાઈ પરદેશ પાછાં ગયાનાં ઉદાહરણ વારંવાર જોવા મળે છે. ખરું તો, આ પૈકીનાં ઘણાં લોકો ખોટો દૃષ્ટિકોણ લઈ ભારતમાં આવે છે, તેથી નિરાશ થાય છે એવું મને લાગે છે. વસ્તુતઃ આ માટીમાંથી જ આપણે આવ્યા હોવાને કારણે અહીંની સમાજવ્યવસ્થાની, તેનાં ગુણદોષોની સઘળી કલ્પના હોય છે. પણ, અમેરિકા જેવા દેશમાં કેટલાક વર્ષે પસાર કર્યા પછી કેટલાક તે ભૂલી જાય છે. પછી, અમેરિકા જેવી સગવડો અથવા તેવું પોષક વાતાવરણ અહીં નથી કહીને જન્મભૂમિની ટીકા કરવામાં આવે છે. અહીં દૃષ્ટિકોણ મહત્ત્વનો છે. અમેરિકામાં પાંચ વર્ષ ગાળ્યા છતાંય અમારા નાશિકની ગામઠી ભાષા હું ‘અસ્ખલિતપણે’ બોલી શકું છું. તેથી ઊલટું કેવળ પોતાનો ભાઈ અમેરિકામાં છે એ કારણે, ડોંબિવલીની પેલી બાજુ ક્યારેય નહિ ગયેલા લોકો અમેરિકન ‘એકસેન્ટ’માં બોલતાં આપણે જોઈએ જ છીએ. લવચીક દૃષ્ટિકોણ રાખીને જો મોકળા મનથી તમે વતમાં પાછા આવો તો પ્રગતિની અને સફળતાની અસંખ્ય તકો તમને પ્રાપ્ત થઈ શકે. અડચણો આવે જ છે, ન આવે એવું નથી, પણ સઘળું જ વ્યવસ્થિત, ઇચ્છાનુસાર થવાનું હોય તો પછી તેમાં આવાહ્‌ન ક્યાં રહ્યું ? યોગ્ય દૃષ્ટિકોણ રાખીએ તો સફળતા મળી શકે. અમેરિકા છોડ્યાનો ખેદ તો થતો જ નથી. ઊલટું જન્મભૂમિ પાછાં આવી આપણા દેશને ઉપયોગી થવાનો અસીમ સંતોષ મળી શકે એ સ્વાનુભાવ પરથી હું નિશ્ચિત કહી શકું છું.

અલબત્ત, વ્યક્તિગત હું ખૂબ જ સદ્‌ભાગી નીવડ્યો છું. શ્રી રામ મલહોત્રા, સ્રી વેંકિટ રામાનન, ડૉ. રંજરાજન, શ્રી તારાપોર અને ડૉ. એસ. એલ. શેટ્ટી જેવાં ઉત્કૃષ્ટ વ્યાવસાયિક માર્ગદર્શક મળ્યા, એટલે જ હું કાંઈક મેળવી શક્યો છું એ હું નિસંકોચપણે સ્વીકારું ચું.

અર્થશાસ્ત્રમાં વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત કરતી વખતે આપણાથી કેવળ હાથીનાં દાંતની મનોદશામાં રહીને ચાલશે નહિ એ હું સદાય સ્વતઃને તાકીદ આપતો. અન્યથા સુદ્ધાં મારો પિંડ લોકાભિમુખ રહેવાનો છે. તેથી જ ભારતીય અર્થવ્યવસ્થામાં છેલ્લાં બે વર્ષમાં મૂળગામી સ્વરૂપ બદલાતું હતું ત્યારે તેનો અન્વયાર્થ શક્ય તેટલી સહેલી ભાષામાં સર્વસામાન્ય જનતાને સમજાવવાની આવશ્યકતા મારા ધ્યાને આવી. તે સંદર્ભે ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ અને ‘લોકસભા’ એ દૈનિકોમાં વખતોવખત આર્થિક સુધારણા, અંદાજપત્ર, પરિવર્તનશીલ રૂપિયો, સુવર્ણ બૅંક યોજના જેવા તાત્કાલિક વિષયો ઉપર મારાં અનેક લેખ પ્રસિદ્ધ થયા. મુંબઈ યુનિવર્સિટી અને મુંબઈ-પૂણેની અનેક મુખ્ય કૉલેજો અને ઇતર સૈક્ષણિક સંસ્થાઓમાં જઈને નવી આર્થિક નીતિનાં વિવિધ પાસાં, વિદ્યાર્થી અને પ્રાધ્યાપકોને સમજાવવામાં મારી રીતે પ્રયત્ન કર્યા. આ પ્રયત્નનો જ એક અપરિહાર્ય હિસ્સો એટલે છેલ્લા બે અંદાજપત્રો પછી ઇતર મહત્ત્વપૂર્ણ આર્થિક ઘટનાઓ સંદર્ભે દૂરદર્શન પર ભાષ્ય કરવાની અને ચર્ચામાં ભાગ લેવાની તક મને વારંવાર પ્રાપ્ત થઈ.

આ સઘળું થતી વખતે જે ડૉ. આંબેડકરની પ્રેરણા લઈને હું આગળ આવ્યો, તેઓને ભૂલવા શક્ય જ ન હતું. ડૉક્ટરેટ મેળવી સ્વદેશ પાછા આવ્યા પછી વ્યાવસાયિક જવાબદારીઓ વધવાને કારણે પહેલાંની જેમ દોડધામનું સમાજકાર્ય મને યોગ્ય જણાતું ન હતું. તેને કારણે મારી નવી જવાબદારી સાથે સુસંગત એવા સામાજિક કાર્યનું માધ્યમ હું શોધવા લાગ્યો.

ડૉ. આંબેડકર એ ઉચ્ચ કોટીનાં અર્થશાસ્ત્રી હોવાં છતાં ભારતીય સમાજે અર્થશાસ્ત્રી તરીકે તેમને માન્યતા આપી ન હતી એનો ખેદ અનેક વર્ષો મનમાં હતો. ડૉ. આંબેડકરની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની આર્થિક કામગીરીનાં દર્શન કરાવનારા કેટલાક મરાઠી, અંગ્રેજી લેખ મેં મુખ્ય વર્તમાનપત્રોમાં અને ‘ઇકોનોમિક એન્ડ પૉલિટિકલ વીકલી’ જેવા માતબર સાપ્તાહિકોમાં લખ્યા. તે જ સંદર્ભે ઠેકઠેકાણે મેં ભાષણો આપવા શરૂઆત કરી. દૂરદર્શન, રેડિયો પરની અનેક ચર્ચાઓમાં તે વિષયની પાછળ પડ્યો. ડૉ. આંબેડકરનાં ચતુરસ્ત્ર, સર્વસ્પર્શી વ્યક્તિત્વમાં દુર્લક્ષિત રહેલા અનેક પાકા હું ઊકેલી બતાવતો હતો. તેને અક્ષરસઃ પ્રચંડ પ્રતિસાદ મળ્યો. તે વિષયે મારે સવિસ્તર એકાદ પુસ્તક લખવું એવી વિનંતિ, આર્જવ કરનારા સેંકડો પત્રો મહારાષ્ટ્રનાં ખૂણેખૂણેથી આવ્યા. મેં ય આ વાત ધ્યાને લઈ ડિસેમ્બર ૧૯૯૨માં ‘ડૉ. આંબેડકરનાં આર્થિક વિચાર અને તત્ત્વજ્ઞાન’ એ પુસ્તક સુગાવા પ્રકાશન, પૂણે સંસ્થા મારફત તેમજ તે જ વિષયનું અંગ્રેજી પુસ્તક પોપ્યુલર પ્રકાશન, મુંબઈ એ સંસ્થા વતી પ્રસિદ્ધ થયાં છે. આ બંને પુસ્તકોને રિઝર્વ બૅંકનાં તે વખતનાં ગર્વનર શ્રી વેન્કિટ રામાનની પ્રસ્તાવના પ્રાપ્ત થઈ છે. સાઈઠ-સિત્તેર વર્ષની ઉપેક્ષા પછી રિઝર્વ બૅંકનાં ગર્વનરસાહેબે સ્વતઃ ડૉ. આંબેડકરની આર્થિક કામગીરીની નોંધ લઈને તેમને શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે માન્યતા પ્રદાન કરી એમાં એક ઐતિહાસિક ન્યાય છે એવી મારી માન્યતા છે.

ડૉ. આંબેડકરનાં આર્થિક વિચારોને હવે નવેસરથી ગતિ મળી છે. ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં આ વિષયસંદર્ભે કેટલાક વિદ્યાર્થી ડૉક્ટરેટ કરવા લાગ્યા છે. ફેબ્રુઆરી ૧૯૯૩માં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન તરફથી મુંબઈ યુનિવર્સિટીમાં આ વિષય પર એક પરિસંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો. તે પૈકી એક ચર્ચાસત્રનું અધ્યક્ષસ્થાન સ્વીકારવાની તક મને પ્રાપ્ત થઈ. તે પરિસંવાદમાં ગુરુવર્ય પ્રા. બ્રહ્માનંદે વિશ્વનાં સર્વોત્કૃષ્ટ અર્થશાસ્ત્રીઓમાં ડૉ. આંબેડકરની ગણના કરી. વિશેષ એટલે ‘ઇનડિયન ઇકોનોમિક એસોસિએશન’ એ ભારતીય અર્થશાસ્ત્રીઓની અખિલ ભારતીય સંસ્થાએ છેવટે ડૉ. આંબેડકરની નોંધ લીધી છે. ડિસેમ્બર ૧૯૯૩માં આયોજિત તેમનાં વાર્ષિક અધિવેશનમાં ‘ડૉ. આંબેડકરનું અર્થશાસ્ત્ર’ એ એક મુખ્ય સૂત્ર છે. મારા માટે આ કરતાં આનંદદાયક વાત શું હોઈ શકે !

કેટલીક વખત લોકો મને પૂછે છે ‘કેમ છો, તમે હવે આટલા મોટા હોદ્દે પહોંચ્યા છો, પછી, હવે તમને તમારી જાતિને કારણે કટુ અનુભવો નહિ થતા હોય, નહિ ને ?’

આપણા સમાજનું દુર્ભાગ્ય એવું છે કે માણસ કેટલાય મોટાં પદ પર પહંચે છતાં તેની જાત કાંઈ જતી નથી. જાતિને કારણે તેની માનહાનિ કરવાનું કાંઈ રોકાતું નથી. બહુ તો જાતિને કારણે હલકા ગણવાનું સ્વરૂપ બદલાય છે, એટલું જ. આ બાબતમાં કેટલા કહેવા યોગ્ય પ્રસંગો કહેવા એમ લાગે છે.

હું બાંદરા રહેતો હતો ત્યારની વાત છે. અમારા એક ઉચ્ચવિદ્યાવિભૂષિત પડોશી ગૃહસ્થ મને રસ્તામાં મળ્યા બોલ્યા ‘પેલા અમુક અમુક મદ્રાસી ગૃહસ્થ તમારા ખૂબ વખાણ કરતા હતા.’

‘એમ કે ? શાને કારણે ? અમારો તો એટલો પરિચય સુદ્ધાં નથી’

મેં કહ્યું.

‘ના, તમે તે દિવસે તમારી કારમાં તેમને લિફ્ટ આપી. તે કહેતાં હતાં, આપણે સંસ્કારિતા ત્યજી છે. પણ જાધવ શિડ્યુઅલ કાસ્ટ હોવાં છતાંય કેટલા સંસ્કારિતાથી વર્તે છે !’

અરે ! માણસાઈથી અથવા સંસ્કારિતાથી વર્તાવનો ઇજારો ફક્ત વિશિષ્ટ જાતિઓએ લીધો છે કે ? રજા પર હતો ત્યારે મારી દીકરીને - અપૂર્વાને શાળામાં મુકવા જતો હતો. રસ્તામાં આ મદ્રાસી ગૃહસ્થ પોતાની પૌત્રીને શાળામાં લઈ જતાં દેખાયા. છોકરીનાં યુનિફોર્મ પરથી તે મારી દિકરીના શાળામાં છે એ ધ્યાને આવ્યું. તે ગૃહસ્થને જોયે ઓળખતો હતો જ. તેમની વય સામે જોઈને મેં તેમને લિફ્ટ આપી. તેમાં શી મોટી વાત ? પાસપાસે રહેનારા કોઈપણ કોઈનીય સાથે બતાવે એટલું આ સાદુ સૌજન્ય. તેમાં જાતિનો સંબંધ આવવો જ શું કામ જોઈએ ? પણ એ આવે છે, એ સાચું !

બીજા, અમારી બિલ્ડિંગમાં રહેનારા એક ગૃહસ્થ વ્યવસાયે એન્જિનિયર સરસ વ્યવસ્થિત રહેનારા ૧૯૮૧નાં વર્ષમાં દાદાનું નિધન થયું તે વખતે સાંત્વના આપવા તે અમારા ઘરે આવ્યા. જતી વખતે બોલ્યા, ‘તમારી બાને ખાસ કહેજો કે, અમારા ઘરે આવવા લગીરેય સંકોચ રાખશો નહિ.’

મેં હા માં હા ભણી, પણ તે સદ્‌ગૃહસ્થ વળી વળીને તે જ વાત કરતાં હતાં. મારા મનમાં શંકાનો કીડો સળવળ્યો. મારાથી રહેવાયું નહિ.

‘અરે ભાઈ, આજ સુધી તમારા ઘરે આવવા મારી બાને બંધી હતી કે શું ?’

‘એવું નથી ભાઈ. પહેલાંની વાત જુદી હતી. તેમને કહેજો, અમારે ત્યાં તેવું કાંઈ પાળતા નથી. સવારે બહાર નીકળતાં વિધવા સ્ત્રીનું મોં જોવું નહિ એમ અમારે ત્યાં કોઈપણ માનતું નથી.’ તે સદ્‌ગૃહસ્થ અભિમાનપૂર્વક બોલ્યા.

ત્યારે કાંઈ મારા મનમાં ઝબકારો થયો. મને તેમને બૂમનો પાડીને કહેવાની ઇચ્છા થઈ :

‘ભલા માણસ, તારાં ઘરેય તારી વિધવા બા છે. લગભગ રોજ જ ઑફિસે જતી વખતે હું તેનું મોં જોઉં છું. પણ તેને કારણે મારો દિવસ ખરાબ ગયો એવું ક્યારેય થયું નથી. અને એકાદ દિવસ ખરાબ ગયો જ. તો તેનું આળ હું તે ગંગા-ભાગિરથીનાં માથે નાંખતો નથી.’

આવાં જ વધુ એક સ્નેહી. કાયમ મારી સાથે તાત્ત્વિક ચર્ચા કરે છે. બિલકુલ પોતાને વિચારશીલ સુદ્ધાં માનતાં હશે એવો મને સંશય છે. એકવખત તેમને ગમતાં ક્યાંકનાં મઠનાં સ્વામીજી વિષે મને કહેતાં હતાં. સ્વામીજીની સ્તુતિ કરતાં કરતાં મને કહ્યું

‘તમે એક વખત તેમને મળો જ. સ્વામીનાં વિચાર એટલા ઉચ્ચ છે, તેમનાં વિચાર એટલા મોટા છે કે તમારા જેવા એકાદ ‘શિડ્યુઅલ કાસ્ટ’ માણસ સાથે સુદ્ધાં એકદમ નિખાલસતાથી ચર્ચા કરે છે. તમે એકવાર આવો જ.’

હવે આ સ્વામીજી હશે જ્ઞાની, નહિ હોય એવું નથી. પણ એક વિશિષ્ટ જાતિનાં વિશિષ્ટ ખાનદાનમાં જન્મ લેવાને કારણે તે સ્વામીજી થયા હોવાની શક્યતા જ વધુ ચે. મેં કઠોર મહેનત કરીને અમેરિકામાં ડૉક્ટરેટ મેળવ્યું. સ્વામીજીની તપશ્ચર્યા કઈ ? તેઓ મારી સાથે બરોબરીથી વર્તવાની ‘મોટપ’ બતાવે તેથી મારે ધન્યતા શાથી માનવી ?

જાતિયવ્યવસ્થામાંથી નિર્મિત થયેલ લઘુતાગ્રંથી ફગાવી દેવામાં મારા જેવા પૂર્વાશ્રમનાં અનેક દલિત આજ યશસ્વી નીવડ્યા છે. આ બાબાસાહેબનો અને તેમણે મેળવી આપેલ શિક્ષણનો જાદુ છે. પણ તેને ઇતરોનો સાથ મળશે જ એવું નથી. ઊલટાનું પોતાને સુશિક્ષિત કહેવડાવનારા (અને ઘણું કરીને મનાં નિર્મળ એવાં) પરંતુ ગાડરિયા પ્રવાહની જેમ ચીલે ચાલવાની માનસિકતામાં જડકી રાખવામાં આવેલ અસંખ્ય અતિ ભાગ્યશાળી ડગલે ને પગલે મળે છે. આ આત્મઘાતી માનસિકતા બદલાશે તોય ક્યારે અને કઈ રીતે ?

ઘણા દિવસ મનમાં ઘોળાઈ રહેલી એક ઇચ્છા હમણાં જ ફળીભૂત થઈ. સંસ્કારક્ષમ, ઉમરલાયક થયેલા મારા દિકરા, તન્મયને લઈને એક સાંજે મારું બાળપણ જે વડાલામાં ગયું ત્યાં હું જઈ આવ્યો. તેને અમારા એક વખતનાં ઘર બતાવ્યાં. જર્જરિત થયેલી અમારી બી.પી.ટી.ની શાળા બતાવી, રેલવે યાર્ડમાં લઈ ગયો. માલગાડીનાં એન્જિનમાં બેસીને સફર કરાવી. ચાલતી માલગાડીની નીચેથી બીજી તરફ જવાની કારીગરી પ્રત્યક્ષ તેને બતાવવાનો વિચાર હતો. પણ મારી બદલાયેલી વય અને આકાર લક્ષ્યમાં લઈ ઉત્સાહ પર સમયસર કાબુ મેળવ્યો.

કૉલેજમાં હતા ત્યારે વડાલા સ્ટેશનની બહારની હોટલમાં અમે કલાકો સુધી ચર્ચા, વાદવિવાદ કરતાં. અનેક વર્ષો પછી એ જ હોટલમાં અમે જઈ પહોંચ્યા. મને ઓળખી જતા હોટલમાલિક સેટ્ટીનો ચહેરો એકદમ ચમકી ઊઠ્યો.

‘અરે, અબી તો તુમ ભોત બડા સાબ હો ગયા હૈ !’

‘પુરાને દોસ્તં કે લિએ તો મૈં બસ વહી પુરાના યાર હૂં.’

આવો ‘ડાયલૉગ’ મારતાં એ ખડખડાટ હસી પડ્યો. એના મોઢામાં બચેલો એક માત્ર દગાંત ઝબકી ગયો.

મને આશ્ચર્ય થયું. માથા દીઠ પા કપ પીને કલાકો સુદી બેસી રહેનારા અમે ગ્રાહક તરીકે ખૂબ જ ખરાબ હોઈશું, એવી મારી કલ્પના હતી. પણ શેટ્ટીની ભાવના નિરાળી હતી.

‘તુમ લોક આતા થા તો કૂચ આચ્ચા સુનનેકૂ મિલતા થા. અબી સાલા સબ બેવડા લોક આકે પરેશાન કરતા હૈ.’

વ્યાવસાયિક દૃષ્ટિએ શેટ્ટીનું પુષ્કળ સારું ચાલતું હતું. પૂર્વ ઈરાનીની હોટલ જેવી તદેની હોટલનું ‘બિયર બાર’માં રૂપાંતર થયું છે. પણ બદલાયેલાં સામાજિક મૂલ્યો તેને અસ્વસ્થ કરતાં હતાં.

જૂના વડાલા, બી.પી.ટી. કૉલોની, એન્ટોપ હિલ - આ આખા પરિસરમાં ચાલતાં હું તન્મયને મારા બાળપણમાં લઈ ગયો. સંધ્યાકાળનો સમય હતો. બધી બાજુ જુદી જુદી જાતીનાં લોકો ઉમટ્યા હોય એવું લાગતું હતું. ઘેનવાળી આંખોથી જોતાં, પોતાની સાથે લવારી કરતાં.

ઘર તરફ જનારા અનેક જીવો તેમાં દેખાયા હતાં. તે ગીરદીમાં નવી આશાઓનાં અનેક ભદરુભાઈ હશે, શિવજ્યા દાદા હશે, દૌલત દાદા હશે. શંકરયા દાદા હશે. હું કેવળ ત્યાં દેખાતા નાનાં બાળકોમાં મારું પોતાનું પ્રતિબિંબ શોધતો હતો.

છેલ્લાં ચાળીસ વર્ષથી હું સ્વતઃને શોધું છું. હવે ક્યાંક મારી અંદરનો હું હાથે આવ્યા જેવું જણાય છે. કવિવર્ય ગ. દિ. માડગળુકરની, ‘એક તળાવમાં’ રહેલાં બતકનાં ‘સુંદર બચ્ચા’ની અને તેમાંના એક ‘કદરૂપા ગાંડા’ બચ્ચાની કવિતા કેટલી સૂચક છે. પેલા તથાકથિત ‘કદરૂપા’ બચ્ચાને સ્વત્વનું ભાન ન હતું ત્યારે બીજા બતકો તેને ‘સાથે રમાડવાં’ લેતા નથી. ચાંચો મારતા રહેતા. તે દયનીય બચ્ચું એકલું જ રડતું-ડરતું ‘બધાયથી નિરાળુ એકલું જ તરતું’ રહેતું. જે વખતે તે બચ્ચાને પોતે એક કદરૂપું બતક નહિ પણ સાક્ષાત્‌ ‘રાજહંસ’ છું એ સમજાયું. તે વખતે તાપ-વરસાદના ભય ‘વાયરા’ જેમ જતો રહ્યો.

આપણાં દેશમાં જાતિવ્યવસ્થાની અને ચાતુર્વણ્યની ઉતરડ હેઠળ કેટલાય રાજહંસ પોતાને બતક માનીને અસ્તંગત થયા હશે ? કેટલા બતકો મુશ્કેલીઓ સિવાય રાજહંસ તરીકે મહાલી શક્યા હશે ? રાજહંસ એ પ્રત્યેક વ્યક્તિમાં હોય છે. તે ચોક્કસ કયા ક્ષેત્રમાં છે એનો માત્ર ક્યાસ લેતાં આવડવું જોઈએ. ડૉ. આંબેડકરનાં પારસમણિ સ્પર્શથી આજે લાખો દલિતોને પોતાની અંદરનાં રાજહંસને શોધવાની પ્રરેણા મળી છે, દાદાની દૂરદૃષ્ટિને કારણે હું સ્વતઃ તે જ શોધવાની પ્રક્રિયાનું એક પ્રતિક બન્યો છું. ભારતીય સમાજનાં બધાં થરોમાં જાતિ-વંશ-ધર્મ-પ્રાંત-વર્ણ-લિંગભેદનો વિચાર ન કરતાં પોતાની અંદરના રાજહંસ શોધવા માટે પરિપૂર્ણ અને પોષક વાતાવરણ નિર્માણ થશે. તે વખતે આ દેશનો આર્થિક ઉષાકાળ થયો હશે. ડૉ. આંબેડકર પ્રણિત આર્થિક લોકશાહીનો આધાર નિશ્ચિતપણે તેમાં છે.

પરિશિષ્ટ

પ્રતિક્રિયાનું ભાથું :

‘કાળ અનંત છે અને પૃત્વી અપાર છે. મારી કલાકૃતિનો મર્મ જાણનાર સમાનધર્મી રસિક આજ નહિ તો ક્યારેક અને ક્યાંક ચોક્કસ મને મળશે’ એવો દૃઢ વિશ્વાસ ધરાવનાર ભવભૂતિ જેવો લેખક વિરલ જ. અન્યથા કીર્તિમાન સફળ લેખકોથી લલિત સાહિત્યનાં ક્ષેત્રમાં મારાં જેવા નવોદિત સુધી બધાંયને વાંચકોની પ્રતિક્રિયા અંગેનું કુતૂહલ હોય જ. એમાંય ‘અમારો બાપ અને અમે’ને એક સાહિત્યકૃતિ તરીકે ન જોતાં એક સામાજિક દસ્તાવેજ તરીકે જોતાં હોવાને કારણે વાંચકોની પ્રતિક્રિયા અંગે વિશેષ ઔત્સુક્ય મનમાં રહે છે.

વાંચકોની બદી જ પ્રતિક્રિયા સાદર કરવી હોય, તો તે માટે એક સ્વતંત્ર પુસ્તક જ પ્રસિદ્ધ કરવું પડે. પ્રસ્તુત પરિશિષ્ટોમાં પ્રતિક્રિયાઓની એક ઝલક, તેનાં સંક્ષિપ્ત તારણો, કેટાક પસંદ કરેલા પત્રો અને યશવંત મનોહરનો સમીક્ષા લેખ તે જ ક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

‘ત્ત્ક્રૠક્રનક્ર ખ્ક્રક્ર ત્ત્ક્રઌ ત્ત્ક્રૠદ્યટ્ટ’ વિશે પત્રો દ્વારા અભિપ્રાય જણાવનારા વાંચકોમાં કુમારી નિવેદિતા ખંડકર (ધો. ૬-અ)થી ૮૦ વર્ષનાં જ્યેષ્ઠ સમાજસેવિકા શ્રીમતી લીલા મસ્તકાર-રેળે, વયોવૃદ્ધ અણ્ણા તામ્હાણે. બી. જી. દેશમુખ સુધીનાં તમામ વયજુથનાં વાંચક છે. તેમાં મહારાષ્ટ્રનાં લાડકાં વ્યક્તિત્વ પુ. લ. દેશપાંડે અને ગંગાધર ગાડગીલ, મ. વા. ઘોંડ, પ્રેમાનંદ ગજવી, ડૉ. રાવસાહેબ કસબે, ફાધર ફ્રાન્સિસ દિબ્રીટો, રાજા ડાલે, સતીશ કાળસેકર જેવા સાહિત્યકારો-વિચારકો, શ્રી અભયસિંહ રાજે ભોસલે જેવા મંત્રી, શ્રીમતી લીના મહેંદળે જેવા, ભારતીયપ્રશાસન સેવાનાં જ્યેષ્ઠ સનદી અધિકારી, સુરેશ પેંડસે જેવા નિવૃત્ત પોલીસ અધિકારી, ‘જાગતિક ફૅડરેશન ઑફ મરાઠી ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’નાં ઉપાધ્યક્ષ ડૉ. વિજય ઢવળે, સાહિત્યકાર વડીલ, શિક્ષક, પ્રાધ્યાપક, પત્રકાર, સામાજિક કાર્યકર, કારકૂન, સિપાઈ, બેરોજગાર તરુણ, વિદ્યાર્થી-વિદ્યાર્થિની એવાં સમાજનાં બધાંય ઘટકોનો સમાવેશ છે. મહારાષ્ટ્રમાં મુંબઈથી માલવણ સુધી, પૂણેથી ધૂળે, જળગાવ, નાશિક, નાગપુર સુધી અનેક નાનામોટા ગામોમાંથી તેમજ ગુજરાતમાં વડોદરાથી, કેનેડાનાં ઓટાવા સુધી અનેક ઠેકાણેથી પત્રો આવ્યા છે.

પુ. લ. દેશપાંડેએ કહ્યા પ્રમાણે આ પુસ્તકનો ‘મેન ઑફ ધ મેચ‘ દામોદર રુંજાજી જાધવ નામનો ‘સેન્ચુરી બેટ્‌સમેન’ છે, એમાં શંકા નથી. દાદાનાં વ્યક્તિત્વે અનેક લોકોને પ્રભાવિત કરેલાં દેખાય છે. શ્રીમતી સરસ્વતી દેવ (મુંબઈ) કહે છે, ‘દરેક સ્તરોમાંની સમાજની વિચારશીલ સ્ત્રીઓને, પછી તે મળી રહે કે ન મળે, ‘શ્યાની બા’ થાવ એમ કહેવામાં ાવે છે, પણ ાદર્શ નીતિમાન પિતા થા’ એમ છોકરાઓને શિક્ષણ કોઈ આપતું નથી. દાદાનાં રૂપમાં તમે પિતૃત્વનો આદર્શ સમાજ સમક્ષ રજૂ કર્યો છે. અને સમાજ પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે.’ શ્રીકાંત મરાઠે (મુંબઈ) લખે છે, ‘દાદાની અભિવ્યક્તિમાં સર્વોચ્ચ બિંદુ એટલે બીજાં લગ્ન કરવાનો વડીલોનો પ્રસ્તાવ તેમણે નિષ્ફળ બનાવ્યો. તે વખતનાં તેમનાં તીવ્ર પ્રત્યાઘાત અને તે સાંભળ્યા પછી તેમની પત્નીમાં જણાયેલ સૂક્ષ્મ તરલ બદલાવ. આ બુદ્ધિમતા અને પ્રતિભાનો સંગમ વિશ્વ-વાઙ્‌મયમાં શોભી ઊઠે એટલો મોટો છે.’ શ્રીમતી નંદિની દેસાઈ એમને, "ર્ત્નહ્વ ીટીંહર્જૈહ" મને ન આપતાં બીજા જરૂરિયાતવાળાને આપો’ - એ દાદાએ કરેલી માંગણી તેમનાં વ્યક્તિત્વનું પ્રમાણ જણાય છે. પ્રભાકર નેને (મુંબઈ) લખે છે : ‘આ બાપાને દુન્વયી અર્થમાં ભણતર નહતું છતાંય દુનિયાનાં વ્યવહારીપણાની સમજણ દેખાય છે. થોડામાં, ‘દૈવાયત કુલે જન્મમ, મદાયતં તુ પૌરુષમ‘ એ કર્ણનાં ઉદ્‌ગાર પુસ્તક વાંચીને પૂરું કરતા મનમાં આવે છે.’ ‘શ્રીમતી લીના મહેંદળે (નાશિક)ને પુસ્તકમાંની ત્રણ વાતો ખૂબ ગમી. એક દિકરાને શાળામાં પ્રવેશ મળે એટલે દાદાએ કરેલા અપવાસ; બીજું ‘શિક્ષણનો ગરીબો માટે ઉપયોગ ન હોય તો તે વ્યર્થ’ એ તેમનાં ઉદ્‌ગાર અને ત્રીજી, દાદાના દિકરાઓએ શિક્ષણથી મેળવેલો આત્મવિશ્વાસ. વિકાસ દળવી (મુંબઈ) કહે છે, ‘અશિક્ષિત ગરીબ કુટુંબમાં જન્મ લઈને સુદ્ધાં શિક્ષણનું મહત્ત્વ આંકનાર દૃષ્ટિ અને સંસ્કારિતા દાદા પાસે જન્મજાત હતી.’ સંજય કૈરે (મુંબઈ) લખે છે, ‘અત્યંત મુશ્કેલીથી શિક્ષણ મેળવનાર આપનાં વડિલોનાં વિચાર કેટલાં પ્રગલ્ભ હતા ! તેમણે સીધીસાદી વાતોથી આપને આપેલા સંસ્કાર, તેમનો નટખટ સ્વભાવ, તેમણે પોતે કષ્ટ વેઠીને શૂન્યમાંથી વિશ્વ નિર્માણ કર્યું.’ હ. બ. સકપાળ (થાણે) તો દાદાનાં સ્મૃતિ દિવસે તેમનું અભિવાદન કરવાના હેતુથી જ લકે છે, માત્ર અતિશય પરિશ્રમથી કહેવા કરતાં જેમનાં અત્યંત વૈતરીયા કષ્ટને કારણે જ તમે બધાં ભાઈ જે ઠેકાણે પહોંચ્યા છો તે તમારા પૂજ્ય બાપુનો સ્મૃતિદિન ૧૪ તારીખે છે. તે નિમિત્તે તેમનું અભિવાદન કરવું એટલા જ હેતુસર આ ચાર વાક્યો.’

(પોતાના બાપાનાં ગુણગૌરવ કોને ન ગમે ? આમ તો અમને ભાઈબહેનોને સુદ્ધાં ખૂબ ગમ્યાં. કેવળ, દુન્યવી અર્થમાં દાદા આ પ્રસ્તુત પુસ્તકનાં નાયક હોવા છતાં વ્યાપક અર્થમાં જોઈએ તો આ પુસ્તકનાં ‘મુકનાયક’ છે તે સ્વતઃ ડૉ. બાબાસાહેબ આંબેડકર. બાબાસાહેબની પ્રેરણાથી દાદા જેવા સામાન્ય પરિસ્થિતિમાંથી આવેલા એક માણસની માનસિકતા કેવી બદલાઈ અને તેમાંથી અસામાન્ય કાર્યસિદ્ધિ કેવી પ્રાપ્ત થઈ તેની આ યશોકહાણી છે. તે દૃષ્ટિએ દાદાનાં ગુણગૌરવ એ ડૉ. બાબાસાહેબ આંબેડકરને અપ્રત્યક્ષ આદરાંજલી બની રહે છે. એ અહીં નોંધવા યોગ્ય મહત્વની બાબત લાગે છે.)

અનેક વાંચકોએ પ્રસ્તુત પુસ્તકનું એક દલિત આત્મકથા તરીકે મૂલ્યમાપન કર્યું છે. સંગમનેરતી મિલિંદ કસબે લખે છે : ‘દલિત સાહિત્યમાં ‘બલુંત’ પછી આવેલાં કેટલીય સમર્થ આત્મકથાઓમાં ‘અમારો બાપ અને અમે’ને વેગળું જ પરિણામ પ્રાપ્ત થાય છે. તે તેની અર્થપૂર્ણ અને નાવીન્યપૂર્ણ રજૂઆતને કારણે. આ આત્મકથાનો વિષય રુઢીગત નથી એ આ પુસ્તકનું બીજું વૈશિષ્ટય. દલિત આત્મકથાના પારંપરિકતાનાં સંકેત ભાંગીને જુદી જ રજૂઆત દ્વારા કોઈક જુદા જ જીવનના દર્શન કરાવનાર આ પુસ્તક મનમાં પોતાનું એક વેગળું ઘર કરે છે. ખરું તો આ લેખન સંપૂર્ણ દલિત સાહિત્યને જ એક જુદું જ પરિમાણ બહાલ કરશે એવું જ લાગે છે.’ નારાયણ જાધવ (મુંબઈ) લખે છે, ‘આપનાં વડિલોથી શરૂ થયેલ આપનો કૌટુંબિક આલેખ વાંચતા સમગ્ર આંબેડકરની ચળવળનો ઇતિહાસ નજર સામે ઊભો રહ્યો હતો. આપની આ સાહિત્યકૃતિ ઇતિહાસ બની ચૂકેલી આંબેડકરની ચળવળનો માપદંડ જ છે.’ ખંડૂ અઢાંગળે (મુંબઈ)નાં મતે ‘આબંડકરની ચળવળનાં બુરજ પર ઊભી રહીને દાદાએ જે સિંહાવલોકન કર્યું તે આપણા બધાંયનાં ઇતિહાસનો સારાંશ છે.’

એક દલિત આત્મકથા તરીકે પ્રસ્તુત પુસ્તકને જોનારા લગભગ બધાં જ દલિતેતર વાંચકોને જણાયેલ વૌશિષ્ટય એટલે તેમાં કડવાશનો અભાવ.

પ્રા. ગંગાધર ગાડગીલને ‘સામાન્ય પ્રકારની દલિત આત્મકથા કરતાં આ આત્મકથા જુદી લાગે છે.’ વડોદરાનાં નિશિગંધ દેશપાંડે કહે છે, ‘દલિત વાઙ્‌મય એટલે દલિત વર્ગમાં જન્મેલા વ્યક્તિએ ઉચ્ચ વર્ગમાં જન્મેલા વ્યક્તિઓ પર કરેલું દોષારોપણ. આવી જે વ્યાખ્યા પ્રચલિત થઈ છે. તેમાં આ લેખન બિલકુલ બેસતું નથી.’ સુરેશ પેંડસે (મુંબઈ) લખે છે, ‘આપનાં બધા ભાઈઓનાં કથનમાં જે સુવર્ણોએ આપને મદદ કરી અને સારી વર્તણૂંક કરી તેનાં ઉલ્લેખ આવ્યા છે તે વાંચતા મારા જેવાને સંતોષ થાય છે. આમ છતાં આપે કડવા અનુભવો લખવાનું ટાળ્યું હોવું જોઈએ એવી શંકા જાગે છે. આજ સુધી જે દલિત આત્મચરિત્રો પ્રસિદ્ધ થયા, તે કરતાં આ પુસ્તક તદ્દન જુદું જ, અત્યંત વાચનીય. અને વિશેષ તો મારા જેવાનાં મનમાં આશાવાદ નિર્માણ કરનારું છે.’ છબિલદાસમાંના અમારા ગુરુવર્ય માધવ સાખરદાંડે કહે છે, ‘આ પુસ્તક સર્વાંગી સુંદર છે. મહત્ત્વની વાત એ કે તેમાં ક્યાંય દ્વેષ નથી. તારાં વડિલોએ લખેલું જેને આપણે અંગ્રેજીમાં ંટ્ઠિહજટ્ઠિીહંઙ્મઅ ર્રહીજં કહીએ તેવું તે છે.’ સાંસદ સ્રી રામ નાઈકનાં પત્ની શ્રીમતી કુંદા નાઈક લખે છે, ‘તમારા લખાણમાં ભારતીય સમાજવિષયી કડવાશ મને તો જણાઈ નહિ.’ શ્રીકાંત દાતાર (મુંબઈ) કહે છે, ‘પરિસ્થિતીનાં ડંખ લાગવા છતાં તે સંબંધી કડવાશ ક્યાંય ડોકાતી નથી.’ શિરીન અને પ્રવિણ કુલકર્ણી (નવી મુંબઈ) લખે છે, ‘આપે દલિત આત્મચરિત્રની શૈલીમાં કે પરંપરામાં બેસતું, આત્મચરિત્ર લખ્યું નથી એ પુસ્તકનું જુદાપણું.’ ‘જુઓ અમને સમાજે કેવા સતાવ્યા’ આ ભાવના શરૂઆતમાં વેગળી જણાય તોય પછી માત્ર ભાવના તે જ. કેવળ સતામણીની તપશીલ વેગળી એટલું જ આત્મચરિત્રમાં જાણવા મળતું. પરંતુ આ પ્રકારની વાર્તા આપે સહેતુક ટાળી છે.

(વસ્તુતઃ પ્રસ્તુત પુસ્તકની દલિત સાહિત્યમાં ગણના થાય કે કેમ એ વાદનો મુદ્દો છે. દલિત સમાજમાં જન્મેલા વ્યક્તિની આત્મકથા તરીકે આ પુસ્તકને તે પ્રકારનો સામાજિક આશય પ્રાપ્ત થયો છે એ નિર્વિવાદ છે. પણ, દાદા જેવા પોતપોતાનાં કુટુંબ માટે પાયાનો પથ્થર બનેલા અનેક વ્યક્તિઓ સમાજનાં બદાંય થરમાંથી મળી આવે છે તે પણ એટલું જ સાચું છે. સમાજનાં બધાં સ્તરોમાંથી પ્રસ્તુત પુસ્તકનું સ્વાગત થયું, તે દાદા સાથે તે ભાવનાત્મક નિકટતા સાધવાને કારણે. દાદા દલિત હોવાને કારણે નહિ, એ ધ્યાને લેવું જોઈએ.)

આ પુસ્તકનાં સામાજિક આશય સાથે જ એની સાહિત્યિક ગુણવત્તા અંગે ભાષ્ય કરનારા અનેક જાણકાર પત્રલેખકોમાં છે : પ્રખ્યાત વિચારક પ્રા. રાવસાહેબ કસબે કહે છે, ‘આ પુસ્તક ભાવિ પેઢીઓ માટે મરાઠી સાહિત્ય ઇતિહાસનો એક મહત્ત્વનો દસ્તાવેજ બની રહે એવું થયું છ. તેમાં ભારતીય સમાજજીવનનાં અર્ધશતકનાં ર્જીષ્ઠૈટ્ઠઙ્મ ઝ્રરટ્ઠહખ્તી. તેમની સુક્ષ્મતા, માનસિક અને સામાજિક ખેંચતાણનું યશસ્વીપણે રેખાંકન થયું છે.’ સુપ્રસિદ્ધ નાટ્યકાર પ્રેમાનંદ ગજવી લખે છે, ‘આજ સુધી અનેક સ્વકથનો વાંચ્યાં તે બધાં જ રામકહાણી હતાં. પણ ‘અમારો બાપ અને અમે’ એ કકળાટ વગરનું સુંદર ગીત છે.’ પ્રકાશ ચાંદે (ડોંબિવલી) કહે છે, ‘આત્મચરિત્ર લખતાં લેખનકે અડચણરૂપ બની રહેનાર બે વાતો : ગોપનીયતા (જીવનની કેટલીક અપ્રિય ઘટનાઓ છુપાવવાનો પ્રયત્ન) અને જાગરુકતા. પરંતુ આપનાં વડિલોની બાબતમાં આ બંને વાતો ન હોવાને કારણે સમગ્ર લેખન પ્રામાણિકતાથી થયું છે. તેમાં અનહદ અનૌપચારિકાત પૂર્ણ આવી છે.’ કવિવર્ય સતીશ કાળસેકર કહે છે, ‘દાદાનું આત્મચરિત્ર તો ઉમદા છે જ. પણ આપનાં બધાંયનાં નિવેદનો ભેગાં થઈને એક સુંદર રસાયણ જ તૈયાર થયું છે.’ ‘એક પ્રકારનાં નશામાં પુસ્તક વાંચીને પૂરું કર્યું.’ એમ મુંબઈનાં દિ. વી. ફેણાણી લખે છે. ‘એક વખત વાંચ્યા પછી વારંવાર જેનું પઠન કરીએ એવું લાગે તે સારાં પુસ્તક.’ આવી સુંદર પુસ્તકની સાદી સરળ વ્યાખ્યા કહેતાં કેનેડાનાં ડૉ. વિજય ઢવળે આવા પુસ્તકોમાં ‘અમારો બાપ અને અમે’નો સહજ સમાવેશ કરે છે. ‘દરેક વખતે પુસ્તક નવું લાગુતં ગયું.’ એમ નાની નિવેદિતા ખંડકર નોંધે છે. તો ‘આ પુસ્તકની ભાષાશૈલીએ ઘાયલ કર્યો’ એવું નાશિકથી પવન વસંત શિંદે કહે છે.

‘સાહિત્યકૃતિનું પ્રયોજન શું ?’ આ વિષયે સાહિત્યનાં અભ્યાસીઓ, ટીકાકાર, સમીક્ષક ગમે તે વિચાર વ્યક્ત કરતા હોય, પણ અનેક વાંચકોએ ભાવિ પેઢીનાં આદર્શ તરીકે, એક દીપસ્તંભ તરીકે આ પુસ્તક તરફ જોયાનું દેખાય છે. મુંબઈનાં ડૉ. પાંડુરંગ વૈધ કહે છે, ‘આખાય સમાજ સમક્ષ આજે આપનાં કર્તૃત્વનો લેખ રજૂ કર્યો છે. એકાદ દીપસ્તંભ પ્રમાણે તેનો સમાજને ઉપયોગ થશે તેની મને ખાતરી છે.’ મુંબઈનાં કિરણ નાડકર્ણી કહે છે, ‘ડૉ. આંબેડકર એ તમારું સ્ફુર્તિસ્થાન, તો જાધવ કુટુંબને પણ અનેક પરિવારનું તો સ્ફૂર્તિસ્થાન બનવા દો.’ પ્રા. શ્રીરંગ મુંડલે (માલવણ) કહે છે, ‘તમારી પ્રેરણા, આત્મવિશ્વાસ અને પ્રખર ઇચ્છાશક્તિ અમારા દલિત અને પછાતવર્ગનાં તરુણોને લાભદાયક નીવડશે એમાં શંકા નથી.’ નાશિક જિલ્લાનાં પળસે ગામનાં દિપક ગાયધની લખે છે, ‘કેરિયર ઇચ્છનાર તરુણોને અને તેમનાં વડિલોને પ્રેરણાદાયી, માર્ગદર્શક એવું આ પુસ્તક છે.’ બી. ટી. મૂળે કહે છે, ‘આપનાં કુટુંબની અને આપની પોતાની પ્રગતિ અને પ્રગતિનો ચડતો આલેખ એ અમારા જેવી તરુણ પેઢીને દીપસ્તંભ સમાન લાગે છે.’ બી. ડી. ગાયકવાડ (કાસગામ, તાણા) લખે છે, ‘આપનું આ પુસ્તક ભારતીય સમાજમાં, વિશેષતઃ દલિત સમાજની તરુણ પેઢી સામે એક મહાન આદર્શ બનશે તે દિશામાં દલિત પોતાનો માર્ગ કંડારશે...’ સંજય ખૈરેનાં મતે ‘દલિત, બૌદ્ધ કુટુંબનાં યુવાનો માટે આ પુસ્તક આદર્શ છે જ. પરંતુ ઇતર સમાજનાં અનેક તરુણોને આ પુસ્તક સ્ફુરણા આપશે.’ મુંબઈનાં વૈશાલી દિધે લખે છે, ‘આપનાં ચરિત્ર પરથી જ્ઞાનેશ્વરની યાદ આવે છે. આપનાં વડિલોએ ડૉ. આંબેડકર પાસેથી પ્રેરણા લીધી અને દિકરાઓને મોટા થશે અને આવી અનેક પેઢીઓ મોટી થશે. આ પરિવર્તન ભારતીય સમાજરચના માટે આવશ્યક છે.’ ‘આત્મચરિત્રની કક્ષામાં નહિ ગણાતું આગવું જુદું પુસ્તક છે. નિશ્ચિત ડાંચામાં નહિ બેસનારું, પારંપારિક સાહિત્યની સીમા ઓળંગનારું અને જીવનનો આદર્શ અર્થ કહેનારું આ પુસ્તક છે.’ - એમ મુંબઈનાં હિ. લ. અંકુશ ગુરુજી જણાવે છે.

આ જ આદર્શવાદી ભૂમિકામાંથી અનેક પાલકોએ પોતપોતાનાં દિકરાદિકરીને આ પુસ્તક વાંચાવની ભલામણ કરેલી દેખાય છે. મુંબઈનાં શ્રીમંતી ગૌરી અમલાડી જાધવ કુટુંબની મંગેશકર કુટુંબ સાથે તલના કરીને આગળ કહે છે, ‘મારી દિકરીને આ પુસ્તક મેં અચૂક વાંચવા કહ્યું, જેથી કરીને નવી પેઢીમાંય શૂન્યમાંથી માણસ કેટલું મોટું વિશ્વ ઊભું કરી શકે, એની કલ્પના આવે.’ થાણાનાં ડૉ. બેડેકર વિદ્યામંદિર શાળાનાં એક શિક્ષિકા મંજરી દાંડેકર કહે છે, ‘(આપનું પુસ્તક) ખૂબ જ ગમ્યું. ફક્ત મને જ નહિ. અમારી શાળાનાં બાળકોનેય, આપણે કોઈપણ વાતનો આનંદ એકલાએ લેવો નહિ એ વિચાર અનુસાર, જે મને ગમ્યું, તે બાળકોનેય વાંચી દેખાડવું એટલે આ પુસ્તક વિશે કહ્યું અને વાંચ્યું. ખાલી પિરીયડમાં બાળકો આ પુસ્તક વાંચવા લઈ જાય છે.’

આ પુસ્તક દ્વારા અનેક વાંચકો સાથે સ્નેહસંબંધ બંધાયો છે. તેને કારણે અનેકોની પ્રતિક્રિયા સદ્‌.ઇચ્છા-આશિર્વાદનું સ્વરૂપ આપેલું જણાય છે, પોતાનું આખુંય જીવન સમાજસેવામાં વ્યતીત કરનાર લીલા-મસ્તકારરેળેનાં અભિપ્રાય મુજબ તો પ્રસ્તુત પુસ્તકનું મોટું ગૌરવ થયું છે. ચાંગદેવ જેવા તપોવૃદ્ધ યોગીએ જ્ઞાનેશ્વરને પત્ર લખતાં ‘નમસ્કાર’ લખવાં કે ‘આશિર્વાદ’ એવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. તેનું સ્મરણ કરતાં ‘અમનેય તેવો જ પ્રશ્ન થયો.’ એમ લીલાતાઈએ જણાવ્યું છે. પાં. સ. રિપોટે (થાણા)ને ય આવો જ પ્રશ્ન થયો. તે કહે છે, ‘મોટાને લખતાં ચાંગદેવ જેવી સ્થિતિ થાય છે - નમસ્કાર કરું કે આશિર્વાદ લખું ? અમારા રિવાજ પ્રમાણે આશિર્વાદ આપવા જ યોગ્ય છે.’ મુંબઈનાં શોભા જોશીએ પણ ‘આશિર્વાદ આપવા જેટલી મારી વય ચોક્કસ છે.’ એમ કહેતાં શુભાશિર્વાદ આપ્યા છે. સુપ્રસિદ્ધ લેખિકા વીણા ગવાણકર વસઈથી લખે છે, ‘એક ત્રિરાશી માંડ્યા સિવાય રહેવાતું નથી. જીદપૂર્વક ભણીને અડચણોને હઠાવતાં અહીં સુધી પહોંચ્યા છો. હવે તો આપનો માર્ગ સુંદર, પ્રશસ્ત થયો છે. ભવિષ્ય આપની મુઠ્ઠીમાં છે. હવે આપ જ્યાં પહોંચશો, ત્યાં ડોક ઊંચી કરીને જોતાં અમારી ટોપી નીચે પડશે એની મનોમન ખાત્રી છે.’ પૂણેનાં સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક ડૉ. પ્ર. ચિ. સેજવલકર કહે છે, ‘તમે બધાં ખરેખર જ રાજહંસ છો અને મોડું ભલે થયું હોય પરંતુ શાણો સમાજ તમને માનથી રાજહંસ તરીસે સંબોધે છે. આપણાં સૂર હવે મળી ગયાં છે.’

સાહિત્યમાં સમાજનું પ્રતિબિંબ પડતું હો વા ન હો. આ પુસ્તકથી અનેક વાંચકોનાં મનમાં ભૂતકાળ જાગૃત થયો. અપ્પાસાહેબ ઘંગાળે (મુંબઈ)નાં દાદાનાં સહકાર્યકરના રૂપમાં આ પુસ્તકથી જૂનાં સંભારણ જાગી ઊઠ્યાં છે. (અમારા નાનપણમાં આ સામાજિક કાર્યકર ડૉ. આંબેડકરનાં ‘પ્રબુદ્ધ ભારત’ એ સાપ્તાહિક સાઇકલ પર વિતરણ કરતાં હતાં.) મુંબઈનાં દ.

અ. ઢોબળે, એમનેય વડાલા બી.પી.ટી. કૉલોનીની યાદોને પ્રસિદ્ધ મળી એવું જણાવ્યું છે.

પ્રસ્તુત પુસ્તકને કારણે કેટલાક વાંચકોએ મનમાં ધરબાયેલ વેદનાને વાચા મળ્યાનું અનુભવ્યું. એક વાચક લખે છે, ‘આજનાં તમારાં કર્તૃત્વ ઘડતરનો તમારા પૂજ્ય પિતાજીનો આદર્શ તમે અમને આપ્યો. પરંતુ દુઃખ જ એ વાતનું છે કે, મારા વડિલોયે હજુય મને પૂછ્યું નથી કે હું કેટલું ભણ્યો છું !’ બીજા એક વાચક કહે છે, ‘પોતાનાં દીકરાઓના ભવિષ્યની તે વખતે કોણ એટલી કાળજી કરતું હતું જેટલી તમારા વડિલોએ કરી હતી ? મારું જ ઉદાહરણ લો, મને નાનપણમાં બે વર્ષની વયે પોલિયો થયો. હું મોટો દીકરો. હું એટલે મા-બાપનાં માથા પરનો ભાર. તેની મારાં બાબાપુજીએ મને કદીય ખબર પડવા દીધી નહિ. પણ માટે દૂરદૃષ્ટિપૂર્વક કાંઈ કરીએ એવુંયે તેમને ક્યારેય લાગ્યું નહિ. ઉપચાર વગેરે બધુંય કર્યું. પણ માનસિક દૃષ્ટિએ જોઈતો આધાર મળી શક્યો નહિ.’

આ પુસ્તકમાંની ઘટનાનો દુરાન્વયે-સુદ્ધાં જે વાંચકોનો સંબંધ બંધાયો, તેમણે તે અંગે પોતાની ભાવના વ્યક્ત કરી છે. અલિબાગ જિલ્લાનાં કામર્લેમાં સ્થાયી થયેલાં, નામદેવ મ્હાત્રે પહેલાં છબિલદાસમાં શિક્ષક હતા. તે તેમનાં સાંભરણ કહે છે. ‘તમે સંસ્કૃતમાં હોંશીયાર હતા એ વાત જોશી સર ટિચર્સરૂમમાં કહેતા. છબિલદાસનમાં ગણેશોત્સવમાં એક વર્ષે જાધવ નામના વિદ્યાર્થીએ અથર્વશીર્ષ કહ્યું હતું. એ વિદ્યાર્થી તમે તો નહિ ને ?’ મુંબઈનાં ગૌરી અમલાડી કહે છે, ‘તમને જે શાળામાં ઍડમિશન મળ્યું નથી, તે કિંગ જ્યોર્જમાં મારું શિક્ષણ થયું. તેને કારણે આ પુસ્તક વાંચતા ‘અરેરે ! મારી શાળાનો ઉલ્લેખ આ પુસ્તકમાં આવો આવે તેનું દુઃખ થયું. તમારા ‘બાપાએ’ છબિલદાસમાં કરેલો સત્યાગ્રહ પહેલાં જ કિંગ જ્યોર્જમાં કરવો જોઈતો હતો.’

‘જન્મભૂમી’ ગુજરાતી દૈનિકનાં ઉપસંપાદક હરિભાઈ દેસાઈ ‘ઇસે કેવલ દલિત સાહિત્ય મેં વર્ગીકૃત ન કરે.’ એમ સૂચવતાં ‘અન્ય ભાષાઓં મેં ભી આપકા યહ પુસ્તક પ્રકટ હો’ એવી કામના વ્યક્ત કરેલ છે. પ્રસ્તુત પુસ્તકનો અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ થાય એવી ઇચ્છા મુંબઈનાં વાલ્મિકા ઓવ્હળ, તેમજ મહાબળેશ્વરનાં મુરલીધર ભિસેએ સુદ્ધાં વ્યક્ત કરી છે.

અનેકાનેક રુચિકર અભિપ્રાયોથી હરખાઈ ન જઈએ તે સારુ જરૂરી એવાં કેટલાક રોકડિયા અભિપ્રાય સુદ્ધાં આવેલ છે. કેટલાકે પુસ્તકમાંની ઉણપો પર આંગળી ચીંધી છે, તો કેટલાકે એકંદર પુસ્તક વિષે મત પ્રદર્શિત કર્યા છે.

અનેક વાંચકોને પરાકાષ્ઠારૂપ જણાયેલી એક ઉણપ એટલે પુસ્તકમાં સ્ત્રીઓનાં માર્ગે આવેલ ગૌણ સ્થાન. મિલિંદ કસબે કહે છે, ‘પોતાની બાનું ચિત્રણ આમાં ખૂબ જ સંક્ષિપ્તમાં થયું છે એવું પરાકાષ્ઠાએ જણાય છે. બાનુંય સર્વાંગીણ ચિત્રણ કરનારું લેખન આમાં હોત, તો આ લેખન અધિક પરિપૂર્ણ થયું હોત.’ શિરીન અને પ્રવિણ કુલકર્ણીને પણ એમ જ લાગે છે. તે કહે છે, ‘પોતાની બાનાં અનુભવોનું શબ્દાંકન આમાં આવવું જોઈતું હતું. કદાચ એ બોળાભાળા જીવની નજરે બધાંય અનુભવોને એક વેગળું આદ્ર આવરણ મળ્યું હોત.’ બંને બહેનનો સહભાગ આ પુસ્તકમાં કેમ નથી ? એ અંગે મુંબઈના સુનિતા કડવે અને કલ્પના ભાગવતે તીવ્ર નારાગજી વ્યક્ત કરી છે. કલ્પના ભાગવત લખે છે, ‘આપણે ત્યાં દલિતોમાંય દલિત એક વર્ગ છે. એક જાત છે. તે એટલે સ્ત્રી જાતિ. તેની પ્રગતિવિષયે કોઈને જ વિચાર કરવાનું સૂઝતું નથી.’

(આ ત્રુટી, ગમે તેટલા પ્રમાણમાં કેમ ન હોય, પણ દૂર કરવાનો પ્રયત્ન બીજી આવૃત્તિમાં કરવામાં આવ્યો છે.)

પોતાનાં રોકડિયા અભિપ્રાયમાં રાજા ઢાલે લખે છે, ‘આપનું ખૂબ ખ્યાતિ મેળવી રહેવું ‘અમારો બાપ અને અમે’ વાંચ્યું. મને તો તેમાં તમે પોતે લખેલો ભાગ જ કલાત્મક અને હૃદયસ્પર્શી જણાયો. બાકી બધાં તેને જોડેલાં પરિશિષ્ટો જ લાગ્યાં, પછી તેનો આટલો ઉહાપોહ કેમ ? શાને માટે.’ એક નનામો પત્ર તો તેથીય આગળ વધીને કહે છે : ‘આપનાં પુસ્તકમાં પોતાનાં વખાણ કરવા સિવાય વધારામાં ર્જીષ્ઠૈટ્ઠઙ્મ હ્વીહીકૈં એવું કાંઈ મળ્યું નથી.

તેમજ આપનાં જેવા એક અર્થશાસ્ત્રી બાબાસાહેબને દેવ કહે છે : એટલે આપની માનસિકતા કઈ છે ? એકંદરે બ્રાહ્મણવાદે આપને તથા આપનાં પુસ્તકને ખૂબ જ માથે ચડાવ્યાં છે. કોઈક આપણો ઉપયોગ કરી રહ્યું છે એની લગીરેય શંકા ન આવવા અંગે આશ્ચર્ય અનુભવું છું.’

(ગંભીર આરોપ કરીને પત્ર પર પોતાનું નામ લખવાનું સાહસ નહિ કરવાની આ માનસિકતા કઈ ? નામ ન હોવાને કારણે ચર્ચા દ્વારા ગેરસમજ દૂર કરાવની તક નથી એને ખેદ છે.)

ચૂંટેલા પત્રો

પ્રિય નરેન્દ્ર જાધવ,

તમે આદરપૂર્વક મોકલાવેલ તમારાં બધાંયનું આત્મકથન એક વખત હાથમાં વાંચવા લીધા પછી પૂરું થયા સુધી નીચે મુકીએ એવું લાગ્યું જ નહિ. અંતઃકરણ ભરાઈ આવ્યું. તમારા માટે પહેલાથી અનુભવાતુ પોતાપણું અને આદરમાં ઉમેરો જ થયો છે.

શૂન્યમાંથી સર્જન કરવાની પ્રચંડ ઇચ્છાશક્તિ તમારાં બધાં ભાઈભાડું અને તમારા વડિલોમાંય દેખાઈ આવી. મન ચકિત થઈ ગયું. તમે બધાંય ખરેખર જ રાજહંસ છો અને ભલે મોડું કેમ ન થયું હોય પરંતુ શાણો સમાજ તમને માનથી ‘રાજહંસ’ તરીકે સંબોધે છે. તમારા વડિલોએ, દાદાએ, તેમની અણઘડ પણ ધારદાર અને જીવંત એવી ભાષામાં લખેલું આત્મકથન હૃદયસ્પર્શી છે. તે વાંચતા મને ખરેખર જ રડવું આવ્યું.

યોગાનુયોગ સિદ્ધાર્થ કૉલેજમાં ૧૯૫૩નાં વર્ષમાં મેં લેક્ચરરની જગા માટે અરજી કરી હતી. સ્વયં ડૉ. બાબાસાહેબ આંબેડકર પસંદગી સમિતિનાં અધ્યક્ષ હતાં. અને તેમણે મારો ઇન્ટરર્વ્યુ લીધો હતો. તેમનાં વિષયનાં શક્ય હોય તેટલાં ચરિત્રવાઙ્‌મય મેં વાંચ્યા છે. અને તેમના જીવનચરિત્રની મારાં મન પર પણ ઊંડી છાપ પડી છે.

તમારી અને તમારા બધા ભાઈઓની ગરુડ-ઉડાન મારાં સામાજિક વ્યાખ્યાનોમાં હવે આપોઆપ જ વ્યક્ત થનાર છે. હવે પછી પૂણે આવો ત્યારે, એક સંપૂર્ણ સંધ્યાકાળ જમવા સાથે મારા ઘરે રહેવાનું નક્કી કરીને આવો. આપણાં સૂર મળ્યા છે. વયમાં અતંર હોવાં છતાં મહેનતુ નવી પેઢી સાથે સંવાદ કરવો મને ગમે છે.

પુસ્તકમાં જાતિવાદી વિષવેલ નષ્ટ કરી શકાતી નથી. એ વિષયે તમે વ્યક્ત કરેલ અસ્વસ્થતા ભાવિ પેઢીઓ માટે એક પડકાર છે. તે વિષયે વધુ વાત કરીશું.

તમારા દાદાને હું સ્વતઃ જોઈ શક્યો હોત તો આનંદ થયો હોત. અમારા દાદાય લગભગ આવા જ હતા.

પ્ર. ચિં. શેજવલકર,

પૂણે.

હમણાં જ ‘અમારો બાપ અને અમે’ વાંચીને પૂરું કર્યું. લગની લાગી હોય તેમ વાંચીને પૂરું કર્યું. પુસ્તકમાંના અસલ અનુભવો વાંચીને કેટલીક વખત આંખોમાંથી ડબડબ આંસુ વહેવા લાગ્યા. તમારો-ચારે દીકરાઓનો જીવનપ્રવાસ તથા યશોલેખ રોમાંચક અને સ્ફુર્તિદાયક છે, એમાં શંકા જ નથી. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી માર્ગ કરવાની, ઉપર આવવાની આકાંક્ષા ધરાવનાર વ્યક્તિને માર્ગદર્શન મળી રહે, એટલી આ પુસ્તકની ક્ષમતા છે. સહ-અનુભૂતિને કારણે વાંચતા સતત આંખો ટપકતી હતી. આ ઉત્કૃષ્ટ પુસ્તક માટે અભિનંદન !

આ પુસ્તક વાંચતા એક મુદ્દો પરાકાષ્ઠારૂપે ધ્યાને આવ્યો. તમે એકંદર છે ભાઈભાડું છો. ચાર ભાઈ અને બે બહેનો. તેવો ઉલ્લેખ પુસ્તકમાં તેમજ નીચેની ટીપમાં છે.

તમારે જો બે બહેનો છે, તો તે ક્યાં છે ? પુસ્તકમાં તમારી બહેનો મને ક્યાંય દેખાઈ જ નહિ ! આવું કેમ ? તમારી બે બહેનો હાલ ક્યાં છે ? તેઓ શું કરે છે ? તેમનું શિક્ષણ ક્યાં સુધી થયું ? તેઓ સ્વાવલંબી છે કે ? પોતાના પગ ઉપર ઊભા છે કે ? શિક્ષણમાં તેમની પ્રગતિ ક્યાં સુધી ? તેમની સફળતાનો આલેખ શો છે ? આવાં અનેક પ્રશ્નો મારા મનમાં ઊભા રહ્યાં છે.

આ પ્રશ્નોનાં જવાબ તો બાજુએ રહ્યા, પણ તેઓ અમુક અમુક શાળામાં જતાં હતાં એવો ઉલ્લેખ સુદ્ધાં ક્યાંય નથી. તમારા બાપુજી પોતાની દીકરીઓનાં શિક્ષણ બાબતે કેટલા જાગૃત હતા ? ક્યાંય ઉલ્લેખ નથી. આખાય પુસ્તકમાં તમારી બહેનોનો ક્યાંય આછો-પાતળો ઉલ્લેખ સુદ્ધાં નથી, આનો અર્થ શો ? તેમને ઉલ્લેખ્યા વગર રાખવાનો હેતુ શો ? કુટુંબનું નામ કાઢનાર માત્ર છોકરાઓ હોય છે ? છિી ંરીઅ ર્હં ટ્ઠિંર્ ક ર્એિ કટ્ઠદ્બૈઙ્મઅ ? કુટુંબનો વિચાર કરતી વખતે દીકરીઓની ગણના જ નહિ, કેમ ? ઘરનું, બાપાનું નામ મોટું કરનારા છોકરાઓ જ હોય છે કે ? દામોદર રુંજાજી જાધવ તમારી બંને બહેનોનાં ‘બાપ’ નથી શું ? ફક્ત ચાર દીકરાઓનાં તે બાપ ! દીકરાઓની પાછળ આવેલી વહુઓએ ‘મારા સસરા’, ‘અમારા દાદા’ જેવાં પ્રકરણો લખ્યાં છે. પછી તેમની દીકરીઓએ કલમ હાથમાં લઈ ‘હું અને મારો બાપ’ એમ ચાર પાનાનાં કેમ ન હોય, પ્રકરણો લખવામાં શો વાંધો હતો ? આટલાં તેઓ નગણ્ય શાથી છે ? કે ઉલ્લેખ કર્યા વગર તમે તેમની બાદબાકી કરી નાંખી છે ? ‘તમારી બહેનોની મુલાકાત પુસ્તકમાં અપેક્ષિત હતી, પણ તે બાબતમાં હું પૂર્ણ નિરાશ થઈ છું.’ આ મુદ્દો હજુ કોઈનાં ધ્યાને નથી આવ્યો કે ? તમારા પ્રકાશકોને સુદ્ધાં આ અનુપસ્થિતી નથી જણાઈ ? અહીં મને કહેવું જરૂરી લાગે છે, આપણે ત્યાં દલિતોથીય દલિત એક વર્ગ છે. એક જાત છે. તે એટલે સ્ત્રી જાત. તેની પ્રગતિ વિષયે કોઈને જ વિચાર કરવો જરૂરી લાગતો નથી. તમારી બે બહેનો વિશે જાણી લેવું મને આવશ્યક જણાય છે. એટલું જ નહિ તો તેમને ‘બહિષ્કૃત કરવાનો’ હેતુ શો છે ? સ્પષ્ટીકરણ અપેક્ષિત છે. તમારા વડિલોનાં આત્મકથનમાં સુદ્ધાં દીકરીઓનો ઉલ્લેખ નથી ! આ આશ્ચર્યકારક અને તેટલું જ આઘાતજનક છે, હોવું જોઈએ. પત્રનો ઉત્તર અપેક્ષિત છે અને પત્રની રાહ જોઈ રહું છું. તમારાં સૌને મારાં નમસ્કાર કહેશો, બાળકોને આશિર્વાદ.

કલ્પના ભાગવત

મુંબઈ

મનઃપૂર્વક અભિનંદન ! અને તેથીય વિશેષ મનઃપૂર્વક ધન્યવાદ ! હમણાં જ તમારું ‘અમારો બાપ અને અમે’ એ પુસ્તક વાંચ્યું અને પત્ર લખવા બેઠા સિવાય રહેવાયું નહિ.

આમ મારુ ંવાચન ખાસ્સું અને મરાઠી પુસ્તકો સુદ્ધાં અનેક વાંચ્યાં, વાંચું છું. પરંતુ વાંચી રહ્યા પછી લેખકને પત્ર લખવાની ઇચ્છા ક્યારેક જ થાય છે. તેમાંય ઇચ્છા થયા પછીય પ્રત્યક્ષ કૃતિ રચવાની આ પહેલી જ વેળા. મને લાગે છે. આ જ આ કલાકૃતિ વિશેનો યોગ્ય અભિપ્રાય છે.

તમારા ‘બાપ’નું તમે કરેલું વર્ણન અને તેમણે પોતે કરેલું આત્મદર્શન, આત્મનિરીક્ષણ વાંચતી વખતે છેલ્લે છેલ્લે તો આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. આવો ‘બાપ’ મળ્યો એટલે તમે સદ્‌ભાગી તો આવા ‘પુત્ર’ મળ્યા ેએટલે તમારાં પિતા સદ્‌ભાગી. ‘પુત્ર થાય એવો ગુંડો, જેનો ત્રણેય લોકમાં ઝંડો’ આ ઉક્તિ તમે ભાઈભાંડુઓએ ખરી કરી બતાવી છે, તેને માટે અપાર પરિશ્રમ કર્યો, અનેક આપત્તિ સહન કરી, અનેક અડચણોનો સામનો કર્યો. ખરેખર આ બધું વાંચતા મનથી આનંદ થયો.

આમ મારો જન્મ પણ એકદમ ગરીબ નહિ છતાંય કનિષ્ઠ મધ્યમ વર્ગમાં. ફ્રિશિપ, સ્કૉલપશિપ કરતાં આખુંય શિક્ષણ થયું. પણ ગરીબ બ્રાહ્મણ કુટુંબ અને ગરીબ પછાત જાતિનાં કુટુંબ વચ્ચે સુદ્ધાં આભ-જમીનનો ફેર હોય છે. એ અનુભવવા ‘બલુતં’, ‘ઉપરા’, ‘તરાળ-અંતરાળ’ એ માર્ગે દડમજલ કરવી પડે. તમારા પુસ્તકે તો ખાતરી જ કરાવી દીધી. એક વાત માત્ર ચોક્કસ છે. આ સઘળાં પદચિહ્નો જેવા વ્યક્તિઓનાં ‘મોટા’પણામાં તેમનાં બાપા અથવા બાએ સેવેલો શિક્ષણનાં આગ્રહનો મોટો ભાગ છે.

પુસ્તક પ્રસિદ્ધ થયે ચાર-પાંચ મહિના થયાં છે, પુસ્તકનાં અને તેમાંનાં અનુભવોનાં અને તે પાછળની વ્યક્તિઓના ભરપૂર લાલનપાલન કરવામાં આવેલ છે, થઈ રહેલ છે, થતાં રહેશે. તેને કારણે આ પત્ર આમ મોડો જ લખવામાં આવ્યો હોત. પણ આમ છતાંય રહેવાયું નહિ. તેથી નિરંકુઝ લાગણીઓને વાચા આપવા પત્ર લખી રહ્યો છું.

પુસ્તકની સમીક્ષકોએ અને ઇતર વ્યક્તિઓએ પુસ્તકનાં અનેક વાક્યો અને વિચાર પસંદ કર્યા છે. મારાં પૂરતું કહેવાનું હોય તો મને પોતાને તમને અમેરિકામાં ડૉ. પ્રા. ફુરસ્ટનબર્ગ સંદર્ભે થયેલો અનુભવ અને તે પરની તમારી પ્રતિક્રિયા મનોમન ગમી. ‘મારી અસ્મિતા જોડે તડજોડ કરીને ડૉક્ટરેટ મેળવવા કરતાં પ્રા. ફુરસ્ટનબર્ગ જેવાં વંશવાદી પ્રાધ્યાપકને પાઠ ભણાવીને સ્વાભિમાનપૂર્વક જન્મભૂમિ પાછા વળવું હું પસંદ કરીશ. પછી ડૉક્ટરેટ નહિ મળે તોય બહેતર.’ વાહ વા ! ક્યા બાત હૈ ‘ ‘આ કામ આપણે આ રીતે જ કરતાં રહીશું તો મરી જઈશું. તે કરતાં આપણે આઇડીયા કરીએ.’ આ વાક્યમાં મારા મતે તમારા પિતાની સફળતાનું રહસ્ય છે. વ્યક્તિ કે સમાજ હો આપવામાં આવેલું કામ - મળેલું કામ - આવેલું કામ ‘તે જ રીતે કરતાં રહે છે.’, ‘આઇડિયા’ કરતાં નથી, દિશા બદલતાં નથી તેથી અને કેવળ તેથી જ સમાજ અચલ રહે છે. માણસો ગરીબ કેમ રહે છે તેનો મુખ્ય જવાબ તેમનાં મનમાં ‘ગરીબ નહિ રહેવાની’ ઇચ્છા આવતો નથી, આવે તો જોર પકડતી નથી, જોર પકડે તો કામ કરવા જેટલી પ્રબળ થતી નથી, એમાં છે એવું મને કાયમ લાગે છે. તે દૃષ્ટિએ હું તમારી ભાઈઓની ‘ઉચ્ચ રહેણી, ઉચ્ચ વિચારસરણી’ એ સૂત્ર સાથે સહમત છું.

કર્તવ્યકર્મની લગની ધરાવતાં વ્યક્તિ માટે કાંઈપણ અશક્ય નથી એ મારાં બાળકોને, સગાવહાલાંઓને કહેતી વખતે જે કાંઈ નક્કર ઉદાહરણો નજર સામે આવે તેમાં તમે જાધવ ભાઈઓ અને તેમનાં સ્ફૂર્તિ સ્રોતનું, તમારા પિતાનું નામ જરૂર હશે.

‘દાદા જીવન જીવ્યા તેય ઝપાટાબંધ, પોતાની કોઈપણ ઇચ્છાને પાળ ન બાંધતા અને ગયા તે પણ તૃપ્તપણે, કોઈપણ અંતિમ ઇચ્છાનો પોતાનાં બાળકો પર ભાર નાંખ્યા સિવાય.’ પંચ્યાસી વર્ષનું દીર્ઘ આયુષ્ય આટલા રસાળપણે જીવવું, જીવતાં આવડવું - એને માટેય ભાગ્ય જોઈએ. આવું જ ભાગ્ય તમનેય મળો. તમારું પોતાનું જીવન સુદ્ધાં બીજાઓને તેટલું જ સ્ફૂર્તિદાયક લાગે એ ઇચ્છા વ્યક્ત કર્યા સિવાય રહેવાનું નથી. આઈ.એમ.એફ.નાં ક્વૉટા સિસ્ટમ પરનાં સંશોધનને કારણે ભારતની છાપ વૉશિંગ્ટનમાં સુધરી હોવાનો ઉલ્લેખ તમારા નિવેદનમાં છે. રિઝર્વ બૅન્કમાં તમે અને તમારા જેવા તેજસ્વી, સ્વદેશાભિમાની અધિકારીઓ અધિકાધિક હો, નિરંકુશ સરકાર પર યોગ્ય અંકુશ રાખીને ભારતનાં અર્થકારણને નિરોગી અને સુદૃઢ બનાવવાની કામગીરી તેમનાં હાથે થાય અને નરેન્દ્ર જાધવ નામનો ‘ઇસમ‘ રિઝર્વ બૅન્કનો ગવર્નર તો થાય જ, પણ તેથી આગળ જઈને એક સંપન્ન અને સામર્થ્યશીલ ભારતનાં પ્રતિનિધી તરીકે ૈંસ્હ્લ કે ર્ઉઙ્મિઙ્ઘ મ્ટ્ઠહા જેવી માન્યવર સંસ્થાના અધ્યક્ષ થાવ એવી ઇચ્છા પણ વ્યક્ત કરું છું. છહઅ ર્ય્ટ્ઠઙ્મ ૈજર્ હઙ્મઅ ંરટ્ઠં ર્કિ ટ્ઠજ ર્એ ર્ષ્ઠહષ્ઠૈીદૃી ૈં ર્ં હ્વી !

પ્રત્યક્ષ ઓળખાણ ન હોવા છતાં સામિપ્ય બતાવવાની ભૂલ મેં કરી છે. ‘ક્ષમસ્વ !’ આટલું જ કહી શકાય.

નિશિગંદ દેશપાંડે

વડોદરા

શ્રી જાધવકાકાને શિ. સા. ન. વિ. વિ.

તમારું ‘અમારો બાપ અને અમે’ પુસ્તક વાંચ્યું. મને પહેલાં પહેલાં તો તમારા વડીલોની ગામઠી ભાષા ન સમજાવાથી આ પુસ્તક કંટાળાજનક લાગ્યું. પણ પછી તો મેં તે ખૂબ રસ લઈને વાંચ્યું. મેં આ પુસ્તક ફરી ફરી વાંચ્યું. પણ મને તે વાંચતાં દર વખતે નવું નવું લાગતું ગયું.

દાદાએ જે દારિદ્ર્‌યની પરિસ્થિતીમાં દિવસો પસાર કર્યા તે વાંચીને ખૂબ દુઃખ થયું, કે આટલા સારા માણસને, જેને ઉમદા કર્તવ્યશીલ એ શબ્દ જ યોગ્ય લાગે છે, તેમણે આવા દિવસો પસાર કરવા પડ્યા ! પરંતુ કરેલાં પરિશ્રમનું ફળ તેમને તેમનાં દીકરાઓએ એટલે તમે અને તમારા ભાઈઓએ મેળવી આપ્યું. તેવી જ રીતે આવા માણસો મહારાષ્ટ્રમાં જન્મે છે તેનુંય ખૂબ અભિમાન થયું.

સમાજની સૌથી નીચેની પાયરી પરથી પોતાના દીકરાઓનો ઊંચા મિનારાઓ પર ઊભા કરનારા માણસ એટલે દાદાનું ઉત્તમ ઉદાહરણ છે.

મને આ પુસ્તક એટલું ગમ્યું કે, મેં મારી બહેનપણીઓને પણ આ પુસ્તક વાંચો એમ કહેવાનું શરૂ કર્યું. તેમણે જો એ વાંચ્યું હોય તો એ ગૃહસ્થ મારાં ઓળખીતાં છે એમ પણ કહ્યું. પણ એકંદરે આ પુસ્તકનાં બાળવાચક એકદમ થોડાં છે.

તમે આ પુસ્તકની નવી આવૃત્તિ બહાર પાડવાનાં છો એવું જાણ્યું. તેમાં તમે કાંઈક નવું લખવાનાં છો એ પણ સમજાયું. તે પણ આવા જ લોકપ્રિય થાવ એટલું જ નહિ થશે જ એ શુભેચ્છા.

મારા સરખી ધો. ૬-અની બાળકી આથી વધું શું લખે ? ત્યારે, આ પત્રમાં કાંઈ ભૂલચુક થઈ હોય તો માફ કરશો. પત્ર હવે પૂરો કરું છું. તો પછી વધુ શું ‘મ્ીજંર્ ક ન્ેષ્ઠા’.

નિવેદિતા શરદચંદ્ર ખંડકર

આપનું ‘અમારો બાપ અને અમે’ આ ચરિત્રાત્મક પુસ્તક વાંચ્યું. અતિશય ગમ્યું. વિ.વા. શિરવાડકરે વર્ણન કર્યા અનુસાર આ કથા સામાન્યમાંના અસામાન્ય માણસની છે. સાદા, સરળ અને વેધક શબ્દોમાં આ ચરિત્ર મનની શોધ તો લે છે જ. પણ તેની ભિન્નતા પણ ધ્યાને આવે છે. અસલ જીવનને આ પ્રભાવી અને પરિણામલક્ષી આવિષ્કાર મહાઠીસાહિત્યનું એક અમૂલ્ય ઘરેણું માનવામાં આવશે એવી ખાત્રી છે. આંકડાની અને અર્થશાસ્ત્રની દુનિયામાં રહીનેય આપે આ ચરિત્રાત્મક પુસ્તક આપવા બદલ આપને મનઃપૂર્વક અભિનંદન આપું છું અને લેખનપ્રવાસ આથી આગળ અવિરત ચાલુ રહેશે એવો વિશ્વાસ ધરાવું છું.

સાહિત્યમાંથી શ્રેષ્ઠ શોધીને તે રસિકો સુધી પહોંચાડવાનાં ઉદ્દેશથી શરૂ થયેલ ‘ગ્રંથાલી’ને આ પુસ્તક પ્રકાશિત કરીને પોતાની ખ્યાતિમાં ઉમેરો જ કર્યો છે અને તે માટે હું તેમનેય ધન્યવાદ.

અભયસિંહ રાજે ભોસલે

સહકાર મંત્રી

ચાર દિવસ પહેલાં તમારા લખેલાં અને સંપાદિત કરેલાં પુસ્તકનો પ્રકાશન સમારંભ નજર લાગે તેવો થયો. સમારંભમાં રસિકોની ખાસ્સી ભીડ હતી. તમારા લખાણને દાદ આપનારા લોકો આવ્યા હતા અને મુખ્ય એટલે તે બધાંય ઘરનાં હતાં.

ખરું તો અમારા શિક્ષકોનું તે દિવસે કરેલું ગૌરવ અને તમારા મનનું મોટાપણું છે. મને તે દિવસે દાદા ધર્માધિકારીનાં જીવનની એક ઘટના યાદ આવી. દાદા વિનોબાનાં ‘પવનાર’ આશ્રમમાં શિક્ષક હતા. તે વર્ગમાં શિખવતાં હતાં તે વખતે વિનોબા વર્ગમાં આવ્યા અને બાળકોને પ્રશ્ન પૂછ્યો. તેમને જવાબ આપતાં આવડે નહિ. દાદા ખસિયાણા થઈ બોલ્યા, ‘કૂવામાં નથી તો ઘડામાં ક્યાંથી....?’ તે પર વિનોબાએ દાદાની પીઠે

ધબ્બો મારીને કહ્યું, ‘અરે દાદા, એટલે તું પોતાને કૂવો સમજે છે કે શું ? શિક્ષક એટલે ઘડાને બાંધેલું દોરડું, તેણે ઘડાને કૂવા સુધી લઈ જવાનું કામ કરવાનું. કૂવાની ઊંડાઈ વિદ્યાર્થીઓએ માપવાની કે ?’

તો તમને ત્રણેને કૂવા સુધી પહોંચાડવાનું કામ અમે ત્રણ દોરડાઓએ કર્યું એવું બહુ બહુ તો કહીશ.

પુસ્તકની કિંમત ઓછી રાખીને તેનું મૂલ્ય તમે ખૂબ વધાર્યું છે. તમને સર્વેને મારી હાર્દિક શુભેચ્છા !

ક્યારેક મળવાની ઇચ્છા થાય તો દ્વાર ખુલ્લા છે, ફોન કરીને આવો.

માધવ સાખરદાન્ડે

હમણાં જ તમે અને પ્રા. પઠાણ આવીને મળીને ‘અમારો બાપ અને અમે’ની પ્રત મને આપી ગયા. તમારા ગયા પછી સહજ પાનાં ઉપરથી જોવા પુસ્તક ખોલ્યું અને તે પછી તેમાં એટલો ગૂંથાઈ ગયો કે, તે વાંચીને ક્યારે પૂરું કર્યું તેનું ભાન પણ રહ્યું નહિ. હમણાં હમણાં આંખોએ થોડો ઘણો અસહકાર શરૂ કર્યો હોવાને કારણએ રોકાઈ રોકાઈને વાંચવું પડે છે. શાથી કોણ જાણે પણ આ પુસ્તક વાંચતા આંખોય થોડી સાબુત દૃષ્ટિથી વર્તી. તમારા આ પુસ્તકમાં તમારા બાપુ અને તમે દીકરાઓએ આત્મકથન કર્યું છે. તમે ચારેય ભાઈ ઉચ્ચવિદ્યા વિભૂષિત છો. પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારોનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરેલા સુપુત્રો છો. પણ આ ગ્રંથનો ‘મૅન ઑફ ધ મેચ‘ દામોદર રુંજાજી જાધવ નામનો સેન્ચ્યુરી બેટ્‌સમૅન છે એમાં શંકા નથી. તેમણે આપણે જેને અશિષ્ટ ભાષા કહીએ છીએ, પણ વાસ્તવમાં જે ક્ષણેક્ષણ જીવંતપણાની સાખ પુરાવતી હોય, એવી બોલી ભાષામાં લખેલી તેમની આપવીતીમાંથી, શાળા કૉલેજની હવાય ન લાગેલા આ કુટુંબવત્સલ માણસે બાબાસાહેબનાં, ક્રાંતિકારી વિચાર કેટલી સાહજિકતાથી પચાવ્યા હતા ! એની શાખ ઠેકઠેકાણે અનુભવાય છે. જ્ઞાન, નિર્ભયતા અને સંઘર્ષ એ બાબાસાહેબનાં મંત્રનો સતત ઉચ્ચાર થતો રહે છે. પણ આ વિચાર પચાવીને કાર્યમાં લાવનારો જે માણસ અહીં ‘બાપ’ તરીકે મળ્યો તેને વ્હાલ સાથે જોરથી બાથ ભરીએ એવું લાગ્યું. પણ આંબેડકર નામનો વિચાર, તદનુસાર આચરણ અને નિર્ભયતા આ ત્રિગુણ રસાયણ અશિક્ષિત માનવામાં આવેલા બાપાએ પચાવ્યા. મને તેમનું આત્મકથન વાંચતા બહિણાબાઈ ચૌધરીની મુક્તાબાઈ વિશેની એક એવી યાદ આવી. તેમણે કહ્યું છે :

મારી મુક્તાઈ, મુક્તાઈ

દસ વર્ષનું બાળક !

ચાંગદેવ યોગી એ

જોઈ જ્ઞાનિઓની રાય

આદિમાયાને ઉભરાયું ધાવણ...

બધાંયથી પહેલાં રે મુક્તાબાઈ

દૂધ પીવા ગઈ.

‘બાપ’ આંબેડકરી તત્ત્વજ્ઞાન આમ પી ગયા.

શાળામાં જવા ઇચ્છનાર છોકરાને ‘ઢોરા કોણ હાંકશે ?’ એ દમદાટીથી શાળામાંથી અધવચ્ચે પાછા ઢોરવાડા પાસે ખેંચનારા જમાનામાં દલિત સમાજનો એક ‘બાપ’ શાળાનાં મુખ્ય અધ્યાપકનાં દરવાજે ધરણા કરવા બેસે અને છોકરાને શાળામાં નહિ લો તો અહીં આમરણ ઉપવાસ કરીશ એવી તાકીદ આપે છે. આ મને ફૂલે-આંબેડકરની તપશ્ચર્યાનાં આવેલાં ફળોનું ચિત્ર લાગે છે. પોતાની આપવીતીમાં તેમને કશોય માલમસાલો નાંખવાની જરૂર જ પડી ન હતી. મૂળ ઘટના જ એટલી પ્રભાવી હતી, તેમને સજાવવાનો વિચાર સુદ્ધાં ‘બાપા’ને સૂઝ્‌યો નહિ હોય. જીવનમાં તેમણએ અનેક સંકટોનો સામનો કર્યો. પણ ભૂલથીય તેમણે ક્યાંય કારુણ્યનો દુર્બળ સૂર કાઢ્યો નહિ. આપણે જે કાંઈ હાથમાં લીધું છે, તેને સો આંક મળો, એ માટે જરૂરી વ્યવસાયનિષ્ટ એટ (પ્રોફેશનલ પ્રાઇડ) મનમાં હોવી જોઈએ. એક પ્રસંગમાં, બોરીબંદર સ્ટેશન પાસે ઊભા કરેલા વીજળીનાં થાંભલા પોતાનાં હાથનાં છે એ, તે કેટલા અભિમાન સાથે કહે છે ! ‘આપડું અંગરેજી ગોરાસાહેબના મોઢે મારી જશે’ એવી ખાત્રીથી તે સાહેબને તેની ભાષા સંભળાવે છે. ગમે તેમ પણ અર્થ સમજાવાથી કામ; આ જો ભાષાનો મૂળ ઉદ્દેશ હોય તો સાહેબને બાપાનું ઇંગ્લીશ સમજાતી વખતે વ્યાકરણનો ભાર શા માટે મન પર રાખવો ? આ સાદો વિચાર. આવા સાદા વિચારોએ તેમને નિર્ભય બનાવ્યા. તેમનાં મરાઠીમાં અંગ્રેજી શબ્દો પોતપોતાનું રૂપ લઈને નિઃસંકોચપણે ચાલતાં દેખાય છે. તેમનું યુનિયન એ ‘ઇવનેન’ હોય છે. જીવનભર કારશેડમાં કામ કરવાં છતાંય તે એકાદ શંકરસેટ જેમ, કારશેટ થઈ જાય છે. ડ્રાયવ્હરનો ‘ડ્રાવ્હર’ થાય છે. આવા કેટલાં બધાં શબ્દ. ભાષાનું કેટલું બધું સુંદર રૂપ !

મને એક વાતનો ખૂબ આનંદ થયો. તમે આ પુસ્તકમાં બાપાની ભાષા - નાનપણમાં તમારા કાને આવતી હશે - તેવી જ રાખી છે. તેને શુદ્ધ વગેરે કરી નથી. બાપ પણ કાગળ પર બોલ્યો જ છે. તમે પ્રથમ જ્યારે, તે હસ્તલિખિત વાંચ્યું હશે તે વખતે તમારા કાનમાં તેમનું બોલવું અફળાયું હશે !

તમે ચારે ભાઈઓએ જુદા જુદા ક્ષેત્રમાં અસામાન્ય કામગીરી બજાવી છે. પ્રત્યેક કાર્યમાં ‘ગૌરીશંકર’ મેળવવાની જીદ સેવી હતી. જીવનમાં યશસ્વી રીતે પ્રવાસ કરી, તમારા વડિલોનાં ‘છેલ્લાં દિવસ’ મીઠાં બનાવ્યા. સ્વતઃની અંદરનો રાજહંસ શોધનારો આ માણસ, ચિત્ત એકાગ્ર કરીને જીવ્યો. માથું અક્કડ રાખીને જીવ્યો. સદ્‌ભાગ્ય એક જ પોતાની તે જીવવાની સુરેખ આપવીતી પાછળ રાખીને ગયો. સમાજને ‘કૃતજ્ઞ રહેવું’ એવી મૂલ્યવાન ભેટ આપી ગયો. ગ્રંથાલીને અભિનંદન.

-પુ. લ. દેશપાંડે

૧, રૂપાલી, ૭૭૭ શિવાજીનગર, પૂણે ૪૧૧૦૦૪

‘સર્ચ ફૉર એક્સલન્સ’ની આંબેડકરી યશોકહાણી ડૉ. યશવંત મનોહર

‘અમારો બાપ અને અમે’ એ પુસ્તક એક જ વખતે ઝ્રિૈૈંષ્ઠૈજદ્બર્ ક ઙ્મૈકી અને ઝ્રિીટ્ઠર્ૈંહર્ ક ઙ્મૈકી છે. આ બંને... અગ્રતા સાથે આ પુસ્તકે આંબેડકર સમાજની બૌદ્ધિક ઊર્જાનું રોમહર્ષક પરાક્રમ ચિત્રિત કર્યું છે. ચોક, ચોકમાં અને રસ્તે રસ્તે ધાડપાડુ પ્રતિકૂળતા કોળિયો લેવા ટાંપીને બેઠી હોય ત્યારે, હજારો વર્ષ સુધી અનેકોનાં કોળિયાં લીધાં હોય ત્યારે, એક બાજુથી હજારો ગર્જના કરનારી આ પ્રતિકૂળતાને શરણે લાવનાર અને બીજી બાજુ ગૌરવશાળી કર્તૃત્વની નવી ક્ષિતિજો ઉઘાડતી આવેલી જિદ્દની યશોકહાણી આ પુસ્તકમાંથી સાકાર થાય છે. જેસી જેક્સન ભલે કહેતાં હોય, ‘ડોન્ટ જજ મી ફ્રૉમ વ્હેઅર આય સ્ટેન્ડ, જજ મી ફ્રૉમ વ્હેઅર આય કમ ફ્રૉમ‘; પણ આંબેડકરી પ્રેરણાથી પ્રજ્વલિત નરેન્દ્ર જાધવ જાણે કહી રહ્યો છે, ‘ડોન્ટ જજ મી ફ્રૉમ વ્હેઅર આય કમ ફ્રૉમ, જજ મી ફ્રૉમ વ્હેઅર આય સ્ટેન્ડ.’ કોઈ જરૂર નથી અમારા પૂર્વસંદર્ભથી અમને ઘાયલ કરવાની. પૂર્વસંદર્ભથી અમારી ગુણવત્તાની માપણી કરનરાઓનાં મનમાં દયા આવી શકે. એક વખત પૂર્વસંદર્ભ ઘાયલ કરવા માટે જ વાપરવામાં આવે છે; અને કરેલા પરાક્રમ પણ માટીમાં મળી જાય છે. તેમાંય જિજ્ઞાસા કરનારો અહંકાર હોય છે. ‘શિડ્યુઅલ કાસ્ટ હોવા છતાં કેટલી સુસંસ્કારિતાથી વર્તે છે !’ આ વિષણતાની ગલીચ ગંદકીનાં મંદવાડમાં સપડાયેલા માણસોનું આવું કહે છે. સર્વ સંસ્કૃતિ, પરંપરા અને યંત્રણા આપણી બાજુ હોવાં છતાંય આપણે ઠીંગરાયેલાં છીએ. ઊલટું સંસ્કૃતિ પરંપરા અને કોઈપણ યંત્રણાનું પીઠબળ ન હોવાં છતાં આ માણસો કેટલાં કર્તૃત્વનાં ધણી બને છે એ સમજી લેવાની તૈયારી આ ક્ષુદ્ર અહંકારી મનની નથી હોતી. જે સંસ્કૃતિએ પરંપરાઓએ, ધર્મે, નરેન્દ્ર જાધવને તુચ્છ ગણ્યો તે સંસ્કૃતિ, તે પરંપરા અને તે ધર્મ આ બધી જ વાતો અમાનુષી હતી. તેમનામાં માણસ જીવાડવાની કોઈપણ લાયકાત ન હતી. તે જગવતા હતાં ક્ષુદ્ર જાતીય અહંકાર. પોતાની પશુતા, પોતાની કાલબાહ્યતા અને પોતાનાં સંપૂર્ણ સાંસ્કૃતિક સંચિત એ માણસનાં પરાક્રમને કારણે નિરર્થક અને ‘બાળો અથવા દાટી દો’ની લાયકાતનાં બની રહે છે એ આ જાતીય અહંકારથી મરણાસન્ન થયેલા સમાજને અને તેમાંનાં માણસોને સમજાતું જ નથી. એટલે ‘શિડ્યુઅલ કાસ્ટ હોવા છતાંય’ આવું ગલીચ બોલીને આ માણસો સ્વતઃની માણસાઈનું દેવાળું ફૂંકતા હોય છે. જેમને માણસાઈનું ઓછામાં ઓછું અભિમાન છે તેમને હવે પછી ‘શિડ્યુઅલ કાસ્ટ’ તરીકે નહિ પણ ‘આંબેડકરવાદી હોવાને કારણે જ તે આટલા સુસંસ્કારિતાથી વર્ત છે’ એમ જ કહેવું પડશે. આ સૂત્ર આ આ જ પુસ્તકમાંથી આપણી સામે આવે છે. આ પુસ્તકનો આ પણ એક નિષ્કર્ષ છે. એ નિષ્કર્ષ ‘ડોન્ટ જજ મી ફ્રૉમ વ્હેઅર આય કમ ફ્રૉમ, જજ મી ફ્રૉમ વ્હેઅર આય સ્ટેન્ડ’ એ છે. ખૂબ મહત્ત્વનો નિષ્કર્ષ છે આ !

આ પૂર્વેના આંબેડકરવાદી સ્વકથનો અને ‘અમારો બાપ અને અમે’ એ આંબેડકરવાદી સ્વકથન વચ્ચે ખૂબ મહત્ત્વનો ફરક છે. પૂર્વેનાં સ્વકથનો કરતાં અત્યંત મૂળભૂત સ્તરેથી આ સ્વકથન નિરાળું છે. આ પૂર્વેનાં સ્વકથનો મુખ્યત્વે નેગેટિવ હતા. આઠવણીચે પક્ષી, બલુતે, ઉપરા, તરાળ-અંતરાળ, આભરાન આ નામોય જોઈએ તો તે આ સંદર્ભમાં કેટલાં બોલકાં છે તે આપણા ધ્યાને આવ્યા વગર રહેતાં નથી. ‘અમારો બાપ અને અમે’માં વર્તમાનની પ્રતિકૂળ પાર્શ્વભૂમિ નથી એમ નથી. પણ એ ખૂબ લહેજતથી ચિતરવામાં આવતી નથી. જુસ્સો ચીતરવામાં આવે છે. ઊર્જા સાકાર કરવામાં આવે છે. શક્તિ સૌષ્ઠવ ઊર્ધ્વગામી કરવામાં આવે છે. દુઃખો અને અડચણો હવે એટલાં નગણ્ય લાગે છે કે, તેમનો હાઉ હવે સતાવતો નથી. નવી ક્ષિતિજોનાં નિર્માણમાં બધી શક્તિઓ સંગઠિત થવાથી પરંપરાએ આપેલું દુર્બળતાનું અહીં વિસ્મરણ જ થતાં દેખાય છે. આ સ્વકથનમાં ભૂતકાળ અને અત્યંત દુર્બળ પાત્ર તરીકે જ, એક ગળી ગયેલા ગાત્ર અને મરણાસન્ન પાત્ર તરીકે આવજા કરતાં દેખાય છે. આ સ્વકથન ‘સર્ચ ફૉર ઍક્સલન્સ’ની જયકહાણી કહે છે. એ કેન્દ્ર પર સ્થિર થાય છે. આ ‘પોઝિટિવ ઍપ્રોચ‘ આ સ્કથનમાંથી પ્રથમથી જ સમર્થપણે આળે છે. તેને કારણે આંબેડકરી સ્વકથનોમાં વૃત્યાંતર થાય છે. જુદું જ વલણ અને દિશા તેમને પ્રાપ્ત થાય છે. કારણ આ આપવીતી પરાભવની નહિ પણ, પરાક્રમની છે.

નરેન્દ્ર જાધવ, જે.ડી. જાધવ અને તેમનાં બીજા બે ભાઈનાં ઘરની સુસંસ્કારિતા ઉચ્ચવર્ણીઓની તથાકથિત સંસ્કારિતાનો અહંકાર ઉતારનારી, અને નરેન્દ્ર, જે.ડી.નાં બૌદ્ધિક પરાક્રમો ઉચ્ચવર્ણનાં બૌદ્ધિક અહંકારને તેની જગા ચોખ્ખેચોખ્ખી બતાવનારાં છે. આમ દ્વિવિધ સ્તર પરનું અહંકારભંજન પણ આ પુસ્તકનો એક મધ્યમવર્તી વિશેષ છે. અહંકારભંજનની આ મહાશક્તિ અલબત્ત, બાબાસાહેબ આંબેડકરની પ્રેરણાએ નિર્માણ કરી છે, એમાં શંકા નથી.

સમકાલીન આંબેડકરવાદી સ્વકથનો કરતાં આ સ્વકથન વધુ એક બાબતે જુદું બની રહે છે. આ પુસ્તકનું સર્જન પણ આજ સુધીનાં સ્વકથનો કરતાં પૂર્ણતઃ વેગળું છે. આ પહેલાંનાં સ્વકથનો એક વ્યક્તિનાં લખાયેલાં હતાં. તેને કારણે તે તે સ્વકથનો તે તે વ્યક્તિનાં બની રહેતાં. પણ આ સ્વકથનમાં તેમ નથી. સર્જનની એક વિશિષ્ટ રીત આ સ્વકથને સાકાર કરી છે. આ પુસ્તકનાં ત્રણ ઘટક છે. પહેલું ઘટક છે ‘અમારો બાપ’ એ નામનું. એમાં ડૉ. નરેન્દ્ર જાધવ અને દિનેશ જાધવ એ દામોદર રુંજાજી જાધવનાં બે દીકરાઓ અને પુષ્પા જનાર્દન જાધવ અને મંજુ દિનેશ જાધવ એ દામોદર રુંધાજી જાદવની બે પુત્રવધૂઓએ ‘પોતાના’ બાપા વિશે લખ્યું છે. દીકરાવહુઓએ આ લખ્યું હોવા છતાં આ ભાગને ‘અમારો બાપ’ એ શીર્ષક આપ્યું છે, તે ખૂબ યથાર્થ છે. દીકરાઓ માટે બાપ ‘બાપ’ હોય છે જ પણ વહુઓ માટે પણ ‘સસરો’ જ્યારે ‘બાપ’ થાય ત્યારે આ બાપાપણાને નિરાળો આયામ પ્રાપ્ત થયેલો હોય છે.

સસરાપણાનું ઉજ્જવલ અને અંતિમ ધ્યેય વહુના બાપ થવું એ જ હોય છે. અનેક સસરાઓને આ પરીક્ષામાં બેસતાં જ આવડતું નથી ત્યારે તેમાં પાસ થવાનું તો દૂર જ. દામોદર રુંજાજી જાધવ નામના પોતાના સસરાને પુષ્પા અને મંજુ - આ બહુઓ બાપ માને એ વાત આંબેડકરી સમાજમાં સસરાપણાનું બહુમાન વધારનારી સુંદર, નિરાળી અને સંસ્કારિતાની દ્યોતક છે એમાં શંકા નથી.

આ પુસ્તકના બીજા ભાગમાં દાદાએ એટલે દામોદર રુંજાજી જાધવે પોતાની જીવનકહાણી પોતાની સમર્થ ભાષામાં કહી છે.

ત્રીજા ભાગનું નામ છે ‘અમે’. આ પુસ્તકનાં શીર્ષકમાંનાં ‘અમે’ છે. ‘અમે’ એટલે દામોદર રુંજાજી જાધવ અને બાપાના જે.ડી., સુધાકર, દિનેશ અને નરેન્દ્ર આ દીકરાઓ. આ ચાર દીકરાઓએ આ ભાગમાં પોતાનાં ઘડતરનું, પોતાનાં કર્તૃત્વનું આંબેડકરી રસાયનશાસ્ત્ર સ્પષ્ટ કર્યું છે.

આ ત્રણેય ઘટકોની એક સજીવ કલાકૃતિ આ સ્વકથનોમાંથી સાકાર થાય છે. આ પુસ્તકમાં આ ત્રણે ઘટક છૂટાં, ઝુલતાં રહ્યાં નથી. આ લેખનને છૂટાછવાયા ટુકડા એકત્ર કરી સિવેલી ગોદડીનું રૂપ પ્રાપ્ત થતું નથી. તેમનો એક અખંડ, સંપૂર્ણ, સ્વયંપૂર્ણ જીવબંધ તૈયાર થાય છે. આનું કારણ આ પુસ્તકમાં એક સંપૂર્ણ કુટુંબવૃક્ષની હકીકત આવે છે. આ વૃક્ષનું થડ, તેની ડાળીઓ, એ ડાળીઓ સાથે એકરૂપ થઈ જનાર બીજાં વૃક્ષોની ડાળીઓ, આ સંયુક્ત ડાળીઓના ફૂલો, ફળો અને સંપૂર્ણ વૃક્ષનાં અસ્તિત્વની એક અનોખી સુગંધ આ સ્વકથનમાંથી સાકાર થાય છે. આ કુટુંબવૃક્ષ વળી એક મહાકાય અને સારા-નરસાં વૈવિધ્યથી છવાયેલા સમાજનો ભાગ છે. આ કુટુંબવૃક્ષ છૂટું નથી. તેને મોટી સમગ્રતાનો સંદર્ભ છે.

પૂર્વેનાં સ્વકથનોમાં વ્યક્તિએ કરેલાં વ્યક્તિચિત્રણ, કુટુંબચિત્રણ અને સમાજચિત્રણ રહેતાં. અહીં એક કુટુંબવૃક્ષનાં થડ સહિત બધીય ડાળીઓ બોલે છે. આખુંય વૃક્ષ ‘વાઙમય’ બન્યું છે. તેને કારણે જ આ પુસ્તકનું લેખન કરનારી કલમ સમગ્ર કુટુંબનાં હાથમાં છે એમ કહેવું જોઈએ. આ અત્યંત સારા અર્થમાં સમૂહસર્જન છે. પુસ્તકનાં કવર પર ભલે ડૉ. નરેન્દ્ર જાધવનું નામ હોય, તેમણે દાદાને તેમનાં અનુભવ લખવા પ્રવૃત્ત કર્યા. દાદાએ ૧૯૫૦ પાસે જ થંભાવેલી પોતાની જીવનકહાણી પછી તેમને ‘બા, મોટાભાઈ અને આપ્તજનો સાથે ચર્ચા કરીને તૈયાર કરવી પડી.’ ‘ભાઈ અને અન્ય લોકોનાં કથન તેમણે જ ધ્વનિમુદ્રિત કરી લઈ પછી શબ્દાંકન કરીને તેની લેખનરૂપે માંડણી કરી હોય અને એટલું જ નહિ તો પુસ્તકની સંકલ્પનામાં અને લેખનમાં ડૉ. નરેન્દ્ર જાધવ અગ્રેસર હોય છતાં આ પુસ્તકનું સર્જન સમૂહસર્જન છે, એ સાચું જ છે. કુટુંબવૃક્ષ થડથી ડાળીઓ સુધી ફાલ્યું છે. બધે જ આવેલાં ફૂલો અહીં એકઠા કરવામાં આવ્યા છે. અલબત્ત, તેની કેટલીક વિશિષ્ટ ગૂંથણી ડૉ. નરેન્દ્ર જાધવે કરી અને ‘અમારો બાપ અને અમે’ આ ગ્રંથફળ સાકાર થયું એમ કહી શકાય.

પુસ્તકનાં સર્જનની કુળકથા :

ડૉ. નરેન્દ્ર જાધવે પ્રારંભમાં આ પુસ્તકનાં સર્જનની કુળકથા કહી છે. તે એક જુદા અર્થમાં લેવા જેવી છે. સેવાનિવૃત્તિ પછી ‘બાપા’ પાસે ભરપૂર નવરાશનો સમય હતો. જે વખતે ઘરની સ્ત્રીઓની વામકુક્ષીનો સમય હોય તે જ વખતે ‘બાપ’ ઠોકઠાક કરતા હતા. ઘરની સ્ત્રીઓને તેથી તકલીફ થતી. નરેન્દ્ર જાધવે એક યુક્તિ વિચારી, દાદાએ પોતાનાં અનુભવો લખવા. તે ભાવિ પેઢીઓને માર્ગદર્શક નીવડસે એવો ‘પેપટોક’ આપ્યો. આ પાછળની ભૂમિકા, તેઓ કાંઈક લખે એ કરતાં ઠોકઠાક તરફથી તેમને બીજી તરફ વાળવા એ જ હતું. પણ યુક્તિ કારગત નીવડી. દાદા લેખનમાં ઓતપ્રોત થઈ ગયા. તેમનું ધ્યાન બીજી તરફ વળાવવાનાં આનંદમાં દાદાનું લેખન કોઈએ વાંચ્યું નહિ. નોટો એમને એમ વીંટાળીને મૂકી દીધી. ૧૯૮૯નાં વર્ષમાં દાદા નિર્વાણ થયા. અને દાદાનાં લેખનને એક ભાવમૂલ્ય પ્રાપ્ત થયું. ડૉ. નરેન્દ્ર જાધવે તે નોટો કાઢી. વધુ અપેક્ષા રાખ્યા વગર વાંચવાની શરૂઆત કરી. તે દાદાનાં ભૂતકાળમાં ખોવાઈ ગયા. અશ્રુસભર આંખે આખી રાત બેસીને તેમણે તે નોટો વાંચી અને તેમાંથી એક પુસ્તક થઈ શકે એવું તેમને લાગ્યું. અને તે કામે લાગ્યા. દાદાનું મૂળ લેખન તેમણે જહેમતપૂર્વક સંપાદિત કર્યું અને આ પ્રકારે ત્રણેય ભાઈઓ પાસેથી તેમણે દાદા સંબંધી અને પોતાનાં ઘડતર સંબંધે લખાવી લીધું. તે જ રીતે દાદાની બંને પુત્રવધૂઓ પાસેય લખાવી લીધું.

આમ આ પુસ્તકનું સર્જન થયું. આ પુસ્તક નિમિત્તે સંપૂર્ણ કુટુંબ લેખક થયું. વૃક્ષનો સંપૂર્ણ વિસ્તાર આવિષ્કૃત થયો.

દાદાનું જીવનચરિત્ર :

પુસ્તકનાં બીજા ભાગમાં દાદાનું જીવનચરિત્ર સાકાર થયું છે. આ જીવનચરિત્રનો વિસ્તાર પચાસ પાનાં છે. નાસિક જિલ્લાનાં નિફાડ તાલુકાનાં ઓઝર ગામે જન્મેલા આ માણસ કેવળ જિદ્દનાં બળે જીવવા માટે ઝઝુમ્યો. દારિદ્રય, અવહેલના, કષ્ટનાં ઘા ઝીલતો એ ૧૯૧૯નાં વર્ષમાં મુંબઈ આવ્યો. ઢોર ચારનાર આ માણસ બે આનાથી અહીં કમાણીનો પ્રારંભ કરે છે. પેપર વેચે છે. તેની પાસેથી પેપર લેનારો એક યુરોપિયન સાહેબ તેની દીકરી સાથે તેને રમવા બોલાવે છે. ત્યાં જ દામોદરને અંગ્રેજી ભાષા આવડવા લાગે છે. તે સાહેબની દીકરી સાથે તેની નિશાળમાં તે જાય છે. ત્યાં એક સાહેબ તેને ખુરશી પર બેસાડે છે. તે વખતે તેનાં મનમાં ‘વિચાર કરવાની શક્તિ’ પેદા થાય છે. ૩૪ વર્ષ કૅબિનમૅનની નોકરી કરે છે. કાપડની મીલમાં, ‘જાયપી’ રેલવેમાં એવા કામો કરીને આ માણસ છોકરાઓને નિભાવે છે. તનતોડ કષ્ટ કરે છે, તો ક્યારેક ભૂખ્યો ઊંઘે છે. લોહીના ઝાડા થાય છે. આવી તકલીફોમાં ‘બાપ’ જીવે છે. ‘ભણો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરો’ એ બાબાસાહેબે આપેલી પ્રેરણા રક્તમાં વણાયેલી હોય છે. દુઃખો, અડચણો અને કષ્ટ ઝીલવાને કારણે જ ‘મારાં છોકરાઓને હું સારી નિશાળમાં ભણાવીને મોટા કરીશ, જે થવું હોય તે થાય તોય ચાલશે.’ એ ભીમપ્રતિજ્ઞા કરે છે. ૧૯૨૭નાં વર્ષમાં નાશિકનાં કાળારામ મંદિરનાં સત્યાગ્રહમાં ભાગ લે છે. દાદાની આ જીવનકહાણીમાં ભાષાનો - શૈલીનો જુદી જ રીતે અભ્યાસ કરવા જેવો છે. તેમાંય સઈપાક, ગફલગોલ્ટી, ચિવળ, ચીહા, ગંપત, શ્યાવૂ છાતરપતી, સૌંશઈ, મારવત્યા, ભાશ્યા, ગઢરવ, ફિર્તો, પુલટ, સરાપ, વિચ્યાર, શેકિતી, જેલ્મ, પછચાતાપ, તાબડતોપ ઇત્યાદિ શબ્દો અને ‘તેથે કોન્હાએ તરી લગ્ન હોતે, ત્યા લગ્નાચા સઈપાક ચાલલા હોતો. ત્યાચા, આમ્હાલા વાસ આલા, એક મુલાને સાંગિતલે કા ઈથે કોનાચેતરી લગ્ન આહે. સઈપાકાચા વ તુપાસા વાસ આલા, આપણ યેથેજ ખેળુ, આપલ્યાલા જેવળ મિળેલ.’ આવાં આ વાક્યો વીસમી સદીનાં ગ્રામ્ય વિસ્તારમાં કે તેરમી સદીનાં મહાનુભાવ ગદ્યમાં આપણને લઈ જાય છે. ભાષાની આ સાહજિકતા દુર્લભ છે. તેની જીવંત ગ્રામ્ય મીઠાશ અનોખી છે. પણ આ બાપ આપણી સામે ઊભો રહે છે તે એક ઝઝુમવાની અને છોકરાઓને ભણાવીને મોટા કરવાની ભીમ પ્રતિજ્ઞાનાં રૂપમાં.

દીકરા અને વહુઓની દૃષ્ટિએ ‘બાપ’ :

નરેન્દ્ર જાધવે પોતાનાં બાપા વિશે પોતાનું મનોગત આ ભાગનાં પ્રારંભે જ વ્યક્ત કર્યું છે. નરેન્દ્રે લેખક થવું એવું મોટાભાઈને થતું નથી. ‘આને ભીખ માંગવી પડશે’ એમ તેને લાગે છે. પણ બાપ માત્ર આવું બંધન નરેન્દ્ર પર લાદતો નથી. એ કહે છે, ‘તું જે કરે તેમાં ટોપ પર જવું જોઈશે.’ નરેન્દ્ર જાધવની ભાષામાં કહેવું હોય તો આ જ ‘સર્ચ ફૉર ઍક્સલન્સ’ છે. આ બાપ બાબાસાહેબે પ્રજ્વલિત કરેલ ચિનગારી દીકરાઓનાં મનમાં પ્રજ્વલિત કરે છે. એટલું જ નહિ પણ દીકરાઓને નિર્ભય કરે છે. ‘છોટુમિયાં, કિસીકો ડરનેકા નહીં.’ આ શક્તિસૂત્ર આપે છે. માબાપ વચ્ચેનો પ્રેમ, સંઘર્ષ અને લોભામણું ચિત્ર નરેન્દ્ર જાધવે તૈયાર કર્યું છે. પણ તે કરતાં નરેન્દ્ર જાધવ અમેરિકાથી પીએચ.ડી. થઈને આવે છે, અર્થશાસ્ત્રની તે સર્વોચ્ચ પદવી હોય છે, પણ આ સાદો પણ સમજદાર બાપ તેને ચોખ્ખેચોખ્ખું સંભળાવે છે કે, ‘તું જે અભ્યાસ કરીશ, સંશોધન કરીશ, તેનો રસ્તા પરનાં સામાન્ય માણસને ઉપયોગ થનાર ન હોય તો તે બધું જુઠ્ઠું છે.’ સાચું જ છે. આ જ બાબાસાહેબની શિખામણ છે. વિચારમાં, ચિંતનમાં, કાર્યમાં, સામાન્ય માણસથી શરૂઆત કરતાં આવડવું જોઈએ. બાબાસાહેબે સામાન્ય માણસને ભૂલીને દૂર નાસનાર તત્ત્વજ્ઞાનને, સંસ્કૃતિને અને વિચારને સામાન્ય માણસ સાથે જોડ્યાં. સામાન્ય માણસથી શરૂ થનાર ન હોય તો કશાયનો જ કાંઈ અર્થ નથી. આ દેશમાં અર્થશાસ્ત્રે, સમાજશાસ્ત્રે, રાજ્યશાસ્ત્રે, નીતિશાસ્ત્રે, ધર્મશાસ્ત્રે, શિક્ષણશાસ્ત્રે અને સાહિત્યશાસ્ત્રેય સામાન્ય માણસને સ્વીકૃત જ ગણ્યા નથી. સ્વીકાર્યા હોય તો ગુલામ તરીકે, પશુ તરીકે, માણસ તરીકે નહિ. બાબાસાહેબે આ બધાંય શસ્ત્રોનું પ્રારંભબિંદુ અને મુકામબિંદુ પણ સામાન્ય માણસને જ ગણ્યા છે. દાદાએ આ શિખામણ નરેન્દ્રનાં મનમાં ઉતારી હતી.

નરેન્દ્રને આ ‘બાપ’ જનઆંદોલન કરવા કહે છે. તે વખતે નરેન્દ્ર જાધવનો બાપાની જ ભાષામાં પ્રત્યુત્તર બધાંએ ધ્યાને રાખવા જેવો છે. તે કહે છે - ‘દાદા, આજકાલ રાજકારણમાં જઈને કોઈ લોકોની સેવા કરતું નથી. એ દિવસ ગયા. હવે રાજકારણમાં ઘણું કરીને ગુંડા લોકો ભરાયાં છે.’

આવો ‘બાપ’ નરેન્દ્ર જાધવે ચિતર્યો છે. એ નાસ્તિક છે. બુદ્ધિ પ્રામાણ્યવાદી છે. નિર્ભયતા શિખવનારો, છોકરાઓને ભણાવવા કષ્ટ વેઠનારો અને સામાન્ય માણસનાં ભલા માટે અસ્વસ્થ છે.

વડીલ કટ્ટર નિરીશ્વરવાદી, ક્યારેય મંદિરમાં ગયા નહિ. પૂજા, આરતી કરી નહિ. એની નોંધ દિનેશ જાધવે પણ લીધી છે. ભગવાનની બાધા રાખતો નહિ, રાખી હોય તો પૂરી કરતો નહિ. આ ગાડગે બાબાની શિખામણ અંગિકાર કરવાને કારણે ‘બાપે’ ગુરુ, બાબા, મહંતને સમર્થન આપ્યું નહિ. આવા બાબા, બાબાઓને તે ‘ઢોંગી બાબા’ કહેતાં, એ પણ દિનેશ જાધવે નોંધ્યું છે. ‘બાપ’ને શરૂઆતમાં વિ. દા. સાવરકરનાં સાહસ માટે પ્રેમ ઉપજે, પણ બાબાસાહેબ આંબેડકરે બુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યા પછી ‘આ ધર્માંતર નથી, પથાંતર છે.’ આ લેખ સાવરકરે લખ્યો અને સાવરકર માટેનો તેમનો મત કેવો બદલાયો એ પણ દિનેશ જાધવે નોંધ્યું છે. બાપાનું નિશ્ચયીપણું, ગરીબો માટેની કરુણા એ ખાસ જ તેમણે નોંધ્યું છે. પુષ્પા જાધવ અને મંજુ જાધવ આ દાદાની બે વહુઓએ પણ ‘બાપા’ વિશે પોતાની કૃતજ્ઞ લાગણી નોંધી છે તેમાં પ્રામાણિકતા છે.

છેવટનાં એટલે ત્રીજા ભાગમાં ચારે ભાઈઓએ પોતાનાં ઘડતરનું રેખાચિત્ર દોર્યું છે. આંબેડકરી સમાજનાં કોઈપણ વ્યક્તિ સંદર્ભમાં સંભવે તે જ સંબંધ અહીં પણ સંભવે છે. પ્રેરણા બાબાસાહેબની, તેની અમલબજવણી કરીને દીકરાઓને કષ્ટ વેઠીને ભણાવનાર બાપ અને પ્રત્યક્ષ કરી બતાવનાર એટલે સાકાર થનારા દીકરા. આ સૂત્ર ‘સિદ્ધાન્ત્વી (પ્રેરણા) - ઉપયોજન પ્રાત્યક્ષિક’ એમ ગોઠવી શકાય. પ્રારંભે ‘અમે આમ ઘડાયાં’ આ ભાગ આવે છે. આમાં ચારેય ભાઈઓનું સંયુક્ત સ્વકથન આવે છે. તેમાંય દાદાનાં સ્વભાવનું એક સન્માનીય પાસું વ્યક્ત થયું છે. રમન નામની દાદાની ભાણી હતી. તેની રામભાઉ પગારેએ માંગણી કરી. ઘરની ગરીબીને કારણે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં આશ્રયે મોટાં થયાં હતાં. તે સંઘવાળા એટલે તેમને દીકરી શી રીતે આપવી એ પ્રશ્ને દાદા અંતર્મુખ થયાં. પણ બાબાસાહેબ પર મારી સંપૂર્ણ શ્રદ્ધા છે એવી સાખ પગારેએ આપી. તે વખતે જ દાદાએ રમનને લગ્નની સંમતિ આપી. આ ૧૯૫૨નાં વર્ષની વાત છે. આજે તો કેટલાય લોકો સંઘ સાથે સમરસ થવા માટે આ કાર્ય કરી રહ્યા છે. આ લોકો દાદાએ પગારે માસ્તર સંદર્ભે કર્યું તે રીતે કરી શકશે એવું લાગતું નથી.

ગામે જતાં જાતિનાં ખરાબ અનુભવ કેવાં થતાં એની નોંધ જે રીતે અહીં લેવામાં આવે છે તે જ રીતે સંપૂર્ણ વાતાવરણ બાબાસાહેબનાં વિચારોથી કેવું પ્રજ્વલિત થાય છે તે પણ કહેવામાં આવે છે. આ ભાઈભાંડુઓ છબિલદાસ શાળામાં ભણવા જતા હતા. ત્યાં તે પુસ્તકીયા મરાઠી ભણ્યા પણ આ ભાઈભાંડુઓનાં મનમાં એક દ્વંદ્વ પણ એ વખતે નિર્માણ થયું. એક બાજુ બાબાસાહેબે પ્રજ્વલિત કરેલ સંઘર્ષનું વાતાવરણ હતું અને માણસ તરીકે આ બાળકો જીવવા માટે પોતાની અસ્મિતાની શોધ કરતાં હતાં. તો બીજી બાજુ ધોબીને ત્યાં હમણાં જ ધોવાઈ આવેલ પણ હજીય નહિ વાપરેલા વસ્ત્રો જેવું જીવન તે જીવતાં હતાં. જાધવભાઈઓમાં રહેલું આ ભાન ખૂબ મહત્ત્વનું છે તે લક્ષ્યમાં લેવું જોઈએ.

૫૬નાં વર્ષમાં ધમ્મસ્વીકારનો સમારંભ નાગપુરમાં થયો. સમાજ બાબાસાહેબનાં તેજસ્વી વિચારોથી અંજાઈ ઊઠ્યો હતો. નાગપુર એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્યાલય. તેને કારણે સંઘર્ષ થશે એવો અંદાજ હતો. સમાજ પણ મરણિયો બન્યો હતો. પણ બાબાસાહેબનો જીવ જોખમમાં ન મુકાય, આપણું જે થવું હોય તે થાય એવું લોકોને લાગતું હતું. તેને કારણે વડાલાથી જે જનસમુદાય ધમ્મ સમારંભ માટે ગયો તે તૈયારી સાથે જ ગયો. રેલવેનાં કોટ નીચે ગુપ્તીઓ જેવાં શસ્ત્રો લોકો લઈ ગયા હતા. દાદાનો તેમાં સહભાગ હતો.

ધમ્મ સ્વીકારીને માણસો પરંપરાની કાંચળીને ઉતારી ઊભાં થયાં. પુરાણી માનસિકતા વિસર્જિત થઈ. ધમ્મ સ્વીકાર પછી દગડૂ, ધોડું, કમરુ, જન્મતાં બંધ થયા. એકદમ સિદ્ધાર્થ, ગૌતમ જન્મવા લાગ્યા. એ બાબત પણ અહીં નોંધવામાં આવી તે ખૂબ જ વિચારણીય છે.

જે. ડી. જાધવ - શાળામાં ભણતી વખતે બાપાએ અભ્યાસ માટે કેવી શિક્ષા કરી, પછી બાબાસાહેબની ચળવળનાં કેવા સંસ્કાર થયા અને બાબાસાહેબનાં અને બાબાસાહેબ ઉપરનાં અન્ય લેખકોનાં ગ્રંથ વાંચીને મનમાં કેવા પાસા પડ્યા તેનું ચિત્રણ જે.ડી.એ કર્યું છે. ૧૯૬૩નાં વર્ષમાં તે આઈ.એ.એસ. થયા. જે.ડી. કવિતા લખતાં. કોલ્હાપુરમાં રંકાળા તળાવને કાંઠે બેસીને તેમણે કાવ્યલેખન કર્યું છે. અધિકારી તરીકે તેમની યશસ્વી કારકિર્દીનો પરિચય તેમનાં નિવેદનમાંથી સાંપડે છે. ૧૯૭૦નાં વર્ષમાં તેમની પત્નીને પરભણીનાં કાતનેશ્વર મંદિરમાં કેવા જવા દીધા નહિ તેની હકીકત જે.ડી.એ કહી છે. અલબત્ત, મંદિરમાં જવું જ નથી એ નિર્ણય સૌ. જાધવ અને જે.ડી. જાધવે લીધો હોત તો વધુ યોગ્ય થયું હોત. તેમનાં બાપુય નાસ્તિક હતા., પૂજાબૂજા તેમણે કરી નહિ. બાબાસાહેબ તો નાસ્તિક શિરોમણી ત્યારે આ બંનેનીય વૈચારિક બાંધણી સ્વીકારનારાઓએ ૧૯૭૦નાં વર્ષમાં મંદિર જવાનું જ ટાળવું પ્રસ્તુત ગણાયું હોત.

ઇંગ્લૅન્ડમાં બર્મિંગહામ નૉરિપ, કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક તેમને મળી. મહાત્મા ફુલે વિકાસ મહામંડળની રચના કરવાની જવાબદારી તેમણે પાર પાડી. ફલોદ્યાન અને સામાજિક વનીકરણનું નવું ખાતું શરૂ કરવાની જવાબદારી તેમની પર સોંપવામાં આવી. વસુકીગયેલા જનાવરો માટે ગામ-ઢોરવાડાની યોજના તેમણે તૈયાર કરી. શિક્ષણ સંદર્ભે મહત્ત્વના વિચાર તેમણે રજૂ કર્યાં. ગરીબ-ગુરબાઓને મદદ કરી. ‘બાપા’નાં કહેવા મુજબ સ્વાભિમાનને આંચ આવવા દીધી નહિ. ‘કાયમ ગરીબોનો પક્ષ લેવો’ એવું બાપાનું કહેવું પ્રત્યક્ષમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો. હજુય વરિષ્ઠ વર્ગમાં પોતાનાં સમાજ માટે સહાુભૂતિ બતાવતો નથી ત્યારે આપણે જે સમાજમાં જન્મ્યા તેનું ઋણ ચુકવવું જોઈએ, એ તેમણે પરાકાષ્ઠાએ અનુભવ્યું. અને પોતાનાં ભાઈબહેનોનાં શિક્ષણ તરફ તેમણે ધ્યાન આપ્યું. તુલનામાં સુધાકર જાધવ વધુ ઊંચી ફલાંગ ભરી શક્યા નહિ. દુબઈમાં ‘ગલ્ફ ઍર’ એ વિમાન કંનપીમાં તેમને નોકરી મળી.

દિનેશ જાધવ તે દૃષ્ટિએ અધિક જાગૃત હતા. તેમણે ભરપૂર વાંચન કર્યું. આંદોલન સાથે જોડાયા. ભાષણો આપ્યા. કલકત્તામાં તેમનું સાંસ્કૃતિક જીવન સમૃદ્ધ થયું. હાલમાં મુંબઈ મહાનગરપાલિકામાં તે ઉચ્ચ પદ પર છે. સામાન્ય લોકોને લાભ થાય તે સારુ તેઓ પ્રયાસ કરતાં રહે છે.

ચારેય ભાઈઓમાં સૌથી તેજસ્વી જીવન છે તે નરેન્દ્ર જાધવનું. તે અર્થશાસ્ત્ર વિષય લઈને બી.એસસી. અને એમ.એ. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. ‘નેશનલ સ્કૉલર’ તરીકે ભારત સરકાર તરફથી તેમની પસંદગી થતાં અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી ૧૯૮૬નાં વર્ષમાં અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી તેમણે મેળવી. તે વખતે ડૉક્ટરેટમાં મેળવેલો ગુણોનો ઉચ્ચાંક આજેય અબાધિત છે. ૧૯૮૩નાં વર્ષમાં સર્વોત્કૃષ્ટ આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થી, રિઝર્વ બૅન્કનાં અર્થશાસ્ત્ર વિભાગમાં એક સંચાલક, રિઝર્વ બૅન્કનાં વરિષ્ઠ અધિકારીઓનાં સલાહકાર આવા એક એક ગઢ બાબાસાહેબની પ્રેરણાથી અને ‘દાદા’નાં બળે તેમણે સર કર્યા.

વર્ગમાં ‘પલળેલા ઉંદરના જેમ‘ બેસનારો નરેન્દ્ર, ઘરમાં નાશિકની ગામઠી ભાષા બોલનારો નરેન્દ્ર, ‘પ્યૂન’ની નોકરીનું ધ્યેય રાખનારો નરેન્દ્ર છબિલદાસનાં નવ વર્ગમાંથી આગળ જતાં પહેલો આવે છે અને તેથીય આગળ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં ગુણોનો ઉચ્ચાંક પ્રાપ્ત કરે છે. આ બુદ્ધનાં અનિત્યવાદનું દૈદિપ્યમાન પ્રત્યાંતર જોતાં ખૂબ આનંદ થાય છે.

અલબત્ત, આ સમગ્ર કાળમાં વ્યવસ્થા કાંઈ નરેન્દ્રને ન્યાય આપતી નહતી. વક્તૃત્વ સ્પર્ધામાં મળેલું પહેલું પારિતોષિક સમારંભપૂર્વક ન આપતાં તેને કૅન્ટીનમાં આપવામાં આવ્યું. એક સ્નેહીએ કોઈક સ્વામીજી તમારા જેવાં ‘શિડ્યુઅલ કાસ્ટ’નાં માણસ સાથે સુદ્ધાં એકદમ મોકળાશથી ચર્ચા કરે છે એવું કહ્યું. આમાંથી જાતીય અહંકારની જ ખોરી વાસ આવે છે. માણસો આવાં દુષ્ટ બનાવવામાં આવ્યા છે. આ દુષ્ટોનાં અપમાનની માખો દૂર કરતાં, તેમનાં સડેલા અહંકારની દુર્ગંધ બાજુએ ખસેડતાં અનેક નરેન્દ્ર જાધવ આજે કર્તૃત્વનાં શિખર પર ઝળકી રહ્યાં છે, આ અંગ-પ્રત્યંગમાં વિષમતાનાં હળાહળ ઉછેરનાર ધર્મનાં, સંસ્કૃતિનાં અને પરમેશ્વર એ કલ્નાનોય પરાભવ છે એટલે જાધવબંધુઓની કથા આ વિજયની રોમહર્ષક કથા છે.

ડૉ. નરેન્દ્ર જાધવ વિચાર જાગૃત છે. તરત સંવેદનશીલતાની સંભાળ રાખનાર છે. પોતાનાં દીકરા તન્મયને લઈને એક સાંજે તે વડાલા જાય છે. ત્યાં તેમનું બાળપણ ગયું હતું. તેને તે રહેતાં હતાં તે ઘર બતાવવામાં આવ્યું. તે જે શાળામાં ભણ્યા તે પડુ-પડુ થયેલી બી.પી.ટી.ની શાળા તેને બતાવે છે. દીકરાને તે રેલવેયાર્ડમાં લઈ જાય છે. માલગાડીનાં એન્જિનમાં બેસીને સફર કરાવે છે. ઍન્ટૉપ હિલનો પરિસર તેને બતાવે છે. તન્મયને તે પોતાનાં બાળપણમાં લઈ જાય છે. તે વસ્તીમાંથી આજનો નરેન્દ્ર જન્મવો અશક્ય જ. અહીં ફક્ત જીવન નિરર્થક જઈ શકે. ગુંડા, મવાલી જ અહીં પાકી શકે, પણ તેમને આ પણ પ્રતિકૂળતાઓમાંથી બહાર નીકળવા બાબાસાહેબે જીદ આપી. પ્રત્યેક વ્યક્તિમાં એક રાજહંસ હોય છે. પણ રાજહંસથી ‘એલિનેટેડ’ થયેલાં વ્યક્તિ પોતાને બતક માનીને બતક જેવું જીવન જીવતાં રહે છે. ભારતમાંની જાતિપદ્ધતિથી, ચાતુર્વણ્યોથી, અને અહીંની વિષમતા, સંસ્કૃતિએ કેટલાય મહાન કર્તૃત્વોનો ભોગ લીધો છે. અહીંની ઈશ્વર સંસ્કૃતિએ ‘માણસની મહાનતા પર અંગારા રેડ્યા છે.’ નરેન્દર્‌ જાધવ જેવું કર્તૃત્વ આજે ખીલે છે. કારણ બાબાસાહેબ અને તેમની ચળવળે ઈશ્વર સંસ્કૃતિ સાથે સંગ્રામ કરીને તેનો દારૂણ પરાભવ કર્યો એ છે.

‘અમારો બાપ અને અમે’ એ વિજયાંતિકા છે. આંબેડકરી પ્રેરણાનો યુગંધર વિજય આ કથા સાકાર કરે છે. આ કથામાંનો ‘બાપ’ સ્વતઃ પુલ બન્યો છે અને બાબાસાહેબની પ્રેરણાની આગ પર આ પુલ પરથી દીકરાઓ સુધી પહોંચી છે. એક ગરીબ બાપની મથામણ અહીં વિજયી નીવડી છે. દીકરાઓનું કષ્ટ અને બુદ્ધિવૈભવ અહીં વિજયી નીવડ્યું છે. બીજાઓની કાર્યક્ષમતા સ્વીકારી લેવામાં આવે છે. આંબેડકરી સમાજનાં લોકોને તે સિદ્ધ કરવી પડે છે એ ખરું છે. જે.ડી., નરેન્દ્ર જાધવ આ ઉત્તમ પુત્રોએ તે સિદ્ધ કરી છે. આટલી મોટી બૌદ્ધિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા નરેન્દ્ર જાધવમાંનું નમ્રપણું મન પર અસર પાડ્યા સિવાય રહેતું નથી. ‘જ્વલંત ઇચ્છાશક્તિ હોય, યોગ્ય તક ઉપલબ્ધ થાય અને તેને કઠોર પ્રયત્નનો સાથ હોય તો સેંકડો દલિતો મારાં કરતાંય સારી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકે.’ આવી ડૉ. જાધવની પ્રામાણિક ધારણા છે. આ ધારણામાં નિરહંકારીપણું છે. બીજાની કર્તૃત્વશક્તિ પ્રત્યે સન્માન છે અને આપણે કર્યા તેથીય મોટા પરાક્રમ કરનારા લોકો આપણા સમાજમાં નિર્માણ થાય તે ઉત્કટ અને પ્રાંજલ ભૂમિકા પણ છે.

બાપાએ દીકરાઓને અભ્યાસનાં, કષ્ટનાં પાઠ આપ્યા. પ્રામાણિકતાનાં અને નિર્ભયતાનાં, ગરીબગુરબાનાં હિતો સારુ પ્રયાસ કરવાનાં અને નિરંકારી વૃત્તિનાં પાઠ આપ્યા. આ એ દીકરાઓનો, તેમનાં બાપાનો અને આંબેડકરી ચળવળનો વિજયોત્સવ છે. ઊર્જાવંત થવા ઇચ્છનારા માટે આ શક્તિનું ટૉનિક છે. પ્રત્યેક બાપે, અને પ્રત્યેક જ દીકરાએ, પ્રત્યેક શિક્ષકે અને પ્રત્યેક વિદ્યાર્થીએ વાંચવા જેવું આ પુસ્તક છે. આ પુસ્તક એટલે શક્તિધમ્મનો આવિષ્કાર છે. ‘ચારા’ પછીની સંપૂર્ણ થયેલી આ કહાણી, નવક્ષિતિજોનાં નિર્માણની કહાણી છે. જ્ઞાનથી અને કર્તૃત્વથી દેવો-ધર્મનું સાંભળી જેમની તરફ પીઠ ફેરવી તેમણે જ્ઞાનની અને કર્તૃત્વની કેવી શાન વધારી છે અને દેવો-ધર્મનો કેવો પરાભવ કર્યો છે તે આ કહાણીમાં સાકાર થાય છે. આ બુદ્ધિવીરોની કથા છે. ‘સર્ચ ફૉર ઍક્સલન્સ’ની આ આંબેડકરની યશોગાથા આંબેડકરી સ્વકથનનાં વિશઅવનાં નવા સોપાન બની રહેશે એ ખાત્રી મને છે.

ઋતુગંધ, ઑક્ટોબર-૧૯૯૪

ઓઝરના મહારવાડાથી વાલકેશ્વરના મહાલય સુધી

હરિ દેસાઈ

‘એક વાર કાંઈક કામસર ‘દાદા’ સાથે રેશન ઑફિસમાં ગયો હતો એ પ્રસંગ યાદ આવે છે. કાંઈક પરવાનો કઢાવવાનો હતો. અમને પાસેના એક વિભાગમાં મોકલવામાં આવ્યા. ત્યાં બેઠેલાં મહિલા અને પુરુષ એકમેકની સાથે વાતચીતમાં એવાં તો મસ્ત હતાં કે અમે સામે ઊભા હતાં એ વીસરીને મીઠી મીઠી વાતોની સાથે ટેબલ નીચે એકમેક સાથે પગ લડાવીને આનંદ માણી રહ્યાં હતાં. ‘દાદા’ ત્યાં પાંચેક મિનિટ ઊભા રહ્યા. પેલાઓએ આ ટોપી-ધોતિયાધારી માણસ સામે જોવાની પરવા કરી નહિ.

‘દાદા’ ત્યાંથી નીકળીને સીધા બાજુમાં જે અધિકારીની કૅબિન હતી તેની પાસે ઊભા રહીને સૌને સંભળાય એવા ઊંચા અવાજે બોલ્યા : ‘અરે સાહેબ, તમારી ઑફિસમાં માત્ર ગધેડાં (‘ગાઢવ’) જ ભરેલા છે કે શું ?’ પેલા અધિકારી એકદમ બહાર આવીને કહે : ‘શું કહો છો તમે ?’ ‘દાદા’એ એમના બુલંદ અવાજમાં જ સવિસ્તર કહાણી કહી. પેલા કારકુન-પંખીડાંના ચહેરા જોવા જેવા હતા. સાહેબે પોતે જ અમારું કામ તત્કાળ કરાવી આપ્યું એ કહેવાની તો હવે જરૂર નથી પણ ઑફિસમાંથી બહાર નીકળતાં જ ‘દાદા’ કહે : ‘છોટુમિયાં, કિસીકો ડરનેકા નહિ ક્યા ? આપુન ક્યા કિસીકે બાપકા ખાતા હૈ ?’

સગો બાપ (એના સંતાનો ‘દાદા’ એટલે મોટાભાઈ કહીને સંબોધે છે) જે સંતાનોને આવી હિંમત આપે એ ક્યારેય કોઈથી ડરે ખરા ?

બૉમ્બે પૉર્ટ ટ્રસ્ટ (બી.પી.ટી.)ના ચોથા વર્ગના અને એય પાછા દલિત એવા કર્મચારીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પ્રગટાવેલા સ્વાભિમાનનો પરિચય આ પ્રસંગમાં મળે છે. મૂળ નાસિક જિલ્લાના ઓઝર ગામના ‘અસ્પૃશ્ય’ પરિવારમાં જન્મીને પેટિયું રળવા વર્ષો સુધી ‘બેગારી’ તરીકે કાળી મજૂરી કરનાર દામોદર રુંજાજી જાધવની આ વાત છે. ગામમાં કે મોસાળમાં ગામનાં ઢોર ચારીને કે મામા સાથે મજૂરીએ જઈને, મુંબી આવીને ઘાટકોપર રેલવેસ્ટેશનની ફૂટપાથપર રાતવાસો કરતાં કરતાં યુરોપિયન સાહેબના ઠેલણિયા તરીકે દિવસો કાઢતા બી.પી.ટી.ના ‘બેગારી’થી કારકિર્દી શરૂ કરીને હજુ માંડ એકાદ દાયકા પહેલાં જ રેલવે કૅબિનમૅન તરીકે નિવૃત્ત થનાર દામોદરની સંઘર્ષગાથા હમણાં પ્રગટ થઈ છે. હાથેપગે આ શહેરમાં આવેલાઓમાંના ઘણા આજે લખપતિ-કરોડપતિ હશે, પણ દામોદર જાધવ જેવું દરિયાદિલ ટકાવીને સુખદુઃખની પળોમાંથી સ્વમાન, હિંમત અને પરોપકારની ત્રિવેણી ટકાવીને આ જગમાંથી વિદાય થનાર બહુ થોડા છે.

૧૯૭૬માં દયા પવારની આત્મકથાત્મક ‘બલુંત’ (પારંપરિક કામનો પ્રકાર)ના પ્રકાશન પછી આટલાં બધાં વરસ સુધી દલિત સાહિત્યમાં આત્મકથાત્મક પુસ્તક પ્રકાશનની જાણે પાનખર હતી. વિદ્રોહ જગાવતી દલિત આત્મકથાઓ તો ઘણી આવી પરંતુ ડૉ. નરેન્દ્ર જાધવના ‘આમચા બાપ આન આમ્હી’ (અમારો બાપ અને અમે) પુસ્તકનું ‘ગ્રંથાલી’એ પ્રકાશન કરીને એ પાનખરને વસંતના આરે લાવીને મૂકી દીધી છે. ‘હું આવડો મોટો ઑફિસર અને મારા બાપા મરેલી ભેંસનાં ચામડાં ઉતારતા કે વાડમાં પડેલા માટીના ચપણિયાને ધોઈને એમાં સવર્ણોએ ઊંચેથી રેડેલી ચા કે છાસ પીતા એ કહેવાય થોડું ?’ એવો સંકોચ અનુભવતા કે જાત છુપાવીને આર્થિક સમૃદ્ધિનાં જ સુખને પામવાની મથામણ કરતા લોકોની વચ્ચે સુટેડબુટેડ થઈને ફરતા અનેકોને એમનાં માબાપ કે પૂર્વજોની સંઘર્ષકથાઓને કાન દેવાનો કે અન્યોને કહેવાનો અવસર આ નવું પ્રકાશિત પુસ્તક પૂરો પાડશે.

જાધવ પરિવારે કોઈ સંકોચ રાખ્યા વિના પોતાના ‘દાદા’ (બાપ) અને એમના અનુભવોની વાતને મૂકી છે. એને નાટકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો નથી. એમાં દંભ પણ નથી. સાવ નિખાલસભાવે ગઈકાલથી આજ સુધીની કહાણી છે. ઓઝરના ‘મહારવાડા’થી વાલકેશ્વરનાં મહાલયોમાં વસવાટ સુધીની મજલ કાપવામાં નિમિત્ત બની છે દામોદર જાધવની કાળી મજૂરી. એને ગૌરવ નજરે નિહાળતો જાધવ પરિવાર આજે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગરપાલિકા, ગલ્ફ ઍર અને રિઝર્વ બૅન્કમાં ટોચના હોદ્દે પહોંચેલાં સંતાનોથી હર્યોભર્યો છે. સમાજનું ઋણ ચૂકવવા જાગ્રત છે. આ પુસ્તકનું પ્રકાશન એ દિશામાં જ એક પ્રયાસ લાગે છે. આબંડકરના નામે રાજકારણ ખેલવા સમાજમાં વેરઝેર પ્રસરાવતી શૈલીમાં લખાણો અનેક પ્રગટ થયાં છે, પણ આંબેડકર માત્ર દલિતોના જ સ્વજન નહોતા, એ તો સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. રાષ્ટ્રીય સમસ્યાઓનો વિચાર કરતા હતા, દલિતશોષિત-પીડિત પ્રજા માટે સ્વાભિમાન જગાડીને ‘મહારવાડા’માંથી સંસદ સુધી કે વિશ્વફલક સુધી કેમ વિસ્તરી શકાય, એને માટે કેવા સંઘર્ષ અને પરિશ્રમ કરવા પડે એનો આદર્શ એમણે પૂરો પાડ્યો. અહીં ડૉ. જાધવે ‘આમચા બાપ આન આમ્હી’માં સાવ અભણ એવા પિતાએ, સાવ ગરીબ એવા બાપે, સાવ પછાત એવા પરિવારના સૂત્રધારે પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવ્યાંગણાવ્યાં અને આંબેડકરના આદર્શને સકારાત્મક દૃષ્ટિએ જોઈને સમાજાભિમુખ કર્યાં. ડૉ. જાધવે પુસ્તક અર્પણ કરતાં લખેલ શબ્દોમાં એના અંતરિયાળ ભાવને આવી રીતે મૂક્યો છે : ‘આંધળાં’ રાહીઆજીની ‘દીર્ઘ’દૃષ્ટિને, ‘અશિક્ષિત’ દાદાની ‘બૌદ્ધિક’ પ્રગલ્ભતાને અને આઈ ‘સોના’ બાઈના મારગમાં આવેલી ‘ગરીબી’ના ચટકાને.’

માત્ર ૧૯૦ પાનાંના આ પુસ્તકનો પ્રકલ્પ રિઝર્વ બૅન્કના આર્થિક બાબતોના વિભાગના નિયામક ડૉ. જાધવે હાથ ધર્યો અને ‘ગ્રંથાલી’ના દિનકર ગાંગલે એને પ્રકાશિત કરીને સમાજ સમક્ષ મૂર્તિમંત મૂક્યો ત્યારે એની આ પ્રથમ આવૃત્તિની સઘળી કમાણી મહારાષ્ટ્રના ભૂકંપ રાહતનિધિ માટે અપાશે એવું જાહેર કરવું એ પણ ખરી હિંમત માગી લે છે. ગઈ બીજી ડિસેમ્બરે દયા પવાર અને વિજય તેંડુલકર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનું પ્રકાશન થયું. પ્રથમ આવૃત્તિની તમામ નકલ પહેલા જ દિવસે ખતમ થઈ જાય એટલો લોકપ્રતિસાદ મેળવનાર આ પુસ્તકમાં કાંઈક નોખો ભાવ તો હશે જ ને ?

લેખક કહે છે : ‘બલુતં પછી દલિત સાહિત્યમાં આત્મકથાઓ તો ઘણી આવી પણ દયા પવારના શબ્દોમાં કહીએ તો સમાજ પ્રત્યે ‘દુર્ભાવ’ વિના આંબેડકરની સકારાત્મક ભૂમિકા કે યોગદાનને જીવંત સ્વરૂપે રજૂ કરનાર આ પુસ્તક પોતાની દૃષ્ટિએ અનોખું છે.’ તેંડુલકર તો ઊંચી ઇમારતની ટોચેથી આ પુસ્તકની શ્રેષ્ઠતાનો ભાવ બૂમ પાડીને સૌને પહોંચાડવાના પક્ષમાં છે. હિંદી, ગુજરાતી, તમિળ અને તુલુગુમાં એનો અનુવાદ પ્રગટ થઈ રહ્યો છે. એટલે ‘ઓઝરના મહારવાડાથી વાલકેશ્વરના મહાલય સુધી’ના દામોદરઅન્નાની વાત વિશાળ વર્ગને પહોંચશે.

એને માત્ર દલિત સાહિત્યમાં સીમતિ કરી દેવાને બદલે સંઘર્ષપરિશ્રમ અને સમાજ ભણીના સકારાત્મક અભિગમ સાથે પ્રગતિ કેમ સાધી શકાય એની પ્રેરણા સૌ કોઈ વર્ગના લોકોને પૂરું પાડતું આ પુસ્તક સમગ્ર સમાજનું સાહિત્ય છે.

વિ. વા. શિરવાડકર (કુસુમાગ્રજ) આશીર્વચનમાં લખે છે : ‘દલિત સમાજાત જન્માલા યેઉનહી ત્યાંચા આત્મવિશ્વાસ કધી ઢળલા નવ્હતા, અથવા ત્યાંચ્યા લઢાઉ બાણઅયાલા ઢળ પોચલા નવ્હતા. ‘કિસીકો ડરના મત’ હા મંત્ર ત્યાંની આપલ્યા મુલાંના દિલા હોતા ! આણિ તોચ ત્યાંચા જીવનધર્મહી હોતા... અસા બાપ મિળણે હે મુલાંચે સદ્‌ભાગ્ય આણિ અશી મુલે મિળણે હે બાપાચેહી સદ્‌ભાગ્ય. સામાજિક સોપાનાચ્યા અંતિમ પાયરીવર જન્મલેલી મુલે આજ ત્યાંચ સર્વોચ્ચ યશ મિળવા’ હ્યા ત્યાંચ્યા આદેશાચે ત્યાંની પૂર્ણતઃ પાલન કેલે આહે.’

અભણ પિતાએ ગોરા અધિકારીની અગાઉની યુરોપિયન પત્નીની દીકરીને રાખવાની નોકરી કરતા તેની પાસેથી એ-બી-સી-ડી શીખ્યું એ પાછળથી જીવનમાં નોકરી મેળવવા કામ લાગ્યું. પિતાની પાસે એમની નિવૃત્તિ વયમાં જ આગ્રહપૂર્વક સ્વકથન લખાવનાર ડૉ. જાધવે એમની ભાષા, એનો મૂળ લહેકો, શબ્દો અને ભાવને જાળવી રાખવાની તકેદારી સાથે તેને ફરી લખ્યું છે. પિતાએ લખેલા આત્મકથાનક ઉપરાંત ડૉ. જાધવે પોતે અને તેમના આઈ.એ.એસ. ભાઈ જે.ડી. જાધવ, મહાનગરપાલિકાના વૉર્ડ ઑફિસર ભાઈ દિનેશ જાધવ, ગલ્ફ ઍરમાં નોકરી કરતા ભાઈ સુધાકર જાધવ તથા દામોદરઅન્નાની બે પુત્રવધૂઓએ પણ એમનું ચિત્રણ કર્યું છે. એક જ બેઠકે આ પુસ્તક પૂરું કરનાર આ લખનારને એમાં માત્ર જાધવ પરિવારની જ નહિ, દેશના હજારો-લાખો-કરોડો પરિવારની સંઘર્ષગાથા જાણે કે બોલકી જણાઈ. ઉચ્ચ વર્ણ ભણી ઘૃણા દર્શાવવા માત્રથી સાહિત્યસર્જન કરવામાં માનનારા કે આંબેડકરને વટાવીને રાજકારણ ખેલનારાઓને આ પુસ્તક નવી દૃષ્ટિ આપી શકે તેમ છે. એમાં અભણ દામોદરઅન્નાની ‘સર્ચ ફૉર ઍક્સલન્સ’ છે. અનામત પ્રથા આવ્યા પછીય ‘મહાર’ પ્રજાએ સ્પર્ધામાં કઈ રીતે ટકવું એની અનોખી વાતો છે. અનામતની ઘોડીઓના સહારે નહિ, આપબળે, પોતાની ક્ષણતાને ટેકે, આંબેડકરની જેમ હિંમત હાર્યા વિના તમામ ક્ષેત્રમાં સ્વાભિમાન સાથે કઈ રીતે આગળ વધી શકાય એનો સંદેશ જાધવ પરિવાર છે. મુંબઈના ગુજરાતી દલિતોમાં આવું એક ઉદાહરણ મારવાડી પરિવાર છે. દામોદરઅન્નાની સંઘર્ષગાથાના ભાવને જાળવીને જ અત્યારે ટોચનાં સ્થાનોએ પહોંચેલાં શ્યામજી માસ્તરનાં સંતનોય એમના સમાજાભિમુખ પિતા અને એમના સકારાત્મક દૃષ્ટિકોણને રજૂ કરતી વધુ એક ‘આમચા બાપ આન્‌ આમ્હીં’ આપી શકે તો દલિત સમાજને માર્ગદર્શન મળશે અને સમગ્ર સમાજને આત્મપરીક્ષણ કરવાની તક પણ.

‘... એકવાર કોઈ સમારંભમાં જિલ્લાધિકારી સાથે તેમની મુલાકાત થઈ. વાતચીતમાં કાંઈક મતભેદ તરી આવ્યો. દાદા જિલ્લાધિકારીને પોતાની વાત સમજાવવા માગતા હતા. કલેક્ટર સાહેબ શાંતિથી એ સાંભળતા હતા પરંતુ આસપાસ ઊભા રહેલા ‘રાજા કરતાંય રાજનિષ્ઠ’ એવા કેટલાકથી એ સહન થતું નહોતું. સાવ ગમાર લાગતો ગામઠી માણસ અમારા કલેક્ટર સાહેબને આમ ખખડાવે એ કેમ ચાલે ? એમાંના એકાદ જણે દાદાને બાજુએ ખેંચી દમ મારવાનો પ્રયાસ કરતાં કહ્યું : ‘જાધવ, તમે કોની સાથે વાત કરી રહ્યા છો એનું ભાન છે ? એ કલેક્ટર સાહેબ છે.’

દાદાએ આવું કહેનાર ભણી જોયું, કલેક્ટર સામેય નજર કરી અને સમારંભમાં બધાને સંભળાય એ રીતે બુલંદ અવાજમાં કહ્યું : ‘અરે, આ સાહેબ તો કલેક્ટર હશે, પણ હું તો કલેક્ટરનો બાપ છું.’ હકીકત એ હતી કે આ વખતે મારો મોટો ભાઈ (જે.ડી.) પરભણી જિલ્લાનો કલેક્ટર હતો.’

સંતાનોને છબીલદાસ હાઈસ્કૂલમાં દાખલ કરાવવા દામોદરઅન્નાએ સત્યાગ્રહ કરવો પડ્યો હતો એની અનોખી કથા એમના જ શબ્દોમાં વાંચીએ ત્યારે અભણ વ્યક્તિની દીર્ઘદૃષ્ટિનાં દર્શન થાય. કિંગ જ્યૉર્જ હાઈસ્કૂલમાં ‘જાતીયતા ફાર આસલ્યામુળે’ તેમની બહેનની દીકરીને દાખલ નહિ કર્યાની વાતનો ઉલ્લેખ એ કરે છે પણ તરત ‘મગ મી માટુંગા યેથે તિચે નાવ ટાખલે’ કહીને દુર્ભાવની લાંબી કહાણીને બદલે કામની વાતકરે છે.

‘ભાઉલા (જે.ડી.ની) મરાઠી પાચવીલા મોઠ્યા શાળાત નાવ ઘાલાયચં હોતં. પરત દાદારચ્યા કિંગ જૉરલા ગેલા. પન પુન્હા જાતીયતા આડ આલી... મી સાડીપાચલા તેથૂન નિઘાલો વ છબિલદાસ મધ્યે ગેલો... તો ટાઈમ સાહાચા આશે. છબિલદાસાચ્યા દરવાજયાત સિપાયાને આડવિલે. મી ત્યાલા આઠ આણે દિલે. મી આત ગેલો...’ ત્યાંય જગ્યા નહિ હોવાનું સાંભળીને એમની આંખમાં પાણી આવ્યાં. એમણે સાહેબને સુણાવ્યું : ‘જોપર્યંત માઝ્‌યા મુલાલા તુમ્હી શ્યાળંત ઘેત નાહિ, મી આન-પાણી ઘેનાર નાહિ. મલા પોલિસાંની નેલે તરી આન-પાણી ઘેનાર નાહિ.’

એમની દયા ખાઈને બીજા દિવસે ‘ભાઉ’ને પ્રવેશ અપાયો. એમનાં સંતાનો આજે પણ છબિલદાસ હાઈસ્કૂલ પ્રત્યે આદરભાવથી જુએ છે.

‘કાય દામુઅણ્ણા ? તુંઝા મુલગા કાય ? શિકવ ત્યાલા.’ જેવા આંબેડકરના શબ્દોમાંથી ‘શેડ્યૂલ્ડ કાસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ’નો કાર્યકર્તા દામોદર જાધવ પ્રેરણા લઈને દીકરાઓને ‘કાંઈપણ ભણો, પણ આગળ આવો’ની સલાહ આપે છે.’

ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખાખી ચડ્ડી પહેરીને જનાર કદાચ પહેલો વિદ્યાર્થી જે.ડી. જાધવ આજે મંત્રાલયમાં ઊંચા સચિવપદે બેઠો છે. નેશનલ સેવિંગ્સ ઓર્ગેનાઇઝેશનના ડિસ્ટ્રિક્ટ ઓર્ગેનાઇઝર જેવી કેટલીક નોકરીઓ કરતાં કરતાં ભણેલા જનાર્દનને પ્રા. એમ. એલ. દાંતવાલાએ ‘તું અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ કર’ એવી સલાહ આપી હતી. વેલ્ફેર ઇકોનોમિક્સ વિષય લઈને ડૉક્ટરેટ કરવા માટે પ્રોત્સાહન મેળવવાની અપેક્ષાએ એ પ્રા. (કુ.) કાંતા રણદિવે પાસે ગયો પણ ‘માત્ર, બાઈની માઝા અસા કાહી પાણ ઉતારા કેલા કી મી ડૉક્ટરેટચા નાદય સોડૂન દિલા.’ છતાં જનાર્દનને ડૉ. દાંતવાલા અને ડૉ. પી. આર. બ્રહ્માનંદનું પ્રોત્સાહન મળ્યું. સરકારી નોકરીમાં જઈને આંબેડકરના સ્વપ્નને સાકાર કરવા વિશેની ચર્ચા થઈ. આઈ.એ.એસ.ની પરીક્ષા આપી અને ૧૯૬૩માં એણે સફળતા મેળવી. મુંબઈના અત્યારના મહાપાલિકા આયુક્ત શરદ કાળે અને જે.ડી. સગા ભાઈ જેવા. ઘણી વાર ‘કાકા’ (કાલેના પિતા)ના પુણેસ્થિત ઘરમાં એ રહી પડે. કોયના ભૂકંપ વખતે રાહતકાર્યોમાં જે.ડી.નું ઘણું મોટું યોગદાન.

પરભણી જિલ્લાના કલેક્ટર તરીકે ૧૯૭૦માં જે.ડી. ફરજ બજાવતા હતા ત્યારનો એક કટુ અનુભવ એ નોંધે છે : પરભણી જિલ્લાના કાતનેશ્વર મંદિરમાં તેમની પત્ની પુષ્પાને પછાત કોમની હોવાને કારણે પ્રવેશ અપાયો નહોતો !

૧૯૭૦માં અને તે પણ કલેક્ટર જેવા જિલ્લાના સર્વોચ્ચ અધિકારીની પત્ની સાથે તેની જાતને કારણે આવો બનાવ બને એ ઘૃણાસ્પદ લાગે... ‘હું મારા અધિકારનો ઉપયોગ કરીને એ પુરોહિત મંડળીને ‘પાંસરી’ કરી શક્યો હોત પણ મેં આવી કાર્યવાહી ટાળી હતી.’ જે.ડી.ની તેમ જ લશ્કરની ‘મહાર બટાલિયન’માં જતાં જતાં મુંબઈ મહાનગરપાલિકાના વૉર્ડ ઑફિસરપદે પહોંચેલા, દ. મુ. સુકથનકર અને પ્રવીણ કામદાર જેવા શિસ્તના આગ્રહી-કાર્યક્ષમ અધિકારીઓ પાસેથી પ્રેરણા મેળવનાર દિનેશ જાધવ આવકવેરા ખાતા અને રંગભૂમિ સાથે સંબંધ ધરાવતા રહ્યાની વાત અહીં એમના સ્વકથનમાંથી જાણવા મળે છે.

‘મને ડૉક્ટરેટ નહિ મળે તો ચાલશે, પરંતુ મારી જાત કે ગોત્ર વિશે પ્રતિકૂળ ટિપ્પણી કરનાર પ્રાધ્યાપકની વાત હું નહિ સાંખી લઉં.’ એવો અમેરિકી યુનિવર્સિટીમાં આગ્રહ સેવીને વિજયી થનાર નરેન્દ્ર જાધવ આજે રિઝર્વ બૅન્કમાં ઊંચા હોદ્દે છે, એટલું જ નહિ કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળમાં પ્રભાવી અર્થશાસ્ત્રી તરીકેય એનું નામ છે. આંબેડકરના સંસ્કારોના પ્રતાપે અને દામુઅન્નાની જહેમતના પ્રતાપે જ.’

(જન્મભૂમિ દૈનિક - મુંબઈ, ૯ ડિસેમ્બર ૧૯૯૩)