Ek patangiyane pankho aavi - 29 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી Chapter-29

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 29

વ્રજેશ દવે “વેદ”

“તેં મને વાંસળી વગાડવા જતાં કેમ રોકી હતી?” નીરજાએ ક્યારનો દબાવી રાખેલો પ્રશ્ન કર્યો.

“મેડમ. આજ સવારથી જ આપણે અનેક મુસીબતોનો સામનો કરી રહયા છીએ. કોઈ આપણને શોધી રહ્યું છે. મોહા અને તેની ગેંગના માણસો કદાચ આપણો પીછો કરતાં હોય એવું પણ બને. આપણે મોહાને મહાત આપી છે. તે ઘાયલ થયેલી છે. ગુસ્સે પણ હશે જ. તેના હાથમાં આવેલો શિકાર છટકી ગયો છે. તો તે કાંઇ એમ જ હાર માનીને નહીં બેઠી હોય. તેણે તેના માણસોને ચારે તરફ કામે લગાડી દીધા હશે, અને આપણાં બંનેના અનેક ફોટાઓ તેની ગેંગના માણસોના ખીસામાં હશે. જો તું મંચ પર ચડીને વાંસળી વગાડે એટલે બધાની નજરે તું ચડી જાય. પેલો એન્કર તારા વિશે થોડું બોલે. તારા વાંસળીના સૂરો સાંભળીને તને સવાલો કરે અને તું સહજ બધું બોલી નાંખે. આખા શિલોંગને ખબર પડી જાય કે બે છોકરીઓ અમદાવાદથી અહીં આવી છે.”

“પણ તે આપણને ગૌહાટીમાં જ શોધવા પ્રયાસ કરશે. તેને ક્યાં ખબર છે કે આપણે શિલોંગ પહોંચી ગયા છીએ.”

“પણ તારી એ હરકત તેને મેસેજ આપી દેત, કે મોહાજી, અમે હવે અહીં શિલોંગમાં છીએ. તમે અમારો પીછો અહીં કરો. અને ફરી પેલી સંતાકૂકડીની રમત ચાલુ.”

“પણ...”

“પણ શું? એ બધું છોડીને હવે આપણે શું કરવાનું છે તે વિચાર.”

“હા ખરી વાત છે.” નીરજાએ હકારમાં માથું હલાવ્યું.

“તો શું પ્લાન બનાવ્યો છે? કાંઇ વિચાર્યું છે કે પછી...?” વ્યોમા હજુ પણ ગંભીર થઈ કહી રહી હતી.

“તું પહેલાં શાંત થા. તારો ગુસ્સો મને વિચલિત કરી રહ્યો છે.“ નીરજાએ વિનંતીના સ્વરે વ્યોમાને કહ્યું.

“કેમ કરી શાંત...”

“ઓ કે બાબા. ભૂલ થઈ ગઈ. ફરી એવું નહીં કરું..” નીરજા કહેવા લાગી. વ્યોમા નીરજા પાસે ગઈ અને તેને ભેટી પડી. બંને ક્યાંય સુધી પરસ્પર આલિંગનમાં રહ્યા. થોડા અશ્રુ પણ વહ્યા.

અશ્રુના તે પ્રવાહમાં બધા જ ભાવો ઓગળી ગયા. રહ્યા તો માત્ર મિત્રતાના ભાવો.

“ચાલ હવે વિચારીએ, કે આપણો હવે પછીનો પ્લાન શો છે.” વ્યોમાએ વાતનો દોર સાંધતા કહ્યું.

“મોહાને આપણાં પૂરા પ્લાનની ખબર છે. માટે મને લાગે છે, કે આપણે સમગ્ર પ્લાન બદલી નાંખવો પડશે.”

“નોહ કલિકાઇ ધોધ સુધી આપણે કારમાં જવાનું હતું. પણ હવે તે પ્લાન કેન્સલ.”

“તો પછી કેવી રીતે જઈશું, ત્યાં સુધી?”

“નીરજા, ત્યાં જવું તો સહેલું છે. કોઈ પણ કાર ભાડે લઈ ત્યાં પહોંચી જવાશે, પણ તેથી મોહાની નજરમાંથી બચી નહીં શકાય. માટે આપણે કોઈ નવી યોજના બનાવવી પડશે.”

“તો શું કરી શકાય...” નીરજા વિચારે ચડી. વ્યોમા પણ વિચારવા લાગી. કેટલીય ક્ષણો વિચારવામાં વિતી ગઈ.

નીરજાના ફોનની ઘંટડી વાગી. નરેશનો કોલ હતો. નીરજાએ ઘડિયાળમાં જોયું. રાત્રિના 11.24 થઈ હતી. આટલી મોડી રાત્રે નરેશનો ફોન? શું વાત હશે?

વ્યોમા અને નીરજાની આંખો મળી. વ્યોમાએ ફોન લીધો. સ્પીકર મોડ પર રાખી દીધો.

“હાય નરેશ.”

“હજુ જાગો છો?” સામે છેડેથી નરેશનો અવાજ આવ્યો.

“હા. શું કામ હતું.”

“બસ, ખાસ કાંઇ નહીં. બધું બરાબર છે ને?“

“હા, બિલકુલ બરાબર છે. સોના ખૂબ જ કો-ઓપરેટિવ છે.“

“તો આગળનો શો પ્લાન છે?”

“હજુ કાંઇ વિચાર્યું નથી. કાંઇ નક્કી પણ નથી.”

“ઓ કે. ટેક કેર. અને હા, જે કોઈ પ્રોગ્રામ બનાવો તે મને જણાવી દેજો.” સામે છેડેથી નરેશનો અવાજ કપાઈ ગયો.

“નરેશ પણ સતત આપણો પીછો કરતો હોય તેવું લાગે છે.” નીરજાએ સંદેહ વ્યક્ત કર્યો.

“તો પછી આપણો પ્લાન ગુપ્ત જ રહેશે. નરેશને પણ નહીં જણાવવાનો. રાઇટ?”

“રાઇટ. પણ તેમાં બે સમસ્યાઓ છે.”

“એ વળી શું છે?” વ્યોમાએ પૂછ્યું.

“એક, સોના. અહીંથી ચેક આઉટ કરીશું, એટલે તરત જ નરેશને તે ઇન્ફોર્મ કરી દેશે.”

“રાઇટ. અને બીજી સમસ્યા શું છે?”

“એ જ કે તેની પાસે આપણા ફોન નંબર છે. ગમે ત્યારે તે ફોન કરીને પૂછશે.”

“તો આપણે તેને કાં તો જવાબ નહીં દઈએ કાં તો ખોટું બોલીને ગુમરાહ કરીશું.” વ્યોમા હવે લૂચ્ચું વિચારવા લાગી.

“તેમાંથી એક પણ શક્ય નથી. જવાબ તો દેવો જ પડે. અને ખોટું નહીં બોલી શકાય કારણકે તે ચાલાક છે. આપણાં મોબાઈલના લોકેશનને ટ્રેક પણ કરી લે, અને આપણને પકડી પાડે.”

“તો એક જ ઉપાય છે. ફોન સ્વિચ ઓફ કરી દઈએ તો?” વ્યોમાનું મગજ તેજ ગતિથી ચાલતું હતું.

“હા, એ શક્ય છે. પણ જો વચ્ચે એક પણ વાર તે ચાલુ કર્યો, તો પણ તે આપણાં લોકેશનને જાણી લેશે.”

“તો તેને ચાલુ જ નહીં કરીએ.”

“પણ મમ્મી, પપ્પા સાથે વાત કેમ કરીશું? નેટ કેમ ચાલુ કરીશું?”

“ઓ કે. આપણે બંને સમસ્યાઓને જરા ધ્યાનથી સમજી લઈએ અને પછી તેનું સોલ્યુશન પણ કરી લઈએ. “વ્યોમા ગંભીરતાથી વિચારવા લાગી.

થોડી વાર બંને ખામોશ થઈ ગયા. કોઈ જ અવાજ નહીં. મૌન. માત્ર મૌન.

મૌન બેસી નીરજા ઘડિયાળને તાકી રહી. વ્યોમા સ્થિર થઈને બેસી નહોતી શકતી. તે ચંચળ બની રૂમમાં આમ તેમ આંટા મારતી રહી. એક પછી એક રૂમમાં રાખેલી વસ્તુઓ તરફ નજર કરી તેને જોતી રહી. તેને અડકતી રહી. તે અટકી ગઈ.

એક સુંદર મજાની તસવીર દીવાલ પર લટકતી હતી. 12 x 18 સાઇઝની એક આકર્ષક ક્રુતિ હતી એ. તેમાં વહેતા ઝરણાંનું દ્રશ્ય હતું. બેક ગ્રાઉન્ડમાં પહાડ. પહાડ પર ગાઢ જંગલ. આકાશ વાદળોથી ઢંકાયેલું. ઝરમર વરસાદ પણ પડતો હોય તેવું લાગતું હતું. પહાડની ખીણોમાથી શાંત ઝરણું, વહેતું વહેતું પહાડની તળેટી તરફ જતું હતું.

તળેટીમાં એક નાનું મકાન પણ હતું. તે મકાનની બાજુમાંથી પેલું ઝરણું વહી રહ્યું હતું. વ્યોમાને તે ગમી ગયું. તે તેને જોતી રહી. પહાડ, જંગલ, વરસાદ, વાદળ, આકાશ, ઝરણું, ખીણો અને મકાન.

મકાન.

મકાનની અંદર એક બલ્બ ચાલુ હોય તેવું કશું મૂક્યું હતું. કોઈની હાજરી તે મકાનમાં હોય તેવું દર્શાવવા જ કદાચ ઝીણો બલ્બ મૂક્યો હશે.

વ્યોમા તે બલ્બને ધ્યાનથી જોવા લાગી. તે બલ્બને કારણે તે મકાન જીવંત હોય તેવું લાગતું હતું. સમગ્ર દ્રશ્યને પણ તે જીવંત બનાવી રહ્યું હતું. તેને ગમ્યું.

“નીરજા, અહીં આવ, જો. કેટલું જીવંત લાગે છે.” વ્યોમાએ વિચારમગ્ન નીરજાને આમંત્રણ આપ્યું. નીરજા વિચારોમમાંથી જાગી. વ્યોમા પાસે ગઈ. વ્યોમાએ તેને પેલી તસવીર બતાવી.

“વ્યોમા, વાહ. ખૂબ જ સરસ લાગે છે. કેવું જીવંત થઈ જાય છે આખું દ્રશ્ય. જાણે આપણે સાવ સાચા દ્રશ્યના સાક્ષી હોઈએ તેવું લાગે છે.” નીરજા પણ તેનાથી પ્રભાવિત થઈ ગઈ. તે પણ તેને ધ્યાનથી જોવા લાગી.

તેના મનમાં એક ઝબકાર થયો.

તેણે વ્યોમાના હોઠો પર હથેળી મૂકી દીધી અને તેને તે હાથ પકડી ટોઇલેટમાં લઈ ગઈ.

“અરે, શું છે, નીરજા?” વ્યોમા માંડ માંડ બોલી.

“પાગલ છે તું. તે તસવીરમાં જે બલ્બ તેં બતાવ્યો હતો, તે બલ્બ નથી, છુપો કેમેરો છે અને સાથે માઈક્રોફોન પણ છે.”

“મતલબ કોઈ આપણી જાસૂસી અહીં પણ કરી રહ્યું છે. કોણ હશે એ?”

“હા. નરેશ સિવાય કોઈને ખબર નથી આપણાં વિશે. નરેશે જ આ બધું સેટ કર્યું લાગે છે. અને સોના નરેશની જ સાથીદાર છે.”

“તો આપણી બધી વાતો, તે સાંભળી રહ્યો છે. આપણને સતત જોઈ રહ્યો છે.”

“હા, તેણે બધી જ વાતો સાંભળી છે. આપણે સાવધ રહેવાનુ છે. તેને કદાચ એ પણ ખબર પડી ગઈ હશે કે આપણને તેના ગુપ્ત કેમેરાની ખબર પડી ગઈ છે.”

“મને લાગે છે કે કોઈ મોટું ષડયંત્ર આપણી સામે કામ કરી રહ્યું છે. માત્ર નરેશ જ નહીં, પણ કોઈ અન્ય જ છે આ કાવતરા પાછળ.” વ્યોમા હવે ચિંતિત થઈ ગઈ.

“કદાચ નરેશ આપણને કવર પણ કરી રહ્યો હોય. પ્રોટેક્ટ કરવાનો પણ તેનો ઇરાદો હોય.”

“નીરજા, હવે મને પાક્કી ખાત્રી થઈ ગઈ છે કે નરેશ કોઈ વ્યાપારી નથી. કાં તો તે પણ કોઈ ગેંગનો માણસ છે કાં ....” નીરજાએ તેને વચ્ચેથી જ અટકાવી.

“જો, આ રૂમમાં કોઈ પણ વાત કરવી હોય તો માત્ર ટોઇલેટમાં જ આવીને કરવી પડશે.”

“એક કામ ના થાય? આપણે પેલી તસવીર પર કોઈ કપડું ઢાંકી દઈએ તો?” વ્યોમાએ સૂચન કર્યું.

“હા. એ રીતે કેમેરાને બ્લોક કરી શકાય. પણ અવાજને નહીં.”

“કશો વાંધો નહીં. આપણે ધીમે ધીમે બોલીશુ. પણ આમ ટોઇલેટમાં ક્યાં સુધી બેસી રહીશું?” વ્યોમાના મનમાં કોઈ ચાલ રમતી હતી.

તે ટોઇલેટની બહાર આવી. પેલી તસવીર પર પેલો બલ્બ ઢંકાઈ જાય તેમ દુપટ્ટો ઢાંકી દીધો. નીરજા પણ હવે ટોઇલેટમાંથી બહાર આવી. બંને થોડા રીલેક્ષ થયા.

લગભગ ચારેક મિનિટ થઈ હશે. તેઓના રૂમની ડોરબેલ વાગી. બંનેએ એકબીજાની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.’કોણ હશે આટલી મોડી રાત્રે?’ એક છુપો ભય પ્રસરી ગયો, બંનેના આખા શરીરમાં. પરસેવે રેબઝેબ થઈ ગઈ બંને.

ફરી ડોરબેલ વાગી. નીરજા દરવાજા તરફ ગઈ. વ્યોમાએ એર કન્ડિશન ચાલુ કરી દીધું.

નીરજાએ દરવાજો ખોલ્યો. સામે સોના ઊભી હતી. સાથે એક સફાઈ કર્મચારી પણ હતો.

સોનાના હોઠો પર મોહાક સ્મિત હતું.

“યસ, નીરજા ઔર વ્યોમા. કોઈ ચીઝ કી જરૂરત તો નહીં?” સોનાના સ્મિત જેવા જ મીઠા શબ્દો કાન પર સંભળાયા.

નીરજા કશું બોલે તે પહેલાં જ સોનાએ સફાઈવાળાને ઈશારો કર્યો. તે રૂમમાં દાખલ થઈ ગયો.

“હમ ઇસકો બિફોર બેડ સર્વિસ કહતે હૈ. આપકી રાતકી નીંદ સુંદર હો, ઇસલીયે દિનકી આખરી સફાઈ હોતી હે યહાં.“

પેલો બધું સફાઈ કરવા લાગ્યો. દીવાલો પરની બધી તસવીર પણ. સફાઈને બહાને તેણે પેલો દુપટ્ટો પણ હટાવી લીધો. વ્યોમા અને નીરજાની નજારોએ તે નોંધ્યું. પેલાએ રૂમમાં સુગંધી સ્પ્રે છાંટ્યું.

સોના હવે અંદર આવી ગઈ હતી. તેણે નીરજા સાથે હાથ મિલાવ્યા. નીરજાના શરીરને થોડો સ્પર્શ પણ કર્યો. નીરજાને ના ગમ્યું. પણ તે કશું ના બોલી.

“ઉમ્મીદ હૈ, હમારી યહ સેવા આપકો પસંદ આઇ હોગી.” સ્મિત આપી તે જવા લાગી અને જતાં જતાં કહેતી ગઈ,”આપ હમારે નરેશજી કે દોસ્ત હો. ખયાલ તો રખના હી પડેગા. ગુડ નાઈટ.”

નીરજાએ તરત જ દરવાજો બંધ કરી દિધો.

નીરજા સીધી જ ટોઇલેટમાં ગઈ. વ્યોમાને પણ ત્યાં બોલાવી લીધી.

નીરજાએ ફટાફટ કપડાં કાઢી નાખ્યા. તેણે પહેલાં ટી-શર્ટ અને પછી જીન્સ ઉતારી નાંખ્યું. બંને કપડાનો રૂમમાં પલંગ પર ઘા કર્યો. તે હવે બ્રા અને નિકરમાં હતી. વ્યોમા તેના અર્ધ નગ્ન શરીરને જોતી જ રહી.

તેને કશું જ ન સમજાયું. તેને મઝાક સુઝી,”વાહ, ખૂબસુરત બદન છે તારું. તું આટલી હોટ હોઈશ તેની મને નહોતી ખબર.”

“કુલ થઈ જા. સોના સફાઈના બહાને કેમેરા વાળી તસવીર પરથી દુપટ્ટો હટાવવા જ આવી હતી. તેને તરત જ ખબર પડી ગઈ હતી, કે આપણે કેમેરો ઢાંકી દીધો છે.”

“ઓહ. સમજાઈ ગયું. પણ તારું આમ નગ્ન થવું કાંઇ ન સમજાયું. શું ઇરાદો છે આ હોટ જવાન છોકરીનો?”

“મજાક છોડ. સોનાએ મારી સાથે હાથ મિલાવ્યો હતો, અને તેણે મને સ્પર્શ પણ કર્યો હતો. તેં એ બધું જોયું હતું ને?”

“હા. પણ તેથી કાંઇ નારાજ ના થવાય. એ કોઈ છોકરો થોડો હતો.” વ્યોમા હજુ પણ તોફાની મૂડમાં હતી. તે નીરજાના ખુલા શરીરને સ્પર્શી,”આ મીરરમાં જો. કેટલી મોહાક લાગે છે તું.”

નીરજાએ તેના અર્ધ નગ્ન શરીરને દર્પણમાં જોયું. તે પોતાના જ આકર્ષક દેહ લાલિત્ય પર ઘડીભર મોહાઇ ગઈ. પણ તરત જ સ્વસ્થ થઈ ગઈ.

“વ્યોમા. તું પ્લીઝ સિરિયસ થઈ જા.” નીરજાએ લગભગ વિનંતીના સ્વરે કહ્યું.

“ઓ કે બાબા. બોલ શું વાત છે.”

“સોનાએ મારા કપડામાં પણ એક નાનું માઈક્રોફોન ચોંટાડી દીધું છે.“

“ટી-શર્ટમાં કે જીન્સમાં?”

“ખબર નથી. એટલે તો મેં બંને કાઢી નાખ્યા.”

“એટલે કે તું હવે રાત ભર આમ જ રહીશ?”

“ફરી મજાક?” હવે નીરજા ગુસ્સે થઈ ગઈ. ગુસ્સામાં તેનું સુડોળ શરીર વધુ આકર્ષક લાગતું હતું. વ્યોમાને થયું કે કાશ હું પુરુષ હોત, અને નીરજા આમ મારી સામે ઊભી હોત, તો તરત જ તેને આલિંગન આપી દેત.

“વ્યોમા...” નીરજાના અવાજે વ્યોમા રોમાંસની કાલ્પનિક દુનિયામાંથી બહાર આવી.

“આપણે હાલ કશું જ નથી બન્યું તેમ સમજી સૂઈ જઈએ. પણ આપણો પ્લાન તને સમજાવી દઉં.”

“શું પ્લાન છે તારા મનમાં.”

વ્યોમા નીરજાની વધુ નજદીક આવી. નીરજાએ તેના કાનમાં આખો પ્લાન કહી દિધો. બંનેએ તેને મંજૂરી આપી દીધી.

બન્ને રાતની ચાદર ઓઢી સૂઈ ગઈ.