Thingadu.. books and stories free download online pdf in Gujarati

થીંગડું....

થીંગડું....

સ્વાતિ શાહ

આજે હેમા ની બહુ યાદ આવી એટલે ફોન કર્યો .એજ ઉત્સાહ પૂર્વકનો હંમેશનો હેલો નો સુર ને સામેથી ટહુકો આવ્યો ,” સુહાની હું તનેજ યાદ કરતી હતી ને તારો ફોન આવી ગયો .” હેમા અને હું કોલેજકાળના ફ્રેન્ડ. ક્લાસ જુદાં પણ કેમછો માં અને સ્માઈલ આપીને કોરીડોરમાં ક્રોસ થતાં .કોલેજના આઇસબ્રેકિન્ગ ફંકશન દરમ્યાન વધારે વાતો કરી. કોલેજમાં લેક્ચર પત્યાં પછી હેમા કોઈ દિવસ વધારે નહોતી રોકાતી .રીસેસ દરમ્યાન અમે મળતાં અને બાકી ફોન પર વાત થતી. અમારી વચ્ચે આત્મીયતા વધી. કોલેજનાં છેલ્લાં વર્ષમાં તો હેમાએ સમાચાર આપ્યાકે એને મનન સાથે પ્રેમ છે અને તેની હવે સગાઇ થવાની છે .

મનન દેખાવે હેન્ડસમ પણ હેમા કરતાં સાત વર્ષ ઉંમરમાં વધારે એટલે જરાક નવાઈ લાગી પણ પછી થયું જેવીજેની મરજી .હેમાના મોટાબહેન અને તેની વચ્ચે પણ ઉંમરમાં ઘણો ડીફરન્સ .મનનનું ફેમીલી જૈન અને હેમા લોકો વૈષ્ણવ .હેમા ખુબ લાડકોડમાં ઉછરેલી .મનનને બીજી બે નાની બહેન અને બે નાના ભાઈ .ઘરમાં જ્યારે હેમાએ સમાચાર આપ્યાં કે પોતે મનનને પરણવા ઈચ્છે છે તો માતાપિતા એ સમજાવવા ખુબ પ્રયત્ન કર્યો પણ હેમા અડગ હતી.સગાઈમાં પણ હું હેમા સાથે રહું તેવો તેનો આગ્રહ .નાનાપાયે સગાઇ પતાવી ને મનનની જીદને કારણે સગાઈને હજી એક વર્ષ થયું નહોતું ને લગ્ન લેવાઈ ગયાં .પિતાનો પ્રેમ અને માતાની મમતા આગળ પ્રેમનો વિજય થયો .

“સુહાની તારે મારા લગ્નમાં બધાં પ્રસંગે સમયસર આવી જવાનું છે .”હેમાને મેં કહ્યું ,”તારા લગ્નમાં સમય નહિ સાચવું તો અંકલ મારા પર ગુસ્સે થાય .તું મારી ચિન્તા ના કરીશ .હું બધું સાચવી લઈશ .”સાદગી ભર્યો પ્રસંગ ઉકલી ગયો .અંકલ આંટી એકલા પડી ગયાં .મને એમની સાથે ફાવતું એટલે ક્યારેક મળી આવતી . હેમા એની મેરેજ લાઈફ માં બીઝી થઇ ગઈ ,ક્યારેક ફોન પર વાત કરી લેતાં .

એકદિવસ હેમાનો ફોન આવ્યો ને બોલી ,” સુહાની હુંતો મારા સંસારમાં ડુબી ગઈ પણ તું ક્યાં ખોવાઈ ગઈ છું ?બપોરે હું થોડી ફ્રી હોઉં છું .મનન તો ટીફીન લઈને સવારે ચાલ્યો જાયછે તે રાત ભલી .ક્યારેક હવે મળીયે .” મળવાનાં વાયદા સાથે ફોન મુક્યો ને હું વિચારમાં પડી કે આજે હેમાનો અવાજ જરા જુદો હતો, હશે કદાચ સાસરેથી બોલતી હોવાને કારણે મને એવું લાગ્યું હશે. બે દિવસમાં જ મેં હેમાને ફોન કર્યો અને એક બપોરે લગ્ન પછી પહેલીવાર હેમા મને મળી . હું બપોરે એનાં ઘરે ગઈ ત્યારે એક આદર્શ ગૃહિણીના સ્વરૂપે મેં હેમાને જોઈ મને જરા ઝાટકો લાગ્યો .મારી અને હેમાની ઉંમર સરખી વળી ક્યાં લાડકોડમાં ઉછરેલી પેન્ટ માં ફરતી હેમા અને ક્યાં સાડીમાં જાતને વીંટાળી ફરતી આ હેમા !!

હેમાના રૂમમાં ઉપર અલગ ડ્રોઈંગ રૂમમાં બંને સખી બેઠાં તો ખરા પણ હેમાને મોઢે તાળા લાગી ગયાં ,આમપણ આજેતો મારે હેમાને જ સાંભળવાની હતી ! હેમા મને મળી ખુબ ખુશ થઇ .મેં ધીમે રહી પુછ્યું ,” હેમા તું આખો દિવસ શેમાં બીઝી રહે છે ?” બસ મારો આ એક સવાલ હેમાને બોલતી કરવા કાફી હતો .

“સુહાની ,મારોતો દિવસ ક્યાં પુરો થઈ જાય છે તેની ખબર નથી પડતી .સવારમાં મમ્મી વહેલાં ઉઠે એટલે મારે હારોહાર ઉઠવું રહ્યું .મહારાજ સવારે આવે તેપહેલાં દાળ ચોખા ધોઈને રાખો, હજીતો તે કરતી હોઉં ત્યાં બંને દિયર મોર્નિંગ સ્કુલ હોવાને કારણે તૈયાર થઇ આવી જાય એટલે તેમનો ટહુકો પડે કે ભાભી દુધ જરા જલ્દી આપજો આજે ઉઠતાં મોડું થઇ ગયું . બંને દિયર સ્કુલે જાય ત્યાં પપ્પાજી ચાલીને આવે એટલે એક ઔર ટહુકો કે હેમા બેટા તારા હાથની ચા પીવામાં મઝા આવે છે તો ચા મળશે ?અમે બેઉ સાથે બેસીને ચા પીયે .મમ્મી પોતાની સેવાપૂજા કરવા જવાની તૈયારી માં લાગે .હું ચા પીને ઉપર તૈયાર થવા જાઉં .તૈયાર થઈને મનન ને ઉઠાડું તેને ચા નાસ્તો કરાવી ટીફીન ભરું .મનન અને પપ્પાજી ટીફીન લઈને ઓફીસ જવા નીકળે .નણંદ સૌ સૌનું કરી લે .બરાબર સાફ સફાઈ કરાવું મારો રૂમ સરખો કરું ત્યાં બપોરનો જમવાનો સમય થઈજાય .હું ને મમ્મી ગપાટા મારતાં જમી ને પરવારી જઈએ ત્યાં દિયરો આવી જાય ને તેમને જમાડી ને ફ્રી થાઉં ત્યાં બપોર ... સારું થયું આજે તું આવી .તને મળીને મને બહુ સારું લાગ્યું .”

મને પણ હેમાને મળીને ઘણું સારું લાગ્યું . કોલ્ડકોફી પીતાં અમારાં ગામગપાટા ચાલતાં હતાં ને હેમાની નજર એકદમ ઘડિયાળ પર પડી ને તે ઉભી થઇ ગઈ “ સુહાની ,હું બે મિનિટમાં દિયરને દુધ નાસ્તો આપીને આવું તેમનો ટ્યુશન નો સમય થઇ જશે .”મને થયું હવે હેમાનું સાંજનું રુટીન ચાલું થાય તે પહેલાં હું નીકળું પણ હેમા એમ થોડી છોડે બેસ થોડીવાર કહીને બેસાડી. મનન તો ઓફિસથી સીધો ક્લબમાં જાય અને રાતે આવે એટલે જમીને બંને આંટો મારવા નીકળે એટલે સહેજે સુતાં રાતના બાર ! હેમાના મહારાજ આવવા નો સમય થતાં હું નીકળી .

આખો રસ્તો મને સાડીમાં પોતાની જાતને વીંટાળી બેઠેલ હેમાના વિચારો આવવા લાગ્યાં. હેમાએ સાડી તન પર વીંટાળી હતી સાથે સાથે સ્વ પર પણ એક આવરણ ચઢાવી દીધું હોય તેવો આભાસ થયો .મનમાં થયું આ એક આભાસ રહે તો સારું એક હકીકત ના થવી જોઈએ !

જેમ હાથમાં પકડેલ રેતી સરકી જાય તેમ દિવસ વિતતાં જવા લાગ્યાં ને અમે બેઉ સૌ સૌ ના જીવનમાં વ્યસ્ત ,ક્યારેક ફોન પર વાત કરીલેતાં .એપણ ,”કેમ છું સારી છું” થીવધારે નહિ .મારાં લગ્નમાં હેમાની હાજરી હતી પણ પ્રસંગે આવીને જતી રહેતી .એક દિવસ હું મારાં પતિ હિતેશ સાથે ક્લબમાં પિક્ચર જોવાં ગઈ ત્યારે હેમાને એકલી બેઠેલ જોઈ જરા આશ્ચર્ય સાથે મેં પુછ્યું તો કહે કે મનન કાર્ડ રુમમાં છે .એ સાંજ હેમાએ અમારી કંપની માં વિતાવી અમે છુટા પડ્યાં .આખા રસ્તે એક અજંપો મને સતાવવા લાગ્યો .બીજે દિવસ મને અજંપામાં જોઈ હિતેશ બોલ્યો,” સુહાની ,મનન નું કઈ આજકાલનું આવું નથી .વર્ષો થી તેની આવી લાઈફ છે .સાંજ આખી પત્તાં રમવા રાતે વાઈફને લઇ જરા આંટો મરાવી ખુશ કરવી ,અઠવાડિયે એકવાર ક્લબમાં પિક્ચર જોવા બેસાડવી ને પોતે પત્તાં રમવા ... આતો હેમા તારી સારી ફ્રેન્ડ એટલે હું તને કહેતો નહિ કે તને જાણી ને દુઃખ પહોંચશે .ઠીક હવે તું જેમાં કઈ કરી નથી શકવાની તેમાં દુઃખી થવું નહિ .”

ત્યાં થોડાં દિવસમાં હેમાનો ફોન આવ્યો ,” સુહાની ,હું તારી નજીક રહેવા આવું છું .અમે બંગલો વેચી ને તારા ઘર નજીક એક ફ્લેટમાં પેન્ટહાઉસ લીધું અને આ અઠવાડિયે શીફ્ટ થઈએ છીએ.હજુ વધુ વાત કરે ત્યાં મને પાછળ થી મનન નો અવાજ સંભળાયો ,”હેમા ગામ આખાને શું કહેતી ફરે છે કે અમે ઘર શીફ્ટ કરીએ છીએ .” અને ફોન કપાઈ ગયો .હેમાના વિચાર માત્રથી મારો જીવ કપાતો .બેચાર વર્ષ આમજ વિતી ગયા.

એક દિવસ હેમાનો ફોન આવ્યો કે તે મને મળવા માંગે છે .સરનામું આપ્યું અને સમય .હું આતુરતાં થી હેમાને ઘરે પહોંચી .સજળ આંખો થી સ્વાગત કરી પોતાની રુમમાં લઇ ગઈ .આજે હું નક્કી કરી ને ગઈ હતી કે હેમાને એનું મન ખાલી કરવા કહું પણ મારે કઈ કહેવાની જરૂર પડી નહિ .તેણે જ મને કહેવાનું શરું કર્યું ,”સુહાની , બહારથી તને બધી ખબર તો પડીજ હશે ,એટલે મારે કંઇ વધારે કહેવાનું નથી .આતો બહુ અકળાઈ ગઈ હતી તો થયું લાવ તને મળું .મમ્મી પપ્પાની ના ઉપર લગ્ન કર્યા છે એટલે તેમને કંઇ કહી ને દુઃખી નથી કરતી .જે ઘરમાં મને બધાની બૂમો ટહુકા સમાન લાગતી હતી તે હવે રીતસરની બૂમો લાગે છે .હેમા આમકર ને તેમ કર .પત્તાં માં મનન નાં દેવા અને પપ્પાજી નું અચાનક અવસાન ... લોકોને મોં બતાવવાની સ્થિતિ ના રહી હોવાથી પપ્પાજી ના અવસાન નું બેસણું પણ નહોતું રાખ્યું .મનન હવે કોઈનાં કહ્યાં માં નથી .પહેલાં તો ખાલી સાંજે ક્લબમાં જતો હતો હવે સવારથી જાયછે એવું સાંભળ્યું છે. ઘરમાં આવક બંધ .મારી બચત અને થોડી વ્યાજની આવકમાંથી નભે રાખે છે .સારું હતું કે પપ્પાજીની હાજરીમાં નણંદો ના લગ્ન થઈગયા જેથી બે જણનો ખર્ચ ઓછો..” મારે તો ખાલી સાંભળવા નું હતું .અપાય એટલું સાંત્વન આપી ભારે હૈયે ઘરે આવી .

બસ પાછો જાણે એક પોઝ ... હેમાના કોઈ સમાચાર નહિ .સાંભળવામાં આવ્યું હતું કે હેમાના મમ્મીને કેન્સરની વ્યાધિ થઇ અને બે જ મહિનામાં તેમનું મૃત્યુ થયું અને એકલતા સહન ના કરી શકવાથી હેમાએ પિતાને માતાના મૃત્યુને બીજે જ મહિને ગુમાવ્યાં .મોટાબહેન મુંબઈ રહેતાં હોવાથી હેમા ઘણી એકલી પડી ગઈ હશે એવું મને લાગતાં એકવાર મેં સામેથી એને ફોન કર્યો તો ટૂંકમાં પછી કરું બોલી ફોન મુકી દીધો .આમતો મારે જ સમય વિચારીને ફોન કરવો જોઈતો હતો તેવું મને લાગ્યું કે જેથી મનન ઘરમાં ના હોય .આદત જો હતી કે જેવું મનમાં આવે કે વાત કરવી છે તો કરી લેવી .હેમાના વિષયમાં મેં ઘણો કંટ્રોલ રાખ્યો હતો પણ સવારમાં જ મારાથી ફોન થઇ ગયો .ઘણાં દિવસ સુધી હેમાનો ફોન ના આવ્યો ,હું પણ હવે તેનાં ફોનની રાહ જોતી અટકી .

લગભગ એકાદ મહિનો થયો હશે ને હેમાનો ફોન આવ્યો ને મને કહે ,” અમે મારાં પપ્પાનાં બંગલે રહેવા જઈએ છીએ .ગયાં પછી તને ત્યાંનો ફોન નંબર આપીશ .બસ જો બાકીતો ચાલે રાખે છે .ઘર અને વરમાંથી ઉંચી જ નથી આવતી .” મેં કીધું ,” તું એમ માને છે કે તારા વગર ઘર ચાલે જ નહિ ? ક્યારેક તો સમય કાઢ ! “ સામે એક ફિક્કું હાસ્ય .બેત્રણ મહિને એકાદવાર હેમા સાથે વાત થતી અને મારો રુટીન ડાયલોગ એજ રહેતો કે ક્યાં સુધી એવું માનીશ કે તારા વગર ઘર નથી ચાલતું ?

એકવાર હેમાનો ફોન આવ્યો ,” સુહાની , ચાલ ક્યાંક મળીએ .મનન અમેરિકા ગયો છે તો આપણે ક્યાંક લંચ લેવાં બહાર જઈએ .મેં તુરંત હા પાડી અને નક્કી કરેલ દિવસે અમે એક રેસ્ટોરન્ટ માં લંચ પર મળ્યાં .શરૂઆતમાં ફોર્મલ વાતો કરતાં બેઠાં અને મેં પાછો એજ સવાલ કર્યો ,” હેમા તું હજી એવું માને છે કે તારા વગર તારું ઘર ના ચાલે ? આમનેઆમ અડધી જિંદગી વીતી ગઈ .” એકદમ સજળ આંખે હેમા બોલી ,” સુહાની , શું વાત કરું તને ? એવું જ છે મારા વગર મારું ઘર ચાલેતેમ છે જ નહિ .મનન ની કોઈ આવક નથી હવે તો ઘરખર્ચ પણ નથી આપતો .મારાં પપ્પા વળી દીર્ઘ દ્રષ્ટિથી મારા નામે બંગલો અને પૈસા કરતાં ગયાં છે તો મારે માથે છાપરું છે ને મારાં છોકરાને હું સારી રીતે ઉછેરી શકું છું .મનન પણ હમણાં મારે પૈસે જ અમેરિકા સેટલ થવાનાં પ્રયાસે ગયો છે ,જોઈએ કદાચ કઈ નસીબ બદલાય ! બાકીતો થીગડું દઈ જીવન ગુજરે છે .હવે તો મનન નો સ્વભાવ પણ બહુ વિચિત્ર થઈ ગયો છે .થાકી હવે, શું કરું પ્રેમજો કર્યો છે .” હવે મારે કશું બોલવા જેવું રહ્યું નહોતું .બહુ સંતાપ કર્યા વગર કાઠા થઇ જવાની વાત કરી દર બે મહિને મળવાનું નક્કી કરી છુટા પડ્યા .

આજે એ વાતને ઘણાં મહિના થયાં એટલે મેં હેમાને ફોન કર્યો .મને કહે ,” સુહાની , તને કેવીરીતે ખબર પડી કે હું તને જ યાદ કરું છું .તેં બહુ પરફેક્ટ સમય પર મને ફોન કર્યો .હું ત્રણ દિવસ પહેલાં જ અમેરિકાથી આવી .આજે જરા જેટલેગ ઓછો થયો એટલે તને ફોન કરવાનું વિચારતી હતી .બોલ ક્યારે મળે છે ? ” ને અમે બે દિવસ પછી લંચ પર જવાનું નક્કી કર્યું. નક્કી કરેલ સમયે હું હેમાને લેવા પહોંચી ગઈ .અમે લંચ માટે કેફેમાં જતાં હતાં ત્યારે હું મનમાં વિચારતી હતી કે આજે હેમા ઘણી ફ્રેશ લાગે છે .બેઠાંબેઠા સામાન્ય વાતો કરતાં હતાં .

હું બોલી કે ટીવી ની અમુક સીરીયલ હું અને હિતેશ સાથે જોઈએ .હજી તો શબ્દ પુરા થાય એ પહેલાં હેમા બોલી ,” સુહાની , મને એમ કે તને ખબર હશે કે હું હવે મનન સાથે નથી રહેતી .હું ને મારો દીકરો સાથે રહીએ છીએ .મનન અમારી સાથે નથી રહેતો .હું બહુ થાકી ગઈ હતી, છોકરાઓ પણ કહે મમ્મી હવે ક્યાં સુધી આમ સાંભળશો ? આમ પણ મનન ઘર તો ચલાવતો નહોતો .હું રાત પડે રુમમાં જાઉં તો પણ મને હાય કારો થાય .ઘણાં સમયથી એ ખરાબ ભાષા પણ વાપરતો થઇ ગયો હતો ને ક્યારેક કોઈ પાર્ટી માં ગયાં હોઈએ ને કોઈની સાથે બહુ હસી મજાક થઇ હોય તો ઘરે આવી એક થપાટ ખાવાની તૈયારી રસ્તામાં જ કરી લેવાની .ખુબ થાકી હતી .તું નહિ માને પણ પપ્પાનું વિલ અને મારે નામે કરેલ મિલકતના કાગળ જોતાવેંત વાંચીને મારાં મોં પર ફેંકી ને કહે કે તને રુપિયા મળ્યાં છે મારે શું ?બોલ સુહાની , હવે મારે શું કરવાનું ! છેલ્લાં કેટલાં વરસથી હું ઘર ચાલવું છું ને તેની જોહુકમી પણ .આમ ક્યાં સુધી થીંગડા દઈ જીવન કાઢવું મારે ...મારી તો મૂડી વપરાય છે અને સાથે માર ખાઈ બીકમાં જીવવાનું .”

હેમાની વાતો સાંભળી મારાં રુવાંડા ઉભા થઈગયા .મારાથી બોલાઈ ગયું ,” હેમા ,આ બધું આટલાં વર્ષો તું જ નિભાવી શકે .આ તું બોલતી નહોતી તેમાં જ આટલાં વર્ષો સહન કરવું પડ્યું.” તો મને કહે ,” હા એજ ને પ્રેમ કર્યો છે તો કેમ બોલાય .એટલું સારું છે કે મારી દીકરી અને દીકરાનો મને સપોર્ટ સારો છે .મને મારો દીકરો કહે કે મમ્મી તારો નિર્ણય અડગ હોય તો તું ચિન્તા ના કરીશ હું હંમેશા તારી સાથે છું .મનન ને કંઇ પણ કહેવાનું હોય તો હું જ હવે કહીશ છોકરાઓને તેમની સાથે જીભાજોડી માં ના પાડવા કહ્યું છે .

છેવટે બહુ વિચાર્યા પછી એકદિવસ મન કઠણ કરી મેં મનન ને કહ્યું કે હવે બાકીની જિંદગી હું તેની સાથે નહિ રહી શકું .તેઓ તેમની વ્યવસ્થા કરી શકે છે .આટલું તો હૈયે પથ્થર મુકી કહી દીધું .મારી પાસે હવે જીવનમાં થીંગડું દેવાની પણ જગ્યા રહી નહોતી . ફાટેલાં કપડાંને એકબે થીંગડા દેવાય જ્યારે આતો મારું જીવન ! કેટલાં વર્ષ થીંગડા દેવાં ? “

સ્વાતિ શાહ

swatimshah@gmail.com