Katha ek kissani books and stories free download online pdf in Gujarati

કથા એક કિસ્સાની

કથા એક કિસ્સાની

પાર્થ નાણાવટી

“ઓ ભાઈ, આમાં જનાવર તો નથી ને, સાચુકલું.”

બસમાં બેસતાની સાથેજ જયંતીલાલે સહપ્રવાસી એવા મદારીની ટોપલી સામે જોઇને તિરસ્કારથી કહ્યું.

“ના રે બાપુ, ખાલી ટોપલો હે, સાચા જનાવર કાં પોહાય ભલા.” મદારીએ આંખ મારી.

“ખરા ખરા લોકોને અધિવેશનમાં બોલાવે છે.” જયંતીલાલે એમની બાજુમાં બેઠેલા કવિયત્રી સામે જોઇને કહ્યું.

પણ બહેન વાત કરવાના મૂડમાં હતા નહીં. એમણે હાઇકુ જેવી નાનકડું સ્મિત કરી બસની બારીની બહાર જોવા માંડ્યું.

“લો, આને તો વળી ફાંકો છે ને કંઈ, બે કવિતાઓ છપાઈ હશે કોઈ ગૃહઉદ્યોગ જેવા મેગેઝીનમાં ને પોતે કવી કાંતની વારસદાર હોય એવું વર્તન કરે છે” એવું વિચારી જયંતીલાલે કવિયત્રીને પડતી મૂકી.

“બાપુ, પેટી મલે, તારી કને.” મદારીએ તલપ ઉપડતા દીવાસળીની શોધ આદરી.

“ઓ ભાઈ, હું તને બીડી સિગરેટનું માણસ લાગુ છું. અને મારી સામે’તો પીતો પણ નઈ, નહિતર તારી પુંગી બજાવી નાખીશ.” જયંતીલાલ બગડ્યા.

“કેમ ની પીવું, મારે તો બીડી જોવે, તને ની ગમે તો બાપુ તું પાછળની સીટે જતો રે ની.” મદારીએ વટથી બીડી બે હોઠો વચ્ચે લટકાવી.

“અરે ભાઈ અહી કોઈ સંચાલક કે કાર્યવાહક છે. આ ગમારને બસના છાપરે ચડાવો, ત્યાં બેઠો બેઠો ભલે ધુમાડાના ગોટા કાઢે.” જયંતીલાલે તો જાણે મદારી સામે જંગ છેડ્યો.

“શું થયું મિત્ર, હું છું સંચાલક આજના સત્રનો...બોલો.” એક કાબરચીતરા વાળવાળા વડીલે એન્ટ્રી મારી.

“ઓહો, ટીકુજી તમે, ભાઈ ભાઈ! તમે આવવાના છો એનો તો મને ખ્યાલ જ હતો નહીં, બાકી વાસણાથી શેર રિક્ષા કરી લેત ને.” જયંતીલાલ એમના જુના મિત્રને જોઇને હરખાય ગયા.

“સોરી, જયંતિલાલ પણ હું હવે વાસણા નથી રહેતો, સેટેલાઈટમાં પેન્ટ-હાઉસ લીધું છે, અને મારો સન મને કારમાં મૂકી ગયો. એ તો કહે ડેડ બાય કાર છેક અધિવેશન સુધી મૂકી જાઉં, પણ મેંજ ના પાડી, એ બહાને બધા મિત્રોને મળાય.” ટીકુજીએ નમ્રતાપૂર્વક કહ્યું.

“મારો હાળો, ટીકલો, બસ્સો રૂપિયાની નોકરડી કરતો છાપામાં, ને હવે ટીકુજી, સત્રનો સંચાલક, સેટેલાઈટમાં પેન્ટ હાઉસ, કાર..બે ચોપડીમાં મહારાજે આશ્રીવચન શું લખી આપ્યા, સાલાની નીકળી પડી. સાંભળ્યું છે કે દર વર્ષે અમેરિકાની ટુર મારે છે, ત્યાં લોકોના બેકયાર્ડમાં કવિતા ને પ્રવચન ને એમાંથી જ આ રોફ ખરીદ્યો છે. સાલાને ઘી કાંટાની પત્રકાર હોટેલ પર કોઈ પૂછતું જ નઈ.” જયંતિલાલ મનોમન બબડ્યા.

“નમસ્તે ટીકુજી. થેન્ક્સ ફોર ઇન્વાઇટ.” બારી બહાર ઝાંખી રહેલી કવિયત્રીએ ટીકુજીને જોતાજ રંગ બદલ્યો.

“અરે, મીનાક્ષી તમે, વાહ, સારું થયું આવી ગયા. જયંતિલાલ તમે પ્લીઝ આ લોકકલાકાર ભાઈની બાજુમાં બેસો’ને, મારે જરા મીનાક્ષી સાથે કાર્યક્રમની ચર્ચા કરવાની છે.” મોગરાનું ફૂલ નાખેલી, મોગરાનું અત્તર છાંટેલી મીનાક્ષીને જોતા ટીકુજીની અંદર રહેલો ભમરો જાગી ગયો.”

“નો પ્રોબેલ્મ ટીકુજી, તમે તમારે આવી જાઓ.” કમને જયંતિલાલ મદારીની બાજુમાં ગોઠવાયા.

મદારી હજી પેટીની તલાશમાં હતો, એણે એના થેલામાં હાથ નાખતા કહ્યું.

“બાપુ, તારો મેલ ની પડે, તું મારી કને જ હારો.”

જયંતિલાલને આ અભણજન સાથે ચર્ચા કરવી વ્યર્થ લાગી. આતો પોતાનું પુસ્તક પ્રકાશિત થવાનું ન હોત’તો આ ઝમેલામાં ક્યારેય ન પડત. પણ શું થાય? મહારાજના અધિવેશનમાં જો હાજર ન રહીએ તો સાહિત્ય જગતમાં આપણી કોઈજ ગણના થાય નહીં.

તરગાળા, ભવાયા, નટ નટીઓ, જાદુગરો અને હવે આ મદારી, દર વર્ષે અધિવેશનમાં જનારા લોકોની જાતોમાં ઉમેરો થતો જાય છે. આ પેલી મીનાક્ષી, ફેસબુક પર જોડકણા લખી લખી ને લોકોને અધમુઆ કરી નાખે છે. બોલો હવે એ પણ મહારાજના અધિવેશનમાં.

ટીવી પર ચાર દિવસ દેખાડે છે અધિવેશન, એમાંજો એકાદ સત્રમાં ટીવી પર ચાન્સ લાગી જાય તો મજા આવી જાય. પણ મેળ નહીં પડે, આ ટીકુજી ને એની જેવા બીજા સત્તર ઝભ્ભાવાળા કેમેરાની આસપાસ ગોઠવાય જશે. તમે બહુ મોડા છો જયંતિલાલ! મોબાઈલમાં ડેટાપ્લાન નખાવીને ફેસબુક પર ફટકારે રાખ્યું હોત તો વરસે-દાડે પેલી મીનાક્ષીને જેમ તમારું પણ નામ થઇ ગયું હોત.

જયંતિલાલને વિચારવાયુ ચડી ગયો.

“અલ્યા હ વગરના રામી, તું પણ સાલા, વાહ શું વાત છે.” કોઈકે પાછળથી આવીને મદારીને ધબ્બો માર્યો. જેના કારણે જયંતિલાલ હલી ગયા.

“ઓ બાપુ, તું કાંથી? તને પણ બોલાઈવો, વાહ રે, હવે તો જલસો પડી જાહે, એ પેટી હે તારી કને.” મદારીએ આગંતુકને ઉદેશીને કહ્યું.

“અરે રામી, પેટી શું લાઈટર છે અને સિગરેટ પણ.” આગંતુક દેખાવ પરથી નરશ કનોડિયાનો ડુપ્લીકેટ હોય એવું લાગતું હતું.

“ઓ કાકે, તું સી વહા બેઠ જાઓના, હું અહી મારા રામી સાથે બેસીને સુટ્ટો મારું.” ડુપ્લીકેટે જયંતિલાલને ખભે હાથ મૂકી કહ્યું.

“કેમ ભાઈ, તમારા લોકોની આખી જમાત આવી છે કે શું. સાલાઓ તમને સાહિત્યમાં શું તંબુરો સમજ પડે તે હાલી મળ્યા છો અધિવેશનમાં જવા, તમે બેય જણા એક કામ કરો, બસને છાપરે ચડી જાઓ, તમને ત્યાં વધુ મજા આવશે બાલ્કનીમાં.” જયંતિલાલની પારો હવે સાતમાં આસમાને હતો.

“ઓ બાપુ, તું આને ઓળખે ની એટલે બકબક કઈરા કરે. આ સલીમભાઈ નથી છે, મોતના કુવામાં મોટરવાળી હાયકલ ફેરવે. તું તા બેહી જા તારી જાતના લોકો પાંહે, અહી તને ભારે પડવા.”

મદારીએ આગંતુકનો પરિચય આપ્યો.

“હે! મોતના કુવામાં મોટરસાયકલ ચલાવવાવાળાને વળી સાહિત્ય સાથે શું સબંધ?” જયંતિલાલથી થોડા મોટા અવાજે બોલી જવાયું.

એમની પાછળ બેઠેલા એક બીજા લેખકે જયંતિલાલને ઉદેશીને કહ્યું.

“મિત્ર લખવું એ પણ મોતના કુવામાં મોટરસાયકલ ચલાવવાથી ઓછું જોખમી કાર્ય થોડું છે? લખવા માટે ખુદ પોતાની જાતમાંથી પહેરેલ કપડે ગૌતમની જેમ બહાર નીકળી જવું પડે છે. મહારાજની ઈચ્છા છે કે સાહિત્ય અને સમાજ કમરેથી જોડાયેલ હોવાને કારણે, સમાજના તમામ વ્યવસાયોને હુનરકારોને એક મંચ તળે ભેગા કરવા.”

ધ્યાનથી જોતા જયંતિલાલ પેલાને ઓળખી ગયા.

“અરે કાનાણી તમે? તમે પણ?”

કાનાણી જ્યોતિષી હતા. અને આયુર્વેદનું પણ કામકાજ કરતા. કબજિયાત પર લખેલા એમના પુસ્તકની દશ હજાર નકલો વેંચાઈ ગઈ હતી. મહારાજની સાથે કથાઓમાં જતા અને ઈન્ટરવલમાં કથા સાંભળવા આવેલા લોકોને પ્રાણાયામ કરાવતા.

“જયંતિલાલ અહી આવી જાઓ, એ લોકોને એમની ક્ષણ જીવી લેવા’દો.” કાનાણીએ પોતાની બાજુની ખાલી સીટ પર જયંતિલાલને બોલાવ્યા. પોતાની અધિવેશનમાં લોકોને ભેંટ આપવા માટે લાવેલા એ પચીસ ચોપડીઓની ખોખું ખસેડતા ખસેડતા જયંતિલાલ હવે કાનાણીની બાજુમાં જઈને બેઠા.

મદારી અને પેલા મોતના કુવાએ ધૂણી ધખાવી. એનો ધુમાડો ને મીનાક્ષીનું મોગરાનું અત્તર, કબજિયાત કિંગ કાનાણીનો છૂપો વાયુ પ્રકોપ આ બધાની સહિયારી આસર એવી થઇ કે જયંતિલાલ ઘેનગ્રસ્ત થઇ ગયા.

થોડીવારે રસ્તામાંથી બીજા થોડા પત્રકારો, બે ત્રણ બાળ કવિઓ, એક બેન્ડવાજા વાળી પાર્ટી, બે કવ્વાલો, એક તાંત્રિક એમ લોગ મિલતે ગયે કારવા બનતા ગયા.

કલાકની સફર બાદ મદારીએ પોતાની સીટ પર ઉભા થઇ જાહેર કર્યું

“ઓ બાપુ, ઓ બાપુ બધા હાંભળો મારી માચીસની પેટી માયે એક વીંછી હુંતો, હવે એ ની મલે. કોઈને મલે તો પાછો આપી દેવા, ઝેરી હે, બે દાડા પેલા તાજો પકડેલો.”

અને મદારીએ જાણે કોઈ કાળવાણી ઉચ્ચારી હોય એમ મહારાજશ્રી ને ત્યાં જઈ રહેલા અધીવેશનની બસમાં હોહા થઇ ગઈ. મીનાક્ષીને તો જાણે ટીકુજીને વળગવાનું બહાનું મળી ગયું. અમેરીકાની નેક્ષ્ટ ટુરમાં પોતાનું નામ પાકું કરવાનો આ’તો મોકો હતો. ભલું થજો મદારીનું.

ટીકુજીને બે પળ તો મજા પડી, પણ પછી એમને પોતે સંચાલક હોવાનો અહેસાસ થયો. એટલે એમણે કમને મીનાક્ષીને પડતી મુકી પોતાન સીટ પર ઉભા થઇ પ્રવચન ચાલુ કર્યું.

“મિત્રો, મને ખ્યાલ છે કે આ કટોકટીનો સમય છે. દરેક સર્જક આવા અનેક નાજુક દોરમાંથી વારંવાર પસાર થતો હોય છે. પણ આજના આ સમયમાં સૌથી વધુ આપણે જેની જરૂર છે એ છે ધીરજ. આપ સૌ સર્જકોને મારી નમ્ર વિનંતી કે સંયમ રાખો, ધીરજ જાળવો અને પોતાના સામાનમાં આ સર્પકારની પેટી ભૂલથી રહી ગઈ હોય તો તપાસ કરો.”

“અને પગ સીટ પર રાખો.” કોઈકે પાછળથી મજાક કરી.

ટીકુજીના પ્રવચન બાદ પાછળની સીટમાં બેઠેલા એક યુવા લેખક પણ જોશમાં આવી ગયા એમણે એમની સીટ પર ઉભા થઈને અધિવેશનના ક્ષમતા સત્ર માટે તૈયાર કરેલા ભાષણનું રિહર્સલ ચાલુ કર્યું.

“મિત્રો, જયારે એલેકઝાંન્ડર ધ ગ્રેટ ત્રણ વર્ષનો હતો ત્યારે એની માતા એને સાપોની વચ્ચે રમવા માટે મુકી આવતી. ચર્ચીલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જયારે જર્મનીના બોંબમારાથી આખુંય બ્રિટન તારાજ થઇ ગયું હતું ત્યારે ટેન ડાઉનીંગ સ્ટ્રીટ પરના એમના નિવાસસ્થાને સ્કોચ વ્હીસ્કીનો ઘૂંટ ભરતા કહેલું કે દુનિયા ભલે કાલે તારાજ થઇ જાય મારી પાસે હજી આખી રાત બાકી છે. તો અત્યારે આપણે સૌ પણ આવીજ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ.”

હજુએ આગળ બોલવા જાય એ પહેલા અખાડાના બે ત્રણ મલ્લોએ ઉભા થઈને એને બેસવા કહ્યું એટલે એ ભાઈ સમસમીને બેસી ગયા.

અફરાતફરીના આ માહોલમાં કે જેમાં સાહિત્યનું ભવિષ્ય એક ઝેરી વીંછીના ડંખમાં કેદ થઇ ગયું છે એ મતલબની કવિતાઓ લખીને ફેસબુક પર પોસ્ટ કરવાની સ્પર્ધા જામી.

“આ ખોખું કોનું છે.” કાનાણીએ કરેલા પ્રશ્નમાં “ખોખું” કીવર્ડને કારણે જયંતિલાલની તન્દ્રા તુટી.

“ક્યુ ખોખું, એ મારું છે, મારા પુસ્તકો છે, એમાં” એ બોલ્યા.

“મને એમાં માચીસની પેટી જેવું કઈ દેખાય છે.” કાનાણીએ રહસ્યસ્ફોટ કર્યો.

“ઓ સર્પક બંધુ, ભાઈ તમે જરા જુવોને, ખોખામાં, તમારો મુદ્દામાલ ત્યાં હોય એવું લાગે છે.” સંચાલક ટીકુજીએ મદારીને વિનંતી કરી.

“ઓ બાપુ, મફતમાં ની થાય, હજાર રૂપિયા લાગે, બોલ તું આપે.” મદારીએ મોકાનો ફાયદો ઉઠાવ્યો.

“મિત્રો, સર્પક ભાઈની માંગણી મોટી છે, પણ આપણે સૌ વીસ વીસ રૂપિયાનો બહાર વેઠીને સાહિત્ય પર આવી ચડેલી આ આફતમાંથી માર્ગ કાઢીશું એવી આશા રાખું.” ટીકુજીએ ફંડફાળા માટે ટહેલ નાખી.

વીસ રૂપિયા સાંભળી સાહિત્યકારોમાં ગણગણાટ થવા માંડ્યો.

“ભાઈસાબ એ ખોખા ને બહાર ફેંકી દોને, ઓ પહેલવાન ભાઈ તમે’તો મજબુત છો. તમારામાંથી એક જણ બારી ખોલો ને બીજો એ ખોખું બહાર ફેંકી દો.”

યુવાલેખકે વચલો રસ્તો કાઢ્યો.

“ખબરદાર, કોઈએ મારા પુસ્તકોના ખોખાને હાથ લગાડ્યો છે તો. કાનાણી તમે યાર વાયુપ્રકોપની અસર હેઠળ મનફાવે એમ બોલો છો. ખોખામાં કોઈ વીંછી બીછી નથી.” જયંતિલાલે લલકાર કર્યો.

“અને હશે તોયે પુસ્તકો પર નજર પડતાની સાથે મરી ગયો હશે.” યુવાલેખકે જોક કર્યો.

“ઓ ભડક રોકેટ, આ ચાર ટકાની ફિલ્મ સમીક્ષા નથી, સાહિત્ય છે. તારા પલ્લે નહીં પડે, ત્રણ વર્ષની દિવસ રાતની મહેનત છે.” જયંતિલાલે યુવાલેખક પર શાબ્દિક હુમલો કર્યો.

આ તબક્કે કોલમનુ, ફિલ્મ વિવેચનનું કામ કરતા લોકોમાં હળવો અને એમની પ્રકૃતિને માફક આવે એવો રોષ વ્યાપ્યો. એમણે કવિઓ અને ટુંકીવાર્તાનું કામ કરતા લોકો પર ટવીટર પ્રકારની ટુંકી રમુજો ચાલુ કરી. જેના જવાબરૂપે એક કવિએ ડાયરી કાઢી જવાબી હુમલા રૂપે ખંડકાવ્યનું પઠન ચાલુ કર્યું. પરિસ્થિતિ કાબૂની બહાર જવા માંડી.

છેવટે સંચાલક શ્રી ટીકુજીએ ઠરાવ પસાર કર્યો કે હવે મત લેવામાં આવશે જયંતિલાલના ખોખાને બસમાંથી ફેંકી દેવું કે મદારીને હજાર રૂપિયા આપવા.

અને ધારણા મુજબ થયુ પણ એવું કે જયંતિલાલને એમના ખોખા સહિત બસમાંથી બહાર ઉતારી દેવાયા અને કાફલાએ અધિવેશન તરફની સફર જારી રાખી.