Ek patangiyane pankho aavi - 32 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 32

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 32

વ્રજેશ દવે “વેદ”

સાંજના 4 વાગી ગયા હતા. સોહરાની હોટેલ ઈશાના રીસેપ્શન પાસેના સોફા પર નરેશ અને વિશાલ છેલ્લા એક કલાકથી બેઠા હતા. કોઇની પ્રતિક્ષા કરતાં હોય તેમ, વારે વારે હોટેલના મેઇન ગેટ પર નજર કરી લેતા હતા. તો ઘડિયાળ પર પણ જોઈ લેતા હતા.

અત્યાર સુધીમાં તો તેઓ અહીં આવી જવા જોઈતા હતા. પણ... હજુ સુધી તેના આગમનના કોઈ સમાચાર નથી. કોઈ સંકેતો પણ નથી.

નોહ કલિકાઇ ધોધ પાસે પણ નરેશના માણસો તેઓની રાહ જોઈને ઊભા હતા. પણ તેઓ ત્યાં પણ નહોતા પહોંચ્યા.

સોહરાના બસ સ્ટેશન પર પણ, સવારથી જ નરેશના માણસો નજર રાખી રહ્યા હતા. ત્યાં પણ તેઓના આવવાના એંધાણ નહોતા.

શક્યતાઓની ત્રણેય જગ્યાઓ પર નરેશ અને તેના માણસો સતત તેઓને શોધતા ઊભા હતા. પણ તેઓ ક્યાંય નજરે ચડતા ન હતા.

તો, આખરે તેઓ ગયા ક્યાં? આ એક જ સવાલ બંનેના મનમાં રમતો હતો. બંનેના ચહેરા પર પણ એ જ સવાલ ઉગેલો હતો.

નરેશ કે વિશાલ પાસે તેનો કોઈ જ જવાબ ન હતો.

“આ નીરજા અને વ્યોમા ક્યાં રહી ગયા?” વ્યગ્ર વિશાલે પોતાનો ઊભરો વ્યક્ત કરી દીધો.

“હું પણ એ જ વાતે પરેશાન છું.” હવે નરેશ પણ ચિંતિત થઈ ગયો.

“શીલોંગથી આવતી કોઈ જ બસમાંથી તેઓ ના ઉતરે, ધોધ પાસે પણ તે દેખાય નહીં, અને અહીં હોટલમાં તેને માટે બૂક કરાવેલ રૂમમાં પણ તે ના આવે, તો પછી તેઓ ગયા ક્યાં?”

“આ સિવાય ચોથી કોઈ જ જગ્યા નથી, તેને માટે. નક્કી કોઈ દુર્ઘટના બની હશે કે ...”

“તું એના મોબાઈલ પર કોલ કર.”

“સવારથી કેટલીય વાર કોલ કર્યા, પણ કોઈ વિચિત્ર જ ટોન વાગે છે.”

“છેલ્લે ક્યારે સંપર્ક થયો હતો?”

“કોઈ સંપર્ક થયો જ નથી, આજ સવારથી.”

“તો તપાસ કર તેના સિમ કાર્ડનું લોકેશન શું બતાવે છે?”

“હાલ કોઈ લોકેશન નથી બતાવતું.”

“છેલ્લે કયું લોકેશન પકડાયું હતું?”

“શિલોંગથી તેઓ બસમાં બેસ્યા પછી, એકાદ કલાકે તેઓનું લોકેશન લૂમ પારિંગ વિલેજ બતાવે છે. એ પછી કોઈ જ સંપર્ક નથી થયો.”

“બસના રસ્તામાં એ ગામ આવે છે?”

“હા. એ ગામ બસના રુટ પર જ છે.”

“તો, ચાલો ત્યાં જઈએ...”

એ છોડ, કદાચ એવું તો નથી બન્યું ને કે મોહા અને તેના માણસોએ તેને બસમાંથી જ ઉતારી મૂક્યા હોય, અને ફરી પકડી પાડ્યા હોય?’ વિશાલે શંકા વ્યક્ત કરી.

“કશું પણ બની શકે છે. આપણે હવે વધુ વાર અહીં રોકાવું ના જોઈએ. ચાલો તેઓને શોધી કાઢીએ.” નરેશ ઊભો થઈ ચાલવા લાગ્યો.

વિશાલ પણ તેને અનુસર્યો. બંને હોટેલ ઈશા છોડી કારમાં ગોઠવાઈ ગયા.

“તેઓ જરૂર ધોધ પર આવશે જ. હા, ધોધ જ એનું અંતિમ લક્ષ્ય હતું.”

“ધોધની આસપાસનો વિસ્તાર ખૂબ મોટો છે અને જંગલ પણ છે. કદાચ તેઓ ત્યાં પહોંચી ગયા હોય અને ત્યાં જ ક્યાંક હોય.”

“એટલે જ આપણે ત્યાં જઈએ અને એક એક ખૂણા તપાસી લઈએ.”

“કાર દોડી ગઈ, નોહ કલીકાઇ ધોધ તરફ.

********

મોહા અને તેની ગેંગ, વહેલી સવારથી જ નોહ કલિકાઇ ધોધને ચારે તરફથી ઘેરીને, એક એક વ્યક્તિ પર નજર રાખી રહી હતી. કોઈ ખૂણો તેઓની નજર બહાર નહોતો. સમગ્ર ધોધ વિસ્તાર પર તેઓની બાજ નજર પથરાયેલિ હતી.

દરેક વ્યક્તિની તમામ હિલચાલ પર તેઓની નજર હતી. મોહા પોતે પણ તેના ડ્રાઈવર સાથે ધોધના એક ખૂણા પર ગોઠવાઈને સમગ્ર જગ્યા પર ધ્યાન રાખી રહી હતી. તેના સાથીદારો તેને પળેપળની માહિતી આપી રહ્યા હતા. પણ તેમાં કોઈ પણ એવી માહિતી ન હતી, જેની તેને તલાશ હતી, પ્રતિક્ષા હતી.

નીરજા અને વ્યોમાની જરા સરખી પણ માહિતી મળે, કે તેઓ દેખાય, એટલે તરત જ તેના પર એટેક કરી, બંનેને કીડનેપ કરી લેવાની પૂરી તૈયારી સાથે તેઓ બેઠા હતા.

પણ નીરજા કે વ્યોમાના કોઈ સગડ મોહાને મળતા નહતા. મોહા ગુસ્સામાં હતી. વ્યગ્ર પણ હતી. પણ તે કશું જ કરી શકે તેમ ન હતી.

મોહા પોતાને એક ચાલાક અને શાતીર માનતી હતી. તેની નજરમાંથી ક્યારેય કોઈ શિકાર છટકી ના શકે. ભલભલા ખતરનાક લોકો પણ તેની પકડમાંથી છટકી ના શકે. અને આ બે સાવ નાજુક છોકરીઓ, તેના હાથમાંથી છટકી ગઈ હતી.

તેને બીજી વખત હાર જોવા મળી રહી હતી. ગઈ કાલે જ, તેના હાથમાંથી નીરજા અને વ્યોમા છટકીને ગાયબ થઈ ગઈ હતી.

અને આજે તેને પાક્કી ખાત્રી હતી કે તેઓ આ ધોધ પર આવશે જ, અને તે ફરીથી તેને પોતાના કબજામાં લઈ લેશે. પણ, આજે પણ એવું કશું જ નહોતું બની રહ્યું. તેની બધી જ ધારણાઓ ખોટી પડી રહી હતી.

‘કેમ આવું બની રહ્યું છે?’ તે મનમાં જ વિચારવા લાગી. તેને નરેશનો વિચાર આવ્યો. હા, નરેશે જ તેને ક્યાંક છુપાવી રાખી હશે.

‘કાલે પણ, નરેશ જ તેને થાપ આપી ગયો હતો અને પોતાની સાથે લઈ ગયો હતો બંનેને.’

‘કદાચ હજુ પણ તે નરેશ સાથે જ હશે. અથવા નરેશે જ તેને ક્યાંક છુપાવી રાખી હશે. તેને નરેશ પર ધૃણા થઈ આવી. પણ તે લાચાર હતી. તે કશું જ કરી શકે તેમ ન હતી. તેણે પ્રતિક્ષા કરવાનું જ ઉચિત માન્યું. તે ત્યાં જ રાહ જોતી રહી. ધોધ પર નજર રાખતી રહી.

તેની નજરે દૂર દૂર નરેશને જોઈ લીધો. નરેશ હવે ધોધ પર આવી ગયો હતો. તેણે કાર છોડી દીધી. ધોધ તરફ ચાલવા લાગ્યો. વિશાલ, ધોધની બીજી તરફ ગયો. બંને સતત ફોન પર વાત કરતાં રહ્યા. પોતાના માણસો પાસેથી માહિતી મેળવતા રહ્યા. પણ કશું જ નક્કર હાથ લાગતું નહોતું.

મોહાએ જોયું, કે નરેશ તેની તરફ જ આવી રહ્યો છે. તેણે નરેશની નજરથી બચવાનું નક્કી કર્યું. તે કોઈ ઝાડ પાછળ છુપાઈ જવા લાગી. ત્યાંથી નરેશ પર નજર રાખવા લાગી. આંખ પર ગોગલ્સ ચડાવી દીધા જેથી નરેશને ગુમરાહ કરી શકાય.

નરેશ નજીક આવવા લાગ્યો. તે બરાબર તેના પર નજર રાખી રહી હતી. નરેશની નજરથી બચી પણ રહી હતી. નરેશ બરાબર મોહાની પાસે આવી ગયો. મોહા તે ઝાડ પાછળ છુપાયેલી હતી. નરેશની નજર કોઈ પણ રીતે તેના પર પડે તે મ ન હતી.

નરેશ ચાલતા ચાલતા અટકી ગયો. ઝાડને ટેકે ઊભો રહી ગયો. મોહા થોડી પાછળ હટી ગઈ. તે નરેશની નજરથી બચવા મથી રહી હતી અને નરેશ અહીં જ આવીને ઊભો રહી ગયો.

નરેશના નાકમાં એક સુગંધે પ્રવેશ કર્યો. એક જાણીતી સુગંધ. આ સુગંધે તેને અટકાવી દીધો. આ સુગંધ તો જૂઈના સ્પ્રે ની છે. અને આ સ્પ્રે તો મોહા વાપરે છે.

‘મોહા. મોહા અહીં છે? કદાચ તે અહીં જ છે. આસપાસ જ છે.’ તેના મનમાં વિશાલના શબ્દો પડઘાવા લાગ્યા, ‘કદાચ મોહાએ તો નીરજા અને વ્યોમાને પકડી લીધા નહીં હોય ને?’

‘મોહા અહીં શું કરે છે? શું તે પણ નીરજા અને વ્યોમાને શોધી રહી છે? જો તેમ હોય તો વધુ જાગૃત થઈ જવું પડે.’

પણ પહેલાં મોહાને શોધી કાઢવી પડશે. તે અહીં જ છે. તે ઝાડ પાસે જ અટકી ગયો. ચારે તરફ નજર કરી. ઝાડ પાછળ એક આકૃતિ દેખાઈ. નરેશ તે તરફ દોડ્યો. પેલી આકૃતિ પણ ઝડપથી દોડી ગઈ. પાછળ મુક્તિ ગઈ, એ જ જાણીતી જૂઈના સ્પ્રેની સુગંધ.

નરેશે જોઈ લીધું, કે એ આકૃતિ કોઈ છોકરીની છે. અને સુગંધ પણ મોહાના સ્પ્રેની જ છે. એટલે કે એ મોહા જ છે. તેને ખાતરી થઈ ગઈ કે મોહા પણ અહીં જ છે, અને તે પણ કોઈ દાવના લાગમાં છે.

નરેશ સાવધ થઈ ગયો. તેણે વિશાલને પણ સાવધ કરી દિધો,”મોહા અહીં જ છે. તે પણ નીરજા અને વ્યોમાને શોધી રહી છે.”

“ઓ કે બોસ. અહીં કેટલાક સંદિગ્ધ લોકો દેખાઈ રહ્યા છે. કદાચ તેઓ મોહાના માણસો જ હશે.”

“ઠીક છે. ટેક કેર.” અને સામે છેડેથી વિશાલનો ફોન કપાઈ ગયો. નરેશ ઝડપથી આખા વિસ્તારને ખૂંદી વળ્યો. ક્યાંય નીરજા કે વ્યોમાના હોવાના સંકેતો ના મળ્યા.

“લાગે છે કે તેઓ અહીં નથી પહોંચ્યા.” વિશાલ પણ ધોધના બીજા છેડે તપાસ કરી નરેશ પાસે આવી ગયો.”

“અને મોહાના હાથમાં પણ નથી આવ્યા.’

“તો પછી તેઓ છે ક્યાં?” વિશાલે ફરી એ જ સવાલ કર્યો.

“નીરજા અને વ્યોમા છે ક્યાં?”

********

ક્યાં છે નીરજા અને વ્યોમા? તમે તો જાણો છો, કે તે બંને શિલોંગથી સોહરા જતી બસમાંથી ઉતરી, લૂમ પારિંગ ગામના એક સ્ટોર ‘જેનિફર’સ જંગલ’માંથી ટ્રેકિંગનો બધો સમાન લઈને નીકળી પડી છે, જંગલના રસ્તે.

એવા રસ્તે કે જ્યાં તેને કોઈ જોઈ ન શકે. શોધી ના શકે.

ખૂબ સરસ રીતે તેઓએ મોહા અને નરેશને ભટકાવી દીધા હતા.

અને તેઓ જંગલના મોહાપાશમાં આનંદ લેવા લાગ્યા.

નીરજા હવે વિતેલી ક્ષણોને પાછળ મૂકી ચૂકી હતી. તો વ્યોમા તો ક્યારની જંગલ જોડે દોસ્તી કરી બેઠી હતી.

જંગલ તેઓને આકર્ષક લાગ્યું. જંગલના ચુંબકમાં તેઓ ખેંચાઇ રહ્યા હતા, સહજ, અનાયાસ. જાણે જંગલ અને તેઓને યુગોથી દોસ્તી હોય !

જંગલે તેને આપી હતી પૂરેપુરી આઝાદી. તેઓ આઝાદ ચાલતા રહ્યા જમીન પર તૂટીને પડેલા, વરસદમાં ભીંજાયેલા, પાંદડાઓ પર.

પાંદડાઓ પર તેઓના ચાલવાથી અવાજ ઉત્પન્ન થતો હતો. જંગલ માટે એ અવાજ કોઈ નવો ન હતો. પણ તેઓ માટે તો તદન નવો જ અવાજ હતો, નવો જ અનુભવ હતો. કાનને તે અવાજ પહેલાં કર્કશ લાગ્યો, પણ ધીરે ધીરે તે ગમવા લાગ્યો.

તેઓ ફરી ફરીને તે અવાજ કરવા લાગ્યા. પાંદડાઓ પર ચાલવા લાગ્યા, દોડવા લાગ્યા, કુદવા લાગ્યા, દરેક વખતે નવો જ અવાજ પેદા થતો. તેઓને ગમવા લાગ્યું, આમ અવાજ કરવાનું.

બંને જંગલના સ્પર્શને અનુભવતા રહ્યા, ચાલતા રહ્યા. જંગલે આપેલી આઝાદીને માણતા રહ્યા.

આવી આઝાદી તેઓએ ક્યારેય નહોતી જોઈ કે અનુભવી. જે મન થાય તે કરી શકાય. કોઈ બંધન જ નહીં.

“કેટલી આઝાદી છે અહીં. “ વ્યોમાએ એક ઝાડની ડાળી પકડી લીધી અને તેના વડે ઉપર ચડવાનો પ્રયાસ કર્યો. ડાળી તૂટવા લાગી. તે પટકાવા લાગી, નીચે તરફ. નીરજા તરત જ દોડી ગઈ અને તેને જમીન પર પટકાતાં બચાવી લીધી.

વ્યોમા હવે નીરજાના હાથ પર હતી. તેની નજર આકાશ તરફ ગઈ. ખૂબ જ થોડું આકાશ જોઈ શકાયું. જંગલની ગીચતા, વ્યોમાની નજર અને આકાશ વચ્ચે આવી ઊભી હતી.

તેણે નીરજાની આંખમાં જોયું. નીરજા તેને જ જોઈ રહી હતી.

“ચાલો હવે હાથ પરથી ઊભા થાઓ.” નીરજાએ વ્યોમાને હાથના ઝટકાથી ઊભા કરવાનો પ્રયાસ કર્યો, પણ વ્યોમા તો તેના હાથના ઝૂલામાં અડ્ડો જમાવી બેઠી હતી. તેનો કોઈ ઇરાદો, પોતાના પગ પર ઊભા થવાનો ન હતો.

“કાશ, તું છોકરો હોત અને તારા સશક્ત હાથના ઝુલા પર, હું આમ જ લટકતી રહેતી હોત ! હાઉ રોમાંટિક યાર.”

“આ જંગલમાં તને રોમાન્સ શુઝે છે?” નીરજાએ ફરી એક ઝટકો આપીને વ્યોમાને ઊભી કરી દીધી.

“કેમ નહીં? આ જંગલ પણ કેટલું રોમાંટીક છે. લીલાછમ્મ ઝાડો, એકાંત, વરસીને અટકી ગયેલો વરસાદ, તેની ભીની ભીની સુગંધ, અને એનામાં અને મારામાં વહેતું યૌવનનું ઝરણું....આટલું બધું એક સાથે છે, રોમાન્સ કરવા માટે. શું એ પૂરતું નથી?”

“રોમાન્સ માટે બધું જ પૂરતું છે અહીં, પણ બે વાત નોંધી લે. એક, અહીં આપણે રોમાન્સ કરવા નથી આવ્યા. બીજી વાત, અહીં હું જ છું તારી સાથે, બીજું કોઈ નથી તારી સાથે રોમાંસ કરવા માટે. કોઈ છોકરો અહીં નથી કે જે તારો રોમાન્સ ખુલવા દે, ટેન રોમાસ કરવા દે.”

“તો તું જ થોડી વાર માટે બની જા ને, મારો બોય ફ્રેન્ડ.” વ્યોમાની આંખમાં છલોછલ રોમાન્સ હતો. તે કામુક હસી. તેની આંખમાં એક લિસોટો ઝબકીને જતો રહ્યો. તે લિસોટો ભરી ગયો એક નશો. ગાલ થોડા ખીલી ગયા. શરમની એક વીજળી ચમકી ગઈ. તેણે હોઠોથી સિસોટી વગાડી. કોઈ રોમાંટીક ગીત ગણગણવા લાગી.

રોમાંસના જંગલનો નશો, તેની નસેનસમાં ઝરણું બનીને વહેવા લાગ્યો.

નીરજા ચાલતી રહી. વ્યોમા પણ રોમાંસના નશામાં તેની પાછળ પાછળ ચાલતી રહી.

“શું યાર, થોડી વાર તો રોમાન્સના બહાને રોકાઈ જા.” વ્યોમા નીરજાને અપીલ કરતી રહી, નીરજા મૌન ચાલતી રહી.

વ્યોમા પણ ચાલતી રહી. ઘણો રસ્તો તેઓએ કાપી નાંખ્યો. તેમને પણ અંદાજ ના હતો કે કેટલા કિલોમીટર તેઓ ચાલ્યા હશે. ધીરે ધીરે સુરજ પશ્ચિમ તરફ જવા લાગ્યો. ખૂબ જ આછો તડકો અસ્તિત્વ ધરાવતો હતો. અને હવે તે પણ, તેના અસ્તાચલ તરફ ગતિ કરવા લાગ્યો હતો. આકાશમાં વાદળો ફરી દેખાવા લાગ્યા. સૂરજના પ્રકાશને તેઓ વધુ ઝાંખો કરવા મથી રહ્યા.