Vaat Hruday dwarethi Part - 3 books and stories free download online pdf in Gujarati

વાત હૃદય દ્વારેથી - 3

પ્યારી દીકરીઓ શાશ્વતી અને સાષ્ટાંગી

વડોદરાથી સ્વરાઆન્ટીની મીઠી મીઠી પ્યારી યાદ.

દીકરીઓ એક કાળા દિવસે માટેલા સાંઢ જેવી ટ્રક પવનવેગે આવી અને તમારી મમ્મી-આપણાં સૌની આમ્રપાલીને એક ઝાટકે આપણા સૌથી અલગ કરી દીધેલ. એ કાળો દિવસ આપણા માટે ભૂલવું અશકય છે. બેટા, ત્યારબાદ તમારી મમ્મીની કેડીએ ચાલીને તમે તમારા ઘરને જે રીતે અજવાળ્યું તે ખરેખર હદયને પ્રસન્ન કરી દે તેવી વાત છે. તમારા ડેડીને તો તમે ‘મા’ બનીને સંભાળ રાખો છો. બાકી, તમારા ડેડી આઘોષ તો આમ્રપાલીનાં આઘોષમાં એવા તો પાગલ થઈ ગયા હતા કે એ કેવી રીતે જીવનનૈયા હંકારશે? એ પ્રશ્ન સૌના મનમાં ઉચાટ કરાવતો હતો. પરંતુ તમે બંને દીકરીઓએ ઘરને હૂંફાળો માળો બનાવી દીધો. આને કહેવાય ઘડા જેવી ઠીકરી અને મા જેવી દીકરી. તમે બંને પણ આમ્રપાલીની જેમ કુનેહબાજ, સ્નેહી, વ્યવહારુ અને કુશળ નીવડયા. શાબાશ!!!

આમ તો, સૌને નરી આંખે દેખાય છે અને હદયને સ્પર્શે છે કે તમારી મા તમને જીવનની ઝીણામાં ઝીણી રીતભાત, નીતિ-નિયમ અને વ્યવહારિકતા શીખવીને ગઈ છે. તમને કેળવીને ગઈ છે. છતાં સમયનાં ચક્રવાતથી તમને વાકેફ રાખવા એ મારી હદયની ફરજ બની જાય છે. જયારે હું તમારી ઉંમરની છોકરીઓની શાળામાં પ્રિન્સીપાલ તરીકે ફરજ પર હોઉં અને રોજબરોજની જીંદગીમાં તમારી ઉંમરની સેન્સીટીવીટી અનુભવતી હોઉં ત્યારે મારી ઊંઘ ઊડી જતી હોય છે. તમારી ચિંતા મને કોરી નાંખે છે. આજનો સમય અમારા કરતાં વધુ કસોટીમય પુરવાર થઈ રહ્યો છે. તમે ખૂબ સમજુ હોવાને કારણે મારી ભાવના તમે સમજી શકતા હશો.

દીકરીઓ સાવુ અને સાગુ! મને જે આજના સમયની માહિતી છે તે વિશે દિલ ખોલીને તમારી સાથે વાત કરવા ઈચ્છું છું બેટા, બેટા તમારી એઈજ ઈમોશનલી અલ્ટ્રાસેન્સીટીવ હોય છે. સારા ઘરની સુશીલ, સંસ્કારી અને રૂપાળી છોકરીઓને અમુક વર્ગ ટાર્ગેટ બનાવતો હોય છે. લવજેહાદ તો ખરું જ પણ સાથે સાથે પૈસાવાળા બાપના, રંગીન મિજાજના અને રાહ ખોઈ બેઠેલાં યુવાનો પણ સારા ઘરની છોકરીઓને ઈમોશનલી અટેચ કરી પોતાની જાળમાં ફસાવતા હોય છે. અને પછી બ્લેકમેઈલ કરી શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરતાં હોય છે. વળી, આ ઉંમરે જ હોર્મોન્સનો ચક્રવાત પણ હોય છે. આથી બેટા સાવુ અને સાગુ! દુનિયાની કેડીએ-કેડીએ ડગ માંડતા પહેલાં વિચારવું, ચકાસવું અને પછી જ કોઈની પણ સાથે મિત્રતા કરવી. હું ફકત છોકરાઓથી સાવચેત રહેવા નથી કહેતી. ઘણીવાર સાચા રાહની માહિતી ન હોવાને કારણે કે પરવરીશમાં કંઈક ઉણપ રહી જવાને કારણે અણસમજુ છોકરીઓ પણ આવી વાતમાં પોતાની સાથે તમારા જેવી સારી છોકરીઓને ઢસડી જતી હોય છે. આથી બહેનપણીઓ સાથે પણ અમુક બાબતો ફીલ્ટર કર્યા પછી નિકટતા વધારવી.

બેટા, એક વાત ખાસ યાદ રાખજો કે આપણાં દિલની મૂંઝવણ કયારેય દરેક સાથે શેયર કરવી નહી. વળી મિત્રો પણ તમારી જેમ કાચી ઉંમર અને કાચી સમજણના હોય છે. એમની પાસે અનુભવોની આંખો હોતી નથી. એટલે સાચી સલાહ તો દૂર આપણી ગાડી ઊંધા પાટે ચડાવી દેવાની શકયતા વધી જતી હોય છે. વળી, હવે તો દરેકના હાથમાં મોબાઈલ હોય છે આથી જાહેરસ્થળે પણ જાઓ કે અંગતમિત્રો પણ હોય તો પણ ક્યારેક કોઈને પોતાના ફોટા આપવા નહીં. વોટસએપ નંબર પણ સમજી વિચારીને જ આપવા. ફેસબુક પર ફોટા યોગ્ય ઢબનાં જ રાખવા. આ બધી કોમન લાગતી બાબતો ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. ફોટાનો દુરુપયોગ થવાનાં કિસ્સા છાશવારે બનતા હોય છે એટલે ‘સાવચેતી એ જ સલામતી’ એવું તમારી આ આન્ટીનું સૂત્ર બરાબર ધ્યાનથી યાદ રાખજો.

બેટા, સાવુ અને સાગુ! આપણને સ્ત્રીઓને ભગવાને એક બહુ જ અમૂલ્ય સુંદર ગીફટ આપેલ હોય છે. આપણી પાસે સિકસ્થસેન્સ હોય છે. આથી સામેવાળાનો ઈરાદો આપણાથી છૂપો રહી શકતો નથી. ફકત આપણી સેન્સ એકટીવ રાખવાની હોય છે. કોઈ આપણી સાથે દ્ધિઅર્થી શબ્દપ્રયોગ કરી મજાક મસ્તી કરે, આપણા કોઈ અંગ તરફ વારંવાર નજર ફેરવે કે અડપલાં કરે તો તરત જ ચેતી જવું. ‘હશે હવે...’એમ કહીને વાતને ટાળી દેવી નહી. સામેવાળાના આંખના ઈશારાનો યોગ્ય મતલબ કાઢી એ વાતને તરત સમજી જવી. આવું કંઈપણ ડાઉટફૂલ લાગે તો તરત જ

. આથી આપણે આપણી જાતને સેફ રાખવી હોય, કોઈ પણ અણગમતી-અણછાજતી પરિસ્થિતિમાં ફસાવું ન તમારા લેડી ટીચર, સારી બહેનપણીની સમજુ, કુશળ હોય એવી મમ્મીને કે કોઈ વ્યવસ્થિત વિચારધારા ધરાવતા વડીલો અથવા તમારા ડેડી સાથે દિલ ખોલી વાત કરવી. તમારા ડેડી સાથે કોઈપણ જાતનો સંકોચ રાખવો નહીં. એ પુખ્ત, સમજુ પિતા છે. આમ કરવાથી કોઈપણ દ્ધિઘા હોય તો તરત જ વાતનો નિકાલ આવી જાય. તમે સંભવિત અણગમતી તકલીફોથી વાકેફ થઈ જશો અને ખરાબ દુ:ખદ પરિસ્થિતિનો સામનો કરવાનો સમય જ ન આવે.

બાકી દીકરીઓ! આપણી સ્ત્રીઓની જીંદગી કાચ જેવી હોય છે. એમાં એક વખત તડ પડે તો તૂટવું નિશ્ચિત થઈ જાય. એ તડ કયારેય સંધાય નહિહોય તો જીવનનાં દરેક તબકકા સમજી વિચારીને પાસ કરવામાં જ સમજદારી અને ભલાઈ છે. આપણી સ્ત્રીઓની જીંદગી ગણિતનાં દાખલા જેવી હોય છે. એક સ્ટેપમાં નાની સરખી પણ ભૂલ થઈ જાય તો જવાબનો ટાળો કયારેય બેસે નહીં. આમ, સાવચેતી અને સમજણના પાઠમાં નાની સરખી ગફલતને કારણે આખી જીવતરની પાઠશાળામાં નિષ્ફળ થઈ જઈએ. આમ, સ્ત્રી પણ સોના જેવી જ છે. તૂટે, ટીપાય, તણાય ત્યારે કિંમતી અને મનમોહક ઘરેણું બની જાય છે.

બેટા, આ તમારી આન્ટી તો તમારા માટે ખડેપગે ઊભી છે. અડધી રાતે પણ તમારા મનની વાત મારી સાથે શેયર કરી શકો છો. મારા હદયના દરવાજા તમારા માટે હરહંમેશ ખુલ્લા જ રહેશે.

આ કસોટીમય લાગતા ટીનએજનાં સમયમાંથી પસાર થઈ તમે બંને મેઘધનુષની જેમ પ્રગટી રહો એવી પ્રભુને અભ્યર્થના.

લિ.

સ્વરાઆન્ટી

બેટા યુગંધર,

જ્ન્માષ્ટમીનાં શુભદિને રાત્રે બારનાં ટકોરે તેં આ પૃથ્વી પર પ્રથમ શ્વાસ લીધો. ફોઇ હોવાનાં નાતે તારું નામકરણનો પ્રથમ અધિકાર મને પ્રાપ્ત થયો છે. હોંશે હોંશે મેં તારું નામ રાખ્યું યુગંધર. સમગ્ર યુગને ધારણ કરનાર શ્રીકૃષ્ણ. યુગો-યુગો સુધી સાક્ષાત જીવંત રહી સંસારને ધપાવનાર શ્રીકૃષ્ણ એટલે યુગંધર. શ્રીકૃષ્ણ વર્સેટાઈલ છે. આધ્યત્મ હોય કે વિજ્ઞાન. શ્ર્રુંગારસ હોય કે આસ્વાદ. કલા હોય કે સૌંદર્ય. નવરસનો થાળ હોય કે ધર્મયુધ્ધ. દરેક ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ ધરાવનાર તે યુગંધર.

પરંતુ, બેટા યુગંધર! તું બાળપણથી જ અમારા સૌ માટે પ્રશ્નબેંક રહયો છે.દરેક બાબતમાં પ્રશ્નો પૂછવા એ જ તારી પ્રકૃતિ. અમે સૌ અમારાં લેવલ પ્રમાણે સચોટ ઉત્તર આપતાં ઘણીવાર એવું પણ બનતું કે અમે ઓળ-ગોળ ઉત્તર આપી રાહત દમ અનુભવતા. પરંતુ, હવે તું પૂરાં પંદર વર્ષનો થઇ ગયો. દરેક બાબતમાં પ્રશ્નોનાં ઉત્તર લોજીકલી જોઇએ. તું કહે છે – શ્રી કૃષ્ણનું ફિઝિક્સ પાવરફૂલ હશે તેથી ગુરુત્વકેન્દ્ર શોધીને ગોવર્ધનપર્વત બેલેન્સ કર્યો હશે. બેટા! આજે હું તને પ્રશ્ન પૂછું છું તું મને ઉત્તર આપ. પાંચ વર્ષનો નાનકડો બાળક આટલાં મોટા પર્વત નું ગુરુત્વકેન્દ્ર શોધી શક્તો હોય. તો, પાંચ-દશ ગ્રામની વાંસની પોલી લાકડી ઊંચક્વા શા માટે એમણે બે હાથનો ઉપયોગ કરવો પડયો હશે ? ધ્વનિની દિશા, વેગ, પ્રવેગ પણ નક્કી કરી શકયા હોત. તેઓ ધારતે તો દૂરથી પણ નાની-શી ફૂંક મારીને સૂર રેલાવી શક્યા હોત. પરંતુ, એમણે આમ ન કર્યુ. કારણ, એઓ સંસારમાં દરેક સમયની ઊગતી પેઢીને સમજાવવા માંગતા હતા કે સંસારચક્ર ચલાવવા, પ્રેમ નિભાવવા, જીવન ધપાવવા માણસમાત્રની સંપૂર્ણ શક્તિની જરૂર પડે છે. ફક્ત બાહ્ય રૂપરંગથી મોહી પડવું કે ભ્રામક, સ્ટાઇલીશ વાતોમાં આવી જ્વું એ મુર્ખામી છે. ફક્ત સુખ-સમૃધ્ધિથી જીવન ન ટકે કે ફક્ત શારીરિકબળથી સંસાર ન નભે. જીવન જીવવા માટે શારીરિક, માનસિક, આર્થિક, સામાજીક, બાહ્ય, આંતરિક ગુણો ઊંચી ગુણવત્તાવાળા વિક્સાવ્યા હશે તો જ જીવન સફળ થશે. તેથી જ શ્રીકૃષ્ણ એ જ સમજાવવા માંગે છે કે સંસાર નિભાવવો એ ગોવર્ધનપર્વત ઊંચક્વા જેવી સરળ વાત નથી. સંસારને બે હાથથી નમ્રભાવે ઊંચક્વો પડે. દરેક સદ્‌ગુણોનો ઉપયોગ કરવો પડે. દરેક બાબતોને બેલેન્સ કરવી પડે. તો જ સંસાર કંસાર જેવો આસ્વાદ માણવા લાયક બને નહીં તો સંસાર અસાર થઇ વેડ્ફાઇ જશે.

આમ, શ્રીકૃષ્ણ પોતે મહેલોના વસનારા, સર્વશકતિમાન, હાઇ ઇન્ટેલીયાક્ચુલ, હેન્ડ્સમ, સર્વજ્ઞ હોવાં છતાં સર્વસ્વ શક્તિનો ઉપયોગ કર્યો. પ્રેમ, વિશ્વાસ રૂપી વાંસળીને બેલેન્સ કરી. એમાંથી ફળસ્વરૂપે સંસારને સંગીતમય બનાવવા સૂર રેલાવ્યા.

બોધ:

યુવા પેઢીએ લાઇફ પાર્ટ્નર શોધતાં પહેલાં એ બાબતનું ધ્યાન રાખવું બાહ્ય રૂપ-રંગ, સુખ સહેબીથી ભ્રમાકર્ષિત થવું નહીં.

સર્વાગી ગુણોનો સમન્વય કરશો તો જ સંસારથ પ્રગતિ કરશે.

મંત્રમુગ્ધાનાં ઝાઝા ઝહાર.

-લિંખિતંગ