short stories books and stories free download online pdf in Gujarati

short stories

1.વાત - આમ જુઓ તો આમ, ને તેમ જુઓ તો તેમ !

ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;

લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

-ભગીરથ બ્રહ્મભટ્ટ.

સાંજનો લગભગ છ - પોણા છ વાગ્યાનો સમય હતો. ચોમાસાની ઋતુમાં પાંચ - છ કે ૭ વાગ્યાના સમયનો અંતરાલ કળવો લગભગ મુશ્કેલ જ થઈ જતો હોય છે, એમાં પણ બે દિવસથી થોડાં થોડાં છાંટાં પડી જતાં હતા ને પછી વાતાવરણ સાવ કોરુંધાકોર. કદાચ આકાશના વાદળાં નીચે સતત દોડતાં રહેતા માનવીઓની સ્પીડ જોઇને હબકી જતા હશે ને વરસવાનું ભૂલી જતા હશે. એના આટલા ક્રોડોની જીન્દગીમાં બે પગવાળા આ પશુઓને આટલી આપાધાપીમાં દોડતા કદાચ પહેલી વખત જ નિહાળી રહ્યા હશે.

ડાર્ક મરુન કલરની સરસ મજાની કારીગરી કરેલ ઈંટો અને બે બાજુનો ભાગ સરસ મજાના ગાર્ડનથી શોભતો હતો એ બંગલામાંથી કૂકરની સીટી પર સીટીઓ વાગતી હતી. એ ઘરમાં એક વયોવૃધ્ધ કપલ રહેતું હતું અને એ વ્યાયામ, ખાનપાન બધી રીતે બહુ જ નિયમિત. સાંજના આ સમયે ખીચડીનું કૂકર ચડી જાય અને બીજી બાજુ રીંગણા - બટેટાં જેવાં શાકનું તાંસળું ચડી ગયું હોય, બે ચાર ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો હોય. એમની વઘારેલી ખીચડીના કુકરની વ્હીસલ વાગે એટલે આજુબાજુના ચાર બંગલા સુધી એની સુગંઘ પહોંચી જ જાય. આખી સોસાયટીમાં એ માજી જેવી ખીચડી બનાવવાની કળા કોઇને હસ્તગત નહતી. ખીચડી એટલે તો રમામાસીની જ !

રમાબેન અને રશ્મિભાઈ - સરસ મજાનું કપલ હતું. આમ તો એમને જીવનથી બહુ કમ્પ્લેઇનસ નહતી. જોકે જિંદગી એ બે સાથે બહુ જ બેરહમ રીતે વર્તી હતી. એક જુવાન છોકરો અને એની વહુનું કાર અકસ્માતમાં મ્રુત્યુ થઈ ચૂકયું હતું. એમની દીકરી વિદેશ જઈને પરણી હતી અને બે છોકરાં હતાં જેના લગભગ ત્રણ વખત લગ્ન થઈ ચૂક્યાં હતાં પણ હજુ એ લાઈફમાં સેટલ નહતી થઈ શકી. દીકરાની સાત વર્ષની રુપાળી શી ઢીંગલી જેવી દીકરી કૃતિ હતી એ અકસ્માતમાં પોતાના બે પગ ગુમાવી ચૂકેલી. અધૂરામાં પૂરું છેલ્લાં બે વર્ષથી રશ્મિભાઈના વ્યાજે મૂકાયેલ લગભગ વીસ કરોડ રુપિયા ડૂબી ગયાના અણસાર હતાં જે મોટાભાગે ગયા ખાતે જ વળાવી દેવાના હતાં. પાર્ટીએ પોતાની જાતને નાદાર જ જાહેર કરી દીધેલી. આ ઉંમરે એ બેયની અને કૃતિની દવાઓનો ખર્ચો જ કાઢવો અઘરો થઈ પડતો હતો. વળી વૈભવી સ્ટાઈલમાં જીવવા ટેવાયેલ લોકોને સાવ જ આવી ચડેલી ગરીબી સહન કરવી મુશ્કેલીરુપ તો થઈ જ પડે.

રસોડામાં કામ કરતાં કરતાં રમાબેનની આંખમાં અચાનક આંસુ આવી ગયા અને આંખમાંથી નીચે ટપકે એ પહેલાં તો એમની બાજુમાં ઉભેલા રશ્મિભાઈએ એમની હથેળીમાં ઝીલી લીધા.

'અરે ગાંડી, આમ હતાશ કેમ થઈ ગઈ ? આખી જીન્દગી આવી અનેકો તકલીફોનો કેવો બહાદુરીથી સામનો કર્યો છે મારી રાની લક્ષ્મીબાઈએ..અને હવે જીવનના આખરી પડાવે આમ નબળી કાં બને ?'

'એ સમય જુવાનીનો હતો ક્રુતિના દાદા, હવે આ હાડ્કાં બુઢ્ઢાં થઈ ગયા છે. થોડું કામ કરતાં શ્વાસ ચડી જાય છે, શરીર જોઇએ એટલું કામ ન કરતાં મગજ આડા અવળાં વિચારોએ ચડી જાય છે. આપણે નહીં હોઇએ તો મારી આ રુપકડી પરીનું શું થશે ? હશે...આપણાં ગયા ભવના પાપ બાકી હશે એ પૂરાં કરવાના છે. બાકી શું ?'

બોલતાં બોલતાં ખીચડીનો દાણો બરાબર ચડ્યો છે કે નહીં એ જોવાની ટેવવશ રમાબેને કૂકર ખોલ્યું.

'રમા, આ આજે કેમ આટલી ખીચડી કરી છે ?'

'આટલી એટલે...અરે અડધું અડધ કુકર તો ભરેલું છે જુઓ તો જરા.'

'ઓહોહો...મને તો અડધું કુકર ખાલી દેખાયું એટલે એમ કે ઓછી રંધાઈ છે.'

'એ તો તમને વાંકુ જોવાની ટેવ જ પડી ગઈ છે આજકાલ..નવરાં બેઠાં બેઠાં મગજ કટાઈ ગયું છે તમારું ય.'

'ના રમા, મગજ મારું નહી તારું કટાઈ ગયું છે. જેમ તને અડધું કુકર ભરેલું દેખાયું એમ આપણી જીન્દગી અડધીથી ય ઉપર સુંદર રીતે વીતી ગઈ એ કેમ નથી દેખાતું? વળી ગયા ભવના પાપ ભોગવવાના છે એના કરતાં એમ વિચારને કે આ ઉંમરે આપણે બે દવાઓના સહારે તો દવાઓના સહારે પણ આપણા પોતાના હાથે પગે ચાલી શકીએ છીએ, હરી ફરી શકીએ, કામ કરી શકીએ છીએ, આપણું પોતાનું રહેવાનું ઘર છે, સરસ મજાની પૌત્રી છે અને એ પૌત્રીની સારવાર પણ કેટલી સરસ ચાલી રહી છે, લગભગ બે ત્રણ મહિનામાં તો એ પણ પોતાના પગ પર ચાલી શકશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે એમ એના ડોકટર્સ કહે છે. મને ભરેલું કુકર જોવાનું કહે છે તો તું જીવનને એ જ દ્રષ્ટ્રીથી જોને ડીઅર. આ ઉંમરે પણ આપણી વચ્ચે પ્રેમનો અફાટ દરિયો વહે છે, બે ટાઈમનું શાંતિથી ખાવા મળે છે એનાથી વધુ શું જોઇએ જીવનમાં...બાકીનું બધું તો વધારાનો બેનીફીટ જ સમજ ગાંડી !'

'હા ક્રુતિના દાદા, તમે વાત તો સાચી કહી.'અને ચશ્મા કાઢીને વહી નીકળતાં ગેરસમજણના આંસુઓને ભૂંસીને રોજની જેમ રમાબેનના મુખડાં પર સ્મિત ભરાઈ ગયું.

અનબીટેબલઃ જીવનમાં દુઃખી થવાના કારણો સામેથી દોટ મૂકીને આવે છે જ્યારે સુખી થવાના કારણો ખૂણે ખાંચરે છુપાઈ-લપાઈને બેઠાં હોય છે એમને શોધવા પડે છે.

2. સ્ત્રી સશક્તિકરણઃ

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ,પણ

કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર !

-ચીનુ મોદી.

રમ્યા અને પીન્કી એક રેસ્ટોરાંમાં બેઠા હતાં. આજુબાજુના ટેબલો જુવાનિયાઓથી ભરાયેલા હતાં, એમની જ દુનિયામાં મસ્ત એ લોકોની ધમાલ મસ્તીથી વાતાવરણમાં ખાસ્સો કોલાહલ છવાયેલો હતો.

'રમ્યા, તને પણ મળી મળીને આ જ રેસ્ટોરાં મળી ? પાંચ મિનિટ પણ શાંતિથી વાત નથી થતી. જો તો ખરી આ લોકોને - જાણે એમના સિવાય કોઇ આજુબાજુમાં છે જ નહીં. ઉફ્ફ..'

'પીન્કી, આ સમયે નોર્મલી અહીં ભીડ નથી હોતી પણ આજે ખબર નહીં કેમ, કદાચ કોઇની બર્થડે પાર્ટી લાગે છે. હશે હવે, એમની ઉંમર છે, એન્જોય કરે છે, જસ્ટ ઇગ્નોર ધેમ. આપણે આપણી વાત ચાલુ કર. શું કરે છે ઘરમાં બધા ? આપણે કેટલાં બધા સમય પછી મળ્યાં નહીં ? '

' ઘરમાં બધા મજામાં છે. વિશ્વા હમણાં જ એના ફ્રેન્ડ્સ સાથે ગોવા ફરીને આવી ને મીતેશ એના એમ.બી.એમાં બીઝી.'

'અરે વાહ, ગોવા ! અમે પણ કેટલાંય વખતથી ત્યાં જવાનો પ્લાન કરીએ છીએ પણ સેટ જ નથી થતું.' રમ્યા બોલી.

'જો કે આ વખતે વિશ્વા લોકોના ગ્રુપને એક વિચિત્ર અનુભવ થયો. એ લોકોનું દસ જણનું ગ્રુપ હતું એમાં સાત છોકરીઓ હતી અને ત્રણ છોકરાંઓ. આજકાલની છોકરીઓ તો યુ નૉ ના - મોર્ડન ! કપડાં, બોલચાલ બધું એકદમ આધુનિક, વળી એમાં પણ ગોવા જેવી જગ્યાએ ફરવા જતાં હોય એટલે બધા કેવા ઉત્સાહમાં હોય એ તો સમજી જ શકાય એવી વાત છે ને. બધી છોકરીઓ થોડું થોડું ડ્રીન્ક પણ કરે છે ને એની એ બધાયના ઘરમાં ખબર છે. એ લોકો કશું છુપાવતાં નથી, બહુ જ ટ્રાન્સપરન્ટ છે આ લોકો. આપણી જેમ છુપાઈ છુપાઈને કશું જ નહીં. હા તો વાત એમ છે કે એ લોકો ડાન્સરુમમાં એમના ગ્રુપમાં ડ્રીન્ક કરીને ધમાલ મસ્તી કરી રહી હતી. એ વખતે ત્યાં બીજા લગભગ સાત આઠ છોકરાંઓનું ગ્રુપ પણ હતું, એમાંથી અમુક છોકરાંઓની હિંમત એમને ડ્રીન્ક કરતાં જોઇને ખૂલી ગઈ અને એમની પાસે આવીને ડાન્સની ઓફર કરી. છોકરીઓએ આધુનિકતાના નામે એ સ્વીકારી લીધી અને ડાન્સ કરવા લાગી. પણ ડાન્સ ફ્લોર પર પેલા છોકરાંઓએ એમની સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કર્યુ જે બોલતાં પણ મને શરમ આવે છે. છોકરીઓએ વિરોધ કર્યો તો ઉલ્ટાના સામે બોલ્યાં કે,' નૌ સો ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી, સરસ મજાનો સમય છે તો શું કામ આવા નખરાં કરો. લેટ'સ એન્જોય..વગેરે વગેરે..' રમ્યાં લોકો સમજતાં કેમ નથી કે ડ્રીન્ક કરતી બધી છોકરીઓ 'ચાલુ અને ઓલવેઝ અવેઇલેબલ' નથી હોતી. આપણાં લોકોની મેન્ટાલીટી ક્યારે સુધરશે એ જ નથી સમજાતું.'

'પીન્કી, તું જેવું કહે છે એવું જ એક મૂવી હમણાં મેં જોયું. એમાં પણ મોર્ડન છોકરીઓ આવી ગેરસમજની ભોગ બનેલી. એ મૂવીના હીરોએ છોકરીઓને સેફ જીવવા માટે ઘણા બધા સારા રુલ્સ સમજાવ્યાં છે જેને આપણે સમાજ ઉપરના કટાક્ષ તરીકે લઈ શકીએ અને સાવચેતીના પગલાંરુપે પણ લઈ શકીએ. હીરો ફકત 'ડાયલોગ' બોલી જાય છે - જસ્ટીફાય આપણે કરવાનું રહે કે આમાંથી શું શીખવું ? પણ એક વાત પાકકી કે સ્ત્રી સશક્તિકરણ બોલચાલ કે પહેરવેશની છૂટ માત્રથી નથી આવી જતું. આપણો સમાજ આજકાલની સ્ત્રીઓ, છોકરીઓને બહુ જ આધુનિક બનાવવાના ચક્કરમાં ગમે એવા પહેરવેશની તરફેણ કરે છે, જાહેરમાં ડ્રીન્ક કરીને ગમે એમ બોલે કે જીવે એમની મરજી એમને કોઇ રોક ટોક શા માટે ? એવા નારા લગાવે છે, પણ સામે એમની સુરક્ષાના નામે માંડ દસ ટકા જ કામ થયું છે એ ભૂલી જાય છે. તમે ગમે એટલાં ટૂંકા કપડાં પહેરો તમારી મરજી પણ જ્યારે કોઇ તમને હેરાન કરે તો સ્વરક્ષણ માટે તમે કેટલાં તૈયાર છો એ કદી વિચાર્યું છે ? સ્ત્રી રક્ષણના કાયદા છે પણ એનો અમલ થતાં કેટલો સમય જાય અને ત્યાં સુધીમાં તો શું નું શું થઈ જાય એનું ભાન છે ? એક રીતે જોતાં આ બધા મહાન ચિંતકો અને સ્ત્રીઓની તરફેણ કરવામાં વ્યસ્ત લોકોના સમુદાયે આધુનિકતાના નામે આજકાલની છોકરીઓને કન્ફ્યુઝ કરી મૂકી છે, વાસ્તવિકતાથી દૂર કલ્પનામાં જીવવાનું જ શીખવાડે છે. સ્વતંત્રતાના નામે બધા હક એમને આપી દીધા છે, લીવ ઇન માં રહેવું કે લગ્ન કરી લેવા સુધીની છૂટ પણ આપી દઈએ છીએ પણ જયારે એ સંબંધો પાંગળા સાબિત થાય ત્યારે એનો ઉકેલ કાઢીને સામી છાતીએ લડવા માટેની જે હિંમત જ જોઇએ એ તાકાત આપણે એમને નથી આપી શક્યાં. જે સ્થિતીનો સામનો કરવાની માનસિક કે શારિરીક તાકાત ના હોય એ સ્થિતી સુધી ખાલી આધુનિકતાના આંચળ હેઠળ જઈને નુકશાન બીજા કોઇને નહીં પણ ખુદ એમને જ થવાનું છે. જો સ્વતંત્રતા કે સ્ત્રી સશક્તિકરણનો રસ્તો છેલ્લે એમની માનસિક - શારિરીક યાતનાની મંઝિલ તરફ જ જતો હોય તો એવું મનસ્વીપણું શું કામનું ? છોકરાંઓની મેન્ટાલીટી પણ બદલાઈ રહી છે પણ આ બધા પરિવર્તનો બહુ 'સ્લો' હોય છે વળી બધી આંગળીઓ સરખી નથી હોતી, ગુમાવવાનું તો છેલ્લે છોકરીઓના પક્ષે જ વધુ આવે છે.હા, એ બધું સહન કરી લેવાની અને કોઇ પણ પ્રકારનું રીઝલ્ટ આવે તો એને બિન્દાસ રીતે કશું થયું જ નથી એમ લેવાની તાકાત જે છોકરીમાં આવી જાય એને મનફાવે એટલા વાગે દારુની બોટલ હાથમાં લઈને અર્ધનગ્ન અવસ્થામાં ફરવાની છૂટ સો ટકા હોવી જોઇએ. એવી બોલ્ડ સ્ત્રીઓને મારા સલામ ! પણ આપણે તો આપણી માનસિકતા બદલ્યા વગર ફક્ત પહેરવેશ જ બદલ્યાં કરીએ છીએ, છૂટછાટો લીધે રાખીએ છીએ. એમાં આજની પેઢી નથી આમની રહેતી કે નથી પેલી બાજુની ! સરકાર કે બીજું કોઇ તમારું રક્ષણ કરશે પણ એ પહેલાં તમે બધી રીતે તમારી જાતને સાચવતાં, રક્ષતા શીખો પછી જેમ મન ફાવે એમ વર્તન કરો. બાકી સંતાનોને અમુક વર્તન ના કરવાની સલાહ આપવાથી આપણે જૂનવાણી નહીં પણ સમજુ પેરેન્ટ્સ જ કહેવાઈએ એ વાત નક્કી. સો વાતની એક વાત કે આપણે આપણાં સંતાનની બાંહેધરી લઈ શકીએ બીજાનાં છોકરાંઓના વર્તનની નહીં. આપણી ફરજ છે કે આપણાં સંતાનોને દરેક છૂટછાટ સાથે એના પરિણામો પણ સમજાવીએ અને એની સામે લડતાં શીખવીએ પછી જ છૂટ લેવા દઈએ. હું તો આમ માનું છું - તું શું માને ?'

'હા,રમ્યા તારી વાત સાવ સાચી. શારિરીક ને માનસિક રીતે નબળી હોય એવી છોકરીઓએ અને એમના મા-બાપે આધુનિકતાના નામે આવા અખતરાં કરતાં પહેલાં સો વખત વિચારી જ લેવું જોઇએ. '

અનબીટેબલઃ ખાત્રી હંમેશા ટકોરાબંધ હોવી જોઇએ.

3. અતિથી અંત તરફ:

વૃક્ષ સંતોની યાદ આપે છે
છાંયડાનો પ્રસાદ આપે છે

-રાકેશ હાંસલિયા

સફેદ લાંબી દાઢીના ફરફરતા વાળમાં એ વૃધ્ધ માનવી અદ્વિતીય લાગતો હતો. એની આંખો સાવ જ ઉંડી ઉતરી ગઈ હતી પણ એથી ય વધુ ઉંડાણ તો એની આંખોમાં હતું. ગજબનું લોહચુંબકત્વ હતું એમની નજરમાં. તેઓ જે વૃક્ષની નીચે બેઠાં હતા એ સમગ્ર વૃક્ષની આભા જ અનેરી હતી. એનામાં કંઇક તો ખાસ હતું જ. એને જોઇને સમુદ્ર અંદર સુધી છલકાઈ ગયો. એને એક અનોખો નશો ચડતો હોય એવું અનુભવવા લાગ્યો. અત્યાર સુધી ગુરુની શોધમાં અનેક આચાર્યોને જોયા હતાં પણ મન ક્યાંય માનતું નહતું. બધું અર્ધદગ્ધ જ લાગતું. આ વૃધ્ધ પાસે કંઇક અલૌલિક, પારદર્શક હતું .

અને સમુદ્ર એમના પગમાં પડી ગયો.

'ગુરુજી, મને તમારો શિષ્ય બનાવો.'

'બનાવનારો હું કોણ બેટા ? તારું સત્, તારું નસીબ. આવ બેસી જા આ બધા તારા મિત્રો બેઠાં છે એમની સાથે ને લગાવ ધ્યાન ઇશ્વરમાં.'

સમુદ્ર તો ગદગદ થઈ ગયો. એને આટલી જલ્દી શિષ્યપદ મળી જશે એવી આશા નહતી. એણે વૃક્ષની નીચે બેઠેલાં બંધુઓ સમક્ષ નજર કરી પણ એમાંથી કોઇ જ એના તરફ જોતું નહતું. બધા પોતાની સાધનાની દુનિયામાં વ્યસ્ત હતાં.બધું જ છોડીને કંઈક અદભુત મેળવવા તરસતો હતો એથી જેટલું સાંભળેલું એટલું બધું જ્ઞાન લઈને એ પણ એ લોકોની વચ્ચે બેસી ગયો. બાજુમાં બેસેલ યુવકને પૂછ્યું,

'કેટ્લાં વર્ષોથી અહીં છે ભાઈ, કોઇ ચમત્કાર કે અનુભવ થયો છે કે ?'

પેલા શિષ્યએ કંઈક વિચિત્ર રીતે સમુદ્રની આંખોમાં નિહાળ્યું અને કંઇ જ બોલ્યા વિના પાછો પોતાની સાધનામાં વ્યસ્ત.

વૃક્ષની નીચે બેઠેલ વુધ્ધ એની આ ક્રિયા જોઇને મંદમંદ હસી પડ્યાં અને પછી એને સાધના વિશે થોડી સમજણ આપી અને એ ક્રિયાઓમાં વ્યસ્ત થઈ જવા કહ્યું. સમુદ્ર આજ્ઞાંકિત બાળકની માફક એમના શબ્દે શબ્દને સાચા દિલ - દિમાગથી અનુસરવા લાગ્યો. અચાનક એક દિવસ એને લાગ્યું કે એ એની સાથે બેસતાં મિત્રોના વિચાર વાંચી શકે છે અને એ ખુશ થઈ ગયો. થોડા માણસો પર પ્રયોગ કરીને ગુરુભાઈઓમાં બડાઈ હાંકવા માર્યો અને પછી એ ગુરુજીને મળવા ગયો અને પોતાના અનુભવો કહેવા બેઠો ત્યારે ગુરુજી બોલ્યાં,

'તું અહીં કેટલાં સમયથી આવ્યો છે ?'

'લગભગ છ મહિનાથી.'

'તારી આજુબાજુના જેટલાં પણ લોકો છે એમાંના ઘણા બધા લગભગ અહીં આઠ નવ વર્ષથી છે. તને એમણે કદી પોતાના કોઇ જ અનુભવો વિશે કશું જ કહ્યું છે ?'

'ના ગુરુજી, કોઇ એક અક્ષર પણ નથી બોલતું. ઉલ્ટાનું હું સામેથી પૂછું તો હું જાણે પરગ્રહવાસી હોઉં એવો વર્તાવ કરે છે.'

'બસ તો તારે પણ એ શીખવાનું છે - રહસ્ય જાળવતાં શીખ, પચાવતાં શીખ. દેખાડો કરવાની તો સદંતર મનાઈ જ છે. અધૂરું જ્ઞાન ઝેર સમાન થઈ શકે છે એ વાત બરાબર જાણી ને સમજી લે જે બેટા! '

'જી ગુરુજી.'

સમુદ્રને તો મજા પડી ગઈ હતી. આટલી મોટી સિધ્ધી..અહાહા..અભિમાનથી છલકાઈ ગયો હતો પણ ગુરુજીની મનાઈ હતી એથી એ કશું બોલી નહતો શકતો. એની અકળામણ વધવા લાગી અને અંદરોઅંદર એની ઉર્જા ઉતપન્ન થવા લાગી. સમુદ્ર એ ઉર્જા થકી હવે પોતાના વિચારો સામેવાળાના મગજમાં મૂકી શક્તો હોય એવું અનુભવવા લાગ્યો. પોતાની બાજુમાં બેસતા શિષ્યને પોતાના જ ગાલ પર લાફો મારવા કહ્યું અને ખરેખર એ શિષ્યએ પોતાને જ લાફો મારી દીધો. પોતે આટલી મોટી સિધ્ધી મેળવી એમ છતાં કોઇને કશું જણાવી શકાય નહીં એનો વસવસો થવા લાગ્યો. બીજાઓ શું જાણે છે શું નહી એની કશી ખબર પડતી નથી અને પોતે શું શીખી ગયો એ કોઇને કહી શકાતું નહતું. વળી બહારથી આવતાં અનેક લોકો બીજા શિષ્યોને પોતાના પ્રોબ્લેમ્સ કહીને એના સોલ્યુશન માંગતા હતાં, એમને મહાન બનાવતાં હતાં. ખરેખરો મહાન તો એ પોતે હતો જે આટલા જ ઓછા સમયમાં આટલું બધું પામી ગયો. એણે હવે ડાયરેક્ટ લોકોને પોતાની સિધ્ધીઓ કહેવાની ચાલુ કરી દીધી. ટોળાને તો શું ? થોડા પ્રમાણ મળ્યાં એટલે સમુદ્ર તરફ વળી ગયાં. સમુદ્ર હવે પ્રસિધ્ધ થઈ ગયો. એનો બધો સમય લોકોની નિસ્વાર્થપણે સેવા કરવામાં અને પોતાની શક્તિઓનો પરચો આપવામાં જ જવા લાગ્યો. લોકો હવે એની પાસે જાતજાતના ચમત્કારોની અપેક્ષાઓ રાખતાં થઈ ગયા હતાં. સમુદ્ર તો થોડું જાણીને જ અટકી ગયેલો પણ લોકોની એનામાં પ્રગટેલી શ્રધ્ધા તો એની મહામૂલી મૂડી હતી એણે બહુ મહેનત કરીને મેળવી હતી. એ છીનવાઈ જાય એ કેમ પોસાય ? લોકોને સમજાવવામાં જ એની બધી ઉર્જા વ્યય થતી ચાલી, બધી આંતરિક ઉર્જા એ બાજુ વળી ગઈ હતી. આ બધાની વચ્ચે સમુદ્રની સાધના પણ અનિયમિત બનતી ચાલી. સાધના વિના તો સિધ્ધીઓ પ્રાપ્ત કેમ થાય ?

થોડા સમય પછી એ પૂરતો સમય કાઢીને સાધના કરવા બેઠો.

એક,બે, ત્રણ કલાક થી ત્રણ દિવસ લાગલગાટ એ સાધના કરતો રહ્યો તો પણ એને કોઇ જ અનુભૂતિ ના થઈ. એ અચંબામાં ગરકાવ થઈ ગયો. આ એની સાથે શું થઈ રહ્યું હતુ ? પહેલાં તો પોતે કેટલી સરળતાથી બધું શીખી ગયો પણ હવે ...એ પોતાને સાવ જ ઉર્જાહીન મહેસૂસ કરવા લાગ્યો હતો. લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરવા હવે એ ભાત ભાતની યુકિત - પ્રયુકિતો વાપરતો અને ચમત્કારના નામે ખોટું બોલતો થઈ ગયો. સહજપણે થતી સાધનાની જગ્યા હવે કાળા જાદુએ લઈ લીધી હતી. પોતાના મનસ્વીપણા અને અતિમહ્ત્વાકાંક્ષાનું ફળ ભોગવતો ભોગવતો સમુદ્ર આજે આટલી બધી પ્રતિષ્ઠાની વચ્ચે પણ દુખી દુખી હતો. કાચની પાછળ દોડવામાં એ સાચો હીરો ખોઈ બેઠો હતો.

અનબીટેબલઃ સ્વાભાવિકપણે મેળવેલી સિધ્ધીઓને ઢંઢેરાની જરુર નથી પડતી, લોકો એને સામેથી જ શોધી કાઢે છે.

-Sneha patel- author,column writer and poet.

Ahmedabad.