Milan aiky books and stories free download online pdf in Gujarati

મિલન ઐક્ય

મિલન ઐક્ય

સમય: રાતના 12

સ્થળ: દિલ્હીનો એક આલીશાન બંગલો

સૂરજ એના ડ્રોઈંગ રૂમમાં બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. પ્રેઝન્ટેશન પૂરું કરીને એણે મેઈલ સેન્ડ કર્યો. કામ પૂરું કરીને એ લેપટોપ બંધ કરવા જ જતો હતો ત્યાં એના સ્ક્રીન પર જી મેઈલનું નોટીફીકેશન આવ્યું. સેન્ડરનું નામ વાંચતા જ એના શરીરમાંથી જાણે ચેતના હણાઈ ગઈ હોય એમ એનો હાથ ત્યાં જ અટકી ગયો. વર્ષો જૂની ફાંસ જેમ શરીરમાં ઊંડે સુધી ઉતરીને એટલા ભાગને સુન્ન કરી નાખે એમ આ નામ એના અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી રહ્યું હતું. એકસાથે ઘણા બધાં પ્રસંગો એની આંખ સામેથી પસાર થઇ ગયા. એણે મેઈલ ઓપન કર્યો. થોડી વાર પહેલાની દર્દભરી સુન્નતા ક્યાંય ઓગળી ગઈ અને એના સ્થાને કબજો જમાવ્યો વ્યાકુળ કરી નાખતી ચિંતા એ. જેમ જેમ એ મેઈલ વાંચતો ગયો એમ એમ એના પીસ્તાલીસી સ્માર્ટ ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાતી ગઈ. મેઈલ બંધ કરીને સૌથી પહેલું કામ એણે ન્યુયોર્કની તરત અવેલેબલ ફ્લાઈટ બૂક કરાવવાનું કર્યું.

--------------------------------------------------------------------------------------------------------------

સમય: બપોરના 2.૩૦

સ્થળ: ન્યુયોર્કની એક હોસ્પિટલ

નિશાંત ક્યારનો એના લેપટોપની સ્ક્રીનમાં તાકી રહ્યો હતો. નહિ નહિ તોય પંદરેક વાર એણે મેઈલનો કન્ટેન્ટ બદલ્યો હશે!! ઘણી અવઢવ પછી એણે મેઈલનું સેન્ડ બટન ક્લિક કર્યું. ’એ આવશે કે નહિ?’ વળી પાછો એ જ સવાલ એને મુંજવી રહ્યો. એનું દિલ કહેતું હતું કે એ જરૂર આવશે. મેઈલ મળ્યા પછી પળવારનો ય વિલંબ કર્યાં વિના એ આવશે; પરંતુ એનું મન ક્યારેક તર્કસંગત દલીલો કરીને એને વિચારતો કરી દેતું હતું. આખરે થાકી હારીને એણે વિચારવાનું પડતું મૂક્યું. હવે ફક્ત રાહ જ જોવાની હતી.

-----------------------------------------------------------------------------------------------------------

ન્યુયોર્ક એરપોર્ટ પર ઉતરીને સૂરજે ટેક્ષી કરી. આખે રસ્તે એ આંખ બંધ કરીને બેસી રહ્યો. વર્ષો પહેલાનાં હઠીલા, અહંકારી મન સાથે એનું અત્યારનું ચિંતિત, વ્યાકુળ મન જાણે યુદ્ધે ચડ્યું હોય એમ સવાલ જવાબની વર્ષા થઇ રહી હતી.

‘મને હવે ઠેઠ ખબર કરી? પહેલા કેમ જણાવ્યું નહિ?’ અહંકારી મન પૂછી રહ્યું.

‘કોને ખબર કરે? જેણે આટલાં વર્ષોમાં એક વાર પણ એની ભાળ ન લીધી હોય એવા તને?’ તરત જ ચિંતાગ્રસ્ત મને વિવાદ કર્યો.

‘હા, પણ તબિયત આટલી બગડી છતાં મને કીધું પણ નહિ? આખરે મારો પણ હક છે એના પર!!’ હઠીલું મન એમ મને શાનું??

‘હક? કેવો હક??કયો હક?! આ જ સૂરજ પંદર વર્ષ પહેલાં ક્યાં હતો જે અત્યારે હકની વાતો કરે છે??’ વ્યાકુળ મન પણ ક્યાં પાછું પડે એમ હતું?

આખરે ટેક્ષીની બ્રેકે એની આ મન સાથે આમથી તેમ ફંગોળાતી સફર અટકાવી. નીચે ઉતરતાં વેંત એની નજર મોટા બધાં બોર્ડ પર પડી. “ફિલ સેફ રીહેબ સેન્ટર”. મેઈલમાં વાંચેલું નામ આંખ સામે આવતાં જ કંપારી છૂટી ગઈ સૂરજને. ’વાત આટલે પહોચી ગઈ અને મને ખબર પણ ન પડવા દીધી? આટલો પારકો કરી દીધો મને?’ સૂરજનું મન કડવાશથી ભરાઈ ગયું. અત્યારે આ બધું વિચારવાનો સમય નહોતો, એ જાણતો હતો સૂરજ. મન મક્કમ કરીને એ બિલ્ડીંગમાં પ્રવેશ્યો. રીસેપ્શન પર પૂછપરછ કરીને એ બતાવેલ રૂમ તરફ આગળ વધ્યો. દિલ્હીથી ન્યુયોર્ક સુધીની સફર કરતાંય આ દસેક ડગલા એને કપરાં લાગ્યાં. ઘડીભર તો થયું કે ત્યાંથી જ પાછો વળી જાય!! પણ પછી પોતાની વર્ષો પહેલાની પીછેહટ યાદ આવી અને એ મજબૂત મન સાથે પરિસ્થિતિનો સામનો કરવા આગળ વધ્યો.

રૂમ નં. 502નો દરવાજો ખોલતાં એના હાથ ધ્રુજી ઉઠ્યા. સામેનું દ્રશ્ય જોઇને એનું હૃદય એક થડકારો ચુકી ગયું. સામેના બેડ પર એક યુવાન દીવાલને અઢેલીને બેઠો હતો. યુવાન તો શું હાડપિંજરનું માળખું જ કહી શકાય!! નિસ્તેજ ચહેરો,ઊંડી ઉતરી ગયેલી આંખો..... સૂરજની સામે પંદર વર્ષ પહેલાનો પોતાનો જ ચહેરો દ્રશ્યમાન થઇ ગયો. આ જ પરિસ્થિતિમાંથી એ પણ પસાર થઇ ચુક્યો હતો અને એના પરિણામ એ આજ સુધી ભોગવી રહ્યો હતો. ‘તો શું નિશાંત પણ એવી જ રીતે??...’

“નહિ........હું એવું ક્યારેય નહિ થવા દઉં!!” સૂરજથી બૂમ પડાઈ ગઈ. નિશાંતે ઝબકીને આંખ ખોલી. વર્ષોની પ્રતીક્ષા ફળીભૂત થતાં આનંદની સરવાણી ફૂટે એમ નિશાંત ખુશીથી ઝૂમી ઉઠ્યો.

“આઈ નો યુ વિલ કમ. આઈ નો યુ વિલ કમ.” આટલું બોલતા તો એની આંખો વરસી પડી. સૂરજે પણ કાળનું અંતર ફગાવતા દોડીને એને બાથ ભરી લીધી.

“તું બોલવ અને હું ન આવું એ બને, દીકરા? પણ આ શું હાલત કરી છે તે તારી? તબિયત આટલી બગડી ગઈ ત્યાં સુધી મને કહ્યું પણ નહિ? સપનાએ ના પાડી હશે, નહિ?” આમ તો આટલાં વર્ષોમાં સૂરજે પણ ક્યાં એની ખબર લેવાની દરકાર કરી હતી. ઘણી વાર વિચારવા છતાં એ સપનાને એક ફોન પણ કરી શક્યો નહોતો. પોતાની એ જાણી જોઇને કરેલી બેદરકારી આજે તિરસ્કાર રૂપે બહાર આવી ગઈ.

“નો પાપા. મોમ શું કામ ના પાડે? ઇન ફેક્ટ એને તો હજી ખબર જ નથી કે મેં તમને અહી બોલાવ્યા છે! એ બસ આવતી જ હશે. પાપા, તમે જોજો, હવે મને એકદમ સારું થઇ જશે. તમે આવી ગયા છો ને!!” નિશાંત ખુબ જ ખુશ હતો. આખરે એનો વિશ્વાસ ફળ્યો હતો. આજે પંદર વર્ષે પોતાના પાપાને જોઇને એ પાછો પોતાના બાળપણમાં જઈ ચડ્યો હતો. પાંચ વર્ષનો હતો એ, જયારે સપના એને લઈને થી અલગ રહેવા જતી રહી હતી. નાનકડો નિશાંત તો નવા ઘરે રહેવા જવા મળશે એ વાતથી જ ખુશ હતો. ધીરે ધીરે એને ખબર પડવા માંડી હતી કે એ નવા ઘરમાં જ નહિ, એક નવી દુનિયામાં પણ આવી ચડ્યો હતો; જ્યાં એના ‘પાપા’નું દૂર દૂર સુધી ક્યાંય અસ્તિત્વ જ નહોતું.

શરૂઆતમાં એ સવાલો કરતો પાપા વિષે જેના મોમ તરફથી ઉડાઉ જવાબો મળતા. સમય જતાં એ સવાલો જીદમાં પરિવર્તિત થવા લાગ્યા. પાપાને મળવાની જીદ, એની સાથે વાત કરવાની જીદ, એને ઘરે લાવવાની જીદ. બાળમનને ફોસલાવવું સરળ હોય છે; પણ એ જ બાળમન જયારે જીદ્દ પર ઉતરી આવે ત્યારે ભલભલાં ખેરખાં પોતાના હાથ હેઠા મૂકી દેતાં હોય છે. બાળહઠનાં ચઢાણ બહુ કપરાં હોય છે. સપના માટે નિશાંતનાં બધાં પ્રશ્નોના જવાબ દેવા હવે અઘરા થઇ પડ્યા હતા. સપનાનાં અવનવા બહાનાઓ પણ હવે નિશાંતની હઠ સામે વામણાં પુરવાર થઇ રહ્યા હતા. શાંત, ડાહ્યો નિશાંત ધીરે ધીરે આક્રમક અને આક્રોશપૂર્ણ વર્તન કરતો થઇ ગયો હતો. અજાણતાં જ એના મનમાં સપના પ્રત્યે નફરત પેદા થઇ રહી હતી. એનું બાળમન એ નિષ્કર્ષ પર આવ્યું હતું કે મોમ જ એને પાપા પાસે જવાથી રોકે છે. નાનપણની એ નફરત મોટા થતાં સુધીમાં તો વટવૃક્ષ બની ગઈ હતી. સપના પણ કદાચ આ તિરસ્કાર ઓળખી ગઈ હતી એટલે જ એ નિશાંતની નાની મોટી બધી જ માંગણી પૂરી કરતી. નિશાંતનાં નાના ખૂબ સધ્ધર હતા અને સપના એમનું એકમાત્ર સંતાન. પૈસે ટકે કોઈ વાતની કમી નહોતી. આ જ વાત નિશાંત માટે નબળી કડી પુરવાર થઇ. પાપાનો બળજબરી પૂર્વકનો વિયોગ, પોતાનો વાંક ઢાંકવા કરાતો મોમનો અનહદ લાડ અને નાનાની અખૂટ દોલત... નિશાંત ધીરે ધીરે ડ્રગ્સનો બંધાણી બની રહ્યો હતો. સપનાને આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં તો પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ હતી. ન્યુયોર્કના બેસ્ટ રીહેબ સેન્ટરમાં એની સારવાર છેલ્લા પંદર દિવસથી ચાલુ હતી.

“ગુડ મોર્નિંગ બેટા.” સૂરજ પરિચિત અવાજ સાંભળીને પાછળ ફર્યો. સપના હાથમાં ફૂલોનો બૂકે લઈને ઉભી હતી. સૂરજને જોઇને એ આઘાતથી ત્યાં જ ખોડાઈ ગઈ. પંદર વર્ષોનો વીતેલો સમય આવી રીતે સામે આવશે એવી તો એને ધારણા જ નહોતી. નિશાંતની ડ્રગ્સની આદતની જ્યારથી સપનાને ખબર પડી હતી ત્યારથી એ રોજ પળેપળ પોતાના ભૂતકાળમાં ગોથા ખાતી તરફડતી હતી. નિશાંતના જન્મ પછી તરત જ સૂરજને ખબર નહિ કઈ રીતે ડ્રગ્સની આદત લાગી ગઈ હતી. સપનાને તો એના વિષે બહુ મોડી ખબર પડી. પરંતુ એ પછી એક પણ પળ ગુમાવ્યા વિના નિશાંતને ખાતર જ એણે સૂરજને છોડીને મુંબઈ જવાનો નિર્ણય કર્યો હતો. સૂરજ એટલી હદે ડ્રગ્સમાં ઊંડો ઉતરી ચુક્યો હતો કે એણે સપનાને રોકવાની પણ તસ્દી લીધી નહોતી.

“એક માં થઈને તું નિશાંતનું ધ્યાન ન રાખી શકી,સપના? શું હાલત કરી નાખી છે મારા દીકરાની? હવે એ તારી પાસે બિલકુલ નહિ રહે. હું આજે જ એને અહીંથી લઇ જઈશ.” સૂરજે ગુસ્સાથી સપના સામે જોતાં કહ્યું.

“બધી વાતમાં મને દોષી ઠેરવવાની તારી આદત હજી પણ એવી જ રહી છે,સૂરજ. પણ એક વાત સાંભળી લે. નિશાંત ક્યાંય નહિ જાય. એ મારી પાસે જ રહેશે.” સપનાએ મક્કમ અવાજે જવાબ આપ્યો.

“દોષ તારો જ છે. નિશાંત ડ્રગ્સ લેતો થઇ જાય ત્યાં સુધી તને ખબર જ ન પડે એ કેવું? બટ ડોન્ટ વરી નિશાંત, હું તારી બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવીશ. યુ વિલ બી ફાઈન.”

“હી ઈઝ ગેટીંગ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ હિઅર,સૂરજ. દિલ્હી કરતાં અહી સારી સારવાર મળે છે એને.” સપનાએ ધારદાર નજરે સૂરજ સામે જોયું. “ડ્રગ્સ લેતા રહેવું અને કોઈને જાણ ન થવા દેવી એ નિશાંતે તારી પાસેથી જ તો શીખ્યું છે. તારો વરસો જાળવ્યો ને આખરે!!” વર્ષોથી ધરબી રાખેલો ગુસ્સો આજે વહાવી દેવો હોય એમ સપના સૂરજને શબ્દ બાણોથી વીંધી રહી હતી.

“મોમ... પાપા , પ્લીઝ. સ્ટોપ ફાઈટીંગ.” નિશાંતે ઉંચા અવાજે કહ્યું.” આઈ નીડ બોથ ઓફ યુ વિથ મી. મારી આટલી વાત તો માનશો ને, પ્લીઝ.” નિશાંત વધુ ન બોલી શક્યો.

“વ્હૂ ઈઝ શાઊટીંગ ધીસ મચ?” બહારથી એક ગોરી નર્સ આવીને પૂછવા લાગી. “નિશાંત, સ્ટોપ પેનીકીંગ. ઈટ વિલ હર્ટ યુ.” એણે ખૂબ જ આત્મીયતાથી નિશાંતને માથે હાથ ફેરવ્યો. “દવા લીધી?” એણે પૂછ્યું. દર્શને ડોકું ધુણાવીને ના પાડી. “યુ નોટી બોય. આટલો મોટો થયો તો પણ દવા લેતી વખતે સાવ નાના બાળક જેવો થઇ જાય છે.” એણે હસીને એને ટપલી મારી અને બાજુમાં પડેલી ટ્રેમાંથી ટેબ્લેટ કાઢીને એને આપી.

“મોમ, તું માફ નહિ કરી શકે પાપાને? ભૂલ બધાથી થતી જ હોય ને? તે મને તો માફ કરી જ દીધો છે ને તો હવે પાપાને પણ....” આંખમાં આંસુ સાથે નિશાંત વિનવી રહ્યો સપનાને. સપનાથી એની નજર સહન ન થઇ. એ નીચું જોઈ ગઈ.

“પાપા, વર્ષો પહેલા તમે માફી ન માંગીને કરેલી ભૂલ આજે મને અહી લઇ આવી છે. હવે બધી કડવાશ ભૂલીને તમે એક ડગલું મોમ તરફ નહિ ભરી શકો? તમારા નહિ તો મારા ખાતર. હું પ્રોમિસ આપું છું કે હવે ક્યારેય ડ્રગ્સને હાથ પણ નહિ લગાડું. પ્લીઝ પાપા.” નિશાંતે એક મરણીયો પ્રયાસ કરી જોયો.

કયો પિતા પોતાના બાળકને આવી રીતે પોતાની જિંદગીની ભીખ માંગતો જોઈ શકે??સૂરજ નિશાંતની લાચારી જીરવી ન શક્યો. એણે પસ્તાવાભરી નજરે સપના સામે જોયું. સૂરજના વિચારો વાંચી લીધા હોય એમ સપનાની આંખમાંથી આંસુ ખરી પડ્યા.

સપના પણ મનોમન વિચારતી હતી કે એણે સૂરજને સુધરવાનો મોકો આપ્યા વગર જ એને છોડીને ભૂલ કરી છે. આવું વિચારવાનું કારણ હતું, નિશાંતની પ્રેમિકા અને આ હોસ્પીટલની નર્સ એના. છેલ્લા પંદર દિવસથી એ એનાને જોતી હતી નિશાંતની દેખરેખ કરતાં. એનાના કહેવાથી જ તો મુંબઈથી ઠેઠ ન્યુયોર્ક નિશાંતની સારવાર માટે આવ્યા હતા. એના જે રીતથી દિવસ રાત જોયા વગર, ધીરજથી નિશાંતની સેવા કરતી હતી એ જોઇને સપનાને પોતાના વર્ષો પહેલાના નિર્ણયનો અફસોસ થતો હતો. કદાચ... એણે પણ સૂરજનો સાથ છોડ્યો ન હોત! તો આજે નિશાંતની આ હાલત ન થઇ હોત. પંદર દિવસથી પોતાની અંદર ઘૂંટાતા એ અફસોસને આજે સૂરજની નજરે પીગળાવી દીધો હતો.

“સપના.”

“સૂરજ.”

બંને એકસાથે બોલી ઉઠ્યા.

“મને માફ કરીશ?”

વર્ષો પછી આજે પહેલી વાર બંનેનું મન એકાકાર થવા પોકારી ઉઠ્યું હતું. પતિ પત્ની વચ્ચેના વિખરાગને આખરે પુત્રપ્રેમે ઓગાળી નાંખ્યો હતો. નિશાંત અને એના ક્યારના આ જોઈ રહ્યા હતા. નિશાંત પોતાના બેડ પરથી ઉઠ્યો અને બંનેને વળગી પડ્યો. નિશાંતનાં ઓશીકાની નીચે પડેલી વર્ષો જૂની તસ્વીર જાણે આજે ફરી સજીવન થઇ ગઈ.

-શ્રદ્ધા ભટ્ટ