Love you.. Dost books and stories free download online pdf in Gujarati

લવ યુ... દોસ્ત !

લવ યુ... દોસ્ત !

ધર્મેશ આર. ગાંધી

-------------------

"રૂહસે ચાહનેવાલે આશિક,

બાત જિસ્મોં કી કરતે નહિ..

બોલ દો ના ઝરા, દિલમેં જો હૈં છુપા,

મૈં કિસીસે કહુંગા નહિ.."

મ્યુઝિક પ્લેયરમાં વાગી રહેલાં આહલાદક, હળવાં સંગીતે યશને વધુ બેચેન બનાવ્યો, અને પડખાં ફેરવાતાં રહ્યાં. બહાર ઝરમર ઝરમર વરસતાં વરસાદની ઠંડક પણ એની ભીતરની એકલતાને હૂંફ આપવામાં અસક્ષમ રહી.

નજીક આવી રહેલો 'ફ્રેન્ડશિપ ડે' એક ખાલીપો મહેસુસ કરાવી રહ્યો હતો. યશનાં અત્યાર સુધીના જીવનમાં, મિત્રો બહુ જૂજ બની શકેલાં, અને જે બન્યાં એ લાંબો સમય ટકી નહિ શકેલાં. પ્રેમની પનોતીથી તો એ જોજનો દૂર જ હતો, પરંતુ એમાં એક અપવાદ રહી ગયો હતો..!

ચાર વર્ષ પહેલાંનો અતીત યશને હજુ પણ જાણે તાજી વીતેલી ક્ષણો જેવો જીવંત લાગી રહ્યો હતો..! ગેલેરીમાંથી આવતી વરસાદી વાંછટ અને ગુલાબ-મોગરાનાં ફૂલો પરથી સરકી રહેલાં પારદર્શક પરપોટાંઓએ એને યાદ અપાવ્યો એ 'કેરળ-પ્રવાસ'…

એક સ્પર્ધામાં 'લકી ડ્રો' થકી યશ, આરોહી અને શિવમ, એમ ત્રણ વિજેતાઓને વિનામૂલ્યે તેર દિવસનો કેરળનો પ્રવાસ કરવાની તક મળી હતી.

એ પ્રવાસ દરમ્યાન એકબીજાનાં સહવાસમાં ત્રણેય અજાણ્યાઓ 'મિત્રો' બન્યાં, મઝા લૂંટી, મસ્તી કરી. કેરળના દરિયાકિનારે, નાળિયેરીના વનમાં, હાઉસ-બોટમાં, કુદરતી હરિયાળીમાં, વરસતાં વરસાદી ફોરાંઓ વચ્ચે દિવસો પસાર થઇ રહ્યાં હતાં, અને પ્રેમ પાંગરી રહ્યો હતો. લાગણીઓ પરસ્પર ઉમંગ-તરંગ જગાવતી, આઘાત-પ્રત્યાઘાત સહન કરતી ઉછળી રહી હતી.

અને પ્રવાસના છેલ્લાં દિવસે..

"કોફી-શોપમાં તારી રાહ જોઈશ, આરોહી. આ ગોલ્ડન ગાઉનમાં તારું સૌન્દર્ય નિખરી ઉઠશે..!" યશે એક સુગંધિત કાર્ડ સાથે આરોહીને ગિફ્ટ-પેક મોકલાવ્યું.

આરોહી સમક્ષ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુકવા યશ અધીરવો બન્યો હતો, અને રાહ જોઈને કોફી-શોપમાં બેઠો. પરંતુ, આરોહી દેખાઈ જ નહિ, કલાકો સુધી.. અંતે થાકીને એ પરત જવા ઉભો થયો, ને એની નજર પડી એક જ નાવમાંથી ઉતરતાં આરોહી તથા શિવમ પર. ડોલતી નાવમાંથી ઉતરવાં માટે આરોહીને સહારો આપવાં શિવમે હાથ લંબાવ્યો. એ દ્રશ્યએ યશની ઉર્મિઓને પાછળ તરફ વાળી.

યશ ગમગીન બન્યો, નિરાશ થયો, પ્રેમની પળ નફરતમાં ફેરવાઈ, અને નફરત ગુસ્સામાં, "તું શિવમ સાથે જલસા કર, જા.. ને મને મારું કામ કરવા દે!" નાં પ્રત્યુત્તરથી આરોહી ડઘાઈ, અપમાનિત થઇ.. એણે તો માત્ર એટલું જ પૂછ્યું હતું, "કેવો રહ્યો તારો પ્રવાસ, યશ..?"

*

કેરળથી વળતી ટ્રેનમાં,

ત્રણેય ગુપચુપ.. બાર દિવસ જિંદગીની મઝા લૂંટી, ને તેરમા દિવસે ત્રણેયનાં મન ખાટાં થયાં. દરેકને એકબીજા પ્રત્યે ફરિયાદ રહી ગઈ, પણ કોઈએ સમાધાન નહિ સ્વીકાર્યું..!

આખરે દલીલોએ જોર પકડ્યું. શિવમે કોઈકવાર આરોહીનો તો કોઈકવાર યશનો પક્ષ લીધો.. અને માત્ર એક જ, અંતિમ નિષ્કર્ષ એ નીકળ્યો કે.. 'કોઈએ કોઈનો પણ સંપર્ક કરવો નહિ.. હવે પછી, ક્યારેય..!'

..અને યશે આરોહી માટે મોકલેલાં કાર્ડ તથા ગિફ્ટ-પેક હજુ પણ હોટેલના કાઉન્ટર પર જ પડ્યાં હતાં. આરોહી પોતાના કોટેજમાં હાજર નહોતી, જયારે વેઈટર તેને યશની ગિફ્ટ સુપરત કરવા આવ્યો હતો...!

*

ચાર વર્ષ પહેલાંની મીઠી, ભીની, હૂંફાળી યાદોને ફરી એકવાર સમેટીને યશ ઉભો થયો, મ્યુઝિક પ્લેયર બંધ કર્યું, અને મનમાં નિશ્ચય કર્યો, આરોહી અને શિવમ સાથે કરેલાં વાયદાને તોડવાનો..!

અને યશ નીકળી પડ્યો.. આરોહીને મળવા, એની માફી માંગવા, એની સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કરવા. એ ચાલી નીકળ્યો...!

*

આરોહીએ આપેલાં સરનામે યશ પુછતાં-શોધતાં પહોંચી ગયો. ઘર સામે આવીને ઉભો... છતાંય અંદર પ્રવેશવાં એનાં પગ નહિ ઉપડી શક્યાં.

ય..શ..!

યશને જોતાંવેંત જ આરોહી રીતસરની ઉછળી પડી એનાં શરીરમાં નવું જોમ સીંચાયું.

"યશ, ચાર-ચાર વર્ષ વીતી ગયાં.. હમણાં યાદ આવી? અને એય આ સમયે..?

મને તારી કેટલી જરૂર મહેસુસ થાય છે, પણ તું નહિ સમજી શકે. ચાલ અંદર.." કહેતી આરોહી યશનો હાથ ખેંચીને અંદર તેડી ગઇ. યશનું હૃદય બમણી ગતિએ ધબકવાં માંડ્યું

"યશ, બે મહીનામાં મારાં લગ્ન છે."

સાંજે આરોહીએ યશ સામે પોતાનું હૃદય ઉંઘાડ્યું.

"વોટ..?" યશ ધબકારો ચુક્યો.

"હા યશ, મારાં લગ્ન નકકી થઇ ગયાં છે, પણ મન હજુ અવઢવમાં છે. મેં શિવમને.. ચાહ્યો હતો કોઈકવાર..!"

આરોહીની અણધારી કબુલાતથી, કાચ તૂટવાનો એક કર્કશ અવાજ આવ્યો. યશના હાથમાંથી છટકેલાં ગ્લાસે ફર્શ પર કાચના ટુકડાંઓ વિખેર્યાં.. સાથે યશના હૃદયમાં એક તિરાડ પડી!

યશને નાનપણથી જ શિખવાડવામાં આવ્યું હતું કે મીત્રોની મદદ એ પહેલો ધર્મ, અને એ ધર્મને યશે પોતાના જીવનમાં હંમેશાં નિભાવ્યો હતો. આરોહીનું હિત વિચારતાં-વિચારતાં ક્યારે એ પોતાને ભૂલી, આરોહી અને શિવમ વિશે વિચારવા લાગ્યો એનું પણ એને ભાન નહિ રહ્યું.

આ પ્રણય-ત્રિકોણ તો હતો, પણ ત્રિકોણ એ રીતે બનેલો હતો કે યશ નામની એ ત્રીજી રેખા પડછાયો માત્ર હતી, અને છતાં બાકી બંને રેખાઓનાં જોડાણનું કારણ પણ એ રેખા જ.. અને આધાર પણ!

આરોહીને આપેલું વચન પૂરું કરવાં યશ આટલાં વર્ષેય શિવમને મળવા.. સાચું પૂછો તો શોધવાં નીકળી પડ્યો.

*

શિવમ..

શિવમ દેસાઈને મળતાંની સાથે જ કેરળના એ મસ્તીભર્યા દિવસો બંનેની આંખ સામે તરવરી ઉઠ્યાં.

"દોસ્ત શિવમ.. સોરી, રિયલી સોરી યાર!" યશે દિલગીરી વ્યક્ત કરી.

"અરે અરે.. માફી તો મારે માંગવી જોઈએ યશ!" શિવમે પણ દિલથી આવકર્યો મિત્રને.

યશને મળતાં જ શિવમમાં જાણે પ્રાણ પુરાયાં. ઘણાં સમય પછી આજે મનનો મેળ થાય એ દોસ્ત મળ્યો. હંમેશા બોલકણો બની રહેલો શિવમ આજકાલ બહુ ઓછાબોલો બની ચુક્યો હતો. અંદર ને અંદર એને કોઈ વાત કોરી ખાતી હતી.

"આરોહી યાદ છે તને, યશ? તેં એનો સંપર્ક કર્યો?" શિવમ પુરી વાતથી અજાણ હતો.

"આરોહી, તારી આરોહી.. રાહ જોઈ રહી છે તારી, શિવમ.. મારું તને મળવા આવવાંનું પણ એ જ એક કારણ છે. એણે જ મને અહીં મોકલ્યો છે.." યશ આંખોમાં ઝાંકળ છુપાવીને અવિરત બોલી રહ્યો હતો, "શિવમ, આરોહીના લગ્ન થવાં જઇ રહ્યાં છે. પણ એ તને અને માત્ર તને ચાહે છે. એનું હૃદય તારી પાસે.. ને શરીર બીજાનું થવાં જઈ રહ્યું છે..!" યશનાં શબ્દો તૂટ્યાં.

"યશ, મારા મિત્ર, એ શક્ય નથી હવે.."

"કેમ? તું નથી ચાહતો આરોહીને?"

"પ્રેમ તો તનેય છે જ ને, આરોહી માટે યશ?"

"શિવમ, સમજવાની કોશીશ કર. એકતરફી પ્રેમનું આયુષ્ય કેટલુ..?"

"પણ યશ, જ્યાં મારાં જ જીવનની કોઇ ખાતરી નથી.. એમાં આરોહીને હું દુઃખી કરું..? તું જ કહે દોસ્ત, એ કેટલું વ્યાજબી..?" શિવમે પોતાની મજબૂરી વ્યક્ત કરી.

"યાર, એવી તો કઇ મજબૂરી નડે છે તને?" યશે જાણવાની જીદ કરી.

"મારી કિડની ફેઇલ થઇ ગઈ છે યશ.. બંને.." અને રુમમાં સન્નાટો છવાયો.

યશ શિવમને વળગી પડ્યો. સાંજના સન્નાટામાં ફક્ત ડૂસકાંઓ ગૂંજતાં રહ્યાં.

શિવમની બંને કિડની કામ નહોતી કરતી. અને ડોક્ટરોનો અંતિમ ઉપાય-આધાર, માત્ર કિડની રિપ્લેસમેન્ટ જ..!

કહેવાય છે ને.. દુઃખ આવે ત્યારે ચારેબાજુથી આવે છે. હવે શિવમ સામે પહાડ જેવો પ્રશ્ન આવીને ઊભો રહ્યો હતો. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે તો અઢળક રૂપિયાની જરૂર.. અને માનો કે રૂપિયાની વ્યવસ્થા થઈ પણ જાય તોયે કીડની..?

રમતના નિયમો બદલી નાખે તેવી ઘટનાની પાછળ પાછળ જ એવી બીજી ઘટના પણ બનતી હોય છે, કે માણસની ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અખૂટ થઇ જાય. અને શિવમ સાથે પણ કંઇક એવું જ બન્યું..!

એક દિવસ,

ઉગતાં સૂરજના સોનેરી કિરણોએ શિવમના હરખમાં જોરદાર ભરતી લાવી દીધી.

*

તાજાં ગુલાબનાં ફુલોથી મઘમઘતી ગાડી મંદિરના આંગણે આવી ઊભી રહી. મંગળ ચોઘડીયે શિવમ અને આરોહીએ પ્રભુની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં.

સહુ સગાં-સ્નેહીઓને ઉષ્માથી ભેટતી, નયનોમાં આંસુ અને મનમાં નવજીવનના ઉમંગે ઉલ્લાસતી આરોહી ગાડીમાં ગોઠવાઈ.

આરોહી અને શિવમને હરખતાં હૈયે અને છલકતાં નયને પ્રેમભરી વિદાય આપીને

યશ આજે પ્રેમની કસોટીમાં ખરો ઉતર્યો.

*

આરોહી-શિવમનાં લગ્ન થતાં જ યશની જિંદગીમાં ફરી શુન્યાવકાશ વ્યાપી ગયો!

ફરી પાછી એકલતા.. ફરી એ જ 'તનહાઈ'..!

જીવનમાં આવેલ આ ખાલીપણાંએ એને સર્જનાત્મકતા તરફ વાળ્યો. બધાંથી જોજનો દુર, સંપર્કથી પર, પોતાની એકલતાને એણે સંગીતમાં ઓગાળી.

"તન્હાઇ.. તન્હાઇ..

મિલોં હૈ ફૈલી હુઇ તન્હાઇ..

તુમકો જો પ્યાર કિયા મૈંને તો સજા મૈંને હૈં પાઇ..

તન્હાઇ.. તન્હાઇ..

મિલોં હૈ ફૈલી હુઇ તન્હાઇ.."

..અને આખો હોલ તાળીઓનાં ગડગડાટથી ગુંજી ઉઠ્યો. પ્રેક્ષકોએ યશના સુર અને સંગીતને વધાવી લીધાં.

અને એક દિવસ અચાનક જ..

શિવમની બ્રીફકેસ સરખી ગોઠવતાં એક કાગળ આરોહીનાં હાથે ચઢ્યો. મહત્વનો સમજીને એને બરાબર જગ્યાએ મુકવાં જતાં આરોહીની નજર એકદમ ચોંટી ગઇ, એ કાગળ ઉપર..

ધ્રુજતાં હાથ, ધબકતું હૃદય, અને ઝીણી આંખોનાં સહારે આરોહી વાંચી રહી..

કિડની રિપ્લેસમેન્ટ, કિડની-મેચીંગનો એ જૂનો રિપોર્ટ..!

"કિડની ડોનર નેઈમ: યશ.. યશ નાયક..!"

અને પૂરાં શરીરમાં એક કંપન અનુભવાયું.

બીજી જ ક્ષણે..

આરોહીનાં મોબાઇલની સ્ક્રીન પર યશનું નામ વંચાયું.. એનો કોલ જોડાઈ એ પહેલાં જ, "આ નંબર અસ્તિત્વમાં નથી. કૃપા કરી સાચાં નંબરની તપાસ કરો.." સાંભળતાં જ મોબાઈલ આરોહીનાં હાથમાંથી સરકીને ફર્શ પર પટકાયો, ને ટુકડાંઓમાં વિખેરાયો..!

યશ જાણે સુક્ષ્મ રીતે શિવમમાં જીવી રહ્યો છે, આરોહીને આજે એ પ્રતિતી થઇ રહી હતી.

"ધડકતાં હ્રદયને એક નવું જીવન અર્પણ કરવું એ જ તો પ્રેમ..!" આરોહીનાં સ્પંદનોમાં યશના એ વણઉકેલ્યાં શબ્દો ગુંજી ઉઠ્યાં, અને 'ફ્રેન્ડશિપ ડે'ના યશના અણમોલ ઉપહારના સ્વીકાર સાથે, આસુંઓથી ભીંજાયેલાં હોઠ ફફડી રહ્યાં હતાં..!

"આઇ લવ યુ ટુ.. દોસ્ત!

આઈ લવ યુ ટુ.. યશ!"

------------------------------------------

◆ ધર્મેશ ગાંધી (DG)

નવસારી