Sarjan Microfiction books and stories free download online pdf in Gujarati

સર્જન માઇક્રોફિક્શન

સર્જન માઇક્રોફિક્શન

લથડિયું

નીવારોઝીન રાજકુમાર

“મમ્મી, આ તો માણસ જેવું લાગતું જ નથી. લાવ, હું જ ટ્રાય કરું.”

માનસીના હાથમાંથી નિશાએ હળવેથી ડ્રોઇંગબુક લઈ લીધી. માનસીએ ફિક્કું હસી નિશાના માથે હાથ ફેરવ્યો.

‘કાશ, આપણી મરજી પ્રમાણે માણસ અને સંજોગો દોરી શકાતા હોત તો ભૂંસી ભૂંસી ફરી ફરી બનાવત.’

સત્તર વર્ષનાં સહજીવનમાં કેટલાં જીવન જોઈ લીધાં! જૂનાગઢથી અમદાવાદ જીવનનું ચગડોળ ચક્કર આવી જાય એમ ફર્યુ હતું.

“એ તો મને હાથ પણ કયાં લગાડવા દે છે!” સમીર પછી બીજા બાળક વિશે પૂછતા મિત્રોને આ વાક્ય પાછળની પીડા કયારેય ન જણાઈ.

રાણીથી માંડી જાંબલી સુધી દરેક રંગમાં ખીલી ઊઠતી માનસી રૂપગર્વિતા હતી.

જરાક ભીનેવાન સમીરનો ધંધો ઘણી વાર લથડિયાં ખાઈ જતો.

“તારામાં ઠેકાણાં હોત તો મારે નોકરીની નોબત જ ન હોત.” ધંધાને લગ્નજીવન સાથે શું લાગે વળગે એ વિચારતા સિવિલ એન્જિનિયર સમીરને આ ઘા જનોઈવઢ લાગતો પણ બજારની તેજીમંદી માણસના હાથમાં હોત તો જોવાનું શું હોત!

“મમ્મી, આજે આ ચિત્ર રહેવા દઈએ. તારી સિરિયલનો ટાઇમ થયો છે. ચાલ, ટીવી જોઈએ.”

રિમોટથી ચેનલો ફેરવતી નિશાને અમિતના શબ્દો યાદ આવતા હતા. “મારી ગેરહાજરીમાં મમ્મીને ઉદાસ થવા ન દેતી. થોડી મોટી થઈશ પછી કારણ સમજાવીશ.” છઠ્ઠા ધોરણમાં ભણતી નિશા પપ્પા-મમ્મીનાં જીવનમાં ચાલતી ઊથલપાથલ નહોતી સમજતી એવું કયાં હતું! પણ કેટલીક વખત નાના કે અબુધ દેખાવાથી ઘણાં સંબંધો નાજુક શરમથી બચી જાય છે. આજે મમ્મીનું માનસિક બળ બની રહેલી નિશા માનસીને બે પળની ઉત્તેજનાની અને પછી સમીરની જીદનાં કારણે એક મોટી ભૂલ લાગી હતી.

અમદાવાદમાં તેજીમાં દિવસો આવ્યા, “સમીર, હવે તો મને રિલેક્સ કરવા દે, બહુ ઢસરડા કર્યા છે.” બાઈના ભરોસે બાળકોને મૂકી ફરતી થયેલી મુસ્તાક માનસીના જીવનમાં પણ તેજી આવી હતી.

ટીવી સ્ક્રીનની જાણે લેપટોપની સ્ક્રીન બની ગઈ. ગળે હાથ વળગાડી ઊભેલા સમીર અને અંજલિ ખાનગી ફોલ્ડરમાંથી બહાર આવી માનસીની મશ્કરી કરી રહ્યાં હતાં.

“આ તો જીવન જેવું લાગતું જ નથી. પણ હવે હું શું કરું?”

માનસીએ ડૂસકું છૂટુ મૂકી દીધું.

***

ખુદા

ધ્રુવ દવે

“રહેવા દે.”

“કેમ?”

“તું હજુ કાચું લોહી કહેવાય.”

“અબ્બુ, તો પાકું લોહી કોને કહેવાય?”

“અત્યારે નહીંં સમજાય.”

“મારે જાણવું છે, મૌલવી સાહેબ તો કે’તા હતા કે તમારા અબ્બુ જ તમારા ખુદા છે, એ જે કહે તે ખરું”

“તો લે ઉઠાવ બંદૂક!”

રડી પડાયું અફઝલથી ખુદાને યાદ કરતાં જ ફાંસી સમયે!

[મૂળ વતન મહેસાણા બાજુનું મુજપુર નામનું એક નાનકડું ગામ, હાલમાં અમદાવાદ સાહિત્યની તમામ શાખાઓનો ચાહક, ભાવક અને વાહક રિયલ એસ્ટેટ કંપનીમાં લેન્ડ અપ્રેઝર

***

બદલો

દિવ્યેશ વિ. સોડવડિયા

“શાંત! લે આ કાર્ડ, મારા લાયક કોઈ કામ હોય તો યાદ કરજે.” તાજેતરમાં વકીલ બનેલા મિત્ર રાજે વિઝિટિંગકાર્ડ આપતા કહ્યું. ખિસ્સામાં મૂકતી વેળા શાંતથી અજાણતાં તે નીચે પડી ખોવાઈ ગયું.

બીજા મહિને જ શાંતની ઓફિસના ઉદ્ઘાટનમાં બધાને ચાટ-પ્લેટ પીરસવામાં આવી. પ્લેટ તૈયાર કરનાર વ્યક્તિ વકીલની પ્લેટમાં જ ચમચી મૂકવાનું ભૂલી ગયો.

બે મિનિટ પહેલા શાંતે આપેલ વિઝિટિંગકાર્ડની વકીલે ચમચી બનાવી, ને તે ચમચીથી ચાટ જાપટી. તેના ચહેરા પર બદલો હસી રહ્યો હતો.

શાંતે તેની ઓફિસની દીવાલ પરના બોર્ડમાં ટાંકણીથી ભોંકાવેલું વકીલનું કાર્ડ જોયું.

“આમાં મારો શું વાંક?” કાર્ડ જાણે કહી રહ્યું હતું. વકીલની નજર બોર્ડ પર જતાં તેના હાથની બદલો ભોગવતી ચમચી તેને ભારે લાગવા લાગી.

“આનો બદલો!” તેણે કહ્યું.

[ સુરતનો રહેવાસી છું. હાલ Ongc માં ઇલેક્ટ્રિકલ ઈજનેર છું. પણ શોખ તો ગુજરાતી સાહિત્યમાં ગળાડૂબ જીવવાનો છે. તેથી ગુજરાતી ભાષામાં માઇક્રોફિક્શન અને શોર્ટ સ્ટોરીઓ લખું છું. આ શોખ પૂરો કરવાનો માર્ગ મને અક્ષરનાદ અને સર્જન ગ્રૂપે આપ્યો છે.]

***

ડુગડુગી

જલ્પા જૈન

વૈશાખી ગરમીમાં અમદાવાદની સડકો ઊના લહાય જેવા શ્વાસો ભરી રહી હતી. ભરબપોરે સોંપો પડી જાય એવી નિરવ શાંતિમાં એક ડુગડુગી યંત્રવત્ હાથમાં ડુગ ડુગ કરતી હતી.

એક તાવગ્રસ્ત ભૂખ્યું અશક્ત શરીર પેટનો ખાડો પૂરવા ધરાર તેના પગ સાથે ઢસડાઈ રહ્યું હતું.

હાથની દોરીએ વળગાળેલી ‘ચંપા’ વાંદરી પાછળ મટકાટી ચાલતી હતી.

અરે એ નટ્ટવાળા અહીંયાં આવજે જો.

તે અવાજની દિશા તરફ દોરાયો.

બેત્રણ વાસી રોટલી અને પાઉં સાથે એક હાથ લંબાયો. ખુશી સાથે આગળ વધેલા એ હાથને, એકાએક પાછળથી ફેંકાતા શબ્દોએ આંચકી લીધો.

“ટીલુ, જ્યાં સુધી આ મૂગું જનાવર ખાઈ ના લે ત્યાં સુધી તું અહીં જ ઊભો રે, આ લોકનો કાય ભરોસો?”

[ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમસંગીતની ચાહક છું. અભ્યાસે C. S. C.A. LLB. ‘સર્જન’ ગ્રૂપ થકી માઇક્રોફિક્શન લખવાનું શરૂ કર્યુ.]

***

એક સવાલ

ઝીલ ગઢવી

“જયારે પણ યુદ્ધ થાય ત્યારે એના માટે દોષનો ટોપલો સ્ત્રીના માથે ઢોળવામાં આવે. એ નથી જોતાં કે યુદ્ધમાં મૃત્યુ કોનું થાય?”

“સાચી વાત. તો એના માટે શું કરવું જોઈએ?"

“અંત લાવો.”

[હું ઝીલ ગઢવી. ૨૦ વર્ષની વય, હાલમાં માસ્ટર ઇન કમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ કરી રહી છું. મને વાર્તા વાંચવી, લખવી ગમે છે. ચિત્ર અને સંગીતની શોખીન છું.]

***

ખરતો તારો

ધર્મેશ ગાંધી

“મમ્મી, જુઓને ખરતો તારો!” એંજલનો કોમળ અવાજ પડઘાયો.

“શું ફાયદો?” એક હૂંફાળો નિઃસાસો નીકળ્યો.

“વિશ' માંગો તો!”

“માંગી હતી, ક્યારેક.”

“પછી?”

યુવતીએ તેજથી ઝળહળતા એક તારાને અનિમેષ દૃષ્ટિએ નિહાળ્યો; હથેળીઓમાં ખરેલા તારાની રાખની મહેક અનુભવી, “પછી એ પોતે ‘તારો’ બની ગઈ!”

રાતનો સન્નાટો એકલવાયી યુવતીએ પેટના શૂન્યાવકાશ પર હાથ ફેરવ્યો. એક તારો ખેરવી નાખ્યાનો ખાલીપો વર્તાયો.

[હું નવસારીનો રહેવાસી. સોફ્ટવેર એન્જિનિયર, એકાઉન્ટન્ટ તથા અંગ્રેજી-ગુજરાતી માધ્યમના ટ્યૂશન કલાસીસ ચલાવું છું. અમેરિકાનો પાંચ વર્ષનો ‘વર્ક-વિઝા’નો અનુભવ પણ ખરો. અક્ષરનાદ માઇક્રોફિક્શન વાર્તા-સ્પર્ધાએ પ્રથમ ક્રમાંક આપીને મને તેમ જ મારી કલમને ચોંકાવનારી ખુશી આપી.]

***

પરપોટો

લતા સોની કાનુગા

આજે પેરાશૂટ જમ્પિંગની ટ્રેનિંગ માટે પસંદગીની ટેસ્ટ હતી. એમાં હાઇટ વેઇટ હેલ્થ એમ અલગ અલગ ટેસ્ટ હતી. મને ખાતરી હતી બાકી તો બધી ટેસ્ટમાં પાસ થઈ જઈશ પણ હેલ્થ ટેસ્ટમાં કદાચ એક તો જન્મજાત શ્વાસની તકલીફ ને પાછું એને કારણે ઊંચાઈથી નીચે ન જોઈ શકવાનો મેનિયા.

પણ નક્કી જ કર્યું હતું. ગમે તે ભોગે આ ટ્રેનિંગ લેવી જ છે. જો આ ટ્રેનિંગ લઈશ તો જ મારું આગળનું મુખ્ય સપનું પૂરું કરી શકીશ.

ને ધાર્યું હતું એમ દરેક ટેસ્ટમાં પાસ. હેલ્થની ટેસ્ટમાં પણ ઊંડા શ્વાસ લેવા શ્વાસ રોકવા એ બધા યોગના પ્રયોગો કરીને પાસ તો થઈ ગઈ. ખરી કસોટી તો હવે જ થવાની હતી.

ને એ ટ્રેનિંગ શરૂ થઈ. ને પહેલે દિવસે જ હેલિકોપ્ટરમાંથી જમ્પ મારવાનો હતો. બસ એક જ ધ્યેય સાથે મન મક્કમ કરીને યા હોમ કરી ને ગ્રૂપમાં બધામાં પહેલી. જાતને ખાતરી થઈ મનનાં શરીરના પરપોટાને તો જરૂર ઉડાડીને ફોડવાની મજા માણીશ.

[વાંચન-લેખન-પ્રવાસ-ગૂંથણ ને ફોટોગ્રાફીનો શોખ. જો કે ૫૯ વરસે કુટુંબની જવાબદારીમાંથી મુક્ત થઈ પછી લખતી થઈ.]

***

જય માતાજી

સુષમા શેઠ

અને તેનાં બે વર્ષથી વેચાયાં વગરનાં પડી રહેલાં ચાઇનાથી સસ્તામાં આયાત કરેલાં રમકડાનાં બધાં જ પ્લેન ત્રણગણા ભાવે વેચાઈ ગયાં.

અમેરિકાના વિઝા મળી જતા જ તેના હરખઘેલા નાના ભાઈએ ગર્લફ્રેન્ડ રાખીને કહીને આખી કોલેજમાં વાયુવેગે એવી વાત ફેલાવી કે,

“સંતોષીમાના મંદિરે પ્લેનનું રમકડું ચઢાવવાથી અમેરિકાના વિઝા અવશ્ય મળી જાય છે.”

[ મુંબઈથી હોમ સાયન્સમાં બીએસસી કર્યું, પ્રી પ્રાઇમરીમાં શિક્ષક તરીકે કામ કર્યું, સામયિકો માટે વાર્તાઓ લખી છે અને ઇનામ પણ જીત્યાં છે. ૫૬ વર્ષની ઉંમરે હજુ પણ લખવાની ઇચ્છા જોર કરે છે.]

***

તપાસ

કુસુમ પટેલ

પીડાથી તરબતર છૂંદાયેલા માંસના લોચા જેવું શરીર દિલ્હીના જાણીતા રસ્તાને વળાંકે કણસી રહ્યું હતું.

ઝગમગ લાઇટો એ શરીર પર પડી ચહેરા પરથી પસાર થઈ વળી જતી, ફાટેલી સ્લીવમાંથી હાથ ઊંચો થાય એ પહેલા તો માણસનાં મોં ફરી જતાં, આ જોઈ શરીરની અંદર રહેલો આત્મા કરગરી ઊઠતો, મૂક આક્રંદ કરતો, પણ સાંભળનાર કોઈ નો’તુ.

અંતે થાકી હારી, પીડાથી ત્રસ્ત શરીર અને માનવીને નામે ફરતાં કળજુગિયાં પ્રાણીની જમાતને ત્યજી દેવાનો નિર્ણય એ પીંખાયેલ આત્માએ લઈ લીધો.

એકવીસી શરીરમાંથી છૂટું પડવા માટે એને પણ રીતસરનું ઝઝૂમવું પડ્યું.

છેવટે એ આઝાદ થયો

અને પછી.

એક કટોરી પકડેલ હાથે પોતાના શરીર પરનો જીર્ણ-ક્ષીર્ણ કાંબળો રસ્તે પડેલા એ શરીર પર ઢાંક્યો અને ત્યાંથી ચાલી નીકળ્યો.

પોલીસ આવી; નિષ્પ્રાણ શરીરને તાબે લીધું.

શરીર પર અમાનવીય કૃત્ય થયાની સાબિતી કરવા, માનવીય કૃત્યની ચાડી ખાતા એકમાત્ર જીર્ણ-ક્ષીર્ણ કાંબળાની તપાસ આદરી.

[લેખિકા-રેડિયો જોકી-પબ્લિક સ્પીકિંગ ‘ટ્રેઇનર તેમ જ એંકરિંગ ક્ષેત્રે કાર્યરત, અનેક કાવ્ય તેમ જ વાર્તાસ્પર્ધાઓમાં મારી કૃતિ વિજેતા રહી છે. કૃતિ વાચકોનાં મન સુધી પહોંચે એ જ મારી કલમની સાચી સાર્થકતા.]

***

વૈતરાં

મીનાક્ષી વખારિયા

“સત્યાના બાપુ, તમને કહી કહીને થાકી ગઈ પણ મારી વાત તમારે કાને પડતી નથી.” રમેશભાઈની પત્ની સવિતાબહેને બળાપો કાઢ્યો.

“તારી આ એકની એક વાતથી હું કંટાળી ગયો છું. તને કહી દઉં કે એને ભણાવવાનો મારો ફેંસલો આખરી છે. લીધું રટણ મૂકશે નહીં તો હું સાચેસાચ કાનમાં પૂમડાં નાંખીને બેસી જઈશ નહીં તો ઘર છોડીને સંન્યાસી થઈ જઈશ. ધ્યાન રાખજે.”

“થાય ઈ કરી લ્યો, હું રટણ તો નહીં મૂકું, પૂમડાં માટેનું રૂ તો મેં સંતાડી દીધું છે. ઘરની બહાર જઈને તો જુઓ જરા.” સવિતાબહેન થોડું ફિક્કું હસી પડતાં બોલ્યાં.

“તોબા તારાથી તો બૈરું કીધું એટલે થઈ રહ્યું બુદ્ધિ તો પગની પાનીએ જ.” હવે રમેશભાઈનો ગુસ્સો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો.

“તમે એને વધુ અભ્યાસ માટે આગળ વધવાની મંજૂરી આપીને, તમારા નહીં પણ મારા પગ પર કુહાડો માર્યો છે. તમારા તઘલખી ફેંસલાને કારણે મારે હજીય ઘરનાં વૈતરાં કર્યે રાખવાનાં એમ જ ને?”

“તને કોણ કહે છે કે તું વૈતરાં કર્યે રાખ! આ બધું કોના માટે કમાઉં છું? બેત્રણ નોકર રાખી લે પણ ગીતાના ભણતર આડી ન આવતી, ભણતર તો જિંદગીમાં ક્યારેય કામ લાગે. એના જેવી હોશિયાર છોકરી ઘરની ચાર દીવાલમાં ગોંધાઈ રહે તે મને પસંદ નથી. ગીતાને ઘરમાં તારા રોટલા ટીપવા બેસાડી રાખું તો હું પાપમાં પડું. એ પરદેશ જવાનું કહેશે તોય હું એને મોકલીશ.”

ત્યારે વાત જુદી હોત જો એ ‘છોકરી’ તમારી પોતાની દીકરી હોત તો.

ને રમેશભાઈનો સણસણતો તમાચો અને સવિતાબહેનનો ગાલ.

[ મુંબઈમાં ઘણી સાહિત્યિક સંસ્થાઓમાં મેમ્બર છું. અહીંની ચાલતી લેખનપ્રવૃત્તિમાં ભાગ લેતી રહી છું. સ્ત્રી, અભિષેક અને અનેક ઓનલાઇન મેગેઝિનમાં મારી વાર્તાઓ અને નિબંધ અવારનવાર છપાતાં રહે છે. અત્યારે અક્ષરનાદના સર્જન ગ્રૂપ સાથે માઇક્રોફિક્શન લખવામાં પ્રવૃત્ત છું. આ છે મારી નિવૃત્તિમાં પ્રવૃત્તિ.]

***

વળગણ

અલ્પા જોશી

“ચાલ, આજે એક સિગારેટ પીવાની છૂટ આપ.” એણે ગાડીના સ્ટિયરિંગ ઉપર હાથ ફેરવતાં આંખ મિચકારી કહ્યું.

“ઓહ! લોકો ગમમાં સિગારેટ પીતા હોય તારે હું ન હોઉં તો સિગારેટ પીવાની.”

“ના, તું છે એની ખુશીમાં પીવાની.” એણે વચ્ચેથી વાત ઉપાડી લીધી.

‘તેરે આને કી જબ ખબર મહેકે, તેરી ખુશ્બુ સે સારાં ઘર મહેકે રેડિયો પરના ગીત સાથે એ પણ મોજમાં આવી ગયો.

“ચાલ પાર્ટી કરીએ, તું પીશ?” એ ફરીથી મારી સામે જોઈ મૂછમાં મલક્યો.

“શું?”

“સિગારેટ જ ને!”

“છ દિવસમાં તે સિગારેટ છોડી દીધી, હવે શું કામ એને યાદ કરવાની?” કેટલી ખુમારીથી હું બોલી ગયેલી.

ટ્રેનની વ્હિસલનો તીણો અવાજ એના હૃદયની આરપાર નીકળી ગયો ને એ જાગી ઊઠી ને આરક્ષિત ડબા તરફ ચાલવા લાગી. બારીની બહારનું પ્લેટફોર્મ ધીરે ધીરે છૂટી રહ્યું હતું, એ ફરી ભીની આંખે હસી, “મને છોડતાં તો છ કલાક પણ.”

[વડોદરાના અથર્વ વિદ્યાલયમાં શિિક્ષકા, લેખિકા અને ગાયિકા, સર્જન વોટ્સએપ
ગ્રૂપમાં સક્રિય માઇક્રોફિક્શન લેખન કરે છે]

***

વઢ

મીતલ પટેલ

“અલી સુખી, ચાર બાળકો જણ્યાં પછી પણ શું ડરે છે ડોક્ટર પાસે જતાં?”

“ડોક્ટર પાછા ગુસ્સે થશે. સોનુ વખતે જ એમણે ચોખ્ખું કહી દીધું હતું, હવે પછી આવશે તો તારી સુવાવડ અહીં સરકારી અસ્પતાલમાં નહીં કરાવીએ.”

“એ તો કરાવે, ગભરાવવાનું નહીં આપણી લતાની છ સુવાવડ ત્યાં જ થઈ છે, ૧૦૮ પર ફોન કરી દેવાનો.” પાડોશી માયાએ એનું જ્ઞાન પ્રદર્શિત કરતાં વિશ્વાસથી કહ્યું.

“જ્યારે પણ બતાવવા જઈએ ડોક્ટર વઢે છે શા માટે? કોઈ ઓપરેશન કરાવવા કહે છે, ગોળીઓ લેવા કહે છે, અથવા કોઈ કડી બેસાડવા કહે છે. મને સમજ નથી પડતી બાળકો તો ભગવાનની દેન હોય છે એમાં હું શું કરું?”

ડરતાં ડરતાં સુખી ટેબલ પર સૂતી, કેસ હિસ્ટ્રી જોતાં જ ડોક્ટર બોલ્યા, “તું પાછી આવી ગઈ, તને ના પાડી હતી ને. હવે પાછી આવશે તો તને નહીં લઈએ.” ચકાસ્યા પછી ડોક્ટરે દવા લખી આપી અને નવી તારીખ આપી તિરસ્કારથી એની તરફ એક નજર નાંખી બીજા દર્દીને ચકાસવા ચાલ્યા ગયા.

પ્રોજેક્ટ માટે બ્લડ કલેક્શન અને હિસ્ટ્રી લખવામાં વ્યસ્ત મેં એક નજર સુખી પર નાખી, એનિમિક (લોહીની કમી) સુખીમાં પોષણનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. આ સંવાદ અને સુખીની હાલત જોઈ હું વિચારમાં પડી ગઈ.

મેં પણ સુખીને સમજાવવાની નિરર્થક કોશિશ કરી.

“રહેવા દો બહેન પથ્થર પર પાણી છે. આ લાઇન જુઓ છો. શ્વાસ લેવાની પણ ફુરસદ નથી મળતી. કુપોષિત બાળકોની ભરમાર.” ડોક્ટરની ચીડ હજી પણ યથાવત્ હતી.

ડોકટર શા માટે એને વઢે છે, પોતાનું લોહી બાળે છે? સુખી તરફ નજર કરી તો એ એની ફાઇલની રાહ જોતી નિર્લેપ જાણે કઈ જ ના થયું હોઈ એમ નજર છુપાવી બેઠી હતી.

‘નિરક્ષરતા’ બબડતી હું પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ.

[હું મીતલ નિમેષ પટેલ, મુંબઈની રહેવાસી, મેડિકલ લેબ ટેકનોલોજીમાં માસ્ટર્સ કર્યું છે. વાંચવા લખવાનો શોખ બાળપણથી એ ચાહત અને સર્જન ગ્રૂપ થકી હવે હું સર્જનકાર છું.]

***

રજની

શૈલેશ પંડ્યા

રજનીની આંખો ઊભરાઈ. એ વિચારવા લાગી કે ક્યાં મારો પ્રેમી કિરણ અને ક્યાં આ ઐયાશી અને વાસનામાં ડૂબેલ પતિ કિરણ? સવારનાં સોનેરી હૂંફાળાં કિરણની જેમ મારા જીવનમાં પ્રવેશેલો, અને આજ એ કિરણનો સ્પર્શ જાણે કે દઝાડે છે. પિતાએ તો ઘણું સમજાવી હતી કે ‘બેટા યુવાનીના ઉંબરે થતી ભૂલ, એના કારણે કઈ આખી જિંદગીભરનો પસ્તાવાનો ભારો તો ના જ બંધાય.’

પણ ત્યારે કિરણના પ્રેમમાં ગળાડૂબ થયેલી રજનીને પિતાના શબ્દો નિરર્થક લાગ્યા. પ્રેમી કિરણ સિવાઈ ક્યા કંઈ દેખાતું.

લાચાર પિતાએ દીકરી સામે ઝૂકીને હાર માની. એક બાજુથી ગરીબાઈ જનકરાયના બારણે અડિંગો જમાવી બેઠી હતી, બીજી બાજુ દીકરીની જીદ. આખરે જનકરાય અને સરોજબહેને દીકરીની પસંદગી પર મનેકમને સ્વીકૃતિની મહોર મારી દીધી. નાનકડું કુટુંબ ભેગું કરી પહોંચ પ્રમાણે સાદાઈથી લગ્ન પૂરાં કરી ફરજમુક્તિના ભાવ સાથે દીકરીને વિદાઈ આપી. પત્નીનાં ઘરેણાં વેચ્યાં ત્યારે દીકરીના આણા માટેની જોગવાઈ માંડ-માંડ થઈ. એકની એક દીકરીની વિદાય પિતા માટે વજ્રાઘાત સાબિત થઈ. જનકરાયને કન્યાવિદાયના સમયે જ દવાખાને દાખલ થવું પડ્યું હતું.

દીકરીનું સપ્તપદી પરનું એક એક ડગલું ગરીબી તરફથી અમીરી તરફ મંડાતું હતું, છતાં પણ તેઓ ખુશ નહોતા.

જોરદાર વર્ષાની છાલકે એને જગાડી. એણે વરસાદથી ભીંજાયેલો ચહેરો અને અશ્રુથી ભીંજાયેલી આંખો લૂછતાં જ જાણે કે બધી વેદનાઓ આંસુ સાથે વહી ગઈ હોઈ એમ એ ફ્રેશ થઈ ગઈ.

કિરણને આવવાને વાર હતી. એ ઝડપથી પોતાની રૂમમાં નાનકડી કૃપાની ચાકરીમાં લાગી ગઈ. જન્મથી જ અપાહીજ અને અર્ધ-પાગલ. કિરણ અને રજનીના પ્રેમની પ્રસાદી કૃપા, રજનીની એકલતાનો એકમાત્ર સહારો

અને કિરણનો લથડતા પગલે પ્રવેશ. રોજની જેમ આજે પણ દારૂ અને માંસની બદબો રાતભર રજનીને.

[ એમ. એ. બી. એડ્. ઇંગ્લિશ. શ્રી પ્રણામી હાઈસ્કૂલમાં મ.શિ. અંગ્રેજી વિષય. વાંચન, લેખન, ફરવાનો બેહદ શોખ તથા કાવ્યસર્જન, તબલાંવાદન મનગમતી પ્રવૃત્તિ. મૂળ વતન સાવરકુંડલા હાલ જામનગરમાં સ્થાયી.]

***

નાસ્તિક

લીના વછરાજાની

“સાવ નાસ્તિક કેમ છો? જરાક તો ઈશ્વરમાં આસ્થા રાખ! એની મરજી વિના પાંદડુંય નથી હલતું.”

“મોમ, પ્લીઝ ડાયલોગ નહીં.” કરુણા દુ:ખી થઈને મૌન થઈ ગઈ.

કેવલને કેમ ધર્મ અને પરંપરાઓની આટલી ચીડ હતી એ જ સમજાતું નહોતું. શ્રાવણ મહિનામાં મહાદેવ પર બીલીપત્રનો અભિષેક કેવલ બધા વડીલોની વઢ ખાઈને કરતો ત્યારે કરુણા મન મનાવે કે, “હશે, ઓલા પારધીએ જેમ અજાણપણે જ બીલીપત્ર ચડાવ્યાં ને એને ફળ મળ્યું એમ મહાદેવ મારા દીકરાને કોક’દિ સદ્બુદ્ધિ બક્ષશે.”

રોજની જેમ કેવલ પરાણે પ્રાર્થના કરી કોલેજ જવા નીકળ્યો. કરુણાએ કીધેલા “જય શ્રીકૃષ્ણ”ના જવાબમાં મશ્કરીભર્યા સ્વરે

“મોમ, તારા શિવ, રામ, કૃષ્ણને પૂછજે કે એક્ઝામનું ટેન્શન કોઈ વાર લીધું છે? ખબર પડે કેવી વાટ લાગી જાય!”

કરુણા મનમાં ભગવાનની માફી માંગતી કામે લાગી ગઈ.

કલાક પછી કેવલના મોબાઇલ પરથી કોઈ અજાણ્યાનો ફોન આવ્યો કે કેવલને સખત ખરાબ એક્સિડન્ટ થયો છે અને ૧૦૮માં સિટી હોસ્પિટલ લઈ ગયા છે.

પરિવાર આખો અધૂરા જીવે હોસ્પિટલ પહોંચ્યો. મલ્ટિપલ ફ્રેક્ચર્સ અને નાનામોટા ઉઝરડાઓ સાથે કેવલને વોર્ડમાં લાવ્યા ત્યારે કરુણા ઢીલી થઈ ગઈ. માનતા લેવાઈ ગઈ. પછીનો મહિનો રૂઝ આવતાં ડોક્ટરે ફિઝિયોથેરાપી ચાલુ કરવાનું કહ્યું.

પહેલા જ દિવસે કેવલ ફિઝિયોથેરાપી સેન્ટરમાં પ્રવેશ્યો અને ખૂબ આશ્ચર્યચક્તિ થઈ ગયો. સેન્ટરમાં ધીમા મધુર અવાજે હનુમાનચાલીસાની સી.ડી. વાગતી હતી. તે દિવસે તો કંઈ બોલ્યા વગર અણગમાથી કસરત કરી.

“અહીંયાંય?”

પછી રોજ જ નવા નવા સ્તોત્ર સાંભળવા મળે.

એક દિવસ સહેજ કંટાળાથી ડોક્ટરને પૂછી જ લીધું, “તમેય આ બધા આધ્યાત્મિક રસ્તાઓમાં માનો?”

“હા, બેટા ચોક્ક્સ ઇનફેક્ટ બહુ દૃઢતાપૂર્વક માનું.

એમ કહેવાય કે અમે ડોક્ટર્સ ભગવાનનું જ રૂપ કહેવાઈએ પણ કેટલીક વાર એવા જટિલ સંજોગો સામે આવી જાય કે અમે પણ એ ઉપલી ઓથોરિટી સામે નતમસ્તક વિનંતી કરતા થઈ જઈએ. હું તો એવું માનું કે એની મરજી વગર પાંદડુંય હલતું નથી.”

પંદર દિવસ પછી કેવલ કરુણાને “તેં મારે માટે માનતા લીધી એ પૂરી નથી કરવી?”

[ સિંગર અને એન્કર હોવાની સાથોસાથ લેખન પણ માર ું પેશન છે. હાલમાં અંધજનમંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે આઠેક વર્ષથી હું માનદ સેવા આપી રહી છું.]

***

મતાધિકાર

એંજલ ધોળકિયા

પોડિયમ પરથી જનરલ મિટિંગ સંબોધતાં સંગીતા ચોક્સીને આખી કંપનીના લોકો ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં.

“મેડમની સલાહ ક્યારેય ખોટી નથી હોતી. અને તને ખ્યાલ છે માત્ર બીકોમ ગ્રેજ્યુએટ છે. ૧૨ વર્ષના કરિયરમાં જાતે બધું શીખી મેનેજર  બન્યાં છે.”

પટાવાળાએ ધરેલો ચાનો કપ હાથમાં લેતા વિવેકે આંખોમાં ચમક સાથે જવાબ આપ્યો. “સાચ્ચે યાર, લેડી તો આવી હોવી જોઈએ! કેવી જબરદસ્ત પર્સનાલિટી છે સંગીતા મેડમની.”

આગળ વખાણ કરે ત્યાં પત્નીનો ફોન આવ્યો, “અતુલ, પ્રોપર્ટી ડીલર આવ્યા છે હું અને બા ઘર જોતાં આવીએ?”

“મૂરખ છે? એ પ્રોપર્ટી ડીલર બોલે એમાં ધૂળ ને ઢેફાં સમજશો? હું સાંજે એની બધી સાઇટ જોતો આવીશ અને ફાઇનલ કરી દઈશ. અત્યારે એને કહી દે સાહેબ ઘરમાં નથી.”

કટ થયેલા ફોન સામે એમ.કોમ. ફર્સ્ટ ક્લાસ નીતા થોડી પળો તાકી રહી.

[હાલ વડોદરા મૂળ કચ્છની. HRમાં માસ્ટર્સ અને નોકરી. સાથે સાથે વાંચન, સંગીત અને ફરવાનો શોખ. લેખનનો ચસકો છેલ્લાં ૨ વર્ષથી છે. હું વારંવાર વાંચું અને મને વારંવાર વાંચવું ગમે એવું જ લખવાનો સતત પ્રયત્ન કર ું છું.angelydholakia@gmail.com]

***