Hu Janki books and stories free download online pdf in Gujarati

હું જાનકી ..

હું જાનકી ..

સ્વાતિ શાહ

નથી મારે કોઈ અંગત બહેનપણી કે નથી રહી મારી સખી સમાન માતા . મનની વાત કરું તો કોને ? બહુ વિચાર બાદ થયું કે લાવ લખવાનું શરું કરું . મારી પોતાની વાત પણ એને આત્મકથા તો ના કહી શકું. મારાં ગુહસ્થ જીવનમાં આવેલાં ચઢાવ ઉતારની વાત આજે હૈયું ખોલી રજુ કરવાની ઈચ્છા થઇ . ક્યારેક કોઈનાં હાથમાં આવી ચઢે અને વાંચે તો જીવનનું જુદું એક પાસું કદાચ જોવા મળે .

સ્કુલમાં હું ખુબ શાંત રહેતી અને સ્વભાવે થોડી અંતરમુખ . એકની એક દીકરી હોવાથી માતાની વધુ નજીક . કહેવાય છેને કે બહુ નજીક હોય તેને દૂર જતાં વાર નથી લાગતી . હજી કોલેજનાં પહેલાં વર્ષમાં આવીને મારી માતા મને છોડી પરલોક સિધાવી . ઘરમાં રહ્યાં હું ને પપ્પા . બાજુની સોસાયટીમાં શરદ રહે તે મારી આગળ પાછળ ફર્યાં કરે , ને હું પ્રેમ ભૂખી , દિલ દઈ બેઠી . શરદ સાથે પ્રેમ થયો હજુ કોલેજ અભ્યાસ પુરો પણ નહોતો થયો .પપ્પા નાં કહેવાં પ્રમાણે કોલેજ પતાવી લગ્ન કરવાંનું નક્કી કરી ખાલી સગાઇ તુરંત ગોઠવાઈ ગઈ . ગ્રેજુએશન પતાવી ને પરણી સાસરે ચાલી .

પપ્પા મારું સુખી લગ્નજીવન જોવાં ઝાઝું જીવ્યા નહિ . મારે મન શરદ મારાં સર્વસ્વ . મારાં સાસુને અમે બા કહેતાં. અમારો ત્રણ જણા નો સંસાર . શરદ સાથે ક્યારેક પિક્ચર તો ક્યારેક લોંગ ડ્રાઈવ . આનંદમાં દિવસો પસાર થવા લાગ્યાં . લગ્નની બીજી વર્ષગાંઠ ને દિવસે બપોરે હું ને બા જમતાં હતાં ત્યારે તેઓ બોલ્યા ,” જાનકી , હવે મને પૌત્ર ને રમાડવાનું ઘણું મન છે . મારાં હાથપગ ચાલે છે ત્યાં જો બાળક આવી જાય તો બહુ સારું .” મેં તરત જવાબ આપ્યો ,” બા હજી લગ્નને બે વરસ થાય છે . શું ઉતાવળ છે ? “ ભોળા બા કહે કે , ” જેવી તમારી મરજી . તમારું જીવન છે તમે જાણો .”

હરવા ફરવાં માં દિવસો પસાર થવા લાગ્યાં . બીજા બે વર્ષ પસાર થઇ ગયાં . સોસાયટીના ભુલકાં જોઈ મારું માતૃત્વ જાગ્યું . મેં શરદને મારી ઈચ્છા કહી તો તેઓ એકદમ ખુશ થઇ ગયાં . બીજા મહિને મેં રાહ જોઈ પણ મળી નિરાશા . મહિનાઓ પસાર થયાં પણ ના ભરાઈ મારી કુખ . ઘણીવાર અધીરાઈ આવી જતી ને શરદને કહેતી, ” ક્યારે મારી કુખ ભરાશે . મને એક વાંઝીયા જેવી ફિલ આવે છે . બા એ કેટલી માનતા રાખી છે . ચાલોને ડોક્ટરની સલાહ લઈએ .” અંતે અમે બંને ડોક્ટર પાસે ગયાં ને બધી વાત કરી. ડોકટરે જરૂરી ટેસ્ટ લખી આપ્યાં , જે કરાવી અમે પાછા તેમની પાસે ગયાં . ડોકટરનું નિદાન સંભાળીને એમની એસી ચેમ્બરમાં મને પરસેવો છુટી ગયો . મારી કોખ ગર્ભ ઉછેર માટે સક્ષમ નથી તેવું નિદાન થયું . ઘણાં ડોક્ટર બદલ્યાં , ના બદલાયું કોઈનું નિદાન .

શરદ સાંત્વન આપતા કહે ,” શું કરવા આટલી મુંઝાય છે ? ચાલ આપણે એક બાળક દત્તક લઈએ .” “ ના મારેતો આપણું બાળક જોઈએ છીએ . કોઈ માર્ગ કાઢીએ . આધુનિક વિજ્ઞાનની મદદ લઇ ને પ્લાન કરીએ .” છેવટે સરોગેટ મધરનો મેં પ્રસ્તાવ મુક્યો . શરદની બહુ ના હતી પણ હું એકદમ મક્કમ હતી . મેં તો મારાં દુરના કાકાની છોકરી રાધા સાથે વાત પણ કરી રાખી હતી . ખાલી શરદની હા થાય તેની રાહ જોતી હતી ને હું તેમને મનાવવામાં કામિયાબ રહી .

રાધાની કોખમાં અમારું બાળક વિકાસ પામવા લાગ્યું . શરૂઆતમાં શરદ જરા નાખુશ હતાં , મેં તેમને કહ્યું,” તમે ચિન્તા ના કરો રાધા બાળકને જન્મ આપી એનું નક્કી કરેલ વળતર લઇ જતી રહેશે . તમે જ વિચારો આપણને બાળક મળશે ને રાધા અને તેનાં પિતાને વળતર . બંને ને લાભ છે .”

પુરા મહિને તંદુરસ્ત બાળકી ને રાધા એ જન્મ આપ્યો . હું મારો ફાજલ સમય પસાર કરવાં અને સમાજને મારી સેવા આપવા એક આશ્રમમાં નિયમિત જતી હતી . શરૂઆતમાં ગુડીયાને પોતાનું દુધ આપે તેમ કહી રાધા અમારે ઘરે રોકાઈ ગઈ . સમય જતાં રાધા શરદ સાથે રહેવાનો મોકો શોધ્યા કરતી . એવામાં એક દિવસ ગુડીયાને જરા તાવ જેવું હતું તો શરદ બોલી ઉઠ્યા ,” જાનકી , તું ઘરકામ પતાવી આશ્રમ જજે રાધા ગુડિયાનું ધ્યાન રાખે છે .” “ અરે હું ગુડીયાને જોઇશ . આશ્રમ મોડી જઈશ તો કઈ વાંધો નથી ”. શરદે ગુડિયા ને રાધા જોશે એમ કહી દીધું .

બસ હું અકળાઈ ઉઠી .ગુસ્સામાં મેં કહ્યું ,” જો મારી જરૂર હવે ના હોય તો હું ઘર છોડી આશ્રમ રહેવા જતી રહું છું . મારે પણ સ્વમાન છે . હું શું કામ કરવા પુરતી જ ઘરમાં છું .”

બેગ ભરી ચાલી નીકળી . શરદ મને આશ્રમ આવી ઘણું સમજાવવા લાગ્યાં પણ હું ને મારો અહમ ! શરદ રોજ સાંજે ઓફિસથી છુટીને મળવા આવે , પાસે બેસે અને મને ઘરે પાછી લઇ જવા રોજ મનાવતાં. શરદનું આવવું મારી સાથે બેસવું મને ગમવા લાગ્યું . તેઓ ગુડિયા નાં પ્રોગ્રેસ અંગે વાત કરતાં . આ નિત્યક્રમ શરૂઆતમાં મને વેવલો લાગતો હતો . પણ જેમજેમ દિવસ વધતાં ગયાં તેમતેમ જાણે મારો અહમ સંતોષાતો મને લાગવાં માંડયો હોય એવું હું અનુભવવા લાગી હોઉં તેવું મને ઘણી વાર લાગતું . એક પ્રકારનો અહમ ગણો કે અહંકાર જે શરદનાં આવવાથી પોસાતો હતો .

શરદ છ સાત દિવસ થયા તો દેખાયા નહિ અને ફોન પણ નાં આવ્યો , હવે મને ચિંતા થવા લાગી કે શું મને ભૂલી ગયા કે કઈ બીજું કારણ હશે ? પણ પૂછું તો કોને પૂછું ?

આજે સવારથી મન થોડું બેચેન હતું .એન જી ઓ દ્વારા ચલાવાતા આશ્રમનાં બાળકો વચ્ચે સમય પસાર તો થતો પણ જીવ માં એક ચચરાટ ની અનુભૂતિ થતી રહી .કોઈ કાર્યમાં મન નહોતું લાગતું . સાંજ પડવાની રાહ જોતી હતી શરદ સાંજે લગભગ છ વાગ્યા ની આસપાસ આવતાં . હું મારા સ્વમાન ખાતર આશ્રમમાં રહેવા આવી ગઈ હતી પણ શરદ પ્રત્યેનો પ્રેમ મને વ્યાકુળ કરતો . સાંજે તેમનું આવવું મારે મન એક આશા નું બીજ જન્માવતું હતું. મનમાં ઘણી વાર થાય કે એક દિવસ તો એવો આવશે કે જ્યારે શરદ રાધા ને મહત્વ આપવાનું ઓછું કરશે અને મને ગુડિયા નાં ઉછેર માટે જવાબદારી સોંપી દેશે . રોજનાં સમય પર મારી આંખો આશ્રમનાં દરવાજા ભણી વારંવાર જતી .

આશ્રમમાં બાળકો વચ્ચે મારો દિવસ બહુ ઝડપ થી પસાર થઇ જતો . શરૂઆતમાં તો બીજા દિવસ નાં સમય પત્રક પ્રમાણે મારું પ્લાનીંગ કરતી .બે ભાષા ભણાવતી હોવાથી આગળથી બીજા દિવસે ધોરણ મુજબ અભ્યાસ ક્રમ મુજબ નોટ્સ તૈયાર કરવાં જેવાં અનેક કામ રહેતાં . રાત પડે વિચાર વમળમાં ફસાતી . એક દિવસ મારી ફ્રેન્ડ સુનાલી ને ફોન કરી હૈયા વરાળ કાઢતાં કહ્યું ,” સુનાલી , મેં કેમ આવો નિર્ણય લીધો હશે ? પોતાનાં બાળકની ઘેલછા મને ક્યાં લઇ આવી ? હા, તારી વાત સાચી કે અમને એક બાળક જોઈતું હતું પણ તેનાં લીધે મારાં જીવનમાં આવું તોફાન સર્જાશે તેની કલ્પના નહોતી . શું મેં મારા અહમને સંતોષવા આવું પગલું ભર્યું ? ”. સુનાલી બોલી ,” જાનકી , હું તને બીજા જ દિવસે કહેવાની હતી, કે જરા લાંબુ વિચાર . શરદભાઈ અને તારા વર્ષો નાં પ્રેમનો કઈ આમ અંત લવાય! તું બહુ આવેશ માં હોવાથી હું પણ બોલી નાં શકી . હજી ઘરે પાછા જવાનો વિચાર કરી જો .” હું ઉદાસ હોવાં છતાં મારી મમત પર હતી .

મારું આશ્રમમાં કામ કરવું અમારી સોસાયટીમાં પણ પ્રચલિત થઇ ગયું હતું . પડોશનાં મીતાભાભી તો એકવાર બોલ્યાં હતાં ,” જાનકીબહેન ઘરમાંથી નીકળે એટલે આપણી ઘડિયાળનો સમય આઘો પાછો બતાવતી હોય તો ખબર પડી જાય . આપણે ઘડિયાળનો સમય ઠીક કરી શકીએ .તેઓ સમયનાં પાબંદ છે .” બે દિવસ પહેલાં મીતાભાભી એમની લગ્નતિથિ હોવાથી આશ્રમમાં ફળ લઇ ને આવ્યાં ત્યારે જ કહેતાં હતાં ,” જાનકીબહેન , તમારાં વગર તો જાણે સોસાયટી સૂની પડી ગઈ છે . કઈ કામ હોય તો કોને કહેવું એ પ્રશ્ન થાય .તમે હતાં તો બહુ સારું લાગતું .રાધા તો સામે જોવા પણ નવરી નથી ! ” મીતાભાભી ની વાતોથી મારું અહમ વધુ સંતોષાયું .મને સારું લાગ્યું . મારું મન ભરાઈ આવ્યું .મેં સુનાલી ને ફોન કરી વાત કરતાં કહ્યું ,” આજે પાડોશી મીતાભાભી આવ્યાં હતાં ને મારા વિષે સારી સારી વાત કરતાં હતાં , ચાલો કોઈને તો મારી ખોટ સમજાણી , બાકી રાધા સાથેનાં શરદનાં ગાઢ થતાં સંબંધની યાદ મને અકળાવી મુકે છે.”

રાધા શરૂઆતમાં ,”મોટીબહેન મોટીબહેન કરતી આગળ પાછળ થતી .” અને હવે ! ગુડિયા આવતાં જાણે કોણ મોટીબહેન ? મેં બેચાર વખત શરદને કહ્યું હતું ,” રાધાને કહો કે હવેથી ગુડિયા ને હું સંભાળીશ . તે મારી દીકરી છે. મને તો તે ગુડિયા નું કશું કાર્ય કરવાં નથી દેતી .” શરદને આવું વારંવાર કીધાં છતાં તેઓ રાધાને કશું કહેતાં નહિ એટલે વધારે ખરાબ લાગતું . મારે પણ સ્વમાન જેવું હોય કે નહી . પહેલાં તો શરદ અને હું એક રૂમ માં સૂતા , પછી ગુડિયા રાતનાં ઉજાગરા કરાવે અને મદદ રહે તેમ કહી શરદ ને પોતાનાં રૂમ માં સૂવા મજબુર કરી દીધો , હું કેટલાક સમય થી જોતી હતી કે શરદને રાધા તરફ આકર્ષણ થયું હોય તેવું મને લાગ્યાં કરતુ .મારી આવી અવહેલના થતી મને લાગતી . શરૂઆત માં તો હું ચુપ રહી પણ ક્યાં સુધી આમ ચલાવાય ! મને મારી માતાનાં શબ્દ યાદ આવ્યાં . તેઓ ઘણી વાર કહેતાં,” બેટા મારવો મમ ને ખાવો ગમ . “ મને થતું ગમ ખાઈને ક્યાં સુધી જીવવું ? એ બધું એમના જમાનામાં ચાલે. સ્વમાન જેવું હોય કે નહીં .

એન જી ઓ દ્વારા ચલાવાતાં આ આશ્રમમાં હું પહેલાં નિયમિત આવતી , મને બધાં ખૂબ પ્રેમથી આવકારતાં . હું બહુ ખુશી ખુશી આવતી . આશ્રમમાં ઘર જેવું કામ રહેતું નહિ પણ બાળકો ની જવાબદારી ઘણી રહેતી . આમતો ઘણા સમય થી આવતી હોવાથી બધાનાં પરિચયમાં તો હતી . ઘણીવાર રૂખીબહેન માટે કપડાં લેતી આવતી એટલે તેઓ મારા પર ખુશ રહેતા હતાં . મોટાબહેન સાથે પણ મારે સારું બનતું.

પરંતુ કાલે જ્યારે મોટાબહેન સાથે બેઠી હતી ત્યારે તેમણે મારું ધ્યાન ખેંચતા કહ્યું ,” જાનકીબહેન તમે હમણાંથી ખોયા ખોયા રહો છો . શું વાત છે ? આ બાળકો પર આપણી મનોદશાની બહુ અસર પડે . જરા સંભાળજો .” મનમાં એક ચચરાટ નો અનુભવ થયો . મનમાં થયું હવે અહીં રહેવા આવી છું તેમાં આવું કીધું હશે ?

સ્વમાન અને પછી તેમાંથી જો અહંકાર જન્મે એટલે બધું વાંકું જ દેખાય . મને પણ એવું જ થયું . પોતાનાં ઘરનાં લોકો પાસે જે સ્વમાન સચવાવાની આશા હોય તે અહીં કયાં કોઈ સમજે , અહીં તો વળી ઘરનાં લોકોએ પણ મારું સ્વમાન ઘવાવામાં કઈ બાકી નથી રાખ્યું તો બીજાં પાસે શી આશા ! વાત વધારેના વધે તેમાટે હું ફટાફટ હસતા મોં એ ત્યાંથી ખસી ગઈ .

તે, દી પલક કેવી ચોંટી ગઈ હતી , ક્યારની બાજુ પર બેસી ખાંસતી હતી .જેવું મેં પુછ્યું ,” બેટા શું થાય છે?” ને આવી ને એકદમ વળગી ગઈ . જોઉં છું તો તાવથી તેનું શરીર બહુ તપી ગયું હતું . હું તુરંત મારાં વિચાર ખંખેરી તેની સારવાર કરાવવામાં લાગી ગઈ . તેનાં સ્પર્શથી મને ગુડિયાની યાદ આવી ગઈ. દિવસ પસાર થતો પણ રાત ભારે લાંબી લાગતી . શરદ સાથેનો વર્ષો નો સહવાસ ની યાદ સતાવતી તો ઘડીક માં ગુડિયાની યાદ હૈયું હચમચાવી દેતી . પાછું પેલું સ્વાભિમાન ડોકાતું ને લાગી જતી મારી પ્રવૃત્તિમાં .

શરદ જે નિયમિત આવતા અને મારી સાથે વાતો કરતા તેનાથી મારો અહમ જળવાતો પણ સાથેસાથે મને તેમની રાહ જોવાની ટેવ પડી ગઈ હતી . આજે છ દિવસ થવા આવ્યા તેમને આવ્યાને , તેઓ આજે તો આવશે ને ? જીવમાં એક અજંપો જાગ્યો . કહેવાય છે ને કે જ્યારે જીવ ને અજંપ થાય ત્યારે નેગેટીવ વિચાર ઘેરો ઘાલે છે . મારી પણ એવી જ હાલત થઇ . મનમાં થયું કે બાને કઈ થયું હશે કે ગુડિયાને ? નાના , ગુડિયાતો સારી જ હશે . બા હવે વૃદ્ધાવસ્થા એ પહોંચ્યા એટલે જરા તબિયત નરમ હશે .શું કરું ?

ઘર વધારે સાંભર્યું છે . શરદ આવે તો સારું .કઈ સમાચાર જાણવા તો મળે .એમ તો હું પણ ફોન કરી જાણી શકતી હતી . બે વાર વાત કરવા ફોન હાથમાં લીધો પણ પાછું અભિમાની મન વચ્ચે આવ્યું અને સાંજ સુધી રાહ જોવા વિચાર આવ્યો . કોઈ કામમાં જીવ નહોતો પરોવાતો . મન અને મગજ ઠેકાણે નાહોય તો મનુષ્યના વાણી વર્તન પર એનો પ્રતિભાવ સૌ પહેલો પડે છે . મારો અજંપો રૂખીની નજરમાં આવી ગયો . હું વર્ગ પતાવી બેઠી હતી ત્યાં તે આવી અને મારી પાસે ઉભી રહી ગઈ . જોઉં છું તો તેનો ચહેરો મને ગંભીર જણાયો . ધીમે રહી ને બોલી , ” જાનકીબહેન હુ થ્યું સે ?. આ આરસી માં મોં જુવો, હમજ આવસે .મને કહો સું વીતે સે ? આપડી પાસે હંધી વાત્યું ના નિરાકરણ સે .”

સજળ આંખે રૂખી સામે જોઈ રહી . બોલું તો શું બોલું ? તુરંત થયું રૂખી સિવાય છે પણ કોણ જેની સાથે વાત કરું .મેં કહ્યું ,” મારા પતિ શરદ રેગ્યુલર આવતા પણ હમણાં જરા થોડા દિવસથી નથી આવ્યા એટલે જરા ચિંતામાં છું .” તો કહે ,” લો બેન એમાં આમ સિન્તા કરે હું વરે ! એક ફોન હલાવી દ્યોને .” મારો અહંકાર મને ફોન કરવા રોકતો હતો. સુરજ માથે ચઢવા સુધીમાં મારું માથું આશંકા થી ભરાઈ ગયું. કેમ કરતા દિવસ વિતાવું ! સાંજ ક્યારે પડે અને શરદ આવે ! ખાવાનું ગળે ના ઉતર્યું ,જેમતેમ પતાવી પથારીમાં પડી .ચાર તો માંડમાંડ વગાડ્યા . છેવટે અમારા જુના પાડોશી મીતાભાભીને મેં ફોન કર્યો. શરૂઆતમાં આડીઅવળી વાત કરી ધીમે રહી પૂછ્યું ,” મીતાભાભી ઘરે બધા મઝામાં છે ને ?” પછી તેમણે તુરંત કહ્યું ,” જાનકીબહેન શરદભાઈ બહુ બીમાર છે , સાવ નંખાઈ ગયા છે ..મેં કાલે જ જાણ્યું. તમારો વિચાર આવ્યો હતો કે તમને જાણકરું પણ પછી થયું તમને ગમે કે ના ગમે !” શું જવાબ આપું તેની સમજના પડી મગજ એકદમ સૂન્ન થઇ ગયું . મારું સ્વમાન ,અહમ બધું પળભરમાં ભાંગીને ભુક્કો થઇ ગયું .

ફોન કાપી ,એટેચીમાં કપડાં નાંખવા જેટલી સુઝ ના રહી ને પર્સ ઉપાડી ઉતાવળે મોટાબહેન પાસે દોડી. તેઓ હજી આગળ કઈ બોલે તે પહેલાં મેં કહીદીધું ,” મારા ઘરે જાઉંછું .” જવાબ સંભાળવા પણ ઉભી ના રહી અને પકડી રીક્ષા . એન જી ઓ થી ઘર નો રસ્તો જાણે જલ્દી કપાય . આખા રસ્તે ભગવાનનું નામ જપતી ઘર આંગણે જઈ પહોંચી .

હજુ ઘરમાં પ્રવેશ કરું ત્યાં તો બાનો દુઃખી અવાજ સંભળાયો “ શરદ દીકરા ચાર દિવસ થયા તેં કઇજ ખાધું નથી આમ કેમ ચાલે ? શું આમ ભુખ્યા રહેવાથી જાનકી પાછી આવી જવાની છે ? શરદે બહુ ધીમા દર્દીલા અવાજે કહ્યું “ બા જાનકી વગર મારા જીવન નો કોઈ અર્થ નથી , હું ખાઉં કે ના ખાઉં હવે કોઈ સુખ નથી. મેં તેને બહુ દુભાવી છે. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. મારી જાનકી મને હવે શું આવતા ભવે જ મળશે ? “

હું આના થી વધુ કઇજ સાંભળી ના શકી , મેં ગૃહપ્રવેશ કરતાની સાથે જ બાના હાથ માંથી સૂપનો બાઉલ લઇ લીધો અને શરદના બેડના એક કિનારે બેસી તેમને સૂપ પીવરાવવા માંડ્યો ,તે પણ એક નાના બાળકની જેમ ચુપચાપ બધું પી રહ્યા હતા . અમારા બધાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા .....

Swatimshah@gmail.com