Apurna Viram - 9 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 9

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૯

હું એક પેગન છું... મધરાતે મઢ આઈલેન્ડના કિલ્લા પાસે નગ્ન અવસ્થામાં જે ભયાવહ ખેલ થતાં જોયા એ તો પેગન વિધિની એક નાનકડી ઝલક માત્ર હતી... આવનારા દિવસોમાં હું તમારી જે દુર્દશા કરી મૂકવાની છું એની તમને કલ્પના સુધ્ધાં નથી...

કાળાડિબાંગ આકાશને ઘમરોળી મૂકતી વિજળીની જેમ ગરજીને મિશેલ કમરામાંથી બહાર નીકળી ગઈ, પણ એની પ્રચંડ ગર્જનાના પડઘા ક્યાંય સુધી મોક્ષ અને માયાના કાનમાં અથડાતા રહૃાા. પલંગ પર અઢેલીને બેઠેલી માયા થથરી ઉઠી હતી. મોક્ષેના ચહેરા પર ન સમજાય એવી સખ્તાઈ પ્રસરી ગઈ હતી. બન્ને કોઈ ક્યાંય સુધી ચુપ બેસી રહૃાાં. કેવળ દબાયેલા અવ્યકત પ્રશ્નો હવામાં તરતા રહૃાા.

મિશેલ એકઝેકટલી શું કરવા માગે છેે? હું તમારી દુર્દશા કરી મુકીશ એટલે શું? શા માટે?

માયાની પીડા વધારે તરલ હતી.

હું આ છોકરી સાથે આત્મીય થવાની દિલથી કોશિશ કરી રહું છું... ને એ ધમકીઓ આપે છે? મતલબ શો છે મારા પ્રયત્નોનો? અમે શું અહિત કરી નાખ્યું છે એનું? શા માટે મિશેલ સતત રણમેદાનમાં ઊતરેલા યોદ્ધા જેવી મુદ્રા ધારણ કરી રાખે છે? ખુલ્લા થવાને બદલે કેમ પોતાની આસપાસ રહસ્યની નવી દીવાલો ચણતી જાય છે? ના, મિશેલે ફકત દીવાલો ચણી નથી. એણે પોતાની એક ઓળખ છતી કરી છે... પોતે પેગન છે, એ ઓળખ.

પણ આ કેવી ઓળખ જે માણસને નજીક લાગવવાને બદલે વધારે દૂર ફેંકી દે?

પેગન...

શબ્દ અજાણ્યો હતો. મિશેલે જે રીતે તેનો પ્રહાર કર્યો હતો તેનાથી શબ્દ અળખામણો પણ બની ગયો.

માયાને ભાન થયું કે મોક્ષ લગભગ અસ્વાભાવિક કહી શકાય એટલી હદે ખામોશ થઈને બેઠો છે. એને સંભાળવો પડશે.

“મોક્ષ,” માયાએ પોતાની હથેળી એના હાથ પર મૂકી, “સાંભળ, મિશેલ ભલેે બકવાસ કરી ગઈ, આપણે બહુ અપસેટ થવા જેવું નથી. બસ જરા સમજીવિચારીને કામ લેવું પડશે અને...”

“હજુ શું સમજવાનું - વિચારવાનું બાકી રહી ગયું છે, માયા?”મોક્ષ એકાએક ફાટ્યો. એનું આખું શરીર હલી ઉઠ્યું.માયાનો હાથ હટાવીને એ ઝાટકા સાથે ઊભો થઈ ગયો, આ છોકરી આપણા ઘરમાં રહીને, આપણા બેડરુમમાં ઘુસીને આપણને ધમકાવી જાય છે? ઈનફ ઈઝ ઈનફ! બસ, હવે એક મિનિટ માટે પણ મને એ ઘરમાં નહીં જોઈએ...”

મોક્ષ બેડરુમના દરવાજા તરફ ધસ્યો.

“ક્યાં જાય છે, મોક્ષ?” માયા ડરીને ઊભી થઈ ગઈ.

“મિશેલને અહ્લિટમેટમ આપવા. જો દસ મિનિટ પછી પણ એ ઘરની અંદર હશે તો અગિયારમી મિનિટે સામાન સહિત કમ્પાઉન્ડની બહાર ફેંકાઈ ગઈ હશે.”

“પાગલ ન બન. તું આવું કંઈ જ નહીં કરે.”

“હું એકઝેકટલી આવું જ કરીશ.”

“મોક્ષ, તારી મર્યાદા ન ભુલ. એ સ્ત્રી છે. તું એની સાથે મિસબિહેવ ન કરી શકે.”

“અચ્છા? તું મને મર્યાદા યાદ કરાવે છે? કાલે રાત્રે મંત્રતંત્ર કરતાં કરતાં બધાં કપડાં ઊતારી નાખ્યાં ત્યારે એની મર્યાદા ક્યાં ગઈ હતી?”

“જો મોક્ષ, એ એની માન્યતા છે, એની વિધિ છે, એની સમસ્યા છે. આપણને એની સાથે કશું જ લાગતું-વળગતું નથી, તું સમજે છે? અને મિશેલ આ બઘું નિર્જન જગ્યામાં કરી રહી હતી. એણે આપણને આમંત્રણ નહોતું આપ્યું. આપણે એની પાછળ પાછળ પહોંચી ગયાં હતાં ચોરની જેમ...”

મોક્ષ આશ્ચર્યથી જોઈ રહૃાો.

“આટલું બધું થયાં પછી પણ હજુય તું એ છોકરીનો બચાવ કર્યા કરે છે? શું કામ, માયા? મને ખરેખર તારું વર્તન સમજાતું નથી.”

માયા ચુપ થઈ ગઈ. શું જવાબ આપવો એ તેને સમજાયું નહીં. પછી કહૃાું, “હા. બચાવ કરું છું. પણ તું છોડ એ બધું. અહીં આવી જા.”

“ના,” મોક્ષનો ચહેરો રોષથી તમતમ્યો, “મને પહેલાં મિશેલ સાથે વાત કરી લેવા દે....”

“મોક્ષ, નો! એક પણ ડગલું આગળ વધ્યો છે તો તને સુમનના સોગન છે!”

મોક્ષ થંભી ગયો. એણે ઝાટકા સાથે ગરદન ઘુમાવીને માયા તરફ ક્રોધપૂર્વક જોયું.

“વોટ ઈઝ ધિસ નોનસેન્સ, માયા? તને ખબર છેને મને આ સોગન-બોગનથી સખત નફરત છે?”

“ખબર છે. એટલે જ કહું છું કે તું જો તું મિશેલ પાસે ગયો તો તને...”,

“ઓહ, સ્ટોપ ઈટ, પ્લીઝ!”

મોક્ષ અસહાય બની ગયો. માયા પાસે જઈને એના બન્ને ખભા પકડીને લગભગ હચમચાવી નાખી, “આ બધું તું શું કામ કરે છે,માયા? વ્હાય?”

“એટલા માટે કે મને તારી ચિંતા છે...” માયાની આંખોમાં પાણી ધસી આવ્યું, “એટલા માટે કે હું નથી ઈચ્છતી કે તને સહેજ પણ નુકસાન થાય, તારું કોઈ અહિત કરી જાય..”

“કોણ મારું અહિત કરવાનું છે? આ મિશેલ?”

માયા કશું ન બોલી. આંસુ લૂછીને એણે મોક્ષની આંખોમાં સીધું જોયું, “અને એક બીજી વાત. ના નહીં પાડતો. સાંભળ, હું રિતેશ અને રુપાલીને બોલાવવા માગું છું.”

મોક્ષ ઘા ખાઈ ગયો. પોતાના દોસ્ત અને એની પત્નીનું નામ પડતાં જ એના ચહેરો ફરી ગયો.

“આ તું શું બોલે છે? તું શું કામ બોલાવવા માગે છે રિતેશ-રુપાલીનેે?”

“કારણ કે આપણને એમની જરુર છે. એન્ડ પ્રોમીસ મી, તંુ બિલકુલ વિરોધ નહીં કરે.”

મોક્ષ સ્તબ્ધ થઈ ગયો.

૦ ૦ ૦

સવારથી ભાડા પર લીધેલી ઈનોવા કાર ગોરેગાંવ ટેલિફોન એકસચેન્જવાળો ફ્લાયઓવર ઓળંગીને વેસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર આવી ત્યારે સાંજ પડી ગઈ હતી. મિશેલે પોતાનાં બન્ને ઓસ્ટ્રેલિયન દોસ્તો સામન્થા અને એલેકસને આજે ખૂબ મજા કરાવી. લિન્ક રોડ પર ફેલાઈને ઊભેલા માલ્સમાં રખડીને ખૂબ બધું શોપિંગ કર્યું, જીભેથી સૂસવાટા બોલાવતા રહીને મસાલેદાર મુગલાઈ ખાણું ખાધું, ફેન્સી મહ્લિટપ્લેકસમાં હોલીવૂડની લેટેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ જોઈ... ને હવે કોલાબા ભણી.

“ફ્રેન્કલી, મારા મનમાં મુંબઈની કંઈક જુદી જ ઈમેજ હતી.ગંદી ઝુંપડપટ્ટી ને અપંગ ભીખારીઓ ને એવું બધું... ” સામન્થાએ કહૃાું, “પણ ગઈ કાલે અમે સાઉથ મુંબઈ ફર્યા હતાં અને આજે મઢ આઈલેન્ડનો એરિયા અને આ બધું જોયું. નોટ બેડ એટ ઓલ, મિશેલ!”

મિશેલ હસી,“મતલબ કે તું પણ મુંબઈમાં ખાસ પોવર્ટી પોર્ન જોવા જ આવી હતી! આપણા જેવા સુધરેલા કહેવાતા દેશના લોકો ભારતની ગરીબી જોઈને પોર્નોગ્રાફિક ફિલ્મ જોતા હોય એટલા બધા ઉત્તેજિત થઈ જાય છે. સોરી ડિયર. મેં તને મુંબઈનો ખૂબસૂરત ચહેરો દેખાડી દીધો!”

“ડોન્ટ વરી. મિશેલ આપણને - શું નામ છે એનું - હા, ધારાવી! મિશેલ આપણને ધારાવીની ઝુંપડપટ્ટીની ગાઈડેડ ટુર પર પણ લઈ જશે જ, એમ આઈ રાઈટ?” એલેકસે પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવતા કહૃાું.

“નો વે! આર્યમાને મને એ કશું દેખાડ્યું જ નથી,” આટલું કહીને મિશેલ મસ્તીથી ઉમેરી દીધું, “આમેય આર્યમાને મને ધારાવી સુધી લઈ જવી પડતી નથી, ઉત્તેજિત કરવા માટે. એનો બેડરુમ પૂરતો છે!”

સામન્થા હસી પડી. એલેકસ મુસ્કુરાઈને બારીની બહાર જોવા માંડ્યો. એક પછી એક ફ્લાયઓવર વટાવી રહેલી કાર મુંબઈના બીજા છેડા તરફ સડસડાટ આગળ વધી રહી હતી. જુવાન ડ્રાઈવર વચ્ચે વચ્ચે રિઅર વ્યુ મિરરમાંથી આ બન્ને રુપકડી વિદેશી છોકરીઓ તરફ નજર કરી લેતો હતો. મિશેલે યલો સ્લીવલેસ ટેન્ક ટોપ નીચે આખા પગ ખુલ્લા રહે એવું ટાઈટ હોટ પેન્ટ પહેર્યું હતું. ઓસ્ટ્રેલિયન દોસ્તોને આશ્ચર્ય એ વાતનું થયું હતું કે મુંબઈની છોકરીઓ પણ શોપિંગ માલ્સમાં આવાં વસ્ત્રો પહેરીને સંપૂર્ણ સહજતાથી ફરતી હતી. સામન્થાએ પોતાનાં કેશવિહીન મસ્તક પર ફ્લોરલ પ્રિન્ટવાળો સ્કાર્ફ બાંધી રાખ્યો હતો.

બાંદરાનો ચકરાવા મારતો ફ્લાયઓવર ઊતરતાં જ કારની ગતિ એકદમ તેજ થઈ ગઈ.

“હેય, વેઈટ!” મિશેલે ડ્રાઈવરના ખભે હળવી ટપલી મારી, “જરા સાઈડમાં ઊભી રાખજો પ્લીઝ... હા, આ તરફ.”

મિશેલનું ઓસ્ટ્રેલિયન અંગ્રેજી ડ્રાઈવરથી ઊકેલાયું નહીં, પણ એના ઈશારા પરથી વાત સમજી લીધી. રેકલેમેશનની પાળીની નજીક સાચવીને એણે કાર ઊભી રાખી. અલ્લડ જુવાનિયાઓ અને પ્રેમીઓ કતારમાં વાહનો પાર્ક કરી કરીને પાળી પર ગોઠવાઈ ગયા હતા. પશ્ચાદભૂમાં ક્ષિતિજરેખા પર ઊપસી આવેલી જુદા જુદા કદ-આકારની ઊંચી ઈમારતો અસ્ત થઈ રહેલા સૂર્યના સોનેરી પ્રકાશમાં ચમકી રહી હતી. જમણી બાજુ બાંદરા-વર્લી સી-લિન્કની વિરાટ ત્રિકોણાકાર કમાનો ફેલાઈ ગઈ હતી.

“હમ્મ... બ્યુટીફુલ સ્કાયલાઈન!” સામન્થાએ આસપાસ નજર ઘુમાવી.

“મુંબઈની આ મારી ફેવરિટ જગ્યા છે,” મિશેલે કહૃાું, “આવી જગ્યાઓ પરથી જોઈએ ત્યારે મુંબઈ થોડુંઘણું ઈન્ટરનેશનલ સિટી જેવું લાગે. બાકી આર્યમાન કહે છે તેમ, મુંબઈ એક વિરાટ ગંદુ ગંધાતું ગામડું છે જેની છાતી પર લોકલ ટ્રેનો ખખડ્યા કરે છે અને જાનવર કરતાંય બદતર જીવન જીવતા માણસો આ ટ્રેનોમાં ભીંસાઈને, લટકીને, અધમૂઆ થઈને જિંદગીના પાંચ વર્ષ ઓછાં કરી નાખે છે...”

સહેજ અટકીને, સહેજ વ્યંગથી મલકીને મિશેલે ઉમેર્યું, “હવે ખુશ? મુંબઈની બુરાઈ સાંભળી લીધી એટલે?”

“ઓહ શટઅપ!”

એલેકસને એકદમ યાદ આવ્યું, “મિશેલ, આપણે ભુલી જઈએ તે પહેલાં... તારે પેલા ફોટોગ્રાફ્સ અને વિડીયોની કોપી અમને આપવાની છે.”

“અરે, હા! એક મિનિટ...”

મિશેલ ત્વરાથી કારમાં પડેલું પોતાનું પર્સ લેતીઆવી.

“આ સીડી તમે હોટલ પર જોઈ લેજો... અને આ ફોટોગ્રાફ્સ. આ બધું હું મોક્ષના બેડરુમમાંથી ચોરી આવી હતી!”

આલ્બમનાં પાનાં ફરતાં ગયાં. મિશેલે કહેવા માંડ્યું, “આ જગ્યાનું નામ માથેરાન છે. નાનકડું હિલસ્ટેશન. મુંબઈની નજીકમાં જ છે.”

“અચ્છા તો આ છે પેલું બીજું કપલ?” સામન્થાની આંખો તસવીરો પર ચોંટી ગઈ.

“હા. આ રિતેશ છે, આ એની વાઈફ રુપાલી. મોક્ષ અને રિતેશ સ્કૂલમાં સાથે ભણતા હતા ત્યારથી બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે. માથેરાન આ સૌની ફેવરિટ જગ્યા છે. માથેરાનમાં મોક્ષનો સરસ બંગલો પણ છે. હોલીડે હોમ.”

એલેકસ અને સામન્થા ગંભીર થઈ ગયાં. થોડી ક્ષણો સુધી ત્રણેય વચ્ચે ચુપકિદી ફેલાઈ ગઈ. સામન્થાએ ધીમેથી પૂછ્યું, “પેલી જે ઘટના બની ત્યારે બન્ને કપલ સાથે હતાં, રાઈટ?”

મિશેલે નિશ્વાસ ફેંક્યો.નજર હટાવીને ક્યાંય સુધી દૂર શૂન્યમાં જોતી રહી. પછી બોલી, “હા.”

ષ્ઠ ૦ ૦ ૦

સુમન પલંગ પર બન્ને પગ લાંબા કરીને ગોઠણ વલૂરતી બેઠી હતી. મોક્ષ એની સાથે અસ્ખલિત વાતો કરી રહૃાો હતો. સુમનની જાડી જીભ વારેવારે મોંમાંથી બહાર આવી જતી હતી અને હોઠના ખૂણેથી લાળ ટપકી રહી હતી.

“સુમી સુમી... તને કેટલી વાર કહૃાું બેટા કે નેપ્કિન જેવું કશુંક હંમેશાં સાથે રાખવાનું!” મોક્ષે ખિસ્સામાંથી તરત રુમાલ કાઢીને એનું મોં લૂછી નાખ્યું, “ ધેટ્સ લાઈક અ ગુડ ગર્લ!”

સુમન મોં બંધ કરીને એ મોક્ષને તાકવા લાગી. મોક્ષે અપાર વહાલથી એના મસ્તક પર હાથ ફેરવ્યો, “તે દિવસે પેલું પેઈન્ટિંગ શરુ કર્યું હતું તે પૂરું કર્યું? બતાવ તો ખરી!”

ઓશિકા પર એક ખુલ્લી ડ્રોઈંગબુક પડી હતી. લાલ-પીળા-લીલા રંગોના અનિયમિત આકારો, ઘસી ઘસીના પૂરાયેલા મીણીયા રંગો અને સ્કેચપેનથી બનાવેલી આઉટલાઈન. નરી નિર્દોષતા ઊતરી આવી હતી કાગળ પર. સુમનનાં નિર્મળ વ્યકિતત્ત્વ જેવી.

“વેરી ગુડ! બહુ સરસ બનાવ્યું છે!”

સુમન રાજી થઈ. એટલામાં માયા અંદર આવી. એનો ચહેરો ઉત્તેજનાથી ચમકતો હતો.

“મોક્ષ, એ લોકો આવી ગયા છે! આપણા બેડરુમમાં છે. ચાલ!”

મોક્ષ સમજી ગયો. માયા તરત નીકળી ગઈ. સુમનને સુવડાવીને મોક્ષ પણ બહાર આવી ગયો.

રિતેશ અને રુપાલી ટેરેસ-બાલ્કનીની દીવાલને અઢેલીને ઊભાં હતાં. રિતેશ સાથે અહીં પુષ્કળ સમય કર્યો છે. નિર્ભેળ આત્મીયતા અને અલ્હડપનથી છલકતો સમય. અહીં પરીક્ષાની તૈયારીના નામે રાતોની રાતો જાગ્યા છે. ખાણીપીણી કરી છે. મહેફિલો જમાવી છે. પાગલની જેમ ગીતો ગાયાં છે.

...અને આજે રિતેશ ફરી એ જ જગ્યાએ ઊભો છે. એ જ રીતે.

“રિતેશ....” મોક્ષનો અવાજ વહૃાો, વિદ્યુત તરંગની જેમ.

રિતેશ અને રુપાલીએ પીઠ ફેરવી. સૌની નજરો મળી. કશુંક ધક્કા સાથે ઊછળ્યું. જાણે ભીતર વિસ્ફોટ થયો હોય તેમ મોક્ષ અસ્થિર થઈ ગયો. એને થયું કે એનાથી રડાઈ જવાશે. સ્વસ્થ રહેવાનો એણે મરણિયો પ્રયત્ન કર્યો. રિતેશ નજીક આવીને એને જોરથી ભેટી પડ્યો.

“મોક્ષ...” રિતેશને આંખો છલકાઈ ઉઠી, “કલ્પના નહોતી કે તને ફરી આ રીતે મળવાનું થશે...”

એનાં આંસુ જોઈને મોક્ષ ઢીલો થઈ ગયો, “તું રડે છે, રિતેશ? તારા જેવો મરદ માણસ આમ...”

સ્વસ્થતાની નક્કર સપાટી પર પહોંચતાં ઠીક ઠીક વાર લાગી. અતીતના એ દર્દનાક ટુકડાને ન ખોતરવાનું ચારેયે નક્કી કરી નાખ્યું. વાતો થતી ગઈ. ધીમે ધીમે સૌ મૂળ રંગમાં આવતા ગયાં, પણ મિશેલની વાત નીકળતાં જ પાછી ગંભીરતા પ્રસરી ગઈ.

“અત્યાર સુધી મેં પેગન અને પેગનિઝમ વિશે થોડુંઘણું વાંચ્યું જ છે,” રુપાલીએ કહૃાું, “મને માન્યામાં નથી આવતું કે એક સાચેસાચી પેગન તમારા ઘરમાં ઘૂસી ગઈ છે!”

“મેં તો યાર, આ પેગન શબ્દ બી લાઈફમાં પહેલી વાર સાંભળ્યો!” રિતેશે એની લાક્ષણિક બેફિકરાઈથી કહૃાું, “મને એમ કે આપણે જ પછાત રહી ગયા છીએ, પણ સાલા આ ધોળિયાઓ પણ અગમનિગમમાં આપણા જેટલા જ એકિટવ છે એ તો કમાલ કહેવાય.”

“પેગન સંપ્રદાય હજારો વર્ષો જુનો છે, રિતેશ!” રુપાલી કહેતી ગઈ, “આપણે જેને વિચ-ક્રાફ્ટ યા તો ડાકણવિદ્યા કહીએ છીએ તે પેગનિઝમનો જ એક ફાંટો છે. પેગન સંપ્રદાયને ખ્રિસ્તી-વિરોધી ગણવામાં આવતો હતો. મને એવું કશુંક વાંચેલું યાદ છે કે ચૌદમી કે પંદરમી સદીમાં ચર્ચ ઓફ રોમે યુરોપમાં વિચ-ક્રાફ્ટ જાણતાં હજારો સ્ત્રી-પુરુષોની સામુહિક કત્લેઆમ કરાવી હતી.”

“ઓહ માય ગોડ!” માયાની આંખો પહોળી થઈ ગઈ, “રિઅલી? પણ આ પેગન લોકો ક્રિશ્ચન ગણાય કે ન ગણાય?”

“આ લોકોનાં પોતાનાં અલગ દેવી-દેવતાઓ છે. ઈશુ ખ્રિસ્તને તેઓ ભગવાન નહીં, પણ સ્પિરિચ્યુઅલ ગુરુ ગણે છે. એટલેસ્તો ખ્રિસ્તી ધર્મગુુરુઓના પેટમાં તેલ રેડાયું. પેગન લોકો હેકાટે નામની ગ્રીક દેવીને બહુ માને છે. હેકાટે અગમનિગમ અને જાદુવિદ્યાની દેવી છે. એ અગ્નિ, પ્રકાશ, ધરતી, સમુદ્ર અને આકાશની દેવી પણ ગણાય છે.”

“કરેકટ, મિશેલ એવું કંઈક બોલી હતી ખરી કે એ લોકો પ્રકૃતિમાં ને એનાં ગોચર-અગોચર તત્ત્વોમાં માને છે, રાઈટ મોક્ષ?”

માયાએ જોયું કે મોક્ષનો ચહેરો એકાએક ફરી ગયો છે. એ વાતાવરણમાંથી કપાઈને બહાર નીકળી ગયો હતો.

“મોક્ષ?” માયા ખેંચાઈ ગઈ, “તને કશું થાય છે?”

રિતેશના કપાળ પર સળ ઊપસી આવી, “તું તો એવા એકસપ્રેશન્સ આપી રહૃાો છે કે જાણે તેં મિશેલને જોઈ લીધી.”

“મિશેલ અહીં જ છે...” મોક્ષની આંખો ચકળવકળ થવા લાગી.

“વોટ? માયાએ તો કહૃાું કે એ એના ઓસ્ટ્રેલિયન દોસ્તો સાથે ત્રણ દિવસથી બહાર છે?”

મોક્ષ જવાબ આપ્યા વગર ઊભો થઈ ગયો. ઝપાટામાં આખો બેડરુમ વટાવીને દરવાજો ખોલ્યો.

સામે મિશેલ ઊભી હતી! હાથમાં સળગતી લાલ મીણબત્તી, ચહેરા પર ભયાનક ક્રોધ, આંખોમાં અંગારા.

“કોણ છે અંદર?” મિશેલે ત્રાડ પાડી, “કોને ઘરમાં ઘુસાડ્યા છે તમે?”

આક્રમણ એટલું અણધાર્યું હતું કે કશી પ્રતિક્રિયા આપવાને બદલે મોક્ષ થીજી ગયો.

“જે કોઈ અદંર હોય તેને આ જ ઘડીએ બહાર કાઢો, નહીંતર.... ”