A butterfly has wings - 39 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી - 39

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 39

વ્રજેશ દવે “વેદ”

રાત સલામત રીતે વિતી ગઈ. વહેલી સવાર અહીં ખૂબ વહેલી પડે છે. નીરજાને અને વ્યોમાને તે ખબર હતી. જંગલના સૂર્યોદયને જોવાનું સપનું લઈ સૂઈ ગયેલા. એટલે જ રાત પૂરી થાય તે પહેલાં તેઓ જાગી ગયા. આંખોમાં રાત ક્યાંય નહોતી. ટેન્ટ બહાર હજુ પણ રાત જાગતી હતી. તે સુવાનું નામ નહોતી લેતી. રાતભર જાગતી રહેતી રાત.

બંને ટેન્ટ બહાર આવી ગયા. જામેલી રાત ઢીલી પડે અને સવાર પડતાં જ નાસી જાય તે જોવા પ્રતિક્ષા કરવા લાગ્યા.

વરસાદ રહી ગયો હતો. કદાચ ક્યારનો ય રહી ગયો હશે. એકાદ કલાક પહેલાં, બે કલાક પહેલાં? ખબર નહોતી, એ બંનેને. પણ વરસાદના ચિન્હો હજુય તાજા હતા. તેના વરસી ગયાનો, વિતી ગયાનો પડછાયો ચારે તરફ ડોકાતો હતો.

“જંગલની સવાર કેવી હોય?” નીરજાએ વ્યોમાને પૂછ્યું.

“હા, હા..હા....” વ્યોમા ખડખડાટ હસી પડી. તેના હસવાથી જંગલની તંદ્રા તૂટી. હાસ્યના પડઘા ફેલાઈ ગયા શાંત જંગલમાં. સૂતેલું જંગલ એક પડખું ફરી ગયું. પડખું ફરીને ફરીથી સૂઈ ગયું. નીરજાને જંગલની શાંતિ ભંગ થઈ તે ના ગમ્યું.

તેણે ઠપકો આપતી આંખોથી વ્યોમા સામે જોયું અને હોથો પર આંગળી મૂકી કહ્યું,” શી...સ.સ.સ....”

વ્યોમાએ પહેલી વાર નીરજાની આંખોમાં આવા ભાવ જોયા. તે ચોંકી ગઈ. વ્યોમાના ચહેરા પરના ભાવો નીરજા સમજી ગઈ. તેણે તરત જ સ્મિત આપ્યું. વ્યોમાના ભાવો શાંત થઈ ગયા.

“વ્યોમા, તું કેમ હસવા લાગી, મારી વાત પર? મેં તો બસ એટલું જ પૂછ્યું હતું કે જંગલની સવાર કેવી હોય.”

“તું ય કમાલ કરે છે નીરજા. તું જંગલની સવારની વાત મને પૂછે છે? અરે મેં તો સવાર પણ ખાસ ક્યાં જોઈ છે? અને એ પણ જંગલની? જંગલમાં હજુ તો આ બીજી જ સવાર છે. પહેલી સવાર તો આપણાં જાગતા પહેલાં જ વિતી ગઈ હતી. અને આજની બીજી સવાર તો હજુ ઊગી પણ નથી....” વ્યોમા માત્ર સ્મિત આપતી રહી.

“તો? તો શું થયું? મારો પ્રશ્ન...”

નીરજા પૂરું બોલે તે પહેલાં જ વ્યોમા બોલી ઉઠી, ”નીરજા, જંગલની સવાર જોવાની હજુ બાકી છે. જેને જોઈ જ નથી તે કેવી હોય તે કેમ ખબર પડે? તું પણ સાવ નાદાન છે. કેવા કેવા સવાલો કરે છે?“

“ઓહો, વ્યોમા. એ તો હું ભૂલી જ ગઇ.”

“ઠીક છે. તો ચાલ આજે એ સવારને પણ જોઈ લઈએ.”

કેડીની ડાબી બાજુએ ખુલ્લી જગ્યા પર ટેન્ટ બાંધેલ હતો. તે દિશા પૂર્વ તરફ હતી.

“ટેન્ટની પાછળના ભાગે પૂર્વ દિશામાં ગીચ ઝાડી છે. તેની પાછળથી કદાચ સુરજ ઊગે, તો પણ જોઈ નહીં શકાય.” નીરજાએ પૂર્વ દિશાનું અવલોકન કર્યું.

“કોઈ વાંધો નહીં. આ આખું જંગલ આપણું જ છે. કોઈ બીજી જગ્યા તપાસી લઈએ.“ વ્યોમાએ હકારમાં માથું હલાવ્યું. તે આસપાસ નજર કરવા લાગી. તેની નજરે થોડે દૂર એક ઊંચાઈ વાળી જગ્યા પકડી પાડી.

“નીરજા, પેલી દૂર દેખાય છે તે ટેકરી જેવી જગ્યા કેવી રહેશે?”

“લાગે છે કે તે જ શ્રેષ્ઠ જગ્યા છે આપણાં માટે.” નીરજાએ પણ નજરથી ખાત્રી કરી લીધી.

તેઓ બંને તે ટેકરી પર ચડી ગયા. ઠંડી હવાનો પ્રવાહ વહેતો હતો અહીં. તેમાં સ્નાન કરવા લાગ્યા.

“કેટલી ઠંડી છે આ હવા?” વ્યોમા ઠંડીથી થોડી કંપી ગઈ.

“બસ, થોડી જ વારમાં આ ઠંડી હવાથી પણ ટેવાઇ જવાશે.” નીરજાએ વ્યોમાનો હાથ પકડી ઉષ્મા વહાવી દીધી. વ્યોમાને સારું લાગ્યું.

“ચાલ, હવે આ આકાશને, જંગલને, તેની ઉગનારી સવારને, નહીં ઉગેલા સુરજને, વાદળોને... “

“મૌન બનીને જોઈ લઈએ, એમ જ ને?”

બન્ને હસી પડ્યા. મૌન થઈ ગયા. પોત પોતાના જંગલને, ઘર આપી દીધું આંખ, મન અને હ્રદયમાં.

તેઓની આંખો જોવા લાગી જંગલની એક સવાર. પહેલી સવાર.

આકાશ લઈને આવે છે સવાર. એટલે તો તેઓ જોઈ રહ્યા છે આકાશને. તે હજુ પણ કાળું જ છે. કોઈ પણ દિશામાં કોઈ પ્રકાશના અંશો પણ નથી. દૂર દૂર ક્ષિતિજ સુધી વ્યાપી ગયું છે અંધારું. જાણે સમગ્ર જંગલ પર તેનું સામ્રાજ્ય ના હોય.

દરેક સામ્રાજ્યમાં કોઈને કોઈ બળવાખોર હોય જ છે. ઇતિહાસ પણ સાક્ષી છે. જંગલના અંધારાના સામ્રાજ્યમાં પણ એક બળવાખોર છે. લોકો તેને ચંદ્ર તરીકે ઓળખે છે. અંધકારના સામ્રાજયને તેણે ખુલ્લો પડકાર ફેંકેલો છે. તે એકલો લડે છે, અમાનુષી અંધકારના સામ્રાજ્ય સામે. કોઈ કોઈ તારલા તેની સેનામાં જરૂર છે, પણ લડાઈ તો તે એકલો જ લડી રહ્યો છે. તે જાણે છે કે સૂરજ ઊગશે એટલે અંધકારના રાજ્યનું પતન નિશ્ચિત છે. પણ તે સૂરજના ઉગવાની રાહ જોઈ બેસી નથી રહેતો. તે તો પોતાની સતત વધ-ઘટ થતી શક્તિ વડે રોજ રોજ લડ્યા કરે છે. તેને એક પળ પણ અંધકારની ગુલામી પસંદ નથી.

પશ્ચિમ આકાશમાં તે ચંદ્ર પોતાનું અજવાળું ફેલાવવા સંઘર્ષ કરી રહ્યો છે. અજવાળી રાતનો પાછલો ચંદ્રમા. વાદળો જાણે અંધકારના સૈનિકો હોય તેમ સતત ચંદ્ર પર હુમલો કરી રહ્યા છે. પણ, ચંદ્ર પણ ચાલાક યોધ્ધો છે. ગમે તેમ કરીને વાદળોના હુમલાઓ ખાળી નાંખે છે. તેના વારથી બચીને છટકી જાય છે. કેટકેટલા વાદળો લગાડી દીધા છે અંધ રાજાએ, ચંદ્રને હરાવવા.

પણ, ચંદ્ર તેને હાથ નથી લાગતો. રાજાનું ફરમાન છે, કે ચંદ્રને જીવતો પકડી લાવવો. તેને જાળમાં કેદ કરી લાવવો. પણ ... બધી જાળ તેને કેદ કરવામાં નિષ્ફળ રહી છે.

બધા વાદળો ધરાશાયી થઈ ગયા. ચંદ્ર મુક્ત વિહરી રહ્યો છે આકાશમાં. તેની બાજુમાં એક તારો છે. તેને બિલકુલ અડીને તે ઊભો છે. વિજેતા ચંદ્રને આલિંગન આપી ઊભેલી કોઈ વીરાંગના જેવો એ તારો.

બંનેનું મિલન અને આલિંગન અંધ રાજાથી સહન ના થયું. તે સમસમી ગયો. તેણે એક ખૂબ જ મોટું વાદળ મોકલી આપ્યું. ચંદ્ર અને તેની પ્રેમિકા જેવો તારો, કેદ થઈ ગયા. બન્ને કેદીઓને લઈને વાદળ ગુમાનભેર રાજા પાસે જવા લાગ્યું.

નીરજા અને વ્યોમાને આ લડાઈ જોવી ગમી.

“બળવાખોરને આખરે કેદ કરી જ લીધો.” નીરજાએ એક ઊંડો શ્વાસ લીધો.

“પણ બળવો તો ચંદ્ર કરે છે. તો પછી તારાને કેમ પકડી ગયા? તેણે...”

“વ્યોમા, તેઓ ચંદ્રના સાથીદાર છે. માટે તેને પણ....”

“બસ ફિલ્મ પૂરી...” વ્યોમાએ નિરાશા વ્યક્ત કરી.

“તો શું થયું? આ જંગલમાં ઘણું ય જોવાનું બાકી છે.“

હજુ સ્થિર હતું આકાશ, આકાશની બધી દિશાઓ. કોઈ ચહલ પહલ નહીં. કોઈ હલન ચલન નહીં. એક માત્ર હવા તેના હોવાનો અહેસાસ આપતી હતી. જો કોઈ ધબકતું હતું તો તે હતા- નીરજા, વ્યોમા અને હવા. બાકી બધું જ શાંત. બધું જ સ્થિર.

કેટલોય સમય શાંત પસાર થઇ ગયો.

દૂર કોઈ ડાળીમાં જરા સળવળાટ થયો. તેનો અવાજ સાંભળી જંગલમાં ખળભળાટ થયો. બીજી કોઈ ડાળીમાં પણ સળવળાટ થયો. પછી ત્રીજી, ચોથી.... એમ એક પછી એક ડાળીઓમાં સળવળાટ થવા લાગ્યો. જાણે જંગલનું એક એક અંગ, આળસ મરડી જાગવાની કોશિષ કરતું હોય.

વિસ્મય ભરેલી ચાર આંખો શું થઈ રહ્યું છે તે જાણવા કોશિશ કરતી રહી.

ડાળીઓમાંથી એક અવાજ આવ્યો. ઝીણો અવાજ.

“કોઈ પ્રાણીનો અવાજ છે?”

“કદાચ ઝાડી વચ્ચે ફસાઈ ગયું હશે.”

બીજી.. ત્રીજી .. ચોથી ઝાડી પરથી પણ અવાજો આવવા લાગ્યા. ચારે દિશામાંથી અવાજ આવવા લાગ્યા. હવે તે અવાજ સ્પષ્ટ થતાં ગયા.

“નીરજા, આ તો પંખીઓનો અવાજ છે.”

“કેવો મધુર લાગે છે.”

“આટલા બધા પંખીઓ અહીં રહે છે, એની તો ખબર જ નહોતી. અજવાળું થતાં જ તે બધા પંખીઓ દેખાશે.”

“કેવા કેવા હશે એ પંખીઓ. નાના-મોટા, રંગબેરંગી, ઉડતા, દોડતા, કિકિયારી કરતાં, ચણતા, પાંખો ફફડાવતા...”

“ચાંચમાં ચાંચ નાખી પ્રેમ કરતાં હશે. હાઉ રોમાંટિક !“

“તને પંખીઓની ભાષા સમજાય છે?” નીરજાએ વ્યોમાના ખભા પર પાછળથી હાથ મૂક્યો.

“ના. તને સમજાય છે?” વ્યોમાએ પાછળ ફર્યા વિના જ જવાબ આપ્યો.

નીરજા કશું જ ના બોલી, માત્ર વ્યોમાના ખભાને હળવે હાથે દબાવ્યો. વ્યોમા હજુ પણ ડાળીઓ તરફ જોઈ રહી હતી.

“શું જુએ છે, વ્યોમા? શેની પ્રતિક્ષા કરે છે, તારી આ આંખો?” નીરજાએ તેનું ધ્યાન ભંગ કર્યું.

“આ ડાળીઓમાંથી કોઈ પંખી ઉડીને બહાર આવે તેની પ્રતિક્ષા કરૂ છું. “

“કોઈ નહીં, વ્યોમા. બધા પંખીઓ કહે. મારે કોઈ એકાદ નહીં, બધા જ પંખીઓ જોવા છે.”

“હા. એ બધા જ બહાર આવશે, પણ સવાર પડે પછી જ. રાતનું અંધારું વિતી જાય પછી. તેઓ પણ આપણી જેમ જ પ્રતિક્ષા કરી રહ્યા છે, સૂર્યના ઉગવાની.”

“હેં ? અરે હા, હા... હું તો ભૂલી જ ગઈ, કે અહીં આપણે સૂર્યોદયની પ્રતિક્ષામાં છીએ.”

ફરી આકાશ તરફ નજર કરી. હજુ સૂર્ય ઊગ્યો નહોતો. પરોઢ પણ નહોતું થયું. પણ અંધારું થોડું નબળું પડ્યું હતું. તેની સત્તાના પાયા હલવા લાગ્યા હતા.

અપારદર્શક અંધારું હવે પારદર્શક બની રહ્યું હતું. ધીરે ધીરે અંધારાની પેલે પાર પણ કશુંક નજરે ચડી રહ્યું હતું. આકાશ રંગ બદલતું હતું. ઘોર કાળા રંગને બદલે હવે, તે આછું કાળું થઈ ગયું. કદાચ ગ્રે પણ હોય. કાળાશમાં ધીરે ધીરે સફેદી ઘોળાઈ રહી હતી. અંધારના સૈનિકો જેવા કાળા વાદળો, ચંદ્રને કેદમુક્ત કરી ભાગવા લાગ્યા. ચાંદની ફરી ઉજાસ ફેલાવવા લાગી.

અધૂરો અંધકાર, અધૂરો ઉજાસ અને અધૂરી ચાંદની. ત્રણેયનું મિશ્રણ આકાશમાં એવા એવા રંગો ઢોળી રહ્યું હતું, કે જેને નામ આપવાનું માણસ જાત ભૂલી ગયો છે.

હજુ સુરજ ઊગ્યો નહોતો. પણ પશ્ચિમ આકાશમાં રંગો બદલાતા હતા. વાદળો પર કોઈ રંગ છાંટી ગયું હશે નહીંતર રાતભર કાળાશ ઓઢીને ફરતા વાદળો, હવે ગુલાબી કેમ થતા જાય ! લાલ, ગુલાબી અને નારંગી રંગોના પિછાઓ કોઈએ ફેરવી દીધા, આકાશ પર, વાદળો પર. આકાશમાં અનેક આકૃતિઓ સર્જાવા લાગી.

પૂર્વના આકાશમાં અંધારું, આવનારા સૂર્યની સામે અસ્તિત્વ ટકાવી રાખવા લડી રહ્યું હતું. તો પશ્ચિમ આકાશમાં જાણે ઉત્સવ હોય તેમ આકાશ રંગબેરંગી ખીલ્યું હતું. ચંદ્ર પણ હવે ઢળવા લાગ્યો હતો. તો વાદળો હવે પાટલી બદલી રહ્યા હતા. આકાશમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું હતું. પેલી તરફ પંખીઓ પાંખો ફફડાવતા હતા. ગીત ગાતા હતા. કલરવ કરતાં હતા. સૂઈ રહેલું જંગલ પણ હવે જાગી ગયું હતું. આળસ મરડી રહ્યું હતું. કોઈ યૌવનાના મરોડદાર અંગોની જેમ અંગડાઇ લઈ રહ્યું હતું. ભીની માટી, સુગંધ ફેલાવી ધ્યાન ખેંચતી હતી. લીલા પર્ણો અને તેને અડીને ઉગેલા પુષ્પો કોઈ રંગોળી રચી રહ્યા હતા.

એક સાથે નજર સામે અનેક ઘટનાઓ ઘટી રહી હતી. નીરજા અને વ્યોમા મૂંઝાઇ ગયા.

“કોઈ એક ઊગતી સવારમાં આટલું બધું એક સાથે બની રહે, એ વાત કેટલી અદભૂત છે, પણ . ...” વ્યોમાએ દ્વિધા રજૂ કરવા પ્રયાસ કર્યો.

“પણ તેમાંથી કઈ ઘટના જોવી અને બાકી બધીને છોડી દેવી, એ નક્કી નથી થઈ શકતું.” નીરજાએ વ્યોમાની દ્વિધાને સમર્થન આપ્યું.

“તેં કદી ચંદ્રને અસ્ત થતાં જોયો છે? ચંદ્રાસ્તને અનુભવ્યો છે?” વ્યોમાએ વાત બદલી નાંખી.

“ચંદ્રાસ્ત? વ્યોમા આ શબ્દ તને ક્યાંથી સૂઝયો?”

“એ છોડ પછી ચર્ચા કરીશું. હાલ તો ચંદ્રાસ્તને માણી લઈએ.” વ્યોમાએ ડૂબતાં ચંદ્રને જોવા પશ્ચિમના આકાશમાં દ્રષ્ટિ કરી.

“હમેંશા સૂર્યાસ્તને જોવાની આદત છે, અને ચંદ્રોદયને જોવાની મજા આવે છે. પણ ચંદ્રાસ્ત પહેલી વાર જોવા મળ્યો.” નીરજા પણ હવે તે તરફ જોઈ રહી હતી.

કોઈ જાતની ધમાલ વિના જ, કોઈ રંગ બદલ્યા વિના જ, ચંદ્ર અસ્ત પામી રહ્યો હતો. ક્યાંય ક્ષિતિજમાં કુદયા વિના જ પોતાના અસ્તિત્વમાંથી રાજીનામું આપી રહ્યો હતો. કોઈ સંત મૃત્યુ શૈયા પર રહી પોતાના દેહને શાંત ચિત્તે છોડી રહ્યો હોય તેમ, તે વિલીન થઈ રહ્યો હતો. કોઈ ત્રાગું નહોતો કરતો. બે ક્ષણ વધુ જીવી લેવાની કોઈ જિજીવિષા પણ નહીં. કોઈ તરફડાટ નહીં. બસ સાવ સહજ વિદાય લઈ ગયો, ચંદ્ર.

ચંદ્રના અસ્ત પછી દિશાઓએ રૂપ રંગ બદલી નાંખ્યા હતા. સૂર્યના આગમનના એંધાણ થવા લાગ્યા. નીરજા અને વ્યોમા પૂર્વમાં ક્ષિતિજ તરફ મીટ માંડી રહ્યા. પૂર્વમાં સૂર્ય ઉગતાં પહેલાંનું અજવાળું આવી ગયું હતું. ગીચ ઝાડીઓને પેલે પાર સૂર્ય લાલચોળ થઈ, વાદળોને ધક્કા મારી, આકાશમાં ઘૂસવા માંડ્યો. ઉંમરમાં તો બાળક લાગતો હતો, પણ કદમાં ખૂબ મોટો સૂર્ય, ધીરે ધીરે દેખાવા લાગ્યો. સૂર્ય ઊગ્યો તો પૂર્વથી, પણ તેના રંગો બધી દિશામાં ફેલાઈ ગયા.

સૂર્યનું અજવાળું થતાં જ ટેકરી પરથી આખું જંગલ સ્પષ્ટ દેખાવા લાગ્યું. નજર પડે ત્યાં સુધી લીલા વૃક્ષો, પાંદડાઓ અને ભીની માટી. ઊંચાઈ પરથી જોવાની મજા પડી ગઈ. કેટલું સુંદર છે આ જંગલ !

“નીરજા, જો ત્યાં થોડે દૂર કોઈ ઝરણું વહેતું હોય એવું લાગે છે.”

નીરજાએ ત્યાં નજર કરી, ”વાહ. ઝરણું જ છે. લાગે છે અડધો કિમી જેટલું દૂર હશે. ચાલ ત્યાં જઈએ.”

“મને તો ઝરણાંમાં સ્નાન કરવાનું મન થયું છે.“

“મને પણ. શિલોંગની હોટેલ છોડી એ પછી સ્નાન જ ક્યાં કર્યું છે? ભૂખ પણ લાગી છે.” નીરજાએ સહમતી વ્યક્ત કરી.

“તો નાસ્તો સાથે લઈ લે. ત્યાં નાસ્તો પણ કરીશું અને સ્નાન પણ કરીશું. ચાલ, ટેન્ટ પરથી એ બધું લઈને નીકળી પડીએ.”

ટેન્ટ પર જઇ જરૂરી સામાન અને નાસ્તો લઈ ટેન્ટ બરાબર બંધ કરી ચાલવા લાગ્યા, ઝરણાં તરફ. તે પશ્ચિમ દિશા તરફ હતું. ટેન્ટ ક્રોસ કરી કેડી પાર કરી, ઝરણાં તરફ જવાતું હતું. રસ્તામાં થોડી ઝાડી હતી. તેની બાજુમાંથી થઈને નીકળતો કાચો રસ્તો ઝરણાં સુધી લઈ જતો હતો.