Nagar - 27 books and stories free download online pdf in Gujarati

નગર - 27

નગર-૨૭

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- રોશન પટેલ હોસ્પિટલમાંથી ભાગી જાય છે... નગરનાં સેક્રેટરી નવનીતભાઇ નગરનાં વડીલોની મૂર્તિઓ લઇને સુરતથી વિભૂતી નગર આવવા નીકળી પડે છે... અને માથુર સાહેબના બંગલાનાં દરવાજે અચાનક ધમા-ધમી મચી જાય છે... હવે આગળ...)

દરવાજા ઉપર ઠોકાતા હથોડાનો અવાજ ભયાવહ લાગતો હતો. કોઇ એટલા જોરથી દરવાજાને ઠોકતું હતું કે હમણાં એ મજબુત ભારેખમ દરવાજો તેનાં મિજાગરા સોતો ઉખડીને અંદર તૂટી પડશે એવું લાગતું હતું. એ અવાજે મોન્ટુ અને નીલીમાદેવીની હિંમતને પરસ્ત કરી નાંખી હતી. બંને સખત રીતે ડરીને એકબીજાને વળગીને ત્યાંજ, પહેલા માળની બાલ્કનીમાં ખોડાઇ રહયાં. બે માંથી એક પણ વ્યક્તિ ત્યાંથી હલવાનું કે ઉભા થઇને અંદર રૂમમાં ભાગી જવાનું પણ વિસરી બેઠા હતાં. ભયાનક ડરે તેમનાં પગ જાણે ફર્શ સાથે ચોંટાડી રાખ્યા હતા. તેમનાં હ્રદય ધડકતા હતા અને આંખો વિસ્ફારીત બની હતી.

“ હવે શું થશે આન્ટી...?” થર-થર કાંપતા અવાજે મોન્ટુએ પુછયું. બીકનાં લીધે તેની કીડનીમાં પાણી ભેગું થઇ રહયું હતું. તેને એ પણ એક ડર હતો કે તે કયાંક પેશાબ ન કરી બેસે...! નીલીમા બહેન શું જવાબ આપે...? તેમની ખુદની હાલત નાજુક હતી. મોન્ટુ કરતાં વધુ ડર તો તેમને લાગી રહયો હતો. ધ્રુજતાં હાથે તેમણે મોન્ટુની પીઠ પસવારી.... ગળા નીચે થૂંક ઉતાર્યુ અને થોડી હિંમત એકઠી કરી.

“ આપણે પાછા મારા બેડરૂમમાં જતાં રહીએ....” તેઓ બોલ્યા. એવું કરવામાં તેમની ગણતરી એ હતી કે બેડરૂમમાં પહોંચીને દરવાજો અંદરથી બંધ કરી દેવાથી બહાર સંભળાતા અવાજો થોડા ઓછાં થશે. તેણે એમ કર્ય પણ ખરું. હળવેકથી મોન્ટુને પોતાનાંથી અળગો કરી સામે ખુલ્લા દેખાતા બેડરૂમનાં દરવાજા ભણી તેને ધકેલ્યો અને પછી પોતે પણ ઉભા થઇ તેની પાછળ ચાલ્યા. મોન્ટુને સમજાયું હતું અને તે દોડતો બેડરૂમમાં દાખલ થયો. તેની પાછળ આવતાં નીલીમા બહેન જેવા અંદર દાખલ થયા કે ઝડપથી તેણે બારણું વાસી દીધું અને આગળીયો લગાવી દીધો. અંદર આવતાં જ તે બંનેનાં જીવ ને “ હાશ” થઇ હતી. બેડરૂમનો દરવાજો બંધ થતા એવું લાગ્યું જાણે દુનિયાનો તમામ કોલાહલ ક્ષણભરમાં શાંત થઇ ગયો. ખરેખર એ આશ્ચર્યની વાત હતી કે હમણાં સુધી ભયાનક રીતે ઠોકાતું ડ્રોઇંગરૂમનું બારણું એકાએક તરત શાંત પડી ગયું હતું. જાણે ત્યાં કોઇજ ન હોય એવી ખામોશી ક્ષણભરમાં પ્રસરી હતી. નીલીમા બહેને આશ્ચર્ય અનુભવ્યું. આવું તે કેમ બને...? જે ભયાવહ અવાજોથી બચવા તેઓ અંદર દોડી આવ્યા હતા એ અવાજો એકદમ જ કેમ ખામોશ થઇ ગયા...? શું એ કોઇ નવી ઘટનાની આગાહી તો નથીને...? તેમણે બેડરૂમનાં બંધ બારણા નજીક જઇને કાન માંડયા... બારણાની પેલે પાર સાવ નિરવ ખામોશી પથરાયેલી હતી. એક સેકન્ડ...માત્ર એક સેકન્ડમાં એ બન્યું હતું. મોન્ટુએ જેવો બેડરૂમનાં દરવાજાનો આગળીયો વાસ્યો કે એ સાથે જ બહાર પણ સ્તબ્ધતા પ્રસરી ગઇ હતી. જાણે બધા એકાએક કયાંક ચાલ્યા ગયા ન હોય...! નીરવ સ્તબ્ધતામાં થોડી મિનીટો વીતી પછી નીલીમા બહેન ધીરા પગલે બારણેથી ખસ્યા. મોન્ટુ તેમની નજીક ઉભો હતો. તેમણે તેનો હાથ પકડયો અને બેડરૂમનાં પલંગ તરફ ચાલ્યા. મોન્ટુને પણ બહારથી આવતા અવાજો બંધ થવાથી ભારે રાહત થઇ હતી.

“ મારે બાથરૂમ જવું છે...” તે બોલ્યો. કયારનું પ્રેશર આવતું હતું તેને. નીલીમા બહેને તેને બેડરૂમનાં એટેચ્ડ બાથરૂમ તરફ મોકલી આપ્યો. મોન્ટુ બાથરૂમમાં ઘુસ્યો પછી તેઓ વિચારમગ્ન અવસ્થામાં બેડ ઉપર પથરાયેલા ગાદલાં ઉપર બેઠા. તેમનાં પતિ કર્નલ માથુરનાં મોતનાં ખબર સાંભળીને તેમને ભારે ધક્કો લાગ્યો હતો. એનો શોક તેઓ મનાવે, એ પહેલાં તો તેમનાં બંગલાનાં મુખ્ય દરવાજે જાણે હજ્જારો પ્રેતાત્મા એકઠા થયા હોય એમ ધમાચકડી મચી ગઇ હતી, અને તરેહ-તરેહનાં બિહામણા અવાજોથી સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠયું હતું. એ ગડમથલમાં માથુર સાહેબનો શોક ઘડીભર માટે તેઓ ભૂલી ગયા હતા...પરંતુ અત્યારે તેઓ એકલા પડયા એ સાથે ફરી વખત માથુર સાહેબની યાદે તેમને ઘેરી લીધા. એ યાદોને લીધે અનાયાસે તેમની આંખોમાં આંસું ઉભરાઇ આવ્યા અને હ્રદયમાં ડુમો ભરાયો. આંખોમાંથી ઉભરાતાં આંસુ દડીને ગાલે આવ્યા. આંસુ લુંછવા તેમણે ગાલ તરફ હાથ ઉંચો કર્યો પણ અચાનક તેઓ અટકયા. એ તરફનો આખો ચહેરો, આ બાજુનાં ગાલની ચામડી સંપૂર્ણપણે તતડી ગઇ છે એ તેમને યાદ આવ્યું. તેમનાં એ તરફનાં આખા ગાલને ધધકતા અગ્નિની જ્વાળાઓ ઉપર શેકવામાં આવ્યો હોય તેમ દાઝીને ચહેરાની ચામડી બળી ગઇ હતી. માથુર સાહેબનાં ગાલે પણ આવો જ દાઝકો પડયો હતો. તો શું માથુર સાહેબની જેમ તેમનું મોત પણ નજદીક આવી પહોંચ્યું છે...? એ વિચારે એક ભયાનક ધ્રુજારી તેમનાં વૃધ્ધ શરીરમાં પ્રસરી ગઇ. “ હે ભગવાન... આ બધું શું થવા બેઠું છે....? અમારા કયા કર્મોની સજા તું આપી રહયો છે...?” તેમનાં હોઠેથી શબ્દો સર્યા. એ દરમ્યાન મોન્ટુ બાથરૂમમાંથી બહાર નીકળ્યો હતો.

“ મને તરસ લાગી છે...” તે બોલ્યો. તેનાં પેટમાં પતંગીયા ઉડતા હોય એવું તે અનુભવી રહયો હતો. ખબર નહોતી પડતી કે તેને શું થઇ રહયું છે...? ભયાનક ડરનાં કારણે તે નર્વસ બ્રેકડાઉનનો શિકાર બનતો જતો હતો. તેનું ગળું સુકાતું હતું એટલે તેણે પાણી માંગ્યું. નીલીમા બહેને જોયું. બેડરૂમમાં પાણીનો જગ નહોતો. “ થોડુંક થોભી જા. નીચે રસોડામાંથી લાવવું પડશે...” તેઓ બોલ્યા. મોન્ટુ ચુપચાપ આવીને પલંગની એક કોરે બેસી ગયો. કમરામાં ફરી ખામોશીનું સામ્રાજ્ય પથરાયું.

***

“ મારે પાણી પીવું છે...” લગભગ કલાકેક બાદ અચાનક મોન્ટુ ફરીથી બોલી ઉઠયો. તેનાં ગળામાં શોષ પડતો હતો અને એકધારુ એક જ અવસ્થામાં બેઠા-બેઠા તે થાકયો પણ હતો. આ સમય દરમ્યાન તે બંનેમાંથી કોઇ સહેજપણ હલ્યું નહોતું... અને રૂમની બહાર પણ સંપુર્ણતહઃ શાંતિ પથરાયેલી રહી હતી. લાગતું હતું કે બંગલાનાં દરવાજે જે કોઇપણ હતું તે પાછું ચાલ્યું ગયું હતું. એક કલાકથી આખો બંગલો સુનકાર ઓઢીને પડયો હતો.

“ તું બેસ... હું પાણી લઇ આવું...” પોતાનામાં હિંમત એકઠી કરતા નીલમા બહેન બોલ્યા અને ઉભા થયા.

“ હું પણ સાથે આવીશ...” મોન્ટુ ઉભો થઇને તેમની પડખે આવતાં બોલ્યો. અહી એકલા રહેવાનાં ખ્યાલ માત્રથી તેની ધડકનો વધી ગઇ હતી.

“ ઓ.કે...ચાલ...” નીલીમાબહેને કહયું અને બંને બેડરૂમનાં દરવાજા પાસે આવ્યા. ધડકતા દિલે નીલીમાબહેને દરવાજાનો આગળીયો ખોલ્યો અને સહેજ તિરાડ જેવું કરીને તેમણે બહાર લોબીમાં ઝાંક્યું. લોબીની પરસાળમાં નિરવ સ્તબ્ધતા પથરાયેલી હતી. “મારી પાછળ રહેજે....” મોન્ટુને પોતાની આડશમાં લઇ તેમણે અડધો દરવાજો ખોલ્યો અને ચાંપતા પગલે તેઓ લોબીમાં આવ્યા. લોબીમાં લાલ ઝાઝમ પાથરેલી હતી એટલે તેની ઉપર ચાલતી વખતે પગલાઓનો અવાજ આવવાનો પ્રશ્ન નહોતો. સામે જ નીચે ઉતરવાનો દાદરો દેખાતો હતો. તેઓ ઝડપથી એ દાદર સુધી આવ્યા. બંગલાનાં વિશાળ ડ્રોઇંગરૂમનાં છત ઉપર લટકતા કલાત્મક ઝુંમરમાંથી ઝળાહળ પ્રકાશ રેળાતો હતો જેના કારણે ડ્રોઇંગરૂમનું વાતાવરણ થોડું જીવંત લાગતું હતું. ઝુંમરની એ રોશનીનાં કારણે નીલીમાબહેનમાં થોડી હિંમત ઓર વધી હતી. દાદરો ઉતરતા નીચે, જમણી તરફ કિચન હતું. તેમને ત્યાં પહોંચવાનું હતું. દબાતા પગલે, ઉછળતા હ્રદયે નીલીમાબહેન અને મોન્ટુ દાદરનાં એક પછી એક પગથીયા ઉતર્યા. દાદરની બિલકુલ સામે બંગલાનો મુખ્ય દરવાજો હતો. તે બંનેની નજરો એકધારી એ દરવાજા તરફ મંડાયેલી હતી. હ્રદયમાં બીક ફફડતી હતી કે હમણાં જ કોઇક એ દરવાજાને ખખડાવશે...કોઇક બળ કરીને દરવાજો ખોલીને અંદર ધસી આવશે.

પરંતુ એવું કશું થયું નહી. દાદરાનું છેલ્લું પગથીયું ઉતરીને તે બંને ઝડપથી ચાલતા રસોડામાં ઘુસ્યા હતા. રસોડામાં ઘુસતા તરત નીલીમા બહેને રસોડાનું બારણું અંદરથી વાસી દીધું. અહી સુધી સહી-સલામત પહોંચવાથી તેમને “હાશ” વળી. મોન્ટુ તેમની પાછળ જ હતો. તે આ ઘરમાં ઘણી વખત આવી ચુકયો હતો એટલે તેને ખબર હતી કે ફ્રીઝ કયાં છે....! તે એ તરફ લપકયો અને ફ્રીઝમાંથી પાણીની બોટલ કાઢી સીધી જ મોંઢે માંડી પાણી પીવા લાગ્યો. એ દરમ્યાન નીલીમાબહેન કિચનનાં પ્લેટફોર્મ તરફ વળ્યાં. તેમનો નોકર ચંદુ સવારનો દેખાયો નહોતો. ગઇકાલે રાત્રે તેમણે જે ભોજન લીધું હતું તેનાં એંઠા વાસણોનો ખડકલો હજુ પણ એમજ સીંકમાં પડયો હતો. એક સ્ત્રી સહજ માનસીકતાથી તેઓ એ તરફ ચાલ્યા હતા. આટલી દુઃખદ અને ગંભીર પરિસ્થતીમાં પણ નીલીમા બહેનને ચંદુ ઉપર ગુસ્સો આવ્યો. “ સાવ કામચોર બની ગયો છે... જોને આજ સવારનો કયાંય દેખાયો પણ નથી...” બબડતાં તેઓએ એંઠા વાસણો ભરેલા સીંકમાં નજર નાંખી.

મનુષ્ય સ્વભાવની આ અજીબ ખાસીયત છે. ગમે એટલી ભયાનક પરિસ્થિતીમાં પણ તે બીજાનો દોષ જોઇ જ લે છે. પછી ભલેને તે સહેજે અગત્યુનું ન હોય. નીલીમાબહેન પણ આખરે તો મનુષ્ય જ હતાં. માથુર સાહેબનું હમણાં મોત થયું હતું...અને તેમનાં ઘરનાં દરવાજે મોતનો ઓછાયો તાંડવ કરી રહયો હતો. એ બધું તેઓ ક્ષણવારમાં વિસરી ગયા હતા અને નોકર ચંદુને કોષવા લાગ્યા હતા. “આવવા દે એ હરામખોરને... તેની ખબર લઇ નાંખુ” બબડતા તેમણે સીંકમાં હાથ નાંખ્યો અને વાસણો હટાવવા માંડયા. હજુ માંડ બે જ વાસણ હટાવ્યા હશે કે અચાનક એ વાસણોનાં ઢગલા વચાળેથી આછો, સફેદ ધુમાડો નીકળવા લાગ્યો. “ ઓહ...આ શું...?” નીલીમા બહેને તરત પોતાના હાથ વાસણો ઉપરથી હટાવી લીધા. આઠ-દસ અગરબત્તીઓ એકસાથે સળગતી હોય અને તેમાંથી જેવી ધુમ્રસેર પ્રસરે...એવોજ ધુમાડો સીંકમાંથી બહાર નીકળવા લાગ્યો હતો. હતપ્રદ બનીને નીલીમા બહેન એંઠા વાસણો વચ્ચે દેખાતા ગેપમાંથી રસોડામાં ફેલાતા ધુમાડાને જોઇ રહયા. સીંકની અંદર, રસોડાનાં પ્લેટફોર્મ નીચે કંઇ સળગતું હશે...? એવો એક વિચાર તેમને આવ્યો. તરત નીચે ઝૂકીને તેમણે પ્લેટફોર્મની સીંક નીચેનું બારણું ખોલ્યું. અંદર સ્ટીલની સીંકનો ભાગ અને તેમાં લગાવેલી પાણી વહેવાની પાઇપ સીવાય બીજું કંઇ નહોતું. “ તો ધુમાડો કયાંથી આવ્યો...?” તેઓ ફરી ઉભા થયા અને રસોડાનાં પ્લેટફોર્મ ઉપર ધીમે-ધીમે ફેલાતા જતા આછા ધુમાડાને તાકી રહયાં. પછી તેમણે પાછું ફરીને મોન્ટુની દિશામાં જોયું. મોન્ટુ હજુપણ ફ્રીજમાં કંઇક ગડમથલ કરી રહયો હતો. કદાચ તે ફ્રીજમાં મુકેલા ફ્રુટ ખાવામાં પરોવાયો હતો.

ખરેખર તો તે બંનેએ ત્યાંથી નીકળી જવું જોઇતું હતું. પરંતુ નીલીમા બહેનની જીજ્ઞાસાએ તેમને ત્યાં રોકી રાખ્યા. આગળ વધીને સીંકમાં પડેલા વાસણો એક પછી એક, તેમણે હટાવવા માંડયા. બધા વાસણો બહાર નીકળતા તેમને સમજાયું હતું કે એ ધુમાડો સીંકની પાણી જવાની પાઇપમાંથી જ નીકળી રહયો હતો. ત્યાં સુધીમાં આખી સીંક ધુમાડાથી ભરાઇ ગઇ હતી અને તેમના હાથ એ ધુમાડાની અંદર પહોંચા સુધી ડૂબતાં હતાં. આંખો ફાડી-ફાડીને તેઓ એ નજારાને જોઇ રહયા. કંઇક અજુગતું બનવાનાં ભણકારા તેમને સંભળાતા હતા. પણ લાખ કોશીષ છતાં તેઓ ત્યાંથી પોતાની જાતને હટાવવા અસમર્થ બન્યા હતા. તેમના હાથ સીંકમાં ઉભરાતા ધુમાડામાં ડૂબેલા હતા અને સ્તબ્ધ બની આંખો ખેંચીને સ્થિર નજરે એ ધુમાડાને તાકી રહયા હતા. સેકન્ડો એ જ સ્થિતીમાં વીતી...અને ભયથી તેમની આંખો પહોળી થઇ. જોત-જોતામાં તેમની નજરોની સામે જ, સીંકમાં છવાયેલો ધુમાડો જાણે કોઇકે જંગી વેક્યુમ મશીનથી પાછો ખેંચી લીધો હોય તેમ એક ઝટકે સીંકની પાઇપમાં શોષાઇ ગયો. નીલીમા બહેનની વૃધ્ધ આંખો પહોળી થઇ. તેમનાં હ્રદયમાં ધ્રાસકો અનુભવાયો. ક્ષણનાં ચોથા ભાગમાં એ બન્યું હતુ, જાણે એકાએક કોઇ આવીને તુરંત અંતર્ધ્યાન થયું હોય એમ તમામ ધુમાડો સીંકનાં હોલમાં ચૂસાઇ ગયો હતો. એક સ્વાભાવીક રીએક્શનક્રિયા પ્રમાણે જ નીલીમાબહેન સીંક તરફ થોડા આગળ ઝૂકયા...એમ સમજોને કે તેમનાંથી ઝૂકાઇ ગયું. સીંકનાં હોલની સીધમાં તેમનું મોંઢું આવ્યુ. એકીટસે તેઓ હોલનાં કાણાંમાં તાકી રહયા...અને...તેમની પહોળી આંખો વધુ વિસ્ફારિત બની. તેમનાં સીનામાં ધડકતું દિલ ઉછળીને તેમનાં ગળામાં અટવાયું, તેમનાં હાથ-પગ જાણે એકજ ક્ષણમાં સૂન્ન પડી ગયા. એક અવિશ્વસનીય દ્રશય એ સીંકમાં સર્જાઇ રહયું હતું...જે ઝડપથી સીંકમાં પ્રસરેલો ધુમાડો તેનાં હોલમાં અદ્રશ્ય થયો હતો એટલી જ ઝડપે એ હોલમાંથી કોઇક સ્ત્રીનાં માથાનાં કાળા-ભમ્મર વાળની લટો બહાર આવી રહી હતી. નીલીમા બહેન તો એ દ્શ્ય જોઇને ડઘાઇ જ ગયાં.જાણે કોઇ આઠ પગવાળો ઓક્ટોપસ તેના લાંબા પગનાં આઘારે ચાલતો સીંકમાંથી બહાર નીકળી રહ્યો હોય એમ એ જથ્થાબંધ વાળની લટો સીંકનાં ગોળ કાણામાંથી ચો-તરફ ફેલાઇ રહી હતી. જોત-જોતામાં તો આખી સીંક વાળથી ઉભરાવા માંડી. નીલીમા બહેનનાં હાથની હથેળીઓમાં એ વાળનો સ્પર્શ થયો...અને એક ચીખ તેમનાં ગળા સુધી આવીને અટકી ગઇ. કોઇ ભયાનક હોરર ફિલ્મમાં દર્શાવાતાં ડરામણા સીન જેવું જ એ દ્શ્ય હતું. ફરક માત્ર એટલો હતો કે આ કોઇ ફિલ્મ નહોતી. એક ખૌફનાક હકીકત હતી જે અત્યારે ભજવાઇ રહી હતી. નીલીમાબહેનનું દિમાગ સૂન્ન પડી ગયું હતું અને તેઓ કોઇ પુતળાની જેમ સ્થિર થઇને ત્યાંજ ચોંટી ગયાં હતા. સીંકનાં નાના-નાના હોલમાંથી પગ કરીને બહાર નીકળી રહેલા વાળની લટોએ થોડીવારમાં તો આખી સીંકમાં કબજો જમાવ્યો હતો.

અનાયાસે...સાવ અનાયાસે જ નીલીમા બહેન સીંક ઉપર થોડું વધુ ઝુકયાં. તેમણે ઝુકવું નહોતું પણ કોણ જાણે કેમ, તેમને પોતાની અંદરથી એક આદેશ થયો હોય એમ તેઓએ વાળનાં જથ્થા તરફ માથું નમાવ્યુ...અને...એકસાથે બે ઘટના બની.

સૌથી પહેલા તેમનાં બંને હાથ એ વાળનાં જથ્થામાં ઝકડાયા. વાળમાં અચાનક જાણે જીવ આવ્યો હોય એમ તેમનાં હાથ સીંકની અંદરથી કોઇકે પકડી લીધા અને સીંક તરફ ખેંચ્યા...એ સાથે જ તેમનું મોં સીંકની એકદમ નજદીક ખેંચાઇ આવ્યુ. અને...વાળમાં ફરી હરકત થઇ. સીંકમાંથી વાળનો મોટો જથ્થો હવામાં લહેરાયો અને નીલીમા બહેનનાં મોં ઉપર છવાયો. એ જથ્થાએ જાણે નીલીમા બહેનનાં મોંઢાને પોતાની આગોશમાં લઇ લીધો. કીટ ભક્ષક ફૂલ ઉપર કોઇ પતંગીયું બેસે અને જેમ એક ઝટકાથી એ ફૂલની પાંદડીઓ બીડાઇ જાય, એ પાંદડીઓ વચાળે એ પતંગીયુ ફસાઇ જાય...બસ, એમ જ નીલીમા બહેનનો ચહેરો વાળનાં લટોમાં બરાબરનો ફસાઇ ગયો. નીલીમા બહેન એક નાની સરખી પણ હરકત કરી ન શકયા. તેઓ કંઇ સમજે-વિચારે એ પહેલાં તો તેમનાં બંને હાથ અને ચહેરો એ વાળનાં ઘટાદાર ગુચ્છામાં ફસાઇ ચુકયાં હતા. માત્ર ચંદ સેકન્ડો...ચંદ સેકન્ડો પુરતી જ એ સ્થિતી રહી અને અચાનક તેઓ મુક્ત થયાં. વાળનાં ગૂંચળામાંથી તેઓ આઝાદ થયા...અને જેવી રીતે સીંકમાં વાળ ઉભરાયા હતા એવીજ રીતે ત્યાંથી અદ્રશ્ય થઇ ગયાં. નીલીમા દેવી કંઇ સમજી શકયાં નહોતા. તેમણે છૂટા થયેલા પોતાના હાથ ઉંચા કર્યા....અને આ વખતે તેમનાં ગળામાંથી ચીખ નીકળી. આખરી મરણતોલ ચીખ...

વાળનાં જથ્થામાંથી તેમનાં હાથ તો છૂટયા હતાં પરંતુ એ સાથે જ તે સળગવા શરૂ થયા હતા. પહેલાં આંગળીઓ સળગી...પછી હથેળીઓ, પહોંચા અને પછી તેમનો ચહેરો સળગ્યો. ક્ષણભરમાં તેમનું આખું શરીર ભડ-ભડ કરતાં સળગવા લાગ્યું અને ભયાનક બળતરાથી તેઓ ચીખો ઉપર ચીખો પાડવા લાગ્યા. બહુ ઝડપથી એ બન્યું હતું. નીલીમા બહેન હજુ કંઇ પ્રતિક્રિયા કરે, પોતાની જાતને બચાવવાની કોશિષ કરે, એ પહેલા તો તેમનો સંપૂર્ણદેહ આગની ભયાનક જ્વાળાઓમાં લપેટાઇને વિલય થઇ ચુક્યો હતો. બચવાની એક પણ તક તેમને મળી નહી અને એક ભયાનક મોતે તેઓ મર્યા. “ધડામ” કરતા તેમનું સળગતું શરીર કિચનની લીસી ફર્શ ઉપર પડયું... નિશ્ચેતન, નિષ્પ્રાણ શરીર. જેટલી ઝડપથી તેમના શરીરને આગ લાગી હતી એટલી જ ઝડપે આગ ઓલવાઇ હતી અને હવે ફર્શ ઉપર ખલાઇ રહેલા તેમનાં શરીરમાંથી આછો ધુમાડો નીકળી રસોડાની હવામાં ભળી રહયો હતો.

નીલીમાબહેને ચીખો પાડવાનું શરૂ કર્યુ તેની માત્ર બે સેકન્ડ પછી મોન્ટુ પાછળ ફર્યો હતો અને ભડ-ભડ સળગતા તેનાં આન્ટીને જોઇને તેને ચક્કર આવવા લાગ્યા હતા. નીલીમા બહેન મૃત્યુ પામે એની બે-ઘડી પહેલાં મોન્ટુ બેહોશ થઇને ફ્રીઝ પાસે ફર્શ ઉપર પડયો હતો.

( ક્રમશઃ )