P O Box no. 504 - 2 books and stories free download online pdf in Gujarati

પી.ઓ.બોક્સ નં. 504 - 2

પી.ઓ.બોક્ષ નં. 504

ભાગ 2

આગળના ભાગમાં આપણે જોયું કે તનય નીહિતાને લઈને હોસ્પિટલ પહોંચે છે. આ બાજુ તન્વી એના અજનબી પત્ર મિત્રને મળવા ઘેરથી નીકળે છે.... હવે આગળ...

‘સીટી હોસ્પિટલ’ નાં ઓપેરેશન થીએટરની બહાર તનય ચિંતામાં બેઠો હતો. માથાભેર પડવાને લીધે એ છોકરીના માથામાં ઊંડો ઘા થયો હતો. સ્ટીચ લેવા જરૂરી હતા. ઘણું લોહી વહી જવાને લીધે સ્થિતિ થોડી નાજૂક હતી. તનય શું કરવું એવી વિમાસણમાં જ હતો ત્યાં એને એ છોકરીની બેગ યાદ આવી. પોતાની કારમાં છોકરીને સુવડાવતી વખતે એણે એની બેગ સાથે લઇ લીધી હતી. એણે એની બેગ ફંફોસીને એનો મોબાઈલ બહાર કાઢ્યો. એક મિસ્ડ કોલનું નોટીફીકેશન આવ્યું. તનયે તરત જ એ નંબર પર કોલ કર્યો.

***

ઇન ઓર્બીટ મોલમાં રોજ કરતા આજે વધારે ભીડ હતી. તન્વીને ભીડ હમેશા અકળાવતી. 14 ફેબ્રુઆરીને લીધે આખો મોલ જુવાન છોકરા છોકરીઓથી ભરચક હતો. ‘વેલેન્ટાઈન ડે’નાં રંગમાં બધાં જ રંગાયેલા લાગતા હતા. ‘ કાફે કોફી ડે ’ ની સજાવટ પણ દિવસને અનુરૂપ જ હતી. દરવાજા પર બે મોટા હાર્ટ શેપનાં બલૂન્સ લાગેલા હતા. એની ઉપર ‘ હેપ્પી વેલેન્ટાઇન ડે ’નું મોટું બધું આકર્ષક બેનર લગાવેલું હતું. આખો માહોલ કૈક એવો બનતો હતો કે જે પ્રેમમાં ન હોય એને પણ પ્રેમમાં પડવાનું મન થઇ જાય!!

તન્વી દરવાજો ખોલીને અંદર ગઈ. ધીમું રોમેન્ટિક મ્યુઝીક એના કાને અથડાયું. આજુ બાજુ નજર ફેરવતી જ હતી ત્યાં જ એનો ફોનમાં રીંગ આવી. જોયું તો નીહિતાનો ફોન હતો.

“બેટા, પહોંચી ગઈ બરાબર? બસ એ પૂછવા જ ફોન કર્યો હતો. અને હા...”

“એક મિનીટ મેમ, મારી વાત સાંભળી લો પહેલા. તમે જેની સાથે વાત કરવા માંગો છો એમનો એક્સીડેન્ટ થયો છે. હું અત્યારે ‘સીટી હોસ્પિટલ’ માંથી વાત કરી રહ્યો છું. તમે જલ્દીથી અહિયાં આવી જાવ.”

“વોટ?? નીહિતાનો એક્સીડેન્ટ? એ ઠીક તો છે?? હું હમણાં જ પહોચું છું.” તન્વી એ લગભગ દોટ મૂકી. ઉતાવળમાં એના હાથમાંની ફાઈલ ત્યાં જ પડી ગઈ, પણ એને ક્યાં એની દરકાર હતી? મોલની બહાર નીકળીને એણે રીક્ષા કરી. ‘સીટી હોસ્પિટલ’ કહીને એ અંદર બેઠી. “ભાઈ જલ્દી કરજો હો. મારી દીકરીનો એક્સીડેન્ટ થયો છે. ખબર નહિ કેટલું વાગ્યું હશે? ”

મોલથી હોસ્પિટલ બહુ દૂર નહોતી પણ સાંજનો સમય અને એમાય ‘વેલેન્ટાઈન ડે’ એટલે ટ્રાફિક ખૂબ જ હતો. આખે રસ્તે તન્વી ભગવાનનું નામ જપતી રહી. રીક્ષાવાળા ભાઈ પણ જેમ બને એમ જલ્દીથી ટ્રાફિકમાં રસ્તો કરતા રીક્ષા ચલાવ્યે જતાં હતા. વચ્ચે વચ્ચે એ તન્વીને ધરપત પણ આપતા જતાં હતા. સ્પીડમાં રીક્ષા ચલાવી હોવા છતાં લગભગ પોણો કલાકે તન્વીની રીક્ષા સીટી હોસ્પિટલ પાસે ઉભી રહી. ભાડું ચૂકવી તન્વી અંદર દોડી. કાઉન્ટર પર પૂછ્યું તો જવાબ મળ્યો, એમને સેકન્ડ ફ્લોર પર શિફ્ટ કર્યાં છે, રૂમ નં. 205. દોડતી એ ત્યાં પહોચી.

નીહિતા બેડ પર સુતી હતી. હાથ, પગ માથા પર પાટાપીંડી હતી. ‘આ શું થઇ ગયું મારી ચકુડીને?’. નીહિતાની પાસે જઈને એણે એના માથે હાથ ફેરવ્યો. “નીહિતા બેટા, જો હું આવી ગઈ.” અત્યાર સુધી રોકી રાખેલું ડૂસકું છૂટી ગયું.

“ડોન્ટ વરી મેમ, માથામાં થોડું વધુ વાગ્યું છે એટલે સ્ટીચ લેવા પડ્યા. હમણાં જ ઓપરેશન પત્યું એટલે ભાનમાં આવતા વાર લાગશે. પણ રિલેક્ષ, કંઈ ચિંતા જેવું નથી.” ડોક્ટર ત્યાં જ હતા.

તન્વીને હવે જ ખ્યાલ આવ્યો કે ત્યાં રૂમમાં ત્રીજી કોઈ વ્યક્તિ પણ છે.

“હેલો ડોક્ટર, હું તન્વી, નીહિતાની મધર. તમે જ ફોન કર્યો હતો?”

“ના ના. એ તો મિ. તનય શાહ હતા. હું ઓળખું છું એમને. એ જ લઇ આવેલા તમારી દીકરીને. એમને કોઈ અરજન્ટ કામ આવી ગયું એટલે એ હમણાં જ નીકળ્યા.”

“ઓહ. હું મળી ન શકી એમને. એમનો આભાર તો માનવો જ રહ્યો ને.”

“મારી પાસે એમનું કાર્ડ છે. હું તમને આપી દઈશ. સાચે જ આજે એમને લીધે જ તમારી દીકરી બચી છે મેં કહું તો ચાલે. સમયસર સારવાર મળી એટલે હવે ચિંતા કરવા જેવી વાત નથી. પોતાનું બહુ જ અગત્યનું કામ પડતું મુકીને એ તમારી દીકરીને અહીં લઇ આવ્યા. આભાર તો તમારે માનવો જ રહ્યો.”

“જી ડોક્ટર. હું જરૂરથી એમનો કોન્ટેક્ટ કરીશ.”

***

તનયે ધીરે રહીને દરવાજો ખોલ્યો. ધીમું મ્યુઝીક એના કાન સાથે અથડાયું અને એણે નાનું સ્માઈલ આપ્યું.

‘ મોડું થયું છે એટલે ગુસ્સે તો નહિ થાય ને? ’ વિચારતાં જ એણે આસપાસ નજર દોડાવી. ટીનેજ છોકરા છોકરીઓથી આખો એરિયા ભરાયેલો હતો. ‘ આમાં ક્યાં શોધું એને? ’ એણે વિચાર્યું. ‘ ક્યાંક એવું તો નથી કે રાહ જોવી પડી એટલે જતી રહી હોય?? ’ એ અકળાઈ ગયો. ત્યાં જ એને કૈક યાદ આવ્યું હોય એમ એણે પોતાની પાસે રહેલી ફાઈલ ઉંચી કરી. થોડી વાર આમ તેમ હલાવી ત્યાં જ એક ખૂણામાંથી એવી જ રીતે બીજી એક ફાઈલ ઉંચી થઇ અને એ ખુશ થઇ ગયો. ત્યાં જવા એણે ઝડપથી ડગલા ભર્યા. આજે એ ફરી એક વાર પોતાના યુવાનીના દિવસોમાં જઈ ચડ્યો હતો. પ્રેમની ફરી એક વાર શરૂઆત કરવાની હતી. કંઈ કેટલીય વાતો કહેવાની હતી અને ઘણું બધું સાંભળવાનું પણ હતું. એને થયું, સમય આમ જ રોકાઈ જાય તો કેવું?

***

સમયને જાણે પોતાની આંખોના ત્રાટકથી રોકી રાખવો હોય એમ તન્વી સામેથી ચાલી આવતી વ્યક્તિને જોઈ રહી હતી. એક ઝાટકે એ પોતાના અતીતમાં પહોંચી ગઈ હોય એમ બઘવાઈ ગઈ હતી.

પોતાના અસ્તિત્વનો એક આખો હિસ્સો એ સમયના એવા ખંડમાં દફનાવીને આવી હતી કે જ્યાંથી એ ફરી ક્યારેય બહાર ન આવી શકે. પરંતુ એ ખોટી હતી. એની માન્યતા આજે ખોટી પૂરવાર થઇ હતી. કાળનાં ઊંડાણમાંથી સરકીને એનો પોતાનો ભૂતકાળ આજે એની સામે ઉભો હતો.

‘ગયેલો સમય ક્યારેય પાછો ફરતો નથી, પણ એ સમયમાં સાથે રહેલા લોકો તો ક્યારેક પાછા ફરી જ શકે ને! વીતેલા સમયની કોઈ છૂટી ગયેલી વ્યક્તિ જયારે સામે આવે ત્યારે એ પોતાની સાથે વીતેલો સમય પણ લઇ આવે છે. એ એક ક્ષણમાં તમે એની સાથે વિતાવેલી દરેક પળ ફરી એક વખત જીવી જાવ છો. આ રીતે જોવા જઈએ તો એમ કહી શકાય કે સમય પણ પાછો આવી શકે!!’ પોતાની જ લખેલી એક વાત તન્વીને યાદ આવી ગઈ.

પંદર વર્ષ!! બરાબર યાદ છે તન્વીને. ‘પંદર વર્ષ પહેલા પૂરો કરી નાખેલો સંબંધ હવે અત્યારે અહી શું કરે છે?’ તન્વીના વિચારો વાંચી લીધા હોય એમ આવેલી વ્યક્તિ થોડી ઓઝપાઈ ગઈ. છતાં એણે કહ્યું,

“કેમ છે તનુ?” જાણે આ નામ એની સાથે મોટો પ્રલય લાવવાનો હોય એમ એ બોલતા જ ધ્રુજારી છૂટી ગઈ એને.

“ મજામાં.” તન્વી એની સાથે કોઈ જ પ્રકારની વાત કરવા જ ન માંગતી હોય એમ અંદર જવા લાગી.

“ પૂછીશ નહિ કે હું અહીં કઈ રીતે આવ્યો?” એણે એને રોકતા પૂછ્યું. “તારી આ ફાઈલ તું ક્યાંક ભૂલી ગઈ હતી. એ દેવા આવ્યો છું.” કહેતા એણે એક ફાઈલ કાઢીને એને આપી.

“આ તો હું પેલા મોલ માં...” તન્વી હજી કંઈ કહેવા જાય એ પહેલા એક બીજી ફાઈલ એણે એની સામે ધરી. “પી.ઓ.બોક્ષ નં. 504” લખેલી પીળા કલરની એ ફાઈલ જોઇને તન્વી અચરજથી એની સામે જોવા લાગી. એણે તરત જ ફાઈલ ખોલી. અંદરથી ઢગલાબંધ પત્રો બહાર વેરાઈ ગયા. પોતાના જ લખેલા અક્ષર જોઇને એ આઘાતની મારી કંઈ જ બોલી શકી.

જેનાથી એ અત્યાર સુધી ભાગતી આવી હતી, અનુજ શર્મા, એનો પંદર વર્ષ પહેલાનો પ્રેમી, એની સાથે જ એ છેલ્લા એક વર્ષથી પત્રના માધ્યમથી સંપર્કમાં હતી!! જેનાથી પોતાની ઓળખ છૂપાવવા માટે બધી જ પ્રસિદ્ધી, નામના એણે જતી કરી હતી એની સાથે તન્વીએ જાતે જ સંપર્ક ઉભો કર્યો હતો!! તન્વી તો માની જ નહોતી શકતી.

“ તનુ, મને ખબર છે કે તું મારાથી નારાજ છે. વાંક પણ મારો જ હતો. એ સમયે એક બાળકની જવાબદારી લેવા હું માનસિક રીતે બિલકુલ તૈયાર નહોતો. આર્થિક રીતે પણ મારી પરિસ્થિતિ કંઈ સારી કહેવાય એવી નહોતી એ તો તું જાણતી જ હતી. અને એમાય તે જયારે તારી પ્રેગ્નન્સીની વાત કરી ત્યારે હું નાહક જ ભડકી ગયો. તારી હાલતની તો મેં કલ્પના પણ નહોતી કરી. તને સહારો દેવાને બદલે સાવ છેલ્લી પાટલીએ જઈને બેસી ગયો. પણ શું કરું તનુ, હું કાયર હતો અને હજી પણ છું જ. તારા વિનાનું જીવન ખાવા દોડે છે પણ એનો નાશ કરી શકવા જેટલી હિંમત પણ નથી મારી પાસે.

સાચું કહું, મને ઊંડે ઊંડે એવું લાગ્યા જ કરતુ હતું કે ‘અનુપ્રિયા’ એ બીજું કોઈ નહિ પણ તું જ છો. ખબર નહિ કેમ, પણ મારું મન કહેતું હતું કે હું તારી સાથે જ વાતો કરું છું. એટલે જ મેં મળવાની વાત કરી હતી. આજનો દિવસ નક્કી કરવા પાછળ પણ એક જ કારણ છે – એ કારણ છે તું તનુ. હું તારા વિચારોમાંથી બહાર જ નથી આવી શક્યો. તને અન્યાય કર્યાંનું દુઃખ એટલું હાવી હતું મારા પર કે હું તારો સંપર્ક કરતા પણ અચકાતો હતો.

એક વાત તો તું પણ માનીશ જ ને? તું પણ મારા વિચારોમાંથી ક્યારેય બહાર આવી જ નહોતી. પોતાની ઓળખ છૂપી રાખવા નામ પસંદ કર્યું એમાં પણ મારો ઉલ્લેખ કાર્ય વગર રહી ન શકાયું તારાથી? ‘અનુપ્રિયા’ એટલે અનુજ ની પ્રિયા.

તને નથી લાગતું કે આપણું ફરી વાર એક અજનબીની જેમ મળવું એ ઈશ્વરનો કોઈ સંકેત છે? ગયેલો સમય તો હું પાછો નહિ લાવી શકું પણ એટલો વાયદો જરૂર કરું છું કે હવે પછીનો સમય સૌથી શ્રેષ્ઠ હશે. મને માફ કરી શકીશ, તનુ? ”

“ મોમ, માફ કરી દે પાપા ને. ” નીહિતાનો અવાજ સંભળાયો. એ ધીરે ધીરે ચાલતી રૂમની બહાર આવીને અનુજની વાત સાંભળતી હતી.

“ અરે તું કેમ ઉઠી ગઈ? ચલ આરામ કર જોઈએ. ” તન્વી એકદમ ઉઠી અને નીહિતાને અંદર લઇ ગઈ.

“ મોમ? એટલે આ...? ” અનુજ આગળ ન બોલી શક્યો.

“ હા અનુજ, નીહિતા. તારી અને મારી દીકરી. ”

“ એટલે તે અબોર્શન નહોતું કરાવ્યું? ઓહ તનુ, આજે તે મને એટલી ખુશી આપી છે કે જેનો કોઈ હિસાબ નથી. થેંક યુ સો મચ. ”

“ મોમ, હવે આપણે બધાં સાથે રહીશું ને? તારી પાસે તો ઘણા લાડ લડાવ્યા છે. હવે હું પાપાને હેરાન કરવાની છું. બરાબર ને પાપા? ”

“ તનુ, શું વિચારે છે? માફ નહિ કરે મને? ” અનુજની આંખમાં પસ્તાવો છલકાતો હતો. તન્વી અનુજનો પોતાના પ્રત્યેનો પ્રેમ અનુભવી શકતી હતી. અનુજની વાત પણ સાચી જ હતી. એ પોતે પણ અનુજને ભૂલી નહોતી શકી. આજે જયારે એ સામેથી પોતાની પાસે આવ્યો ત્યારે એ ના ન પાડી શકી.

“ એ બધું તો ઠીક, પણ તારો એક્સીડેન્ટ કઈ રીતે થયો? ” અનુજે પૂછ્યું. તન્વી એ બધી વાત કરી.

“ મિ. તનય શાહની તો હું આજીવન આભારી રહીશ. હું તો આજે જ એમને મળવા જવાની છું. ” તન્વી એ કહ્યું.

“ શું નામ કહ્યું તે? તનય શાહ? ” અનુજે પૂછ્યું.

“ હા. જો આ રહ્યું એમનું કાર્ડ. ”

“ અરે આ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હું બહુ સારી રીતે ઓળખું છું એને. અને મારું માન તો આજે એને મળવાનું રહેવા દે. ” અનુજે કાર્ડ જોતાં જ કહ્યું.

“ કેમ? ”

“ આજનો દિવસ એ સાંજે કોઈને મળતો નથી. બસ એ અને એની વાઈફ. બંને અત્યારે કોઈ નાના એવા રેસ્ટોરન્ટમાં બેઠા હશે અને એકબીજાને લખેલા પત્રો વાંચતા હશે. છેલ્લા દસ વર્ષથી આ એક વણલખ્યો નિયમ છે એનો. અમારા આખા ફ્રેન્ડ સર્કલમાં એ બંને ‘લવ બર્ડ્સ’ તરીકે જ ઓળખાય છે. એ પાગલ છે પોતાની વાઈફ પાછળ. ”

“ જેમ તમે ગાંડા છો મારી બ્યુટીફૂલ મોમ પાછળ!” નીહિતાએ તરત જ કહ્યું.

“ તે હોય જ ને. તારી મોમ છે જ એવી. ” અનુજે પ્રેમથી તન્વી સામે જોયું. આટલા વર્ષોનો પ્રેમ એક જ દિવસમાં વરસાવી દેવો હોય એમ તન્વીની આંખો વરસી પડી.

-સમાપ્ત-