Te doso je kadach hato j nahi books and stories free download online pdf in Gujarati

તે ડોસો જે કદાચ હતો જ નહીં

તે ડોસો જે કદાચ હતો જ નહીં

મનોજકુમાર પાંડેય / રાગ શસ્ય શ્યામલા

જન્મ : ૧૯૭૭. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક. એમની અનેક વાર્તાઓના ઉર્દૂ, પંજાબી ભાષામાં અનુવાદ થયા છે. અનેક વિશ્વવિદ્યાલયોમાં એમની વાર્તાકળા પર અભ્યાસ નિબંધ થયા છે. હિન્દી ભાષી દૈનિક “જનસંદેશ ટાઇમ્સ”માં કોલમલેખન. સમીક્ષા, કવિતા અને સંસ્મરણ જેવી અન્ય વિદ્યાઓમાં પણ પ્રવૃત્ત. વાર્તાલેખન માટે એકાધિક પુરસ્કાર એમને પ્રાપ્‌ત થયા છે.

***

એક ડોસો જે કદાચ ક્યારેય હતો જ નહીં. એની ઉંમર કેટલી હતી તે કોઈ જાણતું નહોતું. ઇતિહાસનાં પુસ્તકોમાં એનો ઉલ્લેખ કિસ્સાઓમાં જ જડતો. અને એ હતોય કમાલનો કિસ્સાખોર, પણ વૃદ્ધ હોવાને કારણે સ્મૃતિદોષનો શિકાર હતો. આથી એ ક્યારેય કોઈ પણ વાતને અદ્દલ જેવી ને તેવી પુન: ક્યારેય વર્ણવી નહોતો શકતો પણ મૂળે કિસ્સાખોર હોવાના કારણે એના કિસ્સા ક્યારેય તૂટતા નહીં બલકે નવા નવા ઉપાડ સાથે અને ક્યારેય તો તદ્દન જ વિરુદ્ધ દિશાઓમાં આગળ વધતા રહેતા.

એ પોતે પોતાની બાબત પણ પરસ્પર વિરોધી વાતો કર્યા કરતો. અને એ જ વાતો એની સામે ફરીથી કહો ત્યાં સુધીમાં તો એ ભૂલી જતો. ઊલટાનું ક્યારેક તો એ લડવા પણ માંડતો કે આ વાત એણે ક્યારેય કહી જ નથી. એ પોતાની વાતો મોટા ભાગે બદલી નાખતો અને કહેતો કે આ આમ નહીં પરંતુ તેમ થયું હતું. અને બીજા જ દિવસે વળી એ ઘટનાની એની પાસે એક નવી આવૃત્તિ મળતી.

આવામાં એ જાણવું અશક્ય હતું કે જે ખરી ઘટનાઓ બાબત એ વાત કરે છે તે કોણ જાણે ક્યારેય ઘટી પણ હતી કે નહીં. અને જો એ ક્યારેય ઘટી જ નહોતી તો એ અંગે કોઈએ અગાઉ વિચાર્યું હતું કે પછી એ આ ડોસાના ભેજાની મૌલિક ઊપજ હતી. પણ જ્યારે એ પોતાના કિસ્સા કહેતો ત્યારે સાંભળનારાઓને લાગતું કે આ સમગ્ર કિસ્સો અન્ય કોઈ લોકમાં આ સમયે ઘટી રહ્યો છે જેને માત્ર આ ડોસો જોઈ શકે છે.

બલકે લોકો આ વાતમાં પાકો ભરોસો મૂકવા માંડ્યા હતા. એમનું માનવું હતું કે ડોસામાં ડોસાઈને કારણે અમુક એવી આસમાની શક્તિઓ આવી ગઈ છે જેને કારણે ડોસો ત્રણેય કાળમાં અવરજવર કરી શકે છે. આથી ડોસાના શરીરમાંથી સદીઓ પુરાણી દુર્ગંધ આવતી હોવા છતાં એને સાંભળવાવાળા લોકો વધતા જ જતા હતા. મોટી સંખ્યામાં લોકો એને ઘેરતાં પણ સામે ડોસાના કિસ્સા પણ મોટી સંખ્યામાં વધી રહ્યા હતા. કિસ્સાઓ એની અંદરની હવા સમાન હતા જે ક્યારેય પૂરા જ નહોતા થતા.

કિસ્સાઓ એના શરીર પર જૂ અને ચાંચડની જેમ વિહરતા. એના દાંતના મેલમાં સુધ્ધાં સમાયેલા હતા. એની ચામડીની કરચલીઓમાં સંતાયેલા જડી આવતા. એટલે સુધી કે એ જે રસ્તા પરથી પસાર થતો તે રસ્તા પરનાં એનાં પગલાંઓની છાપમાંથી પણ કિસ્સાઓ નીકળતા અને દશે દિશાએ ફેલાઈ જતા. અને એની સદીઓ પુરાણી દાઢી તો ખેર, એમાં તો કિસ્સાઓની કઈ કેટલીય આકાશગંગા એકબીજામાં ગૂંથાયેલ હતી.

કિસ્સાઓ કહેતાં કહેતાં ડોસાને એક દિવસ કળાયું કે એના કિસ્સા એનાથીય મોટી વાસ્તવિકતા બની ગયા છે. લોકો એના કિસ્સાના અલગ અલગ ભાષ્યને કારણે લડવા માંડ્યા છે. આવી લડાઈ લઈ જ્યારે લોકો એની પાસે આવતાં ત્યારે એની પાસે એક ત્રીજો જ કિસ્સો મળતો. આથી કિસ્સા સબબ લડતાં લોકો ધીરે ધીરે એની વિરુદ્ધ થવા માંડયા.

આમ જ એક દિવસ જ્યારે લોકો એની દાઢીના રંગ બાબત લડી રહ્યા હતા અને આપસમાં કોઈ નિર્ણય પર ન પહોંચી શક્યા ત્યારે વાતનો નિવેડો લાવવા ડોસા પાસે પહોંચ્યા.

ડોસાએ એની દાઢીમાં સદીઓથી શેમ્પુ નહોતું કર્યું. ઉપરાંત દાઢી ખૂબ ગાઢ હતી અને એ કારણે દાઢીના અંતરિયાળમાં એટલું અંધારું હતું કે દાઢીનો રંગ કળવો અઘરો હતો. સદીઓએ લાંબી વયે પણ ડોસાની દાઢી પર ભાત ભાતનાં રંગ ને નિશાન છોડ્યાં હતાં.

જ્યારે આ સઘળાથી અનભિજ્ઞ એક ટોળી ડોસાની દાઢીને કાળી કહી રહી હતી અને બીજી ટોળી સફેદ. બંને પક્ષ પોતપોતાના મુદ્દે લડી મરવા તૈયાર હતા. ડોસાએ દરમિયાનગીરીનો ઘણો પ્રયાસ કર્યો. બંને ટોળી એની દાઢી અડવા અને એકબીજાને દેખાડવા ઇચ્છતી હતી. એ પ્રયાસોમાં એ સહુ એ ડોસાની દાઢીનો એકોએક વાળ પીંખી નાખ્યો. ત્યાર બાદ પણ જ્યારે એ કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન શક્યા ત્યારે નક્કી થયું કે ડોસાને જ પૂછીએ.

ડોસાની દાઢીમાં ત્યાર સુધી એકે વાળ બચ્યો નહોતો. એની દાઢીમાંથી ભીના કિસ્સા ટપકી રહ્યા હતા. ડોસાની આંખ કિસ્સામાંના જ કોઈ લોકમાં ટીંગાયેલી રહી ગઈ હતી. ડોસો પોતાના જ એક કિસ્સામાંના એક એવા મૂંગા ડોસામાં ફેરવાઈ ચૂક્યો હતો જે પહાડ જેવો વિશાળ હતો. એ ચુપચાપ બેઠો બેઠો પોતાના જ કિસ્સા મસળી રહ્યો હતો.

જ્યારે ડોસાએ પેલી બંને ટોળીના લોકોને તેમની કોઈ વાતનો જવાબ ન આપ્યો ત્યારે એ બંને ટોળીના લોકોને બહુ ગુસ્સો આવ્યો અને એમણે સાથે મળીને ડોસાને મારી નાખ્યો.

પછી એ બંને ટોળીને પસ્તાવો થયો. એ સહુ વચ્ચે આખરે એ એકમાત્ર ડોસો જ તો કિસ્સાખોર હતો. તે સહુ ફરીથી એ જ જગ્યાએ પહોંચી ગયા જ્યાં એમણે ડોસાને મળીને પૂરો કર્યો હતો. ત્યાં ડોસાનું નામોનિશાન નહોતું પણ ચારો તરફ કિસ્સા ફેલાયા હતા, પડઘાઈ રહ્યા હતા, એની અસર કંઈક એવી હતી કે ત્યાં હાજર સહુ લોકો હંમેશ માટે બહેરા થઈ ગયા. ત્યાર બાદ બંને ટોળીએ એકમતે ડોસાને ઈશ્વરીય અંશ માની લીધો અને ત્યાંજ બેસી રડવા માંડ્યા. જ્યારે બંને ટોળીના લોકો રડી રડીને થાક્યા ત્યારે તેમને લાગ્યું કે એમની પાસે ડોસાનું એક ચિત્ર હોવું જોઈએ, જેની પાસે તેઓ માફી માંગી શકે.

આ સાથે જ લોકો ફરી બે ટોળીમાં વહેંચાઈ ગયા. એક ટોળીએ ડોસાનું કાળી દાઢીવાળું ચિત્ર તૈયાર કર્યું તો બીજી ટોળીએ સફેદ દાઢીવાળું.

પહેલી ટોળીએ ડોસાની દાઢીના કાળા રંગને ભાર આપવા સમૂળગા ચિત્રને કાળા રંગે રંગી કાઢ્યું. એ જ રીતે બીજી ટોળીએ પણ ડોસાને આખેઆખો કબૂતરના રંગે રંગી નાખ્યો. આમ ડોસાના ચાહકો બે પક્ષમાં વહેંચાઈ ગયા. કાળો પક્ષ અને સફેદ પક્ષ.

લાંબા સમય બાદ એક નવા કિસ્સા સાથે ત્રીજો પક્ષ પણ અસ્તિત્વમાં આવ્યો. આ ત્રીજા પક્ષનું કહેવું હતું કે ડોસાની દાઢીમાંથી પવિત્ર પ્રકાશ નીકળતો હતો. આ ત્રીજા પક્ષવાળાઓએ ડોસાને કમાલના પ્રકાશ સાથે ચીતરવા માંડ્યો પણ પ્રકાશનું અંધારું એટલું બળૂકું હતું કે ડોસાનો ચહેરો ઓળખવો કોઈ રીતે સંભવ જ નહોતો. ત્યાર બાદ આ પક્ષના અમુક જાણકારોએ કહ્યું કે કોઈ ચહેરો હતો જ નહીં, કેવળ એક પવિત્ર પ્રકાશ માત્ર હતો. આમ ડોસો નિરાકાર થયો.

પછી આ ત્રીજા પક્ષને થયું કે પવિત્ર પ્રકાશનો સંબંધ કોઈ અગોચર પ્રકાશ સાથે જોડવું જરૂરી છે. અને એ લોકોએ ડોસાનું ચિત્ર ફરી તૈયાર કર્યું જેમાં ઉપર કોઈ અદૃશ્ય આકાશી હાથ હતો જેમાંથી પ્રકાશ નીકળીને ડોસા સુધી આવતો હતો. આ પ્રકાશ લોકોને એટલો આંધળો કરી નાખતો હતો કે કોઈ બિચારા ડોસાના અસલ ચહેરાને કદાપી જોઈ જ ન શકે. એ હાલમાં તેઓએ ડોસાના ચહેરા બાબત જાત જાતના કિસ્સા ઘડવા પડ્યા. બદલા રૂપે પહેલાં અને બીજા પક્ષે પણ નવા નવા કિસ્સા ઘડ્યા અને ડોસાને જાત જાતની આસમાની શક્તિ સાથે જોડી નાખ્યો. આમ ત્રણેય પક્ષ માટે ડોસો ધરતી પર આસમાની શક્તિઓનો એકમેવ પ્રતિનિધિ બન્યો.

પણ એને આસમાની પ્રતિનિધિ સાબિત કરવા અન્ય અનેક કિસ્સાઓની જરૂર પડી. ત્યારે ફરી ડોસાએ જ મદદ કરી જેના ક્યારેય પૂરા ન થતા કિસ્સાઓમાં એક શેતાન પણ સામેલ હતો. ત્રણેય પક્ષોએ પોતપોતાના શેતાન પેદા કર્યા અને એમની સમજ પ્રમાણે જે કંઈ બૂરું હતું તે સઘળું એ શેતાન સાથે જોડી નાખ્યું.

ટૂંક સમયમાં શેતાન શક્તિશાળી થઈ ગયો અને એણે પોતાનો પરચો બતાવવા માંડ્યો. જે લોકો ડોસાની દાઢી કાળી ઠેરવવાની જીદમાં એને સમૂળગો કાળો ચીતરતા હતા તેઓએ ડોસાની દાઢીને સફેદ જણાવનારાઓને શેતાની ટોળકી જાહેર કરી. બદલામાં સફેદ દાઢીવાળા પક્ષે કાળી દાઢીવાળા પક્ષને શેતાનના ફરજંદ જાહેર કર્યાં. એટલું જ નહીં સફેદ દાઢીવાળા અને કાળી દાઢીવાળા આ બંને પક્ષે સાથે મળીને પવિત્ર પ્રકાશવાળા પક્ષને શેતાની પક્ષ ઘોષિત કર્યો અને કહ્યું કે જો ઈશ્વરને પ્રકાશ આટલો જ પ્રિય હોત તો તેણે રાત બનાવી જ ન હોત. એમણે એવું પણ કહ્યું કે આસમાની અંશવાળો અમારો ડોસો ઘણી વાર એના ઓરડામાં ધોળા દિવસે પણ અંધારું કરી સૂઈ જતો. પહેલાં બંને પક્ષવાળાઓએ પ્રકાશ પક્ષવાળા પર જાત જાતના ધિક્કારનામાં મોકલતાં મોકલતાં દરેક પ્રકારના પ્રકાશ સાથે સંબંધ કાપી નાખ્યો અને કહ્યું કે પ્રકાશ તો શેતાનની નિશાની છે અને એની છાયાથી પણ બચીને રહેવાની જરૂર છે.

પણ શેતાન એમનો પીછો છોડવા તૈયાર જ નહોતો. એણે આ સઘળા પક્ષોને આપસમાં ભેરવી નાખ્યા. સહુ જોશપૂર્વક લડ્યા. કેટલાક મર્યા કેટલાક માર્યા ગયા. શેતાને મરનાર અને મારનાર, બંનેને મહાન ઘોષિત કર્યા અને તેમના માર્ગ અનુકરણીય ગણાવ્યા.

પછી વિવાદનું એક ઓર કારણ સર્જાયું. કેટલાક લોકો માનતા હતા કે ડોસો પાછો આવશે તો કેટલાકે કહ્યું કે ના, ડોસો ક્યારેય પાછો નહીં જ આવે. આમ બે અલગ અલગ પક્ષ ફરી બન્યા જે સફેદ, કાળા અને પ્રકાશવાળા પક્ષના સમાંતરે ચાલવા માંડ્યા. પોતે સાંભળેલા કિસ્સાઓના આધારે અમુક પ્રકાશ અને અંધારાના પક્ષવાળા લોકો ડોસો ફરી આવશે એમ માનવાવાળા પક્ષ સાથે જોડાયા. એની સામે કેટલાક બીજા અંધારા અને પ્રકાશ વાળાઓએ હુંકાર કર્યો કે હવે ડોસો ક્યારેય પાછો નહીં આવે જાણે કે તેમણે પોતે જ ડોસાને બહુ ઊંડે દફનાવી દીધો હોય.

જે લોકો માનતા હતા કે ડોસો પાછો આવશે તેમાંથી અડધાનું કહેવું હતું કે ડોસો એ જ રૂપમાં ફરી આવશે જે રૂપમાં તે છેલ્લે આવ્યો ત્યારે હતો. બાકીના લોકોનું કહેવું હતું કે ના, આ વખતે ડોસો નવા રૂપમાં આવશે.

આ દરેક પ્રકારના લોકોએ કહ્યું કે વિરોધીઓએ તેમના હૃદયમાં શેતાનને સ્થાન આપ્યું છે. આ શેતાનને કારણે ફરી એક વાર લોહિયાળ યુદ્ધો થયાં અને કેટલાક નવા જીવિત અને મૃત મહાન પેદા થયા.

બીજી તરફ ડોસો જે કદાચ ક્યારેય હતો જ નહીં અને જેની દાઢીમાંથી ભીના કિસ્સા ટપકતા હતા, તે ક્યાંક બેઠો બેઠો પોતાનું માથું ધુણાવતો અને ધ્રૂજી જતો.