Coffee House - 28 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ - 28

કોફી હાઉસ પાર્ટ – 28

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં જોયુ કે પ્રેય કુંજને મળવા સુરત જઇ ચડે છે પણ ત્યાં કાંઇ ખાસ તેને વળતુ નથી, તે કુંજના ઘર સુધી તો પહોંચી જાય છે પણ ત્યાં કોઇ તેને મળતુ નથી. ફરી તે જામનગર પહોંચી આવે છે. ચા-ગાંઠીયાની હોટેલના સ્થાને તે એક ન્યુ આલીશાન કોફીહાઉસની સ્થાપના કરે છે, ઉદઘાટન સમારંભમાં તે વૃધ્ધાશ્રમના વડિલો અને ગરીબોને નોતરે છે. ધ્વની અને બીજા બધા આમંત્રીતો પ્રવીણના આ નિર્ણયથી ખુશ થાય છે. કોફીહાઉસને ઊંચા આસમાને લઇ જવામાં પ્રેય ડુબી જાય છે, એ પછી ક્યારેય તે સુરત જતો જ નથી, હવે વાંચીએ આગળ.............)

“સાલો આ પ્રવીણ્યો તો ગયો પણ દુઃખની કોફીનો સ્વાદ એવો તે ચખાડી ગયો કે ગળેથી તે સ્વાદ સુકાવાનુ નામ જ લેતો નથી. આપણે જીદ કરીને તેને તેની કથની કહેવાનુ કહ્યુ હતુ પણ કહાની સાંભળવાને કારણે આપણે તેના ભૂતકાળને ઢંઢોળીને રાખી દીધો જેને ક્યારેય તે પીંખવા માંગતો જ ન હતો.” ઓઝાસાહેબ બોલી ઉઠ્યા. “વાત તો સાવ સાચી કરી ઓઝા, મને પણ હવે એહસાસ થાય છે કે આપણે જે કર્યુ તેમા આપણા બધાની છોકરમત જ હતી, પ્રવીણ આપણે બધાને ના કહી ન શક્યો અને કમને તેણે પોતે જ પોતાને દુઃખ આપ્યુ.” હરદાસભાઇ એ કહ્યુ. “દાદા, તમે તમારી જાતને કોષો નહી, અસલમાં અમે જ પ્રેય અંકલને ફોર્સ કરીને કહ્યુ હતુ કે તેઓ પોતાની સ્ટોરી કહે.” પાર્થે કહ્યુ. “હવે જે થયુ તે થઇ ગયુ. આપણે બધા દુઃખી થશું તો કાંઇ પ્રવીણ પોતાના આ દુઃખમાંથી બહાર નહી આવી જાય. મહેરબાની કરીને તમે બધા લોકો દુઃખી થવાનુ ટાળી દ્યો. જા વ્રજેશ બધા માટે કાંઇક નાસ્તો મંગાવ, નાસ્તો કરતા કરતા આપણે કાંઇક વિચારીએ કે પ્રવીણને કેમ આ દુઃખમાંથી બહાર લાવવો.” પ્રતાપભાઇએ કહ્યુ. “જી દાદા.” કહેતો વ્રજેશ નીકળી ગયો અને થોડી જ વારમાં મસાલા કોર્ન અને પાણીપુરીની પ્લેટ્સ લઇને આવી ગયો. “દીકરા હું પૈસા આપવાનુ તો ભૂલી જ ગયો હતો તને, આટલા પૈસા તે આપ્યા?” “ના દાદા, આજે ઉતાવળમાં હું પણ વૉલેટ ભૂલી ગયો છું પણ આજુબાજુ વાળા બધા લારીવાળા હવે આપણે ઓળખે છે એટલે વાંધો ન આવ્યો.” વ્રજેશે કહ્યુ. “લ્યો ચાલો બધા સૌ પ્રથમ નાસ્તાને ન્યાય આપો પછી આપણે કાંઇક વિચારીએ.” બધા નાસ્તો કરવા લાગ્યા પણ ઓઝાસાહેબ ગમગીન અવસ્થામાં બેઠા હતા. ચહેરા પર બહુ ગુઢ ભાવો જણાઇ આવતા હતા.

“ઓઝા જલ્દી તારી પ્લેટ લઇને નાસ્તો શરૂ કરી દે, દાસભાઇનું ધ્યાન તારી પ્લેટમાં જ છે, જો’જે પોતાની પ્લેટ પુરી કરીને તારી પ્લેટ પર ભુંસકો ન મારી દ્યે.” પ્રતાપભાઇએ હસતા હસતા કહ્યુ પણ ઓઝાસાહેબ તો પ્રવીણની જેમ આજે ધ્યાનમગ્ન બની ગયા હતા. “એય ઓઝા, શું થયુ? પેન્શનની ગણતરી કરે છે કે પછી પ્રવીણની વાતો સાંભળીને તને પણ તારી યુવાનીના કિસ્સા યાદ આવી ગયા?” હેમરાજભાઇએ કહ્યુ. “મિત્રો આપણે શું કરીશું પ્રવીણના દુઃખને દુર કરવા? જરા વિચારો. આપણે તેને ક્યાંક ફરવા લઇ જશું અથવા તો થોડા દિવસ તેના કોફીહાઉસ બેસી અન્ય વિષય પર ચર્ચા કરીશું જેથી તેનુ ધ્યાન બીજે જતુ રહે અથવા તો વધીને આપણે આપણા પેન્શનમાંથી પૈસા ભેગા કરીને તેને જામનગરથી દૂર મોકલીશું, બરોબર ને મિત્રો?” “હા, પણ તું પહેલા નાસ્તો કર ને બાપા. પહેલા તો જ્યારે નાસ્તો આવતો ત્યારે મિઠાઇ પર માંખી બણબણે તેમે તારી નજર ત્યાં જ રહેતી અને નાના છોકરાની જેમ સૌથી પહેલી ડીશ લઇ ને ખાવા માંડતો અને આજે પ્લેટ પડી છે તો હાથમાં લેવાનુ નામ લેતો નથી. શું થયુ ઓઝા તને? હવે મહેરબાની કરીને તુ પ્રવીણ્યાની જેમ દુઃખી ન થઇ જતો હો.” દાસભાઇએ કહ્યુ.

હું દુઃખી થતો નથી દાહળા, પણ સાચી વાત કહેવા જઇ રહ્યો છું તમને બધાને. મારો વિચાર જો તમને બધાને ગમે તો મારો સાથ આપજો નહી તો હું મે નક્કી કરેલા રસ્તે એકલો ચાલીશ.” ઓઝાસાહેબે કહ્યુ. “અરે ઓઝા, આપણે સુખ હોય કે દુઃખ, દરેક પરિસ્થિતિમાં સાથે જ રહ્યા છીએ અને અત્યારે તો પ્રવીણની વાત છે ત્યારે તને એમ લાગે છે કે અમે તારો સાથ છોડી દઇશું? બોલ શું કાંઇ વિચાર સુઝ્યો છે?” હેમરાજભાઇએ કહ્યુ. “હા તો સાંભળો, મારો વિચાર એવો છે કે આપણે કાંઇ પણ કરીને કુંજન દિકરીને શોધીએ અને તેને એક વખત મળીએ. આપણે કુંજનને શોધીને તેને મળીને અને એક વખત પ્રવીણ્યાની સામે લઇ આવીને તેને સરપ્રાઇઝ આપીએ તો કેવુ રહેશે?” ઓઝાસાહેબે પોતાનો વિચાર રજુ કર્યો. “ઓઝા તારો વિચાર તો બહુ સારો છે, પણ કુંજનને શોધવી કઇ રીતે? ક્યાંથી શરૂ કરીએ? હજુ સુધી તે સુરતમાં જ હશે તેવુ નક્કી તો ન કહી શકાય? અને માન્યુ કે કુંજનનું સરનામુ આપણે મળી પણ ગયુ તો એવુ નક્કી થોડુ છે કે તે આપણી સાથે આવશે? તે માની પણ જાય પ્રેયને મળવા માટે તો શું તેના પિતાજી તેને આવવા દેશે?” પ્રતાપભાઇએ કહ્યુ. “એ પણ સાચુ દાદા અને કુંજ આન્ટીના લગ્ન થઇ ગયા હશે તો?” પાર્થ ઉત્તાવળે બોલી ગયો પણ પછી તેને સમજાયુ કે આ સમયે ખોટી વાત કરી નાખી. “અરે દિકરા એવુ ન બોલ. મને વિશ્વાસ છે કે કુંજન આજે પણ પ્રેયની રાહ જોતી જ હશે. તે આજે પણ પ્રેયને યાદ કરીને એવુ વિચારતી હશે કે એક દિવસ જરૂર પ્રેય તેને મળવા આવશે. સાચો પ્રેમ છે તે આસાનીથી ભૂલી શકાતો નથી અને આ બન્ને વચ્ચે તો પ્રગાઢ પ્રેમ હતો, માન્યુ કે બન્ને એકબીજા સામે પોતાના દિલની વાત ખુલ્લી કરી શક્યા ન હતા પણ પ્રેમ તો બન્નેને હતો ને???” ઓઝાસાહેબે પાર્થેને સમજાવતા કહ્યુ. “ઓઝા તારો વિચાર તો ખુબ સારો છે, આ રીતે પ્રવીણ્યાને સરપ્રાઇઝ આપીશું તો તેના ઘાવ રૂઝાઇ જતા વાર નહી લાગે. તે પોતાની બધી વાત કુંજનને મળીને કહેશે તો તેના હ્રદયનો ભાર પણ ઓછો થઇ જશે. બીચારો એ મનમાં એ જ દર્દ લઇને બેઠો છે કે પોતે સાચો હતો તે કુંજને જણાવી શક્યો નહી” દાસભાઇએ કહ્યુ. “તો પાક્કુ કે આપણે પ્રવીણ્યાને કુંજ સાથે મળાવીને જ રહેશું.” કહેતા ઓઝાસાહેબે પોતાનો હાથ આગળ કર્યો અને તેને સાથ આપવાની હા પાડતા બધા મિત્રો અને કોલેજીયન ટોળકીએ હાથ મીલાવી લીધા. “જ્યારે એક હાથ હોય ત્યારે કામને પાર પાડવુ બહુ અઘરૂ થઇ પડે છે પણ જ્યારે આ રીતે અનેક હાથ સાથે મળી મુઠ્ઠી બની જાય છે ત્યારે ગમે તેટલુ અઘરૂ કામ પણ પાર પડી જ જાય છે. હવે મને પાક્કો વિશ્વાસ છે કે મારા મરતા પહેલા એક વખત કુંજ દિકરીને આપણે જરૂર શોધી લેશું.” ઓઝાસાહેબની આંખમાં પાણી આવી ગયા બોલતા બોલતા. “ઓઝા હવે રડ નહી, હવે આ આંસુઓને સાચવીને રાખ, જ્યારે કુંજ અને પ્રેયનું મિલન થશે ત્યારે ખુશી રૂપે આ આંસુની ધારા વહાવજે.” હેમરાજભાઇએ હળવા હાથે ઓઝાસાહેબનો ખભ્ભો દબાવ્યો. બીજા દિવસે અહી કથાના સ્થળે જ મળવાનુ નક્કી કરીને બધા છુટા પડ્યા.

**********

“બધા આવી ગયા પણ આપણો કપ્તાન ઓઝો જ ન આવ્યો. મને ખબર જ હતી કે તે ભૂલી જ જાશે અને આપણે બધા બુધ્ધુ નક્કી કરેલા સમય કરતા અડધી કલાક વહેલા આવી ગયા.” હરદાસભાઇ ગુસ્સાથી બોલતા હતા પણ બધા હરદાસભાઇની વાત સાંભળી હસવા લાગ્યા. “અરે, મને આટલો ગુસ્સો ચડે છે અને તમને બધાને મજાક સુઝે છે?”

“દાદા પાછળ તો વળીને જુવો, કોણ ઉભુ છે?” હરદાસભાઇએ પાછળ જોયુ તો ઓઝાસાહેબ ઉભા હતા. “એમ હું મોડો આવું છું એમ??? ઉભો રે તો દાહળા તારી ખેર નથી આજે.” કહેતા ઓઝાસાહેબે હાથમાં રહેલી છડી હરદાસભાઇ સામે ઉગામી. “અરે..... અરે.... ઓઝા. તે તો મારી વાત ગંભીરતાથી લઇ લીધી, હું તો મજાક કરતો હતો.” “કાં........ મીયાનો મીંદડૉ બની ગયો? હમણા તો બહુ ડીંગા હાકતો હતો? હવે બોલ ને એટલે તારી ખબર.. તારી જાણ માટે કહી દઉ કે તમારી સૌની પહેલા હું આવી ગયો છું, આ તો તમે કોઇ આવ્યા ન હતા તે હું દર્શન કરવા જતો રહ્યો. બહુ આવ્યો વળી દોઢ ડાહ્યો.” ઓઝાસાહેબે તો હરદાસભાઇનો વારો લઇ લીધો. “ખમ્મા ખમ્મા મારા ઓઝા ને ખમ્મા. હવે બેસ આરામથી અને આપણે જેના માટે ભેગા થયા છે તે ચર્ચા કરીએ તો સમયની સાર્થકતા થશે.” પ્રતાપભાઇએ ઓઝાસાહેબને બેસાડતા કહ્યુ. “હા......હા......હા....... હું તો મજાક કરતો હતો. દાહળા તારુ મોઢુ તો જો કેવુ થઇ ગયુ? જાણે પેલા ધોરણના છોકરાને ખીજાયા હોય ને કેવુ મોઢુ વકાસે તેમ બેસી ગયો તું તો, હવે જરાક હસી દે, ચાલ.” ઓઝાસાહેબની હાસ્ય કરવાની શૈલીથી હાસ્યની લહેર દોડી ગઇ. “હા તો ઓઝા કાંઇ વિચાર્યુ છે તે? કુંજ દિકરીને શોધવા આપણે ક્યાંથી શરૂઆત કરવી એ વિષે?” હરદાસભાઇએ ગંભીર પ્રશ્ન વહેતો મુંક્યો. “જુવો, હમણા પ્રવીણ્યો આવે છે, મે તેને અહી બોલાવી લીધો છે. પહેલા તો આપણે આ બધી વાત તેનાથી ગુપ્ત રાખવી હતી પણ ઘરે જઇને મને એવુ લાગ્યુ કે તેની મદદ તો લેવી જ પડશે એટલે એ આવે પછી કાંઇક પ્લાન ઘડીએ.” “હા દાદા, તમારી વાત તો સાચી છે અને જુવો પ્રેય અંકલ આવી પણ ગયા.” શિલ્પાએ કહ્યુ. “બેસ પ્રવીણ્યા. તારી જ રાહ જોવાતી હતી. તારી કથા તો પુરી થઇ ગઇ પણ તને દક્ષીણા આપવાની બાકી રહી ગઇ અને અમે બધા સાથે મળીને તને જે દક્ષીણા આપીએ તે સહર્ષ તારે લેવાની છે. ખોટી ખટખટ ન જોઇએ.” ઓઝાસાહેબે તેની આગવી શૈલીમાં પ્રવીણને કહ્યુ. “અરે કાકા, શું કહો છો તમે , કાંઇ સમજાતુ નથી મને.” “જો પ્રવીણ્યા,તુ તો તારા કોફીહાઉસમાં એવો તે મુંઝાઇ ગયો છે કે તને તો કુંજ ક્યાં છે, શું કરે છે તે જાણવાની કાંઇ ફુરસત જ નથી પણ અમે બધા તો હવે નિવૃત છીએ એટલે અમે બધા લોકોએ એવુ નક્કી કર્યુ છે કે અમે બધા સાથે મળીને તારી કુંજને શોધવાના છીએ અને તારી સાથે તેની મુલાકાત કરાવવાનો વિચાર છે.” “કાકા, પ્લીઝ તમે આ બધુ કરવાનુ રહેવા દ્યો. અકારણ તમે હેરાન થશો અને હાંથમાંથી સરી પડતી રેતની જેમ છેવટે હાથ ખાલી જ જોવા મળશે એટલે તમે હેરાન ન થાઓ પ્લીઝ. મને મારી હાલત પર છોડી દ્યો. તમે બધા છો મારા જીવનમાં પછી હવે ક્યાં હું એકલો છું?” પ્રવીણભાઇએ કહ્યુ. “એય ડોબા, એંસી વર્ષના ડોસા જેવી શું વાતો કરે છે? છાનામુનો બેઠો રે, અહી તને તારો વિચાર પ્રગટ કરવા નથી બોલાવ્યો , અમારો વિચાર જણાવવા તને બેસાડ્યો છે, સમજ્યો???”

“અરે ઓઝાદાદા આજે તો તમે અગન જ્વળાની જેમ વરસો છો, શું જમીને આવ્યા છો આજે?” વ્રજેશે ટીખળ કરતા પુછ્યુ. “ચુપ રે વજ્યા તુ નહી તો તને તો બહુ માર પડશે.” “એ મારા વ્હાલા કાકા, શાંત થાઓ પ્લીઝ. તમે કહેશો તો હું કોઇપણને મળી લઇશ પણ તમે ગુસ્સે ન થાઓ. ગુસ્સો તમારી સેહત માટે હાનીકારક છે તે ખબર છે કે નહી તમને?” પ્રવીણે ઓઝાસાહેબની પીઠ થપથપાવતા કહ્યુ. “હા હવે કાંઇક રંગ જામ્યો. હવે મજા આવશે. હવે અમે બધા સાથે મળીને તારી કુંજળીને શોધી કાઢશું. પછી ભલે ને એ બાઘડબીલ્લો તારી પારેવા સમાન કુંજને લઇને પાતાળમાં કેમ ન બેઠો હોય. હજુ તે ઓઝાનો અસલી રંગ નથી.” “તો ચાલ એક કામ કર સૌ પહેલા તો તારી કોલેજની બહેનપણી,,શું નામ છે એનુ? પેલી રાજકોટવાળી નું?” “દાદા............. ધ્વની.” “હા એ ધ્વનીના નંબર આપ અમને. એય પાર્થયા, લે આ ફોન, આમાં તેના નંબર જરાક સેવ કરી દે.”

પ્રવીણે ધ્વનીના નંબર આપ્યા, સાથે સાથે ધ્વની અને કુંજનું સુરતનું સરનામું પણ ઓઝાસાહેબે કાગળમાં ટપકાવી લીધુ. “ઠીક છે પ્રવીણ્યા, તું તારે હવે કોફીહાઉસ જઇ શકે છે. જ્યારે કાંઇ માહિતીની જરૂર પડશે ત્યારે તને ફોન કરીને હેરાન કરીશું, બાકી આજથી આ ઘરડાનું તને વચન છે કે કુંજને સાથે લઇ આવીને જ તને મારો ચહેરો બતાવીશ.” ઓઝાસાહેબના શબ્દોમાં ભારોભાર આત્મવિશ્વાસ છલકી રહેલો બધા મુગ્ધ બની જોઇ રહ્યા. આટલી ઉંમરે પણ આરામ કરવાને બદલે અને ભગવાનનું નામ લેવાને બદલે અને કોઇ પણ જાતના સ્વાર્થ વિના આ લોકો પોતાની મદદ કરી રહ્યા છે એ જોઇ પ્રેયની આંખમાં બોર બોર જેવડા આંસુ આવી ગયા. તે ઓઝાસાહેબની ગોદ્દમાં માથુ નાખી રડી પડ્યો. “કાકા, આજે એ સાબિત થઇ ગયુ કે હું એકલો નથી આ દુનિયામાં. તમે બધા મારા માટે જે કરી રહ્યા છો તે કોઇ પોતાનુ પણ ન કરે. મારી જાત ઘસી નાખુ તો પણ ઓછુ રહેશે કાકા. એક વખત કુંજને મળીને બધી વાતોની ચોખવટ કરી લઉ એટલે મને શાંતિ થઇ જશે, ભલે તે મારા જીવનમાં આવે કે નહી પણ એ વાતની તો શાંતિ રહેશે કે બધી વાતોની ચોખવટ તો થઇ જશે. આજે તમારા જોશને કારણે મને પણ આત્મવિશ્વાસ આવી ગયો કે સાયદ હવે કુંજ નામની રોશની મારા જીવનમાં જરૂર આવશે જ. જે મદદની જરૂર હોય તે કહેજો , હું તમારી પડખે જ ઉભો હોઇશ. આજ સુધી કોફીહાઉસની ચિંતામાં મારા અંગત હાઉસને ઘર ન બનાવી શક્યો પણ હવે નહી, હવે હું મારા મકાનને ઘરનું રૂપ આપીને જ રહીશ.”

“હા દિકરા હા, તુ રડ નહી આ રીતે. આ આંસુને સંભાળીને રાખ દિકરા. મને ખબર છે કે તે તો કુંજને મળવાની આશા છોડી જ દીધી હતી પણ એ આશાની કિરણને હવે અમે જ્યોત બનાવીને રાખશું અને એક દિવસ જરૂર તમારા બન્નેના પ્રેમની જ્યોત આખા સંસારમાં એક મિશાલ બની જશે. આ મારો વિશ્વાસ સાથે સાથે અંતરના આશિષ પણ છે.” બન્ને એકબીજાને ભેટતા રડી રહ્યા હતા. તેને જોઇ બધા મિત્રો અને કોલેજીયન વિદ્યાર્થીની આંખ પણ ભીની થઇ ગઇ.

To be continued…

શું પ્રવીણના અનુભવી મિત્રો અને આજના જમાનાના વિદ્યાર્થીઓ સાથે મળીને તેની કુંજને શોધી કાઢશે??? આસાનીથી તે લોકો ધ્વનીની મદદથી કુંજ સુધી પહોંચી જશે? ધારો કે કુંજને મળી પણ લે તો શું કુંજ પ્રવીણનો ચહેરો જોવા પણ રાજી થશે કે??? જાણવા માટે વાંચતા રહો કોફીહાઉસ અને આપના પ્રતિભાવ મને ફોન નંબર (૮૦૦૦૦ ૨૧૬૪૦) અથવા મારા મેઇલ આઇ.ડી. gokanirupesh73@gmail.com પર આપતા રહો તેવી આશા સાથે વિરમું છું. ફરી મળીશું એક નવા સ્વાદથી ભરપૂર કોફીના મગ સાથે.....