Tamake Tara - 3 books and stories free download online pdf in Gujarati

Tamake Tara - 3

જય ભગવતી

ટમકે તારા

(બાળકાવ્ય સંગ્રહ)

ભાગ - ૩

કીર્તિદા બ્રહ્મભટ્ટ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•એક હતો અડકો

•જંગલની સેર

•પગ

•આંખો

•જીભ

•આંગળાં અને અંગૂંઠો

•દીકરો દાદા-દાદીનો

•વરસગાંઠ

•વાદળ કેરા ઘરમાં

•તારા દેખાય

•રોજ સવારે

•વેશભૂષા

•દાદાની વાડી

•ઉંદરભાઈને સપના માંહે

•હોડી

૧. એક હતો અડકો

એક હતો અડકો ને એક હતો દડકો

દડકોને અડકો તો રડતો’તો અડકો

અડકાને પપ્પા ને મમ્મી ગમે અને દડકાને દાદા ને દાદી.

મમ્મી પહેરે છે રેશમની સાડી ને દાદાજી પહેરે છે ખાદી

રૂની બનાવીને પૂણી એ એટલે તો રોજ રોજ ફેરવે છે ચરખો... એક હતો...

અડકો નિશાળ જાય નહીં ને દડકાથી વંચાય નહીં.

ભણીગણીને કોઈ દિવસ એ બંને મોટા થાય નહીં

બધી પરીક્ષામાં બેસે પણ વાળે સદાય ધબડકો... એક હતો....

પર્વત કેરી ટોચ ઉપરથી અડકો મારે ધક્કો,

પડતાં પડતાં દડકો કહેતો અડકો ભારે પક્કો.

અને એની એ ચિચિયારીનો પડતો મોટો પડધો.... એક હતો...

૨. જંગલની સેર

હાથીભાઈ હસતા બોલ્યા

વાત એક સૂણાવું

મારી પીઠ ઉપર બેસાડી

તમને સેર કરાવું.

બિલ્લી સૂણતાં વાર જ કૂદી

સીધી લટકી કાને

બચોળિયાને મોંમાં નાખી

પીઠ ઉપર મૂકવાને.

લઈ લવારું બકરી આવી

ફરવાને બહાને

ઘેટાંનાં બે ગાડરાં આવ્યાં

સાથે લઈને માને.

રમે ગલુડિયાં ભાઉ ભાઉ કરતાં

હાથી ભાઈની સામે

મથે બોતડું ઊંટના ટેકે

શિર ઉપર ચડવાને.

ધીર ધરી જ્યાં કાચબા ઊભા

હારબંધ જ્યાં સસલાં

હાથીની ત્યાં સૂંઢ પહોંચી

સહુને ઊંચકવાને.

વાછડાં ને પાડાં બેસાડ્યાં,

ઊભાં ને આડાં બેસાડ્યાં,

કહે પછી હાથી કીડીને

પગમાં લટકી જાને.

હવે સવારી ઉપડશે ભાઈ

જંગલને જોવાનેચ

પર્વત, ઝાડી,, ઝરણાં જોઈ

અહીં તહીં ઘૂમવાને.

૩. પગ

કહું મને લઈ જાવ એટલે

પગ ઉપડે ફટફટ.

ચાલે પટપટ, દોડે ઝટપટ

ઠેસ વાગતાં મને પછાડે પટ.

કહું ઊઠોને ચડીએ આપણ

પેલો મોટો પર્વત

કહેતાં વાર જ ચડવા લાગે

અડધે જઈને રડવા લાગે

થાક ઊતરતાં પાછાં ચાલે

હળવે ને પછી સટસટ

પગ બે મારા ખેપ કરાવે

દુનિયાભરની જાતે

પછી કહે એ ઘરમાં આવી

બસ હવે નિરાંતે.

હરીફરીને આખર એને

ફરવાનું છે કામ

કંઈ કેટલા જોજન કાપે

તોય ન કોઈ ખટપટ.

કહું મને લઈ જાવ એટલે

પગ ઉપડે ફટફટ.

૪. આંખો

આંખો મીંચું ને તો ઊંઘી જવાય છે

ઉઘાડી આંખોથી દુનિયા દેખાય છે

રડી પડું તો મારી પાંપણ ભીંજાય છે

હું મલકાતી હોઉં ત્યારે આંખો મલકાય છે

૫. જીભ

જીભલડી મારી આ નાની

વાતો કરાવે ન્યારી ન્યારી

ખાટું ને મીઠું પરખાવે

દાંતથી એને સાચી યારી

૬. આંગળાં અને અંગૂઠો

આંગળા ચાર ને એક અંગૂઠો રાજા

ચપટીમાં કામ કંઈ કરતાં રે ઝાઝા

ચપટી એવી પટપટ વાગે

ને ચપટીમાં પકડે ખાજાં

સાન કરીને એ બોલાવે

સાનમાં કહેતાં જા જા

સવળાં અવળાં ને વળી કરતાં

ખેલ ખોટાં ને કૈંક સાચાં

૭. દીકરો દાદાદાદીનો

દાદા કહેતાં દીકરો મારો

દાદી કહેતા મારો.

મમ્મી પપ્પાનો તો જોને

કદી ન આવે વારો.

દાદાની હું આંગળી ઝાલું

ને કહું ફરવા ચાલો

દાદીમાના ખોળે બેસી

લાડ બહુ કરનારો.

વાત વાતમાં હસી પડે એ

જોઈ ચહેરો મારો

અને જરા મીઠું બોલું તો

ચુમીઓનો વરસે મારો.

દાદાની વાતોમાં મળતો

દુનિયાનો ભંડારો,

હું દાદીની કુંવરી, પરીઓ

વચ્ચે જઈ વસનારો.

દાદા કહેતાં દીકરો મારો

દાદી કહેતાં મારો.

૮. વરસગાંઠ

આજ બહેનની વરસગાંઠ છે

મળશું આજ બધાંને

પપ્પાને મમ્મીની સાથે

લાગ્યો છું હું કામે.

ફૂગ્ગા, રિબન, ઝૂમ્મર, તોરણ

ટાંગ્યા બધી દીવાલે

હેપી બર્થ ડે ટુ ડૉલી એમ

ચીતર્યું છે સુઝાને.

હમણાં કાકા કાકી આવીને

લઈ જાશે ફરવાને

અને મામા-મામી આવીને

વળગી પડશે માને.

દાદા દાદી સવારથી જો

હરખાઈ રહ્યાં છે કેવાં,

દઈ આશિષ એ વખાણ કરતાં

ખવડાવે છે મેવા.

નાના ને નાની પણ પહોંચ્યા

હશે એક દુકાને

બહેનીને ગમતી પરીઓની

ચોપડીઓ લેવાને.

વહાલાં ફોઈ ફુઆ આ આવ્યાં

કેક અને છે બિસ્કિટ લાવ્યાં

ને માસા માસી અલબેલાં

ફરાક અને ટોપી લઈ આવ્યાં

દોસ્તોની લો ટોળી આવી

કલબલ ને આ થઈ કિલકારી.

કેક અને કેન્ડલની પાસે

ચોકલેટની તાસ લગાવી.

કેક હવે કાપી દે બેની

ભૂખ મને લાગી છે કેવી.

કહેવા જાતાં પહેલાં બેને

ફૂંક દઈ કેન્ડલ બૂઝાવી

તાલીને ચિચિયારી વચ્ચે

કેક પછી સહુને ખવરાવી

એ સઘળું યે ઝડપી લેવા

કહ્યું મેં કેમેરાને.

આજ બહેનની વરસગાંઠ છે,

મળશું આજ બધાંને.

૯. વાદળ કેરા ઘરમાં

વાદળ કેરા ઘરમાં જઈને

સૂરજ કેવો નહાય.

એથી તો એ બહાર નીકળતાં

ઝગમગ ઝગમગ થાય.

રોજ સવારે વહેલો ઊઠી

એ જ બધે પથરાય

તારલિયાને ચાંદો એના

અજવાળે ઢંકાય

દાદા ને દાદી મંદિરમાં

ભાઈ નિશાળે જાય.

ને મમ્મી પપ્પા પણ પાછાં

કામે વળગી જાય.

ભર બપ્પોરે ધગધગતો

ને સાંજે ઠંડો થાય.

રાત પડે અંધારા ઓઢી

પળમાં પોઢી જાય.

વાદળ કેરા ઘરમાં જઈને

સૂરજ કેવો નહાય

એથી તો એ બહાર નીકળતાં

ઝગમગ ઝગમગ થાય.

૧૦. તારા દેખાય

આજ તારા દેખાય, પણ ચાંદલિયો આકાશે નહીં

મમ્મી, કેમ ચાંદલિયો આકાશે નહીં !

નાનો થઈ જાય અને મોટો પણ થાય

એ તો રોજ રોજ આમ તેમ જઈ

મમ્મી, કેમ ચાંદલિયો આકાશે નહીં. !

સૂરજ સંતાય પછી ચાંદાનું રાજ અને એમાં યે એક દિવસ ઓછો,

તારા તો રોજ રોજ ટમકી ટમકી ને કહે રાતે તે કેમ ઊંઘો છો !

વાદળ આ છાયા અને વરસ્યો વરસાદ પેલી વીજલડી ચમકીને ગઈ

ત્હોય ચાંદલિયો આકાશે નહીં ! મમ્મી, કેમ ચાંદલિયો આકાશે નહીં !

થોડો થોડોક રોજ સંતાતો જાય અને અમાસે આખો ઢંકાય.

ચોમાસે વાદળની ઓથે છૂપાય પછી ડોકાં કરીને મલકાય.

ધોળી દૂધ ચાંદનીને રેલવવા આભમાં આવે પૂનમ થઈ થઈ

મમ્મી, જોને ચાંદલિયો હરખાતો કંઈ. ચાલ મળીએ એ ચાંદાને જઈ.

૧૧. રોજ સવારે

રોજ સવારે મારી પહેલાં

પંખી ઊઠી જાય.

રોજ સવારે કલરવ કરતાં

ગાન મધુરાં ગાય.

આકાશે સૂરજ જઈ ચડતાં

અજવાળાં પથરાય

ને ફૂલોની સોડમ લઈને

વાયુ શીતળ વાય.

રોજ સવારે...

ઝાકળ બિંદુ સૂરજ જોવા

આભે ઊડી જાય,

ખળખળતાં જળ નદીઓ કેરાં

ઝળહળ ઝળહળ થાય.

તો દરિયાનાં મોજાઓમાં

મોજ મને દેખાય,

ને પર્વતની ટોચ ઉપરથી

હરિયાળી લહેરાય.

રોજ સવારે...

કર જોડીને માડી ભજતી,

દીપક જ્યોતિ ગોખે ધરતી

પ્રભાતિયાં કંઈ મીઠા સૂરમાં

રોજ મને સંભળાય

આંખ ઉઘાડી જોઉં તો સહુ

મંગલ ગીતો ગાય.

પ્રભુ તણી લીલા સૃષ્ટિ પર

રોજ બધે પથરાય.

રોજ સવારે...

૧૨. વેશભૂષા

રામ બનું કે બનું શ્રવણ હું વેશભૂષામાં દાદી,

કેટકેટલાં વેશ અને છે કેટલી લાંબી યાદી !

નહેરૂ, સુભાષ કે પછી મારે બનવાનું છે ગાંધી !

જયહિંદના નારા સાથે ગજવી દઉં આઝાદી !

ચિંતન છે અકબર બનવાનો, નેહા ઈન્દિરાજી,ં

રૂપા રઝિયા બેગમ બનશે, રીના થશે સીતાજી.

કૃષ્ણ બનીને કોઈ ખાશે વિદુર કેરી ભાજી,

અબ્દુલ કલામ બનીને કોઈ દેશે દુનિયા આંજી.

બેટ લઈને નૌતમ ફરશે, ફરશે ગૌતમ કાઝી

સચિન ને સૌરવની પેઠે કરશે ફટકાબાજી.

તુલસીદાસ, કબીર, રહીમ ને હશે કોઈ મીરાંજી,

કોઈ થશે રાજા ને રાણી, કોઈ પન્ના દાસી.

સઘળાં રત્નો ઊભરાશે, ભારતમાના ગીતો ગાશે,

નવાં નવાં સહુ વેશ જોઈને લોક થશે બહુ રાજી.

રામ બનું કે બનું શ્રવણ હું વેશભૂષામાં દાદી,

કેટકેટલાં વેશ અને છે કેટલી લાંબી યાદી !

૧૩. દાદાની વાડી

દાદાની વાડીમાં

આંબલિયો પાકયો

કેરીઓ લૂમે ને ઝૂમે હો ભેરૂ,

હાલો ઉજાણીએ.

દાદાના આંબલિયે સૂડલાય બેસે

ને કોયલડી કૂઉ કૂઉ કૂજે

હો ભેરૂ, હાલો ઉજાણીએ.

પડખેના ખેતરમાં

લહેરાતી જાર છે,

રખોપું કરવાને ચાડિયા

બેચાર છે

પંખીડાં આમ તેમ ઘૂમે

હો ભેરૂ, હાલો ઉજાણીએ.

પોંક તાજો તાજો ને

મીઠો તૈયાર છે.

વાંસ અને ઘાસ તણી

માંચીનો માળ છે

વાયરાના સૂરે મોલ ઝૂમે

હો ભેરૂ, હાલો ઉજાણીએ.

૧૪. ઉંદરભાઈને સપનામાંહે

રૂમાલ રેશમી જડ્યો.

આંખ ઉઘાડી, જાગી જઈને

પૂછે ક્યાં એ પડ્યો ?

માને પૂછવા જાતાં એને

ઠોકર વાગી પગમાં,

તોય ઊઠી ને ઊભાં થાતાં

પગ એનો લડથડ્યો.

માડી મારી કહી દે મુજને

રૂમાલ ક્યાં છે દઈ દે મુજને

લાલ સુંવાળો રૂમાલ હતો

લીલા મોતીથી જડ્યો

હસી પડી મા ઉંદરડી,

ને ધરી દીધી એક ચીંદરડી.

આજ હશે લે રૂમાલ તારો

તું આને ખાતર રડ્યો !

ઉંદરભાઈને...

ના ના કરતા ઉંદરભાઈ,

પપ્પાને જઈને પૂછે

રૂમાલ મારો તમે દીઠો છે,

કહીને આંસુ લૂછે.

પપ્પા બોલ્યા હળવે રહીને

તાવ દઈને મૂછે

અબઘડી હું ચાદર લાવું.

રૂમાલ એમાંથી સીવડાવું

કહે પછી એ રૂમાલ લઈને

તારે ક્યાં જાવું છે ?

એક ટચૂકડાં રૂમાલ ખાતર

શાને જીદે ચડ્યો !

ઉંદરભાઈને...

નથી જોઈતી ચીંદરડી ને

નથી જોઈતી ચાદર.

લાલ રેશમી રૂમાલ હશે તો

લોકો કરશે આદર.

જાવ હવે દોશીના દ્વારે

રૂમાલ જોઈશે લાલ જ મારે

ટંકાવો મોતીડાં મોંઘાં

તોઈ મૂકાવો એની ધારે.

હું તો આંખ મીંચી બેઠો છું,

દરમાં લઈ લો હું જઈ પેઠો છું.

ગાઉ નહીં ને ખાઉં નહીં

બસ ચૂપચાપ આ પડ્યો.

ઉંદરભાઈને...

ઘરમાં ગોત્યું, દરમાં ગોત્યું,

ખેતર ને પાદરમાં ગોત્યું.

ડાળ ડાળ ને થડમાં ગોત્યું,

નદી અને કોતરમાં ગોત્યું.

દાદા ને દાદલીએ ગોત્યું,

નાના ને નાનીએ ગોત્યું

દિવસે ને રાતે પણ એના,

ભાઈ અને બેની એ ગોત્યું.

થાકીને પૂછ્યું ઉંદરને

ગાડું તે કીધું છે ઘરને

કહે હવે તેં કયાં દીઠેલો

રૂમાલ હતો ક્યાં પડ્યો ?

ઉંદરભાઈને....

મને બધું કંઈ યાદ નથી,

આ બહુ મોટી કંઈ વાત નથી

મળે નહીં કાં રૂમાલ મારો

આ દિવસ છે કંઈ રાત નથી.

આંખ ઉઘડતા પહેલાં

એને ઊડતો મેં દીઠાં’તો

ઝગમગતો, ફરફરતો મારા

હાથ ઉપર પડ્યો’તો

એ જ રૂમાલની વાત કરું છું.

કરતો કોઈ મજાક નથી.

સુણતાં વાર જ હસી પડ્યાં સહુ

ઉંદર રડી પડ્યો.

ઉંદરભાઈને...

૧૫. હોડી

દેખ હવે આ મારી હોડી

જાય કિનારો છોડી.

હાથ હલેસાં માર્યે જાતાં

હોડીને હંકાર્યે જાતાં

પળમાં હાલક પળમાં ડોલક

પળમાં સામે પાર લગોલગ

સૂસવાતા વાયુને સઢની

કેવી થઈ ગઈ જોડી

દેખ હવે આ મારી હોડી

જાય કિનારો છોડી.