Jid books and stories free download online pdf in Gujarati

જીદ

જીદ

સુકેતુ કોઠારી

વૈશ્વિક આજે ફરીથી ઘરમાં કોઈ વસ્તુને લઇ જીદે ચઢતા તેની મમ્મી ઉપર જોર જોરથી બુમો પાડતો હતો જેના કારણે ઘરની બહાર સુધી એનો અવાજ જતો હતો. સોસાયટીમાં અને ખાસ કરીને આજુ બાજુ લોકો માટે આ ઘરમાંથી આવતી વૈશ્વિકની બુમો એ રોજનું હતું. વૈશ્વિક હમણાજ ૧૩ વર્ષનો થયો હતો. જેને તરુણાવસ્થા (ટીનેજર) કહેવામાં આવે છે. તરુણાવસ્થા એ જીવનમાં એક એવો સમયગાળો કહેવાય છે, જેમાં શારીરિક અને માનસિક રીતે ઘણા બધા બદલાવ આવે છે. વૈશ્વિકને સંભાળવો અને સમજવો એ એના માતાપિતા માટે અઘરું હતું. અઘરું એટલા માટે કે વૈશ્વિક ની જીદ અને માંગણીઓ દિવસે અને દિવસે વધતી જતી હતી. હિનેશ અને મીતા, માતાપિતા તરીકે વૈશ્વિકની બધી માંગણીઓ પૂરી કરતા હતા પણ આમ કરવાથી વૈશ્વિક વધારે જીદ્દી થઇ જશે એવી એમને બીક પણ હતી. વૈશ્વિકની આ જીદ રોકવા માતાપિતા તરીકે એમને શું કરવું જોઈએ એ સમજાંતુ ન હતુ.

એક દિવસ વૈશ્વિક સ્કુલેથી આવીને મીતા જોડે નવા શુઝ ખરીદવાની જીદ કરવા લાગ્યો. મીતાએ એને યાદ કરાવ્યુ કે હજુ ગયા મહીને તો નવા શુઝ લીધા હતા. વૈશ્વીકે જીદ કરી કે મારા ફ્રેન્ડ જોડે જેવા શુઝ છે એવા લેટેસ્ટ ડીઝાઇનના શુઝ મારે પણ જોઈએ છે. મીતા એ ઘણું સમજાવ્યુ પણ એ ના માન્યો અને રિસાઈને એના રૂમમાં જતો રહ્યો. સાંજે હિનેશના ઓફીસથી આવતાજ એજ શુઝ વાળી વાતને લઇને વૈશ્વિકનો કકરાટ પાછો ચાલુ થયો છેવટે હિનેશે એને ગમતા શુઝનો ઓન-લાઈન ઓર્ડર કર્યો ત્યારે વૈશ્વિકની જીદ અને એનો કકરાટ બંધ થયો.

બાજુ વાળા રમેશકાકા વૈશ્વિકના આ જીદ્દી સ્વભાવ અને એને લઇને હિનેશની ચિંતા વિષે જાણતા હતા. રમેશકાકા ઉમરમાં મોટા હતા પણ હિનેશ એમને વડીલ પાડોશી કરતા વડીલ મિત્ર વધુ માનતો હતો. હિનેશ પોતાની સુખ-દુઃખની વાતો રમેશકાકા જોડે હમેશાં કરતો અને રમેશકાકા પણ હિનેશને પોતાના દીકરાની જેમ સાચી સલાહ આપતા.

વૈશ્વિકની શુઝ વાળી વાત રમેશકાકાને ખબર પડતાજ બીજાજ દિવસે વૈશ્વિક સ્કુલે જાય એ પહેલા એના ઘરે પહોંચી ગયા. પેહલા તો એમને વૈશ્વિક જોડે થોડી વાર આડી અવળી વાતો કરી, પછી ધીમે રહીને નવા શુઝની સામે જોઈને કીધું કે, “બેટા, તારા આ નવા શુઝ ખુબ સરસ છે, પણ તારે જો એની જોડે પડેલા પેલા જુના શુઝ ફેકી દેવાના હોય કે પહેરવાના ના હોય તો એ મને આપીશ?”. વૈશ્વિકને થોડી નવાઈ લાગી પણ રમેશકાકાને એ જુના શુઝ આપી દીધા અને મજાકમાં હસતા હસતા કીધું કે, “અંકલ તમે આ જુના શુઝનુ શું કરશો?, તમારા પગમાં આ શુઝ નહિ બેસે!”. રમેશકાકાએ વૈશ્વિકને થોડી સ્માઈલ આપી પેલા જુના શુઝ લઇને જતા રહ્યા.

થોડાક દિવસ પછી વૈશ્વિકે એના ક્રિકેટના બેટને લઈને એવીજ જીદ કરી. બહુ મગજમારી કર્યા પછી વૈશ્વિક ન માનતા મીતાએ કંટાળીને હિનેશ જોડે વાત કરીને વૈશ્વિકને સ્પોર્ટ્સની દુકાનમાંથી વૈશ્વિકને ગમતું બેટ અપાવી દીધું. હિનેશે જેવી રમેશકાકાને આ વિષે વાત કરી કે કાકા બીજા દિવસે પાછા ફરીથી વૈશ્વિકને મળવા સવારે એના ઘરે પહોચી ગયા. વૈશ્વિક જોડે હોશિયારીપૂર્વક જુના બેટની માંગણી કરતા વૈશ્વીકે રમેશકાકાને એનું જુનું બેટ પણ આપી દીધું. ફરીથી મજાક કરતા કરતા વૈશ્વીકે કીધું કે, “કાકા, આ ઉમરે તમે ક્રિકેટ રમશો?”, પણ રમેશ્કાકાએ વૈશ્વિકના આ મજાકિયા સવાલની સામે ફરીથી થોડીક સ્માઈલ આપી અને ત્યાંથી એ જુનું બેટ લઈને જતા રહ્યા.

૨ મહિના પછી ફરીથી વૈશ્વિકે પિતા જોડે નવા મોબાઇલ અપાવી આપવાની જીદ કરી. હિનેશે ના પાડતા વૈશ્વીકે મોબાઈલ ના ફાયદા ગણાવતા કીધું કે પાપા મારા બધા ફ્રેન્ડસ મોબાઈલ રાખે છે જેના દ્વારા અમે લોકો ફોન ઉપર ભણવાની વાતો કરી શકીએ અને ઈન્ટરનેટ દ્વારા જનરલ નોલેજને લગતી ઘણી માહિતી પણ સરળતાથી મેળવી શકીએ. હિનેશને વૈશ્વિકની વાત બરાબર લાગી. હિનેશને થયું કે વૈશ્વિક જયારે ટ્યુશન માટે એકલો બહાર ગયો હોય ત્યારે મારે અથવા મીતાને એની જોડે ગમે ત્યારે વાત કરીને એની ખબર લઇ શકાય. મીતાએ પણ હિનેશને કીધું કે આ જમાનામાં મોબાઈલ હોવું જરૂરી છે અને સામાન્ય પણ. ઈન્ટરનેટ પર ખરાબ વસ્તુઓ વધારે હોવાના કારણે હિનેશે વૈશ્વિકને ઈન્ટરનેટ વગરનો સાદો ફોન લાવીને આપ્યો. વૈશ્વિક ફોન જોતા જ હસવા લાગ્યો અને પાપાને કહેવા લાગ્યો કે, “પાપા, આ કયા જમાનાનો ફોન લઇ આવ્યા છો મારે તો સ્માર્ટ ફોન જ જોઈએ”. હિનેશે વૈશ્વિકને સમજાવ્યુ કે, “બેટા, તારે જે જરૂરિયાત માટે ફોન જોઈએ છે એમાની મોટાભાગની જરૂરિયાત આનાથી પૂરી થઇ જશે”. વૈશ્વિક ફરીથી કઈ માનવા કે સાંભળવા તયાર નહોતો. હિનેશે વાત ન માનતા ગુસ્સામાં આવીને એ ફોન વૈશ્વીકે ઘરની બહાર ફેકી દીધો. હિનેશે અને મીતાએ ફરીથી હાર માનીને વૈશ્વિકને ગમતો ફોન અપાવી દીધો. રમેશકાકા આ બધો તમાશો છેલ્લા બે દીવસથી જોતા હતા. રમેશકાકા ચુપચાપ પેલો ફોન લઇ આવ્યા જે વૈશ્વીકે બહાર ફેકી દીધો હતો. આ વિષે હિનેશ રમેશકાકાને કહેવા જાય એ પહેલા રમેશકાકાએ હિનેશને અટકાવતા કીધું કે ફોન વિષેની વૈશ્વિકની જીદ મને અને આખી સોસાયટીને ખબર પડી ગઈ છે. રમેશકાકાને હિનેશની વૈશ્વિકને લઇને ચિંતા વિષે ખબર હતી અને એ પણ ખબર હતી કે વૈશ્વિક કોઈના કહ્યામાં આવે એવો નહોતો.

આવી ઘણી જીદો વૈશ્વીકે કરી અને એ તમામ જીદો ના છુટકે એના પિતાએ પૂરી પણ કરી. જોડે જોડે રમેશકાકા પણ વૈશ્વિક ની બધી જૂની અને ફેકી દીધેલી વસ્તુઓ ભેગી કરતા રહ્યા.

થોડાક મહિનાઓ પછી વૈશ્વિકના જન્મ દિવસે સવારે રમેશકાકાએ હિનેશને વૈશ્વિક સાથે એક અનાથાશ્રમમાં આવવાનું કહ્યું. હિનેશે પહેલાતો ના પાડી કે વૈશ્વિક એવી જગ્યાએ નહિ આવે. રમેશકાકાએ હિનેશને કીધું કે આ વૈશ્વિકના ભલા માટે છે. હિનેશે વૈશ્વિકને ગમે તેમ કરીને અનાથાશ્રમમાં લઇ ગયો. રમેશકાકા હિનેશની અનાથાશ્રમની બહાર રાહ જોતા હતા. હિનેશ અને વૈશ્વિક આવતાજ એ લોકો અંદર ગયા. અંદર જઈને એ લોકો ત્યાના મેડમને મળ્યા જે આ અનાથાશ્રમ સંભાળતા હતા. રમેશકાકાએ વૈશ્વિક અને હિનેશની મેડમ જોડે ઓળખાણ કરાવી. મેડમ વૈશ્વિકને જોઈને ખુબ ખુશ થઇ ગયા અને એનો આભાર વ્યક્ત કરતા કીધું કે, “બેટા, આ ઉમરે તે જે અમારા અનાથાશ્રમના બાળકો માટે કર્યું છે એ બહુજ પુણ્ય વાળુ કામ છે. આ મદદ માટે અમારું અનાથાશ્રમ હમેશા તારું આભારી રહેશે. વૈશ્વિકને આ સાંભળીને નવાઈ લાગી કે મેડમ કેમ આવું બોલે છે મેં તો એવું કશું કર્યું નથી અને આ પહેલા આ જગ્યાએ ક્યારેય આવ્યો પણ નથી. એને કઈ ખબર ના પડતી હોય તેવી રીતે એ એના પિતા અને રમેશકાકાની સામે જોવા લાગ્યો. હિનેશની હાલત પણ પોતાના દીકરા જેવી હતી, એને પણ મેડમ શું કહેવા માંગે છે એ ખ્યાલ નહોતો આવતો. રમેશકાકા થોડુ હસતા વૈશ્વિકનો હાથ પકડીને એને બહાર લઇ ગયા જ્યાં બધા અનાથ બાળકો રમતા હતા અને વચ્ચે એક ઝાડ હતું ત્યાં જઈને એ ત્રણે જણા બેસી ગયા.

બધા છોકરાઓને રમતા જોતા જોતા વૈશ્વિકનુ ધ્યાન એક્દમજ ત્યાં રમતા એક છોકરાના પગમાં પહેરેલા શુઝ પર ગયુ જે બિલકુલ એના જુના શુઝ જેવા હતા. વૈશ્વિક વધારે કઈ વિચારે એ પહેલા એનું ધ્યાન બાજુમાં ક્રિકેટ રમતા છોકરાઓ ઉપર ગયુ, એમાંથી જે છોકરો બેટિંગ કરતો હતો એના હાથમાં બેટ જોઈને વૈશ્વિક ઉભો થઇ ગયો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે આતો મારું જુનુ બેટ છે જેના ઉપર મારું નામ પણ લખેલું છે પણ અહિયાં આ બેટ કેવી રીતે આવ્યું. વૈશ્વિક બધા છોકરાઓને જોવા લાગ્યો. એને જોયું કે કોઈકએ એની જૂની ટોપી પહેરી હતી તો કોઈકએ એની જૂની ઘડિયાળ. કોઈક બાળકે એને ફેકી દીધેલા ચશ્માં, તો કોઈકએ એના જુના કપડા પેહર્યા હતા અને કોઈકએ તો એનો ફેકી દીધેલો બેલ્ટ પેહર્યો હતો. એટલામાં મેડમ ફોન પર વાત કરતા કરતા એમની ઓફીસની બહાર આવ્યા, વૈશ્વિકનું ધ્યાન મેડમના ફોન પર ગયું. આ એજ ફોન હતો જે વૈશ્વીકે ગુસ્સામાં આવીને ઘરની બહાર ફેકી દીધો હતો. આ બધુ જોઈને હવે વૈશ્વીકને ખબર પડી કે મેડમ કેમ એનો આભાર વ્યક્ત કરતા હતા. વૈશ્વિકને એ પણ યાદ આવ્યું કે આ બધી વસ્તુઓ તો રમેશકાકા એની પાસેથી લઇ ગયા હતા.

વૈશ્વીકે રમેશકાકાની સામે આશ્ચર્ય રીતે જોયું ત્યારે રમેશકાકા એ કીધું કે, “હા બેટા, આ બધી વસ્તુઓ તારીજ છે. તારી જૂની અને તારા દ્વારા ફેકી દીધેલી બધીજ વસ્તુઓ ભેગી કરીને મેં જ અહિયાં આ અનાથ બાળકોને વહેંચેલી અને એ પણ તારા નામ થી. તારી માટે જે વસ્તુનું કઈ મુલ્ય નહોતું એજ વસ્તુઓ આ અનાથ બાળકો માટે આજે અમૂલ્ય છે”. આ વાત સાંભળતાજ વૈશ્વિકને પોતાની ખોટી જીદ કરવાની ભૂલ સમજાઈ.

થોડી વાર રહીને મેડમે ત્યાં આવીને બધા બાળકો વચ્ચે વૈશ્વિકની ઓળખાણ કરાવતા કીધું કે, “બાળકો આ શુઝ, બેટ , ટોપી, ઘડિયાળ, બેલ્ટ અને ફોન જે આપડે વાપરીએ છીએ એ બધુજ વૈશ્વીકે એના જન્મદિવસ પર આપડા અનાથાશ્રમ એટલે કે તમને ભેટ કરેલી છે”. બધાજ બાળકો આ સાંભળતાજ ખુબ ખુશ થઇને વૈશ્વિકની સામે જોઈને તાળીઓ પાડવા લાગ્યા. આ બધું જોઈને વૈશ્વિક ખુબ ભાવુક થઇ પિતાને ભેટીને રડવા લાગ્યો.

વૈશ્વીકે પિતા જોડે માફી માગી અને હવે ફરીથી ક્યારેય પણ બીનજરુરિયાત વસ્તુઓ માટે જીદ નહિ કરે એવુ વચન આપ્યું. હિનેશ જે ના કરી શક્યો એ એના વડીલ મિત્ર રમેશકાકાએ કરી બતાવ્યુ. હિનેશની આંખોમાં પાણી આવી ગયું અને રમેશકાકાને કીધું કે, “આ મદદ માટે એ એમનો હમેશા ઋણી રહેશે ”.