Ajit Bhimdev - Be vanraj books and stories free download online pdf in Gujarati

બે વનરાજ

બે વનરાજ

દામોદરને બીક હતી કે બે વનરાજ ભેગા થશે તો હવા ફરી જશે. પણ એને લાગ્યું હતું કે રા’ને પોતે અસર કરી શક્યો છે. એટલે રા’ આવે તેની બીજે દિવસે જ એ રાહ જોતો બહાર ઊભો હતો. સવારનું ભળભાંખળું હજી થતું આવતું હતું. એટલામાં એને કાને સોનેરી કડલીઓનો રણકાર કેડીએથી આવતો સંભળાયો. એ સમજી ગયો. સાંઢણી રા’ની, એના વિના બીજો કોઈ વીર આવાં લાડ સાંઢણીને લડાવી શકે નહિ.

એટલામાં રા’ની નમણી, ગગનપંખી સમી, રૂપાળી સાંઢણી નજરે પડી. દામોદરને લાગ્યું કે સોનારૂપાનાં રાજસિંહાસનો આની પાસે એક કોડીનાં બની રહે ! ઘડીભર તો વૃક્ષો, વેલીઓ, પશુઓ અને પંખીઓ પણ જાણે, એની રણબંકી ચાલ નિહાળવા માટે વનમાં થોભી ગયાં હોય તેમ લાગે. દામોદર ઉતાવળે તરત અંદર ગયો.

રા’ આવ્યો. ગુફાના મોં પાસે જ એણે સાંઢણી ઝોંકારી. તે નીચે કૂદ્યો. એણે પ્રેમથી સાંઢણીને ગળે એક નાનકડી હેતભરી ટપલી લગાવી. ‘તૈયાર થવાનું છે, હો રાણકી !’ લાડઘેલી સાંઢણી જાણે એને સમજતી હોય તેમ તે બોલ્યો : ‘સો સો જોજનનાં મારણ આપણે હવે મારવાં છે. દેશ આખો ભલે મોંમાં આંગળાં નાખીને એક વખતે આ રંગ પણ જોઈ લેતો ! કાં તો નામ અમર થઈ જાય છે - તારું ને મારું બેયનું ! અને નકર પાળિયા તોઊભા થાશે ! લે, બેસ હવે, આ હું આવ્યો !’

રા’ નવઘણ અંદર ગયો. ભીમદેવ મહારાજ, દામોદર, કુમારપાલ બધા ત્યાં ચોકમાં ગાદીઓ પથરાવીને બેઠા હતા. રા’ તેમની તરફ ગયો. રા’ને આવતો દીઠો અને મહારાજે બેઠાંબેઠાં આઘેથી જ એનો સત્કાર કર્યો : ‘આવો આવો રા’ ! નવઘણજી ! આવો. અત્યારમાં આમ ક્યાં ઊપડ્યા ?’

‘ઊપડશે ક્યાં બાપ ! રાએ પણ ત્યાંથી જ જવાબ વાળ્યો : ‘આ તો તમારા અમાત્યનાં વેણ નથી સમજાતાં, નથી એની હાલ કળાતી, નથીએની વાતમાં કાંઈ માખણ નીકળતું, એટલે કીધું હું પોતે જ મહારાજને મળી આવું. એની પાસેથી અમારા સિંહના બોલ મળશે !’

રા’ પાસે આવ્યો. તેણે મહારાજને ખભે પ્રેમથી હાથ મૂક્યો. બે હાથ જોડ્યા. તલવાર પગ પાસે નાખી એ ત્યાં વીરાસને બેઠો. એનો પ્રતાપી સીનો અને કદાવર દેહ સૌને આકર્ષી રહ્યા. એની આંખમાંથી નર્યો અગ્નિ વરસતો હતો. એણે કોઈક બળવાન નિશ્ચય કર્યો જણાતો હતો. દામોદરના પેટમાં ફાળ પડી ગઈ. આ બે વનરાજ ભેગા થયા છે, અને ક્યાંક એની આખી યોજનાને ઊંધી વાળી દે નહિ ! એણે ધાર્યું હતું રા’ એના નિર્ણયને માન આપવા માટે આવ્યો હશે. પણ રા’નો ચહેરો જુદી જ વાત કહેતો હતો.

‘બોલો ! મહારાજ ! મારે તમને બે વાત કહેવી છે. આંહીં કહું કે બીજે જાવું છે ?’

‘વિમલ મંત્રીશ્વરને અમે થાય તેટલાં માણસો ભેગાં કરીને સાથે આપ્યાં છે. એક સાંઢણીવાળો ત્યાંથી કાલે આવી પણ ગયો. અમાત્યજી !’

એણે સમાચાર આપ્યા. નેળના મોં આડે ટોડો બાંધીને સૌ ત્યાં પડ્યા છે. એ રસ્તે હવે ગર્જનક જઈ રહ્યો. આપણે શું કરવું છે ? બોલો. હું કાંઈ સમજતો નથી !’

‘ધંધૂકરાજ પોતે ત્યાં આવ્યા છે ?’ દામોદરે પૂછ્યું.

‘નહિ આવ્યા હોય તો હવે આવશે એમ સમજોને ભા ! અત્યારે તો સૌ સૌના તાનમાં છે. બધાંને એમ હોય નાં કે આપણી પાસેથી નીકળે ત્યારે આપણે રંગ બતાવવો. આપણે આપણું ગાણું કરો ને !’

દામોદરને આ બીજી ચિંતા હતી. કોઈ કોઈ માટે ફરકે તેમ તો ન હતા, પણ એને તો એમ શંકા પડી ગઈ હતી કે જો ગર્જનક ખસે, તો પાટણને પીંખવાની વેતરણમાં વખતે બધા પડ્યા હોય તો ના નહિ. બધા એટલે લાટ, આબુ, માળવા, સાંભર. વિમલ ત્યાં વખતસર પહોંચી ગયો હતો તે સારું હતું. હવે આંહીંની વાત જલદી ઉકેલાઈ જાય એ જરૂરી હતું.

‘રા’ નવઘણજી ! ભૈ મારું મન તો જાણે માનતું નથી.’ ભીમદેવ મહારાજ બોલ્યા. પણ દામોદરની વાત ન્યારી છે. તમે કહી હશે નાં ? મઠાધિપતિના એને આશીર્વાદ મળ્યા છે. બોલો, હવે શું થાય ?’

‘શું મઠાધિપતિ હા ભણે છે ?’

‘તમને દામોદર મહેતાએ વાત તો કરી હશે નાં ?’

દામોદર મહેતાએ તો વાત કરી છે. પણ એવો અધરમ, રા’ના વેલામાં થયો નથી. રા’ના વેલામાં થશે પણ નહિ. અમારી ઉપર ગરનારી જોગીની છતરછાયા છે. મહારાજ ઠીક પડે તે ભલે કરે. મહારાજ તો પાટણના ધણી છે. પણ પછી આના સોગન લેતાં અમારા જીવ ખાખ થઈ જાશે.’ રા’એ પોતાની પડખે પડેલી લાંબી રમશેર ઉપર હાથ મૂકતાં કહ્યું.

ભીમદેવ વિચારમાં પડી ગયો. દામોદરને રા’ ઊંધે માર્ગે જતો જણાયો. કુમારપાલ ઊંચોનીચો થઈ ગયો. એને દામોદરની હિલચાલ માથા ઉપર ભયંકર કલંક આપી જાય તેવી લાગી હતી. વિમલ તો હતો નહિ, પણ એણે અભિપ્રાય વિરુદ્ધમાં આપ્યો હ તો.

‘પણ ભગવાન સોમનાથના ત્રિકાલજ્ઞ મઠાધિપતિ જેવા મઠાધિપતિએ આશીર્વાદ આપ્યા છે તેનું શું, નવધણજી ?’ દામોદર બોલ્યો : ‘એ કોઈ અમસ્તા આપ્યા હશે ? એ તો જાણતો હશે નાં ? યાદ કરો. આજથી સાત વરસ પહેલાં ુત્તરખંડમાં શું થયું હતું ? ચાંદા જેવડો મોટો ધૂમકેતુ દેખાયો. છ-સાત રોજ સુધી આકાશમાં દેખાતો રહ્યો. ત્યારે મઠાધિપતિએ શું કહ્યું હતું. યાદ કરો. *‘સબ ઉત્તરાખંડ ખતમ હો જાયગા, કોઈ રાજબીજ નહિ ટકેગા.’ એમ કહ્યું હતું, એ યાદ છે ? અને એ બની નથી રહ્યું ? જયપાલ મહારાજનો વંશવેલો ક્યાં છે ? નીડર ભીમપાલ પણ કેટલા દી ? નવઘણજી ! સોમનાથના મઠાધિપતિએ અમને આશીર્વાદ આપ્યા છે તે અમથા નથી આપ્યા. તમે આવ્યા

-----------------------

*ઈ.સ. ૧૦૧૫-૧૬માં એક ચંદ્રમા જેવડો મોટો ધૂમકેતું દેખાયાની વાત છે. ત્યાર પછી ભયંકર દુકાળ પડ્યો હતો અને લોકમાં અનેક વાતો ચાલી હતી.

ન હોય તો મહારાજ તમને બોલાવવાના હતા. એટલે હવે તો તમારે મારી સાથે આવવાનું છે.’ ‘પણ ક્યાં ?’

‘ભૃગુકચ્છ ! શુકલતીર્થમાં. આપણે ત્યાં જવું છે.’

‘પણ ત્યાં મારે શું છે, મહાઅમાત્યજી ! તમારી વાતથી તો ભૈ તોબા ! તમે કહો તો રાતોરાત પાટણ ઉપર જઈ આવું. પણ આ અધરમમાં મને દોરો મા. ભેખ ુતારનાર દુર્લભ મહારાજ સૈરવ નરકમાં પડશે, હું શૈરવ નરકમાં પડીશ. તમે તો બ્રાહ્મણ દેવતા છો, એટલે કેમ કહેવાય ? પણ આપણો વંશવેલો આ અધરમનાં ફળ ચાખશે મહેતા ! મેં સાંઢણીદળ તૈયાર કર્યું છે. તમે એ જોયું છે. મારા માથા ુપરસંઘના સુમરા હમીર સાથે ભરી માપવાથી કૈંક લેણદેણ હજી ઊભી છે. સુલતાનને સંઘને મારગે જાવા દો. ને એ જ મારગે એ જાવાનો છે. પછી એ છે, હું છું, ને મારી રાણકી છે. ભગવાન સોમનાથ સવળા પાસા પાડશે તો પ્રભુ ! દેશભરમાં નામના રહી જાશે. અમને આ ઊંધે રવાડે ક્યાં ચડાવો છો ? અમને અમારાં સપનાં જ માણવા દ્યો ને. અમને એટલે મને ને મહારાજને, મહારાજને ને મને, અમને બેને, તમારી વાતમાં શું કરવા સંડોવો છો ? પંદરસો સાંઢણી મેં તૈયાર રાખી છે. મહારાજ બીજી તૈયાર કરશે. અમને એ સંઘના રણમાં પાળિયા બની જવા દો. અમને મજો એમાં આવશે, પ્રભુ ! અમારા સ્વપ્નોમાં અમને ફના થઈ જવા દેવાની અમારી માગણી છે. અમારે બીજું કાંઈ જોઈતું નથી. અમને હવે રાજમાં પણ રસ નથી. સોમનાથ જેવા સોમનાથને રક્ષી ન શક્યા, હવે અમે રાજા શેના ? અમને તો રણના નામનિશાન વિનાના પાળિયા થવા દો !’

દામોદરે ભીમદેવ મહારાજ સામે જોયું. એનો રંગ પણ રા’ના વેણથી બદલાઈ ગયેલો દીઠો. રા’ નવઘણને સિંધના સુમરા હમીર સાથે વેરઝેર ચાલ્યા કરતાં હતાં. અને એમાં આ ગર્જનકની વાત ભેળાતી હતી. પણ રા’ નવઘણ અત્યારે આ પ્રમાણે એનો નિવેડો લાવીને પોતાની આખી વાતને રોળીટોળી નાખશે એ દામોદરે નહોતું ધાર્યું. મહારાજ ભીમદેવનો ચહેરો નવો રંગ બતાવી રહ્યો હતો. દામોદર, મહારાજના મનની વાત જાણતો હતો. એમને પણ સુલતાનની પાછળ વારંવાર પડવામાં ને છેક સુલતાન સુધી ઘોડા કરવામાં, રજપૂતી જળવાતી જણાતી હતી.

દામોદર થોડી વાર વિચાર કરી રહ્યો. આ બંને વનરાજો જો ઊંધે રસ્તે વળ્યા, તો પછી એ વાળ્યા વળે તેવા ન હતા. તે ગંભીર બની ગયો, તેણે બંનેને મક્કમ શાંત ધીમા અવાજે કહ્યું : ‘રા’ નવધણજી ! તમે જે વાત કરો છો તે જુદી છે. મારી વાત જુદી છે. પહેલાં સુલતાન આંહીંથી જાય તેવી વાત આપણે કરવાની છે. એ આંહીંથી ક્યારે જાય તેની વાત છે. ગર્જનક આંહીં બાર વખત આવી ગયો છે. તે તમારી રગેરગનો પરખંદો છે. તમારી પંદરસો સાંઢણી તો એને ત્યાં ચટણી થઈ જશે, ચટણી. અને એક વખત જો અત્યારે આ મોકો ખોયો - પછી તમારું કે અમારું કોઈનું નામનિશાન આંહીં નહિ રહે. તમે માનો છો કે સાંભર કે માલવા કે અર્બુદ કે લાટ કોઈ તમારી મદદે આવશે ? કોઈ નહિ આવે. સૌ ઊભા ઊભા તાલ જોશે. એને ત્યાં તમે જશો તો પણ એ બધા જુદા જુદા હશે. અત્યારે તો તમે છો, મહારાજ છે. સોમનાથ ભગવાનના મઠાધિપતિની આજ્ઞા છે. દુર્લભસેન મહારાજ ભેખ ઉતારશે તો આબરૂ રહી જાશે. ગર્જનક એમ માનશે કે મારું થાણું આંહીં રહી ગયું છે. એટલે તે ઊપડશે. સંધમાં તમારે જાવું છે નાં ? મારો કોલ છે, નવઘણજી ! ગંગાજળ લઈને આપેલો કોલ છે, કે સિંધના સુમરાને હતો ન હતો કર્યે છૂટકો. મહારાજ પોતે સૈન્ય દોરશે. બસ ! એ વખત પણ આવશે, પણ અત્યારે તમે જો ટાયલામાં વખત કાઢી નાખશો, તો પછી આવતી કાલ કેવી હશે તે ભગવાન જાણે ! મેં તો તમને કહ્યું હતું તે ફરીને કહું છું.’ દામોદરે રા’ને આકર્ષવા પાટણના સંબંધ ઉપર પણ ભાર મૂક્યો. ‘ક્ષિતિજની પાર હું કોઈ મહા તેજસ્વી પુરુષને આવતો જોઈ રહ્યો છું. ભગવાન સોમનાથ એ મહાભાગ્ય તમારા વંશવેલાને આપે, મહારાજને આપે, લોહીનો સંબંધ પાટણને આપે. રા’નો ને પાટણનો સંબંધ કાયમનો થઈ રહે. એક બની રહે. આથી વધુ હું શું કહું ? હવે મારે વધારે કહેવું નથી. ગર્જનકને કાઢવાનો રસ્તો મેં બતાવ્યો તે જ છે. કોઈક આડો ઘા ઝીકી લ્યે. એ ગર્જનકનો બની રહે. ગર્જનક તો જાય. તમે આવો તો આપણે સાથે ઊપડીએ. ન આવો તો હું એકલો ઊપડું. પણ જયપાલની વાત મને ઠીક લાગી છે. ગર્જનકની રીતરસમ પણ એ વાત સ્વીકારે તેવી જણાય છે. એટલે મારી રીતે વાત કરવી હોય તો તક આજે છે. કાલે એ નહિ હોય. મેં તમારા સગા દીકરા જેવા ઘોડાને માગ્યો છે. હવે તમે જાણો; મહારાજ જાણે.’

બોલતાં બોલતાં દામોદરનો કંઠ વેદનાના તાપથી વ્યાકુળ જેવો થઈ ગયો. તેને લાગ્યું કે આખું ગુજરાત રોળાઈ જવાનું. ભીમદેવ મહારાજ રાજ ખોવાના એક જરા જેટલી કુનેહના અભાવે એણે પાટણને ગર્જનકનું ધામ બનતું જોયું. વાત લંબાતી જાય, તો આવતી કાલે ગર્જનકની જાવાની વાત જ હોય નહિ. એ જાય જ નહિ. એ કુદરતી હતું, પણ એ બંને કેસરીના સ્વભાવ જાણતો હતો. એમને મન રાજ કીંમતી ન હતું. સિંહાસન કીમતી ન હતું. રણનું મેદાન ને મરણ જ કીમતી હતાં. રા’ આવ્યો હતો જ એટલા માટે. સિંધના રણમાં ક્યાંક પાળિયો ખડો થશે એટલા સ્વપ્ના ઉપર તો ગિરનારની ગાદી ન્યોછાવર કરી નાખે એવો એ રણકેસરી હતો. એમના એ સ્વભાવને કાંઈક પણ જુદ્ધનો રંગ દેખાય તો જ એ વખતે પોતાના પગલામાં પગલું માંડે. એટલે દામોદરે વાતની હવા બદલાવી.

‘હા, તમે એક વાત કરી શકશો, નવઘણજી ! ગર્જનક સંધને માર્ગે પાછો ફરે. તમે એને રોળવા ટોળવા જઈ શકો. સાંઢણી દળ તમારું ત્યાં કામ આવશે. છેક સંધના છેડા સુધી દોડ્યા જાઓ તો ત્યાં આપણા જોગ રાવળ છે. લોદ્રવામાં વછરાવ રાવળ બેઠા છે. વલ્લભ મહારાજનાં રાજકુમારી પણ ત્યાં છે. એમને કાને આ વાત નાખીએ, એ પણ દોડ્યાં આવશે. વાતનો રંગ તો, એમ જામશે, નવઘણજી ! તમે એની પાછળ પડ્યા હો તો રંગ જામે,’ રા’ નવઘણને આ વાતમાં રસ પડ્યો. આ વાત હતી. મહારાજ સાથે સંબંધ બંધાય તો પાટણની ગાદી ઉપર પોતાનો વંશવેલો આવે એ વાત પણ આકર્ષક હતી. ત્રીજી વાત સંધના સુમરાની હતી. રા’ને દામોદરની વાતમાં હવે હા ભણવાનું મન થઈ આવ્યું. એટલામાં જાણે ભગવાન સોમનાથ પોતે જ દામોદરની વાતદોર દોરવતા હોય તેમ, વરહોજી પણ ત્યાં દેખાયો. એની પાછળ એક રજપૂત જોદ્ધો આવી રહ્યો હતો. તે ત્યાં દૂર ઊભો રહ્યો હતો.

આવનાર કોણ છે, શું વાત છે, એ જાણવાની આતુરતામાં બધા તેની તરફ જોઈ રહ્યા. એટલામાં વરહોજી આગળ આવ્યો. મહારાજની સામે તે હાથ જોડીને ઊભો રહ્યો.

‘શું છે, વરહોજી ? કોણ આવ્યું છે ?’

‘એ તો બોન’બાનો માણસ છે, મહારાજ ?’

‘બોન’બાનો માણસ ? કોમ, ક્યાંથી આવે છે ?’

‘કે’ છે, લોધરવાથી આવું છું.’

‘લોધરવાથી ? ત્યારે તો રાવળનો સંદેશો, દામોદર ! તારું ભાખ્યુંસાચું થતું જણાય છે. તારી ભાગ્યરેખા તેજ છે !’

‘મારી ભાગ્યરેખા તેજ નથી. ભગવાનની ઈચ્છા જ એવી જણાય છે.’

‘એને આંહીં આવવા દે !’ મહારાજે કહ્યું.