Whatsapp Puraan books and stories free download online pdf in Gujarati

વોટ્સએપ પુરાણ

વોટ્સએપ પુરાણ

મિત્રો વોટ્સએપનું નામ લેતા જ આપણી આંગણીઓ વોટ્સએપ પર મિત્રોને મેસેજ કરવા થનગની ઉઠે. અડધી રાત્રે પણ જો ઉંઘ ઉડી જાય તો મોબાઈલમાં વોટ્સએપ પર મેસેજ તો નથી ને !!! ચેક કરીને પછી જ સુઈએ એવો વણલખ્યો નિયમ લગભગ બધા માટે બનતો જાય છે . એવું ઘેલું લગાડનારા આ વોટ્સએપ આપણી સંસ્કૃતિથી ઘણી પરે છે, પણ મોટાભાગના કહીશ તો ખોટું પડશે પરંતુ બધા જ સ્માર્ટફોન પર વોટ્સએપ હોય જ અને તેનો અતિ ઉપયોગ માણસોને કઈ દિશામાં લઈ જશે એ તો જોવું જ રહ્યું. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે શું તમે વોટ્સએપનો ઉપયોગ નથી કરતાં ? હા, મિત્રો હું પણ વોટ્સએપનો ઉપયોગ કરું જ છું , અને એ અનુભવે જ આ “ વોટ્સએપ પુરાણ ” લખાઈ રહ્યું છે. સૌ પહેલા આપણે વોટ્સએપની હિસ્ટ્રી જોઈએ ......

વોટ્સએપ સૌ પ્રથમ ૨૦૦૯ માં તૈયાર થયું . જે સ્માર્ટફોન પર ચાલનારી તત્ક્ષણ મેસેન્જર સેવા છે. ઈન્ટરનેટની સહાયતાથી બીજા વોટ્સએપ ઉપયોગ કર્તા સુધી આપણે ટેક્સ્ટ મેસેજ ઉપરાંત ઓડિયો , ફોટો , વિડીયો , કોન્ટેક્ટ અને લોકેશન પણ મોકલી શકીએ છીએ . હાલમાં વિડીયો સ્ટેટ્સ , ઈમેજ સ્ટેટ્સ , ડોક્યુમેન્ટસ મોકલી શકાતા હોવાથી લોકોપયોગી બની રહી તેમજ વારંવાર થતા અપગ્રેડને કારણે તે વધુ સરળ બની રહ્યું છે. વોટ્સએપ બાદ બીજી ઘણીબધી એપ્લીકેશન આવી પણ સૌ પ્રથમ આવેલી કોઈપણ વસ્તુ સૌથી વધુ ચાલે એ હિસાબે તેમજ માત્ર એટલું જ નહીં પણ ઉપયોગ કરવામાં સરળ હોવાથી વધુ ચાલી.

જાન્યુઆરી ૨૦૦૯ માં જેન કૂમે (Jan Koum) એપલનો આઈફોન ખરીદ્યો. ત્યારે તેને એવું લાગ્યું કે આ ફોનની મદદ થી જબરદસ્ત માર્કેટ તૈયાર થઈ શકે તેમ છે . આ સમયગાળામાં જેન કૂમનો રૂસી મૂળનો એક મિત્ર એલેક્સ ફીશમૈનનાં પશ્ચિમી સૈન જોસ સ્થિત ઘર પર જેન કૂમ ગયો. ફીશમૈન પોતાના રૂસી મિત્રો સાથે દર સપ્તાહે પિત્ઝા પાર્ટી માટે તેમજ ફિલ્મ જોવા માટે ભેગા થતા . ઘણીવાર આ પાર્ટીમાં ૪૦ જેટલા મિત્રો ભેગા થઈ જતાં. ફીશમૈન અને જેન કૂમ કલાકો સુધી ચા પીતા પીતા કોઈ એક એપ્લીકેશન બનાવવા માટે ચર્ચાઓ કરતા રહેતા. બસ આ ચર્ચા માંથી જ જન્મ થયો ‘વોટ્સએપનાં વિચારનો’ , ત્યારબાદ ‘વોટ્સએપ’ નો પણ. યુક્રેનના ૩૭ વર્ષીય જેન કૂમે અમેરિકાનાં ૪૪ વર્ષીય બ્રાયન એક્ટનની (Brian Acton) સાથે મળીને વોટ્સએપ બનાવવાની શરૂઆત કરી . ત્યારબાદ વોટ્સએપ બનાવનારી આ ટીમમાં વેન્ચર કેપીટલીસ્ટ જિમ ગોએટ્ઝ પણ જોડાયો . અને આ ટીમે તૈયાર કરી વોટ્સએપ એપ્લીકેશન. જેન કૂમ Whatsapp Inc. કંપનીનો સીઈઓ હતો. પ્રખ્યાત બિઝનેસ મેગેઝીન ફોર્બ્સમાં જણાવ્યા અનુસાર વોટ્સએપનાં સીઈઓ જેન કૂમ પાસે કંપનીની ૪૫ ટકા હિસ્સેદારી હતી.

સપ્ટેમ્બર ૨૦૧૫ ની સ્થિતી અનુસાર વોટ્સએપનાં ૯૦ કરોડથી વધુ ઉપયોગ કર્તા હતા , અને તે વિશ્વની બીજા નંબરની લોકપ્રિય મેસેન્જર એપ્લીકેશન છે. ફેસબુકે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪ નાં રોજ માઉન્ટેન વ્યૂ , કેલિફોર્નિયામાં સ્થિત વોટ્સએપ કંપનીને લગભગ ૧૯ અરબ ડૉલરમાં ખરીદી. વોટ્સએપનાં સીઈઓ જેન કૂમ , બ્રાયન એક્ટન અને તેની ટીમને સપનેય આવો વિચાર નહોતો આવ્યો કે તેની આ એપ્લીકેશનનાં તેને આટલા અરબ ડૉલર મળશે.

આટલી બાબત જાણ્યાબાદ સૌથી મહત્વની બાબત એ છે કે, જેન કૂમ અને બ્રાયન એક્ટન બંને એ ફેસબુકમાં નોકરી માટે અરજી કરી હતી , પણ તેની અરજી રીજેક્ટ કરી નાખી હતી. ત્યારબાદ તેમણે વોટ્સએપ બનાવી અને એ ફેસબુકે ખરીદવી પડી . હવે તમને એ પ્રશ્ન થાય કે ખરીદવી પડી ? કેમ ? કારણ કે , વોટ્સએપ ઉપયોગ કર્તા વધતા ફેસબુકના યુઝર્સ ઘટવા લાગ્યા હતા . ફેસબુક કરતા પણ ઉપયોગમાં સરળ અને બીજા લોકો , મિત્રો સાથે જોડનારી વોટ્સએપ બની રહ્યું હતું . વોટ્સએપનાં યુઝર્સ વધ્યા એટલે વોટ્સએપને ખરીદવી જ રહી, નહીંતર ફેસબુક કદાચ ભૂતકાળ બની જાય અથવા ફેસબુક યુઝર્સ મોટાપાયે ઘટી જાત.

જેન કૂમ અને બ્રાયન એક્ટને આ વોટ્સએપ બનાવી નાખી અને તે અરબપતિ બની ગયા. એના વિશેનું આપણુ આ નોલેજ વધ્યું .પણ આ નોલેજ શું કામનું ? શું તમે કોઈ GPSC , UPSC , COMPETITIVE પરીક્ષા આપવા જઈ રહ્યા છો ,કે આ કામમાં આવશે ? મિત્રો આપણે અહીં સમજવાનું એ છે કે, સફળ લોકો કઈ રીતે સફળ રહ્યાં ? ઉપરની જેન કૂમની લાઈફ સ્ટોરી ફરી વાંચી જાઓ......

વાંચી ? જોયું ? કંઈ સમજાણું ? આવો સમજાવું ... મિત્રો, જેન કૂમ તેના મિત્રો સાથે કોઈક એપ્લીકેશન બનાવવાના વિચાર અને તેને લગતી ચર્ચા કરતો રહેતો .તે વિચાર વિમર્શ માંથી જ “વોટ્સએપ વિચાર” નો જન્મ થયો. આપણા મનમાં પણ કંઇક અલગ કરવાના વિચાર આવતા જ હોય છે પણ આપણે તેના તરફ ધ્યાન જ આપતા નથી. અને કદાચ સદભાગ્યે એવા અલગ વિચાર પર જો ધ્યાન જાય તો શું તેના વિશે આપણે બીજાઓ સાથે ચર્ચા કરીએ છીએ ? મોટાભાગના એવું નથી કરતાં. અને જો થોડા લોકો એવું કરતા હોય તો શું એવા વિચાર પર એપ્લાય કરીએ છીએ ? ના . જૂજ લોકો જ એવું કરતા હોય છે, અને તેઓ સફળ થતા હોય છે. કેમ ગોટાળે ચઢિયા ? આવો ટૂંક માં સમજાવું.

સફળ લોકોએ કંઇક અલગ રીતે વિચાર્યું અને તેને એપ્લાય પણ કર્યું એટલે તેઓ સફળ થયા.

શું તમે કંઈક અલગ કરવાનું વિચારો છો ?

હા .

અલગ રીતે વિચારો છો ?

હા .

શું એપ્લાય કર્યું ?

જો તમારો જવાબ “ ના ” હોય તો તમે માત્ર સફળતાથી થોડા જ કદમ દૂર છો. બસ ! એ “ ના ” ને દૂર કરી એપ્લાય કરો. પછી જૂઓ સફળતા તમને શોધશે .

કોઈએ કહ્યું છે ને કે,

સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા ,પણ તે દરેક કામ અલગ રીતે કરે છે.

તમારે જેમાં આગળ વધવું હોય તેના માટે વિયુલાઈઝ કરો, તમારા આંતર મનને જણાવો એ એપ્લાય કઈ રીતે કરવું . એ માર્ગ જરૂરથી બતાવશે. વિઝ્યુલાઈઝ કઈ રીતે કરવું ? તેના માટે વાંચો મારી પહેલી ઈબુક “ ધ માસ્ટર કી ઓફ લાઈફ ”.

આપણી સંસ્કૃતિની ધરોહર આપણા પુરાણો છે , જેમ આપણા પુરાણો જીવનમાં દિશા સૂચક રહ્યા છે, તેમ આ વોટ્સએપ પુરાણ તમારા જીવનમાં સફળતા મેળવવાની દિશામાં ઉપયોગી થાય તે હેતુ થી લખાયું છે. વોટ્સએપનાં સદુપયોગ તેમજ તેના દુરુપયોગ વિશે અને તેનાં ઉપયોગ કરનારાની માથાજીક , એડમિનની અવળચંડાય વિશે આવતા અંકે જોઈશું ... મુલાકાત લેતા રહેશો ... તેમજ હા , જો ‘વોટ્સએપ પુરાણ’ ગમ્યું હોય તો સ્ટાર આપવાનું ભૂલશો નહીં, તેમજ કોમેન્ટ થી જરૂર જણાવશો. આપની કોમેન્ટ વોટ્સએપ પુરાણને વધુ રસપ્રદ બનાવશે.

મારા વોટ્સએપનું સ્ટેટ્સ .

A Good coach change a game but a Great coach can change a LIFE.”

તમારા વોટ્સએપનું સ્ટેટ્સ કોમેન્ટમાં લખી જણાવો ... કારણ માત્ર એટલું જ કે આપનું વોટ્સએપ સ્ટેટ્સ આપના વિચારોને રજુ કરશે . વિચારોની રજુઆત એ સફળતાની શરૂઆત છે ... તો મૂકો પહેલું કદમ .... સફળતા તરફનું .....