Jivan prathna books and stories free download online pdf in Gujarati

જીવન પ્રાર્થના

જીવન પ્રાર્થના

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૩

પ્રાર્થનાનો સાચો અર્થ

યહૂદી ગુરૂ રબ્બી પાસે અનેક લોકો આવતા અને પોતાની સમસ્યાના સમાધાન સાથે સુખ-શાંતિનો ઉપાય મેળવતા હતા. દરેક જણ તેમની પાસેથી સંતોષકારક ઉપાય મેળવીને ખુશ થઇને જતા.

એક વખત એમની પાસે એક માણસ આવ્યો અને હાથ જોડીને બોલ્યોઃ''મહારાજ, હું એક ગરીબ ઘોડાગાડીવાળો છું. ગાડી ચલાવીને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું. અમારો બાપ-દાદાનો આ વ્યવસાય છે. એટલે બદલી શકું એમ નથી. આ કામમાં આખો દિવસ નીકળી જતો હોવાથી હું ભગવાનનું સ્મરણ કરી શકતો નથી. સમયના અભાવને કારણે હું પ્રભુની પ્રાર્થના કે ભક્તિ કરી શકતો નથી. તેથી મને થાય છે કે મારું કલ્યાણ કેવી રીતે થશે? મને કોઈ ઉપાય બતાવો.'' ગરીબ ગાડીવાળાની વાત સાંભળી યહૂદી ગુરૂ કહેઃ''ભાઈ, મને એ બતાવ કે તું તારી ગાડીથી એવા અક્ષમ અને વિકલાંગ લોકોને મફતમાં લઈ જાય છે જે ચાલી શકે એમ નથી. અને એવા ગરીબ લોકો જે પૈસા ચૂકવવા અસમર્થ હોય એમને બેસાડે છે?'' ગાડીવાળો કહેઃ''હા મહારાજ, હું ગરીબ અને વિકલાંગ લોકો પાસે કોઈ ભાડું લેતો નથી અને તેમને ગંતવ્ય સ્થળે સલામત રીતે પહોંચાડું છું. અને એમાં મને આનંદ અને સંતોષ મળે છે. આ ઉપરાંત હું મારી કમાણીમાંથી શકય હોય તો પશુ-પક્ષીઓને દાણ નાખું છું.'' ગાડીવાળાની વાત સાંભળી ગુરૂ કહેઃ''ભાઈ, તું પોતાની કમાણીમાંથી અસહાય, વિકલાંગ, ગરીબ લોકોને અને મૂંગા પશુ-પક્ષીઓને મદદરૂપ થાય છે એ વાત બતાવે છે કે તારામાં રહેલી દયા ભાવના છે. અને એ દયા ભાવના કોઈ પ્રાર્થનાથી જરા પણ કમ નથી. પ્રાર્થનાનો હેતુ પોતાના જીવનને સાર્થક કરવાનો હોય છે. અને એ સાર્થકતા તો બીજા માર્ગે પણ મેળવી શકાય છે.'' ગાડીવાળો અભણ હતો. તેને જલદી ખ્યાલ આવ્યો નહિ. તે કહેઃ''મહારાજ, મને વિગતવાર સમજાવો.''
ગુરૂ કહેઃ''ભાઈ, આ દુનિયામાં એવા લોકો પણ છે જે જૂઠું બોલે છે, અપ્રામાણિક્તા આચરે છે અને દુરાચારી છે. એ લોકો આખો દિવસ પ્રભુની પ્રાર્થના કરતા રહે છે પણ પ્રભુ એવા દુરાચારી લોકોની પ્રાર્થના સ્વીકારતા નથી. એમની જ પ્રાર્થના સ્વીકારે છે જે મન, વચન અને કર્મથી પ્રામાણિક હોય છે, અને માનવીય ગુણો ધરાવે છે. તું પણ ભગવાનના એવા જ બંદાઓમાંથી એક છે. એટલે ચિંતા કર્યા વગર આવા જ સારા કાર્યો કરતો રહે. તારું કલ્યાણ આપોઆપ થઈ જશે.''

ગુરૂની વાત સાંભળી ગાડીવાળાને સંતોષ થયો અને તે પોતાના કામ પર નીકળી ગયો.

*
મસ્જિદ ને મંદિરોમાંયે સ્વાર્થ સાધવા છે,

દેખાવ દંભ કરવાને પ્રાર્થના કરે છે.

- કુતુબ આઝાદ


*
સત્ય, ક્ષમા, સંતોષ, જ્ઞાન, શુધ્ધ મન અને મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.

***

સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો

એક દિવસ ભગવાન બુધ્ધ સવારની સભામાં આવ્યા ત્યારે તેમના હાથમાં એક રૂમાલ હતો. તેમણે પોતાના આસન ઉપર બેસી રૂમાલમાં પાંચ ગાંઠ મારી દીધી. અને બધાને પ્રશ્ન પૂછતાં કહ્યું :''હવે મને કોઈ એ બતાવશે કે આ એ જ રૂમાલ છે કે જે મેં ગાંઠો બાંધી એ પહેલાંનો હતો?'' શારિપુત્રએ કહ્યું:''પ્રભુ, આનો ઉત્તર આપવાનું સરળ નથી. એક રીતે જોઈએ તો રૂમાલ એ જ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી દ્રષ્ટિથી જોઈએ તો એમાં પહેલાં પાંચ ગાંઠ ન હતી. એટલે આ રૂમાલ પહેલાં જેવો રહ્યો નથી. જો વાત એની મૂળ પ્રકૃતિની હોય તો એ પહેલાં જેવો રહ્યો નથી. આ રૂમાલનું માત્ર બાહ્ય રૂપ જ બદલાયું છે. એ પદાર્થ તો એનો એ જ છે. અને તેનું માપ પણ એટલું જ છે.'' શારિપુત્રનો જવાબ સાંભળી બુધ્ધે કહ્યું:''હવે હું આ રૂમાલની ગાંઠો ખોલું છું.'' પછી તે રૂમાલને બંને બાજુથી ખેંચવા લાગ્યા. અને વળી બોલ્યાઃ''શું તમને લાગે છે કે આ રીતે રૂમાલને ખેંચવાથી ગાંઠો ખૂલી જશે?'' શારિપુત્ર તરત બોલી ઉઠયોઃ''નહિ, આ રીતે તો તમે ગાંઠને વધુ મજબૂત અને નાની બનાવી દેશો. અને પછી એ કયારેય ખુલી શકશે નહિ.'' બુધ્ધ બોલ્યાઃ''ઠીક છે. તો હવે એ કહે કે મારે આ ગાંઠો ખોલવા માટે શું કરવું જોઈએ?'' શારિપુત્ર કહેઃ''એ માટે પહેલાં મારે બારીકાઈથી એ જોવું પડશે કે ગાંઠ કેવી રીતે લગાવવામાં આવી છે.'' શારિપુત્રના જવાબથી બુધ્ધ પ્રસન્ન થયા અને કહ્યું:''તું સાચું કહે છે. આ જાણવું જ સૌથી વધુ જરૂરી છે. મૂળ પ્રશ્ન આ જ છે. જે સમસ્યામાં તમે પડયા છો તેમાંથી બહાર નીકળવા એ જાણવું જરૂરી છે કે તમે એનાથી ગ્રસ્ત કેવી રીતે થયા હતા. જો તમે પાયાનું અને મૌલિક પરીક્ષણ નહિ કરો તો સંકટ વધુ મુશ્કેલ બનશે. પરંતુ દુનિયામાં બધા આવું જ કરી રહ્યા છે. એ પૂછે છે કે અમે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરે- વગેરે વૃત્તિઓમાંથી બહાર કેવી રીતે નીકળીએ? પણ એવું નથી પૂછતા કે અમે આ વૃત્તિઓમાં કેવી રીતે પડયા?'' શિષ્યોને આજે ભગવાન બુધ્ધ પાસેથી એક નવો જ પાઠ ભણવા મળ્યો હતો.

*
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે,

જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે!

-બાલાશંકર કંથારીયા

*
માણસને અસ્વસ્થ કોણ કરે છે? બહારની પરિસ્થિતિ? કદાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા તેનો દંભ અને એવું એકાકીપણું.

***

સાથે કંઈ આવતું નથી

આ એ સમયની વાત છે જયારે ગુરૂનાનક લાહોરની યાત્રા પર હતા.

ત્યાં એક અજબ પ્રકારનો નિયમ હતો. જેની પાસે વધુ સંપત્તિ હોય એ પોતાના ઘર ઉપર એક કરોડ રૂપિયા પ્રમાણે એક મુજબ ઝંડા લગાવતા. ઘર ઉપરના ઝંડા પરથી તે કેટલા કરોડનો માલિક છે તેનો ખ્યાલ આવતો.

આ લાહોરમાં દુનીચંદ્ર નામનો એક વેપારી રહેતો હતો. તે ખૂબ ધનવાન હતો. તેની પાસે ર૦ કરોડની સંપત્તિ હતી. એેટલે તેના ઘર પર ર૦ ઝંડા લહેરાતા હતા. દુનીચંદ્રને ખબર પડી કે લાહોરમાં ગુરૂનાનક પધાર્યા છે એટલે તે તેમને મળવા ગયો. અને તેમની સેવા કરવાની તક આપવા વિનંતિ કરી. ત્યારે ગુરૂનાનકે દુનીચંદ્રને એક સોય આપી અને આવતા જન્મમાં તે પરત આપવા કહ્યું.

દુનીચંદ્રએ કોઈ વિચાર કર્યા વગર એ સોય લઈ લીધી. ઘરે ગયા પછી દુનીચંદ્રએ વિચાર્યું કે આવતા જન્મની તો કયાં કોઈને ખબર છે. આ સોય હું આવતા જન્મમાં ગુરૂનાનક પાસે કેવી રીતે પહોંચાડી શકીશ. હું કયા અવતારમાં અને ગુરૂનાનકજી કયા અવતારમાં હશે કોને ખબર? અને અમારો આવતો જનમ છે કે નહિ તેની પણ કયાં ખબર છે?

દુનીચંદ્ર પોતાના મનની દુવિધા લઈ ગુરૂનાનક પાસે પહોંચ્યો. અને કહ્યું :''મહારાજ, હું મર્યા પછી આ સોય કેવી રીતે સાથે લઈ જઈ શકીશ.'' ત્યારે ગુરૂનાનકે તેને કહ્યું:''જો તું એક સોય પોતાની સાથે લઈ જઈ શકવાનો નથી તો આટલી બધી સંપત્તિ કેવી રીતે સાથે લઈ જશે?'' ગુરૂનાનકની આ વાત સાંભળી દુનીચંદ્રની આંખો ખૂલી ગઈ. તેને સમજાઈ ગયું કે ધનનો સંચય એટલો જ કરવો જોઈએ જેટલી જરૂરત હોય. લાલચમાં ખૂબ બધી સંપત્તિ ભેગી કરીએ છીએ પણ છેલ્લે સાથે તો કંઈ જ લઈ જઈ શકતા નથી.

એ જ દિવસથી તેણે પોતાની સંપત્તિથી દિન-દુઃખિયાની સેવા કરવાનું શરૂ કરી દીધું.

*
પરાયા પસીનાનો પૈસો છે 'ઘાયલ',

કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!

કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી,

દલિતોની દોલત ઉચાપત કરી છે.

અમૃત 'ઘાયલ'

*
સંપત્તિ એક એવા પ્રકારનો અગ્નિ છે જે વ્યય થતો હોય તોય બાળે અને સંઘરી રાખો તોય બાળે એટલે જ સંતોષને સંતોએ સાચી સંપત્તિ માની છે.

*****