Parpoto books and stories free download online pdf in Gujarati

પરપોટો

પરપોટો

ગોહિલ હેતલ ચૌહાણ

પાણીનો પરપોટો થયો અને પરપોટો જોઈને અવકાશ મલકાયો. પરપોટાની અંદર મેઘધનુષી રંગો જોઈને વધારે મલકાયો અને પરપોટો ફટ્…. કરતો ફૂટી ગયો. ફરી અવકાશ વિલાયો.

અવકાશ નરી શૂન્યતા લઈને જ નાલંદાની કૂખે જન્મ્યો. પેલા ખોળે જ દીકરો આવ્યો. સાસુને બીજુ તે કયું સુખ જોઈએ! મા-દીકરાની હોંશભેર નજર ઊતારી; પણ નજર તો લાગેલી જ હતી,વિધાતાની. તાવની દવાની આડઅસરથી અવકાશને મગજનો લકવા થઈ ગયો.હજુ તો અવકાશ વરસ દિવસનો છે ને આ… જ્યાં મગજ જ લકવા ગ્રસ્ત હોય ત્યાં વિચારોને તો ક્યાંથી અવકાશ હોય? સમયન વહેણ સાથે અવકાશ વધતો ગયો , સાથે તેની માતા નાલંદાની જવાબદારીઓ પણ. અવકાશની આવી પરિસ્થિતિની જાણ થતાં જ સાસુ આઘાતથી સુનમુન થઇ ગયાં અને ચાલી નીકળ્યાં પરલોકની યાત્રાએ! નાલંદાનો પતિ પહલેથી જ લાપરવાહ હતો, તેને કોઈની કશી પડી નહોતી. તે હવે અવકાશને જોઈને વધારે રઘવાયો થતો અને વિવાદો સર્જીનેઘર છોડીને ચાલ્યો જતો. બધું જ સમેટીને હિસાબ કરીએ તો છેલ્લે વધી નાલંદા. નાલંદા અને તેની અવકાશરૂપી જવાબદારીઓ.

સાડાત્રણ વરસનાં એ બાળકને પાણીનો પરપોટો સૌથી વધારે મોહક લાગે, પણ પંદર વરસનાં અવકાશને તો હજીયે પરપોટા ગમતા. નાલંદાને કામનો બોજ વધારે થઈ પડે ત્યારે તે અવકાશને સાબુના પાણીનાં પરપોટા બનાવીને બેસાડી રાખતી. અવકાશ નરી શૂન્યતા સાથે એ પરપોટાને તાક્યા કરે અને તાળીઓ પાડી પાડીને પોતાનો આનંદ વ્યક્ત કર્યા કરતો.

અવકાશ નાલંદાને પોતાનાથી દૂર થવા ન દેતો.નાલંદા ક્યાંય ન દેખાય તો ચીસો પાડી; કીકીયારીઓ કરીને આડોશી પાડોશીને ભેગા કરી મૂકતો અને પોતે પણ ચાર પગે આમથી તેમ દોડાદડી કરી લોકોને દોડાવ્યા કરતો. ક્યારેક કોઈ નાલંદાને પૂછી પણ લેતું: “હેં નાલંદાબેન,આ હજુ ઝાડો-પેશાબ પથારીમાં જ કરી જાય છે?”

“હા બેન શું કરીએ? ભગવાને જ જવાબદારી આપી છે. અને મારાં ગયા ભવના હશે ખરાબ કર્મો તે આ નિર્દોષને ભોગવવાં પડે છે, શું ગુનો કર્યો હશે કે…”નલંદાનાં દયનીય શબ્દોની ધારા અને અધૂરો નિસાસો સતત આંખોમાં ડોકાયા કરતો. અવકાશને જોઈને સતત આંખો ભીની રહેતી અને સતત એક જ વિચાર તેને આવ્યા કરતો, “ મારા પછી આનું કોણ? કોણ સાચવશે આને? કોણ ખવરાવશે? કોણ આનું બધું સાફ કરશે?” તો ક્યારેક આવો વિચાર પણ આવતો; “હે ઈશ્વર, મારી પેલા આ અવકાશને….”અને નાલંદાનાં રૂંવાડા ઊભા થઈ જતાં. આખાયે શરીરમાં કંપારી પ્રસરી જતી. ડુસકાઓથી આખું આકાશ રડતું.

અવકાશ એક રાતે અચાનક ચીંખોટા અને ચીસો પાડવા લાગ્યો. પથારી ભીની થઈ હશે? નાલંદા બોલતી બોલતી ઊભી થઈ. અવકાશને ઉંચકીને બાજુમાં મૂક્યો, પથારી બદલી. અવકાશનાં કપડાં બદલ્યાં અને જાણે ખીજાઈને પણ વહાલથી કહેતી હોય તેમ, “મુઆ,રાતે તો હખે સૂવા દે, કંટાળી ગઈ છું તારાથી.” આ સાંભળી અવકાશ નાલંદાને વધારે વિંટળાયો. નાલંદા હળવેકથી તેના માથા પર હાથ ફેરવ્યા કરતી અને અવકાશ સૂઈ જતો.નાલંદા તેના નિર્દોષ અને નિખાલસ ચહેરાને ટગર-ટગર તાક્યાં કરતી.

સવારના ધૂપ-દીવા હોય કે મંદિરનું ઝાલર ટાણું, કોઈને ત્યાં હોમ-હવન હોય કે રાંદલ તેડાવ્યાં હોય, નાલંદાનો એક જ પ્રશ્ન રહેતો, “આવું મારી સાથે જ કેમ? મારા બાળકનો વાંક-ગનો શો? કેમ તે આવો બનાવ્યો? મારા પછી તેનું કોણ? તું રખોપું કરીશ?”નાલંદાની લાગણીઓ શમતી ત્યારે પોતાનું નસીબ ગણી પાલવ્યે જતી અને સ્વિકારી લેતી.

જયાં જાય ત્યાં અવકાશને સાથે લઈને જાતી. ક્યારેય એકલો મૂક્યો હોય તેવું નાલંદાને યાદ નથી. અવકાશ પણ તેની માના હાથને ઓળખે. તેની લઢવઢને જાણે ને ખરું ખોટું એં…….એં…….કરી રડ્યાં કરે. ક્યાંય ગોબરું કર્યું હોય તો તેની ચીસોમાં ફેર પડે. નાલંદા તેની ચીસો પરથી પારખી જાય કે ભાઈએ નવા-જૂની કરી. નક્કી ઝાડો કર્યો હશે.

ધીરે ધીરે નાલંદાનું શરીર કથળવા લાગ્યું. શરીરમાં રોગોનો ઘેરાવો વધવા લાગ્યો. બી.પી અને ડાયાબિટીસનો નિવાસ થયો. અને હવે પાણીનાં પરપોટાથી લઈ વાસણનાઘા સુધીના અવાજોઅવકાશને ગમવા લાગ્યાં. અવકાશના બળ સામે નાલંદા પછડાવા લાગી.

આડોશી પાડોશીઓ ક્યારેક કહી દેતા, “બેન, આને ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવો,તમારા પછી આને કોણ સાચવશે? તમે છો ત્યાં સુધી તેના સુખ-સગવડ સાચવશો. પછી?”

આ જ વાત નાલંદાનો પીછો ક્યારેય છોડતી નહોતી.

નાલંદા કહેતી, “ગાંડો થોડો છે? અણહમજુ સે, ક્યારેક તો ભાન આવશે ને!ઈશ્વર બધાં હામે જુએ સે,તો ક્યારેક તો મારી હામુ જોસે ને? અને આ તો મારાજ લોહીનું ટીપું. એમ હું મારા જીવતે જીવત થોડો એને...”અને ગળે ડૂમો ભરાય,આંખોમાં શ્રાવણ- ભાદરવો ઊભરાઈ આવે, “એમ કેમ મારા અવકાશને મૂકવો બેન?” અંતે હ્રદયદ્રવી ઉઠે તેવી અસમંજસની વિચારધારે બધાં વિખેરવા લાગે.

લગભગ સૂરજ ઢળવા આવ્યો હતો. આકાશમાં ધીમી સીંદૂરી રતાશ ધીરે ધીરે પ્રસરતી હતી. રસ્તા પરનાં વાહનોની અવર-જવર વધારે ગીચતા દર્શાવતી હતી. મોટા વાહનોનાં હોર્નનાં અવાજ આજે અવકાશને વધારે આકર્ષતા હતાં. રસ્તા પર શાક-બકાલાવાળો સાદ પાડી રહ્યો હતો. નાલંદા શાક લેવા માટે બહાર નીકળી તે પહેલાં અવકાશને પરપોટાવાળું પાણી કરી આપ્યું. અવકાશ પરપોટા જોવામાં તલ્લીન બન્યો. સામેના ભાગમાં લાલાશ પક્ડાયેલ સૂર્ય બરોબર મધ્યસ્થ સ્થાને પહોંચ્યો. અચાનક અવકાશથી એકાએક મોટો પરપોટો બની ગયો. તેની અંદર મેઘધનુષી રંગો સ્પષ્ટ દેખાવા લાગ્યાં.દરેક રંગ પરપોટામાં નાચતા હોય તેમ આખા પરપોટામાં ફરવા લાગ્યા. સાંજની એ કેસરી રંગત પરપોટાને વધારે રાતો બનાવી રહી હતી. એ લાલાશ જોઈને અવકાશ ખૂબ જ ખૂશ થયો અને નાલંદાને બતાવવા આતૂર બન્યો.

નાલંદા શાકવાળા સાથે ધડ કરી રહી હતી. અવકાશ પોતાનો એ પરપોટો નાલંદાને બતાવવા ઉત્સાહી દોડમાં લાગ્યો હતો. ઘરનાં દરવાજાની બહાર નીકળી, રસ્તાની આડશ પર અવકાશ દોડી રહ્યો ; ને એકાએક યમદૂત સમો ટ્રક આવી ચડ્યો. અને પાણીનો એ મોટો પરપોટો ફૂટી ગયો. નાલંદા તાળીઓ પાડતી ચીસો નાખતી રહી. બધે જ નર્યો અવકાશ પથરાઈ રહ્યો. ઝીણા ઝીણા પરપોટા ધીમે ધીમે ફૂટવા લાગ્યા.

***