Varta tamari shabdo amara books and stories free download online pdf in Gujarati

વાર્તા તમારી શબ્દો અમારા

પ્રકરણ 1

રતનપુર નામે એક ગામ હતું. એમાં એક છોકરો રહે. એનું નામ સુરેશ. એના પિતાનું નામ રમેશ અને એના કાકાનું નામ મહેશ.

આ સુરેશ એના પિતા રમેશનું એક માત્ર સંતાન હતું. સુરેશની માતા અને રમેશની પત્નીનું નામ હતું રમીલા. આ સુરેશ ના પિતા ખૂબ ગરીબ હતા. તે કચરામાંથી થેલી વીણવા નો ધંધો કરતા અને એમાંથી જે કાંઈ ઉપજતું તેમાંથી ઘર ચલાવતા. સુરેશની માતા પણ બહુ ભણેલી નહોતી. એ પણ ગરીબ ઘરની દીકરી હતી. તે સાડીઓના ફોલ છેડા તેમજ સાંધા મારવાનું કામ કરતી હતી અને એમાંથી એને થોડું ઘણી કમાણી થતી જેમાંથી એને પેટનો ખાડો પુરાય એટલું તો મળી રહેતું. આમ સુરેશના માતાપિતાની બંનેની જે કાંઈ પણ આવક ભેગી થાય. એમાંથી તેઓ ઘર નો ખર્ચ ઉઠાવતા. સુરેશ ભણવામાં ખૂબ હોશિયાર હતો. પણ તેના માતા પિતાની આવક એટલી ઓછી હતી કે, તેમાંથી ઘરનું ગુજરાન પણ માંડ ચાલતું તો પછી શાળાની ફી ભરવાની તો વાત જ ક્યાં રહી?

સુરેશના કાકા મહેશ અને તેની પત્ની મીના બંને શહેરમાં રહેતા હતા. તેના કાકા સરકારી અધિકારી હતા. માટે તેમની આવક પણ ઘણી સારી હતી. અને તેમની પત્ની મીના પણ બજારમાંથી સસ્તા ભાવના કપડાં લાવી મોંઘા ભાવે વેચવાનું કામ કરતી હતી. આમ, સુરેશના માતા પિતા ની સરખામણીએ એના કાકા કાકી ધનવાન હતા. પણ એમને એક જ વસવસો હતો કે એમને કોઈ પણ સંતાન ન હતું. ઘણી વખત એમ થતું કે, આ આટલી બધી દોલત કોના માટે? શું કરીશું એટલા બધા પૈસાનું? પૈસા ખૂબ હતા એમની પાસે પણ એનો ધણી થનાર કોઈ ન હતું.

ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. સુરેશ હવે મોટો થઈ રહ્યો હતો. એ પણ પંદર વર્ષનો હવે થઈ ગયો હતો. મા બાપની આર્થિક સ્થિતિ જોતા તેણે કમાવું જ પડે એમ હતું એટલે તે સવારે વહેલો ઉઠી જઈ ઘરે ઘરે છાપા નાખવા જવાનું કામ કરતો. એમાંથી એને થોડા ઘણા રૂપિયા મળી રહેતા. સુરેશને વાંચવાનું ખૂબ ગમતું. માટે તે નવરાશના સમયમાં ગામના સરકારી પુસ્તકાલયમાં બેસી રહેતો અને જ્ઞાનનો ભંડાર ભેગો કરતો.

એક દિવસ એના કાકા મહેશ અને કાકી મીના તેમને મળવા આવ્યા. તેમણે પોતાના નાના ભાઈ રમેશને કહ્યું, "જો, રમેશ! તારો દીકરો સુરેશ ભણવામાં ખૂબ જ હોશિયાર છે. જો એને યોગ્ય દિશામાં વાળવામાં આવશે તો તે ખૂબ આગળ વધશે."

રમેશે જવાબ આપતા કહ્યું, "હા, ભાઈ એ તારી વાત સાચી છે પણ મારી પાસે એની ફી ભરવા માટેના પૂરતા પૈસા પણ નથી. તો હું એને કેવી રીતે ભણાવું? કહે."

ત્યારે મહેશે પ્રત્યુત્તર આપતા કહ્યું, "માટે જ તો હું તારી પાસે આવ્યો છું. તું સુરેશને મારી સાથે શહેરમાં મોકલી આપ. હું તેને ભણાવીશ. મારે તો આમ પણ કોઈ સંતાન છે જ નહીં. જે છે એ આ સુરેશ જ છે. હું અને મીના એને અમારા દીકરાની જેમ જ સાચવીશું. એના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ તું એને મારી સાથે મોકલી આપ."

"વારુ, હું તને વિચારીને જવાબ આપું." રમેશે કહ્યું.

"સારું, જેવી તારી મરજી. પણ જે કાંઈ પણ નિર્ણય લે તે સમજી વિચારીને લેજે. અને પુત્રના હિતમાં જ લેજે એવી આશા રાખું છું." મહેશ બોલ્યો.

આ વાત થયા પછી રમેશે પોતાની પત્ની રમીલા ને કહ્યું કે, "ભાઈએ મને સુરેશને ભણાવવા માટે તેમની સાથે મોકલવાની વાત કરી છે. તો તને શું લાગે છે, આપણે શું કરવું જોઈએ?'

રમીલા એ કહ્યું, "હું એમ મારા કાળજાના કટકાને કેવી રીતે કોઈને સોંપી દઉં?"

રમેશે કહ્યું, "મહેશ ક્યાં કોઈ છે? એ મારો સગો ભાઈ છે. અને ભાભી પણ સારા છે બંને સુરેશને સારી રીતે રાખશે. જે ભવિષ્ય એ રમેશને આપી શકશે એવું ભવિષ્ય તો આપણે એને ક્યારેય પણ આપી શકવાના નથી એ હું અને તું આપણે બંને ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. એના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ મને લાગે છે કે, આપણે આ ભોગ આપવો જોઈએ આપણો પ્રેમ એના પગની બેડી બની જાય એવું તો હું ક્યારેય નહીં ઈચ્છું. અને હું એવો સ્વાર્થી બાપ પણ નથી કે, દીકરાની લાલચમાં એના ભવિષ્ય સાથે ચેડાં કરું. પ્રેમતો મુક્તિ આપે છે ઉડવા માટે. બાંધતો નથી કોઈ બંધનમાં. માટે મને લાગે છે કે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આ મુક્ત ગગનના પંખીને ઉડી જવા દેવો જોઈએ. એની પાંખો તો ના જ કપાય.."

રમીલા બોલી ઉઠી, "વાત તો તમારી સાચી છે. પણ શું સુરેશ એ માટે માનશે?".

"આપણે પ્રયત્ન કરીશું એને સમજાવવાનો. મને લાગે છે કે, એ માની જશે." રમેશે કહ્યું.

"સારું, તમે એને સમજાવી જુઓ. કદાચ માની પણ જાય." રમીલા એ કહ્યું.

રમીલા સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેણે સુરેશને બોલાવ્યો અને બધી વાત કરી.

આ સાંભળીને સુરેશ તરત બોલી ઉઠ્યો, 'પપ્પા, શું હું તમને નથી ગમતો? કેમ તમે અને મમ્મી મને તમારાથી દૂર કરવા માંગો છો? હું ગમે તેમ ભણી લઈશ. પણ તમે મને તમારાથી જુદો ના કરો."

રમેશે કહ્યું, "બેટા! અમે તને અમારાથી જુદો નથી કરતા પણ તારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમે આ પગલું ભરી રહ્યા છીએ. બેટા, જેવું ભવિષ્ય તને તારા મહેશકાકા આપી શકશે એવું અમે બંને કદી પણ તને આપી શકવાના નથી. અને તારું ભવિષ્ય ઉજ્જવળ બને એમાં જ અમારી ખુશી છે. માટે માની જા દીકરા. રમેશે કહ્યું. રમીલા એ પણ તેને સમજાવ્યું. "બેટા, કઈ મા પોતાના દીકરાને પોતાનાથી અલગ કરવા ઈચ્છે? પણ હું એટલી સ્વાર્થી પણ નથી કે, તારા માર્ગ આડે નો કંટક બનું. માટે અમે હૃદય પર પથ્થર મૂકીને પણ તને મહેશકાકા સાથે મોકલવા ઇચ્છીએ છીએ.

"હા, પપ્પા. તમારી બધી વાત સાચી પણ એ વાતની પણ શું ખાતરી છે કે, ત્યાં જઈને જ મારું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે? જરૂરી તો નથી કે, ત્યાં જ ભવિષ્ય ઉજ્જવળ બને. મારા નસીબમાં હશે તો અહીં પણ મારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. કાદવમાં પણ કમળ તો ખીલે જ છે ને?" સુરેશ એ કહ્યું.

"હા, બેટા, તારી બધી વાત સાચી પણ વધુ સારી કારકિર્દી મેળવવા માટે પૈસા પણ જોઈએ જે આપણે ક્યારેય ભેગા નહીં કરી શકીએ. અને મહેશ તારા કાકા છે. તને સારી રીતે જ રાખશે. અને.આમ પણ એને કોઈ સંતાન છે જ નહીં. તને એ પોતાના દીકરાની જેમ જ ચાહે છે માટે તું એના પર ભરોસો રાખ." રમેશે સુરેશને સમજાવતા કહ્યું.

રમીલા અને રમેશે સુરેશને સમજાવવા માટેના ખૂબ જ પ્રયત્ન કર્યા .ઘણી મથામણ પછી અને ઘણી સમજાવટ પછી સુરેશ ત્યાં જવા માટે માની ગયો. તે તેના મહેશકાકા અને મીનાકાકી ની સાથે શહેર ભણી જાવા રવાના થયો.

શહેરની નવી દુનિયા હવે તેની રાહ જોઈ રહી હતી.

શહેરની તેની આ દુનિયા તેના ગામડાની દુનિયા કરતા ઘણી જ અલગ હતી. બધું જ અહીં નવું હતું. શહેર પણ નવું હતું . શહેરના લોકો પણ હવે નવા જ હતા.

હવે શરૂ થયો સુરેશના જીવનનો એક નવો અધ્યાય! નવા જીવનની શરૂઆત!

આગળના પ્રકરણ માટે આપના સૂચનો

pruthvi.gohel@gmail.com પર મોકલવા.