Coffee House - 44 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ, પાર્ટ- ૪૪

કોફી હાઉસ પાર્ટ – ૪૪

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

જય દ્વારીકાધીશના જયઘોષ સાથે બધામાં અનેરી ખુશી તરવરી ઉઠી ત્યાં નર્શ આવી અને ડિસ્ચાર્જ પેપર્સ પર સાઇન કર્યા બાદ બધા ત્યાંથી હોટેલ પહોંચ્યા જ્યાં બધા રોકાયા હતા. રાત્રીના દસ વાગવા આવ્યા હતા અને બધાને કકડીને ભુખ લાગી હતી. “પ્રવીણ્યા, પેટપુજા કરવાનો વિચાર છે કે પછી તારી કુંજનને જોવામાં ને જોવામાં અમને પણ ભુખ્યા મારવાનો વિચાર છે?” “અરે ના કાકા, હમણા જ ઓર્ડર આપી દઉ છું.” પ્રવીણે ઓર્ડર લખાવ્યો અને બધાએ સાથે મળીને ભોજન લીધું, આજે ઘણા વર્ષ બાદ પ્રવીણ અને કુંજને નિરાંતનું ભોજન લીધુ હતુ. આખા દિવસની ભાગદોડથી બધા થાકી ગયા હતા એટલે જમ્યા બાદ થોડીવારમાં આમતેમ થતા પથારીએ પડી ગયા. શ્યામા પણ સુવાની તૈયારીમાં જ હતી પણ બન્ને રૂમમાં પ્રેય અને કુંજ જાગતા હતા. થોડી વાર થતા બન્ને એકસાથે બહાર નીકળ્યા. બન્નેની આંખમાં ઊંઘનું નામોનિશાન ન હતુ. એકબીજાને આમ બહાર જોઇ બન્ને હસી પડ્યા. “ચાલ દરિયાકિનારે જઇએ, ત્યાંની ઠંડી આહલાદક હવાને માણીએ, શું કહે છે તુ પ્રેય?” કુંજે આઇડિયા આપતા જ પ્રવીણે વધાવી લીધો અને બન્ને દરિયાકિનારે પહોંચી ગયા. સાંજ કરતા દરિયો અત્યારે શાંત હતો. ધીમે ધીમે ઉછળતા આવતા મોજા મનને આનંદ આપતા હતા. સહેલાણીઓ અને સ્થાનિક લોકો કિનારે વિહરી રહ્યા હતા. તેવામા આ બધી ભીડથી દૂર એક શાંત જગ્યાએ કુંજની ગોદમાં માથુ રાખી પ્રેય સુતો હતો. કુંજની મુલાયમ આંગળીઓ પ્રેયના વાળ સાથે રમતી હતી. “હું આજે બચી ન હોત તો પ્રેય???” કુંજને અચાનક જ સવાલ કર્યો. “હેય જાનુ, પ્લીઝ ડોન્ટ ટેલ લાઇક ધીસ. જે થયુ તે બહુ ખરાબ થયુ છે અને એ બધુ મારા લીધે બન્યુ છે પણ હવે દુઃખરૂપી વાદળોને યાદ કરીને આવનારા સોનેરી સુરજને ફિક્કો ન પડવા દે કુંજ. મારા દિલમાં તારા પ્રત્યે આજે પણ એ જ પ્રેમ છે જે કોલેજ સમયે હ્તો પણ સંજોગ બળવાન બની ગયા કે આપણે બન્નેએ આ વિયોગના ભ્ંવરમાં ફસાવુ પડ્યુ. “તે જે કર્યુ તે યોગ્ય જ કર્યુ પ્રેય, કોઇને દોષ આપવાથી કાંઇ બદલી જવાનુ નથી. તારી વાત સાચી છે શા માટે સુખના સુરજને ન વધાવીએ?” ત્યાર બાદ બન્નેએ બે-ચાર કલાક બેસી મન ભરીને વાતો કરી. “તને અલગ કરવાનુ મન થતુ નથી, ઇચ્છા છે કે બસ તને નિહાળી તારા સૌંદર્યને મારી આંખમાં ભરી, મારા તન મનને સુકુન આપુ.” હોટેલ પહોંચતા પ્રેય કુંજનો હાથ પકડી કહી બેઠો ત્યાં હંમેશની જેમ શરમથી લાલ ગાલ પર ખંજન પાડતી કુંજની નજરો ઝુકી ગઇ. “આયહાય...... એ જ કાતીલાના અદ્દા, એ જ ખંજન, એ જ નજરોનો ઝુકાવ, એ જ ઝુકેલી નજરો વચ્ચે લહેરાતી લટ. નયનોના બાણ ક્યાંક મને ઘાયલ કરી ન બેસે.” પ્રેય કુંજનો હાથ પકડી તેની સુંદરતાને શબ્દોમાં ઢાળવા લાગ્યો. “બસ કર પ્રેય, ગુડ નાઇટ.” કહેતી શરમાઇને હાથ છોડાવતી કુંજ દોડીને તેના રૂમમાં જતી રહી અને પ્રેય પણ હસતો તેના રૂમમાં જતો રહ્યો. સવારે ભગવાન દ્વારીકાધીશના મંગળા આરતીના દર્શન કરી, ગોમતી સ્નાન કરી બધા બજારમાંથી થોડી શોપીંગ કરી, ચા નાસ્તો કરવા હોટેલમાં ગયા. “પ્રવીણ્યા, હવે ખુશ ને? જોતુ હતુ એ મળી ગયુ ને?” ઓઝાસાહેબ બોલ્યા. “હા કાકા, હવે એકદમ ખુશ. સાચુ કહુ કાકા, આ બધુ તમારા બધાના સાથ અને પ્રેરણાથી શક્ય બન્યુ છે નહી તો ક્યારેય મને કુંજ મળત જ નહી. તમે આ ઉંમરે મને જે હિમ્મત આપી છે તે ખરેખર વંદનીય છે. ગાઠીયા-જલેબી અને મરચા કઢીની લિજ્જત માણતા પ્રવીણે બધી વાત કુંજ અને શ્યામાને કહી કે કેવી રીતે આ ૬૦+ નિવૃતો તેના મિત્રો બન્યા અને કઇ રીતે પોતાની બધી વાત સાંભળતા અને બાદમાં તેને શોધવામાં મદદ કરી. “ખુબ ખુબ આભાર કાકા આપ સૌનો. તમે ન હોત તો આજે કુંજ અને પ્રેય બન્ને નામ ભૂતકાળ બની ગયા હોત.” કુંજને હાથ જોડી કહ્યુ. “અરે દિકરી, હાથ ન જોડાય. કહેવા ખાતર તને દિકરી નથી કહી અમે. અમારે મન તુ અમારી દિકરી જ છે અને દિકરી બાપને હાથ ન જોડે. સંજોગાવશાત અમારા ચાર માંથી કોઇને દિકરીઓ છે જ નહી. ઘણીવાર અમે વાતો કરતા કે સંતાનમાં એક લક્ષ્મી તો જોઇએ જ, તો જોઇ લે આજે એ ઇચ્છા પણ પ્રભુએ પુરી કરી દીધી.” ઓઝાસાહેબે કહ્યુ.

“હા બેટા, અમે બધા ભલે બહુ શ્રીમંત નથી, પણ સબંધોની વાતમાં અમે ગર્ભશ્રીમંત છીએ. સબંધો બાંધવામાં ક્યારેય વિચારતા જ નથી અમે ચારેય ઘરડા. એકવાર જે નાતો જોડીએ છીએ તે આજીવન ટકાવીએ પણ છીએ. તારા અમંગળ સમાચાર બાદ અમે ધાર્યુ હોત તો પ્રવીણ સાથે સબંધ ઓછા થઇ શકે તેમ હતા અને તમારા બન્નેની વાત સાંભળી લીધા બાદ પણ અમે બે દિવસ દુઃખી બનીને બેસી અમારા રોજીંદા જીવનમાં કામે ચડી જઇ શકત પણ આ છોરાને દુઃખી જોવાતો ન હતો અને તે એટલો નાસીપાસ થઇ ગયો હતો કે તને શોધવાની કોશિશ ક્દી પણ કરત નહી એટલે જ અમે બધા તેની સાથે રહી તેને હિમ્મતરૂપી સ્ત્રોત આપતા રહ્યા અને તેનુ પરિણામ એ છે કે આજે પ્રવીણ અને કુંજન બન્ને સાથે છે.” હેમરાજભાઇ કહી બેઠા. “હા બાકી, હવે ઓઝાનો તો એક પગ સમશાને જ છે. મને તો ગઇકાલે જ એમ લાગ્યુ હતુ કે ઓઝો ગયો.” દાસભાઇ બોલ્યા ત્યાં બધા ખડખડાટ હસી પડ્યા. “જા ને મર તુ. હું કેમ મરું? મારે તો હજી આ બેયના છોરાઓને ખંભે બેસાડી રમાડવા છે.” ઓઝાસાહેબ બોલ્યા ત્યાં પ્રેયે કુંજ સામે જોયુ કે તેની પાંપણો લજ્જાથી ઢળી પડી.

ફ્રેશ થઇ બધાએ નક્કી કર્યા મુજબ બધા જામનગર જવા નીકળ્યા. કુંજ સાથે હતી એટલે પ્રેય માટે આજની સફર કાંઇક રોચક જ હતી. વેરાન રસ્તો પણ આજે હરિયાળો લાગતો હતો. ચહેરા પર અકારણ મુશ્કાન વેરાઇ રહી હતી. જોતજોતામાં ગાડી ક્યારે કોફીહાઉસના દ્વારે સ્ટોપ થઇ એ કોઇને ખબર ન પડી.

“વેલકમ કુંજ, વેલકમ ટુ યોર હોમ.” પ્રવીણે ગુલાબની નાની કળી કુંજને આપતા તેનું સ્વાગત કર્યુ. “એય ઉત્તાવળા, હજુ વાર છે કુંજને તારા ઘરે આવવાની. છાનોમાનો જા એકલો ઘરે, મારી દિકરી તો મારી સાથે મારા ઘરે આવશે.” ઓઝાસાહેબે કુંજ સામે રજુ થયેલુ ગુલાબ ઝુંટવી લીધુ. “એમ ન ચાલે કાકા. એકવાર તો તેને ઘરે આવવા દ્યો. એ જોઇ તો લે મારુ ઘર.”

“હવે જાવા દે ને, બહુ આવ્યો એકવાર વાળો.” કહેતા ઓઝાસાહેબ અંગુઠો બતાવવા લાગ્યા ત્યાં કુંજ ખડખડાટ હસી પડી. “બેટા તારે અને શ્યામાએ હોટેલમાં રહેવાની કોઇ જરૂર નથી, ઓઝાના ઘરે તારુ સ્વાગત છે. ચાલો બન્ને મારી જોડે, જા પ્રવીણ્યા હોટેલમાથી સામાન લઇ આવ બન્નેનો અને અમને મુકી જા બધાને ઘરે.”

“હેલ્લો, કોણ બોલે છે?” રાત્રે અગિયારેક વાગ્યે પ્રવીણે ફોન કર્યો તો સામેથી પડછંદ સ્વરે પ્રશ્ન થયો. “પ્રવીણ બોલુ છું શ્રીમાન મહેરા.” સામે છેડેથી પ્રવીણનુ નામ સાંભળતા હર્ષવર્ધન મહેરા ધૃજી ઉઠ્યા.

“બોલો, શ્રીમાન પ્રવીણ, આજે અચાનક મારી યાદ કેમ આવી ગઇ? હજુ વિશ્વાસ નથી આવતો મારી વાત ઉપર કે શું?” મનના ભાવને પોતાના સ્વરમાં દબાવતા કહ્યુ. “મારા લગ્ન છે આવતી કાલે, તમને આમંત્રણ આપવા માટે ફોન કર્યો છે.” આ વાત સાંભળતા જ શ્રીમાન હર્ષવર્ધન મહેરાની આંખમાંથી કુંજની યાદ સમુ આંસુ બહાર રસ્તો કરી આવ્યુ. “ખુબ ખુબ અભીનંદન પ્રવીણ પણ હું આવી નહી શકું પરંતુ મારા સુભાશીષ તમારી સાથે જ છે.” આંખમાંથી દડદડ સરતા આંસુઓને પોંછતા હર્ષવર્ધન મહેરા બોલી પડ્યા.

“શ્રીમાન હર્ષવર્ધન મહેરા, તમે મારા લગ્નમાં ન આવો પણ શું તમે કુંજન મહેરાના લગ્નમાં પણ નહી આવો?” પ્રેય અડગ સ્વરે પ્રશ્ન પુછી બેઠો. “શું બકવાસ છે આ શ્રીમાન પ્રેય? મારી સ્વર્ગસ્થ દિકરી સાથે આ પ્રકારનો મજાક કરવાનો હક તમને હજુ કોઇએ આપ્યો નથી.” શ્રી મહેરા પહેલાની જેમ જ ગર્જના કરી ઉઠ્યા. “મહેરાજી, હું કોઇપણ પ્રકારના મજાકના મુડમાં નથી, મારા એક એક શબ્દ જે તમે સાંભળ્યા છો તેમા નરી સત્યતા છે.” “બકવાસ બંધ કરો પ્રવીણ આપ. હાથમાંથી પાણીમાં સરી પડેલી રેતી ક્યારેય ફરી મળતી જ નથી, નદીના વહેણ પાછા ફરી શકતા નથી, સુર્ય કદી પશ્ચિમ દિશામાં ઉગતો જ નથી, તેમ ક્યારેય મૃત્યુ પામેલા લોકો આ લોકમાં પરત ફરતા જ નથી, સમજ્યા કે નહી???” હર્ષવર્ધન મહેરાનું સંપુર્ણ શરીર ધૃજી ઉઠ્યુ અને સમગ્ર હોલમાં તેના શબ્દોના પડઘા પડતા જ રહ્યા. “પ્લીઝ મહેરાજી, શાંત થાઓ. હું કોઇ દિવાસ્વપ્નમાં રાચતો નથી, આ એક નરી સત્ય હકિકત છે કે કુંજન આ દુનિયામાં હયાત છે. અહી જામનગરમાં જ છે કુંજન. પ્લીઝ તમે અહી એકવખત આવીને મળી લો, પ્લીઝ શ્રીમાન મહેરા, મારી બે હાથ જોડીને આપને મારી વિનંતી છે.” સામેથી પ્રત્યુતર મળે તે પહેલા જ પ્રવીણે ફોન કટ કરી નાખ્યો. “કુંજન જીવીત છે, મારી કુંજન જીવે છે. સાંભળ્યુ ભાગ્યવતી, આપણી કુંજન હજુ જીવે છે, એ મૃત્યુ પામી નથી, મારી કુંજન જીવે છે, હે ભગવાન તમારો ખુબ ખુબ આભાર.” શ્રીમાન હર્ષવર્ધન મહેરા ખુશીના માર્યા તેની પત્નીના ફોટા સામે અને ભગવાન સામે હાથ જોડી પોતાની ખુશી બયાન કરવા લાગ્યા. વધુ સમય પસાર ન કરતા ફટાફટ બેગ પેક કરી જામનગર જવા નીકળી ગયા.

બીજા દિવસે સવારે ઓઝાસાહેબ અને ટીમ તથા કોલેજીયન ગૃપ અને શ્યામા વાજતે ગાજતે કોફીહાઉસ પહોંચી ગયા. કોફીહાઉસની સજાવટ બધી નેચરલ વસ્તુઓથી કરવામાં આવી હતી. ઇન્દ્રધનુષી સાત રંગના કલરફુલ ફૂલોની બંદનવાર દ્વારે શોભી રહી હતી. આસોપાલવ અને આંબાના પાન ઝુલી રહ્યા હતા. અંદર લીલી કાર્પેટના સ્થાને લીલુ ઘાસ પાથરેલુ હતુ. કોફીહાઉસના હોલમાં ફરતે ફુવારા છુટી રહ્યા હતા. મધ્યમાં મંડપ સજાવેલો હતો, કેળ અને કેવડાના પર્ણથી સુસજ્જીત મંડપ શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.મંડપમાં ચારે ખુણે દિપમાલીકાઓ શોભી રહી હતી. લાલ ગુલાબની મદદથી પી અને કે મંડપમાં પાછળ અંકારવામાં આવ્યા હતા. સાજીંદાઓ અનેકવિધ વાજીંત્રો સાથે હળવા શાસ્ત્રીસ સંગીતની સુરાવલી છેડી રહ્યા હતા. આવનારા લોકો પર સોનાની ગુલાબદાનીમાંથી સુગંધી ગુલાબજળ છીરકાઇ રહ્યુ હતુ. છતમાં વચ્ચે ઝુમ્મર ઝુલી રહ્યુ હતુ, જેમા રંગબેરંગી મીણબત્તીઓ પ્રકાશી રહી હતી.

ઓઝાસાહેબ અને બીજા બધા આ સજાવટને એક મિનિટ માટે જોઇ જ રહ્યા. કુંજની આંખમાંથી હરખના આંસુ સરી પડ્યા. જેવા તે લોકો અંદર આવ્યા કે ઉપરથી મહેકતી ગુલાબની પંખુડીઓની વર્ષા થવા લાગી. કુંજને પોતાનો એ જન્મદિવસ યાદ આવી ગયો જે તેણે પ્રેય સાથે ઉજવ્યો હતો. જેવા બધા અંદર આવ્યા કે પ્રવીણે સામે આવીને કુંજ સમક્ષ પોતાનો હાથ ધર્યો, ઘુંટણભેર બેસી પ્રવીણે પ્રસ્તાવ મુક્યો ,”વીલ યુ મેરી મી કુંજ??? મારી જીવનસંગીની બનશે?”

મંત્રમુગ્ધ થયેલી કુંજન બસ પ્રેયને જોતી જ રહી ગઇ. હરખના આંસુઓ નયનોમાં ઘુમરાવા લાગ્યા.તે દોડીને પ્રેયને ભેંટવા ઇચ્છતી હતી પણ હજુ કાંઇ બંધન તેની આડે હોય તેમ તેના પગ ઉપડતા જ ન હતા. “શું થયુ કુંજ??? કોની રાહ જુવે છે??? એવુ તે શું છે જે તને મારો હાથ થામતા અટકાવે છે કુંજ???” કુંજ કાંઇ બોલી શકી નહી, પણ આંખમાંથી સરી પડેલા આંસુ અને તેના દિલની વ્યથાને પ્રેય કળી ગયો. “બેટા, તારા જીવનનો આટલો મોટો ફેંસલો લેવા જઇ રહી છે ત્યારે તારા આ બદનસીબ બાપને નહી બોલાવે???” પાછળથી અવાજ આવ્યો અને કુંજને પાછુ વળી જોયુ તો તેના પપ્પા શ્રીમાન હર્ષવર્ધન મહેરા કોફીહાઉસની બહાર ઉભા હતા.

પોતાના પિતાજીને જોઇ કુંજન રડી પડી. બે હાથ ફેલાવતા તેના પિતાજી તેની વ્હાલસોયી દીકરીને પોંકારી રહ્યા હતા પણ કુંજનના પગ ઉપડતા જ ન હતા. “કુંજ તુ પપ્પાની જ રાહ જોતી હતી ને? મે જ તેમને અહી તેડાવ્યા છે. અંદર નહી બોલાવે પપ્પાને??” પાછળથી પ્રેયના શબ્દરૂપી રજામંદી મળતા જ કુંજ પોતાના બે હાથ ફેલાવી તેના પિતાજીને આવકાર્યા. બન્ને બાપ-બેટી એકબીજાને ભેંટી ચોધાર આંસુઓએ રડી પડ્યા. પિતા-પુત્રીના મિલનને જોઇ બધાની આંખમાંથી આંસુ સરી પડ્યા. “મહેરાભાઇ, આંસુઓને સાચવીને રાખો, હજુ દિકરીને વિદાય આપવાની વસમી વેળા આવી નથી. બહુ સારૂ થયુ તમે આવી ગયા. તમારા વિના કુંજની જીંદગીનો આ પ્રસંગ અધુરો જ કહેવાય. ગઇકાલે આખી રાત કુંજને આપને યાદ કરવામાં જ વિતાવી છે પણ હજુ તેના મનમાં એક ડર સતાવી રહ્યો છે કે તમે કુંજનો હાથ પ્રેયના હાથમાં નહી સોંપો, પુત્રીના દિલ પરનો ભાર આજે હળવો કરી દ્યો મહેરાભાઇ, અમારી બે હાથ જોડીને આપને વિનંતી છે.” ઓઝાસાહેબ, દાસભાઇ, હેમરાજભાઇ અને પ્રતાપભાઇ બધા હાથ જોડી વિનંતી કરવા લાગ્યા. “મને શરમાવો નહી ઓઝાભાઇ. બહુ બધા બોજથી દબાયેલો છું ત્યારે વધુ બોજ ન ઢોળો મારા પર.” ઓઝાસાહેબના હાથ પકડી મહેરાભાઇ તે બધાને ભેંટી પડ્યા. “બેટા, ભૂતકાળમાં તમારા બન્નેના પ્રેમનો અસ્વિકાર કરી મે બહુ મોટી ભૂલ કરી હતી પણ જ્યારે ભગવાને મને ફરી આ સોનેરી અવસર આપ્યો છે ત્યારે હું આડખીલી નહી બનુ બન્ને વચ્ચે. આજે હું એલાન કરું છું કે પ્રેય અને કુંજને હું “કુંજેય” માનવા તૈયાર છું.” કહેતા શ્રીમાન મહેરાએ કુંજનો હાથ પ્રેયના હાથમાં આપી દીધો. તાળીઓના ગડગડાટથી આખુ કોફીહાઉસ ગુંજી ઉઠ્યુ.

સમાપ્ત.

મિત્રો આજે પ્રેય અને કુંજની પ્રણયકથા “કોફીહાઉસ” અહી સમાપ્ત થઇ રહી છે. મારા જીવનની મારા દ્વારા લખાયેલી આ પ્રથમ નવલકથા છે. ઘણી ભૂલો થઇ જ છે છતા પણ આપલોકોએ તે ભૂલીને અવગણીને મારી આ સ્ટોરીને સરાહી તે બદલ હું આપ સૌનો આજીવન ઋણી રહીશ. આ વાર્તામાં હું જીવ્યો છું. અવારનવાર ઓફિસના કામે જામનગર આવતા જતા જ્યારે પણ ટાઉનહોલ પાસેથી નીકળું, ત્યારે મનમાં એમ વિચાર આવી જ જાય છે કે અહી કોફીહાઉસ હશે, તળાવની પાળે મારી સોનપરીને લઇને જ્યારે ફરવા જઇએ છીએ ત્યારે હું અને મારી જીવનસંગીની હાથમાં હાથ રાખી બેઠા હોઇએ ત્યારે હું તેને પણ કહું છું કે “જો પેલા લોકો બેઠા છે તેમ જ પ્રેય અને તેની ટીમ બેસતી અને પ્રવીણ પોતાની વાત બધાને કહેતો હશે.” મિત્રો આપ સૌનો ખુબ ખુબ આભાર કે તમે પળેપળે મારી સાથે રહ્યા. ઘણા સુઝાવ પણ તમારામાંથી મને મળ્યા કે જેની મદદથી હું મારી લેખનયાત્રાને વધુ ચોટદાર બનાવી શકું. આપ સૌ આ જ રીતે મારા લેખનને સરાહો એ આશાએ આપ સૌને મારા જય દ્વારીકાધીશ.... આપના પ્રતિભાવની રાહ જોઇશ હો......