Dikri Mari Dost books and stories free download online pdf in Gujarati

દીકરી મારી દોસ્ત

દીકરી મારી દોસ્ત

લેખક

નીલમ દોશી

પ્રકરણ - 1

દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા ?

દીકરી......પ્રેમનો પર્યાય

વહાલનો ઘૂઘવાટ...

અંતરનો ઉજાસ

તારીખ: 11-12-2004

વહાલી ઝિલ, આજે તારી સગાઇ થઇ. તારા મનપસંદ પાત્ર સાથે. તારી આંખોમાં છલક્તી ખુશી હું માણી શકી. આજે પહેલીવાર તું સાસરે ગઇ. મારી નાનકડી દીકરી આટલી મોટી થઇ ગઇ અને મને ખબર સુધ્ધાં ન પડી. દરેક દીકરી માની નજર સમક્ષ મોટી થાય છે. અને છતાં મારી જેમ કોઇ માને કયારેય ખબર નથી પડતી કે દીકરી આટલી મોટી કયારે થઇ ગઇ ? આજે તારી સગાઇની સાથે સાથે મન:ચક્ષુ સમક્ષ કેટલીયે યાદોનો અંબાર ઉમટી આવ્યો.

“ મેળાની જેમ દિલ મહીં ઉભરાય પ્રસંગો, આંસુ થઇ આંખમાં છલકાય પ્રસંગો.”

અશ્રુથી ધૂંધળી બનેલ મારી આંખોમાં વીસ વરસ પહેલાનું દ્રશ્ય તરવરી રહે છે. નવજાત, ગોરી ગોરી, નાનકડી સુંદર ઢીંગલી ને પ્રથમવાર નર્સ મારા પડખામાં મૂકી ગઇ. હું તને ટગરટગર જોઇ રહી હતી. આ...આ મારું સંતાન છે ? મારા જ અસ્તિત્વનો એક અંશ ? તારી આંખો બંધ હતી. કદાચ મનમાં હશે કે પહેલાં મમ્મી બોલાવે તો જ આંખો ખોલુ. મેં ડરતાં ડરતાં ધીમેથી....એક નાજુકાઇથી તને પ્રથમ સ્પર્શ કર્યો..અંતરમાં કેટલીયે મિશ્ર લાગણીઓના પ્રતિઘોષ ઉઠતા હતા..નવ મહિનાથી કલ્પના તો કરી હતી તારા આગમનની...પણ જયારે ખરેખર તું અવતરી..ત્યારે હું કદાચ મૂઢ થઇ ગઇ હતી. કંઇ સમજાતું નહોતું. હું શું કરું ? હવે શું કરવાનું ? મારી અંદર ઉઠી રહેલ ઉર્મિઓના છલકતા પ્રચંડ પૂરને હું સમજી નહોતી શકતી.

અચાનક તેં તારી નાનકડી આંખો ખોલી અને મારી સામે સ્મિત ફરકાવ્યું કે પછી....... મને એવું લાગ્યું....તે આજે યે પૂરી ખબર નથી.

’મા, હું....તારી નાનકડી દીકરી...મા, મને વહાલ કરીશ ને ? આ દુનિયા મને દેખાડીશને ? સમજાવીશને ? મને બીક તો નહીં લાગે ને ? ના,રે તું છો મારી પાસે પછી મને ડર શાનો ?....’

આવું આવું તું કંઇ કહેતી નહોતી.....પણ હું સાંભળતી હતી. એક શિશુ... જેનો બધો આધાર તમારા એક પર હોય...એવું અનુભવો ત્યારે કેવી લાગણીઓ અંદર ઉઠે ? હું ડરતી હતી....આને ઉપાડાય ? તેડાય ? કંઇ થઇ તો નહીં જાય ને ? વાગી તો નહીં જાય ને ? કયારેય કોઇ નવજાત બાળકને તેડયું તો શું જોયુ પણ નહોતું. આપણા આખા કુટુંબમાં તું પહેલી જ હતી ને ? મનમાં ઊર્મિઓના ધોધ ઉછળતા હતા..પણ હું સમજી નહોતી શકતી. હું તો હમણાં સુધી કોલેજમાં ભણતી હતી. મસ્તી કરતી એક છોકરી હતી. અને આજે મા બની ગઇ ! નવ મહિનાથી આ પ્રસંગની ખબર હતી..છતાં આ ક્ષણે એને સ્વીકારતાં, સમજતાં મને થોડી મિનિટો જરૂર લાગી હતી. મનમાં એક મુગ્ધતા હતી. એક અવઢવ હતી. કંઇ ખબર નહોતી પડતી..હવે..? હવે શું કરવાનું ?

તને પ્રથમ સ્તનપાન કરાવ્યું ! નર્સે શીખવાડવું પડયું. તારા નાનકડા, ગુલાબી હોઠનો એ પ્રથમ સ્પર્શ..એ રોમાંચ.. આજે યે મારી અંદર જીવંત છે. એ ક્ષણની અનુભૂતિ ને શબ્દોમાં વર્ણવવી અશકય છે. તારી આંખોમાં અપાર વિસ્મય છલકતું હતું. આસપાસની સૃષ્ટિને તું ઓળખવા મથતી હતી કે શું ? કે પછી હું કયાં આવી ચડી છું ? એવું વિચારતી હતી ? કયારેક ઉંઘમાં યે મંદમંદ મલકતી તને હું અપાર આશ્ર્વર્યથી જોઇ રહેતી. અને મારા બત્રીસ કોઠે જાણે દીવા પ્રગટતા.

કોઇ કહેતું કે બાળકને છ મહિના સુધી એનો પૂર્વ જન્મ યાદ હોય.. એટલે એની સ્મૃતિથી નવજાત શિશુ મલકતું હોય. એ જે હોય તે ખબર નથી. પણ ત્યારે મારા મનમાં એક વિચાર જરૂર આવતો કે વૈજ્ઞાનિકો આટલી બધી શોધો કરે છે..તો નાના બાળકના મનમાં શું ચાલે છે..એ જાણવાની કોઇ રીત કેમ નહીં શોધતા હોય ? હસવું આવે છે ને ? મને યે આવતું હતું...!

તારા નાનકડા હાથનો સ્પર્શ મારા પ્રત્યેક અણુને ઝંકૃત કરી મૂકતો. પ્રથમ શિશુનો પ્રથમ સ્પર્શ...એની તો મૌન અનુભૂતિ જ હોય..વર્ણન નહીં..શબ્દો નહીં..! ધીમે ધીમે તારી આંખોમાં યે મારી ઓળખાણનો અણસાર છલકવા લાગ્યો. મારી સામે જોઇ તું સ્મિત કરી ઉઠતી અને મારું ભાવવિશ્વ ઉજાગર થઇ ઉઠતું. એ સ્મિતના દરિયામાં તણાવાનો અદભૂત લહાવો હું માણતી.

તારી એક એક નાની ક્રિયાઓ મારે માટે અલૌકિક બની રહેતી. તારી આંખોમાં નાની નાની વસ્તુઓ માટે છલકતા અચરજને હું પરમ આનંદ અને બમણા અચરજથી અનુભવી રહેતી. મારા ભાવવિશ્વમાં ભરતી આવતી. તું હસતી ત્યારે હું લીલીછમ્મ બની જતી. અને કયાંક વાંચેલી આ સુંદર પંક્તિ મારા મનઝરૂખે તાદ્રશ થઇ જતી.

“ પ્રથમ શિશુએ પ્રથમ હાસ્ય છેડયું,

શત શત ટુકડા થયા એ હાસ્યના,

વેરાયા એ ચોમેર જયારે;

તે દિન પરીઓના દેશ વસ્યા. ”

તું રડતી ત્યારે હું કેવી યે ઘાંઘી થઇ ને બાજુવાળા માસીને બૂમાબૂમ કરી મૂકતી. ‘ માસી, જલ્દી આવો ને...જુઓને આને શું થાય છે ? કયારની રડે છે. ‘ માસી હસતા

કેમકે એ જાણતા કે મારું એ ‘કયારનું’ બે મિનિટથી વધું ન જ હોય. પણ એ બે મિનિટમાં મારી અંદર ઉથલપાથલ મચી જતી. દરેક મા પોતાના નવજાત શિશુના રુદને આમ જ બેબાકળી બની જતી હશે ને ? અહીં તારી વાત કરું છું...પણ તું એકલી હરખાઇ ન જતી...અહીં તું એટલે દરેક દીકરી..મા એટલે દરેક મા ..અને પિતા એટલે વિશ્વનો દરેક પિતા.! આજે વાત માંડવા માટે તને પ્રતિનિધિ બનાવી છે.. એટલું જ હોં.! બાકી વિશ્વની દરેક મા પાસે પોતાના સંતાનના આવા સ્મરણો મોજુદ હોય જ ને ? એટલે તારા દ્વારા..તારી વાતો દ્વારા હું દરેક માતા પિતાને અને દીકરીને પોતે અનુભવેલ એ ભાવવિશ્વમાં ફરી એક્વાર ઝાંખી કરવાની યાદ આપુ છું. દરેક મા દીકરી પાસે પોતીકા પ્રસંગો હોય છે. દરેકની ઘટનાઓ...શબ્દો અલગ હશે . પણ સંવેદના, વાત્સલ્ય, તો દરેક નું સરખું જ હોવાનું ને ? વહાલનું ઝરણું તો દરેક મા દીકરીના અંતરમાં સરખું જ વહેતું હોય છે ને ? કોઇ તેને શબ્દોમાં મૂકે....કોઇ ન મૂકી શકે ..એ અલગ વાત છે..બાકી લાગણી, વાત્સલ્ય અને ખટમીઠા સ્મરણોની સ્મૃતિથી કઇ મા નું વિશ્વ ઉજાગર નહીં થતું હોય ? અને એમાં યે જીવન સંધ્યાએ જયારે પુત્રી પરણી ને દૂર પોતાના અલગ માળામાં વસતી હોય ત્યારે તો યાદોનો આ ખજાનો ઘણીવાર જીવનનું પ્રેરકબળ બની રહે છે...જીવનનો ઉજાસ બની રહે છે.

કદાચ એટલે જ આજે ડાયરીમાં પત્ર સ્વરૂપે તારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું છે. બની શકે કયારેક એ તારી પાસે પહોંચે......કે મારા સુધી જ સચવાઇ રહે. આ પળે તો મને ખબર નથી . બસ....ઇચ્છા થાય છે દીકરી સાથે વાતો કરવાની....એટલે કરું છું. મનમાં ઉઠતા દરેક વિચારને અહીં વાચા આપીશ. તને વાંચવું ગમશે....એની મને જાણ છે. આ ક્ષણે તો ફરી એકવાર એ સ્મરણોની કુંજગલીઓમાં ફરવાનો આનંદ માણી રહી છું. બની શકે મારી આ શબ્દયાત્રામાં કોઇ માનસિક રીતે સામેલ થાય અને આમાં પોતાનું કે પોતાની પુત્રીનું પ્રતિબિંબ જોઇ શકે, અનુભવી શકે..અને એવું બનશે તો મને એનો અપાર આનંદ થશે.

તારા જન્મ સમયે હું....અમે તો છલકતા હતા. પણ ત્યારે જ બનેલ એક ઘટના આજે યે મારા મનને હચમચાવી મૂકે છે.

તારા જન્મની ખુશાલીના અમે પેંડા..( બરફી નહીં ) વહેંચતા હતા ત્યારે બાજુના બેડ પર સૂતેલ નેહાબહેનની આંખો સતત છલકતી હતી. કારણ ફકત એટલું જ કે તેમને પુત્રી અવતરી હતી ! અને તેના પતિ, સાસુ અને ઘરમાં બધાને પુત્ર જ જોતો હતો. અને પુત્રી આવી હોવાથી કોઇ તેને બોલાવવા કે રમાડવા આવતું નહોતું. ! અને ઘેર જઇ ને હવે શું થશે..કેમ બોલાવશે..કેવું વર્તન કરશે તે ચિંતામાં એક મા ફફડતી હતી.! આપણા પુરુષપ્રધાન સમાજની આ કડવી વાસ્તવિકતા છે. હું તેને આશ્વાસન આપતી હતી...પણ પોતાની પરિસ્થિતિથી તે પૂરેપૂરી વાકેફ હોવાથી મારું આશ્વાસન તેને કામ કેમ લાગે ? આવા તો કેટલાયે નેહાબહેનો સમાજમાં હશે..! જેમને પોતાનું સંતાન છોકરી હોવાથી તેના જન્મનો આનંદ માણવાને બદલે ચિંતા અને અફસોસ કરવો પડતો હશે ? સમાજનું વલણ આ એકવીસમી સદીમાં યે નહીં બદલાય ? “ દીકરી વહાલનો દરિયો..” શું સાહિત્ય માટે કે સમાજના ગણ્યાગાંઠયા વર્ગ માટે જ રહેશે ?

પ્રશ્નો તો અનેક ઉઠે છે મનમાં. પણ જવાબ......?

મન થોડું ઉદાસ જરૂર થઇ જાય છે. આવા વિચારોથી.. પણ, નિરાશ શા માટે થવું ?

“ Every Cloud Has A Silvar Lining ” આવું કંઇક સ્કૂલમાં ભણ્યા હતા..એ ભૂલી કેમ જવાય ? આશાની એ ઉજળી કિનાર સાથે ફરી એકવાર હું મારા ભાવવિશ્વમાં વિહરી રહુ છું. આજે અગણિત દ્રશ્યો ઉર્મિઓના મોજા પર સવાર થઇ ને યાદો બની મારા મનોઆકાશમાં ચમકી રહ્યા છે. તારા જીવનના કેટકેટલા તબક્કાઓ મેં જોયા છે...જાણ્યા છે...અનુભવ્યા છે. પણ એ બધા તબક્કા વખતે મને ખબર હતી કે હું તારી સામે હાજર છું.

આજે તારી સગાઇ થઇ. નજીકના ભવિષ્યમાં તું લગ્ન કરી મારાથી દૂર...સાત સાગર પાર....... ચાલી જઇશ. ત્યારે જીવનના એ તબક્કામાં હું .....તારી મા... જેણે તને આ દુનિયામાં જન્મ આપ્યો..તે તારી પાસે પ્રત્યક્ષ હાજર નહીં હોય..કોઇ પણ મા ન હોય.....જીવનનો એ સ્વાભાવિક ક્રમ છે. અને ત્યારે મારા સમગ્ર ચેતનમાંથી તારા નવજીવન માટેની મંગલ કામના પ્રગટે જ ને ? અને માના મૂક આશીર્વાદની અમીવર્ષા તો જીવનની પ્રત્યેક ક્ષણે ...મૃત્યુ પછી યે દરેક પુત્રી પર દ્રશ્ય કે અદ્ર્શ્ય રીતે વરસતી જ રહેવાની ને ? આજે તારી જિંદગીમાં તારી મનગમતી વ્યક્તિનો પ્રવેશ થયો છે. ત્યારે હું દૂર રહીને તારા જીવનના પ્રથમ તબક્કાને માણુ છું..અને તું તારા નવસ્વપ્નો સાથે એક અલગ ભાવવિશ્વમાં વિહરી રહી છે. તારા લગ્નને તો હજુ એક વરસની વાર છે..પણ મારા કાનમાં તો અત્યારે યે શરણાઇના મંગલ સૂરો ગૂંજી રહ્યા છે..આંખો અનાયાસે છલકી રહી છે અને અંતરમાંથી આશીર્વાદની અમીધારા સહસ્ત્રધારે વરસી રહી છે. આ ક્ષણે મનમાં ગૂંજી રહી છે કયાંક વાંચેલી આ પંક્તિ....

“ કેલેન્ડર કહે છે...આજે આપનો જન્મદિન એ દિવસે, વરસો પૂર્વે...તમે ખોલી હશે આંખ. ચોતરફ અજાણ્યો....અજાણ્યાનો... ઘૂઘવતો હશે સંસાર....એવામાં મળી હશે વત્સલ જનનીની...લાગણી નીતરતી પાંખ ને તે જ ક્ષણે તમને લાગ્યું હશે.

” આપણે બંદા નથી રે રાંક.! ”

હા, બેટા, તારી મા તારી સાથે છે..તું કયારેય રાંક ન હોઇ શકે.

વિશ્વની કોઇ દીકરી કયારેય રાંક ન બને એ પ્રાર્થના સાથે...

દરેક દીકરીની માની આ નિયતિ છે. દીકરીને પારકે ઘેર મોકલવાની છે..અને વહેતા સમયની સાથે એક દિવસ એ દીકરી પણ મા બનવાની છે. અને એ રીતે તે જીવનપરંપરાનો એક અંશ બની રહે છે. પુત્રીના જન્મ સમયથી દરેક મા જાણે છે કે પુત્રીને સાસરે વળાવવાની છે. અને હોશે હોંશે એ માટેની તૈયારી પણ સતત કરતી રહે છે. હવે આજે અંતરમાં ઉમટતા, ઉછળતા લાગણીઓના પૂર ને લીધે છલકતી આંખે આગળ નહીં વધી શકાય ફરી જરૂર મળીશું. અવારનવાર અહીં આ ડાયરીના પાનામાં શબ્દો સ્વરૂપે મળતા રહીશું. સ્મરણોના સથવારે ઘૂમતા રહીશું. તારી સગાઇથી શરૂ કરેલ આ પત્રરૂપી ડાયરી તારા લગ્ન સાથે કદાચ પૂરી થશે. તારા લગ્નની મારા તરફથી અંગત ભેટરૂપે તને એ મળશે. મા ની લાગણીઓની..એક માના આશીર્વાદની ભેટ. જે હું નહીં હોઉં ત્યારે પણ તારી સાથે રહેશે..અને આપણે મા દીકરી દૂર હોવા છતાં મળી શકીશું.. મા દીકરીનું ભાવવિશ્વ આ ડાયરી..કે પત્રોમાં ઉઘડતું રહેશે..

તા.ક. પુત્રીને સાસરે વળાવતી વખતે એટલે કે લગ્ન પહેલાં દરેક મા પુત્રીને લગ્નજીવન માટેનું જીવનપાથેય..સંસ્કારોનું અમૂલ્ય પાથેય આપે છે. નવી પેઢીને સલાહ કે શિખામણ રુચતી નથી..એટલે એ શબ્દો નહીં વાપરું. પણ

“ કેવી રીતે મકાન ઘર થશે.... દીકરીને હું એ જણાવું છું. ”

દરેક મા બાપ ઇચ્છે છે કે પોતે કરેલ ભૂલો એનું સંતાન ન કરે. અને હેરાન ન થાય.એટલે પોતાના અનુભવોને આધારે તૈયાર થયેલ જીવનપાથેય ..કે સલાહ શિખામણો અનાયાસે આપતા રહે છે..હું એમાંથી બાકાત કેમ રહું ?

લગ્નની શરણાઇની શરૂઆત એટલે સગાઇ. આજે તારી સગાઇ થઇ. પ્રથમ પગથિયુ તું ચડી. આ પ્રથમ પગથિયે તારી માની પ્રથમ વાત...તેજી ને ટકોર જ હોય. હું થોડુ કહીશ..તું ઝાઝુ કરીને વાંચજે, વિચારજે અને યોગ્ય લાગે તો થોડો અમલ કરવાનો પ્રયત્ન જરૂર કરજે. રોજ એક એક કડી હું અહીં આપીશ. બની શકે કયારેક તને કામ લાગે.....તારી મા તરફથી આ આશીર્વાદ છે..સાચું દહેજ ...આણુ કે કરિયાવર..જે કહે તે છે. સ્વીકારીશ ને ? “ બેટા, સગાઇ અને લગ્ન બંને વચ્ચેના ગાળામાં જયારે તમે બંને એકબીજાને મળો છો ત્યારે સામાન્ય રીતે બંને એકબીજાને ખુશ કરવાના પ્રયત્નો કરો છો. બંનેને એકબીજાની દરેક વાત સુંદર લાગે છે. પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ કદાચ વધારે મીઠો હોતો હશે.! અને જયારે તમે હમેશ માટે સાથે રહેવાનું શરૂ કરશો ત્યારે એકબીજાના ગુણ જ નહીં...અવગુણ પણ સામે આવશે...જેને એ જ મીઠાશથી, પ્રેમથી સ્વીકારવાના છે. લગ્ન એટલે રોમાન્સ નો અંત હોઇ શકે પરંતુ રોમાંચક જિંદગીની શરૂઆત પણ એ જ હોય છે. કોઇ પણ વ્યક્તિ કયારેય સર્વગુણ સંપન્ન ન હોઇ શકે. એટલે પોતાની વ્યક્તિનો સંપૂર્ણપણે સ્નેહથી સ્વીકાર ..એ જ લગ્નજીવનની સફળતા હશે. તારી..તમારા બંનેની દ્રષ્ટિ હમેશા ગુણગ્રાહી બની રહે. મા ના દિલની એ મંગલ કામના વ્યકત કે અવ્યક્ત રીતે હમેશાં તારી સાથે રહેશે જ. બેટા, એક વાત હમેશા યાદ રાખજે. લગ્ન થાય એટલે સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વનો લોપ નથી થતો. દૂધમાં સાકર ભળે એમ તું તારા કુટુંબમાં ..તારા પતિમાં ભળી જજે. પણ સાકર જે રીતે દૂધમાં ભળી ને યે મીઠાશરૂપે પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખે છે..તેમ મીઠાશરૂપે તું તારું વ્યક્તિત્વ જાળવી રાખજે. તારી હાજરી દૂધમાં છે જ....એની અસર પણ છે જ..એ એહસાસ તને અને ઘરના દરેક સભ્યને મીઠાશરૂપે થાય એ તું ચૂકીશ નહીં.. તું દૂધમાં સાકર બની રહે એ આશીર્વાદ અને પ્રાર્થના સાથે. માનું વહાલ. .. God smiled, when He made daughter,

Because He knew, He had created

Love and happiness

For every mom and dad.

પ્રકરણ - 2

હેતે સુણાવું હાલરડા..

માળાનો મણકો, મીઠો રણકો...જીવનનો ટહુકો.

બેટા, ઝિલ, સગાઇ પછી પહેલીવાર કાલે સાસરેથી છલકતી અને મલકતી તું શુભમ સાથે મને મળવા આવી..ત્યારે તારું એ નવું સ્વરૂપ જોઇ હું આશ્ર્વર્ય અને હરખથી છલકાઇ ગઇ. આમ તો દેખીતું કોઇ પરિવર્તન તારામાં નહોતું આવ્યું. અને છતાં..છતાં તારું એક મનગમતું અલગ આકાશ રચાયું હતું એ હું અનુભવી શકી. અને સુરેશ દલાલની આ પંક્તિ મારા મનમાં રમી રહી.

“ પંખી ટહુકા મૂકી ને ઝાડ છોડી ગયું,

એના ગમતા આકાશ પાસે દોડી ગયું. ”

યૌવનને ઉંબરે પગ મૂકતી છોકરીના તન, મનમાં ઉઠતાં આવેગોથી દરેક મા પરિચિત હોય જ છે. કેમકે એ અવસ્થામાંથી તે પોતે પણ પસાર થયેલ છે. અને છતાં...ઘણીવાર મા દીકરી વચ્ચે આ પ્રશ્ને ચકમક..તણખા ઝરતા રહે છે. એનાં કારણો જોકે ઘણાં હોઇ શકે અને બધા માટે એ કારણો અલગ અલગ જ હોય...એટલે એ માટે કોઇ સર્વસામાન્ય નિયમ બાંધી ન શકાય. પણ લગભગ દરેક મા થોડી ઘણી રોકટોક કરતી રહે છે. દીકરી રાત્રે મોડી આવે ત્યારે ચિંતા કરતી રહે છે. અને એ ચિંતા શબ્દોમાં વ્યકત થાય છે ત્યારે દીકરીને મા જૂનવાણી લાગે છે.

“ એમાં શું ? “ આ દીકરીનો સર્વસામાન્ય જવાબ હોય છે. જે મા ને સ્વીકાર્ય નથી હોતો.

યાદ છે ? આપણી સામે રહેતા અંજુ આન્ટીની પુત્રી, દિશાની સગાઇ થઇ અને ગામમાં જ સાસરું હોવાથી રોજ બંને ફરવા જતા. અને રાત્રે મોડું થતું ત્યારે આન્ટી કેવા ગુસ્સે થતા. પુત્રીને માનો ગુસ્સો સમજાતો નહીં...અને મા દીકરી વચ્ચે રોજ એ પ્રશ્ને ચકમક ઝરતી રહેતી. અંજુ આન્ટીના એક સગાની પુત્રીની સગાઇ આવા જ કોઇ સંજોગોને લીધે તૂટી ગઇ હતી. તેથી આન્ટી ડરતા હતા. જોકે પાંચે આંગળીઓ સરખી ન હોય. બધાની સાથે કંઇ આવું નથી થતું...છતાં દીકરીની મા ની ચિંતા અવગણી શકાય તેમ પણ નથી જ. અત્યારે સમાજમાં બનતા બનાવોથી દરેક માના મનમાં એક અજાણ્યો ડર રહે જ છે.

ખેર.. અત્યારે આ વાત અચાનક મનમાં ઉગી આવી. બાકી પાંખ આવે ને પંખી માળામાંથી ઉડી જાય એમ દીકરી પણ સમય આવે અને પોતાના આગવા આકાશમાં ઉડી જાય. દીકરીના મા બાપે જીવનનું આ પરમ સત્ય સ્વીકારવું જ રહ્યું. અને ફકત દીકરી જ નહીં....દીકરા માટે પણ આ એટલું જ સત્ય છે. પાંખો આવે ને ઉડયન શરૂ થાય એ તો કુદરતનો ક્રમ છે. એનો અફસોસ શા માટે ? એક ધરામાં પ્રગટી, બીજી ધરામાં ધરબાવું એ દરેક પુત્રીની આગવી વિશિષ્ટતા છે. હું એને મજબૂરી નહીં કહું. સદીઓથી ચાલી આવતો એ ક્રમ છે.

આજે તારી પણ આગવી દુનિયાની શરૂઆત થઇ છે. એને હોશે હોંશે મૌન બની હું નીરખી રહુ છું...વધાવી રહુ છું. અને મારા અંતરમાંથી અજાણતા જ તમારા બંને માટે આશિષો વરસી રહી છે. તારી ક્ષિતિજો વિસ્તરતી રહે..અનંત આકાશમાં તું તારા સાથી સાથે ઉડાન ભરતી રહે..એથી વિશેષ ખુશી એક મા માટે બીજી કઇ હોઇ શકે ?

આજે સ્કૂલમાં કવિ વિઠ્ઠલરાય આવસત્થીનું “મીઠી” કાવ્ય ભણાવતા ભણાવતા અનાયાસે મારી આંખો છલકી રહે એ સ્વાભાવિક જ છે ને ? તારું એ માનીતું કાવ્ય....! જે નાનપણથી આજ સુધી તું સંભળાવવાની ફરમાઇશ મને કરતી આવી છો. અને હું ગાતી આવી છું.

” ડુંગર કેરી ખીણ માં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ ”

આપણી કેટકેટલી સ્મૃતિઓ આ કાવ્ય સાથે સંકળાયેલી છે. તું નાની હતી ત્યારે આ કાવ્ય હું તને સૂવડાવતી વખતે અચૂક ગાતી. કેમકે મને યે એ બહું પ્રિય છે. અને ન જાણે કેમ પણ એ કાવ્ય તારી ઉંઘ સાથે અજબ રીતે સંકળાઇ ગયું. તને ઘોડિયામાં હીંચોળતી હું કેટલાયે કાવ્યો લલકારતી રહેતી. ગાતા ભલે ને સારુ નહોતું આવડતું પણ છતાં હું સતત ગાતી રહેતી. અને તું જાણે હું લતા મંગેશકર હોઉં અને ગાતી હોઉં..તેમ સાંભળતી રહેતી. કેટલાંયે જોડકણાં, હાલરડાં અને કાવ્યોની અખૂટ ધારા વહેતી રહેતી. તું કંઇ ન સમજતી અને છતાં મને થતું કે તું બધુ સમજે છે.! ઘોડિયામાં સૂતાં સૂતાં તું સૂવાનો ડોળ કરી લુચ્ચુ હસતી..ત્યારે મને યશોદામા અચૂક યાદ આવતા.અને સાથે યાદ આવતી આ પંક્તિ ” પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી; મૃદુ,મલિન મ્હોમાં, બ્રહ્માંડો અનેક અવલોકતી. ”

શિશુની આંખમાં બ્રહ્માંડ જોવા, અનુભવવા માટે એક મા ની દ્રષ્ટિ જોઇએ. તારી આંખો બંધ થાય..એટલે તું સૂઇ ગઇ માની હું ગાવાનું બંધ કરતી. અને બીજી જ મિનિટે તું ઘોડિયામાં બેઠી થઇ ખોયાની બંને સાઇડ પકડી ને ટગર ટગર મારી સામે જોઇ ડીમાન્ડ કરતી હોય તેમ જોઇ રહેતી. અને બે મિનિટ રાહ જોઇને જો હું મારો લલકાર શરૂ ન કરું તો તું તારી ભાષામાં કહેતી. અર્થાત્ રડવાનું ચાલુ કરી દેતી. ને હું ગમે તેટલી થાકી ગઇ હોઉં તો યે મારું ગાવાનું ચાલુ થઇ જાય ! અને તું સંતોષ પામી..” હં હવે બરાબર..” નું સ્મિત કરી ધીમેથી સાચવીને પાછી ઘોડિયામાં લંબાવી દેતી..!

પછી થોડું બોલતા શીખી ત્યારે તો ઉંઘ આવે ત્યારે અચૂક “ મીઠી..” એટલું બોલતી. અને મારે સમજી જવાનું કે તને ઉંઘ આવે છે. અને મારે હવે એ કાવ્ય ગાવાનું છે..! આ વાત તો તું આજે યે યાદ કરે જ છે ને ? આજે યે હોસ્ટેલમાંથી ફોન પર પણ તેં કેટલી યે વાર રાત્રે મારી પાસે ‘ મમ્મી, મીઠી ગા ને..આજે ઉંઘ નથી આવતી..’ કહી ને ગવડાવ્યું છે. પપ્પા ફોનનું બીલ ભરતા રહેતા અને આપણે મા દીકરી ” મીઠી ” ગાતા રહેતા.

મને ડર છે કે પછી ખાત્રી છે કે લગ્ન કરી ને તું અમેરિકા જઇશ ત્યારે યે કયારેક અચાનક તારી ફરમાઇશ આવશે જ કે ‘ મમ્મી, મીઠી ગા ને..’ અને શુભમ બીલ ભરતો રહેશે...!

“ માઇલોના માઇલો નું અંતર ખરી પડે.... જયાં અંતરનો સેતુ નિરંતર.”

અને ત્યારે આપણી વચ્ચેનું માઇલોનું અંતર પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડશે અને ફરી એકવાર આપણું મા દીકરીનું આગવું ભાવવિશ્વ રચાઇ જશે..સાત સાગરની પાર. કેવી કેવી કલ્પનાઓ મન કર્યા કરે છે નહીં ? હાલરડા...કદાચ આપણી સંસ્કૃતિનું આગવું પ્રતીક છે. બાળ શિવાજીને હાલરડા સુણાવી ભવિષ્ય માટે તૈયાર કરતી માતા જીજાબાઇનું સ્મરણ આજે સહેજે થઇ આવે છે.

આભમાં ઊગ્યો ચાંદલો ને જીજીબાઇને આવ્યો બાળ,

બાળુડાને માતા હિંચોળે, ધણણણ ડુંગરા બોલે, શિવાજીને નીંદરુ ના આવે, માતા જીજીબાઇ ઝૂલાવે ” આ ભાવવાહી હાલરડું ઇતિહાસમાં એક સ્થાન બનાવી ચૂકયું છે. બાળ શિવાજીને ગર્ભમાંથી જ સંસ્કાર આપતી, આવનાર ભવિષ્ય માટે તૈયાર કરતી, માતા જીજાબાઇનું નામ ઇતિહાસકારો આદરપૂર્વક લે છે. આજે વિજ્ઞાન પણ કહે છે. બાળકના સંસ્કાર..તેની શીખવાની શરૂઆત માતાના ગર્ભમાંથી શરૂ થઇ જાય છે. ( અને હવે તો ઘણી જગ્યાએ સગર્ભા સ્ત્રીને આ માટે રીતસરની ટ્રેનીંગ આપવામાં આવે છે. કેમકે માતાના વિચારોની અસર બાળક પર ગર્ભમાંથી પડે છે. એ સાબિત થઇ ચૂકયું છે. ) મહાભારતમાં બાળક અભિમન્યુ માતાના ગર્ભમાં હતો ત્યારે જ ચક્રવ્યુહના છ કોઠા શીખીને જન્મેલ..તે વાતથી આપણે કોઇ અજાણ નથી જ. એટલે હાલરડા સાંભળતું બાળક કંઇ નથી સમજતું એમ કેમ કહી શકાય ? હા, બની શકે કે પછી ભવિષ્યમાં એને એ મુજબના ખાતર, પાણી અર્થાત વાતાવરણ ન મળે તો એ બધું વિસરાઇ જાય.

માતાના અવાજને બાળક ચોક્કસ ઓળખે જ છે. એ અવાજ કદાચ એના અજ્ઞાત મનમાં સુરક્ષાની ભાવના ઉત્પન્ન કરે છે. એ અવાજ માતા પોતાની આસપાસ છે એનો અહેસાસ બાળકને કરાવે છે. એટલે જ બાળક સમજતું હોય કે નહીં..પણ એને ગીત, સંગીત ગમે છે. અને સંગીતની અસર વૃક્ષ પર પણ થતી હોય તો ચૈતન્યથી ભરપૂર, પરમના અંશ સમાન બાળક પર કેમ ન થાય ? માતાના કંઠે ગવાતા હાલરડામાં છલકતો ઉત્સાહ બાળક ચોક્કસપણે અનુભવી શકે છે. શિશુને પોઢાડતી દરેક મા એ કંઇક ગાયું કે ગણગણ્યું જ હશે. હાલરડાના એ શબ્દો મા ના અંતરના ઉંડાણમાંથી પ્રગટ થાય છે. એ સામાન્ય શબ્દોમાં ભાવનાનો અર્ક ભળેલ હોય છે. અને તેથી જ એ અવિસ્મરણીય બની દરેક બાળકની યાદ સાથે જોડાઇ જાય છે. એ શબ્દો વહાલના પ્રતીક બની રહે છે. જેમ તારે માટે “ મીઠી ” શબ્દ વહાલનો...લાડનો પર્યાય બની ગયો છે.

કેટકેટલી સ્મૃતિઓ માનસ પટ પર છલકાય છે...શું યાદ કરું ને શું ભૂલું ? તારા લગ્નની કલ્પના કરું કે તારા શૈશવની ગલીઓમાં યાદોને સહારે ઘૂમુ ? આ બધું શું કામ લખુ છું..એ યે આજે અત્યારે તો ખબર નથી. બસ છલકાઉ છું ..એટલે શબ્દો સરતા જાય છે. કોઇ સભાનતા વિના..

આ કંઇ મારી એકની વાત નથી. દુનિયાની દરેક સ્ત્રીના આંતરમનની આ લાગણી છે. દરેક મા દીકરીનું આ વ્યકત કે અવ્યક્ત ભાવવિશ્વ છે. વહાલનો દરિયો સેતુ બનીને માતા પુત્રી વચ્ચે ઘૂઘવતો રહે છે. કોઇ ઓટ વિના. અહીં તો છે ફકત ભાવોની ભરતી, લાગણીના સતત ઉછળતા મોજા....એ કયારેક ન દેખાય તો પણ હાજર હોય જ.! ઉપરથી સૂકી દેખાતી નદી ને પણ ખોદો તો એની ભીનાશ અકબંધ હોય જ. એમ ઘણીવખત સંજોગોને લીધે ઉપરથી શુષ્ક જણાતા મા કે દીકરીના અંતરના ઉંડાણમાં તો લાગણીનો અખૂટ ઝરો વહેતો જ રહે છે.

નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇ ના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.

હકીકતે તારા ફોનની રાહ જોઇ ને બેઠી છું. આંખોમાં ઉંઘ નથી એટલે હાથમાં ફરી એકવાર ડાયરી લઇને બેઠી છું. અને મનમાં જે ભાવો ઉઠે તેને શબ્દદેહ આપુ છું. આજે શું કર્યું શુભમ સાથે ? કયાં ફર્યા ? શું વાતો કરી ? મને ખબર છે કે મને વાત કર્યા વિના તને યે ઉંઘ નહીં જ આવે. અને મને તો આવવાનો સવાલ જ નથી. બસ..હવે કાલે વાત.

પપ્પા જાણી જોઇને તારી કોઇ વાત મારી પાસે કાઢતા નથી . કેમકે એને ખબર છે કે હું રડીશ. એ પણ તને એટલી જ યાદ કરે છે. જો કે પુરૂષ હમેશા પોતાની લાગણી જલ્દી વ્યકત નથી કરતો કે નથી કરી શક્તો.. પણ હું જાણુ છું...અનુભવુ છું. પપ્પાનું મન પણ છલકાઇ રહ્યું છે. ફકત આંખો જ મારી જેમ નથી છલકતી. દરેક દીકરીની જેમ તું પણ પપ્પાની ચમચી રહી ને ! તારી કિલકારી તો કેટલે દૂરથી પણ પપ્પા સાંભળી શકે છે. દીકરી હમેશાં બાપની સંવેદનાને અનાયાસે વધુ ઉજાગર બનાવે છે. વહાલને એક વિશિષ્ટ અર્થ દીકરી દ્વારા મળે છે.

મારી જેમ જ કયા માતા પિતા પાસે આવા કોઇ ને કોઇ સંસ્મરણો નહીં હોય ?

“ હૈયાના ઝાડવાને મૂળિયાં અનેક, એને ખોદો તો નીકળે પરભવમાં ઠેઠ.

“ તું સારી પત્ની, સારી વહુ, સારી માતા, સારી ભાભી વિગેરે જરૂર બનજે...પણ સારી સ્ત્રી બનવાનું ચૂકીશ નહીં. તું વસ્તુ નહીં..પણ વ્યક્તિ છો. તારું ગૌરવ જરૂર જાળવી રાખજે. પરંતુ આત્મ સન્માન અને અભિમાન વચ્ચે બહું બારીક અને અદ્રશ્ય ભેદરેખા હોય છે. એ ભેદરેખાને પારખતા શીખજે. અહંકાર હમેશાં બંને પક્ષે વિનાશકારક જ બની રહે છે. પતિની આગળ કે પાછળ નહીં..પણ પતિની સાથે ચાલી રહેજે. તને મિત્ર પતિ મળ્યો છે. ત્યારે સાચા અર્થમાં તમ પતિ પત્ની વચ્ચે મૈત્રીનું આકાશ વિસ્તરી રહે.. અક્ષુણ્ણ મૈત્રીનો દીપ તમારી વચ્ચે પ્રજવલિત રહે એ પ્રાર્થના.......અને મૈત્રી એ પિંજર નહીં.....ખુલ્લું.....મુકત આકાશ છે એ ભૂલીશ નહીં. તમારી મિત્રતાનું વર્તુળ સદા વિસ્તરી રહેશે...એ શ્રધ્ધા સાથે. ”

“ પ્રેમ થકી મૈત્રી બંધાતી, ચાલી પગલા સાત; પ્રેમશૂન્ય છે સાવ નકામો, જીવન નો સંગાથ. ”

  • પ્રકરણ - 3
  • અન્યના ઘરમાં રણકતું દીકરીનું ઝાંઝર.
  • બારમાસી વાદળી, હેતે ઝરમરતી, વરસતી બારે ય માસ.

    મારી લાડલી..ઝિલ,

    કાલે તારો ફોન બહુ મોડો આવ્યો. તમે બંને પિકચર જોવા ગયા હતા..એટલે મોડુ થઇ ગયું. શુભમે તને કહ્યું પણ ખરું કે હવે આટલો મોડો ફોન કરી ને મમ્મીની ઉંઘ ન બગાડ. કાલે સવારે વહેલો કરી લેજે. પણ તને ખબર હતી કે મમ્મી ને ત્યાં સુધી ઉંઘ નહીં જ આવી હોય.! મમ્મી રાહ જોતી જ હશે..અને તું સાચી હતી. ‘મમ્મા....,’ ઉત્સાહથી છલકાતો તારો અવાજ ન સાંભળુ ત્યાં સુધી ઉંઘ કેમ આવે ? અને તારી વાતો સાંભળી મને નિરાંત થઇ. આમ તો મને શુભમ ના સ્વભાવની ખબર છે જ. છતાં તારી પાસેથી સાંભળી ને મનમાં એક સંતોષ થાય છે. તું સંવેદનશીલ છે. અને તારી સંવેદનાઓને સમજી શકે તેવો સાથી તને મળ્યો છે એનો આનંદ છે. બસ..તારો ફોન આવી ગયો. હવે મને નિરાંત. હવે તું તારી મીઠી કલ્પનાઓમાં ..મનગમતા સાથી સાથે નવજીવનના સ્વપ્નાઓમાં ને હું ...હું..ફરી એકવાર તારી સાથે યાદોની કુંજગલીઓમાં ... ” આજ અમે બધું સંભારવા બેઠા...પાનખરે લીલી વસંતને ખોળવા બેઠા.” આજે યે મને યાદ છે. તું કળીની જેમ ખીલતી જતી હતી. કેટકેટલા તારા નામ અમે પાડતા..જૂઇ, ચંપાકલી. ચંપુ (અને મૉટી થતા ચંપુ ચાગલી..! )સોનુ, બિટ્ટુ. લાડલી, મીઠી ...મન પડે એ નામે બોલાવીએ તો યે તને સમજાઇ જાય કે આ મને જ કહે છે..અને તું તરત સામે જોઇ મીઠુ હસી દેતી. આ હાસ્યની તોલે કંઇ આવી શકે ખરું ? પપ્પા તો રાત્રે ફળિયામાં ફરતા ફરતા તને બે હાથમાં લઇ ચાંદા મામા અને તારલાઓ બતાવ્યા કરે. ને વાતો કર્યા કરે..ને તું જાણે બધું સમજતી હોય તેમ હોંશથી સાંભળતી રહે. તારી પાણીદાર આંખો ચમકતી રહે. અને એ ચમક પાસે ચાંદ.... તારા.. યે અમને ફિક્કા લાગતા.

    હું ઘણીવાર પપ્પાની મસ્તી કરું કે તમારી દીકરી હજુ છ મહિનાની છે. એ યાદ છે ને ? આ તમારું ભાષણ એ સમજવાની છે ? ’પપ્પા કહેતા ’ એ સમજે કે ન સમજે હું તો મારી દીકરી સાથે વાત કર્યાનો સંતોષ લઉ છું ને.! ‘ આજે યે પપ્પા આવે ને તારી આંખોમાં એક ચમક આવી જાય છે એના મૂળ કદાચ આ હશે.! તારી સાચી ખોટી બધી જીદ પપ્પા હોંશે હોંશે પૂરા કરતા. એમાં મારી ના પણ કયાં ચાલતી ? મને યાદ આવે છે. તું ચાલતા શીખી એ દિવસ..... શિશુ પ્રથમ પગલું ભરે એ મારી જેમ પ્રત્યેક મા માટે એક સંભારણું બની રહે છે. એની આંખોમાં અને અંતરમાં એ દ્રશ્ય હમેશ માટે અંકિત થઇ જાય છે. અને કયારેક એકલા એકલા પણ એ યાદો સાથે મલકાઇ જવાય છે.

    એ દિવસે પ્રથમ વાર રણકેલ તારા ઝાંઝરના છમછમ અવાજે અમારું વિશ્વ ગૂંજી ઉઠેલ. તું એક પગલું માંડતી. .વળી ગબડી પડતી. અને ફરી એકવાર પ્રયત્ન કરવા ઉભી થઇ જતી. અને અંતે ચાલી ને દૂર મૂકેલ રમકડા સુધી પહોંચી જ જતી.અને કેવા વટથી, ગૌરવથી અમારી સામે જોઇ રહેતી. કંઇક મૉટી સિધ્ધિ મેળવી લીધી હોય તેમ.! બેટા, જીવનના ચડાવ ઉતાર પણ આમ જ પાર કરતી રહીશ..એની ખાત્રી છે. અને ત્યારે વટથી તારા તરફ જોવાનો વારો અમારો હશે. અને અમે એ ગૌરવ માણી રહીશું.

    યાદ છે ને એલીનોર પોર્ટરનું પુસ્તક “ પોલીએના. “ ( રશ્મિબહેન ત્રિવેદીએ એનો સુંદર અનુવાદ ગુજરાતીમાં પણ કરેલ છે .) આપણે સાથે કેટલીયે વાર વાંચેલ છે. અને મેં તો મારા બધા વિધાર્થીઓ પાસે પણ અવારનવાર આ પુસ્તકની વાત કરેલી છે. અને અખંડ આનંદ મેગેઝિનમાં પણ આ પુસ્તકનું રસદર્શન એટલે જ કરાવેલ..કે આ તો વાંચી ને વહેચવા જેવો ગુલાલ છે..શ્રી મકરંદ દવે ના કહ્યા મુજબ ગમતું મળે તો એને ગૂંજે થોડું ભરી રખાય છે ? જીવન પ્રત્યે સતત હકારાત્મક અભિગમ નો સંદેશ આપતું આ પુસ્તક મને ખૂબ પ્રિય છે. અને હું તો માનુ છું દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ જોઇએ. એક વાર નહીં અનેકવાર...વારંવાર...! દસ વરસની માસુમ છોકરી પોલીએના નો જીવન તરફનો અભિગમ તો જુઓ.! ..

    1 ..આપણી પાસે કપડા વધારે ન હોય તો..?.. બધું જલ્દી ગોઠવાઇ જાય. 2...ફૂલો જલ્દી કરમાઇ જાય છે..તો જ બીજા તાજા નવા ફૂલો જલ્દી લઇ શકાય ને? 3...પગ ભાંગ્યો છે તો....એક જ ભાંગ્યો છે ને ? હાશ ! બીજો તો સલામત છે.! 4 ...સોમવાર નથી ગમતો....તો બીજો સોમવાર આવવાને તો હજુ છ દિવસની વાર છે ને ? એમ વિચારીને ખુશ કેમ ન થઇ શકાય?

    કોઇ ભારેખમ શબ્દો વિના, કોઇ સલાહ સૂચનો વિના આવા કેટલા યે સુંદર ઉદાહરણોથી સભર આ પુસ્તક આપણને ગમે તેવા નિરાશાજનક સંજોગોમાં પણ કેમ ખુશ રહેવું એ “ રાજી રહેવાની રમત “ દ્વારા શીખવાડે છે. દરેક વાતમાંથી કંઇક રાજી થવા જેવું શોધી કાઢવું એ આ રમતનું હાર્દ છે.

    પોલીએનાને ..આ નાનકડી બાળકીને એકવાર ઢીંગલી જોઇતી હતી..તેના બદલામાં મળે છે તેને અપંગો માટેની કાંખઘોડી. અને હવે આમાં કેમ ખુશ થવું એ પોલીએના વિચારી શકતી નથી..ત્યારે એના પિતા એને કહે છે ‘ આ કાંખઘોડીની તારે જરૂર તો નથી..! એમ વિચારીને તું ખુશ ન થઇ શકે ? ’ અને બાળકી ખુશખુશાલ થઇ જાય છે. અને પછી તો તે નાનકડી છોકરી આ સુંદર રમતનો ચેપ કેટલા લોકોને લગાડી તેમના જીવનમાં કેવા સુંદર બદલાવ લાવે છે..તે લેખિકાએ સરસ મજાના પ્રસંગો દ્વારા દર્શાવેલ છે. ‘ અને આ રાજી રહેવાની આ રમત જેમ અઘરી તેમ રમવાની વધુ મજા આવે..’ આમ કહી પોલીએના દરેક વાતમાંથી ખુશ કેમ થઇ શકાય તે શોધી કાઢે છે. પોતે રમે છે અને બીજા ને પણ આ અદભૂત રમત રમતા કરી સૌના જીવનમાં ખુશહાલી ભરી દે છે. એનો અંત..યાદ છે ને ? પોલીએનાને અકસ્માત થાય છે. એ હમેશ માટે અપંગ થઇ જાય છે. અને થોડા સમય માટે તે આ “ રાજી રહેવાની આ રમત “ રમી નથી શકતી...અને ત્યારે આજ સુધી જે જે લોકોને તેણે ખુશ કર્યા હતા..તે લોકો તેની પાસે છલકતી ખુશી લઇને આવે છે. અને અંતે પોલીએના ફરી એકવાર એ રમત રમી શકે છે. અને શોધી કાઢે છે,’ હું કેમ ખુશ ન થઇ શકું ? મારે કયારેક તો પગ હતા ને ? ‘ અને એ ખુશખુશાલ થઇ જાય છે. અહીં વાર્તા પૂરી થાય છે. આવા પુસ્તકો કેવો સુંદર સંદેશ અનાયાસે, સહજતાથી આપી જાય છે. હકારાત્મક અભિગમનો સંદેશ આપતા ઘણાં પુસ્તકો વાંચેલ છે. પણ મને તો આ સૌથી સુંદર અને સહજ લાગ્યું છે. કોઇને પણ ભેટ આપવા માટે મને તો આ પુસ્તક ખૂબ ગમે છે.

    રાજી રહેવાની આ રમત હમેશા યાદ રાખજે, બેટા, તો જીવનમાં કયારેય નિરાશ નહીં થવાય. આવા સુંદર પુસ્તકો જીવનને સભર બનાવે છે. લીલુછમ્મ રાખે છે. “ books are our never failing friends” એનાથી તું કયાં અપરિચિત છો ? પાનખરને સામાન્ય રીતે પાંદડું ખર્યાની વેળા કહેવાય છે. પણ હકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ એને કૂંપળ ફૂટયાની વેળા જ કહે ને ? કોઇને ખરતું પર્ણ દેખાય કોઇને ફૂટતી કૂંપળ દેખાય. આપણું ધ્યાન હમેશ ફૂટતી કૂંપળ તરફ રહે તો જીવનમાં કયારેય નિરાશા કેમ પ્રવેશી શકે ?

    થોડી બીજી વાતે ચડી ગઇ ને ? પણ તું તો જાણે છે..પુસ્તકોની વાત આવે એટલે હું બધું ભૂલી જાઉ છું. તમે બંને દૂર હો છો ત્યારે એ જ તો મારા સાચા સાથી, સંગાથી બની રહે છે.

    ”સ્મરણોની કિતાબના આજે ખોલ્યા છે પાના, વીતેલા પ્રસંગો મહેકતા મળે છે છાનાછાના.”

    તે દિવસે તું ચાલતા શીખી અને પછી તો મારી જૂઇની કળી દિવસે દિવસે વિકસતી જતી હતી. રોજ પપ્પા ઓફિસેથી આવે ત્યારે પહેલો પ્રશ્ન એ જ હોય કે આજે ઝિલ નવુ શું શીખી. અને હું તારા નખરા કહેવા માટે ઉભરાતી હોઉં. જગતની બધી દીકરીઓ..બધા બાળકો આ બધું કરતા જ હોય છે. બધા નખરા શીખતા જ હોય છે. દરેક મા બાપના તેના બાળકને પૂછાતા સનાતન પ્રશ્નો..અમે યે પૂછતા. Where is your eyes ? અને એના જવાબમાં તું આંખો પટપટાવતી....અને એવા બધા પ્રશ્નોના જવાબ હજુ બોલતા ન શીખી હોવાથી તું તારા શરીરના અંગોને સ્પર્શ કરીને આપતી..અને અમે તો કેવા યે હરખાતા..જાણે અમારી દીકરી કેટલું યે શીખી ગઇ.! અને દરેક મા બાપની જેમ અમને યે એમ જ થતું કે ઓહો.. અમારી ઝિલ કેવી સ્માર્ટ ! જાણે દુનિયામાં અમારી એકની દીકરી જ હોંશિયાર ..અને બાકી બધા જાણે ભાજી મૂળા..! પણ કદાચ આ સ્વાભાવિક લાગણી હશે.. દરેક મા બાપ માટે. અને કદાચ એથી જ કહેવત પડી હશે કે ” સીદીભાઇને સીદકા વહાલા ”

    જો કે તું કંઇ સીદી જેવી જરાયે નહોતી હોં. તારો ગૌરવર્ણ જોઇને તો બધા તને જૂઇની કળી કહેતા. કે કોઇ ચંપાનુ ફૂલ કહેતા. અને અમે હરખથી ઢોળાઇ જતા..બા કહેતા કે ’ છોકરી ઉજળી છે. છોકરો સારો મળશે. આપણા વાણિયાભાઇની છોકરીઓ જેવી ઘઉંવર્ણી નથી. ‘ બા કાળી શબ્દ ન વાપરતા. ચણિયાચોલી પહેરી, હાથમાં ઘણી બધી બંગડીઓ અને પગમાં ઝાંઝર ઝમકાવતી તું પપ્પા સાથે હાથ પકડી ચાલવા નીકળતી ત્યારે ઘણાં તો ખાસ તને જોવા માટે બહાર નીકળતા. અને કોઇ મને હસીને કહેતા, ‘ તમારી ઝમકુડી નીકળી....’ અને હું હોંશે હોંશે મારી ઝમકુડીને નીરખી રહેતી.

    આજે મારી ઝમકુડી કોઇ બીજા ઘરમાં રણકી રહે છે. દરેક ‘ ઝમકુડી ‘ ને અન્યના ઘરમાં જઇ રણકવાનું છે. ઇશ્વર એ બધાનો રણકાર હમેશા ગૂંજતો રાખે. બસ..આંખ ને હવે વરસવાની ટેવ..કુટેવ પડી ગઇ છે. ધીમે ધીમે ટેવાતું જવાશે. આજે તો તમે તમારા કોઇ સગાને ત્યાં જમવા ગયા હતા ને ? કેવું વિચિત્ર લાગે છે.”.તારા સગા..” તારા ને મારા સગા જુદા પડી ગયા ? એક રાતમાં બિલાડીના ટોપની જેમ કેટલા સંબંધો ફૂટી નીકળ્યા નહીં ? આપણે ત્યાં એટલે જ કહેવાયું છે. સગાઇથી ફકત છોકરો છોકરી જ નથી જોડાતા..જોડાય છે બે કુટુંબ..! જોડાય છે બે અલગ માહોલ.! બે અલગ રીતે ઉછરેલ વ્યક્તિત્વો.! જેને એક થઇ ને સામંજસ્ય સાધવાનું છે. દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવાનું છે. પણ કેટલા જઇ શકે છે ? એક છોકરીમાં..સ્ત્રીમાં જ આ તાકાત...આ શક્તિ છે..બીજાને આટલી જલ્દીથી, સહેલાઇથી અપનાવી શકે..પારકાને પોતાના કરી શકે..! જયાં જન્મ લીધો...પ્રથમ આંખો ખોલી..મુકત મને મુકત વાતાવરણમાં ઉછરી...એ બધું છોડી.. એક નવી જવાબદારી સાથે અન્યને ઘેર જઇ સામંજસ્ય સાધવાનું કાર્ય આસાન નથી જ. અને છતાં સ્ત્રી ના જીવનમાં આ સદીઓથી એટલી સહજ રીતે વણાઇ ગયું છે..કે કોઇ ને આ વાત અઘરી નથી લાગતી..કોઇને આમાં કંઇ નવું નથી લાગતું. જયાં જશે ત્યાં પ્રેમ મળશે કે કેમ ? લાગણી મળશે કે કેમ કોઇ ખાત્રી ખરી ? જેને ભાગ્ય માની સ્વીકારેલ છે..એ એને લાયક હશે કે કેમ ? કેટકેટલા પ્રશ્નો ? જેનો કોઇ ચોક્કસ જવાબ નહીં. અને છતાં દરેક છોકરી હોંશે હોંશે જાય છે. પ્રેમાળ માતા પિતાને છોડી ને જાય છે. પોતાના આગવા વિશ્વમાં તેનું આ પ્રયાણ સુખરૂપ બની રહે. એ પ્રાર્થના જ કરવાની રહી ને ?

    આજે તો તારી આંખોમાં શમણાઓ ગુલમહોર થઇ ઉગે છે. એ શમણાઓ સૌ સાકાર બનો. જીવનમાં એ રંગો ખીલી ઉઠે.. એ આશિષ સાથે ..આજે આટલું જ. હવે કાલે મળીશું ને ? તારા લગ્ન થાય ત્યાં સુધી રોજ શબ્દોના સહારે મારી આ ડાયરીના પાનાઓમાં હું તને મળતી રહીશ કદાચ તારી જાણ બહાર.

    ” શમણામાં ચૂંટેલું મોગરાનું એક ફૂલ, પાનેતર પહેરે પરોઢમાં...”

    “ બેટા, દરેક પુત્રી સાસરે જાય છે ત્યારે આંખમાં અગણિત સપનાઓ હોય છે. ભાવિ જીવનની મધુર કલ્પનાઓ હોય છે. સામે પક્ષે દરેક સાસુને પણ દીકરાને પરણાવવાની હોંશ....ઉમળકો હોય છે. બેમાંથી કોઇ પક્ષ કયારેય એવું વિચારીને નક્કી કરતા નથી હોતા કે વહુને દુ:ખ દેવું, કે સાસુને હેરાન કરવી..કોઇ ના મનમાં પહેલેથી એ વાત કયારેય નથી હોતી..અને છતાં...છતાં અગણિત કિસ્સાઓમાં એવું બનતું આપણે જોઇએ છીએ કે સાસુ, વહુ વચ્ચે એ મીઠાશ જળવાઇ રહેતી નથી. કારણો એનાં ઘણાં હશે.....દરેક માટે અલગ અલગ હશે..પરંતુ બંને પક્ષ થોડી સમજદારી દાખવે તો સાસુ, વહુ વચ્ચે ઉભા થતાં ઘણાં પ્રશ્નો સોલ્વ થઇ શકે. લગ્ન થાય એટલે ફકત પતિ સાથે જ સંબંધ..અને બાકી બધા પારકા..એ ભાવના કયારેય મનમાં ઊગવા દઇશ નહીં. જે દીકરાને વરસોથી સ્નેહથી મૉટો કરેલ છે..એ દીકરા પર શું વહુ આવે એટલે બધો અધિકાર એક મા નો જતો રહે ?

    વહુ આવે એટલે પોતાના અધિકારમાં કોઇ ભાગ પડાવે છે..એવું વિચાર્યા સિવાય સાસુ એ પણ હોંશથી આવનાર વહુને અપનાવવી જોઇએ જ. એ પોતાના માતા, પિતા બધાને છોડીને આવી છે.. તમારા વિશ્વાસે..ત્યારે એને સ્નેહથી અપનાવવી એ સાસુની ફરજ છે જ. એ નાની હોવાથી,.કયારેક કોઇ ભૂલ પણ થાય..તમારા અને એના કુટુંબનું વાતાવરણ અલગ હોય ..એ સ્વાભાવિક છે. ત્યારે વહુનું કોઇ વર્તન સાસુને યોગ્ય ન લાગે તો પાસે બેસાડી સ્નેહથી તેને તેની ભૂલ બતાવો..મનમાં કોઇ પૂર્વગ્રહ રાખ્યા સિવાય..સમજાવો..તો ઘરમાં જરૂર સંવાદિતા સધાઇ શકે.

    વહુ વિચારે કે મારો ભાઇ મારી મમ્મી સાથે આવું વર્તન કરે તો ? અને સાસુ વિચારે કે મારી પુત્રી સાથે કોઇ આવું વર્તન કરે તો ? જરૂર છે ફકત દ્રષ્ટિ બદલવાની. બસ.. “ તેજી ને તો ટકોર જ ને ? “

  • પ્રકરણ - 4
  • દીકરીની આંખોમાં ઉગતું મેઘધનુષ...
  • આંખોમાં અચરજ, હોઠોમાં હાસ્ય, અંગઅંગ ઉજાસ.

    વહાલી ઝિલ, આજે શુભમ અને “ તારા ” ઘરના બધાને આપણે ઘેર જમવાનું કહ્યું હતું. કેવું વિચિત્ર લાગે છે..! “તારું ઘર ”..તારું ને મારું ઘર જુદા કઇ ક્ષણથી થઇ ગયા ? શુભમે તારી આંગળીમાં વીંટી પહેરાવી ત્યારથી ? એ ક્ષણ શું આપણી જુદાઇની ક્ષણ હતી ? ( જોકે અહીં હું શારીરિક કે સામાજિક જુદાઇની વાત કરું છું. ) અને મારા મનમાં રણકી ઉઠી કયાંક વાંચેલ આ પંક્તિ...પૂરી તો યાદ નથી. પણ કંઇક આવું હતું.

    “ ખોળો વાળી ને હજી રમતા’તા કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઉતર્યા....આમ પાનેતર પહેર્યું ને.. પરદેશી પંખીના ઉઠયા મુકામ. ”

    જો એ જુદાઇની ક્ષણ હોય તો યે મંગલમય કેમ લાગતી હશે ? દરેક પુત્રીને અને દરેક માને પણ..! આપણી સંસ્કૃતિના મૂળ કેટલા ઉંડા હશે ! આ કપરી ક્ષણની પણ દરેક મા બાપ આનંદથી રાહ જોતા હોય છે. દીકરીના તુલસી કયારાને અન્યના આંગણામાં રોપવાની..એને લીલોછમ્મ બની ત્યાં ખીલવાની..પ્રતીક્ષા કદાચ જાણ્યે અજાણ્યે દીકરીના જન્મની સાથે શરૂ થઇ જતી હશે. હે ઇશ્વર, દરેક દીકરીનો એ તુલસી કયારો લીલોછમ્મ રહે એ પ્રાર્થના આજે વિશ્વની સમસ્ત પુત્રી માટે અંતરમાંથી વહે છે.

    “ દીકરી ના સાપનો ભારો, દીકરી ના કોઇ ઉજાગરો; દીકરીનો સ્નેહ છે ન્યારો, દીકરી તો તુલસી કયારો. ”

    તે દિવસે..તારા સાસુ, સસરા અને શુભમની હાજરીમાં તું કેવું સરસ ધીમે ધીમે બોલતી હતી.! હું તો સાંભળતી જ રહી ગઇ..! આ તો મારું શીખડાવેલ નથી. કયાંથી..કયારે શીખી ગઇ મારી દીકરી આ બધું ? પ્રકૃતિનું કયું અગોચર તત્વ આવી ને તેના કાનમાં ફૂંક મારી ગયું ? દરેક છોકરીમાં આપમેળે આ સમજ કયા પાતાળમાંથી ફૂટી નીકળતી હશે ? ‘ મમ્મી, થોડું લો ને...’ અરે વાહ..! હું તો જોઇ જ રહી..! પરમ આશ્ર્વર્યથી..

    “ કોઇ એકની નજર ફરી અને ...આ આખું યે અસ્તિત્વ બદલાયું છે. ”

    સાચું કહું....? મને તો હસવું આવતું હતું. મારી બેટી કેવી ડાહી થઇ ગઇ છે !

    બાકી મારી પાસે તો રોજ કેવા યે નખરા કરતી અને કરાવતી હોય છે..! તારી અને મારી આંખો મળી..બંને ધીમું મલકયા..કોઇને યે ખબર ન પડે તેમ..! એ એક ક્ષણમાં રચાયેલ આપણું ભાવવિશ્વ કોઇ ને યે સમજાય તેમ નહોતું. બાકી આજે યે હું કંઇ તારા એ નખરા ભૂલી તો નથી જ.! ત્યારે તને ખવડાવવા માટે મારે..અમારે કેવા જાતજાતના નાટક કરવા પડતા હતા..વાર્તાઓ કરવી પડતી હતી. દૂધનો ગ્લાસ લઇને પાછળ પાછળ ફરવું પડતું. એ દ્રશ્યો તને આ રૂપે જોઇને અનાયાસે મારી અંદર ફરી એક્વાર ઉગી નીકળ્યા.

    ગ્લાસમાંથી દોડી દોડીને એક ઘૂંટડો ભરીને પાયલ છમકાવતી ..ભાગી જતી તું..અને આંખો બંધ કરી બોલતી હું, ‘ ઝિલ, જો તું દૂધ પી ન જતી હોં..મીની માસી આવી ને પી જાય છે...અને મને “ ઉલ્લુ ” બનાવી ખુશ થતી તું દૂધ ગટગટાવી જતી....અને મારી સામે જોઇને વટથી ઉભી રહેતી..અને મારે કહેવાનું કે .’લે,મીની દૂધ પી ગઇ ? ‘ અને તું મને તારું દૂધવાળુ મોં બતાવી રહેતી. આજે શુભમને વિવેકથી દૂધનો ગ્લાસ આપી રહેલ તને જોઇને હું આ મીઠી યાદોથી મલકી ઉઠું છું. દરેક દીકરી મા પાસે આવા નખરા કરતી જ રહેતી હોય છે ને ?

    સમય કયારે અતીત બની સરી ગયો...નજર સામે તું મોટી થઇ..અને છતાં કયારે મૉટી થઇ એ ખબર ન પડી. દરેક દીકરીની મા ને આવું જ થતું હશે ને ? કોઇને ખબર નહીં પડતી હોય ને ? કોઇ શબ્દોમાં વ્યકત કરી શકે... કોઇ નહીં..પણ અનુભૂતિ તો દરેકની આ જ હોતી હશે ને ? દરેક મા ખાસ કરી ને જીવનસંધ્યા એ.. જ્યારે દીકરી દૂર હોય ત્યારે આમ જ છલકતી હશે ને ? અને કયારેક આંખમાંથી બે બુંદ ટપકી પડતા હશે. એ ખારા બુંદ કોઇ શબ્દોના મોહતાજ થોડા હોય છે ?

    આજે પપ્પાને મૂકીને તું શુભમ સાથે આનંદથી હોંશથી જાય છે. પણ તે દિવસોમાં તો પપ્પાને ઓફિસે જવું હોય તો તારી હાજરીમાં કયારેય જઇ શકતા નહીં. તારા રુદનથી ગભરાઇને હું તને દૂર લઇ જાઉં પછી જ પપ્પા ઓફિસે જવા નીકળી શકતા. પપ્પાની તું ચમચી હતી ને.! અને તારું જોઇને મીત પણ પછી એવું જ કરતો. યાદ છે એ દિવસ ? એકવાર પપ્પાને બહારગામ જવાનુ હતુ. મીત ને મજા નહોતી આવતી. એને પક્ષીઓ જોવા બહુ જ ગમતા. તેથી તે દિવસે એનું ધ્યાન બીજે દોરવા તું એને કહેતી હતી.,’ ભઇલા, જો કાગડો...’ બાજુમાં આવી ને બેસેલ કાગડો બતાવતા તેં એને કહ્યું. અને કેવી યે નિર્દોષતાથી ત્રણ વરસનો મીત રોતલ અવાજે બોલી ઉઠેલ,’ કાગડા કરતાં તો મને પપ્પા વધારે ગમે છે..!’

    અને હું ખડખડાટ હસી પડેલ. અને આજે યે આપણે કહીએ છીએ ને કે મીતને પપ્પા કેટલા ગમે ? ‘ કાગડા કરતાં વધારે..! ‘ અતીતના એ મીઠા સ્મરણોથી આજે અમારી દુનિયા લીલીછમ્મ બની ઉઠે છે. જીવનસંધ્યાએ દરેક મા બાપ પાસે રહેલ આ અમૂલ્ય ખજાનો તેમના જીવનમાં મીઠાશ ભરી રહે છે. આજે તારી આંખોમાં ઉગતા મેઘધનુષને હું આનંદથી માણી રહું છું. દીકરીનું હાસ્ય માના ભાવવિશ્વને કેવો ઉજાસ અર્પી રહે છે.!

    શૈશવની એ સરળતા, એ મધુરતા, એ સહજતા કયા બાળકની માએ નહીં અનુભવ્યા હોય ? એટલે જ કદાચ “ મૂછાળી મા ” શ્રી ગિજુભાઇએ કહ્યું હશે કે ” બાળક એ ઇશ્વરે માનવજાત પર લખેલ પ્રેમપત્ર છે. ” જો કે એ પ્રેમપત્ર વાંચવા... માટે ઉકેલવા માટે, આપણે પૂરતો સમય આપીએ છીએ ખરા ? આપણી આંખો છાપાના અક્ષરો વાંચી શકે છે. સૂડોકુની પઝલો ઉકેલી શકે છે. પણ શિશુની આંખમાં છલકતું વિસ્મય વાંચવાનો એની પાસે સમય છે ખરો ? બાળકની આંખમાં ડોકાતા પ્રશ્નોને એ ઉકેલવાનો પ્રયત્ન કરે છે ખરો ? વાર્તાની અવેજીમાં આઇસ્ક્રીમ કે સમયની અવેજીમાં બાળક ને અપાતી ચોકલેટ...માતા પિતાના સ્નેહના વિકલ્પ બની શકે ખરા ?

    યાદ છે ? તારી સાથે જ ભણતો પેલો રોનિત ? તેની મમ્મી કંપનીમાં નોકરી કરતી. રોનિત એકવાર ખૂબ બીમાર હતો. હોસ્પીટલમાં દાખલ કરેલ અને લોહી ચડાવવું પડે તેમ હતું..ત્યારે તેની મમ્મી આપણને આવી ને કહી ગઇ હતી રોનિતનું ધ્યાન રાખવા માટે. જેથી પોતાની રજા “ ખોટી રીતે ” ન બગડે. ! તેના પપ્પા પણ કંપનીમાં મોટી પોસ્ટ પર હતા. પૈસાની કોઇ જ જરૂરિયાત...કોઇ મજબૂરી નહોતી...છતાં.....અને મમ્મીએ રજા ન લીધી એટલે ગુસ્સે થઇ ને તેના પપ્પાએ પણ રજા ન લીધી.! અને રોનિત પાસે આખો દિવસ હું બેઠી હતી. ત્યારે રોનિતે મને કહેલ શબ્દો આજે પણ હું ભૂલી શકી નથી .’ આંટી, તમારે પણ કામ હોય તો જજો હો.! હું તો રોજ એકલો જ રહું છું .મારા માટે કોઇને સમય કયારેય હોતો જ નથી.’ બાર વરસના રોનિત ની વાતનો મારી પાસે કોઇ જવાબ કયાં હતો ?

    તું હમેશા રોનિત કેવો તોફાની છે..અને કલાસમાં બધાને કેવી રીતે હેરાન કરે છે તે મને કહેતી રહેતી. પણ નાનપણથી બાળકની પ્રેમની જરૂરિયાત ન સંતોષાય ત્યારે બાળક બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટે ઘણીવાર આવા તોફાનો કરતા હોય છે. બાળકની કે કોઇ પણ માનવની કદાચ સૌથી મોટી જરૂરિયાત છે પ્રેમ. માણસ ભાવનાનો ભૂખ્યો છે..મુઠ્ઠી જેવડા હ્રદયને લાગણીની ભૂખ સતાવતી જ રહે છે. કોઇ પોતાને ચાહે અને સમજે...દરેક માનવીની આ મૂળભૂત ઝંખના રહે છે. નાનકડા...અણ સમજુ શિશુથી માંડી...જીવનના અંતિમ તબક્કે પહોંચેલ વૃધ્ધ વ્યક્તિમાં પણ હૂંફ મેળવવાની આ એક સનાતન આરઝૂ છે. પણ આજે કેરીયર પાછળ સતત દોડતા રહેતા માતા પિતા શૈશવમાં બાળકને પૂરતો સ્નેહ કે સમય નથી આપી શકતા. અને પછી આ બાળકો મોટા થઇ ને જયારે માતા પિતાને સ્નેહ, સન્માન ન આપી શકે ત્યારે તેઓ ફરિયાદ કરતા રહે છે. આજે વૃધ્ધાશ્રમો છલકતા રહે છે..એના ઘણાં કારણો છે..હશે..પરંતુ એમાનું એક કારણ આ પણ છે જ. અને કેટલાયે બાળકો આવા કોઇ કારણસર મોટા થઇ ને સમાજ માટે બોજારૂપ બની રહે છે. અપરાધી બની રહે છે. કોઇ બાળક અપરાધી તરીકે થોડું જનમ્યું હોય છે ? અપરાધી બનવાના કારણો એને એની આસપાસના વાતાવરણમાંથી જ મળતા હોય છે.

    જોકે ઘણીવાર પેટની આગ બૂઝાવી શકવાની પણ અસમર્થતા હોય ત્યારે મા બાપ મજ્બૂર બની જતા હોય છે. સંજોગોની....મજબૂરીની ચક્કી માં પીસાતા માતા પિતાની વાત અલગ છે. તેમના પ્રશ્નો અલગ છે.

    અને દુનિયામાં કેટલાયે બાળકોને બે ટંક પૂરતું ભોજન પણ નથી મળતું. એ વાસ્તવિકતા પણ આપણી નજરે રોજ ચડે જ છે ને ? અને આપણે એ બધા દ્રશ્યોથી એવા તો ટેવાઇ ગયા છીએ કે આપણી સંવેદનાને એ ખલેલ સુધ્ધાં કયાં પહોંચાડે છે ?

    તમે બધા તો બેટા, નશીબદાર છો. પણ દુનિયામાં આવા કમનશીબ બાળકોની સંખ્યા તમારા કરતા અનેકગણી છે..એનું શું ? આભ ફાટેલ હોય ત્યારે થીગડું દેવાની સમર્થતા કયાંથી લાવવી ? જોકે આ કંઇ જવાબ નથી જ. મનનું બહાનુ માત્ર છે. સોમાલિયાના બાળકોના દારૂણ ચિત્રો જોયા પછી યે માનવી કયારેય એવું વિચારી શકે છે કે આખો સમાજ અઠવાડિયામાં એક ટંક પણ ભોજન છોડી કેટલા માસૂમ ની જિંદગીઓ બચાવી શકે ? પણ આપણે તો માત્ર ચર્ચા જ કરીએ છીએ....એ કડવી વાસ્તવિકતાનો ઇન્કાર થઇ શકે તેમ છે ખરો ?

    અને છતાં વિશ્વના કોઇ ખૂણાઓમાં ધૂણી ધખાવીને, મૂક રહી ને બાળકો માટે કાર્ય કરતા માનવીઓ પણ છે જ. જેની સુવાસથી કંઇક ના જીવનબાગ ખીલી રહ્યા છે. એ અજાણ માનવીઓને સલામ.

    હમણાં શ્રાવણ મહિનો ચાલે છે. ભક્તિની જાણે સીઝન આવી છે. ધાર્મિકતાનો ઉછાળ આવ્યો છે. મંદિર અને ભગવાન પણ પ્રોફેસનલ બની ગયા દેખાય છે. ઇશ્વરને યે આજે મણમણના તાળાઓની જરૂર પડે છે. કમાન્ડોની...ચોકીદારોની ચોકીની જરૂર પડે છે. આખા વિશ્વની ચોકી કરતો ઇશ્વર ખુદ કેદખાનામાં પૂરાઇ ગયો છે. મંદિરનો બીઝનેસ આજે વિકસતો જાય છે. મંદિરની ભવ્યતા વધતી જાય છે. આજે લોકો મંદિર..તેનો ભભકો, તેનું ડેકોરેશન જોવા જાય છે. મંદિર આજે પીકનીક પોઇન્ટ બની ગયું હોય તેવું અનુભવી શકાય છે. મંદિરે જનાર લોકોની સંખ્યા વધતી જાય છે. પરંતુ ઇશ્વરને મળવા જનાર માનવીઓ ઓછા થતાં જાય છે. આજે શ્રાવણ મહિનાની કૃત્રિમ ધમાલ જોઇને મન આવા વિચારોથી ઉભરાતું રહે છે. મહાદેવના મંદિરે દૂધના લોટાઓ અને હવે તો સીધી દૂધની કોથળીઓ શિવલિંગ પર ઢોળાતી જોઉ છું..અને મને મનમાં હમેશાં વિચાર આવે છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એને કયાં દૂધની ખોટ છે ? મંદિર બહાર ઉભેલ આ અર્ધભૂખ્યા છોકરાઓને આ દૂધ ન પીવડાવી શકાય ? તો ભગવાન વધુ પ્રસન્ન ન થાય ? “જન સેવા એ જ પ્રભુસેવા ” એ આપણે કેમ ભૂલી જઇએ છીએ ? અરે, આસ્થા ..કે શ્રધ્ધા માટે પ્રતીક રૂપે દૂધના એકાદ ટીપાનો અભિષેક કરી પછી એ દૂધ પ્રસાદ તરીકે કોઇ નાનકડા શિશુને ન પીવડાવી શકાય ? તો કદાચ શ્રી કરશનદાસ માણેક જેવા કવિને ગાવું પણ ન પડે કે..” એક દિન આંસુભીના રે હરિના લોચનિયા મેં દીઠા...” આપણે તો કવિને દેખાય છે તે આંસુભીના લોચન પણ કયાં જોઇ શકીએ છીએ ? વિચારોની ઘટમાળ અંતરમાં ચાલતી રહે છે. મન ઉદાસ થઇ જાય છે. જીવન તો વહેતું રહે છે. કયારેક આ માસુમ બાળકોને આનંદની બે ચાર ક્ષણો હું પણ આપી શકીશ ખરી ?

    હમણાં તો તારી શુભમ સાથેની વાતો સાંભળતી રહુ છું. અને લીલીછમ્મ થતી રહુ છું. અંતરમાં એક અજવાસ પ્રગટી રહે છે..દીકરીના ઉમળકાનો અજવાસ. દરેક દીકરીનો એ અજવાસ...એ ઉમળકો કયારેય ન વિલાય એ પ્રાર્થના સાથે.

    “ બેટા, સ્ત્રી પુરૂષ સમાનતાનો આ યુગ છે..એ વાત જો કે સાચી. છે. આજે સ્ત્રી શિક્ષિત બની છે, ઘરની બહાર કામ કરતી થઇ છે. પણ તેથી નારીવાદનો ઝંડો લઇને ફરવાની કોઇ જરૂર નથી. સદીઓના ઊંડા ઉતરેલ મૂળ અચાનક સાવ જ મૂળિયાથી ઉખડી નહીં જ શકે.. એને સમય લાગશે જ..એનો સ્વીકાર કરવો જ રહ્યો. એને ચર્ચાનો કે સ્વતંત્રતાનો મુદ્દો બનાવવાથી જીવન નાવ વમળમાં ફસાઇ શકે છે. હા,પત્ની બહાર કામ કરતી હોય ત્યારે પતિ ઘરમાં દરેક કાર્ય માં મદદરૂપ થાય એ ઇચ્છનીય જરૂર છે..અને કરાવવું પણ જોઇએ. સ્ત્રી બહાર કામ કરે એ જેમ આજે સહજ બની ગયું છે તેમ ઘરમાં કામ કરાવવું પણ પતિ માટે સહજ હોવું જોઇએ. પણ એ સ્નેહથી થાય તો જ...કયારેય એનો દુરાગ્રહ રાખીશ નહીં..એ મેન્ટાલીટી પરિપકવ થતા સમાજને.....પુરૂષને સમય લાગશે જ. ત્યાં સુધી વિરોધ કરવાને બદલે જરૂર પડે તો સ્નેહથી સમજાવવાનો પ્રયત્ન જરૂર કરી શકાય..હકીકતે આજે દરેક માતા જો નાનપણથી જ પુત્રને પણ ઘરના નાના મોટા કામની આદત પાડે તો ભવિષ્યમાં આ પ્રશ્ન જ ઉભો ન થાય. અને ધીમે ધીમે સમાજમાં આમૂલ પરિવર્તન આવી શકે. બાકી ત્યાં સુધી જે પરિસ્થિતિ હોય તેનો હસીને સ્વીકાર કરવો એ જ ઉત્તમ ઉપાય છે ”

    પ્રકરણ - 5

    પપ્પા, એ અંગ્રેજીમાં છે..!

    આંખમાં ઊગતાં, શમણાં સોનેરી, રંગ ભરે રાતા.

    મારી ઝિલ, માણસનું મન કયારેક ક્ષિતિજને પાર વિસ્તરે છે. અત્યારે સંધ્યાની સુરખિ આકાશમાં અને મારા મનમાં પણ છવાઇ ગઇ છે. પક્ષીઓ વૃક્ષોની બહુમાળી ઇમારતમાં પોતપોતાના “ ફલેટ “ માં આવીને ડાળીઓ પર ઝૂલી રહ્યા છે. વૃક્ષો ડોલી ડોલીને જાણે વાયરાની વાતમાં ટાપસી પૂરાવી રહ્યા છે. પંખીઓ તારી જેમ કલરવ કરી રહ્યા છે. સાંધ્ય આરતી ગાઇ રહ્યા છે કે શું ? અને હું અહીં મારા મનના માળામાં તારી યાદોના સથવારે ઘૂમી રહી છું. પંખીઓ એટલે પ્રકૃતિનું અણમોલ પુષ્પ..અને તું....? તું અમારી જીવનડાળનું મઘમઘતું પ્રથમ પુષ્પ. ” સ્નેહનો અમને મળ્યો છે સુગંધી દરિયો, વહાલમાં કેવો ભળ્યો છે, મલકતો દરિયો. ” તારી બદલતી જતી દુનિયાનો એહસાસ કાલે તને જોઇને આવ્યો. બદલાવ એ જ જીવનનું પરમ સત્ય છે. અને હું ખુશ છું તારા સ્વાભાવિક બદલાવથી. સાવ સાચું કહું તો કાલે તારું બદલેલ સ્વરૂપ જોઇ હું થોડી ચિંતામુકત થઇ ગઇ. તું કહીશ..શેની ચિંતા ? ઉમરલાયક દીકરીની દરેક મા ને થતી સ્વાભાવિક ચિંતા ’ મમ્મી હું નહીં કરું..તું કરી લે. મારે બહાર જવું છે. મારી ફ્રેન્ડસ મારી રાહ જુએ છે...’ કે પછી એવું કોઇ પણ કારણ આગળ ધરી બહાર ઉપડી જતી દીકરી કયા ઘરમાં નહીં હોય? અને ત્યારે મા ને જરૂર થાય કે સાસરે જશે ત્યારે શું થશે ? અને કયારેક એમ પણ થાય કે અત્યારે આપણે ઘેર છે ત્યારે ભલે ને મુકત રીતે હરી ફરી લે..પછી તો એ બધું કરવાનું જ છે ને ? જવાબદારી આવશે...માથે પડશે એટલે જાતે શીખી જશે...આમ બંને વિચારો મા ના મનમાં રમતા રહે છે. બંને વિચાર પાછળ ભાવના તો એક જ હોય છે..દીકરીના ભવિષ્યની ચિંતા. પણ ના, એમ તો આજની પેઢી જવાબદાર છે. મા પાસે ભલે લાડ કરે. પણ સમય આવ્યે એ બધું કરી શકે છે. એની ખાત્રી કાલે તારી વાતો સાંભળીને થઇ.

    કાલે કેવું મીઠું મીઠું બોલતી હતી તું... એ સાંભળીને તું પહેલો શબ્દ મા નહીં પણ ‘પા પા ‘ બોલતા શીખી હતી.. એની યાદ આવી ગઇ. આજ સુધી પપ્પા એ વાતનો રોફ મારી આગળ માર્યા કરે છે. જો દીકરી કોની ? પહેલાં શું બોલતા શીખી ? અને હું કૃત્રિમ ગુસ્સાથી, અને મનમાં હરખાતી બાપ દીકરીને એકબીજાને રમાડતા જોઇ રહેતી. તારા વિકસતા જતા વિશ્વની સાથે તારું ભાષાવિશ્વ પણ ઉઘડતું જતું હતું. આજે કયા શબ્દો શીખી ? એનું લીસ્ટ દરેક મા બાપની જેમ અમે પણ હરખથી બનાવતા રહેતા.

    સાથે સાથે આજે તારું શૈશવનું એક નવું રૂપ યાદ આવે છે અને હું એકલી એકલી મલકી રહુ છું. નાની હતી ત્યારે એકવાર કોઇને પગે પાટો બાંધેલ તેં જોયો હતો. અને ત્યારથી તને યે પગમાં સાચા ખોટા પાટા બાંધવાનો કેવો શોખ ઉપડયો હતો.! કેટલાયે રૂમાલ અમારે તારે પગે બાંધીને પગ શણગારી દેવો પડતો. અને ખોટી ફૂંક મારી દેવી પડતી..!.અને કયારેક પાટા બાંધવામાં અમે દાદ ન દઇએ ત્યારે તારી જાતે ગમે તે કાગળ શોધી, ભીના કરી પગ પર ચોંટાડી ફર્યા કરતી !! અને વટ મારતી કે જો જાતે કરી લીધું ને.! પાટા બાંધી ને દુખવાનું નાટક કરી ધીમે ધીમે ફરતી તું આજે યે અમારા મન:ચક્ષુ સમક્ષ દેખાય છે. અને હું ને પપ્પા ખડખડાટ હસી ઉઠીએ છીએ. તને મેડીકલમાં એડમીશન મળ્યું ત્યારે અમે કહેલ, ’ ડોકટર બની ને કોઇને ખોટા પાટા ન બાંધી દેતી હોં...’ અને આપણે બધા સાથે કેટલા હસી પડેલ.!

    કેટકેટલી વાતોથી મા દીકરીનું વિશ્વ છલકાય છે ..નહીં ? આજે ઘણું.. હસી લીધુ..અને જે દિવસે તમે મુક્ત, ખડખડાટ હાસ્ય કરો છે..એ દિવસ તમારો બની રહે છે. એ દિવસે, એ ક્ષણમાં જીવન ઉમેરાય છે. બાકી તો જીવનમાં વરસો જ ઉમેરાતા રહે છે. હાસ્ય માનવીને નવા નવા અનંત અવકાશો ઉઘાડી આપે છે. આનંદની અમૂલ્ય સોગાદ આપે છે.

    સરકસમાં નાના બાળકોથી માંડી ને બધાને જોકર..કેમ વહાલો લાગે છે ? કેમકે એ રમૂજના ફુવારા ઉડાડે છે. પોતાની જાતના ભોગે બીજાને હસાવે છે. કદાચ એની ભીતરમાં દુ:ખ ભર્યું હોય તો પણ એ દુ:ખને ભીતર શમાવી આપણને તો હાસ્ય જ અર્પે છે. આ કાર્ય કદાચ સૌથી અઘરું નથી લાગતું ? એ જાતે મૂરખ બની ને આપણા સૌના ચહેરા પર સ્મિત ફરકાવે છે. એમ પણ કેમ ન બની શકે કે હાસ્ય દ્વારા એ પોતાના મનની ઉદાસીનો ઇલાજ કરતો હોય..!! હાસ્યમાં દુ:ખને ભૂલવાની અમોઘ શક્તિ છે. આજે હાસ્ય થેરાપી થી આપણે અપરિચિત નથી જ ને ? મારા મતે તો લાફીંગ કલબોનું મૂલ્ય આ જમાનામાં જરાયે ઓછું ન આંકી શકાય. સતત તાણ નીચે જીવતા મનુષ્ય ની આજે કદાચ સૌથી અગત્યની જરૂર છે હળવાશની પળોની .

    આજે તો મોટી મોટી કંપનીઓના એકઝીકયુટીવો માટે ખાસ આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે, જેથી એ હળવા થઇ શકે અને તેમની કાર્ય ક્ષમતા વધે. હાસ્ય પારકાને પોતાના બનાવે છે. એનાથી કાર્યક્ષમતા અવશ્ય વધે જ છે.

    બેટા, જીવનમાં હમેશાં હસતી રહેજે..સૌને ગમતી રહેજે, સૌના મનમાં વસતી રહેજે. “ જીવો ને જીવવા દો..” ની જેમ “ હસો ને હસાવો..” સૂત્ર પણ એટલું જ ઉપયોગી છે.

    યાદ છે આપણે ઘેર અજીત અંકલ આવતા ત્યારે આપણને બધા ને ગમતું..ને આપણે કહેતા...એ આવે છે ત્યારે મજા આવી જાય છે. કેમકે એ સતત પોતે પણ હસતા રહેતા અને સૌને હસાવતા રહેતા. એને આપણે “ લાઇવ ” છે એમ કહેતા..કે કહીએ છીએ. એને બદલે પેલા ભરત અંકલ આવે ત્યારે ..કેવા વિચારતા કે હવે જાય તો સારું. શા માટે ? એમની પાસે પણ વાતો નો ખજાનો રહેતો. અને એમની વાતો કયારેય ખોટી પણ નહોતી. પરંતુ ભારેખમ ચહેરે એ સલાહ સૂચનો આપતા હોય..કે મોટી મોટી જ્ઞાનની ઉપદેશાત્મક વાતો કરતા હોય..જે આપણને “ બોર ” કરતી.બરાબર ને ? અને તમે બંને ભાઇ બહેન તો વાંચવાનું બાકી છે કહી ને અમારી સામે જોતા જોતા છટકી જતા. પણ અમે કયાં છટકીએ ? અને તેઓ જાય પછી તમે અમારી મસ્તી કરતા, ‘ મમ્મી, મજા આવી ગઇ ને ? ’

    કદાચ હાસ્ય એ કદાચ આજના યુગની બહુ મોટી અને અગત્યની જરૂરિયાત છે. અરે, આજે કથા શ્રવણમાં પણ જો હાસ્ય ન આવે તો એ કથાકાર ભાગ્યે જ સફળ થાય. હાસ્યનો ઓપ આપી ને તમે ધારો તે કહી શકો. નાના બાળકથી માંડી દરેક માનવ સાથે કામ પાર પાડવા હાસ્ય સૌથી અગત્યની વાત છે. સોગિયુ ડાચુ કરી ને બેસેલ, જાણે આખી દુનિયાનો ભાર પોતા પર હોય તેમ ભારેખમ ચહેરાવાળી વ્યક્તિ કોને પસંદ આવશે ? હું સ્કૂલમાં ભણાવતી ત્યારે અમારા આચાર્ય ડો.નરગીસ બહેન વાંકડિયા એમની પારસી શૈલીમાં હમેશા કહેતા, ’ જે દિવસે તમે હસી શકો તેમ ન હો તો વર્ગમાં ન જશો..તમારા વિષયની થોડી ઓછી તૈયારી હશે તો ચાલશે પણ બાળક્ને હસી ને આવકારી ન શકો કે આખા પિરિયડમાં એકાદ વાર બાળકના ચહેરા પર સ્મિત ન ફરકાવી શકો તો તમારું તે દિવસનું ભણાવેલ બધું નકામું છે. ‘ કેટલી સાચી વાત છે આ. દરેક દિવસને એક સોગાદ તરીકે સ્વીકારવનો છે. અરીસામાં જોઇ સૌ પ્રથમ પોતાની જાતને આવકારી ગૂડ મોર્નીંગ કહીએ. જે પોતાની જાતને આવકારી નથી શકતો તે અન્યને કેમ આવકારી શકે ? હા, એવો દંભ જરૂર કરી શકે. બાકી એક ખુશનુમા વ્યક્તિ જ ખુશનુમા સવાર ને અનુભવી શકે..માણી શકે. હસતા ચહેરાની વેલ્યુ અરીસામાં જોઇ જાતે નક્કી કરી શકાય.. સૂર્ય દરેક સવારે એક ચમત્કાર સર્જે છે..આખી દુનિયાને અજવાળે છે. દિલના ઉંડાણમાંથી આવતા તાજગીભર્યા હાસ્યથી ઉગતા દિવસનું સ્વાગત કરીશું ને ?

    હાસ્યની વાત કરતા કરતા એક સરસ મજાનું દ્રશ્ય મનમાં દોડી આવ્યું. જે વાત યાદ કરી ને આજે પણ આપણે બધા ખડખડાટ હસી પડીએ છીએ.

    હું સ્કૂલમાં ભણાવતી એટલે ત્યારે તમને બંને ભાઇ બહેનને તો એમ જ થતું કે મમ્મી ટીચર છે. કંઇ પપ્પા થોડા ટીચર છે ? એમને થોડું આવડે ? અને એટલે એકવાર પપ્પાએ તને કહ્યું, ‘ ચાલ, હું તને શીખવું.’ અને મારી દીકરીએ..પપ્પાની ચમચી દીકરી એ તરત જવાબ આપી દીધો,’ પપ્પા, એ તો ઇન્ગલીશમાં છે.!! તમે પેન્સિલ છોલી આપો.! મમ્મી અમને શીખડાવશે.’

    હું હસી પડી. તને કંઇ સમજાયું નહીં કે આમાં હસવા જેવું તું શું બોલી હતી ? પપ્પા બિચારા પેન્સિલ છોલવા બેસી ગયા.પરીક્ષા વખતે રોજ તારી ને મીતની આઠ આઠ પેન્સિલ છોલવાનું પપ્પાનું રોજિન્દુ કામ હતું. મોટા થયા પછી ખબર પડી કે આ તો બધુ ઉલટુ છે.! પપ્પાને જ વધારે આવડે છે. નકામી મમ્મી જશ લઇ જતી હતી.!

    તારી દુનિયા બદલતી જતી હતી..નાનપણમાં અને અત્યારે પણ...કાલે જમીને બધાની સાથે ડાહી થઇને કેવી ચાલી ગઇ, ’ મમ્મી, ધ્યાન રાખજે હોં.! ’ અને જતા જતાં એકવાર પાછું ફરીને જોયું અને એ એક ક્ષણમાં આપણે એકબીજાને કેટલું કહી દીધું.! કેટલી વાતો કરી લીધી..બોલ્યા સિવાય જ..! મમ્મીને ધ્યાન રાખવાનું કહેતી થઇ ગયેલ પુત્રીને હું સજળ નેત્રે જતી જોઇ રહી.

    સમય અને સંજોગો કેટકેટલા પરિવર્તન લાવી દે છે. ...આજે એકવીસમી સદીમાં તમે લોકો બધી વાત જે નિખાલસતાથી કરી શકો છો..તેવી વાતો અમારા સમયમાં અમે કરી હોત તો અમે બેશરમ જ ગણાત. અને કેટલી યે ટીકાઓના ભોગ બનવાનું થાત..આજની નિખાલસતા ત્યારની બેશરમી ગણાત. સમય સમય ને માન છે, બેટા, પણ ઘણીવાર એવું યે બને છે.. કે દીકરી માટે જે વાત નિખાલસતા ગણાય તે જ વાત વહુ કરે તો દ્રષ્ટિ બદલાતા સન્દર્ભો બદલાઇ પણ જાય. પણ હું તો મારી વહુ આવશે ત્યારે એની સાથે યે આ જ નિખાલસતાથી રહીશ હોં ! એ મારી દીકરી જ બની રહેશે સાચા અર્થમાં.

    લગ્ન પછી દીકરીની વિદાય સમયે હમેશા બોલાતું રહે છે..સંભળાતું રહે છે..’ તમારી દીકરી અમારી દીકરી જ છે ને ? તમે જરાયે ચિંતા ન કરો ’ અને છતાં.... છતાં અનેક દીકરીઓની શું સ્થિતિ થાય છે તેનાથી આપણે અજાણ નથી જ. અરે, વહુને દીકરી ન ગણો તો વાંધો નહીં..પણ એને સાચા અર્થમાં તમારા દીકરાની વહુ તો ગણૉ. એને એક સ્ત્રી તો ગણો. એક માનવ તો ગણો

    એકવીસમી સદીમાં યે દરેક સાસુ વહુ વચ્ચે લાગણીના સંબંધો સ્થપાય એ આશા વધુ પડતી લાગે છે ? સમાજમાં સાસુ વહુના સંબંધો આટલા બધા વગોવાયેલ કેમ છે ? બંને સ્ત્રી હોવા છતાં એમની વચ્ચે સમજણ નો સેતુ કેમ નથી રચાઇ શકતો ? કદાચ જાણ્યે અજાણ્યે દરેક દીકરીના કાનમાં ..મનમાં એક વાત ભરવામાં આવે છે...’સાસરે જશો ત્યારે ખબર પડશે..સાસુ ધોકો લેશે.... મા પાસે બધા નખરા ચાલે છે. ત્યાં સાસુ પાસે નહીં ચાલે.’ આવા કેટલાયે વાક્યો છોકરીના માનસમાં નાનપણથી રેડાતા રહે છે. અને સાસુ નામના પ્રાણીનો એક હાઉ દીકરીના મનમાં ઉછરતો રહે છે. એક પૂર્વગ્રહની ગ્રંથિ છોકરીમા અજ્ઞાત મનમાં રોપાતી રહે છે. અને પરિણામે સાસુ કંઇક પણ કહે ત્યારે તેને સહજતાથી નથી લઇ શકાતું. મા દીકરીને ગમે તે કહી શકે..પણ સાસુ જરા પણ કહે..એટલે સાસુ ખરાબ છે..એ ભાવના દ્રઢ થતી જાય. અને સામે પક્ષે પણ એ જ સ્થિતિ રહે છે. દીકરીના લાખ નખરાં સહન કરતી મા..વહુને કેમ લાડ નથી કરી શકતી ? દીકરીની ભૂલ રાઇ જેવડી લાગે છે. અને વહુની એ જ ભૂલ પર્વત બની જાય છે. વહુ ભૂલ કરે ત્યારે બધાના હાથમાં મેગ્નીફાઇંગ ગ્લાસ આવી જ જાય છે. રાજકારણના આટાપાટા જાણે સાસુ વહુ વચ્ચે ખેલાતા રહે છે. સાસુ, વહુ ના સંબંધો પર તો પી.એચ. ડી. ની કેટલી યે ડીગ્રીઓ મેળવી શકાય. માનવ મન જેવું અટપટું બીજું કશું નથી. કયારેક વજ્જર ના ઘા પણ ખમી જાય અને કયારેક સાવ નાની વાતમાં..પણ એ વંકાઇ જાય.. આમે ય...

    ” મારું મારું થતું હોય ત્યાં મહાભારત હોય.. તારું તારું થતું હોય ત્યાં રામાયણ હોય. ”

    રામાયણ રચવું કે મહાભારત એ સ્ત્રીના હાથમાં જ છે ને ? સાસુ અને વહુ બંને પોતાની જવાબદારી સમજી ને રહે તો સ્નેહની ભાગીરથી જરૂર છલકી રહે. હું તો મારી વહુને પણ તારા જેવા જ લાડ, પ્યારથી સાચવીશ. તે ભૂલ કરશે તો પ્રેમથી સમજાવીશ. પણ તે ભૂલને મનમાં સ્થાન કયારેય નહીં જ આપું. દરેક ક્ષણે તને મનમાં રાખીશ કે ઝિલે આમ કર્યું હોત તો હું શું કરત ? અને એ જ વર્તન મારી વહુ સાથે પણ કરીશ...

    આજે એક દીકરીને વહુ તરીકે જતા નિહાળી મારા મનમાં ઉઠતા ભાવો અનાયાસે શબ્દો બની કાગળ પર સરી રહ્યા છે. બેટા, તું જયાં..જે ઘરમાં જાય છે ત્યાં તને પણ એટલો જ ભરપૂર છલકતો સ્નેહ મળી રહે...એ એક જ અરમાન હોય ને કોઇ પણ મા ના હ્રદયમાં ?

    વર્તમાન, અતીત અને ભાવિની અટારીએ ઝૂલતી હું તને આંખોથી ઓઝલ થતી ભર્યા હ્રદયે ને નયને નીરખી રહી. ” ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ..”

    “ બેટા, સંવાદિતા ઘરની શોભા છે. સમજણ એ ઘરની સલામતી છે. પ્રેમ એ ઘરનો તુલસીકયારો છે. બાળક એ ઘરનું હ્રદય છે, ઘરનો મધુર કલરવ છે, સંતોષ એ ઘરની સુવાસ છે. અને ગૃહિણી એ સાક્ષાત્ ઘર છે. મકાનને ઘર એક સ્ત્રી જ બનાવી શકે છે. પુરૂષથી પડાવ ઉભો થઇ શકે. ઘર માટે તો સ્ત્રી ના હાથ અને હૈયુ જોઇએ. એ હાથ અને હૈયુ તારા સાથીદાર બની રહો..... અને એક વાત યાદ રાખજે. ફકત પતિનો એકનો જ પ્રેમ પર્યાપ્ત નથી. એ તો અનુભવે જ સમજાઇ શકે. અને પતિનો પ્રેમ પણ સાચા અર્થમાં પૂર્ણપણે મેળવવા તેના માતા પિતા કે ભાઇ બહેન માટે પણ લાગણી હોવી..રાખવી એ પણ એટલું જ અગત્યનું છે. શરૂઆતમાં કદાચ આ વાત ન સમજાય...પણ એ સત્ય છે. લગ્ન એટલે ફકત પતિ સાથે નું જોડાણ નહીં જ.... એક ઘર સાથે..એક પૂરા કુટુંબ સાથે નું જોડાણ તારા જીવનમાં બની રહો. આજે જયારે કુટુંબ ભાવના લુપ્ત થતી જાય છે ત્યારે આ વાતનું મહત્વ સમજાય એ આવશ્યક છે જ. અને જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે પોતે કદી તેનાથી વંચિત રહી શકે નહીં. પ્રકાશ પાથરતી રહે અને મેળવતી રહે...બસ..બેટા, એટલું જ.... त्यक्तेन भूंजीथा: આપણી ભારતીય સંસ્કૃતિનો આદર્શ હમેશા રહ્યો છે. અને આ કોઇ મોટા ત્યાગ ની વાતો નથી. જીવનમાં કેટલી યે પળો એવી આવે છે.. જયારે નાની એવી સમજદારી દાખવવાથી કે થોડા પૈસા જતા કરવાની ભાવનાથી કે થોડું વધારે કામ કરી લેવાથી નુકશાન કયારેય થતું નથી. ફાયદો જરૂર થાય છે. ઘણીવાર થોડું છોડવાથી ઘણું અમૂલ્ય મેળવી શકાય છે. તે વાત બેટા, કયારેય ભૂલીશ નહીં. ”

  • પ્રકરણ - 6
  • મમ્મી, તું કોની ?
  • રંગબેરંગી પતંગિયુ ...ઊડતું રહેતું, અમ આકાશે.

    પ્રિય ઝિલ,

    શુભમ દસ દિવસ પછી યુ.એસ.જવાનો છે. એટલે તું ત્યાં જ રોકાવાની હતી. બે દિવસની રજા પડે તો પણ તું ઘેર દોડી આવતી. આજે તને અહીં આવવાની ઇચ્છા નથી થતી.!.બહુ સ્વાભાવિક છે..કુદરતે કેવી માયા મૂકી છે.! લાગણીનું.. પ્રેમનું..આ વહાલ ઝરણું હ્રદયના કયા અજ્ઞાત ખૂણામાં સંતાયેલ રહેતું હશે આટલા વરસો સુધી ? કવિઓને એટલે જ સોળ વરસની છોકરીઓના ગીત આકર્ષતા હશે. ને લખાતા હશે. આજે મમ્મીને યે જલ્દી આવજો કહી ને, હાથ હલાવી તું શુભમ સાથે ગાડીમાં દોડી જાય છે..અને..અને હું એ દ્રશ્યને દિલથી, હરખથી સ્વીકારી પણ રહી છું.

    હા, અને એક દિવસ તેં યે કંઇક એવો જ સ્વીકાર કર્યો હતો....કરવો પડયો હતો. ત્યારે તું પૂરુ બોલતાં પણ નહોતી શીખી. અને તારા ભાઇનો આ દુનિયામાં પ્રવેશ થયો. મારી પાસે કોઇ બીજાને સૂતેલું જોઇ તારી નાનકડી આંખોમાં આશ્ર્વર્યના જે ભાવ ઉમટી આવ્યા હતા..એ હું આજે પણ નથી ભૂલી શકી. પલંગ પાસે આવી નાનકડા બે પગ પર ઉંચી થઇ ને તેં જોયું હતું..કે આ અહીં કોણ આવી ગયું છે ? મેં તને પાસે બોલાવી પ્રેમથી..પણ જયાં સુધી મારી પાસે “ બીજુ કોઇ ” હોય ત્યાં સુધી તું મારી પાસે આવવા તૈયાર નહોતી. એટલે દોડીને મોટી મમ્મી પાસે પહોંચી ગઇ. અને પછી તો દિવસમાં દસ વાર એ સિલસિલો ચાલુ રહ્યો. થોડી થોડી વારે મારા પલંગ પાસે આવી, ઉંચી થઇ ને તું ખાત્રી કરી લેતી કે “ પેલું કોઇ ”મારી પાસેથી ગયું કે નહીં ? આ અચાનક મારી મા ની પાસે કોણ આવી ગયું..તે પ્રશ્ન તારી આંખોમાં હું જોઇ શકતી હતી...મારો અધિકાર કોણે છીનવી લીધો ?

    પપ્પા આવ્યા તો તું દોડીને હાથ પકડી જાણે કંઇક બતાવવું હોય તેમ મારી પાસે ખેંચી લાવી..ને ઉંચા થઇ બતાવ્યું..કદાચ પપ્પા પાસે ફરિયાદ કરી કે અહીં તો મારો હક્ક છે. તને કદાચ આશા હતી કે પપ્પા આ અન્યાય દૂર કરશે.! પપ્પા તો હસીને તને તેડીને બતાવવા લાગ્યા કે તારો ભાઇ....! તેં ડોકુ ધુણાવી તેનું અસ્તિત્વ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો. ને પપ્પાની સાથે પણ ગુસ્સે થઇ હોય તેમ ફરી પાછી મોટી મમ્મી પાસે દોડી ગઇ.

    અંતે પાંચ છ દિવસે થાકી ને તારા બાળમાનસે સ્વીકારી લીધું કે હવે આ અહીંથી જાય તેવું લાગતું નથી.! એટલે આટલા દિવસોથી કેટલાય પ્રયત્નો કરવા છતાં મારી પાસે ન આવતી તું અંતે મારી પાસે આવી ને વળગી પડી..અને પછી તો તેં પૂરા પ્રેમથી નાનકડા ભાઇને અપનાવી લીધો. તું અચાનક જાણે મોટી બની ગઇ અને ભાઇના નાના હાથ,પગ જોવા માંડી અને મને બતાવવા લાગી. ઓહ ! આ તો મારો ભાઇલો છે..! અને ભાઇલાના અસ્તિત્વનો સ્વીકાર તેં કરી લીધો હતો.

    આજે મારે યે આમ જ સ્વીકાર કરવાનો હતો ને ! ઝિલ હવે મારી એકલીની નથી. નાનપણમાં પપ્પા ભાગ પડાવતા હતા..આજે શુભમ ! પણ જોકે અંદરથી તો બંને વખતે હું હરખાતી જ હતી ને ! અને આજે યે તું પૂછતી રહે છે, મમ્મી, તું કોની ? તારો હમેશનો પ્રિય પ્રશ્ન. અને મારો જવાબ હમેશા અલગ અલગ જ હોય. ખાસ તને ગુસ્સે કરવા જ. અને તું મને હેરાન કરી મૂકતી અને મારી પાસે ‘ મમ્મી ઝિલની હોં ‘ એ શબ્દો બોલાવી ને જ છૂટકો કરતી..અને હું ખોટેખોટું ખીજાતી, ’તું કહે એમ જ મારે બોલવાનું હોય, તો પછી પૂછે છે શું કામ ? નકામું મારે ખોટુ બોલવું પડે.! ‘ અને તું છણકો કરી, રિસાઇને બીજા રૂમમાં ભાગી જતી. અને હું પછી મસ્કા મારી મારી ને થાકી જતી.શું થાય ? મારા કર્યા મારે ભોગવવાજ પડે ને ?

    “ રોમ રોમ રણઝણી ઉઠે, બત્રીસ કોઠે દીવા, ભીતર કંઇ ઓગળી જતું ” જોકે રિસાવાના પ્રસંગોની ખોટ તો તારે કયારેય કયાં પડતી હતી ? ખાસ કરીને પૂ. બા અમેરિકાથી આવે ત્યારે બધા માટે સ્વાભાવિક રીતે જ કંઇક લાવે. અને બા નો છોકરાઓ માટે નો પક્ષપાત તો આખા કુટુંબમાં જાણીતો હતો જ. અને બા એને છૂપાવવાની તકલીફ પણ કયાં કયારેય લેતા હતા ? અને એટલે મીત માટે હમેશા વધારે જ લાવ્યા હોય..અને તને ફોસલાવતા હોય...બીજી વાર જઇશ ત્યારે તારા માટે જ વધારે લેતી આવીશ.હોં. ..અને એ બીજીવાર કયારેય આવતી જ નહીં.! બીજીવાર આવે ત્યારે પણ પાછી એ જ વાત હોય. અમે તો તારા અને મીત વચ્ચે કયારેય એવો કોઇ ભેદભાવ કયાં રાખ્યો હતો ? એટલે તને બહુ લાગી આવતું. તું બા થી અને મારાથી ત્યારે બહું રિસાતી. બા મનાવવાની વાતો કરતા ‘ તું તો બહુ ડાહી છે ને ? ભાઇને આપી દે ને..’ અને ભાઇ તો બા હોય ત્યારે પૂરેપૂરો સલામત..! એટલે એણે તો કંઇ બોલવાનું હોય જ નહીં. બા જેવા વકીલાત કરતા હોય એની પછી એને શું ચિંતા હોય ? પણ તને ડાહ્યું થવું કેમ ગમે ? ગુસ્સે થઇ ને તું બીજા રૂમમાં ચાલી જતી. અને મારા મનામણા ચાલુ રહેતા.

    બાનો કાગળ આવે ત્યારે પણ તું હમેશા કહેતી, ‘ છેલ્લે લખ્યું હશે, ઝિલ મજામાં હશે...’ આખો કાગળ તો મીતનું ધ્યાન રાખજો...ની સૂચનાઓથી જ ભર્યો હોય. અને તું ગુસ્સે થતી, ’તારા લાડલા નું ધ્યાન રાખ ‘ તારો ગુસ્સો ત્યારે જોકે ખોટો નહોતો જ. પણ બા દીકરાઓ માટે હમેશા પક્ષપાતી હતા. દીકરીઓને વળી ચાગ શું ? કાલે સાસરે જશે ત્યારે...? હા, આપણા ઘરમાં ભલે છોકરા છોકરીના બિલકુલ ભેદભાવ તેં નથી જોયા..પણ સમાજમાં આજે યે આ તફાવત મોટા ભાગના ઘરોમાં હોય જ છે..એનો ઇન્કાર મારાથી કરી શકાય તેમ કયાં છે ? છોકરો એટલે સ્વર્ગની સીડી ચડાવનાર... પોતાનો વંશ વધારનાર, પોતાની પાછળ પાણી રેડનાર..અગ્નિદાહ દેનાર..અને ઘડપણની લાકડી બનનાર. આ સામાન્ય માન્યતા થી ઘેરાયેલ આપણો સમાજ......સ્ત્રીઓ સુધ્ધાં એમાથી કયાં બાકાત છે ? ખુદ સ્ત્રી પોતે દીકરો ઝંખતી હોય છે. કેમકે નાનપણથી એના માનસમાં એ જ માન્યતાઓ દ્રઢ થતી આવી છે ..કે કરાતી આવી છે. પછી ભલે ને એ દીકરો મોટો થયા પછી ટેકણલાકડી થવાને બદલે લાકડી ઉગામતો થાય.! આજે વધતા જતા વૃધ્ધાશ્રમોની સંખ્યા શું સૂચવે છે ? હવે થોડો ફરક આવ્યો છે..પણ એ ફરક ફકત ઉપલા વર્ગમાં...શિક્ષિત વર્ગ પૂરતો જ સીમિત રહ્યો છે. દીકરી વહાલનો દરિયો..માન્યતા સીમિત ન રહેતા સમાજના બધા વર્ગમાં પ્રસરી રહે એવો શુભ દિવસ ..સોનલવર્ણો સૂરજ કયારે ઉગશે ? આજે તો ગર્ભમાં દીકરી છે જાણી તેનું અસ્તિત્વ જ મિટાવી દેવાય છે.

    સદીઓથી ઉપેક્ષિત રહેલ દીકરી ધીમે ધીમે વહાલનો દરિયો બનવા તરફ ધીમી છતાં મક્કમ ગતિ કરી રહી છે..એ સંકેત મંગલ નથી ? અલબત્ત દિલ્હી હજુ ઘણું દૂર છે. પણ યાત્રાની શરૂઆત થઇ ચૂકી છે ..એ વાત પણ ઓછી આશ્વાસનજનક નથી. શિક્ષણનો વ્યાપ જેમ વધતો જશે..તેમ સમાજમાં જાગૃતિ આવતી જશે. બાકી ખાલી કાયદો એકલો આમાં શું કરી શકે ? કાયદો તો સ્ત્રી સમાનતા..… સ્ત્રી અનામત... વિગેરે પ્રયત્નો એની રીતે કરે છે ને કરશે.. પણ માનવીની...આમજનતાની વિચારસરણી ન બદલાય...સમાજના અમુક રીતિરિવાજો ન બદલાય સ્ત્રી પોતે ન બદલાય ...જાગૃત ન થાય ત્યાં સુધી તો ...બધું પોથી મા ના રીંગણ જેવું જ રહેવાનું ને ?

    જોકે દરેક ક્રાંતિને એની પ્રસવ પીડા હોય છે. એ પીડા ની વેદના વેઠયા પછી જ નવા વિચારનો જન્મ શકય બનતો હોય છે. આજે સાંપ્રત સમાજ આ પ્રસવપીડામાંથી પસાર થઇ રહ્યો હોય એવું લાગે છે. કેમકે એક તરફ સમાજમાં દીકરીને વહાલથી વધાવતા લોકો હવે પુત્રી જન્મ ને પ્રેમથી આવકારે છે. દીકરીની લાગણીનો એહસાસ ધીમે ધીમે થઇ રહ્યો છે એ ચોક્કસ વાત છે. દીકરાથી તરછોડાયેલ મા બાપ ને ઘણીવાર દીકરી વિસામા સમાન બની રહે છે. એવા ઉદાહરણોની સમાજમાં આજે ખોટ નથી. મારી સાથે જ ભણાવતા પુનિતાબહેનને સંતાન નહોતું . અમે ઘણીવાર એ વિષય પર ચર્ચા કરતા. એક દિવસ તેઓ અનાથાશ્રમમાંથી બાળકીને દત્તક લઇ આવ્યા ત્યારે હું તો બહું ખુશ થઇ ગયેલ મેં તેમને ખૂબ અભિનંદન આપેલ. હવે ઘણાં કુટુંબો દીકરી દત્તક લેવાનું પસંદ કરતા થયા છે એ આનંદની સાથે બદલાતા જતા સમાજનો પણ સંકેત આપી જાય છે. ખેર ! અહીં આજે તેની ચર્ચા નથી કરવી...આ તો બાના પુત્રપ્રેમની વાત યાદ આવતા હું એ પ્રવાહમાં તણાઇ ગઇ.

    બાકી મને આજે યે યાદ છે..રવિવારે કયારેક તું રોટલી કરતી ત્યારે ભાઇલાને એમાં ઘી ચોપડવાનું કામ કરવું જ પડતું. અને ભઇલો જોકે હોંશે હોંશે એ કામ કરતો.અને રોટલી ફૂલે એટલે ખુશ થઇ ને જોશથી આવતી તેની બૂમ ” મમ્મી, ફૂલી;;;ફૂલી..” ના પડઘા આજે યે મારા કાનમાં ગૂંજે છે. અને તમે બંને ખુશખુશાલ થતા. આ નાની નાની ખુશીનું મૂલ્ય જીવનમાં જરાયે ઓછું નથી..એ ક્ષણો જ જીવનને તરોતાજા રાખે છે. જીવંત બનાવે છે.

    દરેક મા દીકરીના અંતરમાં સુગંધની આવી કેટલીયે અવનવી ક્ષણો દરિયો બની ને છલકી રહેતી હોય છે.

    “ સુગંધના સોગંદ દીધા ને, તો યે કૂંપળ ફૂટે મુગ્ધપણાના મોં સૂંઝણામાં, ઝરમર કેમ વછૂટી ? ”

    સમય આવે અને દરેક દીકરીના તન, મનમાં મુગ્ધતાની કૂંપળ ફૂટતી રહે છે. કોઇ નો અજાણ્યો સાદ મનમાં સંભળાતો રહે છે. આંખોમાં સોનેરી સોણલાઓ ફૂટતા રહે છે. કંઇક મીઠી પળોના સથવારે સમય રેતીની જેમ સરતો રહે છે..સરતો રહે છે........દરેક મા દીકરી વચ્ચે રિસામણા, મનામણા તો ચાલતા જ રહેતા હશે ને ? મા અનેક કારણોસર ખીજાતી રહેતી હોય અને દીકરી અનેક કારણોસર ગુસ્સે થતી રહેતી હોય. પરંતુ લડતા ઝગડતા...ખીજાતા ને રિઝાતા....મા દીકરી વચ્ચે સ્નેહનો ઝરો થોડીવાર પૂરતો છૂપાઇને પણ રહે છે તો અકબંધ અને સદા છલોછલ જ ને ? “ પળ, દિવસ, વરસની વણઝાર ચાલી જાય, છલોછલ અવસર ભરેલી પોઠયું ખાલી થાય. ”

    “ બેટા, હમેશા યાદ રાખજે...કોઇનો સ્નેહ કયારેય ઓછો હોતો નથી..આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. સાવ અપેક્ષા વિના તો કોઇ માનવ જીવી ન શકે..પણ આપણી કોઇ અપેક્ષા પૂર્ણ ન થાય ત્યારે........ એને મારી પડી જ નથી......કે એનો પ્રેમ લાગણી ઓછા થઇ ગયા છે.. એવું કયારેય વિચારીશ નહીં. એ વિચાર દુ:ખ સિવાય કંઇ જ નહીં આપી શકે. Give And Take...આપો અને મેળવો નો સિધ્ધાંત કયારેય ભૂલીશ નહીં. અને કયારેક જીવનમાં આપવા છતાં ન મળે તો પણ મન મોટુ રાખીને ભૂલી જતાં શીખજે.. બીજાને સમજવાનો પ્રયત્ન કરજે.. અને આપોઆપ સુખના દરવાજા ખૂલતા રહેશે. માની વાત પર શ્રધ્ધા રાખી શકીશ ને ? બીજા તને સમજે એનો આગ્રહ રાખવાને બદલે તું બીજાને સમજવાનું ચાલુ કરીશ તો આપોઆપ બધા તને સમજી શકશે જ. ” કોઇ મને ચાહે ને સમજે, માણસનો એક જ અભિલાષ.” આ ચાહનાર અને સમજનારની ખોટ કયારેય જીવનમાં ન સાલે...”

    પ્રકરણ - 7

    સ્મરણોની મેનાના ટહુકા

    ગીત સૂરીલુ ..મધુર સરગમ...ટહુકતી મેના

    વહાલી ઝિલ, ” તારા વિશે વિચારવાનું જયાં શરૂ કરું, ખુશ્બુ ફૂટે મને, લાગે કે પાંગરું ”

    આજે સોફા પર સૂતા સૂતા તું ટીવી.જોતી હતી. કોલેજમાં વેકેશન હોવાથી તને નિરાંત હતી. ત્યાં મેં તને કહ્યું, ” બેટા, આંખો બંધ કરીને ટી.વી. જો ને..! અને આપણા બધા ના ખડખડાટ હાસ્યથી ઘરની દીવાલો પણ હસી ઉઠી હતી. એને યે કદાચ તારા નાનપણનું એ દ્રશ્ય યાદ આવી ગયું હશે.! આજે ભલે ને તેં આંખો બંધ ન કરી.પણ....

    પણ તે દિવસે તો આંખો બંધ જરૂર કરી હતી. ત્યારે તું હતી ત્રણ વરસની. અને રાતે સૂવાનો સમય થઇ ગયો હતો. પણ તું સૂવાને બદલે ટી.વી.માં કાર્ટૂન જોઇ રહી હતી. મેં તને ધીમેથી કહ્યું હતું, ‘ઝિલ, એક કામ કર. તું આંખ બંધ કરી ને નિરાંતે સૂતા સૂતા ટી.વી. જો. ‘ મેં એટલી સહજતાથી કહ્યું....અને તેં એટલી જ સહજતાથી સ્વીકાર્યું. ને બે પાંચ મિનિટ મમ્મીની વાતમાં વિશ્વાસ રાખી ને આંખ બંધ કરી દીધી. પણ થોડીવારમાં તને છેતરાઇ ગયાનો એહસાસ થઇ ગયો. અને તેં કેવી યે ગંભીરતાથી મને કહ્યું, ‘ પણ મમ્મી, આંખ બંધ કરું છું ને ..તો..મને કાર્ટુન દેખાતું નથી. હું કેમ જોઉં?

    ત્યારે બંધ આંખે તું ભલે કાર્ટુન નહોતી જોઇ શકી....પણ આજે બંધ આંખે હું....એક મા...કોઇ પણ મા.. પોતાની દીકરીને જોઇ શકે છે. ખુલ્લી આંખોને કોઇ દ્રશ્ય જોવું ન ગમે ત્યારે આંખો બંધ કરી દો....અને મનગમતી વ્યક્તિ કે મનગમતું દ્રશ્ય હાજરાહજૂર.!! કેવો ચમત્કાર.!! મનની કેવી અગાધ શક્તિ.! મનની શક્તિનો વિશે તો લખીએ તેટલું ઓછું જ છે. એ વિશે ઘણું લખાયું છે..લખાઇ રહ્યું છે..અને લખાશે . ” મન હોય તો માળવે જવાય..”.એ કહેવત બિલકુલ સત્ય છે. ગમે તેવી શારીરિક મર્યાદાઓ ને પણ માનવી મનની શક્તિ વડે અતિક્રમી જાય છે. એવા ઉદાહરણો ની સમાજમાં..કે ઇતિહાસમાં ખોટ નથી જ. એ વાત કયારેક નિરાંતે આલેખવી જરૂર ગમશે બાકી અત્યારે તો .....સ્મરણોની મેના ના ગીત મનઝરૂખે ટહુકા કરતા રહે છે.

    એ દિવસોમાં દરેક બાળકની જેમ તને પણ મનમાં થતું કે જલ્દી મોટા થઇ જવાય તો કેવી મજા આવે ? અને આજે એમ થાય છે ને કે નાની જ રહી હોત તો તેવું સારું હતુ ? દરેક શિશુને મોટા થવું ગમે છે..અને મૉટા થયા પછી.....પછી ગાઇ ઉઠે છે.

    ” ગાડી લઇ લો,વાડી લઇ લો, લઇ લો ડોલર સારા.... મોટર બંગલા લઇ લો મારા, લઇ લો વૈભવ પાછો, પેન લખોટી,ચાકના ટુકડા, મુજને પાછા આપો.

    કયાં ખોવાયું બચપણ મારું ? કયાંકથી શોધી આપો ”

    કે પછી.... “ લેવા હોય તો લાખ લે..પણ મારું બચપણ પાછું દે ”

    દરેકને થતી આ સહજ લાગણી છે. સ્કૂલમાં “ તે હિ નો દિવસો ગતા: “ પર કોણે નિબંધ નહીં લખ્યો હોય ?

    આમે ય મનુષ્યનો સ્વભાવ રહ્યો છે..જે ન હોય એ ગમે.... જે ન મળે એની ઝંખના સતત રહ્યા કરે....પણ કાળને ઉલટાવી શકાતો નથી..એને રીવર્સ ગીયર હોતું નથી. કે નથી હોતી બ્રેક..પણ દરેક અવસ્થાને એનું એક આગવું ગૌરવ..આગવું સૌન્દર્ય હોય છે..એ માણતા શીખીએ તો કોઇ ફરિયાદ ન રહે. બરાબર ને ?

    હમણાં અતીતની ગલીઓમાં ઘૂમવાનો લહાવો લેતી રહું છું. શું યાદ કરું ને શું ભૂલુ ?

    કેટકેટલા સ્મરણૉ ઉભરાય છે.

    ” ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની, કયાંક બહુ વરસાદ જેવું લાગે છે. ” યાદ છે ? આપણી બાજુમાં માલવિકા આન્ટી રહેતા. આપણે ઘર જેવા સંબંધો હતા...કે આજે યે છે..તમે નાના હતા. અને એકવાર તેમના ઘેર રમતા હતા. ત્યારે તેમના સસરા આવ્યા હોવાથી તેમના ઘરના રિવાજ પ્રમાણે તેમને આ જમાનામાં યે સસરાની લાજ કાઢવી પડતી. કે તેમની આડે ન ઉતરાતું. તમને તો એ સમયે એવી સમજણ કયાંથી હોય ? તું આન્ટીને કહેતી, ‘ આન્ટી, ચાલો દાદા પાસે....એ તમને નહીં ખીજાય. તમને દાદાની બીક લાગે છે ? એટલે સંતાઇ જાવ છો ? ને દાદા પાસે નથી આવતા ? લાજમાં ઢંકાયેલ એમને તું કેટલા આશ્ર્વર્યથી જોઇ રહેતી. અને તેમને કેટલું સમજાવતી..!! પણ આન્ટી કયાં કઇ સમજતા હતા ? કયાંથી સમજે આન્ટી ? જૂનવાણી ઘરની વહુવારુ ખુલ્લા માથે ફરી શકે..કે સસરાની આસપાસ ફરકે તો ધરતી રસાતાળ ન જાય ? એકવીસમી સદી માનવને ચન્દ્ર કે મંગળ સુધી ભલે પહોચાડી શકે પણ...માનવને સુધારી તો ન જ શકે. નહીંતર કોલેજમાં એ સ્ટેટ લેવલ સુધી બાસ્કેટબોલ માં ઇનામો મેળવતા. ગામમાં મેરેથોન દોડની સ્પર્ધા જોવા અમે સાથે જતા અને ત્યારે મને હમેશા કહેતા,’ મને તો એવું મન થાય છે..કે ભલે લાજ કાઢી ને પણ દોડી જાઉ. અને ઇનામ હું જ લઇ આવું.’ અને ચોક્કસ લાવી શકે તેમ હતા. પણ......બધી યે શક્તિ, કૌશલ્ય વહુના અંચળા નીચે છૂપાવી દેવું પડયું હતું.

    ગાંધીજી હમેશા કહેતા, ‘ રિવાજના કૂવામાં તરવું સારું છે. પણ એમાં ડૂબાય નહીં ! ‘

    તારા કલાસની તારી બહેનપણી નિહારીકાની વાત તો તેં જ મને કરેલ ને ? તે કોલેજમાં ભણતી હતી...ખૂબ તેજસ્વી છોકરી. પણ કોલેજમાં બે વરસ પૂરા કર્યા બાદ અધવચ્ચેથી કોલેજ છોડી દેવી પડી...ભણવાનું અધૂરુ મુકવું પડયું..કારણ...? કારણ ફકત એટલું જ કે તેની સગાઇ થઇ ગઇ હતી. અને છોકરો વધુ ભણેલ નહોતો. એટલે છોકરી પોતાથી વધુ ભણે તે તેમને સ્વીકાર્ય નહોતું. છોકરી છોકરાથી ચડિયાતી હોય તે આજે પણ સમાજમાં આવકારદાયક નથી મનાતું. છોકરી તો છોકરાથી દરેક રીતે એક પગથિયુ ઉતરતી જ હોવી જોઇએ. અરે, ખાલી શારીરિક રીતે છોકરા કરતાં ઉંચી છોકરી પણ કોઇ સ્વીકારી શકતા નથી. સમાજનો આ સામાન્ય રીતે સર્વસ્વીકૃત રિવાજ છે. અને દરેક છોકરીએ ઇચ્છા કે અનિચ્છાએ એ રિવાજનું પાલન કરવું પડે છે. અને રિવાજના કૂવામાં ડૂબવું પડે છે. અને તેથી જ નિહારીકાના આંસુ પણ તેના માતા પિતાને પીગળાવી ન શકયા. અને તેના જેવી તેજસ્વી છોકરીએ ભણવાનું છોડી દેવું પડયું.

    તેં ત્યારે મને પ્રશ્ન કરેલ, ‘ મમ્મી,આમ કેમ ? નિહારીકા બિચારી ખૂબ રડે છે. તમે કંઇક કરો ને તેને માટે.! પણ હું શું કરી શકું ? અને છતાં બહાનું કરીને નિહારીકાની મમ્મીને મળવા જરૂર ગઇ હતી. અને વાત પણ કાઢી હતી. નિહારીકા બિચારી આશાભરી આંખે છાનીમાની મારી સામે જોતી હતી. પણ નિહારીકાની મમ્મીએ તો કેટલી સહજતાથી કહી દીધું, ‘ મારી દીકરી તો નશીબદાર છે. આવા લાખોપતિના ઘરમાં ગઇ છે. એને ભણી ને શું કરવું છે ? થોડી નોકરી કરવી છે ? અને છોકરી જમાઇ કરતા વધું ભણે એ તો બેન સારું નહીં જ ને ? ‘ શું જવાબ આપું હું ? સ્ત્રીની પોતાની માનસિકતા આજે એટલી હદે પંગુ થઇ ગઇ છે કે દીકરીએ જમાઇ કરતાં વધારે ભણવું ન જોઇએ...એ વાત એને પોતાને યે યોગ્ય જ લાગે છે. આજે વિશ્વમાં દરેક ક્ષેત્રમાં સ્ત્રી એ ગૌરવવંતો પગપેસારો કર્યો છે. ઉચ્ચ પદો શોભાવ્યા છે. અને નામના મેળવી છે. શક્તિશાળી ..તેજસ્વી તરીકે સફળ થઇ ને બહાર આવી છે. કલ્પના ચાવલા કે સુનિતા વિલીયમ કેટલી ? ટકાવારી કાઢીએ તો આવી તેજસ્વીએનું પ્રમાણ કેટલું ? જવાબ છે ..બહુ ઓછું.. કદાચ સિંધુમાં બિંદુ જેટલું....કેટલીક સ્ત્રીઓ મન મારી ને જીવે છે..કે જીવવું પડે છે. અને બાકી કેટલીક નિહારીકાની મમ્મી જેવી સ્ત્રીઓને આમાં કંઇ ખોટું કે ખરાબ લાગતું જ નથી. કેમકે નાનપણથી એ જ માહોલમાં તેમનો ઉછેર થયો છે.

    સ્વતંત્ર દેખાતી ..સમાજમાં કામ કરતી સ્ત્રી પણ કહે છે કે મને મારા ઘરમાં બધી છૂટ મળી છે. એને છૂટ મેળવવી પડે છે. કોઇ ને મંજૂર હોય તો એ કામ કરી શકે ! ને પોતાની જાતને નશીબદાર ગણી શકે. કોઇ પુરુષે કયારેય એવું કહેવું પડયું છે કે એને છૂટ છે ! એને વળી બંધન કેવા ? બંધન હોય એને મુક્તિની વાતો હોય...એટલે આ સવાલો ફકત સ્ત્રી માટે જ છે. સ્ત્રી ઘર સંભાળે.. સારી રીતે સંભાળે..એ બરાબર છે. અહીં નારીવાદની કોઇ વાત હું નથી કરતી. પણ આખું ઘર..આખા ઘરની જવાબદારી સંભાળ્યા પછી યે કોઇ પૂછે કે “શું કરો છો ? ’ તો જાણે કોઇ ગુનો કર્યો હોય તેમ તે કહે છે, ‘ હું તો કંઇ જ નથી કરતી. ખાલી હાઉસવાઇફ છું.!! ‘ બહાર કામ કરે તો જ કામ કર્યું ગણાય ? સ્ત્રી પોતે પણ શા માટે આમ માને છે ? અને વરસો સુધી જે ઘર માટે એ રાત દિવસ એક કરે છે. પોતાની જાત રેડે છે.. એ ઘર પણ ખરેખર પોતાનું જ છે..એમ એ સાચા અર્થમાં કહી શકે છે ? કોઇ પણ પળે મતભેદ થતાં પતિ એને કેટલી આસાનીથી કહી દે છે.’ મારા ઘરમાં આમ જ ચાલશે....આમ જ થશે. તારે રહેવું હોય તો ભલે..નહીંતર..........? ’ અને ત્યારે સ્ત્રી નો આક્રોશ ન ઠલવાય તો બીજું શું થાય ? જેને જીવનભર પોતાનું માની ને કામ કરતી રહી..એ એક ભ્રમ જ હતો ? એક દંભ જ હતો? પતિને પસંદ હોય તેવી રીતે રહે ત્યાં સુધી જ ઘર એનું ગણાય. નહીંતર......

    આજે નિહારીકા જેવી તેજસ્વી છોકરીની દશા આપણે નજરે જોઇએ છીએ ત્યારે દુ:ખ થાય તે સ્વાભાવિક છે. ચાર દીવાલની અંદર તરફડી રહી છે નિહારીકા..! અને દીવાલની અંદર પણ પતિને ગમે તે જ..તેવું જ કરવાનું...વણલખ્યા આ કરારનું પાલન તે કરતી રહે છે..સમાજ આવી તો અસંખ્ય નિહારીકાઓથી ભરેલ છે. તેના તૂટેલ સ્વપ્નોની કરચો કોઇને દેખાતી નથી. ફકત તેના હ્રદયમાં સતત ચૂભતી રહે છે. અંદર જ તે ઉઝરડાતી રહે છે. એ પીડાનો કોઇ ને અણસાર સુધ્ધાં આવતો નથી...અરે, એને પીડા કહેવાય એવી ખબર પણ કયાં કોઇ ને પડે છે ? મન પર પડતાં રહેતાં આ ઉઝરડાઓ તે કોને બતાવી શકે ? સમાજની દ્રષ્ટિએ તો એ ખાઇ પી ને જલસા કરે છે.!! એને વળી શું દુ:ખ ? ખાવા પીવા કે પહેરવા ઓઢવા નથી મળતું ?..સમાજની આ માન્યતાનો કોઇ ઉપાય ખરો ?

    આ બધું સાંભળીએ...જાણીએ ત્યારે ખૂબ અફસોસ થાય...પણ ...ઉપાય શું ? છોકરી બોલે...વિરોધ કરે તો બંડખોર...વિદ્રોહી ગણાય..ને ન બોલે તો જિંદગી આખી તૂટેલ સ્વપ્નોની રાખ સાથે જીવવું પડે છે. અને મોટે ભાગે એ વિકલ્પ જ તેને સ્વીકારવાનો આવે છે. અરે, લગ્ન પછી યે ભણેલ સ્ત્રી જો કોઇ વાતમાં પુરૂષ સામે દલીલ કરે તો તરત કહેશે, ‘ ભણ્યા..એનું આ દુ:ખ...સામે દલીલ કરવાની. આના કરતાં તો અભણ પત્ની સારી. જેમ કહીએ તેમ કર્યે તો રાખે...’ અર્થાત્ પુરુષને તેની સાચી ખોટી બધી વાત મૌન રહી ને સ્વીકારે એવી પત્ની જ જોઇએ છે !

    સમાજમાં કેટકેટલી સ્ત્રીઓ મન મારી ને..ઇચ્છાઓ અવગણીને શમણાઓને હ્રદયમાં જ કોઇ છાના ખૂણે સંઘરીને જીવતી હશે..! ખેર..! ગાડી આજે આડે પાટે ચડી ગઇ. તારી સાથે વાત કરતા કરતા..માલવિકા આન્ટી ની યાદ મનને અને આંખને ભીના કરી ગઇ.એક અકસ્માતે તેમની છ વરસની દીકરીને મા વિહોણી બનાવી દીધી. અને........ અને નિહારીકાની વાતે પણ મન અપસેટ ..થોડું ઉદાસ થઇ ગયું.આ બધુ આજે અહીં અભાનપણે ટાંકુ છુ. કદાચ ભવિષ્યમાં કોઇ સમયે તને એ પથદર્શક પણ બની શકે.

    લાગે છે.. આજે આગળ નહીં લખી શકાય. તને પણ આંટી આજે યે એટલા જ યાદ છે ને ? અને હોય જ....એ મુઠ્ઠી ઉંચેરી સ્ત્રી હતી.પણ.....ઇશ્વરને યે એને માટે લગાવ હશે તેથી જલ્દી પોતાની પાસે બોલાવી લીધા. પણ એમ તો એમની દીકરીને કે તેમના પતિને પણ તેમનો અહીં કયાં ઓછો લગાવ હતો ? પણ.....ઇશ્વર ધારે તે કરી શકે..માનવી પાસે એ સામર્થ્ય કયાં ?

    મૃત્યુ એટલે.. સત્યમ..શિવમ્ સુંદરમ્ એવું લેખકો કે કવિઓ કહે છે. એમાં જોકે સત્ય છે જ. પણ છતાં નાનકડી દીકરીની મા ને ઇશ્વર છીનવી લે ત્યારે એ દીકરીના કયા ભલા માટે વિચારતો હશે ? એવો પ્રશ્ન મનમાં ઉઠયા સિવાય રહેતો નથી. મૃત્યુ એટલે ખોળિયુ બદલવું...વસ્ત્રો બદલવા....બધી વાતો સાચી. અને છતાં એ નાનકડી દીકરીની જે દશા આપણે નજરે જોઇ છે..અને લાચાર બની ને કંઇ જ તેને માટે કરી શકયા નથી. ત્યારે મૃત્યુ એટલે પરમ શાંતિ...એવું સ્વીકારવા જલ્દી તૈયાર નથી થવાતું...ખેર ! એ આપણા કે કોઇના હાથની વાત નથી. તેથી ઇશ્વરને ગમ્યું તે ખરું.. એ ચીલાચાલુ આશ્વાસન નો જ સ્વીકાર કરવાનો રહ્યો ને ? ઘણી વાતો આપણી સમજણની ક્ષિતિજની બહાર હોય છે. જેને ઇશ્વરેચ્છા માની આપણે ચાલીએ જ છીએ ને ?

    કેટકેટલી યાદોના ખજાના મનના પટારામાં સંગ્રહાયેલા હોય છે? બસ...આજે વધુ નહીં લખી શકાય. આંખે આંસુના તોરણ બાઝી રહ્યા છે. આવજે બેટા, કાલે મળીશું. “સ્થળ અને કાળના બંધન નહીં અહીં, સહજ હવે સંચરવું.....”

    બેટા, લગ્ન એટલે...........MARRIAGE.

    M..== MERGING..A..== AMBITION.....R..== RESPECT

    I...==INTIMACY....A..==ACREDITION...G..==GAIETY. E..==ETERNITY.

    આજે વધુ કંઇ લખવાની જરૂર નથી લાગતી. લગ્ન શબ્દનો અર્થ તારા નવજીવનમાં પાંગરી રહે .......એ જોવાની..નિભાવવાની જવાબદારી તમારા બંનેની જ ને ? “ ગોર મહારાજ પરણાવી દે...કંઇ ઘર ન માંડી દે.”

  • પ્રકરણ - 8
  • મનપાંચમના મેળે..વાતો વહાલપની...
  • મધુરતાથી મહેકતી ...સ્નેહે છલકતી ...આંગણને અજવાળતી.

    વહાલી ઝિલ, આજે ફોનમાં તારી સાથે કેટલીયે વાતો કરી. હવે આપણી વાતોનું કેન્દ્ર શુભમ બની ગયો છે. એ તને ખ્યાલ પણ કદાચ નહીં આવ્યો હોય. પણ મને તો બરાબર ખ્યાલ આવે છે. તારી વાતો ફરીફરીને કેન્દ્ર પાસે અનાયાસે પહોંચી જાય છે. અને હું મનોમન મલકાઉ છું. પણ એવું તને મોઢે જલ્દી થોડું કહેવાય ? તો તું ગુસ્સે થઇ ને તરત કહે, ‘ જાવ, નહીં કરું એની વાતો બસ...? અને મારી લાડલી રિસાઇ જાય એ મને કેમ પોષાય ? હું તો તારી મિત્ર પણ ખરી ને ? “ મળે જીવનને તાલ, ઉડે જો પ્રેમનો ગુલાલ ” તારા જીવનને પ્રેમનો શુભમરૂપી તાલ મળવાથી ગુલાલના રંગો જીવનમાં ઉડી રહ્યા છે. એ રંગોની સુરભિથી જીવનઝરણું ખળખળ નહીં ..પણ ધસમસતું વહી રહ્યું છે. અને એના કાંઠે ઉભીને અમે પણ ભીંજાઇએ છીએ.

    મનમાં તો કંઇક ઘોડા દોડતા હોય છે.( તું એમ ન કહેતી કે ઘોડા જ કેમ ? ગધેડા કેમ ન દોડે ? કહીને હા હા કરતી હસી પડીશ.) એ હસવાની સાથે હું યે મલકી રહું છું. મનમંડપમાં પ્રસંગોના મેળા ઉભરાય છે. અને હું એ મનમેળામાં મહાલી રહું છું.(રમેશ પારેખના મનપાંચમનો મેળો અનાયાસે ડોકિયુ કરી જાય છે.) યાદ આપું મારા મલકાટના રહસ્યની. ?

    ” સજયો કેસરિયો સીમે શણગાર જો, ના ગમતું ગનાન, વાત વહાલપની માંડ ”

    હા, તો વાત કરું છું વહાલપની..

    તારી સ્કૂલના પહેલા વરસનો પહેલો દિવસ તને તો કયાંથી યાદ હોય ? ત્યારે તું પૂરા ત્રણ વરસની પણ નહોતી. પહેલે દિવસે બીજા બધા બાળકોની જેમ સ્કૂલે તો તું રડી નહીં. મને થયું કે અમે તને સ્કૂલ માટે પહેલેથી મેન્ટલી તૈયાર કરેલી.. એટલે વાંધો ન આવ્યો. અને હું મનોમન એને મારી સફળતા ગણી હરખાતી હતી.! ત્યાં....ત્યાં ઘેર આવી ને તેં તો કર્યો ભેંકડો ચાલુ. અને મેં કારણ પૂછયું તો કેવી યે નિર્દોષતાથી જવાબ આપ્યો, ‘ મને યે સ્કૂલમાં રડવું આવતું હતું..પણ ટીચરની બીક લાગતી હતી. એટલે ન’તી રડી..! હવે ઘેર તો રડું ને ?...’ અમે કેમે ય હસવું રોકી નહોતા શકયા. સ્કૂલમાં રડવાનું રહી ગયું હતું..એટલે ઘેર આવી ને પૂરુ તો કરવું ને ? વાહ બેટા, શાબાશ..! હું નકામી મારા પર હરખાતી હતી. જો કે ઘર પોતાનું છે..અહીં પોતે ધારે તે કરી શકે..સલામતીની આ કુદરતી ભાવના દરેક બાળકના મનમાં રહેલી હોય જ છે. બહારગામથી આવતા તમે ભાઇ બહેન થોડી વાર તો ઘરમાં બધા રૂમમાં ફરતા ફરતા કેવા કૂદકા મારતા..! એ મને બરાબર યાદ છે. પોતાના ઘરમાં તો દરેક બાળક રાજાપાઠમાં જ હોય ને ? એકવાર મને જોન્ડીસ થયેલ..હું હોસ્પીટલમાં હતી.ત્યારે તું સીનીયર..કે.જી.માં અને મીત એલ.કે.જી. માં હતા. ત્યારે તમને બંનેને મમ્મીની ચિંતા થયેલ.! કેવી ચિંતા ? લાકડાની ચિંતા.. પપ્પા આગળ એ ચિંતા વ્યકત પણ કરેલ, ‘ પપ્પા.મમ્મી મરી જાય તો આપણે યે કેટલા બધા લાકડા લેવા પડે ને ? ’ પપ્પાને તો હસવું કે રડવું એ યે સમજ ન પડી. ટી.વી.માં કયાંક તમે જોઇ લીધેલ અને હોસ્પીટલ, મરવા અને લાકડાનો સંબંધ તમારી રીતે જોડી લીધેલ. બાકી મરી જવું એટલે શું ? એ તમને કયાં ખબર હતી ?

    કયા શિશુ પાસેથી આવું કંઇ ને કંઇ કયા મા બાપે નહીં સાંભળ્યું હોય ? ” શિશુમુખેથી ” એ નિર્દોષ ચંચળતા વાંચી ને.. અનુભવીને મલકયા વિના રહી શકાય ? સ્મિત...સાચા આનંદની શીતળ લહેરખીઓ આંતરમનને સ્પર્શ્યા વિના રહે જ નહીં ને ? દરેક મા બાપ માટે...ખાસ..તો જીવન સંધ્યાએ.. એ સ્મૃતિઓ જીવનનો ઉલ્લાસ બની રહે છે. જે જીવનને સભર..લીલુછમ્મ રાખે છે. અને એ સ્મરણોને વાગોળવાનો આનંદ તો આ ઉમરે જ સમજાય. ખાસ કરીને બાળકો જયારે ભૌતિક રીતે દૂર હોય..ઘરમાં એકાંત કે એકલતા હોય..ત્યારે દરેક મા બાપ માટે આ યાદો અણમોલ ખજાનો બની રહે છે. આજે અમે યાદ કરીએ છીએ..ત્યારે મને તો એમ કહેવાનું મન થાય છે..

    ” મુજ વીતી તુજ વીતશે...નહીં...., .પણ...મેં માણ્યું..તું માણશે...”

    એ દિવસો યાદ છે ? તું ત્યારે તારી બધી બહેનપણીઓ સાથે મોળાવ્રત કરતી. અમારી જેમ જ. અમે પણ નાના હતા ત્યારે આ વ્રત કરતાં. અને પપ્પાના સ્વભાવને ઓળખતાં ઘણાં મિત્રો મને કહેતા, ‘ તમે અક્ષત ચોખાથી ગોરમા પૂજયા લાગે છે.. ’ દીકરીને સારો વર મળે એવી ભાવનાથી થતા આ વ્રત આજે તો ધીમે ધીમે શહેરમાંથી અદ્ર્શ્ય થતા જાય છે..એની પાછળ ઘણાં કારણો હશે ..છે..પણ એની ચર્ચા કયારેક કરીશું. અત્યારે તો આ વાત એટલે યાદ આવી કે હમણાં એક પાર્ટીમાં આ વિષયની ચર્ચા અમારા બધા વચ્ચે ચાલતી હતી. ત્યારે કોઇ એકહ્યું કે આ બધા વ્રતો છોકરીઓને કરાવવા પાછળનો હેતુ એ હતો કે સાસરે દીકરીને કદાચ સમયસર ખાવા ન મળે કે કયારેક કોઇ સંજોગોને લીધે ઓછું..મળે . અને પહેલાના જમાનામાં ઘરના બધા જ સભ્યો જમી લે પછી જ વહુથી જમાતું હતું. એટલે નાનપણથી વ્રત વિગેરે કરવાની આદત હોય તો તે સહન કરી શકે..!! અને કોઇ પણ વાતને ધર્મ સાથે જોડી દો..એટલે એનું પાલન થવાનું જ ને ? અને પુત્રી હોંશે હોંશે કરે.! એટલે એ વ્રતની સાથે સારા વરની ભાવના જોડી દીધી. છોકરાઓને કોઇ વ્રતો કરવાની જરૂર નથી પડતી.. છોકરીઓ તો સારી જ હોય ને બધી..!! ખેર.! આ બધા રિવાજો તે સમયના સમાજનું પ્રતિબિંબ પાડે છે. ત્યારે સમાજમાં દીકરીનું...સ્ત્રીનું સ્થાન કેવું હતું..એનો પરિચય મળે છે. દીકરીને ઘેર માતા પિતાથી ખવાય નહીં..ઘણાં સમાજમાં આવો નિયમ પણ જોવા મળે છે. જોકે સમય સાથે પરિવર્તન આવતું જાય છે. પણ છતાં હજુ યે આ પરંપરા સાવ નાબુદ તો નથી જ થઇ. આની પાછળ પણ સાચું કારણ એટલું જ કે દીકરી...સ્ત્રી ત્યારે સાસરામાં એટલી સ્વતંત્ર નહોતી કે ઘેર આવેલ મા બાપને પોતાની ઇચ્છાથી જમાડી શકે.!!

    એટલે દીકરીને દુ:ખ ન થાય માટે રિવાજ બનાવી દીધો.. સમાજને સુધારી ન શકયા..પણ દીકરી સહજતાથી સ્વીકારી શકે માટે નિયમ જ બનાવી દીધો. જન્મદાતા મા બાપને એ જમાનામાં દીકરી પોતાની ઇચ્છાથી પાણીનો પ્યાલો આપવા પણ કયાં સમર્થ હતી ? દીકરીના મા બાપ જાણે સદાના ઓશિયાળા..! દહેજનો કુરિવાજ પણ એ સમયના સંજોગોને લીધે અસ્તિત્વમાં આવ્યો. કે દીકરીને ભવિષ્યમાં કોઇ તકલીફ આવે તો એ સ્ત્રી ધન તેનું ગણાય. અને તેને મદદરૂપ થઇ શકે. એટલે દીકરીને સાસરામાં તકલીફ પડે એ વાત કેટલી સામાન્ય ગણાતી હશે..જેથી આવો રિવાજ શરૂ કરવાની જરૂરિયાત ઉભી થઇ હશે !

    દીકરીને મદદરૂપ થવાની ભાવનાથી શરૂ થયેલ આ રિવાજ આજે દેખાદેખીથી વિકૃતિ પામી દીકરાના મા બાપ માટે જાણે વણલખ્યો અધિકાર બની ગયો..દીકરીના માતા પિતા પાસેથી લેવાનો. અને દહેજ ના ખપ્પરમાં કંઇ કેટલીયે દીકરીઓ હોમાતી ગઇ. સરકાર કાયદો કરી શકે પણ..એનો અમલ સંપૂર્ણ રીતે તો સમાજ..કે પછી દીકરી જાતે કરી શકે..હું તો સ્પષ્ટ રીતે માનું છું કે આજે પુત્રીએ જાતે જ દહેજની માગણી કરનાર છોકરા સાથે જીવન જોડવાનો ઇન્કાર કરવો જોઇએ. આજે એકવીસમી સદીમાં યે ઘણી જગ્યાએ દીકરાના ભાવતાલ થાય છે. છોકરો જેમ વધુ ભણેલ હોય તેમ દહેજનો આકડો ઉંચો.... દીકરાને ભણાવ્યો તેનો ખર્ચો જાણે દીકરીના મા બાપ પાસેથી વસૂલ કરવાનો તેમનો હક્ક છે. શિક્ષિત ગણાતા દક્ષિણના રાજ્યોમાં આજે પણ આ રિવાજ...કુરિવાજ અમલમાં છે જ.

    યાદ છે..આપણી બાજુમાં રહેતા ડોકટર નાયરને એક દીકરી હતી. તેમને પુત્રની ખૂબ ઇચ્છા હતી. છતાં બીજા સંતાન માટે તેઓ વિચારતા નહોતા. પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે ‘ કદાચ બીજી દીકરી આવે તો...? WE CAN NOT AFFORD SECOND DAUGHTER. ’

    શિક્ષિત માણસની પણ આ હાલત હોય તો બીજા સામાન્ય લોકોની દશા કેવી હશે ? દીકરીના મા બાપની મજબૂરી સાંભળીએ ત્યારે મન ઉદાસ બની જાય છે. આ માટે દીકરીએ જાતે જ હિમત કરીને આગળ આવવું રહ્યું. દહેજની માગણી કરનાર છોકરા સાથે લગ્ન કરવાની ના પાડવાની હિમત દીકરીએ જ કેળવવી રહી. અને માતા પિતાએ એને સાથ, સહકાર, હિમત આપવા જોઇએ. કોઇ પણ છોકરી દહેજ માગતા છોકરા સાથે પરણે જ નહીં..તો..અંતે એણે સ્વીકાર કરવો જ પડે ને ? બાકી એ ન થાય ત્યાં સુધી તો આ પરિસ્થિતિમાં ‘દીકરી વહાલનો દરિયો ‘ નહીં.. ચિંતાનો દરિયો જ બની રહે ને ? પરિવર્તન આવવું જ રહ્યું..સમય બદલાયો છે ત્યારે આ બધા રિવાજોમાં બદલાવ કેમ નહીં ?

    મનમાં પ્રશ્નો ઉઠતા રહે છે....એ આશા સાથે કે ....દહેજના દૂષણનો એક દિવસ જરૂર અંત આવશે અને ત્યારે દીકરી દરેક વર્ગમાં સાચા અર્થમાં વહાલનો દરિયો બની રહેશે..

    દીકરીની વાત આવે એટલે હું મનને રોકી શકતી નથી. મનમાં જે વિચારો આવે છે તે ડાયરીના આ પાનાઓ પર ઉતાર્યે જાઉ છું. કયારેક તું વાંચે ત્યારે વિચારજે. કદાચ હું આ દુનિયામાંથી વિદાય લઉં ત્યાં સુધીમાં આ રિવાજ સાવ નાબુદ ન પણ થાય. પરંતુ જયારે પણ તને લાગે કે હવે દહેજનો આ કુરિવાજ લગભગ બંધ થઇ શકયો છે ત્યારે મમ્મીને યાદ કરીને આ જ ડાયરીમાં બે લાઇન જરૂર લખજે..એ દિવસ જરૂર આવશે જ એવી અંતરમાં શ્રધ્ધા છે.

    ” શ્રધ્ધા જ મારી લઇ ગઇ મંઝિલ ઉપર મને......” આ પળે તો એ મંઝિલ મળી રહે..એ પ્રાર્થના કરું છું. અને ફરી એકવાર વર્તમાન સાથે તાર જોડવાનો પ્રયત્ન કરું છું. આજે તારી સૃષ્ટિ ..તારું વિશ્વ સ્વાભાવિકતાથી બદલાઇ ગયું છે. પરિવર્તન જીવનનો સહજ, કુદરતી ક્રમ છે. તારી આંખોમાં આજે ભાવિના..જીવનસાથીના સપના ડોકાય છે. અને અમારી આંખે ઉઘડે છે અતીતની યાદો. દરેક અવસ્થાનું એક ગૌરવ..એક આગવું સૌન્દર્ય હોય છે. એ સ્વીકારી ને અમે દરેક પળને આનંદથી માણી રહ્યા છીએ. કોઇ અફસોસ વિના.

    ” આયખુ જમનાજળ, વહેવાનું ખળખળ,

    મારગડે મળે કોઇ પળ બે પળ ”

    જીવનવાટમાં કેટલાયે લોકો મળતા રહે છે. સારા નરસા અનુભવો થતા રહે છે. દરેક અનુભવ આપણને કંઇક શીખડાવતો જાય છે. અને અત્યારે કદાચ એનું મહત્વ ન સમજાય પણ એક દિવસ જીવનસંધ્યા ના સમયે એ અનુભવો જીવનપાથેય બની રહે છે.

    શું વાતો કરી આજે શુભમ સાથે ? ભણવાનું કેમ ચાલે છે..એ પૂછીશ તો હમેશની જેમ તારો એ જ જવાબ હશે..રીઝ્લ્ટ આવે એટલે જોઇ લેવાનું. અને રીઝલ્ટ જોયા પછી કયારેય મારે કંઇ પૂછવાનું તમે ભાઇ બહેને રાખ્યું નથી જ. એટલે એ જવાબ મને ચાલી જાય છે.

    પત્રના જમાના તો ગયા હવે. બારસાખે ઉભી ટપાલી ની પ્રતીક્ષા કરતી યુવતી ની વાતો તો કોઇ કવિના કલ્પના પ્રદેશમાં જ..કાવ્ય માં જ જોવા મળે ને ?

    હવે તો ..ફોનની ઘંટડીઓ રણકતી રહે અને કી બોર્ડની ચાંપો દબાતી રહે...

    અને હાય...અને બાય....છલકતા રહે... બસ..ખુશ રહો...બેટા,ખુશહાલ રહો..

    ” આંગણામાં વાવ્યું છે વૃક્ષ મેં કદંબનું, એ છે પ્રતીક આપણા સ્નેહના પ્રસંગનું. ”

    “ બેટા, લગ્ન એટલે સહજીવનની શરૂઆત. સાચા અર્થમાં એ સહજીવન બની રહેવું જોઇએ. દીકરી તરીકે અત્યાર સુધી તારે ભાગે ફરજ કરતાં હક્ક નો વહાલભર્યો દાવો વધારે આવ્યો છે. હવે નવજીવનમાં તારે કર્તવ્ય નો ભાગ બજાવવાનો વધુ આવે તો એમાં યે મારી દીકરી પાછી નહીં જ પડે..એની મને ખાત્રી છે..પતિના તેના કુટુંબ સાથેના સંબંધો તારા એ ઘરમાં પ્રવેશવાથી ઓછા થવાને બદલે વધવા જોઇએ. દરેક વખતે તારી જાતને બીજાની જગ્યાએ મૂકી ને જોતા શીખીશ તો મોટા ભાગના પ્રશ્નો ઉપસ્થિત જ નહીં થાય. કોઇ પણ મા હોંશથી દીકરાને પરણાવે છે..ત્યારે દીકરાને માથી વિખૂટા પાડવાની ભૂલ મારી દીકરી ન જ કરે. એક દિવસ તું યે મા બનવાની જ છે ને ? અને તારી મમ્મી પણ એક દીકરાની મા છે જ ને ? બસ...બધું આમાં આવી ગયું.. બેટા, લોહીની સગાઇ માં બેદરકારી કદાચ પોષાય. મા દીકરી એક બીજાને ગમે તે કહી લે..પણ બંને જાણે છે કે એમના હૈયાનો સ્નેહ અકબંધ છે. પણ હવે જયારે તું અન્યના આંગણે જાય છે ત્યારે સંબંધોની માવજત કરવી પડે છે. એને કાળજીથી ઉછેરવા પડે છે. સંબંધોનું જતન, માવજત કરવી જ રહી. કયારેય પિયર અને સાસરાની સરખામણી કરીશ નહીં. બાકી તારી સમજણ પર મને પૂરો વિશ્વાસ છે જ.. તમારું સહજીવન સખ્યજીવન પણ બની રહો....”

    પ્રકરણ - 9

    જોડીએ ટુકડા અવસરના....

    આખ્ખું યે આભ ...એની આંખમાં ...વિસ્તરતી ક્ષિતિજો

    વહાલી ઝિલ,

    સ્પ્રીંગને જેમ દબાવો એમ વધુ ઉછળે..વિજ્ઞાનનો સાદો સીધો નિયમ..જીવનમાં પણ એવું જ નથી ? મનને સ્મરણોની દુનિયામાંથી બહાર કાઢવાના જેટલા પ્રયત્નો કરું છું..એટલા બમણા જોશથી ઉછળે છે. સમયઆકાશમાંથી સ્મરણોની ક્ષણો અનરાધાર વરસી રહી છે. જાણે બારે ય મેઘ ખાંગા થઇ ને તૂટી પડયા છે. કે પછી આભ રૂએ સ્મૃતિઓની નવલખ ધારે કહું ? જે કહું તે ..પણ...એકાંત સંગે આથડતા ઘરમાં સ્મરણોનો દીપ ન જલે તો જ નવાઇ.! હું તારા શૈશવને શોધતી રહું છું.

    ” ગૂમ થયું કયાં શૈશવ ? સગડ કયાંય નીકળે છે ? ” આજે તારો ફોન આવ્યો. કોલેજમાં વકતૃત્વ સ્પર્ધામાં તને ઇનામ મળ્યું. મેં અભિનંદન આપ્યા અને પૂછયું, ‘ કોણે સરસ લખી આપ્યું હતું ? ’ આ શબ્દોની સાથે જ આપણે એ દિવસોની યાદમાં કેવા ગૂમ થઇ ગયા ? સ્કૂલમાં તમે બંને ભાઇ બહેન ભણતા.. ત્યારે એક જ વિષય પર લખવાનું કે બોલવાનું હોય ત્યારે બંને ને હું એક જ વિષય પર અલગ અલગ લખી આપું. અને તું હમેશા કહેતી કે ‘ બસ..તું તો મીતને જ ..તારા લાડલાને જ વધું સારું લખી દે છે. એનું જ વધારે સારું છે..પછી તો એનો જ નંબર આવે ને ? ’ હકીકતે કયારેક તારો નંબર આવતો કયારેક મીતનો. પણ જે દિવસે આ બોલી હતી ત્યારે તારો પહેલો નંબર અને મીતનો બીજો નંબર આવેલ. અને મેં પૂછેલ, ’ આમ કેમ થયું ? મેં તો મારા લાડલાને વધું સારું લખી આપેલ ને ? ’ અને તું શું બોલે ? કયારેક હસતી, કયારેક ગુસ્સે થતી અંદર ચાલી જતી. હું તો હમેશા મારા લાડલા અને લાડલી વચ્ચે અટવાતી રહેતી..

    હા, શૈશવમાં રોપાયેલ બીજને અનુકૂળ વાતાવરણ મળતા જરૂર પાંગરે છે. કયારેય કંઇ નકામું જતું નથી. તમે નાના હતા ત્યારે તમને શીખવાડેલ અને તમે રોજ બોલતા..એ શબ્દો યાદ છે ? તમારા કાલાઘેલા એ શબ્દો આજે યે મારા કાનમાં ગૂંજે છે.

    ” કરેલું નકામું જતું નથી. કામ કરતો જા..હાક મારતો જા. મદદ તૈયાર છે. ” તમે તો ત્યારે આનો અર્થ પણ કયાં સમજતા હતા ?

    શૈશવના કોઇ ને કોઇ બીજ દરેક બાળકમાં હોય છે. અને કયારેક એ કોઇ રીતે ઉગે જ છે. સારા બીજ ની ફસલ સારી ઉગે અને નબળા કે સડેલા બીજની ફસલ..નરસી ઉગે એ સ્વાભાવિક જ છે ને ? આજે દુનિયામાં થતા દરેક અપરાધના બીજ જાણે અજાણે કયારેક...કોઇ પણ વડે શૈશવમાં જ રોપાયેલ હોય છે.

    તમારા ભાઇ બહેનના કડવા મીઠા કેટલાયે ઝગડાઓની હું સાક્ષી છું. ઉંમરમાં વધુ ફરક ન હોય ત્યારે આ બધું સામાન્ય જ હોય. ક્યારેક નાના પેન્સિલના ટુકડા માટે લડતા તમે અને કયારેક એકબીજા માટે “રાજપાટ” લૂંટાવી દેનાર પણ તમે જ હતા ને ? દુનિયાના કયા ભાઇ બહેને નાનપણમાં ઝગડા નહીં કર્યા હોય ? એમાં યે લગભગ સરખી ઉમરના હોય ત્યારે તો આવા ઝગડા સ્વાભાવિક રીતે વધુ હોય છે. જુદાજુદા અવસર મનમાં મહોરે છે. આમે ય કોઇએ કહ્યું છે ને ? ”અવસરના ટુકડા જોડી, જો ચન્દરવો નહીં કરો, ડામચિયો આયખાનો સજાવી નહીં શકો ” રક્ષાબંધન વખતે નાનકડા મીતના હાથમાં હું કોઇ વસ્તુ પેક કરીને આપતી અને સમજાવતી કે બહેન તને રાખડી બાંધી દેશે અને ત્યારે તારે આ એને આપવાનું. અને ઘણીવાર મીત કહેતો, ’ ના,હું દીદીને રાખડી બાંધીશ અને દીદી મને આપશે.’ હું એને સમજાવતી. અને મીત મોઢુ ચડાવી ને બેસી જતો. હાથમાનું રંગીન પેક કરેલ પેકેટ આપવાનું તેને કયારેય મન ન થતું ! અને તે નિર્દોષતાથી પૂછતો,’ મમ્મી એવો કોઇ ફેસ્ટીવલ કેમ નથી કે બહેને ભાઇ ને આપવું પડે ? દર વખતે મારે જ બહેનને આપવાનું ? ‘

    હા, આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. બહેનને ભાઇ આપે..અને એ ભૌતિક વસ્તુના બદલામાં બહેન ની ભાઇ માટેની મંગલ ભાવનાનું મૂલ્ય ઓછું કેમ આંકી શકાય ? દરેક ભાઇની એ ફરજ છે. હકીકતે આપણા આ તહેવારો જો સાચી રીતે જોઇએ તો જીવનના મૂલ્યો સમજાવે છે. રાખડીના પ્રતીક દ્વારા ભાઇ બહેનના સ્નેહને જીવંત રાખે છે. આ વ્યસ્ત સમયમાં એકબીજાની યાદ આપી એમની વચ્ચે લાગણીના તંતુને લીલોછમ્મ રાખે છે.

    યાદ છે ? દર રક્ષાબંધનને દિવસે આપણે નર્સરીમાંથી એક રોપ લાવી ફળિયામાં વાવતા. તમે ભાઇ બહેન નાના હતા ત્યારથી શરૂ થયેલ આ પ્રથા વરસો સુધી ચાલુ રહી હતી. વાવેલ રોપ કેવડો મોટો થયો તે જોવા રોજ સવારે ઉઠીને તમે બંને ફળિયામાં પહોંચી જતા. અને કૂંપળ ફૂટેલ જોઇને ખુશખુશાલ બની જતા. નાનકડી ટયુબ હાથમાં લઇ દોડાદોડી કરતાં તમને બંને ને આજે હું બંધ આંખે પણ જોઇ શકું છું. તમારા જન્મ દિવસે પણ ફળિયામાં કે કયારેક કૂંડામાં આપણે હમેશા કોઇ છોડ વાવતા. અને તેને પાંગરતો જોઇ ખુશી અનુભવતા.

    જીવનમાં નાના પ્રસંગો પણ કેવી ખુશી અર્પી રહે છે.! એ માટે કોઇ મોટા પ્રસંગોની રાહ જોવાની જરૂર નથી હોતી. દરેક પળ ને માણી શકીએ તો જીવન સાચા અર્થમાં સભર બની રહે. વૃક્ષો સાથે..કુદરત સાથે તમારો નાતો આ નાનકડી પરંપરાથી જોડાઇ રહેતો. વૃક્ષોનું મહત્વ સમજાવવાની આજે જરૂર છે ખરી ? કયાંક વાંચેલ શબ્દો યાદ આવે છે..”રાજાને આશીર્વાદ આપવા ઉંચો થયેલ સાધુનો હાથ લીલીછમ્મ ડાળ કપાતી જોઇ નીચો થઇ ગયો..” આજે જે રીતે વૃક્ષો...જંગલો આડેધડ કપાઇ રહ્યા છે...માનવી પોતાના સ્વાર્થ માટે એક વૃક્ષ ની જરૂર હોય ત્યાં સેંકડો વૃક્ષો નો વિનાશ કરી રહ્યો છે...એ જોઇને દરેક વિચારશીલ માનવી ને ખેદ ઉપજે તે સ્વાભાવિક છે. આ અવિચારીપણું કયારે અટકશે ? વૃક્ષની મંદિર તરીકે જાળવણી થવી જ રહી. આપણી ભારતીય સંસ્કૃતિમાં તેથી જ ઘણાં વૃક્ષોને ઇશ્વરનો દરજ્જો આપેલ છે. આપણે પીપળાની, તુલસીની, વડલાની, બીલ્લીની ના વૃક્ષની, રુદ્રાક્ષની ... વિગેરે કેટકેટલા વૃક્ષોની પૂજા કરીએ જ છીએ ને ?

    આપણા ઋષિમુનિઓ કેટલા દૂરન્દેશી હતા.. આજે આપણે ઓઝોનના થરમાં પડી રહેલા ગાબડાની વાતો કરી રહ્યા છીએ..ગ્રીન હાઉસ ઇફેકટના નગારા વગાડી રહ્યા છીએ...પર્યાવરણની રક્ષા માટેના અભિયાનો ચલાવી રહ્યા છીએ..પણ જયારે સામાન્ય માનવી માં પણ સાચી જાગૃતિ આવે અને બિનજરૂરી રીતે થતો વૃક્ષો નો વિનાશ અટકે ...ત્યારે જ જંગલમાં મંગલ થઇ શકે ને ? બાકી તો ..

    “મુંબઇ નગરીમાં કોઇ આંબો મહોરે તો, એને રામરામ કહેજો, એના મીઠા ઓવારણા લેજો.”

    કવિઓ આવા ગીત ગાતા રહે છે. આપણે વાહ વાહ કરતા રહીએ છીએ. મારી નજર સમક્ષ તો આજે યે ...આ ક્ષણે યાદોનું એક મીઠું દ્રશ્ય ભજવાઇ રહે છે. ઘરના બગીચામાં એક નાનકડું ફૂલ ખીલે ને તમે બંને કેવી દોડાદોડી કરી રહેતા. પક્ષીઓની જેમ કલરવ કરી મૂકતા. પતંગિયાની જેમ તમે ઉડતા રહેતા. રોજ સવારે ખરેલા પારિજાતના સફેદ, કેસરી નાનકડા ફૂલો હાથમાં લઇ સૂંઘતા ઉંડા શ્વાસ ભરતા રહેતા..સવારે ફળિયામાં પથરાયેલી પારિજાતની એ પથારીની સ્મૃતિ આજે યે મનને સુગંધિત કરી શકે છે. ફૂલનું જીવન કેટલું ક્ષણિક..અને છતાં કેટલું શાશ્વત.! ખરીને ખીલવાનું...ખીલી ને મહેકવાનું..પીસાઇને યે અત્તર બની અન્યને સુવાસિત કરવાનું...કોઇ મસળી નાખે તો તેને યે સૌરભ આપવાનું...કોઇ સ્પર્શે નહીં તો દૂરથી પણ તેને પોતાના રૂપ અને સુગંધ દ્વારા આનંદ અર્પવાનો. ફૂલોનું એક માત્ર જીવન કાર્ય બીજાને આનંદ આપવાનું...સુવાસ આપવાનું જ છે ને ? ફૂલો વિષે કોઇ કવિ કે લેખક કંઇ ને કંઇ લખ્યા વિના રહી શકયા હશે ? આપણે પણ આપણું જીવન ફૂલ જેવું બનાવી શકીએ તો ? મારા પ્રિય કાવ્ય ની પંક્તિ મનમાં સ્ફૂરે રહે છે.

    “ દિનાન્તે આજ તો સકલ નિજ અર્પીને ખરી જવું...”

    પ્રકૃતિ નું દરેક તત્વ કોઇ ને કોઇ સંદેશ મૌન રહી ને આપે છે. એ સાંભળવાની...સમજવાની..અને અમલ કરવાની તૈયારી જો આપણામાં હોય તો . પરંતુ આજે આપણી પાસે તો કુદરતને મનભરીને માણવાનો સમય પણ કયાં છે ?

    અમારી સ્કૂલમાં ભણાવતાં નિશાબહેન કાશ્મીર ફરવા ગયા હતા. તે ફરીને આવ્યા ત્યારે અમે તેમને પૂછયું, ‘ મજા આવી નિશાબહેન ? ‘ તેમનો જવાબ હતો “ હવે એમાં મજા શું ? બધે એ જ પહાડો, ઝરણાં ઓ, બાગ બગીચાઓ, વૃક્ષો, ફૂલો......અને એ માટે ગાંડા થઇ ને ત્યાં છેક હેરાન થવા જવું..પૈસાના ખર્ચા કરવા..અને હાડમારીઓ સહન કરવી....હું તો કંટાળી ગઇ. પણ મારા પતિને એવો બધો બહુ શોખ. એટલે જવું પડે...’ હવે જે વ્યક્તિ કાશ્મીર જેવી જગ્યાએ જઇ ને પણ પ્રસન્ન ન થઇ શકે..તેને શું કહેવું ? એ સૌન્દર્ય માણવાની દ્રષ્ટિ જ ન હોય તો તેને માટે બધુ જં વ્યર્થ છે. તમે કયાં જાવ છો તેના કરતાં શું...અને કઇ રીતે જુઓ છો એ વધુ અગત્યનું છે. બાકી જેને ગ્લાસ અડધો ખાલી જ દેખાતો હોય..એ જ જોવું હોય તેવા લોકો જિંદગીને કે કુદરતને કયારેય પ્રેમ કરી શકતા નથી. જે મળ્યું છે એ માણવાને બદલે તેઓ જે નથી મળ્યું તેનો અફસોસ કરતાં કરતાં ...ફરિયાદ માં જ આયખું પૂરુ કરે છે. તેવી લોકો ને ખુદ ઇશ્વર પણ સુખી કરી શકે નહીં.

    “ મળ્યું છે તો માણે, જીવન કચવાટે શીદ વહો ? “

    કવિઓ ભલેને કહેતા રહે..પણ તેવા લોકો માટે તો કવિતા એટલે વેવલાવેડા...ખેર ! આ બધું લખી ને મેં પણ એક ફરિયાદ જ કરી નાખી ને !

    જો કે હું તો વાત કરતી હતી..ભાઇ બહેનની. મીતના માસૂમ પ્રશ્ન ની..દરેક ફેસ્ટીવલમાં ભાઇએ જ બહેનને કેમ આપવાનું ? જોકે આજે તો મીત હવે એવો પ્રશ્ન નથી પૂછતો. પણ ત્યારે તો તેને એ હમેશા ખૂંચતું. નાનપણની વાતો ન્યારી જ હોય ને ? એ નિર્દોષતા એ સરળતા...એ વિસ્મય, એ સહજતા..મોટા થયા પછી કયાં અદ્રશ્ય થઇ જતા હશે ?

    અને ઝિલ, મીતને તો પાછી બીજી તકલીફ પણ કયાં ઓછી હતી ? એક તો આપણી સ્કૂલમાં ઓગષ્ટ મહિનામાં જ સ્ટડી પ્રાઇઝ મળતા. અને એ જ મહિનામાં તારો જન્મદિવસ અને રક્ષાબંધન લગભગ સાથે આવતા હોવાથી એ બિચારાને તો ખાલી સ્કૂલથી ઘર સુધી કવર પકડવાનું જ આવતું ! જો કે મોટા થયા પછી એના પોતાના કવરમાંથી તને આપવાનો એ ગર્વ અનુભવતો. રક્ષાબંધનના એ ફૉટાઓ આજે યે આ વાતની સાક્ષી પૂરાવતા આલ્બમમાં કેદ થઇ ને બેઠા છે .

    દરેક ભાઇ બહેન વચ્ચે આવા કેટલા ખાટા મીઠા પ્રસંગોની યાદ હશે ? સમયની સાથે ભાઇ બહેનની લાગણીઓને કયારેય કાટ ન ચડવો જોઇએ.

    “આકાશે દોમદોમ ચોમાસુ ઉગે, મનમાં ઉગતી સ્મરણોની કૂંપળ, ભાઇ બહેનની યાદોનો ઉગે અજવાસ...ને ભીતર ઝળહળ, ઝળહળ.” ભીંત ફાડીને ઉગી નીકળતા પીપળાની જેમ આજે ફરી એકવાર યાદો ઉગી નીકળી છે. તમારા ભાઇ બહેનનું વહાલ હમેશા અકબંધ જળવાઇ રહે એ પ્રાર્થના આજે આ ક્ષણે અંતરમાંથી નીકળે છે..સાથે રહેતા કયા વાસણ ખખડતા નથી હોતા ? પતિ પત્ની, ભાઇ બહેન, કે કોઇ પણ સંબંધ માટે એ સાચું જ છે. પણ એમાં મનભેદ કે કોઇ કડવાશ કયારેય ન પ્રવેશવી જોઇએ. બસ..એટલું જ.... દુનિયાના દરેક ભાઇ બહેન વચ્ચે નિર્મળ પ્રેમ છલકી રહે. એકબીજાની ભાવના સમજી શકે..અને એકબીજા માટે હમેશા હાજર રહી શકે..તો લાગણીનો અભાવ કયારેય કોઇને ન પીડી શકે. જે બહેનને ભાઇ ન હોય કે ભાઇને બહેન ન હોય ..એની વ્યથાની એને જ જાણ હોય. આમે ય જે આપણી પાસે હોય તેનું મૂલ્ય જલ્દી નથી સમજાતું. જે વસ્તુનો અભાવ હોય એનું..એ સંબંધનું મૂલ્ય જલ્દી સમજાય છે. અનુભવાય છે.. કોઇ ભાઇ નો હાથ બહેનની રાખડી વિના નો ન રહે..એ તાંતણાની ભીનાશ દરેક ભાઇ બહેન અનુભવી શકે ...માણી શકે અને દરેક ભાઇ બહેનનો નિર્મળ સ્નેહ સદા સલામત રહે. એને સમય નો ઘસારો ન લાગે..કે દુનિયાદારીની ઝાંખપ ન લાગે એ ઝંખના હૈયે રહે છે.

    ભવિષ્યમાં ભાઇ બહેનની ....તમારી પણ એક અલગ દુનિયા વસશે અને બંને અલગ અલગ જગ્યાએ વસો ત્યારે યે અંતરથી દૂર ન રહો...એ જ આશિષ સાથે

    “ઉર કેરા ઉપવનમાં, ભાવ તણી ભીનાશ ભરીએ, વહાલપ કેરા વારિ સીંચી, સ્નેહે મઘમઘીએ.”

    “ બેટા,હમેશા યાદ રાખજે...ઇશ્વરે આવી સરસ જિંદગી આપી છે. તારા વિકાસમાં તારી શક્તિ..તારી મહેનત સાથે બીજા અનેક લોકોનો અમૂલ્ય ફાળો છે. એ કયારેય વીસરીશ નહીં. તારા પતિ, તારા ઘરના દરેક સભ્યનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો હોય જ. તારી પ્રગતિમાં એમને સ્નેહથી ભાગીદાર બનાવજે. કુટુંબનું હિત તો જોવાનું છે જ. સાથે સાથે તારી દ્રષ્ટિ વિશાળ બનાવી વ્યક્તિ સાથે સમષ્ટિનો વિચાર કરતાં ભૂલીશ નહીં. જરૂરિયાતમંદ ને મદદ કરતાં કયારેય અચકાઇશ નહીં. તક મળે ત્યારે ધૂપસળીની જેમ અન્યના જીવનને સુવાસિત કરવાનું ચૂકીશ નહીં. એવી તક નશીબદાર ને જ મળે છે. મદદ લેવાને બદલે કોઇને મદદ કરી શકવાનું પરમ સૌભાગ્ય તને સાંપડે એ પ્રાર્થના સાથે. તારા જીવનવિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેટલીયે વ્યક્તિઓનો ફાળો છે. એ કયારેય ભૂલીશ નહીં. કૃતજ્ઞતાની સંવેદના કયારેય ઓછી ન થવી જોઇએ. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ...સમાજે એક યા બીજી રીતે આપણને મદદ કરી જ હોય છે. તેનું ઋણ જે રીતે ચૂકવી શકાય તે ચૂકવવું જ રહ્યું. અને એ ઋણ અન્યને મદદરૂપ બની ને જ ચૂકવી શકાય. એમાં જ માનવી તરીકે સ્ત્રી તરીકે તારું ગૌરવ રહેલ છે. સ્ત્રી તેની સંવેદના વડે કોઇ પણ ના દુ:ખની વધુ નજીક જઇ શકે છે. તેના વાત્સલ્ય વડે અન્યની ચેતનાને પ્રજવલિત કરી શકે છે. કોઇને સ્નેહની એકાદ સરવાણી આપી શકીએ તેનાથી ઉત્તમ બીજું શું હોઇ શકે ?

  • પ્રકરણ - 10
  • યાદોંની કુંજગલીમાં..
  • ઘૂઘવતો સાગર ..વહાલનો દરિયો ...ઓટ વિનાની ભરતી

    વહાલી ઝિલ,

    “ બારી ખોલો ! ચોઘડિયું બેઠું ફૂલોનું, ઘર આખું આકળ વિકળ છે, લો શુકન થયા. ”

    આજે સવારથી હું પરમ આશ્ર્વર્યથી તારી દોડાદોડી જોઇ રહી હતી. આજે શુભમ યુ.એસ. પાછો જવાનો હતો. અને હવે એક વરસ પછી લગ્ન માટે આવવાનો હતો. આજે તો તને મારી સાથે વાત કરવાનો યે સમય કયાં હતો ? હું સોફા પર બેઠી બેઠી પતંગિયાની જેમ ઉડતી પુત્રીને નીરખી રહી હતી. ઘડીકમાં શુભમની ચિંતા કરતી, ઘડીકમાં શુભમને પ્રેમથી ખીજાતી.. ‘ તારે રૂમાલ લઇ જવાના હતા ને ? ભૂલાઇ ગયા ને ? હવે છેલ્લી મિનિટે દોડાદોડી કરશે.! કપડા બધા ધોબી ને ત્યાંથી આવી ગયા ? એકે ય ભૂલાઇ નથી ગયા ને ? કંઇ રહી નથી જતું ને ? ’

    હું તો બસ મૌન રહી સાંભળી જ રહી. અરે,આ બધા તો મારા રુટિન ડાયલોગ હતા ! વેકેશન પૂરુ થાય અને તું હોસ્ટેલે જતી હોય ત્યારે બોલાતા મારા શબ્દો..સમજદારીનું આ મૂળ તારામાં કયારે...કયાંથી ઉગી નીકળ્યું ? આ અંકૂર કયાંથી ફૂટી નીકળ્યા ? કયા ખાતર પાણી એને મળ્યા હશે ? કદાચ શુભમના પ્રેમના ખાતર પાણી હશે ! મનમાં એક વિચાર ખબર નહીં કેમ ઝબકી ગયો...આજે તો બંને એકબીજાને સર્વગુણ સંપન્ન દેખાય છે. .આ જ દ્રષ્ટિ હમેશ માટે જ્ળવાઇ રહેશે ને ? ગુણ વ્યક્તિ કરતાં દ્રષ્ટિમાં વધુ હોય છે ને ?

    ત્યાં અચાનક શુભમને ન જાણે શું સૂઝયું. મારી પાસે આવી ને કહે,

    ‘મમ્મી, મારી ઝિલનું ધ્યાન રાખજો..’ ’ હા, બેટા,તું ચિંતા ન કર...’( અને કદાચ મનમાં જ બોલી કે આટલા વરસોથી તું જ જાણે એનું ધ્યાન રાખતો હતો નહી..!!!) અને હું હસી પડી...

    હજુ કાલ સુધી હું જેની બેગ પેક કરી આપતી હતી..તે આજે કોઇની બેગ પેક કરી રહી હતી. હં..તો બહેનને બધું આવડતું હતું...આ તો મમ્મી કરી આપે એના નખરા હતા બહેન ના...મારી લાડલી ના.

    “ હતી સાયબી કંઇ અમારી નવાબી;

    હવે એ યાદના થોડા સિક્કાઓ બચ્યા છે. ” અને “ લાડલી ” શબ્દની સાથે જ મને યાદ આવી ગયા..દીકરા...મીતના શબ્દો..

    નાનપણમાં ભાઇ બહેન ને ઘણીવાર કોઇ વસ્તુ માટે કે કોઇ વાત માટે ઝગડા થતા..ત્યારે મીત હમેશા મને ફરિયાદ કરતો, ‘ મમ્મી, આ તારી લાડલી ને કહી દેજે હોં.! ‘ અને તું પણ આવું જ કહેતી, ‘ મમ્મા, આ તારા લાડલાને કહી દેજે..’

    અને હું હમેશા ગૂંચવાતી રહેતી બંને ની વચ્ચે..અને હસીને કહેતી, ‘ મને કયારેય નથી સમજાયું કે મારા લાડલી અને લાડલા કોણ છે ? અને આજ સુધી એ પ્રશ્ન અનુત્તર જ રહ્યો છે કે મને કોણ વધારે ગમે છે ? આજે યે બંને ભાઇ બહેન વચ્ચે આ મીઠો ઝગડો ઉભો જ રહ્યો છે. ને ઉભો જ રહેશે તેની ખાત્રી છે. કયારેય આ વાતનો મારી પાસે જવાબ નહીં હોય.. કેમકે કોઇ મા પાસે જવાબ ન હોય કે તેને ડાબી આંખ વધુ ગમે કે જમણી ?

    યાદ છે..? જોકે આ તો તને બહુ યાદ છે...એની મને ખબર છે. તમારા માટે પહેલીવાર બે પૈડાની નાની સાઇકલ પપ્પા લાવ્યા હતા. અને પહેલા કોણ ચલાવે તે માટે તમારા બંને ની લડાઇ ચાલતી હતી. તમારે જ તમારું ફૉડી લેવાનું હતું. કેમકે મેં તો હમેશની જેમ કહી દીધું હતું કે ‘ હું કંઇ ન જાણું..તમે બંને નક્કી કરી લો.’ કેમકે મારે તો લાડલા અને લાડલી....બંને ને સાચવવાના હોય ને ? એટલે એવું કોઇ જોખમ હું તો કયારેય લેતી જ નહીં. અંતે તેં તારા ભાઇલાને કેવી યે સરળતાથી પૂછયું, ‘ ભાઇલા,તને પ્લેન ગમે કે સાઇકલ ? ‘ અને ભોળા ભાઇલાએ નિર્દોષતાથી જવાબ આપ્યો, ‘પ્લેન..!! ’ અને તેં તરત કહ્યું, ‘તો જો તું પ્લેન આમ ચલાવ..મારે તો સાઇકલ ચાલશે ’ આમ કહી તેં પ્લેન ચલાવવાની એક્શન કરી બતાવી.

    અને તારો ભોળો ભાઇલો પ્લેનની ઘરઘરાટી બોલાવતો કમ્પાઉન્ડમાં આંટા મારવા લાગ્યો.અને તું સાઇકલ લઇ ઉપડી ગઇ.!! પણ પછી મારાથી ન રહેવાયું..મેં મીતને ઉભો રાખી પૂછયું, ’ બેટા,શું કરે છે ? ‘ તે કહે, ‘ પ્લેન ચલાવું છું ‘ મેં કહ્યું, ‘ પણ પ્લેન કયાં ? ‘ અને..........અને અચાનક તેને ખ્યાલ આવ્યો કે બહેન તેને ઉલ્લુ બનાવી ગઇ છે..!! અને પછી..પછી તો..... પણ ત્યાં તો તું સાઇકલ લઇ ને આવી ગઇ હતી..અને પ્રેમથી ભાઇલાને આપી દીધી.! આજે યે તારા જીનીયસ ભાઇલાને એ વાત યાદ કરાવીને તું એની મસ્તી કરવાનો મોકો ચૂકતી નથી .

    શુભમને આમ કયારેય ઉલ્લુ ન બનાવતી હોં ! ના,ના, આજે તો તું ડાહી થઇ ગઇ છે. (મતલબ ત્યારે.....?? ) અને આજે તો તારો ભાઇલો યે તને ઉલ્લુ બનાવે એવો થઇ ગયો છે.

    આજે માસીનો લંડનથી ફોન આવ્યો ત્યારે તારા સમાચાર પૂછતા હતા. તેની ત્રણ વરસની મીઠડી દીકરી તાન્યા એ તારી સગાઇની કેસેટ જોઇ અને કહે, ‘ મારે પણ ઝિલદીદી જેવા રેડ ફૂટપ્રીન્ટ લેવા છે...!! ’ સગાઇ પછી તારા ઘરમાં કરાવેલ તારા કુમકુમ પગલાં નું દ્રશ્ય જોઇને તે કહેતી હતી.

    યાદ છે..? તાન્યા અહીં આવેલ ત્યારે એકવાર ચોકલેટ ખાઇને હાથમાં તેનો કાગળ લઇ ફરતી હતી. કયાં ફેંકવો તેની ખબર નહોતી પડતી..તેથી મૂંઝાતી હતી. ત્યારે કોઇએ તેને કહ્યું કે, ‘ વાંધો નહીં...અહીં ફેંકી દે...’ તો કેવા યે આશ્ર્વર્યથી જોઇ રહી..રસ્તા પર ચોકલેટનો કાગળ થોડો ફેંકાય ?

    ત્રણ વરસની એ છોકરીને રસ્તા પર કંઇ ન ફેંકાય..એની જાણ હતી...જયારે અહીં કોઇને કંઇ પણ કચરો વિના સંકોચે ગમે ત્યાં ફેંકતા જોઇએ છીએ...ત્યારે થાય છે..સ્વચ્છતાના પાઠ તો આપણે પશ્વિમ પાસે થી શીખવા જ રહ્યા. સ્વચ્છતામાં જ પ્રભુતા વસે છે..એ આપણે જાણી ને અમલ કરતાં કયારે થઇશું ? આપણે નદીને પવિત્ર માનીએ છીએ. માનો દરજ્જો આપીએ છીએ..પરંતુ દુ:ખ સાથે સ્વીકારવું જ પડે છે કે એને ગંદી કરતાં આપણે જરાયે અચકાતા નથી. ગંગા જેવી પવિત્ર નદી ની અવદશા માટે આપણે જ જવાબદાર છીએ ને ? કે પછી આપણી અંધશ્રધ્ધા ? પાણી નો રજવાડી ઠાઠ જાણે આજે નજરાઇ ગયો છે. આપણા મોટા ભાગના મંદિરોમાં જે ગંદકી જોવા મળે છે..તે જોઇને ઘણીવાર આપણી આસ્થા ડગી જાય છે. જયાં જઇ ને મન પ્રસન્નતા ન અનુભવી શકે તે જગ્યાને પવિત્ર કેમ કહી શકાય ?

    આ સાથે જ એક બીજી સરસ વાત યાદ આવે છે. આપણી બાજુમાં નવા રહેવા આવેલ ડોકટરને ચાર વરસનો પુત્ર હતો. તેનું નામ આદિત્ય હતું. એકવાર આપણે બધા સાથે ફરવા ગયેલ ત્યારે એક જગ્યાએ કાર ઉભી રાખી હતી. અને આદિત્ય એ વેફર ખાઇને કાગળ ત્યાં રસ્તા પર ફેંકયો. નાનપણથી એ આવું જોતો આવ્યો હતો. તેથી એને એમાં કંઇ અસ્વાભાવિક કયાંથી લાગે ? આજે અમારી સાથે તેના કાકા પણ હતા..તેણે બહુ પ્રેમથી આદિત્યને કહ્યું, ‘ તારું ઘર ગંદુ થાય એ તને ગમે ? તું ઘરમાં આમ કચરો ગમે ત્યાં ફેંકે છે ? ‘ આદિત્યએ સ્વાભાવિક રીતે જ ના પાડી. તો કાકા કહે, ’ઘરની જેમ આ દેશ પણ આપણો જ છે ને ? બેટા, તારો દેશ ગંદો છે..એવું કોઇ કહે તો તને ગમે ? કોઇ કચરો કરે એટલે આપણે પણ કરવાનો ? આપણે તો કોઇ કચરો કરતા હોય એને પણ ના પાડવી જોઇએ..કે આપણા દેશને ગંદો ન કરો... બરાબર ને ? ’

    કાકા એ એટલી સરસ રીતે સમજાવ્યું કે આદિત્ય તરત કારમાંથી નીચે ઉતરી પોતે નાખેલ વેફરનો કાગળ તો ઉપાડી આવ્યો..પણ સાથે સાથે ત્યાં પડેલ બીજા બે ચાર કાગળો પણ ઉપાડી આવ્યો અને ડસ્ટબીન ન દેખાયું ત્યાં સુધી સાચવી રાખ્યા..અને પછી તો કોઇ પણ જરાક કંઇ ફેંકે એટલે નાના આદિત્યની જીભ ચાલુ થઇ જાય, નહી..’ મારા દેશને ગંદો નહીં કરવાનો. ’

    ખરેખર દરેક માતા પિતા નાનપણથી પોતાના બાળકને સ્વચ્છતાના આ સંસ્કાર આપે તો આપણા દેશની પરદેશમાં જે છાપ છે એ ભૂંસાઇ જાય. અને પછી કોઇ આપણા દેશને ગંદો કહી ને અપમાન ન જ કરી શકે. ચોખ્ખાઇના આ સંસ્કાર ગળથૂથી માંથી મળવા જોઇએ...દરેક વ્યક્તિ પોતાનું આંગણુ વાળી નાખે તો આખું ગામ એની જાતે સાફ થઇ જાય.આ માટે સમાજમાં..લોકોમાં જાગૃતિ આવવી રહી.અને આ જાગૃતિ આવે શિક્ષણથી...સાચા શિક્ષણથી. આજે તો ભણેલ ગણેલ...પરદેશ જઇ આવેલ વ્યક્તિ પણ અહીં આવે ત્યારે આરામથી રસ્તા પર કચરો ફેંકતા અચકાતી નથી. અહીં તો બધું ચાલે..!! અને પછી એ જ વ્યક્તિ પરદેશની સ્વચ્છતાના વખાણ કરતી હોય. !! આ મેન્ટાલીટી જયાં સુધી બદલાય નહીં ત્યાં સુધી આપણો દેશ સ્વચ્છ કેમ થાય ? પરદેશમાં દંડના ભયથી એ સુધરી જાય છે..” ભય વિના પ્રીતિ નહીં..” એ કદાચ સાચું જ છે.

    સ્વચ્છતાની વાત આવે એટલે મારું લેકચર ચાલુ. ખરું ને ? તું પરદેશ જવાની છે..જોકે તમને તો નાનપણથી આ બધી આદતો પાડવાનો પ્રયત્ન અમે કર્યો જ છે. એટલે કહેવાની જરૂર નથી.

    આજે શુભમની બેગ પેક કરતી તને જોઇને એક મા ના આશીર્વાદ સરી પડે છે..’ બેટા, હમેશા આવા જ પ્રેમથી છલકતા રહો. સાચા અર્થમાં સહપ્રવાસી ..મિત્ર બની રહો. અને તમારા મધુર કલરવથી અમારું જીવન છલકી રહો.’

    રાત્રે એરપોર્ટ પર તો તમારા બે સિવાય જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ચાંચ માં ચાંચ નાખી ઘૂ ઘૂ કરતાં પારેવાની જેમ બંને એકબીજાને બાય કહેવામાં, ગુફતુગુ કરવામાં જ ખોવાઇ ગયા હતા. અમે બધા વડીલો બંને ની ઘૂસપૂસને દૂરથી માણી રહ્યા હતા. અંતે છૂટા પડવાનો સમય આવ્યો.. શુભમને ખ્યાલ આવ્યો..આવીને તેની મમ્મીને અને મને પગે લાગ્યો. હું મૌન હતી...બિલકુલ મૌન...

    “ છૂટા પડતી વખતે બોલવાનું શું ? શબ્દોમાં હૈયાને ખોલવાનું શું ? “

    બસ.... શિવાસ્તે તવ પંથા:

    “ આજે સંયુકત કુટુંબની પ્રણાલિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એના કારણો દરેક માટે અલગ હોઇ શકે. કદાચ કોઇ બાહ્ય કારણસર અલગ રહેવાનું થાય ત્યારે પણ મન જોડાયેલ હોય તો એકબીજાને સ્નેહની હૂંફ મળી રહે. અને મનને જોડાયેલ રાખવાની જવાબદારી સ્ત્રી ની જ રહે છે. સ્ત્રી ધારે તો જોડી શકે ને ધારે તો તોડી શકે. બેટા,તારા કુટુંબને જોડી રાખવાનો પ્રયત્ન કરવાનું કયારેય ચૂકીશ નહીં. તને ખબર છે..? વાંસના જંગલમાં કયારેક કોઇ વાંસ તૂટી જાય છે, છતાં એ જમીન પર પડતો નથી. કેમકે એકબીજાની બિલકુલ અડોઅડ ઉભેલા બીજા વાંસ તેને જમીન પર પડવા દેતા નથી. જીવનમાં પણ જો જોડાયેલ હોઇએ તો એકબીજાની મદદ વડે કયારેય પડવાનો ભય રહે નહીં. અને પડીએ તો પણ ઉભા કરનાર મળી જ રહે. પાંચ આંગળી ભેગી થાય ત્યારે મુઠ્ઠી બને છે. અને મુઠ્ઠી ને ખોલવી આસાન નથી હોતી. આજે સામાન્ય રીતે સગાથી બધા દૂર ભાગે છે. કારણકે સ્નેહની ગાંઠ ઢીલી પડી છે. સ્નેહનું સ્થાન શુષ્ક વહેવારે લીધું છે. બેટા, સ્નેહ તો જીવનનું ચાલક બળ છે. શરૂઆતમાં એકલા રહેવાની હોંશ હોય, અને ત્યારે બીજાની હાજરી બિનજરૂરી લાગે..પણ દરેક દિવસ કયારેય એકસમાન જતાં નથી. અન્યની જરૂર જીવનમાં ગમે ત્યારે પડી શકે છે. ત્યારે આ સ્નેહ જો જળવાયેલ હોય તો જ એ જરૂર પડયે હૂંફ આપી શકે. આ વાત અનુભવે જ સમજાઇ શકે. પણ જે વ્યક્તિ બીજાના અનુભવે શીખી જાય એ જ હોંશિયાર કહેવાય ને ? તારા ઘરના સભ્યો સાથે સ્નેહની ગાંઠ કયારેય ઢીલી ન પડે..તેનું ધ્યાન રાખીશ ને ? “ ”સ્નેહની કડી સર્વથી વડી...”

  • પ્રકરણ - 11
  • આંખોમાં ઉગતું વહાલપનું વનરાવન...
  • ઝગમગ દીવડી ...સ્નેહનો પ્રકાશ ...અંતરની શીતળતા

    વહાલી ઝિલ,

    “ મનમાં અતલ ઉદાસી ને આંખોમાં ચૈત્રતા, જાણે વરસાદમાં અંધારાયેલ કોઇ દિવસ.! ” કાલે શુભમ ગયો. અને આટલા દિવસથી થિરકતી, નાચતી, કૂદતી..તું બે દિવસ ઉદાસ બની ને મૌન થઇ ગઇ. કદાચ શુભમ સાથે ગાળેલ ક્ષણોને મનમાં જ માણતી રહી. એ ક્ષણોને ફરી એકવાર અંતરમાં ઉજાગર કરતી રહી. મને ખબર હતી..વહેલી મોડી તું આ ક્ષણોમાં મને ભાગીદાર બનાવીશ. કેમકે આપણે ફકત મા દીકરી જ થોડા હતા ? આપણે તો હતા..(ને છીએ) પરમ મિત્રો ! પણ.તું યે કદાચ મારા પૂછવાની જ રાહ જોતી હતી..! અને તું કહેતી રહી....હું અખૂટ રસથી તારા ભાવવિશ્વ માં તારી સાથે વિહરતી રહી.

    શુભમે આમ કહ્યું..અમે આમ કર્યું. અમે અહીં ફર્યા..આ ખરીદી કરી “અમારા ઘર “માં આમ કરે ને “ અમારા ” ઘરમાં બધાને આ ગમે ને આ ન ગમે.. તારી યે જાણ બહાર તારી વાતોમાં આપણા ઘરને બદલે “ અમારું ઘર “ શબ્દ આવી ગયો હતો.

    “ વહાલમ,તારે ફળિયે હું તો વહાલ થઇને વરસું, પારિજાતના ખરખર ખરતા ફૂલ બનીને મહેકું.” એક દિવસમાં પારકાના ઘરને પોતાનું ગણી શકે તે સમજણ દરેક ભારતીય પુત્રીમાં કયાંથી ઉગી નીકળતી હશે ? મારી પુત્રી આજે બીજાને શું ગમે ને શું ન ગમે....એની વાતો કરતી હતી. હું તારી મુગ્ધતામાં ખોવાઇને તારી એ થનગનતી ક્ષણો માણતી હતી. આવા દિવસો એકવાર મેં પણ માણ્યા હતા. આજે મારી પુત્રી દ્વારા ફરી એકવાર એ રોમાંચક દુનિયામાં હું યે ગુમ થઇ હતી. અને આશીર્વાદની અમીધારા તો હમેશની જેમ વહેતી જ હતી. ” બેટા,તારા સપના સૌ અખંડ સૌભાગ્યવંતા બની રહો. તારા શમણાને સમયની નજર કયારેય ન લાગે આ ‘ નજર ‘ શબ્દની સાથે જ એક દ્રશ્ય “હાજીર હૂં..” કરતું મારી સામે દોડી આવ્યું. તું એક વરસની હતી. તારા કિલકિલાટથી અમે ગૂંજતા હતા. ત્યારે તને બે ચાર દિવસ તાવ આવ્યો. અને દવા આપવા છતાં જલ્દી ઉતરતો નહોતો. ત્યારે ઘણાં એ મને કહ્યું કે “ છોકરીને કોઇની નજર લાગી ગઇ છે. કાળા દોરા...” નજરિયા “ નથી બાંધ્યાને એને એટલે.! બા પણ ચિડાયા..અને કાળા દોરા હાથમાં અને ગળામાં બાંધવા કહ્યું. હું તો આ બધામાં જરાયે ન માનું. અને જે ન માનું તે કયારેય કરું પણ નહીં જ. એટલે દોરા ..ને એવી બધી વાતોમાં જરા પણ વિશ્વાસ ન હોવા છતાં..તે દિવસે એક “મા” એ બધી જીદ મૂકીને એકવાર તો તારા ગળામાં “નજરિયા” પહેલી ને છેલ્લી વાર જરૂર બાંધ્યા હતા. મા ની લાગણીને કયાં કોઇ માન્યતા હોય છે ? તાવ તો અલબત્ત દવાથી જ ઉતર્યો. અને ત્યાર પછી કયારેય એ બધું સ્વીકાર્યું નથી.

    તારી સગાઇ વખતે પણ ઘણાં એ કહેલ કે આજે ઝિલ બહું સરસ દેખાય છે. કાન પાછળ એક કાળુ ટપકુ કરી દેજો. કહેનાર વડીલ હોવાથી મેં દલીલ તો ન કરી. પણ કંઇ કર્યું પણ નહીં. મેં તો મૂરત, ચોઘડિયું પણ કયાં જોવડાવ્યા હતા ? ઇશ્વરને જો ખરેખર માનતા હોઇએ તો ઇશ્વર નિર્મિત એક પણ ક્ષણ ખરાબ...અશુભ કેમ હોઇ શકે ? અને છતાં આજે સમાજમાં અંધશ્રધ્ધા..અંધવિશ્વાસ ને લીધે કેટકેટલી માન્યતાઓ પ્રવર્તે છે.

    આપણે ત્યાં કામ કરતા દેવીબહેનનો પ્રસંગ યાદ આવે છે. તે દિવસે રોજની જેમ દેવીબહેન ઘેર કામ કરવા આવ્યા ત્યારે થોડા ઉદાસ હતા. કારણ પૂછતાં તેમણે કહ્યું કે આજથી હવે ઘેલા (તેનો દીકરો) ને દૂધ પીવા નહીં મળે. મેં કહ્યું, ‘ કેમ, તમારે ઘેર તો ગાય છે. રોજ તમે એને પીવડાવો જ છો ને ? ‘ તો કહે, ‘ હા,પણ હવે ગાય તો મોટા છોરા ને આપી દીધી.’ મને નવાઇ લાગી. કેમકે તેનો મોટો દીકરો તો મૃત્યુ પામ્યો હતો તે મને ખબર હતી. પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે કાલે તેને ઘેર તેમના ગોર મહારાજ આવેલ..અને કહેલ કે તેનો મૉટો દીકરો જે ભગવાનને ઘેર ગયો છે તે દુ:ખી છે. અને ત્યાં તેને પીવા માટે દૂધ નથી મળતુ. અને ઠંડી પણ બહુ લાગે છે. હવે જો તેને દૂધ પહોચાડવું હોય અને ઠંડી ન લાગે તેમ કરવું હોય તો ગોર ને ગાય અને ગોદડાનું દાન આપો તો જ ઉપર ભગવાનના દરબારમાં તેને દૂધ પીવા મળે. ને ઓઢવા મળે. એટલે દેવીબહેને બિચારાએ તે ગોરમહારાજ ને ગાય અને સરસ મજાનું પેચ વર્ક કરેલ ગોદડું હોંશે હોંશે આપી પુત્રની ઠંડી મિટાવ્યાનો..કે પુત્રને દૂધ પીવડાવ્યાનો સંતોષ મેળવ્યો. મને ખૂબ દુ:ખ થયું. મેં તેમને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પણ તે કહે, ‘ તમે સુધરેલા..ભણેલા લોકો આવું બધું માનો નહીં...એટલે આવું બોલીને તમે યે પાપમાં પડો છો અને મને યે પાપમાં નાખો છો..! ’

    હવે શું કહેવું તે મને તો સમજાયું નહીં...આવા દેવી બહેનોની સમાજમાં... આજે એકવીસમી સદીમાં યે કયાં ખોટ છે ? એક તરફ ઇન્ટરનેટ અને હાઇ ટેક યુગની વાતો આપણે કરીએ છીએ..ત્યારે બીજી તરફ હજુ યે જૂની માન્યતાઓ અને રિવાજો અને અંધશ્રધ્ધામાંથી બહાર આવી શકતા નથી. આજે યે દોરા ધાગા...મેલી વિધ્યા, તાંત્રિકોની માયા જાળ, ભૂત પલિત, ચમત્કારો ..વિગેરેના દાયરામાંથી છૂટી શકતા નથી. આજે પણ સ્ત્રી ને ડાકણ કે અપશુકનિયાળ ગણી ને વ્યવહાર થતા રહે છે. એનો ઇન્કાર કયાં થઇ શકે તેમ છે ? એક તરફ આજે સ્ત્રી અવકાશ ક્ષેત્રે સિધ્ધિ મેળવી રહી છે. અને બીજી તરફ આ અંધ શ્રધ્ધાની દુનિયા નાની સૂની નથી.

    ખેર.! એક દિવસ મેં પણ તને નજરિયુ બાંધ્યું જ હતું ને ? આજે યે ભણેલ ગણેલ લોકો પણ લીંબુ મરચાથી નજર ઉતારતા દેખાય છે .બારણે લટકતા લીંબુ,મરચા આજે ઘણી જગ્યાએ નજરે પડે જ છે. અને ભૂલથી યે એવું ન માનતી કે આ બધું આપણા દેશમાં જ છે... કે અભણ, અશિક્ષિત વર્ગમાં કે ગામડામાં જ છે ? કદાચ વિશ્વનો કોઇ દેશ આમાંથી બાકાત નથી જ. યુ.એસ. કે યુ.કે. જેવા વિકસીત દેશમાં પણ પરિસ્થિતિ બહુ હરખાવા જેવી નથી જ. એક યા બીજા વહેમથી ત્યાંના લોકો યે ઓછા પીડિત નથી જ. માણસ પાસે જેમ પૈસો, સફળતા, પદવી વધારે તેમ તેને ગુમાવવાનો કે સાચવી રાખવાનો ભય પણ વધારે. એટલે જ આપણે વારંવાર સાંભળીએ છીએ..શ્રીમંત લોકો લાખો રૂપિયાના ધુમાડા કરી ને હોમ, હવન કરાવતા રહે છે. જાતજાતની ધાર્મિક વિધિઓ કરાવતા ફરે છે. અલગ અલગ વીંટીઓ, માળાઓ, માદળિયાઓ પહેરતાં રહે છે. એને શ્રધ્ધાના પ્રતીક તરીકે ઓળખાવતા રહે છે. હકીકતે એ માનવની અંદર રહેલ એક ભય જ દર્શાવે છે...નિષ્ફળતા નો ભય. આ વસ્તુ મારા માટે શુકનિયાળ. છે....લકી છે. એમ આપણે દરેક પાસેથી કયારેક તો સાંભળ્યું જ હશે. અને જયોતિષીઓ...પંડિતો, પુરોહિતો એ બધી માન્યતાઓને પોષતા રહે છે. અંતે એમને યે એમનો ચૂલો સળગતો તો રાખવો જ રહ્યો ને ? જયોતિષ એક વિજ્ઞાન છે જ. પણ એ માટે એના સાચા જાણકાર....સાચા વિદ્વાન .. પળે પળની ગણતરી.. માંડી શકે .ગણિત નું પૂરું જ્ઞાન.. હોય એટલો સમય..હોય..એ બધું આજે કયાં ? એવી વ્યક્તિઓ કેટલી ? અહીં કોઇની ટીકા કરવાનો કે સારું, ખરાબ કહેવાનો આશય નથી. પણ કહેવાનો અર્થ એટલો જ કે માણસમાત્રના અજ્ઞાત મનમાં રહેલ કોઇ ભય તેને આ બધું માનવા, સ્વીકારવા પ્રેરે છે. એમાંથી બહાર આવવું આસાન નથી જ. અસલામતીની ભાવના જેમ નાના શિશુમાં હોય છે તેમ દરેક માં ઓછે વત્તે અંશે હોય જ છે. એમાંથી કયારેય બહાર નીકળી શકાશે કે કેમ એ અત્યારે તો કેમ કહી શકાય ? સમયનું ચક્ર કયારે..કેમ ઘૂમશે એનો પાર કેમ પામી શકાય ?

    આ ક્ષણે તો સમયને ભૂલીને પુત્રી સાથે વિહરી રહી છું. બેટા, જન્મથી અત્યાર સુધીમાં તારા કેટકેટલા સ્વરૂપો જોયા છે, જાણ્યા છે, માણ્યા છે. અને હજુ કેટલાય જોવાના બાકી છે. તું ચાલતા શીખી....બોલતા શીખી....સ્કૂલે જતી થઇ....દરેક અવસ્થાની આગવી ક્ષણો મનના કેમેરામાં એવી તો કંડારાઇ ગઇ છે કે જે સમયની સાથે ઝાંખી થવાને બદલે વધુ ઘેરી બની રહી છે.

    ધીમે ધીમે તારું વર્તુળ વિસ્તરતું ગયું.. અને આજે એના કેન્દ્રમાં મારી જગ્યાએ શુભમ કયાંથી....કેમ..કયારે આવી ગયો....તેની મને તો ખબર સુધ્ધાં ન પડી..તને પડી હતી કે કેમ એ યે કદાચ પ્રશ્ન છે....જેનો પૂરો જવાબ કદાચ તારી પાસે યે નહીં હોય. એ તકાજો યૌવનનો, પ્રકૃતિનો હોય છે . અને દરેક દીકરીના આકાશમાં અનાયાસે એ છાના પગલે આવી જ જાય છે.

    ”તારીખ,વાર એના હું નહીં આપી શકું, મલકયું’તુ એક ફૂલ,એટલું બસ યાદ છે.” માને કેન્દ્ર સ્થાને રાખીને ફરતી તું હવે શુભમની આસપાસ ફરતી થઇ. એ સ્વાભાવિક પરિવર્તન દરેક મા એ હોંશે હોંશે સ્વીકારવું જ રહ્યું. દરેક દીકરી ને એક દિવસ પોતાનો આગવો સંસાર,આગવું ઘર હોય છે. બસ... એ ઘરમાં તું ખીલતી રહે, ને જીવનમાં આવતી સારી નરસી દરેક ક્ષણોમાં પણ અંતરની અમીરાત અકબંધ જળવાઇ રહે....એ જ પ્રાર્થના દરેક મા ની દીકરી માટે હોય ને ? મારા મનમાં તો અત્યારે રમી રહે છે..કયાંક વાંચેલી આ સુંદર પંક્તિઓ.

    ”મોરલીની માધુરીને માથે ધરીને રાજ, મારગ થઇ મથુરાના ચાલશું, ગોરસ થઇ વ્હાણે વલોણે છલકાઇશું...કે કળીઓ કદંબની થઇ મહોરશું, વહાલપના વેણે વનરાવન થઇ મલકીશું. તારા અને દરેક દીકરીના જીવનમાં વહાલપના વનરાવનની ખોટ કયારેય ન રહે...એ જ આશિષ સાથે.

    “ બેટા, એક દિવસ તું યે માતૃત્વની દીક્ષા પામીશ . ત્યારે ખાસ યાદ રાખજે..આવનાર બાળક માટે તારે પૂરેપૂરો સમય ફાળવવો જ રહ્યો. એ દરેક બાળકનો અધિકાર છે.. એ અધિકાર બાળકને મળવો જ જોઇએ. બાળક માટે ભોગ આપવાની પૂરી માનસિક તૈયારી ન હોય ત્યાં સુધી બાળકને આવકારીશ નહીં.. એક શિશુનું આગમન તારી સમગ્ર દુનિયા બદલી દેશે. એ બદલાવ માટે તમે બંને બધી રીતે તૈયાર હો ત્યારે જ બાળકના આગમનને વધાવી શકાય. બાળક એ ઇશ્વરનું અણમોલ વરદાન છે. એ વરદાનનું ઉચિત સ્વાગત કરવું...એ તમારી પ્રથમ ફરજ છે. અને તમે જે કહેશો એ બાળક કયારેય નહીં શીખે..પરંતુ તમે જે કરશો એ બાળક કોઇ પ્રયત્ન વિના પણ આસાનીથી શીખી લેશે. એટલે બાળકને જે શીખડાવવા ઇચ્છતા હશો એવું વર્તન તમારે પ્રથમ કરવું જ રહ્યું. અને શિશુના સ્વાગત માટે, આવકાર માટે પૂર્વતૈયારી રૂપે...શારીરિક અને સાથે માનસિક સજ્જતા પણ કેળવવી રહી. અને બાળઉછેર એ વિજ્ઞાન તો છે જ. પણ કોરું વિજ્ઞાન એમાં કામ આવતું નથી. એ એક કલા પણ છે. સ્નેહ અને સંસ્કારની કલા. જેને પ્રત્યેક માતા પિતાએ આત્મસાત્ કરવી પડે છે. જો બાળકને સાચા અર્થમાં કંઇક બનાવવું હોય તો. બાળઉછેર માટે જો ફકત એક જ વાત કરવાની હોય તો હું તો આટલી જ કરું. “ તમે કહેશો તેમ બાળક કયારેય નહીં કરે, પણ તમે કરશો તેમ બાળક અચૂક કરશે. “ બસ...આમાં બધું જ આવી ગયું ને ?

    પ્રકરણ - 12

    એ.બી.સી.ડી......આડીઅવળી.. છલકે ખુશી...તારા ભીના અસ્તિત્વે....મહેકે મન લાડલી ઝિલ, આજે...આજે પરમ આશ્ર્વર્ય.. આનંદ ...આનંદ..

    ” આજે તારો કાગળ મળ્યો, ગોળ ખાઇ ને સૂરજ ઉગે એવો દિવસ ગળ્યો. ”

    આજે તેં હોસ્ટેલમાંથી ઘણાં સમય બાદ મને કાગળ લખ્યો. લાંબો મજાનો.. તારા અંતરની ઉર્મિઓ વ્યકત કરતો.. એ કાગળ એક મા માટે અમૂલ્ય સંભારણુ સ્વાભાવિક રીતે જ બની રહે. અને સાચું કહું તો મને તો આ ફોન કયારેય ગમતા નથી. ફોનથી તો સમાચાર પૂછી શકાય કે સમાચાર મળી શકે. ભાવની ભીનાશ એમાં કયાં ? કાગળ તો મન થાય એટલી વાર...ગમે ત્યારે વાંચી શકાય..માણી શકાય. અને એક જ લાગણી મનફાવે ત્યારે, તેટલીવાર અનુભવી શકાય. કોઇ ઉદાસ પળનો એ સથવારો બની રહે.

    એટલે ટપાલીએ લેટર હાથમાં મૂકયો..અને તારા અક્ષર જોયા ત્યારે આ લાઇન મનમાં રમી રહી. “એક ટપાલી મૂકે હાથમાં, વહાલભરેલો અવસર

    થાય કે બોણી આપું ? કે પહેલાં છાંટુ અત્તર ?” કેવી સરસ પંક્તિ છે નહીં ? કોની લખેલી છે.. એ તો આજે યાદ નથી. પણ લખનારને સલામ કર્યા સિવાય કેમ રહેવાય ? કાગળમાં તેં પણ કેટલીયે યાદો લખી હતી. તું ત્યાં બરોડામાં છલકતી હતી..અને હું અહીં..દૂર રહી ને. આપણું ભાવવિશ્વ અલગ અલગ જગ્યાએ એકસાથે ઉજાગર થયુ હતું. તારી પરીક્ષાઓ પાસે આવતી હતી.એવું પણ તેં લખેલ.

    પરીક્ષાની સાથે..મારા મનમાં તારી સ્કૂલની પહેલી પરીક્ષા ...એલ.કે.જી.ની પરીક્ષાની યાદ આવી ચડી. ત્યારે તારે મૌખિક પરીક્ષામાં ફૂલના અને ફળના પાંચ નામ બોલવાના હતા. અને તને પાંચ તો શું દસ આવડતા હતા. પણ ઘેર આવી ને મેં પૂછયું..ત્યારે આરામથી કહી દીધું ‘ મારે થ્રી જ બોલવા હતા.! ’ મારે તો શું કહેવું તને એ યે સમજ ન પડી. ખીજાવાનો કોઇ અર્થ કયાં હતો ? ત્રણ વરસની બાળકી ને શું પરીક્ષા ને શું પરિણામ ? નંબરની અમને મા બાપ ને પડી હોય..તમે તો ત્યારે એ બધાથી પર હતા. હજુ સંસારનો પવન સ્પર્શ્યો નહોતો. અને બીજે દિવસે મેથ્સની પરીક્ષા આપવા જતી વખતે તેં કેવી યે નિર્દોષતાથી પૂછેલ, ’ હેં મમ્મી,મેથ્સ એટલે શું ? ’ અને મારી પાસે જવાબ કયાં હતો ? તારા ટીચરે તમને કોર્ષ લખેલ કાગળ આપેલ અને સાચવવા કહેલ હશે એટલે ઘેર આવી ને, ‘ મમ્મી, આને કબાટની અંદર મૂકી દે. સાચવવાનો છે. ‘ હું એમાં જોતી હતી.કે કોર્ષમાં શું છે...ત્યાં તો તેં જોવાની ચોખ્ખી ના પાડી દીધી. ‘ મારા ટીચરે સાચવવાનું કહ્યું છે.. કંઇ બધું જોઇ લેવાનું નથી. ‘ અને તને કેટલો યે વાંધો પડી ગયો હતો. અંતે મારે “ સાચવીને ” કબાટમાં મૂકી દેવો પડયો હતો. અને પછી તું સૂઇ ગઇ ત્યારે કોર્ષ જોવો પડયો હતો. પ્રસંગોની વણઝાર આજે વણથંભી આગળ ચાલે છે. અને આંખો સામે ઉલેચાય છે આખો યે અતીત.

    “ કોઇએ ગીત છેડયું ને....જાગી ગયું આખું યે તળાવ.”

    એલ.કે.જી.નું વરસ પૂરુ થયું ત્યારે તો તું કેવી યે ખુશખુશાલ થઇ ઉઠી હતી અને મને કહ્યું હતું, ‘મમ્મી,હવે ભણવાનું પૂરુ ને. ? હવે મને આખી એ.બી.સી.ડી.અને વન ટુ હંડ્રેડ ( 1 થી 100 ) આવડી ગયા છે ને ?‘ શૈશવના એ બધા પ્રશ્નોના જવાબ કોઇ પણ મા બાપ માટે આસાન થોડા જ હોય છે ? અને બેટા,એક એક રીતે કહું તો આમે ય આજે પણ તું એ વન ટુ હંડેર્ડ અને એ.બી.સી.ડી. માં જ રમે છે ને ? અમે તને સીધી શીખવાડી હતી. હવે તું એને આડી અવળી કરીને લખે છે.. બસ આટલો જ ફરક છે ને ? નવો એકે ય અક્ષર તેં કયાં શીખ્યો છે ? !

    શૈશવ માટે દુનિયા કેટકેટલા વિસ્મયથી ભરેલી હોય છે ? આ તો જોકે વીસ થી બાવીસ વરસ પહેલાની વાતો છે. પણ મને લાગે છે..આ આટલા વરસોમાં યે દુનિયા ઘણી આગળ વધી ગઇ છે.! આજે એકવીસમી સદીનું બાળક ટી.વી..મોબાઇલ..કોમ્પ્યુટર..વિગેરેથી એટલું બધું પરિચિત થઇ ચૂકયું છે..કે તેની વિસ્મયની દુનિયા સાંકડી થતી જાય છે. એની આંખોનું અચરજ ઓછું થતું જાય છે. મને તો એ જરાયે નથી ગમતું...પણ મારા ગમા, અણગમા પર દુનિયા થોડી ચાલે છે ? અમે ચાર પાંચ વરસના હતા ત્યારે,...તું ચાર પાંચ વરસની હતી ત્યારે,...અને આજનું એ ઉંમરનું બાળક....અને કાલે તમારા છોકરા એ ઉંમરના થશે ત્યારે કેટલો વિશાળ તફાવત પડી ગયો લાગે છે. આજે તો પાંચ વરસના બાળકનું જ્ઞાન..માહિતી જોઇ ને આશ્ર્વર્યચકિત થઇ જવાય છે.અમે તો કેવા ઘોઘા જેવા હતા. મારા વર્ગમાં ભણતા રાહુલની એક વાત યાદ આવે છે. રાહુલ ભણવામાં હોંશિયાર હતો. હમેશા પહેલો નંબર લાવતો..નવમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં તેનો બીજો નંબર આવ્યો. ફકત એક જ માર્કનો ફરક પડેલ. હું તેને શાબાશી અને અભિનંદન આપતી હતી. તે તો ખુશ અથવાને બદલે રડતો હતો. મને ખૂબ આશ્ર્વર્ય થયું. મેં તેને કારણ પૂછયું. શરૂઆતમાં તો તે કંઇ બોલ્યો નહીં. પછી વધારે પૂછતાં તેણે રડતા રડતા જવાબ આપ્યો.”મારો આ વખતે બીજો નંબર આવ્યો છે તો પપ્પા આજે મને મારશે.! નવમા ધોરણમાં ભણતા કિશોરને તેના પપ્પા મારે..એ જ મારા ગળે તો ન ઉતર્યું. પણ...

    મેં પૂછયું,’ મારે શા માટે ? એ તો કયારેક એવું થાય. એકાદ બે માર્ક તો આઘાપાછા થયા કરે. બીજો નંબર આવ્યો એ કંઇ ખરાબ થોડું છે ? બીજો નંબર આવ્યો એટલે તું કંઇ હોંશિયાર મટી નથી જતો.’ તો રાહુલ કહે,’ પણ પપ્પા તો એમ જ કહેશે કે તું છે જ ડોબા જેવો. રખડતો હતો એટલે જ આવું થયું. પપ્પાને તો બસ પહેલો નંબર જ આવવો જોઇએ. અને એમાં યે હિમાંશુ પહેલો આવ્યો છે, એ અમારી બાજુમાં જ રહે છે. એટલે એની મમ્મી મારા મમ્મી ઝગડશે. મને અને હિમાંશુને બોલવા પણ નહીં દે.. હું ને હિમાંશુ તો મિત્રો છીએ. પણ અમારા મમ્મી પપ્પા ......કહેતાં રાહુલ રડી પડયો..મિત્રને રડતો જોઇ હિમાંશુ મારી પાસે આવી ને મને કહે, ‘ ટીચર, મારે પહેલો નંબર નથી જોતો. તમે રાહુલને એક માર્ક વધારી આપોને.! ‘ મેં કહ્યું, ‘ મારાથી એવું ન થાય. રાહુલના પપ્પાએ સમજવું જ જોઇએ. હમેશા કંઇ કોઇ બાળક પ્રથમ ન જ રહી શકે. હું તેની સાથે વાત કરીશ.’

    મને થયું માતા પિતા પુત્રને હરિફાઇ..સ્પર્ધા..રેસનો ઘોડો બનાવવા માગે છે કે શું ? આજે કોઇ માતા પિતાને પહેલા નંબરથી ઓછું સ્વીકાર્ય જ નથી. બીજો નંબર આવે ને કિશોર વયના બાળકને માર પડે...અને બાળક ફફડી ઉઠે એ પરિસ્થિતિ સ્વીકાર્ય કેવી રીતે હોઇ શકે ? સતત સ્પર્ધાના આ યુગમાં માતા પિતા પોતાના સંતાનનું શૈશવ છીનવી લે છે. એને સતત દોડતો રાખે છે. એની ઉંચી આંકાક્ષાઓનો ભોગ બને છે બાળક. આંકાક્ષાઓના પિંજરમાં કેદ માતા પિતા અને બાળક બંને એક તાણ અનુભવી રહે છે. અને માતા પિતાની અપેક્ષાઓ પૂરી ન કરી શકતું બાળક ઘણી વાર જીવનથી હાથ ધોઇ બેસે છે. કે પછી બીજા ઉપાયો અજમાવે છે. જે કોઇ રીતે ઇચ્છનીય નથી. સમાજમાં રાહુલ જેવા છોકરાઓની સંખ્યા નાની સૂની નથી જ. બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ આવે છે ત્યારે નાપાસ થયેલ બાળકના આત્મહત્યા કરવાના કિસ્સા આપણે વાંચીએ જ છીએ ને ? શા માટે ?મારા મતે તો એ બાળકની નિષ્ફળતા નથી. માતા પિતાની નિષ્ફળતા છે.. જે દીકરાના માનસમાં વિશ્વાસ ન ઉપજાવી શકયા.

    બાળક કંઇ પટારો નથી કે તેને માહિતી થી ભરી શકાય. એ તો એક મશાલ છે.એને ધીમે ધીમે પ્રગટાવવાની છે. જેથી એ પ્રકાશ ફેલાવી શકે. બાળકની શક્તિ, રસ અને રુચિ ઓળખી..એને એ પ્રમાણે ફકત રસ્તો બતાવવો..કે એ માટેની સગવડ કરી દેવી...એટલું જ કરીએ તો બાકીનો રસ્તો બાળક એની જાતે કરી લેશે. તમારા વિચારો... તમારા સ્વપ્નો એના પર લાદવાની જરૂર નથી. એને ભૂલો કરવા દો..અને ભૂલોમાંથી શીખવા દો. પડવા દો...અને પડીને જાતે ઉભા થવા દો. તરત મદદ માટે દોડી ન જાવ. હા, દૂર રહી ને એની પ્રગતિ પર નજર જરૂર રાખી રહો. એના માર્ગદર્શક બનવાની જરૂર લાગે ત્યારે રસ્તો જરૂર બતાવો. પણ નિર્ણય તો એને જાતે જ કરવા દો..એને જાતે જ ચાલવા દો. અને એક દિવસ એ મંઝિલ જરૂર આંબી રહેશે.

    આજે શિશુ જ્લદી મોટુ થઇ જાય છે. પાંચ વરસનું બાળક ટી.વી.માં કેમેરાનો સામનો જે નિર્ભયતાથી કરે છે.. જે પ્રોગ્રામો આપે છે.તે જોઇને હું તો છ્ક્ક થઇ જાઉં છું. આજે સાંપ્રત સમયમાં ટકી રહેવાની કે આગળ આવવાની અગણિત મથામણો ચાલતી રહે છે. ડાર્વિનના “ સર્વાઇવલ ઓફ ફીટેસ્ટ ” ના સિધ્ધાંત નો બધાને ડર લાગ્યો છે કે શું ? શૈશવનો ગાળો આજે બહું ટૂંકો થઇ ગયો લાગે છે. ખેર..! જરા આડી વાતે ચડી ગઇ. પણ શિશુની વાત આવે ત્યારે હમેશા....હું.. જો કે અહીં કોઇ ટીકા કે નારાજગી નથી..જે હકીકત છે..એની વાત છે. સાચા ખોટાની ચર્ચા નથી. દરેક વાતના જમા અને ઉધાર પાસા હોય જ છે ને ? સમય સમયની બલિહારી છે.

    આજે લેકચર કરી નાખ્યું તેવું લાગે છે ને ? કયારેક બેટા, એ પણ ચલાવવું પડે હોં.! મમ્મીને તો જે મનમાં આવે એ ડાયરીમાં લખ્યે જાય છે. વિચાર્યા સિવાય..તને ગમે એ તારું ને બાકીનું ન ગમે એ મારું...

    ચાલ.આજે અહી જ અટકી જવું જોઇએ મારે..એવું તને લાગે છે ને ? મને યે લાગે છે. બેટા,કાલે મળીશું ? ફરી એકવાર આ સફરે સાથે નીકળીશું ?

    “કોણ આવી ટાંગી ગયું અહીં....સૂરજનું ઝળહળતું ઝુમ્મર?”

    હા, તારી સાથે વાત કરતી હોઉં ત્યારે અંતરમાં સૂરજનો ઉજાસ આપમેળે પ્રગટી જાય છે . જાણે સૂરજનું ઝૂમ્મર કોઇ ટાંગી ગયું. ને હું ઝળહળ....!

    બસ...અને હવે બોલકા આ મૌન સાથે.....

    “ બેટા, તું જાણે છે..સમજે છે. લગ્નથી બે વ્યકિત નહીં ..બે કુટુંબ જોડાય છે. અને આ બે કુટુંબને જોડાયેલ રાખવાની જવાબદારી જો સ્ત્રી સમજી શકે, નિભાવી શકે તો સોનામાં સુગંધ ભળી રહે. તું રોજ રાત્રે એકાદ કલાક કુટુંબમાં જેટલા સભ્યો હોય તે બધા સાથે બેસી વાતો, ચર્ચા, વિચારણા કરવાનો નિયમ જરૂર બનાવજે. કુટુંબના સભ્યો વચ્ચે સંવાદ હમેશા જળવાઇ રહેવો જોઇએ. ઘણીવાર communication ..સંવાદ ના અભાવે ઘણાં પ્રશ્નો સર્જાતા હોય છે. મૌનમાંથી ગેરસમજણના વાદળો ઘેરાતા હોય છે. વાતચીત ને અભાવે પરિવારના સભ્યો વચ્ચે એક ખાઇ સર્જાય છે....જેને પૂરવામાં ન આવે તો દિવસે દિવસે મોટી થતી રહે છે. પતિ પત્ની એ પણ રોજ રાત્રે નિખાલસ રીતે ઘરની બધી વાતો....પોતાના ગમા, અણગમા ની વાત એકબીજાને શાંતિથી કરતા રહેવું જોઇએ. કયારેક એવું પણ બને છે..કે બંને પોતપોતાની રીતે સાચા હોય. પરંતુ બંનેની દ્રષ્ટિ અલગ હોય..તેને લીધે ગેરસમજણ થતી હોય..એવું ન બને માટે હમેશા પરિવારમાં વાતચીતનો વ્યવહાર જળવાવો જ જોઇએ. મોટે ભાગે નાની નાની સમશ્યાઓ આવી વાતચીતથી જ દૂર થઇ જતી હોય છે. સંવાદિતાની સમજણ તારા અને દરેક દીકરીના જીવનઆકાશમાં હમેશા છવાઇ રહે.... “

  • પ્રકરણ - 13
  • હેપી બર્થડે મમ્મીનો.. વનરાવનમાં... મોરપીંછ સંગાથે... વાગતી વેણુ
  • બેટા, ઝિલ, વ્યક્તિ હાજર ન હોય..અને તેનું નામ મનઝરુખામાં પડઘાયા કરે..તેમ આજે બાવીસ વરસનો..તારા જન્મથી અત્યારસુધીનો સમય મનમાં ઉમટી રહ્યો છે.ચલચિત્રની જેમ અનેક દ્રશ્યો નજર સામેથી સરી રહ્યા છે. “ખડકાય રોજ ગંજ સ્મરણના,અણસાર આગમનનો લાગે છે.! “ કાલે ફોનમાં કેટલીયે વાતો કરી નહીં? અહીં આ ડાયરીના પાનાઓમાં જે વાતો કરું છું..તારી સાથે સફર કરું છું..તેની તો તને હજુ ખબર સુધ્ધાં નથી.અત્યારે તો ખાલી તારા સ્મરણો ઉભરાય છે ..એટલે કાગળ પર ઉતારું છું..બની શકે કયારેક એ તને આપું.આમે ય આપણા ઘરમાં બધાને એકબીજાને સરપ્રાઇઝ્ આપવા ની ટેવ છે ને ? એટલે કયારેક..બની શકે કોઇ જન્મદિવસે આ ડાયરી સાત સાગર પાર કરી ભેટ તરીકે તારી પાસે આવી પહોંચી તને સરપ્રાઇઝ આપે.અને ત્યારે તારા ચહેરા પર કેવા ભાવ હશે..એ હું આજે અહીં બેઠા યે કલ્પી શકું છું.અને એ ખુશી આ ક્ષણે માણી રહું છું. અને ત્યારે કદાચ આવું કંઇક ગાઇ ઉઠીશ....

    “ પવન રે, લઇ જા..મારો પ્રેમ, સાત સાગર પાર, વિશ્વ અખિલે વેરતો જાજે, ઢોળજે ફાવે તેમ “

    જન્મદિવસ.... એ સાથે એક મધુર યાદ મનને તરોતાજા બનાવી રહે છે. તે રાત્રે..તું અને મીત..છાનામાના કંઇક ઘૂસપુસ કરી રહ્યા હતા. કેમકે બીજે દિવસે મારો બર્થ ડે હતો. તમે બંને ત્રીજા, ચોથા ધોરણમાં ભણતા હતા. અને તમારે તૈયારી કરવી હતી..મારા બર્થ ડે ની. અને તેથી અમારા સૂઇ જવાની રાહ જોતા હતા. પણ અમે હજુ સૂતા નહોતા. અચાનક મને ટયુબ લાઇ ટ થઇ. તેથી અમે ખોટાખોટા .. અમારા રૂમની લાઇટ બંધ કરી ઘસઘસાટ (!) સૂઇ ગયા..!!

    અને શરૂ થઇ તમારી રાત્રિ ચર્યા.!! તમે બંને એ કંઇક ચિત્રો દોરેલ..કાર્ડ બનાવેલ..ઘરમાંથી ખાંખાખોળા કરી ડેકોરેશનની કેટલીયે વસ્તુઓ ભેગી કરી રાખેલ. તે તમારી રીતે બધે ચોંટાડવા માંડયા. તું લગાવતી જતી હતી. અને મીત એમાં લખતો જતો હતો. સવારે ઉઠી ને સૌથી પહેલા હું બ્રશ કરવા જાઉં..તેથી તમે સૌ પહેલા વોશ બેઝિન પર..કાગળ ચોંટાડયો ..કંઇક દોરી ને સરસ લખીને. અને એમ ગણતરી કરી..બધી જગ્યાએ બધું શણગાર્યું ને લખ્યું. મોડી રાત સુધી તમારી ભાઇ બહેનની મીઠી નોક્ઝોક ચાલતી રહી. મને થતું..કહી દઉં...કે બસ બેટા, હવે સૂઇ જાવ..પણ તો તમને ખબર પડી જાય, અને તમારો ઉત્સાહ ઓછો થઇ જાય. એટલે ચૂપચાપ સૂતા રહ્યા. (જોકે એક એકરાર આજે જાહેરમાં કરી લઉ ? તે રાત્રે મારાથી રહેવાયું નહોતું..એટલે તમારા બંને ના સૂઇ ગયા પછી છાનીમાની ઉઠીને જોઇ લીધું હતું કે તમે શું શું કર્યું છે? અને હું છલકાઇ ગઇ હતી..એ લખવાની જરૂર ખરી ? અને સવારે અજાણી થઇ ને ફરી એક વાર તમે બતાવ્યું ત્યારે જોયું. ચીટીંગ ને ? સોરી...આજે વરસો પછી.) અને સવારે..તમે બંને “ મમ્મા..આજે શું છે ? ” મારા જ વાકયો..જે હું હમેશા તમારા બર્થડે પર બોલતી...તે મને પૂછી રહ્યા. ” શું છે ? મને તો કંઇ યાદ નથી. ” (તમારી જેમ મારો ” હેપી બર્થડે છે...!!! “ એમ ન કહ્યું મેં)

    મીત ઉતાવળો રહ્યો..એટલે જલ્દી હરખાઇને બોલી દેવા જતો હતો ત્યાં તું બોલી ઉઠી..’ કંઇ નથી..અમે તો ખાલી પૂછતા હતા. જા તારે લેઇટ થશે..બ્રશ કરી લે જલ્દી. ‘ અને એમ કહી મને બેઝિન તરફ ધકેલી. હું અજાણ બની બ્રશ કરવા ગઇ...અને..અને ત્યાં તમે બંને મારી પાછળ આવ્યા.અને હું.... હું છલકાઇ ગઇ..ઢોળાઇ ગઇ. ઉભરાઇ ગઇ..!! પાંખોનો ખળભળાટ અને ટહુકાઓનો ઝળહળાટ..! ભીનાશથી યે વધુ ભીની મારી આંખો અને હૈયુ.!!

    શું બોલુ ? શું લખું ? મારા છોકરાઓએ આટલી મહેનત કરી કેટકેટલું લખ્યું હતું..એની સૂઝ પ્રમાણે..મમ્મી માટે...જે ભાવના એ કાલાઘેલા શબ્દોમાં વ્યક્ત થઇ હતી તે કોઇ મસમોટા શબ્દો માં ન થઇ શકે. મારી આંખોનું છલકવું સ્વાભાવિક નથી ? આનાથી મોટી ગીફટ એક મા માટે બીજી કઇ હોઇ શકે ? તમે ત્રણે પાછળ ઉભા ઉભા તાળી પાડતા હતા. અને “હેપી બર્થ ડેનું ગીત ગાતા હતા. અને પછી તો તમે આખા ઘરમાં..બધા રૂમમાં જે જે કર્યું હતું..તે હોંશથી બતાવતા જતા હતા. અને વર્ણન કરતા જતા હતા.

    સાંજે પપ્પા સાથે જઇને તમે ઘણું લાવ્યા મારા માટે..પણ સવારની એ અણમોલ ભેટની તોલે બીજું કંઇ આવી શકે તેમ કયાં હતું ? મારા બર્થ ડે ને તે દિવસે તમે બંને ખરા અર્થમાં “ હેપી ” બનાવી દીધો હતો.! “ એક ભીની યાદ આવે, ને પછી વરસાદ આવે, ફૂલ જેવી લાગણીના, મહેક જેવા સાદ આવે. ”

    પ્રત્યેક મા બાપ..પોતાના બાળકનો જન્મદિવસ પોતપોતાની રીતે ઉજવતા જ હોય છે. અને બાળકની ખુશી માટે શકય બધું કરી છૂટતા હોય છે. કોઇ અપેક્ષા વિના સહજતાથી. પણ બાળક જ્યારે કોઇ નાની વસ્તુ પણ મા બાપ માટે કરે છે ત્યારે તેમની આંખો ભીની થયા સિવાય રહી શકે ખરી ? તે દિવસે મારી ખુશી જોઇ ને તમે કેવા છલકયા અને મલકયા હતા.!! જન્મદિવસની ઉજવણી બધા પોતપોતાની રીતે કરતા હોય છે. શ્રીલતા આંટી ની વાત આજે યાદ આવે છે. તેમનો પુત્ર સાત વરસનો હતો. તેના જન્મદિવસે તેઓ પુત્રને લઇને કેન્સર હોસ્પીટલમાં જાય. ત્યાં દરેક બાળકને કંઇ ને કંઇ ગીફટ આપે. તેમની સાથે વાતો કરે, ગીતો ગાય, રમતો રમે. ઘેરથી બધી તૈયારી કરી ને જ જાય. આખો દિવસ બાળકો સાથે ગાળે. અને એમના ચહેરા પર જે ખુશી છલકે તે જોઇને પોતાના જન્મદિવસની ઉજવણી ને સાર્થક બનાવે.

    દરેક જન્મદિવસે તેમનો અલગ જ કાર્યક્રમ હોય. કયારેક ઝૂપડપટ્ટીમાં જાય. કે કયારેક કોઇ અનાથાશ્રમમાં જાય ત્યાં નાના, ગરીબ છોકરાઓ માટે તેમને ઉપયોગી વસ્તુઓ લઇ જાય. પ્રેમથી બધા ને આપે..તેમને રમતો રમાડે...અને તેમના જીવનમાં બે ચાર ખુશીની પળો ભરી આપ્યાનો માનસિક સંતોષ મેળવે. આપ્યાનો કોઇ ભાર નહીં..બલ્કે પોતે કંઇક મેળવ્યાની ખુશી તેમના ચહેરા પર છલકે.

    આ રીતે બાળકનું સંસ્કાર ઘડતર જયારે થાય ત્યારે મોટા થઇને એ બાળક સમાજ માટે આશીર્વાદ રૂપ બની રહે છે. જીવનમાં એ કયારેય સુખથી છકી ન જાય કે દુ:ખથી નિરાશ ન થાય. નાનપણથી તેને બીજાના દુ:ખનો, તકલીફનો એહસાસ કરવાની જે તક મળે છે...જે બીજ રોપાય છે.. પ્રત્યક્ષ અનુભવ દ્વારા...એ કયારેય નિષ્ફળ ન જાય. મોટા ભાષણો કે શબ્દો જે કામ ન કરી શકે તે આસાનીથી થઇ જાય.

    આ દિવાળી ઉપર તમે બંને ઘેર આવી નહોતા શકયા. ત્યારે અમે વિચાર કરતા હતા કે તમારા વિના ઘરમાં દિવાળી જેવું કેમ લાગે ? દિવાળી કેમ ઉજવવી ? અને પછી અમે આપણી કામવાળી સવિતા અને તેના ત્રણે બાળકો અને તેની સાથે તેની બાજુમાં રહેતા બીજા છોકરાઓને પણ આપણે ઘેર બોલાવેલ. અને જેમ દર વરસે તમારે માટે ફટાકડા લેતા હતા..તેમ જ ફટાકડા,મીઠાઇ વિગેરે લીધા...બાળકોએ આનંદથી ફટાકડા ફોડયા..સવિતાએ આંગણામાં સરસ મજાની રંગોળી બનાવી, દીવા પ્રગટાવ્યા..હું ને પપ્પા તો ફળિયામાં ખુરશી નાખી બેઠા હતા. બાળકોની દોડાદોડી અને કલરવ માણી રહ્યા હતા. અમે તેમના પર કોઇ ઉપકાર નહોતો કર્યો. બલ્કે તેમણે અમને જે આનંદ આપ્યો...તે અણમોલ હતો. તમારા વિના પણ અમે દિવાળી નો તહેવાર સરસ રીતે માણી શકયા..પ્રસન્નતા અનુભવી શકયા...માટે અમે એ બાળકોના આભારી હતા. ફટાકડા તેમણે ફોડયા...આનંદ અમને મળ્યો. અમે તો એવી કોઇ મોટી વસ્તુ નહોતી આપી. એ થોડા રૂપિયાના બદલામાં તેમણે અમને અણમોલ ખુશી આપી..પરમ આનંદની અમૂલ્ય ક્ષણો આપી..જે કયારેય વીસરી નહીં શકાય. જે પૈસાથી અમે ખરીદી ન શકત. મોડી રાત્રે જમી ને તેઓ બધા ગયા ત્યારે બહાર દીવા કદાચ ઠરી ગયા હતા. પરંતુ અમારા અંતરમાં દીવા પ્રગટયા હતા. ” આપી ને મેળવ..” કદાચ અમે અનુભવ્યું હતું. અને હવે તો આવો સરસ અનુભવ...આવો આનંદ તો દરેક વરસે મેળવવો જ રહ્યો ને ?

    કિંમત કયારેય વસ્તુની નથી હોતી. તેની પાછળ રહેલી ભાવના ની હોય છે. સ્નેહના, લાગણીના, ભાવનાના હિસાબ કિતાબ થોડા જ હોય છે ?

    તમે બંને કોલેજમાંથી..હોસ્ટેલમાંથી મારા જન્મદિવસે કયારેક આવી ન શકો તો..કાર્ડ મોકલો છો..પણ કયારેય તૈયાર લખાણ નહીં..જાતે લખો છો. દિલની સાચી લાગણી થી છલક્તું કાર્ડ અમને મળે છે ત્યારે એ ચંદ પળોમાં અમે જીવી જઇ એ છીએ. એ લખાણ..એ બધા કાર્ડ આજે યે અમૂલ્ય ખજાનાની જેમ મારી પાસે સાચવેલ છે. મા બાપને બાળકોની લાગણી સિવાય બીજું શું જોઇએ? અમે એવા નશીબદાર છીએ..માટે ઇશ્વરના આભારી છીએ..અને બેટા, તમારા બંનેના તો ખરા જ. ” જેટલા ઠલવાઇ જશો,કોળશો બમણાં મહોરવા માટે ફકીરી કામ આવે છે. ” જીવનમાં જયાં જાવ ત્યાં બધાના આનંદનુ કારણ બની રહેજો. દરેકને પ્રસન્નતા આપી શકો એવા ઉત્સાહી બની રહેજો. અને એક વાત હમેશા યાદ રાખજો..પ્રેમ..આનંદ..પ્રસન્નતા..બીજાને આપવાથી..એને મળે છે..એ કરતાં બમણી તમને મળશે. પ્રેમ અને લાગણી કયારેય માગવાથી ન મળે..આપવાથી એની જાતે મળે.

    ” આપતા રહો ને પામતા રહો...સંબંધોના સોનેરી સૂત્રમાં, દિવ્યતાની માળા પરોવતા રહો. ”

    “ અંગત અંગત કોક મળે છે, લોક મળે છે મેળે મેળે ”

    એ ‘અંગત’ ની ખોટ જીવનમાં કયારેય ન સાલે....

    “ બેટા, દરેક સંબંધને એનું આગવું મૂલ્ય હોય છે. કયારેય કોઇ પણ સંબંધની કિમંત ઓછી ન આંકીશ. સંબંધો બાંધવા બહુ સહેલા છે નિભાવવા અઘરા છે. સંબંધોનું સૌન્દર્ય જાળવવું જ જોઇએ. જતું કરવાની ભાવના કેળવવી જ રહી. કેટલાંક સંબંધો ગુલમહોર જેવા હોય છે. ગુલમહોર જે રીતે ભર ઉનાળે ખીલી ને આંખને, મનને ઠંડક આપે છે તેમ એવા સંબંધો જીવનના તાપમાં અંતરને ટાઢક અર્પી શકે છે. તો કોઇ સંબંધો કડવા લીમડા જેવા હોય છે, જે ઉપરથી કડવા લાગે પરંતુ લીમડાની જેમ ગુણકારી હોય છે. દરેક સંબંધ ને ઓળખી...તેનું મૂલ્ય સમજી તેને નિભાવતા જરૂર શીખજે. પૈસા કે સમય બંને નો ભોગ સંબંધો જાળવવા આપવો જ રહ્યો. કોઇ માટે કંઇ કરી છૂટવાની તક મળે તો જાતને નશીબદાર માનજે. લોહીના સંબંધો હોય કે લાગણીના..કે મિત્રતાના..દરેક સંબંધની ગરિમા જાળવતા બેટા,જરૂર શીખજે. ફકત લેવડદેવડનું ગણિત સંબંધોનું સૌન્દર્ય નષ્ટ કરે છે. ફકત કોરો વ્યવહાર નહીં..એની પાછળ ભાવનાનો અર્ક ભળી રહેવો જોઇએ. દુનિયા આજે બહું નાની બની ગઇ છે. કયારે, કયા મોડ પર કયો સંબંધ સામે આવી જાય એ કેમ કહી શકાય ? કોઇ જ સંબંધ નકામો હોતો નથી. જેટલા સંબંધો વધુ હોય એ સારું જ છે. સંબંધો બાંધતા, વધારતા, નિભાવતા શીખજે. સાચા, સારા સંબંધો તો જીવનની આગવી મૂડી છે. દરેક સંબંધનું સૌન્દર્ય તારા જીવનમાં જળવાઇ રહે એ શુભેચ્છાઓ સાથે..”

  • પ્રકરણ - 14
  • રામ રાખે તેને..... રજનીગંધા...સમ મહેકતી...દીકરીની ખુશ્બુ.
  • વહાલી ઝિલ,

    આજે આ સાંજ ઉદાસી પહેરી આભના ઝરૂખે ઉભી છે. ડાયરી ને પેન હાથમાં છે. પણ અંતરમાંથી શબ્દો સરતા નથી. મન આજે ઉદાસ છે. પરાણે શબ્દો ગોઠવવા ગમે નહીં તે સ્વાભાવિક છે. ડાયરી તો અંતરનું પ્રતિબિંબ છે. પૂરી સચ્ચાઇ અને શ્રધ્ધા હોય તો જ એ સાર્થક થઇ ને દીપી ઉઠે. અને તો જ અન્યના અંતરને રણઝણાવી શકે. સ્પર્શી શકે .દિલમાંથી ઉઠતા સહજ સ્વયંસ્ફૂરિત શબ્દોની સરવાણી જ એને વિશ્વસનીય બનાવી શકે. ડાયરીના પાને પાને સહજ છલકતી સાચી સંવેદના હોય એ એની પ્રથમ શરત છે. અન્યથા એ ખાલી અહેવાલ બની રહી જાય.

    મૃત્યુ એટલે પરમ શાંતિ. મૃત્યુ ન હોય તો જીવન જીવવા જેવું ન રહે. પુર્નજન્મમાં માનતા હોઇએ તો એ બે જન્મ વચ્ચે નો વિરામ સમય છે. જો માનવીએ એક જ જીવનમાં અનંતકાળ સુધી જીવ્યા જ કરવાનું હોય તો જીવન એક અભિશાપ બની જાય. ” जातस्य हि ध्रुवो मृत्यु “ એ ન્યાયે સચરાચરમાં દરેક જીવ નો આદિ અને અંત નિશ્વિત છે. કદાચ મોત એ એક જ આ વિશ્વમાં નિશ્વિત વાત છે. અને આશ્ર્વર્યની વાત તો એ છે કે આ નિશ્વિતતા ચોક્કસપણે અનિશ્વિતતા સાથે સંકળાયેલ છે. મોત કયારે..કેવી રીતે..કયાં..આવી ચડશે એનો ભેદ કોઇ ઉકેલી શકયું નથી. એ બધું કોઇ અદ્રશ્ય શક્તિએ પોતાના હાથમાં રાખ્યું છે. આમ મૃત્યુ એ પરમ સત્ય છે..એ તો દેખીતી વાત છે. અનંતકાળ સુધી જીવ્યા કરવાની યાતનામાંથી એ આપણને ઉગારી લે છે. એટલે એ શિવમ્ પણ છે જ. તો હવે બાકી રહ્યું સુંદરમ્ . મૃત્યુને જીવનની જ એક વાસ્તવિક અવસ્થા તરીકે સાહજિક રીતે સ્વીકારી શકીએ તો જે સત્યમ્ છે, શિવમ્ છે એ અસુંદર કેમ હોઇ શકે ? આમ મૃત્યુ ને સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ કહી શકાય.

    તું કહીશ આજે અચાનક હું મૃત્યુની વાતો કેમ કરવા લાગી ?

    સામાન્ય રીતે કયારેય ઉદાસ...નિરાશ વાતો ન કરનાર મારી મમ્મી આજે કેમ આવી વાતો કરે છે ? કાલે આપણા પડોશી શિરિન અંકલની નાનકડી પુત્રી નિક્કી રમતાં રમતાં ખાડામાં પડી ગઇ અને...મૃત્યુ પામી. મન અપસેટ થઇ જ જાય ને ? મોત હમેશા છાના પગલે..કયારે..કયાં..કોને..કેવી રીતે આવે છે.. એ કોણ કહી શકે ? જન્મ તેનું મૃત્યુ એ નિશ્વિત છે જ... એ આપણે સૌ જાણીએ છીએ. અને છતાં.... છતાં એનો સ્વીકાર એટલો આસાન નથી જ. અને ખાસ કરીને આવા ઉગતા ફૂલનું અકાળે ખરી જવું..મૃત્યુ સત્યમ્ શિવમ્ અને સુંદરમ્ છે. એનો લેખ લખવો જેટલો સરળ છે..એટલો સ્વીકાર સરળ નથી જ.

    “ આ જિંદગી એટલે.... અનેક અનિશ્તતાનો સરવાળો ”

    શબ્દો ખૂટી જાય, શ્વાસ થંભી જાય..એવી વેદના સાથે આંખમાંથી સરતા અશ્રુમાં પડતું એક પ્રતિબિંબ ..એક યાદ આજે યે મને હચમચાવી મૂકે છે.

    બપોરે બાર વાગ્યા હતા. પપ્પા જમવા ઘેર આવ્યા હતા. અને કોઇનો ફોન આવ્યો, ” સર, પેલો મેકવાન અગાશી પરથી પડી ગયો છે. ” હું ગભરાઇ ગઇ. મેકવાન તો તને અને મીતને રમાડવા હમણાં જ મારી પાસેથી લઇ ગયો હતો. હું ને પપ્પા ચોથે માળેથી દોડયા. નીચે આવ્યા ત્યાં ખાસ્સુ ટોળુ જમા થયેલ. અને ...અને અમે જોયું તો તું ભાઇ પાસે ઉભી ઉભી રડતી હતી. તું ત્યારે પૂરા ત્રણ વરસની નહોતી. મીત મેકવાનની છાતી પર ખુલ્લી આંખે પડયો હતો. મેકવાનના હાથ મડાગાંઠની જેમ મીતની આસપાસ વીંટળાયેલ હતા. મીત રડતો નહોતો. તેની આંખોમાં ભયના ઓથારની એક શૂન્યતા છવાયેલ હતી. મારી દશા તો.....

    મેકવાન બેભાન હતો. તાત્કાલિક ડોકટર આવ્યા. મીતને કયાંય કશું લાગ્યું નહોતું. એક ખરોંચ સુધ્ધાં નહોતી આવી. એક વરસનું બાળક ચોથા માળની અગાશી પરથી પડે અને છતાં...એક ઘસરકો સુધ્ધાં નહીં ? ” રામ રાખે તેને કોણ ચાખે ? ” યાદ આવી જ જાય ને ? પણ મીત મને કે કોઇને ઓળખતો નહોતો કે રડતો પણ નહોતો. ડોકટરે તેને ચોવીસ કલાક માટે ઘેનનું ઇન્જેક્શન આપી ને સૂવડાવી દીધો.. અમે ગભરાતા હતા. પણ ડોકટરે કહ્યું કે ‘ બાળક હેબતાઇ ગયો છે. આટલે ઉંચેથી પડયો છે તેથી. તે સૂઇ જશે એટલે એ ભૂલી જશે. જો ઉઠે પછી તેનું વર્તન નોર્મલ ન હોય તો મને કહેજો..તો આપણે કંઇક આગળ વિચારવું પડશે.

    એ ચોવીસ કલાક એક માના કેવા નીકળ્યા હશે..! એક મટકુ યે માર્યા સિવાય હું ને પપ્પા આખી રાત એની પાસે બેઠા હતા. અને ઇશ્વરને પ્રાર્થના કરતા રહ્યા. અને તું પૂરુ સમજી નહોતી શકતી કે શું થયું છે. તું પણ ભાઇ પાસે નિમાણુ મોં કરીને ઉભી હતી. એકદમ શાંત બનીને..મારો હાથ પકડી ને. સવારે મીત રાબેતા મુજબ જાગ્યો. મારી સામે જોઇ હસી ઉઠયો. ને એ મને વળગી રહ્યો કે હું એને ? એ ખબર ન પડી. ખાત્રી કરવા દૂધ આપ્યું. તેણે રોજની જેમ જ પીધું. ડોકટર આવ્યા.. અને ચેક કરીને કહ્યું, ” બધું નોર્મલ છે. ” મીતને તો ખબર સુધ્ધાં નહોતી કે આવું કંઇ તેની સાથે થયું હતું. ઇશ્વરનો ચમત્કાર જ હતો ને આ ? ટિટૉડીના ઇંડા જેમ ભગવાને બચાવ્યા હતા. એમ જ પરમાત્માએ મારા લાડલાને બચાવ્યો હતો. એક ઉઝરડો પણ નહોતો પડવા દીધો. પેલા મેકવાનને બિચારાને પાંચ જગ્યાએ ફ્રેકચર થયા હતા. અને નાનકડું બાળક ચોથે માળેથી પડવા છતાં હેમખેમ ઉગરી ગયું હતું. આજે નિક્કીના સમાચારે મને ઉદાસ બનાવી દીધી. અને મનમાં આ પ્રસંગ ફરી એક્વાર જીવિત થઇ રહ્યો. ઇશ્વરની કૃપા કેવી વરસી રહી હતી આપણી પર. એ અનુભવ કયારેય ભૂલી શકાય ખરો ? અંતરમાંથી દુવાઓ સરી રહે છે ‘ હે ઇશ્વર આવા કૂમળા ફૂલની તારે કોઇ જરૂર નથી. કોઇ મા પાસેથી આવા ફૂલ આપીને ન ઝૂંટવીશ..ઇશ્વર એટલો નિષ્ઠુર ન થઇશ. ‘ બસ....

    જીવન અને મરણ સર્જનહારે પોતાના હાથમાં રાખ્યા છે એ સત્યથી આપણે કોઇ અજાણ નથી જ. ઇશ્વરે દરેક માણસમાં ઠાંસી ઠાંસી ને જિજિવિષા ભરેલ છે. જેનાથી જીવન જીવવાલાયક લાગે છે. દરેક આપત્તિનો સામનો થઇ શકે છે. ગમે તેવી આફત વચ્ચે પણ માનવીની જિજિવિષા ન ખૂટે તો કયારેક તે સફળતા જરૂર મેળવી શકે છે.

    જિજિવિષાની વાત સાથે જ મારા મનમાં “ જિંદગી જિંદગી ” પુસ્તક ની યાદ ઝળકી ગઇ. આ વાર્તા તમને તો મેં કરી જ છે. પરંતુ મારા વર્ગમાં પણ બાળકોને હું હમેશા કરતી. રોજ એક પ્રકરણ તેમને વાંચી સંભળાવતી. અને બદલામાં વર્ગ ના દરેક છોકરાએ હોમવર્ક કરવાનું રહેતું. અને જે છોકરો કયારેય હોમવર્ક કરી ને ન આવતો..એ પણ આ વાર્તા સાંભળવાની લાલચે કરી આવતો. આલ્પસના પર્વતમાં ફસાયેલ લોકો..જેમાં મોટા ભાગના ઉરૂગ્વે ની ફૂટબોલ ટીમના ખેલાડીઓ હતા..અને પૂરા અઢી મહિના સુધી બહારનો સંપર્ક તૂટી ગયો હતો કોઇ મદદની શકયતા ન રહી.. ત્યારે કઇ રીતે તેમણે જીવન ટકાવી રાખ્યું.. એનો ચિતાર આપણને કંપાવી દે છે. ઇશ્વરે માણસની જિજિવિષા કેવી પ્રબળ બનાવી છે.. એનો પરિચય આપતું આ પુસ્તક આપણા ચિત્તને ઝકઝોરી નાખે છે.

    સુંદર પુસ્તકો જીવનને સભર બનાવી શકે છે. પાંચ વરસ કોલક્તા રહી ત્યારે ત્યાં શ્રી ટાગોર માટે અને સ્વામી વિવેકાનંદ, કે રામકૃષ્ણ પરમહંસ માટે દરેક બંગાળી ના હ્ર્દયમાં જે અભિમાન જોયું..તે જોઇ હું તો ખુશ થઇ ગઇ..રવીન્દ્ર સંગીત શું છે..એ ત્યાં જોઇને ..સાંભળી ને જ સમજાય. શ્રી ટાગોરની ગીતાંજલિ, જેના દરેક શબ્દમાં અંતરની ઉંડી શ્રધ્ધાનો રણકાર છે. કુંદનિકા કાપડીયા ની “ પરમ સમીપે ”, દર્શકની સોક્રેટીસ, કે બંધન અને મુક્તિ, વિકટર હ્યુગોની લે મિઝરેબલ, મેક્સીમ ગોર્કી ની “ મધર ”., પથેર પાંચાલી, અનિલ બર્વે ની થેન્કયુ મિસ્ટર ગ્લેડ..ફાધર વાલેસની વ્યકતિઘડતર, એલીનોર પોર્ટરની પોલીએના... આ તો બે ચાર નામો અહીં લખ્યા બાકી કયા કયા નામ ગણાવું ? અને કયા ભૂલુ ? અગણિત પુસ્તકો એ મને જે ખુશી..જે આંતરિક સમૃધ્ધિ આપી છે..તે અમૂલ્ય જ છે . આજે યે મને સમય કેમ પસાર કરવો એ સમશ્યા કયારેય નડતી નથી જ. હકીકતે મને તો સમય ઓછો પડે છે. ઘણાં પૂછે છે..’ એકલા એક્લા આખો દિવસ તમે કરો શું ? ‘ પણ હું કયાં કયારેય એકલી હોઉં છું ? મારી પાસે તો મનગમતું એકાન્ત છે.. દિલને કોરી ખાતી એકલતા કયારેય નથી જ.

    સાહિત્યને સ્થળ, કાળ. ના બંધનો થોડા નડે છે ? કાળનો પ્રવાહ એના મૂલ્યને ઝાંખો કયાં પાડી શકે છે ? રસ્કિન ના “unto the last” જેવા એકાદ પુસ્તક ગાંધીજી જેવાની જીવનધારા પલટાવી શકવા સમર્થ છે. શબ્દોનું સામર્થ્ય ઓછું કેમ આંકી શકાય ?

    તમે નાના હતા. હજુ વાંચતા પણ નહોતા શીખ્યા ત્યારે યે તમારા હાથમાં રમકડાની જગ્યાએ પુસ્તકો જ વધુ હતા ને ? પુસ્તકોનો પરિચય શૈશવથી જ તમને રહ્યો છે. અને સ્કૂલમાં પરીક્ષા હોય ત્યારે પણ છાનીમાની પણ તું વાર્તાની ચોપડી જરૂર વાંચતી. યાદ છે ને ? જોકે એમાં કદાચ તારો વાંક નથી. હું નાની હતી ત્યારે હું પણ એમ જ કરતી. વાર્તાના પુસ્તક પર બ્રાઉન પેપરના પૂંઠા ચડાવીને વાંચતી રહેતી..જોનારને એમ જ થાય કે ભણવાનું વાંચે છે. આમ મારા જીન્સ તારામાં આવે જ ને ? જીન્સ પરથી આજે અચાનક કલોનીંગ વિશે હમણાં વાંચેલ.. એ યાદ આવી ગયું.વિજ્ઞાન આજે કયાં પહોંચ્યું છે. કયારેક થાય કે કાળા માથાનો માનવી કયારેક શું કુદરત પર પણ વિજય મેળવી લેશે કે શું ? કુદરત સાથે ચેડા કરવાની તેની આ વૃતિ માનવને કયાં લઇ જશે ?

    ” જે પોષતું તે મારતું,એવો દીસે ક્રમ કુદરતી..” કવિ કલાપીની આ વાત યાદ આવી જાય છે.

    સાંજ પડી ગઇ છે એનો ખ્યાલ બારીમાંથી આવતા પંખીઓના કલરવે આપી દીધો.સંધ્યા સમયે આ મીઠો કલરવ જાણે પંખીઓ સાંધ્ય આરતી બોલતા હોય તેવું લાગે છે. ફળિયાના વૃક્ષોમાં જાણે અચાનક ચેતન પ્રગટયું. વૃક્ષોની બહુમાળી ઇમારતમાં પોતપોતાના ફલેટમાં અડ્ડો જમાવીને પંખીઓ જાણે પાડોશીઓ સાથે ગોષ્ઠિ કરી રહ્યા છે. આખા દિવસનો અહેવાલ એકબીજાને આપી રહ્યા છે કે શું ?

    ધીમે ધીમે અંધકારના ઓળા પૃથ્વી પર ઉતરી આવે છે. મારા મનમાં અત્યારે અચાનક કંઇક આવું સ્ફૂરી રહ્યું છે.

    “ સાંજ પડી છે તો...સવાર પડશે જ... કેટલો વિશ્વાસ છે માણસ ને.... સર્જનહાર પર? એટલો જ વિશ્વાસ, સર્જનહાર રાખી શકે છે માણસ પર ? કે માનવ છે તો.. માનવતા દાખવશે જ ? “

    ઇશ્વર આપણા પર એટલો વિશ્વાસ રાખી શકે એટલી લાયકાત આપણે કયારેય કેળવી શકીશું ?

    “ બેટા, ભવિષ્યમાં જયારે પણ તમે બાળક માટે વિચારો ત્યારે હમેશા યાદ રાખજો કે બાળક એ તમારી મારફત આવે છે..પણ એ પરમ ચૈતન્ય નો અંશ છે. એને વિકાસની યોગ્ય તક આપવી એ પ્રત્યેક માતા પિતાનો ધર્મ છે. બાળઉછેર એ ફુલ ટાઇમ નહીં, પણ હોલટાઇમ જોબ છે. ઊંચા જીવનધોરણની આંધળી દોટમાં બાળકના ઉછેરની ઉપેક્ષા ન જ થવી જોઇએ. આપણે તેને સમય ન આપી શકવાના હોઇએ તો તેને આ વિશ્વમાં આવવાનું આમંત્રણ આપવાનો કોઇ હક્ક નથી.. બાળકને સગવડ આપવા માટે જ આ બધું કરું છું ને..કે છેવટે આ બધી દોડધામ બાળકોના સુખ માટે જ છે ને..! આ માતાપિતાનું બચાવનામુ છે. બાળકોની જરૂરિયાતો પૂરી પાડવાથી મા બાપ નથી બની જવાતું. મા બાપે બાળકોને ઉછેરવા પડે છે. એક ગુલાબના છોડને પણ ચાનું પાણી માફક આવે છે તેવી સમજ આપણે કેળવી છે. તો બાળકના યોગ્ય વિકાસ માટે તેને પોષણ કયા ખાતરમાંથી ..કઇ માટીમાંથી મળશે..તેની પરવા તો કરવી જ રહી ને..!

  • પ્રકરણ - 15
  • ખળખળ વહેતું ઝરણું...
  • ધોમ ઉનાળે, તપતી બે આંખોને...અર્પે ટાઢક..

    વહાલી ઝિલ, ઋતુઓની આવનજાવન થતી રહે છે. કેલેન્ડરના પાનાઓ ફાટતા રહે છે.

    વર્તમાન અતીત બની સરતો રહે છે..જીવનની સુંદર ક્ષણોને રોકી નથી શકાતી અને નરસી ક્ષણોને ઝડપથી પસાર નથી કરી શકાતી. જે અનિવાર્ય છે તેની સાથે રકઝક કરવાનો અર્થ નથી. ઇશાની વાયરા સામે એક જ દલીલ થઇ શકે..ધાબળો વીંટી લેવાની. પવનને આપણે દિશા ન આપી શકીએ પરંતુ આપણા શઢ તેને અનુકૂળ જરૂર કરી શકીએ..જે કામ આપણે નથી કરતા તેનો થાક અનુભવીએ છીએ..જે કામ કરીએ છીએ..કરી લઇએ છીએ તેનો નહીં..ઋતુઓની જેમ મનમાં પણ આવા કેટલાયે વિચારોની આવનજાવન ચાલતી રહે છે.

    ” બહાર બારે મેઘ ખાંગા થઇ જતા,

    ત્યારે મનમાં ઉગે એક સંભારણું. ” આજે જૂની કેસેટો કાઢી હતી. અને...અને અમે યે કદાચ ભૂલી ગયા હતા..ત્યાં તમારા બંનેનો કાલોઘેલો અવાજ રૂમમાં અને મનમાં ગૂંજી રહ્યો. હું સીધી પહોંચી ગઇ એ સરસ મજાની દુનિયામાં..તમારી સંગાથે. તમે બંને નાના હતા..ત્યારે તમે જે ગીતો ગાતા, જે જોડકણા ગાતા એ બધું અમે રેકોર્ડ કરી લેતા. એકવાર તમારે બંનેને ગાવું હતું..અને પહેલાં કોનું રેકોર્ડ થાય છે એ જોવું હતું. કેમકે ત્યારે હજુ બાળકની વિસ્મયની દુનિયા એટલી નાની નહોતી બની. રેકોર્ડ કરેલ તમારો પોતાનો અવાજ તમે આશ્ર્વર્ય અને આનંદથી સાંભળી રહેતા. પણ તે દિવસે પહેલા કોણ ગાય એ નક્કી નહોતું થતું. હું તો હમેશની જેમ કંઇ બોલું જ નહીં ને... એવી ભૂલ થૉડી કરાય ? એટલે હું તો મોંમાં મગ ભરીને બેસી ગઇ. આરામથી..અને તેં ફરી એક વાર તારા ભાઇલાને પ્રેમથી પટાવી લીધો. ‘ ભઇલા,જો..ત્યાં દૂર બેસીને ગાઇએ ને તો બહુ સરસ સંભળાય..’ અને નાનકડા ભાઇલાને બેન પર અખૂટ વિશ્વાસ.! અને ભાઇલો એક ખૂણામાં બેસી કલાક સુધી લલકારતો રહ્યો. અને બેનબા ટેપ પાસે બેસી આરામથી ગાઇ રહ્યા. અને પોતાનું ગાવાનું પૂરુ થયા પછી ભાઇલાને નજીક બોલાવી કહ્યું, ‘ હવે અહીં બેસી ને ગા તો..ભાઇલા .’ હસી પડી ને ખડખડાટ? પણ ભાઇલો આજે યે ગુસ્સે થશે હોં. અને તેં કંઇ આ પ્રસંગ યાદ કરીને મારા લાડલાની મસ્તી કરવાનું કયારેય છોડયું નથી .

    “બાળપણ પંખી બનીને ઉડી ગયું., સ્મૃતિઓ ટહુકાય પાને પાને.” એક દિવસ પા પા પગલી માંડતી તું હવે શુભમની સાથે રેશમગાંઠે બંધાઇ ને સહજીવનની સફરે સાત સાગર પાર ઉડી જઇશ ત્યારે દરેક માની જેમ તારી મા પાસે પણ રહી જશે યાદોના અંબાર. કાળના પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતા જળના ઝરણાની જેમ. આ ખળખળ વહેતું ઝરણું... શબ્દની સાથે આંખોમાં એ મધુર દિવસોની સ્મૃતિઓ ઉતરી આવે છે..તું અંગ્રેજી માધ્યમમાં ભણતી પરંતુ મારા ગુજરાતી સાહિત્યનો શોખ તને વારસામાં મળ્યો હતો. અને ઘરમાં ચોપડીઓનો તો કયાં પાર હતો ? તું ગુજરાતી પુસ્તકો પણ રસથી વાંચતી. કેમકે નાનપણમાં ક.મા.મુનશી.થી માંડીને લે મિઝરેબલ જેવી વાર્તાઓ તમને હું સંભળાવતી. હપ્તાવાર.પરીક્ષા વખતે પણ છાનીમાની તું એ બધી ચોપડીઓ વાંચ્યા કરતી.(જે એક જમાનામાં હું કરતી..તે મારી દીકરી કરતી થઇ ત્યારે ઉપરથી ગુસ્સો અને અંદરથી હસવું આવતું હતું.)

    ત્યારે ઉષા શેઠનું “મૃત્યુ મરી ગયું” પુસ્તક વાંચી તારી આંખો છલકાઇ આવી હતી. એમાં નીતા નું બોલાયેલ વાકય તને બહુ સ્પર્શી ગયેલ..યાદ છે એ વાકય? ”જીવન એટલે ખળખળ વહેતું ઝરણું..માર્ગમાં કોઇ ભેખડ નડે તો એ નવો વળાંક લે, પણ વહેવાનું બંધ ન કરે....” વાંચતા વાંચતા તારી આંખોમાં ઝરણું ઉતરી આવતું. અત્યારે એ યાદ કરતાં કરતાં મારી આંખોમાં યે ઝરણુ વહી રહ્યું નદી સપાટ મેદાનોમાં વહીને દરિયામાં ભળી શકે. પણ ઝરણું નહીં. એનો માર્ગ કયારેય સીધો..સપાટ ન હોઇ શકે. એને તો ગાવાનું છે. એનો ધર્મ છે વહેવાનો. એને તો ડુંગરો કોરી ને બહાર છલકવાનું હોય. કેટલાયે અવરોધો પસાર કરવાના હોય. કાળમીંઢ ખડકો વચ્ચેથી પોતીકો રસ્તો કરવાનો હોય ને વાટમાં જે મળે તેને પરમ પ્રસન્નતાની લહાણી પણ કરવાની હોય. ગીતના ગુંજારવે એને લીલાછમ્મ કરવાના હોય.અને મુશ્કેલીઓની વચ્ચે થી વહીને જીવન સંગીત પ્રગટાવવાનું હોય. બસ..બેટા, તારું જીવન પણ એ છલકતું ને મલકતું ઝરણું બની રહો.

    ”ખળખળતા ઝરણાઓ, ને સાથ મળે શમણાઓ.” જીવનમાં અવરોધો તો આવવાના જ..પણ એ તારી જીવન શક્તિ ખીલવતા રહે, દરેક દિશાએથી મંગલ સૂરો ગૂંજી રહે. અને આંતરચેતના છલકી રહો, સ્વાતિનક્ષત્રમાં પડેલ જલબિંદુએ મોતી સમાન ચળકી રહો. હમેશા યાદ રાખજે..બેટા, તારે જીવનનું સાચું મોતી થવાનું છે.

    નાની હતી ત્યારે દરિયા કિનારે રેતીમાંથી સરસ મજાના રંગબેરંગી છીપલા, શંખલા તું વીણતી રહેતી. અને તને એ સતત સરસ મજાના મળતા રહેતા. આમે ય શોધવાથી શું નથી મળતું? બસ..જીવનની પ્રત્યેક પળમાંથી પણ આનંદના શંખલા વીણતી રહે....ને વહેચતી રહે અને તને એ સતત મળતા રહે. કયારેય એ છીપલાની ખોટ ન પડે. તને કે વિશ્વની કોઇ પણ દીકરી ને આનંદની ક્ષણોની ખોટ ન પડે. એ પ્રાર્થના ઉદભવી રહી છે. અત્યારે અંતરના અતલ ઉંડાણમાંથી..

    ”ચૈતર ચંપો મહોર્યો,ને મહોરી આંબાડાળ; મઘમઘ મહોર્યા મોગરા,જૂઇ ઝળૂંબી માંડવે; કોયલ કૂંજે કૂંજમાં,ને રેલે પંચમ સૂર....”

    બાલમુકુંદ દવેની આ મારી માનીતી પંક્તિ હું અત્યારે ગણગણી રહું છું. તારા ગૌર વર્ણને લીધે તું નાની હતી ત્યારે કોઇ તને જૂઇની કળી કહેતું..તો કોઇ ચંપાની કળી..અને હું...”ચંપુ....કેવી ? હસી પડી ને ? એ તો આપણા મા દીકરીના રાઝની વાત છે ને ? આમ જાહેરમાં કહીં દઉં તો..?

    દીકરીનો સાદ ગમે તેટલો દૂરથી આવતો હોય તો પણ મા અચૂક સાંભળી શકે છે..ઓળખી શકે છે..

    અત્યારે તો શ્રાધ્ધપક્ષ ચાલે છે. પિતૃ તર્પણના આ દિવસો. આપણા પૂર્વજોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પવાના આ દિવસો. આપણા પર આપણા પૂર્વજોનું ઋણ છે. જેમણે આપણને જન્મ આપ્યો, સંસ્કાર આપ્યા,જેમણે રાત દિવસ જોયા વિના આપણી પ્રગતિ માટે જે થઇ શકે તે કરીને ભોગ આપ્યો. સતત આપણા ક્ષેમકુશળની ચિંતા કરી..તેમને પ્રેમથી સ્મરણ કરવાના તેમના ઋણસ્વીકાર કરવાના આ દિવસ પાછળ ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભાવના ના દર્શન થાય છે.

    બે દિવસ પછી તારો પ્રિય તહેવાર નવરાત્રિ શરૂ થાય છે. તમારે તો પરીક્ષા ચાલે છે એટલે આવી નહીં શકાય. મારે નવ દિવસના કપડા, દાગીના તૈયાર કરવાની મહેનત બચી ગઇ ને ? ના,,ના..આ તો ખાલી મજાક કરું છું હોં. તમે હો તો જ ઘરમાં કોઇ તહેવાર જેવું લાગે. તૈયારી કરવાની મજા આવે. ઉત્સવનું વાતાવરણ અનુભવાય.એકલા હોઇએ ત્યારે તો ઘણીવાર તહેવાર કયારે આવીને કયારે ચાલ્યો જાય એ પણ ખબર નથી પડતી. મનમાં ઉત્સવ ન હોય તો બહાર બધું ફિક્કુ જ લાગવાનું ને ?

    સમય પ્રમાણે તહેવારો નું સ્વરૂપ પણ બદલાતું રહે છે. આજે નવરાત્રિના તહેવારમાંથી ભક્તિ,આરાધના, વિગેરે તત્વો ઓછાથઇ ગયા છે. ગરબાનું સ્થાન ડીસ્કો એ લીધું છે. આજે માતાજી ના તહેવારને બદલે નવરાત્રિ એ યૌવનનો ઉત્સવ બની ગયો છે. એના પર ટીકાટિપ્પણો થતા રહે છે. પણ અંતે તો બધો આધાર માણસના પોતાના પર જ છે ને ? અને પરિવર્તન જીવનના કયા ક્ષેત્રમાં નથી આવ્યું ? તો પછી ફરિયાદ શાને ?

    દરેક વાતમાં સારું ને ખરાબ..શુભ ને અશુભ બંને તત્વ હોય જ છે. એમાંથી આપણે શું ગ્રહણ કરવું તે આપણા હાથની જ વાત છે ને ? આજે લોકો ને ટીકા પણ કરવી છે..અને એ વસ્તુ છોડવાની પણ તૈયારી નથી. જેમકે આજે એકતા કપૂરની સીરિયલની ટીકા કરવાની જાણે એક ફેશન થઇ ગઇ છે. પણ લોકો એ જોવાનું છોડી શકે છે ખરા ? જો કોઇ જોતું જ ન હોય તો એ સીરિયલો એની જાતે જ બંધ થઇ જાય. પ્રેક્ષકો વિના કોઇ સીરિયલ ટકી શકે જ નહીં. દરેક વાત માટે આ સાચું છે..ટી.વી. કે કોમ્પ્યુટર જેવા ઉત્તમ માધ્યમનો આપણે ધારીએ તેવો ઉપયોગ કરી શકીએ. સાધન કોઇ ખરાબ નથી હોતું. મૂળ વાત તો સાધક એનાથી શું સાધ્ય કરે છે એના પર છે. દરેક માણસ પોતાની વિવેકબુધ્ધિ મુજબ એનો ઉપયોગ કરી શકે ને એમાંથી કંઇક ઉપયોગી તત્વ તારવી શકે.

    બેટા, લગ્ન પછી તારે ઘણે દૂર જવાનું છે. તારી ઇચ્છા થાય ત્યારે તું તરત ન પણ આવી શકે. વરસમાં એકાદ વાર જ તું આવી શકીશ. પણ મને વિશ્વાસ છે કે જયાં પણ જઇશ ત્યાં તું અનુકૂળ જરૂર થઇ જઇશ..અને થવું જ જોઇએ. આખરે વતન, સ્વજનો, સગા, ઘર બધી મનની માયા છે. માનવી જયાં જાય છે ત્યાં એની આસપાસ એની દુનિયા આપમેળે ઉભી થઇ જ જાય છે. જેમ પાણી જે જમીન પરથી વહે છે તેનો રંગ એ ધારણ કરી લે છે. પોતાના મૂળ વહેણના રંગને યાદ કરીને એ નથી થીજી જતું કે નથી વહેવાનું છોડી દેતું.

    હા...કયારેક ઘરની ..વતનની યાદ જરૂર આવવાની જ. પણ તમારી પેઢી તો નશીબદાર છે.તમારી સેવામાં અનેક સાધનો હાજર છે જ ને ? અને જીવનનું એ પરમ સત્ય છે કે જે વસ્તુ કે વ્યક્તિ હાજર ન હોય ત્યારે જ એની કિમત સમજાય. વતનથી દૂર ગયા પછી વતનની કિમત વધુ સારી રીતે સમજાય છે. એ હકીકત છે. પરદેશ વસેલ ઘણાં લોકો વતન ઝૂરાપો અનુભવતા હોય છે. પરંતુ ભૌતિક સમૃધ્ધિનું આકર્ષણ એને ત્યાં રહેવા મજબૂર કરે છે, જકડી રાખે છે. ખેર.

    આજે તમારા બંનેની બહુ યાદ આવે છે. તમે બંને ડોકટર થઇ ગયા છો. અમારા જીવનનું એક કામ, એક સપનું પૂર્ણ થયું છે. એનો સંતોષ તો છે જ. સાથે સાથે તમે બંને હમેશ માટે દૂર રહેવાના છો..એ ખ્યાલ પણ મનમાં છે જ. તમારું ઉજ્જવળ ભાવિ જોઇ અમે દૂર રહીને પણ હરખાતા રહીશું. અને કયારેક તમારા માળામાં અમે પણ થૉડા સમય માટે ઉડી આવીશું. તમને ઉડવા માટે મજબૂત પાંખો ઇશ્વરકૃપાથી મળી શકી છે. હવે ઉડવાનું કાર્ય તમારું. અનંત આકાશ તમારે માટે છે. પણ દ્રષ્ટિ નીચે ..ધરતી પર જ હમેશાં રાખવી રહી. મેડીકલમાં એડમીશન લેતી વખતે પણ મેં તમને બંને કહ્યું હતું કે ફકત પૈસાની જ ભાવના મનમાં હોય તો બીજા ઘણાં ક્ષેત્ર છે. પણ જો સાથે થોડી પણ સેવાની ભાવના હોય..તો જ આ ક્ષેત્ર પસંદ કરજો. બેટા, કયારેય માનવતા ચૂકશો નહીં .બસ...મમ્મીની આ વાત યાદ રાખશો ને હંમેશા ? જોકે મને પૂરો વિશ્વાસ છે જ. તમારા બંને પર. અને છતાં વારંવાર કહેતી રહું છું..કહેવાઇ જાય છે.

    પપ્પા દેહરાદૂન ગયા છે કંપનીના કામે. મારી સવાર સ્કૂલમાં વીતે છે અને સાંજ લાઇબ્રેરીમાં. આપણે ચારે ય ઘરમાં સાથે હોઇએ ત્યારે પણ ઘરમાં સાંજે લાઇબ્રેરીનું વાતાવરણ જ હોય છે ને ? આપણા ચારેના હાથમાં પુસ્તક અચૂક હોય જ .ખરેખર પુસ્તકની દુનિયામાં ડૂબીને તરી જવાય. એમાં કોઇ શંકા નથી જ.

    આજે ખબર નહીં કેમ અચાનક મારી પાંપણે આંસુના મોતી પરોવાઇ ગયા છે.

    આશિષોની છલકતી હેલી સાથે આજે અહીં જ વિરમીશ. ”લખિતંગ લખવાની જગ્યાએ, ઓચિંતુ આંખથી ટપકયું એક આંસુ;

    પળમાં તો કાગળ પર માય નહીં એમ,

    જાણે છલકેલ લાગણીનો સિંધુ.”

    “ બેટા, લગ્ન કરવા માત્રથી જીવનના એક અધ્યાયનું પૂર્ણવિરામ નથી આવી જતું. હકીકતે લગ્ન એ તો નવજીવનની શરૂઆત છે. જીવનનું મંગલાચરણ છે. એકબીજાના ગુણદોષને સહી લેવાની વૃતિ જો હોય તો જ લગ્નજીવન સફળ બની શકે છે. “ With all thy faults, i love thee “ એ જ તમારા બંને નો જીવનમંત્ર હોવો જોઇએ. એમાં કોઇ શરતો ન હોય. life is nothing but an adjustment. જીવનમાં સારી રીતે ગોઠવાવું..એ પણ એક કલા છે. અંતરમાં વહેતું સ્નેહઝરણું કયારેય સૂકાવું ન જોઇએ. સફળતા કે નિષ્ફળતા...કોઇ પણ સમયે પતિ પત્ની મનથી જોડાયેલ જ રહેવા જોઇએ. અને એકબીજાને પૂરા આદરથી સ્વીકારવા જોઇએ. લગ્નમાં કદાચ પુરુષ કરતાં સ્ત્રીનું પ્રદાન વિશેષ છે. કેમકે સ્ત્રી એ બીજી જગ્યાએ જઇ તેમાં પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખવાનું છે. પુરુષની જીવનના શૂન્યાવકાશને ભરવાનું કાર્ય સ્ત્રી નું છે. પતિ પત્ની ના સંબંધો પ્રેમની ઉષ્માથી છલોછલ, ભાવની ભીનાશથી ભરપૂર, વિશ્વાસપૂર્ણ અને સંશયથી પર હોવા જોઇએ. લગ્ન એ આજીવન આનંદથી સાથે રહેવાનું વ્રત છે. અને એ વ્રત સફળ બનાવવા માટે બંનેએ સમાન પ્રયત્ન કરવા જ રહ્યા. પતિ, પત્નીવ્રત...અને પત્ની, પતિવ્રતની દીક્ષા લે તો જીવનબાગ મહોરી ઉઠે. અન્ય તરફ દ્રષ્ટિ નાખ્યા સિવાય આપણી પાસે જે છે તે સ્વીકારી એને અનુરૂપ જીવનચર્યા ગોઠવીએ તો જીવનમાં કયારેય કોઇ અભાવ ન સાલે. ”

  • પ્રકરણ - 16
  • જાહેર સ્વીકાર... શીતળ લહેરખી...બંધ આંખોએ પણ... અનુભવાતી.
  • બેટા ઝિલ,

    લીલાછમ્મ સ્મરણોની પીઠી ચોળીને ઉભો હોય તેવો ઉનાળાનો તડકો આપમેળે સડક પર કર્ફયુ લાદી દે છે. મનમાં સ્મરણોની વસંત ઉગી છે. અને હું ગણગણી રહુ છું..શ્રી માધવ રામાનુજની આ મનગમતી લાઇન.. ” સગપણના સાંધ્યા અણદીઠ તાંતણા, ભીના દીધા રે અમને સંભારણા..” આજે તારી છેલ્લી પરીક્ષાનું છેલ્લું પેપર હતું. પેપર સારું જ ગયું હશે એની ખાત્રી હોવા છતાં છ વાગે પેપર પૂરુ થવાના સમયની વ્યાકુળતાથી રાહ જોતી હતી. તને અમારી હમેશની તાકીદ રહેતી કે પેપર પૂરું થાય, હોલમાંથી બહાર નીકળ..એટલે પહેલું કામ ફોન થી ખબર આપવાનું કરવાનું. પછી બધા મિત્રો સાથે ચર્ચા કરવાની કે ગપ્પા મારવાના..! કયારની આંટા મારતી હતી. આજે ઘડિયાળ બંધ પડી ગઇ છે કે શું ? કે ધીમી પડી ગઇ છે ? હજુ છ કેમ નહોતા વાગતા ? તે દિવસે યે સાંજે છ વાગેલ.તું દસમા ધોરણમાં હતી. રોટરી કલબ દ્વારા યુ.એસ.ની સીનસીનાટી યુનીવર્સીટી તરફથી લેવાતી પરીક્ષામાં ખૂબ પ્રેસ્ટીજીયસ એવોર્ડ તને મળેલ.(અને પછી ના વરસે તારા ભાઇને..મીત ને..એક જ ઘરમાં બે વાર એ એવોર્ડ ગયા હોય તેવો રેકોર્ડ પ્રથમવાર બન્યો.) અત્યાર સુધીમાં તમે ભાઇ બહેને મેળવેલ મેડલોથી ઘરનું શો કેસ અને સર્ટીફિકેટોથી ફાઇલો ભરાઇ ગઇ હતી. ભણવાથી માંડી..દરેક પ્રવૃતિઓમાં તમને ઇનામ..મેડલ ન મળ્યા હોય તેવું ન બનતું. અને હું..અમે... દરેક મા બાપની જેમ ફૂલ્યા ન સમાતા.

    તે દિવસે સાંજે છ વાગે યોજાયેલ સત્કાર સમારંભમાં તારે બોલવાનું હતું.. આ એવોર્ડ તું મેળવી શકી તેના કારણ આપવાના હતા. માઇક પરથી રેલાતા તારા અવાજે મે મહિનાની ગરમીમાં યે મારા મનમાં શીતળતા..ઠંડક પ્રસરાવી દીધી હતી. આજે યે એ અવાજ મારા મનમાં ગૂંજે છે,

    ’ this credits goes to my mother only ’ ત્યારે આપણા પ્રેસીડેન્ટે પૂછયું,’ why only mother ? why not father ? ’ તેં જવાબ આપ્યો, ‘ as father is devoted to company..Tata chemicals ’

    મારી આંખોમાં પાણી છલકાઇ આવ્યા. તું સ્ટેજ પરથી દોડીને આવી અને મને પગે લાગી અને પપ્પાનેં ભેટી પડી ‘ papa, dont u feel bad ne ? ’ ત્યારે પપ્પાએ કહેલ, ‘ ના, બેટા, આજે તેં તારી મમ્મીને ગૌરવ આપ્યું છે. જાહેરમાં તેની મહેનતનો સ્વીકાર કરીને..i am also happy and proud of you, beta. ’ અને હું સાતમા આસમાને વિહરતી હતી. દરેક મા બાપ પોતાના બાળકના વિકાસ માટે, કોઇ અપેક્ષા વિના બધું કરતા જ હોય છે..પણ બાળક જયારે જાહેરમાં એનો ઋણ સ્વીકાર કરે ત્યારે મા બાપ ને એનું ગૌરવ અને આનંદ જરૂર થાય છે. કોઇ બાળક કહેશે..મારી સખત મહેનતનું પરિણામ છે...ત્યારે યે એમાં દ્રશ્ય કે અદ્રશ્ય રીતે મા બાપનો ફાળો હોય જ છે. બાળક એ સ્વીકારે કે ન સ્વીકારે..એ એના સંસ્કાર પર આધારિત છે. પણ એથી હકીકત બદલાતી નથી. એટલે એ મંગલ ક્ષણે તારા એ જાહેર સ્વીકારે મારા માતૃત્વને ગૌરવવંતુ બનાવ્યું ને મારી જીવનક્ષણો મહેકી ઉઠી હતી..એક ક્ષણમાં..એ એક વાકયમાં મેં કેટલું માણી લીધું હતું.! અને હમણાં મારા હાથમાં તમારા નાનપણની તમે લખેલી ડાયરીઓ આવી. અને વાંચતાની સાથે જ હું ને પપ્પા હસી પડીને એ દિવસોમાં પહોંચી ગયા. યાદ છે...? તમે નાના હતા ચોથા ને પાંચમા ધોરણમાં હતા ત્યારે રોજ રાત્રે સૂતા પહેલાં આખા દિવસમાં કેટલા સારા કામો કર્યા ને આજે કેટલા તોફાન કર્યા..તેની એક ડાયરી રાખતા.

    એમાં બે વિભાગ રાખેલા.” GOOD DEED “ : “ BAD DEED ”

    “ બેડ ડીડ ” મતલબ તોફાન મસ્તી...કે ભાઇ બહેન ઝગડયા કે એવી કોઇ પણ નાની વાતનો એકરાર..તમારે તમારી જાતે કરવાનો રહેતો..ને પછી દરેક ગૂડ ડીડ બદલ મારે તમને એક રૂપિયો આપવાનો..ને દરેક બેડ ડીડ બદલ એક રૂપિયો કાપવાનો. અને અંતે ચેક કરવાનું..કે તમને કેટલા રૂપિયા મળે છે? આ આખી પ્રોસેસ આપણો સારો એવો સમય લેતી. અને ભાઇ બહેન બરાબર ચેક કરતા કે હિસાબ કિતાબ બરાબર થાય છે કે નહીં ?” ના,ના, મમ્મી, આજે ઝિલ ને તો કેટલીવાર લેશનનું કહેવું પડયું હતું? જાતે કંઇ નહોતું કર્યું...એટલે એ એ એનું બેડ ડીડ થયું.

    ”અને આજે મીત “પ્રાર્થના કર્યા સિવાય સૂતો હતો..એ એનું બેડ ડીડ થયું...” બંને પોતા કરતાં બીજાનો હિસાબ બરાબર રાખતા.! અને એમાંથી મારે જે જાણવું હોય તે મને મળી રહેતું.

    ( આજે યે મારી પાસે આ ડાયરીઓ મોજુદ છે. સમય આવ્યે તમારા બાળકોને આપીશ હું..)

    રોજ સાંજે બહાર હીંચકા પર બેસી મારે “પેડલ પર પૃથ્વી પરિક્રમા” ચોપડીના એકાદ બે પ્રકરણ વાંચવાના. અને રાત્રે લે મિઝરેબલની વાર્તા કરવાની.!! અને તમે ઉંઘભરી આંખે ‘ મમ્મી, હજુ થૉડીવાર કહે ને.. ’ ની ડીમાન્ડ કરતા રહેતા. ચકા ચકીની વાર્તાઓથી માંડીને ક.મા. મુનશીની ગુજરાતનો નાથ કે દર્શકની “ બંધન અને મુક્તિ ” સુધી ની ભાવસૃષ્ટિમાં આપણે સાથે વિહરતા. સાંજે તો આપણા ઘરમાં લાઇબ્રેરી હોય તેવું જ વાતાવરણ રહેતું. આમે ય નાનપણથી રમકડા કરતા પુસ્તકો સાથે તમારો પરિચય વધારે જ રહ્યો છે ને ? જે આજે યે જળવાઇ રહ્યો છે બંનેમાં. આજે યે તમને પુસ્તકોની દુનિયામાં ખોવાઇ જવું ગમે જ છે ને ?

    પપ્પા તો જેટલીવાર બહારગામ જાય તેટલીવાર તમારા માટે સરસ અંગ્રેજી પુસ્તકો ખાસ લઇ જ આવે.. ટપાલની નવી નવી ટિકિટો લાવવાનું પણ કયારેય ન ભૂલે. સરસ મજાના મોટા આલ્બમો આજે યે ઘરમાં સચવાયેલ છે. તમે કેટલું યે લખ્યું છે એમાં.

    આવી બધી સ્મૃતિઓ દરેક માતા પિતા પાસે હોય જ છે. તમને અત્યારે આ બધી વાતો કદાચ આજે ગૌણ લાગે..પણ અમારે માટે એ યાદો નો અમૂલ્ય ખજાનો છે.અને આવતી કાલે જ્યારે તમે મા બાપ બનશો ત્યારે તમને યે અતીતની ગલીઓમાં થોડીવાર વિહરવું જરૂર ગમશે. અને તમારા બાળકોને તમારી વાત કરવાનું પણ ગમશે જ. આ સિલસિલો ચાલુ જ રહે છે. બાળકને માતા પિતાની આંખોમાં મોટા થતા વાર લાગે છે. આ સાથે કયાંક વાંચેલ એક પ્રસંગ યાદ આવે છે .જે ટાંકવાનો લોભ જતો કરી શકતી નથી.

    ” એક યુવાન ધોમ તડકામાં છાપરા પર કામ કરી રહ્યો હતો.પિતા નીચેથી તેની ચિંતા કરતા હતા.અને ઘરમાં અંદર આવી જવા વિનવતા હતા. પણ યુવાન નીચે ઉતરવાનું નામ નહોતો લેતો. અંતે પેલા વૃધ્ધ પિતાએ ઘરમાંથી તે યુવાનના નાના બાળકનું ઘોડિયુ જેમાં બાળક સૂતેલ હતું તે બહાર લાવી ને તડકામાં મૂકયું. પેલો યુવાન ગુસ્સે થયો..કે નાના બાળકને આમ તડકામાં મૂકાય ? અને પિતાએ જવાબ આપ્યો. ’ તારા બાળકને એક મિનિટ તડકો લાગ્યો ..તો તને કેટલું દુ:ખ થયું..! મારે માટે તું આ બાળક સમાન જ છે. અત્યારે તું પણ એક પિતા છે..અને હું પણ એક પિતા છું. તેથી આપણા બંનેની ચિંતા સમાન છે. “

    યુવાન કંઇ બોલ્યા સિવાય નીચે ઉતરી ગયો. કહેવાનો અર્થ એટલો જ કે..અત્યારે કદાચ તમને અમારી લાગણી ન સમજાય...પણ જયારે તમે અમારી જગ્યાએ આવશો ત્યારે આ જ લાગણીઓ જરૂર અનુભવશો. દરેક દીકરા કે દીકરી બંને માટે આ જીવનનું પરમ સત્ય છે. અમે પણ એક જમાનામાં અમારા માતા પિતાને ..તેમની ભાવનાઓને નહોતા સમજી શકતા. તમારી જેમ “એમાં શું ? “ એમ કહી દેતા. .પણ આજે ...આજે દીવા જેવું સ્પષ્ટ દેખાય છે..સમજાય છે.

    અરે,આ શેનો અવાજ ? શું વાગે છે ? ઓહ.. છ વાગી ગયા.. તારો ફોન..હું કયાં ખોવાઇ ગઇ હતી? અતીતની કઇ ગલીઓમાં ઘૂમી આવી ? મોડુ કેમ થયું ? એવા મારા પ્રશ્નના જવાબમાં તે કહ્યું, ‘ મમ્મા, બરાબર છ વાગે શુભમનો ફોન આવી ગયો હતો. ’ અને મને યાદ આવી ગયું..હા, હવે તું કંઇ મારી એકલીની નથી રહી. મારા એકાધિકારમાં કોઇ ભાગીદાર આવી ગયું છે.. દરેક માના એકાધિકારમાં કોઇ અજનબી અચાનક આવીને ભાગ પડાવી જાય છે. ત્યારે દીકરી માની મટી નથી જતી. પણ કોઇની થઇ જરૂર જાય છે. પ્રકૃતિનો એ તકાજો છે. કુદરતનો એ નિયમ છે. એનો સહર્ષ સ્વીકાર કરી મા એ દીકરીના બદલાતા ભાવ જગતને પ્રેમથી આવકાર આપવો જ રહ્યો. દીકરીની યૌવન સહજ લાગણીઓનો સહજ સ્વીકાર આનંદિત હ્રદયે થવો જ જોઇએ ને?

    “સંગ જો હોય સાજનનો ને, ગરમાળામાં ફૂલો રે; વૈશાખી વહાલપની મોસમ, બાકી સઘળું ભૂલો રે..” સાજનના સંગમાં વહાલથી વિહરતી રહે એ આશીર્વાદ સાથે અહીં જ વિરમું ?

    “ બેટા, આજે બાળઉછેર વિષે થોડી વાત કરીશ. બાળકને કેટલી સ્વતંત્રતા આપવી ? બાળક પર કોઇ બંધન હોવું જોઇએ કે નહીં ? કે પછી તેની દરેક ઇચ્છા પૂર્ણ કરવી જોઇએ ? તેને કોઇ વાતમાં અટકાવવું જ નહીં ?

    બાળકને સ્વતંત્રતા આપવામાં તેની શક્તિઓ ખીલે..તેનો સમતોલ વિકાસ થાય એ હેતુ આપણી સમક્ષ હોવો જોઇએ. પણ જો એ જ હેતુ બંધન આપવાથી સિધ્ધ થતો હોય તો બંધન જરૂર આવકાર્ય ગણાય. બાળકને સ્વતંત્રતા પણ પ્રેમપૂર્વક આપવી અને અંકુશ પણ પ્રેમપૂર્વક મૂકો. કોઇ પણ વસ્તુ માટે ના પાડવી એ મા બાપનો ધર્મ છે. એમાં જ ઘણીવાર બાળકનો વિકાસ ..બાળકનું હિત રહેલ હોય છે. બાળક પ્રત્યે પ્રેમ દર્શાવવા જતાં આપણે તેને એદીપણું ન આપી બેસીએ તેનો ખ્યાલ રાખવો જ રહ્યો. જો તેનો દરેક શબ્દ ઝીલી લઇ એ તો આપણે તેને પરિપકવતા ને બદલે બેજવાબદારી શીખવીએ છીએ. બાળકને ફકત પોતાના વિષે જ નહીં. બીજા વિશે પણ વિચારતા શીખવવું જોઇએ. બીજાની દ્રષ્ટિથી પણ તે જોઇ શકે...સમજી શકે તે બહુ જરૂરી છે. બીજાને મદદ કરવામાં, થોડું જતું કરવામાં, કે રાહ જોવામાં પણ આનંદ છે એ બાળકને અનુભવવા દો. બાળકને નાના નાના આનંદો માણતા જરૂર શીખડાવવું જોઇએ. ”

    પ્રકરણ - 17

    યાદોનો ઊગતો અંબાર..

    ગૂંજતી કોયલ...રેલે પંચમ સ્વર...ટહુકે મન

    વહાલી ઝિલ,

    પરીક્ષાઓ પૂરી થઇ..વેકેશન આવ્યું..અને ફરી એકવાર ઘરનું સૂનુ આંગણું તારી ને મીતની ધમાલ..મસ્તીથી જીવંત થઇ ઉઠયું. મોટે મૉટે થી સતત વાગતું..સંગીત...જો કે હું તો એને ઘોંઘાટ જ કહેતી. અને અવાજ ધીમો કરવા કહેતી રહેતી. પણ એના હાઇ વોલ્યુમમાં મારો અવાજ તમને કયાં સંભળાવાનો હતો ?

    ” એકમેકમાં જેમ ભળે બે રંગો એવું ભળીએ, ભીની ભીની લાગણીઓમાં મનભરી પલળીએ આજની જેમ જ વીતે આયખુ આખું યે સંગ સંગ.” એ ભીની ભીની લાગણીઓની યાદ દરેક મા બાપ માટે જીવતરનો ઉલ્લાસ બની રહે છે. ત્યારે ભાઇ બહેન કેવી પાક્કાઇ કરતા ? એ તો મને પાછળથી ખબર પડી. કે આ તો મમ્મીને ઉલ્લુ બનાવવાનો પેંતરો હતો ! ભાઇને ગમતી કેસેટ..કે સી.ડી.બહેન લાવી ને ભાઇને ભેટ આપે..અને બહેનને ગમતી કેસેટો..ભાઇ લાવે..હવે ભાઇ બહેન એકબીજાને ગીફટ આપે તેમાં તો મારાથી કે કોઇ પણ મા થી કશું બોલાય જ નહીં ને? આમ બંને નો સ્ટોક વધતો જાય...”પપ્પા ઝિન્દાબાદ “ ની સાથે.આમે ય પપ્પાનો સપોર્ટ તો આવી બધી બાબતો માં મળી જ રહેતો. પછી તમારા ત્રણની ત્રિપુટી આગળ મમ્મીની પિપુડી થોડી વાગવાની? અને વાગે તો યે સાંભળે કોણ ?

    આમે ય બધા ભેગા થઇએ ત્યારે બધાની મસ્તીનું ટાર્ગેટ તો હમેશા મમ્મી જ રહેતી ને ? કયારેક હું બહું ગુસ્સે થાઉં તો તું ને મીત મારી પાસે આવી,ખોટા મસ્કા મારીને કહેતા, ‘ પપ્પા, મારી મમ્મીની મસ્તી નહીં કરવાની હોં.! ‘ ભલેને મસ્તી તો પોતે બે યે જ વધારે કરી હોય. હું કૃત્રિમ ગુસ્સો કરતી...બસ..બસ...હવે મને બધી ખબર છે હોં..નો ચમચાગીરી..!

    ’ અરે..મમ્મા, તમારી કંઇ ચમચાગીરી હોય ? તમે તો મારા મમ્મી છો ને? ‘ અને ભાઇ બહેન આંખોથી ઇશારા કરતા...હું જોઇ જતી..અને ઘરની દીવાલો આપણા ચારેના ખડખડાટ હાસ્યની સાક્ષી બની રહેતી. કેવા સરસ લીલાછમ્મ દિવસો હતા એ ! આજે તો મારે એ જૂનુ ને જાણીતું વાકય..”તે હિ નો દિવસો ગતા:” જ કહેવાનું રહ્યું. અને એ દિવસોની યાદથી બધા મા બાપની જેમ મલકતા અને છલકતા બની...તેની ઉષ્માથી લથપથ થઇ..વહેતા રહેવાનું. “એક શેરીનું અનોખુ બાળપણ, ફાગ કેવા મઘમઘ્યા’તા યાદ છે?” કુટુંબમેળાની એ પુનિત ક્ષણો પાછી આવશે ખરી કયારેય ?

    કદાચ દરેક ઘરમાં કુટુંબમેળાની આ ક્ષણોની આતુરતાથી રાહ જોવાતી જ હશે. બાળકો દૂર વસતા હોય ત્યારે તો માતા પિતા ચાતકની જેમ પ્રતીક્ષામાં ઝૂરતા હોય છે. એનો એહસાસ દરેક બાળકને રહેવો જોઇએ. યાદ છે..સોનલમાસી..? બંને દીકરાઓને પેટે પાટા બાંધીને યે વિદેશમાં ભણવા મોકલ્યા.સંતાનના સ્વપ્નો પૂરા કરવા માટે તેમણે પોતાના કેટલા સ્વપ્નો મૌન રહી ને જતા કર્યા હતા. આજે એ દીકરાઓને મા બાપ જૂનવાણી, ગામડિયા લાગે છે. તેમની આદતો વિચિત્ર લાગે છે..કયારેય દીકરાઓએ વિચાર્યું નહીં હોય કે મા બાપને પણ તેમની ઘણી યે વાતો નથી ગમતી હોતી. ઘણી રીતભાત નહોતી ગમતી પણ તેમને તો પુત્રો માટે કયારેય અભાવ આવ્યો નથી. શું બધો ભોગ મા બાપે જ આપવાનો? તેમની કોઇ ફરજ નહીં ? અરે, રુધિરનો પ્રવાહ પણ ઇશ્વરે એકમાર્ગી નથી બનાવ્યો તો સ્નેહનો પ્રવાહ એકમાર્ગી શા માટે ? આ માતા પિતાનું શોષણ નથી ? સોનલમાસીના દીકરા આજે અહીં આવે છે..એકાદ મહિના માટે.ફરવા ..અને ખરીદી કરવા, બે ચાર ભેટના ટુકડા ફેંકી ચાલ્યા જાય છે. આવી ને આખો દિવસ તેમના અવનવા પ્રોગ્રામો બનતા રહે છે. ફરવામાંથી કે ખરીદીમાંથી તેમને સમય જ કયાં મળે છે ? માતા પિતા સાથે સુખ,દુ:ખની બે ચાર વાતો કરવાનો સમય તેમની પાસે છે ખરો ? કે એવી ઇચ્છા પણ છે ખરી ? માસી, માસા છોકરાઓ માટે આજે યે અર્ધા થાય છે. પરંતુ પુત્રના તો સંબંધો હાય અને બાય વચ્ચે લટકતા રહે છે. મનને ટાઢક ન આપી શકે એ સંબંધો નો અર્થ ખરો ? હૂંફની જરૂર માતા પિતાને છે. બે શબ્દોની ખોટ તેમને સાલે છે. જયારે દીકરાઓને એ બધું વેવલાવેડા લાગે છે. અર્થહીન લાગે છે. પૈસાથી અમુક ઋણ કયારેય ચૂકવી નથી શકાતા. એ સત્ય તો દીકરાઓને પણ એક દિવસ જરૂર સમજાશે..પણ ત્યારે બહુ મોડુ થઇ ગયું હશે.

    ખેર..! આ બધી તો ઘર ઘરની કહાની છે. આવા સોનલમાસીઓથી આજે સમાજ છલોછલ છે. કાલની ખબર નથી. અમે તો જે ક્ષણ સામે આવે છે..તે શકય તેટલી સારી રીતે જીવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આ પછી ની ક્ષણ ની કોને ખબર છે? અને દરેક માનવી આ વાત જાણે જ છે..સમજે જ છે, અને છતાં,...છતાં વરસોના વાયદા કરતો રહે છે. પોતાની જાત પાસે પણ...અને બીજાઓ પાસે પણ. માનવમન જેટલું વિચિત્ર બીજું કંઇ જ દુનિયામાં નહીં હોય.

    “મનના કારણ સાવ અકારણ....” આજે તારું ધાર્યું પરિણામ ન આવ્યું. ધાર્યા કરતાં..અપેક્ષા કરતાં થોડા ઓછા માર્ક્સ આવ્યા. અને તું નિરાશ થઇ ગઇ. બેટા, જીવનમાં હમેશા બધું આપણી ધારણા પ્રમાણે જ થવું જોઇએ એવો કોઇ નિયમ છે ખરો? એવો દુરાગ્રહ શા માટે? બેટા, જિંદગીમાં કડવા મીઠા પ્રસંગો કે ભરતી ઓટ તો આવતા જ રહેવાના. આપણે હમેશા સાથે આ પ્રાર્થના ગાતા. એ યાદ કરાવું?

    ” વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડૉલક થાજો

    શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદી યે ઓલવાજો.” હા,જીવન નૈયા હાલકડોલક થાય એનો વાંધો નહીં પણ એવા સમયે નિરાશ થઇ બેસી જવાને બદલે પોતાની જાતમાં અને સર્જનહારમાં અખૂટ શ્રધ્ધા રાખી કાર્ય કરતા રહીએ તો જીવનના તોફાનો એની જાતે શમી જશે.. નવો રસ્તો નજર સમક્ષ ઝળહળતો દેખાશે..બંધ દરવાજા તરફ વધારે સમય સુધી તાકી રહેવાને બદલે ખુલ્લા દરવાજાની શોધ વધુ યોગ્ય નથી ? એવું પણ કેમ ન બની શકે કે આપણે જે પસંદ કર્યું હોય તેના કરતાં ઇશ્વરે આપણા માટે વધુ સારું પસંદ કરી રાખ્યું હોય...જે કદાચ તાત્કાલિક આપણને ન સમજાવાથી આપણે દુ:ખી થતાં હોઇએ.એટલે શ્રધ્ધા કયારેય ગુમાવીશ નહીં.

    મનને આકાશની જેમ ખુલ્લુ રાખજે. દિવસોને નાની નાની વાતોથી રળિયામણું બનાવતા શીખવું જ રહ્યું. મોટી ખુશી કંઇ જીવનમાં રોજ રોજ નથી આવતી. પણ આનંદની નાની નાની લહેરખીઓ તો રોજ આવે છે. જો આપણે દ્રષ્ટિ ખુલ્લી નહીં રાખીએ તો એ કયારે આવી ને અદ્રશ્ય થઇ ગઇ ..અને આપણે ચૂકી ગયા એ પણ ખબર નહીં પડે.

    માણસ એ પરમનો અંશ છે. વસંત અને પાનખરની આવનજાવનનો હિસ્સો છે. ગ્રીષ્મ અને શરદની હૂંફ અને શીતળતાનો ભાગ છે. અને આ બધી કોરી વાતો નથી. જીવનસત્ય છે.

    આ યાદ રાખીશ તો જીવનમાં કયારેય હતાશા નહીં વ્યાપે. અને કહેવું જેટલું સહેલું છે..કરવું..અમલમાં મૂકવું આસાન નથી જ. પરંતુ અશકય પણ નથી જ. કદાચ બે પાંચ પળો માટે નિરાશ થઇ પણ જવાય ..પરંતુ ત્યારે આવા વિચારો યાદ કરી નિરાશાની ગર્તમાંથી સહેલાઇથી મુકત થઇ શકાય. વિચારોનું મહત્વ જીવનમાં ઓછું નથી. ફાધર વાલેસે કહ્યું છે “ વિચારો જ માણસનું વર્તન ઘડે છે..વિચારો જ માનવજાતનો ઇતિહાસ લખાવે છે...વિચારો જ દુનિયાનું સંચાલન કરે છે. “ અને hit it at the top, boys..” આકાશ તરફ નિશાન તાકીએ તો ઊંચા વૃક્ષની ટોચે તો જરૂર પહોંચે. ” માટે બેટા, વિચારો, ધ્યેય તો જીવનમાં હમેશા ઉંચા જ રાખવાના.

    અમે તો આજે વર્તમાનમાં અતીતની એ ક્ષણોને જીવંત બનાવી ફરીથી માણીએ છીએ. અને દરેક મા બાપના હક્કની જેમ તમારા ક્ષેમકુશળની ચિંતા કરીએ છીએ. ભલેને ચિંતા કરવા જેવું કંઇ ન હોય તો પણ...અને અમારી અંદર એક ભાવવિશ્વ સર્જાતુ રહે છે..જેની આગોશમાં અમે ભીના થતા રહીએ છીએ.

    એ ભીનાશનો ભાવ તમારા સુધી પહોંચી શકતો હશે ખરો ? એ ભીનાશ તમને સ્પર્શી શક્તી હશે ખરી ?

    “ અહીંયા ફર્યું છે જે રીતથી ત્યાં પણ ફર્યું હશે, એકાદ પીંછું યાદનું ત્યાં પણ ખર્યું હશે. ”

    સર્જનહારે પ્રત્યેક મા દીકરી કે બાપ દીકરીના આ સંબંધમાં ચપટી ભરી ને નહીં..પણ ખોબો ભરીને પ્રેમ..જરાયે કંજૂસ થયા વિના ઢોળ્યો છે. કદાચ સમગ્ર માનવીય સંબંધોમાં સૌથી પવિત્ર અને કેવળ મુઠ્ઠી ઉંચેરો નહીં..પણ હિમાલય ઉંચેરો આ સંબંધ છે. ગુણવંત શાહ જેવા ચિંતક, વિચારકે કહ્યું છે “દીકરી સ્નેહસંબંધનો મોભારો છે. મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા, પારિજાતની દિવ્યતા કોઇ ઝાકળબિંદુમાં એકઠી થાય ત્યારે એને દીકરી નામ અપાય છે. “ કેટલી સરસ વાત ..કરી છે. અને પુત્રી આંખોથી દૂર હોય છે ત્યારે કદાચ વધુ નિકટતા અનુભવાય છે. આ મારો જ અનુભવ હશે કે દરેક મા બાપનો ? આમેય કોઇએ કહ્યું છે ને ? ” જિંદગીથી ખૂબ આઘે હોય છે, ચહેરા જે ખૂબ ગમતા હોય છે.”

    આજે મનમાં કબીરવડ સમી એકલતા ઘેરી વળી છે.અને યાદોના અંબાર એમાં અટવાઇ ગયા લાગે છે. અહીં જ અટકવું રહ્યું..નહીંતર...આજે કયા શબ્દો..કયાં સુધી સરતા રહેશે..તે ખબર નથી. “ વાતમાં ને વાતમાં જો તારી વાત નીકળી, સાંજ ટાણે મહેકતી ત્યાં રાતરાણી નીકળી.. _બ્રિજ પાઠક

    દીકરીની યાદ મનમાં ઉગે અને દરેક માતા પિતાના અસ્તિત્વમાં જાણે રાતરાણી સમ ખુશ્બુ છલકાઇ રહે છે. સ્મિતની એક લહેરખી દિલને ઠંડક અર્પી રહે છે. દીકરી પાસે શું કોઇ જાદુની છડી છે ?

    “ લગ્ન એટલે બે પરિવારિક સંસ્કૃતિ ના મિશ્રણનો અનેરો લહાવો..” હું ” માંથી “ અમે ” તરફ જઇ જીવનને ગૂંજતું, ગાતું, સૂરીલું બનાવવા નો સહિયારો પ્રયાસ. દુનિયામાં તારાથી ઘણી યે ચડિયાતી છોકરી ઓ છે. અને શુભમથી ઘણાં ચડિયાતા છોકરાઓ પણ છે . છતાં..તમે બંને કોઇ ઇશ્વરીય સંકેતથી જોડાણા છે. ત્યારે એ જોડાણ ફકત તનનું નહીં..મનનું..આત્માનું બની રહે. એવા સભાન પ્રયત્નો બંને એ કરવા જ રહ્યા. જીવનસાથી નું મૂલ્ય કયારેય ઓછું ન આંકીશ કે કયારેય કોઇ સાથે તેની સરખામણી ન કરીશ. તમે બંનેએ એકબીજાને પસંદ કર્યા છે..તો હવે એનું ગૌરવ જાળવવું એ તમારું પરમ કર્તવ્ય છે. પુરુષ અને સ્ત્રી... બંને માં બંને માં કોણ શ્રેષ્ઠ..કોણ નાનું કે મોટું..એ બધા વિવાદ નો કોઇ અર્થ નથી. કોઇ એકબીજા કરતાં ચડિયાતું કે ઉતરતું નથી જ. સહજીવન...ઉત્તમ સખ્યજીવન બની ..એક્બીજામાં ઓતપ્રોત થવું એ જ લગ્ન. વિવાહ એટલે શિવ અને શક્તિ નો સન્યોગ. નર અને નારી બંને એકબીજા વિના એકાકી છે, અધૂરા રહે છે. લગ્ન એ અધૂરપને પૂર્ણતા બક્ષે છે. અને બંને વ્યક્તિનો ઉછેર અલગ માહોલમાં થયો હોય છે. ત્યારે બંને નો સ્વભાવ સ્વાભાવિક રીતે જ અલગ હોવાનો. બેટા, એકમેકને અનુકૂળ બની જીવન ને..જીવંતતાથી પામી રહો....માણી રહો. “

    પ્રકરણ - 18

    દસ રૂપિયાના હારનું મૂલ્ય .....

    ભીની પાંપણો.. થીજી ગયેલ... મીઠી પ્રતીક્ષા.. વહાલી ઝિલ,

    સ્મરણોનું ગોરસ તો રોજ છલકાઇ રહ્યું છે. કઇ વાત યાદ કરું ને કઇ ભૂલુ ?

    જીવન એટલે થનગનતા..અને મનગમતા સમયની ફૂલદાની..એવું કયાંક વાંચેલ. દીકરીની મા પાસે એવા સમયની ખોટ કયારેય નથી હોતી. મા પાસે દીકરીની ભીની લાગણીઓ હોય છે તો બાપને તો દીકરીનો એક કેફ હોય છે. ” આ કેફ ઉતરે તો કેમ ઉતરે? દીકરી છે સાથે, હું એકલો નથી.”

    આવું કયા પિતાએ લખ્યું છે..એ તો આ ક્ષણે યાદ નથી. પણ બધા પિતા માટે કદાચ આ સાચું જ હશે. કહે છે..પુરુષના “ હું ” ને કેવળ દીકરી જ ઓગાળી શકે. દીકરા સાથે જોડાયેલ વહાલની કડીઓ કયારેક ઢીલી પડી શકે છે. દીકરી સાથે સંકળાયેલ વહાલની સાંકળ હમેશા રણકતી જ રહે છે. મંદિરના ઘંટારવની જેમ. બાપ અને દીકરી નો એક જ સંબંધ કદાચ કોઇ અપેક્ષા વિનાનો ..છે. ગમે તેવા કઠોર પુરુષની આંખમાં પણ દીકરીની વિદાય પાણી લાવવા સમર્થ છે. અને એમાં યે કોઇ પણ કારણસર મા ગેરહાજર હોય ત્યારે દીકરી પિતા માટે એની “મા’ સમાન જ બની રહે છે. પ્યારથી પિતાને કોઇ ધમકાવી શકતું હોય તો એ પુત્રી જ છે. અને એનો એ ઠપકો પિતા હોંશે હોંશે સાંભળી લે છે. પિતાના હ્રદયને દીકરીનો સ્નેહ લીલુછમ્મ રાખે છે. મોઢેથી ન બોલતા ..લાગણી વ્યકત ન કરતા....કે ન કરી શકતા પિતાના અંતરમાં પણ વાત્સલ્યનું પુનિત ઝરણુ વહેતું જ હોય છે.

    યાદ છે..? એકવાર કોલેજમાં તારે ફકત એક જ દિવસની રજા હતી. અને તને ઘેર આવવાનું બહું મન થયેલ.પરંતુ મેં ના પાડી..કે એક દિવસ માટે હેરાન નથી થવું. પછી તેં મારી સાથે તો દલીલ ન કરી. પણ પપ્પાને ફોન કર્યો. અને પપ્પા વહાલી પુત્રી ને ના કેમ પાડી શકે ? અને તું ત્યાંથી નીકળી અને પપ્પા અડધે સુધી ગાડી લઇને દીકરી ને લેવા ગયા.મારી ના કોણ સાંભળે? દીકરીને બાપનો સપોર્ટ હતો પછી મમ્મી ના પાડે એની કયાં ચિંતા હતી? અને આવી ને તમે બંને બાપ દીકરી ખૂબ ખુશખુશાલ થઇ હસતા હતા.અને મનમાં હરખાતી હું કૃત્રિમ ગુસ્સો કરતી હતી. સવારે આવી ને સાંજે તો તારે પાછું જવું પડે તેમ હતું. એ થોડા કલાકો ઘરમાં કેવા જીવંત બની ગયા હતા.!!

    તારા બધા લાડકોડ જીવનમાં પૂરા થાય...એ ભાવના સરી રહે છે.

    સ્મરણૉના છલકતા ગોરસની મટુકીમાંથી કંઇક યાદો બહાર આવવા મથી રહી છે.પણ...

    ” કાગળના કટકામાં કેમ કરી ચીતરવી, રુદિયામાં રણઝણતી વાત.. કાગળની તે શી વિસાત ? ”

    શબ્દોની તાકાત અમાપ છે. એની ના નહીં. પણ ઘણીવાર દિલની લાગણી ઓ સામે એ વામણા બની રહે છે. એવું પણ લાગે જ છે. અને છતાં લાગણીને વ્યકત કરવા શબ્દોનો સહારો જ લઇ એ છીએ ને ?

    વેકેશનમાં તું આવે એટલે સ્વાભાવિક રીતે જ શુભમના ફોનની અવરજવર વધી જાય. જોકે આમ તો એ બહુ હોંશિયાર છે. તારા આવવાના બે દિવસ પહેલાં એ અચૂક મને ફોન કરી લે, ‘ કેમ છો મમ્મી ? ‘ એનો રણકતો અવાજ સાંભળી ત્યારે તો હું ભૂલી જાઉં. પણ પછી યાદ આવે ઓહ..! આ તો ઝિલ આવવાની છે..એની પૂર્વતૈયારી છે !

    “તમારા આજ અહીં પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે, ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની યે નજર નીચી થઇ ગઇ છે.”

    તું ઘરમાં પગ મૂકે ને શુભમનો ફોન રણકયો જ હોય..! પરફેકટ ટાઇમીંગ.! હું મીઠુ ખીજાઉ, ‘ અરે, એને ઘરમાં પગ તો મૂકવા દે.’ અને કેટલી યે મસ્તી કરું. અને કહું,’ પહેલા કહે, ઝિલ કોની ? મારી કહે તો જ ફોન આપું ’ અને પૂરી ઠાવકાઇથી એ કહેતો, ‘ હા,મમ્મી, એ તો તમારી જ છે ને ? ’ અને હું ખુશ થઇને ફોન તને આપી દઉં.. એ તરત હસતા હસતા ફેરવી તોળે, ’મમ્મીને ખોટું બોલીને કેવા રાજી કરી દીધા ને ! ’ અને તું ખડખડાટ હસી પડતી, અને મને કહેતી ’ મમ્મા, જુઓ..આ શુભમ શું કહે છે હું સમજી જતી..અને કહેતી, ’ હવે એ કંઇ ન ચાલે. એક વાર તો “ મારી ” એમ કહેવું પડયું ને ? ’ મસ્તીભર્યા દિવસોની કેવી રેલમછેલ હતી..

    “ ડાળી પર કૂંપળ ફૂટયાની ઘડી છે, એના ભીના ઓવારણા લેજે. ”

    યાદ છે..? એક દિવસ આપણે ચારે જમવા બેઠા હતા. ત્યાં પોસ્ટમેનની બૂમ આવી. તમે બંને ભાઇ બહેન એકબીજા સામે જોતા હતા..કે કોણ ઉભુ થાય ? પછી મીત ઉભો થયો. અને કવર લઇ ને કૂદતો કૂદતો આવ્યો, ‘મમ્મી, શુભમનો પત્ર છે. ને તું ઉછળી પડી. ભાઇલો તો દૂરથી કવર બતાવે, અક્ષર બતાવી ખાત્રી કરાવે..પણ એની પાસેથી એ મેળવવું કંઇ સહેલુ થોડુ હતું ? આવો મોકો કંઇ વારંવાર થોડો મળે? તેં મદદ માટે અમારી સામે જોયું. પણ તમારા ભાઇ બહેન ના મામલામાં હું કે પપ્પા કોઇ શા માટે પડીએ ?

    અંતે મીતે તને ખાસ્સી રીતસરની ઉઠબેસ કરાવી..કેટલી યે હેરાન કરી..અને એ પછી જ કવર તારા સુધી પહોંચ્યું. ત્યારની એ તાજગીભરી મસ્તી આજે યે યાદ આવતા હું મલકી રહું છું. મીત કહે, ’ લેતી જા...ઉભી ન થઇ ને ? ‘ ત્યારથી તો પોસ્ટમેનની એક બૂમે તું હમેશ માટે દોડતી થઇ ગઇ. બિટ્ટુ, યાદ છે ને ? મને ને પપ્પાને તો તમારા ભાઇ બહેનની મસ્તી માણવાની મજા પડી ગઇ હતી. હવે

    કયારે આવશે એ દિવસો ? ભાવિના ગર્ભમાં શું છૂપાયેલ છે..એ કોણ કહી શકે ?

    ”ખૂલ જા સિમસિમ કરતા ખૂલ્યા.....મબલખ ખજાના મન ના..” યાદોના આ ખજાના મનને શીળો છાંયડો..વિસામો આપી રહે છે.

    મસૂરી ટ્રેકીંગમાં ગયેલા તમે ભાઇ બહેન...કે સ્કૂલમાંથી સાથે ઝરિયા મહાદેવ ગયેલા ત્યારની તમારી મધુર યાદો આલ્બમના પાનાઓ ની સાથે સાથે મનઝરૂખે પણ સચવાયેલી છે જ...

    પ્રવાસમાં ફરવાનો આનંદ તો મળે જ છે. સાથે સાથે આવા સમયે કુદરતને નિરાંતે...શાંતિથી મનભરીને માણવાનો..જાણવાનો..તેની નજીક જવાનો લહાવો મળે છે. અલગ અલગ જગ્યાનો..માણસો નો પરિચય કેળવાય છે. મનની વિશાળતા ને એક નવી પરિભાષા મળે છે. સારા નરસા..અનુભવોથી જીવન અનાયાસે ઘડાય છે. પ્રવાસ મનને સમૃધ્ધ કરે છે. અને વિચારોનો વ્યાપ વધારે છે. અન્ય સંસ્કૃતિનો પરિચય થાય છે. ભેદભાવ દૂર થતા રહે છે. મન વિશાળ ..ખુલ્લુ બને છે. પ્રીતિ સેનગુપ્તા જેવા વિશ્વપ્રવાસી તો બધા ન બની શકે..પરંતુ શકય તેટલો પ્રવાસ તો દરેકે કરવો જ જોઇએ. એનાથી મનની ક્ષિતિજો વિસ્તરે છે. અને કૂવામાના દેડકા જેવી સંકુચિતતાથી છૂટી શકાય છે.

    તમે બંને મસૂરી, સિમલા ગયા ત્યારે આવી ને કેટલા ઉત્સાહથી અવનવી વાતો કરતા હતા. કેટકેટલા અનુભવોનું ભાથુ તમને મળેલ. સિમલા વિશે વાંચી ને યાદ રાખવું તમને મુશ્કેલ લાગે પરંતુ નજરે નિહાળેલ કયારેય ભૂલી શકાય ખરું ? ત્યાંના રિતરિવાજો, વાતાવરણ, માણસો, સ્થળો વિગેરે વિષે તમે કેટલી અવનવી વાતો જાણી હતી.! હું લંડન ગઇ હતી ત્યારે ગુજરાતી નહીં..કોઇ ભારતીય મળે તો પણ ખુશ થઇ જતી. પ્રવાસ મનની સંકુચિતતાને ઓગાળી નાખે છે. ઓહ..! આ તો આપણા !!

    અહીં હોઇએ ત્યારે ગુજરાતી, મદ્રાસી, બંગાળી...એવું લાગે..પણ પરદેશમાં જઇ એ ત્યારે બધા ભેદભાવ કયાંય મટી જાય અને ભારતીય બની જઇ એ..આ મારો જાતઅનુભવ છે. તને યે થશે જ આ અનુભવ. બધા ભેદભાવ આપોઆપ અદ્રશ્ય થઇ જશે. મનની ક્ષિતિજો અનાયાસે વિસ્તરીને વિશાળ બને છે. જોકે વતનની યાદ એટલે શું ? એ તો વતનથી દૂર રહેનાર જ ને કદાચ સંપૂર્ણ રીતે સમજાય. મૂળિયા એક ધરતીમાં હોય..અને ડાળ ..પાંદડા સાથે લીલાછમ્મ બીજી ધરતીમાં થતા હોઇએ ત્યારે મૂળિયાનો સાદ સંભળાતો જ રહે. અને કદાચ એટલે જ દૂર રહેતો માણસ પોતાની સંસ્કૃતિને પોતપોતાની રીતે જાળવી રાખવા મથે છે. કથા..વાર્તા, દેવ દર્શન કદાચ તેને મૂળ સાથે જોડાયાનો એહસાસ કરાવે છે. કોઇ ભાષાને જાળવવા મથે છે, કોઇ ધર્મને જાળવવા મથે છે. કોઇ અન્ય રીતે મૂળ સાથે સંકળાયેલ રહેવાનો પ્રયાસ કરે છે.

    આ સાથે જ મનના મલકમાં બીજા એક નાનકડા પ્રવાસની યાદ ડોકિયુ કરી ગઇ. વાત નાની છે..પણ એથી એનું મૂલ્ય ઓછું નથી થતું.

    એ પ્રવાસ યાદ છે ને ? કયો ? નાનકડો એ પ્રસંગ આપણે ઘણીવાર યાદ કરીએ જ છીએ.

    મીત પહેલીવાર સ્કૂલમાંથી એકલો ટ્રીપમાં બહારગામ ગયેલ. ત્યારે તે ત્રીજા ધોરણમાં હતો. સાથે કંઇ પૈસા લઇ જવાના નહોતા.પણ મેં દસ રૂપિયા આપેલ કે તેને જોતા હોય તો કામ આવે. અને તારા ભાઇલા એ તે પૈસા કેમાં વાપર્યા હતા? બીજા બધા છોકરાઓએ કોલ્ડ્રીંક પીધું હતું..જયારે તારા ભાઇલાએ તેની બધી યે મૂડી ખર્ચી ને તારા માટે નેકલેસ લીધો હતો. બ્લુ રંગનો ચમકતો નેકલેસ..! ઘેર આવીને કેવા યે ઉત્સાહથી તને આપી ને કહ્યુ, ’હું તારા માટે હાર લઇ આવ્યો..! ’

    દસ રૂપિયાના એ હારની કિમત ત્યારે મારે માટે..આપણે માટે લાખ રૂપિયા થી ઓછી નહોતી.! એ હારનું મૂલ્ય આંકી શકાય ખરું ?.તે દિવસે પોતાનું સર્વસ્વ ભાઇલાએ આપી દીધુ હતુ .વરસો સુધી એ “હાર” આપણે સાચવ્યો હતો. ભાઇની એ પહેલી ભેટ હતી. પોતાની મૂડીમાંથી આપેલી અમૂલ્ય ભેટ.

    ભાઇ બહેનનો પ્રેમ જોઇ કઇ મા ની આંખો અને હૈયુ ન ઠરે ? ભરઉનાળે પણ આવી મધુર પળોની યાદો જીવનને છલોછલ ઠંડક અર્પી રહે છે.

    “ રૂપિયા આના પાઇનો તું છોડ સરવાળો હવે, આ તો પ્રેમનો વેપાર છે, હમેશા ખોટ કરશે. ”

    “ બેટા, સફળ જીવન એ કોઇ સંગીત સાજ બજાવવા જેવું છે. જેમ ગમે તેવા મહાન સંગીતકારે પણ હમેશા રિયાઝ કરતાં રહેવો પડે છે..અને ચાલુ જ રાખવો પડે છે. તેવી જ રીતે જીવનને પણ સફળ બનાવવા...સૂરીલુ બનાવવા રિયાઝ કરવો જ રહ્યો.વર્તનનો રિયાઝ....શબ્દોને...વ્યવહારને... લાગણીઓને. પરિપકવ કરવાનો રિયાઝ જીવનભર ચાલતો જ રહેવો જોઇએ..વાસણ જેમ માંજી માંજી ને ચકચકિત થાય તેમ આપણે દરેકે પોતાની દિનચર્યાને માંજતા રહેવું પડે છે.એને ઘસી ઘસી ને શુધ્ધ કરતા રહેવું પડે છે. જેથી એની ગુણવત્તા સુધરી શકે. અને દરેક દિવસ સોનાની જેમ ચળકી રહે. Caring is Loving...એ વાત હમેશા યાદ રાખજે. ” હું તને બહુ પ્રેમ કરુ છું..કે મને તારા માટે બહું લાગણી છે..” એ ખાલી શબ્દોનો કોઇ અર્થ નથી.જ રોજિંદા જીવનમાં ..દરેક નાની વાતમાં આપમેળે વ્યકત થવું જોઇએ. હું વાતો કરું અને મારા વ્યવહારમાંથી તમે કોઇ ઉષ્મા પામી ન શકો....અનુભવી શકો...તો સ્વીકારી શકો ખરા એ કોરા શબ્દોને ? આપણી વ્યક્તિની પૂરતી સંભાળ રાખવી..તન ની અને મનની..એ દરેક દંપતીનું અરસપરસ કર્તવ્ય છે. બંને એ કર્તવ્યનું પાલન કરે તો જ જીવનમાં સૂરીલુ સંગીત ગૂંજી રહે.

  • પ્રકરણ - 19
  • અસ્તિત્વ મિટાવ્યાનો ઉગ્યો એક વહેમ.. લાગણી કેરો... લીલોછમ્મ અવાજ... સ્નેહે છલોછલ..
  • પ્રિય ઝિલ, ઘણીવાર સ્મૃતિઓ શલ્યા થઇને સૂતી હોય છે. અને અચાનક કોઇ એક કલરવે, કોઇ છાની સુગંધે, એ સળવળીને મનઝરૂખામાં બેઠી થાય..અને એક ક્ષણમાં આપણને વરસો ઠેકાડી દે છે. સાંજે સમયને ચાંચમાં લઇ ને પારેવા ચૂપચાપ બેસી જાય છે ત્યારે મનમાં રણકી રહે છે..એ દિવસ..જયારે તું પહેલી વાર હોસ્ટેલમાં ગઇ હતી.પપ્પા, મમ્મીની શિખામણોના...સલાહ સૂચનોના ડુંગર લઇ ને.! (દરવાજાની બહાર નીકળી ને એ ડુંગર જમીનદોસ્ત થઇ જવાનો છે. એ કયા મા બાપને ખબર નથી હોતી ? અને છતાં યે...)

    “ યાદોના પડછાયા લીલાછમ્મ હતા, ડાયરી વરસો પછી ખોલી હતી.” આજે વરસો પછી તો નહીં..પરંતુ એક મહિના પછી ડાયરી હાથમાં લીધી છે. સમય દરિયાની રેતી ની જેમ કયાં સરી ગયો ખબર ન પડી. હમણાં બાજુમાં નવા પડોશી રહેવા આવ્યા છે. તેમની સાથે ઢીંગલી જેવી નાનકડી દીકરી ફલોરલ છે અને સાથે એંસી વરસના..જીવનના આઠ દાયકા વીતાવી ચૂકેલ તેના દાદી છે. આ દાદીની વાત આજે મારે કરવી છે. તું કહીશ કે દાદીની વાતોમાં શું હોય ? એ જ જૂનવાણી વિચારો.. સદીઓથી ચાલી આવતી અને છતાં કયારેય જૂની ન થતી સાસુ વહુની વાતો..! એમાં ડાયરીમાં શું લખવાનું ? હા, એમ જ હોત તો ન જ લખત.

    આ દાદી છે તો એંસી વરસના. પણ તેમની સ્ફૂર્તિ મને યે શરમાવે તેવી છે. અને તેમનું મન તો સાવ નાના બાળક જેવું. નિખાલસ અને નવી નવી વાતો જાણવા માટે હમેશા ઉત્સુક. તેમની પાસે કેટલીયે રમતોનો ખજાનો મોજુદ. તેમની નાની પૌત્રી ફલોરલને જાતજાતની રમતો રમાડતા હોય. આજુબાજુના બધા બાળકોના એ વહાલા દાદીમા બની ગયા છે. બાળકો તો દાદીમા પાસેથી ખસવાનું નામ જ ન લે ને.! રમીને થાકે એટલે વાર્તાઓ કહે..અને પછી દાદી કહે એટલે બાળકોને ભણવું પણ પડે હોં.

    સવારે લાફીંગ કલબમાં જવાનું પણ દાદીમા કયારેય ન ચૂકે. વહુ, દીકરો ને નાની પૌત્રીને પણ સાથે લઇ જઇને જ જંપે. કોઇની આળસ એમાં ન ચાલે. ઉત્સાહનો તો જાણે જીવતો ફુવારો. ઘેર આવી વહુની સાથે સાથે રસોડામાં ઘૂસે, કોઇને શરૂઆતમાં તો થતું કે વહુની મા છે. વર્તન પરથી ખબર જ ન પડે કે વહુ છે કે દીકરી..? આખું કુટુંબ સ્નેહથી કિલ્લોલ કરતું હોય. નાની નાની વાતમાં હસતું અને હસાવતું હોય. સાસુ વહુ અને પૌત્રી સાંજે સંગીતના કલાસમાં જાય. જેને જે ગમતું હોય તે બધા શીખે. વહુની બહેનપણીઓ આવે તો દાદી હોંશે હોંશે એમને આવકારે..પ્રેમથી જાતે નાસ્તો બનાવી ખવડાવે. સાસુ વહુ વચ્ચેનો પ્રેમ જોઇને આપણું મન પણ ખુશ થઇ જાય..

    દરેક રવિવારે તેમનો કંઇ ને કંઇ કાર્યક્રમ બની જ ગયો હોય. અને કયારેક દાદીને ન જવું હોય તો એ પણ ન ચાલે. વહુ, દીકરા ને એમના વિના ચાલે જ નહીં ને.! રોજ રાત્રે બધા સાથે પ્રાર્થના કરીને જ સૂવા જાય. આખો દિવસ તેમના ઘરમાં ઉત્સાહનો દરિયો છલકતો જ દેખાય. કયાંય કોઇ ફરિયાદ નહીં..એક મિનિટ પણ નવરા ન બેસે. નવું નવું જાણવાની સતત ધગશ, એ માટેની લગન આ ઉમરે પણ અકબંધ હોય એવા જીવંત દાદીને મળીને આપણામાં યે ચેતનનો સંચાર થાય. એ તો હમેશા કહે હું એંસી વરસની બાળકી છું. આઠ વરસની ફલોરલ અને એંસી વરસના દાદીમાની દોસ્તી અદભૂત.! વિચારો એકદમ આધુનિક .કોઇ વહેમમાં ખોટા રીતરિવાજો માં જરાયે ન માને. વહુ તૈયાર થવામાં જરાયે વેઠ ઉતારે તો તરત કહે, ‘ આ સારું નથી લાગતુ. મેચ નથી થતું. બહાર નીકળીએ તો વટ પડવો જોઇએ.’ કહી હસી પડે. પોતે પણ વ્યવસ્થિત જ રહે હમેશા. શારીરિક કે માનસિક બંને રીતે તદન સ્વસ્થ. હવે તો એમની સાથે હું પણ લાફીંગ કલબમાં નિયમિત જતી થઇ ગઇ છું. દાદીમા મને યે છોડે તેમ નથી. મને પણ મજા આવે છે આવી વ્યક્તિ કોને ન ગમે ? આખા પાડોશમાં દરેકને તેમને માટે ખૂબ માન, સ્નેહ છે. અને કેમ ન હોય ? દરેકને મદદરૂપ થવાની તેમની ભાવના આપોઆપ માન પ્રેરી રહે છે. આવા વિરલ વ્યક્તિત્વો સમાજ માટે પ્રેરણાદાયી બની રહે છે.

    દાદીમાની વાત કરતાં કરતાં મનોઆકાશમાં એવા જ એક વિરલ વ્યક્તિત્વનું સ્મરણ અનાયાસે ઉગી નીકળ્યું. એ છે પ્રથમ મહિલા લેફટનન્ટ કર્નલ શ્રી નીલાબહેન પંડિત..જેમને લતા આન્ટીને ઘેર મળવાની તક મને મળી હતી. અને જેમના વિશે તેમણે એમના સુંદર પુસ્તક “ ઉજાસનું પ્રથમ કિરણ ” માં લખ્યું છે. તેમને મળી ને મેં તેમનામાં જે ચેતના, જે જીવંતતાનો અનુભવ કર્યો. તે પ્રેરણાદાયી છે. આ ઉમરે પણ કાનમાં મેચીંગ બુટ્ટી, મેચીંગ બંગડી, એવું જ પર્સ..લેઇટેસ્ટ ફેશનના કપડાં, જવેલરી, મેઇકઅપ.. અને સાથે અકબંધ ઉત્સાહ.

    બધું કેવા ઉત્સાહથી નાના બાળકની જેમ આપણને બતાવે..કે સામી વ્યક્તિને પણ એ ઉત્સાહ, આનંદનો ચેપ લાગી જ જાય. આજે યે એક શિશુ જેવું કૂતુહલ, બધું માણવાની, જોવાની ભાવના ...કયાં યે કોઇ નિરાશાની વાતો નહીં...ક્ષણેક્ષણને માણી જાણનાર ..કર્નલ તરીકે તો અદ્વિતિય ખરા જ..પણ એક નારી તરીકે પણ એટલું સરસ વ્યક્તિત્વ. તેમના ઉત્સાહને સલામ. હું તો તેમની વાતો સાંભળીને ખુશખુશાલ થઇ ગયેલ. આવા લોકો કયારેય વૃધ્ધ થતા નથી. જીવનની આખરી પળ સુધી તેઓ સાચા અર્થમાં જીવંત રહે છે. તેઓ વરસોમાં જીવન ઉમેરતા રહે છે. નહીંતર આપણે ત્યાં તો સામાન્ય રીતે લોકો કહેતા હોય, ’ ના રે, હવે અમને આ ઉંમરે થોડુ શોભે ? અને એમ જ લઘરવઘર રીતે રહેતા હોય. અને બીજા પાસે પણ પછી એવી જ અપેક્ષા રાખતા હોય. ઉત્સાહનો સદંતર અભાવ. મોટા થયા એટલે જાણે જીવન માણવું એ ગુનો ન હોય. હું તો એને માંદલી મનોવૃતિ જ કહું. મને તો આવા જીવંત વ્યક્તિત્વો જ ગમે. જીવનથી છલોછલ.

    આ દાદીમા તો સામાન્ય સ્ત્રી હતા...અને છતાં અસામાન્ય બની રહ્યા.. તેઓ કહે છે, ‘ ઇશ્વરે મને આ વરસો બોનસ ના આપ્યા છે. એટલે હવે મને સમય વેડફવો ન પોષાય, હવે મારી પાસે કંઇ તમારા જેટલો સમય થોડો છે ? તે વેડફી નાખુ ? એટલે મારે તો એક એક પળ કીંમતી કહેવાય..’ આ જીવનદ્રષ્ટિ ધરાવનારને કોઇ ફરિયાદ હોઇ શકે ખરી ? અને આવી વ્યક્તિનું માન, ગૌરવ બધા જાળવે જ. જળવાઇ જ જાય આપમેળે. તેમનો અનાદર શકય જ નથી.

    સાવ સાચી વાત છે. વ્યક્તિને પોતાનું માન જાળવતા આવડવુ જોઇએ. માન, સ્નેહ, આદર આ બધું માગવાથી કયારેય નથી મળતું. એ માટેની પાત્રતા હોય તો આપમેળે મળે છે. આજે વાત વાતમાં ઘણાં વડીલોને ફરિયાદ કરતા જોઉં છું ત્યારે કયારેક મનમાં પ્રશ્ન પણ જાગે છે. આ વડીલો જો પોતાનું વર્તન માનને લાયક રાખે અને નવી પેઢીને સમજવાનો, તેમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરી શકે સમય મુજબ પરિવર્તન સ્વીકારી શકે તો તેમના અને સંતાનોના પણ ઘણાં પ્રશ્નો જરૂર ઓછા થઇ જાય. પણ એ માટે “ અમારા જમાનામાં આમ...ને અમારા જમાનામાં તેમ.” એ ભવ્ય ભૂતકાળમાં થી બહાર નીકળવું જ રહ્યું. માગ્યા સિવાય શિખામણ આપવાથી દૂર જ રહેવું જોઇએ. ભૂલ કરે તો એમાંથી પણ શીખશે..આખરે કયાં સુધી તમે એને સલાહો આપી શકશો ?

    નવી પેઢી પાસે પણ ઘણી સારી વસ્તુઓ છે..ઘણું શીખવા જેવું છે..તો તમારું શીખડાવવાને બદલે તમે એની પાસેથી કંઇ શીખવાનો પ્રયત્ન કરો..ખાસ કરીને જયારે વડીલોને શારીરિક પ્રશ્નો ન હોય ત્યારે તો દરેક ઉમરે કંઇક નવું જરૂર શીખી શકે. શીખવા માટે જો મનમાં ઉત્સાહ હોય, ધગશ હોય તો ઉંમરની સાથે એને કોઇ સંબંધ નથી. આપણા સમાજમાં એવા ઉદાહરણોની સંખ્યા નાની નથી. આમે ય “ Idle mind is devil’s workshop ‘ એ મને તો બહું સાચુ લાગે છે. જેની પાસે કંઇક કરવાનું છે એને કયારેય આડા અવળા, નકારાત્મક વિચારો માટે સમય જ કયાં હોય છે ? પોતાની અંદર રહેલી શક્તિઓને, અનુભવોને રચનાત્મક કાર્યમાં કેમ ન વાપરી શકાય ? અત્યાર સુધી જવાબદારી, સમય કે સંજોગોને લીધે ઇચ્છા છતાં ન કરી શકયા હો..એવી ઘણી વસ્તુઓ અત્યારે કેમ ન કરી શકો ? ઇશ્વરે સગવડ અને સમય આપ્યા છે તો એનો સદઉપયોગ કરવો જ જોઇએ . જાતને દયામણી શા માટે બનાવવી ? બરાબરને ?

    જોકે આ બધું લખીને મેં પણ લેકચર જ કરી નાખ્યું ને ? પણ લખવાની છૂટ..કેમકે એ તો કોઇ ને વાંચવું હોય તો વાંચે..ન ગમે તો ન વાંચે. પણ બોલીએ તો સાંભળવું ફરજિયાત બની જાય ને ? અર્થાત્ લખીને લેકચર દેવાની છૂટ. હસી પડીને ? આતો પાણી પહેલા પાળ બાંધુ છું.

    હું કોમ્પ્યુટર તારી ને મીત પાસેથી જ શીખી ને ? ઘરમાં કોમ્પ્યુટર આવ્યું ત્યારે મને તો ઇ મેઇલ કેમ કરાય એ પણ કયાં આવડતું હતું ? અને તમે ભાઇ, બહેન મારા પર કેવા હસતા હતા.. મારી મશ્કરી કરતા હતા..એ બધું હું ભૂલી નથી હોં.

    વચ્ચે થોડા દિવસ હું ને પપ્પા ગોવા જઇ આવ્યા..તે તો તને ખબર છે જ. એટલે હમણાં ડાયરી હાથમાં જ નહોતી લીધી..ફોનથી તો તમારી સાથે વાતો થતી જ રહેતી ને ? ગોવાના દરિયાના ફોટા તું આવીશ ત્યારે બતાવીશ.પાણી..દરિયા તરફના મારા અનહદ આકર્ષણ ..લગાવની તો તમને ખબર છે જ. દરિયામાંથી બહાર નીકળવું મારે માટે બહુ અઘરું છે. દરિયા સામે હું કલાકો સુધી મૌન બની ને આરામથી બેસી શકું છું. કયારેય મને એ જૂનો નથી લાગતો. દરિયાકિનારે જ જન્મથી આજ સુધી રહી છું. અને રોજ દરિયે જાઉ છું છતાં મને કયારેય એનો કંટાળો નથી આવતો. એની ભવ્યતા, વિશાળતા, ઉછળતા અવિરત મોજા, ઘેરો ઘૂઘવાટ, એ બધા સાથે મારી તો પાક્કી દોસ્તી.

    “ ખારા, ખારા ઉસ જેવા, આછા આછા તેલ, પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ “

    નાનપણની આ કવિતા આજે યે એટલા જ રસથી ગણગણવી મને ગમે છે.

    હા, કાલે અચાનક તારો કબાટ સાફ કરતાં કરતાં..મને એ દિવસ યાદ આવી ગયો. કયો દિવસ ?

    યાદ છે ? પહેલીવાર હોસ્ટેલમાંથી બે મહિના બાદ તું ઘેર આવી હતી. આવી ને તારા રૂમમાં જઇ તારો કબાટ ખોલ્યો હતો. અને....અને તેં રાડ પાડી હતી,”મમ્મી....”

    અને ગભરાઇને હું દોડી આવી હતી..કે શું થઇ ગયું ? મેં તને પૂછયું..પણ તેં કંઇ જવાબ ન આપ્યો. ખુલ્લા કબાટ સામે જોઇ રહી. મેં પણ ત્યાં જોયું. પણ મને તો કંઇ સમજાયું નહીં..પણ તું તો રીતસર રડી જ પડી. આંખમાં આંસુ છલકી રહ્યા. હું તો ગભરાઇ ગઇ..આખરે થયું શું ? મારાથી કોઇ ભૂલ થઇ ગઇ કે શું ? આટલું બધું તને શું ઓછુ આવી ગયું ? શું લાગી આવ્યું ? ત્યારે તેં કહ્યું, ‘ મમ્મા, તેં તો હું બે મહિના હોસ્ટેલમાં ગઇ ..તેમાં મારું “ અસ્તિત્વ “ જ મિટાવી દીધું..!! ‘ અને તું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અને હું સ્તબ્ધ.. મને તો આવી કલ્પના યે નહોતી આવી. તને આવું લાગવાનું કારણ ફકત એટલું જ...તારા કબાટમાં થોડી જગ્યા થવાથી મેં મારી થોડી સાડીઓ તારા કબાટમાં, હેન્ગરમાં લટકાવી દીધી હતી.અને તને વહેમ જાગ્યો હતો...તારું અસ્તિત્વ મિટાવ્યાનો...માંડમાંડ તને હું શાંત કરી શકી અને સમજાવી શકી. ત્યારબાદ તારા કબાટમાં...ખાલી પડેલ જગ્યામાં કોઇનું કંઇ જ મૂકવાની ભૂલ કે હિમત નથી કરી. “ મબલખ યાદો, અઢળક આશા, દિલ નાનું, મહેમાન છલોછલ.” હા, તે દિવસે રોજની જેમ દરિયાકિનારે બેઠા બેઠા મારાથી આવું કંઇક લખાઇ ગયેલ ખરું.

    ” ઉછળકૂદ કરતું, એક મોજુ તાણી ગયું..રેતી પર લખેલ એક નામ.... અને ..અસ્તિત્વ મિટાવ્યાનો એને ઉગ્યો વહેમ.” બાકી દીકરીનું નામ કંઇ રેતી પર લખાયેલ શબ્દો થોડા જ છે ? એ તો અંતરમાં કોતરાયેલ અસ્તિત્વ છે. એનો પોતાનો એક અંશ છે.એને કયારેય કોઇ મા મિટાવી શકે ખરી? મા દીકરી ના સંબંધના તાણાવાણા કદાચ વિધાતા ખુદ ઉકેલવા બેસે ને તો તે પણ ગૂંચવાઇ જાય. જીવનના પરિઘમાં કેટલીયે એવી ક્ષણો આવે છે..જે કાળને અતિક્રમી ને સ્મરણોની સંપદા બની જીવનને લીલુછમ્મ ..અને હૂંફાળુ રાખે છે. વાત્સલ્યને..વહાલને વ્યાખ્યામાં બાંધી શકાય ખરું ? આપણી વચ્ચે હમેશા ફકત વહાલની જ નહીં..રોષની..ગુસ્સાની સરિતા પણ ઘણીવાર કયાં નહોતી વહેતી ? કયારેક તને મારી વાત ખોટી લાગતી..કે મને તારી વાત..અને આપણે બંને એકબીજા પર ગુસ્સે થઇ મૌન બની જતા. તું તારા રૂમમાં ને હું મારા રૂમમાં. અને અંતે કયારેક તું..ને કયારેક હું..એકબીજાને સોરી કહી..મનાવી લેતા..અને ફરી એક્વાર આપણો સ્નેહનો સેતુ જોડાઇ જતો.

    માને સતત દીકરીના ભવિષ્યની ચિંતા અને દીકરીને મમ્મી કંઇ સમજતી નથી..ખબર નથી પડતી..ની ફરિયાદ... એ બે વચ્ચે પણ વહાલનું ઝરણું તો વહેતું જ હોય છે. ગુસ્સામાં કયારેક દીકરી એ જોઇ ન શકે તેવું બની શકે..પણ દીકરી ને ખાત્રી, વિશ્વાસ હોય જ છે કે એ ઝરણુ ત્યાં હાજર છે જ. રિસામણા, મનામણા, ગુસ્સાની પળો..પણ વહાલની જેમ જ દરેક મા દીકરીના ભાવવિશ્વમાં પ્રગટતી જ રહેતી હશે ને ? આ વાંચીને યે ગુસ્સે થવાને પૂરી છૂટ સાથે અહીં જ વિરમું ને ? એમાં જ સલામતી છે ને ? હસી પડી ને ?

    “આ સરવર છલકયા સ્નેહજળના, પનિહારી રિસાઇ જાય તો શું કરું?” હવે તો તું રિસાઇ જાય તો મનાવવાનું યે મુશ્કેલ થઇ જાય એટલે દૂર જઇ ને તું બેઠી છે. એટલે હવે રિસાવાનું પોષાય તેમ નથી હોં.!

    બસ..હસતી રહે..હસાવતી રહે..જે હસી શકે એ જ બીજાને હસાવી શકે ને ? રોતલ બીજાને શું હસાવવાના હતા ? યાદ છે ? હું હમેશા કહેતી, ”laugh and world will laugh with you. weep and weep alone”

    બાકી તો....

    ”કયાંય કશું સંપૂર્ણ નથી, સૌમાં થોડી વધઘટ છે.”

    “ લગ્ન એટલે જવાબદારી તો ખરી જ. મમ્મી પપ્પાના રાજમાં જલસા કરતી દીકરી પાસે હવે તેનું પોતાનું આગવું ઘર બને છે ત્યારે આ ઘરની જવાબદારી પણ તેની જ બને છે ને ? ઇશ્વરે આંખો બે આપી છે. પણ બંને આંખો એક થઇ ને જુએ છે. બે કાન એક થઇ ને સાંભળે છે. પતિ અને પત્ની બે છે..પરંતુ લગ્ન પછી બંને જયારે એક બને છે..ત્યારે એક બનીને સુંદર જીવન .... સહજીવન જીવી શકે ત્યારે જ લગ્ન સાર્થક બની શકે. આપણા ઘરમાં તો આજે યે દીવાલ પર લખાયેલ આ પંક્તિઓ તને બહુ ગમે છે ને ?

    ” ગીત જેવું ઘર,ને વહાલના લય તાલ, કોણ પછી મંજિરા લે, કોણ લે કરતાલ ? ”

    તારે પણ હવે તારા ઘરને ગીત જેવું સૂરીલું બનાવવાનું છે. એ ન ભૂલીશ. અન્યોન્ય સાથે વહાલના લય તાલથી તારું ઘર મંદિર સમાન બની રહે એ જોવાની જવાબદારી ઉપાડીશને ? હા, કયારેક મતભેદ થાય..પણ મનભેદ ન જ થવો જોઇએ. એના પાયામાં એકબીજા માટે સાચી લાગણી જ હોય. લાગણીનું બંધન જ એકબીજાના માન, સન્માનની જાળવણી કરી શકે. કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે નિખાલસ ચર્ચા..(દલીલ નહીં) થી એનો ઉકેલ આસાન બની જાય છે. સંવાદ નું સંગીત ગૂજતું જ રહેવું જોઇએ. બંને એકબીજાના ગમા, અણગમા નું ધ્યાન રાખી એ મુજબ વર્તન કરશો તો જીવનમાં કયારેય વિસંવાદિતાના સૂર નહીં ઉઠે. કોઇ બંધન વિનાનો, કોઇ શરત વિનાનો પ્રેમ...તમારા જીવનને ઉલ્લાસથી સભર બનાવી રહેશે. ”

    પ્રકરણ - 20

    અરમાનોના ગૂંજતા ઢોલ....

    પારકું પંખી, ઉડી જાય પળમાં..માળો બને સૂનકાર.

    વહાલી ઝિલ, તે દિવસે અસ્તિત્વ મિટાવી દેવાની વાત કરી તેં મને રડાવી દીધી હતી. દીકરીનું અસ્તિત્વ કોઇ મિટાવી ન શકે. પણ સાથે સાથે દીકરીને કાયમ ઘરમાં રાખી યે કયાં શકાય છે ?

    ” ઘેન ઘૂંટેલા અરમાનોના, વાગતા રૂડા ઢોલ, દશે દિશાના કંઠે કંઠે, સરતા મીઠા બોલ કોઇની ઉડે ચૂંદડી ને, કોઇના રણકે પાયલ. ”

    આજે મનમાં ઢોલના ધબકાર અચાનક ગૂંજી રહ્યા છે..જોકે અચાનક તો કેમ કહેવાય ? તું બારમા ધોરણ પછી હોસ્ટેલમાં ગઇ ત્યારે જ મનમાં ખ્યાલ હતો કે હવે દીકરીની આવનજાવન જ આ ઘરમાં રહેશે. બાકી...વિદાયના પડઘમ કાનમાં વાગી જ ચૂકયા હતા.

    આમે ય નજર સામે મોટી થતી જતી પુત્રીને જોઇ કયા મા બાપના મનમાં પુત્રીની વિદાયના ભણકારા નહીં વાગતા હોય ? અને સામે હોવા છતાં કઇ પળે દીકરી મોટી થઇ ગઇ એ ખબર પડી શકે છે ખરી ? કયારેક દીકરી સાડી પહેરીને પિતાની સામે આવે ત્યારે દરેક પિતાની આંખો ચમકે છે..ઓહ.! આ મારી દીકરી..!! આટલી મોટી થઇ ગઇ ? અને શરૂ થઇ જાય છે શોધખોળ...સારા છોકરાની. સારા ઘરની...!! પછી મનમાં સતત એક જ વાત ઘૂમતી રહે છે. નાત ના સારા, ભણેલા છોકરાઓના લીસ્ટ બનવા લાગે છે. હવે તો જોકે નાત, જાતના વાડા થોડા ઢીલા પડયા છે ખરા..! પણ છતાં હજુ પ્રથમ પસંદગી તો નાતને જ મળે છે. મને તો કયારેક થાય છે..એક શિશુ કોઇ નાત, જાત સાથે લઇ ને અવતરે છે ? ઇશ્વર એની નાત જાત નક્કી કરી ને થોડો મોકલે છે ? એ કામ ...વાડા બાંધવાનું સંકુચિત કામ તો આપણે કરીએ છીએ..એક નાતની છોકરી બીજી નાતના છોકરા સાથે લગ્ન કરે..તો એ લગ્નને લીધે થતા બાળકની નાત આપમેળે બદલાઇ જાય. અને અને પછી પુરુષની જે નાત હોય તે નાત છોકરાની આપોઆપ બની જાય છે. એનો અર્થ એ જ થાય ને કે નાત જાત ઇશ્વર નક્કી નથી કરતો. બાળકને જન્મ સ્ત્રી આપે.. એને નામ..એને જાત બધું પુરુષ પાસેથી મળે.. સ્ત્રી બાળકને જન્મ આપી શકે.. તેને માટે ગમે તે ભોગ આપી શકે..પણ પોતાનું નામ નહીં..પોતાની પહેચાન નહીં.

    ઇશ્વરે તો એક જ જાત..માનવજાત બનાવી છે. ભેદભાવ તો આપણે ઉભા કર્યા છે. અને પછી આપણા સ્વાર્થી રાજકારણીઓ એ તેને પોષ્યા છે..ઉછેર્યા છે. અને પોતાની મતબેન્ક ઉભી કરી છે. સત્તાની સગડી ઠરી ન જાય માટે કોમી ભેદભાવ ચાલુ જ રાખે છે..કે રખાવે છે. હકીકતે આજે પણ જો કોઇની દખલગીરી ન હોય..કોઇની ઉશ્કેરણી ન હોય તો હિંદુ, મુસલમાન બાજુ બાજુમાં શાંતિથી રહી શકે છે. રહે છે. એવા કેટલાયે દાખલા સમાજમાં મોજુદ છે જ. જયાં હિંદુ કે મુસલમાન એક ઘરની જેમ રહેતા હોય. અને એકબીજાને સુખ,દુ:ખમાં મદદરૂપ થતા હોય.

    “ હિંદુ મુસ્લીમ સંપી રે’ છે; નેતા કહે છે ચળવળ જેવું “ નરેન્દ્ર જોશીની આ પંક્તિ કેટલી યથાર્થ છે.

    આ અનુભવ આપણ ને પણ કયાં નથી ? આપણી સામે ઇબ્રાહીમ અંકલ રહેતા હતા. તું નાની હતી અને કયારેક રાત્રે ગમે તે સમયે તારો રડવાનો અવાજ સાંભળે એટલે એની મમ્મી આવ્યા જ હોય. ‘ કેમ બેબી રડે છે ? શું થયું ? ગભરાઇ ન જતા હોં..!! ‘ અને કેટકેટલું ધ્યાન રાખતા. મને તો કંઇ ખબર ન પડે ત્યારે એમને ઘેર પહોંચી જ હોઉં. આપણે તો ત્યારે ગામમાં નવા હતા...અજાણ્યા હતા. પણ એમની હૂંફે કયારેય અજાણ્યા લાગવા નથી દીધા.

    એક વાર આવીને કહે, ’ મને પૂછતાં તો સંકોચ થાય છે...છતાં પૂછું છું. કેમકે તમે રહ્યા જૈન. અને અમે મુસલમાન. પણ આ તો હમણાં અમારા રોજા ચાલે છે. તેથી રોજ ઘરમાં કંઇ નવું બનાવીએ છીએ..તો તમને વાંધો ન હોય..અમારા ઘરનું ખાવાનો, તો મોકલાવું. અમારા ઘરમાં બધા વાસણો પણ અમે સાવ જુદા રાખીએ છીએ. તમને જરાયે વાંધો નહીં આવે. પાડોશીને મૂકી ને એકલા થોડા ખવાય ? છતાં ધર્મની વાત હોય એટલે પૂછી લેવું સારું. ‘ મેં તરત કહેલ, ‘ માસી, અમે જૈન છીએ...શાકાહારી જ ખાઇએ. છીએ એ સાચું..પણ એટલે તમારા ઘરનું શાકાહારી પણ ન ખાઇએ..એવું જરાયે નથી. તમે આટલા પ્રેમથી પૂછો છો ને હું ના થોડી પાડું ? અમે ચોકકસ ખાશું. અને પછી તો આખો મહિનો તેમના ઘરની નવી નવી વાનગીઓ નો સ્વાદ પ્રેમથી માણ્યો. અને ઇદને દિવસે સેવૈયા ખાઇને વધાઇ આપી.. ખાધું તો આપણે તેમના ઘરનું હતું.. પરંતુ ખુશ તેઓ થયા હતા.

    વાત તો જોકે નજર સામે મોટી થતી દીકરીની હતી. આજે અચાનક તું પણ મોટી થઇ ગઇ હતી. અને વાત ચાલુ થઇ તારા લગ્નની...

    પંદર જુને તારી ઇન્ટરન્શીપ પૂરી થતી હતી. અને 27 જુને લગ્ન નંક્કી થયા.! બસ..જે ગણો તે મારી પાસે દીકરી બાર દિવસ રહેવાની હતી. અને એમાં કેટકેટલા કામની વણખૂટી ધમાલ. એક આંખમાં લગ્નનો ઉમંગ...બીજી આંખમાં વહાલનો વિજોગ...સંજોગ વિજોગની એ ક્ષિતિજે રહી ને મારે વહેવારો નિભાવવાના હતા...વહેવારિક કામો. કરવાના હતા.

    મારી ઇચ્છા તો જો કે લગ્ન થોડા મહિનાઓ પછી કરવાની હતી. પણ આખરે તો ધાર્યું ધણીનું જ થાય છે..એ ચીલાચાલુ ડાયલોગ સાથે મન મનાવવાનું હતું. છતાં એકવાર શુભમને કહી પણ જોયું, ‘ કે હજુ તો મારી દીકરીને ..ઝિલ ને પૂરી રસોઇ બનાવતા પણ નથી આવડતી. એને શીખવાનો સમય જ કયાં મળ્યો છે ? એ તો બહાર હોસ્ટેલમાં હતી. તો હસતા હસતા શુભમે કહ્યું, ‘મમ્મી, હું ઉકાળેલા પાણીથી ચલાવી લઇશ. નહીં આવડે તો ચાલશે. ’ યૌવન સહજ આ જવાબ હતો. અને મારી પાસે તો બીજુ કોઇ બહાનુ પણ કયાં હતું ? આમે ય દરેક કાર્ય માટે ચોક્ક્સ સમાય નિર્ધારિત થયેલ હોય છે..એવું બધા પાસે થી સાંભળતી આવી છું, વાંચતી આવી છું..અને કદાચ લખતી પણ હઇશ જ. ખાસ કરીને બીજા ને કંઇ કહેવાનું હોય ત્યારે. બીજાને કહેવાની કેવી મજા આવે.. મોટી મોટી વાતો કરવાની..આપણં બધું યે છલકતું જ્ઞાન કોઇ માગે કે ન માગે...આપતા રહેવાનો અજબ ઉત્સાહ માનવ મનમાં હોય છે. બાકી આપણા પોતા ને ભાગે આવે ત્યારે....

    લાભ શુભ ચોઘડિયા આંગણે આવીને ઉભા રહી ગયા. સ્વાગત, સત્કાર ખુશી ખુશી કરવાના જ રહ્યા ને ? અવસરના લીલેરા પાન લહેરાઇ રહ્યા. ઝિલના લગ્ન છે...દીકરીના લગ્ન છે... સારા યે વાતાવરણમાં જાણે એ એક જ વાત હતી. મનમાં સ્મરણો માટે તો સમય પણ કયાં બચતો હતો ? અતીતની ગલીઓ પણ હમણાં જાણે ભૂલાઇ ગઇ હતી .

    ” ગલી મારી ભૂલી ગયા ગિરધારીની જેમ....” જોકે સુમિરનની સુવાસ ઉડતી રહેતી..મારા મનોઆકાશમાં. પણ એને વાગોળવાની નિરાંતનો અભાવ હતો. પણ પછી એ જ બધું કરવાનું બાકી રહેશે ને ? આજે તો... ” છોકરીના હૈયામાં ચોમાસુ બેઠું, ને છોકરાના હૈયે લીલોતરી, કૂંપળ ફૂટયાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી.”

    યસ...અને શરૂઆત થઇ..કંકોતરીથી જ..તું ત્યાં ગામડામાં પેશન્ટ વચ્ચે દોડાદોડી કરતી હતી. પપ્પા કલકતામાં તેની મીટીંગોમાં વ્યસ્ત હતા. અને હું ને મીત કંકોતરીઓ જોવા ફરતા હતા..મને ગમે તે મીતને ન ગમે..અને મીતને ગમે તે મારા ખીસ્સાને ન ગમે..કંઇક વાંધા ચાલતા રહ્યા. મીતની પસંદગી તો તું જાણે જ છે ? એને તો બધું હમેશા હાઇ ..ફાઇ જ જોઇએ ને ? ગમે તેવું એ કયારેય ચલાવી જ ન લે. એને તો એની બહેનના લગ્ન માટે રાજા મહારાજા જેવી કંકોતરીઓ જોતી હતી.! મને કહે, ‘ આ તો હું હજુ કમાતો નથી..એટલે આ યે લેવા દઉં છું.! એટલે અંતે પસંદગી તો મીતે જ કરી. તેઓએ પૂછયું લખાણ જોઇએ છે ? પણ મેં ના પાડી. બીજાને લખાણ લખી દેવા વાળી હું..આજે મારી દીકરી માટે નું લખાણ કોઇ નું ઉછીનું થોડું લઉં?

    મીત કહે, હવે આ લખવાનું ડીપાર્ટઁમેન્ટ તારું. કેટલાયે લખાણ લખ્યા. પણ એકે ય મનમાં બેસે નહીં. બીજું કોઇ લખાવવા આવતું ત્યારે પાંચ મિનિટમાં લખી આપતી હું આજે લખી નહોતી શકતી. દિલમાં સંવેદનાના ઓથાર વચ્ચે શબ્દો ખોવાઇ જતા. કોઇ વધુ પડતું સાહિત્યિક લાગે, કોઇ વધુ સાદું લાગે, કોઇ ચીલાચાલુ લાગે..કોઇ ફકત ભાષાના ભભકા જેવું લાગે. મને તો સાદું, ભાવવાહી અને છતાં બધાથી અલગ હોય તેવું લખાણ જોતું હતું. પાછું કુટુંબમાં બધાને સ્વીકાર્ય બને ..ને સમજી શકે તેવું પણ કરવાનું હતું ! નહીંતર કોઇ કહેશે કે ‘ મા ને થોડું લખતા આવડે છે..એટલે વિચિત્ર છાપી માર્યું.! ’ આમ કેટલાયે મોરચા સંભાળવાના હતા. જોકે બોલવાવાળા તો ગમે તે કરો..બોલતા જ રહેવાના. સમાજની એ ખાસિયત છે. કોઇએ એટલે સાચું જ કહ્યું છે.

    ” ખીર કેમ બગડી તેની ટીકા કરનારે પહેલાં ખીર રંધાતી હોય ત્યારે ત્યાં હાજર રહેવું જરૂરી છે. ” લગ્નના કાર્ડ ગુજરાતીમાં અને રીસેપ્શનના અંગ્રેજીમાં...આમ બંને લખાણ તૈયાર કરવાની મથામણો ચાલતી રહી હતી. અંતે માંડમાંડ એક ઉપર મંજૂરીની મહોર મારી. મારા પ્રિય શિક્ષક પ્રભાબહેનની અમૂલ્ય મદદ એમાં મળી રહી.કોઇ પણ માના દિલની હાલત આવા સમયે કેટલી વિચિત્ર હોય..એ તો અનુભવે જ સમજાય. હું તો આમે ય કદાચ થોડી વધું સંવેદનશીલ પહેલેથી રહી છું. પણ દરેક મા ના હ્રદયમાં આ પ્રસંગે હૈયે હરખ હોય, વહાલના વધામણા હોય..અને બીજી તરફ આંખમાં કે હૈયામાં દરિયો છલકાતો હોય. વારે વારે આંખમાં ધસી આવતા અશ્રુઓ એકલા છાના માના લૂછાતા હોય..ભીની આંખો કયારેક ચાડી ખાઇ જાય. પણ મોટે ભાગે તો કોઇને ખબર ન પડે તેમ ફરી પાછી કામમાં ડૂબી જાઉં.

    પપ્પા બધી વ્યવસ્થા કરવા કે કરાવવામાં વ્યસ્ત હતા.કદાચ પિતાને તો દીકરી વિદાય થતી હોય ત્યારે જ અચાનક જાણે ભાન આવે કે..ઓહ.. આ તો દીકરીની વિદાયની તૈયારીઓ અત્યાર સુધી હું કરી રહ્યો હતો. લગ્ન.....એક પ્રસંગ ઉકેલવાની ધમાલમાં ડૂબેલ બાપને તો વિદાય વખતે જ આ સત્યની પ્રતીતિ થતી હશે ? કે પછી થતી તો હશે..પણ જલ્દી બહાર દેખાતી નહીં હોય.?

    “ પાંપણની ઓથમાંથી સળવળી ઉઠે ઓલ્યા, સોણલા તે સાતમા પાતાળના.

    સુગંધના પગલાને સાચવતી બેઠી છે પાંપણની બે ય ભીની પાંદડી. ” અત્યારે તો બસ..હવે આંસુઓને પાંપણમાં સંતાડી દીકરીને વળાવવાની તૈયારીઓ કરવાની છે. સંજોગ વિજોગની ક્ષિતિજે વહાલનો દીપ પ્રગટાવી દીકરીના સોણલા સાકાર થાય ને સુગંધ રેલી રહે એ જ જોવાનું છે. અત્યારે તો દરેક માનું સઘળું યે ધ્યાન પ્રસંગ કેમ સરસ સચવાઇ જાય એમાં જ કેન્દ્રિત હોય ને ?

    હવે થોડા દિવસ ઘર ગૂંજતું રહેશે..અને સૌ પ્રથમ ચાલુ થશે ખરીદી ની શરૂઆત. પોતાના આંગણાના તુલસીકયારાને ઉખેડીને બીજે રોપવો કંઇ સહેલો થોડો છે ? અને છતાં દરેક મા બાપ રોપતા હોય છે... હોંશથી રોપતા હોય છે. રોપવાની આતુરતા થી રાહ જોતા હોય છે..કે ચિંતા કરતા હોય છે. અને રોપ્યા પછી એ ઉછરતો રહે. લીલોછમ્મ રહે ..એની ચિંતાથી પણ મા બાપ મુકત થોડા રહી શકે છે ? કેટલાયે કયારા બળી જતા હોય છે..કોઇ મૂરઝાઇ જતા હોય છે, કોઇ ઉખડી જતા હોય છે, કોઇ ખીલ્યા વિનાના રહી જતા હોય છે અને કેટલાક નશીબદાર પાંગરતા હોય છે.! દરેક દીકરીના તુલસીકયારામાં ફકત ખીલવાનું ને પાંગરવાનું જ આવે..એવો સમય કયારે આવશે ? આવી શકશે ખરો ?

    જવાબ કેમ ..કોણ..કયારે આપી શકે? “ અગમનિગમનો ખેલ ખબર ના, ચાલે કોના તાલે? “ બેટા,તું ભણી ગણીને તૈયાર થઇ છે. જીવનનું ભણતર હજુ બાકી છે. યુનીવર્સીટીની પરીક્ષાઓ સારી રીતે તેં જરૂર પાસ કરી છે. જીવનની પરીક્ષાઓ સારી રીતે પાર કરવાની હજુ બાકી છે. તારામાં અમાપ શક્તિ છે. ઉર્જાનો દરિયો વહે છે તારી અંદર. છતાં કયારેય એ ન ભૂલીશ કે જીવનના શાશ્વત મૂલ્યોનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. એના વિના ડીગ્રીના બધા પ્રમાણપત્રો શરીર પર જેમ મોટા માપના ...ફીટીંગ વિનાના કપડા લટકી રહે એમ લટકી રહેશે. ચારિત્ર્ય, વિનમ્રતા, વાણી ની મીઠાશ, સંવાદિતા,સ્નેહ, સહકાર, સદભાવના, કુટુંબભાવના, જતું કરવાની વૃતિ, આ બધા ગુણો દરેક સમયે, દરેક સમાજમાં, દરેક દીકરીના જીવનમાં ખૂબ અમૂલ્ય છે. સમય જરૂર બદલાય છે. પરંતુ જીવનના આ શાશ્વત મૂલ્યો કયારેય બદલાતા નથી..બદલાઇ શકે નહીં..બેટા, આ બધા ગુણોને આત્મસાત કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કરી જીવનની પરીક્ષામાં પણ તું પહેલો નંબર જાળવી જ રાખીશ ને ?

    તમારી ભાષામાં વાત કરું તો..મેરેજ + મેનેજમેન્ટ = મેરેજમેન્ટ. મેરેજમેન્ટની પરીક્ષામાં પણ સારી રીતે ઉત્તીર્ણ થઇશ ને ?

    તેજીને વધુ એક ટકોર .

  • પ્રકરણ - 21
  • જીન્સ માંથી પાનેતરની સંગે... રંગો ભરતી, જીવનની સંધ્યા... મેઘધનુના. વહાલી ઝિલ, રોજ જાણે નવી ક્ષિતિજો ઉઘડતી જાય છે. હું દોડાદોડી કરતી રહું છું. કયારેક વીજળીની જેમ મનમાં વિચાર ઝબકી જાય છે. આ હકીકત છે કે...? કે કોઇ સ્વપ્ન ? કેમકે .... ” શૈશવના આંગણે રમતા કલરવ એના, સાંભળ્યા હતા મેં હજુ હમણાં
  • હવે યૌવનના ઉંબરે ધીમા પગરવ એના, શમણા હશે કે મારી ભ્રમણા ? ”

    અંદર આવી કોઇ ભ્રમણા મારા મનમાં પણ જાગે છે. વિચારવાનો તો હમણાં સમય પણ કયાં મળે છે ? છતાં રાત પડે એટલે ફરી એકવાર ડાયરી હાથમાં લઇ ને બેસુ છું..મન હળવું કરવા..અને શબ્દો સરતા રહે છે....અને સાથે સાથે સમય પણ.......હવે તો દિવસો જ ગણવાના રહ્યા. અને દિવસો પૂરા થશે..કલાકો..પૂરા થશે..અને પછી...પછી શું ગણીશ ? દીકરીના લગ્નની તૈયારી કરતી દરેક મા ને આવું જ થતું હશે ને ? આવા જ વિચારો આવતા હશે ને?

    જોકે હજુ યે આપણા સમાજમાં ઘણી જગ્યાએ દહેજનો કુરિવાજ હોવાથી ઘણાં માતા પિતા માટે આ ચિંતાનો વિષય પણ બની રહેતો હોય..એવું પણ બની શકે. અને એ રિવાજ સદંતર નાબુદ ન થાય ત્યાં સુધી દીકરીને તુલસીકયારો દરેક માતા પિતા કેમ માની શકે ? દીકરીને સાસરે કેવું હશે ? માણસો કેવા હશે ? દીકરી સુખી તો થશે ને ? કેટકેટલા પ્રશ્નો માતા પિતાના મનમાં ઉઠતા રહે છે. પોતાની રીતે કેટલી યે તપાસ કર્યા પછી મા બાપ સારું ઠેકાણું જોઇને જ દીકરી આપતા હોય છે. અને છતાં...છતાં...અગણિત દીકરીઓ જીવનભર ચપટી સુખ માટે ઝંખતી રહે છે. કેટલીયે દીકરીઓ મજબૂર બની આજે એકવીસમી સદીમાં યે અગ્નિસ્નાન કરતી રહે છે કે કરતું રહેવું પડે છે. આવી ઘટનાઓ આજે પણ બનતી રહે છે. એ સમાજની વિષમતા, કરૂણતા જ છે ને ? આવી ઘટનાઓ ઋગ્ણ સમાજનું પ્રતિબિંબ પાડે છે. સદનશીબે અમારે તો એવો કોઇ સવાલ, એવી કોઇ ચિંતા નહોતી.

    આ સાથે જ મારા જ વર્ગમાં ભણતી દુલારી નજર સમક્ષ તાદ્રશ થઇ ગઇ. તું તો ત્યારે નાની હતી. દુલારીએ એક મહિના પહેલાં જ બારમા ધોરણની પરીક્ષા આપી હતી. પ્રેકટીકલની પરીક્ષા વખતે મને હોંશથી કહે, ‘ આવતા મહિને મારા લગ્ન છે. ને હવે તો હું તમારી સામે જ રહેવા આવીશ.’ ત્યારે મને ખબર પડી કે ગામમાં જ તેનું સાસરું હતું.. અને તે પણ આપણા ઘરની સામે જ. મેં કહ્યું, ’ તું તો હજુ ઘણી નાની છે. ને ભણવામાં હોંશિયાર છે. આગળ નથી ભણવું ? ‘ તો કહે ‘ ના, અમારામાં બારમું ધોરણ એટલે તો બહુ કહેવાય. એ તો મારા મમ્મી, પપ્પા સુધરેલા છે એટલે મને આટલું યે ભણવા મળ્યું.’

    કેટલી સહજતાથી તેણે સ્વીકારી લીધું હતું કે તેમનામાં આગળ ન ભણી શકાય. કોઇ વિરોધ નહીં...કોઇ ઇચ્છા નહીં..બસ..હવે લગ્ન..ઘર સંસાર...અને તે પણ એની દીકરી ને તેની નાતમાં ભણાતું હશે એટલું ભણાવશે અને લગ્ન કરી દેશે..ચક્ર ચાલતું રહેશે.

    પણ.....ના... એ ચક્ર અહીં આગળ ન ચાલ્યું કેમ કે....લગ્નના એક જ મહિના પછી એક દિવસ વહેલી સવારે દુલારી સખત દાઝી ગઇ.. અને બે દિવસની ભયંકર યાતના સહન કરી ઇશ્વર પાસે ફરિયાદ કરવા પહોંચી ગઇ. ત્યાં યે કદાચ નહીં બોલી શકી હોય કે હકીકતે શું થયું હતું ? દીકરીની જાત હતી ને..બોલવાનો..મોઢુ ખોલવાનો હક્ક સમાજે દીકરીને કયાં આપ્યો છે ?

    કારણ શું હતું એ તો ખબર ન પડી. દહેજનું કારણ આમાં કદાચ નહોતું કેમકે દહેજ તો દુલારીના માતા પિતા શ્રીમંત હોવાથી ખૂબ આપેલ પણ દુલારીએ કંઇક સામો જવાબ આપેલ કોઇ વાતમાં..અને એમાં બોલાચાલી આગલી રાત્રે ખૂબ થઇ હતી. અને સવારે..... આવું કંઇક સાંભળવા મળ્યુ હતું. પછી તો ગામમાં ઘણી વાતો ચાલી. હકીકતે સાસુ અને તેના પતિએ જ આ કામ કરેલ ...અને હોસ્પીટલે પણ મરતી વહુને ધમકી આપેલ કે જો એક શબ્દ પણ વિરુધ્ધમાં બોલી છે તો પાછળથી તારા મા બાપ ને હજુ જીવવાનું છે..એ યાદ રાખજે. અને એ લોકો ની રાજકીય લાગવગ ખૂબ હતી. એ દુલારી સારી રીતે જાણતી હતી. મરતી દીકરી મા બાપને આંચ ન આવે માટે મૌન રહી ગઇ. તેને સાચું બોલાવવાના માતા પિતાના બધા પ્રયત્નો નકામા ગયા. અને સાસરાવાળા તો પૈસા ખવડાવીને છૂટી ગયા. અને બીજે જ વરસે ગામની જ બીજી દીકરી તેની સાથે પરણી પણ ખરી.

    આ આપણો સમાજ.. શું લખું ? એ દીકરી દેનારની પાસે પૈસાનો અભાવ હતો ને તેમની નાતમાં પૈસા સિવાય દીકરી પરણી શકે તેમ નહોતી. તેથી જેવા દીકરીના નશીબ..કરીને મા બાપે પોતાનો..દીકરીનો ભાર ઓછો કરેલ.કંઇ દીકરીને કુંવારી થોડી રખાય છે ? આ સમાજની માન્યતા. દીકરી દુ:ખી થાય એનો વાંધો નહીં. કુંવારી તો ન જ રહેવી જોઇએ. આમાં દીકરીને તુલસીકયારો કે વહાલનો દરિયો ગણવાના દિવસો કયારે આવશે ? આવું કંઇક બને ત્યારે મન ઉદાસ બની જાય એ સ્વાભાવિક છે.

    ના, ના. અત્યારે આવા વિચારો કેમ આવે છે ? એક દિવસ જરૂર આવશે ને વિશ્વની દરેક દીકરીઓને એનું આકાશ મળશે. અને ઉડવા માટે પાંખો પણ મળી રહેશે. નિરાશ શા માટે થવું ? ” શાના દુ:ખ ને શાની નિરાશા ? મુકુલે મુકુલે મુખરિત આશા. ” ખબર નહીં..આજે કેમ અચાનક આવા વિચારો મનમાં પ્રગટી ગયા ? મનમાં કોઇ વિચારો ન આવે અને લગ્નનો માહોલ લાગે માટે તો હું લગ્નગીતોની મારી પસંદની કેટલીયે સી.ડી.ઓ કરાવી ને લઇ આવી છું. આખો દિવસ ઘરમાં એ વાગતી રહે છે. અને એમાં યે કોઇ વિદાય ગીતો નહીં.. બસ… હસી મજાકના.. હળવા.. મસ્તીના.. ગીતો.. ફટાણાઓ થી ઘર ગૂંજતું રહે છે. આપણા સમાજનો આ કેવો વિચિત્ર રિવાજ નથી લાગતો ? જે બે કુટુંબ જોડાવાના છે. તેમની જ મશ્કરી કરતા ગીતો..! કોઇ એને નિખાલસતાથી ન લે તો કયારેક હસવામાંથી ખસવું થઇ જતા વાર થોડી લાગે છે ? જોકે હકીકતે આ વિચિત્રતાની પાછળ ભાવના સારી જ છે કે એ બહાને બંને કુટુંબો વચ્ચે હસી મજાકનો વહેવાર રહે..અને હાસ્યમાં તો વેરીને યે વહાલા કરવાની અદભૂત શક્તિ છે. અને એ બહાને માહોલ રંગીન બની રહે. હા, એ ગીતોને ખેલદિલીથી સ્વીકારવા જોઇએ. મજાક મસ્તી કે મનોરંજન તરીકે જ એને જોવા જોઇએ. તો જ સંબંધોમાં કડવાશ ન પ્રવેશે.

    આ બધાની વચ્ચે લીસ્ટ બની રહયા છે. ને એમાં સુધારાવધારા થતા રહે છે. કદાચ છેલ્લી મિનિટ સુધી આ સુધારા વધારા ચાલુ જ રહેવાના..ખરીદી થતી રહે છે. મારી પરમ મિત્ર જયશ્રીનો સાથ છે. અમે બંને આખો દિવસ ઘૂમીએ છીએ. તેણે હમણાં જ તેની પુત્રીના લગ્ન સરસ રીતે ઉકેલ્યા છે. એટલે એને અનુભવ છે. અને એ હોય પછી મારે બહુ ચિંતા કરવાની રહેતી નથી. મિત્રો માટે હું આમેય નશીબદાર રહી છું. પાનેતરની પસંદગી શરૂ થઇ અને એક સંવેદના મનમાં છલકી રહી.

    “ આયખાના ચોક વચ્ચે ઉડતા ફૂવારાઓ.

    ઘૂંટાતા અરમાનો ને છલકતા સોણલાઓ ”

    હવે તો પાનેતરમાં યે કેટકેટલી વિવિધતાઓ આવે છે એ તો આજે જ ખબર પડી. પાનેતરની ખરીદીએ અમારો સારો એવો સમય લઇ લીધો. તારા પહેલા ફ્રોકની ખરીદી આજે પાનેતર સુધી પહોંચી ગઇ ! પાનેતર કેટકેટલા સપનાઓનું પ્રતીક ! દરેક દીકરીના શમણાનું સાથીદાર. પાનેતરની તોલે ગમે તેટલી મોંઘી સાડી પણ ન આવી શકે. મનમાં ઉર્મિઓ છલકાય છે. પાનેતર ઓઢીને ધીમે પગલે, નીચી નજરે માંડવે સંચરતી દીકરીનું પુનિત દ્રશ્ય મા બાપના જીવનનો એક લહાવો બની રહે છે.

    જીન્સ પહેરીને ફરતી દીકરી આજે પાનેતરમાં ? ત્યારે દીકરીના મનમાં પણ કેવા ભાવો જાગતા હશે ? ગમે તેટલી આધુનિક દીકરીને પણ આજે તો પાનેતર જ વહાલું લાગે છે ને ? અને એ જ શોભે છે. આજે તો નવી ફેશન પ્રમાણે વેડીંગ ડ્રેસ પણ જાતજાતના નીકળ્યા છે. પણ છતાં યે મોટે ભાગે તો દરેક દીકરી પાનેતર જ પસંદ કરતી હશે તારી જેમ. એવું મને તો લાગે છે. કેમકે પાનેતર સાથે એક પવિત્ર ભાવના સંકળાયેલ છે..એક રોમાંચક અનુભૂતિ જોડાયેલ છે...

    નવજીવનનું એ પ્રતીક છે. અને પાનેતર પાછું મામા ના ઘરનું જ હોય...લગભગ બધા સમાજમાં આ રિવાજ હોય છે એવો ખ્યાલ છે. હવે ના જમાનામાં મામા લેવા તો નથી જતા. બીલ જરૂર ચૂકવે છે.

    હું તો તારા એ રૂપમાં..પાનેતર પહેરેલ તું કેવી લાગીશ, એ કલ્પનામાં ખોવાઇ ગઇ. પાનેતરની ખરીદી પૂરી થઇ..ને અંતરમાં ફડકો થયો..આ તો ખરેખર દીકરી ચાલી જશે..આ કંઇ હમેશ થતી સામાન્ય ખરીદી નહોતી..એનો એહસાસ આ પાનેતરની ખરીદી એ કરાવ્યો. અને પાંપણે મોતી પરોવાઇ રહ્યા. ”કુમકુમ પગલીઓ ઉંબર ઓળંગશે, પંખીનો ટહુકો લઇ ચાલશે, પાંચીકા વનના ખોળામાં થંભ્યો છે; શૈશવનો લીલેરો શ્વાસ.” બેટા, તારા સૌ અરમાન પૂરા હો.અનંતના આશીર્વાદ વિશ્વની સમસ્ત દીકરીઓ પર સદા વરસતા રહે. અને દરેક દીકરી શ્વસુર ગૃહે ખીલતી રહે..એ જ ઇશ્વર પાસે પ્રાર્થના સાથે આજે આટલું જ....

    “ જા બહેની, જીવનપથ તવ મંગલ હો. સપનાઓ સૌ સાકાર બનો ખુશી તવ આંગણે છલકી રહો ” “ બેટા, તું નશીબદાર છો કે એવી યુગમાં જન્મી છે કે જયાં તારે તદન અપરિચિત માહોલમાં..બિલકુલ અજાણ્યા સાથી સાથે જીવનપ્રવેશ કરવાનો નથી. તું અવારનવાર એ ઘરમાં જઇ આવી છે. જીવનસાથી ને મળી છો. બધાને ઓળખે છે. તેમ છતાં જયારે સતત ચોવીસ કલાક સાથે રહીએ ત્યારે જ બધાની સાચી પહેચાન થાય. ઘરમાં સાસુ, સસરા, કે પતિ સુધ્ધાંના સ્વભાવનો સાચો પરિચય, અનુભવ તો હવે જ થશે. બની શકે એમાં કયારેક ..કોઇ પળે કોઇના અલગ સ્વભાવની તને ઠેસ પણ લાગે. પણ ત્યારે મૂંઝાતી નહીં.. ઠેસ તો થોડીવાર માં ભૂલી જવાય.. ભૂલી જવાવી જોઇએ. એને મોટું સ્વરૂપ આપી ને મોટા ઘા માં ફેરવી નહીં નાખતી. નવા ઘરમાં બધાના અલગ સ્વભાવને લીધે એવી નાની નાની વાતો તો બનતી રહેવાની. એને વધુ પડતું મહત્વ કયારેય આપીશ નહીં. એ લોકોએ તારે માટે શું કર્યું એ વિચારવાને બદલે સૌ પ્રથમ તું એમને માટે શું કરી શકે છે..તે વિચારવાનું શરૂ કરીશ તો... જીવન દ્રષ્ટિ બદલાતા સુખનો સાગર જીવનમાં કયારેય અદ્રશ્ય નહીં રહે. બસ મારી દીકરી એ સુખસાગરમાં હિલોળા લેતી રહે એ પ્રાર્થના સાથે....”

  • પ્રકરણ - 22
  • ફૂલ જેવા અવસરની આવી છે કંકોતરી.. મધુર યાદ...સ્મરણોની સુગંધ, ધૂપ થૈ જલે,
  • વહાલી ઝિલ,

    કોઇ કળીને ફૂલ થવાનું આહવાન આપતો ટહુકો દૂર સુદૂરથી..સાત સાગર પારથી આવીને દીકરીના મનને ઝંકૃત કરી જાય છે. અને મા ના મનને એક રેશમી અવસાદ વીંટી વળે છે. એના કાનમાં તો રણકે છે દીકરીની વિદાયના ભણકારા. વરસોથી જાજેરા જતન કરીને મોટી કરેલ દીકરીને આજે અન્યને આંગણે વળાવવાનો એહસાસ મનમાં સતત રમતો રહે છે. આખા ઘરમાં તો ફૂલ જેવા અવસરની હડિયાપટ્ટી ચાલી રહી છે

    ” દિશાઓને કંઠે ડૂમો અને હવાની આંખમાં ઝળઝળિયા...”

    સુરેશ જોશીની કંઇક આવી પંક્તિ મનમાં વિસ્તરી રહી છે. અને બહાર તો મોટેથી ગીતના ગુંજારવ છલકાઇ રહ્યા છે.

    ”કંકુ છાંટી કંકોતરી મોકલો...”

    લગ્ન લખાઇ રહ્યા હતા. સગા સ્નેહીઓની ધમાલ, મસ્તી, ઉત્સાહ છલકી રહ્યા હતા. અંતરમાં જાતજાતની ઉર્મિઓ ઉછળતી હોય..પણ અત્યારે તો જેનો પ્રસંગ છે..એ દીકરી પાસે યે નિરાંતે બેસવાની ફુરસદ કોઇ મા પાસે કયાંથી હોય ? તું પણ બ્યુટીશીયન સાથે વ્યસ્ત હતી..જોકે તારી મને સખત તાકીદ હતી કે તારે મારી આજુબાજુ માં જ રહેવાનું છે. હું આંટાફેરા કરતી રહેતી. કોઇની પૂછપરછ, કોઇની ફરિયાદ, કોઇની માગણી,...હું શું કરું છું..એની મને યે પૂરી ખબર કયાં હતી ? બસ..જે ક્ષણ સામે આવતી હતી..એ જીવાતી જતી હતી. અને એ દરેક ક્ષણ મને તારાથી દૂર લઇ જતી હતી કે શું ? ત્યારે.. એ સમયે ખરા અર્થમાં હું એ જ ક્ષણમાં જીવતી હતી. છલકતી આંખો છાનીમાની લૂછતી હું બધાના પ્રશ્નોના જવાબ દેતી રહેતી. આંખને હું કેટલીયે સીલ કરું...પણ...... આંખ મીંચી ને આજે જોઉ છું..તો એ ક્ષણોમાં ..એ ચંદ દિવસોમાં મેં કેટલાયે યુગો જીવી લીધા હતા. ” સ્મૃતિની ક્ષણમાં જીવું યુગ, યુગ જેવા યુગની પણ કરું ક્ષણ. ”

    ની જેમ ભીના ઝરમરતા સ્મરણોની સુગંધ આજે યે મનને મહેકાવી રહી છે. આમે ય દીકરી જાય પછી દરેક મા પાસે રહી જાય ફકત સ્મરણોની સુવાસ જ ને ?

    દરેક માતા પિતા બધી રીતે સારું ઠેકાણુ શોધી ને જ પુત્રી ને પરણાવે છે. અને છતાં...છતાં અગણિત છોકરીઓના જીવનમાં પારાવાર પ્રશ્નોની પરંપરા સર્જાતી રહે છે. દીકરીના લગ્ન વખતે માતા પિતાના મનમાં આનંદની સાથે અવસાદ અને એક પ્રશ્ન...એક ચિંતા પણ જરૂર હોય છે. દીકરી સુખી તો થશે ને ? માણસો ખરેખર સારા નીકળશે ને ? કેમકે લગ્ન પહેલાં જે પરિચય થયો હોય..તે સામાન્ય રીતે એક મહોરા સાથે જ થતો હોય છે. બંને પક્ષ સારા દેખાવાનો સભાન પ્રયત્ન કરતા હોય છે. અને લગ્ન પછી એ પ્રયત્નો છૂટી જાય છે..અને અસલી રંગો..અસલી ચહેરો બહાર આવે છે. અનિલકાકાની ઇશાની તો તને ખબર છે ને ? તેની સગાઇ થઇ ત્યારે આપણને પણ થયું હતું કે ઇશા નશીબદાર છે .ડોકટર છોકરો. શ્રીમંત ઘર, નાનુ કુટુંબ, પાંચમાં પૂછાય એવી સમાજમાં પ્રતિષ્ઠા, ઘરના બધા સભ્યો ભણેલ ગણેલ....અને સગાઇ પછી ઇશા ને તેડી ગયેલ ત્યારે કેવી સરસ રીતે ઇશા ને રાખેલ...ઇશા ત્યાંથી આવી ને કેટલી ખુશ હતી. મારું ઘર..મારું ઘર કરતાં થાકતી નહોતી.

    અને એ જ ઇશાના લગ્ન થયા પછી તેને બહુ જલ્દી સમજાઇ ગયું કે જેને એ પોતાનું ઘર માનતી હતી...એ ઘર પોતાનું હતું જ નહીં કે કયારેય પોતાનું થઇ શકે તેમ પણ નહોતું. એ તો હતું સોનાનું પિંજર માત્ર..

    દરેક વાતમાં ઇશા ઉતરતી છે...ગમાર છે. મોટાના ઘરના રીતરિવાજની ભાન નથી ...એ અહેસાસ સતત આખો દિવસ તેને કરાવવામાં આવતો. પતિ પણ દરેક સાચી કે ખોટી વાતમાં મા નો જ સાથ આપતો..અને મા ની ફરિયાદ પરથી ઇશા ને મારવા સુધી પહોંચી જતો. સાધારણ કુટુંબની છોકરીને પરણી ને પોતે તેના પર ઉપકાર કર્યો છે.. એવું હમેશા કહેતો રહેતો. સગાઇ થઇ ત્યારે કરેલ મોટી મોટી વાતો...

    “ અમારે તો ખાલી છોકરી સારી અને સંસ્કારી જોઇએ..પૈસાની અમારે શી જરૂર ? ભગવાને અમને ઘણું આપ્યું છે...” વિગેરે કઇ હવામાં ઉડી ગયું...એની ખબર સુધ્ધાં ન પડી. અને એમાં યે ઇશાને પ્રથમ પુત્રી આવી ત્યારે તો તે જાણે મોટી ગુનેગાર બની ગઇ.. બહાર પુત્રી પ્રેમની મોટી વાતો જરૂર કર્યા કરતા...પણ ઇશા ને માનસિક ત્રાસ આપવામાં કોઇ કસર નહોતા છોડતા.અંતે ઇશા ઘર છોડવા મજબૂર બની ગઇ. સમાજમાં બનતા આવા કિસ્સા કંઇ એકલદોકલ નથી. ઇશા જેવી અગણિત છોકરીઓ સોનાના પિંજરમાં હીબકા ભરતી, મૂક રૂદન કરતી સમયના પ્રવાહમાં તણાતી રહે છે. કોઇ પોતાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરે છે..કયારેક સફળ થાય છે મોટે ભાગે નિષ્ફળ..કેમકે ઘણાં સામાજિક આર્થિક કે માનસિક કારણો આડા આવે છે. એમાં યે સંતાન હોય ત્યારે તો છોકરીની સ્થિતિ વધુ કફોડી થતી હોય છે. સંતાનની લાગણી..મમતા એને રોકી રાખે છે. અને જીવનભર એ હિજરાતી રહે છે.

    આ માટે જ હવે દરેક માતા પિતા દીકરીને શકય તે રીતે ભણાવીને આર્થિક રીતે પગભર કરવાના પ્રયત્નો કરતા રહે છે. અને પહેલાના સમયમાં જયારે છોકરીઓને બહુ ભણાવવામાં નહોતી આવતી ત્યારે આ માટે જ કદાચ તેને માતા પિતા તરફથી કપડા..દાગીના વિગેરે આપવાની પ્રથા અમલમાં આવી..જેનું લીસ્ટ બનાવીને દીકરી ને અને બંને પક્ષને બધા માણસોની હાજરીમાં આપવામાં આવતું .જેથી ભવિષ્યમાં કયારેય દીકરીને કોઇ તકલીફ થાય તો એ સ્ત્રી ધન તેનું ગણાય અને તેને કામમાં આવી શકે. અને આર્થિક મદદરૂપ બની શકે. એના પરથી એટલું તો જરૂર કહી શકાય કે છોકરીને તકલીફ પડી શકે એવું ધારી લેવાનું આપણા સમાજમાં બહુ સામાન્ય હતું અને આજે પણ છે જ.. અને આ રિવાજ પણ આજે ઘણી જગ્યાએ અમલમાં છે જ.

    એકવીસમી સદી જરૂર આવી પહોંચી છે...પણ સમાજનું માનસ ન બદલાય ત્યાં સુધી સદીઓ તો આપમેળે બદલાતી રહેશે...જરૂર છે માનસિકતા બદલવાની. આજે કે ત્યારે છોકરાને તકલીફ પડી શકે તેવા વિચાર ની કોઇ આવશ્યકતા નહોતી..એટલે તેને માટે એવી કોઇ જોગવાઇની જરૂર પણ ન જ હોય ને ?

    ન જાણે કેમ આવા કેટલાયે સ્મરણોથી મન ઉભરાતું રહે છે. આવવા..ન આવવાના અનેક વિચારો મનમાં આવતા રહે છે. આમે ય મનને કોઇ રોકી શકયું છે ખરું ? વિચારોને રોકી શકે એવી શક્તિ તો આંદામાન ની જેલની સખત દીવાલો પાસે પણ કયાં હતી ?

    બાકી તે દિવસે તો સ્મરણો માટે યે સમય કયાં હતો ? ગીતોની રમઝટ વચ્ચે ગોરમહારાજ લગ્ન લખતા હતા. એક તરફ લગ્નને વધાવાય છે. બીજી તરફ જમવા ચાલોની બૂમો પડતી રહે છે. હવે તારો ચાર્જ તારી બહેનપણીઓએ સંભાળી લીધો છે. પણ હું યે તક મળ્યે તારી આસપાસ પતંગિયાની જેમ મંડરાતી રહું છું. હકીકતે મારું ધ્યાન કોઇ વસ્તુમાં કેન્દ્રિત થતું નથી. ઘડીક ગોર મહારાજ બોલાવે છે. તો ઘડીક ફોટોગ્રાફર...તો વળી લાઇટીંગવાળાની ડેકોરેશન બરાબર છે કે નહીં તે જોઇ જવાની બૂમો પડતી રહે છે. તો ઘડીકમાં બધાની વચ્ચેથી તારો સાદ “મમ્મી”મારા કાનમાં ગૂંજતો રહે છે. પપ્પા સતત કોઇને સૂચનાઓ આપ્યા કરે છે. અંદર તો ધોધમાર હેત વરસતું રહે છે. પણ એ બધાથી અલિપ્ત રહી ને બહાર તો ચાલે છે વહેવારોની..રિવાજોની પરંપરા.

    “ અવસરના મહોર્યા છે મોલ, માંડવડે રોપ્યા છે કોડ, ગીતોની છલકતી હેલ, તોરણ ના ટહુકયા રે પાન.”

    કોઇ આણુ પાથરવાની શિખામણ આપે છે. કે બધાને બતાવવું તો જોઇએ ને ? દીકરીને શું આપ્યું છે તે. હું સ્પષ્ટ ના પાડુ છું. હું..અમે કોઇ એમાં માનતા નથી. હું એથી તો કયારેય કોઇને ત્યાં પણ કોઇનું આણુ જોવા જતી નથી. દીકરીને જે આપ્યું હોય તે..કોઇને દેખાડો કરવાની કોઇ જરૂર નથી. અને ઓછું કે વધારે..જે પણ હોય તે એમાં કોઇને બોલવાનો હક્ક નથી. અને તારા સાસરાવાળા પણ એવા કોઇ જ રિવાજમાં માનતા નથી. એટલે કોઇ ફોર્માલીટી ની જરૂર નહોતી. જયાં સ્નેહના સંબંધો હોય ત્યાં એ બધું ગૌણ હોય છે અને હોવું પણ જોઇએ. અને કોઇ મા દીકરીથી વિશેષ બીજું શું આપી શકે ? પોતાના અસ્તિત્વના અંશ થી વિશેષ શું હોઇ શકે ? આ આણુ પાથરવું..બધાને બતાવવું..એ બધા રિવાજ કયા કારણસર અસ્તિત્વમાં આવ્યા હશે તેનો વિચાર ઘણીવાર આવે છે..આણુ શબ્દ જ મને તો સંશોધન નો વિષય લાગે છે. કદાચ દીકરી ને જે આપ્યું છે તેમાં સૌને સાક્ષી રાખવાના ઇરાદાથી આ પ્રથા અસ્તિત્વમાં આવી હોય તેવું બની શકે. દરેક નાની વાત કેટલી વિચારીને રિવાજરૂપે ગોઠવાઇ હશે?

    દીકરીને આપવાની હોંશ કયા માતા પિતાને ન હોય ? પોતાની શક્તિ મુજબ દરેક મા બાપ આપતા જ હોય છે. દહેજ આપવું એ કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણાય છે..પણ એકલો કાયદો શું કરી શકે ? લોકોમાં જાગૃતિ ન આવે..યુવાનો.. દહેજ લેવાની ના પાડે કે યુવતીઓ દહેજ માગતા છોકરાને પરણવાની ના પાડવાની હિમત દાખવે તો જ કંઇક ચોક્કસ પરિણામ આવી શકે..બાકી આજે પણ અમુક વર્ગમાં દહેજના દાવાનળમાં કેટલીયે દીકરીઓના અરમાન જલતા રહે છે. સુધારો આવી રહ્યો છે..પણ બહુ ધીમે...અમુક ચોક્કસ વર્ગમાં જ. બાકી તો જયાં સુધી લોકોમાં..સ્ત્રીઓમાં જાગૃતિ ન આવે, શિક્ષણનો વ્યાપ ન ફેલાય ત્યાં સુધી ફકત કાયદા થી કશું નક્કર ન થઇ શકે.

    આણુ બતાવવાના ઉલ્લેખ સાથે મનમાં આવા કેટલાયે વિચારો ઉમટી આવ્યા. મન થોડુ ઉદાસ પણ થઇ ગયું. પણ વધુ વિચારે ચડું ત્યાં ફૂલવાળા ને લાઇટવાળા બોલાવવા આવ્યા..અને મારું મન બીજી દિશાએ વળી શકયું. અને બહાર તો રિવાજોની પરંપરા ચાલી રહી છે. ગોરમહારાજ કંઇ ને કંઇ ડીમાન્ડ કરતા રહે છે. અને છોકરાઓ દોડી દોડી ને વ્યવસ્થા કરતા રહે છે. અને હું પણ એમાં અટવાતી રહુ છું.

    જોકે કદાચ એ સારું જ છે. કોઇએ સમજી વિચારીને જ આ બધું ગોઠવ્યું હશે. જેથી દીકરીની મા ને કે ઘરનાઓને રડવાનો..વિચારવાનો કે લાગણીઓને પંપાળવાનો સમય જ ન રહે. એક પછી એક વિધિઓમાં ખોવાતા રહેવાય છે..કંઇ ખબર નથી પડતી..પણ એક પછી એક વિધિઓ એની જાતે પૂરી થતી રહે છે. ને દિવસ પૂરો થાય છે. કાલે તો મહેંદી રસમ છે. સવારથી આખો દિવસ મહેંદીની ધમાલ છલકશે. બધાના હાથોમાં મહેંદી મૂકાશે અને મહેંદીમાં ઉઘડશે..પ્રેમના રંગ....!! દરેક દીકરીનો એ રંગ કદી દિલમાંથી ઝાંખો ન પડે ..દિલની એ શુભેચ્છાઓ સાથે....કાલે મળીશું ને ?

    ત્યાં તો જમવાની બૂમ પડી અને બધા એ તરફ વળ્યા.

    “કેસર ઘૂંટયા દૂધ કટોરા, સોનાનું તરભાણું રે, મઘમઘ રૂડા ટાણા જેવા, પીરસાણા શા ભાણા રે.!”

    ચાલ બેટા,

    ” ચાન્દા પોળી, ઘીમાં ઝબોળી ઝિલના મોં માં હબૂક પોળી કરાવું? ”

    ते हि नो दिवसो गता: “ બેટા, જીવનમાં સમાધાન તો દરેક પગલે કરવાનું આવશે..અને કરવું જ જોઇએ. નાની નાની વાતોમાં અપસેટ થઇ ફરિયાદ કરવાને બદલે પરસ્પર સમજૂતી કરવી જ રહી. એકબીજાની અણગમતી વાતો ઘણીવાર સામે આવશે ત્યારે તે તરફ આંખમીંચામણા કરી..હકારાત્મક અભિગમ અપનાવવો જ રહ્યો. પરંતુ એનો અર્થ એ નથી કે કોઇ પણ અન્યાય મૂંગા રહી ને સહન કરી લેવો. સાસરેથી તો દીકરીની અર્થી જ ઉઠે...કે દીકરી તો સાસરે જ શોભે.. એ માન્યતા ના ગુલામ ન જ થવું. એને જડની જેમ વળગી ને જીવનભર અન્યાય સહન કરવાને બદલે પ્રતિકાર કરતાં શીખવું જ જોઇએ..તો જ છોકરાઓ પણ તેનું સ્વમાન જાળવતા શીખવા પ્રેરાશે. હા, સ્વમાન અને અભિમાન વચ્ચેની બારીક ભેદરેખા જળવાવી જોઇએ. આત્મસ્વમાન એ દરેક નો..સ્ત્રી કે પ્રુરુષનો હક્ક છે. અભિમાન તો વિનાશ જ નોતરી શકે. દ્વૈત માંથી અદ્વૈત તરફ જવાનો પ્રયત્ન દરેક દંપતિ એ સાથે મળી ને કરવો જ રહ્યો. સહજીવનનું ગૌરવ તારા અને દરેક દંપતિના જીવનમાં જળવાઇ રહે એ ભાવના સાથે..અસ્તુ.. ”

  • પ્રકરણ - 23
  • મહેંદી તે વાવી માળવે ને.... મહેંદી રંગ... ઉઘડતો હાથમાં...હૈયે ઉજાસ. ઝિલ, “ મહિયરના માંડવે મહેંદી મૂકાતી, મહેંદીમાં ઉઘડયા સાજનના હેત, રાતાચોળ રંગમાં ઓરતા અકબંધ કુમકુમ પગલામાં કુંવારી ભાત. ”
  • કેવું મનભાવન દ્રશ્ય છે. એકીસાથે કેટલા બધા હાથોમાં મહેંદી મૂકાઇ રહી છે. બધા વારે વારે પોતાના હાથની ડિઝાઇન જોતા રહે છે..એકબીજાને બતાવતા રહે છે. કોની વધુ સારી મૂકાણી છે..એની સરખામણી થતી રહે છે. અને કોને વધુ સારો રંગ આવશે એની મસ્તી તો ચાલુ જ છે. જેના સાજનનો પ્રેમ વધારે એને વધુ સરસ, લાલ ..રાતોચોળ રંગ આવે..એવી માન્યતાને આધારે હંસી મજાક થતા રહે છે. મસ્તી મજાક અને મહેંદીના ગીતોથી વાતાવરણ ની પ્રસન્નતાને એક નવો ઓપ મળે છે. આજે તો ઉમંગ સદેહે છલકી રહ્યો છે.

    એમાં કોઇએ કહ્યું, ‘ દુલ્હનની વધેલી મહેંદીમાંથી જો કુંવારી છોકરીને મૂકવામાં આવે તો એને જલ્દી દુલ્હન બનાવાનો યોગ આવે..! ‘ અને પછી તો ઉમરલાયક કુંવારી દીકરીઓ ના હાથમાં તારી મહેંદીમાંથી ટપકા થતા રહ્યા. અને એ દીકરીઓની આંખમાં પણ મેઘધનુષી સપના ઉગી નીકળ્યા. ઇશ્વર..એ મેઘધનુષી સપનાઓને વાસ્તવિકતાનું રૂપ આપવામાં કંજૂસાઇ કે આળસ ન કરતો હોં. આવી બધી માન્યતાઓ કયાંથી..કેમ આવી હશે ? તારા હાથમાં મહેંદીથી શુભમનું નામ લખાયું..અને એનું પ્રતિબિંબ તારી આંખોમાં અને હૈયામાં છલકયું. ’શુભમને જલ્દી દેખાય નહીં એમ લખજો હોં...’ સૂચનાઓ આવતી ગઇ.

    મહેંદીની જેમ જાતે પીસાઇને અન્યને રંગ આપવાનો, પ્રસન્નતા અર્પવાનો પ્રયત્ન સમાજમાં મુઠ્ઠી ઉંચેરા માનવીઓ કરતા રહે છે. કદાચ એવા થોડા માનવીઓથી જ સમાજ ટકી રહ્યો છે. એવા લોકોની સંખ્યા વધે તો સમાજ ની મૂરત પલટાઇને સોનાની સૂરત બની જાય. સમાજમાં એક પોઝીટીવ પરિવર્તન દેખાય. કુદરત ના દરેક તત્વ માનવજાતને કંઇ ને કંઇ સંદેશ મૌન રહી ને આપે જ છે ને ? જરૂર છે ફકત એ સંદેશ સાંભળવાની...સમજવાની...અને એનો અમલ કરવાની...એ સંદેશ આપણે કેમ ન સાંભળી શકીએ ?તમે ભણતા ત્યારે એક કહેવત આવતી ..યાદ છે..? “ મન હોય તો માળવે જવાય.” હા, સાવ સાચી વાત છે.મન હોય તો...અર્થાત્ મનોબળ હોય..સંકલ્પશક્તિ હોય તો દુનિયામાં કોઇ કાર્ય અશકય નથી. અણુશક્તિ કરતાં પણ ઇચ્છાશક્તિ વધુ પ્રબળ છે. હેલન કેલર વિષે આપણે બધા જાણીએ જ છીએ ને ? આંખ, કાન કે જીભ ત્રણ ત્રણ ઇન્દ્રિયો બંધ હોવા છતાં...પી.એચ. ડી. સુધી ભણ્યા..વિશ્વખ્યાતિ મેળવી...અને આવા એક નહીં અનેક ઉદાહરણો ઇતિહાસમાં મોજુદ છે. તો આપણા પર તો ઇશ્વરની અનહદ કૃપા છે. જરૂર છે ફકત મન ને કેળવવાની.

    મહેંદીની વાત કરતાં કરતાં મનમાં આવતા વિચારો ડાયરીના પાનાઓમાં આપમેળે આવતા રહે છે.

    બપોરે તને જમાડવા શુભમ આવ્યો હતો. તારા હાથમાં મહેંદી હતી એટલે.! દુલ્હનના લાડ કંઇ ઓછા હોય છે ? આજે તો માનપાન માગવાનો તારો હક્ક હતો ને.! અને તેં હસતા હસતા શુભમને ધમકી યે આપી હતી કે જોજે રંગ નથી આવ્યો તો...તો તારું આવી બન્યુ છે હોં.! શુભમ હસતો હતો. રંગ ન આવે એવું બને જ નહીં ને ! એ તને જમાડતો હતો પ્રેમથી..કોળિયા ભરાવતો હતો. એ ખોરાકના કોળિયા કયાં હતા ? એ તો લાડના, સ્નેહના, લાગણીના ઘૂઘવતા મોજા હતા. એ મોજા સદા ઘૂઘવતા રહેવા જોઇએ. લગ્ન એ પ્રેમનો અંત નથી. શરૂઆત છે. કદાચ એ રોમાન્સનો અંત હોઇ શકે..પણ સાથે સાથે રોમાંચક જિંદગીની શરૂઆત પણ છે..પ્રતીક્ષા નો આનંદ હવે પૂરો..પણ પ્રાપ્તિનો આનંદ ઝાંખો ન પડવો જોઇએ. બસ..ઇશ્વર, આ આનંદમાં ભરતી થતી રહે એટલું જરૂર કરજે. માના દિલમાંથી જાણે પ્રાર્થના નીકળતી હતી. આખો દિવસ ..મોડી રાત સુધી મહેંદી ચાલી. જાતે પીસાઇને અન્યને રંગ,સુગંધ આપતી હીનાની લાલાશ અંતરમાં પણ ઉગતી હતી.

    ” મહેંદી તે વાવી માળવે ને એનો જોનારો પરદેશ રે..મેંદી રંગ લાગ્યો...” મહેંદીનું નામ આવે અને આ જૂનુ ને જાણીતું સદાબહાર ગીત યાદ ન આવે

    એવું બને જ નહીં ને ?

    જોકે અહીં તો એનો જોનારો આવી પહોંચ્યો હતો. રાત્રે છેલ્લે મારો વારો આવ્યો. દીકરીની ખુશાલીમાં સહભાગી થવા મારા હાથમાં પણ મહેંદીના રંગો ખીલી ઉઠયા. અને એ મનહર દ્રશ્યો કચકડાની પટ્ટીમાં કંડારાઇને સ્મૃતિ રૂપે સચવાઇ રહ્યા.

    ફૈબા તો આ બધા સમય દરમ્યાન કેટલી યે ધમાલ કરે છે. કાચના કૂંડા માથે મૂકીને જાતજાતની મોનો એકટીંગ કરી બધાને હસાવતા રહે છે. રાત જામતી જાય છે. ઢોલીડાને યે કેફ ચડયો છે. અને એનો અવાજ દૂર સુદૂર રેલી રહે છે. લાઇટોની ઝગમગતી રોશનીમાં દીકરીનું હાસ્ય ચમકતું..રણકતું રહે છે. મારાથી આપોઆપ ઇશ્વરને હાથ જોડાઇ જાય છે.

    ઇશ્વરે દીકરીમાં આટલી માયા,મમતા કેમ મૂકી હશે ? પછી તેં તો પપ્પાને પણ બોલાવ્યા, ‘ મમ્મીના હાથમાં મહેંદી મૂકી છે. ચાલો, તેને ખવડાવો.’ અને દીકરીનો ઓર્ડર તો આજે બાપે કોઇ દલીલ વિના જ માનવો રહ્યો ને ? ચારે તરફ હસી ખુશીનું સામ્રાજય છલકાઇ રહ્યું છે.

    સામે જ શુભમને ઘેર આજે ગઝલનો કાર્યક્રમ રાખેલ છે. એકએકથી ચડિયાતી ગઝલોના સૂર વાતાવરણને રંગીન બનાવતા રહે છે. રાતને રળિયામણી કરતા રહે છે. કોઇને અટકવાનું મન કયાં થાય છે ? ગઝલના સૂર પર કોઇને તાન ચડે છે..અને પગ થિરકવા લાગે છે. અને પછી તો દરેકના મન અને પગ માં જોશ નો જાણે ઉભરો આવે છે. મોડી રાત સુધી વાતાવરણ મસ્ત સૂરોથી રોશન થતું રહે છે. ચાંદ સિતારા પણ જાણે આ બધું સાંભળવા...માણવા થોડીવાર થંભી ગયા છે. તારી આંખોમાં હવે ઉંઘના વાદળ કદાચ ઘેરાઇ રહ્યા હતા.

    ” ઝોલે ચડી છે રાજકુમારીની વાર્તા, ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં ” અમિત વ્યાસના શબ્દો છે કદાચ. આજે મારી રાજકુમારી પણ ઝોલે ચડી હતી. રોજ વાર્તા માટે ઝંખતી એ આજે એ વાર્તા સાંભળવાના મૂડમાં પણ કયાં છે ? કદાચ અર્ધ ઉંઘમાં વાલમના બોલ સંભળાતા હશે એને.!!

    દરેક દીકરીના આ પ્રસંગે માના ભાવવિશ્વમાં આવી જ ભરતી આવતી હશે ને ? અને આવી જ સંવેદનાઓ છલકાતી હશે ને ? ઉંઘવાનો સમય તો કયારનો યે થઇ ગયો હતો..પણ..આજે ઉંઘ એક માના દિલથી કોસો દૂર હોય એ સ્વાભાવિક છે...દિલમાં દિમાગમાં વિચારોનું વાવાઝોડું..અને સંવેદનાનું પૂર છલકતું હોય ત્યારે...નીંદરરાણી ને એ ન જ ગમે ને ? એને તો પોતાનું એકનું અબાધિત આધિપત્ય જ ખપે ને ? એના ચાગ કંઇ ઓછા છે ?

    “ આખું યે આભ મારી આંખમાં જાગે, લઇ પંખીના સૂરની સુવાસ, એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ, ઝાકળ નો ભીનો ઉજાસ ” ઝાકળનો આ ભીનો ઉજાસ મારા અંતરમાં અને આંખોમાં ડોકિયા કરી રહ્યો છે. આજે મારી પાસે કોઇ શબ્દો નથી. આ ક્ષણે તો ખાલી..સાવ ખાલી છું હું. શબ્દો તો કયારના ખૂટી ગયા છે કે પછી શબ્દોમાં એ સામર્થ્ય કયાંથી જે આ પ્રસંગને સંપૂર્ણતાથી વ્યકત કરી શકે ? આજે તો શમણાઓએ પણ સાથ છોડી દીધો હતો કે શું ? એ પણ દૂર ખસતા રહ્યા. અને મનમાં એક શૂન્યતા છવાઇ રહી. કંઇ પણ વિચારવાને..અનુભવવાને અશક્ત એવી પ્રગાઢ શૂન્યતા.

    “આંખ મીંચી ને હવે જોયું તો દેખાય છે, કયાંક કંઇ ખુલી રહ્યું,કયાંક કૈંક બિડાય છે,

    જે ઝળકતું હોય છે તારકોના મૌન માં, એ જ તો સૌરભ બની આંગણે છલકાય છે.” શ્રી રાજેન્દ્ર શુક્લ.

    “ બેટા, મનમાં ઘણીવાર ભાવના ના પૂર ઉમટે..કયારેક રોષનો ..ગુસ્સાનો વંટોળ ઉઠે.....પણ મનમાં ઉઠતી દરેક ભાવનાને તાત્કાલિક શબ્દોમાં બહાર કાઢવાની ભૂલ કદી કરીશ નહીં. ક્ષણિક આવેશ ને હમેશા કાબુમાં રાખજે..એક શબ્દ ઉમેરી ગમે ત્યારે શકાશે..પાછો ખેંચી નહીં શકાય. બોલાઇ ગયેલ શબ્દ તમારો માલિક છે. ન બોલાયેલ શબ્દ તમારો ગુલામ છે. તમારી પાસે માલિક કરતાં ગુલામની સંખ્યા વધારે હોય એ ઇચ્છનીય નથી ? માટે વાણીમાં સંયમ જાળવતા દરેક છોકરીએ શીખવું જ જોઇએ.( છોકરાઓ માટે ..કે કોઇ પણ માનવી માટે આ નિયમમાં કોઇ અપવાદ નથી જ.) ઘણીવાર શબ્દો જે કાર્ય નથી કરી શકતા..એ મૌન કરી જાય છે. અને મૌન પછી ની વાણીમાં આપોઆપ એક નિખાર પ્રગટે છે. મન ના ઘોડાની લગામ આપણા હાથમાં જ રહેવી જોઇએ. મનને તો જે સહેલું હોય તે જ કરવું હમેશા ગમે..મનને જે ઇચ્છા થાય તે દરેક પૂરી થવી જોઇએ..તેવો દુરાગ્રહ રાખવાને બદલે નીરક્ષીર તારવી જીવનના નિર્ણયો પૂરી શાંતિથી...વિચાર કર્યા બાદ જ લેવાવા જોઇએ. જેથી કયારેય પસ્તાવાનો સમય ન આવે. જીવનગણિત ના સમીકરણો ઉલટાવી શકાતા નથી..કે જીવનકિતાબને ફરીથી લખી શકાતી નથી જ...માટે એ કિતાબના પાનાઓ આલેખવામાં બેટા, પૂરી સાવધાની રાખવી જ રહી. ”

    સુરેશ દલાલની સરસ મજાની પંક્તિ મનમાં આ પળે છલકી રહી છે.

    “ તૂરું તૂરું બોલવું નહીં, કોઇનું બૂરુ બોલવું નહીં આપણી વાણી પીપળ પાન...પોઢયા જાણે શ્રી ભગવાન આપણી વાણી સફેદ હંસ...કંસનો નહીં કપટી ડંસ આપણી વાણી આપણા જેવી...શિયાળામાં તાપણા જેવી. શબ્દો એ અર્થ પણ છે. અને અનર્થ પણ છે. સામા માણસની ચેતનાનું એ હરણ પણ કરી શકે અને એને જીવન પણ બક્ષી શકે.

  • પ્રકરણ - 24
  • છાનું ને છપનું કંઇ થાય નહીં....
  • મીઠી ગઝલ...ખનકતી ચૂડલી...રણકતા ઝાંઝર

    વહાલી ઝિલ, “ છાનું ને છપનું કંઇ થાય નહીં

    ઝમકે ના ઝાંઝર તો

    ઝાંઝર કહેવાય નહીં ”

    ઝાંઝરનો ગુણ રણઝણવાનો. જે રણકે નહીં એને ઝાંઝર કહી જ કેમ શકાય ? અને આજે તો દીકરીનું ઝાંઝર જ નહીં સમગ્ર અસ્તિત્વ રણકી ઉઠે છે.

    આજે સંગીતની સૂરાવલિઓથી વાતાવરણ ગૂંજતું હતું. જૂઇએ કરેલ સરસ મજાના ડાન્સે એક શમા બાંધી હતી. નન્દિતા અને શિશિરે જુદી જુદી રમતો માં બધાને જ સામેલ કર્યા. હાસ્યની છોળો ઉડી રહી હતી.

    તું બાજોઠે બેસી ધીમું ધીમું મલકતી હતી. તને સૌ પ્રથમ ચાંદલો કરવા મારે ઉભુ થવાનું હતું. હું સજળ નયને ઉભી થઇ. તારી સામે જોતા હૈયામાં હરખ અને આંખો માં તો પાણી અનરાધાર.! તને ચાંદલો કર્યો, અક્ષત ચોખાથી વધાવી અને ...અને તારી અને મારી નજર મળી. અને એક અનોખુ ભાવવિશ્વ ઉમટયું આપણી આંખોમાં. એક ક્ષણ માટે સમય પણ જાણે થંભી ગયો હોય તેમ આપણે અનુભવી રહ્યા. મારા અસ્તિત્વના પ્રત્યેક અણુ માંથી વહાલભરી આશિષો અનાયાસે નીકળતી રહી. સુરેશ દલાલની આ પંક્તિ છાનીમાની આવી મનમાં ટહુકો કરી ગઇ.

    ”આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ, ને સ્પન્દનની મહેકતી આ ધૂપસળી આંસુ,

    અણદીઠા દરિયાનું મોતી એક આંસુ ને વાદળાની વીજ આંખ રોતી એ જ આંસુ ” પહેલા બર્થ ડે પર તને પ્રથમ વાર ચાંદલો કરેલ તે એક પળ માટે મનોઆકાશમાં ઉગી આવ્યો. નાનકડા હાથમાં ચાંદલાનું પેકેટ પકડી ઉભેલ તને હું મન:ચક્ષુ સમક્ષ નીરખી રહું છું. અને સજળ નયને બીજાને જ્ગ્યા કરી આપવા હું દૂર ખસી ગઇ. આમ જ હવે મારે તારા વિશ્વમાં કોઇને જગ્યા કરી આપી ને દૂર ખસી પ્રકૃતિના નિયમને અનુસરવું રહ્યું. એક પછી એક બધા તને વહાલથી વધાવતા રહ્યા. ગીતોની રમઝટ વચ્ચે હાસ્યની છોળો ઉડતી રહી. તું મલકતી રહી. અને તારો મલકાટ જોઇ હું હરખાતી રહી. અને મનમાં આ પંક્તિ રમી રહી. મારી એક આંખ તારું નાનકડું સ્વરૂપ જોઇ રહી હતી. અને બીજી આંખ તારું આજનું સ્વરૂપ માણી રહી હતી.

    “સાતતાળી લીધી ને પછી ઉંચે જોયું,

    ને ફરી જોયું તો બાળપણ ગૂમ સોનપરી,નીલપરી આવી કહે,’બાય’.....એનું પડઘાતું રૂમઝૂમ..રૂમઝૂમ” સોનપરી, નીલપરીએ તો કયારનું “ બાય ” કહી દીધું હતું. અને તારા અસ્તિત્વના પ્રત્યેક અણુ માં શુભમ પ્રત્યેનો પ્રેમ છલક્તો હું જોઇ શકતી હતી..અનુભવી શકતી હતી. અને મનમાંથી મૂક દુવાઓ સરતી હતી.

    જૂઇએ ખાસ આ પ્રસંગ માટે તૈયાર કરેલ ડાન્સ “ બોલે ચૂડિયા ” કરી મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા.

    પછી શરૂ થઇ અંતાક્ષરી. બધા થનગની રહયા. થીમની શરૂઆત નંદિતાએ પ્રેમ શબ્દથી કરી. અને વાતાવરણ પ્રેમથી કલરવ કરી રહ્યું. એક તરફ કન્યા પક્ષ હતો અને બીજી તરફ વર પક્ષ. અને વચ્ચે વર કન્યા...મતલબ તું અને શુભમ.....પછી ગીતોની રમઝટ ન જામે તો જ નવાઇ ને ? અને પૂરા બે કલાક અંતાક્ષરી ચાલતી રહી. પણ હાર જીત નક્કી કરી શકાય તેવું હતું જ નહીં .બધા પૂરા ઉત્સાહમાં હતા. મૂડમાં આવી શુભમે પણ એક ગીત ગાયું. બંને વેવાઇઓ પણ કેમ પાછળ રહી જાય ? આમે ય તેઓ વેવાઇ કયાં હતા ? વરસોથી મિત્રો જ હતા ને ? અને હમેશા દરિયાકિનારે રાત્રે ચાલવા જતા ત્યારે તેમની જુગલબંદી ચાલુ જ રહેતી. તો આજે ન ગાય એવું તો બને જ નહીં ને ? અને અંત લગ્ન ની થીમ થી કરી. પછી સમય ના અભાવે પૂરુ કરવું પડયું. કેમકે હજુ મોડી રાત્રે ગઝલનો અને જૂના સદાબહાર ગીતોનો કાર્યક્રમ તો બાકી હતો.

    લગ્નનો પ્રસંગ ઘરમાં કેવો ઉલ્લાસ ભરી દે છે.! થોડીવાર બધું ભૂલાઇ જવાય છે. રોશનીની ઝાકઝમાળ ઘરમાં કમ્પાઉન્ડમાં હતી. રોશની સાથે વેલકમના શબ્દો જાણે હવામાં ઝૂલી રહ્યા હતા. અને આવનારનું સ્વાગત કરી રહ્યા હતા. આ લહાવો કયા મા બાપને માણવો ન ગમે ?

    બેટા, સાચકલા સુખોની ક્ષણોથી જીવતરને શણગારજે. મા બાપ પાસે આશીર્વાદના શબ્દો નથી હોતા. આશીર્વાદની ભાવના તેમના અણુ અણુમાં થી પ્રગટતી હોય છે. “ ઉરે હતી વાત હજાર કહેવા, કિન્તુ નહીં ઓષ્ઠ દ્વય જરી યે ઉઘડયા, જલ્યા કર્યા અંતર સ્નેહ દીવા. ” એ સ્નેહ દીવાનો પ્રકાશ આજે ફકત તારા સુધી જ નહી સાસરે જતી દરેક દીકરી સુધી પહોંચે એ ભાવના સાથે. કેમકે આજે અહીં તારી વાત કરી ને તને દરેક દીકરીની પ્રતિનિધિ બનાવી છે ને? ” એક એક થતા તમ બેઉના હૈયામાં....રણકી રહો સ્નેહ ઝાંઝરી..”

    રાત્રે મોડે સુધી ગઝલની રમઝટ ચાલી. અરજણના બુલંદ સ્વરોથી વાતાવરણ ગૂંજી રહ્યું. તેની પસંદગી ની પણ દાદ દેવી જ રહી. શુભમે અને તેના ભાઇ બહેનોએ પણ સરસ ડાંસ કરી મહેફિલ ને એક ઉંચાઇએ પહોંચાડી. આજે તો ખાસ કદરદાન આમંત્રિતો જ હાજર હતા. સૂવાવાળા સૂઇ ગયા હતા. અને બાકી કોઇ ને આ મહેફિલ ખતમ કરવાનું મન નહોતું થતું. બધા શોખીન જીવો ને જાણે ગઝલનો નશો ચડયો હતો. અને મોડી રાત્રે અંતે મહેફિલ વિખરાણી ત્યારે પણ બધાના હૈયા ગાતા હતા.

    “ ખળખળ વહી જતી પળો,કાલે ન પણ મળે ઉગતા સૂરજનો રંગ છે આજે હાથમાં મુઠ્ઠી ભરી ગુલાલ ઉડાડીએ. ” મનભરીને માણતા સ્નેહીઓને જોઇ એક બહુ જાણીતું ઉદાહરણ યાદ આવી ગયું. એક ભવ્ય મંદિરનું બાંધકામ ચાલતું હતું. એક દિવસ મુખ્ય સ્થપતિ કામની તપાસ કરવા આવ્યા. એક મજૂરને જઇ પૂછયું, ‘ તમે શું કામ કરો છો ? ’ મજૂરે જવાબ આપ્યો, ‘ પથ્થર ફોડુ છું. ‘ બીજા મજૂરને પણ આ જ પ્રશ્ન પૂછ્યો, ત્યારે જવાબ મળ્યો, ’દીવાલ ચણીએ છીએ.’ ત્રીજા મજૂરને આ જ પ્રશ્ન પૂછતાં તેણે ઉત્સાહથી રણકતા અવાજે જવાબ આપ્યો,’ હું ભગવાનનું ભવ્ય મંદિર બાંધું છું. ’

    કામ તો બધાનું એ જ હતું. પણ મનની ભાવના કેટલી અલગ..! મજૂરી ભક્તિમાં ફેરવાઇ જાય ત્યારે કામ ઉત્તમ કક્ષાનું બની રહે અને કામ વેઠ બનવાને બદલે આનંદ અર્પી રહે. જીવનમાં આ વાત હમેશા યાદ રાખજે. કોઇ કામ વેઠ નથી. પૂરી તન્મયતાથી જીવનના દરેક કર્તવ્ય

    આનંદ..ઉત્સાહ સાથે કરીશ તો કાર્ય દીપી ઉઠશે. પથ્થરફોડા તો ઘણાં હોય છે. જીવનશિલ્પી બની શકવાનું સામર્થ્ય દરેકમાં હોતું નથી.

    અહીં પણ સગા, સ્નેહીઓ દિલના ઉત્સાહથી છલકતા હતા..તેથી દરેક પ્રસંગ ફકત ઔપચારિક વિધિ રહી જવાને બદલે રળિયામણા બની રહેતા હતા.

    અને હવે કાલે ?

    કાલે હજુ ગરબા..રાસની રમઝટ...તો બાકી જ છે. રોજ એક એક કાર્યક્રમ જ રાખેલ છે. જેથી બધા નિરાંતે માણી શકે. પૂરા છ દિવસ સુધી લગ્નની ઉજવણી ચાલવાની હતી.

    પણ કોઇને થાક કયાં લાગતૉ હતો ? કે લાગતો હતો..પણ ઉત્સાહના પૂરમાં એ દેખાતો કે અનુભવાતો નહોતો. એ બધું તો પ્રસંગ પૂરો થાય પછી જ ખબર પડે ને ? બસ...બેટા, હવે..હવે...છેલ્લા બે દિવસ.. વરસો, મહિનાઓ, દિવસો, કલાકો ગણતી રહેતી હું બે દિવસ પછી શું ગણીશ ? અને મનમાં ઉમટી આવી શ્યામ સાધુની આ પંક્તિ.

    “ તારા સ્મરણની એમ કૈં અસર પડી, ફૂલોની વચ્ચે જાણે કે મારી સફર પડી. ગુલમહોર ઝૂકી શેરીઓ સામે મળી છતાં...તારા વગર સવારની સૂની નજર પડી. ”

    તારા વગરની સૂની સવારની આદત પાડવાની રહી ને ?

    “ બેટા, જીવનમાં ગુલમહોરના રંગો મહોરી ઉઠે એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુલમહોરની જેમ ઉનાળાનો તડકો ખમવો પડે છે. ત્યારે જીવનમાં ગુલમહોરની રતાશ પ્રગટી શકે છે. અને જીવનને ઠંડક અર્પી શકે છે. જીવનમાં સુખની ભરતી પણ આવશે અને દુ:ખની આંધી પણ કયારેક આવી ચડે...સુખની કિંમત દુ:ખના સમયમાં જ સમજાય છે. પણ કયારેય ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા ગુમાવીશ નહીં..

    ” જેટલી વેદના,તેટલો સ્નેહ; જેટલી લૂ ઝરે,તેટલો મેહ ધન્ય છે કિરતાર તારી કળા, તેં દીધી ચેતના,તેં દીધી ચેહ.”

    પરમ ચેતનાનો તું અંશ છે. તારી અંદર ઇશ્વરે એક અદભૂત શક્તિ મૂકી છે. એ

    શક્તિને ઓળખી..તેનો આદર કરી..એને દિવ્યતા અર્પવાનો પ્રામાણિક પ્રયત્ન કરજે. કોઇની લીટી નાની કર્યા સિવાય તારી લીટી મોટી કરવાની ભાવના રાખજે. આજે પૈસો ખૂબ જરૂરી છે.. એ વાત સાચી છે. પણ કોઇ પણ ભોગે નહીં જ..એ કયારેય ભૂલીશ નહીં કે ભૂલવા દઇશ નહીં. જીવનની બાગડોર સ્ત્રીના હાથમાં જ છે. બેટા, એને સંભાળી રાખજે. જીવનમૂલ્યોના જાજેરા જતન કરજે અને કરાવજે.”

    “ પછી શાને કહીએ અસુંદર છીએ ; પરમના હાથે ઘડાયું, એ ઘડતર છીએ. “

    પરમના હાથે ઘડાયેલ ઘડતરનો આદર તો કરવો જ રહ્યો ને ?

  • પ્રકરણ - 25
  • રાસની રઢિયાળી રમઝટ.....
  • વહાલ માત્ર,..વહાલની એ યાત્રા...વહાલું ગીત

    ઝિલ, વાતાવરણમાં રમઝટ છે. અને મનમાં એ રમઝટની સાથે સાથે બીજું ઘણું ઝળહળી રહે છે. મનમાં મેઘધનુષના રંગોની જેમ વિચારો. બદલાતા રહે છે. બે દિવસ..બસ..બે દિવસ આ ધમાલ, આ ઉત્સાહ...અને પછી...પછી કેવો યે સૂનકાર.! પણ એ સૂનકારની યાદે આજની રમઝટને ગુમાવવી થોડી પોષાય ? કાલના વિચારો માં આજ ને વેડફવાની ભૂલ તો કોઇ મૂરખ જ કરે. માનવે અતીતની આંધી અને અનાગત ની આશંકામાંથી બહાર નીકળવું જ રહ્યું. ક્ષણ ક્ષણ અને કણ કણના બનેલ જીવનને તો જ માણી શકાય ને ? ” જીવન એટલે... ક્ષણ ક્ષણ....કણ કણ... ક્ષણ કયારે સરી જાય....કણ કયારે ખરી જાય ? ”

    આ ક્ષણે તો ચાલી રહી છે.મન:ચક્ષુ સમક્ષ ગરબાની રમઝટ. દીપ પ્રગટાવી તેં અને શુભમે રાસ ગરબાના શ્રી ગણેશ કર્યા.પાણીમાં પુષ્પોની વચ્ચે તરતા દીવાથી વાતાવરણમાં ઉલ્લાસ સાથે સુગંધી પ્રસન્નતાની ઝલક ફરી વળી. અને માઇક પરથી ઇશ્વરની સ્તુતિ સાથે ફરી એકવાર અરજણ વાઘેલાનો બુલંદ સ્વર કલબના કમ્પાઉન્ડમાં ગૂંજી રહ્યો. રંગબેરંગી શણગાર, ઝગમગ રોશની અને ગરબે ઘૂમતા સ્નેહીજનોનો રજવાડી ઠાઠ.

    જૂન મહિનાની એ વરસાદી સાંજે થોડીવાર પહેલાં એક વરસાદી ઝાપટાએ હાજરી પૂરાવીને સૌને થોડા ચિંતાતુર બનાવી દીધેલ. કે વરસાદ ..રંગમાં ભંગ તો નહીં પાડે ને ? પણ ના, એ તો ઇશ્વરે શુકન કરી દીકરી પર વહાલના અમીછાંટણા છાંટી આશીર્વાદ આપ્યા હતા. જાણે આ શુભ પ્રસંગ પર પોતાની મંજૂરીના હસ્તાક્ષર કર્યા હતા. એટલે હવામાં પહેલાં વરસાદની ..ભીની માટીની ખુશ્બુ હતી. ફૂલોની તાજગી હતી. સુગંધી વાયરા સાથે ઉત્સાહનો ધોધ ઉછળી રહ્યો હતો.

    અને મયંકે થીમ પણ કેવી સરસ રીતે બનાવી હતી. તને એક જગ્યાએ બેસાડી હતી. હાથમાં ગુલાબનું મઘમઘતું પુષ્પ લઇ શુભમ તને પ્રપોઝ કરવા આવ્યો. અને....

    ”મેરે દિલમે આજ કયા હૈ ? તું કહે તો મૈ બતાઉં....”

    ના સ્વરો હવામાં રેલાઇ રહ્યા. તું મુસ્કરાતી હતી. શુભમે તને ગુલાબ આપ્યું..અને તરત

    ” ના ચાહું સોના ચાંદી,ના ચાહુ હીરા મોતી... યે મેરે કિસ કામકે?.........પ્યારમે સૌદા નહીં ”

    આ ડાન્સથી સ્ટેજ થિરકી રહ્યું. શુભમની બહેનો નો ઉત્સાહ ડાન્સ દ્વારા વ્યકત થઇ રહ્યો હતો. અને પછી તો પ્રસંગને અનુરૂપ ..ફિલ્મી ગીતોની વણથંભી રફતાર ચાલુ રહી. ”લે જાયેંગે..લે જાયેંગે..દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે..”

    આ ગીત પર થિરકતા શુભમના ચહેરા પર જાણે જંગ જીત્યા હોવાનો એહસાસ ચમકી રહ્યો હતો.

    “ અબ હમ તો ભયે પરદેશી....” ગીતની સાથે તને યે શુભમનો ભાઇ હાથ પકડીને સ્ટેજ પર ખેંચી ગયો..અને તરત

    ” આપ યહાં આયે કિસલિયે? આપને બુલાયા ઇસલિયે..”

    ના ગીત સાથે ઝૂમતી મસ્તીથી હવા પણ હસી ઉઠી. અને પછી તો રાજાકી આયેગી બારાત.. કે આજ કલ તેરે મેરે પ્યારકે ચર્ચે .... કે પછી કહોના પ્યાર હૈ...સુનનેકો બેકરાર હૈ... અને તુમ પાસ આયે.......કુછ કુછ હોતા હૈ..” વિગેરે વિગેરે .....ફિલ્મી ગીતો એ વાતાવરણ માં એક હવા જમાવી હતી. આમે ય આજકાલ બધા લગ્નોમાં પણ પિકચરનું અનુકરણ થતું જ રહે છે ને ? પિકચરમાં જે ધમાલ બતાવે છે તે બધાને આકર્ષી રહે છે. અને એ રીતે એન્જોય કરવું, ધમાલ કરવી નવી પેઢીને ગમે છે. જોકે આમ તો આ વાત પૂરતું તો કંઇ ખોટુ નથી. સગવડ હોય અને પ્રસંગ હોય ત્યારે બધા પોતાની રીતે માણે તો મજા જ આવે. પણ પછી એમાં દેખાદેખી નું દૂષણ ન પ્રવેશવું જોઇએ. કે સગવડ ન હોય તો પણ કરવુ જ પડે...એવું ન થવું જોઇએ. માણવાની અનેક રીતો કયાં નથી ? દરેકે પોતાને અનુકૂળ આવે એ રીત અપનાવી કોઇ ભાર..બોજા વિના પ્રસંગને ગૌરવ અપાવવું જોઇએ. યાદ છે..તારી જ બહેનપણી હેતલના લગ્નની વાત તેં કરી હતી ? વરપક્ષવાળા શ્રીમંત હતા..અને તેમણે દહેજની તો કોઇ માગણી નહોતી કરી..પણ અમારી જાનને સારી રીતે સાચવશો એવું ખાસ કહ્યું હતું. અને પછી જાનને કેમ સાચવવી એની સૂચનાઓનું લાંબુ લીસ્ટ આપેલ. અને એ બધું કરવામાં હેતલના પપ્પાને ધોળે દિવસે તારા દેખાઇ ગયા હતા. અને તેમની જાનમાં આવેલ લોકો જાણે કંઇ પણ માગવાનો પોતાનો અબાધિત અધિકાર હોય તેમ જાતજાતની ડીમાન્ડ કરતા હતા. કન્યાપક્ષને કેમ હેરાન કરવો એ જ જાણે એક માત્ર ધ્યેય હતું. જમવા બેઠા ત્યારે પણ પીરસવા આવે ત્યારે કોઇ જ વ્યક્તિ કંઇ ના પાડે જ નહીં. ને બધુ માગ્યા જ કરે. ખાવામાં કોઇને રસ નહોતો..કન્યા પક્ષનું બધું ખૂટી જાય...અને તેઓ હેરાન થાય એવી મનોવૃતિ સ્પષ્ટ દેખાતી હતી. હેતલ બિચારી મૌન રહી ને બધું સહન કરતી હતી..પણ કશું બોલી ન શકી. દીકરી હતી ને..! બંને કુટુંબોએ એકબીજાનું ગૌરવ જાળવવું જોઇએ તેને બદલે....

    છોકરીના મનમાં આ સગાઓ પ્રત્યે સન્માનની ભાવના કેમ જન્મી શકે ? અણગમાના ..પૂર્વગ્રહના બીજ નવજીવનની શરૂઆતની પળે જ રોપાઇ જાય તો ભવિષ્યમાં એને પાંગરવાની શકયતા નકારી કેમ શકાય ? બે વ્યક્તિના જીવનના આ અણમોલ પ્રસંગે તો બંનેએ એકબીજાના કુટુંબની ગરિમા જાળવવી જોઇએ જેથી સંબંધો મીઠાશથી મહોરી ઉઠે.

    જોકે આ સાથે જ અત્યારે મારા હિતુ કાકાનું ઉદાહરણ પણ મને યાદ આવે છે. કાકા તો ખૂબ શ્રીમંત હતા. પરંતુ તેમના દીકરાના લગ્ન એક સાવ સામાન્ય ઘરની છોકરી સાથે નક્કી કર્યા હતા. કેમકે છોકરી બીજી બધી રીતે યોગ્ય હતી. સરસ હતી. કાકાને એક જ દીકરો ને ખૂબ હોંશીલા. એટલે ધામધૂમથી લગ્ન કરવાનું ખૂબ મન હતું. વેવાઇ આર્થિક રીતે પહોંચી શકે તેમ નહોતા..એ ખબર હતી. જોકે દીકરીનો બાપ દીકરીના સુખ માટે શક્ય તે બધું કરવા તૈયાર હોય જ. પણ કાકા એ વેવાઇને પ્રેમથી..તેમનું સ્વમાન જરાયે ઘવાય નહીં તે રીતે પૂરા આદરથી સંકોચાતા હૈયે પોતાના મનની વાત કરી.

    લગ્નનો બધો ખર્ચ કાકાએ ભોગવ્યો..ખૂબ ધામધૂમ કરી..પણ કોઇને આજ સુધી કયારેય જાણ ..કે આછો અણસાર સુધ્ધાં નથી આવ્યો કે એ બધો જ ખર્ચો કાકા એ કરેલ. અને તે વાતનો આડકતરો ઉલ્લેખ પણ કયારેય કોઇ પાસે જ ન થયો. કોઇને ખબર ન પડી. રંગેચંગે લગ્ન થયા. અને આજે બંને કુટુંબ વચ્ચે હેતપ્રીતના જે સંબંધો છે...તેની તોલે બીજું શું આવે ? અને કાકાના ઘરને તે છોકરીએ આજે સ્વર્ગ સમુ બનાવી દીધું છે. કાકાએ પોતાના સૌજન્યથી કન્યાપક્ષને જીતી લીધો હતો અને હવે તેમની દીકરીએ કાકાના ઘરના બધા સભ્યોને સ્નેહથી પોતાના કરી લીધા છે. આવા ઉદાહરણો સમાજ માટે પ્રેરણારૂપ બને છે. મને પણ વરસો પછી તે છોકરીએ ( ભાભીએ ) પોતે વાત કરી ત્યારે જ જાણ થઇ.

    મનમાં કેટલા પ્રસંગો ઉભરાતા હતા. યાદોની વણથંભી વણઝાર ચાલતી હતી ત્યાં જૂઇના

    “ચલે જૈસે હવા યે સનનન..સનન્નન...” ઉડે જૈસે પરિન્દે ગગન ગગન....” ના શબ્દ સાથે હું વર્તમાનમાં આવી પહોંચી. જૂઇના એ સરસ મજાના ડાન્સે તો ઝાડ પર સૂતેલ પક્ષીઓને પણ જાણે કલરવ કરતા કરી દીધા. રાતના બે વાગ્યે પણ વાતાવરણમાં અને દરેકના દિલમાં જાણે ઉષા-સંધ્યાના રંગોની લાલી રેલાતી હતી. અંતે વડીલો એ યાદ કરાવ્યું કે કાલે લગન છે. છોકરાઓ થાકી જશે..હજુ કાલે નાચવાનું છે ને ? હવે બંધ કરો. અને વાત પણ સાચી હતી. સુખદ..ક્ષણો......આનંદની ક્ષણો ને યે અંત તો હોય જ છે ને ?

    ગરબે ઘૂમતી..રાસની રમઝટમાં ઉલટભેર ભાગ લેતી કોઇ પણ પુત્રીને જોઇ મનમાં અનાયાસે એક આશાનો... શ્રધ્ધાનો રણકાર રમી રહે છે.

    કાલે જેને અજાણ્યા વિશ્વમાં પ્રવેશવાનું છે, પારકાને પોતાના કરવાના છે,એક અજાણ્યા ભાવિનો, નવી દિશાનો નવો દરવાજો ખુલી રહ્યો છે...ત્યારે મનમાં કોઇ આશંકા વિના કેટલી શ્રધ્ધાથી દરેક દીકરી તેને આવકારવા તૈયાર થાય છે.!

    “ પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો..અને અન્યના ઘરમાં દીવો કરે.. એ દીકરી એવું કોઇએ કહ્યું છે. ભારતીય સંસ્કૃતિ જેને કહીએ છીએ..એ આ નથી શું ? અન્યના ઘરમાં અજવાસ ફેલાવવો...! ઇશ્વર..દીકરીઓની આ આસ્થાના દીપને જલતો જ રાખજે.

    અને..અને હવે કાલની પ્રતીક્ષા....આ ઘરમાં આજે તારો છેલ્લો દિવસ....! એટલીસ્ટ દીકરી તરીકે તો છેલ્લો દિવસ.! જોકે આ શબ્દ હકીકતે સાચો નથી જ. કાલથી કંઇ તું આ ઘરની દીકરી નથી મટી જવાની. અને છતાં..છતાં યે છેલ્લો દિવસ....કેમ ? કેવી રીતે ? આજે અત્યારે તો આ બધા પ્રશ્નોના જવાબ નથી. કોઇ મા પાસે ન હોઇ શકે. પણ બની શકે ..વરસો પછી તું જ આનો જવાબ આપે. તું કયારેક પિયર આવીશ ત્યારે હું રોકાવાનો આગ્રહ કરતી હઇશ અને...અને તું કહેતી હઇશ બધી દીકરીઓની જેમ, ’ મમ્મા. મારે હવે ઘેર જવું પડશે. શુભમ મારા વિના હેરાન થતો હશે...........!! ’

    અને હું પરમ આનંદથી દરેક મા ની જેમ જોઇ રહીશ. અને ત્યારે હું પૂછીશ કદાચ..’ આ ઘર નથી ? ધર્મશાળા છે ? ’ જેમ મારા પપ્પા મને પૂછતા હતાં હમેશ તેમ જ.

    દરેક દીકરી..અને મા બાપ વચ્ચે આ મધુર સંવાદો રચાતા જ રહે છે ને ? દીકરી હસતી આવે ને હસતી જાય..એથી વિશેષ કોઇ પણ મા બાપને શું જોઇએ ? ઇશ્વર, સૌ દીકરીઓનું હાસ્ય અખંડ રાખે.

    “ બેટા, તારા આગમનથી તારા ઘરમાં ખુશી છલકી રહે..એવા પ્રયત્નો જરૂર કરજે, તું કુટુંબને જોડવા આવી છે તોડવા નહીં જ. નાની નાની વાતોને અવગણતા જરૂર શીખજે. બીજાની ખુશીનું ધ્યાન રાખજે અને તને તારી ખુશી આપમેળે શોધતી આવશે. કોઇ અણબનાવ કે અપ્રિય ઘટના બને અને જીવનમાં એવું તો અનેક વાર બનતું જ રહેવાનું. દરેક વખતે, દરેક વાત આપણને ગમે તેમ જ થાય એવું બની શકે નહીં...અને એવું જરૂરી પણ નથી જ. ત્યારે શમતા જાળવજે. ગુસ્સાથી થોડી ક્ષણો કદાચ તું તારું ધાર્યું કરી શકીશ..કદાચ થોડું મેળવી શકીશ..પણ જે ગુમાવીશ તે અમૂલ્ય હશે. અને અમૂલ્ય વસ્તુ ગુમાવવાનું કોને પોષાય ? પતિની નજરમાં તારું સ્થાન ઉંચુ જ રહેવું જોઇએ. તેની આંખોમાં તારા માટે સ્નેહ ને આદર હમેશા જળવાવા જોઇએ. અને તે જળવાશે તારા વર્તનથી... સ્નેહથી તારી ફરજ બજાવીશ એટલે હક્ક, અધિકાર તો આપમેળે તને શોધતા આવશે. અધિકાર માગી ને મેળવવામાં સાચો આનંદ નહીં મેળવી શકાય. વગરમાગ્યે આપણા વર્તનથી અધિકાર મળે એનો આનંદ અનેરો હોય છે. બસ...જરૂર પડે છે ફકત થોડી ધીરજની. અધિકાર પામવાની ઉતાવળ કરવાને બદલે થોડી પ્રતીક્ષા કરવાની. ઘર કંઇ એકબીજા સામે મોરચા માંડવાની જગ્યા નથી. કાળના અગાધ ઉદધિમાં જીવન બહું ટૂંકુ છે એને કુરુક્ષેત્ર બનાવવાનું કોઇને ન શોભે.

  • પ્રકરણ - 26
  • પીઠી ચોળી લાડકડી.....
  • ” લીલેરું પર્ણ...કૂંપળની તાજગી,..સુગંધી શ્વાસ ”

    બેટા ઝિલ,

    “ અષાઢી મેઘ અને થોડી શી વીજળી.

    લઇને બેઠેલ હશે બ્રહ્મા, ભૂલકણા દેવ, તમે પંખીડું વિસરી ઘડી કેમ માનવીની કન્યા ? ” બ્રહ્માએ પંખી ઘડતા ઘડતા ભૂલથી દીકરીનું સર્જન કરી નાખ્યું. સાચ્ચે જ કવિની દ્રષ્ટિ ને દાદ દેવી જ રહી ને ? પંખીની જેમ પાંખ તો આપી..બીજાના આકાશમાં ઉડવા માટે. પણ...ઉડી જવા સર્જાયેલ દીકરીઓને ઉડવા માટે અસીમ આકાશ મળી રહેશે ને ? નવી ક્ષિતિજો એને સાંપડી શક્શે ને ? એની પાંખો કપાઇ તો નહીં જાય ને ? ફકત પાંખો ફફડાવી ને તો નહીં રહી જવું પડે ને ? એને પિંજર તો નહીં મળે ને ? દરેક મા ના અંતરમાં વ્યકત કે અવ્યકત રીતે કયારેક તો આ પ્રશ્ન ઉઠતો જ હશે .હે ભૂલકણા દેવ, પાંખો આપી તો હવે દરેક દીકરી ને ઉડ્ડ્યન માટે આકાશ આપવાની તારી ફરજ ન ચૂકીશ હોં..!

    મનમાં ઉઠતા વિચારોને અંદર જ શમાવી ગોરમહારાજની એક બૂમે હું સતર્ક થઇ દોડુ છું.આજે ગોર મહારાજ પણ પૂરા રાજાપાઠમાં છે. અને કેમ ન હોય ? આજે એની દરેક આજ્ઞાનું પાલન થવાનું છે.. એની એને જાણ છે. પ્રસંગની પૂર્ણાહૂતિ સુધી એનું સામ્રાજય ચાલવાનું છે. અને આજે છેલ્લો દિવસ છે....આજે..આજે આ ક્ષણે તો મહેફિલ માંડી છે. દીકરીને વળાવવાની. આજે સવારે મંડપ મૂર્હત.

    “ અવસર ઉગ્યા ઝળહળ એવા,

    લાભ શુભ ચોઘડિયા, પડઘમ અઢળક બાજે મિતવા

    કંકુ ચોખા લખિયા .” ગોર મહારાજના સ્વસ્તિ વચનો સંભળાઇ રહ્યા છે. એની સૂચનાઓનં પાલન થતું રહે છે. અને વિધિઓ ચાલતી રહે છે. વચ્ચે હાસ્યના ફુવારાઓ ઉડતા રહે છે.કોઇ મીઠી કોમેન્ટો કરતું રહે છે. હોંશીલા ફૈબા ફરીથી માથે કાચનું કૂંડુ ઉપાડી ને નાચે છે ને સૌને નચાવે છે. ફટાણા ગાવામાં તો એનો જોટો ન જડે. આવા સમયે આવી એકાદ ઉત્સાહી વ્યક્તિ પણ વાતાવરણને જીવંત રાખે છે. અને બધા એમાં જોડાય છે.પીઠીની થાળી આવે છે અને મારા મનમાં કવિ બાલમુકુન્દ દવેની આ સુંદર પંક્તિ ઉભરાય છે. ” પીઠી ચોળી લાડકડી,ચૂંદડી ઓઢી લાડકડી, ચૂંદડીએ ધબકારા ઢાંકયા,ને કરમાં સોંપ્યા લાડકડી; મીઠી આવો લાડકડી.! કેમ કહું જાઓ લાડકડી. તું શાની સાપનો ભારો ? તું તો તુલસીનો કયારો લાડકડી.” પીઠી ચોળાય છે. બધા તને ભરી મૂકે છે હોંશથી. તારા ગાલ, હાથ, પગ અને મન પણ પીઠીના રંગે રંગાય છે. તારી આંખમાં પીઠીનો ઉજાસ ઉઘડે છે. હસી ખુશી થી વાતાવરણ મલકી રહે છે. ફોટોગ્રાફરની બૂમો પડતી રહે છે..પ્લીઝ...આ સાઇડ...આ સાઇડ...એને બધી ક્ષણોને કેમેરામાં કેદ કરવાની છે. તારા કોરા વાળમાં તેલ સીંચાય છે. તારા પીઠીવર્ણા અંગ આગળ.... એ ચહેરા આગળ આજે ચાંદ સૂર્ય પણ ફિક્કા લાગે છે. રોશની બધી ઝાંખી લાગે છે. હસી રહે છે ફકત માટીના કોડિયાની પ્રકાશતી નાનકડી દીવેટ.! કેવો પવિત્ર લાગે છે..આ દીવો.! અને ટાગોરની પ્રસિધ્ધ પંક્તિ અનાયાસે યાદ આવે છે. ”who will take up my work ?

    Asks the setting sun

    None has an answer

    In the whole silent world

    An earthen lamp says, humbly

    From a corner ;

    I will, my Lord,

    As best as I can. ”

    માટીની કોડિયાની એ તાજગીએ, દીવાની એ પવિત્રતાએ બધી રંગીન રોશનીને કેવી ફિક્કી ફસ પાડી દીધી હતી. બેટા, તારા શરૂ થતા નવજીવનમાં આ નાનકડા દીવાની જેમ પ્રકાશતી રહે. અને એ પવિત્ર પ્રકાશથી અન્યનું જીવન પણ તું ઝળહળાવી શકે તેવી શક્તિ તને પરમકૃપાળુ ઇશ્વર અર્પી રહે અને અંતરની અમીરાતથી જીવનપથ ઉજ્જ્વળ બની રહે. આજે નયનમાંથી છલકાતા નીરને રોકવા નથી...આજે ભલે એ નિ:સંકોચ વહેતા.

    “ નૈનના નીરના એક એ કિરણમાં

    ઉજળું હ્રદય આખું યે થાતું .”

    હું ભરેલ નયને તારી સામે જોઇ રહું છું..તારી ચળકતી કીકીઓમાં ઉઘડતા જતા એક નવા ઉજાસને હું સ્પષ્ટ રીતે અનુભવી શકુ છું. દરેક મા આ ક્ષણે અનુભવી શકતી હશે જ.

    ત્યાં ‘ કાકા..મામા બેનને પાટેથી ઉઠાડવા આવો..’ ગોરમહારાજની બૂમ પડી. અને કાકા, મામા તો રાહ જોઇને જ ઉભા હતા ને ? બંને એ હસતા હસતા દસ રૂપિયા કાઢયા. બધા તને કહેતા હતા કે ઝિલ, આજે મોકો છે હોં.! ચૂકતી નહીં. અને કાકા અને મામા બંને ખમતીધર છે. બરાબર લહાવો લેજે..એ પહેલા ઉભી ન થતી હોં !

    આવો રિવાજ કયાંથી આવ્યો હશે ? શા માટે આવ્યો હશે..એ તો મને કયાં ખબર હતી ? પણ લાગે છે ..કદાચ બધાને પ્રસંગમાં સામેલ કરવા આવા રિવાજોની શરૂઆત કોઇ ડાહ્યા માણસે કરાવી હશે. સામાન્ય રીતે આ વ્યસ્ત સમયમાં જલ્દીથી એકત્રિત ન થતાં સ્નેહીઓ આવા કોઇ પ્રસંગે એકઠા થઇ અને આનંદ માણી શકે છે. અને ત્યારે આવી કોઇ વિધિઓમાં સામેલ થવાથી લગ્નમાં આવનાર દરેકને મહત્વ મળી રહે છે. અને કુટુંબમેળાની પુનિત ક્ષણો બધા થોડીવાર માણી શકે છે. આમે ય સગા સ્નેહીઓ વિનાના અવસર થોડા શોભે ? માંડવો તો સ્નેહીઓના કિલકિલાટથી જ ગૂંજી શકે ને ? એકલાં ઉજવાય..એને પ્રસંગ થોડો કહેવાય ?

    કાકા, મામા, ફૈબા, ભાઇ, ભાભી, મામી, બહેન, બનેવી દરેકને કોઇ ને કોઇ મહત્વ આપીને બધાને પ્રસંગમાં આપમેળે સામેલ કરી દીધા. આપણા વડવાઓએ દરેક વિધિ ની પાછળ કોઇ ચોક્કસ કારણ જરૂર વિચાર્યું હશે. અને કોઇ પણ વાત તમે ધર્મ સાથે જોડી દો..એટલે પૂરુ..! એનું પાલન થવાનું જ. કેમકે માણસ સ્વભાવે ધર્મભીરુ છે. હા, એ સમયના સંજોગો પ્રમાણે આ બધા રિવાજો ઘડાયેલ હોય..અને આજે સંજોગો ..સમય બદલાતા એમાં પણ સુધારાને અવકાશ હોઇ શકે... જે હોય તે..પણ આજે તો બધા રંગમાં આવી ગયા હતા. કાકા, મામા નું પાણી માપવાના રંગમાં.. ફૈબા તો તાનમાં આવી ને ઉંચા, નરવા સાદે આવું કંઇક ગાઇ રહ્યા હતા. ડોકટર મામા ને સંભળાવી રહ્યા હતાં.

    ”હોસ્પીટલના નાણા કાઢજો રે.. ટાણા નવ ચૂકજો રે, મામા ” કાકા. મામા, પણ ધીમે ધીમે આગળ વધતા હતા. પ્રસંગની મજા વધારવા. બંને તને વિનવતા હતા, ’ નાની હતી ત્યારે કેવી ડાહી હતી..! કેવી માની જતી.! પાંચ રૂપિયામાં પટાઇ જતી. ’ તું તો ખડખડાટ હસતી હતી. નાની બાળકીની જેમ તને મજા પડી ગઇ હતી. આ કોઇ રમત હોય તેમ તું માણતી હતી.. અને તને પાનો ચડાવવાળા કયાં ઓછા હતા ? તારા એ મુકત હાસ્યમાં ખોવાઇને હું એક તરફ ઉભી ઉભી મલકાતી હતી. ધીમે ધીમે આગળ વધતાં બંને એ પાંચસો પાંચસો રૂપિયા કાઢયા. પણ બધાએ તને એટલામાં માનવાની ચોખ્ખી ના પાડી દીધી. અને એમ અંતે મજાક મસ્તી વચ્ચે મામલો કયાં સેટલ થયો એ મને તો સમજાયું નહીં.

    દરેક જગ્યાએ..રિવાજોમાં થોડા ફેરફારો હોય છે. પણ દરેક પાછળની ભાવના તો એક જ રહે છે. બધા સાથે મળી પ્રસંગને માણી, આનંદ કિલ્લોલ કરી પુત્રીવિદાયની વસમી પળોને હળવી બનાવવી. આવા રિવાજો વાતાવરણ ને હળવું અને રંગીન બનાવી દે છે. એ હકીકતનો ઇન્કાર થઇ શકે ખરો ? સગા સ્નેહીઓ વચ્ચે આવા રિવાજો આત્મીયતા નો અહેસાસ કરાવી શકે છે. આપણી સંસ્કૃતિમાં લગ્ન એક સંસ્કાર છે. એ સંસ્કારને વિધિપૂર્વક સંપન્ન કરાય છે. જેથી પ્રસંગ નું ગૌરવ જળવાઇ રહે. લગ્નની પવિત્ર ભાવનાનો પરિચય પામી શકાય. અને ધીમેથી તને પાટેથી ઉઠાડવામાં આવી.

    હવે તો સમયને પણ જાણે ઉતાવળ આવી હોય તેમ દોડયે જતો હતો.

    “ હમણાં તો નિત નવા રંગો, નિત નવા ઉમંગો અને દૂરથી આવતો પિયુની વાંસળીનો સૂરીલો સાદ. ”

    હવે સાંજે...સાંજે... એ સૂરીલો સાદ...લગ્નની ગૂંજતી શરણાઇ નો નાદ. અને..

    “ બેટા, તારું કોલેજનું શિક્ષણ તો પૂરુ થયું છે. એમાં તો તું હમેશા નંબર લાવી છે.પણ જીવનનું સાચુ શિક્ષણ હવે શરૂ થશે. અને મને પૂરો વિશ્વાસ છે.. મારી દીકરી એમાં પણ નંબર લાવશે જ. જીવનમાં આશા કે નિરાશા તો વ્યાપતા રહેવાના જ. નિરાશાના અંધકારમાં પણ યાદ રાખજે કે ગમે તેવી ઘનઘોર રાત્રિ પછી પણ સૂર્ય ઉગવાનો જ છે. જેમ કુદરત માટે આ નિયમ સાચો છે તેમ જીવન માટે પણ એ એટલો જ સાચો છે. માટે નિરાશાને કયારેય તારા પર હાવી થવા દઇશ નહીં. કાકા કાલેલકર ની એક વાત આજે અહીં ટાંકવાનો લોભ જતો નથી કરે શકતી. બેટા,આ સુવર્ણવાત તારા અંતરમાં કોતરી રાખજે. ” મને જે કામ સહેલું લાગતું હોય તે કરું ? કે જે કામ મને ગમતું હોય તે કરું ? કે જે કામ હું ઉત્તમ રીતે કરી શકું તે કરું ? કે પછી જે કામ કરવાનું મારું અટળ કર્તવ્ય છે તે કરું ? અથવા...જે મારું કર્તવ્ય છે ...તે જ કરવાનું મને સાધ્ય અને પ્રિય થાય એવું કરું ? ” અને આ કર્તવ્ય માટે શ્રી ટાગોરે કહ્યું છે તેમ “ઠંડા પહોરે જો આગળ નહીં વધો તો તડકા વખતે હેરાન થશો ” બસ..ઠંડા પહોરે જીવનપથ પર આગળ વધતી રહે....”

  • પ્રકરણ - 27
  • અપને પિયાકી મૈં તો બની રે દુલ્હનિયા...
  • પાનેતર પહેરી...સજી સોળ શણગાર ..ચાલી સાસરવાસ. વહાલી ઝિલ,

    “ લાડલી દુહિતા આજ સાસરે સિધાવે,

    વાયુ, તું પ્રેમ થકી, મીઠા ગીત ગાજે, સંગીતે જીવન ઉપવન સજાવજે “ આજે તને સોળે શણગાર સજાવાઇ રહ્યા છે. પાનેતરનો લાલ રંગ તારા અંગેઅંગમાં ગુલમહોરની જેમ મહોરી ઉઠયો છે. મહેંદીવાળા હાથમાં ચૂડીઓનો ખનખનાટ રણકી રહ્યો છે. તારી કાજળઘેરી આંખોમાં સોણલા તરી રહ્યા છે. તારા સમગ્ર અસ્તિત્વમાં છલકતો ઉત્સાહ હું જોઇ શકું છું...અનુભવી શકુ છું. હીરાકણી જેવી તું આજે ચમકી રહી છે. અને મારા રોમેરોમમાં થી દુવાઓ સરી રહી છે. હું એકીટશે જોઇ રહું છું. તારી આંખોમાં મેઘધનુષી સપના છલકી રહ્યા છે.

    તારા પહેલા બર્થડે ઉપર પહેલીવાર તને કેવી સરસ તૈયાર કરી હતી..અને તું ડગુમગુ ચાલતી હતી. આજે યે તારા પગલા ધીમા પડી ગયા છે. અને મારી આંખોમાં તું ચાર વરસની હતી ત્યારનું એ દ્રશ્ય અનાયાસે રમી રહે છે. ત્યારે પણ તું દુલ્હન બની હતી. ફેન્સી ડ્રેસ હરિફાઇ માં. ફરક એટલો હતો કે ત્યારે તારી આંખોમાં આજના શમણા હજુ ઉગ્યા નહોતા. તું તો સરસ મજાનું બધું ..બંગડીઓ ને દાગીના ને એવું બધું પહેરવા મળ્યું એટલે હરખાતી હતી. અને આનંદથી બંગડીઓ ખખડાવતી બધાને બતાવતી હતી. નાનકડી દુલ્હન નો એ ફોટો આજે યે આલ્બમમાં સ્મૃતિ બની ને બેઠો છે. આજનો આ ફોટો કદાચ એ ફૉટાની બાજુમાં જ હું રાખીશ. અને ત્યારે સ્ટેજ પર તેં કયું ગીત ગાયું હતું..યાદ છે ? કેટલા દિવસ સુધી તને એ ગીતની પ્રેકટીસ કરાવી હતી.

    “અપને પિયાકી મૈં તો બની રે દુલ્હનિયા...”

    આજે જયારે તું તારા પિયાની દુલ્હન ખરા અર્થમાં બની છે ત્યારે ગાવાને બદલે મૌન મલકાટ તારા પ્રત્યેક અણુ માંથી નીતરે છે. મારી સમક્ષ તારા એ બંને સ્વરૂપ રમી રહે છે. નજર સામે મોટી થતી દીકરી ખરેખર કયારે મૉટી થઇ જાય છે..તેની ખબર પડે ત્યાં તો અચાનક એક સવારે ઘરની...પિયરની વિદાય લેવાની વેળા આંગણે આવી ને ઉભી રહી જાય છે.

    “ પીપળાએ આંખના આંસુને લૂછતાં....વડલાને ધીમેથી વાત કીધી સાનમાં

    સોનલ સિધાવે છે સાસરે,કહો તેને...દઇશું ભેટ કઇ પિયરની યાદમાં? ” સ્નેહરશ્મિનું મારું આ ખૂબ માનીતું ગીત અહીં આખું યે મનમાં ગણગણી રહુ છું. ભૌતિક ભેટોનો તો કયાં પાર છે? “ વડવાઇ એક સુણી મલકાતી બોલી, ’અંબોડે સૂરજ ને ચાંદલો લલાટે, કાને રૂપાળી રૂડી તારલાની ઝૂલ ને નૈયા આનંદની સૌભાગ્ય - ઘાટે. “

    વડવાઇ તો સ્નેહથી આ ગાઇ રહી.પણ મારી પાસે તો આજે કંઇ જ નથી.

    કોઇ મા પાસે આજે..આ ક્ષણે શું હોઇ શકે ? કોઇ શબ્દો નહીં...બસ હોય છે એક મૌન.પરમ મૌન. આશીર્વાદ નીતરતું મૌન. મૌન મંગલકામના જાણે દસે દિશાથી ઉતરી આવે છે. આજે એક મા ના અસ્તિત્વનો અંશ તેનાથી જુદો પડી રહ્યો છે. ત્યારે દરેક મા આવી જ અનૂભુતિથી સભર હશે ને ? બાવીસ વરસ પહેલા..તારા જન્મ વખતે પ્રથમ વખત તને જોઇ ને જે લાગણીથી હું અવાચક થઇ ગયેલ...”કે આ...આ મારી....મારી દીકરી.. મારા

    અસ્તિત્વનો અંશ

    આજે યે સોળે શણગાર સજીને પાનેતર પહેરી ને તને ઉભેલ જોતા હું એમ જ અવાચક થઇ જાઉં છું. આ...આ..દુલ્હન...!! આ મારી ઝિલ...આ મારી દીકરી...!! અને આજે એ મારાથી દૂર જઇ રહી છે ? હું જ એને હોશે હોંશે પરમ વિશ્વાસથી કોઇને સોંપી રહી છું. સમાજના કેવા રિવાજો છે ?

    દીકરીને સાસરે વળાવવાની વાત કોઇ પણ મા બાપ માટે નવી નથી. આ ક્ષણની ખબર દરેકને હોય જ છે. અને આ ક્ષણની રાહ પણ જોતા જ હોય છે. એ માટેની તૈયારીઓ વરસોથી ચાલતી જ હોય છે. અને છતાં...છતાં ખરેખર એ ક્ષણ જયારે સામે આવી ને ઉભે છે...ત્યારે એ ક્ષણનો ભાર ઉંચકાતો નથી. જે ક્ષણની પ્રતીક્ષા હતી..એ ક્ષણને આવકાર દેવા માટે બે શબ્દો પણ કયાંક ખોવાઇ જાય છે.

    અને..અને અંતે..પાંચ વાગી ગયા. સમય કોઇની રાહ થોડો કયારે ય જુએ છે ?

    અને પાનેતર પહેરી તેં ઘરનો ઉંબરો ઓળંગ્યો. ઘરની બહાર તો રોજ જતી હતી. પણ...આજે.... ” હેત તણો હોકારો મારો પાદર (ઉંબર) સુધી ચાલ્યો..” ઘરથી કલબનો રસ્તો બે મિનિટનો જ હતો. જે કલબમાં વરસો સુધી તું જીન્સ કે સ્કર્ટ કે હાફ પેન્ટ પહેરી બાસ્કેટબોલ કે બેડમિન્ગટન રમી હતી...જયાં તે કેટલાયે નાટકો, રાસ ગરબા, જેવા અનેક કાર્યક્રમો માં ભાગ લીધો હતો..એ જ જગ્યાએથી આજે તારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા તું જઇ રહી હતી.

    પપ્પા કારનો દરવાજો ખોલી ને ઉભા હતા. રોજ દોડીને કલબમાં જતી તું..આજે ધીમેથી ગાડી પાસે આવી. ઘર સામે એક નજર નાખી. પપ્પાની આંખમાંથી પણ કોઇની શરમ રાખ્યા સિવાય આંસુ આજે છલકી રહ્યા. તું પપ્પાને ભેટી પડી. અને આપણા બંને ની નજર પડી...ફરી એક્વાર રચાયું..મા દીકરીનું એક અલગ ભાવવિશ્વ.! તું ને હું બંને મૌન હતા. પણ... એ મૌન માં કેટલી ઊર્મિઓ..

    સંવેદનાઓના મોજા ઉછળતા હતા. શબ્દો તો એને વ્યકત કરવા માટે સાવ વામણા લાગે છે. મીત પણ એક શબ્દ બોલ્યા સિવાય તારી સામે જોઇ રહ્યો હતો. હમેશ બહેન સાથે લડતો, ઝગડતો મીત આજે મૌન થઇ ગયો હતો. ભાઇ બહેનની ધમાલ મસ્તી આજે કયાં ખોવાઇ ગયા હતા ? અને અંતે આપણે બધા ગાડીમાં બેઠા. અને ગાડી તને લઇ ને ચાલી. “ વહેલડું હળવેકથી વાળજો દીકરીના લીંપા ગૂંપ્યા એમાં ઓરતા અકબંધ કુમકુમ પગલામાં કુંવારી ભાત જો. ” નાનપણમાં વાર્તા કરતાં ને કે..ઘોડા ઉપર રાજકુમાર આવે ને રાજકુમારીને લઇ જાય. આજે શુભમ ખરેખર ઘોડા પર આવી પહોંચ્યો હતો મારી રાજકુમારી ને લેવા માટે. ફરી વિધિઓની પરંપરા. હાર લઇને તું પહેરાવવા આવે છે. શુભમ અને તેના મિત્રો થોડી મસ્તી કરે છે. અને પછી ડાહ્યો થઇ ને તારી રાહ જોતો માંડવામાં સ્ટેજ પર બેઠો છે. તેને આ બધી વિધિઓમાં રસ નથી પડતો. એને તો તારી પ્રતીક્ષા છે. પણ આજે તો થોડીવાર બધી ચંચળતા ભૂલીને એ પણ શાંત બેઠો છે. એને માટે પણ આ સ્ટેજ ..આ જગ્યા કયાં અજાણ છે ? તારી જેમ આ સ્ટેજ પર એણે પણ અનેક કાર્યક્રમો કર્યા છે. પણ અત્યારે એને તો “ કન્યા પધરાવો સાવધાન ” ના શબ્દો ની પ્રતીક્ષા છે. આ સાવધાન કેમ કહેતા હશે ? એ મને નથી ખબર. પણ કોઇ કારણ જરૂર હોવું જોઇએ. કોનાથી સાવધાન ? આવતી જવાબદારીઓથી ? કે પછી વર કન્યાએ એકબીજાથી ? કે કન્યા આવે છે એની જાણ થાય અને બધા એલર્ટ બની જાય માટે સાવધાન કહે છે ? કે પછી માંડવાને સાવધાન થવાનું કહેવાય છે..કે હવે હસી મજાક બધું બંધ હવે મંડપે પણ ગૌરવ જાળવવાનું છે. જે પણ કારણ હોય તે....પણ હવે આ ક્ષણે અંતે શુભમની અને બધાની પ્રતીક્ષાનો અંત આવે છે.

    મામા સાથે તું ધીમા પગલે ઉપર ચડી..અને માંડવો ઝગમગી ઉઠયો. માંડવામાં યે જાણે ચેતનનો સંચાર થયો..અને એમાં પ્રાણ પૂરાયા. અત્યાર સુધી ઝાંખી લાગતી વિધિઓ પણ અચાનક ચેતનવંતી..ગૌરવવંતી બની ઝળહળી રહી. ગીતો ની રમઝટ તો અવિરત ચાલુ હતી. ફૈબાએ એટલા બધા ગીતો ગાયા કે બિચારા ગાવાવાળા..જેને ખાસ બોલાવેલ તે પણ ઝાંખા પડી ગયા. આમે ય એમને કંઇ ઘરનાની જેમ હોંશ તો ન જ હોય ને ?

    કન્યાદાનની વિધિ ચાલી. મને જોકે આ વિધિ પાછળની ભાવના કયારેય પૂરી નથી સમજાઇ. હું વિચારતી હતી કે દીકરી થોડી કોઇ વસ્તુ છે ? કે એનું દાન કરાય ? પણ કોઇએ સરસ અર્થ સમજાવ્યો જે મને તો ગમ્યો.. એ મુજબ..દીકરી એવી અણમોલ છે..કે કોઇ ગમે તેટલો શ્રીમંત કેમ ન હોય..પણ દીકરી પૈસાથી ખરીદી નથી શકતો. દીકરી તો એણે દાન તરીકે જ સ્વીકારવી પડે છે. પુત્રીના મા બાપ આપનાર છે..અને એ લેનાર છે. જીવનમાં કયારેય કોઇ આગળ હાથ ભલે લાંબો ન કર્યો હોય..પણ આજે તો એણે લાંબો હાથ કરીને દીકરીનું દાન જ લેવું પડે છે. એવી એ અણમોલ છે. અને એ અણમોલ દાન લેવા માટે સાજન માજન સાથે કન્યાને ઘેર આવવું પડે છે. બધાની સાક્ષીમાં હાથ લંબાવવો પડે છે. અને ત્યારે પુત્રીના માતા પિતા પરમ સ્નેહ,આદર અને વિશ્વાસથી પુત્રીનો હાથ એના હાથમાં સોંપે છે. પોતાના કાળજાના કટકાને શ્રધ્ધાથી સોંપે છે. બેટા,એની સંભાળ રાખવાની જવાબદારી આજથી તને સોંપુ છું.

    આ ભાવના જો સાચી હોય તો..આપનારનું સ્થાન હમેશા ઉંચુ હોય...દાન લેનારનું નહીં...પણ આપણા સમાજમાં તો એનાથી ઉલટુ ચિત્ર કેમ જોવા મળે છે ?

    ખેર! આજે ચર્ચા કરવાનો કોઇ મૂડ નથી. હંસી મજાક પણ ચાલતા રહે છે. ફૈબા આરામથી ફટાણા ગાય છે. જો કે મને પહેલાં પૂછી લીધું હતું..કે કોઇને ખરાબ નહીં લાગે ને ? તો જ ગાઇએ,મેં કહ્યું હતું,”ના..ના..કોઇને ખરાબ લાગે તેવા માણસો નથી. બે ઘડી હસી મજાકને સમજે છે. તમે તમારે ગાજો ” ને આમ છૂટ મળ્યા પછી એ થોડા મોકો મૂકે ? ” માણા ( માણસ ) એટલા પિયરિયાને પાણા એટલા સાસરિયા...” હાસ્યના મોજા સાથે વિધિ ઓ તો ચાલતી જ રહી..શુભમના ઘરના પણ ફટાણા નો જવાબ તો આપતા હતા .કંઇક ગાઇને ..પણ ફૈબાનો બુલંદ અવાજ એ સાંભળવા થોડો દે?

    પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાનો વિધિ પણ એમ જ હાસ્યની છોળો વચ્ચે પૂરો થયો. ચાર ફેરામાં જન્મજન્માંતર નો સાથ નિભાવવાના કોલ અપાયા. સપ્તપદીના વચનો ગોરમહારાજે સંભળાવ્યા...અને હસી મજાક સાથે સમજાવ્યા પણ ખરા. મીત નો પણ આજે સૂટમાં વટ પડતો હતો. બહેનને ફેરા ફેરવીને જાણે કેવી યે જવાબદારી નિભાવી હોય..કે પછી કેવી યે જવાબદારી આવી ગઇ હોય તેમ એ ગંભીર હતો. જાણે અચાનક પોતે મોટો થઇ ગયો હોય તેવું કદાચ અનુભવી રહ્યો હતો. નાનપણથી જેની સાથે હસી મજાક કર્યા હતા. ધમાલ મસ્તી કર્યા હતા, લડયા ઝગડયા હતા..અને આખી રાતો જાગી ને વાતો ના ગપ્પા માર્યા હતા. જે બહેને પોતે નાની હોવા છતાં ખોળામાં બેસી ને ખવડાવ્યું હતું..તે આજે સાસરે જતી હતી. ત્યારે સ્વાભાવિક રીતે જ મૌન બની ગયો હતો.

    ફેરા પૂરા થતાં જ.. ” હવે લાડી થઇ અમારી રે..”

    સ્વાભાવિક રીતે જ સાસરાવાળા જોશમાં આવી જ જાય ને ? તેથી આ ગીત મોટેથી ગાઇ ઉઠયા. અને શુભમે મંગળસૂત્ર તારા ગળામાં પહેરાવ્યું. અને..એની આગળ તારા બધા દાગીના જાણે ફિક્કા પડી ગયા. એના કાળા મોતી સાચકલા હીરાની જેમ ચળકી રહ્યા.

    મંગળસૂત્ર...હકીકતે એક પ્રતીક છે. એ પહેરાવીને છોકરો સ્વીકાર કરે છે..કે આજથી તારી રક્ષાની જવાબદારી મારી છે. અને છોકરી એનું ગૌરવ જાળવી રાખવાની ભાવના સ્વીકારે છે. માંગ ભરાય છે. એ ચપટીક સિંદૂર આગળ આજે કપાળમાં ઝગમગી રહેલ સુંદર બિંદી પણ કેવી ઝાંખી લાગે છે.! એમાં સમાયેલ ભાવનાની ભીનાશને લીધે દેદીપ્યમાન બની રહે છે. આમે ય જીવનમાં ભાવનાની ભીનાશની તોલે બીજું કંઇ આવી શકે ખરું ?

    “ બેટા,તારી આંખમાં ઝળકે સૂરજ સોમ.

    આંગળીઓના ટેરવે વસજો આખું ય વ્યોમ.

    બેટા,તારી પાનીથી ઝરજો કુમકુમ રંગ તારા બંને હોઠ પર રહેજો હાસ્ય અભંગ. ”

    હસમુખ મઢીવાળાની આ રચના અંતરમાં વીજળીની જેમ ઝબકી ગઇ. આંખને ભીની કરીને. અને મજાક મસ્તી અને ગીતોની રમઝટ વચ્ચે કંસાર જમાડાય છે. વડીલોને પગે લાગી આશીર્વાદ લેવાય છે. હું એક ખૂણામાં ઉભીને આંખો લૂછતી રહું છું. જમણવાર ચાલે છે. મને તો શું જમવું એનું ભાન પણ કયાં રહ્યું હતું ? પપ્પા તને અને શુભમને કોળિયા ભરાવતા હતા. રાત જામી રહી હતી. અને હવે વિદાયવેળા આવી પહોંચી. તારી આંખો પણ છલકતી હતી.

    વહાલથી છલકતી આંખે દીકરીને ભેટી થોડું છલકી મનને મક્કમ કર્યું. જેથી મારી દીકરી વધુ રડે નહીં. એ ક્ષણનો ભાર ઝિલવો પપ્પા માટે યે કયાં આસાન હતો ? પુરુષના અહમ ને કદાચ દીકરી જ ઓગાળી શકે. દીકરી વિદાયની એ નાજુક ક્ષણ પિતાને પણ થોડીવાર માટે માતૃત્વ બક્ષે છે. એક પણ શબ્દ વિના એની આશિષો વરસી રહે છે. મીત પણ સજળ આંખે તારી સામે જોઇ રહે છે. શબ્દો તો કોઇ પાસે નથી રહ્યા. શરણાઇના કરૂણ સૂરો રેલાઇ રહ્યા છે. જે વાતાવરણને વધુ ઘેરું બનાવે છે. પૈડુ સીંચવાની વિધિ ચાલી. આનો અર્થ શું હશે એ તો પૂરી કદાચ ખબર નથી. પણ દીકરીને સહીસલામત ઘેર પહોંચાડવાની ભાવનાના પ્રતીકરૂપે પૈડાની પૂજા કરવામાં આવતી હશે કદાચ.

    મેઘરાજા પણ જાણે વિદાય લેતી પુત્રીને આશીર્વાદ આપતા હોય તેમ વરસાદના અમીછાંટણા છાંટી ને શુકન કરી રહ્યા. અને.. અને...આવા જ કોઇ પ્રસંગે અનિલ જોશી કદાચ ગાઇ ઉઠયા હશે.

    ” કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલ્યો. પાદર બેસી ફફડી ઉઠતી, ઘરચોળાની ભાત ડૂસકે ડૂસકે હડસેલાતી, બાળપણાની વાત; પૈડુ સીંચતા રસ્તો આખો, કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી, સૂનકારમાં ડૂબે.

    અને જાન ઉઘલતી મહાલે....”

    કાર દીકરીને લઇ ઉપડી જાય છે.....ઉપડી જાય છે..! અમે બધા..ખાલી હાથે..ખાલી આંખે... ભારે હૈયે.. ખાલી રસ્તાને નીરખતા ઉભા રહી ગયા..ઉભા રહી ગયા. ” જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે ખડકી પાસે ઉભો રહીને

    અજવાળાને ઝંખે.” “ શિવાસ્તે તવ પંથા: બેટા, શકુંતલાને વિદાય આપતા કણ્વ જેવા ઋષિ ની આંખો પણ ભીની થઇ જતી હોય..તો આપણું શું ગજુ કે એને ખાળી શકીએ ?

    બસ...બેટા,આજે કોઇ શિખામણ નહીં..કોઇ શબ્દો નહીં. વાણીનો કોઇ વ્યવહાર નહીં...મૌન આશીર્વાદ. ફકત આશીર્વાદ....

    “ ધીમા પગલાથી ઉંબરો ઓળંગતી,

    આંસુની આંગળી ઝાલી.

    લીલુડા પાંદડાની ઉછળતી વેલ,

    હવે કંકુના પગલા દઇ ચાલી. રાખડીના તાંતણે બાંધેલ ફળિયું,

    હવે લાગે છે સાવ ખાલી ખાલી. ”

  • પ્રકરણ - 28
  • અમે રે લીલુડા વનની ચરકલડી..... શબ્દોમાં કદી...વ્યકત ન થાય ...ભાવની એ ભીનાશ. વહાલી ઝિલ, “ હમણાં જ જાન ઉઘલી હોવાની, સાબિતિ આપતો..વેરણછેરણ માંડવો
  • ઉદાસ એકલો ઉભો .” ઘરમાં હજુ સ્નેહીઓ છે. માંડવો છે, રોશની છે, આસોપાલવના તોરણ છે. કશું જ તો નથી બદલાયું. અને છતાં ...છતાં..માંડવો અણોહરો થઇ ને ઉભો છે. આજે એના માન પાન, રૂઆબ કોણ લૂંટી ગયું ? જયંત પાઠકની પેલી કવિતા સ્કૂલમાં ભણેલ અને પછી ભણાવેલ એ અનાયાસે મનમાં રમી રહી. આખરે ઉજાગરાનો અંત આવ્યો, લગન ઉકલી ગયા.... બધું બરાબર છે... આંખમાંથી ટપકું ટપકું થાય છે ખારો ખારો પ્રશ્ન: ” મારી દીકરી કયાં ?”

    મારી આંખમાં યે આ ખારો ખારો પ્રશ્ન આજે ઉગે છે.

    સાંજે હજુ રીસેપ્શન છે. અને ખાસ તો એ પહેલાં તું એકાદ કલાક માટે આવવાની છે એનો ઇન્તજાર છે. મન તારો પગરવ સાંભળવા ઝંખી રહે છે. આજે કેમાં યે ચિત્ત ચોંટતું નથી. કંઇ કરવું ગમતું નથી. અમે બધા આંટાફેરા કર્યા કરીએ છીએ. મને, પપ્પાને કે મીતને કંઇ ખબર નથી પડતી કે શું કરવું ? કામો તો યંત્રવત્ ઉકેલાતા રહે છે. નાની હતી અને ઉંઘમાં હસતી તો એ પણ અમારે માટે સમાચાર બની જતા. અને.આજે આખું ઘર છોડીને ગઇ ત્યારે એ સમાચાર નથી બનતા..સંસ્મરણો બને છે. ” ડાળ છોડીને ગયું પંખી પછી... કાનમાં કલરવ તમારા હોય છે. ” એ કલરવની આજે પ્રતીક્ષા છે....વૃક્ષ અને પંખી બે વાત કરે છે

    ત્યારે ખીલે છે લીલેરો રંગ ” આપણે પણ વાતો કરતાં ત્યારે યે એ લીલેરો રંગ હમેશા ખીલી ઉઠતો ને ? જોકે કયારેક એ રંગ લાલ પણ થઇ જતો...!!! પણ એ લાલ રંગમાં યે છાંટ તો લીલેરા રંગની જ રહેતી ને ? અને હવે ? એ દિવસો ફરીથી આવશે ? કયારે ?

    લગ્નને બીજે દિવસે એક માનું વિશ્વ કેટલું..કેવી રીતે બદલાઇ જાય તે આજે અનુભવ્યું. એક જ વ્યક્તિની ગેરહાજરી, કેવો ખાલીપો, કેવો સૂનકાર સર્જી શકે છે..તે અનુભવ વિના ન સમજાય. અને તું તો અમારા...આપણા ઘરનું વાવાઝોડું હતી. યાદ છે ? તું હોસ્ટેલમાંથી ઘેર આવે ત્યારે આપણે ઘેર કામ કરતાં દેવીબહેન હમેશા કહેતા, ‘ ઝિલ આવે એટલે ઘરમાં જાણે વાવાઝોડુ આવ્યું. અને જાય ત્યારે જાણે એકી સાથે ઘરમાંથી પચીસ માણસો ઓછા થઇ ગયા હોય તેવું લાગે. ‘

    દૂધવાળો આવે છે અને તેને જોઇને રમેશ પારેખનું કન્યાવિદાયનું એક સુંદર ગીત મનમાં દોડી આવ્યું. આખું તો અત્યારે યાદ નથી.પણ કંઇક આવું હતું. ” વાડીએથી પાછા આવીને, બધું કામ પતાવી દીધું તાબડતોબ... દૂધવાળો આવ્યો....ત્યારે તપેલી ધરતા મા એ કહ્યુ, ” એક પળી ઓછું .”....ત્યારે બધું આટોપાઇ ગયું..! સામસામે ફંફોસતા એકમેકને....અને કોઇને કોઇ જડતું નહોતું.! ”

    કોઇ પણ માની આંખમાં પાણી લાવી દેવાની સમર્થતા છે આ શબ્દોમાં. હું તો રમેશ પારેખ જેવી કવિ નથી. પણ એથી મારી કે કોઇ પણ માની સંવેદના કવિથી ઓછી હોતી નથી.

    ” દીકરીની વાતુ કરવા બસ,હવે રહ્યા પડછાયા, મીંઢોળબંધો હાથ કરી ગયો, સૂનો આંગણવાસ.”

    આજે યે મોસમ માતબર છે, ફૂલોની ખુશ્બુ યે કાલ જેવી જ છે, વરસાદી માટીની મહેક પણ એ જ છે. પણ એ માણવાની..જોવાની દ્રષ્ટિ કયાં ? આજે દ્રષ્ટિ, મન તારી પ્રતીક્ષામાં સ્થિર છે. સૌન્દર્ય આમેય વસ્તુમાં નહીં..દ્રષ્ટિમાં જ સમાયેલ છે ને ? દ્રષ્ટિ બદલાતા સન્દર્ભો..મૂલ્યો કેવા બદલાઇ જાય છે.! ત્યાં તું આવે છે એવો સંદેશ લઇને વાયરો આવ્યો કે પછી કાલિદાસનો મેઘ આવ્યો.

    તું આવી... હજુ ઘરમાંથી તને ગયે પૂરા ચોવીસ કલાક નહોતા થયા. પણ આ ચોવીસ કલાકમાં તારામાં એક બદલાવ આવ્યો હતો..ચહેરા પર એક ઉજાસ ઉઘડયો હતો. એ હું અનુભવી શકી. તારું આકાશ..તારી ક્ષિતિજો બદલાઇ હતી.કળી માંથી ફૂલ બનવું એટલે શું ? એ શબ્દોમાં સમજાવી શકાય ખરું ? શું બોલવું તે મને કે તને ખબર નહોતી પડતી. તું મને ભેટી પડી. તારી આંખોમાં એક ચમક હતી. ઉલ્લાસ હતો, એક ચૈતન્ય હતું. અને એ ચમકે તારા સમાચાર મૌન રહીને ધીમેથી મારા કાનમાં ગણગણ્યા. આપણે મા દીકરીએ કોઇ શબ્દો વિના ઘણી વાતો કરી.

    તારે થોડીવારમાં “ તારે ઘેર ” જવાનું હતું.! આ પગફેરાનો રિવાજ કદાચ એટલા માટે પડયો હશે કે લગ્ન પછી દીકરીને કોઇ તકલીફ હોય, કોઇ માર્ગદર્શનની જરૂર હોય..કંઇ પણ હોય તો કહી શકે. જે પણ કારણ હોય તે..પણ એ બહું સારો રિવાજ છે એમ મને લાગે છે. દીકરીનું હસતું મોં જોઇને માના દિલમાં એક પરમ પ્રસન્નતાની લહેર દોડી રહે એ સ્વાભાવિક જ છે. દરેક માતા પિતા એટલું જ ઇચ્છે છે કે દીકરી હસતી આવે ને હસતી જાય. અને સૂનુ આંગણું થોડીવાર માટે કલરવ કરી રહ્યું. તોરણો ટહુકી ઉઠયા અને અણોહરો

    બની ગયેલ માંડવો યે ફરીથી રોફ મારી રહ્યો..ગુલમહોરની જેમ ઘર ખીલી ઉઠયું. લતા હીરાણીનું એક નાનકડું કાવ્ય મારા મનમાં દોડી આવ્યું. ”ક્ષણમાં પ્રગટે,સઘળા દીવા

    ક્ષણમાં રણકે સ્વર ક્ષણમાં ઉઘડે, ક્ષણમાં પ્રસરે સુગંધ લઇ ઉંબર “

    મહેમાન બની આવેલ દીકરીને રિવાજ મુજબ ભેટ આપી ભીની ભીની વિદાય આપી.

    અહીં એક લોકગીત ટાંકવાનો લોભ જતો નથી કરી શકતી. ” ઉંચી પડથારેથી કેસર ઉમટયા, રથ વેલ્યુ હાલે રે ઉતાવળી વેલ્યમાં બેસીને બેનીબા હાલ્યાં.... દાદાજી આવ્યા છે વળાવવા. ”

    સાંજે રીસેપ્શન હોવાથી ફરી એકવાર તૈયાર થવાની ધમાલ ચાલી. ઝિલ આજે કેવી તૈયાર થઇ હશે..કેવી લાગતી હશે એ જોવાનું મન હોય જ ને ?

    સામાન્ય રીતે કોઇના યે રીસેપ્શનમાં જવાનું હોય ત્યારે મને કંટાળો જ આવે. ખાસ કરીને કોઇ અંગત ન હોય પણ વહેવાર માટે જવાનું હોય ત્યારે. પ્લાસ્ટીકીયા સ્માઇલ પહેરીને ” હેલ્લો ને હાય ” કરતા હાથમાં ડીશ લઇ ફર્યા કરવાનો ત્રાસ લાગે. આપણા પ્રસંગોમાં બીજા ને યે એવો જ ત્રાસ લાગતો હોય એ સ્વાભાવિક છે. અને એટલે આપણે બધા જતા હોઇએ છીએ. કદાચ એવું વિચારીને પણ કે આજે આપણે ન જઇએ તો કાલે આપણે ત્યાં પણ કોઇ ન આવે. અને પ્રસંગ તો માણસોની હાજરીથી જ શોભી રહે ને ? પણ....આજે તો એવો કોઇ સવાલ કયાં હતૉ ? આજે તો સૌથી પહેલા પહોંચવાનું મન હતું. જેથી તમને બંને ને નિરાંતે જોઇ શકાય..મળી શકાય.

    કાલે તું નખશિખ ભારતીય ડ્રેસમાં સજ્જ હતી.અને આજે..આજે પૂર્વમાંથી પશ્વિમ તરફ પહોંચી ગઇ હતી. પણ બંને રીતે તું શોભી ઉઠી હતી. એમાં બે મત નથી જ. જોકે મને તો આમેય એમ જ લાગે ને ? અને તને જોઇને હર્ષદ ચંદારાણાની આ પંક્તિ મારા મનમાં તરત જ દોડી આવી. તારલાઓ ચૂંદડીએ ટાંકિયા રે પાન અવસરના, તેજ અતલસ ઘૂંઘટડે ઢાંકિયા રે પાન અવસરના.” તારલિયાની જેમ ઝગમગતી તને જોઇ હૈયે હરખ છલકી આવ્યો.

    સ્ટેજ પર આવી હાથમાં કવર આપી ને આજે ફોર્માલીટી નહોતી કરવાની. આજે તો દીકરી જમાઇને મનભરી સાથે નીરખવાના હતા. હવે તો તમે કયારે જોવા મળશો એ કયાં ખબર હતી ? કાલે તો તમે નીકળી જવાના હતા. સ્ટેજ પર થોડી જગ્યા થતાં અમે... હું ને પપ્પા....ઉપર આવ્યા.તમને ભેટી પડયા.તમે પગે લાગ્યા અને અમારા મૌન આશીર્વાદ હમેશની જેમ વરસી રહ્યા. હવે તો... ” શીતળ વડલાને છાંયે સંચરી, પાંખો આવી કે ઉડવું, જઇ ગગને વિચરવું...ખાવા વિસામો કોઇ ‘દિ આવવું .”

    વિસામો ખાવા આવવાની જ હવે તો રાહ જોવાની રહી. બાકી આજે તો....

    ” મૂળ મેલ્યાને છાંયડા ઝાલિયા રે પાન અવસરના, ઝાડ છોડી ડાળીબેન હાલિયા રે પાન અવસરના. .”

    બસ...અમારા માળામાં એક સવારે અવતરેલ નાનકડા પંખીને આજે પાંખ આવી ગઇ હતી. અને પાંખ આવે ને ઉડે નહીં એ કેમ ચાલે ?

    બેટા, જીવનઆકાશમાં તું વિહરી રહે...અને તારા કલરવથી અમારો સૂનો બનેલ માળો સમયે સમયે તારા કલરવથી..તારા ટહુકાથી ગૂંજતો રહે ..એ જ પાર્થના દરેક મા ની પોતાની દીકરી માટે હોય ને ?

    આજે હવે છેલ્લી વાત.

    એકબીજામાં એકાકાર થવું..ઓતપ્રોત થવું એ લગ્ન. પતિ, પત્ની બંને પાસે આજે પોતાના અલગ મત હોય, અલગ માન્યતા હોય..આજે છોકરી પણ શિક્ષિત બની છે. એને પણ પોતાની અલગ વિચારસરણી હોય..વરસોની અમુક આદતો હોય...બધું બરાબર. પરંતુ લગ્ન પછી જયારે તમે બંને એક બનીને સાથે જીવવાનું શરૂ કરો ત્યારે બંને પોતપોતાના આગ્રહો, મત, માન્યતાઓ જડની જેમ પકડી રાખો..તો જીવન બેસૂરુ બની જાય. હીરો અને સોનુ બંને પોતપોતાના આકાર પકડી રાખવાની જીદ કરે, દુરાગ્રહ સેવે તો કયારેય તેમાંથી સુંદર વીંટીનું ઘડતર ન થઇ શકે.

    બીજી એક વાત પણ એટલી જ સાચી છે. આજે સ્ત્રી સ્વતંત્રતા ની..નારીવાદ ની ચર્ચાઓ થાય છે, લખાય છે, બોલાય છે, વંચાય છે. બહું સરસ વાત છે. પણ દરેક વખતે એ સાચી જ હોય તે જરૂરી નથી. કોઇ પણ વાતને બંધન તરીકે જ જોવી જરૂરી નથી. સિતાર બંધન થી બંધાયેલ છે ત્યારે જ એમાંથી મધુર સૂર નીપજી શકે છે. એ જ રીતે કુટુંબ પણ અમુક બંધનોથી બંધાયેલ હોય તો જ એમાંથી પ્રેમ, વાત્સલ્ય, નીતરે છે. હોડી બંધનથી બંધાયેલ હોય તો જ ઇચ્છિત દિશામાં જઇ શકે. કુદરતના દરેક તત્વ ચન્દ્ર, સૂરજ, તારા સહિત બધા જ ચોક્કસ બંધનોથી, નિયમોથી જકડાયેલ છે અને તેથી જ રાત દિવસ, ઋતુઓ વિગેરે શકય બને છે. કુદરતમાં કયાંય સ્વછંદતા નથી જ. જીવનમાં પણ અમુક બંધનો સ્વીકરવા જ રહ્યા. અને જે પોતાની જાતે એ સ્વીકારી શકે તેને બીજું કોઇ બંધન આપી શકે નહીં. વ્યક્તિ એક્લી હોય ત્યારે તે ગમે તે કરી શકે પણ જયારે તે એક કુટુંબમાં રહેતી હોય ત્યારે તેણે અમુક નિયમોનું પાલન સ્વેચ્છાએ જ કરવું રહ્યું. ત્યારે જ કુટુંબસંગીત ગૂંજી શકે.

    તારા કુટુંબજીવનમાં હમેશાં આનંદની પળૉ છલકતી રહે. અને તું સ્નેહથી છલોછલ, સદા લીલીછમ્મ રહે એ જ દરેક માની પોતાની દીકરી માટે પ્રાર્થના હોય ને ?

  • પ્રકરણ - 29
  • ” હમ દેખતે રહ ગયે..કારવા ગુઝર ગયા. ”
  • “ પ્રેમનું પ્રાગટય, ઉજાસનો અભિષેક, લાગણીનો ઓચ્છવ .”

    વહાલી ઝિલ,

    રીસેપ્શન પણ પતી ગયું. અને બીજે દિવસે માંડવો યે વિખેરાઇ ગયો ને ફરી વળ્યો એક ખાલીપો....! ચોતરફ જાણે ખાલીપાનું પૂર ઉમટયું છે. કમ્પાઉન્ડ કેવું ખાલીખમ્મ આજે લાગે છે.! જાણે વરસોથી ત્યાં માંડવો કેમ હોય.! હમણાં તો દિવસો કેવા જીવંત બની રહ્યા હતા ! અનિલ જોશી જેવા કવિ આવા પ્રસંગે ગાઇ ઉઠયા હતા. “ દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત . તો જાણત કે અંધારું શી ચીજ છે ? ફળના આંબામાં જે પાંદડા ઝૂલે એની ભીતર કઇ મમતાનું બીજ છે ?” મંડપ બંધાતો હોય ત્યારે ઉમટતો હરખ એની ઉકેલાવાની ક્ષણે વિષાદમાં પલટાઇ જાય છે. મનમાં એક રેશમી અવસાદ ઘેરી વળે છે. લાઇટો ઉતારાય છે. શણગાર દૂર કરાય છે. હવે દીકરી વિના જાણે એ બધાની કોઇ જરૂર નથી.અરે, દીકરી હતી ત્યાં સુધી ઘરમાં ગણેશજીનું સ્થાપન હતું..એ પણ હવે સમેટાય છે. ભગવાનને પણ દીકરી વિનાના ઘરમાં રહેવાનું મન નથી થતું કે શું ? ખાલીખમ્મ ઘરમાં હિસાબ કિતાબ થતા રહે છે. વારે વારે ધસી આવતા આંસુઓ છાનામાના લૂછાતા રહે છે. ધીમે ધીમે દીકરી વિના પણ જીવન ગોઠવાતું રહે છે. સમય દરેક દર્દની અકસીર દવા છે. જીવન કયારેય રોકાતું નથી. જીવનઝરણુ વહેતુ રહે છે. અહીં પણ અને ત્યાં પણ..... હા, કયારેક હજુ યે સુરેશ દલાલની આ પંક્તિ આવીને ફરી એકવાર યાદોના

    અંબાર મનમાં ખડકી જાય છે. ” દીકરીથી ગૂંજતી ઘરની દીવાલો....થશે મૂંગી, ને મૌન એનું ખૂંચશે, ઠામ ઠેકાણુ મળ્યું એને હાશ રે ! પણ આંસુઓ છલકે ઉદાસ....”

    આજે તો તું સાત સાગર પાર કરી પરદેશ પહોંચી ગઇ છે. અને હોસ્ટેલે પહોંચીને જેમ ફોન આવતો તેમ આજે ત્યાં પહોંચીને ફોન પણ આવી ગયો. હવે મારે તારી ચિંતા કરવાની નથી. હવે એ જવાબદારી શુભમે હોંશે હોંશે લઇ લીધી છે. તું ઉઘડતી, નવી ક્ષિતિજોમાં ગોઠવાઇ ગઇ છે. જોકે આમે ય આજની નવી પેઢી બહુ જલ્દી નવા વાતાવરણમાં સેટ થઇ જતી હોય છે..

    કયારે મળાશે હવે ? એ ખબર નથી. ફોનમાં વાતો થતી રહે છે. અને વેબકેમમાં તને મલકતી જોતી રહું છું. વિજ્ઞાને ઘણી સગવડ કરી આપી છે. એનાથી વિરહ સહ્ય બનતો રહે છે.

    મનને અનેક પ્રકારના મૂળ ફૂટતા રહે છે. તારા શૈશવની એ બધી ક્ષણોને છીપ જેમ મોતી સાચવી રાખે છે તેમ સાચવેલ છે. ને અવારનવાર એ સ્મૃતિઓને બહાર કાઢીને માણતા રહીએ છીએ. અને પાછી કંજૂસના ધનની જેમ સાચવી ને છીપમાં બંધ કરી મૂકી દઇએ છીએ..હવે તો એ જ કરવાનું રહ્યું ને ?

    જીવન ચાલતું રહે છે, સમય સરતો રહે છે. તું ખુશ છે, સુખી છે..એનો આનંદ..એ ખુશી કંઇ જેવી તેવી છે ? ધીમેધીમે આપણે બધા ટેવાતા જઇએ છીએ. હવે કોઇ ઉદાસી નથી. એક સ્વસ્થતા છે. સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર છે. તારી ખુશીનો આનંદ અમે અહીં બેઠા માણીએ છીએ. હા, કયારેક તારા લગ્નની સી.ડી. જોતા જોતા મારી ને પપ્પાની આંખમાંથી આંસુ ટપકી પડે છે ખરા.. પણ તે તો સ્વાભાવિક છે ને ?

    દરેક દીકરીના મા બાપની આ નિયતિ છે. અને એ એટલી હદે સ્વાભાવિક બની ગઇ છે કે દરેક માતા પિતા પોતાના કાળજાના કટકાની એ વિદાયને થોડા સમયમાં સહજતાથી સ્વીકારી લે છે.અને કયારેક અચાનક દીકરીનો લીલોછ્મ્મ ટહુકો ફરી એક વાર આવી ને ઘરને થોડા સમય પૂરતું ગૂંજતું કરી દેશે..એની પ્રતીક્ષા કરતા રહે છે. આ સાથે આજે નાનાજીની યાદ મનમાં ફરી વળે છે. ત્યારે તું બારમા ધોરણમાં હતી. અને તેથી મેં મારા પપ્પાને કહેલ કે ‘ આ વખતે વેકેશનમાં મારાથી ત્યાં નહીં આવી શકાય.’ લાગણીશીલ પપ્પા કંઇ બોલી તો નહોતા શકયા..પણ..બીજે દિવસે સવારે અચાનક ખબર પણ આપ્યા સિવાય આપણે ઘેર આવી પહોંચ્યા. અને એમની આંખમાંથી અનરાધાર આંસુ છલકતા હતા. હું તો ગભરાઇ ગઇ હતી..કે પપ્પાને શું થયું ? ત્યારે માંડ માંડ સ્વસ્થ બની ને પપ્પાએ જવાબ આપેલ, ‘ તમે દીકરીઓ તો તરત કહી દો..પપ્પા, મારાથી નહીં આવી શકાય..અમે કેટલી આતુરતાથી તમારા વેકેશનની રાહ જોતા હોઇએ એની તમને કયાં ખબર છે ? તમે ન આવી શકો તો અમારે તો આવવું જ રહ્યું ને ? ‘અને...અને હું સ્તબ્ધ. તે દિવસ પછી વેકેશન પડે ને બીજે દિવસે પપ્પા પાસે પહોંચી જવાનો નિયમ કયારેય ચૂકી નથી.

    આજે તો નાનાજી કયાં રહ્યા છે ? રહી છે ફકત સ્મૃતિઓ.. તારી વાત કરતી વખતે હું એક મા છું પણ સાથે સાથે હું પણ મારા વહાલસોયા પપ્પાની દીકરી તો છું જ ને ? પપ્પા પર કેવા હક્કથી ...લાડથી ગુસ્સે થતી...! અને ત્યાં હોઉં ત્યારે તને પણ કહી દેતી.. ‘ અહીં મને કંઇ નહીં કહેવાનું હોં..! મારા પપ્પાને ઘેર છું. ‘ અને તું હસી ને જવાબ આપતી, ’ પણ મમ્મી, અહીં તો કેટલા દિવસ ? પછી તારે હમેશ તો “મારા પપ્પાને “ ઘેર રહેવાનું છે.. એ ભૂલી ન જતી હોં..’ અને નાનાજી કૃત્રિમ ગુસ્સાથી કહેતા. ‘ જોયા તારા પપ્પા....! મારી દીકરી ને કંઇ નથી કહેવાનું હોં...’ અને આપણે બધા સાથે હસી પડતા. ઘેર ગમે તેટલા સુખી કેમ ન હોઇએ તો પણ પપ્પાના ઘરની હૂંફ ની વાત જ કંઇક નિરાળી છે .

    આજે...આજે..જ્યારે તું દૂર છે ત્યારે આ બધી વાતો બરાબર સમજાય છે, અનુભવાય છે. પણ હું તો એમ ટિકિટ લઇ ને સીધી આવી શકું તેમ પણ કયાં છે ? મારે તો પહેલાં વીઝાના કોઠા પાર કરવાના છે. પંખી હોત તો ઉડીને આવી શકાત. એને કોઇ સરહદ નથી નડતી કે એને કોઇ વીઝાની જરૂર નથી પડતી. એ તો સાત સાગર પારથી દરેક શિયાળામાં વગર વીઝાએ અહીં આવી જાય છે અને કલરવ કરી રહે છે. અને પાછા પોતાને સ્થાને જતા પણ રહે છે. દીકરીની જેમ જ.કેવી બાલિશ કલ્પનાઓ મન કરતું રહે છે. જીવનની કેવી વિડંબના છે... જેની સતત રાહ જોવાતી હોય, કાગડોળે પ્રતીક્ષા થતી હોય એ દીકરી પણ જો ધાર્યા કરતા વધુ સમય રહે રહે તો મા બાપને ચિંતા થાય છે. કે દીકરી ને કંઇ પ્રોબ્લેમ તો નહીં હોય ને? અને સમાજને પંચાત થાય..અને કોઇ વળી ઠાવકાઇથી પૂછી પણ લે,

    ” બેન રોકાવાની છે હજુ ? સારું સારું..આ તો મને એમ કે બહુ દહાડા થઇ ગયા તે..... ”

    મને તો એવો ગુસ્સો ચડે છે..! પણ શું થાય ? સમાજ છે. એની માન્યતાઓ છે. ચોક્ક્સ ધારાધોરણો, નીતિનિયમો અને ચોક્કસ માપદંડ છે એના. દીકરી તો સાસરે જ શોભે. સાસરે સુખી હોય કે દુ:ખી...! પરણાવી દીધી એટલે શું દીકરી દુ:ખી હોય તો પણ મા બાપની જવાબદારી નહીં ? ખેર.! હવે જોકે સમય સાથે મૂલ્યો બદલાતા રહે છે. પણ એ બદલાવ એટલો ધીમો અને અમુક ચોક્કસ વર્ગમાં જ છે કે એની વ્યાપક અસર નથી દેખાતી. પહેલાં છોકરીને દૂધપીતી કરતા અને આજે...આજે યે કયાં ફરક પડયો છે ? આજે યે ભ્રૂણહત્યા થતી રહે છે. વિજ્ઞાન હવે તો આગળ વધ્યું છે ને ? એટલે દીકરીના જન્મ પહેલાં જ....દીકરી વહાલનો દરિયો તો અમુક ચોક્કસ વર્ગમાં જ છે. બાકી વ્યાપક રીતે જોઇએ તો આજે યે સમાજ પુત્રીજન્મને કયાં હોંશથી વધાવી શકે છે ?

    પરિવર્તન આવવું જ રહ્યું. કયારે ? ફરીફરીને આ વાત મનમાં ઘૂમતી જ રહે છે.અને હૈયે હોય એ અનાયાસે હોઠે...શબ્દોમાં વારંવાર આવતું રહે એ સ્વાભાવિક છે ને ?

    બસ..મનઝરૂખે સ્મૃતિનો દીપ સમી સાંજના શમિયાણામાં ધીમે ધીમે જલતો રહે છે. પુસ્તકો સદા ની જેમ સાથી બની રહે છે. સારું છે પુસ્તકોને સાસરે નથી જવું પડતું. નહીંતર એ યે માયા મૂકીને ચાલ્યા જાત...અને તો હું શું કરત ? એટલે જ કહ્યું છે કે “books are my never failing friends”

    અત્યારે તો આ નેવર ફેઇલીંગ અગણિત મિત્રોને આધારે જીવન વહી રહે છે. સભર બની રહે છે. અને અંતર દીકરીની ખુશ્બુથી મઘમઘતું રહે છે. “ યાદના દ્રશ્યો હજુયે તરવરે છે આંગણે, સંસ્મરણ, ”સુસ્વાગતમ્ ” થઇ ફરે છે બારણે.”

    હવે તો તારી પ્રતીક્ષામાં..તારા ફોન ની પ્રતીક્ષામાં.. ઇ મેઇલની પ્રતીક્ષામાં..કે ઓફલાઇન મેસેજની પ્રતીક્ષા...કાગળો તો હવે તમે શાના લખો ? જોકે એક કાગળ જરૂર લખ્યો છે..તમે બંનેએ સાથે. જે વાંચતા હું છલકાતી રહું છું. સમય સાથે કેટલું બધું બદલાતું રહે છે...! નથી બદલાતા જીવનના શાશ્વત મૂલ્યો..નથી બદલાતી માનવમનની સંવેદનાઓ.. વેબકેમની આરસીમાં રાત્રે મળીશું ને ?

    આજે દીકરી તો તેના ઘેર ચાલી ગઇ. તેના નવજીવનમાં ગૂંથાઇ ગઇ. ત્યારે આજની વાત..દીકરી માટે નહીં.... મા માટે. દીકરી માટે ગમે તેટલો સ્નેહ, લાગણી, મમતા હોય..તેના નવજીવનમાં અનધિકાર પ્રવેશ કયારેય થાય નહીં. તેના પ્રશ્નો તેને જાતે ઉકેલવા દો.. તે ભૂલ કરે ત્યારે છાવરવાને બદલે તેને તેની ભૂલ પણ બતાવો. તે સાસુની કે ઘરના કોઇ પણ સભ્યની ટીકા કરે ત્યારે ઉત્તેજન આપવાની ભૂલ કયારેય કરવી ન જ જોઇએ ને ? વારંવાર પોતાની પાસે બોલાવવાને બદલે તે તેના સંસારમાં ઓતપ્રોત બની રહે એ જોવાનું દરેક માતા નું કર્તવ્ય છે. ઘરના સભ્યો સાથે નાની નાની વાતમાં ઉશ્કેરાઇને પિયર આવતી દીકરી માટે ગમે તેટલી લાગણી હોય તો પણ તેને પ્રોત્સાહન આપવાને બદલે કડવી દવા મા જ પીવડાવે એ ન્યાયે તેને ન ગમે તો પણ તેની ભૂલ બતાવી તેને પાછી પોતાને ઘેર મોકલવી જ રહી.

    સાથે સાથે દીકરીને ખરેખર સાચો..કોઇ મૉટો પ્રોબ્લેમ હોય તો સમાજની કે આબરૂની બીકે દીકરીને તે હવે સાસરે જ શોભે..એવા શબ્દો કહી તેને જાકારો આપવાની ભૂલ પણ કયારેય ન જ થવી જોઇએ. દીકરીના મનમાં હમેશાં એક શ્રધ્ધા હોવી જ જોઇએ..કે ખરેખર જરૂર પડશે તો માતા પિતા તેને સ્નેહથી આવકારશે જ. માતા પિતાએ દીકરી માટે નીરક્ષીર વૃતિ કેળવી, વિવેક બુધ્ધિ દાખવી, ફકત લાગણીના આવેશમાં તણાયા સિવાય કે સમાજનો ખોટો ડર રાખ્યા સિવાય સંજોગો પ્રમાણે વર્તન કરવું રહ્યું. જેથી દીકરીનો સંસાર ખુશ્બુથી મહેકી શકે.

  • પ્રકરણ - 30
  • પ્રતીક્ષા શબરીની... ભાવવિશ્વની ભરતી, મનમાં છલકતી..દીકરી એ દીકરી... વહાલી ઝિલ, હવે તો સ્મૃતિમંજુષાનો ભીનો દાબડો ખોલી એમાં છૂપાયેલ યાદો ના અંબારને જ માણવાનો રહ્યો. નવા મુલકના ઉંબરે, નવા જીવનમાં, નવી જવાબદારીઓ સંભાળી તારા સાથી..સંગાથી સાથે.. એક અલગ દુનિયામાં..એક અલગ વિશ્વ માં..તારા પોતાના ઘરમાં વિશ્વની બધી દીકરીઓની જેમ તું પણ ઓતપ્રોત બની ગઇ છે. આમાં કંઇ જ નવું નથી..છતાં બધું જ નવું બની રહે છે.. રોજ એક નવો ઉજાસ ઉઘડતો હશે. એક નવી ક્ષિતિજ વિસ્તરતી હશે. એક નવા આંગણમાં મહોરતી હઇશ. ... મા બાપ ના આંગણનો તુલસીકયારો બીજે રોપાઇ ગયો છે. ઇશ્વર, દરેક દીકરીના કયારાને લીલોછમ્મ રાખે.. તારી યાદ સાથે અંતરમાંથી એ પ્રાર્થના સરતી રહે છે.
  • ” અમ કયારાની આ ફૂલવેલી, અમોલી,એ પાંગરજો, જોજો થાયે ના એને અજંપો, ખોટ અમારી એને ન હો.. એ તો જયોતે ઝબુકતી દીવી, દિવેટ એની સંકોરજો.. હૈયાને મૂલે મૂલવજો, ને હેતને ઝૂલે ઝૂલવજો ” સુંદરજી બેટાઇની આ પંક્તિ કેટલી સાર્થક લાગે છે આજે. બેટા, વહાલની આ યાત્રા અહીં પૂરી નથી થતી. વહાલ અને આંસુની ઓળખ દરેક મા, બાપ અને દીકરીની અલગ હોઇ શકે..પણ તેનું ઉદગમસ્થાન...તેનું ગોત્ર તો એક જ હોય છે. હ્રદય...અંતર.. આ ફકત આપણા એકના જ મા દીકરીનું ભાવવિશ્વ નથી. અહીં દરેક સ્રહદયી મા બાપ...એમાં એમની દીકરીનું ભાવવિશ્વ નીરખી શકશે..માણી શકશે..એ શ્રધ્ધા છે..વિશ્વાસ છે. પ્રસંગ અલગ હોય, વાતો અલગ હોય..માહોલ અલગ હોય..પણ એ બધામાંથી છલકતું, ઉઘડતું ભાવવિશ્વ તો એક જ હોવાનું. અહીં આપણે સૌએ વાત્સલ્ય અને વહાલથી છલોછલ કેટકેટલી સંવેદનાઓ સાથે માણી. કુટુંબજીવન ની યાત્રા સાથે મળી ને કરી. દીકરીની વાતોથી ભીંજાયા અને ભીંજવ્યા. દીકરીના વહાલના વારિની મીઠી છાલક ના અમીછાંટણા થી તરબોળ થયા. મનમાં ઉગતી દરેક વાત અહીં એ જ સ્વરૂપે ઠાલવી છે. એક મા ના અંતરની આ આરસી છે. જેમાં અનેક પ્રતિબિંબો ઝિલાયા છે. દીકરી સાથે મોકળા મને કરેલ આ વાતો દરેકને પોતીકી લાગશે તો આશ્ર્વર્ય નહીં થાય. પણ એક સાર્થકતા જરૂર અનુભવાશે.

    જીવનસંધ્યાએ દરેક માતા પિતા પાસે રહે છે..પ્રતીક્ષા...ભીના સંભારણા..ખાટા મીઠા પ્રસંગોની વણઝાર. કયારેક પાછું વળી જોઇ લેવાની ...માણી લેવાની ઝંખના. બાળકો સાથે રહી તેમનો સ્નેહ પામવાની અપેક્ષા. એ અપેક્ષા પૂર્ણ થાય ત્યારે સંતોષ..ખુશી આંખે છલકી રહે...અને પૂર્ણ ન થાય ત્યારે વિષાદ પણ એ જ આંખે જ છલકી રહે છે. એ બે ખારા બુંદમાં માનવમનનો હર્ષ કે ખુશી બંને ચમકી રહે છે.

    “ બંધ લોટામાં જુઓ પૂરાઇ ગયું, ગંગાનું જળ એની ખળખળ લઇ ને.”

    એમ જ લાગણીઓનું જળ પણ મનના પટારામાં ખળખળ કરતું વહી રહે છે. કયારેક બહાર આવીને છલકે છે, કયારેક અંદર જ રહી ને મલકે છે

    સાગરના પેટાળમાં જેમ કંઇ કેટલાયે અણમોલ ખજાના છૂપાયા છે..તે જ રીતે માનવમનના તળિયે પણ સુખ, દુ:ખ, રાગ, દ્વેષ, ભોગ, ત્યાગ, શ્રધ્ધા, વિશ્વાસ, શોક, વિષાદ..એવી અઢળક લાગણીઓ ઢબૂરાઇને પડેલી હોય છે. જીવનસંધ્યા એ તો જાણે એક આખો જમાનો જ ત્યાં સંઘરાઇ ગયો હોય છે. જીવનની નાની નાની પળોને વાગોળવી એને ગમે છે. વીતી ગયેલ આનંદની ક્ષણોને ફરી એકવાર જીવી લેવામાં એને પરિતૃપ્તિનો આનંદ મળે છે. એ ઝંખે છે..કોઇ સાંભળનાર..એના આનંદમાં કોઇને સહભાગી બનાવવું એને ગમે છે.

    જે પુત્ર, પુત્રી ને એણે મોટા કર્યા છે. સ્નેહથી ઉછેર્યા છે..એના જ સુખ, દુ:ખને જીવનભર નજર સામે રાખી એણે પોતાની દિનચર્યા..જીવનચર્યા ગોઠવી છે..ત્યારે હવે પોતે બાળકોના થોડા પ્રેમના...એના થોડા સમયના હકદાર ખરા કે નહીં ? અપેક્ષાઓ શકય તેટલી ઓછી રાખીએ તો પણ આખરે માનવ છીએ. બધી જ અપેક્ષાઓ છોડવી શકય છે ખરી ? બાજુમાં રહેતા કાકાને જોઉ છું ..આજે સાત દિવસથી એમને થોડો તાવ આવે છે. દીકરો રોજ દવા લાવતા ભૂલી જાય છે. નથી લાવવી એવી ભાવના કદાચ નથી...પરંતુ એના વ્યસ્ત જીવનમાં એનો ક્રમ પ્રથમ નથી. બાપે દીકરાને પોતાની દવા લાવવાનું કહેવું પડે છે..યાદ કરાવવું પડે છે. અને આ ઉમરે દરેકની જેમ કાકા નું મન પણ આળુ થઇ ગયેલ છે. દીકરાને યાદ કરાવવું એને ગમતું નથી. એમાં એને લાચારી નો એહસાસ થાય છે. એ જ દીકરો માંદો હતો ત્યારે તેણે કયારેય પિતાને પોતાની દવા લાવવાનું કહેવું પડયું હતું ? ત્યારે પિતા પણ વ્યસ્ત જ હતા ને ?

    અને દીકરો..દીકરી કંઇ પણ કરે માતા પિતા માટે..ત્યારે પોતે જાણે કેટલું યે કરી નાખ્યું હોય..તેવો ભાવ જાગે છે. એક સહજતા નથી હોતી એમાં..શા માટે ? જે સહજતાથી માતા પિતા એ કર્યું છે..એ જ સહજતાથી આજે બાળકો કેમ ન કરી શકે ? આજે કોઇ પુત્ર કંઇ પણ કરે માતા પિતા માટે ત્યારે લોકો કહે છે, ‘ એમનો દીકરો બહુ સારો છે હોં. મા બાપ નું કેટલું ધ્યાન રાખે છે. ! કોઇ માતા પિતા સંતાનનું રાખે ત્યારે કોઇ કેમ નથી કહેતું કે માતા પિતા કેટલા સારા છે..! કેમકે માતા પિતા સારા જ હોય..સંતાન માટે કરતાં જ હોય એ સ્વાભાવિક...સહજ લાગે છે. એટલું જ સ્વાભાવિક પુત્ર માબાપનું ધ્યાન રાખે ત્યારે કેમ નથી લાગતું ?

    હું તો માનું છું.. પુત્રની જેટલી ફરજ છે..એટલી જ પુત્રીની પણ ખરી જ. સંજોગોનો લીધે પુત્રી કદાચ ન કરી શકે..તો એનું દુ:ખ ન હોય. બાકી જે માતા પિતા એ પુત્ર,પુત્રી વચ્ચે કોઇ ભેદભાવ નથી રાખ્યા..બંને ને સમાન અધિકાર આપ્યા છે..તો બંનેની ફરજમાં ભેદભાવ શા માટે ? હકીકતે..ફરજ શબ્દ આવે જ શા માટે ? જયાં લાગણીના તાણાવાણા જોડાયેલ છે..ત્યાં આ બધા શબ્દો મને તો હાસ્યાસ્પદ લાગે છે.

    આજે મન કેવા કેવા વિચારો કરી રહ્યું છે ? એકલા પડેલ મનને ..વિચારોને કયારેય કોઇ બંધનો થોડા નડે છે ?

    ઘણીવાર આજે ભ્રૂણ હત્યા વિશે વાંચુ છું ત્યારે મનમાં એક જ સવાલ જાગે છે. ” શા માટે ? આખરે શા માટે ? ” એના કારણો..ચર્ચાઓ અહીં અસ્થાને છે. પણ આ વહાલપના દરિયાને ગૂંગળાવો નહીં. એને ખીલવા દો..એ ખીલશે અને બીજાને ખીલાવશે. બેટા, દીકરીઓ, તમે કયારેય એમાં સામેલ ન થશો. સ્ત્રી .. સ્ત્રી ની દુશ્મન ન થશો. “ સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન છે..” એ મેણાને..એ કલંક ને તમે નાબુદ કરજો. દીપથી દીપ જલાવી સમાજમાંથી ભ્રૂણહત્યાનું આ દૂષણ દૂર કરવા દીકરીઓ, તમે આગળ નહીં આવો..? એના હેત પ્રીત અનુભવો..મેં ...અમે .. અગણિત લોકો એ માણ્યા છે.. તમે સૌ પણ જરૂર માણો..એમાં નિરાશા નહીં જ મળે.

    “ છલકતું તળાવ,એમ છલકાય ટહુકો, પળેપળને ભીની કરી જાય ટહુકો. ” બેટા, આજે તારા લગ્નને..તારી વિદાયને એક વરસ થઇ ગયું. આ ત્રેવીસ વરસોમાં પહેલી વાર એવું બન્યું છે કે એક વરસથી તને જોઇ નથી.! પણ દરેક વાત કયારેક તો પહેલી વાર જ હોય છે ને ? તું ખુશ છે..એની ખબર છે..તેથી મનને સંતોષ છે. ઇશ્વર તારી ખુશી બરકરાર રાખે..તારી એ ખુશીનો એહસાસ અમે અહીં દૂરથી પણ કરી શકીએ છીએ. શુભમ જેવો મિત્ર, જીવનસાથી મળ્યો છે..એ કંઇ ઓછા નશીબની વાત છે ? બાકી હવે તો રાહ જોવાની... તારા રણકતા ફોનની, તને વેબ કેમેરામાં જોવાની..અને અને રાહ જોવાની તારા આવવાની...અને ત્યારે ફરી એક વાર રચાશે..આપણું ભાવવિશ્વ. ઘણાં બદલાવ સાથે.....

    આ લખતા લખતા આંખો ફરી એકવાર સ્વાભાવિક રીતે જ છલકી રહે છે. અને મનઝરૂખે ગૂંજી રહે છે મધુમતી મહેતાની આ સુંદર પંક્તિ.

    “ કેવડિયાનો કાંટો હો તો કાઢું એને કળથી, ઝળઝળિયાના જળને જુદા કેમ કરશું નયનથી ? ” અરે..અરે..એક મિનિટ....આ ફોન રણકયો...ઓહ..! તું મળવા આવે છે..અહીં આવે છે..એક મહિના માટે.. આ મીઠો સંદેશ કાનમાં કોણ આપી ગયું ? કાલિદાસનો પેલો યક્ષ ? આ ક્ષણે તો આ ફોન જ મારા માટે દૂત બની ને આવ્યો છે. હું બધા વિચારો ભૂલી જાઉં છું..દિલમાંથી બધી વાતો ખરી પડે છે. બસ..કાનમાં એક જ પડઘો અત્યારે ગૂંજે છે..તું આવે છે..મારી દીકરી આવે છે...અરે, ઝિલ આવે છે...! ઉડતા પંખી ને કહું ? વહેતા વાયરાને કહું ? ખીલતી મોગરાની કળી ને કહું ? અનંત આકાશ ને કહું ? દશે દિશાઓને કહું ? ઉગતી કૂંપળને કહું ? વહેતા ઝરણાને કહું ?

    ના...ના...હું તો તુલસીકયારાને સૌ પહેલા કહું છું.! મા, મારી દીકરી..મારી ઝિલ....મારો તુલસીકયારો આવે છે.

    અને હું..એક મા.. તુલસીકયારાને ભાવથી વંદી રહું છું.....એક વાચાળ મૌન સાથે.

    ***