Tunki Vartao in Gujarati Short Stories by Nilam Doshi books and stories PDF | Tunki Vartao

Featured Books
Categories
Share

Tunki Vartao

નિલમદોષીની

ટુંકી વાર્તાઓ

નિલમ દોષી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

  • અનુક્રમણિકા
  • •ઓકે માય સન
  • •મંગલ ત્રિકોણ
  • •માળો
  • •નવું સરનામું
  • •સાવકી મા
  • •શરતનો ભંગ
  • •શાબાશ બેટા...!
  • •તમાચો
  • •અજંપો
  • •બસ હવે નહી
  • •લેખક પરિચય
  • ઓકે માય સન
  • ‘અચલ, ચાલ, જલદી બહાર... સીક્યોરીટી ચેક પહેલા એક વાર પાંચ મિનિટ બહાર જવા દે છે. મમ્મી, પપ્પાને મળી આવીએ. મમ્મીએ ખાસ કહ્યું છે. લગેજ અંદર જાય એટલે બહાર આવીને એકવાર મોઢુ બતાવી જજે. પછી જ તેને શાંતિ થશે. ત્યાં સુધી તે બહાર રાહ જોતી ઉભી જ રહેશે. તેને પગનો દુઃખાવો છે છતાં માનશે નહીં. હું ઓળખું ને તેને ? ચાલ, યાર’
  • કહી નિશાંતે અલયને લગભગ ધક્કો માર્યો. અલયને બહાર જવાનું મન ન થયું. તેની રાહ જોવાવાળુ કોઈ ક્યાં હતું ? બહાર જઈને શું કરે ? પરંતુ અંતર્મુખી સ્વભાવને લીધે મનની વાત આ વીસ વરસોમાં ક્યારેય કોઈને કહી નહોતો શક્યો... આજે કેમ કહે ?
  • નિશાંત તો પોતાની ધૂનમાં મશગૂલ હતો. બહાર મમ્મી, પપ્પા અને બધા પોતાની પ્રતીક્ષા કરતા હશે. અત્યારે એ એક વિચાર સિવાય બીજું કશું તેને સ્પર્શી શકે તેમ નહોતું. પહેલીવાર ઘરથી આટલે દૂર જઈ રહ્યો હતો. તેનો ઓથાર ભીતરમાં છવાયેલ હતો.
  • અલયનો હાથ ખેંચી નિશાંત બહાર નીકળ્યો. અને બહાર આતુરતાથી ઉભેલ મમ્મી, પપ્પાને સબ સલામતના સમાચાર આપવા લાગ્યો.
  • અલય ત્યાંથી થોડે દૂર ખસી ગયો. જાણે સામે પોતા માટે કોઈ ઉભું હોય અને પોતે તેમને ‘બાય’ કરતો હોય તેમ હસીને હાથ હલાવવા લાગ્યો. તેની આંખોમાં જળજળિયા ઉભરાતાં હતાં. માંડ માંડ અંદર છલકતાં પૂરને ખાળી રાખ્યાં હતાં. હજુ ક્યાં સુધી આ દંભનું મહોરું ઓઢીને ઘૂમવાનું હતું ?
  • આંખો કોઈને જોઈ રહ્યાનો ડોળ કરતી હતી પરંતુ તેના કાન નિશાંતની વાત સાંભળી રહ્યા હતા. ‘બેટા, બરાબર ધ્યાન રાખજે હોં. અને જો થેપલા અને બધો નાસ્તો બેગની અંદર નીચે મૂક્યો છે. આટલે દૂર તને મોકલતા જીવ તો જરાયે નથી ચાલતો. પણ તારી બહું ઈચ્છા હતી તેથી ના નથી પાડી શક્યા. બેટા, પરદેશમાં તબિયત સંભાળજે અને કોઈ વાતની ચિંતા કરતો નહીં. પૈસાની ખેંચ રાખતો નહીં. પપ્પાએ બધી વ્યવસ્થા કરી જ લીધી છે. જરાયે મૂંઝાતો નહીં. રોજ દૂધ બરાબર પી લેવાનું ભૂલતો નહીં. તું દૂધ પીવાનો બહું ચોર છે. ત્યાં મમ્મી નહીં હોય. બેટા, હવેથી તારું ધ્યાન તારે જ રાખવું પડશે. તારા વિના ઘર સૂનુ સાવ સૂનું થઈ જશે. અમને કોઈને ગમશે નહીં. તારું ધ્યાન રાખજે હોં... રાખીશ ને ? નહીંતર અમને કેટલી ચિંતા થાય એ તને ખબર છે ને ?’
  • કહેતાં નિશાંતની મમ્મીએ આંસુ લૂછ્યા અને પુત્રને માથે સ્નેહથી હાથ ફેરવી રહી. સૂચનાઓનો સ્નેહભર્યો વરસાદ વરસાવી રહ્યો.
  • ‘અને બેટા, નોકરી જલદી ન મળે તો ચિંતા ન કરીશ. તારો બાપ હજુ બેઠો છે. બધે પહોંચી વળશે. પરદેશમાં પહેલું ધ્યાન તબિયતનું રાખવાનું. પછી બીજું બધું. ત્યાં માંદા પડવું પોસાય નહીં. તેથી ભણવાનું, નોકરી બધું પછી. પહેલી તબિયત...’
  • નિશાંતના પપ્પાએ સ્નેહથી પુત્રને સલાહ આપી.
  • ‘હા, ભાઈ, નોકરી ન મળે ને છોકરી મળશે તો પણ ચાલશે. મમ્મી, હવે તારો દીકરો ત્યાંથી કોઈ ગોરી છોકરી તો નહીં...પણ તારા માટે કોઈ ધોળિયો છોકરો જરૂર શોધી લાવીશ.’
  • કુટુંબમેળાના કંકુછાંટણામાં ભીનીભીની ક્ષણો દોડી રહી. નિશાંતના કાકા, મામા, માસી...બધાનું મોટું ટોળું ત્યાં હાજર હતું.
  • દૂર ઉભા રહીને બધી વાત સાંભળતા અલયની આંખો ભીની બની. પોતાનો તો આવું કહેવાવાળું કોઈ ક્યાં હતું ? પોતે આવું ક્યારેય સાંભળવા ક્યાં પામ્યો હતો ? કુટુંબ એટલે શું એ પૂરું સમજવા કે અનુભવવાની તકથી તે તો હમેશને વંચિત...
  • લાખ કોશિષ છતાં અલયની આંખોમાં શ્રાવણી ભીનાશ તગતગી ઉઠી.
  • સમયનું ભાન થતાં નિશાંત મમ્મી, પપ્પાને પોતાની ચિંતા ન કરવાનું કહી, બધાને પગે લાગી, આશીર્વાદ લઈ અંદર પાછો વળ્યો. તેની બહેને તેના હાથમાં ગુલાબનું ફૂલ અને એક કાર્ડ મૂક્યા. પ્લેનમાં અંદર બેસીને પછી જ ખોલજે. આવજે ભાઈ...
  • કહેતા બેહનનો અવાજ રુંધાયો. બહેનને સ્નેહથી ભેટી નિશાંત ભારે પગલે જલદી જલદી પાછો વળ્યો. અલય તો જાણે નાટકનું કોઈ ભાવસભર દ્રશ્ય જોતો હતો...
  • ‘અલય, બહાર ભણવા જવાનું મન બહું હતું તેથી નીકળ્યો તો છું. પરંતુ મમ્મી, પપ્પા વિના... ગળગળો થઈ ઉઠેલ નિશાંત વાક્ય પૂરુ ન કરી શક્યો. ધીમેથી તેણે ભીની આંખો લૂછી.’
  • અલય નિશાંતના કપાળમાં કરેલ લાલચટ્ટક ચાંદલા સામે જોઈ રહ્યો હતો. કદાચ નિશાંતની મમ્મી કે બહેને શુકન રૂપે કરેલ હશે તે વિચારી રહ્યો. પોતાના કોરાધાકોર કપાળ પર તેનાથી અનાયાસે હાથ ફેરવાઈ ગયો.
  • ‘અરે, અલય, તેં પણ મળી લીધુંને તારા મમ્મી, પપ્પાને ?’
  • ‘હા, હમણાં જ ગયા.’
  • અલયે પોતાન ભીની આંખો ચૂપચાપ લૂછી નાખી.
  • ‘સારું કર્યું. આમ પણ હવે આપણને બહાર નીકળવા નહીં દે.
  • ફ્લાઈટનો સમય પણ થવા આવ્યો છે. જોકે મારી મમ્મીનો સ્વભાવ તો એવો ટેન્શનવાળો છે કે મેં રોકાવાની ના પાડી છે તો પણ મને ખાત્રી છે કે એ હજુ પણ રોકાશે જ. ખબર છે કે હવે હું બહાર આવી શકવાનો નથી. છતાં આપણી ફ્લાઈટ ઉપડશે પછી જ તેને શાંત થશે.’
  • નિશાંત પોતાની ધૂનમાં બોલ્યો જતો હતો. અલય ચૂપચાપ સાંભળતો હતો.
  • ત્યાં તો સીક્યોરીટી ચેકની સૂચના આવતા બંને તે તરફ વળ્યા.
  • બધી વિધિ પતાવી બંને પ્લેનમાં સીટમાં ગોઠવાયા. અલયને બારી પાસે સીટ મળી હતી. નશીબજોગે નિશાંતનો નંબર પણ બાજુમાં જ આવ્યો હતો.
  • મમ્મી, પપ્પા અને ઘરથી છૂટા પડવાના વિરહની વેદનાથી ભીની બનેલી આંખો નિશાંતે લૂછી. અલયે પણ પોતાની ભીની આંખો લૂછી. એ જોઈ નિશાંતે કહ્યું,
  • ‘દોસ્ત, ઘરથી છૂટા પડવું બહું અઘરું છે નહીં ?’
  • અલયે મૌન રહીને ડોકુ ધૂણાવ્યું. શું બોલે તે ?
  • નિશાંતે બહેને આપેલું કવર ખોલ્યું. અંદર સુન્દર મજાનું કાર્ડ હતું. જેમાં ઘરના બધા સભ્યો તથા સગાઓએ શુભેચ્છાના સંદેશ પોતપોતાના હસ્તાક્ષરમાં લખ્યા હતા. નિશાંત સજળ આંખે વાંચી રહ્યો. અલયની નજર પણ કાર્ડમાં સ્થિર થઈ હતી.
  • થોડી ક્ષણમાં પ્લેને પોતાની અંદર બેસેલ અનેક લોકોના વિવિધ શમણાંઓ પોતાની વિશાળ પાંખમાં ભરી અવકાશમાં ઉડાન શરૂ કરી.
  • અલયની નજર બારીની બહાર દેખાતા નાનકડા બનતા જતાં કીડી જેવડા વાહનો... માણસો, મકાનો પર પડતી રહી. ધીમે ધીમે હમણાં બધું અદ્રશ્ય થઈ જશે. બધું દૂર દૂર થતું જતું હતું. જોકે નજીક હતું પણ શું ? ઘરથી, મા બાપથી, મિત્રોથી, પોતાની જાતથી સુદ્ધાં દૂર જ રહ્યો હતો ને ? પોતે ફરી પાછો ક્યારેય અહીં આવશે કે નહીં એ ક્યાં ખબર હતી ? અહીં તેને પ્રતીક્ષા કરવાવાળું કોઈ નહોતું. એક અજાણ ભાવિ તરફ તે જઈ રહ્યો હતો ? કોના માટે ? આ આખી દુનિયામાં તે એકલો હતો ? સાવ એકલો...કોને પોતાનું કહે ?
  • આ કયો અભિશાપ લઈને તે જનમ્યો છે ? સામે દેખાતા અનંત અવકાશને શૂન્ય નજરે તે તાકી રહ્યો. થાકીને થોડીવારે તેણે આંખો બંધ કરી. ત્યાં તો યાદોના અઢળક વાદળો...
  • બહુ નાની વયથી તેને બોર્ડીંગ સ્કૂલમાં મૂકી દેવામાં આવેલ... વરસમાં એકાદ વાર ફોન આવી જતો. બસ... બે મિનિટ વાત થતી. વધારે સમય મમ્મી, પપ્પા પાસે ક્યારેય ન હોય.
  • તેની નજર સમક્ષ નાનકડો અલય...મમ્મી, પપ્પાને કરગરતો...રડતો અલય તરવરી રહ્યો. ‘મમ્મી, પ્લીઝ... મને અહીં નથી રહેવું. મારે ઘેર આવવું છે. હું તમને કોઈને હેરાન નહીં કરું. પપ્પા, પ્લીઝ...મને ઘેર લઈ જાવ...’
  • તે રડતો રહ્યો હતો. મમ્મી, પપ્પા વોર્ડનને કહી રહ્યા હતા.
  • ‘એ તો એની જાતે ટેવાઈ જશે. શરૂઆતમાં થોડું આકરું લાગે.’
  • વોર્ડન તેમની હા માં હા પૂરાવતા રહ્યા હતા. બાળક અહીંથી ન જાય તેમાં જ તેમને રસ હતો. તગડી ફી વસૂલવાની હતી.
  • અલયની આજીજી...કાલાવાલા, આંસુ કશું કોઈને પીગળાવી ન શક્યું... તેને અહીં શા માટે ધકેલી દેવામાં આવ્યો છે તેની સમજણ પણ ક્યાં પડી હતી ? ચાર વરસના શિશુને ફક્ત એટલી જ ખબર હતી કે મમ્મી તેને મૂકીને ચાલી જાય છે. બસ એથી વિશેષ કોઈ ભાન નહોતી. એને એ
  • ભાને એ અબોધ બાળકને ભયભીત કરી મૂક્યો હતો.
  • દિવસે તો રડવાની હિંમત પણ નહોતી. રોજ રાતે નાનકડા અલયની આંખો છલકતી રહેતી. તેને ડર લાગતો. ક્યારેક પથારી ભીની થઈ જતી. અને સવારે વોર્ડનનો ઠપકો. અને બીજા છોકરાઓનું હસવું. તેની મશ્કરી કરવી...
  • અલયના હાથ આ ક્ષણે પણ કાન ઉપર ઢંકાયા... નથી સાંભળવા એ અવાજ... બધાથી દૂર ખૂબ દૂર ભાગી જવું છે. જ્યાં કોઈ તેને ઓળખતું ન હોય.
  • હોસ્ટેલમાં બધા છોકરાઓના મમ્મી, પપ્પાના ફોન આવતા રહેતા. છોકરાઓ દોડીને ભાગતા વાત કરવા માટે. પોતાને કોઈ ક્યારેય ફોન કરતું નહીં. એવો સમય જ ક્યાં હતો મમ્મી, પપ્પા પાસે ? મમ્મી તેની કેરિયરમાં અને પપ્પા પોતાના બીઝનેસમાં...
  • અલયની સૂની આંખો ઘણીવાર ફોનને તાકી રહેતી. ક્યારેક એ પોતાને માટે પણ રણકશે ?
  • પણ...
  • હોસ્ટેલનું એ પહેલું વેકેશન હતું. બધા છોકરાઓના મમ્મી, પપ્પા લેવા આવ્યા હતા. હસતા, રમતા, ખુશ થતા છોકરાઓ લાંબી રજાઓ ગાળવા મા-બાપ સાથે દોડી રહ્યા હતાં. નાનકડો અલય એક તરફ ઉભો ઉભો બધાને જતા જોઈ રહ્યો હતો. તેની આંખોમાં પણ આશાના વાદળો બંધાયા હતા. તેના મમ્મી, પપ્પા પણ હમણાં આવશે... તેને લઈ જશે... પછી તે ક્યારેય અહીં પાછો નહીં આવે. મમ્મીના પાડશે તો પણ પરાણે તે ઘરમાં જ રહેશે. એહીં તેને જરાયે ગમતું નથી. બધા છોકરાઓ તેની મસ્તી કર્યા કરે છે. તે રડે છે તો છોકરી કહીને ખીજવે છે. પણ અલયને રડવું આવે તો તે શું કરે ?
  • સાંજ થવા આવી હતી. સૂર્યદેવતાએ પોતાનું છેલ્લું કિરણ સુધ્ધાં સમેટી લીધું હતું. બધા છોકરાઓ ચાલી ગયા હતા. આછા અન્ધકાર વચ્ચે એક બાળક સાવ એકલું કોઈની પ્રતીક્ષામાં... બેબાકળી નજર આસપાસ ઘૂમતી હતી.
  • ત્યાં...વોર્ડનનો અવાજ તેના કાનમાં અથડાયો હતો. કે તેણે તો વેકેશનમાં પણ અહીં જ રહેવાનું છે. શા માટે ? તે તેને કેમે ય સમજાયું નહોતું. એ પળ... એ સમય અલય ક્યારેય ભૂલી શકે તેમ નથી. વિશાળ મેદાનમાં પાંચ વરસનો એક બેબસ છોકરો એકલો અટૂલો... ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજું કોઈ તેનું ધણી ધોરી નહોતું. આસપાસના વૃક્ષો પણ ઉદાસ... પંખીઓ ગૂપચૂપ પોતાના માળામાં લપાઈ રહ્યા.
  • પાછળથી ખબર પડી કે તેના પપ્પા વધારે ફી ભરીને તેને વેકેશનમાં પણ અહીં રાખવાની સગવડ કરી ગયા હતા. કેમ કે તેઓ બંને વિદેશમાં હતા.
  • પછી તો એવા અનેક વેકેશનો આવ્યા અને ગયા. દરેક વખતે તેના મમ્મી, પપ્પા બીઝી જ હોય. વિદેશમાં હોય કે પછી બીઝનેસમાં વ્યસ્ત હોય. ક્યારેક યાદ આવી જાય તો પપ્પા અલયને વરસમાં એકાદ વાર બે મિનિટ માટે ફોન કરી લેતા. અલય ખાસ કશું બોલી શકતો નહીં. ‘‘ઘેર આવવું છે.’’ એવું પણ નહોતો બોલતો. બોલવાનો કોઈ અર્થ નથી એટલું તે બહું જલદી સમજી ચૂક્યો હતો.
  • મોટો થતાં બીજું પણ ઘણું સમજાયું હતું. પોતાને જન્મ આપીને તુરત મા ઉપર ચાલી ગઈ હતી. અને પોતાને હોસ્ટેલમાં મૂકવાની શરતે આ બીજી મા ઘરમાં આવી હતી. એ સમજથી દુઃખ, ઉદાસી સિવાય કશું મળ્યું નહોતું. એક બાળક મૌન રહીને પરિસ્થિતિનો સ્વીકાર કરતા શીખી ગયો હતો. તે બીજા બાળકો સાથે ખાસ ભળી શકતો નહીં. તેણે કાચબાની જેમ અંગો સન્કોરી લીધા હતા. બીજું તે કરી પણ શું શકે ? બધા પોતાના મમ્મી, પપ્પાની વાતો કરતા. પોતાની પાસે વાત કરવા માટે કશું હતું જ ક્યાં ? તે કોની વાત કરે ? શું વાત કરે ? ઘરના કોઈ અનુભવો હતા જ ક્યાં ? હવે તો ઘરને ભૂલી પણ ગયો હતો. વરસોથી જવા ક્યાં પામ્યો હતો ? ક્યારેક રાત્રિના ઘેરા અન્ધકારમાં મોટેથી રડવાનું મન થઈ આવતું. પણ એ યે ક્યાં શક્ય હતું ? રૂમમાં તે એકલો થોડો હતો ?
  • એકલતાના એ વરસો કેવી રીતે વીત્યા એ પોતાના સિવાય કોણ જાણી શકે ? અને કોઈને જાણવાની ફુરસદ પણ ક્યાં હતી ? થોડો મોટો થતાં પુસ્તકોને તેણે મિત્ર બનાવ્યા હતા. એ મિત્રો ક્યારેય કશું પૂછતા નહીં. મશ્કરી કરતા નહીં. તેના સાથી, સંગી બની રહેતા.
  • એમ જ ભણવાનું પૂરું થતાં તે ઘેર આવ્યો. પોતાની જાતે આવી ગયો. હવે વધારે પૈસા ભરીને પણ રહી શકાય તેમ નહોતું. નહીંતર...
  • તે ઘેર પહોંચ્યો ત્યારે મમ્મી, પપ્પા બહાર ગયા હતા. રાત્રે મોડા આવ્યા હતા. તે રાહ જોતો બેઠો હતો. મમ્મી, પપ્પા ‘‘વેલકમ હોમ’’નો આવકાર આપી પોતાના બેડરૂમમાં ગયા હતા. ‘સી યુ લેટર...માય સન...વી આર ટુ ટાયર્ડ...’ કાલે નિરાંત મળીએ...
  • મમ્મી, પપ્પાને જતાં જોઈને પણ અલયની આંખો કોરીકટ્ટ અંતરમાં એક શૂન્યતા... પણ હવે તે બહાદુર બની ગયો હતો. છોકરીની જેમ રડતો નહોતો.
  • મમ્મી, પપ્પાની એ કાલ...એ નિરાંત ક્યારેય આવી નહીં. ક્યારેક મમ્મી, પપ્પાની અલપઝલપ મુલાકાત થઈ જતી. એટલું જ.
  • જોકે બીજા દિવસે તેના મમ્મી, પપ્પાએ દીકરાના ઘેર આવ્યાની અને પાસ થયાની ખુશાલીમાં શાનદાર પાર્ટી જરૂર રાખી હતી. પરંતુ હકીકતે એ તો એક માત્ર બહાનું હતું. પાર્ટીનું. બાકી એ ફક્ત બીઝનેસ પાર્ટી હતી. એટલું ન સમજે તેવો અબૂધ હવે અલય ક્યાં રહ્યો હતો ?
  • ભણી તો લીધું હવે ? હવે શું કરવું ? કશું સમજાતું નહોતું.
  • અહીં રહીને શું કરવાનું ? અહીં તેનું કોણ હતું ? હવે તો હોસ્ટેલ પણ નહોતી રહી. ઘર તો વરસો પહેલાં છૂટી ગયું હતું. હવે હોસ્ટેલ પણ ગઈ. હવે ત્યાં પણ કોઈ રાખે તેમ નહોતું. બંગલાની બાલ્કનીમાં વહેલી સવારે ઉભા રહીને તેની નજર સામે દેખાતી ફૂટપાથ પર પડી. માની સોડમાં ભરાઈને સૂતેલ એ અર્ધઉઘાડા છોકરાઓની તેને ઈર્ષ્યા આવી. કેવા નશીબદાર છે. ચપટી વહાલ માટે ઝંખવું તો નથી પડતું.
  • પોતે આ દુનિયામાં હોય કે ન હોય. કોને ફરક પડે છે ?
  • ત્યાં તેની સાથે ભણતો નિશાંત અમેરિકા આગળ ભણવા જતો હતો તેવી ખબર પડી. વધુ પડતા અંતર્મુખી સ્વભાવને લીધે મિત્ર તો કોઈ બનાવી શક્યો નહોતો. પણ સામાન્ય ઓળખાણ હતી. તેના મનમાં પણ વિચાર આવી ગયો. પોતે પણ અમેરિકા ચાલી જાય. એક અજાણી દુનિયામાં. જ્યાં તેને કોઈ ઓળખતું ન હોય. પોતાનું કોઈ હોય જ નહીં. જેથી...
  • બધી પીડા પોતીકાઓની જ હોય છે ને ? પારકા તો શું પીડા આપી શકવાના ?
  • એક દિવસ માંડ માંડ થોડીવાર પપ્પા મળી ગયા.
  • ‘પપ્પા, મારે અમેરિકા ભણવા જવું છે.’
  • ‘સારું...ક્યારે જવાનું છે ?’ પપ્પા કોઈ સાથે ફોનમાં વાતો કરતા હતા.
  • ‘બસ...એડમીશન અને વીઝાની વિધિ પતે એટલે તુરત...’
  • ‘ઓકે...ઓકે...થઈ જાય એટલે કહેજે.’
  • બધી વિધિ પતી. વીઝા આવી ગયા. જવાની ટિકિટ પણ આવી ગઈ. થોડી ખરીદી પણ તેણે એકલાએ જ કરી. મમ્મી, પપ્પા પોતપોતાના કામમાં એવા તો અટવાયા હતા કે તેમની પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નહોતી. મંદીનો માહોલ હતો. હરિફાઈ વધી હતી. આખો વખત કંપનીના વિકાસ પાછળ જતો હતો. બાળકના વિકાસની એબીસીડી ન જાણનાર લોકને કંપનીના વિકાસની પૂરી જવાબદારી અને પૂરી જાણકારી હોય જ છે. પૈસા કમાવા કંઈ રમત વાત થોડી છે ? એમાં ગાફેલ રહેવું જરા યે ન પાલવે. એ સત્ય તેમના જેવા બીઝનેસમેન ન જાણે તો કોણ જાણે ?
  • જવાને આગલે દિવસે પપ્પા બે-ચાર મિનિટ માટે એકલા મળી ગયા.
  • ‘પપ્પા, મારી ફ્લાઈટ કાલ રાતની છે.’
  • ઓહ...કાલે રાતે ? કાલે સવારે અમારે તો એક અગત્યની મીટીંગ માટે હૈદ્રાબાદ જવાનું છે. અમારી ફ્લાઈટ તો વહેલી સવારની છે. એની વે...સવારે છૂટા પડીએ કે રાતે...શો ફરક પડે છે ? જવાનું તો છે જ...બરાબર ને ?
  • અલયનું માથું હલી ન શક્યું. કંઈક અંદર સુધી ખૂંચ્યું. છેલ્લી એક આશા પણ ઠગારી નીવડી. કદાચ આજે તો પપ્પા...
  • ‘ઓકે...બેટા, સી.યુ. ગુડ નાઈટ એન્ડ ટેક કેર...હેપી જર્ની...ડ્રાઈવર એરપોર્ટ પર છોડી દેશે. ચાલ, હવે સૂવું જ પડશે...કાલે સવારની વહેલી ફ્લાઈટ છે.’
  • બાય બેટા...
  • વરસો પછી કદાચ અલયે બેટા શબ્દ સાંભળ્યો.
  • અલયના મોમાંથી બાય શબ્દ કેમેય ન નીકળી શક્યો. તેની આંખ ઉભરાણી...
  • અકાદ ક્ષણ પપ્પાએ તેની સામે જોયું.
  • ‘અરે, બેટા આમ છોકરીની જેમ ઢીલા થોડું થવાનું હોય ? યુ શુડ બી અ સ્ટ્રોંગ મેન...ત્યાંથી આવીને તારે તો પપ્પાની આખી કંપની સંભાળવાની છે. આટલા વરસો આ બધી મહેનત કોને માટે કરી છે ? યુ આર અવર ઓનલી ચાઈલ્ડ...માય બોય...’
  • પપ્પા અલયની નજીક આવ્યા. પહેલીવાર કદાચ તેને માથે હાથ ફેરવ્યો.
  • ઓકે...માય સન...?
  • ‘ઓકે...’ અલયના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે નહીં તેની ખબર તેને પણ ન પડી. પપ્પાનો એ પહોલો ને કદાચ છેલ્લો સ્પર્શ ? અને પપ્પા સૂવા ગયા.
  • ફરી એકવાર અલય મૌન રહીને પપ્પાને જતા જોઈ રહ્યો. તે ક્યાંય સુધી ત્યાંજ બેસી રહ્યો. પપ્પાના શબ્દો કાનમાં પડઘાતા રહ્યા. ‘ઓકે...માય સન ?’
  • તેને ચીસો પાડીને કહેવાનું મન થઈ આવ્યું. ‘નો...પાપા...નથીંગ ઈઝ ઓકે... નથીંગ ઈઝ ઓકે... ક્યારેય કશું ઓકે નહોતું...કશું નહીં.’
  • પણ શબ્દો ગળામાં જ રૂંધાઈ રહ્યા.
  • આ ક્ષણે પણ... અંદર જતા પપ્પા...
  • અને તેના પડઘાતા શબ્દો... ‘ઓકે...માય સન...?’
  • અલયની આંખે બે બુદ તગતગી રહ્યા.
  • નિશાંતે ધીમેથી અલયનો ખભો થપથપાવ્યો.
  • ‘મમ્મીની યાદ આવે છે ને ? દોસ્ત, આપણે મક્કમ થવું જ રહ્યું. નહીંતર આપણા મમ્મી, પપ્પાને કેવું દુઃખ થાય ? મને પણ ઘરની યાદ તો આવે છે. પણ...એક ભવિષ્યની આશામાં નીકળ્યા છીએ. બસ મમ્મી, પપ્પાના સપના પૂરા થાય અને આપણે તેમને ખૂબ સુખી કરી શકીએ એટલે બધું વસૂલ...’
  • ગળગળા થઈ ગયેલ નિશાંતે પોતાની આંખ લૂછી...
  • અલયની આંખો ન જાણે કેમ ધોધમાર વરસી પડી.
  • થોડીવારે અલયે બારીમાંથી નીચે જોયું તો રાત પડી હતી. ઘનઘોર અંધકાર છવાયો હતો. પરંતુ નીચે ટમટમતા લાખો દીવડાઓ પણ દેખાતાં હતાં.
  • મંગલ ત્રિકોણ
  • ‘શચી, હવે તને નથી લાગતું કે...’
  • શચીની આંખોમાં જોતો શુભમ એકાદ ક્ષણ અટક્યો.
  • ‘શું નથી લાગતું મને ?’
  • કે આપણને કોઈ મમ્મી, પપ્પા કહીને બોલાવવા વાળુ હોવું જોઈએ ?
  • ‘શુભમ, લગ્ન પહેલાં જ આપણી વચ્ચે આ વાત થઈ ગઈ હતી.’
  • ‘હા, થઈ તો હતી. પરંતુ વિચારો. માન્યતાઓ સમયની સાથે બદલાતા પણ હોય છે.’
  • ‘બદલાતા હશે. હજુ સુધી મારા નથી બદલાયા. બદલાશે ત્યારે કહીશ.’
  • અને ન બદલાય તો ?
  • ‘તો શો ફરક પડે છે ? આપણે ખુશ છીએ.’
  • ‘આપણી ખુશી એક ભ્રમ જેવી તો નથી ને ?’
  • ‘હું કોઈ ભ્રમમાં જીવતી નથી. અને બાળકની ઝંખના થાય તો સ્ત્રીને થાય. મને થાય. તું કેમ આટલો...?’ પુરુષને પિતૃત્વની ઝંખના નથી હોતી એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? શાસ્ત્રની મને ખબર નથી. પરંતુ લગ્ન પહેલાં જ મેં આ વાત બહું
  • સ્પષ્ટ કરી દીધી હતી કે મારે માટે મારી કેરિયર વધારે મહત્ત્વની છે. મને બાળકની કોઈ ઝંઝટમાં રસ નથી.
  • ‘બાળકને તું ઝંઝટ કહે છે ? એક સ્ત્રી થઈને ?’
  • ‘એમાં તને આઘાત કેમ લાગે છે ? આપણે પ્રેમમાં પડ્યા ત્યારે તો મારી આ વાત પર તું ખુસ થયેલ...કે શચી, તું બધી સ્ત્રીઓ કરતાં કંઈક અલગ જ છે. અને તારી આ અલગતા જ મને આકર્ષે છે.’
  • ‘મેં પહેલાં જ કહ્યું ને કે માનવીના વિચારો બદલાતા રહે છે.’
  • અને શચી, હવે આપણી પાસે પૈસાની કોઈ કમી નથી. તું નોકરી ન કરે તો ન ચાલે ? આપણું ઘર એક શિશુની કિલકારીથી ગૂંજી રહે. એક મંગલ ત્રિકોણ રચાઈ રહે. એવી ઈચ્છા તને નથી થતી ?
  • શુભમના અવાજમાં એક ભાવુકતા ભળી.
  • ‘કમનશીબે નથી થતી. આવી મોભાવાળી નોકરી છોડવાનું તો હું સપનામાં પણ ન વિચારું. અને માતા બને તો જ પૂર્ણ સ્ત્રી ગણાય. એ બધામાં હું માનતી નથી. એની તને ખબર છે જ.’
  • તારો આ ફાઈનલ નિર્ણય છે ?
  • મારા નિર્ણયો હમેશા ફાઈનલ જ હોય એ તું ક્યાં નથી જાણતો ? અને પ્લીઝ હવે આ ચર્ચા આપણે અહીં જ બંધ કરીએ તો સારું. આમ પણ મને ઉંઘ આવે છેે. કાલે સવારે બોર્ડમીટીંગ છે. વહેલું જવાનું છે. ગુડનાઈટ. અને શચીએ પડખું ફેરવ્યું.
  • મનોમન અકળાતો શુભમ આખી રાત પડખા ઘસતો રહ્યો. તેને તો હતું કે લગ્ન પછી શચી બદલાશે. તેના વિચારો બદલાશે. અત્યારે ભલે ગમે તે કહે પરંતુ આખરે શચી એક સ્ત્રી છે. અને કઈ સ્ત્રી માતૃત્વની ઝંખનાથી વંચિત હોય છે ? પરંતુ પોતાની માન્યતા ખોટી પડી. લગ્નના પાંચ વર્ષ પછી પણ શચી...
  • રાત આખી ખરતી રહી... મતભેદ ધીમે પગલે મનભેદમાં બદલતા રહ્યા. જેને અમિટ માન્યો હતો તે પ્રણયનો રંગ ફિક્કો લાગવા લાગ્યો હતો. શચીને થતું હતું કે શુભમનું એક પતિમાં રૂપાંતર થઈ રહ્યું છે. બંનેની દ્રષ્ટિ બદલાતી ગઈ. ખૂબીઓ ખામીમાં પલટતી ગઈ. એકમેકની ટીકાઓ... અંતહીન આક્ષેપો... અને રાઈનો પર્વત...
  • બીજા બે વર્ષ કોઈ સમાધાનની આશામાં નીકળી ગયા. પરંતુ હવે બંને થાક્યા હતા.
  • અંતે સાથે રહીને સહન કરવા કરતાં અલગ થઈને સુખી થવું વધારે સારું છે. મિત્રભાવે છૂટા પડી શકાય એ વિચાર બંનેના મનમાં ઘોળાતો રહ્યો. બંને એજ્યુકેટેડ હતા. એકવીસમી સદીના વિચારોથી રંગાયેલા હતા. દરેકને પોતાની રીતે સુખી થવાનો હક્ક છે. એ દ્રઢ રીતે માનતા હતા. તેથી છૂટા થવામાં ખાસ કોઈ પ્રોબ્લેમ નડશે નહીં તેની બંનેને જાણ હતી જ. આખરી નિર્ણય કેમ લેવો. ક્યારે લેવો તેની અવઢવ બંનેના મનમાં હતી.
  • ત્યાં શુભમને કંપનીના કામે કેરાલા જવાનું થયું.
  • શચી, મારે ચાર દિવસ કેરાલા જવું પડે તેમ છે. તું આવી શકીશ મારી સાથે ?
  • એકાદ ક્ષણ શચી શુભમ સામે જોઈ રહી.
  • ઓકે... ચાલ, ફરી એકવાર... અતીતની એ યાદોને ઉજાગર કરી લઈએ... ફરીથી આ પળો જિંદગીમાં મળે કે ન મળે...
  • શચી જીવનમાં પહેલીવાર કદાચ થોડી ભાવુક બની હતી.
  • હવે અલગ થવાનું છે. અને એ પળ ધારતા હતા એટલી આસાન કદાચ ન પણ બને. એમ બંનેના મનમાં ઉગી આવ્યું હતું. છેલ્લીવાર સાથે રહી મિત્રોની માફક અલગ પડવું એ ભાવના બંનેના મનમાં ઘૂમરાતી હતી.
  • વર્ષો પહેલાં હનીમુન માટે કેરાલા જ આવ્યા હતા. તે રમણીય દિવસોની મધુર સ્મરણઓથી બંને છલકાયા હતાં. પરંતુ આ એક ક્ષણિક આવેશ માત્ર હતો. એ પણ જાણતા હતા. સમય જતાં ફરીથી પેલો યક્ષપ્રશ્ન ઉભો થવાનો જ. અને વારે વારે યાતના સહન કરવા કરતાં એક ઘા ને બે ટુકડા જ સારા. હવે અલગ થવાના નિર્ણયમાં કોઈ મીનમેખ નહીં જ.
  • મનમાં યાદોના અનેક મોજા ઉછળતા રહ્યા. અને સાથે પાણીમાં ભીંજાતા બંને ઘૂઘવતા મોજા સાથે પાણીની છાલકથી એકમેકને ભીંજવી રહ્યાં.
  • ત્યાં ત્યાંજ ક્ષણવારમાં કોપાયમાન કુદરતનું ત્રીજું નેત્ર ખોલ્યું કે શું ? શું થયું એ સમજાય એ પહેલાં તો પળવારમાં સેંકડો માણસોની સાથે સાથે શુભમ અમે શચી પણ ક્યાંય ફેંકાઈ ગયા. બંને થોડીવાર તો ઝઝૂમી રહ્યા. પરંતુ પાણીના પ્રચંડ પ્રવાહ આગળ લાચાર...
  • બંનેએ એકબીજાના હાથ સખત રીતે પકડી રાખ્યા હતાં પાણીના જોર આગળ તેઓ સમતુલન તો ન જાળવી શક્યા. પણ કુદરતની કરામતની જેમ કે કોઈ ચમત્કારની માફક બંનેના હાથના આંગળા મડાગાંઠની જેમ ભીડાયેલા જ રહ્યા. સુનામીના ભયંકર તોફાને તેમને ક્યાંય ફેંકી દીધા હતા.
  • શુભમને ભાન આવ્યું ત્યારે એક ઝાડમાં બંને અટવાઈને પડ્યા હતાં. ક્યાં...ક્યારે...કેવી રીતે...કેટલો સમય થયો ? પ્રશ્નો બધા નિરુત્તર હતા. બાજુમાં જ શચી પણ અર્ધબેભાનાવસ્થામાં કણસતી હતી. ધીમે ધીમે મનોબળ મક્કમ કરી શુભમ બેઠો થયો. શું થયું હતું એ યાદ કરવાનો પ્રયત્ન કર્યો.
  • તે ધ્રુજી ઉઠ્યો. ઓહ ! આભને આંબતા ઉછળતા પાણીની થપાટો... તે અને શચી જાણે હજુ યે ગબડતા હતા. ખેંચાતા હતાં. તેણે શચીને જોશથી હલબલાવી.
  • ‘શચી...શચી...’
  • શચીના દર્દભર્યા ઉંહકારા ચાલુ હતાં. પણ તે ઉંહકારા પણ આ ક્ષણે તો કેવા વહાલા...! શચી જીવંત હતી... તેનો એહસાસ મનને સાંત્વન આપતો હતો. પણ હવે શું કરવું ? તેઓ ક્યાં હતા ? શુભમ ધીમેધીમે ઉભો થયો. ચારે બાજુ મોતના તાંડવના તોફાનના ચિન્હો નજરે પડતા હતાં. પોતે કેટલા સમયથી અહીં હતા તે પણ ખબર નહોતી. હાથમાંથી ઘડિયાળ ક્યાંક નીકળી ગયું હતું. અત્યારે તો એક માત્ર વિચાર...
  • શચીને ભાનમાં કઈ રીતે લાવી શકાય ? અંતઃસ્તલમાં અત્યારે એક જ પોકાર શચી...શચી...શચી...
  • શુભમે આસપાસ નજર ફેરવી. ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું. વચ્ચે નાનકડા ગામડા જેવી કોઈ ટાપુ જેવી જગ્યાએ પોતે પહોંચી ગયા હોય તેવું લાગ્યું. આજુબાજુ થોડા ભાંગેલા-તૂટેલા ઝૂંપડાના અવશેષો દેખાતા હતા. પરંતુ ક્યાંય કોઈ વ્યક્તિના ચિન્હો નજરે નહોતા પડતા. હવે શું કરવું ? તે મૂંઝાઈ રહ્યો. શચીની ચિંતાથી આંખ છલકી ઉઠી હતી. આપોઆપ ઈશ્વરને બે હાથ જોડાઈ ગયા. આંખો બંધ થઈ. અને કોઈ શબ્દો વિનાની પ્રાર્થના સરી રહી.
  • થોડીવારે તેની આંખો ખૂલી. બે ચાર મિનિટ એમ જ શચી સામે જોઈ રહ્યો. પછી અચાનક તેણે પાગલની જેમ જોરથી શચીને હચમચાવી. અને... અને... જાણે ચમત્કાર... શચીની આંખો ખૂલી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો કે શું ? શચીને કશું સમજાતું ન હતું. તેની ચકવકળ દ્રષ્ટિ ચારે તરફ ફરી રહી. શુભમ સામે પણ જોઈ રહી. જાણે ઓળખવાનો પ્રયત્ન કરી રહી. શુભમે ફરીથી તેને હલબલાવી.
  • શચી, હું છું... શુભમ... તારો શુભમ... ડર નહીં.
  • શચીની આંખોમાં હવે ઓળખાણ ઉતરી આવી. તે શુભમને જોશથી વળગી પડી...
  • બંને એકબીજાની હૂંફમાં ક્યાંય સુધી મૌન પડી રહ્યા. વચ્ચે શચીના હીબકા ચાલુ હતાં. શુભમ વહાલભર્યા સ્પર્શથી તેને સાંત્વન આપવા મથતો હતો. શબ્દો અત્યારે વામણા બની ગયા હતાં. કુદરતના કોપ આગળ બંને બધું ભૂલીને એકરાર થઈ ગયા હતાં. ફક્ત વહાલનું... પ્રેમનું સામ્રાજ્ય ત્યાં છવાયેલું રહ્યું. સમય જાણે થંભી ગયો હતો.
  • અચાનક ક્યાંકથી નાના બાળકનો રડવાનો અવાજ જોરશોરથી તેમના કાનમાં અથડાયો. બંને ચોંકી ઉઠ્યાં અહીં આ અવાજ શેનો ? ભાવસમાધિ તૂટી. આ ભ્રમ છે કે શું ? ના, નાના બાળકનો રડવાનો અવાજ ક્રમશઃ મોટો થતો જતો હતો. શુભમ સફાળો ઉભો થયો. શચી પણ તેની પાછળ ઘસડાતી ચાલી. તેનું શરીર અનેક જગ્યાએ છોલાયું હતું. છતાં પોતાનું દર્દ ભૂલી બંને અવાજની દિશામાં ગયા.
  • ‘‘સર્જન ને સંહાર ઉભા હારોહાર,
  • અનંતને દરબાર...’’
  • ની જેમ, એક ભાંગેલ તૂટેલ ઝૂંપડાની વચ્ચે નાનકડું બાળક હાથ હલાવતું રડી રહ્યું હતું. કુદરતે તેના પરમ પાવક સર્જનને જાણે ટિટોડીના ઈંડાની જેમ બચાવી લીધું હતું. તેમણે આસપાસ જોયું. કોઈ જ દેખાયું નહીં. કદાચ આ તોફાનમાં આ અભાગી બાળકના માતાપિતા ક્યાંક તણાઈ ગયા હતા. જે હોય તે. અત્યારે એ બધું વિચારવાનો સમય ક્યાં હતો ?
  • શચીએ ધીમેથી બાળકને ઉપાડ્યું... અને શાંત કરવા પ્રયત્ન કરવા લાગી. રડી રડીને બાળક કદાચ થાક્યું હતું. શચીના ખોળાની હૂંફ મળતા જ તેની છાતીમાં તે પોતાનું નાનકડું મોં નાખવા લાગ્યું. કદાચ હવે તેને અહીં દૂધ મળશે... પણ...! શચી સ્તબ્ધ થઈ ગઈ. બાળકની ભૂખને તે સમજી...પણ તે લાચાર બની ગઈ. તેના દિલમાં વાત્સલ્યનું...કરૂણાનું ઝરણું વહી રહ્યું હતું. પણ લાચાર શચી શું કરે ? તેની કુંવારી છાતીમાં દૂધ ક્યાંથી લાવે ? નાનકડા શિશુનો અપરિચિત સ્પર્શ...શચીના તન, મનને રણઝણાવી રહ્યો. મનમાં આ કઈ સંવેદનાના પૂર ઉમટતા હતા ?
  • શચી આઘી ખસી ગઈ. જાણે ક્યાંક શુભમ પોતાના ખોળામાંથી આને લઈ લેશે તો ?
  • શુભમ સ્તબ્ધ...
  • શચી, તું અહીં જ બેસ. ત્યાં હું આસપાસમાં કશું મળે તો તપાસ કરું. ભુખ લાગી છે ને ?
  • શચીએ મૌન રહીને માથુ હલાવ્યું. રખેને અવાજ થાય અને શિશુ જાગી જાય તો ? અત્યારે તો રડી રડી ને... થાકીને બિચારું ભૂખ્યું... તરસ્યું જ શચીના ખોળામાં સૂઈ ગયું હતું. પણ કેટલી વાર ? જાગશે એટલે પાછું ભૂખથી રડશે... શું કરવું ?
  • શુભમ બહાર નીકળ્યો. આસપાસ થોડા ભાંગ્યા તૂટ્યા ઝૂંપડાઓ દેખાયા. પરંતુ સઘળું નિર્જીવ. આસપાસ ક્યાંય કોઈ ચેતનનો સંચાર નહીં. નરી ભૂતાવળ... ચારે તરફ તોફાનની... વિનાશની દાસ્તાન... શુભમના હૈયામાં આ અવશેષો જોઈ હાહાકાર મચ્યો હતો. હવે ? હવે શું કરવું ? આસપાસ ભટકતો રહ્યો. ક્યાંયથી કશું મળી જાય ? જીજીવિષા જાગૃત હતી. સામે નાનકડા શિશુ અને શચી બંનેનો ચહેરો દેખાતો હતો. આ ક્ષણે જીવવું ને જીવાડવું એ જ એક માત્ર ધ્યેય રહ્યું હતું. તેને પણ હાથે-પગે ઉઝરડા પડ્યા હતાં. શરીર આખું તૂટતું હતું. ફક્ત વીલપાવર... મનોબળના જોરે જ બાળકને ગમે તેમ કરીને બચાવવાનું છે એ એક જ ભાને તે ઝઝૂમતો હતો.
  • અચાનક તેનું ધ્યાન ગયું સામે ગયું. તેણે જોયું કે ઝાડની વચ્ચે કાદવમાં નાળિયેર રખડતા પડ્યા હતા. તેની આંખો ચમકી. દોડીને તેણે એક નાળિયેર ઉપાડ્યું. ઓહ...યસ પાણીથી ભરેલ અમૃત સમાન નાળિયેર હતાં. કુદરતે જાણે તેના માટે જ ગોઠવણ કરી રાખી હતી.
  • હાથમાં જાણે અણમોલ ખજાનો આવી ગયો હોય તેમ નાળિયેર પકડીને શચી પાસે ગયો. ઉત્સાહથી કશુંક બોલવા જતો હતો. ત્યાં શચીએ નાક પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા ઈશારો કર્યો. શુભમ તો શચીનું આ વણદીઠું રૂપ જોઈ જ રહ્યો. શચીના ખોળામાં બાળક હૂંફ મેળવી ઘસઘસાટ ઉંઘતું હતું. શુભમે થોડે દૂર જઈ પથ્થર પર નાળિયેર પછાડી કોપરું કાઢ્યું. થોડું શચીને ખવડાવ્યું. થોડું પોતે પણ ખાધું. બાળક જાગે ત્યારે ટીપેટીપે તેને પીવડાવી શકાય. બંને એકબીજા સામે જોઈને હસી રહ્યા. આવું નિર્ભેળ... મુક્ત હાસ્ય કદાચ પ્રથમ વાર જ...
  • પછી તો આજુબાજુમાંથી દૂરદૂરથી જેટલા મળ્યા એટલા નાળિયેર શુભમે એકઠા કર્યા. દુનિયામાં આનાથી વધારે મોટું, વધારે સારું કોઈ કામ જ ક્યાં હતું ? નાળિયેર મળતાં તે ખુશખુશાલ થઈ જતો. આવી ખુશી તો પહેલું પ્રમોશન મળેલ ત્યારે પણ નહોતી અનુભવી. શચી પણ તેની આ ખુશીમાં સામેલ બની રહી. બધા નાળિયેર તેણે ભેગા કરી લીધા. એક તૂટેલા ઝૂંપડામાં થોડું સરખું કરી, થોડો આધાર મેળવી બંને બેઠા.
  • નાળિયેર ખાતા ખાતા બંને એકબીજા સામે જોઈ હસી પડ્યા. આંખમાંથી અશ્રુની ધાર અને બંને હસતા હતા. થોડી વારે બાળક જાગ્યું ને ભૂખ શમવાની ચેષ્ટા નિષ્ફળ જતા રૂદન શરૂ કર્યું. શુભમે રૂમાલ નાળિયેરના પાણીમાં બોળી શચીને આપ્યો. ધીમે ધીમે ટીપું ટીપું પાણી બાળકના મોમાં રેડતી રહી. થોડી આનાકાની પછી બાળકે જાણે તે સ્વીકારી લીધું. તે પણ કુદરતને પરિસ્થિતિને અનુકૂળ થઈ ગયું. થોડું પાણી પેટમાં જતા બાળક શચીને વળગી ખિલખિલાટ કરતું હસી ઉઠ્યું. શચી તો જાણે ન્યાલ થઈ ગઈ. નિતાંત નવો જ અનુભવ... મખમલી સ્પર્શ...
  • બંને જાણે બધું વિસરી ગયા હતાં. આના સિવાય દુનિયામાં કંઈ હતું જ નહીં. કોઈ સંતાપ નહી, દુઃખ નહીં, ચિંતા નહીં, મનની પળોજણો નહી. નિર્ભેળ સુખ, સંતોષ... અહીં કોઈ સગવડતા નહોતી. ખાવાપીવાનું નહોતું. કંઈ જ નહોતું. છતાં બધું બધું જ હતું.
  • તે રાત ત્રણેએ એકબીજાની હૂંફમાં કાઢી. શચી બાળકને પોતાની હૂંફમાં લઈ સૂતી. બહું ધીમે કંઈક ગણગણતી રહી. હાલરડું તો તેને ક્યાંથી આવડે ? પણ હાલરડાની મીઠાશ તો હતી જ. શુભમ તો સાવ જ આશ્ચર્યચકિત શચીનું આ તદન અજાણ્યું સ્વરૂપ તેને શાતા આપી રહ્યું હતું. તેની આંખોમાં ખુશી છલકી હતી. શચીનું તો શિશુ સિવાય બીજા કશામાં થ્યાન જ ક્યાં હતું ?
  • બીજે દિવસે સવારે ફરી નાળિયેર ને એ જ ક્રમ. નાળિયેરને સહારે પેટની ભૂખને એકબીજાની હૂંફમાં મનની અલૌકિક શાંતિ. જેનો અનુભવ જિંદગીમાં કદાચ પહેલીવાર થઈ રહ્યો હતો. કેટલી ઓછી જરૂરિયાત વડે પણ જિંદગી ચાલી શકે છે. એનો અહેસાસ જાણે બંનેને થતો હતો. મૃત્યુનો અનુભવ કરીને બંને નવજીવન પામ્યા હતા. જીવનનું ઘણું સત્ય અનાયાસે વગર બોલ્યે પામ્યા હતા. કોઈ ફરિયાદ, કોઈ ટીકા, કોઈ દોષારોપણ, કોઈ દોડાદોડી કંઈ જ નહોતું. દોડીદોડી ને હાંફી ગયેલ સમય થોડી વાર થાક ખાવા થંભી ગયો હતો. પરમ શાંતિ અને સંતોષનો આ આહલાદક અનુભવ નવો જ હતો. બાળક પણ જાણે તેમને અનૂરૂપ થઈ ગયું હતું. ચમત્કાર જો દુનિયામાં થતા હોય તો આ પણ એક ચમત્કાર જ હતો ને ?
  • શચી તો જાણે સદીઓથી બાળકની મા જ હતી...તે બાળકને ઝૂલાવતી...હસાવતી, આવડે તેવા હાલરડા ગાતી. સુવડાવતી, ઉછાળતી. તેની સાથે હસતી. તેને સાફ કરતી. બાળકમાં તેના કિલકિલાટમાં તે ઓતપ્રોત થઈ ગઈ હતી. કોઈ તકલીફ તો યાદ પણ ક્યાં આવતી હતી ?
  • આખરે બે દિવસ બાદ... કંઈક હલનચલન થતું દેખાયું. સરકારી મદદ આવી પહોંચી હતી. અંતે સહીસલામત પોતાને ઘેર પહોંચ્યા ત્યારે તેઓ બે જ નહોતા, સાથે નાનકડું બાળક પણ હતું. સરકારી રેકોર્ડ મુજબ તેના માતા પિતા આ તોફાનમાં ક્યાંક મૃત્યુ પામ્યા હતા. ને બીજું કોઈ સગુ તેનો કબજો લેવા આવ્યું નહીં. તેથી શુભમે બધી જરૂરી કાનૂની વિધિ પતાવી. બાળકને શચીના ખોળામાં મૂક્યું. ત્યારે ત્યાં રચાયો હતો. એક મંગલ ત્રિકોણ...
  • અને અને પેલા છૂટાછેડા... ને એ બધું શું ? એ બધું શું હતું ? એ તો બેમાંથી કોઈને યાદ પણ ક્યાં હતું ? ક્યાંથી સંભળાઈ રહ્યું હતું,
  • ક્યાંક મળવું, ક્યાંક હળવું, ક્યાંક ઝળહળવું હવે...
  • ક્યાંક લીલા ત્રુણનું ખડક તોડી પાંગરવું હવે...
  • માળો
  • ઈરા અકળાતી હતી. બારી જરાક ખૂલી નથી કે ઘરમાં આતંકનું વાતાવરણ જામ્યુ નથી. આ કબૂતર પણ હાથ ધોઈને તેની પાછળ પડ્યા છે. તણખલા વીણી વીણીને વારે વારે ઘરમાં આવતા રહે છે. આખો દિવસ તેની પાછળ દોડાદોડી કરી કરીને થાકી જવાય છે. એક જગ્યાએથી કાઢે ત્યાં બીજી જગ્યાએ પહોંચ્યા જ હોય. પૂરા ત્રાસવાદી બની ગયા છે.
  • ઈરાના ઘરમાં કબૂતરનો ખૂબ ત્રાસ હતો. આમ તો આજુબાજુવાળા બધાની પરિસ્થિતિ સરખી હતી. પરંતુ તેઓ હમેશા બારીઓ બંધ જ રાખતા હતા. જ્યારે ઈરાને બારી બારણા બંધ રાખવાથી ગૂંગળામણ થતી હતી. અને ખોલવાથી આ અકળામણ... શું કરવું તે તેને સમજાતું નહોતું. ઘર બંધિયાર બની ગયું હતું. આ તે ઘર છે કે કબૂતરખાનું ? કબૂતરના ત્રાસથી તે હવે થાકી હતી. કબૂતરોએ ઘરમાં આતંક મચાવી રાખ્યો હતો.
  • ઘર સાફ કરી કરીને પણ હવે તે થાકતી હતી. કબૂતરની પાંખોના ફફડાટ સાથે જ ઈરા આખી ફફડી ઉઠતી. માળો બનાવવા માટે એક પોતાનું જ ઘર મળ્યુ હતું ? તક મળતા જ કોઈ ઘૂસણખોરની માફક ઘરમાં ઘૂસીને ઘૂ, ઘૂ ચાલુ થઈ જ જાય. ચાંચમાં બે ચાર તણખલા વીણી લાવેલ હોય તે કબાટ ઉપર મૂકવા માટે આવ, જા કર્યા કરતા હતા. પોતે શું તેની આગળ પાછળ ઘૂમાય કરવાનું ? કબાટ પરથી ઉડાડે તો માળિયા ઉપર, ફોટાઓ પાછળ, જગ્યાઓની તેમને ક્યાં ખોટ હતી ?
  • જગ્યાની ખોટ તો પોતાને હતી. છેલ્લા બે મહિનાથી ઘર શોધવાના તેમના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા. આમ ને આમ સમય ચાલ્યો જતો હતો. મકાન માલિકે આપેલી મુદત પૂરી થવાને બહું વાર નહોતી. અને ક્યાંય ઠેકાણુ પડતું નહોતું. હવે તો નાનુ તો નાનુ પણ ઘરનું ઘર જ લેવાનું નક્કી કરી નાખેલું. થોડી બચત હતી. અને થોડી લોન લઈ લેવાશે. પણ હવે ક્યારેય ખાલી ન કરવું પડે, બદલવું ન પડે એવું ઘર, પોતાનું ઘર જ જોઈએ.
  • બે મહિના પછી આવનાર નવજાત શિશુનું સ્વાગત નવા ઘરમાં જ કરવું છે. બાળકના આગમન પહેલા બધું થઈ જવું જોઈએ. પછી તો સમય ક્યાં મળવાનો હતો ? પણ ક્યાંક બજેટ વધી જતું હતું. ક્યાંક એરીયા સારો નહોતો. ક્યાંક બહું દૂર હતું. કોઈને કોઈ પ્રોબ્લેમ ઊભા જ રહેતા હતા. છેલ્લા બે મહિનાથી રવિવાર આખો ઘર શોધવામાં જતો હતો.
  • આજે પણ રથિન સવારથી નીકળી ગયો હતો. આમ તો પોતે પણ સાથે જતી. પરંતુ આજે થોડું તાવ જેવું હતું. આ અવસ્થામાં તાપમાં રખડવાની રથિને ના પાડી હતી. એકવાર રથિન જોઈ આવે, તેને ગમે, કશું નક્કી થાય તો પછી પોતે જોઈ આવશે તેમ મન મનાવી તે ઘરમાં જ સૂતી રહી.
  • પણ તેને ગૂંગળામણ થતી હતી. ન બારી ખોલી શકાય, ન બારણા. પેલા આતંકવાદી ઘૂ...ઘૂ... કરતાં તૈયાર જ બેઠા હતા. બધા પોતાન જ પાછળ પડ્યા હતા. તે અકળાી રહી.
  • પણ અંતે તેનાથી અકળામણ સહન ન થઈ. ખુલ્લી હવા આવશે તો થોડું સારું લાગશે. આ બંધિયાર હવામાં શ્વાસ ગૂંગળાય છે. જે થવું હોય તે થાય. તેણે ધીમેથી પલંગ પાસેની બારી ખોલી. હાશ. ડરતાં ડરતાં તેણે બારી બહાર નજર કરી. પેલા આતંકવાદી કબૂતર ક્યાંય ન દેખાયા. ખુલ્લી હવાની શીતળ લહેરખી તેને આલિંગવા દોડી આવી. એક આહલાદકતા અનુભવાઈ... બહું સારું લાગ્યું. તેણે સંતોષથી આંખો બંધ કરી.
  • ત્યાં... પાંખોનો ફફડાટ અને ઘૂ...ઘૂ...નો અવાજ. ચાંચમાં બે ચાર તણખલા વીણી લાવી, જાણે મોકાની તલાશમાં હોય તેમ મળેલી તક ઝડપી લઈ બે કબૂતર એકીસાથે અંદર ઘૂસી આવ્યા. ધીમેથી ચારે તરફ જોતા જોતા અને અંતે કોઈ ન દેખાતા સબ સલામતન ખાત્રી થતાં કબાટ પર પહોંચી તણખલા ગોઠવવા માંડ્યા. બંનેએ થોડી વાર ઘૂ...ઘૂ...નો આલાપ ગાયો. અને પછી ન જાણે શું યે ગોષ્ઠિ કરી હોય તેમ એક ત્યાં જ રહ્યું. કદાચ ચોકી કરવા માટે. અને બીજું ફરરર કરતું બહાર ગયું. આટલા મટીરીયલથી તે કંઈ ઘર થોડું બને ?
  • તાવની અસ્વસ્થતાને લીધે ઈરાને આજે ઉઠવાનું મન ન થયું. ભલે મરતા ! સાંજે રથિન આવે ત્યારે વાત. કબાટ પરથી તે બધું સાફ કરી નાખશે. બજું શું થાય ? પોતે કેટલી દોડાદોડી કરશે આ ત્રાસવાદીઓ પાછળ ? મારામાં આજે કંઈ તાકાત હવે નથી રહી. ઉડાડી ઉડાડીને હું તો થાકી. ઈરા મનોમન વિચારી રહી. બારી બંધ કરવી પડે એ હવે સહન થાય તેમ નહોતું. આજે તેને કશું ગમતું નહોતું. એક સન્નાટો. અને ફરી પાછું ઘૂ...ઘૂ... ચાલુ...! તેને થયું પોતે પણ ગાંડી થઈને આમ ઘૂ...ઘૂ... કરવા લાગી જશે. આ ઘૂ...ઘૂ...ની હવે તેને નફરત થઈ ગઈ હતી કે પછી ડર લાગતો હતો ? જે હોય તે પણ સો વાતની એક વાત. આ અવાજ હવે પોતાની સહન નહોતો થતો. હવે જલદી બીજું ઘર મળી જાય તો આ ત્રાસથી છૂટાય. અર્ધમીંચેલી આંખે તે પલંગ પર પડી રહી. જો કે સૂતા સૂતા યે પોતાની નજર પેલા આતંકવાદી પરથી ખસેડી શકી નહીં.
  • થોડીવારમાં જ બહાર ગયેલું કબૂતર ફીર પાછું ચાંચમાં સાંઠીકડા, તણખલા વીણીને દોડી આવ્યું. અને બંનેનો આલાપ ફરી ચાલુ. મજબૂર ઈરા તેના તરફ દયામણી નજરે જોઈ રહી. પણ આતંકવાદી કંઈ એમ જાય ?
  • જરા ધ્યાનથી જોતાં બંને માળો બનાવવાની વેતરણમાં પડ્યા હોય તેવું લાગ્યું. થોડીવાર પછી પણ બારી સતત ખુલ્લી રહેલી જોઈ જાણે ભરોસો બેસી ગયો હોય તેમ બિન્દાસ બની સાથે અંદર બહાર આવ-જા કરતા રહ્યા. ઘૂઘવતા રહ્યા અને કંઈક ગોઠવતા રહ્યા. જાણે સામાન આઘોપાછો કરી ઘર વ્યવસ્થિત કરતા રહ્યા. આવનાર બચ્ચાને હૂંફ તો મળવી રહી ને...!
  • અચાનક ઈરાને કશો ખ્યાલ આવ્યો. તેણે કબૂતર સામે ઝીણી નજરે જોયું. બે પાંચ ક્ષણ તેની આંખો કશું નિરીક્ષણ કરી રહી. અને પછી તેનો હાથ અનાયાસે પોતાના ઉપસેલા ઉદર પર ગયો. ત્યાં પણ એક બચ્ચુ...! તેને પણ સરસ મજાનું ઘર આપવા માટે પોતે મથતા હતા ને ?
  • ઈરા એકીટશે બંનેને નીરખતી રહી. તેનો ફફડાટ અચાનક દૂર થઈ ગયો હતો. પોતાને આ આતંકવાદીઓથી ડર લાગવાને બદલે તેમનામાં રસ પડ્યો હતો કે શું ?
  • હવે તે સૂતા સૂતા આરામથી કબૂતરની બધી ક્રિયાઓ જોઈ રહી હતી. માણી રહી હતી. ઘૂ...ઘૂ...નો ભયાનક અવાજ અચાનક લયબદ્ધ સરગમ જેવો કેમ અનુભવાતો હતો ?
  • ઈરાને પાણીની તરસ લાગી હતી. તે પાણી પીવા ઉઠી. એકદમ ધીમેથી. અવાજ ન થાય તેમ. ક્યાંક ડરીને માળો અધૂરો છોડીને ઊડી જશે તો ?
  • ભોળા પારેવા બિચારા...!
  • ‘બેટા, ંરૈજ ૈજ ર્ઙ્ઘી...ૈર્ખ્તીહ...ના, ના, કબુ...! દેખાય છે તને ? કબુ કેમ બોલે ? ઘૂ...ઘૂ...’
  • તેના પેટમાં બાળક સળવળ્યું કે શું ? આનંદની આ કઈ અનુભૂતિથી પોતે છલકી રહી ?
  • આ કયો રેશમી એહસાસ અંતરમાં ઉગી નીકળ્યો ? પોતે રોજ સવારે ગાતી એ મધુરાષ્ટકની માફક અચાનક સઘળું મધુર...મધુર. પ્રણમાં આ કઈ પ્રસન્નતા પ્રગડી ઉઠી ? અંતરક્યારી સુરભિત સુરભિત...સઘળો સંતાપ ક્યાંયે અદૃશ્ય જાણે એક નવું ભાવવિશ્વ ભીતરમાં ઉઘડી રહ્યું હતું. ઈરાનું રોમ રોમ પુલકિત. એક નિતાંત નવી અનુભૂતિ ઘૂ...ઘૂ...નો ભયાનક નાદ આ ક્ષણે જાણે આરતનો મંજુલ સાદ બની અંતરમાં પડઘાઈ રહ્યો.
  • ‘તમારું બચ્ચુ આરામથી રહે તેવો સુંદર માળો બનાવજો હોં...!’
  • શબ્દો અંદરથી અનાયાસે સરી રહ્યા. આ ભોળા પારેવાની એક એક ક્રિયા હવે તે અપાસ રસથી નીખરી રહી. તેનું સમગ્ર ધ્યાન માળામય બની રહ્યું. બંને ઘડીક આમ સળી ગોઠવે. અને ઘડીક તેમ. તેને થયું લાવ પોતે ગોઠવી આપે. કેવું સારું લાગતું હતું બધું. અચાનક એક કબૂતર ફરરર કરતું બહાર ઉપડ્યું. કદાય તે નર હતું. અને ઘર બનાવવામાં કશુંક ખૂટતા માદાની સૂચનાથી ખૂટતું મટીરીયલ વીણવા બહાર જતું હતું. ધ્યાનથી નીરખતા ઈરાને ખ્યાલ આવી ગયો કે દર વખતે આ જ કબૂતર બહાર જતું હતું. યસ, સાઠીકડા વીણવા જતું હતું તે નર હતું અને પ્રતીક્ષા કરતી હતી તે માદા હતી. તેને વહાલ ઉભરાઈ આવ્યું. મનમાં એક વિચાર આવતા અવાજ ન થાય તેની સાવચેતી રાખી ધીમેથી તે ઊભી થઈ. રસોડામાં ગઈ. એક પ્લેટમાં થોડા દાણા અને એક વાટકામાં પાણી લાવી તેણે રૂમની વચ્ચે કબૂતરનું ધ્યાન પડે તેમ મૂક્યા. અને ફરી ધીમેથી પલંગ પર લંબાવ્યું. અને ક્યારેક સ્કૂલમાં ભણેલી પંક્તિ મનોમન ગણગણી રહી.
  • ‘રે પંખીડા સુખથી ચણજો...’
  • માદા કબૂતરનું ધ્યાન દાણા તરફ ગયું તો ખરું. પણ નીચે ઉતરવાની હિંમત કદાચ ન ચાલી. આગલો અનુભવ કંઈ સારો થોડો હતો ? માણસનો એમ જલદી વિશ્વાસ ન કરાય તેવો પાઠ તે કદાચ શીખી ચૂક્યું હતું. સાથીદાર આવે પછી વાત. થોડીવારમાં ફરીથી ગુલાબી ચાંચમાં બે ચાર સાંઠીકડા આવ્યા. ગોઠવાયા. આલાપ ચાલુ થયો. કશીક મસલત, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ જાણે ચાલી. અને અંતે કશો નિર્ણય લેવાઈ ગયો હોય તેમ ધીમેથી પેલું નર કબૂતર નીચે આવ્યું. આસપાસ ચારે તરફ નજર
  • નાખી. કશું ભયજનક દેખાયું નહીં. ઈરાએ તો અડધી આંખો સુધ્ધાં મીંચી દીધી. ક્યાંક પોતાથી ડરી ન જાય.
  • નર કબૂતરે ધીમેથી બે ચાર દાણા ચાંચમાં ઉપાડ્યા. ઊડીને પાછું કબાટ પર પત્નીને પ્રેમથી ખવડાવવા ગયું કે શું ? જોકે પછી તો બંને નિર્ભય બની નીચે આવતા રહ્યા. જાણે સજોડે નાસ્તો કરવા બેઠા. જમીન પરથી કબાટ પર આવનજાવન ચાલુ રહી. હા, સલામતીની ખાતરી માટે આસપાસ નજર નાખતા ચૂકતા નહીં.
  • ઈરા કેવાયે અદભૂત રસથી નીરખતી રહી. આને તે આતંકવાદી કહેતી હતી ? નાનકડા પંખીની માળો બનાવવાની મથામણ અને ચિંતાને, એક માતા પિતાની કાળજીને તે આતંક માનતી હતી ?
  • સમય ક્યાં પસાર થઈ ગયો ખબર ન પડી. પેલી અકળામણને બદલે હવે પરમ પ્રસન્નતાનો અહેસાસ હતો. ત્યાં દરવાજો જોશથી ખૂલવાનો અવાજ સાંભળી બંને કબૂતર ઉડીને કબાટ પર ભરાઈ ગયા. કોઈને દેખાય નહીં તેમ પાંખો સંકોરીને મૌન થઈ ગયા.
  • રથિન દાખલ થયો. આજે તેનો ચહેરો પ્રસન્ન હતો. મોટેથી તેણે બૂમ મારી.
  • ‘ઈરા, આપણને જોઈતું હતું તેનાથી પણ સરસ ઘર આજે મળી ગયું.’
  • ઈરાએ જલદીથી હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા નિશાની કરી. રથિન કશું સમજ્યો નહીં. મૌન ઈરાએ ધીમેથી કબાટ ઉપર બેસેલ કબૂતર તરફ આંગળી ચીંધી. ત્યાં પણ સરસ મજાનો માળો તૈયાર થઈ ગયો હતો.
  • રથિન કશું સમજ્યા વિના બધાની માફક જોઈ રહ્યો.
  • નવું સરનામું
  • કોઈ સવારના ઉગતા સૂર્યને અર્ધ્ય આપતું હતું. કોઈ તુલસીક્યારે પાણી રેડતું હતું કે દીવો પ્રગટાવતું હતું. મંગળનાની આરતીના મધુર સ્વર અને ઘંટનાદનો મંજુલ નાદ વાતાવરણને એક પ્રસન્નતાથી સભર બનાવતા હતા. ક્યાંકથી વળી બુલંદ સ્વરે પ્રભાતિયાના અવાજ આવી રહ્યા હતા. ક્યાંકથી સવારના રોજીન્દા કામની બૂમો સંભળાતી હતી. તો ક્યાંક સ્કૂલે જતા શિશુના કલરવની સવાર ગાજતી હતી.
  • પણ મધુરાબેનને આજે કઈ સ્પર્શતું નહોતું. સમગ્ર અસ્તિત્વ મૌન બની બેઠું હતું. કે પછી અંદર વધુ પડતો ઘોંઘાટ હતો ? અંદરથી ઉઠતા અવાજને જાણે સાંભળવા કે સમજવાનો પ્રયત્ન કરતાં મધુરાબેન આ ક્ષણે આખ્ખા હચમચી ઉઠ્યા હતા. ભીતરથી કોઈ ઝકઝોરી રહ્યું હતું. મૂળ સોતા જ મધુરાબેન ઉખડી પડ્યા હતા...હચમચી ઉઠ્યા હતા. રહી રહીને એક જ વાક્ય... જે તેઓ વરસોથી સાંભળતા આવ્યા હતા...અને ટેવાઈ પણ ગયા હતા...આજે એ જ સામાન્ય વાક્યો તેને કેમ હચમચાવી મૂક્યા હતા...? એની તેમને યે સમજ નહોતી પડતી. પણ આજે કદાચ તે પોતાની જાતને પૂછી રહ્યા હતા. જાત પાસેથી જવાબ માગી રહ્યા હતા. આ ક્ષણ તે મા, પત્ની, સાસુ કોઈ પણ લેબલથી દૂર થઈ ગયા હતા. પોતાને પામવાનો...સ્વની ઓળખનો તબક્કો અનાયાસે સામે આવી પહોંચ્યો હતો.
  • આમ તો સાવ સામાન્ય વાક્ય હતું. દરેક ઘરમાં ક્યારેક તો કોઈને કોઈ દ્વારા એ વાક્ય બોલાતું જ હશે.
  • આજે સવારે જ શૈલજાએ તેને કહી દીધું હતું...કદાચ અલ્ટમેટમ આપી દીધું હતું.
  • ‘મારા ઘરમાં રહેવું હોય તો બધું મને નહીં ચાલે.’
  • આમ તો પછી તેનું ઘણું યે લેક્ચર ચાલ્યું હતું. પણ મનથી અચાનક બહેરા બની ગયેલ મધુરાબેન બીજું કાંઈ સાંભળવા...સમજવા ક્યાં સમર્થ રહ્યા હતા ? વરસોથી આ વાક્ય પતિ પાસેથી તો સાંભળતા આવ્યા હતા. અને ટેવાઈ પણ ગયા હતા. પરંતુ આજે વહુ પાસેથી પણ આ જ વાક્ય...?
  • મનમાં સતત આ વાક્ય હથોડાની જેમ વાગી રહ્યું હતું. અંદર જાણે કોઈ સતત પ્રશ્ન કરી રહ્યું હતું.
  • ‘મધુરા, તારું ઘર કયું છે ? તારું ઘર ક્યાં છે ? વરસોથી તુ જાતને છેતરતી આવી છે...’ મારું ઘર...મારું ઘર...! ઘર માટે તું ભોગ આપે છે. એમ તું માનતી આવી છે. કયા ઘર માટે ? કોના ઘર માટે ? તારો એ ભ્રમ જ હતો. જેને તું સત્ય માનીને આંખમીચામણા કરીને જીવી રહી હતી. હકીકતે તારે કોઈ ઘર નથી. તું છે આશ્રિત માત્ર. તને રહેવા મળે છે. ખાવાપીવા અને પહેરવા ઓઢવા મળે છે. પણ...ઘર તો તારે નથી જ...
  • ‘ક્યાં સુધી ? આખરે ક્યાં સુધી ? આનો કોઈ અંત ખરો કે નહીં ? મારી પાસે ક્યારેક મારું પોતીકું કોઈ ઘર, આગવું આકાશ નહીં હોય ?’
  • સતત એક વલોપાત...એક દ્વંદ...વરસોની કે પછી સદીઓની થીજેલી વેદના...
  • ભીતરમાં ઢબૂરાયેલ ચિનગારી પરની રાખ કોઈની એક ફૂંકે ઉડી ગઈ હતી. અને ચિનગારી પ્રજ્વલિત બની ઉઠી હતી. ફિનિક્સ પંખી આળસ મરડી પાંખો ફફડાવવા મથી રહ્યું હતું. બંધ આંખોમાં આખો અતીત ઝિલમિલાઈ રહ્યો.
  • નાની હતી ત્યારે મમ્મી એના કાનમાં ‘‘તારા ઘર’’ના સપના ઉછેતરતા કહેતી, ‘બેટા, મોટી થઈને તારે ઘેર જઈશ ત્યારે ત્યાં તને
  • રાજરાણીનું સુખ મળવાનું છે. બેટા, તને મારા આશીર્વાદ છે. થોડી મોટી થતાં મધુરા અમુક ફેશન કરે તો...
  • એ બધું તારે ઘેર જઈને જેમ કરવું હોય તેમ કરજે. અત્યારે અહીં આપણા ઘરમાં એવું બધું ન પોસાય. ગામ કહેશે છોકરી આઝાદ છે. બહું ફેશનવાળી છે તો પછી સારો છોકરો મળતા નાકે દમ આવી જાય.
  • જોકે એમ.એસ.સી. સુધી ભણી શકી ખરી. અને કોલેજમાં બેએક વરસ નોકરી પણ કરી શકી...કેમ કે કોઈ સારા છોકરાનું ઠેકાણું હજુ પડ્યું નહોતું.
  • એ બે વરસ...જિન્દગીના કદાચ સુવર્ણ વરસો...
  • પણ પચી માતા પિતાને સારો છોકરો પણ મળી ગયો. અને દીકરીની જવાબદારી પૂરી કરી, કર્તવ્યનો ભાર ઉતારી પોતાને ઘેર દીકરીને વળાવી મા-બાપે રાહતનો શ્વાસ લીધો.
  • જોકે લગ્ન પહેલા મધુરાએ રાજનને બહું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોતે કોલેજની નોકરી છોડવા નથી માગતી. લગ્ન પછી પણ એ ચાલુ જ રાખવા માગે છે. વિદ્યાર્થીઓ સાથે કામ કરવામાં તેને આનંદ મળે છે. અને ક્યારેય તે નોકરી નહીં છોડે.
  • રાજને હોંશે હોંશે હા પાડી હતી. આમ પણ વધારે પૈસા આવે તે કોને ન ગમે ?
  • મધુરાની શરત મંજૂર થઈ હતી. મધુરા પરણીને સાસરે... ના...પોતાને ઘેર આવી.
  • મધુરાના પગલા શુકનિયાળ નીકળ્યા. લગ્નના છ મહિનામાં જ રાજનનો બીઝનેસ ખૂબ વિકસ્યો. ઘરમાં ગૃહલક્ષ્મી આવી અને સાથે ભૌતિક સમૃધ્ધિ પણ છલકાઈ. લગ્ન પછી મધુરાને તુરત મા નહોતું બનવું. પરંતુ એના સાસુ, સસરાને પૌત્ર રમાડવાની ખૂબ ઝંખના હતી. તેથી મધુરા મા બની. મધુરાને હતું કે સાસુ દીકરાને સાચવી લેશે. ઘરમાં રસોઈ માટે મહારાજ રાખી લેવાશે. જેથી એમને કોઈ તકલીફ ન પડે. કામ કરનાર માણસ તો હતો જ. અને હવે પૈસાની કોઈ તકલીફ પણ ક્યાં હતી ?
  • પણ...હવે તકલીફ હતી રાજનને...સાસુ, સસરાને...સાસુની તબિયત એકદમ સારી હતી. પરંતુ...
  • મેં મારા મોટા કર્યા. તમે તમારા કરો. આખરે આખી જિંદગી વેઠ જ કરવાની ? હવે આ ઉમરે અમારાથી કોઈ જવાબદારી ન લેવાય. અને ગમે તેના હાથનું રાંધેલું જમવાનું પણ હવે અમને ન ફાવે. તો પછી ઘરમાં વહુ લાવ્યા નો અર્થ શો ? ‘રાજને પણ માની વાતમાં સાથ આપ્યો. મધુરા નોકરી ચાલુ રાખે તેવું તે પણ નહોતો ઈચ્છતો. હવે પૈસાની જરૂર ક્યાં રહી હતી ?’
  • ‘એમ કંઈ શરત ઉપર જિન્દગી ન જીવાય. લગ્ન પહેલા તો માણસ એવા કેટલાયે ગાંડા ઘેલા કાઢતો હોય છે. એટલે શું બધું એમ જ કરવાનું ?’
  • અને વધારે ચર્ચાને કોઈ અવકાશ ન રહ્યો. મધુરાને અલ્ટીમેટમ મળી ગયું.
  • ‘મારા ઘરમાં રહેવું હોય તો આમ જ થશે...’
  • અને આમ પણ ‘‘નોકરી નથી કરવાની’’ આ કંઈ સૂચન થોડું હતું. એક પૂરૂષનો આદેશ માત્ર હતો. જેનું સ્ત્રીએ પાલન કરવાનું હતું. ખોટા વેવલાવડા કે બીજી કોઈ ‘લપ’ સાંભળવાનો સમય નહોતો. મારા ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ. દલીલો મને પસંદ નથી.
  • નાનકડા પુત્રને છોડીને એક મા ક્યાં જાય ? પગમાં માતૃત્વની સાનાની બેડી હતી. મધુરાએ કોલેજ છોડી અને પુત્રના ઉછેરમાં, રસોડામાં ધ્યાન પરોવ્યું. કોલેજમાં તેને યુવાન છોકરી, છોકરાઓ સાથે એક આત્મીયતા બન્ધાઈ ગઈ હતી. ક્યારેક ઘરમાં કંઈક થતું તો પણ કોલેજમાં જતા તે બધું જ ભૂલી જતી. અને ફરી પાછી સામાન્ય બની શકતી. પણ હવે એ બધું છૂટ્યું. મનના એક ખૂણામાં સતત એક છૂપો અસંતોષ ઉછરતો રહેતો. પણ તેની અવગણના જ કરવાની રહેતી.
  • આમ જોઈએ તો કોઈ દેખીતું દુઃખ નહોતું. છતાં સુખની ગેરહાજરી કેમ વર્તાતી હતી ?
  • મન સાથે સતત સમાધાન થતું રહ્યું. ‘જવા દે...એને નધી ગમતું...પોતાના ઘર માટે માણસે ક્યારેક ક્યાંક બાંધછોડ કરવી જ રહીને ? આવી નાનકડી વાત માટે કંઈ ઘર થોડું છોડાય છે ? આમ વિચારી એક બિલકુલ અણગમતો નિર્ણય માથે ચડાવ્યો હતો.’
  • જોકે તેને એ સત્ય સમજાઈ જતા. જરાયે વાર નહોતી લાગી કે જે કંઈ પણ બાંધછોડ કરવાની આવશે. તે પોતાને જ ભાગ આવશે. મારું ઘર અને મારા ઘર હવે આ બે શબ્દોથી તે ટેવાવા લાગી હતી. ઘરમાં રહેવા માટે તેણે શું કરવું જોઈએ અને શું નહીં. એની સ્પષ્ટ ગાઈડલાઈન જાણે તેમને આપી દેવામાં આવી. જેનું પોતે પાલન કરવાનું જ હતું. અને સ્ત્રીને શું શું ખબર નથી પડતી ? એની પણ પૂરી જાણકારી રાજન પાસે હતી જ. જેમાં સુધારા વધારાને કોઈ અવકાશ નહોતો.
  • જોકે ફક્ત ઘર જ તેનું નહોતું. બાકી ઘરની ફરજો બધી તેની જ હતી. અપેક્ષાઓ બધી તેની પાસેથી જ રખાતી. ક્યારેય પાણીનો ગ્લાસ પણ જાતે ભરી લેવાની રાજનને આદત નહોતી. એવી કોઈ કુટેવ તેણે પહેલેથી રાખી જ નહોતી. તેના એક સાદે મધુરા ફફડતી. ક્યારેક તબિયત સારી ન હોય, ક્યારેક કામવાળી કંઈ આવી ન હોય. પણ એકેય વ્યવસ્થામાં ફેર ન જ પડવો જોઈએ. એ બધા મધુરાના પ્રોબ્લેમ હતા. જેની સાથે રાજનને ક્યારેય કંઈ ખાસ લાગતું વળગતુ નહીં. હવે તો નોકરી પણ થોડી છે ? આખો દિવસ કરવાનું શું હોય તારે ? મોટાભાગના પુરૂષોની જેમ રાજનની પણ આ જ પાક્કી માન્યતા હતી. મધુરાને ક્યારેક ઠીક ન હોય (મૂડ ન હોય...એમ તો બોલાય જ નહી ને ?) ને ક્યાંક બહાર જમવા જવાનું સૂચન કરે તો...ત્યારે રાજનને મધુરાના હાથનું જ ખાવું હોય. તેના મિત્રોને પણ ટાણે કટાણે ભાભીના હાથની સરસ વાનગીઓ ખાવાનું બહું મન થાય. પસંદગી ના પસંદગી. ગમા અણગમા...સ્ત્રીને પણ હોય એવું કદાચ રાજન શીખ્યો જ નહોતો. કે માનતો યે નહોતો. ચર્ચા તો તેને ગમતી જ નહોતી. એની તો એને સખત નફરત હતી. મધુરાને સખત સૂચના મળી ગઈ હતી કે તેની સાથે ચર્ચા કરવી જ નહીં કે સલાહ આપવી જ નહીં...કેટકેટલા ઉઝરડાઓ...ઘસરકાઓ જીવનમાં પડતા હતા. જે તેમના સિવાય કોઈને દેખાતા નહોતા. અનેકવાર મન બંડ પોકારી ઉઠતું. પણ...સાવ અર્થવિહીન...
  • મધુરાને એક દીકરીની ખૂબ હોંશ હતી. પણ...
  • ‘એક દીકરો છે...બસ...! મારે દીકરીનું કોઈ જોખમ, જવાબદારી ન જોઈએ. બહું જંજાળ મારે ઉભી નથી કરવી.’ મધુરાને શુ જોઈએ છે...તેની શું ઈચ્છા છે...પ્રશ્ન જ અસ્થાને હતો !
  • થોડા વરસો શુભમના ઉછેરમાં ક્યાં પસાર થઈ ગયા. ખબર ન પડી. એને અવગણીને મધુરા શુભમમય બની રહી. પણ ધીમે ધીમે શુભમના જીવનની ક્ષિતિજો સ્વાભાવિક રીતે જ વિસ્તરવા માંડી. એનું આકાશ હેલાતું ગયું. પુત્રની દુનિયામાં પોતે હવે ગૌણ બનતી ગઈ. જો કે એ તો જીવનનો સ્વાભાવિક ક્રમ હતો. જેની સામે તેમને કોઈ ફરિયાદ નહોતી.
  • સમયના આ ગાળામાં પણ ‘મારું ઘર’ શબ્દ તો કાને અથડાતો જ રહ્યો. તેનું વ્યક્તિત્વ કચડાતું રહ્યું. મન મૂરઝાતું રહ્યું. ઘણીવાર થતું કે એક દીકરી હોત તો...પોતે મનની વ્યથા તેની આગળ ઠાલવી હળવા થઈ શકત...કદાચ દીકરીને કહેવાની જરૂર પણ ન પડત. દીકરી કદાચ તેનો વિસામો બની રહેત...પણ આ બધી તો રહી ગઈ હતી કોરી કલ્પનાઓ. ન ફળેલ શમણાઓ...અધૂરી રહેલ ઈચ્છાઓ. હવે જેનો કોઈ અર્થ નહોતો.
  • દીકરા માટે પણ પપ્પા જ સર્વસ્વ બન્યા હતા. મોટો થતાં તે પણ પપ્પાનો જ દીકરો બન્યો હતો.
  • કેલેન્ડરા પાનાઓ પોતાની સાથે જીવનની અનેક ખાટીમીઠી પળો લઈને ફાટતા રહ્યા. સુખ કે દુઃખના કોઈ પતંગિયાએ ક્યારેક મધુરાના જીવનમાં ખાસ કોઈ ઉડાઉડ કરી નહીં. અને એક દિવસ શૈલજા વહુ બનીને ઘરમાં આવી. અને મધુરા...મધુરાબહેન, સાસુ બની ગયા. ક્યારે અને કેમ એ તેમને તો પૂરી ખબર પણ ન પડી. પસંદગી દીકરાએ કરી હતી. અને મંજુરીની મહોર...તો રાજને જ મારવાની હતી. એમાં ‘બૈરા’ને શું ખબર પડે ?
  • શૈલજા શ્રીમંતની એકની એક દીકરી હતી. જેથી રાજને પણ તરત સ્વીકારી લીધી. ઘરમાં આવ્યા પછી ચતુર શૈલજાને આ ઘરમાં સાસુનું સ્થાન પારખતા જરાયે વાર ન લાગી. થોડા જ સમયમાં એ ઘરની સર્વેસર્વા બની ગઈ. સસરાને એ સાચવી લેતી. અને સાસુને ચતુરાઈથી વાતવાતમાં ઉતારી પાડતા એ જરાયે અચકાતી નહીં. અને હવે તો જાણે સ્થાપિત થઈ ગયું હતું કે કરી દેવામાં આવ્યું હતું કે મધુરાબેનને ઘરમાં કંઈ ગતાગમ પડતી જ નથી.
  • મધુરાબેને કદાચ સ્વીકારી પણ લીધુ હતું. છૂટકો યે ક્યાં હતો ? જ્યાં પતિને જ કંઈ કિંમત નહોતી ત્યાં...વહુ આવી એટલે ‘હવે ઘરમાં તમારે માથુ મારવું નહીં. શાંતિથી દેવદર્શન કરો...’
  • અનિચ્છાએ મધુરાબેન સાવ જ અનિચ્છાએ ભગવાનમાં જીવ પરોવવા મથી રહ્યા હતા. મન તો હજુ યે ક્યારેક કોલેજમાં આંટા મારવા પહોચી જતું પણ તન માટે તો મંદિર સિવાય જાણે કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો. કોઈએ નહોતો રહેવા દીધો. પોતે એમ.એસ.સી. સુધી ભણ્યા હતા. એયે ભૂલી ગયા હતા. આજે ૫૦ વર્ષની ઉમરે મન તો કદાચ હયુ યે ૨૫ વર્ષનું જ રહ્યું હતું. જેને તાળુ લગાવીને ચાવી ન જાણે કોણે ક્યાં ફેંકી દીધી હતી.
  • આમ તો આજે પણ કદાચ આ અજંપો ઘેરી ન વળત. અને જીવનની રફતાર ચાલતી રહેત.
  • પણ આજે સવારમાં પોતે રોજની જેમ ઘરમાં પૂજા કરવા બેઠા. હવે એ સિવાય તો કરવા જેવું કંઈ કોઈએ રહેવા ક્યાં દીધુ હતું ? આજે કદાચ રોજ કરતા ઘંટડી વધારે મોટેથી વગાડાઈ ગઈ. અને શૈલજાની ઉંઘમાં ખલેલ પહોચી. તે રૂમમાંથી બહાર આવી અને તરત જેમ ફાવે તેમ બોલવા લાગી...કે જાણી જોઈને પોતાને ડીસ્ટર્બ કરવા જ મોટેથી અવાજ કરે છે. મધુરાબેન જવાબ આપવા ગયા ત્યાં જ શૈલજાએ અલ્ટીમેટમ આપી દીધું. ‘‘મારા ઘરમાં રહેવું હોય તો મને આવું બધું નહીં ચાલે...નહીં પોષાય..’’
  • બસ ત્યારથી મધુરાબેન સૂનમૂન બની ગયા હતા. વરસોથી ભલે ટેવાઈ ગયા હતા. પણ ઘણીવાર મન ક્યારે ક્યાં એક શબ્દથી ચોટ ખાઈ જાય...કેમ ખબર પડે ? અત્યાર સુધી પતિ પાસેથી સાંભળતા આવ્યા હતા...આજે વહુ પાસેથી ફરી એકવાર...
  • આવેશમાં આવી ઘરમાંથી બહાર નીકળ્યા. પગ મન્દિર તરફ વળ્યા. બેંચ પર બેઠા. મંગળાની આરતી ક્યારની પૂરી થઈ ગઈ હતી. જેની તેમને ખબર સુધ્ધાં નહોતી પડી. ઘેર જવાનું કેમે ય મન નહોતું થતું...પોતાનું ઘર ક્યાં હતું ? કોઈને ઘેર ક્યાં સુધી રહેશે ? પણ આ ઉમરે હવે જાય પણ ક્યાં ? આંખો અને મન બંને છલકી રહ્યા હતા. અણુએ અણુમાંથી આજે આટલા વરસો બાદ વિદ્રોહ ઉઠતો હતો...બસ...બહુ થયું હવે...હવે નહીં...
  • શૈલજાના શબ્દોએ આજે ચિનગારીનું કામ કર્યું હતું. અને સળગતા
  • અંગર પરથી જાણે રાખ ઉડી ગઈ હતી. ચિનગારી પ્રજ્વલિત થઈ ઉઠી હતી. એક જ ચિનગારી...બસ...! હવે તે રહેશે તો પોતાના જ ઘરમાં...જે ઘર માટે તેણે સ્વપ્નો જોયા હતા તે ઘરમાં. મન ઉપર ફરી વળેલી રાખ ઉડી જતા જાણે વિચારોનું વાવાઝોડું ફૂંકાતું હતું...હવે તે જીવશે ફક્ત પોતાના માટે. આટલા વરસો કુટુંબને આપ્યા...બસ હવે...!
  • સમય થતાં ઘેર તો ન છૂટકે જવું પડ્યું...શું કરવું...તેનું મનોમંથન ચાલતું રહ્યું. કોઈને કશી ખબર પડે તેમ તો હતું જ નહીં. કોની પાસે તેના મનની ભીતર ઝાંકવાનો ડોકિયું કરવાનો સમય, સૂઝ કે જરૂર હતા ?
  • અચાનક એક દિવસ સવારે ગયેલ મધુરાબેન પાછા ઘેર ન આવ્યા. અને આવ્યો તેને પત્ર. જેમાં જણાવ્યું હતું કે પોતાને કોઈ પ્રાઈવેટ કોલેજમાં ફરી એકવાર નોકરી મળી ગઈ છે. કોલેજનુ ક્વાર્ટર પણ મળ્યું છે. અને ઘરથી કોલેજ દૂર પડતી હોવાથી તે હવે ત્યાં જ રહેવા માગે છે. નીચે મારું સરનામું લખું છું. જેને મળવું હોય કે ‘‘પોતાને ઘેર’’ આવવું હોય તે આવી શકે છે. નીચે લખેલ હતું.
  • ‘‘મારા ઘરનું સરનામું’’
  • સાવકી મા
  • ‘ભાઈવાળી મોટી ન જોઈ હોય તો... બેસ હવે હેઠી. આખો દિવસ ‘ભાઈ ભાઈ’ કહીને એની પાછળ ફર્યા કરે છે. કંઈ ભાન તો પડતી નથી.’
  • ફૈબાની વાત કંઈ ન સમજાતા નવ વરસની પલક ચૂપચાપ ફૈબા સામે જોઈ રહી.
  • જોકે પછી ફૈબાને થયું.
  • ‘આ બિચારી છોકરીનો શું વાંક ? એ શું સમજે ? એને શું ભાન પડે ? પણ મારે તો મા વિનાની આ છોકરીનું હિત વિચારવું રહ્યું ને ?’
  • અને ફૈબા પોતાની જવાબદારી ન નિભાવે તેવું તો બને જ નહીં ને ? સાવકી માના પનારે પડેલી આ છોકરીને તે દિલથી ચાહતા હતા. મરતી વખતે ભાભીએ તેને જ જવાબદારી સોંપી હતી ને ?
  • ‘બહેન, મારી નમાયી દીકરીનું તમે ધ્યાન રાખશોને ?’
  • ભાભીના ગયા પછી પોતે બે મહિના ભાઈ સાથે રહી હતી. પરંતુ અંતે તો પોતાને ઘેર ગયા વિના કેમ ચાલે ? જતી વખતે પલકને પોતાની સાથે લઈ જવાની ખૂબ જીદ કરી હતી. પરંતુ ભાઈ એકનો બે ન થયો.
  • ‘બેન, પલકને સહારે તો મારે હવે જિંદગી કાઢવાની છે. એને લઈ જઈશ તો હું સાવ એકલો... અનાથ બની જઈશ.’
  • પછી બધાના સમજાવવાથી એક વરસમાં ભાઈએ બીજા લગ્ન કર્યા હતા. ભાઈએ બીજા લગ્ન કર્યા તેની સામે તો બહેનને કોઈ વાંધો નહોતો. પરંતુ એક તો ભાઈએ પોતાને પૂછ્યા વિના જ લગ્નનો નિર્ણય લીધો અને તે પણ ચાર વરસના દીકરાની મા સાથે. રમ્યા ભાઈની ઑફિસમાં જ કામ કરતી હતી અને વિધવા હતી. શશાંક અને રમ્યાએ સાથે મળીને ખૂબ વિચાર કર્યા બાદ આ નિર્ણય લીધો હતો. લગ્ન કૉર્ટમાં જ કર્યા હતા. ત્યારે મોટીબહેનના પતિની તબિયત થોડી સારી ન હોવાથી તે નહોતી આવી શકી. પછી તેની વહુને ડિલીવરી આવી. બહેન એક પછી એક સંજોગોમાં ફસાતી રહી, તેથી લાખ ઇચ્છા છતાં જલદી આવી શકી નહીં. હવે છેક છ મહિને ભાઈને ઘેર આવી શકી હતી.
  • સાવકી મા ગમે તેટલી સારી હોય પણ પારકા જણ્યાને પોતાનાની જેમ થોડા સાચવી શકવાની હતી ? પુરુષને બિચારાને શું ખબર પડે ? અને તે વળી ઘરમાં કેટલો સમય હોય ? આને તો વળી આગલા ઘરનું પોતાનું છોકરું પણ છે અને તેય વળી દીકરો. પછી આ બિચારી છોકરીના ભાવ કોણ પૂછવાનું હતું ? પલકનું બિચારીનું શું થતું હશે એ વિચારી વિચારીને મોટીબહેન દુઃખી થઈ રહેતી. પોતાના સંસારમાંથી થોડી નવરાશ મળતાં તે પલક માટે થઈને દોડી આવ્યા હતા. આવતાંની સાથે જ પલકનો હવાલો પોતે સંભાળી લીધો હતો. રમ્યા મનમાં સમજી ગઈ, પરંતુ કશું બોલી શકી નહીં.
  • પલકને નાનકડો લવ્ય ખૂબ વહાલો હતો. રમ્યા ક્યારેય ભાઈબહેન વચ્ચે કોઈ ભેદભાવ રાખતી નહીં. તેના મનમાં એવો કોઈ વિચાર પણ ક્યારેય આવ્યો નહીં કે પલક પારકી છે. ભાઈબહેન વચ્ચે નિર્વ્યાજ સ્નેહ પ્રગટી રહે તેવા જ તેના પ્રયત્નો રહેતા. લવ્યના આવ્યા પછી પલક ખુશખુશાલ રહેતી. આ નાનકડો ભાઈલો કેવો તેની પાછળ પાછળ ફર્યા કરતો. તેને દીદી કહીને બોલાવતો અને પોતે જે કરે તેની કૉપી કર્યા કરતો. સાવ બુદ્ધુ છે. કંઈ ખબર નથી પડતી. ભાઈબહેન આખો દિવસ સાથે જ ફર્યા કરતા. પલક લવ્યનું ખૂબ ધ્યાન રાખતી, પણ ફૈબા તો લવ્ય પારકો જ હતો, એ કંઈ પોતાના ભાઈનો દીકરો થોડો હતો ? અને આ રમ્યા જબરી લાગે છે. પહોંચેલી માયા દેખાય છે. પોતાની હાજરીમાં કેવું મીઠું બોલે છે. પણ બાઈ, મેં આખી દુનિયા જોઈ છે. હું કંઈ એમ છેતરાઉં તેમ નથી. તારા શબ્દોથી ભરમાય એ બીજા... આ મોટીબહેન તો બધા સ્ત્રીચરિત્ર જાણે. બારીક નિરીક્ષણ કરવા છતાં પણ રમ્યાનો કોઈ વાંક જલદી શોધી ન શકાતાં ફૈબાને થયું પલકને જ સમજાવવી પડશે. નહીંતર પોતે જશે પછી આ છોકરી હેરાન જ થવાની. બાપ આખો દિવસ ઑફિસમાં અને ઘેર સાવકી મા... અને સાવકો ભાઈ. ફૈબાનું દિલ કરુણાથી ઉભરાઈ આવ્યું. ભીની આંખો લૂછી તેણે પલકને પોતાની પાસે બોલાવી ખોળામાં બેસાડી. રમ્યા કશુંક લેવા બજારામં ગઈ હતી અને લવ્ય ઊંઘો ગયો હતો.
  • ‘જો બેટા, મારી વાત ધ્યાનથી સાંભળજે અને સમજજે. બેટા, હવે તારે આ ઘરમાં ધ્યાન રાખીને રહેવાનું છે.’
  • ‘શેનું ધ્યાન ફૈબા ?’
  • ‘અરે, મારી ભોળી દીકરી... તને કેમ સમજાવવી ? તું માને છે તેવી દુનિયા સરળ નથી. અહીં તો જીવવા માટે, પોતાના હક્ક માટે જાતજાતના ખેલ કરવા પડતા હોય છે. બેટા, એ બધું તને કેમ સમજાવવું ? સાવકી માના સાચા ચહેરાને ઓળખવો કંઈ સહેલો છે ?
  • ફૈબા એકલા એકલા ગણગણી રહ્યા.
  • પલકને કશું સમજાયું નહીં. ‘ફૈબા આ બધું શું બોલે છે ? અને ફૈબા મમ્મીને સાવકી મા એવું કેમ કહ્યા કરે છે ? સાવકી માટે એટલે વળી શું ?’
  • ‘બેટા, આ મમ્મી તારું ધ્યાન રાખે છે ? તને મારતી તો નથી ને ?’
  • મમ્મી વળી શું કામ મારે ? એ તો ધ્યાન જ રાખેને... પોતાને કેટલું વહાલ કરે છે. મમ્મી તો બધાને ગમતી જ હોય ને ? ફૈબા આમ કેમ પૂછે છે ?
  • ‘હા ફૈબા, મમ્મી મને ખૂબ ગમે છે. મારો નાનકડો ભાઈલો લવ્ય તો મને બહુ વહાલો છે.’
  • ‘જો બેટા, તારે છે ને ધ્યાન રાખીને રહેવાનું. આ મમ્મી છે એ કંઈ તારી સગી મા નથી... અને આ લવ્ય કંઈ તારો સગો ભાઈ નથી, શું સમજી ?’
  • ‘કોણ લવ્ય ? ના, ફૈબા પપ્પાએ જ મને કહ્યું છે કે લવ્ય તારો ભાઈ છે.’
  • ત્યાં સૂતેલ ચાર વરસના ભાઈને સ્નેહથી નીરખતી પલક બોલી ઊઠી.
  • ‘અરે રે, આ અબૂધ છોકરીને કેમ સમજાવવી ? આ બાઈ પહેલા પોતાના છોકરાનું વિચારશે કે આ નમાયી પારકી છોકરીનું ? હવે આ ધીમેધીમે પોતાનું પોત પ્રકાશશે અને આબિચારી છોકરીને માથે દુઃખના વાદળો આવવાં જ. આ માસૂમ તો કંઈ સમજવાની નહીં. પાછો પોતાનો દીકરો છે ને આ તો છોકરીની જાત. અને તે પણ સાવકી... બીજી શું આશા એની પાસેથી રાખી શકાય ? પોતે આવા દાખલા ઓછા જોયા છે ? ફૈબા મનોમન પોતે જોયેલ ઉદાહરણો યાદ કરી રહ્યા અને જીવ બાળતા રહ્યા.
  • પોતાનો ભાઈ તો સાવ ભગવાનનું માણસ. જોને આ છોકરો જાણે પોતાનો સગો દીકરો હોય એમ જ એને ચાગ કરે છે ને ? આમાં બિચારી છોકરીનું કોણ બેલી ? હજુ નવુંસવું છે ત્યાં સુધી સારી રીતે સાચવશે. આ ભણેલા તો બહુ ઊંડાં હોય. અંદર જુદા ને બહાર જુદા. મન કળાવા જ ન દે ને... આપણી જેમ કંઈ જેવા હોય એવા ન દેખાય.
  • પણ પોતે કરીયે શું શકે ? પલકને પોતાની સાથે લઈ જાય... પણ ભાઈ ચોખ્ખી ના જ પાડી દેવાનો.
  • છોડીને નસીબ ઉપર જ છોડી દેવાનીને ? ફૈબા મૂંઝાઈ રહ્યા.
  • પણ ફરી એક વાર પલકને સમજાવવાની કોશિશ કરવાનું તો ન જ ચૂક્યા.
  • ‘જો બેટા, આ... શું નામ... લવ્ય ને ?’
  • ‘જો એ કંઈ તારો સગો ભાઈ નથી શું સમજી ? અને આ તારી મા છે ને કંઈ તારી સગી મા નથી. એ તારી સાવકી મા છે.’
  • ફૈબાએ વહેવારનો એકડો ઘૂંટાવવો શરૂ કર્યો.
  • ‘સાવકી મા ? કોણ ? મારી મમ્મી ?’
  • ‘હવે રાખ... મમ્મી શાની ? તારી મમ્મી તો ક્યારની ઉપર ભગવાન પાસે પહોંચી ગઈ છે.’
  • ફૈબાના અવાજમાં થોડી ભીનાશ તો ભળી... પરંતુ ન જાણે કેમ પલકને સ્પર્શી નહીં.
  • ફૈબા ફરીથી પલકને સમજાવવામાં વ્યસ્ત થઈ ગયા.
  • થોડાં દિવસ પછી ફૈબા ગયા ત્યારે પલકને બીજું કશું તો નહીં પરંતુ સાવકી માનો અર્થ સમજાઈ ગયો હતો. અને લવ્ય પોતાનો સગો ભાઈ નથી... અને હવે પોતાને આ નવી મમ્મી મારશે એવું બધું સમજાઈ ચૂક્યું હતું. ફૈબા બિચારા પોતાની ફરજ બજાવી રડતી આંખે વિદાય થયા.
  • પલકનું બાળમાનસ ભયંકર ગૂંચવાડામાં પડ્યું હતું. ફૈબા કહેતા હતા એવું કશું દેખાતું તો નહોતું... પણ ફૈબા ખોટું થોડું બોલે ? પોતાની મમ્મી ઉપર ભગવાન પાસે હંમેશ માટે ચાલી ગઈ હતી એવું તો પહેલાં પણ બીજા કોઈક પાસેથી સાંભળ્યું હતું.
  • તો પછી શું ફૈબાની વાત સાચી હશે ? મમ્મી હવે મને દુઃખ આપવાની ? ખાલી લવ્યનું જ ધ્યાન રાખવાની ? લવ્ય મારો સગો ભાઈ નથી ? સાવકો અને સગો બે જુદા જુદા ભાઈ હોતા હશે ? હવે પૂછવું કોને ? પપ્પાને કે મમ્મીને પૂછવાની કે કશું કહેવાની ફૈબાએ ના પાડી છે. ફૈબાએ કહ્યું છે કે મમ્મી શું કરે છે તે બધું બરાબર જોતી રહેજે. જમવામાં પણ લવ્યને શું આપે છે ને તને શું આપે છે તેનું ધ્યાન રાખજે. તારે જ
  • લવ્યનું બધું કામ કરવું પડશે... લવ્યની ગુલામ થઈને રહેવું પડશે. ગુલામ એટલે શું ? એ પણ ફૈબાએ સમજાવ્યું હતું.
  • પલક મનોમન ધ્રૂજી ઊઠી. એમાં એક દિસ કોઈક ટી.વી.માં કોઈ જૂના પિક્ચરમાં સાવકી માને દીકરીને મારતી જોવામાં આવી ગયું અને પલકના હોશહવાસ ઊડી ગયા. બસ, હવે થોડા દિવસોમાં પોતાના હાલ પણ આવા જ થવાના.
  • હસમુખી, ચંચળ પલક ઉદાસ રહેવા લાગી. હવે એ લવ્યનું ધ્યાન રાખતી નથી. લવ્યને હેરાન કરવાની એક પણ તક ચૂકતી નથી. લવ્ય ‘દીદી દીદી’ કરતો એની પાછળ ફરે છે પણ પલક પહેલાંની જેમ એને વહાલ કરવાને બદલે એનાથી દૂર ભાગે છે.
  • આજે પણ એવું જ થયું.
  • ‘દીદી...’ કરતો લવ્ય પલક પાછળ દોડી રહ્યો હતો. પલકના હાથમાં રહેલ રંગીન ક્રેયૉનનું બોક્ષ લેવા મથી રહ્યો હતો. પહેલા તો પલક હોંશે હોેંશે ભાઈલાને આપી દેતી હતી, પરંતુ હવે સાવકા ભાઈને કેમ આપે ?
  • નાનકડા લવ્યએ દીદીના હાથમાંથી ક્રેયૉન ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. પલકે ગુસ્સામાં આવીને લવ્યને ધક્કો માર્યો. લવ્ય પડી ગયો અને રડવા લાગ્યો. રમ્યા શાક સમારતી ત્યાં જ બેઠી હતી. તેણે જોયું કે પલકે લવ્યને ધક્કો માર્યો.
  • તેણે સ્વાભાવિક રીતે જ પલકને ઠપકો આપ્યો, ‘ભાઈને આમ મરાય ? બેટા, તું તો મોટી છે. ભાઈને સૉરી કહી દે.’
  • ‘નહીં કહું સૉરી...’ કહી પલક ત્યાંથી ભાગી ગઈ.
  • રમ્યા સ્તબ્ધ. પલક ક્યારેય આવું તો નહોતી કરતી. તે વિચારમાં પડી ગઈ. નક્કી આમાં ફૈબાનો જ હાથ... ફૈબા જૂનવાણી હતા અને
  • આખો વખત પલક સાથે કંઈક ઘૂસપૂસ કર્યા કરતા. પોતે આવી ચડે તો વાત બદલી નાખતા હતા. આ નિર્દોષ છોકરીના મનમાં કશુંક ભરાવ્યું છે તે ચોક્કસ. નહીંતર પલકને લવ્ય કેટલો વહાલો હતો...? હમણાંથી પલક ‘મમ્મી મમ્મી’ કરતી પોતાની પાસે પણ આવતી નથી એનો ખ્યાલ પણ અચાનક રમ્યાને આવ્યો. આનો ઉપાય કરવો જ રહ્યો. શું કરવું તે રમ્યા વિચારતી રહી.
  • પણ હજુ રમ્યા કશું વિચારે તે પહેલાં જ...
  • તે દિવસે રવિવાર હતો. પલકને થોડા શરદી, ઉધરસ થયા હતા. રમ્યાએ લવ્યને કેળું આપ્યું. પલકને પણ કેળું ખૂબ ભાવતું હતું. સામાન્ય રીતે તો રમ્યા રોજ બંનેને સાથે જ આપે, પરંતુ આજે પલકને શરદી હોવાથી તેણે પલકને ના પાડી અને પલકને ભાવતો લાડુ આપ્યો. પલકે જોયું કે ભાઈને કેળું આપ્યું અને પોતાને ના પાડે છે. તેને ફૈબાની વાત યાદ આવી ગઈ. તે કશું બોલ્યા સિવાય ઉપર ભાગી ગઈ. રમ્યાને થયું - પોતે કૂકર મૂકીને હમણાં ઉપર જશે અને પલકને મનાવી લેશે.
  • ત્યાં લવ્ય દીદીની પાછળ તેને કેળું આપવા ઉપર ગયો.
  • ‘દીદી...’ કહી તેણે પોતાનો નાનકડો હાથ પલક તરફ લંબાવ્યો. પલક ગુસ્સામાં હતી. તેણે લવ્યને જોશથી ધક્કો માર્યો. લવ્ય દાદર પાસે જ હતો. રમ્યા બરાબર દાદર ઉપર પહોંચી હતી. પલકને મનાવવા ઉપર આવતી હતી ત્યાં...
  • લવ્યને દાદર પરથી ગબડતો જોઈ રમ્યાની ચીસ નીકળી ગઈ. શશાંક પણ દોડી આવ્યો. રમ્યાએ લવ્યને ખોળામાં લીધો. લવ્યના કપાળ ઉપરથી લોહીની ધાર વહેતી હતી. શશાંકે તુરત ડૉક્ટરને બોલાવ્યા.
  • આટલું બધું લોહી અને ડૉક્ટરની ધમાલ જોઈ પલક ગભરાઈ ગઈ હતી. પોતે ભાઈલાને આ શું કરી નાખ્યું ? તેને એ પણ ખબર પડી ગઈ
  • હતી કે મમ્મીએ પોતાને લવ્યને ધક્કો મારતાં જોઈ લીધી છે. હવે પોતાને...
  • તે ધ્રૂજી ઊઠી.
  • સદ્‌નસીબે લવ્ય બચી ગયો હતો. કપાળ ઉપર બાર ટાંકા લેવા પડ્યા હતા. લવ્યના કપાળ પર પટ્ટી બાંધેલી જોઈ પલક એક ખૂણામાં ગુનેગારની જેમ ઊભી હતી. તેને મનોમન રડવું આવતું હતું.
  • અચાનક શશાંકે રમ્યાને પૂછ્યું,
  • ‘પણ લવ્ય પડી કેમ કરતાં ગયો ?’
  • બસ પૂરું... હમણાં મમ્મી પોતાનું નામ લેશે અને પછી...
  • પલક સામે જોતી રમ્યાએ ધીમેથી જવાબ આપ્યો :
  • ‘તમને તો ખબર છે લવ્ય કેટલો તોફાની છે. પલક તેને રમાડતી હતી ત્યાં ભાઈસાહેબ ગબડી પડ્યા.’
  • પલક સાંભળી રહી.
  • તે રાત્રે પલક ધીમેથી મમ્મી પાસે આવી.
  • ‘મમ્મી’ તે ધીમેથી કશું બોલવા જતી હતી, ત્યાં રમ્યાએ તેને વહાલથી ખોળામાં લીધી.
  • પલક ‘મમ્મી’ કહી મોટેથી રડી ઊઠી.
  • શરતનો ભંગ
  • એક શમણું સાકાર થયાની ધન્ય પળ...! જે શમણાની પ્રતીક્ષા કાગડોળે વીસ વીસ વરસથી કરી રહી હતી તે આજે સાકાર થયું હોવાની સાબિતી આપજો રજિસ્ટર્ડ પત્ર અને સુંદર મેડલ પુનિતાના હાથમાં હતો. અને પુનિતા મૂઢની માફક કવર હાથમાં લઈને બેઠી હતી, ખોલવાની દરકાર સુદ્ધાં કર્યા સિવાય. કદાચ પરમ આનંદ કે પરમ વિષાદની ક્ષણોમાં માનવી આમ જ...!
  • જોકે એકાદ ક્ષણ તો પુનિતાને થયું પોતે દોડીને પુત્રીના રૂમનું બારણું જોશથી ખખડાવે. ઢંઢોળીને, હલબલાવીને ઉંઘણશી પુત્રીને બૂમો પાડીને જગાડે. અને મા-દીકરાના હર્ષના સ્વરો દિગંતમાં રેલાઈ રહે. તે સોફા પરથી ઊભી થવા ગઈ પણ... ના, એમ શરતનો ભંગ થોડો કરાય ? પોતે સૂતી પુત્રીને ઉઠાડશે નહીં એવું પ્રૉમિસ આપેલ, એ થોડું તોડાય ? પુત્રીએ જાતે જ ઊઠીને હવે પોતાની શરત પાળવી રહી.
  • ‘પણ આટલી બધી વાર તે સૂવાતું હશે ? લાવ, ઉઠાડું...’
  • દ્વિધામાં અટવાતી પુનિતા ઊભી થવા ગઈ. પુત્રીના રૂમ તરફ એક નજર કરી...
  • ‘ના, ના. બિચારી ભલે સૂતી. વરસોથી તેને ઉઠાડતી જ આવી છું ને ? વીસ વરસોથી એ જ કામ કર્યું છે ને ? આજે ભલે નિરાંતે સૂઈને થાક ઉતારે. આમ પમ તેની હંમેશની ફરિયાદ હતી...
  • ‘મમ્મા, તું મને ક્યારેય નિરાંતે સૂવા નથી દેતી. પ્લીઝ... આજે છુટ્ટી...’
  • જોકે એ છુટ્ટી મમ્માની કૉર્ટમાં ક્યારેય મંજૂર નહોતી થતી. પરંતુ બધે કંઈ મમ્માની કૉર્ટ થોડી જ હોય છે ? અને પુત્રી મમ્મીની ફરિયાદ કરવા માટે સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચશે એવી તો કલ્પના પણ અશક્ય જ હતી ને ?
  • પુનિતાની બંધ આંખોમાં વરસો પહેલાંનું એ દૃશ્ય અનાયાસે તરવરી રહ્યું.
  • જ્યારે ચાર વરસની પ્રાચી તેની બહેનપણી પૂર્વા સાથે હાથમાં નાનકડું રૅકેટ પકડી ટેનિસ રમી રહી હતી. ઘરમાં ચીટફંડની પાર્ટી હતી અને ચાનાસ્તાની સાથે ગામગપાટા ચાલી રહ્યા હતા. અચાનક પુનિતાની બહેનપણી સંજનાએ પ્રાચી સામે જોઈ કહ્યું હતું :
  • ‘પુનિતા, તારી દીકરી તો ટેનિસ બહુ સરસ રમે છે. રૅકેટ પકડવાની તેની સ્ટાઇલ તો જો. અત્યારથી જાણે ઑલિમ્પિકની તૈયારી ન કરતી હોય ! પુનિતા, મારું માન તો આને અત્યારથી જ પ્રૅક્ટિસ ચાલુ કરાવી દે. મને તો તેનામાં ટેલેન્ટ દેખાય છે. આગળ આવતાં વાર નહીં લાગે.’
  • અને પુનિતાને તો દીકરી જાણે તે પળે જ ઑલિમ્પિકમાં ભાગ લેતી હોય અને મેડલ જીતતી હોય તેવાં સપનાં દેખાવા ચાલુ થઈ ગયાં.
  • અને સંજનાએ પણ તેમાં સાથ પુરાવ્યો : આજકાલ તો આ બધાની જ બોલબાલા છે. હવે તો ભણવા-કરવાને બદલે ડાન્સ, સંગીત, સ્પોર્ટસ વિગેરેમાં જ ફાયદો છે. કીર્તિ અને કલદાર બંને એમાં જ મળે છે. ભણીભણીને છોકરું થાકી જાય પછીયે સારી નોકરી મળવી સહેલી નથી રહી. અને બિઝનેસ કરે તો પણ ચાલશે કે નહીં એની કોઈ ખાતરી ખરી ? એના કરતાં તો આવું કશું કરાવ્યું હોય તો વધારે સારું એમ મને તો લાગે છે.
  • ‘હા, વાત તો સંજનાની સાચી છે. મેં તો મારી પૂર્વાને અત્યારથી સંગીતની તાલીમ ચાલુ કરી દીધી છે. એ તો બીજી ઐશ્વર્યા મજમુદાર બનવાની છે.’
  • શિવાનીએ સંજનાની વાતમાં ટાપસી પૂરાવી.
  • ‘પણ તારી પૂર્વાને તો ડૉક્ટર બનવું છે એમ કહેતી હોય છે.’
  • ‘અરે, એ તો છોકરું છે, એને શું ખબર પડે ? એ તો જે મનમાં આવે તે બોલ્યા કરે. એ શું સમજે ? એના ભવિષ્યની ખબર એને પડે કે આપણને ? હું તો તને સાચું કહું છું. ભણાવવા કરતાં અત્યારે છોકરાઓને આવું કશુંક જ કરાવવું જોઈએ. હા, એ માટે અત્યારથી જ મહેનત કરાવવી જોઈએ. બીજના વિકાસ માટે યોગ્ય ખાતર, પાણી તો મળવા જોઈએ ને ?’
  • અને પુનિતાની આંખોમાં પાંચ વરસની પુત્રીના ભાવિના રંગીન શમણાં ઉગ્યાં. પુત્રી ભવિષ્યમાં ઉત્તમ ટેનિસ પ્લેયર બની શકે તે માટે શરૂ થઈ સખત મહેનત... જોનાર સૌ કહેતાં - આને કોઈ રોકી નહીં શકે.
  • કેટલી સાચી વાત કહી હતી... કોઈ એને ક્યાં રોકી શક્યું હતું ?
  • અને પહેલી વાર એ સ્કૂલમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં જીતી ત્યારે તાળીઓના ગડગડાટ અને અભિનંદનની હેલીઓની વચ્ચે પુનિતા અને સંકેતની આંખોમાં વહાલી પુત્રીના ભાવિના શરમણાં અંજાયાં હતાં. પહેલું ઇનામ લેવા જતી નાનકડી પુત્રી વિશ્વની સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ઍવોર્ડ લેતી હોય એ દૃશ્ય જ તેમની નજર સામે તો તરવર્યું હતું. જોકે નાનકડી પ્રાચીને તો શમણું એટલે શું એ પણ ક્યાં જાણ હતી ?
  • પરંતુ એ પછી પ્રાચીને એટલી જાણ જરૂર થવા પામી હતી કે હવે તેણે રોજ સવારે વહેલા ઉઠીને શિક્ષક પાસે ટેનિસની રમતની પ્રૅક્ટિસ કરવાની છે. સ્કૂલેથી આવી જલદી જલદી જમીને કોચ પાસે ક્લબમાં પ્રૅક્ટિસ માટે જવાનું છે અને સૂતાં પહેલાં ફરી એક વાર નેટ પ્રૅક્ટિસ.
  • શરૂઆતમાં પ્રાચી થોડી આનાકાની કરતી, પણ પપ્પા-મમ્મી ક્યાં માને તેમ હતા ? અને પછી પ્રાચીએ પોતાની ઇચ્છા છોડી મમ્મીની ઇચ્છાને સ્વીકારી લીધી હતી. મમ્મી-પપ્પા કહે તેમ કરવાનું.
  • સપનાં સાકાર કરવા સખત મહેનત, શિસ્ત જરૂરી છે એ સત્યથી પુનિતા કે સંકેત થોડા અજાણ્યા હતા ? પ્રાચી તો નાની હતી. તેને થોડી સમજણ પડે ? તેને તો નિરાંતે ઊંઘવું હોય, રમવું હોય, બહેનપણીઓ સાથે તોફાન-મસ્તી કરવા હોય. પણ એ તો અબૂધ હતી. જેને કશું કરવું છે તેને સમય વેડફવો થોડો પાલવે ? અને તેથી જ તો પુનિતા ક્યારેય પુત્રીને સમય વેડફવા નહોતી દેતી. બાળકને પોતાના ભવિષ્યની સમજ ન હોય એ સ્વાભાવિક છે. એ જવાબદારી તો જાગૃત માતાપિતાની જ હોય ને ? અને પુનિતા અને સંકેત પતાની એકની એક વહાલસોયી પુત્રી માટે પૂરા જાગૃત હતા જ. તેઓ થોડા અભણ, અશિક્ષિત હતા ? અને મહેનત વિના કોઈ શમણાં ક્યારેય સાકાર થયા છે ખરા ?
  • આવું વિચારતી માતા ગર્વ અનુભવતી...
  • અને પ્રાચીની સાધના અવિરત ચાલુ રહેતી. થોડી સમજણી થતાં માતાપિતાએ પુત્રીની આંખોમાં પણ એ શમણાં ઉછેરવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. જોકે ખાસ સફળતા મળત્ી નહોતી... પરંતુ વિરોધ પ્રાચીની પ્રકૃતિમાં જ નહોતો, તેથી મમ્મીની ઇચ્છા મુજબ પ્રાચી હાથમાં રૅકેટ પકડી દોડતી રહેતી. આ ક્ષણે પમ દોડવાનો અવાજ આવે છે કે શું ? પુનિતાએ ધીમેથી પુત્રીના રૂમ તરફ કાન માંડ્યા. કશોક અવાજ તો પ્રાચીના રૂમમાંથી જરૂર આવી રહ્યો હતો.
  • જોકે નાનપણથી પ્રાચીને ઉઠાડવામાં તેને હંમેશાં બહુ મહેનત કરવી પડતી. વહેલી સવારે ઉઠવું તેને જરાપણ ગમતું નહીં... ‘મમ્મા, પ્લીઝ... સૂવા દે ને. બહુ ઊંઘ આવે છે.’ રજાઈ માથા સુધી ખેંચી પ્રાચી અંદરથી બોલતી.
  • અને રજાઈ ખેંચી લેતાં મમ્મી બોલતી, ‘બેટા, અત્યારે મહેનત કરીશ તો જ ભવિષ્યમાં શાંતિથી સૂવા મળશે... બેટા, એક દિવસ તું મહાન ખેલાડી બનીશ. વિશ્વમાં તારું એક નામ અને સ્થાન થશે. અમે
  • તારા મમ્મીપપ્પા તરીકે ઓળખાવાનું ગૌરવ લેશું. આપણું ઘર મેડલોથી ભરાઈ રહેશે.’
  • પુનિતાની નજર ઘરમાં ફરી વળી. ઘર ખરેખર મેડલોથી ભરાઈ ગયું હતું.
  • ‘બેટા, અત્યારે તને થોડી તકલીફ પડશે પણ જીવનભરની નિરાંત...’
  • ‘જીવનભરની નિરાંત...!’ શબ્દો પુનિતાના અસ્તિત્વમાં અટ્ટહાસ્ય કરી ઉઠ્યા કે શું ?
  • આજ્ઞાંકિત, ડાહી પુત્રી માતાપિતાની આંખોનાં શમણાં સાકાર કરવા હાથમાં રૅકેટ પકડી કોઈ દોડાવે તેમ સતત દોડતી રહી. એક અવિરત સાધના ચાલુ રહી. પુનિતા પણ તેની પાછળ બધું ભૂલી ગઈ હતી. પુત્રીની તપસ્યામાં તે સતત સાથે રહી હતી. એક માત્ર લક્ષ્ય જ તેને સામે દેખાતું હતું. જોકે સંકેત ક્યારેક કહેતો, ‘તું એને થોડો થાક તો ઉતારવા દે. એક પછી એક ટુર્નામેન્ટ ગોઠવ્યા જ કરે છે.’
  • અને સ્વપ્નિલ આંખે પુનિતા કહેતી, ‘અત્યારે મહેનત નહીં કરે તો બુઢ્ઢા થયા પછી કરશે ?’ અને કેટલાંય ઉદાહરણોના શ્રોતા પુત્રી અને પિતા બની રહેતાં. જોકે ન જાણે કેમ પણ પ્રાચીને ક્યારેય એવી કોઈ મહત્ત્વાકાંક્ષા જાગી જ નહીં. ક્યારેક રમવું તેને જરૂર ગમતું, પણ તેનું સપનું તો હતું ગળામાં સ્ટેથોસ્કૉપ લટકાવી ડૉક્ટર બની દર્દીઓને તપાસી, તેમની સેવા કરવાનું. નાની હતી ત્યારે એક વાર તેને ખૂબ તાવ આવેલ અને ડૉક્ટરને ઘેર બોલાવેલ ત્યારથી નાનકડી પ્રાચીની આંખોમાં ડૉક્ટર થવાના ઓરતા ઉછરતા હતા... તેન ખૂબ ભણવું હતું...
  • ‘મમ્મા, કાલે મારી પરીક્ષા છે. આજે પ્રૅક્ટિસ નહીં કરું તો ચાલે ? આજે ડાન્સ ટીચરને ના પાડી દેને... પ્લીઝ...’
  • ‘અરે બેટા, તું તો હોશિયાર છે. તું પાસ થવાની જ છે એમાં મને કોઈ શંકા નથી. પહેલો નંબર ન આવે તો આપણે ક્યાં એમાં કેરિયર બનાવવી છે ? તારી કેરિયર માટે જે જરૂરી છે એનું જ ધ્યાન તારે તો રાખવાનું. અર્જુનને જેમ પક્ષીની એક આંખ જ દેખાતી હતી તેમ તને પણ રૅકેટ સિવાય કશું દેખાવું ન જોઈએ.’
  • અને પુનિતાને તો ક્યારેય એ સિવાય કશું દેખાતું જ ક્યાં હતું ? અને પ્રાચી બોલી ન શકી કે તેને તો ડૉક્ટર થવું છે અને લોકોની સેવા કરવી છે. તેણે પોતાના શમણાંઓ મમ્મીની ઇચ્છામાં ઓગાળી નાખ્યા.
  • દિલ્હીમાં યોજાયેલી ટેનિસની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રાચીનું નોમિનેશન થયું ત્યારે પુનિતાને મંઝિલ સામે આવતી દેખાઈ. તેની હોંશ, ખુશાલી ચરમસીમાએ પહોંચી હતી. પુત્રી માટે ગૌરવ અનુભવતી તે સાતમા આસમાને વિહરતી હતી. બસ, હવે તો એક પછી એક દરવાજા આપોઆપ ખૂલતાં જશે. આમ તો પતિપત્ની બંને પુત્રીની સાથે દિલ્હી જવાના હતા, પરંતુ આગલે દિવસે અચાનક લપસી જવાથી પુનિતના પગમાં પ્લાસ્ટર આવ્યું અને તેથી પુત્રી પપ્પા સાથે જ ગઈ.
  • જોકે મમ્મીને મૂકીને જવાની પ્રાચીને જરાયે ઇચ્છા નહોતી. પણ મમ્મીના આગ્રહને હંમેશની માફક આજે પણ તે ટાળી શકી નહીં. અગણિત સૂચનાઓ આપી પતિને બધી વાતની સંભાળ રાખવાનું કહી, તે મન મનાવી રહી. આમ તો હંમેશાં કોઈ પણ સ્પર્ધા વખતે પુનિતા પુત્રીની સાથે જ રહેતી. શહેરમાં, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ જ્યાં પણ પ્રાચી જાય ત્યાં તે પડછાયાની જેમ પુત્રી સાથે રહેતી. જેથી તેનો આત્મવિશ્વાસ ડગે નહીં અને હંમેશાં ઇનામો લઈ આવતી પુત્રીને જોઈ એક મા હરખી રહેતી; અને આજે આવડી મોટી સ્પર્ધા છે ત્યારે...? પણ શું થાય ? કોઈ ઉપાય નહોતો.
  • પુત્રીને કપાળે કુમકુમ ચાંદલો કરી, દહીં, સાકર ખવડાવતાં તેની આંખોમાંથી વહેતા શ્રાવણ-ભાદરવાને જોઈ સંકેત બોલ્યો, ‘તારી પુત્રી કંઈ સાસરે નથી જતી.’ પુત્રીને વળગી, સ્નેહથી તેને માથે હાથ ફેરવી, મન કઠણ કરી પુનિતાએ દીકરીની વિદાય આપી. રડતી માને જોઈ પ્રાચીને ફરી એક વાર થયું કે મમ્મીને કહી દઉં... ‘મમ્મી, જવા દે ને બીજી વખત ક્યારેક સ્પર્ધામાં જશું. તારા વિના મને પણ મજા નહીં આવે.’ પરંતુ બોલવાનો કોઈ અર્થ નહોતો. એ પોતે ક્યાં નહોતી જાણતી.
  • ‘મમ્મી, ત્યાંથી આવીને બે દિવસ સુધી ખાલી સૂવાની છું હોં. નિરાંતે વરસોનો થાક હું ઉતારવાની છું અને બે મહિના કોઈ ટુર્નામેન્ટ નહીં. બસ, તારી સાથે નિરાંતે વાતો કરવી છે અને તે પણ સૂતાસૂતા હોં... અને તારે બિલકુલ ઉઠાડવાની નહીં. પ્રૉમિસ ?’
  • પુનિતાએ હસતાં હસતાં પ્રૉમિસ આપ્યું, ‘બેટા, તેં જીતી લાવેલ મેડલ હું ગર્વથી જોતી રહીશ અને તું નિરાંતે સૂજે બસ...? તારી ઇચ્છા થાય ત્યારે ઉઠવાનું... ખુશ ? આટલા વરસો તને રોજ પરાણે ઉઠાડી છે ને ? હવે તારી જાતે તને ઇચ્છા થાય ત્યારે ઉઠજે. મમ્મી તારા પલંગ પાસે બેસીને તારા ઉઠવાની પ્રતીક્ષા કરશે...’ પુનિતા લાગણીશીલ બની ઉઠી. પુત્રીને પોતે ક્યારેય નિરાંતે સૂવા નથી દીધી એ ખ્યાલ કદાચ આજે પુત્રીની વાત સાંભળીને પહેલી વાર આવ્યો હતો કે શું ?
  • અને ત્રણેની આંખો ધૂંધળી બની હતી.
  • બાપ-દીકરી નજરથી અદૃશ્ય થયા ત્યાં સુધી પુનિતાની આંખો તેને સ્નેહથી નીરખી રહી.
  • પુત્રી વિનાનું એ અઠવાડિયું હતું કે એક આખો યુગ...?
  • પુત્રીની ગેરહાજરીમાં તેનો રૂમ સાફ કરાવતાં અચાનક તેના રૂમમાંથી એક નોટમાં થોડું લખાણ પુનિતાની નજરે ચડ્યું. એ શબ્દો આ ક્ષણે પણ તે અક્ષરશઃ બોલી શકે તેમ છે. ક્યરેય ભૂલી શકે તેમ નથી... ક્યારેય નહીં...
  • ‘મમ્મી હમણાં આવશે મને ઉઠાડવા... આજે ઉઠવાની કે પ્રૅક્સિટમાં જવાની મને જરા પણ ઇચ્છા નથી થતી. પણ મારું ચાલવાનું નથી એની પણ મને ખબર છે જ ને ? મારે તો ભણવું છે, ખૂબ ભણવું છે... પણ મમ્મી-પપ્પા મને કેટલો પ્રેમ કરે છે... હું તેમની એક માત્ર દીકરી. તેમના શમણાં પૂરાં કરવાં એ મારી ફરજ ખરી કે નહીં ? મમ્મી, હું તારી, તામરી ઇચ્છા જરૂર પૂરી કરીશ. એક દિવસ મહાન ખેલાડી બનીશ. ઑલિમ્પિકમાં મશાલ લઈને દોડીશ અને ખૂબ બધા ઍવોર્ડો જીતીશ. તારે મારા નામથી ઓળખાવું છે ને મમ્મી ? તું જરૂર ઓળખાઈશ, પણ પછી મારી એક શરત ! મને નિરાંતે સૂવા દેવાની હોં. મારે ખૂબ ઊંઘવું છે. તે દિવસે મારી રજાઈ ખેંચીશ નહીં ને ?’
  • બસ આટલું જ લખેલ હતું. ક્યારે... કઈ પળે લખાયેલ હતું આ બધું ? કદાચ દિલ્હીની સ્પર્ધામાં જવાને આગલે દિવસે....
  • અને તે વાંચી પુનિતાની આંખો અનરાધાર વરસી રહી.
  • ‘બેટા, ક્યારેય તારી રજાઈ નહીં ખેંચું, ક્યારેય નહીં. પણ બેટા, સામે મારી પણ એક શરત છે. તું મારી ડાહી પુત્રી છે. હંમેશાં તેં મારી વાત સ્વીકારી છે, માની છે. આજે પણ માનીશ ને ? હું રજાઈ ન ખેંચું તો પણ તારે પછી તારી જાતે ઉઠવાનું તો ખરું હોં... ઉઠીશ ને ? ઉઠીશ ને ?’
  • પુનિતાની આંખો બહાવરી ચકળવકળ બની રૂમમાં ઘૂમી રહી. દોડીને તે પુત્રીના રૂમમાં ગઈ. પુત્રી આમ શરતનો ભંગ કરે તે કેમ ચાલે ? તેણે જોશથી ફરી એક વાર પુત્રીની રજાઈ ખેંચી. પણ...
  • દિલ્હીમાં શ્રેષ્ઠ ખેલાડીનો ઍવોર્ડ જીતી પાછા ફરતાં થયેલ અકસ્માતમાં...!
  • અને તેના ડૂસકાંના સ્વર દિગંતમાં રેલાઈ રહ્યા.
  • શાબાશ બેટા...!
  • ઊંચે જતી ધૂમ્રસેરને મંથનભાઈ સજળ આંખે જોઈ રહ્યા. વહાલી પત્ની શિખાને આજે પોતે સ્વહસ્તે...! અચાનક અધવચ્ચે મૂકીને આમ જતા રહેવાનું ? આવી અલવિદા તે હોતી હશે ? મંથનભાઈથી એક ડૂસકું મૂકાઈ ગયું. મિત્રનો સાંત્વનાભર્યો હાથ વાંસામાં ફરતાં એ શાંત થવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા.
  • તેર દિવસ તો સગાંસ્નેહીઓ અને મિત્રોએ સંભાળી લીધા. સગાંઓ તો ખાસ હતાં જ ક્યાં ? બધાનો સધિયારો, દિલાસો મૌન બની તે સાંભળી રહ્યા. પુત્રીને પણ કોઈએ સંભાળી લીધી હતી. મમ્મી માટેના તેના પ્રશ્નોના જવાબ કોણે કેવા આપ્યા હશે તે તો ખબર નહોતી, પરંતુ દસેક વરસની પુત્રી જ્યારે ‘પપ્પા’ કહીને પોતાને વળગી પડી ત્યારે એટલું તો સમજાયું કે પુત્રીને જાણ થઈ ગઈ છે કે મમ્મી હવે પાછી નહીં જ આવે. મરનાર પાછું નથી આવતું, એટલું સમજી શકે તેવડી તો પુત્રી હતી જ.
  • કૅલેન્ડરના પાનાં ફાટતાં રહ્યાં. લાલચટ્ટક ગુલમહોર મહોરતો રહ્યો. કેસૂડાના ફૂલોની આવનજાવન ચાલુ રહી અને પીળો ગરમાળોય પર્ણને બદલે ફૂલોથી આચ્છાદિત થતો રહ્યો.
  • ‘પપ્પા...બાય...’ કહેતી પુત્રી હવે સ્કૂલે જતાં પહેલાં શિખાની જેમ જ રોજ સૂચનો આપતી થઈ, ‘પપ્પા, દૂધ પી લેજો. ઑફિસમાં બહુ ચા ન પીતાં અને સાંજે વહેલા આવી જજો.’
  • રોજ સાંજે બાપદીકરી વહાલના દરિયામાં ભીંજાતા રહે. ક્યારેય બેમાંથી કોઈ શિખાનું નામ ન લે, પરંતુ તેમની દરેક વાતમાં શિખાની હાજરી અચૂકપણે હોય જ. રિયા ‘મમ્મી’ એવું બોલે નહીં... પણ મમ્મી વિનાની તેની કોઈ વાત ન હોય. ‘લાંબા વાળ ફાવતા નથી.’ કહી તેણે કપાવી નાખ્યા હતા. હકીકતે રિયાને લાંબા વાળ બહુ ગમતા હતા, પણ હવે કોણ ઓળી આપે ? કામ કરનાર બહેનને મમ્મી જેવા થોડા આવડે ? તેથી દીકરીએ જાતે જ...!
  • રિયા સમજણી થઈ ગઈ હતી. કદાચ મા વિનાની દીકરીઓ વહેલી જ સમજણી થઈ જતી હશે ! રિયાની ચંચળતાએ ગંભીરતાનું સ્થાન, નાદાનીએ સમજણનું સ્થાન લીધું હતું. તેનું દરેક વર્તન તે વાતની સાક્ષી પૂરાવતું હતું. જોકે પપ્પાને તે વર્તન ખુશ કરવાને બદલે ઉદાસ બનાવતું હતું. પપ્પાને એકલા, ઉદાસ બેઠેલા જોઈ રિયા બધું લેશન પડતું મૂકી, ‘પપ્પા, ચાલો મારી સાથે રમોને...’ અને વહાલસોયી દીકરીને ના કહેવાનું પપ્પાનું ગજું કેટલું ?
  • સમય પંખી બની ઉડતો રહ્યો. કૉલેજમાં આવેલી રિયા પપ્પાની ઉદાસ પળોની સાથીદાર હતી. બાપદીકરી એકબીજાની વણકહી વાતો સાંભળી કે સમજી શકતા.
  • એ શનિવારની સાંજ હતી. દર શનિવારે રિયા તૈયાર રહેતી. પપ્પા આવે ત્યારે બંને દરિયે જતા. આજે પણ પપ્પા આવ્યા, પરંતુ એકલા નહીં, સાથે કોઈ આન્ટી હતા. ‘રિયા, આ શૈલી આન્ટી છે. આપણી ઑફિસમાં જ કામ કરે છે.’
  • ‘નમસ્તે આન્ટી’ અને પછી ત્રણે જણા સાથે દરિયે ગયા. વાતો તો હંમેશની માફક મોટેભાગે બાપદીકરીએ જ કરી. શૈલા વચ્ચે વચ્ચે બેચાર શબ્દો બોલી એટલું જ. હા, મંદ સ્મિત જરૂર ફરકાવતી રહી. રિયા સાથે વાત કરવાના થોડા પ્રયત્નો કર્યા, પણ રિયાએ કંઈ બહુ ઉત્સાહ દાખવ્યો નહીં. અને તેનો અણગમો સમજી ગેયલ શૈલા પછી મૌન જ રહી. જોકે પછી શૈલા આન્ટી ઘરમાં અવારનવાર આવતા થયા. ક્યારેક રિયાની હાજરીમાં તો ક્યારેક તેની ગેરહાજરીમાં. અવ્યવસ્થિત રહેતું ઘર વ્યસ્થિત રહેવા લાગ્યું. એક સ્ત્રીની કાળજી ઘરમાં વર્તાવા લાગી.
  • પરંતુ રિયાનો અણગમો આન્ટી માટે વધતો ચાલ્યો. રિયાને ભાવતું તે બનાવે તો રિયાને તે દિવસે ખાવાનો મૂડ જ ન હોય. આન્ટી મમ્માના રૂમમાં જાય તે તેને ન જ ગમતું. એ રૂમ પર તો તેનો ને પપ્પાનો જ અધિકાર. ત્યાં કોઈ દાખલ કેમ થઈ શકે ? તેને હતું કે આન્ટીને તે રૂમમાં જવાની પપ્પા જ ના પાડી દેશે, પણ... પપ્પા તો...!
  • ‘બેટા, આન્ટી આવે છે તો કેવું સારું લાગે છે નહીં ? તેની હાજરી ઘરને જીવંત બનાવી દે છે..!’
  • ‘નહીં પપ્પા... મને તો... મમ્મી ન હોવા છતાં આજ સુધી એ હંમેશ આપણી વચ્ચે રહેતી. આજે મને એ કેમ અદૃશ્ય થતી લાગે છે...?’
  • જોકે રિયા મૌન જ રહી. પપ્પા પાસે તે પ્રગટ રીતે આવું કશું બોલી નહીં. પપ્પાને દુઃખ થાય તેવું કશું બોલવાની તેને ઇચ્છા ન થઈ. અને તેની નજર, તેનો અણગમો પારખવા છતાં પપ્પા જાણે અજાણયા બની રહ્યા કે પછી તે તરફ બેદરકાર...?
  • છેલ્લા એક વરસથી શૈલા આન્ટી સતત ઘરમાં આવતાં-જતાં રહ્યા હતા. રિયાનું દિલ જીતવાના તેમના પ્રયત્નો સમજી ન શકે એવી અબૂધ તે નહોતી રહી. તેને ક્યારેક રડવું આવતું. ક્યારેક એકલી એકલી મમ્મીને ફરિયાદ કરતી વખતે રિયાની આંખો છલકાઈ રહેતી.
  • સાત સાત વરસો સુધી પુત્રીના દિલના અનર્ગળ વહેતા સ્નેહના ઝરણાએ પપ્પાની એકલતાના ઝુરાપાને કંઈક સહ્ય બનાવ્યો હતો. તો પુત્રી કોઈ પણ ક્ષણે પ્રેમથી વંચિત ન રહે તેનો ખ્યાલ પપ્પાએ રાખ્યો જ હતો અને બાપદીકરીના આ વહાલના વારિથી ભીંજાતી શિખા ફોટામાં મલકતી રહેતી.
  • પણ હવે આ સમીકરણ બદલાતું હતું કે શું ? એમાં કોઈ ચોથું ઉમેરાતું હોય તેવું કેમ લાગતું હતું ? પોતાના ત્રણ વચ્ચે ચોથા કોઈનો અનાધિકાર પ્રવેશ રિયા સહન કરી શકે તેમ નહોતી. પપ્પા બધાની સાથે હસતા રહે એનાથી મોટી ખુશી રિયા માટે હોઈ જ ન શકે. રિયા એ માટે સતત પ્રયત્નશીલ હતી જ. પપ્પાને દુનિયામાં ફરીથી રસ લેતા તેણે જ કર્યા હતા. પપ્પાનો ચહેરો ઉદાસ રહે એ લાડકી પુત્રી કેમ સહન કરી શકે ?
  • પણ છતાં... પપ્પા શૈલા આન્ટી સાથે આ રીતે હસીને વાતો કરે, ઘરની વ્યક્તિની જેમ આવકારે. શૈલા આન્ટી મમ્માનો રૂમ સાફ કરે, ગોઠવે આ બધું રિયાથી કેમેય સહન નહોતી થતું. રિયાને કહેવાનું મન થઈ આવતું, ‘આન્ટી, તમે રહેવા દો... મમ્માનો રૂમ કાયમ હું જ વ્યવસ્થિત કરું છું. એ કામ મારું કે પપ્પાનું છે. ત્રીજા કોઈનું, પારકાનું નહીં...’ પણ શબ્દો બહાર નીકળતા અહીં અને મનોમન તે અકળાતી રહેતી.
  • પપ્પાના સ્નેહમાં કોઈ ફરક પડ્યો નહોતો. ઉલટું પપ્પા જાણે ગુનાહિત લાગણી અનુભવતા હોય તેમ નાની નાની વાતો રિયાને પૂછ્યા કરતા. અને છતાં પપ્પાને હવે પોતાના કરતાં શૈલા આન્ટીની જરૂર વધારે પડે છે તે સત્ય તેનાથી છૂપું કેમ રહે ? આન્ટી આવે ત્યારે પપ્પાની આંખમાં પ્રગટતી ચમકથી તે અજાણ થોડી હતી ? રિયાને ક્યારેક અણગમો... ક્યારેક રોષ... ક્યારેક દુઃખ કે ગુસ્સો આવતો. તેની નારાજગી એક યા બીજી રીતે તેના વર્તનમાં વ્યક્ત થતી રહેતી. અને પપ્પા શું રિયાનો અણગમો... નારાજગી પારખી શકતા નહોતાં ? અને છતાંયે ? બસ... આ એક વાત પર રિયા અકળાતી રહેતી. પોતાના અણગમાને પણ પપ્પાએ આ આન્ટી માટે નજરઅંદાજ કર્યો ? તેનું સૂક્ષ્મ અભિમાન ઘાવતું...
  • અને રિયા મૌન... ઉદાસ... !
  • શૈલા આન્ટી હવે રોજ ઘરમાં આવતા-જતા હતા. રિયાની નાની-નાની વાતોનો ખ્યાલ રાખવા તે મથતા. પણ રિયા તેનાથી અળગી જ રહેતી. આન્ટીના પ્રયત્નો જોઈ રિયાને વધારે ગુસ્સો આવતો... ‘જાણે હું કેમ કશું સમજતી ન હોઉં ! હું કંઈ હવે નાની નથી. આ ઘરમાં મમ્માનું સ્થાન કોઈ નહીં લઈ શકે, તમે પણ નહીં...’
  • મૌન રિયાની આંખો બોલતી રહેતી. તે પપ્પાની સામે તીવ્રતાથી જોઈ રહેતી. પપ્પા કશું બોલતા નહીં, પણ તેમની આંખોમાં વિષાદની લહેર ફરી વળતી. રિયાને એમાં મમ્માની અવહેલના જ દેખાતી. ઉપરથી બધું સામાન્ય લાગતું હતું, પણ છતાં એક તણાવ બધા મહેસૂસ કરી રહ્યા હતા.
  • અને એક દિવસ...
  • ‘શૈલા... જ્યાં સુધી રિયા મનથી તારો સ્વીકાર ન કરી શકે ત્યાં સુધી હું મજબૂર છું. એ માને છે કે હું તેની મમ્મીનો દ્રોહ કરી રહ્યો છું. તેથી તે... ! પુરુષની એકલતા તે ન સમજી શકે તે સ્વાભાવિક છે. શિખા પ્રત્યે આ મારી બેવફાઈ નથી. મારું મન તને આવકારે છે. તારામાં હું મારી ખોવાયેલી શિખા પામી શક્યો છું. પણ રિયાના સ્વીકાર વિના...? અને હું જાણું છું તેં રિયાનું દિલ જીતવાનાં ઘણાં પ્રયત્નો કર્યાં છે. ફરિયાદનો એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય તું અપાર ધૈર્ય રાખી શકી છે. પણ...’
  • બોલતાં બોલતાં મંથનભાઈનો અવાજ ગળગળો થઈ ગયો. જવાબમાં શૈલા કશુ ંબોલી નહીં. ફક્ત તેની છાતી પર માથું મૂકી...!
  • અને બરાબર તે જ ક્ષણે કૉલેજથી અચાનક આવી ચડેલ રિયાની નજરે આ દૃશ્ય...! તેની આંખો રોષથી છલકાઈ આવી. તે ધીમે પગલે પાછી ફરતી હતી ત્યાં શૈલા આન્ટીના શબ્દો તેના કાનમાં પડ્યા, ‘મંથન, તમે ચિંતા ન કરો. મારામાં અપાર ધીરજ છે. હું રિયાના તેના ઘેર જવાની રાહ જોઈશ.’
  • રિયાની આંખો છલકાઈ આવી. તેને સમજ ન પડી પોતે વળી ક્યાં જવાની હતી ? તેની નજર સમક્ષ વારંવાર એ દૃશ્ય જ તરવરતું હતું. પપ્પા આવું કરી જ કેમ શકે ? અને પોતાને ક્યાં મોકલવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે ? હૉસ્ટેલમાં ? પપ્પાને છોડીને તે ક્યાં જાય ? શા માટે જાય ?
  • આખી રાત અજંપામાં વીતી. કશું ગમતું નહોતું. અભિમાન... રોષ... આક્રોશ... પપ્પા પર તેને ગુસ્સો આવતો હતો. શૈલા આન્ટી વિશે તો તે વિચારવા પણ નહોતી માગતી. આ બધાનું મૂળ તે જ તો હતા... છે !
  • ચંદ્ર ચાંદની વિનાનો, તારાઓ રોશની વિના ફિક્કા અને રાત ડરામણી... સપના ભયાનક...!
  • થોડા દિવસો આમ જ વીત્યા. રિયા પપ્પા સાથે સંતાકૂકડી રમતી રહી. પેલું દૃશ્ય અને શૈલા આન્ટીના શબ્દો તેનો પીછો ક્યાં છોડતા હતા ?
  • આજે વેલેન્ટાઇન-ડે હતો. કૉલેજમાં ચહલપહલ હતી. વાતાવરણ રંગીન હતું. યૌવન આજે સ્વાભાવિક રીતે જ ઉન્માદઘેલું બન્યું હતું. એક રોમાંચના પૂરમાં સૌ તણાતા હતા. એકબીજાને અવનવી ગીફ્ટની લહાણી યુવકયુવતીઓ કરતા રહ્યા. ક્યાંક હૈયાની આપ-લે પણ થતી રહી. રિયાની દુનિયામાં આજ સુધી કોઈ છોકરાનું, પપ્પા સિવાય કોઈ પુરુષનું સ્થાન નહોતું. તે કોઈના સંપર્કમાં ખાસ આવી નહોતી. તેની દુનિયા પપ્પા અને અદૃશ્ય રીતે દૃશ્યરૂપે દેખાતી મમ્મી... એટલામાં સીમિત રહી હતી. બીજો કોઈ વિચાર તેના અબોટ મનને સ્પર્શ્યો નહોતો. નિઃસ્પૃહ ભાવે આ બધું જોતી તે લાઇબ્રેરીમાં જવાનો વિચાર કરતી હતી ત્યાં ઉમંગ આવ્યો. તેના જ ક્લાસનો છોકરો, જેની દોસ્તી માટે છોકરીઓ ઝૂરતી. તેણે ગુલાબનું એક ફૂલ જેમાં સાથે ખીલતી મોગરાની કળી હતી તે અને એક સુંદર કાર્ડ ધીમેથી રિયાને આપ્યા. ‘રિયા... આઇ લવ યુ...’ તે ગણગણ્યો... રિયા સ્તબ્ધ... ! મૌન...! હોઠ ફફડીને રહી ગયા. કોઈ શબ્દો બહાર ન નીકળ્યા. ઉમંગ પણ આગળ કશું બોલ્યો નહીં. રિયાએ ધીમેથી ચૂપચાપ કાર્ડ અને ફૂલ લીધું. એક દૃષ્ટિ ઉમંગ પર નાખી કંઈક અસમંજસમાં તે આસ્તેથી ત્યાંથી સરકી રહી. પીઠ પાછળથી ઉમંકના શબ્દો સર્યા... ‘આઇ વીલ વેઇટ ફૉર યૉર આન્સર...’
  • રિયાએ પાછળ ફરીને જોયું... ન જોયું અને પગ ઉપાડ્યા...
  • તેની દૃષ્ટિ આગળ કશુંક ઉઘડતું જતું હતું કે શું ? ક્યારેય ન સમજાતા અર્થો આજે સ્પષ્ટ થતા જતા હતા કે શું ?
  • તે સાંજે તે ઘરે ગઈ ત્યારે શૈલા આન્ટીએ તેની મનપસંદ ચાઇનીઝ ડીશ બનાવી હતી અને તેની રાહ જોઈ રહ્યા હતા. રિયા એકાદ ક્ષણ તેની સામે જોઈ રહી. એક હળવું સ્મિત આજે ન જાણે ક્યાંથી તેના હોઠ પર આવી ને...!
  • બહાર કોઈ કોયલનો ટહુકાર તેના કાને અથડાયો... આન્ટીને તેની નજર બદલાયેલી લાગી, પણ હંમેશની માફક તે કશું બોલ્યા નહીં.
  • અઠવાડિયું એમ જ પસાર થતું. પેલી સંતાકૂકડી થોડી ઓછી તો થઈ હતી, છતાં વાદળ હજુ ઘેરાયેલા જ રહ્યા.
  • ત્યાં અચાનક રિયાની બહેનપણીના લગ્ન નક્કી થયા. રિયા બે દિવસથી તેને ઘેર હતી. વિદાયના સમયે સાસરે જતી બહેનપણી તેના પપ્પાને વળગીને રડતી હતી. તેના પપ્પા આંસુભીની આંખે દીકરીને માથે હાથ ફેરવી આશીર્વાદ આપી રહ્યા હતા. અને પુત્રી, ‘પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો હોં... આજથી તમે એકલા થઈ ગયા... પપ્પા...’ કહી પપ્પાને વળગી રહી... રિયા ભીની આંખે સ્તબ્ધ બની બહેનપણીની પાસે ઊભી હતી.
  • ઉપર ગોરંભાયેલું આસમાન એકાએક સ્વચ્છ, સ્ફટિક જેવું બની ગયું. વાદળો વિખેરાતા આકાશનો ગોરંભો અદૃશ્ય...
  • તે દિવસે રાત્રે પપ્પાનો હાથ પકડી રિયા ધીમેથી બોલી ઊઠી,
  • ‘પપ્પા, મને પણ શૈલા આન્ટી ગમે છે...’
  • બાપે વહાલથી પુત્રી સામે જોયું.
  • રિયા અને પપ્પા બંનેનું ધ્યાન ત્યાં રહેલા શિખાના ફોટા પર ગયું. રિયાના કાનમાં જાણે મમ્માના શબ્દો પડઘાયા, ‘શાબાશ બેટા...’
  • તમાચો
  • ‘મા’ કહેતી ઉમંગી ધ્રૂસકે ચડી ગઈ હતી. અંતરાએ તેને શંત કરી પાણી આપ્યું. ઉમંગીએ માંડ માંડપાણીનો ઘૂંટડો ભર્યો. નીતરતી આંખો લૂછી.
  • જરાવાર તેને સ્વસ્થ થવા દઇ અંતરાએ વાતનો તાગ મેળવવા ફરી પૂછ્યું.
  • ‘શું થયું બેટા ?’
  • મા... ઉજાસ...’
  • ઉમંગીના શબ્દો અંદર જ રુંધાઈ રહ્યા.
  • ‘હા, બેટા... શું થયું ? ઉજાસે કંઈ કહ્યું ?’
  • ‘જવા દો મા... હું જાતે ફોડી લઈશ... નકામી તમને ડીસ્ટર્બ કરીશ...?’
  • ‘ના બેટા, એ તારો હક્ક છે. મેં મને ક્યારેય વહુ માની નથી. દીકરી તો મારે છે નહીં. તેથી દીકરી બનાવી શકી છું કે કેમ એની તો ખબર નથી. પરંતુ હું માનું છું કે હું તારી સારી મિત્ર તો બની જ શકી છું. સાચી વાત ?’
  • હા, મા, તમારા જેવા સાસુ તો કોઈ નશીબદારને જ મળે.
  • ‘બેટા, શું થયું ઉજાસ સાથે ?’
  • ‘મમ્મી, આમ તો ખાસ કશું થયું નહીં...’
  • ઉમંગી થોડી અકડાઈ. પણ માને કહ્યા સિવાય આ પ્રશ્નનો ઉકેલ નહીં જ આવે. અને અંતરામાં...સાસુમાં તેને પૂરી શ્રદ્ધા હતી. તે પોતાને અન્યાય ન જ થવા દે.
  • ઉમંગીની આંખો સામે કાલ રાતનું દ્રશ્ય ફરી એકવાર ભજવાઈ રહ્યું.
  • કાલે ઑફિસેથી ઉમંગી અને આર્યન હમેશની જેમ સાથે જ બહીર નીકળ્યા હતા. બંને છેલ્લા ચાર વરસથી એક જ ઑફિસમાં કામ કરતા હતા. બંનેને સારી મૈત્રી હતી. આર્યન ઉમંગીને ઘેર પણ અવારનવાર આવતો હતો. ક્યારેક એકલો તો ક્યારેક પોતાની પત્ની સાથે. ઉજાસ સાથે પણ તેને સારું બનતું હતું. જોકે ઉમંગી ક્યારેક આર્યનના વખાણ કરતી ત્યારે ઉજાસને ગમતું નહીં. પરંતુ કશું બોલતો નહીં. આમ તો ઉજાસને પણ તેની ઑફિસની ખુશી સાથે સારી મૈત્રી હતી. ઉજાસ ઘણીવાર ઉમંગી સાથે ખુશીની વાતો કરતો. ખુશી કેવી હસમુખી... કેવી મસ્તીખોર અને કેવી બિન્દાસ છે. તેની સાથે થોડી વાર વાતો કરીએ એટલે ફર્શ થઈ જવાય. એમ ઉજાસ અવારનવાર ઉમંગીને કહેતો... ઉમંગી પણ ખુશીને ઓળખતી હતી. મજાની સ્ત્રી હતી. એકલી હતી.. અને લગ્ન ન કરવામાં માનતી હતી. તેની બિન્દાસ વાતો ઉમંગી સાંભળી રહેતી. ક્યારેક તેને લગ્ન માટે સમજાવતી પણ ખરી. ત્યારે ખુશી કહેતી,
  • ‘એ તો તને ઉજાસ જેવો પતિ મળ્યો છે તેથી તને ખબર નથી પડતી. બાકી પુરુષજાત માત્ર વહેમી... શંકાશીલ... કોઈ સાથે જરા વધારે બોલ્યા એટલે આવી જ બન્યું સમજો... મનમાં શંકાનો કીડો સળવળ કરવા જ લાગે. હા, તારા ઉજાસ જેવો કોઈ શોધી દે... તો વળી વિચાર કરી શકું.
  • ખુશી હસતા હસાત બોલી ઉઠતી,
  • ઉજાસ જેવો શા માટે ? ઉજાસને જ લઈ જા... બસ... હવે ખુશ ?
  • ‘નકામી પસ્તાઈશ હો... આવી વાતમાં કોઈનો ભરોસો કરવો સારો નહીં.’
  • ‘અરે ખુશી, એ મને ઓળખે છે એનું જ દુઃખ છે ને ?’
  • ઉજાસ બોલી ઉઠતો. અને ત્રણે ખડખડાટ મુકત રીતે હસી ઉઠતા.
  • પરંતુ એ જ મુક્ત વાતાવરણ ક્યારેક આર્યન ઘેર આવે ત્યારે ક્યાં અદ્રશ્ય થઈ જતું હતું એ ઉમંગીને ક્યારેય સમજાતું નહોતું.
  • કાલે સાંજે ઑફિસમાં કામ થોડું હેલું પૂરું થઈ ગયું હતું. આર્યન અને ઉમંગી બહાર નીકળ્યા. આર્યનની પત્ની થોડા દિવસ માટે તેને પિયર ગઈ હતી. આર્યન એકલો હતો. તેને કંટાળો આવતો હતો.
  • ‘ઉમંગી ચાલ, બાજુની કોફી શોપમાં બેસી... કોફી પીને પછી નીકળીએ... આમ આપ આજે થોડા વહેલા છીએ... તો દસ, પંદર મિનિટ બેસીને શાંતિથી ગપ્પા મારીએ.
  • ‘એના કરતાં મારે ઘેર જ ચાલે ને... કોફી તો ત્યાં પણ પીવડાવીશ. ઉજાસ પણ થોડીવારમાં આવી જશે. બધા સાથે જ જમીશું. પછી જ જજે. આમ પણ તું એકલો જ છે ને ?’
  • એકલો તો છું... પણ આજે મારા કાકાને ત્યાં જમવા જવાનું છે. તારે ઘેર જમવાનું હોત તો વળી જુદી વાત હતી. આજે તો અહીં જ કોફી પી લઈએ.’
  • હસતાં હસતાં આર્યન બોલ્યો : ‘ઓકે... એઝ યુ વીશ...’
  • અને આર્યન અને ઉમંગીએ કોફી શોપમાં કોફી પીધી. ઑફિસની થોડી ગપસપ કરી. અને અને પછી ઑફિસની એક છોકરી વાત પર કંઈક કોમેન્ટ કરતા કરતા બહાર નીકળ્યા. ઉમંગી તે વાર પર ખડખડાટ હસી રહી હતી.
  • બરાબર ત્યારે જ ઉજાસ ત્યાં આવી પહોંચ્યો. ઉમંગીને આર્યન સાથે કોફી શોપમાંથી બહાર નીકળતી તેણે જોઈ. ઉમંગીનું ખડખડાટ હસવું તેના મનમાં ન જાણે કેમ ખૂંચી ગયું.
  • ઉજાસને જોઈ ઉમંગી ખુશ થઈ ગઈ.
  • આર્યન, હવે તારે મને ડ્રોપ કરવાનો ધક્કો બચી ગયો.
  • ‘ના, ઉમંગી, મને તો મોડું થશે... તું આર્યન સાથે જ ઘેર જા...’
  • ‘અરે, હવે શું કામ છે ? કોફી પીવા જ આવ્યો છે ને ? હું ફરીવાર તને કોફીમાં કંપની આપી શકીશ...’
  • હસતા હસતા ઉમંગી બોલી.
  • ‘ના. ઉમંગી, મારે હજુ એક જગ્યાએ જવું પડે તેમ છે.’
  • ઉજાસના સ્વરમાં રહેલી ઉદાસી ઉમંગીએ પારખી... જોકે ઉદાસીનું કારણ તો ન સમજાયું.
  • ‘ઓકે... તો હું જાઉં છું. જલદી આવી જજે હોં. આર્યન, તું એકલો છે તો ઉજાસ સાથે ફરીથી કોફી પી શકે છે. હું રીક્ષામાં ચાલી જઈશ.’
  • ‘ના, ઉમંગી, આજે મારે થોડું કામ પણ છે.’ ઉજાસે આર્યનને ટાળ્યો.
  • ‘ઓકો... પણ બહુ મોડું કરીશ નહીં. આર્યન સોરી, હવે તારે ધક્કો છાવો રહ્યો.’
  • અને ઉમંગી આર્યન સાથે ગાડીમાં આગળ ગોઠવાઈ.
  • આર્યન અને ઉમંગીએ ઉજાસને બાય કર્યું. અને તેઓ નીકળ્યા.
  • ઉજાસની નજર ક્યાંય સુધી ગાડીને તાકતી રહી.
  • તે રાતે ઉજાસને ઘેર આવતા મોડું થયું હતું. ઉમંગી જમવાની રાહ જોઈને બેઠી હતી. ઉજાસને ગમે તેટલું મોડું થાય તો પણ તે ક્યારેય એકલી જમતી નહોતી. તેને એકલું જમવાનું ક્યારય ગમતું નહીં.
  • ઉજાસને આવેલ જોઈ ઉંઘરેટી આંખે તે કીચનમાં ગઈ.
  • ત્યાં...
  • ‘ઉમંગી, હું બહાર જ જમીને આવ્યો છું. તું જમી લેજે.’
  • ‘અરે, બહાર જમી લીધું તો મને એક ફોન તો કરી દેવો હતો. હું ક્યારની તારી રાહ જોઈને ભૂખી બેઠી હતી. હવે ચાલ, તને પનીશમેન્ટ... હું જમું ત્યાં સુધી મારી પાસે બેસવું તો પડશે જ...’
  • થોડા લાડથી ઉમંગી બોલી.
  • ‘અરે, મેં એમ ક્યાં કહ્યું ?’
  • એનો અર્થ તો એ જ ને ? અને તું ક્યાંય પણ કોઈની સાથે જાય છે તેની મને ખબર હોય છે ?’
  • ‘અરે, હું વળી ક્યાં જાઉં છું ક્યારેય ?’
  • કેમ, આજે જે કોફી શોપમાં આર્યન સાથે હતી જ ને ? એ તો મને આજે અનાયાસે ખબર પડી. કદાચ તમારો એ રોજનો કાર્યક્રમ હસે... મને શું ખબર ?’
  • ‘અરે, બાબા, રોજ કોફી પીવ જવા કોણ નવરું છે ? આ તો આજે કામ થોડું વહેલું પતી ગયું હતું. આર્યનની પત્ની બહારગામ ગઈ હતી... તેને કંટાળો આવતો હતો તેથી આજે તેણે કોફીની ઓફર મૂકી. તો હું ના ન પાડી શકી.’
  • ઉમંગીએ એ જ હળવાસથી ખુલ્સો કર્યો. ઉજાસ આજે આમ કેમ વર્તે છે તે હજુ તેના મનમાં ઉઘડ્યું નહોતું.
  • ‘એની પત્ની બહારગામ ગઈ હતી તો એની ખોટ તારે પૂરી કરવાની હતી ? એને તો ઘણીયે જરૂર પડશે... પત્નીની ગેરહાજરીમાં...’
  • ઉમંગી ચોંકી ઉઠી.
  • ‘ઉજાસ, તું શું બોલે છે તેનું તને ભાન છે ?’
  • હવે ઉમંગીના સ્વરમાં થોડો રોષ ભળ્યો. ઉજાસ આવું બોલી કેમ શકે ?
  • ‘હા, હવે તો હું ભાન વિનાનો બની ગયો છું. બધી ભાન તારા પેલા આર્નને જ પડે છે ને ?’
  • અને ઉમંગી કંઈ જવાબ આપે તે પહેલા પગ પછાડતો તે રૂમમાં ચાલ્યો ગયો.
  • ઉમંગી સ્તબ્ધ... તેની આંખો છલકી રહી...
  • જમ્યા સિવાય બધું ફ્રીજમાં મૂકી તે સૂવા ગઈ.
  • ‘જો ઉમંગી, મારા ઘરમાં તને બધી સ્વતંત્રતા છે. પરંતુ એનો અર્થ એ નથી કે તું મરજી પડે તેમ ગમે તેની સાથે, ગમે ત્યારે રખડે...’
  • હું રખડું છું ? ગમે તેની સાથે ? આર્યનને તું નથી ઓળખતો ? અને આજે એક દિવસ તેની સાથે કોફી પીવા ગઈ તેમાં જાણે આભ તૂટી પડ્યું હોય તેમ મન ફાવે તેમ કેમ બોલે છે ? આપણા ઘરને બદલે આજે મારું ઘર કેમ થઈ ગયું ?’
  • ‘તું મન ફાવે તેમ કરે તેનો વાંધો નહીં... અને હું જરાક બોલું તેમાં ખરાબ લાગી જાય ?’
  • ‘મેં શું મનફાવે તેમ કર્યું ?’
  • ‘એટલે હવે તું મારી સાથે સરખામણી કરવા લાગી ? અને હું તારી જેમ છાનોમાનો નથી જતો. આવીને તને કહું છું ને ?’
  • તે હું પણ આવીને તને કહેવાની જ હતીને ? પણ એ પહેલાં તું ત્યાં આવી ગયો. પછી કહેવાનો પ્રશ્ન જ ક્યાં આવ્યો ?
  • ‘હા, આવીને રંગે હાથ પકડાઈ ગયા... એનો અફસોસ થતો હશે નહીં ?’
  • ઉજાસમાં છૂપાયેલ પુરુષે આજે પોત પ્રકાશ્યું હતું.
  • ઉમંગથી હવે સહન થાય તેમ નહોતું. સાવ ક્ષુલ્લક વાતને ઉજાસ આ કયું સ્વરૂપ આપી રહ્યો હતો ? તેના ચારિત્ર્ય પર આક્ષેપ કરી રહ્યો હતો ?
  • બંને વચ્ચે દલીલો ચાલતી રહી. ઉમંગી પણ ઉશ્કેરાઈ ગઈ હતી.
  • અંતે પુરૂષનો હાથ ઉઠ્યો હતો.
  • ઉજાસે જોસથી એક લાફો ઉમંગીને ગાલે...
  • ઉમંગીનું અસ્તિત્વ ચીખી ઉઠ્યું.
  • ઉજાસ તો પડખું ફેરવીને સૂઈ ગયો હતો. ઉમંગીના હીબકા રાતના અંધકારમાં શ્વસ્તા રહ્યા.
  • આજે રવિવાર હતો. ઉજાસ મોડો ઉઠ્યો હતો. પરંતુ ઉઠીને યે મોં ચડેલું જ હતું. ઉમંગીએ હજુ આશા છોડી નહોતી કદાચ ઉજાસને તેની ભૂલ સમજાઈ હશે... અને...
  • પણ... ઉજાસ પુરુષ હતો... પતિ હતો...
  • બીજો કોઈ ઉપાય ન દેખાતા હીબકા ભરતી ઉમંગીએ સવારના પહોરમાં મા પાસે દિલના દરવાજા ખોલી નાખ્યા. અંતરના ખોળામાં માથું મૂકી તે ડૂસકા ભરતી રહી. એ ડૂસકા અંતરાની ભીતર એક ઝંઝાવાત જગાવી રહ્યા.
  • તે સ્તબ્ધ બની હતી. શું બોલે ? તેનો હાથ ચૂપચાપ ઉમંગીના વાંસા પર ફરતો રહ્યો. એ હેતાળ સ્પર્શ ઉમંગીને આશ્વાસન આપી રહ્યો.
  • ત્યાં ઉજાસ આવ્યો. તેણે રોષથી ઉમંગી સામે જોયું.
  • ‘મા પાસે ચાડી ખાઈ લીધી ? મમ્મી,....’
  • પણ ઉજાસ કોઈ ખુલાસો કરે... પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં... અંતરા ઉભી થઈ. ઉજાસની આંખમાં જોયું. ...એ જ...એ જ શંકાભરી આંખો... અનુજની.... ઉજાસના પિતાની આંખો અંતરાની નજર સમક્ષ...
  • ...ઇતિહાસનું પુનરાવર્તન કે શું ?
  • ના... ના... ઇતિહાસનું પુનરાવર્તન ભલે થાય... પણ... અંતરાનું પુનરાવર્તન તો પોતે નહીં જ થવા દે. ઉમંગીને બીજી અંતરા નહીં જ બનવા દે..’
  • અચાનક અંતરાનો હાથ ઉંચકાયો. ધડાધડ બે લાફા ઉજાસના ગાલ પર...
  • ઉજાસ અને ઉમંગી બંને આશ્ચર્યચકિત...
  • માની આંખમાંથી આંસુ નહીં, નરી વેદના નીતરતી હતી.
  • અજંપો
  • આકાશમાં ગોરંભો બરાબર ઘેરાયેલ હતો. પરંતુ કાળાભમ્મ વાદળો વરસવાનું નામ નહોતાં લેતા. કોઈના આમંત્રણની પ્રતીક્ષામાં હતાં કે શું ? ઘેરાયેલ વાદળોને લીધે નહીં અંધકાર, નહીં ઉજાસ... એવું ગમગીન દૃશ્ય રચાયું હતું.
  • ‘મા’ કહેતી ઉમંગી ધ્રૂસકે ચડી ગઈ હતી. અંતરાએ તેને શાંત કરી પાણી આપ્યું. ઘેરાયેલ વાદળોને લીધે નહીં અંધકાર, નહીં ઉજાસ... એવું ગમગીન દ્રશ્ય રચાયું હતું.
  • બારીમાંથી એકીટશે બહાર આસમાનને નીરખી રહેલ અર્ચનાનું મન ઉદાસ હતું. કોઈ દેખીતા કારણ વિનાની આ ઉદાસી અસહ્ય બનતી જતી હતી. જાણે તેના સમગ્ર અસ્તિત્વને કોઈ અંદરથી ઝકઝોરી રહ્યું હતું, ‘ઉઠ અર્ચના, તારા ગૌરવભર્યા અતીત સામે જો... ક્યાં એક જમાનાની કૉલેજમાં સ્ટેજ ધ્રૂજાવતી અર્ચના અને ક્યાં આજની સીધી સાદી, શાંત, ઘરેલુ ગૃહિણી અર્ચના !’
  • જાણ્યે અજાણ્યે અર્ચનાથી એક નિઃશ્વાસ નખાઈ ગયો. ભણવામાં છેક નાનપણથી કૉલેજ સુધીની તેની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. અને ફક્ત ભણવામાં જ નહીં... એક એક પ્રવૃત્તિ, એક એક કાર્યક્રમ... અર્ચના વિના જાણે ફિક્કો પડી જતો. કૉલેજમાં તે હમેશા બધાની ઇર્ષ્યાનું પાત્ર બની રહેતી. એ બધાની પરવા કર્યા સિવાય અર્ચના તેનામાં મસ્ત રહેતી. તેને આગળ વધવાની એક તમન્ના હતી... કંઈક નવું કરી બતાવવાની હોંશ હતી. તે સામાન્ય બની રહેવા નહોતી માગતી. આકાશને આંબતા તેના સ્વપ્નો...
  • પણ... સમયનું ચક્ર કંઈક એવી રીતે ફર્યું કે અર્ચના અવિનાશની પત્ની બની... શ્વસુરગૃહે આવી. અવિનાશ તેને નહોતો ગમ્યો... એવું નહોતું. તે ભાવનાશીલ આદર્શવાદી યુવાન હતો. તેના શાંત, સ્વસ્થ વિચારોએ તેને આકર્ષી હતી. અવિનાશના પ્રેમમાં... નવા સંસારમાં તેના નાનકડા ઘરને સજાવવામાં બે વરસ તો બે મહિનાની જેમ પસાર થઈ ગયા હતા. જીવન સભર બની ગયું હતું. ખુશી છલકાતી હતી.
  • તેમાં નાનકડા આદિત્ય અને તે પછી ત્રણ વરસ બાદ અંજલિના આગમનથી તો જીવન સાચા અર્થમાં જીવંત બની ગયું. અને સમયને તો પાંખો ફૂટી હતી.
  • અર્ચના અને અવિનાશ બંનેની પ્રેમભરી માવજતથી બાળકો પૂર્ણકળાએ પાંગરવા લાગ્યા. અર્ચનાની તેજસ્વી કારકિર્દી પણ આ બંને આજળ ઝાંખી લાગતી હતી. અર્ચના ખુશખુશાલ હતી. જીવનમાં કોઈ અભાવ નહોતો. સુખ, શાંતિ છલકતા હતા. આર્થિક રીતે પણ કોઈ અવગડ નહોતી.
  • સમય અરિવત દોડતો રહ્યો હતો. આદિત્ય દસ વરસનો અને અંજલિ સાત વરસની થઈ. અર્ચનાનું જીવન એ ત્રણેની આસપાસ ગૂંથાઈ ગયું હતું. અતીતની અલ્લડ અર્ચનાને ભૂલીને તે અવિનાશની વહાલસોઈ પત્ની અને બાળકોની પ્રેમાળ મા રૂપે જ રહી ગઈ હતી. અને તેમાં તેને પૂર્ણ સંતોષ હતો. કોઈ અભાવ કે અસંતોષ નહોતા.
  • પણ... અચાનક શાંત જળમાં પથ્થર પડે અને વમળો સર્જાય તે રીતે અર્ચનાના શાંત જીવનમાં તેની જ કૉલેજની બહેનપણી શેફાલીની મુલાકાતે વમળો સર્જ્યા હતા. બે દિવસ પહેલાની શેફાલી સાથેની વાતો અર્ચનાના કાનમાં આ ક્ષણે પણ પડઘાતી રહી હતી.
  • અચાનક વરસો બાદ ઘરે આવી ચડેલ શેફાલીને જોઈ તે પણ ખુશ થઈ ઉઠી હતી. બંને કૉલેજ જીવનના સંસ્મરણોમાં ડૂબી ગયા હતા. અર્ચનાનું સીધું સાદું એક ગૃહિણીનું રૂપ જોઈ શેફાલીને આશ્ચર્ય થયું હતું.
  • તો શેફાલીની ક્લબ અને મહિલા સંસ્થાઓની પ્રવૃત્તિઓ વિશે સાંભળી અર્ચના તેનાથી ઘણી પાછળ રહી ગયાનો અનુભવ કરતી હતી.
  • શેફાલી પણ બે છોકરાઓની મા હતી. પત્ની હતી. અને છતાં તેણે પોતાનું આગવું વ્યક્તિત્વ જાળવી રાખ્યું હોય અને પોતે ખોઈ નાખ્યું હોય તેવું તે અનુભવી રહી. અને શેફાલીએ પણ જતાં જતાં તેના જ મનની વાતનો પડઘો પાડ્યો.
  • ‘અર્ચના, હું તો માની જ નથી શકતી કે... તું એ જ અર્ચના છે... તું તો સાવ ઘરકૂકડી બની ગઈ છે. અરે ભાઈ, ઘર, વર અને છોકરા તો અમારે ય છે. પણ તું તો જાણે બહારની દુનિયાથી સાવ અલિપ્ત બની ગઈ છે. તારી શક્તિ વેડફી નાખે છે. અરે, ઘરની બહાર પણ એક દુનિયા છે. તારું પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે. તું કંઈ ફક્ત પત્ની કે માતા જ નથી. એક સ્ત્રી પણ છે એ કેમ ભૂલી જાય છે ? તારામાં અપાર શક્તિ છે. એને આ સીમિત દાયરામાં વેડફી કેમ નાખે છે ?’
  • અને અર્ચનાને થતું હતું કે શેફાલી સાચી હતી... પોતે જીવનનો એક દસકાથી યે વધુ સમય વેડફી નાખ્યો હતો ! હા, શેફાલીના કહેવા મુજબ તેના બાળકો ભણવામાં ને બધી રીતે સામાન્ય હતા... જ્યારે આદિત્ય, અંજલિની તો વાત જુદી હતી. પણ... તેથી શું ? શેફાલી કેવી સ્માર્ટ લાગતી હતી ! જ્યારે પોતે ? અને અનાયાસે સરખામણી થતી ગઈ. અને કોઈની સરખામણીએ ક્યારેય જીવનમાં સુખી થઈ શકાય છે ખરું ?
  • એક અજંપો તેને ઘેરી વળ્યો... અચાનક જીવન જાણે ખાલી થઈ ગયું. અને મનનો પડઘો વર્તનમાં પડ્યા સિવાય રહી શકે ખરો ? મનમાં ઘૂંટાતો એક અજંપો તેને ક્યાંય જંપ લેવા નહોતો દેતો. અને આ અજંપાનો પડઘો... તેના દરેક કાર્યમાં... રોજીન્દા જીવનમાં જાણ્યે, અજાણ્યે દેખાવા લાગ્યો. તે સૂનમૂન બની ગઈ.
  • આ પરિવર્તનથી અવિનાશ અકળાઈ ગયો. આદિત્ય, અંજલિ કંઈ ન સમજવાથી મૂંઝાતા હતા. અચાનક મમ્મીને શું થઈ ગયું છે ? કે બરાબર બોલતી નથી ? વાતો નથી કરતી ? વાર્તા નથી કરતી ? જાણે દરેક વાતમાંથી તેને રસ ઉઠી ગયો હોય તેવું તે અનુભવી રહી.
  • અવિનાશ પૂછી પૂછને થાકી ગયો. પણ... અર્ચનાએ તો મૌનનું કવચ ઓઢી લીધું હતું. કાચબો જેમ પોતાના અંગો સંકોચી લે... તેમ તે અંદર ને અંદર સંકોચાઈ રહી હતી. અવિનાશના પ્રશ્નોનો શું જવાબ આપે તે ? શું જોઈએ છે... શું કરવું છે તે પોતાને જ ક્યાં પૂરું સમજાતું હતું ? બસ... કંઈક ખૂટે છે... પોતે સમય વેડફી નાખ્યો છે... એ ભાવના અંદરથી જતી નહોતી. શું કહેવું કે શું કરવું ? તેની કદાચ પૂરી સમજ નહોતી પડતી. એક મૂંઝવણ... એક અજંપો... ખાલીપો તેના તન, મનમાં ઘેરી વળ્યો હતો. અવિનાશ તેની કોઈ ઇચ્છાની અવગણના ન જ કરે તેની તેને ખાત્રી હતી. દરેક રીતે અવિનાશે તેને પૂરી સ્વતંત્રતા આપી જ હતી. કોઈ બંધન નહોતું. તે પોતાને ઇચ્છા થાય તે કરા સ્વતંત્ર હતી. અવિનાશે ક્યારેય તેની પર કોઈ બંધન હોતા લાદયા. શું ફરિયાદ કરે તે ? કોને કરે ?
  • પણ... શું કરે તે હવે ?
  • વેડફેલા વરસો થોડા જ વાછા આવવાના છે ? જે સમય ચાલી ગયો એ ક્યારય પાછો થોડો આવવાનો છે ? તેના આટલા વરસો તો નકામા ગયા ને ? શેફાલી કેટલી આગળ વધી ગઈ છે. પોતે તો તેના કરતાં યે વધારે હોંશિયાર હતી. અને છતાં ...મનમાં સતત કંઈક ખૂંચતું રહેતું હતું.
  • ઘરનો રોજિન્દો વહેવાર તો ચાલતો હતો... પણ... હવે એમાં પહેલાની ઉષ્મા, જીવંતતા... ખુશ્બુ નહોતી. મનને લાખ સમજાવવા છતાં એ વિચારો તેનો પીછો છોડતા નહોતા. બસ... અંતે તે સામાન્ય, ઘરેલુ સ્ત્રી બનીને જ રહી ગઈ ને ? અજંપાની આ આગે તેના તન અને મનની શંતિ હરી લીધી હતી.
  • એવામાં આદિત્ય, અંજલિની સ્કૂલનો “પેરેન્ટસ ડે” આવ્યો.
  • તેમની સ્કૂલમાં આ દિવસે તેજસ્વી બાળકોએ આખા વરસમાં કરેલ પ્રવૃત્તઓનું પરિણામ... ઇનામ બધું જાહેર થતું. દર વરસે શ્રેષ્ઠ બાળકોનું ઇનામ આદિત્ય-અંજલિ ને ફાળે જ જતું. અને તે દિવસે અર્ચના ખુશીથી ફૂલી ન સમાતી.
  • આજે તો તેને ક્યાંય બહાર નીકળવાની જ ઇચ્છા નહોતી થતી. પણ છોકરાઓના અને અવિનાશના અતિ આગ્રહને તે ટાળી ન શકી. અને કમને તેમની સાથે સ્કૂલમાં ગઈ. ત્યાંના ઉત્સાહભર્યા વાતાવરણમાં... નાના બાળકોના સરસ કાર્યક્રમથી તેને થોડું સારું લાગ્યું... થોડી હળવાશ, પ્રસન્નતા અનુભવતી શકી. પ્રોગ્રામને અંતે દરેકમાં પ્રથમ ઇનામ આદિત્ય, અંજલિને ફાળે આવ્યા. વારંવાર અંજલિ... આદિત્યના નામ સાંભળી... દોડી દોડીને તેને ઇનામ લેવા જતાં જોઈ અર્ચનાનું માતૃહૃદય સ્વાભાવિક ખુશી અનુભવી રહ્યું.
  • શ્રેષ્ઠ છોકરા અને શ્રેષ્ઠ છોકરીનું ઇનામ પણ આદિત્ય અને અંજલિને જ મળ્યા. છેલ્લે ઉદ્‌બોધનમાં આચાર્યશ્રીએ ગૌરવથી કહ્યું, “છેલ્લા ત્રણ વરસથી આ બે બાળકો જ બધા ક્ષેરમાં પ્રથમ ઇનામ લઈ જાય છે. અમારી શાળા માટે તેઓ ગૌરવરૂપ છે જ સાથે સાથે તેમના મા-બાપને પણ તેમના માટે ગર્વ હશે જ... અને તે મા-બાપ પણ આરને પાત્ર છે. આ બંનેને જોઈને અમે પણ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. અને તેના માતા-પિતાને પણ અભિનંદન આપીએ છીએ...’ અને પછી આચાર્ય તો ન જાણે શુંનું શું બોલતા રહ્યા... અને અર્ચનાના મનમાં તેના પડઘા ગૂંજતા રહ્યા.
  • કાર્યક્રમને અંતે બધાએ અવિનાશ અને અર્ચનાને પણ અભિનંદન આપ્યા... ત્યારે અવિનાશે કહ્યું કે સાચા અભિનંદનની હકદાર અર્ચના છે... હું નહીં... આ તેનું એક જાતનું તપ હતું જે આજે ફળ્યું છે.
  • અને ઘેર પહોંચ્યા ત્યાં સુધીમાં તો એ ધન્યતા અને ગૌરવની લાગણીમાં અર્ચનાના મનનો બધો પરિતાપ, અભાવ, અજંપો... ધોવાઈ ગયા હતા. તે ખુશખુશાલ બની ચૂકી હતી. ના, ના, શેફાલી કે કોઈ ગમે તે કહે... તેણે આ વરસો વેડફ્યા નહોતા... જ... તેણે તો વરસો વાવ્યા હતા... જે આદિત્ય અને અંજલિ રૂપે સોળે કળાએ ઉગી નીકળ્યા હતા. અને આત્મસંતોષની આ લાગણીમાં પેલો અજંપો અનાયાસે અંતરમાંથી ખરી પડ્યો.
  • આકાશમાં ઘેરાયેલ ગોરંભો પણ વાદળ વરસી જતાં અદ્રશ્ય થઈ ગયો હતો... બરાબર અર્ચનાના મનની જેમ જ. અને હવે આકાશ અને અર્ચનાનું મન બંને સાફ, નીતર્યા જળ જેવા બની નર્યા ઉજાસથી છલકાતા હતા.
  • બસ હવે નહીં...
  • વરસી વરસીને થાકેલ વાદળોએ આખરે પોરો ખાધો હતો. અને સતત ચાર દિવસથી ગોરંભાયેલું આસમાન આજે કાળા ડિબાંગ વાદળોના સંકાજામાંથી મુક્ત થયું હતું. અને મોકાની તલાશમાં જ હોય તેમ તુરત સૂરજ મહારાજે હળવેથી ડોકિયું કરી વાતાવરણને ઉજાસથી છલકાવી દીધું.
  • બારીમાંથી બહાર જોતી ઇરાની નજર હાથમાં ખુલ્લા રહેલ પુસ્તકના શબ્દોને બદલે નભને ઝરૂખે ચાલતી સૂરજ અને વાદળોની સંતાકૂકડી પર મંડાણી હતી. જોકે ઇરા માટે કંઈ આ સ્વાભાવિક વાત નહોતી જ.. તે કંઈ કુદરતની કે વરસાદની એવી આશિક નહોતી જ... એવો સમય પણ ક્યાં હતો ? ડૉક્ટર થવા માટે આખો વખત નજર ચોપડાઓમાં ખોસીને બેસી રહેવું પડતું હતું. એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી ચૂકી હતી. પરંતુ શ્વાસભેર દોડ્યે જતા... હાંફતા જતા આ હરિફાઈના આ જમાનામાં એટલું પૂરતું ક્યાં હતું ? હવે તો પી.જી.નું આ છેલ્લું સેમેસ્ટર હતું. મંઝિલ હવે હાથવગી જ હતી. પાસ થવા અંગે મનમાં કોઈ સવાલ નહોતા... કોઈ ગુંચવણ નહોતી... જોકે ગૂંચવણ તો હતી... પરંતુ તે ભીતરમાં હતી... કોઈ જોરદાર ગૂંચવણ... જલદીથી ઉકેલી ન શકાય તેવી ગાંઠ... જેને ઉકેલવી પણ એટલી જ જરૂરી હતી. તેની નજર આકાશ તરફથી ખસીને રસોડા તરફ ગઈ. મમ્મી ગરમ ગરમ આલુ પરોઠા બનાવતી હતી. પપ્પાના ફેવરીટ...
  • મનમાં ગસ્સો ભરાઈ આવ્યો. પપ્પાની પસંદગીનો ખ્યાલ હજુ પણ મમ્મી એ જ રીતે રાખે છે. શી જરૂર છે હવે એવું ધ્યાન રાખવાની ? પણ... મમ્મી કંઈ એમ જલદી સમજે તેમ નથી જ... સદીઓથી ભીતરમાં રોપાયેલ... સ્ત્રીને ગળે ટીંગાડાયેલ સેવામૂર્તિ, ત્યાગમૂર્તિ એવા અનેક વિશેષણોની બેડી તોડવી કંઈ દરેક માટે આસાન થોડી જ બની શકે ? મમ્મી માટે તેના મનમાં કરૂણાનો સાગર ઉમટી આવ્યો. નહીં... તે મમ્મીનું આમ શોષણ નહીં જ થવા દે... મા સીધી સાદી અને સરળ હતી.
  • જોકે આ સાદી સીધી માએ એક વખત... ફક્ત એક જ વખત જીવનમાં બંડ પોકાર્યું હતું. જેને લીધે પોતે આ દુનિયામાં આવી શકી હતી. સાસુ અને પતિની ઉપરવટ જિંદગીમાં એક જ વખત તે ગઈ હતી... પણ જોરદાર રીતે ગઈ હતી... ગભરૂ મમ્મીમાં એ સમયે એવી હિંમત કેવી રીતે આવી હશે ? માતૃત્વની શક્તિ ? તેના જન્મથી દાદીમા કેવા ગિનાયેલા એ વાત મમ્મીએ તેને કરી હતી. શૈશવમાં દાદીમાએ તેને હેરાન કરવામાં કોઈ કસર નહોતી છોડી... એ તો આજે પણ પોતે ક્યાં ભૂલી છે ? એમાંયે પોતા પછી બીજા કોઈ સંતાનનું... દીકરાનું આગમન ન થયું. સાસુજીની દીકરાની આશા વણસંતોષાયેલી રહી તેથી તેમના ગુસ્સાનો ભોગ માને અચૂક બનવું પડતું. પરંતુ માના સુરક્ષિત કવચ... હૂંફાળા પાલવ નીચે તે હંમેશા સલામત રહી હતી. પોતાના આગમન પછી પપ્પાને બીઝનેસમાં ભારે સફળતા મળી હતી અને આર્થિક સધ્ધરતા આવી હતી. કદાચ તેને લીધે પપ્પાએ લક્ષ્મીજી તરીકે દીકરીને વધાવી હતી. તેમનો અણગમો દૂર થયો હતો. દસ વરસની થઈ ત્યાં દાદમા ઉપર પહોંચી ગયા હતા... બધા વિઘ્નો જાણે પૂરા થયા હતા. જીવન શાંત અને સરળ ગતિએ દોડી રહ્યું હતું. પપ્પા... પોતાના વ્યવસાયમાં... પોતે ભણવામાં અને મમ્મી બાપ દીકરીની સગવડો સાચવવામાં... સંસારના વહેવારો સાચવવામાં વ્યસ્ત હતી. કોઈને કોઈ ફરિયાદ નહોતી. એમાંયે પોતે ડૉક્ટર બની ત્યારે તો પપ્પાનો ગર્વ સાતમા આસમાને... તે વખતે ગોઠવેલી પાર્ટીમાં પપ્પા બધા પાસે કેવો પોરસ કરતા હતા... મારી ઇરા તો મારો દીકરો છે દીકરો... અમારે તો પહેલેથી દીકરીની જ ઝંખના હતી... દીકરી તો મારો વહાલનો દરિયો... (ક્યાંક વાંચેલ વાક્ય પપ્પાને યાદ આવી ગયું હતું કે શું ?) તેથી તો દીકરી પછી બીજા સંતાનની ખેવના કરી જ નહીં... બાજુમાં ઉભેલી મમ્મી ચૂપચાપ સાંભળતી હતી. કદાચ તેના ચહેરા પરની એકાદ અદીઠ રેખા હસી પડી હતી. અને એ રેખાને બીજું કોઈ જોઈ શકે નહીં. પરંતુ પોતે અવશ્ય જોઈ શકી હતી. મનમાં જ તે પણ હસી પડી હતી. કદાચ પોતાના જન્મ પછી પપ્પા વધારે ગરીબ બન્યા હોત કે કોઈ મોટો આર્થિક ફટકો પડ્યો હોત તો ? તો પપ્પાનો સ્નેહ મળી શક્યો હોત ખરો ? સમજણી થયા પછી આ પ્રશ્ન અનેકવાર મનમાં ઉઠ્યો હતો. તો ઇરાના ગળામાં અપશુકનિયાળનું અદ્રશ્ય પાટિયું અવશ્ય લાગી ગયું હોત... જેને ગમે તેટલી ઇચ્છા છતાં મમ્મી પણ કદાચ હટાવી ન શકી હોત... પણ નિયતિએ એક દીકરીને બચાવી લીધી હતી. અને પપ્પાને આર્થિક સફળતા મળી હતી... જેને લીધે પોતે અપશુકનિયાળને બદલે લક્ષ્મીજીનું બિરુદ પામી શકી હતી. ભાગ્યના જ ખેલ કે બીજું કંઈ ?
  • અને હવે આ ભાગ્ય બીજી રમત રમવા લાગ્યું હતું. જેની સીધી અસર તેની વહાલસોયી માના જીવન પર પડતી હતી.. જે કોઈ રીતે પોતે બરદાસ્ત કરી શકે તેમ નહોતી કે કરવાની નહોતી.
  • ઇરા વિચારોમાં ખોવાયેલી રહી. તે રાત્રે માની સાથે સૂતી વખતે પણ વિચારોથી તેનો પછો છૂટી શક્યો નહીં. વારે વારે તેની નજર બાજુમાં સૂતેલી મમ્મી પર જતી હતી. ભીતરમાં અનેક ફરિયાદો ખળભળતી હોવા છતાં કાચબાની જેમ અંગો સંકોરીને મા શાંત હતી.
  • ‘છે બીજો કોઈ ઉપાય ?’
  • તે દિવસે મમ્મીના આ અણીયાળા પ્રશ્નનો સંતોષકારક જવાબ પોતે પણ ક્યાં આપી શકી હતી ?
  • ‘મમ્મી, તું આ કેમ ચલાવી લે છે ? પપ્પા સાથે ઝગડો કેમ નથી કરતી ? જવાબ કેમ નથી માગતી ? આટલા વરસે પપ્પા આમ તને છોડીને...’
  • બોલતા બોલતા પોતાને આગળ શબ્દો સૂઝ્‌યા નહોતા.
  • મમ્મી દીકરીની સળગતી આંખ સામે જોઈ રહી હતી. જરા વાર પછી ધીમેથી તે એટલું જ બોલી હતી.
  • તું એમ માને છે કે મેં શું નહીં કહ્યું હોય ? તારા જન્મ વખતે હું જીતી શકી હતી... પરંતુ બેટા, સ્ત્રીના નસીબમાં દરેક વખતે જીત શક્ય નથી હોતી અને એમાંયે પુરુષ જ્યારે બે આંખની શરમ મૂકી દે છે ત્યારે...
  • ‘તારે જે કરવું હોય... જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ છે... બાકી ઘરમાં રહેવું હોય તો...’
  • પુરુષનું સદાનું હાથવગુ બ્રહ્માસ્ત્ર...
  • ‘અને તને કોઈ દુઃખ નથી આપવાનો... તું જેમ રહેતી હતી એમ જ રહી શકીશ. દિયાને મન થશે ત્યારે તે આ ઘરમાં આવી શકશે. અમારા સંબંધને તોડવાની કે વચ્ચે આવવાની કોશિષ ન કર એમાં જ તારી ભલાઈ છે. બસ... એટલું સમજી લેજે..’
  • ‘બોલ બેટા, સમજ્યા સિવાય મારી પાસે બીજો શો ઉપાય બચ્યો હતો ? પિયરમાં મા બાપ છે નહીં અને ભાઈ ભાભી કેવા છે એ તો તું પણ જાણે છે... અને કદાચ સારા હોત તો પણ આટલા વરસે ત્યાં જઈને એમ ઓશિયાળા બનીને જીવવું મને ન ગમત. એના કરતા પોતાના ઘરનો એક ભ્રમ તો ખરો... મારી જેવી અસંખ્ય સ્ત્રીઓની માફક વેદનાને ભીતરમાં જ... અને સુખી હોવાના દંભનો અંચળો ઓઢી લેવો મને વધારે યોગ્ય લાગ્યો... અને એમાં તારું ભવિષ્ય પણ સલામત દેખાતું હતું તેથી મેં ચૂપ રહેવાનો માર્ગ પસંદ કર્યો. પપ્પાને એ જ તો જોતું હતું. હું મૌન ઓઢીને રહું એથી સમાજમાં તેમની ઇજ્જત અકબંધ રહી... અને...
  • બોલતા બોલતા મમ્મીના અવાજમાં શ્રાવણી ભીનાશ અનાયાસે ભળી... પાંપણ પર બે બુંદ પણ ઝળક્યા હતા...
  • અને બેટા, હું નહોતી ઇચ્છતી કે તને આ વાતની જાણ થાય...
  • પરંતુ મારા ઢાંકવાના બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને... ખેર... હવે તું મોટી થઈ ગઈ છે... સમજુ બની છે... મારી દીકરી જ નહીં મારી દોસ્ત બની ચૂકી છે ત્યારે તારી પાસે વ્યક્ત થવામાં મને કોઈ શરમ નહીં નડે.
  • અને પછી તો બે સ્ત્રીઓ વચ્ચે કેટલીયે વાતો થતી રહી હતી. બંને ઠલવાયા રહ્યા હતા.
  • બેટા, ભૂલથી પણ ભવિષ્યમાં કોઈ કમનસીબ પળે તારી જિંદગીમાં આવો કોઈ પ્રશ્ન ઉઠે તો મારી જેમ કમજોર ન બનતી. આર્થિક રીતે તું પગભર થાય એ મારું એકમાત્ર શમણૂં હતું. અને તે પૂરું થયું છે... તેથી મને હવે એવી કોઈ ચિંતા રહી નથી. બેટા... મારા દ્રશ્ય કે અદ્રશ્ય આસીર્વાદ સદા તારી આસપાસ...
  • બોલતા બોલતા મમ્મીની આંખ રીતસર વરસી પડી હતી... તો પોતે પણ ક્યાં કોરી રહી શકી હતી ?
  • દિવ્યા મનફાવે ત્યારે ઘરમાં આવતી રહી... બિન્દાસ રીતે... બધાની સાથે જ ટેબલ પર જમવા બેસતી. મમ્મીની સાથે પોતાને પણ દિયા સાથે મને કમને બોલવું પડતું. પપ્પા પરિસ્થિતિ જ એવી ઉભી કરતા રહેતા.
  • મમ્મીનો સૂવાનો રૂમ બદલાયો હતો. દિયા રાત રોકાય કે ન રોકાય હવે મમ્મી હંમેશા દીકરીના રૂમાં સૂતી થઈ હતી.
  • આ પળે પણ મમ્મી અહીં જ સૂતી હતી... અને ઇરા જાગતી હતી... ક્યાં સુધી ચાલશે આમ ? કાલે સવારે પોતે સાસરે જશે ત્યારે મમ્મીનું કોણ ? મમ્મીને સાવ એકલી અટૂલી મૂકીને તે જઈ શકશે ? મા માટે કશું કરવાની તેને કોઈ ફરજ ખરી કે નહીં ? શું કરી શકે તે ? શું કરવું જોઈએ ? નીલેન વાત કરું ? ઘરની આવી વાત નીલને કરાય ? તે શું વિચારશે પોતાના ઘર વિશે ? ના... નીલ સાથે જીવનભર જોડાવાનું જ્યારે નક્કી કરી લીધું છે ત્યારે જીવનની કોઈ વાત તેનાથી છૂપાવવી શા માટે ? અને એનું યે પાણી મપાઈ જશે... આ વાત સાંબળીને તેના પ્રત્યાઘાત જોઈને... પોતે જે નીલને છ વરસથી ઓળખે છે તેની સાચી પહેચાન પોતે પામી શકશે અને એ પ્રમાણે અંતિમ નિર્ણય પણ લઈ શકાશે... હજુ ક્યાં મોડું થયું છે ?
  • અને ધીમે ધીમે નિદ્રારાણીએ ક્યારે એનાને તેની આગોશમાં શમાવી લીધી તેની એને ફણ જાણ ન રહી. કદાચ કોઈ નિર્ણય લેવાઈ જતા મન થોડું શાંત થયું હશે.
  • આ વાતને પૂરો એક મહિનો વીતી ચૂક્યો હતો. ઘણું બદલાયું હતું આ એક મહિનામાં... ખાસ કરીને ઇરા પોતે બદલાઈ હતી... અને એ બદલાવે ઇરાની મમ્મીને... આભાને આઘાત આપ્યો હતો. પોતાના સ્વાર્થ માટે દીકરી સુધ્ધાં આમ બદલાઈ શકે ? બધું જાણવા છતાં આમ માને છોડીને... દિયાને સાથ આપી શકે ? પણ પ્રશ્નો કદી શબ્દ બનીને બહાર આવ્યા નહીં. કદાચ હવે મૌનની આદત પડી ગઈ હતી. જે થાય તે સ્વીકારવાની... ઈશ્વરેચ્છા માની લેવાની આદત...એ એક માત્ર અવલંબન...
  • દિયાને સ્વીકારે... આદર આપે તો જ વિદેશ ભણવા જવાની સગવડ પપ્પા કરી આપે તેમ હતા... એ જાણ થવાથી દીકરી બદલાઈ હતી... એને પણ પોતાનું ભવિષ્ય તો હોય ને ? પોતાનું જીનવ હવે પૂરું થવા આવ્યું હતું... જ્યારે દીકરીનું તો શરૂ થતું હતું. પોતાના ઉજ્જવળ ભાવિનો વિચાર કરવાનો એનો પણ હક્ક તો ખરો જ ને ? આભાના મને મનાવતી રહેતી. એક પછી એક આઘાત સહન કરવાની કદાચ આદત પડી ગઈ હતી...
  • ‘આન્ટી, આજે તમે બહુ સરસ દેખાવ છો... તમને આ રંગ ખૂબ શોભે છે. પપ્પાનો પણ આ જ રંગ ફેવરીટ છે.’
  • હોલમાંથી દીકરીનો અવાજ આભાના કાનમાં પડઘાતો રહ્યો.
  • નહોતો મૂકવો તો પણ એક નિશ્વાસ સરી જ પડ્યો. પોતે હજુ માણસ હતી એનો એ પુરાવો હતો કે શું ?
  • ‘આન્ટી, પહેલાં હું તમારા ને પપ્પાના સંબંધને સમજી કે સ્વીકારી નહોતી શકતી પરંતુ હવે મને સમજાય છે કે દિલના બંધનો... સ્નેહની કડી સૌથી મોટી છે. ઋણાનુબંધ હોય તો જ આ શક્ય બને ને ? આન્ટી, હું તો નવી પેઢીની પ્રતિનિધિ છું... દલની વાત હું નહીં સમજી શકું તો કોણ સમજશે ?
  • દિયા હસી ઉઠી... આ તેની બહુ મોટી જીત હતી... આજે બાપની સાથે તેણે દીકરીને પણ વશ કરી લીધી હતી. હવે આ ઘરમાં તેનું સ્થાન કોઈ નહીં ડગાવી શકે. તે પોતાનું ભવિષ્ય સુરક્ષિત અનુભવી રહી. પતિથી છૂટાછેડા લીધા પછી ઘરમાં બધાને એ અકારી લાગતી હતી. અને અચાનક તેના જીવનમાં એનાના પપ્પાનો... નિશીથનો પ્રવેશ થવા પામ્યો. અને... આજે તો બાપની સાથે યુવાન દીકરી પણ પોતાની સાથે... હવપે જખ મારે દુનિયા...
  • નિશીથ પણ ખુશ હતો. દીકરી પોતાને સમજી શકી છે... સ્વીકારી શકી છે એથી તે હરખાતો હતો. હવે કોઈ પ્રશ્ન નહોતા રહ્યા. છ મહિના પછી પુત્રી એમ.ડી. થઈ જાય પછી એ વિદેશ ભણવા જશે... એમ નક્કી થઈ ચૂક્યું હતું.
  • આજે ઇરા આવી ત્યારે દિયા પણ ઘરમાં જ હતી. હવે તો મનફાવે ત્યારે તે બિન્દાસ રીતે ઘરમાં આવ જા કરતી રહેતી. બાપ દીકરી બંને પોતાને પક્ષે હતા ત્યારે ડરવાની કોઈ જરૂર જ ક્યાં હતી ? આભાને ગમે કે ન ગમે એની પરવા કોની હતી ? દિયા આવે ત્યારે મોટે ભાગે આભા પોતાના રૂમની બહાર જ ન નીકળતી... કદાચ દેખવું યે નહીં ને દાઝવું યે નહીં... એવી કોઈ અજ્ઞાત ભાવના... કે પછી ક્યારેક મંદિરે જવા નીકળી જતી. આજે પણ દીકરી સામે એક નજર નાખીને એ ઘરની બહાર નીકળી ગઈ. દિયા પાસે બેસીને હસતી... વાતો કરતી ઇરાની નજર નીચી થઈ... એટલું જ...
  • ‘આન્ટી, એક વાત પૂછું ?’
  • ‘પૂછને બેટા...’
  • ‘આન્ટી, તમને મારા પપ્પા પર પૂરો વિશ્વાસ છે ને ?’
  • ‘હોય જ ને બેટા... કેમ આવું પૂછે છે ?’
  • ‘ના... ના... ખાસ કશું નહીં... મારી કદાચ ભૂલ પણ થતી હોય...’
  • ‘પણ વાત શું છે ?’ દિયાએ ાગ્રહ કર્યો...
  • ‘ના... ના... આન્ટી, જવા દો.. મારી જ કોઈ ગેરસમજ થતી હશે...’
  • ‘પણ વાત શું છે ? મને યે નહીં કહે ?’
  • ‘કેમ કહું ? આમ તો હું યે ન માની શકત... જ્યારે મારા મિત્ર નીલે મને કહ્યું ત્યારે હું તો તેની ઉપર એવી ગુસ્સે થઈ હતી... શું સમજે છે ઇરા મનમાં ? મારા પપ્પા કંઈ એવા થોડા છે ? તમારી સાથે તો મન મળી ગયું છે એ આકી અલગ વાત છે. પણ કંઈ બીજા કોઈ સાથે... ? અને આન્ટી ઘણીવાર નજરે જોયેલી વાત પણ ખોટી હોઈ શકે ને ? મેં ભલે પપ્પાને કોઈ બીજી સ્ત્રી સાથે એ રીતે નજરે જોયા હોય... પરંતુ એથી કંઈ એવો જ સંબંધ હોય એમ થોડું માની શકાય ? હશે... જે હોય તે જવા દો...’
  • દિયાના હૃદયના ધબકારા વધી ગયા.. એક અસુરક્ષાની ભાવના ફરી એકવાર...
  • તેણે ઇરાને હચમચાવી નાખી...
  • ‘કોની સાથે ક્યારે... ક્યાં જોયા હતા તેં તારા પપ્પાને ?’
  • ‘આન્ટી... પ્લીઝ જવા દો ને... હશે કોઈ આપણે શું ?’
  • મેં મારી મમ્મીને પણ આ વાત કરી તો એણે...
  • ‘શું કહ્યું આભાએ ?’
  • ‘અરે, મમ્મી તો ખરી છે... એને તો નવાઈ જ ન લાગી... એ કહે કે એમાં નવી વાત શું છે ? તારા પપ્પા જીવનમાં ક્યારેય કોઈ એકના થઈને રહી શક્યા છે ખરા ? દિયા કંઈ એમના જીવનમાં પહેલી કે આખરી
  • સ્ત્રી થોડી છે ? એવી તો કેટલીયે આવી ને ગઈ... હું તો તમાશો વરસોથી જોતી આવી છું... એટલે તો મેં ક્યારેય દિયા સાથે ઝગડો કર્યો છે ? મને ખબર છે કે એકાદ વરસમાં એનો આ મોહ પણ પૂરો થઈ જશે ને ફરી પાછી નવી ઘોડી નવો દાવ... પૈસો અને ભટકવાની... બીજી ઇનીંગ રમવાની પુરુષની આ ઉંમર... તેની ભ્રમર વૃત્તિ... જે પુરુષ પત્નીનો નથી થયો એ બીજાનો શું થવાનો ?’
  • બાપ રે... આન્ટી, મમ્મી તો કેવું કેવું બોલતી હતી ? જવા દો... આન્ટી, આજે આપણે પિક્ચર જોવા જશું ? આજે હું પણ વાંચીને થોડી કંટાળી છું. પપ્પા તો આજે એક દિવસ માટે બગારગામ ગયા છે... ચાલો... આપણે જશું ?
  • ઇરા, પ્લીઝ મને પૂરી વાત કર... પપ્પાને તેં કોની સાથે જોયા હતા ? એ તો તેં કહ્યું જ નહીં... દિયાની ભીતરમાં ખળભળાટ...
  • હું પણ એને ક્યાં ઓળખું છું ? પણ નીલા કહે છે તેણે તો પપ્પાને અવારનવાર આ સ્ત્રી સાથે જોયા છે ?
  • તું મને બતાવી શકીશ બંનેને સાથે ?
  • પ્રયત્ન કરીશ. જો ફરીથી એમને હું એ રીતે સાથે જોઈશ તો તમને ફોન કરીને બોલાવીશ... બસ... પણ આન્ટી, એક પ્રોમીસ આપો કે તમે કોઈ તમાશો નહીં કરો... હું નથી ઇચ્છતી કે મારા પપ્પાની આબરૂનો એમ
  • જાહેરમાં ધજાગરો થાય... એમાં મારું ભવિષ્ય પણ ડહોળાય... મને પ્રોમીસ આપો તો જ હું... આ તો મને મતારે માટે લાગણી છે તેથી જ... છેલ્લા થોડા સમયથી હું તમારી નજીક આવી શકી છું... તમને સાચી રીતે ઓળખી શકી છું તેથી જ...
  • અને આન્ટી, મારી મમ્મીને તો ઠીક છે... એટલીસ્ટ ઘર તો છે... એને એમાંથી કોઈ કાઢી શકે તેમ નથી. તમારે તો આન્ટી...
  • કહેતા ઇરાનો સ્વર ગળગળો થઈ ગયો. તેણે દિયાને આશ્વાસન આપતા તેનો હાથ દાબ્યો. દિયાની ભીતરમાં વિચારોનું વાવાઝોડું ફુંકાતું રહ્યું.
  • બે દિવસ સુધી દિયા મનમાં ધૂંધવાતી રહી. અચાનક એ સાંજે ઇરાનો ફોન આવ્યો... આન્ટી, સરનામુ આપું છું... તમે એ જગ્યાએ પહોંચી જાવ... પણ તમને જે જોવા મળે એ પ્લીઝ મનમાં જ રાખજો હોં... નો હંગામા... તમે મને પ્રોમીસ આપ્યું છે. તમારે જે નિર્ણય લેવો હોય તે પછી લઈ શકો છો... ઇરાએ બતાવેલ સરનામે દિયા પહોંચી ત્યારે...
  • બગીચાના એક ખૂણામાં નિશીથને ગળે વળગીને એક યુવાન સ્ત્રી બેઠી હતી. નિશીથનો હાથ યુવતીના માથા પર ફરી રહ્યો હતો. દિયાએ થોડે દૂર ઊભા રહીને જોયા કર્યું. તેની આંખોમાં કેસૂડાનો રંગ ઉતરી આવ્યો. એકાદ ક્ષણ તો થયું કે દોડીને નિશીથ પાસે પહોંચી જાઉં... તને હચમચાવીને તેની પાસેથી જવાબ માગુ... પરંતુ...
  • એક નિશ્વાસ નાખી તે ત્યાંથી ચાલતી થઈ. મનમાં ઇરાના શબ્દો પડઘાઈ રહ્યા... જે પત્નીનો નથી થયો તે બીજા કોઈનો હંમેશ માટે થઈ જ ન શકે... રાત આખી મનમાં વિચારોની આવનજાવન... ફફડાટ... અનેક અનુત્તર પ્રશ્નો.
  • બીજે દિવસે તે ઘેર જ રહી... ક્યાંય જવાનું મન ન થયું... ત્યાં ઇરા આવી...
  • આન્ટી...
  • ઇરા આગળ બોલે તે પહેલાં જ દિયા જાણે ઠલવાઈ ગઈ.
  • ઇરા,... મને થાય ચે કે નિશીથને એક લાફો મારીને તેની પાસેથી ખુલાસો માગું... પણ ગઈ કાલે આખી રાત શાંતિથી વિચાર કરતા મને લાગ્યું કે મને પણ એવો કોઈ હક્ક ક્યાં છે ? મેં પણ આમ જુઓ તો તારી મમ્મીનો હક્ક છિનવી લીધો હતો એવું જ કહેવાય ને ?
  • ના... ના... આન્ટી... તમારો કોઈ વાંક નથી... તમે ન મળ્યા હોત તો બીજું કોઈ હોત...
  • ઇરા,...મને સમજાતું નથી કે હવે... બોલતા બોલતા દિયાનું ગળુ ભરાઈ આવ્યું.
  • આન્ટી, એક વાત કહું ? દિયાએ ઇરા સામે જોયું. આન્ટી, તમારે માટે એક સરસ નોકરીની ઓફર છે. જો તમને બહારગામ જવાની ઇચ્છા હોય તો... ઇરા, ખરેખર ? આમ પણ મને હવે આ જગ્યાથી નફરત થઈ ગઈ છે. જો ખરેખર બહાર જઈ શકાય એવું હોય તો...
  • આન્ટી, મારા એક મિત્રની સંસ્થા છે. છોકરીઓ માટેની... તેમાં સારા પગારથી મેનેજર તરીકે તમને નોકરી અને સાથે રહેવા માટેની સગવડ પણ મળી શકશે. એના... દિયા આગળ બોલી ન શકી. અને બે દિવસમાં જ દિયા નીલના એક મિત્રની સંસ્થામાં જવા નીકળી ગઈ... દિયાએ એક હાશકારો... નિશીથ તો દિયાની રાહ જોતો જ રહી ગયો હતો. તેને કશું સમજાતું નહોતું. દિયા આમ અચાનક કશું કહ્યા સિવાય ક્યાં કેમ ચાલી ગઈ ?
  • જોકે એનો જવાબ પણ ઇરાએ જ તેને આપ્યો. પપ્પા... દિયા આન્ટી માટે મને પણ કેવી માયા બંધાઈ હતી. પરંતુ મારું યે ન માન્યા. વધારે સારા પગારની નોકરી મળી ગઈ તેથી જતા રહ્યા. ઉલટું જતા જતા મને સંભળાવતા ગયા કે જે માણસ પોતાની પત્નીનો ન થઈ શક્યો તે મારો
  • શું થવાનો હતો ? આ તો મારી એક ભૂલ હતી... દિયાએ તને એવું કહ્યું ?
  • હા... પપ્પા... હવે ? ઇરાએ રડસમ અવાજે કહ્યું, મને પણ તેની કેટલી માયા બંધાઈ હતી... પણ તે સાવ આવા સ્વાર્થી નીકળશે એવી તો કલ્પના પણ...
  • હવે શું ? હું કંઈ દિયા વિના નહીં રહી શકું એમ ? જરૂર એને હતી... મારે તો ઘરબાર, બૈરી, છોકરા બધા છે.
  • પુરુષના અહમે ફૂંફાડો માર્યો.
  • ‘મમ્મી, બોલ હવે તારે શી ઇચ્છા છે ?’
  • બધી વાત મમ્મીને કહેતા ઇરા હસી પડી.
  • તું યે ખરી છે... મને પણ સાવ અંધારામાં રાખી... હું તો ન જાણે શું યે વિચારતી હતી ?...
  • બસ ને દીકરી ઉપર પણ આવો જ વિશ્વાસ ને ? તારી દીકરીને ન ઓળખી શકી ?
  • પણ એ તો કહે પેલી છોકરી કોણ હતી ?
  • મારી સાથે ભણતા નીલના ફૈબા હતા... નાટકમાં કામ કરે છે... એ બધું કેમ ગોઠવાયું એની વાત કરતા કરતા ઇરા હસી રહી...
  • પણ મમ્મી, તું પપ્પાને માફ કરી શકીશ ? પપ્પાની જગ્યાએ તેં આવું કશું કર્યું હોત તો પપ્પા તને ક્યારેય માફ ન જ કરત... એની મને ખાત્રી છે.
  • એ પુરુષ છે ને ?
  • મારી પાસે માફ કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ક્યાં છે ?
  • રસ્તા ઘણાં છે... મમ્મી... અને બની શકે આવતી કાલે દિયાની જગ્યાએ કોઈ બીજી નવી દિયા આવે... અને ત્યારે... ? મમ્મી, સદીઓથી
  • સ્ત્રી એક કે બીજા કારણસર પુરુષને માફ કરતી આવી છે... મજબૂરીથી સંસ્કારથી... સંતાનને લીધે કે કોઈ અન્ય કારણથી સ્ત્રીએ માફ કર્યા સિવાય બીજું કશું નથી કર્યું. પુરુષ કરે એ એક ભૂલ માત્ર... અને સ્ત્રી કરે તો મોટું પાપ... શા માટે મમ્મી શા માટે ? મને પપ્પા માટે લાગણી છે છતાં હું ન્યાયના પક્ષે છું. પુરુષને પણ એના કર્મની સજા હવે મળવી જ જોઈએ... તો જ ક્યારેક એની આંખ ઉઘડશે... નહીંતર આ સિલસિલો ચાલુ જ રહેવાનો... મમ્મી હવે બસ... બહું થયું. અને તારે ઘર છોડવું એ પણ જરૂરી નથી. આ ઘર માટે તેં તારા લોહી પાણી એક કર્યા છે. તારી જિંદગી ખર્ચી છે... એ છોડવા માટે તને કોઈ મજબૂર ન કરી શકે... કોઈ નહીં. તું પપ્પાને છોડી શકે છે... ઘરને છોડવું કે નહીં એ તારો અને માત્ર તારો નિર્ણય હશે.
  • બેટા, તું ઉંમરલાયક થઈ છે. કાલે સવારે તારા લગન આડે આ વાત... મમ્મી, મને સમજી ન શકે એવા કોઈ છોકરા સાથે હું જ પરણું નહીં. અને તું જ નથી કહેતી ? દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને જ આવે છે. તો મારે યે નસીબ જેવું કંઈક તો હશે ને ?
  • ઇરાએ હસતા હસતા જવાબ આપ્યો.
  • બેટા, પણ હું ક્યાં જાઉં ? આ ઉંમરે શું કરું ?
  • મમ્મી, એ બધી ચિંતા તું મારી ઉપર છોડી દે... તું મારી જવાબદારી છે. એક દિવસ હું તારી જવાબદારી હતી... આજે તેં મને એટલી લાયક બનાવી જ છે કે હું તારી જવાબદારી ઉપાડી શકું... અરે, મન હોય તો માળવે જવાય... એવું નામપણમાં તેં જ શીખવાડ્યું હતું ને ? અનેક રસ્તા આપણી રાહ જુએ છે... બસ ચાલવાની આપણી તૈયારી હોવી જોઈએ... બોલ છે તૈયારી ? આ ઘરમાં રહીને કે બહાર નીકળીને... પણ પુરુષને એના કર્મની સજા તો મળવી જ રહી. એમ હાથ ખંખેરીને એ છૂટી ન શકે... શું કરવું... કયો રસ્તો લેવો એ આપણે સાથે મળીને વિચારીશું...
  • એક સ્ત્રીનો હાથ લંબાયો... એ લંબાયેલ હાથમાં બીજી સ્ત્રીનો હાથ મૂકાયો... પૂરી મક્કમતાથી...
  • પૂર્વાકાશે બાલરવિ ડોકિયું કરી રહ્યો હતો...
  • પરિચય...
  • નીલમ દોશી.. (હાલમાં ઓરીસ્સા)
  • પ્રકાશિત પુસ્તકો
  • કુલ દસ પુસ્તકો... ગુર્જર પ્રકાશન, અમદાવાદ.
  • નિયમિત કોલમ :
  • ૧.સંદેશ (વાત એક નાનકડી...)
  • ૨.સ્ત્રી... જીવનની ખાટી મીઠી અને સંબંધસેતુ...
  • ૩.ગુજરાત ગાર્ડિયન... અત્તરક્યારી (દર રવિવાર)
  • ૪.ગુજરાત ગાર્ડિયન... પત્રસેતુ (દર મંગળવાર)
  • ૫.જનસત્તા... ચપટી ઉજાસ, દીકરો વહાલનું આસમાન
  • ૬.ગુજરાત ગ્લોબલ ન્યુઝ... વેબ પોર્ટલ “અત્તરગલી”
  • ઍવોર્ડ :
  • ૧.ગમતાનો ગુલાલ... ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક ઍવોર્ડ વર્ષ ૨૦૦૭
  • ૨.જન્મદિવસની ઉજવણી... ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક ઍવોર્ડ વર્ષ ૨૦૦૯
  • ૩.અંતિમ પ્રકરણ... વાર્તા સંગ્રહ... ગુજરાતી સાહિત્ય
  • પરિષદ શ્રેષ્ઠ પુસ્તક ઍવોર્ડ વર્ષ ૨૦૧૦ વાર્તાઓ, ...ચિત્રલેખા, અભિયાન, નવીન સમર્પણ, શબ્દસૃષ્ટિ, પરબ,
  • અખંડ આનંદ, ઉદ્દેશ, છાલક, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરેમાં અવારનવાર પ્રકાશિત થતી રહે છે.
  • હપ્તાવાર પ્રકાશિકત થયેલી નવલકથાઓ :
  • ૧. દોસ્ત, મને માફ કરી ને ? (દિવ્ય ભાસ્કર ગોલ્ડ અને જનસત્તામાં)
  • ૨. ખંડિત મૂર્તિ... (દિવ્ય ભાસ્કર ગોલ્ડ)
  • ગુજરાતી બ્લોગ... પરમ ઉજાસના સાડા ત્રણ લાખ જેટલા વાચકો...
  • રંંઃ//ટ્ઠટ્ઠિદ્બેદ્ઘટ્ઠજર્.ુઙ્ઘિિીજજ.ર્ષ્ઠદ્બ
  • ીદ્બટ્ઠૈઙ્મ : હૈઙ્મટ્ઠદ્બરર્ઙ્ઘજરૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
  • ઁર્રહી : ૦૯૫૫૬૧ ૪૬૫૩૫
  • અમેઝોન સાઈટ પર મારા વીસ પુસ્તકો ઈ બુક તરીકે અને હાર્ડ કોપી તરીકે પ્રકાશિત છે.
  • ઝ્રટ્ઠહ હ્વી જીીહર્ હ : ુુુ.ટ્ઠદ્બટ્ઠર્ડહ.ર્ષ્ઠદ્બ ... ર્હ્વર જીષ્ઠર્ૈંહ
  • ન્ૈજંર્ ક ર્મ્રજ :
  • ૧.દીકરી મારી દોસ્ત (ગુર્જર પ્રકાશન, ચાર વરસમાં પાંચ આવૃત્તિ.. અંગ્રેજી અને હિંદીમાં અનુવાદ થઈ ગયા છે. મરાઠી અને સંસ્કૃતમાં થઈ રહ્યા છે.)
  • ૨.અંતિમ પ્રકરણ... ગુજરાતી સાહિત્ય પરિષદ ઍવોર્ડ
  • ૩.ગમતાનો ગુલાલ... ગુજરાત સાહિત્ય અકાદમી ઍવોર્ડ
  • ૪.જન્મદિવસની ઉજવણી... ગુજરાત સાહિત્ય ઍવોર્ડ
  • ૫.સાસુ વહુ ડોટ કોમ...
  • ૬.દીકરો વહાલનું આસમાન...
  • ૭.આઈ એમ સ્યોર...
  • ૮.પાનેતર...
  • ૯.અત્તરગલી
  • ૧૦.દોસ્ત, મને માફ કરીશ ને ?