Jivan dharm in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન ધર્મ

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

જીવન ધર્મ

જીવન ધર્મ

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૧૫ભીડથી ધર્મ ના ફેલાય

એક વખત ભગવાન બુધ્ધની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમય થયો એટલે મહાત્મા બુધ્ધ આવ્યા અને કંઈ જ બોલ્યા વગર જતા રહ્યા. ત્યાં એકસો પચાસ જેટલા શ્રોતાઓ આવ્યા હતા. એ પણ તરત જતા રહ્યા.

બીજા દિવસે પણ બુધ્ધ આવ્યા અને પ્રવચન આપ્યા વગર નીકળી ગયા. ત્યારે સો જેટલા શ્રોતાઓ પ્રવચન સાંભળવા આવ્યા હતા. પણ બુધ્ધને સવાલ કરવાનું કોઈને યોગ્ય ના લાગ્યું.

ત્રીજા દિવસે સાઈઠ લોકો હતા. ચોથા દિવસે એમાંથી પણ ઓછા થઈ ગયા. દરરોજ શ્રોતાઓ ઘટતા જતા હતા. કોઈ કારણ વગર ભગવાન બુધ્ધ આવું ન કરે એ વાત પણ લોકો સમજતા હતા. એટલે તેમને કોઈ કારણ પૂછતું ન હતું. અને બુધ્ધ પ્રવચન આપવાનું શરૂ કરે એની દરરોજ રાહ જોતા રહ્યા.

પાંચમા દિવસે ભગવાન બુધ્ધ પધાર્યા ત્યારે તેમણે જોયું કે ચૌદ જેટલા શ્રોતાઓ બેઠા છે. આજે તેમણે પ્રવચન શરૂ કર્યું. અને તેમની સાથે શ્રોતાઓ પણ જોડાયા. એક શ્રોતાથી ના રહેવાયું. તેણે ભગવાન બુધ્ધને પૂછી જ નાખ્યું: ''ભગવાન, પહેલા ચાર દિવસ સુધી આપ કંઈ જ બોલ્યા નહિ. તેનું કારણ શું હતું?''

બુધ્ધ બોલ્યાઃ ''મને ભીડ જોઈતી ન હતી. કામ કરનારા જોઈતા હતા. અહીં એ જ ટકી શકે જેનામાં ધીરજ હોય. જેનામાં ધીરજ હતી એ રહી ગયા. ફકત ભીડ વધારે હોવાથી ધર્મ ફેલાતો નથી. સમજનારા હોવા જોઈએ. તમાશા જોનારા તો આમ-તેમ જોઈને ચાલતી પકડે છે. સમજનારા ધીરજ રાખે છે. ઘણા લોકોને દુનિયાનો તમાશો સારો લાગે છે. સમજનારા કદાચ એક હજારમાં એક જ હોય છે.'' ભગવાન બુધ્ધનો આ જવાબ સાંભળી તેમણે ચાર દિવસ સુધી પ્રવચન કેમ ના આપ્યું એ શ્રોતાઓને સમજાઈ ગયું. અને ધર્મ માટેની સમજ પણ મળી.

***
કોઈ ધરમ નથી કોઈ કરમ નથી કોઈ જ્ઞાન નથી કોઈ અજ્ઞાન નથી,

તું બુધ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.

- શયદા

*
ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી થતી નથી પરંતુ અંદરની દુનિયાને જાણવાથી થાય છે.

*

તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો છો તે ધર્મગ્રંથ છે.

***

સૌથી ઉત્તમ સમય કયો?

રાજા સુષેણના મનમાં કેટલાક સવાલ હતા. એ તેમને બહુ મૂંઝવતા હતા. તેમને ખબર પડી કે નગર બહાર એક મોટા મહાત્મા છે. એટલે પોતાના સવાલના ઉત્તર મેળવવા એ સામાન્ય માણસની જેમ એ મહાત્મા પાસે પહોંચ્યા.

નગરથી દૂર એમની નાની ઝૂંપડી હતી. રાજાએ તેમને પ્રણામ કરી કહ્યું:''મહારાજ, મને કેટલાક પ્રશ્નના ઉત્તર મળી શકશે?'' મહાત્મા બોલ્યાઃ''રાજન, અત્યારે મારી પાસે સમય નથી. મારે મારે બગીચો બનાવવાનો છે.'' રાજા તરત જ તેમની સાથે બગીચો બનાવવાના કામમાં મદદ માટે જોડાઈ ગયા.

થોડી વારમાં એક માણસ આવ્યો. અને ઘાયલ હોવાથી બેભાન થઈને પડી ગયો. મહાત્માએ તેના ઘાવ પર ઔષધિ લગાવી. રાજાએ પણ તેની સારવાર કરી. એ માણસ જયારે ભાનમાં આવ્યો ત્યારે પોતાની સેવામાં બેઠેલા રાજાને જોઈ ચોંકી ગયો.

એ માણસે રાજાની માફી માગી. એટલે રાજાએ કારણ પૂછયું.

એ માણસ કહેઃ'' સાચું કહું ? હું આપને મારવાના ઈરાદાથી નીકળ્યો હતો. પરંતુ તમારા સૈનિકોને શંકા પડી. અને મારા પર હુમલો કર્યો. હું જેમ તેમ ભાગીને જીવ બચાવવા મહાત્માની ઝૂંપડી જોઈને અહીં આવ્યો હતો.'' માણસની વાત સાંભળી મહાત્માના કહેવાથી રાજાએ એને માફ કરી દીધો.

રાજાએ પછી મહાત્મા પાસે સમય હતો ત્યારે કહ્યું:''મહારાજ, મારા ત્રણ પ્રશ્ન છે. સૌથી ઉત્તમ સમય કયો છે, સૌથી શ્રેષ્ઠ કામ કયું છે અને સૌથી સારો વ્યક્તિ કોણ છે?'' મહાત્મા કહેઃ''રાજન, આમ તો આ ત્રણેય સવાલોના જવાબ તો તમે મેળવી લીધા છે. છતાં પણ સાંભળો. સૌથી ઉત્તમ સમય વર્તમાન છે. આજે તમે વર્તમાન સમયનો યોગ્ય ઉપયોગ કરીને મને મદદ કરી. અને પાછા જવાનું ટાળ્યું. તેથી લાભ એ થયો કે તમે બચી ગયા. નહિતર એ માણસ તમારો જીવ લઈ શકયો હોત. જે સામે આવે તે જ શ્રેષ્ઠ કામ છે. આજે તમારી સામે બગીચાનું કામ આવ્યું અને તમે સ્વેચ્છાએ કામે લાગી ગયા. અને આ કર્મએ જ તમને બચાવ્યા છે. અને શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે સામે હોય. એ માણસ માટે તમારા દિલમાં સદભાવ લાવી તમે એની સેવા કરી તેથી તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. અને તમારા પ્રત્યેનો એનો વેરભાવ મટી ગયો. આમ તમારી સામે આવેલ વ્યક્તિ, શાસ્ત્રને અનુકૂળ કાર્ય અને વર્તમાન સમય શ્રેષ્ઠ છે.'' જીવનનું આ રહસ્ય સ્વાનુભાવથી જાણી રાજા મહાત્મા સામે નતમસ્તક થઈ ગયા.

*
મને વર્તમાનમાં લિજ્જત છે, ભાવિની નથી ચિંતા,

'મરીઝ' એ કારણે આખું મારું જીવન ખયાલી છે.

- મરીઝ

*
ભવિષ્યની ચિંતા ન કરો. હંમેશા વર્તમાન પર જ પૂરું ધ્યાન લગાવો. જો વર્તમાનને સંભાળી લઈએ તો ભવિષ્ય પોતાની મેળે જ સુધરી જશે.

***

વિવેકની શક્તિ

એક દિવસ મહાન દાર્શનિક સુકરાત પોતાના શિષ્યો સાથે બેઠા હતા. તેઓ કોઈ ગંભીર વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે એક જયોતિષ ત્યાં આવી પહોંચ્યા. તેઓ ચહેરો જોઈને માણસનું ભવિષ્ય બતાવતા હતા. તેમને સુકરાતની ઈર્ષા પણ આવતી હતી. આ તક તેમણે ઝડપી લીધી. તેમણે સુકરાતના ચહેરા તરફ ધ્યાનથી જોયું અને શિષ્યો તરફ જોઈને બોલ્યાઃ''તમે લોકોએ એવા માણસને ગુરૂ બનાવ્યો છે અને સન્માન આપો છો જેનું ચરિત્ર ગંદું છે. તેના નાકની બનાવટ કહે છે કે તે ક્રોધી છે....'' જયોતિષ આગળ વધુ કંઈ બોલે એ પહેલાં સુકરાતના શિષ્યો તેને મારવા દોડયા. પોતાના ગુરૂ વિશે કોઇ એલફેલ બોલે એ તેઓ સહન કરી શકે એમ ન હતા. પણ સુકરાતે તેમને અટકાવ્યા અને કહ્યું :"તેઓ વિદ્વાન છે તેમને બોલવા દો.'' જયોતિષે મોટા અવાજે કહ્યું:'' માફ કરજો, હું સત્યને છુપાવીને સત્યનું અપમાન કરવા માગતો નથી. આ માણસના માથાની બનાવટ જોઈને જ લાગે છે કે તે લાલચુ છે. અને દાઢી બતાવે છે કે તે ગાંડો છે. તેના હોઠ પરથી લાગે છે કે તે દેશદ્રોહી નીકળશે...'' જયોતિષની વાત સાંભળી સુકરાતે ખુશ થઈને તેમને ભેટ આપી વિદાય કર્યા.

એક શિષ્યએ નવાઈથી પૂછયું:''ગુરૂજી, એ માણસ સતત બકવાસ કરતો રહ્યો અને આપે તેને કંઈ કહેવાને બદલે ઈનામ આપી આદર સાથે વિદાય કર્યો. મારી સમજમાં તો કંઈ આવતું નથી.'' સુકરાત બોલ્યાઃ''એ માણસે કોઈ બકવાસ કર્યો નથી. તેણે સાચું કહ્યું છે. અને સત્યથી મોં ફેરવવું યોગ્ય નથી.'
આ સાંભળી બધા જ શિષ્યો હેરાનીથી તેમની તરફ જોવા લાગ્યા. એક શિષ્યએ પૂછી લીધું:''તો શું આપ એમ કહેવા માગો છો કે એ જયોતિષ સાચો હતો? તેણે જેવું કહ્યું એવા જ તમે છો?'' સુકરાત બોલ્યાઃ''હા, તેણે જે કહ્યું એ સાચું છે. મારામાં અનેક અવગુણ છે. પરંતુ ક્રોધના આવેશમાં તેનાથી એક વાતે ચૂક થઈ ગઈ.

''કઈ વાતે?'' બધા જ શિષ્યો એક સાથે પૂછી બેઠા.

સુકરાત કહેઃ''તેણે મારા વિવેક પર ધ્યાન આપ્યું નહીં. જેની શક્તિથી હું મારા બધા અવગુણોને કેદ કરીને રાખું છું. મનરૂપી હાથીને વિવેક વડે અંકુશમાં રાખી શકાય છે.'' સુકરાતની વાત સાંભળી તેમના આ ગુણ માટે શિષ્યો તેમને વંદન કરવા લાગ્યા.

*
ઉપાલંભો ઘણા ફરિયાદમાં છે,

વિવેકી જીભ આ, મરજાદમાં છે.

-ગની દહીંવાળા

*
પોતાના વિવેકને પોતાનો શિક્ષક બનાવી લો. કર્મને વચનને અનુરૂપ અને વચનને કર્મને અનુરૂપ કરી લો.

*****